ભક્તિનિધિ – કડવું ૦૪

રાગ:- ધન્યાસરી

વિઘને ભર્યાં સુખ સારૂં સાધનજી, કરતાં મુઝાય છે શુદ્ધ સંતનાં મનજી ।

તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી ।।૧।।

રાગ :- ઢાળ

જપતાં જાપ બાપ આપણે, પ્રહ્લાદજીને પીડા કરી ।

સત્ય રાખતાં હરિશ્ચંદ્ર શિબિ, નળ મુદગલ ન બેઠા ઠરી ।।૩।।

વ્રત રાખતાં અંબરીષ પીડ્યો, દાન દેતાં પીડાણો નર ઘોષ ।

પુણ્ય કરતાં પાંડવ પાંચાલી, આવ્યા દુર્વાસા દેવા દોષ ।।૫।।

એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઇ ।

વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહિ કહું કોઇ ।।૭।।

વિઘન બહુ વિધવિધનાં, ભર્યાં ભવમાંહિ ભરપૂર ।

પરલોક ન દિયે પામવા, જન જાણી લેજો જરૂર ।।૯।।

વિવેચન

જે સાધનના ફળમાં વિઘન ભર્યા હોય, માયિક-નાશવંત હોય, ફજેતીએ ભર્યા હોય એવા સાધન કરતા પવિત્ર ઇરાદાવાળા સંતપુરૂષોના મન મુંજાય છે. અટકે છે. જેનો બોદો ઈરાદો હોય અને અંતરની નબળી દાનત હોય તે ઉત્તરકાલીન નબળા ફળનો કે દુઃખનો વિચાર કરી શક્તા નથી. અને તેનું ભાવિ વિચારી શક્તા નથી. કે દેખી શક્તા નથી. તેનું ધ્યાન ગમે તેવું પણ તત્કાળ ફળ મળી જાય તેની ઉપર હોય છે. અત્યારે મોજ કરી લો પછી જે થવું હોય તે થાય

એવી ચાર્વાક દૃષ્ટિ વાળા તે હોય છે. માયિક ફળ ઉપર દેવતાથી માંડીને ક્ષુદ્ર જીવો સુધી તમામની ગીધ દૃષ્ટિ ઠેરાણી હોય છે ને મેળવી લેવા ઝડપુ પારતા હોય છે ને પોતાને ન મળે ને બીજાને મળતુ હોય તો તેને રોકવા કે પોતે પડાવી લેવા માટે કમર કસીને તૈયારી કરી લીધી હોય છે માટે તેમા વિઘન ઘણા આવે છે. આ વાતમાં દેવતા, અસુરો, માણસો બધા જ સરખા હોય છે. કોઈ ઊંચો નીચેો નથી. સ્વામી બતાવે છે કે “જાપ જપતા બાપ આપણે પ્રહલાદને પીડા કરી.” ભોગવાદી વૃત્તિમાં કોઈ કોઈનો દિકરો નથી કે કોઈ કોઈનો બાપ નથી. દિકરાથી જે આ લોકના સુખ ખંડીત થતા હોય તો પછી તે દિકરો તે દિકરો રહેશે નહિ. વેરી થઈ જાય છે. હિરણ્યકશીપુને પ્રહલાદમાં પોતાના ભોગ પ્રત્યે ભયની શંકા જ હતી. પરંતુ પ્રહલાદને તેવી વૃત્તિ ન હતી. તે તો પરમ વિનયી ને પરમ ખાનદાન વૃત્તિનો હતો પણ આ લોકના સુખની ચિનગારી જેના હૃદયમાં લાગી તેનું અંતર બળ્યા વિના તેને બેસવા ન દે. ત્યારે સગાપુત્રને મારવા તૈયાર થયો ને પ્રહલાદને પીડાઓ ઊભી થઈ. તેમજ હરિશ્ચંદ્ર, શિબિ, નળ, મુદ્રલ વિગેરે રાજાઓ-મહાત્માઓને શાંતિથી બેસવા દીધા નથી. જે કે સત્ય કે ત૫ વિગેરે કરનારાની ઈચ્છાઓ પવિત્ર હતી પણ તેના તપમાં ફળ રૂપે જે મળવાનું હતું તેના ઉપર તમામ જીવોની દૃષ્ટિ હતી. તેથી તે મેળવવામાં પોતાની શક્તિ ભર આડો પાણો નાખવા તે ખાંગાં થઈ ગયા. ને આ લોકોને સારી પીડા પહોંચાડી એવા નાશવંત સુખ મેળવવામાં વિઘ્ન પડ્યા છે. તેઓ ખુબ હેરાન થયા છે. વ્રત કરતા અંબરિષને દુઃખ થયું, દાન આપતા ઘોષ રાજાને, પુણ્ય કરતા પાંડવો ને પીડા થઈ. શુકદેવજી, નહૂષ, બળી, દધિચિ, રંતિદેવ વિગેરેને દુઃખ થયા છે. એવી અનેક પ્રકારની આપતિઓ સિધ્ધાંતવાદી વ્યક્તિઓ ઉપર આવી છે તેનું કારણ નાશવંત-આ લોક સુખ માટે આવી છે. આબરૂ કિર્તી માટે કે સ્વર્ગાદિક સુખ માટે આવી છે તે પણ વ્રત વિગેરે કરનારાને કદાચ મનમાં ન હોય પણ આ લોકના ક્ષુદ્ર સુખમાં જેની દૃષ્ટિ ચોંટી છે તેઓ પેલાને ઠેકાણે ન બેસવા દે એવા સ્વભાવના હોય છે સમળી માંસનો લોચો મોઢામાં રાખી જતી હતી એટલે બીજી સમળીઓ તેને ચાંચું મારવા લાગી. માંસવાળી સમળી કાંઈ બીજી સમળીઓ સાથે ઝગડો કરવા ગઈ ન હતી. કે તેણે તેનું કાંઈ બગાડયુ ન હતું. તો પણ તમામ સમળી તેની પાછળ પડી ગઈ ને ખુબ મારીને ખોખરી કરી દીધી ને માંસનો લોચો ઓકાવી દીધો-મુકાવી દીધો આવી જ પ્રતિક્રીયાઓ પ્રાકૃત સારા ગણાતા હોય તેવા પણ માનવીઓમાં અને દેવતાઓમાં કે ઋષિઓમાં પણ (તેઓ પણ પ્રકૃતિની નબળાઈથી વંચિત નથી.) ઈતિહાસમાં જોવામાં આવે છે પ્રકૃતિના દોષોનું નિવારણ નથી કર્યું તો ત્યાં બધે જ આ પ્રતિક્રિયા થાય જ છે. સાધકો, ઋષિઓએ તે પરલોક પામવા કર્યું હતું પણ તે તે વ્યક્તિઓને પ્રકૃતિના અંશ એવા પાત્રોએ સુખ રહેવા નથી દીધું. તેઓ એવું વિચારે છે કે તે અમારો ભાગ જુંટવી જશે. જો કે મહેનત કરીને લઈ જવાની સંભાવના હોય છે ને પોતામાં મહેનત કે પુરૂષાર્થના અભાવે મળવાનો અભાવ હોય છે તો પણ માયાએ જેની ચેતના હરી લીધી છે તેને એવું કાંઈ માન્ય રહેતું નથી. બસ અમને ન મળે તો બીજા કોઈને ન મળવું જોઈએ. તો પણ મળવાની શક્યતા હોય તો અમારી શક્તિભર તેમાં વિઘ્ન નાખવા પુરૂષાર્થ કરે છે, તેને પરલોક જાતા પણ વિઘ્નો ઉભા કરે છે માટે સ્વામી બતાવે છે કે આ લોકના સુખ, આબરૂ, માન, મોટાઈનો માર્ગ મુકીને મહારાજની નિષ્કામ ભાવે સેવા ભક્તિ કરવી.