રાગ:- ધન્યાશ્રી
શ્રી પુરૂષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિ નેતિ કહી જેને ગાય નિગમજી ।
અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ થયા આજ સુગમજી ।।૧।।
રાગ :- ઢાળ
સુગમ થયા શ્રીહરિ, ધરી નર તનને નાથજી ।
જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી ।।૨।।
આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ ।
દયા દિલમાં આણી દયાળે, તેનાં શું હું કરું વખાણ ।।૩।।
લે’રી આવ્યા આજ લે’રમાં, અતિ મે’ર કરી મે’રબાન ।
અનેક જીવ આશ્રિતને, આપવા અભયદાન ।।૪।।
અઢળ ઢળ્યા અલબેલડો, કહું કસર ન રાખી કાંય ।
કૈક જીવ કૃતાર્થ કીધા, મહાઘોર કળિની માંય ।।૫।।
ભાગ્યશાળી બ્રહ્મમો’લનાં, કર્યાં આપે આવી અગણિત ।
નિર્દોષ કિધાં નરનારને, રખાવી રૂડી રીત ।।૬।।
નૌતમ શક્કો સંસારમાં, આવી નાથે ચલાવિયો નેક ।
જે સાંભળ્યો નો’તો શ્રવણે, તે વર્તાવ્યો સહુથી વિષેક ।।૭।।
પૂરણ પુરૂષોત્તમ પોતે, સરવેશ્વર સર્વના શ્યામ ।
જેની ઉપર જડે નહિ બીજો, તેહ કરે ધારે જેહ કામ ।।૮।।
પ્રબળ પ્રતાપી પધારતાં, સમઝવું શું શું ન થાય ? ।
સમર્થ સહુથી શ્રીહરિ, જે પૂરણકામ કે’વાય ।।૯।।
વિવેચન
નિષ્કુળાનંદ સ્વામી મોટે ભાગે વ્યાખ્યા નથી આપતા ક્યાંક આપતા હોય તો પણ વ્યાખ્યા આપવી તેનું પ્રયોજન નથી પરંતુ કેવા આશયથી કે હેતુ થી તેનો પ્રયોગ કરવામાં આવે તો તેનું કેવું ફળ-સંપુર્ણપણે અથવા બિલકુલ નહિ- આવે તે શાસ્ત્રને આધારે તથા પોતાના અતિગહન અનુભવને આધારે બતાવે છે તથા કેવા સંજોગોમાં તે સફળ થાય તે બતાવે છે. વૈરાગ્ય, ભક્તિ, ધીરજ, આશરો, કલ્યાણ, આજ્ઞા, પ્રેમલક્ષણા, સાધુ-અસાધુ વિગેરે વિષયોનું કેવા કેન્દ્રમાં-કેવા હેતુ-આશયથી કેવા સંજોગોમાં કેવું સારા-નરસુ ફળ થાય તેની પારાકાષ્ઠા બતાવી છે જેનું અતિલંઘન શાસ્ત્ર પણ ન કરે એવું બતાવ્યું છે. કદાચ વિષયને સમગ્રતાથી ક્યારેક ન પણ લીધો હોય પણ જે કહ્યું તે શુધ્ધ સોનાનું હોય છે. તેમાં કોઈ ફેરફાર ન કરી શકે. અતિ તીવ્ર વૈરાગ્ય અને મહારાજને વિષે અતિ અને અનન્ય ભાવથી ને ભાવને પ્રાધાન્ય રાખી તે બતાવવામાં આવ્યું હોય છે.
સદ્ગુરૂ નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્તિ નિધિ ગ્રંથ રચ્યો છે જેમાં ભક્તિને નિધિ બતાવી છે એક પ્રકારનો અખુટ ખજાનો બતાવ્યો છે ભક્તિ એટલે સ્વામીએ ગ્રંથમાં વર્ણવ્યા મુજબ ભગવાનની સેવા એ ખજાનો છે. ખાસ કરીને સેવા ભક્તિનો મહિમા આ ગ્રંથમાં ગવાયો છે. ભગવાનની, ભગવાનના સ્વરૂપની, ભગવાનના સાચા ભક્તોની સેવાનો અપાર મહિમા ગવાયો છે પરંતુ તે સેવા કેવી રીતે કરાય અને કેવા પ્રકારની ન કરાય તો તે નિધિરૂપ બની રહે તેનું લક્ષણિક વર્ણન સ્વામીએ આ ગ્રંથમાં કર્યું છે. ભક્તિનું વર્ણન શાસ્ત્રોમાં ખુબ કરવામાં આવ્યું છે તેનો મહિમા પણ અપાર ગાવામાં આવ્યો છે પણ કેવી રીતે કરવામાં આવે તો તે મહિમા ફળે અન્યથા શ્રીજી મહારાજ કહે છે કે ભક્તિ કરતા કરતા અનેક જીવો રસિક માર્ગે કરીને લફસી ગયા છે. ભૂંડું જાજાનું થયું છે સારૂં કોઈકનું જ થયું છે તેમાં ભક્તિનો વાંક નથી કરનારાનો વાંક છે. માટે કેવી રીતે સેવા કરવામાં આવે તો આત્યંતિક ફળને આપનારી નિધિ રૂપ બન્ને, તેની અનેક નાની નાની સચોટ બાબતો સાથે તેનું સુંદર નિરૂપણ સ્વામીએ ગ્રંથમાં કર્યું છે.
સ્વામી પોતાને ઈષ્ટ સેવા ભક્તિ કરવા માટે તેને અનુરૂપ ભગવાનનું સાકાર સ્વરૂપ ઈચ્છીને તેની પ્રાર્થના કરે છે. એવા દિન બંધુ ભગવાન મારા અંતરમાં વસીને સેવા કરતા દોષની પ્રવૃતિ ન થાય તેમ મારા દોષ દૂર કરજો અને સેવા ગ્રહણ કરવા આપની હજુર-સેવામાં રાખવા કૃપા કરજે.
ભક્તિના અનેક પ્રકાર છે પરંતુ તેમાં પ્રત્યક્ષ પરમાત્માની સેવા ભક્તિ મળી જાય તેને તુલ્ય કોઈ ભક્તિ ગણી ન શકાય એમ તમામ શાસ્ત્રો-વેદો કહે છે. પરોક્ષભાવે ભક્તિ કરવાથી મનમાની મોજ-અંતરની પૂર્ણ કામતા થતી નથી. એક કોઈ પરમાત્મા છે તેનું અનુસંધાન રાખીને-નિશ્ચિત નહિ ઠેરાવીને ભક્તિ કરવાથી અંતરથી અધૂરાઈ ખસતી નથી. એવું શાસ્ત્રો કહે છે એટલે શાસ્ત્રો પ્રગટ કે પ્રત્યક્ષ સ્વરૂપ પર વધારે ભાર આપે છે.
સદ્ગુરૂ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેને નિગમ નેતિ નેતિ કહી પોકારે છે જે બધાને અગમ છે એવા અગમ અગોચર પરમાત્મા પોતાના અનન્ય અને સેવાને માટે તલસતા વિરહી ભક્તોની સેવાની ચાહ પુરી કરવા મનુષ્ય જેવું સ્વરૂપ ધરીને સ્વામિનારાયણ સ્વરૂપે સુગમ થયા છે. પોતાના વિરહી ભક્તોની વિરહ વ્યથા શાંત કરવા અને અગણિત જીવોને સનાથ કરવા, અનંત જીવોને પોતાની સેવા આપીને કલ્યાણ કરવા, દયા કરીને પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પધાર્યા છે તેનું વર્ણન હું શું કરી શકું?
અનેક જીવોને અભયદાન આવવા માટે મહારાજને આજે હેર ચડી આવી છે અલૌકિક ઉત્સાહ આવ્યો છે. મહારાજ આ વખતે અકારણ ઢળ્યા છે અને જીવને કૃતાર્થ કર્યા છે. ઘોર કળિયુગની માય અનેક જીવોને બ્રહ્મ મહોલ પહોંચવાની યોગ્યતા અપાવી છે. એવા નિર્દોષ નરનારીઓને બનાવ્યા છે. અક્ષરધામથી ઉત્તમ રીત ભાત લાવ્યા છે. જેની તુલના કોઈ કરી શકે નહિ એવી ધાક બેસારી છે. આવી રીત ભાત ક્યારેય શ્રવણે સાંભળી નહોતી જેની ઉપર બીજો કોઈ નથી એવા શ્રીજી મહારાજ છે માટે ધણીનો કોઈ ઘણી નથી તે ધારે તે કરી શકે છે. એવા મહારાજ પધારતા શું શું ન થાય? સર્વ કોઈ શક્ય બની શકે છે. કેવળ પોતાની સેવા સામાન્ય જીવો કરી શકે માટે મહારાજ આવા સુગમ થયા છે એવી જેને ઓળખાણ થઈ જાય તેના ભાગ્ય ખુલી ગયા એમ જાણવું.