રાગ:- ધન્યાસરી
ભાગ્ય જાગ્યાં આજ જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં ના’વે કોઇ તેહને સમાનજી ।
જેહને મળિયા પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી ।।૧।।
રાગ :- ઢાળ
ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઇશ સરીખા સોઇ ।
તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઇ ।।૨।।
એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ ।
આગમ નિગમ ને અગોચર અતિ, તેનો કરી શકે કોણ થાપ ।।૩।।
થાપ ન થાયે એવા આગમે, વર્ણવિયા વારમવાર ।
તેહ પ્રભુને કેમ પામિએ, જેનો કોઇ ન પામિયા પાર ।।૪।।
તેહ હરિ નરતન ધરી, આપે આવે અવનિ મોઝાર ।
ત્યારે મળાય એ મૂર્તિને, જ્યારે નાથ થાય નર આકાર ।।૫।।
મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા, દેવા જીવોને અભયદાન ।
ત્યારે પળ પાકે સહુ પ્રાણધારીની, જ્યારે ભૂમિ આવે ભગવાન ।।૬।।
ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઉઘડે દ્વાર અપાર ।
થાય સેવકને સેવ્યા સરખા, જ્યારે પ્રગટે પ્રાણ આધાર ।।૭।।
ત્યારે સુગમ થાય છે સહુને, પ્રાણધારીને પરમાનંદ ।
ન હોય દરશ સ્પર્શનું દોયલું, સદા સોયલા હોય સુખકંદ ।।૮।।
સાકાર સુંદર મૂરતિ, જોઇ જન મગન મન થાય ।
પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય માનવું મનમાંય ।।૯।।
પણ મૂરતિ મૂકી મહારાજની, બીજું માગવું નહિ બાળક થઇ ।
નિષ્કુળાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના ઇચ્છવું નહિ ।।૧૦।।
વિવેચન
મહારાજ જેને મળ્યા છે તેના ભાગ્ય બીજાની સાથે સરખાવી ન શકાય. ત્રિલોકમાં તેના સમાન કોઈ ગણી ન શકાય. ભવબ્રહ્માદિ દેવતાઓ જેનું ધ્યાન ધરે છે અર્થાત્ ખાલી મનમાં યાદ કરીને જ પોતાને કૃતાર્થ માને છે. તે મહારાજ પોતે મૂર્તિમાન આજે સામાન્ય જીવોને સાક્ષાત્ મળ્યા છે માટે તેના ભાગ્ય કેમ વર્ણવી શકાય?
ભવ બ્રહ્માદિક જેમનું એકાગ્રતા પૂર્વક સદા ધ્યાન ધરે છે છતાં જેનો થાપ- માપ કાંઈ કરી શક્તા નથી. એવા અકળ પરમાત્મા છે વેદો પણ જેનું માપ કાઢી શક્તા નથી તો બીજા દેવતા આદિકની શી વાત કહેવી? તેનું માપ તેઓ કેમ કાઢી શકે? એવા મહારાજને પામવું તે ઘણુ દુર્લભ ગણાય. પરંતુ આજે તો માણસ જેવા થઈને પોતે જ સંકલ્પ કરીને પોતાની ઈચ્છાથી આવ્યા છે. માટે માણસને મળવું શક્ય અને સહેલું બન્યું છે મહારાજે જ જ્યારે સંકલ્પ કર્યો છે તેથી જીવોના ભાગ્ય ખુલી ગયા છે. સામાન્ય માણસને પણ તે મહારાજની સેવા પ્રાપ્ત થઈ શકે છે. જેના દર્શન પણ દેવતાઓને દુર્લભ છે એવા મહારાજની સેવા મનુષ્યને સહજ પ્રાપ્ત થઈ છે. વળી તમામ દેહધારીના મનને હરી લેનારૂ સ્વરૂપ ધારણ કરીને ભગવાન આવ્યા છે. ત્યારે મુમુક્ષુએ પરમ ભાગ્ય સમજીને મહારાજની સેવા કરવાની છે. બીજી તમામ ઈચ્છાઓને ટાળવી. જો સંસૃતિથી છૂટવું હોય અને પરમ સુખિયા થવું હોય તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે એમ કરવું.