ભક્તિનિધિ – કડવું ર૧

રાગ:- ધન્યાસરી

નથી અંધારૂં નાથને ઘેરજી, એપણ વિચારવું વારમવારજી ।

સમઝીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી ।।૧||

રાગ :- ઢાળ

અવળાઇ કાંઇ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ ।

અંતર ખોલી ખરૂં કરવું, પો’ત વિના ન તરે પાષાણ ।।૩।।

જેમ અન્ન અંબુ હોય એક ઘરે, બીજે જડે નહિ જગમાંઇ ।

એથી રાખિયે અણ મળતું, તો સુખ ન પામિયે ક્યાંઇ ।।૫।।

જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાય છે ? ।

અતિ અનુપમ અવસરમાં, મોટી ખોટને ખાય છે ।।૭।।

જેમ અજાણ નરને એક છે, પથ્થર પારસ એક પાડ ।

બાવના ચંદન બરોબરી, વળી જાણે છે બીજાં ઝાડ ।।૯।।

વિવેચન

ભગવાનને ઘેરે અંધારૂ. અન્યાય કે ગડબડ જરા પણ નથી એ જાણી રાખવું જોઈએ. જે વ્યક્તિ જેવું વર્તન કરે, કર્મ કરે તેનું ફળ તેને અને તેને જ મળવાનું હોય છે તેને કોઈ ફેરવી શકે નહિ. તેમાં ભગવાનને કોઈ ભોળવી કે ભૂલાવી શકે નહિ. ભગવાનનો અદલ ન્યાય છે. માટે સમજીને પરમાત્મા પાસે સરલ વરતવું તો કદાચ ગુન્હાને ભગવાન માફ પણ કરી દે એવા ઉદાર છે. જો તે મહેર કરે તો મહેર કરી શકે તેવા છે પણ છેતરાય શકે તેવા નથી. જે સેવક સેવા કરીને ગરજવાન રહે. ઉન્મતાઈ, ઉધ્ધતાઈ નો ત્યાગ કરે અને પરમાત્મા તથા તેના સાચા સંત પાસે નમ્રતા થી વર્તે તો ભગવાન જરૂર પોતાની મહેર કરે તેવા મહેરબાન છે. જીવે કરેલી અવળાઈથી ભગવાનને કાંઈ નુકશાન પહોંચી શક્તું નથી અવળાઈ કરવાનું તાત્પર્ય છે સામને નુકશાન પંહોચાડવાનો ઈરાદો. પણ જીવ ગમે તેટલી અવળાઈ કરે તો પણ ભગવાનનું શું બગાડી શકે? બગાડે તો પોતાના જીવનું જ બગડે છે મોટા સંતનું પણ કશુ જ બગાડી શક્તો નથી તો ભગવાનનું શું બગાડી શકે? તે જનક રાજાએ કહ્યું છે કે આ મિથિલા નગરી બળે છે તેમાં મારુ કાંઈ બળતું નથી. જે મારૂ છે તે બળે તેવું નથી અર્થાત્ તેને કોઈ બાળી શકે તેમ નથી અને બળે છે(બળે તેવું હોય) તે મારૂ નથી તેમ સાચા મોટા સંતનું પણ કોઈ જીવ નુકશાન કરી શક્તો નથી તેથી સ્વામી કહે છે કે અવળાઈ કોઈ અર્થે આવતી નથી. માટે શુધ્ધ અને સવળુ ભગવાનની તરફેણ થાય તેવું વર્તવું. અંતરની પ્રમાણિક્તાથી

મહારાજ અને તેના સાચા સંત-ભક્તની તરફેણ ખેંચવી પત્થરનું નાવ સમુદ્ર પાર ક્યારેય ન ઉતારે તે તો સમુદ્રમાં બુદ્ધડે. આ બધા તેવા છે. તેનો પક્ષ લઈને મરવું નહિ. માટે જે કામ જેનાથી થાય બીજા કોટિને હાથ જોડવાથી કે પગ ચાટવાથી કોઈ હાંસલ ન થાય માટે ભગવાન અને સંતને આગળ દિન-આધીન રહીએ તો જન્મોજનમની ખામી ભાંગી જાય છે, દૂર થઈ જાય છે. જેમ કોઈક એકને જ ઘેરે અન્ન અને જળ હોય તેની સાથે વેર રાખે તો પછી તે જીવી ન શકે તેમ સર્વે સુખ કહો કે જીવનું કલ્યાણ કહો તે મહારાજ પાસે અને સાચા સંત પાસેથી મળે છે. તે વિના ત્રિલોકીમાં ગમે ત્યાં જાઓ પણ તે મળવાનું નથી. એમ સમજાય તો આ જીવ ગરજવાન થઈ શકે પણ એવું નથી સમજાતું એટલે તેનો વિરોધ કરે છે. દ્રોહ પણ કરે છે. જેને ખપ નથી, જેને ગરજ નથી જે પ્રાપ્તિ શાસ્ત્રમાં જે અતિ દુર્લભ વર્ણવી છે એવી ભગવાન અને સંતની પ્રાપ્તિ પામીને પણ ખોટ્ય ખાય છે તે ક્યારેય સુખવાળા થતા નથી. અતિદુર્લભ પ્રાપ્તિ છે તે ભગવાને મોટી મહેર કરીને આપી છે. તેને ગરજ રહીત જીવો ઓળખી શક્તા નથી. જેને મળે છે તે પણ ગરજ વિના ઓળખાતી નથી. અજ્ઞાની મનુષ્યને તે પથ્થર અને પારસમણી સરખા દેખાય છે. બાવના ચંદન અને બીજા ઝાડ સરખા દેખાય છે તેમ ગરજ વિના મળેલ પૂર્ણ પુરૂષોત્તમની પ્રાપ્તિ અને તેના સાચા સંતની પ્રાપ્તિ પથ્થર તુલ્ય અને બાવળ તુલ્ય ગણી કાઢે છે. ખરેખર ભગવાનનું મળવું તો અતિ મોંઘુ છે તેને યથાર્થ દુર્લભતા સમજીને તેનો અપૂર્વ આનંદ માણી લેવો જોઈએ.