ભક્તિનિધિ – કડવું ર૦

રાગ:- ધન્યાસરી

પાષાણ મૂર્તિ પૂજે છે જનજી, તેપણ સમયે જોઇ કરે સેવનજી ।

સમય વિના સેવા ન કરે કોઇ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી ।।911

રાગ :- ઢાળ

પરોક્ષને પણ પ્રીતે કરી, સમો જોઇ પૂજે છે સેવક ।

ત્યારે પ્રભુ પ્રગટને પૂજતાં, જોઇયે વિધેવિધ વિવેક।।૩।।

સમે વસન સમે ભૂષણ, સમે સજાવવા શણગાર ।

સમો જોઇ પૂજા કરવી, સમે પે’રાવવા હાર ।।૫।।

સમે સામું જોઇ રહી, જોવી કર નયણની સાન ।

તત્પર થઇ તેમ કરવું, રે’વું સમા પર સાવધાન ।।૭।।

સમો જોઇ સેવકને, રે’વું હાથ જોડીને હજૂર ।

સમા વિનાની જે વારતા, તેથી દાસને રે’વું દૂર ।।૯II

વિવેચન

ભગવાનની અષ્ટ પ્રકારની મૂર્તિની પૂજા પણ સજીવન જાણીને સમય પ્રમાણે સેવન કરવું જોઈએ. એ પાષણ મૂર્તિ છે અથવા ચિત્રામણ મૂર્તિ છે એવો ભાવતો ક્યારેય સ્વપ્નમાં પણ ન આવવો જોઈએ. પ્રત્યક્ષ મહારાજનું સ્વરૂપ છે અને તેમની હું સેવા કરું છું એવી ભાવનાથી કરવી જોઈએ. ‘यथा देहे तथा देवे…’ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કરવી જોઈએ. જેમ આપણને લાગણીઓ, ઉર્મીઓ, પ્રસન્નતા અપ્રસન્નતાની ભાવનાઓ હોય છે એવી જ ભગવાનને વિશે ભાવના કરીને ભગવાનને પ્રસન્ન કરવાની ભાવનાથી મુર્તિનું સેવન કરવું જોઈએ. સમય વિના યોગ્ય સમય વિના સેવક ક્યારેય ઉત્તમ સામગ્રી લઈને પણ સેવા ન કરે. અને સમયે ક્યારેય ચુકે નહિ સમય વિનાની સેવાથી ભગવાન રાજી થતા નથી. એવું જાણીને સેવક દૂર રહે છે. કોઈને ભામે ચડી જતો નથી. અને સમય પ્રાપ્ત થયે પરમ પ્રીતિ પૂર્વક પ્રતિમા-દેવની પણ પૂજા કરે છે ત્યારે પ્રત્યક્ષ મહારાજ હોય અથવા પ્રત્યક્ષ ભગવાનના ભક્તની સેવામાં ઘણોજ વિવેક રાખીને સેવા કરવી ઘટે છે. માનવ દેહ ધારીને જેમ સમયે સમયે ખાવું-પીવું નાવું-ધોવું જરૂર પડે છે તેવી જ રીતે સમયે સમયે ઉત્તમ સામગ્રી અને ઉત્તમ ભાવના પૂર્વક મહારાજાધિરાજની અદામાં રહીને સેવા કરવાની હોય છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. યોગ્ય સમયે દાતણ, સ્નાન, ચંદન, વસ્ત્ર, આભૂષણ, પૂજા, હાર, ભોજન કરાવવું. સમયે ભગવાનને ઉત્તમ શય્યામાં સુવરાવવા, ચરણ ચંપી કરવી પરંતુ ભક્તને મનમાં ઉછાળો આવ્યો ને સેવા કરવા ઉમટી પડવું એવું ન કરવું. અત્યારે શું કરવું ઘટે છે તેનો પણ વિચાર વિવેક કરીને ભગવાનની સેવા કરવી. સમય ચૂકી પણ ન જાવું. પૂર્ણ પરિચર્યા કરીને સેવકે તત્પર મુદ્દામાં માલિકની પાસે હાજર રહેવું જેને સાચી સેવા કરવી છે તેણે અતિ સંકોચ-શરમ રાખીને અતિ દૂર ન રહેવું જો એવું કરે તો સમય ચુકી જવાય છે. અને અતિ સમિપ પણ ઠોરવાયને ન ઉભા રહેવું કે જેથી માલિકને સેવા લેવા કરતા આપણે જ અડચણ રૂપ થઈએ કે માથાનો દુઃખાવા રૂપ થઈએ. સેવકને ડાબે પડખે યોગ્ય અંતરથી સેવાની મુદ્દામાં હાજર રહેવું જોઈએ. માલિકના હાથનો ઈશારો તથા નેત્રનો ઈશારો સમજીને તેને શું જરૂર છે. તે સેવા ઉપાડી લેવી જોઈએ. તેમને શાબ્દિક રીતે આજ્ઞા કરવાની જરૂર ઊભી થવા દેવી ન જોઈએ. એને ઇંગીતજ્ઞ સેવક કહેવાય છે. તેના પર માલિક ઘણા રાજી થાય છે. સમયે નેત્રો ભરીને મહારાજના દર્શન કરવા અને પ્રશ્ન પણ યોગ્ય સમય જોઈને પૂછી લેવા અને તે પ્રમાણે કરવું પણ દેખાડવા ખાતર કે મન મનાવવા ખાતર હેરાન ન કરવા. સમો જોઈને સેવકને હાથ જોડીને એટલે કે સેવાની તત્પર મુદ્રામાં હાજર રહેવું. અને સમય વિનાની જે સેવા છે તે માલિકની હેરાન ગતિ છે એમ જાણી તેવી બાબતોથી સદા દૂર રહેવું. તેનો સંબંધ દૂર કરવો. ભગવાનને જે સમયે જે ગમ્યું તે આપણને ન ગમતું હોય કે આપણને યોગ્ય ન લાગતું હોય કે કાંઈ ખામી દેખાતી હોય તો પણ ભગવાનને ગમ્યું છે તો અતિ વિનય પૂર્વક તે સિધ્ધ કરી દેવું. પોતાનું ગમતું મરડીને કરવું પણ ગમતું કરવાનો આગ્રહ ન રાખવો. આગ્રહ છોડી દેવો.