ગી.અ-18, શ્લોક 67 to 78

શ્લોક ૬૭-૭૮

શ્રીગીતાજીનું માહાત્મ્ય

इदं ते नातपस्काय नाभक्ताय कदाचन।

न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति।।६७।।

અર્થ : આ મેં તને કહેલું જ્ઞાન જે તપ કરવામાં રૂચિવાળો ન હોય, તેમજ જે મારો ભક્ત ન હોય તેને ક્યારેય કહેવું નહિ, તેમજ જે આ જ્ઞાન સાંભળવા ન ઈચ્છતો હોય, અગર સેવાવૃત્તિ સિવાયનો હોય તેને પણ ન કહેવું અને જે મારા તરફ અભ્યસૂયા કરતો હોય તેને તો ક્યારેય નજ કહેવું. ।।૬૭।।

इदं ते नातपस्काय પૂર્વ શ્લોકમાં આવેલ ‘सर्वधर्मान्‌… આ સર્વ ગુહ્યતમ વચનને માટે અહીં ‘इदम्‌’ પદ આવ્યું છે.

પોતાના કર્તવ્યનું પાલન કરતાં સ્વાભાવિક જે કષ્ટ આવી જાય, વિપરીત પરિસ્થિતિ આવી જાય, તેને પ્રસન્નતાપૂર્વક સહેવાનું નામ ‘તપ’ છે. તપ વિના અંતઃકરણમાં પવિત્રતા આવતી નથી અને પવિત્રતા આવ્યા વિના સારી વાતો સારી લાગતી નથી કે ધારણ થઈ શકતી નથી. એટલા માટે ભગવાન કહે છે કે આ વાત તપ કરતાં પણ વધારે ભારે છે, માટે તપને ધારણ જો ન કરી શકતો હોય તો આ વાતને ધારણ નહિ કરી શકે, માટે તેને ન કહેવી. તેને આ સર્વ ગુહ્યતમ રહસ્ય ન કહેવું.

જે સહિષ્ણુ અર્થાત્‌સહનશીલ નથી. તે પણ અતપસ્વી છે. આથી તેને પણ આ સર્વ ગુહ્યતમ રહસ્ય નહિ કહેવું જોઈએ. આ સહિષ્ણુતા-સહનશીલતા ચાર પ્રકારની હોય છે.

(१) द्वन्द्व सहिष्णुता-હર્ષશોક, સુખ-દુઃખ, માન-અપમાન, રાગદ્વેષ, નિંદાસ્તુતિ ઈત્યાદિક દ્વન્દ્વોનું પાચન કરવાની શક્તિ હોવી અર્થાત્‌આ દ્વન્દ્વો આવવા છતાં અંતઃકરણમાં કોઈ વિકૃતિ ન આવવી તથા અંતઃકરણની સમતુલા જળવાય તે દ્વન્દ્વ સહિષ્ણુતા કહેવાય. द्वन्द्वैर्विमुक्ता सुखदु:ख संज्ञै:(૧૫/૫)

(२) वेग सहिष्णुता-કામ, ક્રોધ, લોભ, દ્વેષ વગેરેના વેગોને ઉત્પન્ન થવા ન દેવા અથવા આવતા વેગોને રોકી ભગવાનની મર્યાદામાં રાખવા તે વેગ સહિષ્ણુતા છે.

यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ।

समदु:ख सुखं धीरं सोऽमृत्वाय कल्पते-(૨/૧૫)

તે મોક્ષનો અધિકારી બને છે.

(३) परमत सहिष्णुता-બીજાઓના મતનો મહિમા સાંભળીને મનમાં ઉદ્વિગ્ન ન થઈ જવું. પોતાના મત પ્રમાણે સાધન કરીને જીવન જીવવું એ દોષ નથી; પરંતુ બીજાના મતની ઘૃણા કરવીએ ઠીક નથી.

(४) परोत्कर्ष सहिष्णुता-પોતાનામાં યોગ્યતા, અધિકાર, પદ, ત્યાગ, તપ વગેરેની ઊણપ હોય તો પણ બીજાઓનાં તપ, યોગ્યતા અધિકારની પ્રશંસા સાંભળીને પોતાનામાં જ્વલન પેદા ન થવી કે બીજી વિકૃતિઓ ન આવવા દેવી તે પરોત્કર્ષ સહિષ્ણુતા છે. જે ભક્તોમાં પણ છાની રીતે પ્રર્વતી જાય છે. તે ન થવા દેવું.

આ ચારેય સહિષ્ણુતાઓ જેનું લક્ષ્ય હોય અર્થાત્‌જેના જીવનમાં-અનુષ્ઠાનમાં આવતી હોય તો તપસ્વી છે અને જ્યાં ન હોય તો તે અતપસ્વી છે. કદાચ શરીરદમન તો કરતો હોય તો પણ તે અતપસ્વી છે.

એવા અતપસ્વીને સર્વ ગુહ્યતમ રહસ્ય ન સંભળાવવાનો મતલબ એ છે કે ‘સઘળા ધર્મો ત્યાગ કરીને તું અનન્ય ભાવથી મારે શરણે આવી જા’. આ વાતને સાંભળીને તેના મનમાં ભગવાન પ્રત્યે કોઈ વિપરીત ભાવના આવી જશે. કારણે કે તે સહિષ્ણુ તો હજુ થયો નથી. બીજાઓની વિશેષતાઓને સહી ન શકવી તે અસહિષ્ણુતા છે. તે આ વાતનો અનાદર કરશે તો તેનું પતન થઈ જશે. તેના પતનથી બચાવવા ભગવાનની કૃપા છે.

અથવા તો સર્વધર્મત્યાગ કહેવાનો અવળો અર્થ લઈ પાપ કરવા લાગી જશે. તો પણ તેનું અહિત થશે અને આ વાતનો દુરુપયોગ થશે.

नाभक्ताय कदाचन-અભક્તનો અર્થ છે, ભક્તિનો વિરોધી. જેનામાં ભક્તિનો અભાવ છે, તેને અહીં અભક્ત નથી કહ્યો. જે ભક્ત હોય તેમાં પણ સમજણની ખામીથી અસૂયા દોષ આવી શકે છે; પરંતુ ભક્તિથી તે સ્વતઃ દૂર થઈ શકે છે. શ્રદ્ધા હોય તો પણ સાથે સાથે અસૂયા દોષ રહી શકે છે. તેથી ભગવાને શ્રદ્ધાની સાથે સાથે અસૂયારહિત થવાની પણ વાત કહી છે. श्रद्धावन्तोऽनसूयन्त:(૩/૩૧) श्रद्धावाननसूयश्च(૧૮/૭૧) જો ભક્તિનો અભાવ હશે તો ભગવાનની આવી વાત સાંભળીને વિપરીત ધારણા કરીને પોતાનું જ અહિત કરશે.

न चाशुश्रूषवे वाच्यम्‌-अशुश्रूषवे નો અર્થ છે જે અહંકારને કારણે સાંભળવા નથી ઈચ્છતો અથવા પોતાની ઊંધી સમજણને લઈને સાંભળવા નથી ઈચ્છતો અને આ વસ્તુની ઉપેક્ષા કરી રહ્યો છે. તેને પણ આ વાત ન સંભળાવીશ. કેમ કે રુચિ વિના જબરજસ્તીથી સંભળાવવાથી તેઓ આ વાતનો તિરસ્કાર કરશે. તેનું મન આ વાતને ફેંકી દેશે કે શું આવું બધું… મારે શરણે થઈ જા… મારે શરણે થઈ જા… નિષ્કામ કર્મયોગ… સેવાયોગ… વગેરે. તેથી ભગવાનની આ વાતનો અપરાધ થશે. તેથી તેને ન સંભળાવીશ.

न च मां योऽभ्यसूयति-જે ગુણોમાં દોષારોપણ કરવું તે અસૂયા કહેવાય. તેવાને પણ આ વાત ન કહીશ. કેમ કે તેનું અંતકરણ અતિ મલિન હોવાને કારણે ભગવાનની આ વાત સાંભળીને ઊલટો ભગવાનમાં દોષારોપણ કરવા લાગી જશે. ભગવાન તો આત્મશ્લાધી છે. બીજાઓને પોતાને જ વશ કરવા માગે છે. બધાની જ ઈચ્છા એવી હોય છે. તેમાં ને ભગવાનમાં શું ફેર છે? દોષ દૃષ્ટિ હોવાથી મનુષ્ય મહાન લાભથી પણ વંચિત રહી જાય છે અને પોતાનું પતન કરી લે છે માટે પરમાત્માને માર્ગે ચાલવામાં દોષદૃષ્ટિ કરવી એ ભારે મોટો દોષ ગણાય છે. આ દોષ શ્રદ્ધાળુમાં અને ભક્તમાં પણ રહે છે માટે સાધકોએ ખાસ સાવધાન રહેવું જોઈએ.

આમ આ ગોપનીય રહસ્યને બીજાને ન કહેવા પાછળનું તાત્પર્ય તેનું પતન અને અહિત ન થાય. તેના જતન માટે ભગવાન નિષેધ કરી રહ્યા છે પણ બીજાઓને આ તત્ત્વથી વંચિત રાખવાનું ભગવાનનું પ્રયોજન નથી.

य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति।

भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशय:।।६८।।

અર્થ : જે પુરુષ આ પરમ રહસ્યરૂપ જ્ઞાન મારા ભક્તોમાં કહીને પ્રવર્તાવશે તો તે મારે વિષે પરા-પ્રેમલક્ષણા ભક્તિ કરીને મનેજ પામશે. એમાં લવ-લેશ શંકાજ નથી. ।।૬૮।।

भक्तिं मयि परां कृत्वा-જે મારામાં પરાભક્તિ કરીને આ ગીતાને બીજાને કહેશે. આનું તાત્પર્ય એ છે કે, રૂપિયા, માન બડાઈ, ભેટ પૂજા, આદર સત્કાર કે પોતાનો પ્રચાર વગેરે કોઈપણ વસ્તુને માટે નથી કહેતો; પરંતુ ભગવાનમાં ભક્તિ થઈ જાય(સત્સંગિ જીવનમાં શ્રીજી મહારાજ પણ ભક્તિ થવા માટે રામાનુજ ભાષ્ય સહિત ગીતા સાંભળવા ભલામણ કરે છે) ભગવદ્‌ભાવોનું મનન થાય, સાંભળીને બીજા કોઈક સુખી થાય એવા ઉદ્દેશ્યથી કહેશે તો તે ભક્તિપૂર્વક કર્યું ગણાશે.

य इमं परमं गुह्यम्‌ આ પદોથી સમગ્ર જે સંવાદ છે તે ગુહ્યશાસ્ત્ર છે, મોક્ષ માર્ગનું રહસ્ય શાસ્ત્ર છે. એવા અર્થમાં લેવો જોઈએ, નહિ કે કેવળ ‘સર્વધર્માન્‌… એટલું જ નહિ. તો તે મને પામી જશે. જો ગીતા સંભળાવવાવાળાનો ઉદ્દેશ્ય કેવળ મારી પ્રસન્નતા કરવાનો જ હશે તો તે મને જ પામી જશે.

न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तम:।

भविता न च मे तस्मादन्य:प्रियतरो भुवि।।६९।।

અર્થ : એવા મારું જ્ઞાન ફેલાવનારા ભક્ત પુરુષ કરતાં મારું અત્યંત પ્રિય કરનાર મનુષ્યોમાં બીજો કોઈ છેજ નહિ અને આ પૃથ્વી ઉપર તેના કરતાં બીજો કોઈ મને અતિશય વ્હાલો પણ થનાર નથીજ. ।।૬૯।।

न च तस्मात्‌… ગીતા ભગવાન પાસે પહોંચવા માટે સાધન મીમાંસાનું શાસ્ત્ર છે. સહેલામાં સહેલું અને જલ્દી પરમાત્મા પાસે પહોંચાડે તેવા સાધનની મીમાંસા ગીતામાં કરવામાં આવી છે. તેથી ભગવાન તેના પ્રચારનો વિશેષ મહિમા બતાવી રહ્યા છે. જે મનુષ્ય હૃદયના વિશુદ્ધ ઈરાદાપૂર્વક ભગવાન પાસે જવા ઈચ્છે છે ને જીવનમાં ગીતાના અર્થોનું અનુષ્ઠાન કરે છે તે જ તેના પ્રચારનો અધિકારી બને છે અને તેને માટે જ तस्माद्‌-તેવા સાધક કરતાં મને બીજો કોઈ વહાલો નથી. ગીતાના વિશુદ્ધ ભાવો અને વિશુદ્ધ તાત્પર્યનો પ્રચાર કરવો તેનાથી વધારે મારું પ્રિય કરનારો કોઈ નથી. એવું ભગવાન કહે છે. તેનાથી વધારે પ્રિય કરનારો ભવિષ્યમાં થનારો નથી. પોતાની માન-બડાઈની વાસના, તુચ્છ સ્વાર્થભાવ, સંસારની કામનાપૂર્તિ કરી લેવી તેમાં કોઈ મહત્ત્વની બહાદુરીની વાત નથી. દેવતા, પશુ-પંખી, કીટ પતંગ વગેરેમાં પણ તેવો અવસર મળે છે; પરંતુ કામનાનો ત્યાગ કરીને પરમાત્માને રાજી કરવાનો અવસર તો એક મનુષ્ય યોનિમાં જ મળે છે અને જો તેવી રીતે ભગવાનને પ્રસન્ન કરે તો તેનો જન્મ સફળ થઈ જાય છે.

अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयो:।

ज्ञानयज्ञेन तेनाहमिष्ट: स्यामिति मे मति:।।७०।।

અર્થ : આપણા બેના આ મોક્ષ આપનારા ધર્મ સંબંધી સંવાદનો જે પાઠ કરશે, તો તે પુરુષે હું સર્વોત્કૃષ્ટ જ્ઞાનયજ્ઞથી પૂજેલો થઈશ એમ મારો નિશ્ચય છે. ।।૭૦।।

ભગવાન બતાવે છે કે, તારોને મારો આ સંવાદ શાસ્ત્રો, સિદ્ધાંતોના સારરૂપી ધર્મથી યુક્ત છે. તે ઘણી જ વિલક્ષણ વાત છે. પરસ્પર સાથે રહેતા આપણા બન્નેમાં પણ ઘણા જ વર્ષો વીતી ગયા છતાં આવો સંવાદ કયારેય થયો નથી. આવો ધર્મમય અને રહસ્યમય સંવાદ તો કોઈ વિલક્ષણ કે અલૌકિક અવસર આવે ત્યારે જ થાય છે. જ્યાં સુધી સાધકના હૃદયમાં જોરદાર ખળભળાટ ન મચી જાય કે તીવ્ર તલસાટ(બર્નીંગ ડીઝાયર) ન ઊમટી ન પડે ત્યાં સુધી પોતાના કલ્યાણનો સાચો રસ્તો મળતો નથી. સાચા શિષ્યના મનમાં આવો તલસાટ જોઈને જ સદ્‌ગુરુના હૃદયમાં રહસ્ય અને વિલક્ષણ સમાધાન કરવાવાળી વાતો સ્ફુરે છે. જ્યારે વાછરડો દૂધ પીતી વેળાએ ગાયના આંચળો પર મોઢાથી વારંવાર ધક્કા મારે અને દૂધ ખેંચે છે, ત્યારે ગાયના શરીરમાં રહેલું દૂધ આંચળોમાં આપોઆપ ઊતરી આવે છે. તેવી જ રીતે શિષ્યની તીવ્ર જિજ્ઞાસા જ ગુરુના હૃદયમાં ઊંડા રહસ્યની સ્ફૂરણા કરાવે છે. ત્યારે ઉત્તમ સંવાદ રચાય છે. અર્જુન આટલી ઉત્કંઠાથી કયારેય કૃષ્ણને શરણે ગયા હશે નહિ અને ભગવાન પણ તેના પર આવા વર્ષ્યા નહીં હોય. બન્નેના સંવાદમાં વેદો અને ઉપનિષદોનો સાર તથા ભગવાનના હૃદયનો અસલ ભાવ ઊતરી આવ્યો છે.

सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दन:।

पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतम्‌ महत्‌।

જેમ જેમ તેનું અધ્યયન થશે-કરશે તો હું એવા જ્ઞાનયજ્ઞથી પ્રસન્ન થઈશ. હું તેને જ્ઞાનયજ્ઞ કર્યો માની લઈશ. જ્ઞાનયજ્ઞથી પૂજિત થઈશ. આનો પાઠ મને ઘણો સારો લાગે છે અને મારા ઉત્તમ ભક્તોને ઘણો સારો લાગે છે. તેથી પાઠ કરનારાએ મારી બહુ સેવા કરી છે, તેમ હું માની લઉં છું.

વિદેશમાં કોઈ જગ્યાએ એક જલસો થઈ રહ્યો હતો. તેમાં ઘણા બધા લોકો એકત્રિત થયા હતા. એક પાદરી તે જલસામાં એક છોકરાને લઈને આવ્યો. તે છોકરો પહેલા નાટકમાં કામ કર્યા કરતો હતો. પાદરીએ તે છોકરાને દસ-પંદર મિનિટનું એક બહુ જ ઉત્તમ વ્યાખ્યાન શિખવાડયું. સાથે જ પદ્ધતિસર ઊભુ રહેવું, ઊઠવું, હાથ વગેરેની એકશન કરવી, નજર શ્રોતાઓ ઉપર ફેરવવી વગેરે વ્યાખ્યાનકળા પણ બતાવી. વ્યાખ્યાનમાં ખૂબ જ ઊંચા પ્રકારના અંગ્રેજીનો પ્રયોગ કરવામાં આવ્યો. વ્યાખ્યાનનો વિષય ખૂબ જ ગહન હતો. પાદરીએ બાળકને વ્યાખ્યાન માટે સ્ટેજ ઉપર ઊભો રાખી દીધો. બાળક ભારે મિજાજથી બોલવા લાગ્યો. સંબોધન, હાથ-ચહેરાની ચેષ્ટાઓ વગેરે અદલ કરતો જાય. ગંભીરતાથી અર્થોને જાણે સમજાવતો હોય તેમ વ્યાખ્યાન દેતો જાય. તેણે નાટકમાં તો કામ કર્યું હતું. એવું તો બોલ્યો કે શ્રોતાઓ તેના પર ફીદા થઈ ગયા. એટલા ખુશી થયા કે વ્યાખ્યાન પૂરું થતાં બાળક પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો. બાળકને એક બીજા પાસેથી એક બીજા પોતાના ખભા ઉપર લેવા લાગ્યા. પણ બાળકને ખબર નથી કે હું શું બોલ્યો છું. જે વ્યાખ્યાન આપ્યું તેનો અર્થ એ છે તે તેને ખબર ન હતી. તે તો ખાલી વક્‌તૃત્વકળા સારી જાણતો હતો. અર્થ સમજતો નહતો; પરંતુ સાંભળનારા લોકો વસ્તુનો અર્થ સમજતા હતા પાદરી તેનો અર્થ શો છે તે જાણતો હતો. તેથી તો તે બધા આવા ખુશી થઈ ગયા હતા. એવી જ રીતે કોઈ ગીતાનું અધ્યયન કરે છે, પાઠ કરે છે ત્યારે તે ભલે. ગીતાના અર્થ કે ભાવોને ન સમજતો હોય પણ ભગવાન કહે હું સમજુ છું કે તે શું બોલે છે? અને કેટલું કિંમતી બોલે છે અથવા સાંભળવાવાળા મારા કોઈ ભક્ત જાણે છે કે તે શું બોલે છે. ભગવાન કહે છે, હું તો ફરી ફરીને તે અર્થો અને ભાવોથી ભાવિત થઈ જાઉ છું અને તેથી જ તેનાથી પૂજિત થાઉં છું. બાળકના વ્યાખ્યાનથી જેમ સભાપતિ ખુશ થયા, શ્રોતા ખુશ થયા અને બાળકનો આદર કરવા લાગ્યા તેમ ભગવાન કહે છે કે, હું પૂજિત થાઉં છું અને તે યજ્ઞ કરનારનો આદર કરું છું.

श्रद्धावाननसूयश्च श्रृणुयादपि यो नर:।

सोऽपि मुक्त: शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम्‌।।७१।।

અર્થ : આ જ્ઞાન-શાસ્ત્રમાં જે શ્રદ્ધાવાન્‌થઈને સાંભળે અને વળી જે આમાં અભ્યસૂયા ન કરે, તો તે પુરુષ પણ પુણ્ય કર્મ કરનારા પવિત્ર ભક્ત પુરુષોના લોકને પામે છે. ।।૭૧।।

ગીતાની વાતને જેવી સાંભળી લે તેના તે જ સ્વરૂપમાં પ્રત્યક્ષથી પણ વધારે પૂજ્યભાવથી માનવાવાળાનું નામ શ્રદ્ધાવાન કહેવાય છે અને એ વાતોમાં કયાંય પણ કોઈ પણ વિષયમાં કિંચિત્‌માત્ર ઊણપ પણ ન દેખવાવાળાનું નામ ‘अनसूय:’ કહેવાય છે. એવો શ્રદ્ધાવાન અને દોષદૃષ્ટિથી રહિત મનુષ્ય ગીતાને કેવળ સાંભળી લે તો તે પણ તમામ પાપોથી મુક્ત થઈને પુણ્યકારીઓના અર્થાત્‌ભક્તિપૂર્વક આરાધના કરનારા જે લોકને પામે છે, તે લોકને પામી જાય છે.

મનુષ્યની વાણીમાં ભ્રમ, પ્રમાદ, લિપ્સા(વિપ્રલિપ્સા) અને કરણઅપાટવ-આ ચાર દોષ હોવાની સંભાવના રહે છે. આથી મનુષ્યની વાણી સર્વથા નિર્ભ્રાંત નથી હોતી; પરંતુ ભગવાનની દિવ્યવાણીમાં આ ચારેયમાંથી એકેય દોષ રહેવાની સંભાવના બિલકુલ છે જ નહિ. કારણ કે ભગવાન નિદરેષતાની પરાવધિ છે. અર્થાત્‌ભગવાનથી વધીને વધારે નિદરેષતા કદાપિ કોઈનામાં હોતી જ નથી. આથી ભગવાનના વચનમાં કોઈ સંશય ન ઊઠવો જોઈએ અને છતાં ઊઠે, તો એમ સમજવું જોઈએ કે તે મારી બુદ્ધિની ઊણપ છે. એવું સમજે તો અસૂયા દોષ દૂર થાય છે અને શ્રદ્ધા વધે છે અને પરમાત્માના લોકને પામે છે.

कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा।

कच्चिदज्ञानसम्मोह: प्रनष्टस्ते धनञ्जय।।७२।।

અર્થ : હે પાર્થ ! આ મેં કહ્યું તે તેં એકાગ્ર-સાવધાન ચિત્તથી સાંભળ્યું ? અને હે ધનંજય ! તારો અજ્ઞાનથી થયેલો મોહ સર્વથા નષ્ટ થયો ? ।।૭૨।।

ભગવાને આપેલો ઉપદેશ-સફળતા માટે ભગવાન હવે અર્જુનને સામેથી પૂછી રહ્યા છે કે, હે અર્જુન ! મેં જે તને ઉપદેશ આપ્યો છે તે એકાગ્ર મનથી સાંભળ્યો કે? અને જો સાંભળ્યો હોય તો તારો મોહ નાશ પામ્યો કે? જો તારો મોહ નષ્ટ ન થયો હોય તો મારો ઉપદેશ તેં બરાબર સાંભળ્યો જ નથી, એમ હું માનીશ. જો તેં આદરપૂર્વક સાંભળ્યો હોય તો જરૂર તારો મોહ નાશ પામવો જોઈએ.

અર્જુન બોલ્યા

नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत।

स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव ।।७३।।

અર્થ : અર્જુન કહે છે-હે અચ્યુત ! તમારી પ્રસન્નતાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને હું પૂરે-પૂરી સ્મૃતિમાં-સાવધાનીમાં આવ્યો છું. હું સંદેહ વિનાનો થઈને ઉભો છું અને તમારું વચન પાળીશ. ।।૭૩।।

બીજા અધ્યાયમાં અર્જુને शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्‌(૨/૭) કહીને ભગવાનની શરણાગતિનો સ્વીકાર કર્યો હતો. આ શ્લોકમાં એ શરણાગતિની પૂર્ણતા થાય છે.

દસમાં અધ્યાયને અંતે ભગવાને વિભૂતિ કહ્યા પછી અર્જુન બોલ્યા હતા કે मोहोऽयं विगतो मम(૧૧/૧) ‘મારો મોહ ચાલ્યો ગયો છે.’ પરંતુ ભગવાનના વિશ્વરૂપને દેખીને જ્યારે અર્જુનને હૃદયમાં ભયને કારણે ગભરાટ પેદા થઈ ગયો, ત્યારે ભગવાને કહ્યું કે આ તારો મૂઢભાવ છે. તમે વ્યથિત અને મોહિત ન થાઓ. मा ते व्यथा मा च विमूढभाव:।(૧૧/૪૯) આનાથી સિદ્ધ થાય છે કે, અર્જુનનો મોહ ત્યારે નષ્ટ નહોતો થયો. હવે અહીં અર્જુન કહી રહ્યા છે કે, મારો મોહ નષ્ટ થયો છે અને મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. ‘नष्टो मोह: स्मृतिर्लब्धा’।

મોહ બે પ્રકારનો છે. સંસારનો અને શાસ્ત્રીય જાળનો. શરીર, પંચવિષય કે ભોગમાં મોહ થાય છે, તે સંસાર પ્રત્યેનો મોહ થાય છે. શાસ્ત્રોની વિભિન્ન માન્યતામાં બંધાઈ રહીને ભગવાન પાસે ન પહોંચવું તે શાસ્ત્રોની જાળ છે અને મોહ છે. હવે અર્જુનનો બન્ને પ્રકારનો મોહ નાશ થયો છે.

અંતઃકરણની સ્મૃતિ અને તત્ત્વની સ્મૃતિ. અર્થાત્‌તત્ત્વની સ્મૃતિમાં ઘણું અંતર હોય છે. આપણે જે સ્મૃતિ કરીએ છીએ તે અંતઃકરણથી કરીએ છીએ તે છે. તેમાં સ્મૃતિ અને વિસ્મૃતિ-બન્ને વારા ફરતી થયા કરે છે. જ્યારે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પર્વતભાઈ, જીવુબાઈ, મીણબાઈ વગેરે સમર્થ મુક્તોની સ્મૃતિમાં કદી વિસ્મૃતિનો પ્રસંગ આવતો નથી. કારણ કે તે તત્ત્વની સ્મૃતિને પામી ગયા છે. તે અંતઃકરણની વૃત્તિથી પર થયા છે. તેમના જીવમાં પ્રકાશ થઈને સ્મૃતિ પકડાણી છે.

આપણને જે સંસારનું જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોના દ્વારા જ થાય છે. પ્રમાણથી પ્રમેયનું જ્ઞાન થાય છે; પરંતુ પરમાત્મતત્ત્વ અપ્રમેય છે. તેથી પરમાત્મા પ્રમાણની અંદર આવવાવાળું તત્ત્વ નથી. અર્થાત્‌અંતઃકરણ એક પ્રમાણ છે અને પરમાત્મા તેમાં સમાઈ શકતા નથી. અર્થાત્‌સંસારનું જે જ્ઞાન આપણને થાય છે તે પ્રત્યક્ષ વિગેરે પ્રમાણોથી થાય છે કારણ કે સંસાર વિવેક વિચારનો વિષય છે; પરંતુ ભગવાન વિવેક વિચારનો વિષય નથી. ઊલટા તે તો વિવેક વિચારના પ્રકાશક છે. તેને આધારે તો વિવેક વિચાર ટકી રહ્યા છે. માટે પરમાત્મતત્ત્વ શ્રદ્ધા વિશ્વાસનો વિષય બને છે, વિચારનો નહિ. એ પણ શ્રદ્ધા વિશ્વાસથી પ્રસન્ન થઈને પોતે તેની સ્મૃતિમાં આવે છે.

જે લોકોની શાસ્ત્રો પર શ્રદ્ધા હોય છે, તેઓ શાસ્ત્રોથી પરમાત્માને માની લે છે અથવા અનુભવી ભગવત્પ્રેમી મહાપુરુષો પર શ્રદ્ધા હોય છે. તેઓ તેમના વચનોથી પરમાત્માને માની લે છે. સ્વીકાર કરી લે છે. આમા તેના ઈન્દ્રિયો અંતઃકરણ પ્રમાણ નથી. આમાં તો શાસ્ત્ર અને સંત મહાપુરુષો જ પ્રમાણ બને છે; પરંતુ જેઓ શ્રદ્ધાળુ છે અને કંઈક આ બન્ને ઉપર આસ્તિક્તા અને શ્રદ્ધા કેળવી શકે છે. તેઓને જ તેનો ફાયદો મળી શકે છે પણ હૃદયમાં નાસ્તિકતા પડી હોય તો તેનો ફાયદો મળી શકતો નથી. આમ ઈન્દ્રિયો અને અંતઃકરણનો જે વિષય છે, તે પ્રત્યક્ષ પ્રમાણ છે. અર્થાત્‌સંસાર છે અને અનુમાન વગેરે જે પ્રમાણો છે, તેઓ પ્રત્યક્ષમૂલક યુક્તિ પ્રમાણો છે; પરંતુ સાચા સંત મહાપુરુષો અને સત્‌શાસ્ત્રોમાં જે પ્રમાણ રહ્યું છે, તેમાં તો કેવળ આસ્તિકતા અને શ્રદ્ધાથી જ ગમ્ય છે અન્યથી નહિ.

હવે સ્મૃતિ શબ્દની વ્યાખ્યા બે પ્રકારે કરવામાં આવી છે. अनुभूत विषयासम्प्रमोष: स्मृति:।(યો.દ.૧/૧૧) અનુભૂત વિષયનું રોકી ન રાખવું અર્થાત્‌પ્રગટ કરી દેવું તે સ્મૃતિ છે અને संस्कारमात्र जन्यं ज्ञानं स्मृति:। (तर्कसंग्रह) સંસ્કારમાત્રથી જનિત હોય અને જ્ઞાન હોય તેને સ્મૃતિ કહેવાય છે. આ સ્મૃતિ અંતઃકરણની એક ‘વૃત્તિ’ છે બીજી પણ ઘણાક પ્રકારની વૃત્તિઓ હોય છે. તે તમામ અવિદ્યાથી છે. તેથી પરમાત્મા તેમાં સમાઈ ન શકે. તેથી પરમાત્માને યાદ કરવાની વૃત્તિ સ્વયં આત્મચૈતન્યમાંથી ઊઠે છે અને તેમાંથી ઊઠેલી સ્મૃતિની વિસ્મૃતિ થતી નથી. બાકીની સ્મૃતિ-વિસ્મૃતિ-બન્ને થયા કરે છે. પરમાત્માની વિસ્મૃતિ કે ભૂલી જવાનું તો અસત્‌અને તુચ્છ એવા સંસારને મહત્તા આપવાથી થાય છે. આ વિસ્મૃતિ અનાદિકાળથી છે. છતાં પણ તેનો અંત થઈ શકે છે. જ્યારે તેનો અંત થઈ જાય ત્યારે પરમાત્માની સ્મૃતિ થઈ આવે છે. આને કહેવાય છે स्मृतिर्लब्धा. તે અનાદિની સ્મૃતિ છે, તે જાગ્રત થઈ જાય છે. તે સ્મૃતિ જાગ્રત થવામાં કારણભૂત છે નિષ્કામ કર્મયોગ(સેવાયોગ), જ્ઞાનયોગ કે ભક્તિયોગ. અહીં અપ્રાપ્તનું પ્રાપ્ત થવાનું નામ લબ્ધા નથી પણ નિત્ય પ્રાપ્તનું જાગૃત થવું તેને લબ્ધા શબ્દથી કહે છે. તે આત્મ ચૈતન્યમાં જાગૃતિ અને શરણાગતિથી આવે છે. જેમ માણસને પોતાના હોવા માટે(અસ્તિત્વ માટે) કોઈ પ્રમાણની-પ્રત્યક્ષ પ્રમાણની પણ જરૂરત નથી. એ અનુભૂતિ ચૈતન્યમાં જ થાય છે. જેમાં કરણની અપેક્ષા હોય છે, તે ‘સ્મૃતિ’ અંતઃકરણની એક વૃત્તિ છે. જ્યારે પરમાત્માની સ્મૃતિ એ સ્વયંમાં ચૈતન્ય સ્વરૂપમાં અનુભૂતિરૂપે થાય છે અને તે તત્કાલ પણ પ્રાપ્ત થાય છે. તે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે અને તે કૃપા સાચે ભાવે શરણાગત થવાથી થાય છે. તેથી અર્જુન કહે છે કે, त्वत्‌ प्रसादात्‌ તમારી કૃપાથી મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે.

અત્યાર સુધી મારા અંતરમાં સંદેહ હતો કે, न चैतद्विद्म: कतरन्नो(૨/૬) હું યુદ્ધ કરું કે ન કરું? તે હવે દૂર થયો છે. હવે મારા મનમાં યુદ્ધ કરવાનું પણ રહ્યું નથી અને ન કરવાનું પણ રહ્યું નથી. બસ હવે તો આપ જેમ કહેશો તે જ હું કરીશ. करिष्ये वचनं तव।

સંજય બોલ્યા

इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मन:।

संवादमिममश्रौषमद्भूतं रोमहर्षणम्‌।।७४।।

व्यास प्रसादाच्छ्रुतवानेतद्‌ गुह्यमहं परम्‌।

योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयत: स्वयम्‌।।७५।।

राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भूतम्‌।

केशवार्जुनयो: पुण्यं हृष्यामि च मुहुर्मुहु:।।७६।।

અર્થ : સંજય કહે છે- આ પ્રમાણે મહાત્મા વાસુદેવ અને પાર્થ એ બન્નેનો રોમાંચ કરે એવો આ અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો. સકળ યોગના સ્વામી સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પોતેજ અર્જુનને કહેતા હતા તેમના થકી આ પરમ રહસ્યરૂપ સંવાદ મેં વ્યાસમુનિની પ્રસન્નતાને લીધે સાંભળ્યો. હે રાજન્‌! કેશવ ભગવાન અને અર્જુનના આ અતિ પવિત્ર અદ્ભુત સંવાદને સંભારી સંભારીને હું વારંવાર અતિ હર્ષ પામું છું. ।।૭૪-૭૬।।

સંજય કહે છે કે, આ રીતે મેં ભગવાન વાસુદેવ અને મહાત્મા અર્જુનનો સંવાદ સાંભળ્યો છે કે જે અત્યંત અદ્‌ભુત અને વિલક્ષણ છે અને રોમાવલી બેઠી કરી દેનારો છે. ભગવાન કહે છે કે, ‘हत्वापि इमान्‌ लोकान्‌…’ એવી અનેક અદ્‌ભુત અને આશ્ચર્યકારી વાતો આ સંવાદમાં કહેવામાં આવી છે.

સંજયને વ્યાસ ભગવાનની કૃપાથી દિવ્યદૃષ્ટિ મળેલી છે તેથી સમગ્ર યુદ્ધ કથા તે ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. સંજયના મનમાં આનંદની કોઈ સીમા રહી નથી તેથી તે હર્ષોલ્લાસથી ભરાઈને કહે છે કે, આ યોગને योगेश्वरम्‌ कृष्णात्‌ साक्षात्‌ कथयत: स्वयम्‌। યોગોના મહાન ઈશ્વર સાક્ષાત્‌ભગવાન કૃષ્ણના મુખથી સાંભળ્યો છે. કોઈ પરંપરાથી નથી સાંભળ્યો. મેં જાતે સાંભળ્યો છે.

આ સંવાદ અતિ અદ્‌ભુત છે. ભગાવનની વાણી અતિ વિચિત્ર છે. હૃદયને આકર્ષણ કરનારી છે. અનેક ઋષિઓના મનને પણ સાંભળવા લલચાવનારી છે. તેથી સંજય કહે છે કે, તે વાણીને સંભારી સંભારીને મને વારંવાર હર્ષોલ્લાસ થઈ રહ્યો છે.

तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्‌भूतं हरे:।

विस्मयो मे महान्‌ राजन्‌ हृष्यामि च पुन: पुन:।।७७।।

यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर:।

तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम।।७८।।

અર્થ : હે રાજન્‌! શ્રીહરિ-કૃષ્ણનું તે અતિ અદ્ભુત રૂપ સંભારી સંભારીને મને બહુજ મોટો વિસ્મય થાય છે અને હું વારંવાર અતિહર્ષ પામું છું. ।।૭૭।।

સંજયને ભગવાનનો સંવાદ તો અદ્‌ભુત દેખાયો પણ ભગવાનનું વિરાટરૂપ પણ અતિ અદ્‌ભુત દેખાયું છે. જે કેવળ વ્યાસજીની કૃપાથી, સંજય જેવી નાની વ્યક્તિને મળી ગયું છે. તેથી તેને પોતાનું અતિ મહદ્‌ભાગ્ય માને છે અને તેમને અતિ હર્ષ થઈ રહ્યો છે.

ગીતાના આરંભમાં ધૃતરાષ્ટ્રનો ગૂઢાભિસંધિરૂપ પ્રશ્ન હતો કે, યુદ્ધનું પરિણામ શું આવશે? અર્થાત્‌મારા પુત્રોનો વિજય થશે કે પાંડુપુત્રોનો? અહીં સંજય તે જ પ્રશ્નનો સ્પષ્ટ શબ્દોમાં ઉત્તર આપી દે છે કે, જ્યાં અર્જુનનું રક્ષણ કરનારા હથિયાર રહિત પણ યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં આજ્ઞાકારી અને ગાંડીવધારી અર્જુન ઊભા છે ત્યાં ફકત વિજય જ નહિ પણ લક્ષ્મી, અચળ વિભૂતિ અને સત્યનીતિ પણ ત્યાં જ નિવાસ કરીને રહે છે. વિજય પાંડુ પુત્રોનો જ નિશ્ચિત છે તેમાં કોઈ સંદેહ નથી.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો મોક્ષસંન્યાસયોગ નામે અઢારમો અધ્યાય સંપૂર્ણ.