શ્લોક ૫૬-૬૬
ભક્તિસહિત કર્મયોગનો વિષય
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रय:।
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्यम्।।५६।।
અર્થ : વર્ણાશ્રમને સમુચિત પોત-પોતાના કર્મ સદાય કરતો અને મારો દૃઢ આશ્રય રાખનારો પુરુષ મારી પ્રસન્નતા મેળવીને તે દ્વારા અવિનાશી શાશ્વત પદને-બ્રહ્મધામને પામે છે. ।।૫૬।।
मद्व्यपाश्रय: કર્મોનો, કર્મોના ફળનો, કર્મો પુરા થવા અથવા ન થવાનો, કોઈ ઘટના, પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ કે પોતાનો અહંકાર વગેરેનો આશ્રય ન હોય; પરંતુ કેવળ મારો જ આશ્રય હોય. અહીં આશ્રય શબ્દને વિ+અપ એવા બે ઉપસર્ગો લાગ્યા છે. બન્ને નકારાર્થમાં છે. તે શું બતાવે છે? તો આશ્રય અતિ દૃઢતાવાળો જોઈએ. જ્યારે અતિશય દૃઢતાનું પ્રતિપાદન કરવું હોય ત્યારે બે નકારનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે દૃઢ આશ્રય કરીને ભગવાન કહે છે મારે જ એક શરણે થઈ જાય. મારા પરાયણ થઈ જાય. પોતાનું કાંઈ સ્વતંત્ર નથી સમજતો એવા ભક્તને પોતાના ઉદ્ધાર માટે કાંઈ કરવું પડતું નથી. હું જ તેનો ઉદ્ધાર કરી દઉં છું. (૧૨/૭ तेषामहं समुद्धर्ता) શરણાગતને પાળવાની ભગવાનની અચળ પ્રતિજ્ઞા છે.
सर्वकर्माण्यपि सदा कुर्वाण: અહીં कर्माणि પદનું सर्व અને कुर्वाण: પદનું सदा વિશેષણ મૂકીને એવું બતાવી રહ્યા છે કે સાંખ્યયોગને આશ્રયવાળો શરીર, વાણી અને મનનું સંયમન કરીને એકાંતમાં બેસી ગયો છે અને સદા મારું ધ્યાન કરી રહ્યો છે. તેને જે પદની પ્રાપ્તિ થાય છે તેવી જ પ્રાપ્તિ લૌકિક તથા પારલૌકિક વગેરે તમામ કર્તવ્ય કર્મોનું પાલન કરતો રહીને પણ મારો આશ્રિત મારી કૃપાથી તેના સરખી પ્રાપ્તિ કરી લે છે.
દરેક વ્યક્તિને એ વાત તો સમજવામાં આવી જાય છે કે, જે એકાંતમાં રહે છે અને સાધન ભજન કરે છે, તેનું કલ્યાણ તો થઈ જાય છે; પરંતુ એ વાત સમજવામાં નથી આવતી કે જે સદા મશીનની જેમ સંસારના બધાં કર્તવ્યકર્મો કરે છે તેની મુક્તિ કેવી રીતે થાય? તેનું કલ્યાણ થઈ જાય એવી કોઈ યુક્તિ દેખાતી નથી. કેમ કે એમ તો બધા જ લોકો કર્મો કરતા જ રહે છે. એટલું જ નહિ જીવ પ્રાણીમાત્ર કર્મો કરતા જ રહે છે; પરંતુ એ બધાનું કલ્યાણ થતું હોય તેવું દેખાતું નથી અને શાસ્ત્ર પણ એવું બતાવતું નથી. એના ઉત્તરમાં ભગવાન ફક્ત એટલું જ બતાવે છે કે मत्प्रसादात्-તાત્પર્ય એ છે કે જેણે મારો આશ્રય કરી લીધો છે તેનું કલ્યાણ મારી કૃપાથી થઈ જશે. ધણીની ઈચ્છા છે તો ધણીનો કોઈ ધણી નથી.
જો કે દરેક પ્રાણી પર ભગવાનનું આત્મીયપણું અને તેટલા માટે જ કૃપા સદાસર્વદા સ્વતઃસિદ્ધ છે જ. તો પણ જ્યાં સુધી જીવ પોતે તેવું સ્વીકારતો નથી કે માની લેતો નથી ત્યાં સુધી સંસારનો આશ્રય કરીને બેઠો છે, ત્યાં સુધી ભગવાનની કૃપા ફળીભૂત થતી નથી. અર્થાત્તે જીવના કલ્યાણના કામમાં નથી આવતી. માટે ભગવાનનો આશ્રય લઈને જેમ જેમ જગતનો આશ્રય છોડતો જાય છે, તેમ તેમ ભગવાનનો આશ્રય દૃઢ થતો જાય છે અને જેમ જેમ ભગવાનનો આશ્રય દૃઢ થતો જાય છે તેમ તેમ ભગવાનની કૃપાનો અનુભવ થતો જાય છે. જ્યારે સંપૂર્ણ આશ્રય થાય છે ત્યારે ભગવાનની સંપૂર્ણ કૃપાની અનુભૂતિ થાય છે.
अवाप्नोति शाश्वतं पदमव्ययम्-સર્વોચ્ચ પરમ પદની પ્રાપ્તિ પોતાના કર્મોથી, પોતાના પુરુષાર્થથી અથવા પોતાના સાધનથી નથી થતી. એ તો કેવળ ભગવાનની કૃપાથી જ થાય છે. शाश्वतं अव्ययपदम् અર્થાત્ પરમાત્માનું શાશ્વત ધામ. पद्यते-गम्यते इति पदम् અને ભગવાનના ભક્તને ભગવાનની કૃપાથી અહીં જીવતે જ પરમાત્માના લોકની અનુભૂતિ થાય છે અને દેહને અંતે ભગવાન તેને તે લોકમાં પહોંચાડે છે. ભગવાન સ્વયં તેને લેવા આવે છે.
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्पर:।
बुद्धियोगमुपाश्रित्य मच्चित्त: सततं भव।।५७।।
અર્થ : જ્ઞાને કરીને સર્વ કર્મો મારામાં સમપર્ણ કરીને મત્પરાયણ થઈને બુદ્ધિયોગનો સમાશ્રય કરીને અખંડ મારામાં જ ચિત્તવૃત્તિ રાખનારો થઈ જા ! ।।૫૭।।
આ શ્લોકમાં ભગવાને ચાર વાતો બતાવી છે.
(१) चेतसा सर्वकर्माणि मयि संन्यस्य-સર્વ કર્મ ભાવપૂર્વક મને અર્પણ કરી દે.
(२) मत्पर:-મારો આશ્રયી થા. અર્થાત્પોતાની જાતને મને અર્પણ કરી દે.
(३) बुद्धियोगमुपाश्रित्य-બુદ્ધિયોગનો આશ્રય લઈને, સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરી દે.
(४) मच्चित्त: सततं भव-નિરંતર મારામાં ચિત્ત રાખનારો થા.
चेतसा सर्वकर्माणि…ચિત્ત છે તેમાં ભાવુક્તા પણ રહી છે અને જ્ઞાનનો પ્રકાશ પણ રહ્યો છે. તેથી चेतसा-કહેવાનું તાત્પર્ય એમ થાય છે કે, મનુષ્ય ચિત્તમાં દૃઢતાપૂર્વક એવું માની લે કે મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, શરીર વગેરે અને સંસારના વ્યક્તિ, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ વગેરે તમામ ભગવાનનાં છે. આ તમામના માલિક ભગવાન જ છે. આ બધામાંથી કોઈ પણ ચીજ કોઈની વ્યક્તિગત નથી. કેવળ આ વસ્તુઓના સદુપયોગ કરવા માટેનો જ વ્યક્તિને અધિકાર ભગવાને આપ્યો છે. આ આપેલા અધિકારને સાધકે સફળ કરવાનો છે તેથી શરીર, ઈન્દ્રિયો, મન વગેરેથી જે કાંઈ શાસ્ત્રવિહિત સાંસારિક કે પારમાર્થિક ક્રિયાઓ થાય છે, તે ભગવાન કરે છે. મને ભગવાન નિમિત બનાવીને કરે છે. મનુષ્ય-કેવળ અહંકારને લઈને પોતાની માની લે છે. તે ક્રિયાઓમાં જે પોતાનાપણું છે તે ભગવાનને અર્પણ કરવાનું છે. તો જ પોતે કર્મો અર્પણ કર્યા ગણાશે. પોતાનાપણું છે તે મૂર્ખતાને કારણે માનવામાં આવ્યું છે પણ વાસ્તવિકતા નથી. તેથી તે બધામાંથી પોતાપણાનો ભાવ બિલકુલ ઉડાડી દેવાનો છે અને તે બધાને ભગવાનની માલિકીની વસ્તુ માનવાની છે.
(२) मत्पर: પોતાની જાતને ભગવાનને અર્પણ કરવાની છે. ભગવાન મારા પરમ આશ્રય છે. એમના સિવાય મારું કોઈ નથી અને જો માનતા હોઈએ તો તે ભાવનાનો ત્યાગ કરવાનો છે. સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેનો મારે બિલકુલ આધાર નથી. મારે તો એક ભગવાનનો જ આધાર છે, ઈચ્છવા યોગ્ય છે એવો અનન્યભાવ થઈ જાય એને જ ભગવાનપરાયણ થયા એમ કહેવાય.
અહીં એક વાત ખાસ ધ્યાન આપવાની છે. રૂપિયા પૈસા, કુટુંબ, શરીર વગેરેને મનુષ્યો પોતાના માને છે અને મનમાં એમ માને છે કે અમે તેના માલિક બની ગયા. અમારું એમના પર આધિપત્ય છે; પરંતુ વાસ્તવમાં આ વાત બિલકુલ જૂઠી છે. કોરી ભ્રમણા છે, એક જાતનો ઘાટો મોહ છે. વાસ્તવમાં જે કોઈ ચીજને પોતાની માની લે છે તે વ્યક્તિ તે તે ચીજનો ગુલામ બની જાય છે અને તે ચીજ જ તેની માલિક બની જાય છે. જો વ્યક્તિ પત્નીને પોતાની માલિકીની માને છે, પુત્રને પોતાનો માને છે, શરીરને પોતાનું માને છે, પૈસાને પોતાના માને છે તો તે તમામ પોતાના માનેલા છે. તે આપણી પાસે તેની ગુલામી કરાવે છે. ગુલામી અર્થાત્વળતર નહિ દેવાનું અને કારમી મહેનત તેના લાભ માટે કરવાની. ઊંડું વિચારીને જોતાં તે સિવાય કાંઈ નથી. જ્યારે વ્યક્તિ તે વ્યક્તિ કે ચીજને પોતાની માની લે છે, ત્યારે તેના વિના તે રહી શકતો નથી. તેના વિના પોતાનામાં અધુરાઈ માને છે. આથી જે ચીજને મનુષ્ય પોતાની માની લે છે તે બધી વસ્તુ, વ્યક્તિઓ તેના ઉપર સવાર થઈ જાય છે. તે બધા આપણા ઉપર માલિકી કરી લે છે અને પોતે તુચ્છ થઈ જાય છે. તે વસ્તુનો ગુલામ થઈ જાય છે. પછી તે ચીજ ચાહે રૂપિયા, ચાહે કુટુંબી, ચાહે શરીર કે ચાહે વિદ્યા, બુદ્ધિ, ગુણ હોય, આ બધી જ વસ્તુ પ્રકૃતિ સજિર્ત છે, પોતાનાથી અલગ છે. પોતે તેનો સદુપયોગ કરવાનો છે, માટે તેને આધીન થવું એ જ મોટી પરાધીનતા છે.
જ્યારે ભગવાન સાથે પોતીકો સંબંધ બનાવવો તે આનાથી ઊલટું છે. એક તો ઉપર મુજબ જોઈએ તો પણ જ્યારે ભગવાનને આપણે પોતાના માનીએ તો તે આપણા માલિક બની જતા હોય તો પણ ઘણું ઈચ્છવા જેવું છે. કારણ કે તે આપણો દૂરુપયોગ કરવાના નથી. જેવું કુટુંબ વગેરે આપણો ઉપયોગ કરે છે તેમ; પરંતુ ભગવાનની રીત તો ઊલટી છે. ભગવાનને આપણે અનન્યભાવે પોતાના માનીએ ત્યારે ભગવાન આપણને વશ થઈ જાય છે. ભગવાનના હૃદયમાં ભક્તનો જેટલો આદર છે, તેટલો આદર કરવાવાળો સંસારમાં બીજો કોઈ નથી. શ્રીજી મહારાજ વચ.ગ.મ.પ્ર.૨૮માં પોતાનો સ્વભાવ બતાવતાં કહે છે કે ‘‘મારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.’’ ભગવાન પોતે ભક્તના દાસ બની જાય છે અને ભક્તને પોતાના માલિક બનાવે છે, પોતાના મુગટમણિ બનાવી દે છે. સંસારમાં કોઈ મનુષ્યના આપણે દાસ બનીએ તો એ આપણને મુગટમણિ નહિ બનાવે, માલિક નહિ બનાવે. ઊલ્ટા આપણને પગતળિયે કચરી નાખશે. આપણું સત્ત્વ નીચોવી નાખશે. એટલા માટે ભગવાનને શરણે થઈને એક ભગવાનને પરાયણ થવું.
बुद्धियोगमुपाश्रित्य-સંપૂર્ણ ગીતામાં દેખવામાં આવે તો કર્મયોગનો ભારે મહિમા કહ્યો છે. તેવો જ મહિમા શ્રીજી મહારાજે ભગવાનના ભક્તોની નિષ્કામભાવે સેવાનો અર્થાત્‘નિષ્કામ સેવાયોગ’નો કહ્યો છે. જો મનુષ્યમાં આ એક વસ્તુ આવી ગઈ તો તે જ્ઞાની, ધ્યાની, યોગી, ભક્ત વગેરે સર્વ કઇં બની ગયો એમ જાણવું. નહી તો ઉચાં ગુણ આવવા છતા ભગવાન તેને પૂર્ણ માનતા નથી. ગીતામાં બીજા અધ્યાયના ઓગણપચાસ અને પચાસમાં શ્લોકમાં બતાવ્યુ કે
दूरेण ह्यवरं कर्म बुध्धि योगाध्धनं जय ।
बुध्धौशरण मन्विच्छ कृपणा: फलहेतव: ।।५९।।
बुध्धि युक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योग: कर्मसु कौशालम् ।।५०।।
આ શ્લોકોમાં ભગવાન ‘બુધ્ધિ’ શબ્દથી કર્મયોગનો ઇશારો કરે છે કે જ્ઞાનયોગનો? તે ઉંડાણથી પૃથ્થક્કરણ કરવાની જરૂર છે. કર્મયોગમાં બે વસ્તુ છે એક સ્થુળ ક્રિયા અને તે સ્થુળ ક્રિયાને પરમાત્મા સુધી પહોચાડવા તે ક્રિયા અંતરગત જ્ઞાનનો કે બુધ્ધિનો મહિમા ગાયો છે કે પ્રેરણા આપી છે તે તે વસ્તુની આપી છે. માટે बुध्धियोगमुपाश्रित्य આર્થાત્ કર્માન્તરગત બુધ્ધિ યોગ-સેવાન્તરગત્ભાવનાની જરૂરત પડે છે. તે ભાવના સહિત સેવાનો આશ્રય કર એવું તાત્પર્ય નીકળે છે. એવી પરમાત્મા પ્રત્યેની ભાવના અથવા પોતીકાપણાનો સંબંધ દરેક આત્મચૈતન્યમાં સ્વાભાવિક રહ્યો જ છે પરંતુ સાંસારિક વસ્તુઓમાં ઊંધી ભાવના થઇ જવાથી તે દબાઇ રહ્યો છે તેથી જીવ સુખી-દુઃખી થઇ રહ્યો છે માટે એમા સાધકે સાવધાન રહેવાનું છે કે હું આ લોકના પદાર્થથી મહિમાંવાન્નથી પણ પરમાત્માના મમત્વથી કે પ્રાપ્તિથી મહિમાવાન્છુ. તેની સાવધાની રાખીને ભગવાન તથા તેમના સાચા અનન્ય ભક્તની નિષ્કામ સેવાયોગ નો આશ્રય કરવાનો છે પણ જગતના સુખદુઃખે સુખીદુઃખી થવાનું નથી.
मच्चित: सततं भव- મારામાં સતત ચિત્ત રાખનારો થા એમ કહેવાનું તાત્પર્ય એ છે કે મારામાં પ્રેમ કરનારો થા. કારણ કે જેને જેમાં અતિશય પ્રેમ થાય છે તેનું ચિત્ત હંમેશાં સતત તેમાં જ રહે છે. માટે જે સાધકને ભગવાનમાં પ્રેમ થાય છે. આત્મીયતા કે કોઈપણ સંબંધથી મારાપણું થઈ જાય છે. ત્યારે તેના ચિત્ત ઉપર ભગવાન પોતે આપમેળે અધિકાર મેળવી લે છે. તેના ચિત્તમાં ભગવાન સ્વયં આવીને વિરાજમાન થઈ જાય છે. બીજા સાધકોને પોતાના ચિતમાં ભગવાનને પધરાવવા માટે પ્રયત્નશીલ રહેવું પડે છે. માટે પરમાત્માની ભક્તિમાં બીજા રસ્તા કરતાં એ વિશેષતા છે. જ્યારે જીવ પોતાની કાંઈ વસ્તુ માને ત્યારે તેમાં આત્મીયતા, મમત્વ અને આસક્તિ આપોઆપ થઈ જાય છે. ‘હું ભગવાનનો છું અને ભગવાન મારા છે’ એવી હૃદયપૂર્વક ભાવના થતાં ભગવાનમાં આપોઆપ પ્રેમ થાય છે. કારણ કે ભગવાન સાથે જીવનો નિત્ય સંબંધ છે. તે જગત સાથે સંબંધ ઘાટો થવાથી વિસરાઈ ગયો છે. જરૂર છે ખાલી તેને યાદ કરવાની. તેની વિસ્મૃતિ થઈ ગઈ છે માટે જરૂર છે તેની સ્મૃતિ કરવાની.
સાધક કોઈપણ સાંસારિક કામ કરે તેમાં એક સાવધાની રાખવાની છે કે, તે તે કાર્યમાં પોતાના ચિત્તને દ્રવિત ન થવા દેવું. સાવધાની જરૂર રાખવી. કાર્ય આદર્શ જરૂર કરવું પણ તેમાં ગળી ન જવું. તદાકાર ન થઈ જવું.(ક્રિયારૂપ ન થઇ જવું.) તેમાં ચિત્તને કઠોર રાખવું; પરંતુ ભગવાનના નામજપ કરવા, કીર્તન, ભગવત્કથા, ભગવદચિંતન વિગેરે ભગવત્સંબંધી કાર્યોમાં ચિત્તને મગ્ન કરતું રહેવાનું. તે રસમાં ચિત્તને તરબતર કે તદાકાર કરતા રહેવાથી ભગવાનમાં જલદી પ્રેમ થાય છે અને જલદી ભગવાનમાં ચિત્તવાળું બનાય છે.
काठीन्यं विषये कुर्याद् द्रवत्वं भगवत्पदे।
उपायै: शास्त्रनिर्दिष्टैरनुक्षणमतो बुधै:।।(भक्ति रसायन १/३२)
ચિત્તથી બધાં જ કર્મો ભગવાનને અર્પણ કરવાથી સંસાર સાથે નિત્ય વિયોગ થઈ જાય છે અને ભગવત્પરાયણ થવાથી નિત્યયોગ(પ્રેમ) થઈ જાય છે. વાસ્તવમાં આ જીવે સંસારની સાથે માનેલો સંબંધ સાધી લીધો છે પણ તેની સાથે કદી નિત્ય સંયોગ થઈ શકતો નથી તેનો તો નિત્ય વિયોગ જ રહે છે. જેમ કે મનમાં કોઈ વસ્તુનું ચિંતન થાય છે તો તે વસ્તુનો માનસિક સંયોગ છે. જેનાથી તે વસ્તુ પ્રત્યક્ષ ન મળવાથી દુઃખ થાય છે અને કદાચ વસ્તુ બહારથી મળી જાય છે તો ત્યારે તે વસ્તુનો અંદરથી વિયોગ થઈ જાય છે, કારણ કે તે બહાર ચોટી જાય છે. જેનાથી માણસને સુખ થાય છે. તેવી જ રીતે કોઈ કારણસર બહારથી વસ્તુ ચાલી ગઈ, નષ્ટ થઈ ગઈ તો મનથી વસ્તુનો સંયોગ થવાથી દુઃખ થાય છે અને વૈરાગ્ય વિચાર દ્વારા ‘આ વસ્તુ અમારી હતી જ નહિ, અમારી થઈ જ શકતી નથી’ આ રીતે વસ્તુને મનમાંથી બહાર કાઢી નાખતા સુખ થાય છે. તાત્પર્ય એ છે કે, અંદરથી સંયોગ માન્યો તો બહારથી વિયોગ ઊભો થાય છે અને બહારથી સંયોગ માન્યો તો અંદરથી વિયોગ ઊભો થાય છે આથી વાસ્તવમાં સંસારની સાથે નિત્ય વિયોગ જ રહે છે. કયારેય નિત્ય સંયોગ પ્રાપ્ત થતો જ નથી. મનુષ્ય કેવળ ભૂલથી તેને સંયોગ માની લે છે. જ્યારે પરમાત્મા સાથે હંમેશાં નિત્ય સંયોગ છે. છતાં જીવ ભૂલીને વિયોગી થાય છે અને દુઃખી થાય છે. આમ નિત્યયોગમાં યોગ, નિત્યયોગમાં વિયોગ, વિયોગમાં નિત્યયોગ અને વિયોગમાં વિયોગ આમ ચાર અવસ્થાઓ ચિત્તની વૃત્તિઓને લીધે થાય છે. આ ચારેય અવસ્થાઓને આવી રીતે સમજવી જોઈએ.
જેમ કે રાધાકૃષ્ણનું પરસ્પર મિલન થાય છે તો નિત્યયોગમાં ‘યોગ’ છે. મિલન થવા છતાં પણ શ્રી રાધાજીમાં એવો ભાવ આવી જાય છે, ભ્રમણા કે ભય ઊભો થાય છે કે પ્રિયતમ કયાંય ચાલ્યા જાય નહિ? મારો રખેને ત્યાગ કરી દે નહિ? જેમ મૂળજી બ્રહ્મચારીને ત્રણે અવસ્થામાં મહારાજની સેવામાં જાગ્રતિ રહેતી હતી. તેઓ ઊઘંમાં એકાએક ઝબકીને જાગી ઊઠતા. રખે મહારાજ કયાંય ચાલ્યા જાય નહિ તો આ ‘નિત્ય યોગમાં વિયોગ’ છે. ભગવાન સામે નથી પણ મનમાં તો ગાઢ ચિંતવન થઈ રહ્યું છે. જેમ કે મહારાજ બહાર જાય ત્યારે જીવુબા આદિ બહેનોને ત્રણે અવસ્થામાં ચિંતન રહેતું ‘મહારાજ આજ વડતાલથી આવશે… આ કહેવાય ‘વિયોગમાં નિત્યયોગ’ ભગવાન ઘણી વાટ જોતા પણ આવે નહિ ત્યારે પ્રાણ વિયોગ થાય તેવી અકળામણ થાય. તેને કહેવાય ‘વિયોગમાં વિયોગ’ જે દશા ગોપીઓ, સચ્ચિદાનંદ સ્વામી, જીવુબા વગેરે પાત્રોમાં હતી.
વાસ્તવમાં આ ચારેય અવસ્થાઓમાં ભગવાનની સાથે વિયોગ કયારેય થતો જ નથી તેની સાથે તો નિત્ય યોગ જ ચાલુ રહે છે. જેમ સાંસારિક વસ્તુ, વ્યક્તિ સાથે સંયોગ હોય તો ય નિત્ય વિયોગ જ છે તેમ જ ભગવાન સાથે વિયોગ હોય તો પણ નિત્ય સંયોગ જ છે. તેની સાથે કયારેય વિયોગ શક્ય નથી. હા, એટલું જ શક્ય છે કે તે સંયોગની વિસ્મૃતિ જરૂર હોઈ શકે છે. ભગવાન સાથે વિયોગ કદાપિ થતો નથી અને થવાને સંભાવના પણ નથી. આ જ નિત્યયોગને શાસ્ત્રમાં ‘પ્રેમ’ કહે છે, ‘પરાભક્તિ’ કહે છે. પ્રેમનું આદાન પ્રદાન કરવા માટે અને આસ્વાદન કરવા માટે જ ભગવાન કયારેક વિરહ લીલાઓ કરતા હોય છે પણ વિયોગ શક્ય નથી અને એવી લીલા કરવાથી સાચો અને અનન્ય પ્રેમ વૃદ્ધિ પામે છે.
આ પ્રેમને નારદજીએ પ્રતિક્ષણ વર્ધમાન કહ્યો છે. તે કેવી રીતે છે? તો ભગવાન અને ભક્તનો સંયોગ થાય છે. પહેલા તો ભગવાન ચાલ્યા ગયા હતા. વિયોગ થયો હતો. હવે કયાંક એ ફરીથી ન ચાલ્યા જાય એવી હૃદયમાં ભાવના કટીબદ્ધ થાય છે અને ભગવાન સાથે દૃઢ હૃદયબંધન થાય છે. ચૈતન્યમાં ગાંઠ પડી જાય છે. આવા ભાવને કારણે તેને પરમાત્માના મિલનમાં તૃપ્તિ જ નથી થતી, સંતોષ નથી થતો. તેઓનો વિયોગ થઈ જશે તો? એ વાતને લીધે મન અતિ ખેંચાયા કરે છે. એટલા માટે સાચી પ્રીતિને પ્રતિક્ષણ વર્ધમાન કહી છે. યોગ અને વિયોગમાં આ પ્રમાણે પ્રેમરસની વૃદ્ધિ થાય છે. જો સદા યોગ જ રહે, વિયોગ ન થાય તો પ્રેમરસ વધશે નહિ. અખંડ અને એકરસ તો જરૂર રહેશે, માટે ભક્તોની પ્રીતિ વધારવા માટે ભગવાન એવી લીલાઓ કરતા હોય છે.
પ્રેમભક્તિમાં ચાર પ્રકારનો રસ અથવા રતિ હોય છે. દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. કોઈ જગ્યાએ પાંચમો શાંત રસ પણ બતાવ્યો છે. શ્રીજી મહારાજે મુખ્ય ત્રણ દાસ્ય, માધુર્ય અને શાંત વચ.ગ.મ.પ્ર.વ.૬૨માં બતાવ્યા છે. આ રસોમાં દાસ્યથી સખ્ય, સખ્યથી વાત્સલ્ય અને વાત્સલ્યમાંથી માધુર્ય એમ એક એક કરતાં પરમાત્મામાં એકરસ-મશગુલ થવા માટે વધારે શક્તિશાળી તાકાત ધરાવે છે. કારણ કે એક કરતા એક ચઢતા ક્રમથી ભગવાનના ઐશ્વર્યની વિસ્મૃતિ અને ભક્તની પોતાની જાતની વિસ્મૃતિ કરાવનારા છે. આમાંથી કોઈપણ એક પૂર્ણતામાં જ્યારે પહોંચી જાય છે ત્યારે તેમાં બીજા રસોની ઊણપ રહેતી નથી. કારણ કે ભગવાન પૂર્ણ છે. માટે પ્રેમ ત્યાં પહોંચતા તેમની સાથેનો સંબંધ-પ્રેમ પણ પૂર્ણ જ છે. માટે અધુરાઈ નથી રહેતી. અપૂર્ણતા તો કેવળ સંસારના સંબંધથી જ ઊભી થાય છે. માટે ભગવાન સાથે કોઈપણ જાતના સંબંધથી જોડાય તો પણ તે પૂર્ણતાને પામી જાય છે.
દાસ્ય રતિમાં મુખ્ય દાસવૃત્તિ-સેવાવૃત્તિ છે. તેમાં ભક્તને ભગવાન પ્રત્યે એમ રહે છે કે, ભગવાન મારા માલિક છે. મારો માલિક ભગવાન સિવાય કોઈ હોઈ ન શકે. હું સિંહનો બાળ છું, તેને શિયાળ ભોગવી ન શકે. ભગવાન મારા સ્વામી છે. હું તેનો સેવક છું. આ પ્રકારનું હૃદયબંધન ભગવાન સાથે બંધાય છે અને મમતા અને પ્રેમ પ્રગટે છે. જે ધીરે ધીરે પૂર્ણતાએ પહોંચે છે.
સખ્યરતિમાં સખાભાવ મુખ્ય છે. ‘સમપ્રાણ સખા મતા’ સમાન સામર્થી ધરાવે છે. સખાભક્તિમાં સુખ વહેંચવાની વૃત્તિ મુખ્ય રહે છે. બે સાચા મિત્રો હોય પછી એકને કોઈપણ જાતનો લાભ થાય તો તે લાભ મિત્રને વહેંચ્યા વિના રહી ન શકાય. તે મિત્રવૃત્તિ છે. તેમ પોતાને જે કાંઈ હકારાત્મક મળ્યું છે તે ભગવાન સુધી ભગવાનને માટે પહોંચાડવા આતુર વૃત્તિને સખાવૃત્તિ કહેવાય છે અને તેને સુખ પહોંચાડતા જે ભગવાન પ્રત્યે હૃદયબંધન થાય તે સખાભક્તિ છે.
વાત્સલ્ય રતિમાં વાત્સલ્યભાવ મુખ્ય છે. તાજી વિયાણી ગાય હોય તે વાછરડાને જીભથી ચાટે છે. પોતાના વાછડાને જીભથી ચાટી ચોખ્ખું કરે છે અને તેથી વાછડા ઉપર એને અતિ પ્રીતિ થાય છે. તે વાછરડા પાસે કોઈ જઈ ન શકે. તેમ આવા ભક્તો ભગવાનને પોતાનું બાળક સમજ છે, શિષ્ય સમજે છે અને પોતે તેના સર્વ પ્રકારે હિતેચ્છુ બની રહે છે. વાત્સલ્ય ભાવની વિલક્ષણતા એ છે કે તેના દોષ, ખામીઓ પણ આને સદ્ગુણ રૂપે દેખાય છે. એવી આત્મીયતા ભગવાન સાથે બંધાય છે. નંદબાવા, યશોદા, ધર્મદેવ, ભક્તિમાતા તેને ભગવાનમાં વાત્સલ્ય પ્રેમ હતો.
માધુર્ય રતિમાં ભક્તને ભગવાનના ઐશ્વર્યની વિશેષ કરીને વિસ્મૃતિ રહે છે. તેને તેના વ્યક્તિત્વમાં જ સાંગોપાંગ મધુરતા આવે છે. તેને તેની નીરસતામાં પણ વિશેષ સ્વાદ આવે છે. તેને મધુર ભાવ કહેવાય છે. લોકો બહુધા માધુર્યભાવમાં સ્ત્રી પુરુષના વિજાતીય ભાવને માધુર્યભાવ સમજે છે; પરંતુ તે ખોટી ધારણા છે. કારણ કે આ ભાવ સ્ત્રીપુરુષમાં વિજાતીય ભાવમાં જ હોય તેવું નથી. માધુર્ય એટલે મીઠાશ. તે મીઠાશ તેના વ્યક્તિત્વની અને પોતાના અંતર ઈરાદાથી આવે છે. પરમાત્માના વ્યક્તિત્વની અનુરૂપતાથી, આત્મીયતાથી આવે છે. તેમાં અભિન્નતા જેટલી વધારે હશે તેટલી મીઠાશ વધારે આવશે. આથી દાસ્ય, સખ્ય વગેરે કોઈ પણ ભાવનામાં પૂર્ણતા આવતાં તેમાં મધુરતા ઓછી નહિ રહે. ભક્તના ભાવો જેમ જેમ વધતા જશે તેમ તેમ મધુરભાવની સીમા આવતી જશે.
આ ભાવમાં ખાસ કરીને ભક્ત ભગવાનની સાથે પોતાની અભિન્નતા(તાદાત્મ્ય બુદ્ધિ) માને છે. અભેદ અને અભિન્નતામાં તફાવત છે. જેમાં દ્વૈતભાવ સર્વથા સમાપ્ત થઈ જાય, કેવળ એક જ તત્ત્વ બાકી રહી જાય તેને ‘અભેદ’ કહેવાય. જ્યારે બે વ્યક્તિત્વ હોવા છતાં પણ એક બનીને રહેવાનું નામ ‘અભિન્નતા’ છે. અભિન્નતા જેટલી ગાઢ થાય છે તેટલો માધુર્યભાવ વધારે પ્રગટ થાય છે. આને જ પ્રેમરસ અથવા પ્રેમલક્ષણા કહેવાય છે. ભગવાન પણ આવા પ્રેમરસનું પાન કરવા સદા લાલાયિત રહે છે અને પોતાના દિવ્યધામનો ત્યાગ કરીને ભક્તોનો પ્રેમરસ પાન કરવા પૃથ્વી પર આવે છે. આમ અભિન્નતા જ્યારે મનાય છે ત્યારે તેમને માટે સુખદાયી સામગ્રી ભેગી કરવાની છે અને એમને સુખ-આરામ પહોંચાડવાની જ તમન્ના રહે છે. એમને કોઈ રીતે તકલીફ ન થાય એવો ભાવ હૃદયમાં સદાકાળ બન્યો રહે છે.
આવો પ્રેમરસ અલૌકિક છે, ચિન્મય છે. એ રસનું આસ્વાદન કરનારા ભગવાન અને તેના અનન્ય ભક્તો જ છે. સદ્. નિષ્કુળાનંદ સ્વામી બતાવે છે કે…
મહા રસ પીધો જેહ જને, તે ન ચાખે બીજો રસ મને;
એ રસ પીધો છે શુકજી આદે, તે તો ન રાચે અન્યને સ્વાદે.
એ રસ પીધો છે સનકાદિકે, પીધો નવ યોગેશ્વર નિકે;
એ રસ પીધો છે જનક જેવે, જેનું મન ન રહ્યું બીજે પીવે.
એ રસ પીધો છે જન પ્રહ્લાદે, મન માન્યું નહિ બીજે સ્વાદે;
એ રસ પીધો છે ધ્રુવ અંબરીષે, એ રસ પીધો ગોપી ગુડાકેશે.
(ભક્તચિંતામણિ પ્ર.૧૦૮/૩થી૫)
આવા પ્રેમના તત્ત્વને ન સમજવાને કારણે જ કેટલાક લોકો સાંસારિક સ્ત્રીપુરુષ કામનાને જ પ્રેમ કહીને બતાવે છે. તે બિલકુલ ખોટું છે. કારણ કે કામ તો ચોરાશી લાખ જાતિના દરેક જીવમાં રહે છે. તેમાં પણ ભૂત, પિશાચ વગેરે પ્રેત યોનીમાં કામના(સુખ ભોગની ઈચ્છા) ઊલટી વધારે હોય છે; પરંતુ સાચા પ્રેમના અધિકારી તો ઉપર ગણાવ્યા તેવા કોઈ વિરલા જ હોય છે.
કામમાં સુખ લેવાનું ને લેવાનું જ આવે છે. જ્યારે પ્રેમમાં સુખ આપવાનું ને આપવાનું જ આવે છે. કામમાં પોતાના ઈન્દ્રિયોને તૃપ્ત કરવાનો ભાવ રહે છે. તેઓનાથી સુખ ભોગવવાનો ભાવ રહે છે અને પ્રેમમાં તો ભગવાનને સુખ પહોંચાડવાનો જ ભાવ રહે છે. સેવાપરાયણ રહેવાનો ભાવ રહે છે. કામ કેવળ શરીરને અવલંબીને જ રહે છે. જ્યારે પ્રેમ તેવો દેખાતો હોવા છતાં ચૈતન્યથી જ થાય છે. કામમાં મોહ(મૂઢપણું) રહે છે. સાચો પ્રેમ તો તમામ મોહને તોડીને નાશ કરનારો છે. કામમાં તો સંસારનું દુઃખ ભરેલું રહે છે. જ્યારે સાચા પ્રેમમાં તો મુક્તિનો વિલક્ષણ આનંદ ભરેલો રહે છે. કામમાં જડતાની પ્રધાનતા રહે છે. જ્યારે પ્રેમમાં ચેતનાની પ્રધાનતા રહે છે. કામમાં રાગ હોય છે. પ્રેમમાં ત્યાગ હોય છે. કામમાં તે મારા કામમાં કેટલો આવે છે તે હોય છે. જ્યારે પ્રેમમાં હું તેમના (ભગવાનના) કામમાં કેટલો આવું છું, તે તપાસવાનું હોય છે. કામના નીરસતામાં ફેરવાઈ જાય છે. જ્યારે પ્રેમરસ પ્રતિક્ષણે વધતો રહે છે. કામમાર્ગ નરકનું દ્વાર છે. નરક તરફ લઈ જનારો છે. જ્યારે પ્રેમમાર્ગ પરમાત્માના ધામનો રસ્તો છે. ધામમાં પહોંચાડનારો છે.
मच्चित्त: सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि।
अथ चेत्त्वमहंकारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि।।५८।।
અર્થ : મારામાં ચિત્ત રાખવાથી સર્વ દુસ્તર દુઃખોને પણ મારી પ્રસન્નતાથી તરી જઈશું અને જો તું અહંકાર રાખીને મારું વચન નહિ સાંભળું તો તું નિાશને માર્ગે જઈને ભ્રષ્ટ થઈ જઈશ. ।।૫૮।।
मच्चित्त: सर्वदुर्गाणि… ભગવાન કહે છે કે, મારામાં ચિત્તવાળો અર્થાત્મારામાં પ્રીતિવાળો થવાથી તું મારી કૃપાથી તમામ વિઘ્નો, બાધા, શોક, દુઃખ વગેરેને તરી જઈશ. તેને દૂર કરવા માટે તારે કોઈ પ્રયાસ નહિ કરવો પડે.
ભગવાનના ભક્તે પોતાના તરફથી બધાં કર્મો ભગવાનને અર્પણ કરી દીધા અને પોતે પણ ભગવાનને અર્પિત થઈ ગયો. ભગવાનની સાથે અટલ સંબંધ જોડી દીધા પછી તો પણ સાધકમાં કોઈ અલ્પ ખામી રહી જાય તો તે ખામી દૂર કરવાની જવાબદારી પરમાત્મા પોતે લઈ લે છે. માટે ભગવાનકહે છે કે, ‘मत्प्रसादात् तरिष्यति’ અર્થાત્મારી કૃપાથી તમામ વિઘ્નો તરી જશે. મનુષ્યનો જો કોઈ મોટો અપરાધ હોય તો એ છે કે ભગવાન સાથેનો પોતાનો સંબંધ ભૂલીને સંસાર સાથે સંબંધ જોડી દીધો છે. હવે તે અપરાધને દૂર કરવા સંસાર સાથે સંબંધ તોડીને ભગવાન સાથે પાકો સંબંધ જાગૃત કરવાનો છે. તે કરવા છતાં કોઈ ક્ષતિ રહી જશે તો તે ભગવાન સંભાળી લેશે.
જેનો પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય શરીર વગેરે સાથે સંબંધ છે, તેના પર જ શાસ્ત્રોનો વિધિનિષેધ, પોતાના વર્ણાશ્રમને અનુસાર કર્તવ્યનું પાલન કરવું વગેરે નિયમો લાગુ પડે છે. તેણે તે બરાબર કરવું જોઈએ. કારણ કે પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય એવા શરીર સાથે સંબંધને લઈને જ પાપ-પુણ્ય છે અને તેમનું ફળ સુખ-દુઃખ છે. તેથી તેના પર શાસ્ત્રીય મર્યાદા-વિધિનિષેધ અને નિયમો વિશેષતાથી લાગુ પડે છે; પરંતુ જે પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યરૂપ શરીર વગેરેનો સંબંધ વિચ્છેદ કરીને ભગવાનને સંપૂર્ણ શરણે થયો છે, તે શાસ્ત્રીય મર્યાદાનો દાસ નથી રહેતો. વિધિનિષેધથી ઉપર ઊઠીને રહે છે. છતાં પણ ભગવાનનો ભક્ત, ભગવાનને રાજી કરવા અને ભગવાનની આજ્ઞારૂપ જાણીને તે સંપૂર્ણ વિધિનિષેધને અનુસરે છે. કયારેય ત્યાગ કરતો નથી તો પણ તેનો દાસ તે નથી. તે તો ભગવાનનો દાસ થયો છે. ત્યારે બીજા બધા તેને પોતાની માલિકીમાંથી મુક્ત કરી દે છે ત્યારે તેના પર દેવ, ઋષિ, પિતૃ કે તેવા કોઈ તમામ ઋણથી મુક્ત થઈ જાય છે. તે ભાગવતમાં બતાવ્યું છે કે… देवर्षिभूताप्तनृणां पितृणां न किंकरो नायमृणी च राजन्। सर्वात्मना य: शरणं शरण्यं गतो मुकुन्दं परिहृष्य कर्तम्।। આને જ સઘળા વિઘ્નોને તરી જઈશ એમ કહીને બતાવે છે.
अथ चेत्त्वमहंकारान्न श्रोष्यसि.. ભગવાન અત્યધિક કૃપાળુતાને કારણે આત્મીયતાપૂર્વક અર્જુનને કહી રહ્યા છે કે, ‘મેં જે કાંઈ કહ્યું છે તેને અહંકારને કારણે તું નહિ માને, તો તારું પતન થઈ જશે. -विनङ्क्ष्यसि। જો કે અર્જુન ભગવાનની વાત ન સાંભળે તે શક્ય જ નથી. અર્જુનને ભગવાનમાં પરમ વિશ્વાસ છે, તો પણ ભગવાન અર્જુનને ચેતવે છે કે મારે શરણે થઈને તારી કોઈ ખામી હશે તો તે હું દૂર કરી દઈશ પણ અહંકારથી નહિ માને તો નાશ પામી જઈશ. કારણ કે અહંકાર આસુરી સંપત્તિનું મૂળ છે.
यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे।
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति।।५९।।
અર્થ : અહંકારને આશરીને ‘‘હું યુદ્ધ નહિ કરું’’ એમ જો તું માનતા હોય તો તે તારો મનનો ઠરાવ મિથ્યા-નકામો છે. તારી પ્રકૃતિજ-સ્વભાવજ તને યુદ્ધ કરવામાં પ્રેરશે. ।।૫૯।।
यदहंकारमाश्रित्य… પ્રકૃતિમાંથી જ અહંકાર ઉત્પન્ન થયો છે. એ અહંકારનો જ એક વિકૃત અંશ છે. ‘હું શરીર છું’ આવા દેહભાવનો આશ્રય લેવાવાળો પુરુષ કદી પણ ક્રિયા રહિત થતો નથી. કારણ કે પ્રકૃતિ સતત ક્રિયાશીલ છે. તેથી તેને આશ્રિત રહેવાવાળો કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના નથી રહી શકતો.(ગી. ૩/૫) જ્યારે વ્યક્તિ અહંકારપૂર્વક ક્રિયાશીલ પ્રકૃતિને વશ થઈ જાય છે. ત્યારે તે કેવી રીતે કહી શકે કે હું અમુક કર્મ કરીશ અને અમુક કર્મ નહિ કરું? કારણ કે તેને તો એમ જ કહેવું જોઈએ કે પ્રકૃતિ જેમ કરાવશે તેમ કરીશ; કારણ કે કરવું અને ન કરવું તેના વશની વાત નથી. તેને માટે ‘કરવું’ પણ કર્મ છે અને ‘ન કરવું’ પણ કર્મ છે; પરંતુ જો પ્રકૃતિથી પર થઈને તેનાથી નિર્લિપ્ત થાય તો તેને માટે ‘કરવું’ કે ‘ન કરવું’ બન્ને કર્મ રહેતાં નથી.
બીજા અધ્યાયમાં અર્જુને ભગવાનને શરણે જઈને પ્રાર્થના કરી કે, મને ઉપદેશ આપો-शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्-(૨/૭) અને પછી અર્જુને સાફ સાફ કહી દીધું કે ‘न योस्त्ये’ હું યુદ્ધ નહિ કરું. આ વાત ભગવાનને સારી નથી લાગી. ભગવાન મનમાં વિચારે છે કે આ પહેલા તો મારે શરણે થઈ ગયો અને પછી તેણે મારા કાંઈ પણ કહ્યા વિના જ સાફ સાફ કહી દીધું કે, ‘હું યુદ્ધ નહિ કરું’ તો પછી મારી શરણાગતિ જ કયાં રહી? તે મારે શરણે થયો છે? કે પોતાના અહંકારના શરણે થયો છે? કારણ કે વાસ્તવિક શરણાગત થતા તો ‘હું આ કરીશ કે હું આ નહિ કરું’ એ વાત જ રહેતી નથી. ભગવાન જેમ કરાવશે તેવું જ કરવાનું રહેશે. તેથી ભગવાનને હસવું પણ આવી ગયું;(૨/૧૦) પરંતુ અર્જુન પર અત્યાધિક કૃપા અને સ્નેહ હોવાથી ભગવાને ઉપદેશ આપવાનો શરૂ કરી દીધો. નહિ તો ત્યાં જ ભગવાન કહી દેત કે ઠીક તું જેવું ઈચ્છે છે તેવું કર’, ‘यथेच्छसि तथा कुरु’ (૧૮/૬૩) તો ગીતા ત્યાં જ પૂરી થઈ ગઈ હોત; પરંતુ ભગવાન અર્જુન પ્રત્યે અને જગત પ્રત્યે અત્યંત કરુણાપૂર્ણ હૃદયવાળા છે. તે અર્જુનના બોલવા સામે કે જીવના કર્મ સામે જોતા નથી. છતાં પણ એ વાત ભગવાનના હૃદયમાં ખટકી હતી. તેથી અર્જુનના જ તે શબ્દો-‘न योत्स्ये’ પાછા તેમને સામે ધરે છે અને બતાવી રહ્યા છે કે તું પ્રકૃતિનો શરણાગત છે, મારો નથી. જો તું મારે શરણે થયો હોત તો ‘હું યુદ્ધ નહિ કરું એવું કહેવું બનત જ નહિ’ મારો શરણાગત થતાં હું શું કરું અને શું ન કરું એ મારે શિરે જવાબદારી છે અને જો એમ કરીશ તો પ્રકૃતિ પણ તને બાધ ન કરી શકત. (૭/૧૪) ત્રિગુણ પ્રકૃતિ તેને જ બાધ્ય કરે છે જે ભગવાનને શરણે નથી થતો. (૭/૧૩) માટે હે અર્જુન ! જો તું મારું ધાર્યુ નહિ કરે તો તારે તારી પ્રકૃતિમાં જરૂર તણાવું પડશે અને તે તારી ક્ષત્રિય પ્રકૃતિ પણ તને યુદ્ધ તો જરૂર કરાવશે જ.
‘मिथ्यैष व्यवसायस्ते’ વ્યવસાય અર્થાત્નિશ્ચય બે પ્રકારનો હોય છે-વાસ્તવિક અને અવાસ્તવિક. પરમાત્મા સાથે પોતાનો જે નિત્ય સંબંધ છે-તેનો નિશ્ચય કરવો તે તો વાસ્તવિક નિશ્ચય છે. કારણ કે સંબંધ વાસ્તવિક છે પણ પ્રકૃતિની સાથે મળી જઈને પ્રાકૃતિક પદાર્થોનો નિશ્ચય કરવો તે અવાસ્તવિક છે. જે વાસ્તવિક નિશ્ચય થાય છે તેમાં પરમાત્માની ઈચ્છા કે પરમાત્માનું પ્રધાનપણું રહે છે અને અવાસ્તવિક નિશ્ચયમાં અહંકારનું પ્રધાનપણું રહે છે કે ‘હું યુદ્ધ નહિ કરું’. આવો તારો નિશ્ચય અવાસ્તવિક છે. તારી ક્ષત્રિય પ્રકૃતિથી પણ વિરુદ્ધ છે. અર્થાત્મિથ્યા છે, જૂઠો છે. આશ્રય પરમાત્માનો જ થવો જોઈએ, અહંકારનો કે પ્રકૃતિનો ન થવો જોઈએ. ધાર્યું પરમાત્માનું જ પાર ઊતરે છે અહંકાર કે પ્રકૃતિનું નહિ.
જો વ્યક્તિ એવો નિશ્ચય કરી લે કે, હું પરમાત્માનો જ છું. મારે પરમાત્માને જ શરણે રહેવું છે અને પરમાત્મા તરફ જ ચાલવું છે. તો તે નિશ્ચય વાસ્તવિક છે. અર્થાત્સત્ય છે, નિત્ય છે. આવા નિશ્ચયનો મહિમા ભગવાન નવમા અધ્યાયના ત્રીસમાં શ્લોકમાં કહે છે કે જો દુરાચારીમાં દુરાચારી મનુષ્ય પણ અનન્ય ભાવથી મારું ભજન કરે છે. અર્થાત્શરણે આવીને ભજે છે તો તેને દુરાચારી નહિ માનવો જોઈએ; પરંતુ તેને સાધુ જ માનવો જોઈએ. કેમ કે તેે ખૂબ સમ્યક્વાસ્તવિક નિશ્ચય કરી ચૂકયો છે કે હું ભગવાનને શરણે થઈશ. હું ભગવાનને જ ભજીશ માટે હે અર્જુન ! તું જો મારા કહેવા પ્રમાણે યુદ્ધ નહિ કરે, યુદ્ધમાં નહિ જોડાય તો પણ તારી ક્ષત્રિય પ્રકૃતિ તને યુદ્ધમાં જબરજસ્તીથી જોડશે. ‘प्रकृतिस्त्वां नियोक्ष्यति’ આથી આવું ધર્મને ખાતર આવતું યુદ્ધ તું કર્યા વિના નહિ રહી શકે.
स्वभावजेन कौन्तेय निबद्ध: स्वेन कर्मणा।
कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्यवशोऽपि तत्।।६०।।
અર્થ : હે કૌન્તેય ! પૂર્વ સંસ્કારરૂપ સ્વભાવથીજ પ્રાપ્ત સ્વકર્મથી બંધાયેલો તું મોહને વશ થઈને જે કાર્ય કરવા નથી ઈચ્છતોે તેજ કાર્ય તું પરવશ થકો પણ જરૂર કરીશ. ।।૬૦।।
स्वभावजेन…
પૂર્વ જન્મમાં જેવી કર્મ અને ગુણોની વૃત્તિઓ રહી છે. આ જન્મમાં જેવા માતા-પિતાથી જેવા સંસ્કારો રહ્યા છે, જન્મ પછી જેવું દેખ્યું સાંભળ્યું છે, જેવું શિક્ષણ પ્રાપ્ત થયું છે અને જેવાં કર્મો કર્યાં છે. એ બધા મળીને પોતાની જે કર્મ કરવાની આદત બની છે. તેનું નામ સ્વભાવ છે અથવા પ્રકૃતિ છે. આને ભગવાને સ્વભાવજન્ય સ્વકીય કર્મ કહ્યું છે અને આને જ સ્વધર્મ પણ કહે છે. स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि। (२/३१)
જે જીવનમુક્ત મહાપુરુષો હોય છે, તેઓનો સ્વભાવ સર્વથા વિશુદ્ધ હોય છે. એટલા માટે તેઓના પર સ્વભાવનું આધિપત્ય નથી રહેતું. તેઓ સ્વભાવને પરવશ નથી થતા. છતાં પણ તેઓ કોઈ કામમાં જ્યારે પ્રવૃત્ત થાય છે તો પોતાની પ્રકૃત્તિ (સ્વભાવ)ના અનુસાર જ કામ કરે છે; પરંતુ સાધારણ મનુષ્યો પ્રકૃતિને પરવશ થાય છે એટલા માટે તેઓનો સ્વભાવ તેઓને જબરજસ્તીથી કર્મમાં લગાડી દે છે. (૩/૩૩) વળી તે સ્વભાવ પણ મહાપુરુષોના સ્વભાવ જેવો વિશુદ્ધ નથી હોતો. તેમાં મલિનતા જરૂર હોય છે, તેથી તેનું ફળ ઉત્તમ નહી હોય. હે અર્જુન ! જો તું શાસ્ત્ર કે મહાપુરુષોની આજ્ઞાથી અથવા મારી આજ્ઞાથી યુદ્ધ કરશે તો તે જ કર્મ તારે માટે કલ્યાણકારી થઈ જશે. કારણ કે શાસ્ત્ર અથવા મારી આજ્ઞાથી કર્મો કરવાથી તે કર્મોમાં રાગદ્વેષ છે, તે સ્વભાવિક જ દૂર થઈ જશે. કેમ કે તારી દૃષ્ટિ આજ્ઞાની તરફ રહેશે, રાગદ્વેષ તરફ નહિ રહે.
આથી તે કર્મો બંધનકારક ન બનીને કલ્યાણકારક જ થશે. ગીતામાં પ્રકૃતિની પરવશતાની વાત-प्रकृतिं यान्ति भूतानि અને અહીં ‘प्रकृतिस्त्वां नियोक्ष्यति’(૧૮/૫૯) ઉપરાંત અનેક જગ્યાએ આ વાત આવી છે. આનાથી સ્વભાવની પ્રબળતા સિદ્ધ થાય છે. કારણ કે કોઈપણ પ્રાણી જે યોનિમાં જન્મ લે છે ત્યારે તેની પ્રકૃતિ અર્થાત્સ્વભાવ તેની સાથે રહે છે. જો તેનો સ્વભાવ પરમ શુદ્ધ હોય અર્થાત્તે સર્વથા અસંગતતાને પામી ગયો હોય તો જન્મ જ શા માટે થશે? જો તેનો જન્મ થશે તો સ્વભાવની પ્રધાનતા રહેશે. જ્યારે સ્વભાવની જ પ્રધાનતા અથવા પરવશતા રહેશે અને પ્રત્યેક ક્રિયા સ્વભાવના અનુસાર જ થશે તો પછી શાસ્ત્રોનો વિધિનિષેધ કોના પર લાગુ પડશે? ગુરુજનોનું શિક્ષણ કોના કામમાં આવશે અને મનુષ્ય દુર્ગુણદુરાચારોનો ત્યાગ કરીને સદ્ગુણ સદાચારોમાં કેવી રીતે પ્રવૃત્ત થશે?
ઉપર્યુક્ત પ્રશ્નનો ઉત્તર એમ છે કે જેવી રીતે મનુષ્ય ગંગાજીના પ્રવાહને રોકી તો નથી, શકતો; પરંતુ તેના પ્રવાહને વાળી શકે છે, ઘુમાવી શકે છે. એવી જ રીતે મનુષ્ય પોતાના વર્ણોચિત્ત સ્વભાવને છોડી તો નથી શકતો; પરંતુ ભગવત્પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને તેને રાગદ્વેષથી રહિત પરમ શુદ્ધ, નિર્મળ તો બનાવી શકે છે. તાત્પર્ય એ થયું કે, સ્વભાવને શુદ્ધ બનાવવામાં મનુષ્ય માત્ર સર્વથા સબળ અને સ્વતંત્ર છે, નિર્બળ અને પરતંત્ર નથી. નિર્બળતા અને પરતંત્રતા તો કેવળ રાગદ્વેષ થવાને લઈને પ્રતીત થાય છે.
હવે આ સ્વભાવને સુધારવાને માટે ભગવાને ગીતામાં કર્મયોગ અને ભક્તિયોગની દૃષ્ટિએ બે ઉપાયો બતાવ્યા છે.
કર્મયોગની દૃષ્ટિએ ત્રીજા અધ્યાયના ચોત્રીસમાં શ્લોકમાં ભગવાને બતાવ્યું છે કે, મનુષ્યના ખાસ શત્રુ રાગદ્વેષ જ છે. આથી રાગદ્વેષને વશ નહિ થવું જોઈએ. રાગદ્વેષને લીધે કોઈપણ કર્મ નહિ કરવું જોઈએ; પરંતુ શાસ્ત્રની આજ્ઞાનુસાર જ પ્રત્યેક કર્મ કરવું જોઈએ. શાસ્ત્રની આજ્ઞાનુસાર અર્થાત્શિષ્ય ગુરુની, પુત્ર માતા-પિતાની, પત્ની પતિની અને નોકર માલિકની આજ્ઞાનુસાર પ્રસન્નતાપૂર્વક બધાં કર્મો કરે છે તો તેમાં રાગદ્વેષ નથી રહેતા. કારણ કે પોતાના મનના અનુસાર કર્મ કરવાથી જ રાગદ્વેષ પુષ્ટ થાય છે. શાસ્ત્ર વગેરેની આજ્ઞાનુસાર કાર્ય કરવાથી અને કયારેક બીજું નવું કાર્ય કરવાનું મનમાં આવી જતાં પણ શાસ્ત્રની આજ્ઞા ન હોવાથી આપણે તે કાર્ય નથી કરતા તો તેનાથી આપણો રાગ નષ્ટ થઈ જશે અને કયારેક કાર્ય ન કરવાનું મનમાં આવી જતા પણ શાસ્ત્રની આજ્ઞા હોવાથી આપણે તે કાર્ય પ્રસન્નતાપૂર્વક કરીએ છીએ તો તેનાથી આપણો દ્વેષ નષ્ટ થઈ જાય છે.
(૨) ભક્તિયોગની દૃષ્ટિએઃ જ્યારે સાધક ભગવાનને શરણે થઈ જાય છે, ત્યારે તેની પાસે પોતાનું કરીને રાખવાનું કાંઈ હોતું નથી. પછી ભગવાનની આજ્ઞાનુસાર કે ભગવાનની ઈચ્છાનુસાર તેના દ્વારા બધાં કર્મો થાય છે. જેનાથી તેના સ્વભાવમાં રહેવાવાળા રાગદ્વેષ નાશ પામી જાય છે.
તાત્પર્ય એ થયું કે કર્મયોગમાં રાગદ્વેષ છોડી, કર્મ કરવાથી સ્વભાવ શુદ્ધ થાય છે. જ્યારે ભક્તિયોગમાં ભગવાનને અર્પિત થવાથી સ્વભાવ સુધરે છે, શુદ્ધ થાય છે. મનુષ્ય જે કોઈ કર્મ કરે છે તે કયારેક રાગદ્વેષને વશીભૂત થઈને કર્મ કરે છે અને કયારેક સિદ્ધાંતોને અનુસાર કરે છે. રાગદ્વેષપૂર્વક કર્મ કરવાથી રાગદ્વેષ દૃઢ થાય છે અને મનુષ્યનો તેવો જ સ્વભાવ થઈ જાય છે, તેથી અશુદ્ધ થઈ જાય છે. આજ્ઞાનુસાર કે સિદ્ધાંત અનુસાર કર્મ કરવાથી સ્વભાવ પણ તેવું જ કરવાનો બની જાય છે. માટે જે મનુષ્યો પરમાત્માની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને શાસ્ત્ર અને મહાપુરુષોના સિદ્ધાંતના અનુસારે કર્મો કરે છે અને જેઓ પરમાત્માને પામી ગયા છે-આ બન્નેનાં કર્મો દુનિયાને માટે આદર્શરૂપ હોય છે, અનુકરણીય હોય છે. (૩/૩૧)
ईश्वर: सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारू ढानि मायया।।६१।।
અર્થ : હે અર્જુન ! સર્વના સ્વામી ભગવાન સર્વ ભૂતોના હૃદય-પ્રદેશમાં પોતાની માયા-શક્તિથી સંસૃતિ-ચક્રરૂપ યંત્ર ઉપર આરૂઢ થયેલાં સર્વ ભૂત-પ્રાણીમાત્રને તેના તેના કર્મ પ્રમાણે સંસારમાં ભમાવતા થકા રહે છે. ।।૬૧।।
ईश्वर: सर्वभूतानां… જે કોઈ પરમાત્મા છે, આ સૃષ્ટિનો માલિક છે. શાસક, નિયામક અને ભરણપોષણ કરવાવાળો છે. તે પોતાની શક્તિથી તમામ પ્રાણીઓને ઘુમાવે છે, ફેરવે છે. જેમ કોઈ ફજેત ફાળકામાં બેસી ગયો તો પછી તે ભલે કોઈ ચેષ્ટા ન કરતો હોય તો પણ ફાળકો તેને ચક્કર ચક્કર ફેરવ્યા વિના રહેતો નથી. તેમ જે જીવ શરીરને ‘હું અને મારું’ માની લે છે, તે પ્રકૃતિના ફાળકે બેસી ગયો છે. તેને સ્વર્ગ ને નરક, જન્મને મૃત્યુમાં ચક્કર માર્યા વિના છૂટકો જ નથી. જો કોઈ ફાળકાની નીચે ઊતરી જાય તો તેને ચક્કર મારવાના રહેતા નથી. તેમ પ્રાકૃત શરીર અને તેના સંબંધિત વસ્તુઓમાં મમતા છોડી દે તો જન્મ-મરણના ચક્કરમાં ફરવાનું રહેતું નથી.
હવે અહીં એક શંકા થાય છે કે, જ્યારે ઈશ્વર જ આપણને ભ્રમણ કરાવે છે, ક્રિયા કરાવે છે, ત્યારે આ કામ કરવું જોઈએ ને આ કામ નહિ કરવું જોઈએ-એવી સ્વતંત્રતા કયાં રહી? કેમ કે યંત્રારુઢ થવાને કારણે આપણે યંત્રના અને યંત્રના સંચાલક ઈશ્વરને આધીન થઈ ગયા. પરતંત્ર થઈ ગયા પછી યંત્રનો સંચાલક(પ્રેરક) જેવું કરાવશે, તેવું જ થશે? તો આનું સમાધાન આ રીતે છે-કે જેવી રીતે વીજળીથી સંચાલિત યંત્રો અનેક જાતનાં હોય છે. એક જ વીજળીથી સંચાલિત થવા છતાં પણ કોઈ યંત્રમાં પાણીનો બરફ જામી જાય છે ને કોઈ યંત્રમાં પાણીની વરાળ થઈ જાય છે. તેઓમાં એક બીજાથી તદ્દન વિરુદ્ધ-ઊલટું કામ થાય છે પણ તેમાં વીજળીને કોઈ આગ્રહ નથી કે હું બરફ જ બનાવું અને વરાળ ન બનાવું. તેનો તો એટલો જ સ્વભાવ છે કે સ્વીચ ચાલુ કરો તો કોઈ પણ જરૂરી સક્રિયતા કરશે. પછી તે સક્રિયતાને બરફ તરફ કે વરાળ તરફ લઈ જવી તે યંત્રના માલિક પર અવલંબે છે. તેમ દરેક શરીરોના અમુક સ્વભાવો છે પણ તેને વાળીને પરમાત્મા તરફ લઈ જવા તે ચેતન કરી શકે છે, સાધક કરી શકે છે. જો ધારે તો. માટે સારી નરસી ક્રિયામાં પરમાત્માનો હાથ નથી. તેમાં તો જીવાત્માની જ સ્વતંત્રતા છે. અર્થાત્સારા કે નરસા સ્વભાવ સંચાલિત છે અને સ્વભાવને સારો-નરસો બનાવવો તેમાં સાધક સ્વતંત્ર છે કોઈને પરાધીન નથી. તેમાં કેવળ વિશેષતા એટલી જ છે કે, મનુષ્યેતર પ્રાણીઓને તેમાં સુધારવાનો અધિકાર-શક્યતા ભગવાને આપી નથી; પરંતુ મનુષ્ય શરીરમાં તો પોતાનો સ્વભાવ સુધારવા અને પરિશુદ્ધ કરવા ભગવાને સંપૂર્ણ અધિકાર ને સ્વતંત્રતા આપેલ છે.
જેમ ગંગાજીમાં પૂર આવવાથી તેનું પાણી બહુ જ વધી જાય છે અને પછી પાછળથી વર્ષા ન થવાથી તેનું પાણી ફરીથી ઓછું થઈ જાય છે; પરંતુ તે ગંગાજીનું જે જળ બાજુના ખાડામાં રહી જાય છે. અર્થાત્ગંગાજીથી અલગ થઈ જાય છે. ગંગા જ્યારે તેને પાછું ગંગાજીમાં ખેંચી જાય છે. ત્યારે ગંગાજીમાં મળતા જ તેની અપવિત્રતા, અશુદ્ધિ વગેરે ચાલ્યા જાય છે અને તે ફરીથી પવિત્ર ગંગાજળ બની જાય છે. તેમ જીવ પરમાત્માથી અલગ થઈને વિમુખ બનવાથી તેની પવિત્રતા ચાલી જઈને તે અશુદ્ધ બની જાય છે પણ જો ફરી પાછો ભગવાનનો અનન્ય આશ્રીત બની જાય અને ભગવાન સાથે અનન્યતા કેળવી લે, તો તેના સ્વભાવમાં રહેલી અશુદ્ધિ અને દોષો દૂર થઈ જાય છે અને પરમ શુદ્ધ થઈ જાય છે.
तमेव शरणं गच्छ सर्वभावेन भारत।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ।।६२।।
અર્થ : હે ભારત ! તેથી તું સમગ્ર ભાવથી-પ્રકારથી તે પરમેશ્વરનેજ શરણે જા-રહે, તે પરમાત્માની પ્રસન્નતાથીજ તું પરમ શાંતિને અને અવિચળ પદને પામીશ. ।।૬૨।।
મનુષ્યમાં બહુધા એક નિર્બળતા રહે છે કે, જ્યારે તેની સમક્ષ ભગવાન અથવા સંત મહાપુરુષો વિદ્યમાન રહે છે, ત્યારે તેમના પર શ્રદ્ધા-વિશ્વાસ તેમજ મહત્ત્વબુદ્ધિ નથી હોતાં; પરંતુ જ્યારે તેઓ ચાલ્યા જાય છે ત્યારે તે આવે છે. પછી પશ્ચાતાપ કરે છે. તેવી જ રીતે ભગવાન અર્જુનના રથના ઘોડા હાંકે છે અને તેમની આજ્ઞાનું પાલન કરે છે. તે જ ભગવાન જ્યારે અર્જુનને કહે છે કે, શરણાગત ભક્ત મારી કૃપાથી શાશ્વત પદને પ્રાપ્ત થઈ જાય છે અને તું પણ મારામાં ચિત્તવાળો થઈને મારી કૃપાથી સઘળા વિઘ્નોને તરી જશે. ત્યારે અર્જુન કાંઈ બોલ્યા જ નહિ. આનાથી એ સંભાવના પણ હોઈ શકે કે ભગવાનના વચનો પર અર્જુનને પૂરો વિશ્વાસ ન થયો હોય. ‘अति परिचयात् अवज्ञा भवति’ અર્થાત્જ્યારે કોઈની સાથે અતિ પરિચય થાય છે, ત્યારે તેની અવજ્ઞા થાય છે. આ જ દૃષ્ટિએ ભગવાનને અહીં અર્જુનને માટે અંતર્યામી ઈશ્વરના શરણમાં જવાની વાત કહેવી પડી; નહિ તો સીધું જ ભગવાને આરંભમાં કહી દીધું હોત કે मामेकं शरणं व्रज પણ એમ છેલ્લે કહ્યું છે.
ભગવાન અર્જુનને કહે છે કે, સર્વવ્યાપક ઈશ્વર બધાના હૃદયમાં બિરાજમાન રહે છે અને બધાનું સંચાલન કરે છે. તું તેના જ શરણે જા. તાત્પર્ય એ છે કે, સાંસારિક પદાર્થોનો આધાર છોડીને તેને શરણે જા, તેનો આશ્રય લઈ લે. ‘सर्वभावेन’ નું તાત્પર્ય એ છે કે, મનથી તે પરમાત્માનું ચિંતન થાય. શારીરિક ક્રિયાઓથી તેનું પૂજન થાય, હૃદયથી પ્રેમપૂર્વક તેનું જ ભજન આરાધના થાય, તેના પ્રત્યેક વિધાનમાં પરમ પ્રસન્નતા થાય તે વિધાન ચાહે શરીર, ઈન્દ્રિયો, મન વગેરેને અનુકૂળ હોય, ચાહે પ્રતિકૂળ હોય પણ પોતાનું હિતકારી જ માને તો તે ભગવાનની કૃપાથી ‘परां शान्तिं’ અર્થાત્ સંસારથી સર્વથા ઉપરતિ અને શાશ્વત પરમાત્માનું ધામ તેને પામી જશે. અહીં એક શંકા થાય છે કે, ભગવાને અર્જુનને ‘तमेव शरणं गच्छ’ તે સર્વવ્યાપી એક કોઈ ઈશ્વર છે તેને શરણે જા. શું પોતે ઈશ્વર નથી? કેમ કે જો પોતે જ ભગવાન હોય તો ‘તેને જ શરણે જા’ એવું પરોક્ષ રીતિથી ન કહેત.
આનું સમાધાન એ છે કે, ભગવાને સર્વવ્યાપક ઈશ્વરની શરણાગતિને તો ‘गुह्याद्गुह्यतरम्’(૧૮/૬૩) અર્થાત્ગુહ્યથી ગુહ્યતર કહી છે; પરંતુ પોતાની શરણાગતિને ‘सर्वगुह्यतमम्’(૧૮/૬૪) અર્થાત્બધાથી ગુહ્યતમ કહી છે. રહસ્યતમ બતાવી છે. આનાથી સર્વવ્યાપક ઈશ્વરની અપેક્ષાએ શ્રીકૃષ્ણ ભગવાન મોટા સિદ્ધ થયા અને સર્વાન્તરયામીના શરણે થવું સહેલું છે. કારણ કે તે પોતાના સ્વભાવ વિરુદ્ધ રોકતા નથી અને પ્રત્યક્ષ પરમાત્મા હોય ત્યારે તો તે આપણાં સ્વભાવ વિરુદ્ધ રોકે છે અને ત્યારે પણ તે શરણાગતિથી ચલાયમાન થતો નથી. માટે ગુહ્યતમ સાધના થશે.
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु।।६३।।
અર્થ : આ પ્રમાણે મેં તને ગુહ્યમાં અતિ ગુહ્ય પરમ રહસ્યરૂપ જ્ઞાન કહી બતાવ્યું. માટે એ સઘળું સમગ્રપણે વિચારીને જેમ તારી ઈચ્છા હોય તેમ કર ! ।।૬૩।।
પૂર્વ શ્લોકમાં સર્વવ્યાપક અંતર્યામી પરમાત્માની જે શરણાગતિ બતાવાઈ ગઈ છે. એનું જ લક્ષ્ય અહીં ‘इति’ પદથી કરાવાયું છે. ભગવાન કહે છે કે, આ ગુહ્યથી પણ ગુહ્યતર શરણાગતિરૂપી જ્ઞાન મેં તારે માટે કહી દીધું છે. કર્મયોગ ગુહ્ય છે અને અંતર્યામી પરમાત્માની શરણાગતિ ગુહ્યતર છે. ગીતામાં આગળ ભગવાને બતાવ્યું છે કે, યોગયુક્ત બુદ્ધિવાળાઓ કર્મફળનો ત્યાગ કરીને અનામય પદને પ્રાપ્ત થઈ જાય છે.(૨/૫૧) જે પ્રાપ્તિ જ્ઞાનયોગથી થાય છે, તે પ્રાપ્તિ કર્મયોગથી થઈ જાય છે. (૪/૩૮) યોગયુક્ત મુનિ બહુ જ જલ્દી પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે.(૫/૬) વગેરે શ્લોકથી કર્મયોગ પરમાત્મા પ્રાપ્તિનું સ્વતંત્ર સાધન સિદ્ધ થાય છે. એવા કર્મયોગને ગુહ્ય(રહસ્ય) કહે છે. જગત સાથેનો સંબંધ વિચ્છેદ કરીને અંતર્યામી પરમાત્માને શરણે થવું-આ કર્મયોગથી પણ અધિક મહત્ત્વનું છે. કારણ કે આના સહારા વિના કર્મયોગ એટલું વધારે ફળ આપવામાં અક્ષમ રહે છે. માટે આને ગુહ્યતર કહે છે.
પછી સૂર્યને મેં જ ઉપદેશ આપ્યો હતો તે જ હું તને કહી રહ્યો છું.(૪/૩) સકળ જગત મારાથી જ વ્યાપ્ત છે.(૪/૪) ક્ષરથી અક્ષરથી પર હું છું.(૧૫/૧૮) વગેરે વાતોમાં ભગવાને પોતાના વ્યક્તિત્વમાં ભગવત્તા બતાવી છે. માટે તે ગુહ્યતમ છે.
પછી सर्वधर्मान परित्यज्य(૧૮/૬૬) આ રીતે પોતાની શરણાગતિની વાત-સર્વગુહ્યતમ છે. એમ બતાવ્યું છે.
ભગવાન કહે છે કે विमृश्य एतद् अशेषेण-મે શરણાગતિ, ભક્તિ, કર્મયોગ વગેરે વાતો કરી છે તેનો સારી રીતે વિચાર કરી લેજો અને અશેષનું તાત્પર્ય છે કે સમગ્ર ગીતામાં આ બાબતે જે કહ્યું છે તેનો વિચાર કરી લેજો. સમગ્રપણે વિચારવા અંગે ભગવાનનો એવો પણ ઈશારો હોઈ શકે, વધુ આકરું કહેવાયું હોય તો કદાચ અર્જુન મારાથી વિમુખ ન થઈ જાય? માટે કહ્યું કે, આ કહ્યું તેનો વિચાર કરી જુઓ. ભગવાનને ખાતરી છે કે મેં ઉતમ માર્ગ બતાવ્યો છે. તે જો વિચારશે તો તેની પાસે બીજો માર્ગ રહેશે નહિ. નહિ વિચારવાથી જ બીજા રસ્તાનો વિચાર કરે છે.
પહેલા બધી વાતો વિચારીને यथेच्छसि तथा कुरु પહેલાં પૂરેપૂરો વિચાર કરીને પછી જેમ તું વિચારે છે અર્થાત્તને ઠીક લાગે તેમ કર. આમ કહીને જાણે કે હવે અર્જુનનો ત્યાગ કરી રહ્યા છે. એવું લાગે છે અને આ વાક્યની અર્જુન પર અસર પણ ઘણી પડી છે. ભગવાને ‘न श्रोष्यसि विनङ्क्ष्यसि’ કહ્યું તો પણ અર્જુન એટલા ડર્યા ન હતા પણ હવે તેને ઠીક લાગે તેમ કહીને જ્યારે ઉપેક્ષા તરફ વળ્યા ત્યારે અર્જુનને વધારે બીક લાગી કે રખેને ભગવાન મારી ઉપેક્ષા શરૂ કરી દે. તેથી વધારે દુઃખી થયા. ત્યારે ભગવાનને વધારે કરુણા ઉપજી છે. તે આગળ બતાવે છે.
सर्वगुह्यतमं भूय: श्रृणु मे परमं वच:।
इष्टोसि मे द्रढमिति ततो वक्ष्यामि ते हितम् ।।६४।।
અર્થ : વળી-ફરીથી પણ સર્વ રહસ્યમાં પણ પરમ રહસ્યરૂપ મારું સર્વોત્કૃષ્ટ હિત કરનારું વચન સાંભળ ! તું મને અત્યંત વ્હાલો છું અને અતિ દૃઢ મતિવાળો છું. માટે તારા હિતનું વચન હું તને કહીશ-કહું છું. ।।૬૪।।
सर्वगुह्यतमं भूय: પહેલાં ત્રીસમા શ્લોકમાં ભગવાને ગુહ્ય(કર્મયોગની) અને ગુહ્યતર(અંતર્યામી શરણાગતિની) વાત કહી. અને इदं तु ते गुह्यतमम्(૯/૧) તથા ‘इति गुह्यतमं शास्त्रम्’(૧૫/૨૦) આ પદોથી ગુહ્યતમ(પોતાના પ્રભાવની) વાત કરી દીધી; પરંતુ સર્વગુહ્યતમ વાત ગીતામાં આનાથી પહેલા કયાંય કહી નથી. હવે અહીં અર્જુનનો ગભરાટ દેખીને ભગવાન કહે છે કે, હું સર્વગુહ્યતમ અર્થાત્સહુથી અત્યંત ગોપનીય વાત ફરીથી કહીશ. તું મારાં પરમ શ્રેષ્ઠ વચનોને સાંભળ.
આ શ્લોકમાં ‘सर्वगुह्यतमम्’ પદથી ભગવાને બતાવ્યું કે, આ વાતને સર્વ થકી છુપાવવાની છે. સર્વમાંથી કોઈ પણ જાણી ન જાય એનું અનુસંધાન રાખજે અને સડસઠમાં શ્લોકમાં इदं ते नातपस्काय नाभक्ताय कदाचन પદથી ભગવાને બતાવ્યું કે, આ વાતને અસહિષ્ણુ અને અભક્તને કદી ન કહીશ. આ રીતે બન્ને તરફથી નિષેધ કરીને વચમાં છાસઠમાં શ્લોકમાં सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज-આ સર્વ ગુહ્યતમ વાતને રાખીને બન્ને તરફથી નિષેધ કરવાનું તાત્પર્ય એ છે કે, આ સમગ્ર ગીતામાં અત્યંત રહસ્યમય ખાસ ઉપદેશ છે.
બીજા અધ્યાયના સાતમાં શ્લોકમાં-‘धर्म संमूढ चेता’ કહીને અર્જુને પોતાને ધર્મનો નિર્ણય કરવામાં અયોગ્ય સમજીને ભગવાનને પૂછે છે. એમના શિષ્ય બને છે અને ઉપદેશ આપવાનું કહે છે. આથી ભગવાન અહીં(૧૮/૬૬)માં કહે છે કે, તું ધર્મના નિર્ણયનો ભાર મારા ઉપર છોડી દે, તારા ઉપર ન લે.-મને અર્પણ કરી દે અને અનન્યભાવે કેવળ મારે શરણે આવી જા. હું તને બધા પાપોથી મુક્ત કરાવી દઈશ તું શોક ના કર. આજ ભગવાનનું સર્વ ગુહ્યતમ વચન છે. આ શ્લોકમાં भूय: श्रृणु નું તાત્પર્ય એ છે કે, આ વાત બીજા શબ્દોમાં તો થોડી થોડી કહી છે પણ અર્જુનનું ધ્યાન તેમાં ગયું નથી માટે ધ્યાન દોરવા ફરીથી કહું છું એમ કહે છે.
इष्टोऽसि मे दृढमिति-આના પહેલાં ભગવાને અર્જુનને કહી દીધું છે કે, ‘જેમ મરજીમાં આવે તેમ કર’ જે સાચો અનુયાયી છે, શરણાગત છે તેને આવી ઉપેક્ષાપૂર્ણ વાત કહેવા બરાબર કોઈ શિક્ષા હોઈ શકતી નથી. તેથી આ વાત સાંભળીને અર્જુનના મનમાં ભય પેદા થયો છે કે ભગવાન મારો ત્યાગ કરી રહ્યા છે. એ ભયને દૂર કરવા માટે ભગવાન અહીં કહી રહ્યા છો કે તું મને અત્યંત વહાલો છે. જો અર્જુનના મનમાં ભય કે સંદેહ ન હોત તો ભગવાનને ‘તમે મારા અત્યંત વહાલા મિત્ર છો’ એમ કહીને સફાઈ કરવાની શી જરૂર હતી? સફાઈ કરવાનું ત્યારે જ બને છે, જ્યારે બીજાના મનમાં ભય, સંદેહ કે ક્ષોભ હોય.
इष्ट કહેવાનો બીજો ભાવ એ છે કે, ભગવાન પોતાના શરણાગત ભક્તને પોતાના ઈષ્ટદેવ માની લે છે. ભક્ત સર્વ કાંઈ છોડીને કેવળ ભગવાનને પોતાના ઈષ્ટ માને છે. કેમ કે ભક્તિના વિષયમાં ભગવાનનો આ કાયદો છે-ये यथामां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।(૪/૧૧) અર્થાત્જે ભક્તો જેવી રીતે મારે શરણે થાય છે. હું પણ તેઓને તેવી જ રીતે આશ્રય આપું છું. ભક્તની દ્રષ્ટિમાં ભગવાનને સ્થાને બીજું કોઈ પણ હોઈ ન શકે તેમ ભગવાનની દૃષ્ટિમાં પણ ભક્તના સમાન બીજું કોઈ નથી. ભાગવતમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે-न तथा मे प्रियतम आत्मयोनिर्न शमर:। न च संकर्षणो न श्री नैवात्मा च यथा भवान्।। भाग.(११-१४-१५) તમારા જેવા(ઉદ્ધવજી જેવા) પ્રેમી ભક્તો મને જેટલા વહાલા છે એટલા વહાલા ન બ્રહ્માજી છે, ન શંકરજી છે, ન બલરામજી છે. બીજું તો શું કહું મારા શરીરમાં નિવાસ કરનારા લક્ષ્મીજી પણ તેવા વહાલા નથી અને આ મારું શરીર પણ એટલું વહાલું નથી જેટલા તમે વહાલા છો.
दृढ શબ્દ-इष्ट નું વિશેષણ તરીકે વપરાયું છે.
ततो वक्ष्यामि ते हितम्-તું મારો અત્યંત વહાલો મિત્ર છે. એટલા માટે મારા હૃદયની અત્યંત ગોપનીય વાત તને કહીશ. બીજી વાત, હું જે શરણાગતિની વાત આગળ કહીશ તેનું એ તાત્પર્ય નથી કે, મારે શરણે આવવાથી મને કોઈ લાભ થઈ જશે. ઊલટું મારે શિરે તો જવાબદારી, કર્તવ્ય જ વધે છે; પરંતુ તેમાં કેવળ તારું જ હિત છે અને જે કાંઈ ફાયદો છે તે તારે જ છે. આથી સિદ્ધ થાય છે કે પ્રાણીમાત્રનું હિત કેવળ આ વાતમાં જ છે કે કોઈપણ બીજાનો સહારો છોડીને કેવળ ભગવાનનું જ શરણું લઈ લેવું.
ભગવાનને શરણે થયા સિવાય જીવનું કયાંય પણ કિંચિત્માત્ર પણ હિત નથી. જેમ અગ્નિથી અંગારો દૂર થાય છે તો ઠરીને કાળો કોલસો બની જાય છે. તે જ કોલસો જ્યારે ફરીને અગ્નિને મળી જાય છે. ત્યારે તે અંગારો(અગ્નિરૂપ) બની જાય છે અને તે ચમકી ઊઠે છે. એવી જ રીતે જીવ ભગવાનથી વિમુખ થઈ જાય છે તો તેને ચિંતા, શોક, દુઃખ વગેરે તમામ આવી જાય છે અને વારંવાર જન્મતો-મરતો રહે છે. દુઃખ પામતો રહે છે; પરંતુ જ્યારે ભગવાનને શરણે થઈ જાય છે ત્યારે તે તમામથી મુકાઈ જાય છે ને જીવનું પોતાનું સ્વરૂપ ચમકી ઊઠે છે તથા અનેકનું કલ્યાણ કરવાવાળો બની જાય છે.
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ।।६५।।
અર્થ : મારામાંજ મન રાખનારો થા ! મારોજ ભક્ત થા ! મારું જ પૂજન કરનારો થા ! અને મનેજ નમસ્કાર કર ! આમ કરવાથી તું મનેજ પામીશ. તું મને અતિ પ્રિય છું. માટે તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા-વચન કહું છું. ।।૬૫।।
मद्भक्त: સાધકે સર્વથી પહેલા ‘હું ભગવાનનો સેવક છું’ એવી રીતે પોતાના અહંકારને બદલવો જોઈએ. જ્યાં સુધી અહંકારને એવી રીતે ન બદલે ત્યાં સુધી ભગવાનને પામવાનાં સાધનો સુગમતાથી થતાં નથી. જો અંદરથી અહંકાર બદલાય તો સાધનો સુગમતાથી થવા લાગે છે. કોઈનો શિષ્ય બનતા, વ્યક્તિ પોતાની અહંતાને બદલે છે કે ‘હું ગુરુ મહારાજનો શિષ્ય છું, સેવક છું.’ લગ્ન થઈ જતાં કન્યા પોતાના અહંકારને બદલી નાખે છે. પિતાના કુળ સંબંધી ઓળખાણ બધી ભૂલી જઈને પતિના કુળની ઓળખાણ અંતરમાં ગોઠવી દે છે કે હવે તો ‘હું પતિના કુળની છું’. તેમ જ સાધકે પોતાની અહંતા બદલવી જોઈએ. તો મમતા પણ અહંકાર બદલતાં આપોઆપ બદલાઈ જશે.
मन्मना भव-ઉપર પ્રમાણે પોતાને ખરેખર ભગવાનનો માની લેતાં ભગવાનમાં સ્વાભાવિક જ મન લાગવા માંડે છે. માણસ આખો દિવસ અહંકાર અને મમતા સંબંધને જ લગતા વિષયોનું ચિંતવન કર્યા કરે છે. તે સિવાય સ્વાભાવિક ચિંતન કશું જ હોતું નથી. કારણ કે પોતાનું હોય તે જ સ્વાભાવિક પ્રિય લાગે છે. પ્રીતિમાં કારણ, ગુણવત્તા નથી પણ પોતીકાપણું જ હોય છે. તેથી ભગવાનને પોતાના માનવાથી ભગવાન સ્વાભાવિક જ પ્રિય લાગે છે. ત્યારે મનથી સ્વાભાવિકપણે ભગવાનનાં નામ, ગુણ, પ્રભાવ, લીલા વગેરેમાં પ્રીતિ થાય છે અને પછી તેનું ચિંતવન થાય છે તેમાં રસવૃત્તિ અને લગની વિશેષ થાય છે.
मद्याजी-મારું યજન કરનારો થા. આરાધના તે જ વસ્તુની થાય છે કે, જેની અંતરમાં રાગ હોય અથવા જેની અંતરમાં મહત્તા પેસી ગઈ હોય. કોઈ માણસ કોઈ શેઠની નોકરી કરતો હોય તો વાસ્તવિકપણે તે શેઠની આરાધના નથી કરતો પણ પોતાના કુટુંબની આરાધના કરતો હોય છે અને પોતાના કુટુંબની આરાધનામાં શેઠની આરાધના જરૂરી છે, માટે કરે છે. જેમાં અંતે તો કુટુંબીઓની આરાધના કરે છે. કારણ તેમાં રાગ, પ્રીતિ છે. તેમ ભગવાન કહે છે, હે અર્જુન ! તું મારું યજન કરનારો થા. જગતની આરાધના છોડી દે.
मां नमस्कुरु-મને અંતરથી માન-સન્માન આપનારો થા. અક્રુરની જેમ પ્રહ્વણ ભાવથી-ગદ્ગદિત થઈને ભગવાનને નમસ્કાર કરવા. વળી ભગવાનનું વિધાન મને સર્વ પ્રકારે માન્ય છે. અનુકૂળ કે પ્રતિકૂળ જે હોય તે પણ અનુસરણીય છે. એવી ભાવના પણ જરૂરી છે; નહિંંતર તે નમસ્કાર કરે અને ઈચ્છાને ન અનુસરે તો તે નમસ્કારનો અર્થ રહેશે નહિ.
मामेवैष्यसि सत्यं ते…
ભગવાન કહે છે કે, આ રીતે મારો ભક્ત થવાથી, મારામાં મનવાળો થવાથી, મારું પૂજન કરવાવાળો થવાથી અને મને નમસ્કાર કરવાથી મને જ પ્રાપ્ત થશે. ખરેખર તો આ ચારમાંથી એક પણ સાધન સારી રીતે થાય તો બાકીના ત્રણેય સાધનો તેમાં અંતર્ભાવિત થઈ જશે. ભગવાન કહે છે કે, ‘प्रियोऽसि मे’ તું મને ખૂબ વહાલો છે. તાત્પર્ય એ છે કે, ભગવાનનો જીવમાત્ર ઉપર અત્યધિક સ્નેહ છે. કેવળ જીવ જ ભગવાનથી વિમુખ થઈને સંસારના પદાર્થોને પ્રિય કરીને બેઠો છે અને તે જ સર્વે અનર્થનું કારણ બની રહે છે.
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:।।६६।।
અર્થ : તું સર્વ ધર્મને-ધર્મના બળને છોડી દઈને મને એકનેજ શરણ પામ ! હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશમાં. ।।૬૬।।
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।-ભગવાન કહે છે કે, સર્વ ધર્મોનો ત્યાગ કરીને મારું અનન્ય શરણ લે. સર્વ ધર્મ પરિત્યાગનું તાત્પર્ય છે કે, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગરૂપ આત્યંતિક કલ્યાણના સાધનરૂપે અને અતિ પ્રીતિપૂર્વક મારી આરાધનાના સ્વરૂપે અધિકાર પ્રમાણે કરવામાં આવે છે તેને, જેમના તેમ કરતો થકો પણ કર્મફળ, કર્મ કર્તૃત્વ, કર્મ આસક્તિ વગેરેનો પરિત્યાગ કરીને, કલ્યાણના ઉપાય તરીકે મને એકને જ અનન્યભાવે અનુસંધાન કરીને મારી આરાધના કર. આને જ સર્વધર્મોનો શાસ્ત્રીય રીતિ પ્રમાણે ત્યાગ કર્યો ગણાશે. કારણ કે સમગ્ર ગીતામાં અને છેલ્લે આ અધ્યાયમાં ભગવાન કહે છે કે, ‘निश्चयं श्रृणु मे तत्र त्यागे भरतसत्तम’ ત્યાગની વિષયમાં મારો ઉતમ નિર્ણય શું છે તેને તું સાંભળ એમ કહીને શરૂઆત કરીને કહે છે કે
सङ्गं त्यक्त्वा फलं चैव स त्याग सात्त्विको मत:…न हि देहभृतां शक्यं त्यक्तुं कर्माण्यशेषत:। यस्तु कर्मफलं त्यागी स त्यागी इत्य भिधीयते।(ગી.૧૮/૯-૧૧) ઈત્યાદિક શ્લોકમાં ભગવાને દૃઢપણે પ્રતિપાદિત કર્યું છે. આગળ ત્રીજા અધ્યાયમાં પણ કર્તવ્યકર્મ ન છોડવાનું અતિ દૃઢપણે પ્રતિપાદન કર્યું છે. હા, અનન્ય આશ્રયમાં પરમાત્માને પોતાને જ મોક્ષના ઉપાય તરીકે સ્વીકારેલા હોવાથી કલ્યાણના ઉપાયભૂત એવા વિશુદ્ધપણે કરવામાં આવતા નિષ્કામ કર્મયોગ, સેવાયોગ, જ્ઞાનયોગ કે અનન્ય ભક્તિયોગનું બિલકુલ અનુસંધાન કરવામાં આવતું નથી. જો જરા પણ તેની સ્મૃતિ કે ઉપાયકક્ષા યાદ કરવામાં આવે કે, અનુસંધાન કરવામાં આવે કે, ઠીક આપણે શરણે તો થયા છીએ પણ તેમાં કાંઈ કાચું રહે તો આપણે નિષ્કામ સેવા તો કરીએ જ છીએ ને અથવા ભક્તિ તો આપણે કરીએ જ છીએ ને? તેનાથી આપણો મોક્ષ થશે એવી વાત પણ ભૂલી જાઓ. જો એ અનુસંધાન આવ્યું તો અનન્ય શરણાગતિ ખોટી થઈ જશે. અનન્યતાનો નિરધાર નહિ રહે. માટે અદલ કરીને પણ કલ્યાણને માટે તેને અનુસંધાનમાં નહિ લેતાં કલ્યાણના ઉપાય સાધન તરીકે એક પરમાત્માને જ, મહારાજને જ સ્વીકારવાના છે, અનુસંધાન કરવાનું છે. તેને શરણાગતિ કહેવાશે. અહીં પ્રશ્ન થાય છે કે ‘सर्वधर्मान् परित्यज्य’ પદથી શું ધર્મ, વિધિનિષેધ કે કર્તવ્યકર્મોનો અથવા નિષ્કામ કર્મયોગાદિ સાધનોનો સ્વરૂપથી ત્યાગ કરી દેવામાં આવે? આનો ઉત્તર એ છે કે ધર્મનો સ્વરૂપથી ત્યાગ ન કરવો. એમનો ત્યાગ કરવો એ ન તો ગીતાના અનુસાર યોગ્ય છે અને ન તો અહીંના પ્રસંગના અનુસારે યોગ્ય છે. કેમ કે ભગવાનની આ વાત સાંભળીને અર્જુને કર્તવ્યકર્મનો ત્યાગ નથી કર્યો; પરંતુ ‘करिष्ये वचनं तव’(૧૮/૭૩) કહીને ભગવાનની આજ્ઞાનુસાર કર્તવ્યકર્મનું પાલન કરવાનો સ્વીકાર કર્યો છે. કેવળ માનસિક સ્વીકાર જ કર્યો એટલું જ નથી પણ પોતાના ક્ષાત્રધર્મને અનુસાર યુદ્ધ પણ કર્યું છે.
અહીં આ શ્લોક સાંભળીને ‘सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज’ સાંભળીને કોઈપણ બુદ્ધિશાળીને દ્વિધા તો ઊભી થાય જ છે. બે વિકલ્પો ઊભા થાય છે. એક બુદ્ધિશાળી છે તે આ શ્લોક સાંભળીને તુરત ગીતાનું પુસ્તક લઈને ભગવાનના ચરણ પાસે બેસી જઈને ભગવાનના મુખ સામું જોઈને પાઠ જ કરવા લાગી જશે અને બીજો વિકલ્પ કે બીજો બુદ્ધિશાળી છે તે આ શ્લોક સાંભળીને પોતાના કર્તવ્યકર્મોના હથિયાર ઊઠાવીને ઊભો થઈ જાય છે ને સાવધાન થઈને કર્તવ્ય કર્મમાં લાગી જાય છે. કર્તવ્યકર્મમાં લાગી જાય છે એટલું જ નહિ, કર્તવ્યકર્મને સાંગોપાંગ પાર ઉતારીને પણ મેં કાંઈક કર્યું. એવું મનમાં ભારણ કે અનુસંધાન રાખતો નથી. કલ્યાણના સાધન તરીકે તે કેવળ ભગવાનની પ્રસન્નતા ઉપર જ નિર્ભરતા કેળવે છે. તો ભગવાનના આ વિધાનને સાચી રીતે કોણ સમજ્યો છે? અથવા તો એમ કહો કે ભગવાન કૃષ્ણનું આ શ્લોક કહેવા પાછળનું હાર્દ બરાબર કોણ સમજ્યો છે? તે વિચારવાનું છે. ગીતાનાં વચનો અને ગીતા જેને ઉદ્દેશીને કહેવાણી છે એવા અર્જુનના જીવન પ્રસંગ પરથી તો બીજો વિકલ્પ જરૂર યોગ્ય લાગે છે. શ્રીજી મહારાજે આશ્રય સંબંધી વાત જ્યાં કરી છે તે વચ.ગ.મ.પ્ર.૬૬માં નિત્યાનંદ સ્વામીએ પૂછયું છે કે, ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણાંક સાધને કરીને ભગવાનને પમાય છે? ત્યારે તમે કહેશો જે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ એ ચાર સાધને કરીને પમાય છે.’ તે જ્યારે એ ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એક ભગવાનના આશ્રયે કરીને જ કલ્યાણ થાય એવા અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહિ. ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે કે, કલ્યાણ તો એક ભગવાનના આશ્રયે કરીને જ છે પણ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. અહીં પણ એવો પ્રશ્ન થઈ શકે છે કે, શ્રીજી મહારાજના અનન્ય આશ્રિતો નિત્યાનંદ સ્વામી, આદિ નંદસંતોએ ધર્માદિના અનુષ્ઠાનોનો ત્યાગ કરીને અનન્ય આશ્રય કર્યો હતો કે ધર્માદિ સહિત અથવા તો તેના આશ્રયમાં કોઈ ખામી હતી?
ગીતાનું પૂરું અધ્યયન કરવાથી એ માલૂમ પડે છે કે મનુષ્યે કોઈ પણ હાલતમાં કર્તવ્ય કર્મનો ત્યાગ નહિ કરવો જોઈએ. અર્જુન તો યુદ્ધરૂપી કર્તવ્યકર્મ છોડીને ભિક્ષા માગવાનું શ્રેષ્ઠ સમજતા હતા;(૨/૫) પરંતુ ભગવાને તેનો નિષેધ કર્યો.(૨/૩૧-૩૮) આનાથી પણ આ જ સિદ્ધ થાય છે કે, અહીં સ્વરૂપથી ધર્મોનો ત્યાગ નથી.
હવે વિચાર એ કરવાનો છે કે, અહીં સઘળા ધર્મોના ત્યાગથી શું અર્થ લેવો જોઈએ? તો ગીતાના અનુસાર સઘળા ધર્મોના આશ્રયનો ત્યાગ કરવો અને કેવળ ભગવાનનો આશ્રય લેવો. કેવી રીતે ભગવાનનો આશ્રય લેવાથી પછી પોતાના ધર્મનો નિર્ણય કરવાની જરૂરિયાત રહેતી નથી. આગળ અર્જુનના જીવનમાં એવું થયું પણ છે.
અર્જુનનું કર્ણ સાથે યુદ્ધ થઈ રહ્યું હતું, ત્યારે કર્ણના રથનું પૈડું પૃથ્વીમાં ખૂંતી ગયું. કર્ણ રથ પરથી નીચે ઊતરીને પૈડાને કાઢવાની મહેનત કરવા લાગ્યો અને અર્જુનને કહ્યું કે ‘જ્યાં સુધી હું આ પૈડું કાઢી ન લઉં ત્યાં સુધી તમે રોકાઈ જાઓ કેમ કે તમે રથ ઉપર છો અને હું રથથી રહિત છું અને બીજા કાર્યમાં લાગેલો છું. એવે સમયે મહારથીને માટે એ ઉચિત છે કે તેના પર બાણ ન છોડે. તમે શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા છો અને ધર્મને જાણવાવાળા છો. એટલા માટે મારા પર પ્રહાર કરવો ઉચિત નથી. કર્ણની વાત સાંભળી અર્જુન બાણ ચલાવતા બંધ થઈ ગયા ત્યારે ભગવાને કર્ણને કહ્યું કે તમારા જેવા આતતાયીને કોઈ પણ રીતે મારી નાખવા એ ધર્મ જ છે, પાપ નથી. હમણા જ તમે છ મહારથીઓએ મળીને એકલા અભિમન્યુને છેતરીને મારી નાખ્યો. આથી પોતે ધર્મનું પાલન નથી કરતો તેને ધર્મની આણ દેવાનો અધિકાર જ નથી. હા, એ સૌભાગ્યની વાત છે કે, આ સમયે તમને ધર્મની સ્મૃતિ આવી રહી છે. તે તમારા માટે ઘણું સારું છે. એમ કહીને અર્જુનને બાણ ચલાવવાની આજ્ઞા આપી દીધી અને અર્જુને બાણ ચલાવવાનો આરંભ કરી દીધો.
અહીં તો અર્જુન પોતાની બુદ્ધિથી ધર્મનો નિર્ણય કરત તો ભૂલ કરી બેસત. આથી તેમણે ધર્મ-અધર્મનો નિર્ણય ભગવાન પર છોડી દીધો. કારણ અર્જુન ભગવાનને આશ્રય ગયા હતા અને ભગવાને ધર્મનો નિર્ણય કર્યો પણ ખરો. તેથી ભગવાન કહે છે કે, सर्वधर्मान्परित्यज्य તું ધર્મના નિર્ણયનો ભાર મારા પર છોડી દે.
मामेकं शरणं व्रज-અહીં एकं પદ છે તે माम् નું વિશેષણ નથી થઈ શકતું; કારણ કે माम् પદ એક વચનમાં જ છે. વળી ભગવાન એક જ છે. અનેક હોવાની સંભાવના પણ નથી. એટલા માટે एकं પદનો સ્વતંત્ર અર્થ ‘अनन्यम्’ લેવો એ જ બરાબર રહેશે. વળી અર્જુને પૂછયું છે કે, ‘यच्छ्रेय एतयोरेकम्’(૫/૧) तदेकं वद निश्चित्य (૩/૨) માટે एकं પદથી ભગવાન એ બતાવે છે કે, ભગવત્પાપ્તિના તમામ સાધનોમાં મુખ્ય સાધન એક જ અનન્ય શરણાગતિ છે અને ભગવાને ઠેકઠેકાણે તેનો મહિમા ગાયો છે. ભગવાન બતાવે છે કે, સાધન અને સાધ્ય, ઉપાય અને ઉપેય હું જ છું. માટે મન બુદ્ધિ દ્વારા મારી શરણાગતિનો સ્વીકાર કરવો એમ નથી પણ જાતે જ ભગવાનના શરણમાં જવાનું છે. તેથી મન, બુદ્ધિ, શરીર વગેરે તમામ આપોઆપ તેમાં આવી જાય છે, કોઈ અલગ રહેતા નથી.
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:।
હું તને સઘળા પાપોથી મુક્ત કરી દઈશ. આનો ભાવ એ છે કે, જ્યારે તું સઘળા ધર્મોનો આશ્રય છોડીને મારે શરણે આવી ગયો ત્યારે મારી પ્રાપ્તિમાં વિરોધી એવા અનાદિકાળથી સંચિત થયેલા-અકૃત્યકરણ અને કૃત્ય અકરણરૂપ પાપોથી મુકાવી દઈશ. તું શોક ન કર. પૂર્ણપણે મારે શરણે આવ્યા પછી પણ તારા સંચિત કર્મોને લઈને તારા ભાવો, વૃત્તિઓ, આચરણ વગેરેમાં ફરક ના પડતો હોય અર્થાત્સુધારો ના થતો હોય, ભગવદ્પ્રેમ ન થયો અને પોતામાં આયોગ્યતા, નિર્બળતા વગેરે માલૂમ પડતા હોય તો પણ તેને કારણે તું ચિંતા કે ભય ન પામ. કારણ કે જ્યારે તમે મારે અનન્ય શરણે થઈ ગયા, તમામ પોતાના અધિકાર છોડીને મારા અધિકારમાં આપી દીધું, તો હવે ફરજો પણ મારે ખાતે જ આવી જશે. પછી જે ઊણપ રહે છે તે તમારા ખાતે કેમ રહેશે?
તેનો સુધારો કરવાનું કાર્ય મારું થઈ જશે. તે ઊણપ મારે ખાતે ગણાશે. તમારું એક જ કામ છે નિર્ભય થઈ જાઓ. નિશોક, નચિંત અને નિશંક થઈ જાઓ અને મારા શરણમાં દૃઢપણે પડયું રહેવાનું; પરંતુ જો તારામાં ભય, ચિંતા, વહેમ આવશે તો શરણગતિમાં બાધક થઈ જશે અને બધો ભાર તારા પર આવી જશે. શરણે જઈને પોતાના પર ભાર લેવો, તે શરણાગતિમાં કલંક છે.
જેમ કે વિભીષણ ભગવાન રામને શરણે થયા છે તો પછી ભગવાન વિભીષણના દોષને પોતાનો દોષ માને છે. એક સમયે વિભીષણજી સમુદ્રને આ કિનારે આવ્યા. ત્યાં વિપ્રઘોષ નામના ગામમાં તેમનાથી એક અજ્ઞાત બ્રહ્મહત્યા થઈ ગઈ. આથી ત્યાંના બ્રાહ્મણોએ એકઠા થઈને વિભીષણને ખૂબ માર્યા, પીટ્યા પરંતુ તોય તે મર્યા નહિ. પછી બ્રાહ્મણોએ તેમને સાંકળથી બાંધીને જમીનની અંદર એક ગુફામાં લઈ જઈને બંધ કરી દીધા. રામજીને વિભીષણના કેદ થવાની ખબર પડી તો તેઓ પુષ્પક વિમાન દ્વારા તત્કાળ વિપ્રઘોષ નામના ગામમાં પહોંચી ગયા અને ત્યાં વિભીષણનો પત્તો મેળવીને તેમની પાસે ગયા. બ્રાહ્મણોએ રામજીનો બહુ આદર સત્કાર કર્યો અને કહ્યું કે, ‘મહારાજ, આણે બ્રહ્મહત્યા કરી દીધી છે’ આને અમે બહુ જ માર્યો, પરંતુ એ મર્યો નથી.’ ભગવાન રામે કહ્યું કે હે બ્રાહ્મણો ! મેં વિભીષણને કલ્પ સુધીનું આયુષ્ય અને રાજ્ય આપી રાખ્યું છે. તે કેવી રીતે મરે? તેને કેમ મારી શકો તમે? અને તેને મારવાની જરૂરિયાત જ શી છે? તે તો મારો ભક્ત છે, મારો શરણાગત છે. તેને માટે હું પોતે મરવા તૈયાર છું. દાસના અપરાધની જવાબદારી વાસ્તવમાં તેના માલિક પર જ હોય છે અર્થાત્માલિક જ તેની શિક્ષાને પાત્ર બને છે. આથી વિભીષણના બદલામાં આપ લોકો મને જ શિક્ષા કરો.(પદ્મપુરાણ) ભગવાનની આવી શરણાગત વત્સલતા જોઈને બ્રાહ્મણો આશ્ચર્ય પામ્યા અને તમામ ભગવાનને શરણે થયા.
ભગવાનની સાથે કર્મયોગીનો-નિષ્કામ સેવાયોગીનો ‘નિત્ય’ સંબંધ થાય છે જ્ઞાનયોગીનો ‘તાત્વિક’ સંબંધ થાય છે અને શરણાગત ભક્તને ‘આત્મીય’ સંબંધ થાય છે. નિત્ય સંબંધમાં સંસારના અનિત્ય સંબંધનો ત્યાગ હોય છે. તાત્ત્વિક સંબંધમાં તત્ત્વબોધ હોય છે અને આત્મીય સંબંધમાં અનંત રસ હોય છે. અનંત રસની પ્રાપ્તિ થયા વિના જીવની અતૃપ્તિ-ભૂખ સર્વથા મટતી નથી. અનંતરસની પ્રાપ્તિ શરણાગતિથી થાય છે. તેથી શરણાગતિ એ સર્વગુહ્યતમ અને શ્રેષ્ઠ સાધન છે.
તાત્પર્ય એ થયું કે, હું એક ભગવાનનો છું બીજાનો મારા પર અધિકાર નથી. એવું મહારાજ સાથે પોતાપણું બંધાય તેના સમાન યોગ્યતા, પાત્રતા કે અધિકાર બીજા કોઈ સાધનમાં નથી. આ તમામ સાધનોનો સાર છે.
मा शुच: નું તાત્પર્ય છે. (૧) મારે શરણે થઈને તું ચિંતા કરે છે. આ મારા પ્રત્યેનો અપરાધ છે. તારું અભિમાન છે મારા વિષેનું અજ્ઞાન અને શરણાગતિનું કલંક છે.
મારે શરણે થઈને પણ મારો પૂરો વિશ્વાસ ન રાખવો, ભરોસો ન રાખવો એ જ મારા પ્રત્યેનો અપરાધ છે. પોતાના દોષોને લીધે ચિંતા કરવી, એ વાસ્તવમાં પોતાના બળનું અભિમાન છે. ત્યારે સાધકની પોતાના તરફ જ દ્રષ્ટિ હોય છે. પરંતુ જેનું શરણું લીધુ છે તેની સામર્થી તરફ બિલકુલ દ્રષ્ટિ હોતી નથી. કેમ કે દોષોનો નાશ કરવામાં પોતાનું સામર્થ્ય માલૂમ પડવાથી જ તેમની સામે તેમનો નાશ કરવાની ચિંતા થાય છે. હા, જો દોષોનો નાશ કરવામાં ચિંતા ન થઈને દુઃખ થતું હોય તો દુઃખ થવું એ દોષ નથી. તે તો જાગૃતિ છે કે, મારામાં કંઈક ખામી છે. નાના બાળકની પાસે કૂતરો આવે તો તે કૂતરાને દેખીને રડે છે. ચિંતા નથી કરતું કે મારા પિતા આને કેમ ભગાડશે? એવી જ રીતે દોષો ન ગમવા એ દોષ નથી; પરંતુ ભગવાનનો આશ્રય લઈને પણ ચિંતા કરવી એ દોષ છે. ચિંતા કરવાનો એ જ અર્થ થાય છે કે, મનથી પોતાના છુપાયેલા બળનો આશ્રય છે અને આ જ તારું અભિમાન છે. કૌરવોની સભામાં દ્રૌપદીનું ચીર ખેંચવામાં આવ્યું તો દ્રૌપદી પોતાની સાડીને પોતાના હાથોથી, દાંતોથી પકડે છે અને ભગવાનને પોકારે છે. પોતાના બળનો આશ્રય રાખીને ભગવાનને પોકારવાથી ભગવાનના આવવામાં વિલંબ થાય છે; પરંતુ જ્યારે દુશાસનના જોરથી દ્રોપદીના હાથ દાંતથી સાડી છૂટી ગઈ ને જે પોકાર ઊઠયો તો તે જ ક્ષણે ભગવાન અંતરિક્ષમાં હાજર થયા. દુશાસન ચીરને ખેંચી ખેંચીને થાકી ગયો અને ચીરનો મોટો ઢગલો થયો; પરંતુ દ્રૌપદીનું કોઈ અંગ ઉઘાડું ન થયું. તું મારો વિશ્વાસ ન કરીને ચિંતા કરે છે તો વિશ્વાસની ઊણપ તોે છે તારી અને કલંક આવે છે મારા ઉપર, મારી શરણાગતિ પર. આને તું છોડી દે.
(૨) તારા ભાવ, વૃત્તિઓ અને આચરણ શુદ્ધ ન થયા હોય તો પણ તું ચિંતા ન કરીશ. એમની ચિંતા હું કરીશ. તું શરણાગતિમાં બરાબર ગોઠવાઈને શરણાગતિની બરાબર મર્યાદામાં આવી જા.
(૩) બીજા અધ્યાયના સાતમાં શ્લોકમાં અર્જુન ભગવાનને શરણે થઈ જાય છે અને પછી આઠમા શ્લોકમાં કહે છે કે, આ ભૂમંડળનું ધનધાન્ય સંપન્ન નિષ્કંટક રાજ્ય મળે અથવા દેવતાનું આધિપત્ય મળે તો પણ મારી ઈન્દ્રિયો ને શોષણ કરનારો મારો આ શોક મટનારો નથી. ભગવાન કહે છે તું કહે છે, તે બરાબર છે. આ જગતના ભૌતિક સાધનો કદાપિ કોઈનો શોક મિટાવી શકતા નથી; પરંતુ તું મારે શરણે થઈને શોક કરે છે તે તારી બહુ ભારે ભૂલ છે. તું મારે શરણે થઈને પણ પેલા ડોશીમા ગાડામાં બેઠા પછી પણ ઘાસનો ભારો પોતાના માથા પર લઈને બેઠા હતા. તેમ તારા ઉપર લઈ રહ્યો છે.
શરણાગતિ સંબંધી વિશેષ વાત
ભગવાનનો ભક્ત ‘હું ભગવાનનો છું અને ભગવાન મારા છે.’ આ ભાવનાને દૃઢપણે પકડી રાખે. જેમ જેમ ભગવાન સાથે સંબંધ દૃઢ થાય છે, તેમ તેના સર્વ દોષો નાશ પામે છે. સંબંધનું દૃઢ થવું એટલે શું? તો ભય, શોક, ચિંતા, શંકા, પરીક્ષા અને વિપરીત ભાવનાનું ન થવું એ જ સંબંધનું દૃઢ થવું છે. તેને તપાસીએ.
(૧) નિર્ભય થવું-આચરણોની ઊણપ હોવાથી અંદરથી ભય પેદા થાય છે અને વાઘ, વરુ, સાપ, વીંછીથી બહારથી ભય પેદા થાય છે. શરણાગત ભક્તના આ બન્ને ભય નાશ પામે છે. યોગસૂત્રમાં મૃત્યુ ભયને પાંચમો ક્લેશ બતાવ્યો છે. જે મોટા મોટા વિદ્વાનોને પણ થાય છે. તે ભય પણ સર્વથા નાશ પામે છે.
ભવિષ્યમાં મારી વૃત્તિઓ ખરાબ થઈ જશે તો? આવો ભયનો ભાવ પણ સાધકે અંદરથી કાઢી નાખવો જોઈએ. કારણ કે ભગવાન ભક્તના રક્ષક છે. એમને શરણે થતાં મનુષ્ય સદાને માટે અભય થઈ જાય છે.
(૨) નિશોક થવું-જે વાત વીતી ચૂકી છે-અર્થાત્ગુમાવેલા ભૂતકાળનો શોક થાય છે; પરંતુ તે ભૂલ છે. શોક કરવાથી તે ફરી આવી જાય તેમ નથી. વળી ભગવાનને શરણે થવાથી ગયેલા કરતાં પણ વધારે પ્રાપ્તિ થનારી છે.
(૩) નિશ્ચિંત થવું-ચિંતા ભવિષ્યની હોય છે. શોક ભૂતકાળનો હોય છે. ભગવાનને શરણે થયા પછી ભગવાન કરતાં બીજી કોઈ વસ્તુ મોટી તો નથી. હવે એથી અધિક મળવા જેવું હોય તો ચિંતા બરાબર છે પણ તેવું તો કોઈ છે નહિ.
ભગવાન ભક્તના પોતાપણાને જ દેખે છે, ગુણો અને અવગુણોને નહિ. ભગવાન એટલું જુએ છે કે, તે મારો કેટલો થયો છે અને મારો કેટલો નથી થયો? ભગવાનનું ધ્યાન તે ગુણિયલ, હોશિયાર કે બીજા કોઈ જમા પાસાં કેટલાં છે? તે રાજી થવા માટે ઠીક છે પણ કલ્યાણ માટે કે પોતાની પ્રાપ્તિ માટે તેની જરૂર નથી. દોષો અને ગુણો આગંતુક છે. તેથી આવતા જતા રહે છે; પરંતુ ભગવાન સાથેનો સંબંધ તેવો નથી. તેથી ભગવાનની દૃષ્ટિ તેના પર જ સ્થિર રહે છે અને તેને જોઈને જ જે કાંઈ વિચારવું ઘટે તે વિચારે છે. કીચડ કે ગંદગીથી ખરડાયેલું બાળક જ્યારે માની સમક્ષ આવે છે, ત્યારે માની દૃષ્ટિ કેવળ તે બાળક પોતાનું જ છે તરફ જ જાય છે. બાળકની ગંદકી તરફ નથી જતી અને બાળક માતાને દેખે તો તેની દૃષ્ટિ પોતાની માને જ દેખે છે. પોતાની ગંદકી તરફ તેની દૃષ્ટિ જતી નથી. દ્રૌપદીના મનમાં કેટલો દ્વેષ અને ક્રોધ ભરેલો હતો કે જ્યારે દુશાસનના લોહીથી પોતાના વાળ ધોઈશ ત્યારે જ વાળને બાંધીશ; પરંતુ દ્રૌપદી જ્યારે પણ ભગવાનને પોકારે છે તો ભગવાન ચટ આવીને ઊભા રહે છે; કારણ કે ભગવાન દ્રોપદીની પોતા પ્રત્યે આત્મીયતાને દેખે છે. દ્રૌપદીના દુશાસન પ્રત્યેના દ્વેષને નથી દેખતા.
ભગવાનને પોતાના માનવામાં પણ ભગવાન ઉપર પોતાનું આધિપત્ય ન માનવું જોઈએ; પરંતુ પોતાના પર એમનું પૂરું આધિપત્ય માનવું જોઈએ. નહિ તો શરણાગતિ ન કહેવાય પણ અહંકાર ગણાય. પોતાના મનની વાત પૂરી થાય તો સંકોચ થવો જોઈએ કે, ભગવાનને મારા માટે કષ્ટ ઉઠાવવું પડયું પણ મનનું ધાર્યુ થતાં સંકોચ ન થાય અને સંતોષ થતો હોય તો શરણાગતિ રહેતી નથી.
શરણાગત ભક્તને બિલાડીનું બચ્ચું બનવાનું છે. બિલાડી ગમે ત્યાં લઈ જાય. જ્યારે બિલાડી પોતાની મરજીથી ગમે ત્યાં લઈ જાય છે, બચ્ચું તો કેવળ પગ સમેટી લે છે. તેમ ભગવાનમાં શરણાગત સંસાર તરફથી પોતાના હાથ, પગ અર્થાત્વૃત્તિઓ સમેટીને ભગવાન પર નિર્ભર થઈ જાય છે. ભગવાનની સાથે કામ, ક્રોધ, સ્નેહ, દ્વેષ, ભક્તિ વગેરે કોઈપણ સંબંધથી સંબંધિત થયા તેનું ભગવાને કલ્યાણ જ કર્યું છે. કારણ કે ભગવાન કેવળ સંબંધ જ દેખે છે ગુણો કે અવગુણો નહિ.
શરણાગતિનું રહસ્ય શું છે? તેને વાસ્તવમાં ભગવાન જ જાણે છે. છતાં પણ પોતાની સમજણમાં આવેલી વાત કહેવાની ચેષ્ટા કરવામાં આવે છે. કારણ કે વાત કહેનારા તેની પોતાની બુદ્ધિનો પરિચય આપે છે. સાધકે ગ્રંથમાં આવેલી વાતોનો સવળો અર્થ લેવો જોઈએ. ઊલટો અર્થ ન લેવો જોઈએ. કારણ કે ઘણી વખત માણસો તાત્ત્વિક રહસ્યવાળી વાતને ઊંડાણથી ધ્યાન આપ્યા વિના અને સમજ્યા વિના અવળો અર્થ જલદી પકડી લે છે.
ભગવાનને અનન્ય શરણે થવું તેનો એક ભાવ એવો છે કે, ભગવાનમાં અનંત ગુણ છે, પ્રભાવ છે, તત્ત્વ છે, રહસ્ય છે, મહિમા છે, લીલાઓ છે, અનંત ઐશ્વર્ય છે, માધુર્ય છે, સૌંદર્ય છે; પરંતુ આ વિભૂતિને વિચારીને શરણાગત શરણે થતો નથી. તેને વિચારીને જે શરણે થાય છે તેવો કેવળ તે ગુણ, પ્રભાવ વગેરેનો શરણાગત થયો છે. ભગવાનને શરણે નથી થયો; પરંતુ આ બાબતનો ઊલટો અર્થ ન પકડી લેવો કે ભગવાનમાં તે નથી અથવા ભક્તે જાણવા જ કે વિચારવા જ નહિ. ભગવાન એવા ઐશ્વર્ય વૈભવશાળી હોય તો સારી વાત છે અને લાભની વાત છે પણ કદાચ ન પણ હોય તો પણ હું તેનો છું અને એ મારા છે. એવું થાય ત્યારે આશ્રય ગણાશે. કોઈ રૂપિયાવાળા આદમીનો આદર કરે તો તે આદર તેનો નથી પણ રૂપિયાનો આદર છે. કોઈ મિનિસ્ટરનો આદર કરે તો તે વ્યક્તિનો આદર નથી પણ મિનિસ્ટર પદ(સત્તા)નો આદર છે. વ્યક્તિનો આદર નથી. પરંતુ તે વ્યક્તિના ધર્મપત્નિ તેનો આદર કરે તો તે પદ કે ધનનો આદર નથી પણ તે વ્યક્તિ નો આદર ગણાશે. તેમ ભગવાનમાં ઐશ્વર્ય જાણીને શરણે થાય તો તે ભગવાનને શરણે નથી અને પેલી બાજુ જો કોઈ કદાચને કેવળ વ્યક્તિનો(ધનિક, સત્તાવાન વિગેરે) આદર કરે તો ધન, સત્તા ચાલ્યા જવાના. એવું તો નથી. તેમ અહીં કેવળ પરમાત્મા વ્યક્તિનો આશ્રય કરવાથી તેના વૈભવ રદ-બાતલ કે જૂઠા થઈ જાય તેમ નથી પણ આશ્રય કરનારાને તો જરૂર વિચારવું ઘટે છે. આશ્રિતની દૃષ્ટિ તો કેવળ ભગવાન પર ટકેલી રહેવી જોઈએ.
સપ્તર્ષિઓ જ્યારે પાર્વતીજીની સમક્ષ શિવજીના અનેક અવગુણોનું અને વિષ્ણુના અનેક સદ્ગુણોનું વર્ણન કરીને એમને શિવજીનો ત્યાગ કરવાને માટે કહ્યું, ત્યારે પાર્વતીજીએ તેઓને ઉત્તર આપ્યો કે
महादेव अवगुन भवन विष्णु सकल गुणधाम।
जेहि कर मनु रम जाहि सम तेहि तेहि सम काम।।(मानस-१/००)
એવી જ વાત ગોપીઓએ ઉદ્ધવજીને કહી હતી-
ऊधौ, मन मानेकी बात,
दाख छौहारा छांडी अमृतफल, विषकीरा विष खात,
जो चकोरको दे कपूर कोउ तजि अंगार अघात।
मधुप करत घर कोरे काठमें बंधत कमल के पात।
ज्यों पतंग हित जान अपनो, दीपक सों लपटात।
सूरदास जाको मन जासों ताको सोई सुहात।। उधो.
ભગવાનમાં ઐશ્વર્ય દેખવાવાળા અને ઐશ્વર્યની અપેક્ષાવાળા જ મોટે ભાગે એવું પણ જોતા હોય છે કે, ભગવાનનું ભજન કરે છે ને બીમાર કેમ થઈ ગયો? ગરીબ કેમ થઈ ગયો?દીકરો કેમ મરી ગયો? આવું વિચારવું તે બિલકુલ ફાલતુ વાતો છે. તેને ખબર જ નથી કે શરણાગતિ શું વસ્તુ છે? પરંતુ આનો ઊલટો અર્થ એવો ન હોઈ શકે કે ભગવાનનો ભક્ત દરિદ્ર ન હોવો જોઈએ, માંદલો, અપમાનિત જ હોય એવું ન સમજી લેવાનું. તો એ શરણાગતિનો ઊંધો અર્થ પકડાઈ ગયો કહેવાય. સાચા ભક્તને નિંદા-પ્રશંસા, રોગી નિરોગી તેની સાથે મતલબ જ નથી.