ગીતા અધ્યાય-૧૮,શ્લોક 49 to 55

શ્લોક ૪૯-૫૫

જ્ઞાનનિષ્ઠાનો વિષય

असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह:।

नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनधिगच्छति ।।४९।।

અર્થ : સર્વત્ર-વસ્તુમાત્રમાં આસક્તિએ રહિત બુદ્ધિવાળો, મનને જીતનારો અને સ્વર્ગાદિકના સુખમાં પણ સ્પૃહા વિનાનો પુરુષ કર્મફળના સન્યાસથીજ સર્વોત્કૃષ્ટ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે. ।।૪૯।।

હવે પછી ભગવાન વિલક્ષણ ધ્યાનયોગ કહેવા જઈ રહ્યા છે. ત્યારે તેનો અધિકારી કેવો હોવો જોઈએ ! તેનાં લક્ષણોનું વર્ણન કરે છે. ब्रह्मभूत: प्रसन्नात्मा-मद्भक्तिर्लभते पराम्‌

असक्तबुद्धि: सर्वत्र જેની બુદ્ધિ તમામથી આસક્તિ રહિત છે અર્થાત્‌, કાળ, ઘટના, પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ, ક્રિયા વગેરે કશામાં પણ જેની બુદ્ધિ લિપ્ત થતી નથી.

जितात्मा-આત્મા શબ્દ અહીં શરીર પર પણ લઈ શકાય છે અને મન પર પણ લઈ શકાય છે. કર્મયોગને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી શરીરની વધારે જરૂર છે. તેથી જેણે શરીર પર અધિકાર કરી લીધો છે. જે આળસ, પ્રમાદ વગેરેથી શરીરને વશીભૂત થતો નથી; પરંતુ શરીરને વશીભૂત રાખે છે. જો કોઈ કાર્યને પોતાના સિદ્ધાંતપૂર્વક કરવા ઈચ્છતો હોય તો તે કાર્યમાં તેનું શરીર તત્પરતાથી લાગી જાય છે અને જો કોઈ ક્રિયા, ઘટના વગેરેથી હઠવા ઈચ્છતો હોય તો તે ત્યાંથી હઠી જાય છે. આ રીતે જેણે શરીર પર વિજય પ્રાપ્ત કરી લીધો છે તે ‘જીતાત્મા’ કહ્યો છે.

विगतस्पृह:-જીવન ધારણ કે જીવન નિભાવ માત્ર જેની વિશેષ જરૂરિયાત હોય છે તે ચીજોની સૂક્ષ્મ ઈચ્છાનું નામ ‘સ્પૃહા’ છે. જેમ કે શાક, પાંદડું કાંઈક મળી જાય, લૂખો સૂકો રોટલોય કોઈક મળી જાય, કંઈક ને કંઈક ખાધા વિના આપણે કેવી રીતે જીવી શકીએ? ભોજન વિના કેમ ચાલે? ઠંડીના દિવસોમાં સાધન વિના કેમ ચાલે? આવી જીવન નિર્વાહની ચીજોની પણ પરવા ન કરવી તેને विगतस्पृह: કહેવાય છે. જરૂરિયાત છે તે વાસ્તવિક છે પણ દેહભાવથી ઉપર ઊઠી હિંમત કરવાની વાત છે.

नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति-ઉપર બતાવ્યા મુજબ સર્વત્ર આસક્તિ રહિતપણું, જીતાત્મા અને વિગતસ્પૃહપણું વગેરેથી આગળ નિર્ણિત કરેલા સંન્યાસ કે ત્યાગથી સાધક નૈષ્કર્મ્ય સિદ્ધિને પામી જાય છે. નૈષ્કર્મ્યસિદ્ધિનું તાત્પર્ય એ છે કે, કર્મ સર્વથા અકર્મ બની જાય, કર્મોની સાથે બિલકુલ સંબંધ ન રહે, કર્મ કરતાં કરતાં પણ તેમાં લિપ્તતા-આસક્તિ ન રહે એ નૈષ્કર્મ્યભાવ છે. કર્મોને ન જ કરવા એ નૈષ્કર્મભાવ નથી.

न कर्मणामनारंभात्‌ नैष्कर्म्यं पुरुषोश्रुते।

न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति(૩/૪) તેનાથી ઊલટું નૈષ્કર્મ્યભાવ પ્રાપ્ત થવા માટે સાધકને કર્મ કરવાં અતિ આવશ્યક છે.

सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे।

समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा।।५०।।

અર્થ : નૈષ્કર્મ્યસિદ્ધિના ફળરૂપ ધ્યાનયોગને પામેલો પુરુષ જેવી રીતે બ્રહ્મને-પરબ્રહ્મને પામે છે, તે સંક્ષેપથી કહેલો પ્રકાર મારા થકી તું જાણ !- સમજ ! કે જે પરમાત્મા પ્રાપ્તિરૂપ જ્ઞાનની પરા કાષ્ઠા-ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. ।।૫૦।।

सिद्धिं प्राप्तो यथा… અહીં सिद्धिं એટલે અંતઃકરણની શુદ્ધિનું નામ છે. કર્મયોગની પકવતાથી અંતઃકરણ એવું શુદ્ધ થવું જોઈએ અથવા થાય છે કે તેને કર્મયોગ કરતાં કરતાં પણ અખંડ ધ્યાન રહ્યા કરે. પરમાત્માની અખંડ સ્મૃતિ રહ્યા કરે. તેનો અહીં સિદ્ધિ અથવા સિદ્ધ દશા તરીકે નિર્દેશ કર્યો છે. જેનું વર્ણન કરતાં પૂર્વ શ્લોકમાં આવેલા અસક્‌તબુદ્ધિ, જિતાત્મા અને વિગતસ્પૃહ પદોથી યોગ્યતા બતાવી છે. જેનું અંતઃકરણ એટલું વિશુદ્ધ થઈ ગયું છે કે, તેમાં કોઈ પ્રકારની કામના, મમતા કે આસક્તિ રહી નથી તો તેને કર્મયોગ કરતાં કરતાં પણ અખંડ સ્મૃતિ રહેવા લાગશે અને તેનું અંતઃકરણ પૂર્ણતાની અનુભૂતિ કરશે. તેથી તેને સિદ્ધ કહ્યો છે.

લોકમાં તો એવું કહેવામાં આવે છે કે, મનગમતી ચીજ મળી ગઈ તો સિદ્ધિ થઈ ગઈ. અણિમા વગેરે સિદ્ધિઓ મળી ગઈ તો સિદ્ધિ થઈ ગઈ; પરંતુ વાસ્તવમાં તે સિદ્ધિ નથી. કેમ કે તેમાં પરાધીનતા હોય છે. કોઈ વાતની ઊણપ રહે છે ત્યારે જ કોઈ વસ્તુ, પરિસ્થિતિ વગેરેની જરૂરિયાત પડે છે. આથી જે સિદ્ધિમાં કિંચિત્‌માત્ર પણ કામના પેદા ન થાય તે જ વાસ્તવમાં સાચી સિદ્ધિ છે. જે સિદ્ધિ મળ્યા પછી પણ કામના ચાલુ રહે અથવા વધતી રહે તે વાસ્તવમાં સિદ્ધિ નથી; પરંતુ એક જાતનું બંધન છે.

અંતઃકરણની શુદ્ધિ કે પવિત્રતારૂપી સિદ્ધિને પ્રાપ્ત થયેલો સાધક જ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. તે જે ક્રમથી બહ્મને પ્રાપ્ત થાય છે તેને મારી પાસેથી બરાબર સમજ-‘निबोध मे’ કારણ કે ધ્યાનયોગની જે રહસ્ય વાતો છે તે સાધકને માટે ઘણી જ આવશ્યક છે. માટે તે વાતને સમજવાની ઘણી જ જરૂરિયાત છે.

‘निबोध’ પદનું તાત્પર્ય છે કે ધ્યાન અથવા અખંડ સ્મૃતિમાં ક્રિયા અને સામગ્રીની પ્રધાનતા નથી; પરંતુ તે તત્ત્વને સમજવાની અને તેનો મહિમા અથવા વિલક્ષણતાની અનુભૂતિની પ્રધાનતા છે. અખંડ સ્મૃતિ એ ધ્યાનયોગની આખરી સ્થિતિ છે. જેનાથી વધીને સાધકની કોઈ સ્થિતિ નથી હોઈ શકતી. તે જ જ્ઞાનની પરાકાષ્ઠા કહેવાય છે. તેને કેવી રીતે પામવી તેને ભગવાન કહે છે હું સંક્ષેપથી કહુ છું.

बुद्धया विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च।

शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च।।५१।।

विविक्तसेवी लध्वाशी यतवाक्कायमानस:।

ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रित:।।५२।।

अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम्‌।

विमुच्य निर्मम: शान्तो ब्रह्मभूयाय कल्पते।।५३।।

અર્થ : સર્વથા વિશુદ્ધ બુદ્ધિએ યુક્ત થઈને, ધૈર્યથી મનને નિયમમાં રાખીને, શબ્દાદિક વિષયોનો ત્યાગ કરીને અને રાગ-દ્વેષનો પણ સર્વથા પરિત્યાગ કરીને, એકાન્ત સેવન કરવાના સ્વભાવવાળો થઈને, લઘુ આહાર કરીને, વાણી, શરીર અને મનને નિયમમાં રાખીને, પરમ વૈરાગ્યને સર્વથા આશયો થકો નિરન્તર ધ્યાનયોગ પરાયણ વર્તતો. તેમજ-અહંકાર, બળ, દર્પ, કામ, ક્રાધ અને પરિગ્રહનો પરિત્યાગ કરીને મિર્મમત્વ થઈને શાન્ત થયેલો પુરુષ બ્રહ્મરૂપ થવાને યોગ્ય થાય છે. ।।૫૧-૫૩।।

बुद्धया विशुद्धया युक्तो-જે સાધક પરમાત્માનું અખંડ ચિંતવન કરવા ઈચ્છે છે, તેમની બુદ્ધિ અતિવિશુદ્ધ હોવી જોઈએ. અહીં વિશુદ્ધિનું તાત્પર્ય છે કે જેની સ્મૃતિ રાખવી છે તે પ્રસ્તુત વિષયવાળી બુદ્ધિ-અર્થાત્‌તેમાં કેન્દ્રિત થયેલી હોવી જોઈએ અને એ બુદ્ધિ આ સમગ્ર વિષયથી રહિત, સંશય અને વિપર્યયથી રહિત હોવી જોઈએ. અર્થાત્‌પોતાનો લક્ષ્ય સંબંધી વિવેક સાફસાફ હોવો જોઈએ. આમાં સર્વ પ્રથમ બુદ્ધિ શબ્દ લેવાનું કારણ એ છે કે સર્વ પ્રથમ ધ્યેય સંબંધી નિર્ણય લેવામાં બુદ્ધિનું મુખ્યપણું છે. વિવેક અથવા પોતાનો સ્પષ્ટ માર્ગ પ્રથમ બુદ્ધિમાં પ્રગટ થાય છે. પછી અનુષ્ઠાનમાં આવે છે.

धृत्वात्मानं नियम्य च विषयविमुखीकरणेन योगयोग्यं मन: कृत्वा- ધીરજતાપૂર્વક વિષયનો ત્યાગ કરીને ભગવાનમાં મન જોડવા તત્પર થવું. સાંસારિક ગમે તેટલાં પ્રલોભનો આવવા છતાં પોતાના ધ્યેયથી ચલિત ન થવું. આવી દૃઢ સાત્ત્વિકી ધૃત્તિ (૧૮/૩૩) દ્વારા ઈન્દ્રિયો-મનનું નિયમન કરવું. મનમાં એવી સદા જાગૃતિ રાખવી કે મન-ઈન્દ્રિયો ધ્યેયમાર્ગથી વિરુદ્ધ કોઈ ચેષ્ટા ન કરી લે. તેની તકેદારી રાખવી.

शब्दादीन्विषयांस्त्यक्त्वा-असन्निहितान्‌ कृत्वा विषयसन्निधिर्हि विजितेन्द्रियम्‌ अपि क्षोभयेत्‌ इति भाव:।(ता.प.) ઈન્દ્રિયોને વિષયથી વિમુખ કર્યા પછી પણ તેનો સન્નિધિ ત્યાગ જરૂરી છે. કારણ કે વિષયની સન્નિધિ જિતેન્દ્રિય પુરુષોના ઈન્દ્રિયોને પણ કયારેક ક્ષોભ પમાડે છે. માટે સાધકને શાશ્વત પરમાત્માને સંભારવા છે તો વિષય સન્નિધિ પણ દૂર કરવી જરૂરી છે. નહિ તો ધ્યાન અથવા અખંડ સ્મૃતિ વિઘ્નિત થવાની સંભાવના રહે છે. તેથી જ સાચા આશયવાળા સાધકો વિષય સન્નિધિ કયારેય ઈચ્છતા નથી. વિષયોની રાગપૂર્વકની સન્નિધિ સેવન કરવાવાળો સાધક કયારેય નિર્વિઘ્ન ધ્યાન કે તેલધારા અખંડ વૃત્તિ રાખી શકતો નથી. તેને રસ્તે પણ ચાલી શકાતું નથી.

रागद्वेषौ व्युदस्य च-વિષયની સન્નિધિ દૂર કર્યા પછી પણ તે નિમિત્ત રાગ બચી શકે છે અને રાગ રહેશે ત્યારે દ્વન્દ્વ હોવાથી દ્વેષ અવશ્યંભાવી રહેશે. વળી વિષયો દૂર રહેતા છતાં આત્મીયતા-મારાપણું પણ જો રહેશે તો તે ચિત્તને પોતાના તરફ જરૂર ખેંચવાનાં માટે વિષયોનો ત્યાગ કર્યા પછી પણ સાધકને ધ્યાનયોગ સિદ્ધિ કરવા માટે અથવા અખંડ સ્મરણ માટે આ વસ્તુની જરૂર રહે છે. સાંસારિક વસ્તુનું મહત્ત્વ હૃદયમાં વધારે ઠસી જવું, આ વસ્તુ પોતાના કામમાં આવવાવાળી છે, ઉપયોગી થનારી છે. વિષયો પ્રત્યે એવો જે ભાવ રહે તો તે ‘રાગ’ છે. તેનાથી જગત સાથે સંબંધ જોડાય છે અને જોડાયેલો સંબંધ ઘાટો થાય છે.

विविक्तसेवी-विविक्तत्वं-रहितत्वम्‌ અર્થાત્‌ધ્યાન વિરોધી-પરમાત્માની સ્મૃતિ. વિરોધી રહિત વાતાવરણ સેવનારો હોવો જોઈએ. જનસમૂહનો જે અભાવ અને એકાંત સેવન સાધકની રુચિ હોવી એ તો સાધકને માટે સારું ગણાય છે પણ સાધકને તેને માટે આગ્રહ ન હોવો જોઈએ. અર્થાત્‌ એકાંત ન મળતા મનમાં વિક્ષેપ કે વિક્ષોભ ન થવો જોઈએ. આ વિષયમાં શ્રીજી મહારાજ બતાવે છે કે, ‘‘અમને એમ જણાય છે જે જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો(એકાંતપ્રિય) ઢાળો છે. માટે અમને પણ વન, પર્વતને જંગલ એમાં જ રહેવું ગમે છે પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ સ્વભાવ છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહી છીએ. તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય, તેવું રહેવાય છે.(વચ.ગ.અં.પ્ર. ૨૯) માટે ધ્યાન-સ્મૃતિમાં વિઘ્ન ન થાય એ માટે એકાંત ઈચ્છનીય છે તથા એકાંતનું પણ બંધન ન જોઈએ અને એકાંતની જે વિકૃતિઓ હોય છે તે સ્પર્શ કરી ન જાય તેની સાવધાની જોઈએ. लध्वाशी સાધકનો સ્વભાવ નિયમિત અને સાત્ત્વિક ભોજન કરવાનો હોય છે. ભોજનની બાબતમાં હિત, મિત અને ઋત આ ત્રણ બાબતો બતાવવામાં આવી છે. હિત એટલે શરીર પ્રકૃતિને અનુકૂળ અને મિત એટલે અનુકૂળ હોય તો પણ માપમાં હોવું જોઈએ ન વધુ ન અતિ ઓછું અને એમાં પણ ઋત-અર્થાત્‌પવિત્રતાનો ખ્યાલ રાખીને. તેવું બતાવ્યું છે. તો જ અંતઃકરણ સ્મૃતિ ધારવા સમર્થ થાય.

यतवाक्कायमानस: શરીરનો વૃથા ભટકાવ ન રહે. દેખવા, સાંભળવાના શોખથી શરીરનો ભટકાવ ન કરે. વાણીથી વૃથા વાર્તાલાપ ન કરે. અસત્ય, નિંદાચુગલી ન કરે. મનથી કોઈનું અહિત ચિંતન, સંસાર ચિંતન ન કરે. આ ત્રણે વાનાં પરમાત્મચિંતન અભિમુખ કરવાના છે. તેથી શરીર આસન સિદ્ધ કરે. વાણી પરમાત્માના નામજપ કે કીર્તનપરાયણ બને અને મન મૂર્તિનું ચિંતનશીલ બને.

ध्यानयोग पर: नित्यम्‌-ध्यान एव योग: અહીં પરમાત્મચિંતન જ યોગપરાયણ થવાનું સાધન છે. તાત્પર્ય એ થાય છે કે, ધ્યાનના સમયે તો ધ્યાન જ કરે બીજું કાંઈ ન કરે પણ વ્યવહારને સમયે અર્થાત્‌હાલતાં ચાલતાં, ખાતાં પીતાં, ઊઠતા બેસતાં, સ્મૃતિ ચાલુ રહે તેની તત્પરતા રાખવાની છે.

वैराग्यं समुपाश्रित: જેવી રીતે સંસારી લોકો રાગપૂર્વક વસ્તુ, વ્યક્તિ વગેરેને આશ્રિત રહે છે, એમનો આશ્રય કે સહારો પામે છે. એવી જ રીતે સાધકે વૈરાગ્યનો આધાર પોતે લેવાનો છે અર્થાત્‌જગત સાથે તેની સ્વાભાવિક નિર્લિપ્તતા જળવાઈ રહે તેમ રહેવાનું છે.

अहंकारं… विमुच्य… अनात्मनि आत्मभाव: અનાત્મ એવા શરીરાદિકમાં જે આત્મભાવ સ્થાપિત થઈ ગયો છે, તે અહંકાર છે. તેણે કરીને વ્યક્તિને, સાધકને પોતાનામાં કાંઈક વિશેષતા દેખાય છે. તેને અહંકાર કહેવાય છે. मन: प्राणादिबलानां योगविरोधित्वाभावात्‌ तद्‌ वृद्धिर्हेतुभूतवासनाबलम्‌-બળનો ત્યાગ કરવા બતાવ્યું છે. તો મન પ્રાણ આદિ ઉપકરણોનું બળ યોગ વિરોધી નથી. તેથી તે સાધનોનું બળ વધારવાની વાસનાનું બળ દૂર કરવાનું છે. એમ કહે છે. સાધનની અતિ આસક્તિ કે વાસના ખુદ સાધ્યમાં અંતરાયરૂપ બની રહે છે અને શરીરાદિના બળ નિમિતક અથવા જમીન જાયદાદ વગેરે બાહ્ય ચીજોના સદ્‌ભાવનું ધમંડ ઉદ્‌ભવ થાય તેને દર્પ કહેવાય છે. તેવી જ રીતે કામ, ક્રોધ વિગેરે તથા ભોગબુદ્ધિ કે સુખ બુદ્ધિથી ચીજોનો સંગ્રહ કરવો તેને પરિગ્રહ કહેવાય છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સન્યાસી ત્યાગી-આ બધાને તો સ્વરૂપથી જ પરિગ્રહનો ત્યાગ કહ્યો છે; પરંતુ ગૃહસ્થ પણ પોતાના સુખ ભોગબુદ્ધિથી સંગ્રહ ન કરે, કેવળ બીજા ભગવાનના ભક્તને મદદરૂપ થવા માટે જ સંગ્રહ કરે તો તે પણ પરિગ્રહ નથી ગણાતો.

સાધક ઉપર ગણાવેલા દોષોને ત્યાગ કરી દે અને…

निर्मम: सर्वेषु आत्मीयेषु अपि आत्मीयबुद्धिरहित: આ બધા શરીર આદી ઉપકરણો પોતાના હોવા છતાં તેમાં પોતાપણાની બુદ્ધિનો ત્યાગ કરવાનો છે. પોતાની પાસે નિર્વાહ માત્રની જે વસ્તુઓ છે અને કર્મ કરવાના શરીર, ઈન્દ્રિયો વગેરે જે સાધનો છે તેઓમાં પોતાપણું ન થાય; કારણ કે જે પોતાનું મનાયું તે ભગવાન કરતા પણ પ્રિય બની જાય છે. માટે તેના સદાકાળ ટકી રહેવાની કે તે સંબંધી પોતાના વ્યક્તિગત સુખની ઈચ્છા ન કરવી-એ નિર્મમ થવાનું તાત્પર્ય છે.

જે વસ્તુઓ સો વર્ષ પહેલાં આપણી ન હતી વળી સો વર્ષ પછી આપણી રહેવાની નથી. આથી અત્યારે જે પ્રાપ્ત થઈ છે તેનાથી આપણે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા કરીને સદ્‌ઉપયોગ કરી શકીએ છીએ પણ તેને પોતાની આપણે કરી શકતા નથી અર્થાત્‌એ કયારેય પોતાની થઈ શકતી નથી. તેનો સદ્‌ઉપયોગ જરૂર થઈ શકે છે. તો તેને પોતાની નહિ માનીને અત્યારથી નિર્મમ થવામાં શું વાંધો છે? તેમને પોતાની ન માનીને સદ્‌ઉપયોગ કરીને સાધક નિર્મમ બની શકે છે.

शान्त: અસત્‌અને અશાંત એવા સંસારની સાથે દૃઢપણે સંબંધ રાખવાથી સાધકના અંતઃકરણમાંથી પણ અશાંતિ ક્ષોભ કયારેય દૂર થતા નથી. માટે જગત્‌ની નાશવંત વસ્તુથી સંબંધ વિચ્છેદ કરતા શાંતિ પ્રાપ્ત થાય છે.

ब्रह्मभूयाय कल्पते-ઉપર બતાવ્યા પ્રમાણે જ્યારે સાધક યોગ્ય બને છે. ત્યારે બ્રહ્મભૂયાય-અર્થાત્‌વિશુદ્ધ આત્મસ્વરૂપ કે બ્રહ્મસ્વરૂપ થયો ગણાય છે અથવા થવા યોગ્ય ગણાય છે. અસત્‌નો રાગપૂર્વકનો સંબંધ સાધકને કંગાલ બનાવી રાખે છે. જ્યારે તેની સાથે સંબંધ વિચ્છેદ થાય ત્યારે બ્રહ્મ-પરમાત્મા જેવા મહત્તમ પદાર્થને ધારવા સમર્થ બને છે.

ब्रह्मभूत: प्रसन्नात्मा न शोचति न काङ्क्षति।

सम: सर्वेषु भूतेषु मद्‌भक्तिं लभते पराम्‌।।५४।।

અર્થ : આવો બ્રહ્મભૂત થયેલો, પ્રસન્ન ચિત્તવાળો પુરુષ પ્રિય વસ્તુના નાશથી નથી શોક કરતો, કે નથી પ્રિય વસ્તુની આકાંક્ષા કરતો, સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં સમ ભાવ પામેલો પુરુષ મારી પરા-પ્રેમલક્ષણા ભક્તિને પામે છે. ।।૫૪।।

આ પ્રમાણે કર્મયોગ સાધ્ય એવું પોતાનું વિશુદ્ધ આત્મસ્વરૂપ-પરમાત્મા પ્રત્યેના સેવકભાવથી ભાવિત એવું આત્મસ્વરૂપ જેને બ્રહ્મભૂત શબ્દથી કહ્યું છે અને સાધકના હૃદયમાં જ્યારે પોતાના સ્વરૂપનો એવો અનુભવ થાય ત્યારે તે પરમાત્માની પરાભક્તિનો અધિકારી થાય છે ત્યારે જ તે પરમાત્માની મૂર્તિના અખંડ-અનંત રસનો અધિકારી અને ભોગી થાય છે.

કર્મયોગના જે સાધકમાં ભક્તિના સંસ્કાર હોય છે તે ક્રિયા ત્યાગને તેટલું મહત્ત્વ નથી આપતા પણ ક્રિયાઓમાં રહેલા દોષ ત્યાગને મહત્ત્વ આપે છે અને સંસારથી સંપૂર્ણ અલિપ્ત થઈ જાય છે, નિર્વાસનિક થઈ જાય છે તો પણ નિર્વાસનિકતાને સર્વસ્વ નહિ માનીને ભગવાન પ્રત્યેની પ્રીતિને જ સર્વસ્વ માને છે તેને મુક્તિમાં સંતોષ નથી થતો, વિદેહમુક્તપણામાં પણ સંતોષ નથી થતો પણ આ દેહ છતાં પરાભક્તિને ઝંખે છે. તેથી તેને કર્મયોગનું અનુષ્ઠાન કરતા કરતા મુક્ત દશા તો આવે જ છે; પરંતુ અતિ મહત્ત્વની વસ્તુ કે પરમાત્માની ભક્તિ પણ પ્રાપ્ત થાય છે.

જ્ઞાન માર્ગમાં જડતાનો ત્યાગ કરવો તે મુખ્ય છે નિષ્કામ કર્મયોગમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ અર્થાત્‌નિશ્ચિત ધ્યેયની સ્પષ્ટતા અને સ્વાર્થ, મમતા, આસક્તિનો ત્યાગ કરવો મુખ્ય છે. જ્ઞાનમાર્ગમાં પણ વિવેકપૂર્ણ જડતાનો ત્યાગ કરવા છતાં પણ ત્યાજ્ય વસ્તુના સંસ્કારો શેષ રહી જાય છે. જેને કારણે દાર્શનિકોમાં પણ મતભેદ ઉભા રહી જાય છે; પરંતુ પરમાત્મામાં પ્રીતિ પ્રાપ્ત થતા, ભક્તિ પ્રાપ્ત થતા જે વસ્તુઓ ત્યાગ થાય છે, જે વસ્તુઓ છુટી જાય છે તેના સંસ્કાર શેષ રહેતા નથી. કારણ કે તેને સ્થાને પરમાત્માના સંસ્કારો આવે છે પ્રેમની પ્રાપ્તિ વિવેકસાધ્ય નથી; પરંતુ વિશ્વાસસાધ્ય છે અથવા આત્મીયતા સાધ્ય છે. વિશ્વાસમાં કેવળ ભગવાનની કૃપા ઉપર જ ભરોસો હોય છે તેથી જેની અંદર ભક્તિના સંસ્કાર હોય છે તેને ભગવાનની કૃપા છે તે મુક્તિમાં સંતોષ લેવા દેતી નથી. ઊલટા મુક્તિના રસનો(અખંડરસ) ફિક્કોે બનાવીને પ્રેમનો રસ, ભક્તિનો રસ(અનંતરસ) પ્રદાન કરી દે છે. મુક્તિનો રસ અખંડ રસ છે. જ્યારે ભક્તિનો રસ અનંત રસ છે.

સંસારના સંબંધથી અશાંતિ મળે છે તેથી કર્મયોગથી સંસાર સંબંધ વિચ્છેદ થતા ‘પરમ શાંતિ’ મળે છે જેને ‘શાંત આનંદ’ કહેવાય છે. જ્ઞાનયોગમાં નિજ સ્વરૂપમાં સ્થિતિ થવાથી નિજાનંદ અર્થાત્‌‘અખંડ આનંદ’ મળે છે. ભક્તિયોગમાં ભગવાનથી આત્મિયતારૂપી એકતા થવાથી પરમાનંદ અર્થાત્‌‘અનંત આનંદ’(પ્રતિક્ષણ વર્ધમાનમ્‌) મળે છે.

બ્રહ્મભાવમાં બે વસ્તુ રહેલી છે તે કે સંપૂર્ણ દેહભાવથી રહિત વિશુદ્ધ આત્મસ્વરૂપાનુભવ ઉપરાંત શેષતૈક સ્વરૂપાનુભવ. અર્થાત્‌‘મારું વ્યક્તિત્વ સ્વતંત્ર વ્યક્તિત્વ નથી; પરંતુ હું પરમાત્માનો દાસ છું’ એવી પોતાના સ્વરૂપમાં અનુભૂતિ થવી તેને ब्रह्मभूत: શબ્દથી બતાવી છે. તેને જ પરમાત્માની ભક્તિનો અધિકારી બતાવ્યો છે. એવો જ્યારે થાય છે ત્યારે તે ક્લેશ કર્માદિ દોષથી રહિત પ્રસન્નાત્મા બની રહે છે રાગાદિ દોષથી દૂષિત ચિત્તમાં પરમાત્માનો આવિર્ભાવ કદી થતો નથી. તેથી કલેશ, કર્મ, વિપાક અને આશય આ બધા ચિત્તના દોષો છે. તેમાં અવિદ્યા, અસ્મિતા(અહંકાર, મમતા), રાગ, દ્વેષ ને અભિનિવેષ આ પાંચ ક્લેશકર્મ એ પુણ્યપાપરૂપ છે. જાતિ, આયુષ્ય અને ભોગ એ વિપાકનું સ્વરૂપ છે. આશય એટલે સંસ્કારો અથવા વાસના. આ બધાથી દૂષિત ચિતમાં પરમાત્માનો આવિર્ભાવ થતો નથી.

પ્રસન્નચિત્ત થઈ, બ્રહ્મસ્વરૂપ થઈ, કોઈ વસ્તુનો શોક કરતો નથી તથા કોઈ વસ્તુને ઈચ્છતો નથી. ખરેખર તો પ્રસન્નતાની એ પિછાણ છે કે તેને શોક, ચિંતા રહેતાં નથી. સંસારની ગમે તેટલી હાનિ થઈ જાય તો તેનો શોક નથી કરતો. મને અમુક પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય-એવી ઈચ્છા પણ કરતો નથી. નાશવંત પદાર્થો, પરિસ્થિતિ, વ્યક્તિના બનવા બગડવાની કોઈ પણ અસર થતી નથી. કારણ કે તે પરમાત્મામાં સ્થિર થઈ ચૂકયો છે.

सम: सर्वेषु भूतेषु भद्‌भक्तिं लभते पराम्‌

સર્વ ભૂતોમાં સમનું તાત્પર્ય છે अनादरणीयतायां सम: અનાદરવાન્‌રહે છે. તેને પરમાત્મા સિવાય કચરો ને કંચન બન્નેનો તુલ્ય અનાદર કે આદર કરનારો થાય છે અને તે પરાપરતત્ત્વ વિવેકનું ફળ છે. પરમાત્મા શું વસ્તુ છે અને બાકી અન્ય તમામ કઈ વસ્તુ છે તેના વિવેકનું ફળ છે, એવો થકો તે સાધકને પરમાત્મા પ્રત્યે પ્રતિક્ષણ વર્ધમાન એક વિલક્ષણ આકર્ષણ, ખેંચાણ, અનુરાગ થઈ જાય છે. જે પરાભક્તિમાં પરીણિત થાય છે.

भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वत:।

ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्‌।।५५।।

અર્થ : હું જેવડો છું અને જે છું તેવો તો મને તત્ત્વથી ભક્તિથી જ જાણે છે અને એમ તત્ત્વથી મને જાણી-સમજીને તે પછી મારા પ્રત્યે પ્રવેશ કરે છે-મનેજ પામે છે. ।।૫૫।।

भक्त्या मामभिजानाति-જ્યારે પરમાત્મતત્ત્વમાં આકર્ષણ-અનુરાગ થઈ જાય છે, ત્યારે સાધક પોતે તે પરમાત્માને સમર્પિત થઈ, તે સંપૂર્ણ અહંશૂન્ય બની જાય છે. પરમાત્માને યથાર્થપણે જાણવા માટે આ બન્ને વસ્તુ ઘણી જ જરૂરી છે. જગતને જાણવાની અને પરમાત્માને જાણવાની પદ્ધતિ અલગ અલગ છે. જગતને યથાર્થ જાણવા માટે જગતથી વૈરાગ્ય કરવો પડે છે, તેનાથી અલગ થવું પડે છે. ત્યાર પછી જ જગતની વાસ્તવિકતા સમજાય છે, જાણી શકાય છે. જ્યારે પરમાત્મા સાથે તદાત્મભાવ અર્થાત્‌આત્મીયભાવ થયા વિના પરમાત્માને યથાર્થ જાણી શકાતા નથી અને તે વસ્તુ ભક્તિથી જ શક્ય બને છે ભક્તિ વડે પરમાત્મા સાથે આત્મીયતા, પોતાપણું કેળવાય છે પછી પરમાત્મા શું તત્ત્વ છે? શું વસ્તુ છે? તેનું યથાર્થ જ્ઞાન થાય છે. વિશુદ્ધ આત્મસ્વરૂપ આવતાં જગતસંબંધ વિચ્છેદ થાય છે અને પરમાત્માનો અનન્ય સેવકભાવ આવતાં અહંકારનો સર્વથા નાશ થઈ જાય છે. પરમાત્મામાં પ્રેમ અને પરમાત્માનો યથાર્થ બોધ થાય છે.

यावान्यश्चास्मि तत्त्वत:। यावान्‌ નું તાત્પર્ય છે ‘સમગ્રતા’ અને ‘य:’નું તાત્પર્ય છે વિલક્ષણતા તેથી य: નું તાત્પર્ય છે સ્વરૂપ અને સ્વભાવની વિલક્ષણતા-સ્વરૂપથી-શ્રીવિગ્રહ અને સ્વભાવ હેયપ્રતિભટ્ટ-કલ્યાણૈકતાન, શરણાગત વત્સલતા, દયાળુ, કૃપાળુ, અનાલોચિત યોગ્યતા વગેરે અને यावान्‌ નું તાત્પર્ય છે, गुणत: અને विभूतित: મારી સમગ્રતા કેટલી છે. તે જાણે છે. વળી य: નું તાત્પર્ય છે, जगत्‌ कारणत्व लक्षित सर्वेश्वराख्यधर्मीत्व अनुसन्धेय: અને यावान्‌ નું તાત્પર્ય છે, विधिनिषेधरू पशोधकवाक्य अवसीत-सर्वविद्यानुसन्धेय स्वरूप निरूपक धर्मयोग: अनुसन्धेय: અર્થાત્‌ ઉપનિષદ વાક્યોથી નિર્ણિત સર્વ વિદ્યાથી અનુસંધાન કરાયેલા સ્વરૂપને નિરૂપણ કરનારા ધર્મો અર્થાત્‌આનંત્યાદિક ધર્મો અથવા કેટલાકનું એવું માનવું છે કે

स्वरूप शब्द: स्वरूपनिरूपक धर्मपर: स्वभावशब्दस्तु सौलभ्यपर: इति केचित्‌(ता.चं.)

ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्‌ એવો તત્ત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશ થઈ જાય છે. મારી સાથે તાદાત્મ્ય સંબંધને પામી જાય છે. જાણવામાં અને પરમાત્માને પ્રાપ્ત કરવામાં કાળાભેદ અંતરાયરૂપ થતો નથી અને તેનાથી જ મનુષ્ય જન્મની પૂર્ણતાની અનુભૂતિ થાય છે.

જીવનો પરમાત્મા સાથે પ્રેમ(રતિ, પ્રીતિ કે આકર્ષણ) સ્વાભાવિક છે; પરંતુ જ્યારે જીવે પ્રકૃતિ સાથે સંબંધ જોડી લીધો છે અને માની લીધો છે તેથી પરમાત્માથી વિમુખ થઈ ગયો છે અને તેથી તેને સંસારમાં ખૂબ આકર્ષણ થાય છે. આ સંસારનું આકર્ષણ જ વાસના, સ્પૃહા, કામના, આશા, તૃષ્ણા વગેરે નામોથી કહેવામાં આવે છે. આનાથી તેને મળતું તો કાંઈ નથી પણ ‘કાંઈક મળશે’ એવો પાકો ભ્રમ બંધાઈ ગયો છે. તેથી આ ભ્રમ અને વાસનાને કારણે જન્મમ-રણના ચક્કરમાં પડ્યો પડ્યો મહાન દુઃખને પામતો રહે છે.

ગીતામાં મુખ્ય ત્રણ યોગ કહ્યા છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. આ ત્રણેય યોગો ભગવાનમાં જોડનારા છે અથવા યોગ્ય રીતે થાય તો ભગવાનમાં પ્રેમ વધારનારા બને છે. કર્મયોગમાં તેને ‘કર્તવ્યરતિ’ કહેવાય છે. ‘स्वे स्वे कर्मण्यभिरत:’ (૧૮/૪૫) કર્મયોગની આ રતિ ‘આત્મરતિ’માં પરિણતી પામે છે અથવા સીધા જ જો ભક્તિના સંસ્કાર હોય તો ભગવદ્‌રતિમાં પામી જાય છે.

જ્ઞાનયોગમાં તે જ પ્રેમને ‘આત્મરતિ’ કહેવામાં આવે છે. (योऽन्त: सुखोअन्तराराम:(૫/૨૪)) અને ભક્તિયોગમાં તે પ્રેમને ભગવદ્‌રતિ કહેવાય છે. અર્થાત્‌તે રતિ, તે ઝુકાવ ભગવાન પ્રત્યે હોય છે. (तुष्यति च रमन्ति च (૧૦/૯)) આ રીતે ત્રણે યોગોમાં રતિ હોવા છતાં પણ ભગવદ્‌રતિનો વિશેષ મહિમા છે.

ભગવાનમાં રતિ કે પ્રીતિ પ્રગટ થાય છે. પોતાપણાથી પોતાની ચીજ આપોઆપ પ્રિય લાગે છે. આથી પોતાપણું પ્રગટ થતાં જ ભગવાન આપોઆપ વહાલા લાગે છે અને સંસાર જ્યારે પોતાનો ભાસતો બંધ થાય ત્યારે આપોઆપ પ્રીતિ ઉખડી જાય છે. પ્રીતિમાં કયારેય સમાપ્ત ન થવાવાળો અલૌકિક વિલક્ષણ આનંદ હોય છે અને તે આનંદનો પ્રવાહ હૃદયમાં આવતા મનુષ્યોમાં આપોઆપ નિર્વિકારતા આવી જાય છે. જેમ ભગવાન કૃષ્ણના પ્રેમને કારણે ગોપીઓના હૃદયમાં વિષયસુખ વિષ જેવું થઈ પડ્યું હતું. પછી કોઈ કામ, ક્રોધાદિ વિકાર પેદા થઈ શકતા નથી. નિત્ય અને પારમાર્થિક આનંદ ન મળવાથી જ હૃદયમાં સાંસારિક વિકારો ઊભા થાય છે. પરમાત્માનું સ્વરૂપ તો અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે.