શ્લોક ૧૯-૪૦
ત્રણેય ગુણો અનુસાર જ્ઞાન,કર્મ,કર્તા,બુદ્ધિ,ધૃતિ અને સુખના જુદા-જુદા ભેદ
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदत:।
प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि।।१९।।
અર્થ : હવે-સત્ત્વાદિક ગુણભેદને લીધે જ્ઞાન, કર્મ અને કર્તા તે પણ ત્રણ-ત્રણ પ્રકારના છે. એમ ગુણકાર્યના ભેદને નિરૂપણ કરનાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તેને પણ મારા થકીજ તું યથાર્થપણે સાંભળ ! ।।૧૯।।
ज्ञानं कर्म च कर्ता च… અઢારમાં શ્લોકમાં ભગવાને કર્મની પ્રેરણા થવામાં ત્રણ કારણો બતાવ્યા તથા કર્મના થવામાં પણ ત્રણ જ કારણોને મુખ્યપણે લીધા. આ રીતે કર્મસંગ્રહ થવા સુધીમાં મુખ્ય છ બાબતો લીધી. કર્મપ્રેરણા સૂક્ષ્મ છે અર્થાત્જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. ત્રણે સૂક્ષ્મ સામગ્રી છે. જ્યારે કર્મસંગ્રહ સ્થૂળ છે. અર્થાત્કર્મ કરણ અને કર્તા-આ ત્રણે સ્થૂળ સામગ્રી છે તેમાંથી પણ વળી આ શ્લોકમાં ભગવાન જ્ઞાન, કર્મ અને કર્તા આ ત્રણ વાતનું જ વિવેચન કરવાનું કહે છે. કર્મપ્રેરણા વિભાગમાંથી કેવળ જ્ઞાનને જ લેવામાં આવ્યું છે. કારણ કે કોઈપણ કર્મની પ્રેરણામાં પહેલાં જ્ઞાન જ હોય છે. જ્ઞાન થયા પછી કર્મનો આરંભ થાય છે. જ્યારે કર્મસંગ્રહ વિભાગમાંથી કેવળ કર્મ અને કર્તા લેવામાં આવ્યા છે. જો કે કર્મના થવામાં કર્તા મુખ્ય છે તો પણ સાથે કર્મને લેવાનું કારણ એ છે કે, કર્તા જ્યારે કર્મ કરે છે ત્યારે જ કર્મ સંગ્રહ થાય છે. જો કર્તા કર્મ ન કરે તો કર્મ સંગ્રહ થશે જ નહિ. તાત્પર્ય એ થયું કે કર્મપ્રેરણામાં જ્ઞાન અને કર્મસંગ્રહમાં કર્મ અને કર્તા મુખ્ય છે. આ ત્રણે (જ્ઞાન, કર્મ અને કર્તા) સાત્ત્વિક હોવાથી જ મનુષ્ય નિર્લિપ્ત થઈ શકે છે. રાજસ અને તામસ હોવાથી નહિ. આથી અહીં કર્મપ્રેરક વિભાગમાંથી ‘જ્ઞાતા’ અને ‘જ્ઞેય’ને તથા કર્મસંગ્રહ વિભાગમાંથી ‘કરણ’ને નથી લેવામાં આવ્યા.
કર્મપ્રેરક વિભાગના ‘ज्ञाता’ અને ‘ज्ञेय’ નું વિવેચન કેમ નથી કર્યું? કારણ કે જ્ઞાતા જ્યારે ક્રિયા સાથે સંબંધ જોડે છે ત્યારે તે કર્તા કહેવાય છે અને તે કર્તાના ત્રણ (સાત્ત્વિક, રાજસ, તામસ) ભેદોની અંતર્ગત જ જ્ઞાતાના પણ ત્રણ ભેદો થઈ જાય છે. કારણ કે જ્ઞાતા હોય તે જ કર્તા હોવાનો છે, બીજો કોઈ નહિ. જ્ઞાતા જ્યારે ચૈતન્ય માત્ર જ રહે છે ત્યારે તો તેમાં કોઈ સંભવતો નથી.
જેને જાણવામાં આવે તે વિષયને ‘જ્ઞેય’ કહે છે. જાણવાના વિષયો અનંત છે, માટે તેના ભેદ નથી પાડવામાં આવ્યા; પરંતુ જાણવા યોગ્ય બધા વિષયોનું એક માત્ર લક્ષ્ય ‘સુખ’ પ્રાપ્ત કરવાનું જ રહે છે. જેમ કે કોઈ વિદ્યા શીખે છે, કોઈ ધન કમાય છે, કોઈ અધિકાર મેળવવાની ચેષ્ટા કરે છે તો આ બધા વિષયો જાણવા, પામવાની ચેષ્ટાનું લક્ષ્ય એકમાત્ર ‘સુખ’ જ રહે છે. વિદ્યા શીખવામાં એ જ ભાવ રહે છે કે, વધારે ભણીને વધારે ધન કમાઈશ, માન મેળવીશ અને તેમનાથી હું સુખી થઈશ. એવી જ રીતે દરેક કર્મનું લક્ષ્ય પરંપરાથી સુખ જ રહે છે. એટલા માટે ભગવાને જ્ઞેયના ત્રણ ભેદ સાત્ત્વિક, રાજસ અને તામસ ‘સુખ’ના નામથી આગળ (૧૮/૩૬/૩૯)માં કર્યા છે.
એવી જ રીતે ભગવાને કરણના પણ ત્રણ ભેદ નથી કર્યા. કારણ કે ઈન્દ્રિયો વગેરે જેટલા કરણ છે, તે બધા સાધન માત્ર છે. એટલા માટે તેના ત્રણ ભેદ નથી થતા; પરંતુ આ બધા જ કરણોમાં ‘બુદ્ધિ’ની જ પ્રધાનતા રહે છે. કેમ કે મનુષ્ય કરણોથી જે કાંઈ પણ કામ કરે છે, તેને બુદ્ધિપૂર્વક(વિચાર પૂર્વક) જ કરે છે. એટલા માટે ભગવાને કરણના ત્રણ ભેદ સાત્ત્વિક, રાજસ અને તામસ ‘બુદ્ધિ’ના નામથી આગળ(૧૮/૩૦-૩૨માં) કર્યા છે.
બુદ્ધિને દૃઢતાથી રાખવામાં ‘ધૃતિ’ બુદ્ધિની સહાયક બને છે. જ્ઞાનયોગની સાધનામાં ભગવાને બે જગ્યાએ(૬/૨૬માં તથા ૧૮/૫૧માં) બુદ્ધિની સાથે धृति પદ પણ આપ્યું છે. આનાથી એ માલૂમ પડે છે કે, જ્ઞાનમાર્ગમાં બુદ્ધિની સાથે ધૃતિની આવશ્યકતા છે એટલા માટે ભગવાને ‘ધૃતિ’ના પણ ત્રણ ભેદ(૧૮/૩૩-૩૫માં) બતાવ્યા છે.
આ બધાના ત્રણ ભેદ થાય છે. જ્યારે ભાગવતમાં તેનો ચોથો એક ભેદ ‘નિર્ગુણ’ ભેદ છે પણ તે પ્રકૃતિથી ઉપર છે. પ્રકૃતિ અંતર્ગત તો ત્રણ જ ભેદ છે. તેને શાસ્ત્ર પ્રમાણે કહી છે. તેને તમે સાંભળો. કારણ કે સાત્ત્વિક ચીજો કર્મ સાથે સંબંધ વિચ્છેદ કરીને પરમાત્મતત્ત્વનો બોધ કરાવનારી છે. રાજસ ચીજો જન્મ-મરણ આપવાવાળી છે અને તામસ ચીજો પતન કરવાવાળી છે. અર્થાત્નરક અને નીચ યોનિઓમાં લઈ જનારી છે. એટલા માટે સાંભળીને સાત્ત્વિક ચીજોનું ગ્રહણ કરીને રાજસ, તામસનો ત્યાગ કરવાનો છે.
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम्।।२०।।
અર્થ : બ્રાહ્મણાદિક વિભાગથી રહેલા સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં, અવિભક્ત-બ્રાહ્મણાદિક વિભાગ વ્યવસ્થા જેમાં નથી. એવા-એક અવિષમ અવ્યય-અવિનાશી આત્માને જે જ્ઞાને કરીને જુએ છે-જાણે છે. તે જ્ઞાનને સાત્ત્વિક જ્ઞાન જાણ ! ।।૨૦।।
सर्वभूतेषु… અહીં શ્લોકમાં વર્ણવાયું છે, તે આત્માનું સ્વરૂપ છે. विभक्तेषु अविभक्तं एकं भावम् अव्ययम् ઈત્યાદિ શબ્દો આત્મ સ્વરૂપના કહેનારા છે. કારણ કે ભાગવતમાં પણ સાત્ત્વિક જ્ઞાનનું વર્ણન કરતાં ઉદ્ધવ પ્રત્યે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, कैवल्यं सात्त्विकं ज्ञानम्(ભાગ-૧૧-૨૫-૨૪) આત્મસંબંધી જ્ઞાનને સાત્ત્વિક જ્ઞાન કહેવાય છે. આમ કહેવા પાછળનો અભિપ્રાય એ છે કે, આત્માનું સ્વરૂપ અને આત્મસ્વરૂપ પામવાના સાધનોનું જ્ઞાન-અનુષ્ઠાન જ્ઞાન. આ બધું સાત્ત્વિક જ્ઞાન કહેવાય છે. કારણ કે તે સાધકના હૃદયમાં સત્ત્વગુણ વધારે છે. જે ભાવ અથવા તત્ત્વને આલંબન કરીને ઉદ્યમ-પુરુષાર્થ કે સાધના કરતાં કરતાં સત્ત્વગુણ વૃદ્ધિ પામતો જાય,તો તે સંબંધી જ્ઞાન સાત્ત્વિક જ્ઞાન કહેવાય છે.માટે આત્મસાધના અંતઃકરણ નિર્મળ કરીને સત્ત્વગુણને વધારે છે, માટે તે સંબંધી જ્ઞાન સાત્ત્વિક જ્ઞાન છે.
સંસારનું(પંચ વિષયનું, અથવા કોઈપણ પ્રકારના ભોગનું) જ્ઞાન ઈન્દ્રિયોથી થાય છે. માટે જ્ઞાનનું આલંબન જ્યારે કેવળ-સંસાર(પંચ વિષય અથવા ભોગ પદાર્થો) બની જાય છે, ત્યારે કલિ પ્રવૃત્તિ વધી જાય છે. કેવળ ભોગ કલિ અને કાવાદાવાના જ પ્રેરક બની રહે છે, માટે તે તામસ જ્ઞાન બની રહે છે. ઈન્દ્રિયોનું જ્ઞાન બુદ્ધિથી થાય છે. ઈન્દ્રિયો રસીલી છે તેથી તેનું આલંબન જ્ઞાતાના હૃદયમાં રજોગુણને ઉશ્કેરે છે, માટે તે જ્ઞાન રાજસ જ્ઞાન બની રહેશે અને બુદ્ધિનું જ્ઞાન ‘હું’ ‘अहं’ પદથી થાય છે તે ‘હું’ ચૈતન્ય બુદ્ધિ, ઈન્દ્રિયો અને વિષય ત્રણેને જાણે છે. તે ચૈતન્ય આત્મા છે અને તેને આલંબિત જ્ઞાન સાત્ત્વિક જ્ઞાન છે. આ ‘હું’નું પણ એક પ્રકાશક છે. જેના પ્રકાશના પ્રભાવથી ‘હું’પણાનું ભાન થાય છે. તે સર્વદેશી અને અસીમ છે. તેને પરમાત્મતત્ત્વ કહેવાય છે. તેનું જ્ઞાન તે નિર્ગુણ જ્ઞાન છે.
તાત્પર્ય એ થયું કે ‘હું’ જે આત્મ ચૈતન્ય-‘अहं’ પ્રત્યય તામસ, રાજસ જ્ઞાનનો પ્રકાશક છે અને તેના પોતાના સંબંધી જ્ઞાન સાત્ત્વિક જ્ઞાન ‘હું’પણાનું પ્રકાશન ‘अहं अस्मि’નું પ્રકાશક ‘હું’સિવાય કોઈ પરતત્ત્વ છે તેનાથી થાય છે. તે તત્ત્વ પરમાત્મતત્ત્વ છે. તેની કૃપાથી જ થાય છે. ‘હું’ પદથી ‘હું’નું જ્ઞાન થતું નથી ઊલટું ‘હું’ પ્રધાન થાય તો મોહની આંધી આવી જાય છે ને જગતનું પણ યથાર્થ જ્ઞાન રહેતું નથી. જો ‘હું’ થી ‘હું’નું જ્ઞાન થતું હોત તો ‘હું’ ‘હું’ તો બધાના હૃદયમાં ઘુંટયા જ કરે છે પણ ‘સ્વ’ ઓળખાણ તો કોઈક અતર્મુખી વિરલ વ્યક્તિઓને જ હોય છે. જેના પર પરમાત્માની કૃપા થાય ત્યારે જ ‘સ્વ’નું યથાર્થ ભાન થાય છે. માટે ‘હું’ને યથાર્થ રીતે જોવા માટે પરમાત્માની કૃપાની જરૂર પડે છે અને તેનાથી ‘હું’ પણાનું યથાર્થપણે-અર્થાત્પોતાના આત્માનું અક્ષરબ્રહ્મ સ્વરૂપે કે પરમાત્માના અનન્ય સેવકપણાનું ભાન થાય છે અને તે જ્ઞાન ત્યારે નિર્ગુણ કહેવાશે.
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान्।
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम्।।२१।।
અર્થ : બ્રાહ્મણાદિક સર્વ ભૂતોમાં ભિન્ન ભિન્ન પ્રકારના જુદા જુદા ભાવોને પૃથક્પૃથક્પણે જે જ્ઞાનથી જાણે છે. તે જ્ઞાનને રાજસ જ્ઞાન જાણ ! ।।૨૧।।
રાજસ જ્ઞાનમાં રાગની પ્રધાનતા હોય છે. ‘रजो वैकल्पिकं च तत्’(ભાગ-૧૧-૨૫-૨૪) रजो रागात्मकं विद्धि(ગી. ૧૪/૭) રાગનો એ નિયમ છે કે, તે જેમાં આવે છે તેમાં કોઈના પ્રત્યે આસક્તિ, પ્રીતિ પેદા કરાવી દે છે અને કોઈના પ્રત્યે દ્વેષ પેદા કરાવી દે છે. રાજસ જ્ઞાનમા ‘મારા, તારા’નું પ્રધાનપણું હોય છે. (नानाभावान्पृथग्विधान्) જડચેતનના વિવેકની નહિ, વિભાગીકરણની જરૂર છે પણ ‘મારું, તારું’નું વિભાગીકરણ છે. જ્યારે સત્વગુણમાં જડચેતનનું વિભાગીકરણ પ્રધાનપણે છે. તેથી ઈર્ષા, દ્વેષ, ખેંચાતાણ વગેરે મટતા જ નથી. ન હોય તોય રજોગુણી વ્યક્તિઓ ઊભા કરે છે. સાત્ત્વિક વ્યક્તિ પોતાના હૃદયથી ઝઘડાના બીજ મૂળથી ઉખાડી નાખે છે. જ્યારે રાજસી વ્યક્તિ શાંત સમાજમાં, વાતાવરણમાં પણ ઝઘડાનું મૂળ ઊભું કરે છે. ઝઘડાનું બીજારોપણ કરે છે. તે આ સૃષ્ટિમાં બધાને અલગ અલગ સ્વાર્થના આધારે જુએ છે. તેના વિભાગ મનમાં સમજે છે અને બીજામાં વિભાગ પડાવે છે.
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम्।
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम्।।२२।।
અર્થ : અને જે જ્ઞાન તો એકજ કાર્યમાં સમગ્ર ફળવાળામાં જ જેમ, એમ આસક્ત થાય, ઈચ્છિત ફળનું અનુસંધાન પણ જેમાં ન હોય, તત્વાર્થ સિવાયનું અને જે તુચ્છ ફળ પમાડનારું હોય, તે તામસ જ્ઞાન કહેલું છે. ।।૨૨।।
તામસી વ્યક્તિ મહા ફળ મળવાનું હોય અને તે કાર્યનો જે રીતે આદર સન્માન કરવાનું હોય તેવું જ આદર-સન્માન અતિ અલ્પ ફળવાળું કાર્ય હોય તેને આપે છે. અર્થાત્તેને એમ પણ કહી શકાય કે તામસી માણસ પરિશ્રમ-ઉદ્યોગ એટલો મોટો કરતો હોય છે પણ સામે પરિણામે ફળરૂપે અતિ અલ્પ પ્રાપ્તિ થાય છે. તે જો દેવતાને આરાધતો હોય તો પણ અતિ ક્ષુદ્ર દેવને આરાધશે. તામસ મનુષ્યની શ્રદ્ધા માન્યતા, યુક્તિ મોટે ભાગે શાસ્ત્ર પ્રમાણથી વિરુદ્ધ-ઊંધી પોતાની મનની ગોઠવેલી હોય છે. તે જગતના નાશવંતપણાને હૃદયમાં કયારેય સ્વીકાર કરતો નથી. તે જગતને અતિ સાચું માનીને ઉદ્યમ કરે છે, તેથી અતિ અલ્પ પામે છે. વળી તામસી મનુષ્યના પુરુષાર્થમાં તત્ત્વાર્થ લક્ષ્ય હોતો નથી. તે લક્ષ્યમાં જગત અર્થ જ હોય છે. તે કયારેય હું શરીરથી અલગ છું એવું માની શકતો નથી. વિરાટ પુરુષાર્થ કરશે તો પણ પોતાને દેહરૂપ માનીને કરે છે. તેથી તેની સમજણ અતિ તુચ્છ અને તુચ્છ ફળને આપનારી રહે છે. તુચ્છતાની પ્રાપ્તિ કરાવવાવાળી રહે છે. એટલા માટે ભગવાનને આ વસ્તુને ‘જ્ઞાન’ શબ્દથી કહેવામાં સંકોચ થયો છે. ‘જ્ઞાન’ શબ્દથી તેનો નિર્દેશ પણ કરી શકાય તેમ નથી. માટે ભગવાન यत्… तत् तामसम् उदाहृतम्। કહીને પૂરું કરી દે છે.
શાસ્ત્રની યુક્તિરહિત, અલ્પ અને અતિ તુચ્છ, મતલબને જ વધારે મહત્ત્વ આપીને જીવનનો પુરુષાર્થ કરવો એને તામસ જ્ઞાન કહેવાય છે. મતલબ કે પરમાત્માની, મહાપુરુષોની કે શાસ્ત્રની દૃષ્ટિમાં અતિ અલ્પ અને અતિ તુચ્છ મતલબ હોય તેને તામસ જીવ સટોસટનું મતલબ માને છે અને તેને જ જીવનમાં મુખ્ય લક્ષ્ય બનાવી રાખવું આવું તામસ વ્યક્તિના જીવનમાં ચરિતાર્થ થતું હોય છે.
नियतं सङ्गरहितमरागद्वेषत: कृतम्।
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते।।२३।।
અર્થ : નિયત-અવશ્ય પ્રાપ્ત, સંગ-આસક્તિએ રહિત અને ફળની ઈચ્છા નહિ રાખનારા નિષ્કામ પુરુષે રાગ-દ્વેષ સિવાય કરેલું હોય અને અહંકાર-અભિનિવેશ પણ જેમાં પૂરો હોય તેમ બહુ પ્રયાસવાળું જે કર્મ હોય, આવું કર્મ તે રાજસ કર્મ કહેલું છે. ।।૨૩।।
नियतं सङ्गरहितम्… જે વ્યક્તિને માટે વર્ણ, આશ્રમ, પરિસ્થિતિ વગેરેના અનુસારે શાસ્ત્ર જે કર્તવ્યની અપીલ કરતું હોય છે, તેને માટે તે કર્મ ‘નિયત’ બની જાય છે.
અહીં ‘नियतम्’ પદથી એક તો કર્મનું સ્વરૂપ બતાવ્યું છે અને બીજું શાસ્ત્ર નિષિદ્ધ કર્મનો આપોઆપ નિષેધ થઈ જાય છે.
सङ्गरहितम् પદનું તાત્પર્ય એ છે કે, નિયત કર્મ પણ કર્તૃત્વાભિમાનથી રહિત થઈને કરવામાં આવે. કર્તૃત્વાભિમાનથી રહિત કહેવાનો એ ભાવ છે કે, જેવી રીતે વૃક્ષ વગેરેમાં મૂઢતાને કારણે તેઓને કર્તૃત્વ ભાન નથી થતું. છતાં તેના પાંદડાં ખરવા છે, શાખા ફુટવી, રોગનો પ્રતિકાર કરવો, શરીરે પડેલા ઘાની રુઝ આવવી, ફળ ફૂલ આવવાં બધી જ ક્રિયાઓ સમષ્ટિ નિયંત્રિત થાય છે. એવી જ રીતે આ શરીરમાં થાય છે. માટે તેનાથી પોતાનો અહં-ઘટાડીને પરમાત્માને જેટલો ભાર સોંપી શકાય તેટલી સાધકને નિર્લેપતાની અનુભૂતિ થાય છે. તેને સંગરહિત શબ્દ કહેવાનો આશય છે.
अरागद्वेषत: कृतम्–પદોમાં પણ આસક્તિનો ત્યાગ કરવાની વાત આવી હોવાથી અહીં सङ्गरहितम् નો અર્થ કર્તૃત્વાભિમાન રહિત એવો લેવામાં આવ્યો છે. સાંખ્યની દૃષ્ટિએ કર્તૃત્વાભિમાન છોડવાનું લક્ષિત કરવામાં આવે છે. જ્યારે ત્યાગ કે કર્મયોગ કે સેવાયોગમાં ‘सङ्गं त्यक्त्वा फलं चैव’(૧૮/૮) પદોથી આસક્તિ તથા ફળની ઈચ્છાથી રહિત હોવાની વાત આવે છે. આનું તાત્પર્ય એ છે કે, સાંખ્યોગની સાધના કરતાં કરતાં હું આ શરીર આદિક નથી. હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું, અક્ષર બ્રહ્મ છું. આમ પ્રક્રિયા ચાલતાં ચાલતાં પણ શરીરમાં થોડું ઘણું અભિમાન અને શરીર સાથેનો સુંવાળો સંબંધ ચાલુ રહેવાની શકયતા વધારે છે. કારણ કે તેની સાધનામાં અહં ઉપર કાર્યભાર મુખ્ય રહે છે. જે તત્ત્વ પ્રાપ્તિમાં બાધક રહેશે. જ્યારે ત્યાગ અથવા કર્મયોગ કે સેવાયોગમાં થોડું પણ અભિમાન રહી જશે તો સાંખ્યયોગીની જેમ એટલું બધું બાધક નહિ. બને કારણ કે તે કોઈ પણ કર્મ પોતાને માટે અર્થાત્પોતાનો સ્વાર્થ સાધવા કરતો નથી. તેથી શેષ રહેલું કર્તૃત્વાભિમાન પણ કેવળ કર્તવ્યપાલનને કે સેવાયોગને નિભાવવામાં ઉપકરણરૂપ બની રહે છે. અર્થાત્જે સમયે જે કાર્ય કરે છે, તે સમયે તત્કાલ પૂરતું તાત્કાલિક કર્તૃત્વાભિમાન રહે છે ને કાર્યનો અંત થતાં તે કર્તૃત્વાભિમાન તે જ કાર્યની સાથે સમાપ્ત થઈ જાય છે, તે કાર્યમાં લીન થઈ જાય છે.
अरागद्वेषत: कृतम्-અર્થાત્રાગદ્વેષ રહિત થઈને કર્મ કરવામાં આવે. અર્થાત્કર્મનું ગ્રહણ રાગદ્વેષપૂર્વક ન હોય અને કર્મનો ત્યાગ પણ રાગદ્વેષપૂર્વક ન હોય તથા કર્મ કરવાના જેટલાં સાધનો(શરીર, ઈન્દ્રિયો, અંતઃકરણ વગેરે) તેઓમાં પણ રાગદ્વેષ ન રાખે.
अरागद्वेषत: પદથી વર્તમાનમાં રાગનો અભાવ સૂચવ્યો છે અને अफलप्रेप्सुना-પદથી ભવિષ્યમાં રાગનો અભાવ બતાવ્યો છે. તાત્પર્ય એ છે કે, ભવિષ્યમાં મળવાવાળા ફળની ઈચ્છાથી રહિત થઈને મનુષ્ય દ્વારા કર્મ કરવામાં આવે, ક્રિયા અને પદાર્થોથી નિર્લિપ્ત રહીને અસંગતાપૂર્વક કર્મ કરવામાં આવે તો તે સાત્ત્વિક કર્મ થાય છે, કહેવાય છે.
સાત્ત્વિક કર્મમાં સાત્ત્વિકતા ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી અત્યંત સૂક્ષ્મપણે પણ પ્રકૃતિ સાથે સંબંધ રહે છે અથવા અહં સાથે સંબંધ રહે છે. જ્યારે અહંશૂન્ય થઈને પરમાત્મા સાથે સંબંધ ગાઢ થતાં તેનું તે જ કર્મ નિર્ગુણ બની જાય છે. તે ભક્તચિંતામણિમાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી બતાવે છે કે
ફળ ન ઈચ્છે કરે જે જગન રે, તેહ સાત્ત્વિક કર્મ પાવન રે;
મારે અર્થે કરે જે જગન રે, નિર્ગુણ પુરુષ એ પાવન રે.(પ્ર.૧૬૪/૩૦)
यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुन:।
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम्।।२४।।
અર્થ : જે કર્મ તો ફળની ઈચ્છાથી પ્રેરાઈને કરેલું હોય અને અહંકાર-અભિનિવેશ પણ જેમાં પૂરો હોય, તેમ બહુ પ્રયાસવાળું જે કર્મ હોય, આવું કર્મ તે રાજસ કર્મ કહેલું છે. ।।૨૪।।
यत्तु कामेप्सुना… અમે કર્મ કરીશું તો અમને તે કાર્યને અનુરૂપ ઉચ્ચ પ્રકારના પદાર્થો, સગવડતાઓ, સત્તાઓ, માન બડાઈ મળશે. સુખ-આરામ મળશે. વગેરે ઈચ્છાઓ અર્થાત્અંતરમાં આશય રાખીને કરવામાં આવતું કર્મ રાજસ કર્મ साहंकारेण… સમાજની(લોકોની) સમક્ષ કાર્ય કરવાથી સમાજ દેખે છે. વાહ વાહ કરે છે તો અભિમાન આવે છે અને જ્યાં લોકો સામે નથી હોતા ત્યાં(એકાંતમાં) કર્મ કરવાથી બીજાઓની અપેક્ષાએ પોતાનામાં વિલક્ષણતા, વિશેષણનું ચિંતનવન થાય છે અને તેનો તેને અહંકાર ઊઠે છે કે બીજા માણસો અમારી જેમ સુચારૂપે સાંગોપાંગ કાર્ય કરી નથી શકતા. અમારામાં કામ કરવાની યોગ્યતા, ચતુરાઈ, વિદ્યા વગેરે છે, તે ભાગ્યે જ કોઈકમાં મળશે. અમે જે કાંઈ કામ કરીએ છીએ, તેવું બીજાં ન કરી શકે વગેરે. અહંકારપૂર્વક કરેલું કર્મ રાજસ કહેવાય છે.
આગળ ભવિષ્યમાં મળવાવાળા ફળને લીધે(ફળેચ્છાપૂર્વક) કર્મ કરવામાં આવે અથવા વર્તમાનમાં પોતાની વિશેષતાને લીધે(અહંકારપૂર્વક) કર્મ કરવામાં આવે-આ બન્ને ભાવોમાંથી એક ભાવ હોવાથી પણ તે રાજસ કર્મ થઈ જાય છે. એ બતાવવા માટે અહીં वा पुन: પદો આવ્યાં છે. તાત્પર્ય એ થયું કે ફલેચ્છા અને અહંકાર આ બન્નેમાંથી જ્યારે એક ભાવ પણ હોય તો પણ કર્મ રાજસ થઈ જાય છે. ત્યારે બન્ને ભાવ હોય તો તો રાજસ બની જ જશે. એમાં શું કહેવાનું હોય !
क्रियते बहुलायासम्-કર્મ કરતી વેળાએ દરેક વ્યક્તિના શરીરમાં ચાહે રાજસી હો યા સાત્ત્વિકી હોય પણ પરિશ્રમ તો થાય જ છે; પરંતુ જે વ્યક્તિમાં શરીરના સુખ-આરામની ચાહના વધુ રહેતી હોય-મુખ્ય રહેતી હોય-તેને કર્મ કરતી વેળાએ પરિશ્રમ વધારે મહેસૂસ થાય છે.
જે વ્યક્તિમાં કર્મફળની ઈચ્છા તો મુખ્ય છે; પરંતુ શારીરિક સુખ-આરામની ઈચ્છા મુખ્ય નથી અર્થાત્ સુખ-આરામ લેવાની સ્વાભાવિક જ પ્રકૃતિ નથી. તેને સમાન કર્મ કરવા છતાં શરીરમાં પરિશ્રમ માલૂમ પડતો નથી. દા.ત. અતિ લોભી. તેનું કારણ એ છે કે, અંતરમાં ભોગો અને સંગ્રહની જોરદાર કામના હોવાથી તેની વૃત્તિ કામના પૂર્તિમાં જ લાગેલી રહે છે. શરીર તરફ તેનું લક્ષ્ય ઓછું રહે છે, માટે પરિશ્રમ મહેસુસ ઓછો થાય છે. તાત્પર્ય એ છે કે, શરીરના સુખ-આરામની પ્રધાનતા હોવાથી ફળેચ્છાની અવહેલના થઈ જાય છે અને ફળેચ્છાની પ્રધાનતા જ્યારે હોય છે ત્યારે શરીરના સુખ-આરામની અવહેલના થઈ જાય છે; પરંતુ બેઉમાંથી એક પણ હોય તો રાજસ કર્મમાં લઈ જ જાય છે.
લોકોની સમક્ષ કર્મ કરતી વેળાએ અહંકારજન્ય સુખનો ખોરાક મળવાથી અને ત્યારે શરીરના સુખ-આરામ કરતાં અહંકારમાં કયારેક પરિશ્રમ માલૂમ પડતો નથી; પરંતુ તે જ વસ્તુ બહુજન સમાજ દેખનારો ન હોય ત્યારે અહંકારજન્ય સુખનો ખોરાક ન મળવાથી અને કેવળ શરીરના સુખ-આરામની પ્રધાનતા રહેવાથી જેટલો દેખાવો જોઈએ તેના કરતાં પણ વધારે પરિશ્રમ માલૂમ પડે છે.
એવા ફળની ઈચ્છાવાળા અથવા સુખ-આરામની ઈચ્છાવાળા મનુષ્ય દ્વારા અહંકાર અને પરિશ્રમપૂર્વક કરેલું જે કર્મ તે રાજસ કર્મ કહેવાય છે.
વળી રાજસ વ્યક્તિ પોતાની જરૂરિયાતોને અતિ વધારી દે છે. જેનાથી દરેક જગ્યાએ અને દરેક બાબતમાં તેને બીજાની અપેક્ષાએ વધારે વસ્તુઓની અને કિંમતી વસ્તુઓની જરૂરત ગણી લે છે. જેથી તે વસ્તુઓ મેળવવા માટે તેને પરિશ્રમ પણ વધારે કરવો પડે છે, તેથી તેનો કર્મ વિસ્તાર પણ વધી જાય છે. વળી શરીરમાં અને તેના સુખ-આરામમાં અતિ આસક્તિ હોવાથી તેને થોડા કામમાં પણ વધુ પરિશ્રમ માલૂમ પડે છે.
अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम्।
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते।।२५।।
અર્થ : પરિણામે થનારું ફળ, અર્થાદિકનો થતો વિનાશ, પ્રાણીઓની થતી હિંસા તેમજ પોતાનું સામર્થ્ય, આ સઘળાનો વિચાર-વિવેક કર્યા સિવાયજ કેવળ મોહ-મમતાથી જે કર્મ આરંભાય છે. તે તામસ કર્મ કહેવાય છે. ।।૨૫।।
તામસ મનુષ્ય પોતાની શક્તિ, કર્મનું પરિણામ વિગેરેનો વિચાર નહી કરીને કેવળ મૂઢતાથી અર્થાત્મોહથી કાર્ય આદરે છે અર્થાત્પોતાના અંતરમાં પડેલો પ્રબળ રાગ અથવા પ્રબળ દ્વેષ તેનાથી પ્રેરાયને કાર્ય આદરી દે છે. તેનો વેગ એવો પ્રબળ હોય છે કે પોતાને નુકસાન કરતું પરિણામ પણ વિચારવાનો તેને સમય કે વિવેક નથી હોતો તે કવિએ કહ્યું છે કે-
बिना विचारे जो करै, सो पाछे पछिताय। काम बिगारे आपनो, जगमें होत हँसाय।।
जगमें होत हँसाय, चित्त में चैन न पावै। खान पान सन्मान, राग रंग मन नहि भावै।।
कह गिरधर कविराय, करमगति टरत न टारे। खटकत है जिय माहि, कियौ जो बिना विचारे।।
આ કુંડલિયામાં સરસ વાત કહી દીધી છે. તે વ્યક્તિ સ્વાભાવિક જ એવું કામ કરે છે, આદરે છે જેનાથી બીજાને સહજ નુકસાન પહોંચે છે. જેમ કે રસ્તામાં વાહન રાખી પોતાને બીજે કામે વળગી જવું. કોઈ ચાવીરૂપ સ્થાન હોય ત્યાં બેસીને ખોટા બહાના ઊભા કરી ઝાઝા માણસોને મૂંઝવી ને રૂંધી રાખવા. બીજાની મજબૂરીનો લાભ લઈને તેને પીડા કે માનસિક ત્રાસ આપવો, તે જ તેનું લક્ષ્ય બની જાય છે અથવા વધારેમાં વધારે બીજાને પીડા થાય તેમાં રસ હોય છે.
સાત્ત્વિક સ્વભાવ સ્વભાવિક આત્મોન્નતિ તરફ જાય છે. રાજસ સ્વભાવથી ભોગ તરફ જાય છે, તેથી ઉન્નતિ રોકાઈ જાય છે. જ્યારે તામસ સ્વભાવ સ્વાભાવિક પતન તરફ ગતિ કરનારો હોય છે. સાત્ત્વિક વ્યક્તિને જગતથી બંધન નિવૃત્તિ થવામાં અંતર સ્વાદ આવે છે. રાજસી વ્યક્તિને કર્મના ફળમાં અંતર સ્વાદ આવે છે. જ્યારે તામસી વ્યક્તિને પરપીડામાં અંતર સ્વાદ આવતો હોય છે
अनुबन्धं अनुवेक्ष्य આ કર્મ પાછળ કેટલું દુઃખ આવશે એવો વિચાર તામસી કયારેય કરી શકતો નથી. કારણ કે તેને પીરપીડા આપવી તે લક્ષ્ય બની ગયું હોય છે અને અંતરનો આસ્વાદ બની ગયું હોય છે. તેથી થોડા જ સમયમાં વ્યાજ સહિત દુઃખ આવવાનું છે કે આવી જાય છે તેનું તેને ભાન કે અનુસંધાન નથી રહેતું. તામસ મનુષ્યમાં મૂઢતાની પ્રધાનતા હોય છે અર્થાત્વિચાર વિનાનો વેગ હોય છે. તેથી આ કાર્ય કરવાથી મારું અને બીજાઓનું અત્યારે અને પરિણામે કેટલું નુકસાન થશે, કેટલું અહિત થશે-આ પરિણામ ન દેખીને તે કાર્યનો આરંભ કરી દે છે અને તે પણ મોટે ભાગે પારકાને પીડા દેવાના લક્ષ્યથી આરંભ કરી દે છે.
क्षयम् अनवेक्ष्य… આવું કાર્ય કરવાથી પોતાને અને બીજાઓને કેટલી હાનિ થશે. ધન અને સમયનો વ્યય થશે. આનાથી દુનિયામાં હું બેઆબરૂ થઈશ, મારી નિંદા કે તિરસ્કાર થશે, એવું જોતો નથી. બીજાની હાનિ હું કેટલી કરી શકું છું એના ઉપર જ લક્ષ્ય રાખે છે અને તેમાં પોતાની શક્તિ અનુભવે છે. અને ગર્વ અનુભવે છે. એવું જે કર્મ હોય તે તામસી કર્મ કહેવાય.
हिंसाम् अनवेक्ष्य-આ કર્મથી કેટલા જીવોની હિંસા થશે કે કેટલાની આંતરડી કકળશે ! કેટલા શ્રેષ્ઠ વ્યક્તિઓના સિદ્ધાંતો અને માન્યતાઓની હત્યા થશે ! અત્યારના અને ભાવિ જીવોના શુદ્ધ ભાવ, આચરણનું પતન થઈ જશે ! મારું અને બીજાનું આમાંથી કેટલું પતન થશે ! તે ભાન નથી હોતું.
अनवेक्ष्य च पौरुषम्-આ કાર્યભારને કે પદને હું લાયક છું કે કેમ? એવું તે વિચારી શકતો નથી. મારામાં કેટલું બળ છે, સામર્થી છે, મારી પાસે કેટલો સમય છે? બુદ્ધિ, કળા, જ્ઞાન છે તેને ન લક્ષ્યમાં રાખીને સીધું જ આદરી દેવામાં આવે છે, તે કર્મ તામસી છે.
मोहात् आरभ्यते… તામસી વ્યક્તિ પોતાની યોગ્યતા કે ન્યાય કયારેય જોતો નથી. તેમજ પારકાની પીડા કયારેય જોતો નથી. કેવળ મોહવશ મારે આ જોઈએ ને જોઈએ જ. અથવા તેને આ દુઃખ થવું જ જોઈએ ને થવું જ જોઈએ. એવા મુડથી કર્મ પ્રારંભ કરતો હોય છે અને એ પણ આંધળા વેગથી આદરે છે. તે તામસ કર્મ છે.
मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वित:।
सिद्धयसिद्धयोर्निर्विकार: कर्ता सात्त्विक उच्यते।।२६।।
અર્થ : ફળમાં આસક્તિ જેણે છોડી દીધી છે, અહંકાર ભર્યું વચન પણ નહિ બોલનારો, ધૈર્ય અને સતત ઉત્સાહ રાખનારો, કાર્યની સિદ્ધિ-અસિદ્ધિમાં પણ શોક-મોહાદિક વિકાર નહિ પામનારો, આવો કર્તા સાત્ત્વિક કર્તા કહેવામાં આવે છે. ।।૨૬।।
मुक्तसंग: જેમ સાંખ્યયોગી-કર્મયોગીને કર્મો સાથે રાગ નથી હોતો. એવી રીતે સાત્ત્વિક કર્તા પણ રાગરહિત હોય છે. ‘सात्त्विक: कारकोऽसङ्गी’(ભાગ. ૧૧-૨૫-૨૬)
કામના, વાસના, આસક્તિ, સ્પૃહા, મમતા વગેરેને અંતરમાં આશય સાથે જોડીને કર્મ કરવાથી જ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિ, ઘટના વગેરેમાં આસક્તિ કે લિપ્તતા થાય છે. સાત્ત્વિક કર્તા આવી લિપ્તતાઓથી સર્વથા રહિત રહે છે.
अनहंवादी-પદાર્થ, વસ્તુ, પરિસ્થિતિ, સદ્ગુણ, આવડત વગેરે ને યોગે કરીને પોતાનામાં બીજા કરતાં વિશેષતા અનુભવવાના સ્વભાવને ‘अहंवादनशीलता’ કહેવાય છે. તેને હંમેશાં પોતાની વિશેષપણાની છાપ જ પોતાના ચિત્તમાં અંકિત થયેલી રહે છે, કંડારાયેલી રહે છે. તે ‘अहंवादनशीलता’ છે. આ અહંવાદનશીલતા આસુરી સંપત્તિનું અગત્યનું લક્ષણ હોવાથી અત્યંત હલકાઈ છે. સાત્ત્વિક કર્તામાં આ અહંવાદનશીલતાનો સર્વથા અભાવ રહે છે. તેને ‘अनहंवादी’ કહેવાય છે. આસુરી સંપત્તિમાં મુખ્ય એવા દુર્લક્ષણમાં બે શબ્દો આવે છે એક તો ‘અહંકાર’ અને બીજો ‘અહંવાદી’. તે બન્નેમાં ભેદ છે. જેમ અસુરોના સ્વભાવનું વર્ણન આવે છે. તેમાં બે શબ્દો વપરાય છે. એક તો ભોગી અને બીજો ભોગવાદી. અસુરો બધા ભોગી તો છે જ, ઉપરાંત ભોગવાદી છે. ભોગી તો ઈન્દ્ર(દેવતા) પણ છે. તેને વિષયો સારા લાગે છે અને વિષય ભોગમાં લલચાઈને તો તે ગૌતમ ઋષિના ઘરમાં ગયો હતો. તેની ભોગલાલસા કેટલી પ્રબળ કે તેની આંખ ઋષિ પત્નીને પણ છોડી ન શકી. છતાં તે ભોગી છે, ભોગવાદી નથી. કારણ કે જ્યારે ઋષિને ખબર પડી ને દંડ દેવા-શાપ દેવા તૈયાર થયા ત્યારે ઋષિના પગ પકડી કાકલૂદી કરી. પોતાને અંતરમાં અવાજ છે કે મારે આમ ન કરાય પણ મારી અંતરદોષોની આગળ મજબૂરી છે. જ્યારે રાવણ સીતાનું હરણ કરી ગયો ત્યારે તેને માલ્યવાન વિભીષણ, મારીચ વગેરેએ એમ ન કરવા સલાહ આપી. ત્યારે રાવણ તે બધાને મારવા તૈયાર થયો ને કોઈકને માર્યા પણ ખરા. આ ભોગવાદ છે. આ ભોગીપણું છે. તેના કરતાં પણ એક ડગલું આગળ છે. ન્યાય, અન્યાય, કૂડ, કપટ, દગાબાજી કે ગમે તે નીચ પગલું ભરીને પણ ભોગ હસ્તગત કરવા. તેને માટે નિર્લજજ થઈને પણ લડાઈ કરવી, તેને પોતાને હક્ક બતાવીને નફફટાઈ કરવી એ ભોગવાદીપણું છે. તેવો જ શબ્દ अहंवादी છે. જેનામાં યોગ્યતા હોય ને તેનો અહંકાર લેતા હોય તો અહંકારી ગણાય પણ લાયકાત, ગુણ કે જમા પાસુ ન હોય, તોય અહંકારની લાલચ નફટાઈથી ન મૂકી શકાતી હોય તો તે અહંવાદી છે. તે અતિ આસુરીનું કે નફટાઈનું લક્ષણ છે. અહીં તેનું સંપૂર્ણ વિરોધી લક્ષણ अनहंवादी માં છે તેની યોગ્યતા, પુરુષાર્થ વગેરે હોય તે તેની પર તેનો યશ બીજા લાદી દે તો પણ તે યશને કે શુભકાર્યના કર્તૃત્વાભિમાનને અંતરમાં સ્વીકારી ન શકે ત્યારે अनहंवादी પણું ગણાય. તે સાત્ત્વિક કર્તા ગણાય છે. તે કર્મયોગી ગણાય છે અને તે પરમાત્માની કે તેના ભક્તોની સેવા કરવાનો પૂર્ણ અધિકારી બને છે.
धृत्युत्साहसमन्वित: કર્તવ્ય કરતી વખતે વિઘ્ન બાધાઓ આવી જતી હોય છે. કયારેક તે કર્મનું પરિણામ આપણી વિરુદ્ધમાં આવે, તરફેણમાં ન આવે, લોકોમાં નિંદા થાય તો પણ જેવી હકારાત્મક પરીસ્થિતિ હોય ને જેવી આગળ વધવાની હિંમત-ઉત્સાહ રહે છે તેવોને તેવો જ વિઘ્નબાધા આદિક આવવા છતાં પણ નિરંતર ચાલુ રહે-એનું નામ ધૃતિ કહેવાય. આમ શુભકાર્યવહનમાં થાક કે કંટાળાનો અભાવ રહે તે ધૃતિ છે અને કોઈ શુભ કાર્યમાં સફળતા ને સફળતા જ મળતી રહે. ઉન્નતિ થતી જાય, લોકોમાં માન આદર, મહિમા વગેરે વધતા જાય- એવી સ્થિતિમાં સાધકના મનમાં જેવી કાર્ય પ્રત્યેની ઉમેદ, આદર, લગની, તે કરવાની અધીરાઈ રહે છે. તેનાથી વિપરીત અર્થાત્અસફળતા, અવનતિ, નિંદા વગેરે થતાં પણ પ્રથમની જેમ ચાલુ રહે અને ધ્યેય પ્રત્યે નિત્ય નવીન કદમ કે નવીન પ્રગતિ સાધે ત્યારે તેને ઉત્સાહ કહેવાય. નિત્ય સાધનામાં આગળનું પગથિયું પામવા ઝડપું મારવી તે ઉત્સાહ કહેવાય છે. સાત્ત્વિક કર્તા આ પ્રકારની ‘ધૃતિ’ અને ‘ઉત્સાહ’થી યુક્ત રહે છે.
सिद्धयसिद्धयोर्निर्विकार: સિદ્ધિ અને અસિદ્ધિમાં પોતાનામાં કોઈ પણ વિકાર ન આવે. અર્થાત્સિદધિમાં ફુલાઈ ન જાય અને અસિદ્ધિ વેળાએ મુરઝાઈ જઈને નિરુત્સાહ ન બની જાય પણ ધ્યેય વસ્તુમાં એક સરખો અટલ રહ્યો જાય. સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર, સમ રહેવાની વાત ગીતામાં કુલ ત્રણ વખત આવી છે. सिद्धयसिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते-(૨/૪૮), सम: सिद्धावसिद्धौ च (૪/૨૨) અને અહીંયાં सिद्धयसिद्धयोर्निर्विकार: તાત્પર્ય એ છે કે, કાર્યમાં સિદ્ધિ મળવી કે અસિદ્ધિ મળવી પોતાના હાથની વાત ઘણી વખત હોતી નથી. તે પરમાત્માના હાથની વાત છે. જ્યારે બન્ને પરિસ્થિતિમાં નિર્વિકાર રહેવું એ સાધકના હાથની વાત છે. જે વાતમાં સાધકનો સ્વતંત્ર કંટ્રોલ છે તે વાતની ભગવાન અપેક્ષા રાખે છે. ઘણી વખત કાર્ય સારી રીતે સાંગોપાંગ પૂર્ણ થઈ જાય અથવા પૂરો ઉદ્યોગ કરીને પોતાની શક્તિ, સમજ, સમય વગેરેને પૂરા લગાડવા છતાં પણ કાર્ય પૂરું ન થાય, ફળ પ્રાપ્ત થાય અથવા ન થાય અથવા અધૂરું પ્રાપ્ત થાય. તો પણ પોતાના અંતઃકરણમાં પ્રસન્નતા અને ખિન્નતા, હર્ષ અને શોક ન થવા, ધ્યેય પ્રત્યેનો ઉત્સાહ ભંગ ન થવો એને જ સિદ્ધિ-અસિદ્ધિમાં નિર્વિકાર રહેવું એમ કહેવાય છે.
कर्ता सात्त्विक उच्यते-આવો આસક્તિ તથા અહંકારથી રહિત ધૈર્ય તથા ઉત્સાહથી યુક્ત અને સિદ્ધિ-અસિદ્ધિમાં નિર્વિકાર કર્તા સાત્ત્વિક કહેવાય છે.
આ શ્લોકમાં છ બાબતો બતાવવામાં આવી છે-સંગ, અહંવાદનશીલતા, ધૃતિ, ઉત્સાહ, સિદ્ધિ અને અસિદ્ધિ, આમાંથી પહેલી બે બાબતોથી રહિત થવાનું છે. વચલી બે બાબતોથી યુક્ત થવાનું છે અને અંતની બે બાબતોમાં નિર્વિકાર થવાનું કહેવામાં આવ્યું છે.
रागीकर्मफल प्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचि:।
हर्षशोकान्वित: कर्ता राजस: परिकीर्तित:।।२७।।
અર્થ : આસક્તિવાળો, કર્મના ફળને ઈચ્છનારો, ઉચિત દ્રવ્ય પણ નહિ ખર્ચનારો, હિંસામાં રૂચિવાળો, અપવિત્રપરે વર્તનારો અને વારંવાર હર્ષ-શોક પામનારો, આવો કર્તા રાજસ કર્તા કહેલો છે. ।।૨૭।।
रागी-રાગનું સ્વરૂપ રજોગુણ હોવાને કારણે ભગવાને રાજસ કર્તાના લક્ષણોમાં સહુથી પહેલા रागी પદ આપ્યું છે. રાગનો અર્થ છે-કર્મોમાં, કર્મોનાં ફળોમાં તથા વસ્તુ, પદાર્થ વગેરેમાં મનનું ખેંચાણ હોવું, મનને પ્રીતિ હોવી. આ ચીજોનો જેમના પર રંગ ચડી જાય છે તે રાગી કહેવાય છે.
कर्मफलप्रेप्सु: રાજસ મનુષ્ય પોતે કરેલા કાર્યનો કોઈપણ લાભ બીજાને અર્થે જતો કરી શકતો નથી. ક્રિયા કરવાની પાછળ કોઈ ને કોઈ સ્વાર્થ, ઈચ્છાને ગોઠવી જ દેશે. જેમ કે હું આવું અનુષ્ઠાન કરી રહ્યો છું, દાન દઈ રહ્યો છું, બીજાને ઉપયોગી કાર્ય કરી રહ્યો છું. તેનાથી જે કાંઈ ધન, માન, બડાઈ મળવા જોઈએ તે મને એકને જ મળવા જોઈએ પણ તેની છાયા પણ બીજા ઉપર ન જવી જોઈએ. એવી રાજસી વ્યક્તિની માનસિકતા હોય છે તથા મૃત્યુ પછી પણ મને સ્વર્ગ વગેરેના ભોગ સુખ મળશે. હું આવી આવી દવાઓનું સેવન કરી રહ્યો છું તે તેમનાથી બીજાને કોઈને ન હોય એવુ મારું શરીર નિરોગી રહે વગેરે.
लुब्ध: રાજસ મનુષ્યને જે કાંઈ મળ્યું છે, તેનો કયારેય સંતોષ મહેસૂસ નથી થતો; પરંતુ जिमि प्रतिलाभ लोभ अधिकाई। ની જેમ હજુ વધારે મળતું રહે, હજુ વધારે મળતું રહે. અર્થાત્આદર, સત્કાર, મહિમા વગેરે વધારે ને વધારે થતા રહે. ધન, પુત્ર, પરિવાર વધારે ને વધારે વધતા રહે. આ પ્રકારનું વળગણ વળગેલું રહે છે. લોભ લાગેલો રહે છે.
हिंसात्मक: તે હિંસાના સ્વભાવવાળો હોય છે. પોતાના સ્વાર્થને માટે તે બીજાઓના નુકસાનની, દુઃખની પરવા નથી કરતો. રાગી માણસ ભોગમાં અતિ પ્રીતિવાળો હોય છે અને ભોગી કદી હિંસા રહિત થઈ શકતો નથી.
પ્રથમ તામસ કર્મમાં હિંસા બતાવવામાં આવી છે.(૧૮/૨૫) અહીં રાજસ કર્તામાં હિંસા બતાવવામાં આવી છે. આમ કહેવાનું કારણ એ છે કે, તામસ મનુષ્યની ક્રિયાઓમાં મૂઢતા રહેવાને કારણે તે ક્રિયાઓ વિવેકપૂર્વક થતી નથી. અંધ ધંધ થાય છે તેથી તેના ચાલવા, બેસવા, ઊઠવા, ખાવાપીવામાં સહજ હિંસાનું ધ્યાન કે જાગૃતિ નથી રહેતી અને થયા જ કરે છે. જ્યારે રાજસ કર્તા ભોગી હોય છે. માટે પોતાના જીવનમાં ભોગોનો અતિરેક હોય છે, તેથી તેની જાણકારી હોવા છતાં તે હિંસાથી છૂટી નથી શકતો. આમ રજોગુણ અને તમોગુણ બંન્ને એક બીજાને ઘણાજ નજદીક છે. જ્યારે સત્ત્વગુણ વધારે દૂર છે. રજોગુણ રાગાત્મક છે અને તમો ગુણ મોહાત્મક છે. રજોગુણમાં હોશ અને સાવધાની રહે છે પણ રાગ, સ્વાર્થબુદ્ધિ અને ભોગમાં બુદ્ધિ બેહાલ હોવાથી હિંસા જાણવા છતાં થતી જ રહે છે. જ્યારે તમો ગુણમાં બેહોશી અને અસાવધાની, અંધધંધપણું રહે છે તેથી હિંસા-અહિંસા શું થઈ રહ્યું છે, તેની કોઈ ખબર રહેતી નથી. છતાં પણ રાગીમાં જે હિંસા વકરે છે ને જેટલી તલ્લીનતા હોય છે, તેટલી મોહમાં તલ્લીનતા નથી હોતી. મોહમાં હિંસાનો વેગ હોય છે. વેગમાં તે હિંસા કરી નાખે છે.
अशुचि: રાગી પુરુષ ભોગબુદ્ધિથી જે વસ્તુઓ, પદાર્થો વગેરેનો સંગ્રહ કરે છે, તે બધી ચીજો અપવિત્ર થઈ જાય છે અને જ્યાં રહે છે ત્યાંનું વાયુમંડળ પણ અપવિત્ર થઈ જાય છે. જે કપડાં પહેરે છે તે કપડાંમાં પણ અપવિત્રતા આવી જાય છે અને તેથી જ તો અતિ આસક્તિ-મમતાવાળા વ્યક્તિનું મૃત્યુ થતાં તેનાં કપડાં વગેરે કોઈ રાખવા નથી ઈચ્છતું. જે સ્થાન પર તેના શબને બાળવામાં આવે છે તે સ્થાન પર કોઈ ધ્યાન-ભજન કરવા ઈચ્છે તો તેનું મન નથી લાગતું. ત્યાં કોઈ ભૂલથી સૂવે તો તેને ખરાબ સપનાં આવે છે. તાત્પર્ય એ છે કે નાશવંત પદાર્થમાં આસક્તિ, મમતા થતાં જ વ્યક્તિ વાયુમંડળને પણ પોતાના સંસ્કારોથી અપવિત્ર કરી દે છે.
हर्षशोकान्वित: રાજસ કર્તાનું લક્ષ્ય ઈહ લૌકિક ભાવો, પદાર્થો જ વિશેષ હોવાથી તે હાનિલાભ થતાં હર્ષ અને શોકથી કયારેય ઉપર ઊઠી શકતો નથી. તે રાગદ્વેષ, સુખ-દુઃખમાં લપટાયેલો જ રહે છે.
ઉપર્યુક્ત લક્ષણોવાળા કર્તાને ‘રાજસ’કર્તા કહેવાય છે.
अयुक्त: प्राकृत: स्तब्ध: शठोनैष्कृतिकोऽलस:।
विषादी दीर्धसूत्री च कर्ता तामस उच्यते।।२८।।
અર્થ : શાસ્ત્રીય કર્મ આચરવામાં ગાફલ વર્તનારો, પ્રાકૃત-વિવેકશૂન્ય પામર, ગુરુ-દેવાદિકની આગળ પણ અનમ્ર વર્તનારો, શઠ, નગારો, આળસ્ય રાખનારો પ્રમાદી, સદાય અસંતુષ્ટ રહીને ખેદ પામનારો અને દીર્ધ સૂત્રી, આવો કર્તા તામસ કર્તા કહેવાય છે. ।।૨૮।।
अयुक्त: તમો ગુણ માણસને મૂઢ બનાવી દે છે. રાજસ કર્તામાં अशुचि શબ્દ આવ્યો છે. એ જ વસ્તુને વધારવા માટે અહીં अयुक्त શબ્દનો પ્રયોગ કર્યો છે. કોઈપણ શાસ્ત્રીય કર્મની શાસ્ત્રે બતાવેલી યોગ્યતા તે ગુમાવી બેઠો હોય, તેને અયુક્ત કહેવાય છે. રાજસ વ્યક્તિ કરતાં પણ તામસ કર્તા શાસ્ત્રથી થોડો વધારે દૂર પડી ગયો હોય છે. પોતાના કર્તવ્યથી પણ ઘણો દૂર પડી ગયો હોય છે. માટે કદાચ કાંઈક કરતો તો હોય પણ તે યોગથી વિરુદ્ધ દિશામાં લઈ જનારી તેની ચેષ્ટાઓ હશે. તેથી તેવા કર્તાને તામસ ગણવામાં આવે છે.
प्राकृत:-જેને પોતાના અથવા બીજાના આત્મ કલ્યાણની બિલકુલ ખેવના ન હોય. એ વાત ગુરુજનો કે હિતેચ્છુઓ તેના હૃદયમાં નાખવા પ્રયાસ કરે તો પણ કોઈ વાતે તેના હૃદયમાં તે વાત પેસે જ નહિ. એવી વ્યક્તિને અહીં ‘प्राकृत’ કહ્યો છે. લૌકિક વાત તેના ગળે જલદી ઉતરી જાય. જેને શાસ્ત્ર, સત્સંગ, સારું શિક્ષણ, સદ્ઉપદેશ વગેરેથી ન તો પોતાના જીવનમાં ફેરફાર કરીને સારું બનાવી શક્યો હોય અને ન કોઈ દિવસ પોતાના પરલોકનો કોઈ દિવસ શાસ્ત્રદૃષ્ટિથી વિચાર કર્યો હોય. જેવો મા-બાપથી જન્મ્યો હોય તેવોને તેવો જ આ બધા શુભ પરિબળોમાંથી નીકળવા છતાં કોરોને કોરો જ રહ્યો હોય. અર્થાત્કર્તવ્ય-અકર્તવ્યના શિક્ષણથી રહિત રહ્યો હોય. એવા કર્તાને અહીં પ્રાકૃત અથવા અશિક્ષિત કહ્યો છે. પછી ભલે તેણે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી હોય.
स्तब्ध: તામસી સ્વભાવની પ્રધાનતાને કારણે તેના મન, વાણી અને શરીરમાં અક્કડપણું રહે છે. તેથી તેનો ડાંડો કયાંય નમતો નથી. પોતાના વર્ણાશ્રમમાં વડીલવૃદ્ધ, માતા, પિતા, ગુરુ, આચાર્ય વગેરેની આગળ કયારેય નમતો નથી, નમતું જોખતો નથી. તેવી વ્યક્તિ મન, વાણી, શરીરથી કદી કોઈની સાથે સરળતા અને નમ્રતાનો વ્યવહાર કરી શકતી નથી; પરંતુ કુટીલ અને કઠોર વ્યવહાર જ કરે છે. એવા કર્તાને અહીં સ્તબ્ધ કહ્યો છે.
शठ: તામસ વ્યક્તિને પોતાની એક જીદ હોય છે અને તે જીદને સાચી ઠેરાવવા બીજાઓએ આપેલા સારા શિક્ષણને, સારા વિચારોને, સારી રીતભાતને કયારેય સ્વીકારી શકતો નથી. વળી તે પોતાની જીદ અને દુરાગ્રહ બીજાની ઉપર લાદવા આકાશ-પાતાળ એક કરનારા હોય છે. આ જીદ તેના અંતરના સ્વાભાવિક ઢાળા પ્રમાણે શાસ્ત્ર, ગુરુજનો તેમ જ હિતેચ્છુઓથી વિરુદ્ધ માન્યતાવાળી હોય છે તેથી તો તાત્પર્ય ચંદ્રિકામાં શઠની વ્યાખ્યા ‘गूढविप्रियकृतत्वं शठत्वम्’ જાહેરમાં કે પ્રસિદ્ધપણે તો સમાજની મર્યાદા પ્રમાણે તેનાથી ગુરુજનોનો વિરોધ કરી શકાતો ન હોવાથી તેમનો છૂપી રીતે વિરુદ્ધ વલણ રાખનારો હોય છે તે શઠપણું છે જેને પ્રાકૃત ભાષામાં નફફટાઈ કહેવામાં આવે છે. આવી વૃત્તિવાળાને તામસ કર્તા કહેવાય છે.
मूर्खस्य पञ्च चिह्नानि गर्वी दुर्वचनी तथा।
हठी चाप्रियवादी च परोक्तं नैव मन्यते।।
આ તદ્દન તામસ વૃત્તિ છે-તેને હળવી ભાષામાં મૂર્ખ કહ્યો છે. મૂર્ખ ચરિત્ર એ તામસ ચરિત્રની સાથે ખૂબ બંધ બેસી જાય છે.
अनैष्कृतिक: જેઓની પાસેથી કાંઈક ઉપકાર મેળવ્યો છે અર્થાત્કોઈકે-ગુરુજનોએ, માબાપ, વડીલો કે હિતેચ્છુએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય, તેને પ્રતિ ઉપકાર કરીને ઋણ મુક્ત થવું તેને ‘नैष्कृतिकता’ કહેવાય છે; પરંતુ તામસવૃત્તિ મનુષ્ય બીજાના ઉપકારોને પામીને પણ તે ઉપકારોનો બદલો વાળતો નથી. એટલું જ નહિ પણ બદલો વાળવાની ઈચ્છા જ તેને થતી નથી. ઊલટો તેના ઉપર અપકાર કરવા કે તેનું નુકસાન કરવા તૈયાર થાય છે. તેવી વૃત્તિવાળાને તામસવૃત્તિ કહેવાય છે. તેને अनैष्कृतिक કહેવાય છે.
अलस: પોતાના વર્ણાશ્રમના અનુસાર આવશ્યક કર્તવ્યકર્મ પ્રાપ્ત થઈ જતાં પણ તામસ મનુષ્યને મૂઢતાને કારણે તે કર્મ કરવાનું સારું નથી લાગતું. પરંતુ પડ્યા પડ્યા સાંસારિક નિરર્થક વાતોને વિચારતા રહેવાનું અથવા નિદ્રામાં પડ્યા રહેવાનું સારું લાગે છે; એટલા માટે તેને આળસુ કહેવામાં આવે છે.
विषादी: વિષાદ એટલે શોક-તામસ મનુષ્યમાં આ વિચાર હોતો જ નથી કે શું કર્તવ્ય હોય છે ને શું અકર્તવ્ય હોય છે? તથા નિદ્રા, આળસ, પ્રમાદમાં મારી શક્તિનો, મારા જીવનના અમૂલ્ય સમયનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે. આવો વિચાર તે કરી શકતો નથી. તેથી સારા માર્ગથી અને કર્તવ્યથી ચ્યુત થવાને કારણે તેના અંતરમાં સ્વાભાવિક જ એક અશાંતિ અથવા અજંપો ઊભો થાય છે. જે કોઈ રીતે દૂર કર્યો પણ થતો નથી. તેને વિષાદ કહેવામાં આવે છે.
‘देशकालवैगुण्याच्छोकवस्त्वाद्यनुस्मृतेश्च तज्जं दैन्यम् अभास्वरत्व मनसो अवसाद:’ દેશકાળાદિ પોતાના ધાર્યા ન ઊતરે ને પોતાને નુકસાનનો તેનો ફટકો લાગે ત્યારે કોઈને કહ્યા જેવું હોતું નથી, હાથના કર્યા હૈયે વાગ્યાની મનમાં લાગણી ખટક્યા કરે ને પોતાને અસ્વસ્થ બનાવી દે, તે વિષાદ છે અને તમો ગુણીમાં તે સ્વભાવિક હોય છે.
दीर्घसूत्री-અમુક કાર્ય કઈ પદ્ધતિથી ઉત્તમ અને જલદી થઈ શકે છે-આ વાતને તે વિચારતો જ નથી. એટલા માટે તે કોઈ કામમાં તે અવિવેકપૂર્વક લાગી જાય છે તો પણ થોડા સમયમાં થઈ શકે તેવા કામમાં પણ બહુ વધારે જ સમય લગાડી દે છે અને તેનાથી કામ પણ સુચારુ રૂપથી થતું નથી. આવો મનુષ્ય दीर्घसूत्री કહેવાય છે. ‘सू-सूत्रणे’ ધાતુ પરથી દીર્ધસૂત્રી શબ્દ બન્યો છે. ‘सूत्रणं-चिन्तनम्’ दीर्घर् सूत्रणात्-दीर्ध सूत्री. આળસ પણ આ શ્લોકમાં આવ્યો છે શઠ શબ્દ પણ આવ્યો છે. માટે આળસનો પર્યાય ન બની રહે અને શઠ શબ્દના અર્થમાં સાથ આપી શકે માટે ‘‘अभिचारादि कर्म कुर्वन् परेषु दीर्घकालवर्ती अनर्थ पर्यालोचनशील इति’’ (તા.ચં.) કોઈકનું અનર્થ કરવાનું કાર્ય હાથ ધરે તો દીર્ઘ કાળ સુધી મૂકે જ નહિ. એવી વૃત્તિને દીર્ઘસૂત્રતા કહી છે અને તે જેમાં હોય તેને दीर्घसूत्री કહેવાય એવો મત તાત્પર્ય ચંદ્રિકાનો છે.
ઉપર્યુક્ત વૃત્તિ ધરાવતા કર્તાને તામસ કર્તા કહેવાય છે. છવ્વીસ, સત્તાવીસ અને અઠ્ઠાવીસમા શ્લોકમાં જેટલી વાતો આવી છે તે બધી કર્તાને લઈને જ કહેવામાં આવી છે. કર્તાના જેવાં લક્ષણો હોય છે તેને અનુસારે કર્મો થાય છે. કર્તા જે ગુણોનો સ્વીકાર કરે તે ગુણોને અનુરૂપ કર્મોનું રૂપ હોય છે. કર્તાની આગળ જે કરણો હોય છે તે પણ કર્તાને અનુરૂપ જ હોય છે. તાત્પર્ય એ થયું કે જેવો કર્તા હોય છે તેવાં જ કર્મો, કરણ વગેરે પણ હોય છે. કર્તા સાત્ત્વિક, રાજસ, તામસ હશે તો કર્મો વગેરે પણ સાત્ત્વિક, રાજસ, તામસ થઈ જશે.
સાત્ત્વિક કર્તા પોતાના કર્મ, બુદ્ધિ વગેરેને સાત્ત્વિક ભાવથી કરીને, સાત્ત્વિક સુખનો અનુભવ કરતો રહીને, અસંગતાપૂર્વક કર્મયોગ કરીને પરમાત્માને પામી જાય છે. (दु:खान्तं च निगच्छति १८/३६) કારણ કે સાત્ત્વિક કર્તાનું ધ્યેય ઊંચું હોય છે. તેથી તે કર્તૃત્વ ભોકતૃત્વથી રહિત થઈને ધારે તો બ્રહ્મરૂપ થઈને પરમાત્માને પામી શકે છે. જ્યારે રાજસકર્તા ભોગમાં લીન થાય છે અને તામસકર્તા અજ્ઞાનમાં લીન થાય છે. રાજસકર્તાનો ઉદ્દેશ્ય ભોગ હોય છે. જ્યારે તામસ કર્તાનો ઉદ્દેશ્ય નબળો હોય છે.
તદ્ઉપરાંત ભાગવતના એકાદશ સ્કંધમાં ત્રણે ગુણોની વૃત્તિ વર્ણવી છે. અર્થાત્ત્રણે ગુણો જેમાં હોય તેવા વ્યક્તિની વૃત્તિ વર્ણવી છે. જેમ કે…
शमो दमस्तितिक्षेक्षा तप: सत्यं दया स्मृति:।
तुष्टिस्त्यागोऽस्पृहा श्रद्धा हृीदयादि: स्वनिर्वृत्ति:।।२।। (સત્ત્વવૃત્તિ)
काम ईहा मदस्तृष्णा स्तम्भ आर्शिभिदा सुखम्।
मदोत्साहो यश: प्रीतिर्हास्यं वीर्यं बलोद्यम:।।३।। (રજોવૃત્તિ)
क्रोधो लोभोऽनृतं हिंसा याञ्चा दम्भ: क्लम: कलि:।
शोकमोहौ विषादार्ति निद्राऽशा भीरनुद्यम:।।४।। (તમોવૃત્તિ) (ભાગ-૧૧-૨૫-૨/૫)
સત્સંગિ જીવનના ચતુર્થ પ્રકરણમાં આ ગુણોની વૃત્તિને જરા વધુ વિસ્તારથી બતાવી છે. તેમાં રજોગુણનું વર્ણન કરતાં કહે છે કે
परापवादेषुरतिर्विवादानां च सेवने।
अहंकारो ह्यसत्कारश्चिन्ता वैरोपपसेवनम्।।६९।।- રાજસ વૃતિ.
द्वेषो धर्मविशेषाणां । (સં.જી.ચતુર્થ-અ.૭૦-૭૦)
તામસી વ્યક્તિઓને ધર્મવાળા મનુષ્યો પ્રત્યે સ્વાભાવિક દ્વેષ વૃત્તિ હોય છે. એવો તામસનો સહજ સ્વભાવ છે. ધર્મવાન્વ્યક્તિનો દ્રોહ કરવામાં એને અંતરથી પ્રેમ હોય છે. જ્યારે રાજસ વ્યક્તિને સુખી માણસોનો દ્વેષ હોય છે. કારણ કે તે ભોગપ્રિય છે. જ્યારે સાત્ત્વિક માણસોને અધર્મનો દ્વેષ હોય છે અને સાચા ભક્તનો આસુરીને દ્વેષ હોય છે.
અહીં એક શંકા થાય છે કે કર્તાનું સાત્ત્વિક હોવું તો ઠીક છે પણ કર્મ સાત્ત્વિક કેવી રીતે થાય છે? આનું સમાધાન એ છે કે, ક્રિયા કે, કર્મ કે ચેષ્ટાઓ તો બધી જ સમાન છે. તેમાં કોઈ ભેદ નથી; પરંતુ તેનું પરિણામ શું આવવાનું છે તેના ઉપરથી તે કર્મ રાજસ, તામસ કે સાત્ત્વિક કોટિનું બને છે. તે કર્મનું પરિણામ આત્મપ્રગતિને કરનારું હોય તો સાત્ત્વિક, જગતમાં ચોટાડનારું હોય તો રાજસ અને અધોગતિ કરાવનારું હોય તો તામસ બને છે. તેનું કારણ કર્તાની કર્મ કરવાની સાથે ભાવના ગોઠવાય છે. તેને આધારે પરિણામ આવે છે, નહિ કે કોઈ કર્મને આધારે. તેથી જે કર્મની સાથે કર્તાનો રાગ નથી, કર્તૃત્વાભિમાન નથી, આસક્તિ નથી તો તે કર્મ સાત્ત્વિક થઈ જાય છે. એવા સાત્ત્વિક કર્મથી પોતાનું અને દુનિયાનું બહુ જ ભલું થાય છે. તે સાત્ત્વિક કર્મનો જે જે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વાયુમંડળ વગેરેની સાથે સંબંધ હોય છે, તે બધામાં નિર્મળતા આવી જાય છે. કારણ કે નિર્મળતા સત્વગુણનો સ્વભાવ છે.
तत्र सत्त्वं निर्मलत्वात् (૧૪/૬)
બીજી વાત એ છે કે, યોગસૂત્રમાં મહર્ષિ પતંજલિજીએ રજોગુણને ક્રિયાત્મક માન્યો છે. प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं दृश्यम्(૨/૧૮) જ્યારે અહીં ગીતા રજોગુણને ક્રિયાત્મક તો માને જ છે પણ તેનું મુખ્યરૂપ રાગાત્મક જ માને છે. रजो रागात्मकं विद्धि(૧૪/૭) વસ્તુતાએ જોઈએ તો રાગ જ વ્યક્તિને બાંધનારો છે, ક્રિયા નહિ. એવું ગીતા માને છે. અર્થાત્ભગવાન માને છે.
बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं श्रृणु।
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय।।२९।।
અર્થ : હવે-બુદ્ધિના અને ધૃતિના પણ ગુણે કરીને થતા ત્રણ પ્રકારના ભેદ હે ધનંજય ! હું જુદા-જુદા વિક્તિપૂર્વક કહીશ તેને સમગ્રપણે તું સાવધાન થઈને સાંભળ ! ।।૨૯।।
કર્મોમાં બુદ્ધિની ઘણી જ પ્રધાનતા રહે છે અને તમામ ઈન્દ્રિયો બુદ્ધિને અનુસારે કામ કરે છે. તેથી હવે બુદ્ધિના ભેદથી કરણોના ભેદ બતાવી રહ્યા છે. બુદ્ધિના નિશ્ચયને, વિચારને દૃઢતાથી સારી રીતે ટકાવી રાખવાવાળી અને પોતાના લક્ષ્યથી વિચલિત ન થવા દેવાવાળી ધારણશક્તિનું નામ ધૃતિ છે. ધારણશક્તિ અર્થાત્ધૃતિ વિના બુદ્ધિ વિવેકપૂર્વક પણ લીધેલા સદ્નિર્ણયો પર દૃઢપણે રહી શકતી નથી. એટલા માટે ધૃતિના પણ ત્રણ ભેદો બતાવવા આવશ્યક થઈ રહે છે. મોક્ષમાર્ગમાં બુદ્ધિ કરતાં પણ ધૃતિની વધારે જરૂર પડે છે. મોક્ષનું દિશાસૂચન વિવેકવતી બુદ્ધિ બતાવે છે પણ મોક્ષ માર્ગનું વહન ધૃતિ જ કરે છે. ધૃતિ વિના મોક્ષ માર્ગની સુલભતા હોય અર્થાત્હાથમાં આવી ગયો હોય પણ ધૃતિના અભાવમાં તેનો લાભ ઊઠાવી શકાતો નથી. ભગવાન બીજા અધ્યાયમાં કહે છે કે
मात्रा स्पर्शास्तुकौन्तेय शीतोष्णसुखदु:खदा:।
आगमापायिनाऽनित्यास्तांस्तितिक्षस्व भारत।।२/१४
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ।
समदु:खसुखं धीरं सोऽमृतत्वाय कल्पते २/१५
સહન કરવાની ધીરજ એ જ ‘ધૃતિ’ છે અને તે જ અમૃતતત્ત્વને અર્થાત્ભગવાન કે ભગવાનના સુખને પામવા યોગ્ય થાય છે. મનુષ્ય જે કાંઈ પણ કરે છે, તે બુદ્ધિપૂર્વક કરે છે. અર્થાત્વિચારપૂર્વક કરે છે. તે કાર્યમાં પ્રવૃત્ત થવા છતાં તેને ધૈર્યની બહુ મોટી આવશ્યકતા હોય છે. તેની બુદ્ધિમાં વિવેક, વિચાર શક્તિ તેજ હોય અને સાથે સાથે ધૃતિ પણ શ્રેષ્ઠ હોય તો જ વ્યક્તિ નિશ્ચિત કરેલા લક્ષ્ય પર નિર્વિઘ્ન અને વિના વિલંબે પહોંચી શકે છે પણ લક્ષ્ય ગમે તેટલું ઊંચું હોય, બુદ્ધિ ફળદ્રુપ હોય પણ ધૃતિનો અભાવ હોય તો ફળદ્રુપ બુદ્ધિ નિષ્ફળ જાય છે. તેનો કોઈ અર્થ રહેતો નથી.
સહન કરવાની ધીરજ એ જ ‘ધૃતિ’ છે અને તે જ અમૃતતત્ત્વને અર્થાત્ભગવાન કે ભગવાનના સુખને પામવા યોગ્ય થાય છે. મનુષ્ય જે કાંઈ પણ કરે છે, તે બુદ્ધિપૂર્વક કરે છે. અર્થાત્વિચારપૂર્વક કરે છે. તે કાર્યમાં પ્રવૃત્ત થવા છતાં તેને ધૈર્યની બહુ મોટી આવશ્યકતા હોય છે. તેની બુદ્ધિમાં વિવેક, વિચાર શક્તિ તેજ હોય અને સાથે સાથે ધૃતિ પણ શ્રેષ્ઠ હોય તો જ વ્યક્તિ નિશ્ચિત કરેલા લક્ષ્ય પર નિર્વિઘ્ન અને વિના વિલંબે પહોંચી શકે છે પણ લક્ષ્ય ગમે તેટલું ઊંચું હોય, બુદ્ધિ ફળદ્રુપ હોય પણ ધૃતિનો અભાવ હોય તો ફળદ્રુપ બુદ્ધિ નિષ્ફળ જાય છે. તેનો કોઈ અર્થ રહેતો નથી.
અહીં હાલ સાધકોને માટે કર્મપ્રેરક અને કર્મસંગ્રહનું જે પ્રકરણ ચાલુ છે. તેમાં જ્ઞાન, કર્મ અને કર્તા જેમ અગત્યના છે તેમ જ સાધક સાધનામાં નિરતંર લાગેલો રહે અને હારી ન જાય તેને માટે બુદ્ધિ અને ધૃતિની પણ તેટલી જ જરૂર હોય છે. માટે ભગવાન અહીં તેમના પણ ત્રણ-ત્રણ ભેદ કહે છે. તેનું તાત્પર્ય એ છે કે સાધક સાત્ત્વિક બુદ્ધિ અને ધૃતિની સાધના કરીને સંસારથી પર થઈને પરમાત્માના પદને પામે.
धनञ्जय: અર્જુનનું એક નામ ધનંજય છે. જ્યારે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો હતો ત્યારે અર્જુને અનેક રાજાઓને જીતીને ઘણુંક ધન મેળવી લાવ્યા હતા, તેથી તેનું નામ ‘ધનંજય’ પડયું છે. ભગવાન મર્મ કરે છે કે, જીવનું સાચું ધન પરમાત્મપ્રાપ્તિ છે. તેના બુદ્ધિ અને ધૃતિ ગ્રહણ કરીને જ ભગવાનને પામી શકાય છે. માટે હવે આ ધન અજર્ન કરો તો તમે સાચા અર્થમાં ‘ધનંજય’ સાર્થક થશો.
बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं श्रृणु। ભગવાન હવે ગુણોની પ્રધાનતાથી બુદ્ધિ અને ધૃતિના ભેદો બતાવે છે. ધૃતિ-શ્રોત્ર વગેરે કર્ણસંગ્રહ કે કર્ણપ્રેરણામાં કયાંય આવી નથી માટે ભગવાન धृतेश्वैव-પ્રયોગ કરે છે. અર્થાત્બુદ્ધિના ત્રણ ભેદ તો કહીશ પણ ધૃતિના પણ ત્રણ ભેદ કહીશ. સાધારણ દૃષ્ટિથી જોતાં ધૃતિ એ બુદ્ધિનો એક ભાગ અથવા ગુણ જ દેખાય છે. બુદ્ધિનો એક ગુણ હોવા છતાં ધૃતિ બુદ્ધિથી અલગ છે અને વિલક્ષણ છે. કેમ કે ધૃતિ કર્તામાં પોતાનામાં રહે છે. એ ધૃતિને કારણે જ મનુષ્ય બુદ્ધિનો સારો એવો સદ્ઉપયોગ કરી શકે છે. ધૃતિ જેટલી શ્રેષ્ઠ અર્થાત્બળવાન અને સાત્ત્વિકી હશે તેટલી સાધકની બુદ્ધિ સાધનામાં સ્થિર રહેશે. સાધનામાં બુદ્ધિની સ્થિરતાની જેટલી આવશ્યકતા છે તેટલી મનની સ્થિરતાની પણ નથી. હા, તેને અણિમાદિક સિદ્ધિ વગેરે પ્રાપ્ત કરવી હોય તો જરૂર તેને મનની સ્થિરતાની જરૂર પડશે પણ એ માર્ગ પરમાત્મા પાસે પહોંચવાનો નથી. ઊલટું તે માર્ગનું સિદ્ધિઓ વિઘ્ન છે. જ્યારે પારમાર્થિક સાધના જેને આત્મકલ્યાણની સાધના ગણવામાં આવે છે. પોતાના આત્માને પરમાત્માની સેવામાં જોડવો છે તેમણે તો બુદ્ધિની સ્થિરતાની જરૂર પડશે. બુદ્ધિને પોતાના ઉદ્દેશ્ય ઉપર સ્થિર રહેવાની જરૂર પડશે. બુદ્ધિ દ્વારા પોતાનું ધ્યેય(લક્ષ્ય) સારી રીતે સમજી શકાય છે અને ધૃતિ દ્વારા કર્તા-સાધક પોતે લક્ષ્ય પર વિપરીત-પ્રતિકૂળતામાં પણ અટલ રહી શકે છે. માટે ભગવાન અહીં ધૃતિના પણ ભેદ સંપૂર્ણતયા કહેવાની વાત કરે છે.
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये।
बन्धं मोक्षं च या वेत्ति बुद्धि: सा पार्थ सात्त्विकी।।३०।।
અર્થ : હે પાર્થ ! જે બુદ્ધિથી મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે. તેમજ કાર્ય-અકાર્યને, ભય-અભયને તથા બંધ-મોક્ષને પણ જાણે છે. તે સાત્ત્વિકી ઉત્તમ બુદ્ધિ છે. ।।૩૦।।
प्रवृत्तिं च निवृत्तिं च-ભગવાન કહે છે કે, હે અર્જુન ! જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને સારી રીતે જાણી શકે અર્થાત્ઓળખી શકે તે બુદ્ધિ સાત્ત્વિકી બુદ્ધિ કહેવાય. સામાન્ય રીતે ધનને માટે, સ્ત્રી મેળવવા માટે અને કુટુંબ ભરણ પોષણ માટે જે ઉદ્યમ થાય છે તેને શાસ્ત્ર, પ્રવૃત્તિમાર્ગની ક્રિયાઓ કહે છે. જે સાંસારિક માર્ગની ક્રિયાઓ છે. તેને માટે નોકરી કરવી, ધંધો કરવો, આજીવિકા ઊભી કરવી તે બધું પ્રવૃત્તિમાર્ગ ગણાય છે. જ્યારે તપશ્ચર્યા કરવી, યોગ સાધવો, પરમાત્માની આરાધના કરવી વગેરે ક્રિયાઓ નિવૃત્તિમાર્ગની ક્રિયાઓ છે. વાસ્તવમાં સંસારથી મુકાવનારી ક્રિયાઓ ‘નિવૃત્તિ’ છે અને સંસારમાં જોડાવનારી ક્રિયાઓ ‘પ્રવૃત્તિ’ છે.
આ બાબતમાં ગીતા, અન્ય શાસ્ત્રો તથા શ્રીજી મહારાજનો એવો મત છે કે, પ્રવૃત્તિ માર્ગના સપ્તર્ષિ આદિ ઋષિઓ હતા અને નિવૃત્તિ માર્ગના નારદ, સનકાદિક ઋષિઓ હતા. તે બન્નેમાં પણ બે વિભાગ છે. એક તો ભગવાનના સંબંધે સહિત પ્રવૃત્તિ ધર્મ અને ભગવાનના સંબંધે રહિત પ્રવૃત્તિ ધર્મ. બીજું ભગવાનના સંબંધે સહિત નિવૃત્તિ ધર્મ અને ભગવાનના સંબંધે રહિત નિવૃત્તિ ધર્મ. આ ચારેયમાંથી ભગવાનના સંબંધ સહિત જો પ્રવૃત્તિ ધર્મ હોય તો પણ તે ‘નિવૃત્તિ’ ફળને આપનારો છે. જ્યારે પરં ‘નિવૃત્તિ’ ધર્મ હોય ને ભગવાનના સંબંધ રહિત હોય તો તે પ્રવૃત્તિ ધર્મ જ છે, એમ માનવું. મહારાજ કહે છે કે, વસ્ત્ર વિનાના ફરવાથી જો ‘નિવૃત્તિ’ ફળ પ્રાપ્ત થઈ જતું હોય.‘નિર્ગુણ’ સ્થિતિ પ્રાપ્ત થતી હોય તો પ્રથમ તે સ્થિતિ કૂતરા, ગધેડાને પ્રાપ્ત થવી જોઈએ. કારણ કે તે મહા ત્યાગીના જેવું જીવન જીવે છે, માટે ભગવાનનો સંબંધ છે ને ગૃહસ્થ છે તો પણ તેનો નિર્ગુણમાર્ગ છે અને ‘નિવૃત્તિ’ ફળનો અધિકારી છે. જ્યારે ભગવાનનો સંબંધ નથી ને ઊર્ધ્વેરેતા બ્રહ્મચારી છે તો પણ પ્રવૃત્તિમાં ડૂબેલો છે. એવો શાસ્ત્ર અને મોટાઓનો મત છે. ભગવાનનો સંબંધ એટલે શું? તો ‘तदर्थता’ ને સંબંધ કહેવાય છે. જો પ્રવૃત્તિ કરવાનો છૂપો ઈરાદો પરમાત્મા કે તેના સાચા ભક્તોની સેવાને અર્થે થાય તો તે પરમાત્માને અર્થે છે, એમ ગણાય. જ્યારે ગમે તેવા નિવૃતિમાર્ગની ક્રિયા હોય પણ જો આંતર ઈરાદો દૂષિત થાય તો તેમાં ‘तदर्थता’ રહેતી નથી. આ લોકના માન, બડાઈ, સુખ, આરામ કે કોઈ પણ જાતનું અહં પોષણ કે સ્વાર્થ સાધવા માટે થાય તો નિવૃત્તિ માર્ગની ક્રિયા પણ બાંધવાવાળી બની જાય. તે ‘નિવૃત્તિ’ રહેતી નથી.
માટે વાસ્તવમાં જ્યારે તો ‘પ્રવૃત્તિ’ માર્ગમાં પ્રવૃત્તિને ‘કામના’ દૂષિત કરે છે. સાંસારિક કામના તેને સંસારમાં બાંધે છે અને ‘નિવૃત્તિ’ માર્ગમાં ‘વાસના’ તેને સંસારમાં જોડી રાખે છે. પ્રવૃત્તિ છોડીને કોઈ એકાંતમાં ભજનભક્તિ કરતો હોય તો ત્યાં તેની સામે દ્રવ્ય, પદાર્થ તો નથી; પરંતુ ‘લોકો મને જ્ઞાની, ધ્યાની, મોટો સાધક કે મહાપુરુષ, સર્મથ પુરુષ સમજશે તો મારો એવી કક્ષામાં આદરસત્કાર થશે’ આ રીતે અંતરમાં એક સૂક્ષ્મ ઈચ્છા રહે છે તેને ‘વાસના’ કહેવાય છે. તે નિવૃત્તિ માર્ગમાં નિમગ્ન હોવા છતાં, સંસારમાં જોડનારી બને છે. માટે જેને સામાન્ય બુદ્ધિ(કોમન સેન્સ) કે વિવેક બુદ્ધિ કહેવામાં આવે છે તે પોતાના આશયને ઓળખી જાય કે આ મારે બંધનરૂપ થશે કે બંધન મુકાવનારી. તો તે સાત્ત્વિક બુદ્ધિ ગણાશે.
कार्याकार्ये भयाभये बन्ध मोक्षं या वेत्ति…
શાસ્ત્ર, વર્ણ, આશ્રમની મર્યાદા અનુસાર જે કામ કરવામાં આવે તે ‘કાર્ય’ કહેવાય. તેની મર્યાદા લોપીને વિરુદ્ધ હોય તો તે ‘અકાર્ય’ કહેવાય.
જેને આપણે જરૂર કરવું ઘટતું હોય, આપણું કર્તવ્ય બની રહેતું હોય તે ‘કાર્ય’ કહેવાય. જેને આપણે ન કરવું જોઈએ, જે આપણા ‘અકર્તવ્ય’ તરીકે બની રહે તે ‘અકાર્ય’ ગણાય, તેને જાણે.
જેને આપણે નથી કરી શકતા તે અકર્તવ્ય નથી પણ તે આપણું ‘અસામર્થ્ય’ કહેવાય અને ઘણી વખત આપણી ફરજ નથી. શાસ્ત્ર દૃષ્ટિએ જરૂર નથી તો પણ આપણે કરીએ તો તે આપણી સામર્થી હોય તો પણ દોઢ ડહાપણ ગણાય.
જે કાર્યથી અત્યારે જ અને પરિણામમાં પોતાનું અને અન્યનું અનિષ્ટ થવાની સંભાવના છે, તે કર્મ ભયદાયક છે. જે કર્મથી અત્યારે અને પરિણામે પોતાનું ને પારકાનું હિત થવાની સંભાવના છે, તે કર્મ બધાને અભય કરવાવાળું છે.
જે મનુષ્ય કોઈનું અહિત કરતો નથી. જે હંમેશાં બીજાનું હિત જ કરે છે અને સારાં કામ કરે છે. તેને કયારેય કોઈથી ભયભીત થવાનું રહેતું નથી અને જે માણસ ગમે તેવો બળવાન હોય પણ ખોટું કરે છે, બીજાનું અહિત કરે છે તો તે કયારેય નિર્ભય રહી શકતો નથી.
જે બહારથી તો યજ્ઞ, ધન, તીર્થ, વ્રત કે અન્ય કોઈ ધર્મપ્રવૃત્તિ કર્યા જ કરે છે પણ અંતરથી દુન્યવી પદાર્થની આસક્તિ દૂર થતી નથી તો તે શુભ પ્રવૃત્તિ પણ બંધનરૂપ થશે. જે કેવળ પરમાત્મા સાથે સંબંધ રાખવા જ ઈચ્છે છે ને કોઈપણ કાર્ય તેને પ્રસન્ન કરવા માટે કરે છે તો તે કર્મ ભલે લૌકિક હોય તો પણ મુક્તિને અપાવનારું બને છે.
પોતાને જે વસ્તુ નથી મળી, તેમની કામના થવાથી મનુષ્ય તે વસ્તુનો અભાવ અનુભવ કરે છે અને પોતાને તેને પરાધીન માને છે. તે વસ્તુ મળે તો પોતાને સ્વતંત્ર અને વસ્તુઓ પોતાને આધીન છે, પરતંત્ર છે એમ માને છે; પરંતુ બને છે ઊલટું. ત્યારે પણ તે વસ્તુને પરાધીન જ બની જાય છે પણ ત્યારે વસ્તુના ભોગ કે અભિમાનમાં પરાધીનતા અનુભવાતી નથી. આ બને પરાધીનતા બંધન છે પણ અભાવમાં દેખાય છે. સદ્ભાવમાં દેખાતી નથી. પેલું કડવું ઝેર છે. બીજું મીઠું ઝેર છે. બન્ને મારનારું છે. બંધન કરનારું છે.
તાત્પર્ય એ થયું કે સાંસારિક વસ્તુઓની કામનાથી જ બંધન થાય છે અને પરમાત્મા સિવાય કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ, સ્થળ, કાળ વગેરેની કામના ન રાખવાથી મુક્તિ થાય છે. ત્યારે કોઈ કહેશે બધી જ ઈચ્છાઓ છોડીને જીવાય કેમ? તો તેનું સમાધાન એ છે કે એક ‘કામના’ હોય છે અને એક આવશ્યકતા-જરૂરિયાત હોય છે. સંસાર સંબંધી ઈચ્છાઓ ‘કામના’ છે ભગવાનની અને તે સંબંધી ઈચ્છાઓ જરૂરિયાત છે. વળી કામનાની કદી પૂર્તિ થતી જ નથી. તેની નિવૃત્તિ થાય છે. જ્યારે આવશ્યકતાની પૂર્તિ થાય છે પણ નિવૃત્તિ કયારેય થતી જ નથી.
જો મનમાં કામના કે આસક્તિ છે તો વસ્તુ પાસે હોય તો પણ બંધન અને વસ્તુ પાસે ન હોય તો પણ બંધન. જો મનમાં આસક્તિ-કામના નથી તો વસ્તુ નથી તોય મુક્તિ અને પાસે હોય તો પણ મુક્તિ જ છે.
આવી રીતે જે પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્યાકાર્ય, બંધન મોક્ષ, ભયાભયના વાસ્તવિક તત્ત્વને જાણે છે, તે બુદ્ધિ સાત્ત્વિકી કહેવાય છે. સાત્ત્વિકી બુદ્ધિમાં એક વિવેક હોય છે અને તે દૃઢતા છે.
यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च।
अयथावत् प्रजानाति बुद्धि: सा पार्थ राजसी।।३१।।
અર્થ : હે પાર્થ ! જે બુદ્ધિથી ધર્મ-અધર્મને તથા કાર્ય-અકાર્યને પણ અયથાર્થ પણે જાણે છે. અર્થાત્ખરી રીતે વાસ્તવિકપણે નથી સમજતો તે રાજસી મધ્યમ બુદ્ધિ છે. ।।૩૧।।
શાસ્ત્રોએ જે કાંઈ પણ કર્તવ્ય તરીકે વિધાન કર્યું છે, તે ધર્મ છે. અર્થાત્ભગવાને જે કાંઈ કરવાની આજ્ઞા આપી છે, તે ધર્મ છે. ‘ધર્મ તે ધર્મ સુતનાં વચન’ એવું નિષ્કુળાનંદ સ્વામીએ બતાવ્યું છે. વળી જેનાથી પરલોકમાં સદ્ગતિ થાય છે તે ધર્મ છે. શાસ્ત્રોએ જેનો નિષેધ કર્યો છે, મહારાજે જેનો નિષેધ કર્યો છે, જે કરવાથી પરલોકમાં દુર્ગતિ થાય છે, તે ‘અધર્મ’ છે. પોતાના માતા-પિતા, વડીલવૃદ્ધો ગુરુજનોની સેવા કરવામાં, બીજાઓને સુખ પહોંચાડવામાં, બીજાઓનું હિત કરવાની ચેષ્ટામાં પોતાના તન, મન, ધન, યોગ્યતા, પદ, અધિકાર, સામર્થી, ગુણો કે કોઈપણ પોતાની વિશેષતાને લગાડી દેવા તેને ‘ધર્મ’ કહેવાય છે. તેવી જ રીતે બીજા કોઈ પરોપકારના કાર્યો કરવામાં પોતાની કહેવડાવવાવાળી ચીજોનો યોગ્ય રીતે વિનિયોગ કરવો એ ‘ધર્મ’ છે. આનાથી ઊલટું પોતાના સ્વાર્થ, સુખ, આરામ, સત્તા, માન-બડાઈ, બીજાઓના હક્કના ધનસંપત્તિ, હક્ક, પદ અને અધિકાર છીનવી લેવા. બીજાઓ ઉપર અપકાર, અહિત કરવા. પોતાનાં તન, મન, ધન, યોગ્યતા, પદ, અધિકાર વગેરે જે કાંઈ પોતાનું કહેવડાવવા વાળું હોય તેનાથી બીજાઓને દુઃખ આપવું, હેરાન કરવા તે અધર્મ કહેવાય.
વાસ્તવમાં ધર્મ તે છે જે જીવનું કલ્યાણ કરી દે અને અધર્મ તે છે જે જીવને બંધનમાં નાખે, બંધન ઊભું કરે.
કાર્ય કયું ને અકાર્ય શું તે આગળના શ્લોકમાં બતાવ્યું છે. તે તથા સાત્ત્વિક બુદ્ધિમાં બતાવેલ પ્રવૃત્તિ, નિવૃત્તિ, ભયાભય, બંધનમોક્ષને પણ અહીં ‘एव च’ શબ્દોથી લઈ લેવા જોઈએ.
अयथावत् प्रजानाति…
જે વ્યક્તિ કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થ રીતે નથી ઓળખી શકતો કે દાનત સેવતો નથી તો પછી તે ધર્મ-અધર્મ ને યથાર્થ નહિ જ જાણી શકે અને તો પછી બંધન અને મોક્ષને કેવી રીતે ઓળખશે? બંધન અને મોક્ષ મોટે ભાગે આવે છે, આ જિંદગી પૂરી થયા પછી, મૃત્યુ પછી. પણ તેને ઓળખવાના છે જીવતે જીવતા જ. એટલે એ ઘણા કઠિન છે. તેથી જ સૂક્ષ્મ બુદ્ધિવાળા અને પવિત્ર બુદ્ધિવાળા જ ભાવી વસ્તુને સ્પષ્ટપણે ઓળખી લે છે. ‘हेयल्ल दु:खम् अनागतम्’(યોગસૂત્ર) આવતા દુઃખનું અને બંધનનું નિવારણ કરવાનું છે; પરંતુ બંધનને ઓળખતો જ નથી અથવા તો કહો કે ઓળખવા માગતો જ નથી, તેના બંધન દૂર કેમ થાય? રાજસ વૃત્તિવાળી બુદ્ધિ આ વસ્તુને યથાર્થ જાણતી નથી. રાગની મુખ્યતા બુદ્ધિમાં હોવાથી અને બુદ્ધિમાં સ્વાર્થ, પક્ષપાત કે કાવાદાવાને મહત્ત્વ અપાઈ ચૂકયું છે. પછી વિવેકને મહત્ત્વ આપી શકાતું નથી. તેથી સાંસારિક ભાવોનો રંગ ચડી જવાથી તેનો વિવેક લુપ્ત થઈ જાય છે. પછી જે કાંઈ લક્ષિત થાય તેને યથાર્થ નથી જાણી શકાતું.
જ્યારે વ્યક્તિની બુદ્ધિમાં વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ, ક્રિયા, પદાર્થ, ગુણ, સત્તા વિગેરેનો રાગ(રંગ) ચડી જાય છે ત્યારે તે રંગ બીજા પ્રત્યે દ્વેષ કરાવનારો થઈ જાય છે. પછી જ્યારે જેમાં રાગ થઈ જાય તેના દોષો અને જેમાં દ્વેષ થઈ જાય તેના ગુણોને મનુષ્ય નથી દેખી શકતો. આમ રાગ અને દ્વેષ બન્નેમાં સંસારની સાથે સંબંધ જોડાઈ રહે છે અને સંસારની સાથે જ્યારે જોડાઈ રહે છે, ત્યારે તે સંસારને નથી જાણી શકતા. સંસારને યથાર્થ જાણવા માટે સંસારથી અલગ પડવું પડે છે. જે સંસારથી સંબંધ-તોડે છે, તે જ સંસારને યથાર્થ જાણી શકે છે. જ્યારે ભગવાનને જાણવા માટે ઊલટી રીત છે. જે ભગવાન સાથે તદાત્મક રીતે જોડાય છે, તે જ ભગવાન શું છે ! તે યથાર્થ જાણી શકે છે. ભગવાનમાં ગાઢ સંબંધ જોડ્યા વિના તે તત્ત્વથી દૂર રહીને ભગવાનને કયારેય યથાર્થ જાણી શકતા નથી.
માટે એ બન્ને કાર્યોમાં રાજસી બુદ્ધિ નિષ્ફળ નિવડે છે. તેમાં તો સાત્ત્વિક બુદ્ધિ જ કામ કરી શકે છે. સાત્ત્વિક બુદ્ધિમાં વિવેકશક્તિ જાગૃત રહે છે. જ્યારે રાજસી બુદ્ધિમાં રાગથી વિવેકબુદ્ધિ ધૂંધળી બની જાય છે. તેથી ધર્માધર્મ કાયાકાર્ય વિગેરેને યથાર્થ જાણી શકતી નથી.
अधर्मं धर्ममिति या मन्यते तमसावृता।
सर्वार्थान्विपरीतांश्च बुद्धि: सा पार्थ तामसी।।३२।।
અર્થ : અને હે પાર્થ ! તમોગુણથી આવરણ પામેલી જે બુદ્ધિથી અધર્મને ધર્મ એમ માને છે. તેમજ સઘળા અર્થોને-શાસ્ત્રમાં રહેલા સદર્થોને પણ વિપરીતજ માને છે. તે બુદ્ધિ તો તામસી અધમ બુદ્ધિ જાણવી ।।૩૨।।
જેની બુદ્ધિ તામસી હોય તેને બધી જ જગ્યાએ તમામ બાબતો ઊલટી જ સૂઝે છે. શ્રીજી મહારાજે વચ. ગ.પ્ર.પ્ર.૨૮માં કહેલી બાબત તામસી બુદ્ધિવાળાની સાથે અદલ રીતે મળી જાય છે. જે ‘જે સત્સંગમાંથી પડવાનો થયો હોય તેને અસદ્વાસના વૃદ્ધિ પામે છે. તેને પ્રથમ તો દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. પોતાના હઈયામાં એમ જાણે છે જે, સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું. એમ સર્વથી અધિક પોતાને માને અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધુંધવાયા કરે…’’ એવું વિપરીત દેખાય છે. જેને તામસી બુદ્ધિ હોય. તેને વ્યવહાર અને પરમાર્થ માર્ગમાં ઊંધું જ સમજાય છે. તેનું ઉદાહરણ વર્તમાન સમયમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેમ કે આજે ગાયો તથા પશુના નાશને ‘માંસનું ઉત્પાદન’ કહેવાય છે. સ્ત્રીઓની ઉચ્છૃંખલતાને ‘नारी मुक्ति’ નામ અપાય છે નૈતિક પતનને ઉન્નતિની સંજ્ઞા દેવામાં આવે છે. પશુતાને સભ્યતા ગણવામાં આવે છે. ધાર્મિકતાને સાંપ્રદાયિકતા અને ધર્મ વિરુદ્ધને ધર્મ નિરપેક્ષતા કે વિશાળ દૃષ્ટિ કહેવામાં આવે છે. આવા બધા વિપરીત અર્થો છે. બીજાને તુચ્છ સમજી પોતાને મોટો માનવો. જેટલા સંત મહાત્મા થઈ ગયા છે. તેઓની માન્યતાઓ કરતાં પોતાની માન્યતાને શ્રેષ્ઠ માનવી, ન કરવા યોગ્ય કાર્યને જ પોતાનું કર્તવ્ય સમજવું, અપવિત્ર વસ્તુઓને પણ પવિત્ર માનવી, આ બધા ઊલટા અર્થો ગણાય અને આવા બીજા પણ અનેક હોઈ શકે. જે શાસ્ત્રથી તદ્દન ઊંધી દિશામાં જનારા હોય છે.
અધર્મને ધર્મ ને ધર્મને અધર્મ માનવો. જેમ કે ભગવાનનું અને ભગવાનને માનતા હોય તેની નિંદા કરવી. વર્ણ, આશ્રમ અને લોકમર્યાદા વિરુદ્ધ કામ કરવું, માતા-પિતા તથા ગુરુજનો સાથે સારો વર્તાવ ન કરવો. સંત મહાત્મા વગેરેનું અપમાન કરવું તથા શાસ્ત્રનિષિદ્ધ પાપ કર્મોને ધર્મ માનવો-આ બધું અધર્મને ‘ધર્મ’ માન્યો કહેવાય.
માતા-પિતાની, ગુરુની આજ્ઞાનું પાલન કરવું તથા તેની તન, મન, ધનથી સેવા કરવી. સંત મહાત્માઓનો ઉપદેશ હૃદયમાં ધારવો, ધાર્મિક ગ્રંથોનું પઠન-પાઠન કરવું વગેરે શાસ્ત્રવિહિત કાર્યોને ઉચિત ન માનવા તે ધર્મને ‘અધર્મ’ માન્યો ગણાય.
તામસી બુદ્ધિવાળાઓ એવું વિચારતા હોય છે કે, શાસ્ત્રકારો નવરા બેઠા બેઠા કોઈ કામ ન હતું એટલે આ બધું લખી ગયા છે પણ આપણે ક્યાં તે બધુ પાળવા નવરા છીએ?
આવું માનનારી બુદ્ધિ તામસી બુદ્ધિ કહેવાય છે.
धृत्या यया धारयते मन: प्राणेन्द्रियक्रिया:।
योगेनाव्यभिचारिण्या धृति: सा पार्थ सात्त्विकी।।३३।।
અર્થ : બીજા વિષયોમાં વ્યભિચાર નહિ પામનારી એવી જે ધૃતિથી મન, પ્રાણ અને ઈન્દ્રિયોની ક્રિયાઓને ભક્તિયોગની સિદ્ધિ માટે વશ કરાય છે. હે પાર્થ ! તું સાત્ત્વિકી ધૃતિ જાણવી. ।।૩૩।।
પરમાત્માની ઉપાસના કરીને પરમાત્માની સાથે સંબંધ ગાઢ કરવાને અહીં યોગ કહ્યો છે અને તે ઉપાસના કરતાં સાંસારિક લાભ-હાનિ, જય પરાજય, સુખ-દુઃખ, આદર અનાદર, સિદ્ધિ-અસિદ્ધિમાં સમાન રહેવાને યોગ કહેવાય છે.
પરમાત્માને ઈચ્છવાની સાથે સાથે આ લોકમાં સિદ્ધિ-અસિદ્ધિ, વસ્તુ પદાર્થ, સત્કાર, પૂજા વગેરે અને પરલોકના ભોગ સુખને ઈચ્છવા એ ‘વ્યભિચાર’ કહેવાય. એ બધું ન ઈચ્છવું અને કેવળ પરમાત્માની સેવા અને પ્રસન્નતા જ ઈચ્છવા તે ‘અવ્યભિચાર’ છે. આવો ‘અવ્યભિચાર’ જે ધૃતિ રાખવા પાછળનો હોય તે ધૃતિ ‘અવ્યભિચારિણી’ કહેવાય.
પોતાની વિશુદ્ધ માન્યતા, સિદ્ધાંત, લક્ષ્ય, ઉદ્દેશ્ય, ભાવ, ક્રિયા, વૃત્તિ, વિચાર વગેરેને પરમાત્માની તરફેણમાં દૃઢપણે અટલ રાખવાની શક્તિને ‘ધૃતિ’ કહેવાય છે. યોગ અર્થાત્પરમાત્માની ઉપાસનામાં કે પરમાત્માની અખંડ સેવામાં આ અવ્યભિચારીણી ધૃતિ દ્વારા મનુષ્ય મન, પ્રાણ અને ઈન્દ્રિયોની ક્રિયાને ધારી રાખે અર્થાત્તેમાં અખંડ પ્રવૃત્ત કરી રાખે તો તે ધારણ કર્યા ગણાય. મનમાં રાગદ્વેષને લીધે થવાવાળા ચિંતનથી રહિત થઈને મનને પરમાત્માના માર્ગમાં જ્યાં લગાડવાને ઈચ્છે ત્યાં લાગી રહે અને જે જે સાંસારિક ભાગોમાંથી હઠાવવા ઈચ્છે ત્યાંથી હઠી જાય વગેરે મનની ક્રિયાઓને ધૃતિના દ્વારા ધારણ કરી એમ કહેવાય; પરંતુ ભગવાનના સાધનાના માર્ગે ચલાવવાની ચેતનની ઈચ્છા હોય પણ તે અહીં-તહી ભાગીને વિષય ચિંતનમાં ચાલ્યું જાય તો ધૃતિ દ્વારા મન ધારણ કરાયું ન ગણાય.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ-આ વિષયોને લીધે ઈન્દ્રિયોનું ઉત્છૃંખલ ન થવું, જે વિષયમાં જે રીતે પ્રવૃત્ત થવું ઘટે કે નિવૃત્ત થવું ઘટે ત્યાં તે પ્રમાણે પ્રવૃત્ત કે નિવૃત્ત થાય પણ વધુ ઓછું ન થાય ત્યારે ધૃતિ દ્વારા ઈન્દ્રિયો ધારણ કરાયા ગણાય.
જે ધૃતિથી મન, ઈન્દ્રિયો, પ્રાણ પર આધિપત્ય કેળવાય તે ધૃત્તિ સાત્ત્વિકી ધૃત્તિ કહેવાય છે.
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन।
प्रसङ्गेन फलाकाङ्क्षी धृति: सा पार्थ राजसी।।३४।।
અર્થ : હે અર્જુન ! જે ધૃતિથી તો ફળની આકાંક્ષાવાળો પુરુષ ધર્મ, અર્થ અને કામ, તેને અતિ આસક્તિપૂર્વક ધારે છે-મુકી શક્તો નથી, હે પાર્થ ! તે રાજસી ધૃતિ જાણવી. ।।૩૪।।
રાજસી ધારણશક્તિથી મનુષ્ય પોતાની કામનાપૂર્તિને માટે ધર્મનું અનુષ્ઠાન કરે છે. કામ અર્થાત ભોગ ભોગવે છે ને અર્થ અર્થાત્ધનનો સંગ્રહ કરે છે.
અમાવસ્યા, પૂર્ણિમા વગેરે અવસરો પર તીર્થમાં દાન કરવું, તીર્થયાત્રા કરવી, ધાર્મિક સંસ્થાઓમાં દાન કરી દેવું, ભાગવત્કથા કીર્તન કરાવી લેવાં આ બધાં કેવળ કામના પૂર્તિ માટે કે કીર્તિ, વાહ વાહ માટે કરવા એને અહીં ધર્મને ધારણ કરવો કહ્યો છે.
ભોગપદાર્થો તો પ્રાપ્ત થવા જોઈએ. સંસારમાં દરેકને તેની જરૂર છે એવી ધારણાથી ભોગપદાર્થોની કામના પૂર્તિમાં જ લાગ્યા રહેવું તેને ‘કામ’ને ધારણ કર્યો કહેવાય. સંસારમાં અત્યંત રાગવાળા હોવાને કારણે રાજસ પુરુષો શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જે કાંઈ શુભ કર્મ કરે છે તેની પાછળ તેની એવી જ કામના રહે છે કે, આ કર્મનું ફળ મને આ લોકના સુખ, આરામ, માન, સત્કાર અને પરલોકમાં ભોગ મળે એવા ફળની ઈચ્છાવાળા મનુષ્યની ધારણા શક્તિ રાજસી કહેવાય છે.
यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च।
न विमुञ्चति दुर्मेधा धृति: सा पार्थ तामसी।।३५।।
અર્થ : કુબુદ્ધિવાળો મનુષ્ય જે ધૃતિથી સ્વપ્ન-નિદ્રા, ભય, શોક, વિષાદ-ખેદ અને મદ-ગર્વ, આ સર્વને છોડી શકતો નથી, હે પાર્થ ! તે તામસી ધૃતિ જાણવી. ।।૩૫।।
સાત્ત્વિકી ધૃતિ, મોક્ષ સાધના અને તેના સાધનોને ધારણ કરનારી છે. રાજસી ધૃતિ ભોગ, ધન અને માન મોટાઈ, સતા કે સ્વાર્થ સાધવાનાં સાધનોને ધારી રહે છે. જ્યારે તામસ ધૃતિ-દુર્ગુણોને, અધોગતિ લઈ જનારા ઉપાયોને ધારી રહે છે. અર્થાત્તેને મૂકી શકતી નથી. ખરેખર તો ધૃતિમાં કંઈક ધારવાનો પ્રયત્ન હોય છે. અર્થાત્તે સાધનો વહન કરવામાં કે નિભાવવામાં તેને કોઈક સહન શક્તિ કેળવવી પડે છે. જ્યારે અહીં તામસ ધૃતિમાં તો કોઈ ધારણા જેવું દેખાતું નથી. ઊલટું બતાવ્યું કે ‘न विमुञ्चति दुर्मेधा’ મુકતિ નથી. તેનું તાત્પર્ય એ થશે કે, જેમ ઉપાસના-સાધનાને નિભાવવામાં ચેતનને કષ્ટ સહન કરવું પડે છે. તેમ શ્લોકમાં બતાવેલા દુર્ગુણોને નિભાવવા માટે પણ ધારકને સહન તો જરૂર કરવું જ પડે છે પણ દુર્ગુણો હોવાથી તે સહન શક્તિની શાસ્ત્ર કે સમાજ કોઈ નોંધ લેતું નથી. શક્તિ છે પણ તામસ છે.
તામસી ધારણાશક્તિ દ્વારા મનુષ્ય વધારે નિદ્રા, બહાર અંદરનો ભય, ચિંતા, દુઃખ, ધમંડ, એમનો ત્યાગ નથી કરતો. અર્થાત્કે તેનો પોતાના ભોગે નિભાવ કર્યે જાય છે. કયારેક નિદ્રામાં પડયો રહે છે. કયારેક મૃત્યુ, બીમારી, અપયશ, ધન વગેરેના ભયથી ભયભીત થતો રહે છે. કયારેક શોક ચિંતામાં ડૂબેલો રહે છે, કયારેક દુઃખમાં નિમગ્ન રહે છે અને કયારેક અનુકૂળ પદાર્થોના મળવાથી ધમંડમાં ચકચૂર રહે છે.
નિદ્રા, ભય, શોક વગેરે સિવાય પ્રમાદ, અભિમાન, દંભ, દ્વેષ, ઈર્ષા વગેરે દુર્ગુણોને તથા હિંસા, બીજા ઉપર અપકાર કરવો, તેઓને કષ્ટ આપવું, તેઓના ધનને કોઈ રીતે અપહરણ કરવું, કોઈની સત્તા કોઈ રીતે પડાવી લેવી વગેરે દુરાચારોને ‘एवच’ પદથી ગ્રહણ કરવાં જોઈએ.
આવી રીતે દુર્ગુણોથી પોતે આ લોક તથા પરલોકમાં ગમે તેટલો હેરાન થાય તો પણ નહિ છોડનારી ધૃતિ તામસી ધૃતિ કહેવાય છે.
ભગવાને ૩૩-૩૪માં શ્લોકમાં ‘धारयते’ પદથી સાત્ત્વિક અને રાજસી મનુષ્ય દ્વારા ક્રમશઃ સાત્ત્વિકી અને રાજસી ધૃતિને ધારણ કરવાની વાત કહી છે; પરંતુ તામસ મનુષ્ય દ્વારા તામસી ધૃતિને ધારણ કરવાની વાત કહી નથી. કારણ કે તેવા મનુષ્યો પ્રયત્નાત્મક-મૂલ્ય ચૂકવતા હોવા છતાં કેવળ દોષવૃત્તિને જ નિભાવતા હોવાથી તેમાં ધારણા જેવું ભગવાનને લાગતું નથી. કારણ કે તેવા પ્રયત્નમાં તો કેવળ નરી અજ્ઞતા, મૂઢતા કે દુષ્ટતા જ ભરેલી હોય છે.
વળી સાત્ત્વિકી, રાજસી, તામસી આ ત્રણેય ધૃતિઓના વર્ણનમાં રાજસી અને તામસી ધૃતિમાં તો ક્રમશઃ ‘फलाकाङ्क्षी’ અને दुर्मेधा: પદથી કર્તાનો ઉલ્લેખ કર્યો છે; પરંતુ સાત્ત્વિકી ધૃતિમાં કર્તાનો ઉલ્લેખ કર્યો જ નથી. આનું કારણ એ છે કે, સાત્ત્વિકી ધૃતિમાં કર્તા નિર્લિપ્ત રહે છે. માટે તે કર્તા હોવા છતાં તે કર્તા રહેતો નથી. જ્યારે રાજસી તામસી કર્તામાં તેવું બની શકતું નથી.
માનવ શરીર વિવેકપ્રધાન છે. મનુષ્ય જે કાંઈ કરે છે તેને તે વિચારપૂર્વક જ કરે છે. સમગ્ર સૃષ્ટિમાં ભગવાનની મનુષ્ય પ્રત્યે તે મોટામાં મોટી દેન છે. તે જેટલો જેટલો વિચારપૂર્વક કામ કરતો જાય છે, તેટલો તેટલો જ વિવેક વધારે સ્પષ્ટ પ્રગટ થતો જાય છે. સાત્ત્વિક મનુષ્યની ધૃત્તિ(ધારણા શક્તિ)માં આ વિવેક સાફ સાફ પ્રગટ થાય છે કે મારે કેવળ પરમાત્મા તરફ જ ચાલવાનું છે. રાજસ મનુષ્યની ધૃતિમાં સંસારના પદાર્થ અને ભોગોમાં રાગની પ્રધાનતાને લઈને વિવેક જોઈએ તેવો સ્પષ્ટ નથી રહી શકતો. છતાં પણ આ લોકમાં સુખ-આરામ, માન આદર મળે અને પરલોકમાં સારી ગતિ મળે-આ વિષયમાં વિવેક કામ કરે છે અને આચરણ પણ મર્યાદમાં રહે છે. જ્યારે તામસ મનુષ્યની ધૃતિમાં વિવેક બિલકુલ દબાઈ જાય છે. તેથી દુર્ગુણ ભાવો તેવા ઉપર દૃઢ થઈને સવાર રહે છે.
પારમાર્થિક માર્ગમાં ક્રિયા એટલું કામ નથી કરતી. અર્થાત્તેટલો અર્થ નથી સારતી જેટલું સાધકનો ઉદ્દેશ્ય કામ કરે છે. સ્થૂળ ક્રિયાની પ્રધાનતા સ્થૂળ શરીરમાં, ચિંતનની પ્રધાનતા સૂક્ષ્મ શરીરમાં અને સ્થિરતાની(દૃઢતાની) પ્રધાનતા કારણ શરીરમાં થાય છે. આ બધી ક્રિયાઓ જ છે. ક્રિયાઓ બધી કોઈ ને કોઈ શરીરમાં થાય છે; પરંતુ ‘મારે તો કેવળ પારમાર્થિક માર્ગ પર જ ચાલવું છે. અર્થાત્મારે તો કેવળ શ્રીજી મહારાજ પાસે અક્ષરધામમાં જાવું છે ને મહારાજની સેવામાં અખંડ રહેવું છે. એવો જે ઉદ્દેશ્ય કે લક્ષ્ય સ્વયં ચૈતન્ય સ્વરૂપમાં જ રહે છે અને ચેતન છે તે ક્ષેત્રજ્ઞ છે. તેની સતા ત્રણે શરીરમાં ચાલે છે. તેમાં જે પ્રમાણિત થાય છે તે કારણ શરીર કરતાં પણ વધારે દૃઢતાવાળું બને છે. માટે જ્યારે સાધકના હૃદયમાં પાકો ઉદ્દેશ્ય દૃઢ થઈ જાય છે, ત્યારે ત્રણે દેહથી ક્રિયાઓ આપ મેળે તેને અનુસારે થઈ રહેશે અને જે ચૈતન્યમાં રહેશે તે વસ્તુ કયારેય બદલાતી નથી. માટે સાધકને તેની વધારે જરૂર પડે છે. એવી લક્ષ્યની દૃઢતા કરવા માટે સાત્ત્વિકી બુદ્ધિ અને સાત્ત્વિકી ધૃતિની આવશ્યકતા છે. નિર્ણય વિવેક સહિતની બુદ્ધિ કરે છે અને તેને સ્થિર ધારણ વિવેકવાળી ધૃતિ કરે છે. તેથી અહીં છેલ્લા છ શ્લોકોમાં ભગવાને તેનું વિવેચન કર્યું છે.
सुखं त्विदानीं त्रिविधं श्रृणु मे भरतर्षभ।
अभ्यासाद्रमते यत्र दु:खान्तं च निगच्छति।।३६।।
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम्।
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धि प्रसादजम्।।३७।।
અર્થ : વળી-જે અભ્યાસ વખતે વિષ સમાન લાગે છે અને પરિણામે અમૃતને તુલ્ય નીવડે છે. આવું પોતાની આત્મનિશ્ચયક બુદ્ધિની પ્રસન્નતાથી થયેલું સુખ તે સાત્ત્વિક સુખ કહેલું છે. ।।૩૬-૩૭।।
भरतर्षभ-આ સંબોધનને આપવામાં ભાવ એ છે કે, ભારત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! તમે રાજસ, તામસ સુખોમાં લુબ્ધ, મોહિત થવાવાળા ન બનો. કેમ કે તમારે માટે રાજસ અને તામસ સુખો પર વિજય પ્રાપ્ત કરવો એ કોઈ મોટી વાત નથી. તમે તો રાજસ સુખ પર વિજય કરી લીધો છે. કેમ કે સ્વર્ગની ઉર્વશી જેવી સુંદરી અપસરાને પણ તમે ઠુકરાવી દીધી છે. આજ રીતે તમે તામસ સુખ પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે. કેમ કે પ્રાણીમાત્રને માટે આવશ્યક જે નિદ્રાનું તામસ સુખ છે તેને તેમ જીતી લીધું છે, એથી જ તમારું નામ ‘ગુડાકેશ’ પડયું છે.
सुखं तु इदानीम्-જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ અને ધૃતિના ત્રણ ત્રણ ભેદ બતાવ્યા પછી અહીં ‘તું’ પદનો પ્રયોગ કરીને ભગવાન કહે છે કે, સુખ પણ ત્રણ પ્રકારનું છે. એમાં એક વિશેષ ધ્યાન દેવાની વાત એ છે કે, આજે પારમાર્થિક માર્ગ પર ચાલવાવાળા સાધકો છે તે સાધકોની ઊંચી સ્થિતિ ન થવામાં જો કોઈ વિઘ્ન-બાધા-હોય તો તે છે-સુખની ઈચ્છા.
સાત્ત્વિક સુખ પણ આસક્તિને કારણે બંધનરૂપ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જો સાધનજન્ય-ધ્યાન અને એકાગ્રતાનું સુખ પણ સાધક ભોગવવા માંડે તો તે બંધનકારક બની જાય છે. એટલું જ નહિ, જો સમાધિનું સુખ પણ ભોગવવા લાગી જાય તો તે પરમાત્માની પ્રાપ્તિમાં બાધક થઈ રહે છે. ‘सुखसङ्गेन बध्नाति’(૧૪/૬) તાત્પર્ય એ છે કે પારમાર્થિક જે સાધનો છે તે પણ અતિશય શાંતિ, સુખ દેનારા હોય છે પણ જો પરમાત્માની મૂર્તિ ગૌણ થઈ જાય અને અંતરમાં તેમનું મહત્ત્વ વધી રહે તો તે સાધનો પરમાત્માની મૂર્તિના સુખમાં અંતરાય બની રહે છે. સાધના ઊંચી કરતા હોવા છતાં સાધનાથી નિર્લિપ્ત રહી શકાય તો જ મહારાજની મૂર્તિના સુખનો આનંદ લઈ શકાય છે.
त्रिविधं श्रृणु मे-લોકો રાત્રિ દિવસ ‘સુખ’ની પાછળ દોડધામ કરે છે; પરંતુ તે સુખને ઓળખતા જ નથી. તેઓ કેવળ મોહથી દોડે છે. ‘સુખ’ને ઓળખીને સુખ પાછળ દોડતા નથી. તેઓ સગવડતા પાછળ-પૈસા પાછળ કે સત્તા પાછળ દોડતા હોય છે; પરંતુ સગવડતા, પૈસા અને સત્તાથી સુખ વસ્તુ અલગ છે. કારણ કે ઘણી વખત સગવડતા હોવા છતાં માણસ દુઃખી હોય છે અને ઘણી વખત તે ત્રણેના અભાવમાં પણ નરસિંહ મહેતા જેવી વિરલ વ્યક્તિ સુખી હોઈ શકે છે. માટે તાત્પર્ય એ છે કે, આ બધી વસ્તુ કરતાં સુખ વસ્તુ અલગ છે. એ ઓળખવું જરૂરી છે. પછી એ પણ જાણવું જરૂરી છે કે એ વસ્તુઓને સુખની સાથે શું સંબંધ છે અથવા કેટલો સંબંધ છે? વળી સુખને વાસ્તવિક કોની સાથે સંબંધ છે? તે જાણવું પણ જરૂરી છે. જો તમારે ખરેખર જ સુખને મેળવવું હોય તો ! માટે ભગવાન અહીં સાધકોનું એ ધ્યાન ખેંચવા માગે છે કે, પ્રથમ તો દુન્યવી સુખો જે રાજસ, તામસ છે તે ઘણાં સ્થૂળ છે. તેને ઓળખવાની જરૂર છે. પછી સાત્ત્વિક અને પછી પરમાત્મા સંબંધી સુખની ઓળખાણ થાય છે. શ્રીજી મહારાજ પંચાળા-૧ વચનામૃતમાં બતાવે છે કે, આ બધા સુખને જાણતાં જાણતાં જો તેનું ધ્યાન પરમાત્માના સુખમાં લાગી જાય અર્થાત્પરમાત્માનું સુખ ઓળખાઈ જાય તો આ લોકના સુખનો ત્યાગ કરતાં વાર ન લાગે માટે પ્રથમ ત્રિવિધ સુખની ઓળખાણ કરાવે છે.
‘अभ्यासाद्रमते यत्र दु:खान्तं च निगच्छति’
તેમાં પ્રથમ સાત્ત્વિક સુખની ઓળખાણ દોઢ શ્લોકથી કરાવે છે. સાત્ત્વિક સુખમાં અભ્યાસથી રમણ થાય છે. રાજસ, તામસ સુખમાં અભ્યાસ નથી કરવો પડતો. તેમાં તો પ્રાણી માત્રનું આપોઆપ રમણ હોય છે. સાત્ત્વિક સુખમાં આપાત્રમણીયતાનો અભાવ હોય છે. તેથી સહજ પ્રવૃત્તિ તેમાં રહેતી નથી. માટે તેમાં અભ્યાસની અપેક્ષા રહે છે. જ્યારે સાત્ત્વિક સુખ પણ આપાત્રમણીય નથી તો પરમાત્માનું સુખ તો અત્યંત આપાત્રમણીય નથી. તેથી તેનો સ્વાદ અતિશય અભ્યાસ કર્યા સિવાય આવતો જ નથી એટલે તો ‘आनन्दमयो अभ्यासात्’(ब्र.सू.) કહેવામાં આવ્યું છે. પરમાત્મા આનંદથી ભરપૂર છે. એટલું જ નહિ, આનંદઘન છે પણ તે અનુભૂતિ કોને થાય? તો જે કોઈ અભ્યાસ કરે તેને થાય છે.
રાજસ, તામસ સુખમાં ઈન્દ્રિયોનું વિષયોની તરફ, મન, બુદ્ધિનું ભોગસંગ્રહની તરફ તથા થાક લાગે ત્યારે નિદ્રા વગેરેની તરફ આપોઆપ આકર્ષણ થાય છે. વિષયજન્ય, અભિમાનજન્ય, પ્રશંસાજન્ય અને નિદ્રાજન્ય સુખો બધા જ પ્રાણીઓને આપોઆપ સારાં લાગે છે. તેમાં તેને કોઈ અભ્યાસ કરે ત્યારે જ સ્વાદ આવે એવું નથી. કૂતરા વગેરે નીચ પ્રાણીઓ છે તેમનો પણ આદર કરીએ છીએ તો તે રાજી થાય છે અને અનાદર કરીએ છીએ તો તે નારાજ થઈ જાય છે; દુઃખી થઈ જાય છે. તાત્પર્ય એ થયું કે રાજસ તામસ સુખમાં અભ્યાસની જરૂર નથી. આ સુખો તો અનેક યોનિમાં લેતા આવ્યા છે.
સાત્ત્વિક સુખમાં અભ્યાસની શા માટે જરૂર છે? માટે તો લક્ષણ બતાવ્યું કે यत्तदग्रे विषमिव તે આપાત્રમણીય નથી. પ્રથમ દ્રષ્ટિએ મીઠું નથી લાગતું. માટે શરૂઆતમાં તેને માટે જબરજસ્તી કરવાની જરૂર રહે છે. સાત્ત્વિક સુખમાં અભ્યાસ શું છે? તો તેનું શ્રવણ-મનન કરવું તે અભ્યાસ છે. તે સંબંધી શાસ્ત્રોને સમજવા તે અભ્યાસ છે અને રાજસી, તામસી વૃત્તિઓને હઠાવવી એ પણ અભ્યાસ છે. જે રાજસ, તામસ સુખમાં પ્રાણી માત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ થઈ રહી છે તેનાથી ભિન્ન થવા પ્રવૃત્તિ કરવી તેનું નામ ‘અભ્યાસ’ કહેવાય છે. ખરેખર તો ‘पुन: पुन: परिशीलनं अभ्यास:’ પુનઃ પુનઃ પરિશીલન કરવું તેને અભ્યાસ કહેવાય છે, પણ તે તો રાજસ, તામસ સુખમાં પુનઃ પુનઃ રસ લઈને કરે જ છે. તે અભ્યાસ નથી. તેમાં શાસ્ત્રની પ્રેરણા હોય ને રાગનો વિષય ન હોય એવા નવીન વિષયનું પુનઃ પુનઃ પરિશીલન હોવું જરૂરી છે. ત્યારે તેને ‘અભ્યાસ’ એવું નામ આપી શકાય અને ‘સાત્ત્વિક’ સુખમાં અભ્યાસની ખાસ જરૂરત છે. કારણ કે ‘अग्रे विषमिव’ લાગે છે. માટે અભ્યાસથી મીઠું લાગે છે. અહીં એક વસ્તુ બીજી પણ સમજવા જેવી છે. જે છે ‘અભ્યાસ’ અને બીજુ છે ‘રમણ’. સાત્ત્વિક સુખમાં અભ્યાસની જરૂર તો અવશ્ય છે પણ ‘રમણ’ની જરૂર નથી. ‘રમણ’ તો પરમાત્માના સ્વરૂપમાં કરવાની જરૂર છે. જો તેમાં જ રમણ થયું અર્થાત્તેના ભોગમાં સ્વાદ આવી ગયો તો ‘सुखसङ्गेन बध्नाति’(१४/६) સાત્ત્વિક સુખ પણ જો ભોગવવા લાગે તો સાધકને બાંધે છે. માટે ‘રમણ’ યોગ્ય તો એક પરમાત્મા સ્વરૂપ જ છે. પરમાત્માના સ્વરૂપનું સુખ જ છે. તેમાં રમણ કરે તો પછી કોઈ સુખ તેને બાંધી શકતું નથી. તે વસ્તુમાં સ્વાભાવિક રુચિ, પ્રીતિ, પ્રકૃતિ થઈ જવાને અહીં રમણ બતાવ્યું છે.
એ સાત્ત્વિક સુખમાં અભ્યાસથી જેમ જેમ રુચિ, પ્રીતિ, વધતી જાય છે, તેમ તેમ ‘दु:खान्तं च निगच्छति’ દુઃખોનો સર્વથા નાશ થતો જાય છે. પ્રસન્નતા, સુખ, શાંતિ વધતા જાય છે. (૨/૬૫) જેને અત્યારની ભાષામાં ‘એક્વાયર ટેસ્ટ’ કહેવાય છે. એક તો ‘નેચરલ ટેસ્ટ’ હોય છે. દા.ત. સ્વીટનો ટેસ્ટ અને બીજો ‘એક્વાયર ટેસ્ટ’ હોય છે. જેમકે ચા, બીડી, દારૂ અફીણ વિગેરેમાં બંધાણીને જે આવે છે તે ‘એક્વાયર ટેસ્ટ’ છે. જે કેળવાયેલો રસ કે સ્વાદ કહેવાય છે. તેમ સાત્ત્વિક સુખમાં કે પરમાત્માના સુખમાં સહજ કોઈને સ્વાદ હોતો નથી પણ ‘અભ્યાસાત્’ અભ્યાસથી કેળવવો પડે છે. ત્યારે તે ઘણો જ બળવાન બની જાય છે અને જેમ જેમ તે કેળવાય છે તેમ તેમ દુઃખને મૂળ સહિત ઉખેડીને ફેંકી દે છે. ‘दु:खान्तं च निगच्छति’ માં ‘च’ પદનું તાત્પર્ય છે કે સાત્ત્વિક સુખનો ભોગ કરશે તો દુઃખોનો અત્યંત અભાવ થશે નહિ. કારણ કે તે ઉત્પન્ન થયેલું છે. માટે સાત્ત્વિક સુખમાં પણ આસક્તિ નહિ થવી જોઈએ. તેનાથી પર થવાથી ગુણાતીત થવાય છે અને દુઃખનો આત્યંતિક ઉચ્છેદ થાય છે.
आत्मबुद्धिप्रसादजम्-જે બુદ્ધિમાં સાંસારિક માન, બડાઈ, આદર, ધનસંગ્રહ, વિષયજન્યસુખ, વગેરેનું મહત્ત્વ નથી રહેતું. કેવળ આત્મકલ્યાણ વિષયક વિચાર જ રહે છે, ત્યારે બુદ્ધિમાં પ્રસાદ થયો ગણાય.(૨/૬૪) અર્થાત્સ્વચ્છતા થઈ ગણાય અને તેનાથી જે સુખ થાય છે તે आत्मबुद्धिप्रसादजम् સુખ કહેવાય છે.
यतदग्रे विषमिव-परिणामे अमृतोपमम्-यत् तत् કહેવાનો ભાવ એ છે કે સાત્ત્વિક સુખ છે તે તત્પરોક્ષ છે. અર્થાત્તેનો અત્યારે તુરત અનુભવ થતો નથી. તે અભ્યાસ સાપેક્ષ છે. વળી આપાત્રમણીય નથી પણ આપાત્કઠોર છે. શરૂઆતમાં અભ્યાસના અભાવથી તેમાં કઠોરતા પ્રતીત થાય છે. તેમાં કઠોરતા છે નહિ પણ સાધકને શરૂઆતમાં એવું ભાસે છે. માટે विषम् इव એમ કહ્યું છે, વિષરૂપ છે એમ નથી બતાવ્યું. અત્યારે સાત્ત્વિક જે સુખ છે, તેનો કેવળ ઉદ્દેશ્ય બનાવી શકાય છે. પછી અભ્યાસ કરવો પડે છે. ત્યારે તે અનુભૂતિનો વિષય બને છે. માટે પ્રથમ જે કઠિનતા અનુભવ થાય છે તે સાત્ત્વિક સુખની નથી પણ રાજસ, તામસ સુખનો ત્યાગ કરવાની અનુભવાય છે. રાજસ, તામસ આરંભમાં રસપ્રદ હોય છે-‘अगे्रऽमृतोपमम्’ તેમનો ત્યાગ કર્યોને સાત્ત્વિક સુખ તુરત રસનો વિષય બનતું નથી. માટે તે કઠોર-કઠિન પ્રતીત થાય છે.
રાજસ, તામસ સુખ અનેક યોનિમાં ભોગવતા આવ્યા છીએ અને અત્યારે પણ ચાલુ છે, માટે તેમાં મનને તુરત રસ પડી જાય છે. સાત્ત્વિક સુખ અભ્યાસાધીન છે, તે અનુભવ કર્યો નથી. માટે તે ચાખવામાં-અનુભૂતિમાં આવ્યું નથી અથવા નહીવત્આવ્યું છે. માટે જલ્દી તેમાં મન નથી લાગતું. માટે કડવું લાગે છે, વિષ જેવું લાગે છે.
વાસ્તવમાં સાત્ત્વિક સુખ વિષના જેવું નથી પણ રાજસ, તામસ સુખનો ત્યાગ વિષના જેવો કઠિન અનુભવાય છે. જેમ કે રમતગમતમાં આસક્તિવાળા-રખડુ બાળકોને વિદ્યાનો અભ્યાસ કરવો મૂઢતાને કારણે, પ્રથમ ઝેર જેવો લાગે છે. તેને જેલ જેવું લાગે છે. ભણવામાં મન નથી લાગતું. તેની ઉચ્છૃંખંલતા, રમત ગમત છૂટી જાય છે તે કઠિન પડે છે; પરંતુ તે જ બાળક ભણતો રહે ને થોડી પરીક્ષાઓમાં પાસ થઈ જાય અને ભવિષ્યનો ફાયદો સમજાય પછી તેને કઠિન નથી લાગતું. ઊલટો રસ પડવા લાગી જાય છે તેમ જ વિષયમાં આસક્ત મનુષ્યોને ભગવત્ભજન, સાધના, સેવા વગેરેનો અભ્યાસ મહિમાના અભાવમાં કઠિન અને વિષ જેવો લાગે છે પણ અભ્યાસથી મન લાગ્યા પછી રસનો વિષય બની જાય છે. વાત્સવમાં સાત્ત્વિક સુખ આરંભમાં વિષ જેવું તે જ વ્યક્તિઓને લાગે છે જેને રાજસ, તામસ સુખનો રાગ છે; પરંતુ જેને મુમુક્ષુતા છે, વૈરાગ્ય છે, સત્ત્વગુણ પ્રધાન છે. જેમના જ્ઞાન, કર્મ, બુદ્ધિ, ધૃતિ સાત્ત્વિક છે, તેને સાત્ત્વિક સુખ આરંભથી જ આનંદ આપવાવાળું બને છે.
परिणामेऽमृतोपमम्-સાધનોનો અભ્યાસ કરવાથી સાધકમાં સત્ત્વગુણ આવે છે. સત્ત્વ ગુણ આવતાં ઈન્દ્રિયોમાં નિર્મળતા, પ્રફુલ્લિતતા અને અંતઃકરણમાં સ્ફૂર્તિ, જ્ઞાનની સતેજતા, દીપ્તિ, શાંતિ, નિર્વિકારતા વગેરે સદ્ભાવ, સદ્ગુણો પ્રગટ થઈ આવે છે. આ સદ્ગુણોનું પ્રગટ થવું એ જ સાત્ત્વિક સુખનું પરિણામે અમૃતપણું છે. કારણ કે આ ત્રણે ગુણો અંતઃકરણમાં અમૃતરૂપે રહે છે. એમનો પત્તો ગુણ, અવગુણરૂપ વૃત્તિઓ દ્વારા જ લાગે છે. અન્યથા નથી લાગતો. સત્ત્વગુણની શુભવૃત્તિઓ કે સદ્ગુણોનો ઉપભોગ ન કરે અને તેનાથી જો અલિપ્ત રહે, નોખો પડીને તેનો સદ્ઉપયોગ કરે તો તેને અક્ષય સુખની, પરમાત્માના સુખની પ્રાપ્તિ થાય છે. માટે તે પરિણામે અમૃત સમાન છે. સત્સંગ, સ્વાધ્યાય, સંકીર્તન, જપ, ધ્યાન પરમાત્માનું ચિંતન વગેરેથી જે સુખ થાય છે, તે સાત્ત્વિક સુખ છે. તે પરમાત્મામાં જોડાવામાં સહાયરૂપ બની શકે છે.
विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम्।
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम्।।३८।।
અર્થ : વિષય અને ઈન્દ્રિયોના સંયોગથી જે અનુભવ વખતે અમૃતને તુલ્ય મીઠું લાગે છે. પણ પરિણામે વિષની માફક દુઃખદાયી નીવડે છે. તે રાજસ સુખ કહેલું છે. ।।૩૮।।
विषयेन्द्रियसंयोगात्-રાજસ સુખ છે, તે ઈન્દ્રિયો અને વિષયના સંયોગથી ઉત્પન્ન થાય છે. જ્યારે સાત્ત્વિક સુખ અભ્યાસથી ઉત્પન્ન થાય છે. રાજસ સુખમાં અભ્યાસની જરૂર રહેતી નથી. પ્રાણી કોઈ પણ યોનિમાં જાય છે ત્યાં તેને પાંચેય વિષયનું સુખ મળે જ છે. તેથી પ્રાણી માત્રને રાગપ્રાપ્ત અભ્યાસ અતિશય છે એટલું નહિ પણ તેમાં અતિશય પ્રવીણતા છે કે તેમાં કંટ્રોલ રાખવા છતાં લપસી પડાય છે. તે આ જન્મમાં પણ જન્મથી અત્યાર સુધી ભોગવતા જ આવ્યા છીએ.
यत्तदग्रेऽमृतोपमम्-રાજસ સુખને આરંભમાં अमृतोपमम् કહેવા પાછળનો ભાવ એ છે કે સાંસારિક સુખની પ્રાપ્તિની સંભાવના વેળાએ મનમાં જે સુખ થાય છે તેનું વર્ણન જ ન થઈ શકે તેવું હોય છે. તેવું સુખ, મસ્તી અને રાજીપણું તે વિષયો સાક્ષત્મળે ત્યારે નથી રહેતું અને મળતાની સાથે આરંભમાં જેવું સુખ હોય છે, તેવું સુખ થોડા સમય પછી નથી રહેતું. ભોગવતાં ભોગવતાં જ્યારે ભોગવવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે, ભોગવવાની શક્તિ શૂન્ય થઈ જાય છે, ત્યારે સુખ પણ શૂન્ય થઈ જાય છે, સુખ બિલકુલ નથી રહેતું અને ભોગ ભોગવવાની શક્તિ ક્ષીણ થયા પછી પણ જો ભોગ ભોગવવામાં આવે અર્થાત્ભોગનો સંયોગ રહે ત્યારે તે ભોગ તેને બોજારૂપ બને છે. દુઃખનું કારણ બની જાય છે. તેથી કહ્યું કે રાજસ સુખ આરંભમાં અમૃતના જેવું દેખાય છે.
અમૃતના જેવું કહેવામાં બીજો ભાવ એ છે કે, જ્યારે મન વિષયોમાં ખેંચાય છે, ત્યારે મનને એ વિષયો બહુ વહાલા લાગે છે. વિષયો અને ભોગોની વાતો સાંભળવામાં જેટલો રસ આવે છે એટલો ભોગોમાંથી આવતો નથી. એક યુવકને લગ્નની વાતો કરવામાં જે વિષયરસ આવે છે-આનંદ આવે છે તેટલો આનંદ લગ્ન કરી લીધા પછી નથી આવતો. यामिमां पुष्पितां वाचं प्रवदन्ति अविपश्चित:(૨/૪૨) રાજસ પુરુષો સ્વર્ગના ભોગોનું સુખ સાંભળે છે તો તેઓને એ સુખ બહુ પ્રિય લાગે છે. તેમના મોઢામાંથી લાળો પડી જાય છે. અર્થાત્વિષયનું સુખ સાંભળે છે તો તેમને બહુ પ્રિય લાગે છે અને મન પાણી પાણી થઈ જાય છે. તેને માટે લલચાઈ ઊઠે છે. તાત્પર્ય એ થયું કે સ્વર્ગના સુખ અને વિષય સુખ દૂરથી સાંભળીને તો બહુ જ પ્રિય લાગે છે; પરંતુ સ્વર્ગમાં જઈને સુખ ભોગવે કે આ લોકમાં કોઈ પૂર્વે સાંભળેલું વિષય સુખ ભોગવે ત્યારે તેટલું પ્રિય નથી લાગતું અને જે ઉત્સુકતા હતી તેવું સુખ તેમાંથી નથી આવતું. તેથી રાજસ સુખ આરંભમાં અમૃત જેવું લાગે છે ને અંતે વિષરૂપ બની જાય છે.
परिणामे विषमिव-આરંભમાં વિષયો ખૂબ સુંદર લાગે છે. તેઓમાં બહુ જ સુખ માલૂમ પડે છે; પરંતુ તેમને ભોગવતાં ભોગવતાં તે સુખ નીરસતામાં પરિણત થઈ જાય છે અને અંતે તે વિષયો જ ઝેર જેવા થઈ જાય છે. છતાં તેની કરુણા એ હોય છે કે ઝેરરૂપ થઈ જવા છતાં છોડયા છોડી શકાતા નથી અને ભોગવવા જીરવી શકાતા નથી. માણસ સ્ત્રીના સુખમાં, વ્યભિચારના સુખમાં અને ધનના ધક્કામાં કયારેક આવી કફોડી સ્થિતિમાં ફસાઈ જાય છે. કોઈ કહેશે કે બધાને તો એવું નથી થતું ત્યારે આવું સ્ટેટમેન્ટ-અભિપ્રાય કેમ આપી શકાય ! તો તેનું સમાધાન એ છે કે એવો ફસાવાનો બધાને ચાન્સ(તક) નથી હોતો. ભાગ્યનું પાંદડું તેને ત્યાં સુધી પહોંચવા નથી દેતું પણ તૃષ્ણા ઓછી પડે છે, એવું નથી.
સંસારમાં જેટલા પ્રાણીઓ કેદમાં પડયા છે જેટલા ચોરાશીલાખ યોનિઓ અને નરકોમાં પડયા છે તેનું એક માત્ર કારણ વિષયો અને તેનો ભોગ માત્ર જ છે. તેનું સુખ લીધું છે ને હજુ લઈ રહ્યા છે. એનાથી જ તેઓને કેદ અને નરકનું દુઃખ પામ્યા છે. કેમ કે રાજસ સુખનું પરિણામ હંમેશાં દુઃખ હોય છે रजसस्तु फलं दु:खम् (૧૪/૧૬)
આજે પણ જે લોકો ગભરાઈ રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે; તે પદાર્થોના રાગને કારણે જ દુઃખ પામી રહ્યા છે અને જે હજુ વિષયને નિમગ્નતાથી સેવી રહ્યા છે, તે ભવિષ્યમાં કોઈ પ્રકારે દુઃખથી બચાવ કરી શકતા નથી.
જે વ્યક્તિ ધનિક થઈને નિર્ધન થઈ ગયો છે અને તે વ્યક્તિ પછી દુઃખીને સંતપ્ત થાય છે. એટલા દુઃખ અને સંતાપ સ્વાભાવિક રીતે નિર્ધનને નથી હોતા. કેમ કે તેના અંતરમાં ધનના સુખના અધિક સંસ્કાર પડેલા હોતા નથી; પરંતુ ધનિકે રાજસ સુખ અધિક ભોગવ્યું છે તેથી તેને ધનના અભાવનું દુઃખ અતિ ખટકે છે. જેમ કે કોઈ વ્યક્તિ જાત જાતની સામગ્રીનું ભોજન કરવાવાળો છે. તેના ભોજનમાં જરા પણ ખામી રહી ગઈ તો તે ખામી તેને વધારે ખટકે છે. આજે ચટણી નથી ! ખટાઈ નથી ! ટેસ્ટ નથી, મીઠાઈ નથી. તેને પૂર્ણતાથી ભરેલ થાળી હોય તોય નથી નથીનો તાંતણો ખટકયા કરે છે; પરંતુ પ્રથમથી લૂખું ભોજન કરનારને કોઈક ખામી રહી ગઈ તે ઊણપ તેને તેટલી ખટકતી નથી જેટલી પેલાને ચટણી ખટકે છે. જેટલો વિષયરસ પીધો છે, તેટલો જ અભાવનો અનુભવ થાય છે અને અભાવના અનુભવમાં દુઃખ જ થાય છે. જે પદાર્થની કામના થાય છે, તેની પ્રાપ્તિને માટે મનુષ્યો ઉદ્યમ કરે છે. ઉદ્યમ કરવા છતાં પણ વસ્તુ મળશે કે નહિ મળે, તેમાં સંદેહ રહે છે. વસ્તુ ન મળે તો તેના અભાવનું દુઃખ થાય છે અને વસ્તુ મળી જાય તો એથી પણ વધારે મેળવવાની ઈચ્છા થાય છે. આથી ઈચ્છાપૂર્તિ એ નવી ઈચ્છાનું કારણ બની જાય છે. આમ એક ઈચ્છાનું ચક્કર ચાલુ થાય છે અને તેનો કદી અંત નથી આવતો. ‘એક મિલે દસવીશકુ ઈચ્છત-વીશ મિલે…’ તાત્પર્ય એ થયું કે, આમ ઈચ્છાનો કદી અંત નથી આવતો અને ઈચ્છાના સાંનિધ્યમાં અભાવ ખટક્યા જ કરે છે. આ અભાવ જ વિષના જેવી દુઃખદાયી અનુભૂતિ કરાવે છે.
જ્યારે રાજસ સુખ પરિણામમાં વિષ જેવું છે તો પછી રાજસ સુખ લેવાવાળા જેટલા લોકો છે તે બધા એ સુખના અંતે મરી જવા જોઈએ ! પરંતુ તે મરી તો જતા નથી. બધા જ જીવે છે ! વાત સાચી છે, તે બધા મરી જતા નથી. રાજસ સુખ વિષની જેમ મારતું નથી પણ રાજસ સુખ વિષની જેમ અરુચિકારક બની રહે છે. તેમાં પ્રથમ જેવી રુચિ હતી તેવી રુચિ અંતમાં રહેતી નથી. અર્થાત્તે સુખ વિષના જેવું થઈ જાય છે, સાક્ષાત્વિષ નથી થતું.
તો પછી રાજસ સુખને વિષની સાથે સરખાવીને વગોવ્યું શા માટે? જેવું હતું તેવું જ કહેવું હતું ને? તો કહે છે કે જે બતાવ્યું તે બરાબર છે. ઊલટું વિષ કરતાં એક ડગલું આગળ છે; છતાં થોડું ઓછું વગોવ્યું છે. કારણ કે વિષ ખાય તો માણસને એક વખત મરવું પડે છે; પરંતુ વિષ ખાધા પછી વારંવાર જન્મીને મરી જાય, જન્મીને મરી જાય એવું થતું નથી. જ્યારે વિષયથી તો એવું બને છે કે એક વખત નહિ હજારોને લાખો વખત જન્મવું ને મરવું પડે છે, તોય અંત નથી આવતો. માટે વિષ પણ કહે છે કે, વિષયની ઉપમા ભલા થઈને અમારી સાથે ન સરખાવતા. અમે એવા નથી.
રાજસ સુખ લેવાવાળો રાગી વ્યક્તિ શુભ કર્મ કરીને જો સ્વર્ગમાં પણ ચાલ્યો જાય છે તો ત્યાં પણ તેને સુખ, શાંતિ નથી મળતા. સ્વર્ગમાં પણ પોતાનાથી ઊંચી શ્રેણીવાળાને દેખીને ઈર્ષા થાય છે કે, આ અમારાથી ઊંચા કેમ થઈ ગયા? સમાન પદવાળાને દેખીને દુઃખ થાય છે કે, આ અમારા સમાન પદ પર આવીને કેમ બેસી ગયા? અને નીચી શ્રેણીવાળાને દેખીને અભિમાન થાય છે કે અમે આમનાથી ઊંચા છીએ. આ રીતે તેમના મનનું ઈર્ષા, દુઃખ અને અભિમાનનું ચક્ર ચાલુ જ રહે છે. તેથી તેમને સુખ અને શાંતિ કયાંથી પ્રાપ્ત થાય?
સાંસારિક ભોગોનું સુખ આરંભમાં અમૃત જેવું અને પરિણામે વિષ જેવું લાગે છે. તેથી સાંસારિક લોકોને આરંભ અમૃત જેવો લાગે છે અને તેની સદા લાલચ રહ્યા કરે છે; પરંતુ આરંભ હંમેશાં અનિત્ય હોય છે. તે સદા રહેતો નથી. તેની કામના સદા રહે છે તેથી તે સંપૂર્ણ દુઃખોનું કારણ છે. તે સદા દુઃખ દીધા કરે છે. વિવેકી મનુષ્ય આરંભને નહિ જોઈને પરિણામને(અંતને) જુએ છે. તેથી તે ભોગોમાં આસક્ત થતા નથી न तेषु रमते बुध:(૫/૧૨) પરિણામ જોઈ શકવાનો વિવેક એક માત્ર મનુષ્યમાં જ છે. માટે પરિણામનો વિચાર નહિ કરીને કેવળ આરંભને જ દેખવો તે પશુતા છે.
વાસ્તવમાં આરંભ મુખ્ય નથી, અંત જ મુખ્ય છે. આરંભ નાશવંત છે; અંત નિત્ય છે. મનુષ્ય આરંભકાળને ચાહે છે પણ તે સદા રહેતો નથી. પ્રત્યેક સંયોગનો વિયોગ થાય છે. એવો સૃષ્ટિનો નિયમ છે. અંત નિત્ય છે અનિત્યની ઈચ્છાઓ રહેવાથી જ દુઃખ થાય છે. સંસાર માત્રનો વિયોગ નિત્ય છે; પરંતુ બુદ્ધિમાં રાજસવૃત્તિને કારણે સંયોગ મધુરો લાગે છે. જો સાધક આરંભ સુખને મહત્ત્વ ન આપે તો દુઃખ કયારેય આવતું નથી. આરંભ સુખ અથવા સંયોગ સુખ ઉપર દૃષ્ટિ રહેવાથી ભોગની કામના થાય છે અને પરિણામ તરફ દૃષ્ટિ રાખવાથી યોગની ઈચ્છા થાય છે.
तत्सुखं राजसं स्मृतम्-સાત્ત્વિક સુખને માટે ‘प्रोक्तम्’ શબ્દ કહ્યો છે; પરંતુ રાજસ સુખ માટે અહીં स्मृतम् પદ કહેવાનું તાત્પર્ય એ છે કે, પહેલાં પણ મનુષ્ય રાજસ સુખનું ફળ દુઃખ ભોગવીને આવ્યો છે; પરંતુ રાગને કારણે તે સંયોગની તરફ ફરી લલચાઈ ઊઠે છે. કારણ કે સંયોગનો પ્રભાવ તેના ઉપર ઊંડો પડેલો છે. તેથી પરિણામના પ્રભાવને દેખે છે તો પણ અંતરમાં સ્વીકાર નથી કરી શકતો. જો તે પરિણામના પ્રભાવનો બુદ્ધિમાં સ્વીકાર કરી લે તો ફરીથી તે રાજસ સુખમાં ફસાશે નહિ. સ્મૃતિ, શાસ્ત્ર, પુરાણ વગેરેમાં એવા ઘણા બધા ઈતિહાસો છે. જેમાં મનુષ્યો રાજસ સુખને કારણે બહુ જ દુઃખ પામવાની વાત આવે છે. આ વાતનું સ્મરણ કરાવવા માટે અહીં स्मृतम પદ આવ્યું છે. જ્યારે સત્ત્વગુણને આ જીવે એટલો સેવ્યો નથી. તેથી નવી વાત છે, માટે ‘प्रोक्तम्’ શબ્દથી બતાવ્યું છે.
જેની વૃત્તિ જેટલી સાત્ત્વિક હોય છે તે તેટલો જ દરેક વિષયના પરિણામની તરફ દેખી શકે છે. હાલના તાત્કાલિક સુખ તરફ તે ધ્યાન નથી આપતો; પરંતુ રાજસી વૃત્તિવાળો પરિણામની તરફ નથી દેખતો. તેની વૃત્તિ તાત્કાલિક સુખ તરફ જ જાય છે. તેથી તે સંસારમાં ફસાયેલો રહે છે. રાજસ પુરુષને સંસારનો સંબંધ વર્તમાનમાં તો સારો લાગે છે પણ પરિણામે તે હાનિકારક નિવડે છે. ये हि संस्पर्शजा भोगा दु:खयोनय एव ते।(૫/૨૨) તેથી સાધકે રાજસ સુખમાં ન ફસાવું જોઈએ.
यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मन:।
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम्।।३९।।
અર્થ : જે સુખ ભોગવતી વખતે અને પરિણામે પણ જીવાત્માને કેવળ મોહનેજ કરનારું થાય છે તેમજ નિદ્રા, આલસ્ય અને પ્રમાદ તેનાથી પ્રાપ્ત થતું સુખ તે તામસ સુખ કહેલું છે. ।।૩૯।।
निद्रालस्यप्रमादोत्थम्-જ્યારે રાગ અતિશય વધી જાય છે, ત્યારે તે તમોગુણનું રૂપ ધારણ કરી લે છે. આને જ મોહ(મૂઢતા) કહે છે. આ મૂઢતાને કારણે મનુષ્યને અધિક સૂવાનું સારું લાગે છે. અધિક સૂવાવાળા વ્યક્તિને ગાઢ નિદ્રા નથી આવતી. ગાઢ નિદ્રા ન આવવાથી મન, ઈન્દ્રિયો, શરીર જોઈએ તેવાં તાજગીવાળાં થતાં નથી. તંદ્રા રહ્યા કરે છે અને સ્વપ્ન પણ વધારે રહે છે. તંદ્રા અને ઊઘંમાં તામસ મનુષ્યનો બહુ જ સમય બરબાદ થાય છે; પરંતુ તામસ મનુષ્યને આનાથી જ સુખ મળે છે.
જ્યારે તમોગુણ અધિક વધી જાય છે ત્યારે મનુષ્યની વૃત્તિઓ ભારે થઈ જાય છે. તેથી આવશ્યક કાર્ય સામે આવે તો પણ ‘પછી કરીશું, અત્યારે તો આરામ કરી લઈએ’ આ રીતે તેને આળસ અવસ્થામાં અતિ રસ અને સુખ આવે છે; પરંતુ નકામા પડયા રહેવાથી તેના ઈન્દ્રિયો, અંતઃકરણ અને શરીરમાં શિથિલતા આવી જાય છે અને મનમાં સંસારનું ફાલતું ચિંતન થતું જ રહે છે. મનમાંથી અશાંતિ, શોક, વિષાદ, ચિંતા અને દુઃખ દૂર ખસતા જ નથી.
આનાથી પણ અધિક તમોગુણ વધી જાય છે. ત્યારે મનુષ્ય પ્રમાદ કરવા લાગી જાય છે પ્રમાદ બે પ્રકારનો છે-અક્રિય પ્રમાદ અને સક્રિય પ્રમાદ. ઘર, પરિવાર, શરીર વગેરેને જરૂરી કામોને પણ ન કરવાં અને નવરા બેસી રહેવું, એ ‘અક્રિયપ્રમાદ’ છે. આળસ અને અક્રિય પ્રમાદ એક જેવા દેખાવા છતાં પણ તેઓમાં થોડું અંતર છે. આળસમાં વૃત્તિઓ ભારે થવાથી સુખ થાય છે અને અક્રિય પ્રમાદમાં કર્તવ્યકર્મો-જવાબદારીને છોડી દેવાથી સુખ થતું હોય છે અને વ્યર્થ ક્રિયાઓ (દેખવું, સાંભળવું, વિચારવું વગેરે) કરવી, બીડી સિગરેટ પીવી, દારૂ, ભાંગ, તમાકુ, ખેલ, તમાશો વગેરે દુર્વ્યસનોમાં લાગી જવું અને જુગાર, ચોરી, જુઠાણું, કપટ, વ્યભિચાર, બેઈમાની કરવી, અભક્ષ્ય ભક્ષણ વગેરેમાં લાગી જવું તે સક્રિય પ્રમાદ છે.
આવી પ્રમાદ ક્રિયામાં તામસી લોકોને ઘણો રસ પડે છે અને સુખ આવે છે; આવા પાપ રૂપી પ્રમાદથી તેઓને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે.
જ્યારે તમોગુણી પ્રમાદવૃત્તિ આવે છે, ત્યારે તે સત્ત્વગુણીનો વિવેક જ્ઞાનને ઢાંકી દે છે, વિવેકવૃત્તિને દબાવી દે છે અને જ્યારે તમોગુણી નિદ્રા-આળસ વૃત્તિ આવે છે, ત્યારે તે સત્ત્વગુણના પ્રકાશને ઢાંકી દે છે. વિવેક જ્ઞાન ઢંકાતા પ્રમાદ થાય છે. જ્યારે પ્રકાશ ઢંકાતા આળસ અને નિદ્રા આવે છે. તામસ પુરુષને નિદ્રા, આળસ અને પ્રમાદ-આ ત્રણેયથી સુખ મળે છે અથવા તો કહો કે તામસ પુરુષ આ ત્રણના માધ્યમથી સુખ મેળવે છે. તેનું અનુષ્ઠાન કરીને સુખી થાય છે. તેથી તામસ સુખને આ ત્રણેથી ઉત્પન્ન થતું બતાવવામાં આવ્યું છે.
નિદ્રા બે પ્રકારની હોય છે-યુક્તનિદ્રા અને અતિનિદ્રા (૧) યુક્તનિદ્રા થી એક વિશ્રામ મળે છે. વિશ્રામથી શરીર, મન, બુદ્ધિ, ચિત્તમાં નિરોગતા, સ્ફૂર્તિ, સ્વચ્છતા અને તાજગી આવે છે. તાજગી આવવાથી સાધના-ભજન કરવામાં તથા સાંસારિક કામ કરવામાં પણ શક્તિ મળે છે અને ઉત્સાહ રહે છે. એટલા માટે યુક્તનિદ્રા દોષિત નથી; પરંતુ બધાને માટે જરૂરી પણ છે. ભગવાને પણ યુક્તનિદ્રાને આવશ્યક બતાવી છે. युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा(ગીતા-અ-૬/૧૭)
માત્ર તાજગી મેળવવામાટે નિદ્રા સાધકને માટે પણ ખૂબ આવશ્યક છે. જે સાધકને રાગપૂર્વક સાંસારિક સંકલ્પો નથી થતા, તેને નિદ્રા બહુ જ જલ્દી આવી જાય છે અને જે વધારે સંકલ્પશીલ હોય છે તેને નિદ્રા જલ્દી નથી આવતી. આનાથી એ સિદ્ધ થયું કે, સંસારનો જે સંબંધ છે, તે નિદ્રાનું સુખ પણ નથી લેવા દેતો. નિદ્રા જરૂરી કેમ છે? કારણ કે નિદ્રામાં જે સ્થિર તત્ત્વ છે, તે સાધકને સાધનામાં પ્રવૃત્ત કરવામાં અને સાંસારિક કાર્ય કરવામાં બળ આપે છે, એટલા માટે નિદ્રા આવશ્યક છે.
જો કે નિદ્રા તામસી છે તો પણ નિદ્રાનું જે બુદ્ધિમાં બેહોશીપણુ લાવવું છે, તે જ માત્ર ત્યાજ્ય છે અને જે વિશ્રામ આપવાપણું છે તે ગ્રાહ્ય છે પણ સામાન્ય આદમી બેહોશી વિના વિશ્રામ પણ ગ્રહણ કરી શકતો નથી. આથી તેમને માટે નિદ્રાનો બેહોશી ભાગ પણ ગ્રાહ્ય છે. હા, જેઓએ સાધના કરી છે અને શરીરભાવથી સંપૂર્ણપણે પર થયા છે. ગુણાતીત અવસ્થાને પામ્યા છે. તેઓને બેહોશી વિના પણ વિશ્રામ મળી જાય છે. કારણ કે જાગ્રત અવસ્થામાં જ સંસારના ચિંતનનો સર્વથા ત્યાગ કરીને પરમાત્મતત્ત્વમાં સર્વથા સ્થિતિ કરવાથી મહાન વિશ્રાંતિ અને સુખ મળે છે. આ વિશ્રાંતિ અને સુખથી પણ અસંગ થવાથી તેને પરમાત્મતત્ત્વની કે મહારાજના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેના સુખની અનુભૂતિ થાય છે.
જેઓ સાધક છે, તેઓને વિશ્રામ માટે નહિ સૂવું જોઈએ. તેઓને એવી ભાવના સેવવાની છે કે પહેલા સેવા કે પ્રવૃત્તિ કરતાં કરતાં ભગવાનનું ચિંતન કરતા હતા હવે પડ્યા પડ્યા એવું ચિંતન કરવાનું છે.
(૨) સમયસર સૂવું અને સમયસર જાગવું એ યુક્તનિદ્રા છે અને અધિક સૂવું એ અતિનિદ્રા છે. અતિનિદ્રાના આદિ-અંતમાં શરીરમાં આળસ ભરેલી રહે છે. શરીરમાં ભારેપણું રહે છે. અધિક નિદ્રાનો સ્વભાવ હોવાથી કાર્ય સમયે પણ નિદ્રા આવતી રહે છે.
ચૌદમાં અધ્યાયના આઠમા શ્લોકમાં ભગવાને પહેલો પ્રમાદને, બીજે નંબરે આળસને અને ત્રીજે નંબરે નિદ્રાને રાખી છે; प्रमादालस्यनिद्राभिस्तन्निबघ्नाति भारत। પરંતુ અહીં પહેલા નિદ્રાને, બીજે નંબરે આળસને અને ત્રીજે નંબરે પ્રમાદને રાખ્યો છે. निद्रालस्यप्रमादोत्थम् આ વ્યતિક્રમનું કારણ એ છે કે, ત્યાં આ ત્રણે દ્વારા મનુષ્યને બાંધવાનો પ્રસંગ છે અને અહીં મનુષ્યનું પતન કરવાનો પ્રસંગ છે. બાંધવા વિષયના પ્રમાદ બધાથી અધિક બંધનકારક છે. આથી તેને સહુથી પહેલો રાખ્યો છે. કારણ કે પ્રમાદ નિષિદ્ધ આચરણમાં પ્રવૃત્ત કરે છે. જેથી અધોગતિ થાય છે. આળસ કેવળ સારી પ્રવૃત્તિને રોકવાવાળી હોવાથી તેને બીજે નંબરે રાખી છે. જ્યારે નિદ્રા આવશ્યક હોવાથી બંધન કારક નથી; પરંતુ નિદ્રામાંથી અતિનિદ્રામાં જવું એ જ બંધન કારક છે અને એ નિદ્રામાં ગયા પછી અતિ નિદ્રામાં જલદી સરકી પડાય છે. દેહમાં આસક્ત પ્રાણીઓને જરૂર એવો ભાવ છે કે થોડીક વાર વધારે પડયા રહીએ. તેથી નિદ્રાને ત્રીજે નંબર રાખી છે. અહીં તેનાથી ઊલટો ક્રમ રાખવાનો અભિપ્રાય છે કે બધાને માટે આવશ્યક ચીજ હોવાથી નિદ્રા એટલું પતન કરવાવાળી નથી. નિદ્રાથી આળસ અધિક પતન કરે છે અને આળસથી પણ પ્રમાદ અધિક પતન કરે છે. કારણ કે મનુષ્ય વધારે નિદ્રા લેશે તો વૃક્ષ વગેરે મૂઢ યોનિઓની પ્રાપ્તિ થશે; પરંતુ આળસ અને પ્રમાદ કરશે તો કર્તવ્યચ્યુત થઈને દુરાચાર કરવાથી નરકમાં જવું પડશે. તમોગુણની જે પ્રમાદવૃત્તિ છે તે તો સારી પ્રવૃત્તિને રોકીને રમતગમત વગેરે ફાલતું ક્રિયાઓમાં લગાવે છે; પરંતુ જ્યારે પ્રમાદની સાથે તે ક્રિયાઓનો રાગ ભળી જાય છે,(કે જે રજોગુણનું સ્વરૂપ છે) ત્યારે તે તે ક્રિયાની કામના પેદા થાય છે અથવા તે સંબંધી સુખની કામના પેદા થાય છે અને તે કામનાથી પછી અનેક પાપો અને અનર્થો પેદા થાય છે. જેમનું પરિણામ બહુ ભયંકર હોય છે.
यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मन: નિદ્રા, આળસ અને પ્રમાદમાંથી મળેલું સુખ આરંભમાં અને પરિણામમાં પોતાને મોહિત કરવાવાળું છે. તામસી મનુષ્યમાં મોહ વિશેષ કરીને રહે છે. तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम्।(१४/८) મોહ, વિવેકનો કટ્ટર શત્રુ છે. તેનાથી તદ્દન વિપરીત સ્વભાવવાળો છે. મોહ વિવેકથી બાધિત થાય છે અને વિવેક મોહથી બાધિત થાય છે. ચેતન કોને પ્રધાનતા આપે છે ! તેના ઉપર નિર્ભર રહે છે. તામસી વૃત્તિ વિવેક જાગૃત થવા દેતી નથી. તેથી તામસ મનુષ્યનો વિવેક મોહને કારણે લુપ્ત થઈ જાય છે. જેનાથી તે આરંભ અથવા અંતને જોવા જ માગતો નથી. તેની દૃષ્ટિમાં કેવળ ભોગ જ છે. તેથી તેને ન તો આરંભમાં વિવેક રહે છે ન તો પરિણામમાં વિવેક રહે છે. અર્થાત્તામસ સુખ વિવેકનું નિકંદન કાઢે છે. તેને સંપૂર્ણપણે દાબી દે છે. પશુપક્ષી, કીટ પતંગ વગેરેમાં પણ વિવેકશાક્તિ જાતિ દોષથી જાગ્રત ન રહેવાથી તેઓ ક્રિયાના આરંભમાં પરિણામનો વિચાર સુદ્ધાં નથી કરી શકતા અને પરિણામ દુઃખ આવે છે ત્યારે પણ આ કયા આરંભનું પરિણામ છે ! તે નથી ઓળખી શકતા. કેવળ દુઃખનો જ શિકાર બનીને દુઃખમાં રિબાય છે. એવી જ રીતે જે સુખને કારણે મનુષ્ય એ વિચારી જ નથી શકતો કે આ નિદ્રા વગેરેથી ઉત્પન્ન થયેલા સુખનું પરિણામ અમારે માટે શું હશે? તેનાથી શું હાનિ-લાભ થશે? તેનાથી શું ગતિ થશે? શું હિત-અહિત થશે? તે સુખને તામસ કહેવામાં આવ્યું છે. तत् तामसमुदाहृतम् પ્રકૃતિ અને પુરુષ-બન્ને અનાદિ છે અને આ બન્ને પૃથક છે. આ રીતે આ બન્નેની પૃથકતાનો હૃદયમાં અનુભવ થવો તે વિવેકજ્ઞાન છે અને પ્રકૃતિ પુરુષની જેમ જ તે જ્ઞાન પણ અનાદિ છે, માટે ‘વિવેક’ અનાદિ છે. આ વિવેક પુરુષમાં જ અર્થાત્ચેતનમાં જ રહે છે પણ પ્રકૃતિ અર્થાત્જડ તત્ત્વોમાં નહિ. જ્યારે સાધક કે ચેતન આ વિવેકનો અનાદાર કરીને અવિવેકને કારણે પ્રકૃતિ સાથે કે તેના તત્ત્વો સાથે સંબંધ જોડી લે છે, ત્યારે તે સંબંધને કારણે ચેતનમાં રાગ પેદા થઈ જાય છે. રાગથી અનેક વિકારો પેદા થાય છે; પરંતુ એ બધા વિકારો પ્રકૃતિમાં જ અર્થાત્જડ તત્ત્વોમાં જ પેદા થાય છે. પુરુષ-ચેતનમાં નહિ. પ્રકૃતિની સાથે તદાત્મકતા થવાથી ચેતન પ્રકૃતિના તે વિકારોને પોતામાં માની લે છે, ત્યારે આ ચેતન ભોગી બની જાય છે. તે વિકારોથી પોતાના ચૈતન્યને અલગ અને પરમાત્માનો સેવક માની લે છે, ત્યારે તે સાધક યોગી બની જાય છે.
જ્યારે રાગ ખૂબ જ સૂક્ષ્મપણે રહે છે, ત્યારે વિવેક પ્રબળપણે રહી શકે છે; પરંતુ જ્યારે રાગ પ્રબળ બની જાય છે, ત્યારે વિવેક દબાઈ જાય છે. નાશ નથી પામતો, વિવેક પૂર્ણપણે જો જાગ્રત થઈ જાય તો રાગનો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે અને તે પુરુષ મુક્ત બની જાય છે.
એ રાગને કારણે મનુષ્યની પ્રકૃતિજન્ય સુખમાં આસક્તિ થઈ જાય છે. એ આસક્તિમાં રહીને જ્યારે કોઈ પૂર્વના પુણ્યને યોગે જ્યારે સાત્ત્વિક સુખ પ્રાપ્ત કરવાને ઈચ્છે છે, ત્યારે રાજસ અને તામસ સુખનો ત્યાગ કરવામાં તેને કઠિનતા માલૂમ પડે છે; यदग्रे विषमिव-પરંતુ જ્યારે રાગ દૂર થઈ જાય છે, ત્યારે તે સુખ અમૃતના જેવું થઈ જાય છે-परिणामेऽमृतोपमम्।
રાગની ઉત્કટતાને કારણે જ રજોગુણી સુખ આરંભમાં અમૃત જેવું દેખાય છે; પરંતુ તે સુખ પરિણામમાં પ્રાણીને માટે ઝેરના જેવું અનિષ્ટકારક અને મહા દુઃખરૂપ થઈ જાય છે. પ્રાકૃતિક સુખમાં આસક્તિ થતાં દુઃખનો કદાપિ અંત આવતો જ નથી. જ્યારે તે રાગ રૂઢ અને મૂઢ થતાં વિકરાળ બને છે, ત્યારે તે તમોગુણનું રૂપ ધારણ કરી લે છે અને મનુષ્યની વૃત્તિઓ ભારે થઈ જાય છે. તેની વિવેકચેતના બહેરી થઈ જાય છે. પછી મનુષ્ય નિદ્રા અને આળસમાં સમય બરબાદ કરી દે છે તથા જરૂરી કર્તવ્યથી વિમુખ થઈને અકર્તવ્યમાં લાગી જાય છે. કારણ કે કર્તવ્યનો તુરત હિસાબ લેવાય છે, તપાસ લેવાય છે. અકર્તવ્યનો હિસાબ માગનાર કોઈ નથી. દા.ત. નોકરીમાં કેટલું કાર્ય કર્યું તે તપાસ માગે છે ! પરંતુ ખોટું કેટલું બોલ્યો કે ચોરી કેટલી કરી તેનો સરવાળો કોઈ માગતું નથી અને એ પણ તુરતમાં તો કોઈ પણ નહિ. તામસ પુરુષને સુખ આદિ અને અંતમાં મોહિત કરનારું છે. અર્થાત્વિવેકને ઢાંકી દેનારું છે.
જ્યારે નિદ્રામાં બુદ્ધિ તમોગુણમાં લીન થઈ જાય છે, ત્યારે બુદ્ધિની સ્થિરતાને કારણે તે સુખ પ્રગટ થઈ જાય છે. કારણ કે તમોગુણના પ્રભાવથી નિદ્રા સમયે બુદ્ધિમાં જાગ્રત અને સ્વપ્નના પદાર્થોની વિસ્મૃતિ થઈ જાય છે. રાજસ, તામસ પદાર્થોનું રાગપૂર્વકનું સ્મરણ જ દુઃખનું અને અંતઃકરણમાં ખેદનું કારણ બને છે. પદાર્થોની વિસ્મૃતિ થવાથી નિદ્રાવસ્થામાં પદાર્થોનો વિયોગ થઈ જાય છે. તે વિયોગને કારણે સ્વાભાવિક સુખનો આભાસ થઈ જાય છે. આને જ નિદ્રાનું સુખ કહેવામાં આવે છે. જે તામસતાથી છવાયેલું હોવાથી, બુદ્ધિની મલિનતાથી તે સ્વાભાવિક સુખ જેવું છે, તેવું અનુભવમાં આવતું નથી. તાત્પર્ય એ છે કે, બુદ્ધિમાં તમોગુણ વ્યાપી ગયો હોવાથી બુદ્ધિમાં સ્વચ્છતા નથી રહેતી અને સ્વચ્છતા ન રહેવાથી તે સુખ સ્પષ્ટ અનુભવમાં નથી આવતું. એટલા માટે નિદ્રાના સુખને તામસ કહેવામાં આવ્યું છે. નિદ્રાને તામસ સુખ કહેવાનો અભિપ્રાય એ છે કે, તેમાં બુદ્ધિ સર્વથા બેહોશ થઈ જાય છે અને જાગ્રત અવસ્થા સર્વથા દબાઈ જાય છે. એથી જ તેને તામસ સુખ કહેવામાં આવ્યું છે.
જો ઈન્દ્રિયો સહિત બુદ્ધિ મોહિત ન થાય તો તે જ અવસ્થાને ‘સમાધિ’ કહેવામાં આવે છે. સમાધિથી પણ વિશ્રામ મળે છે. આવા વિશ્રામથી પણ નિદ્રાથી મળવાવાળી તાજગી તો મળી જ રહે છે; પરંતુ તે તાજગી સુખમાં રમણ કરવા લાગી જાય તો પરમાત્મામાં યથાર્થ સંલગ્ન થઈ શકતો નથી અને ગુણાતીત પુરુષ થઈ શકતો નથી. પ્રકૃતિ ક્રિયાશીલ અને પરિવર્તનશીલ છે અને પરમાત્મતત્ત્વ અપરીવર્તનશીલ, નિર્વિકાર, શાંત અને નિશ્ચલ છે. નિદ્રાવસ્થામાં તે નિશ્ચલ તત્ત્વમાં સ્થિતિ થઈ જાય છે; પરંતુ અંતઃકરણમાં ભોગોની મહત્તાના સંસ્કાર ગાઢ રીતે પડેલા હોવાથી નિદ્રામાંથી જાગતાની સાથે જ અંતઃકરણમાં પડેલો રાગ એને સીધો જ ફરીથી ભોગ અને સંગ્રહમાં ખેંચી જાય છે. પેલા ભોગવેલા નિર્ગુણ જેવા સુખની સ્મૃતિ પણ થવા દેતો નથી. આ રીતે રાગ, ભોગરુચિને કારણે નિદ્રામાં પરમાત્માના સુખથી ઘણો જ નજીક પહોંચી જવા છતાં તે નિશ્ચલ તત્ત્વનો, પરમાનંદતત્ત્વનો રસ લઈ શકતો નથી, લાભ લઈ શકતો નથી. નિદ્રાથી કેવળ થકાવટ દૂર કરી લે છે. જો તે ભોગ, સંગ્રહ અને ઐશ્વર્યોની આસક્તિ-રસનો સર્વથા ત્યાગ કરી દે તો તેની નિદ્રામાં અને નિદ્રામાંથી જાગ્યા પછી પણ પરમાત્માના મહાસુખનો સંબંધ જળવાઈ રહેશે.
આ ત્રણે શ્લોકોનું તાત્પર્ય એ થયું કે સાત્ત્વિક મનુષ્યને સંસારથી વિમુખ થઈને તત્ત્વમાં અથવા તેની પ્રાપ્તિનાં સાધનોમાં બુદ્ધિના તલ્લીન થવાથી સુખ થાય છે. રાજસ મનુષ્યને રાગને કારણે ભોગમાં સુખ થાય છે. તામસ મનુષ્યને પોતાના કર્તવ્યકર્મોની વિસ્મૃતિથી અને નિર્રથક ક્રિયાઓમાં નિમગ્ન થવાથી સુખ થાય છે. આનાથી એ સિદ્ધ થયું કે સુખ નિત્ય તત્ત્વ છે તે અસત્ના સંબંધથી આચ્છાદિત રહે છે. તેથી વિવેકપૂર્વક સંસારથી વિમુખ થતાં સાત્ત્વિક સુખ, ભોગ-સંગ્રહ હાથમાં આવવાથી રાજસ સુખ અને નિદ્રા-આળસ-પ્રમાદમાં સંસારને ભૂલવાથી તામસ સુખ થાય છે; પરંતુ વાસ્તિવિક નિત્ય સુખ તો પ્રકૃતિજન્ય પદાર્થોથી સર્વથા સંબંધ વિચ્છેદ કરીને પરમાત્મામાં જોડાવાથી થાય છે. આ રાજસ, તામસ સુખોમાં જે પ્રીતિ, આક્રર્ષણ અને સુખનો ભોગ છે, તે ભગવાનના સુખમાં અંતરાય કરનારા અને પતન કરવાવાળા છે. તેથી સાધકોએ એ ગુણમય સુખોનો સર્વથા ત્યાગ કરીને પરમાત્માના સ્વરૂપમાં જોડાવું અત્યંત આવશ્યક છે.
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुन:।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभि: स्यात्त्रिभिर्गुणै:।।४०।।
અર્થ : હે અર્જુન ! પૃથ્વી ઉપર મનુષ્યોમાં અથવા તો સ્વર્ગમાં દેવતાઓમાં એવું કોઈ પ્રાણી નથી કે જે આ પ્રકૃતિથી ઉપજેલા ત્રણ ગુણોથી રહિત હોય. ।।૪૦।।
સાત્ત્વિક સુખને આત્મબુદ્ધિ प्रसादजम् બતાવીને તેને ઉત્પન્ન થવાવાળું બતાવ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે સાધકે ગુણજન્ય સુખથી પર થવાનું છે. પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણે ગુણોથી રહિત થઈને તે પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કરવાનું છે.
पृथिव्यां दिवि देवेषु-પદથી ચૌદ લોક સુદ્ધાંને આવરી वा पुन: થી અનંત કોટિ બ્રહ્માંડને આવરી લઈને તેમાં રહેલા મનુષ્ય, દેવતા, અસુરો, રાક્ષસ, નાગ, પશુ, પક્ષી, કીટ, પતંગ, વૃક્ષ વગેરે બધા જ ચર અચર પ્રાણીઓને લેવામાં આવ્યા છે. અર્થાત્ત્રિલોકી અને અનંત કોટિ બ્રહ્માંડ તેમાં રહેવાવાળી કોઈ પણ વસ્તુ એવી નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન આ ત્રણ ગુણોથી રહિત હોય. અર્થાત્તમામ વસ્તુઓ ત્રિગુણાત્મક છે-सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभि: स्यात्त्रिभिर्गुणै:। પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય સઘળે સઘળું ત્રિગુણાત્મક છે અને પરિવર્તનશીલ છે. એમની સાથે સંબંધ જોડવાથી જ બંધન થાય છે અને એમની સાથે સંબંધ વિચ્છેદ કરવાથી જ મુક્ત થવાય છે. પ્રકૃતિ સાથે સંબંધ જોડાતા જ અહંકાર પેદા થઈ જાય છે. જે પરાધીનતાને પેદા કરવાનું મૂળ કારણ છે. વિચિત્ર વાત તો એ છે કે અહંકારમાં સ્વાધીનતા માલૂમ પડે છે પણ તેના જેવું પરાધીનતાનું મૂળ કારણ કોઈ નથી-यस्य नाहंकृतो भावो… જો તેનાથી વિચ્છેદ થઈ જાય તો તે તુરત મુક્ત થઈ જાય છે.
પ્રકૃતિના ગુણોમાં રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરીને સત્ત્વગુણ વધારવાની આવશ્યકતા છે. સત્ત્વગુણમાં ચાર વસ્તુઓ રહેલી છે. પ્રસન્નતા, વિવેક, જ્ઞાન અને સુખ. તેમાં પ્રસન્નતા અને વિવેક સંપૂર્ણ ગ્રાહ્ય છે અને જ્ઞાન અને સુખ ગ્રાહ્ય છે પણ તેમાં આસક્તિનો ત્યાગ કરવાનો છે. કારણ કે સત્ત્વગુણ પણ જ્ઞાન અને સુખ સંગથી બાંધનારો બની જાય છે. માટે તેની પણ આસક્તિનો ત્યાગ કરવાનો છે. તેનો સદ્ઉપયોગ કરીને તેનાથી પર થવાનું છે અને ત્રિગુણથી પર થવા માટે જ ગીતામાં ત્રણે ગુણનું પ્રકરણ અહીં આપ્યું છે.
સાધકે સાત્ત્વિક જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખ-એમના ઉપર ધ્યાન રાખીને તેની સાધના કરીને એમને અનુરૂપ પોતાનું જીવન બનાવવું જોઈએ; છતાં તેમાં આસક્તિનો ત્યાગ કરીને ત્રિગુણોથી પર થવાનું છે. તેમાં સાવધાની-જાગૃતિ જ સાધન છે. જાગૃતિ રાખીને હૃદયમાં પ્રવર્તતા ગુણો તરફ ધ્યાન રાખવાથી સત્ત્વની વૃદ્ધિ થાય છે અને રજ, તમ દૂર થાય છે. પ્રકૃતિથી સંબંધ વિચ્છેદ કરવામાં સાત્ત્વિકતા ખૂબ જ જરૂરી છે. सत्त्वं यद् ब्रह्मदर्शनम् કારણ કે સત્ત્વમાં વિવેક સદા જાગ્રત રહે છે અને જે પ્રકૃતિથી મુક્ત થવામાં મોટી સહાય કરે છે.