ગી.અ-18, શ્લોક 13 to 18

શ્લોક ૧૩-૧૮

કર્મોના થવામાં સાંખ્યસિદ્ધાન્તનું કથન

पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे।

सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्‌।।१३।।

અર્થ : હે મહાબાહો ! હવે સઘળા કર્મની સિદ્ધિને માટે આ પાંચ કારણો કર્મનો અંત લાવવાની યુક્તિ શીખવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે, તેને મારા થકી તું સમજ ।।૧૩।।

पञ्चैतानि महाबाहो कारणानि-હે મહાબાહો જેમાં સઘળાં કર્મોનો અંત થઈ જાય છે, એવા વૈદિક સિદ્ધાંતમાં સઘળા વિહિત અને નિષિદ્ધ કર્મોના થવામાં પાંચ કારણો બતાવવામાં આવ્યા છે. અહીં સાંખ્ય શબ્દ વૈદિક સિદ્ધાંતપરક છે. અન્યથા देवम्‌ શબ્દ બંધ બેસશે નહિ કારણ કે નિરીશ્વર સાંખ્ય ઈશ્વર સ્વીકાર નહિ કરે .માટે વૈદિક સિદ્ધાંત છે, તે એમ માને છે કે-આ પાંચ કારણોથી કર્મ થાય છે; પરંતુ આત્માને તે કર્મથી નિર્લેપ માનવો.

निबोध मे-જ્યાં જ્યાં આત્મવિષયક વાત આવે કે અધ્યાત્મવિષયક વાત આવે ત્યારે આ અધ્યાયમાં ભગવાને નિબોધ શબ્દ વાપર્યો છે.(૧૮/૧૬-૫૦) જ્યારે બીજી જગ્યાએ ‘श्रुणु’ શબ્દ વાપર્યો છે. કારણ કે અધ્યાત્મ-વસ્તુ, આત્મતત્ત્વ ઊંડાણપૂર્વક જાણે તો જ જીવનમાં આવે છે. અન્યથા વાત સમજાતી નથી ને મતિ ભ્રમી જાય છે ભગવાન અહીં કર્મમાં આત્માની અલિપ્તતાની વાત કરવા માગે છે, માટે ‘निबोध’ શબ્દ વાપર્યો છે. ઊંડાણથી સમજવામાં આવે તો જલદી અનુભવ થઈ જાય છે.

सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्‌-

કર્મ ચાહે શાસ્ત્રવિહિત હોય શાસ્ત્રનિષિદ્ધ હોય, શારીરિક હોય, માનસિક હોય,  વાચિક હોય, સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય-આ તમામ કર્મોની સિદ્ધિ માટે-પાંચ કારણો કહેવામાં આવ્યા છે. જ્યારે પુરુષનું આ કર્મોમાં કર્તૃત્વ રહે છે, ત્યારે કર્મસિદ્ધિ અને કર્મસંગ્રહ બન્ને થાય છે અને જ્યારે પુરુષનું આ કર્મો થવામાં કર્તૃત્વ નથી રહેતું, ત્યારે કર્મસિદ્ધિ તો થાય છે પણ કર્મસંગ્રહ નથી થતો; પરંતુ ક્રિયામાત્ર થાય છે. જેવી રીતે સમગ્ર સંસારમાં પરિવર્તન થયા જ કરે છે. નદીઓ વહે છે, વાયુ વાય છે, વૃક્ષો વધે છે વગેરે ક્રિયાઓ થતી રહે છે; પરંતુ એ ક્રિયાઓથી કર્મસંગ્રહ નથી થતો. એ ક્રિયાઓ પુણ્યપાપજનક નથી થતી અથવા બંધનકારક નથી થતી. તાત્પર્ય એ થયું કે, કર્તૃત્વાભિમાનથી જ કર્મસિદ્ધિ અને કર્મસંગ્રહ થાય છે. કર્તૃત્વાભિમાન દૂર થતાં ક્રિયામાત્રમાં અધિષ્ઠાન, કરણ, ચેષ્ટા અને દૈવ-આ ચાર કારણો જ હોય છે (૧૮/૧૪)

આ સાંખ્યના પ્રભાવવાળા વૈદિક સિદ્ધાંતનું વર્ણન થઈ રહ્યું છે. સાંખ્યસિદ્ધાંતમાં વિવેક, વિચારની પ્રધાનતા હોય છે. તેમાં કર્મને તો બિલકુલ ગણવામાં જ નથી આવતું. તો ભગવાને અહીં ‘सर्वकर्मणां सिद्धये’ એવું કેમ કહ્યું? કારણ કે અર્જુન સામે યુદ્ધનો પ્રસંગ છે. ક્ષત્રિય હોવાને નાતે યુદ્ધ તેમનું કર્તવ્યકર્મ છે. એટલા માટે કર્મયોગથી અથવા સાંખ્યયોગથી એવાં કર્મો કરવાં જોઈએ-જેનાથી કર્મ કરતા હોવા છતાં પણ કર્મોથી નિર્લિપ્ત રહેવાય-આ વાત ભગવાનને કહેવી છે. અર્જુને સાંખ્યનું તત્ત્વ પૂછયું છે એટલે ભગવાને ત્યાંથી શરૂઆત કરી છે.

અર્જુન સ્વરૂપથી કર્મોનો ત્યાગ કરવા ઈચ્છતા હતા. આથી એમને એ સમજાવવાનું હતું કે, કર્મોનું ગ્રહણ અને ત્યાગ-એ બન્નેય કલ્યાણનું સાધન નથી. કલ્યાણનું સાધન તો પરિવર્તનશીલ જગત સાથે આત્માનો સંબંધ વિચ્છેદ કરવો અને અવિનાશી પરમાત્મા સાથે જીવનો અનાદિ સંબંધ છે તે પુનર્જાગૃત કરવો. તે છે તેને માટે કર્મયોગ અને સાંખ્યયોગ બન્ને સાધનો છે; પરંતુ ભગવાનને મતે કર્મયોગ સહેલો અને જગત સાથે સંબંધ તોડી ભગવાન સાથે સંબંધ પણ જોડી આપે છે. જ્યારે સાંખ્યયોગ કઠિન અને કેવળ જગત સંબંધ તોડનાર છે. પરમાત્મા સાથે સંબંધ જોડવામાં એટલો બધો કામયાબ નથી. કર્મયોગમાં ફળનો અને મમત્વનો ત્યાગ મુખ્ય છે અને સાંખ્યયોગમાં અહંતાનો ત્યાગ મુખ્ય છે. જ્યારે ભગવાનનો આશ્રય કરીને સાધના કરતા સાધકને મમતાનો ત્યાગ કરવાથી અહંતાનો ત્યાગ આપોઆપ થઈ જાય છે. કારણ કે અહંતા સાથે પણ મમતા બીજરૂપે પડી જ હોય છે જેમ કે મારી વાત રહે, મારી વાત સાવ ઊડી ન જવી જોઈએ.(પછી ભલે સાવ અર્થહીન અથવા હીન અર્થવાળી હોય પણ મારું રાખવા માટે પણ અર્થહીન વાતને સ્વીકારવી પડે) એવી રીતે હું પણાની સાથે મારાપણું પણ રહેતું હોય છે. તેમ જ મમતાને (મારાપણાને) છોડવાથી અહંતા(હું પણું) છૂટી જાય છે.

આ જીવને પરમાત્મા સાથે સ્વતઃસિદ્ધ આત્મીયતા છે. એ પરમાત્માથી વિમુખ થઈને જીવે અહંતાની સાથે આત્મીયતા(મમતા) બાંધી લીધી છે. જેનાથી પોતાને હું ત્યાગી છું, વિવેકી છું, ભણેલો ગણેલો સમજદાર છું,-એવું વ્યક્તિત્વ(હું પણું) પ્રિય લાગે છે અને તે જલદી છૂટી ન પડે(કોઈના પ્રયત્નથી !) તેનો તેને સતત ભય લાગે છે. આ પ્રમાણે અહંતાની સાથે મમતા બીજરૂપે રહે છે. તેનો ત્યાગ કરવા માટે કર્મયોગમાં ‘મારું કાંઈ નથી, મારે કાંઈ નહિ જોઈએ અને મારે માટે કાંઈ નથી કરવાનું. જે કાંઈ છે તે પરમાત્માનું છે, ભગવાનને માટે મારે જરૂર છે, મારે જે કાંઈ ભગવાન માટે કરવાનું છે. આવી ભાવનાથી ભગવાનના ભક્તના હિતને માટે બધી ક્રિયાઓ કરવી. એવું કરવાથી મમતા છૂટી જશે અને મમતા છૂટતા અહંતા નિરાધાર થઈ જશે અને તે પણ છૂટી જશે.

કર્મયોગમાં સ્થૂળ શરીરથી સ્થૂળ ક્રિયા, સૂક્ષ્મ શરીરથી પરહિતચિંતન (ભક્તહિત ચિંતન) અને કારણ શરીરથી સ્થિરતા(અડગતા, એકાગ્રતા) આ ત્રણેય ભગવાન(સત્સંગ) કે ભગવાનના ભકતના હિતને માટે કરવાના હોય છે. એવી રીતે કર્મ કરતાં કરતાં બીજાના હિતનું ચિંતન થાય છે. એવી રીતે ભગવાનના (સત્સંગના) અને ભગવાનના ભક્તના હિતનું ચિંતન થતાં થતાં આપોઆપ સ્થિરતા પ્રાપ્ત થઈ જાય છે. અડગતા પ્રાપ્ત થાય અને અહંતા ને મમતાનો ત્યાગ થઈ જાય છે જેનો ત્યાગ થવાથી પરમ શાંતિ પ્રાપ્ત થાય છે.

સંસારના(અહં-મમતા) ત્યાગથી શાંતિ થાય છે તે સાધ્ય નથી, પરંતુ સાધન છે. જ્યારે પરમાત્માની પ્રાપ્તિથી જે શાંતિ મળે છે, તે પરમશાંતિ છે. તે સાધ્ય છે. હવે સાધકે સાવધાની એ રાખવાની છે કે, તે એ સાધનજન્ય શાંતિનો ભોગ ન કરે. ત્યાં વિરામ ન પામી જાય. તેનો ભોગ ન કરવાથી તે ભગવાનમાં જોડાઈ જશે અને જો સાધનજન્ય શાંતિને ભોગવવા અટકી જશે તો પોતે ત્યાં જ રોકાઈ જશે. ભગવાન સુધી નહિ પહોંચે અને સાંખ્ય સાધના પદ્ધતિ પ્રમાણે અહંતા થાય ત્યારે મમતા થાય છે, ને અહંતાનો ત્યાગ થાય તો મમતા પણ છૂટી જાય છે.

अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम्‌।

विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम्‌।।१४।।

અર્થ : અધિષ્ઠાન-શરીરરૂપ સ્થાન, કર્તા-જીવાત્મા જુદા જુદા પ્રકારના કરણ-મન અને ઈન્દ્રિયો અનેક પ્રકારની ચેષ્ટા-વ્યાપાર અને એમાં પાંચમું દૈવ-ફળદાતા ભગવાન. ।।૧૪।।

શરીરને અધિષ્ઠાન કહેવામાં આવે છે. જેમાં કર્મ થાય છે. કર્તા ચેતન-જીવાત્માને ગણવામાં આવે છે.

અહીં કર્તા-આત્મા-ચેતનને કહ્યો છે. ‘कर्तृत्वं हि ज्ञानचिकीर्षापूर्वककर्मार्थ प्रयत्नयोगित्वम्‌’ પ્રયત્નવાળાપણું એક જીવાત્મામાં જ ઘટે છે. વળી-‘कर्ता शास्त्रार्थवत्वात्‌’(બ્રહ્મસૂત્ર)માં બતાવ્યા મુજબ જો જીવાત્માને કર્તા ન માનીએ તો શાસ્ત્રો બધા નિષ્ફળ ગણાય. કારણ કે તેઓના ઉપદેશનો કોઈ અર્થ રહેશે નહિ. શાસ્ત્રોમાં ધર્મો અને ઉપદેશ આપ્યો છે, માટે જ જીવાત્મામાં પુરુષાર્થ કર્તૃત્વ ઘટે છે.કર્મસિદ્ધિના એક અંગ તરીકે જીવાત્માને-કર્તા ગણાવ્યો છે તો પછી જીવાત્માનું અકર્તૃત્વ ભાવના કરવાની છે અને તે પણ વાસ્તવિક અંશમાં છે. કારણ કે તે કર્તૃત્વ તેને પરમાત્મામાં આરોપિત કરવાનું છે. જે કાંઈ શુભ કર્તૃત્વ છે તેના કર્તા પરમાત્મા છે તે મારા દ્વારા કરાવે છે. ‘शास्त्रफलं प्रयोक्तार’ પ્રયોકતા તેના ફળનો અધિકારી બને છે. માટે જશના અધિકારી તે છે. જ્યારે અશુભ કર્તૃત્વ છે, તેનો ત્યાગ કરવાનો છે. ત્યારે જ શાસ્ત્રની સાર્થકતા સિદ્ધ થશે. શુભ કર્તૃત્વ પરમાત્માને વિષે ગણીને જીવાત્મા અકર્તા થઈને મુક્ત થઈ શકે છે. કર્મથી અલિપ્ત થઈ શકે છે.

कारणं च पृथग्विधम्‌ ખાસ કરીને કર્મેન્દ્રિયો અને મનને અહીં કારણ તરીકે ગણાવ્યા છે; છતાં કર્મ સિદ્ધિમાં અનુકરણ રીતે જ્ઞાનેન્દ્રિયો તથા અંતઃકરણ પણ સહકારી હોવાથી તે પણ આવી જાય છે.

विविधाश्च पृथक्‌ चेष्टा: ઉપર્યુક્ત કરણોની પોતપોતાની અલગ અલગ ચેષ્ટાઓ હોય છે. ‘प्रयत्नमूला शरीरादिक्रिया हि चेष्टा’ પ્રયત્નપૂર્વકની કોઈ ક્રિયાને ચેષ્ટા કહેવાય છે. જો કે ભાષ્યમાં પ્રાણવૃત્તિને ચેષ્ટા ગણવામાં આવી છે, તે પણ યોગ્ય જ છે. કારણ કે તમામ ઈન્દ્રિય ચેષ્ટાઓ પ્રાણાયત છે. પ્રાણને આધીન હોય છે.

दैवं चैवात्र पञ्चमम्‌-કર્મોની સિદ્ધિમાં પાંચમાં કારણનું નામ દૈવ છે. કર્મોની સિદ્ધિમાં દૈવમ્‌અર્થાત્‌પરમાત્મા અંતર્યામી પાંચમાં છે. અર્થાત્‌પ્રધાન કારણ છે.

ઘણાં અહીં દૈવ શબ્દનો અર્થ दैवं पुराकृतं कर्म-પૂર્વ સંસ્કારોને કહે છે. જે મનુષ્ય જેવું કર્મ કરે છે, તેવા જ સંસ્કારો તેના અંતઃકરણ પર પડે છે. શુભ કર્મના સંસ્કાર શુભ પડે છે અને અશુભ કર્મના અશુભ સંસ્કારો પડે છે. તે જ સંસ્કારો આગળ કર્મ કરવાની સ્ફુરણા પેદા કરે છે. જેનામાં જે કર્મનો સંસ્કાર જેટલો અધિક હોય, તે કર્મમાં તે તેટલી જ સુગમતાથી લાગી શકે છે અને જે કર્મમાં વિશેષ સંસ્કારો નથી તે કરવામાં તેને કંઈક વિશેષ પરિશ્રમ પડી શકે છે. આ જ રીતે મનુષ્ય સાંભળે છે. પુસ્તકો વાંચે છે અને વિચાર પણ કરે છે. તે પણ પોતપોતાના સંસ્કારને અનુસાર જ કરે છે. આવું કેટલાક વ્યાખ્યાતાઓ માને છે. જ્યારે રામનુજાચાર્યજી એ दैवं શબ્દથી પરમાત્માને લે છે. પૂર્વ કર્મ પરમાત્માના સંકલ્પાધીન છે. તેને દૈવ લેવું એના કરતાં સંકલ્પના કર્તા એવા સર્વાધીશ પરમાત્માને ગ્રહણ કરવા એ તેમણે વધારે ઉચિત ગણ્યું છે અને તેમાં શાસ્ત્રો તથા વેદો પણ એવું જ પ્રતિપ્રાદન કરે છે કે ‘न दैवं केशवात्‌ परं’(ના.પુ. ૧૮/૩૩)

આ શ્લોકમાં કર્મની સિદ્ધિમાં પાંચ કારણો બતાવવામાં આવ્યા છે. અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા અને દૈવ. આનું કારણ એ છે કે, આધારના વિના કોઈ પણ કામ કયાં કરવામાં આવશે? એટલા માટે ‘अधिष्ठान’ પદ આવ્યું છે. કર્તાના વિના ક્રિયા કોણ કરશે? માટે ‘कर्ता’ પદ આવ્યું. ક્રિયા કરવાના સાધન(કરણ)થી તો કર્તા ક્રિયા કરશે. એટલા માટે કરણપદ આવ્યું છે. કરવાનાં સાધન હોવા છતાં પણ પ્રયત્નપૂર્વક ચેષ્ટા નહિ કરવામાં આવે તો કર્મ સિદ્ધિ કેવી રીતે થશે? એટલા માટે ‘चेष्टा’ પદ આવ્યું છે અને આ બધું હશે પણ જો પરમાત્માની ઈચ્છા નહિ હોય તો ક્રિયાસિદ્ધિ થશે નહિ, માટે ‘दैवम्‌’ પદ આપ્યું છે. આ રીતે પાંચેયના હોવાથી જ કર્મસિદ્ધિ થઈ શકશે.

शरीरवाङ्‌मनोभिर्यत्कर्म प्रारभते नर:।

न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतव:।।१५।।

અર્થ : માણસ શરીર, વાણી અને મનથી જે કંઈ સારું કે ખોટું કર્મ આરંભે છે. તેમાં આ અધિષ્ઠાદિક પાંચ હેતુઓ-કારણો છે. ।।૧૫।।

शरीरवाङ्‌…. મનુષ્ય શરીર, વાણી અને મનથી જ કર્મનો આરંભ કરે છે. અર્થાત્‌કયાંક શરીરની પ્રધાનતાથી કયાંક વાણીની પ્રધાનતાથી અને કયાંક મનની પ્રધાનતાથી જે કર્મ કરે છે, તે ચાહે ન્યાયી-શાસ્ત્રવિહિત હોય, ચાહે વિપરીત હોય-શાસ્ત્ર વિરુદ્ધ હોય તેમાં આ(પૂર્વશ્લોકમાં બતાવેલા) પાંચ કારણો હોય છે.

શરીર, વાણી અને મન-આ ત્રણે દ્વારા જ સઘળાં કર્મો થાય છે. આમના દ્વારા જ કરવામાં આવેલા કર્મોને કાયિક, વાચિક, માનસિક-કર્મની સંજ્ઞા આપવામાં આવે છે. આ ત્રણેની અશુદ્ધિ આવવાથી જ બંધન થાય છે. એટલા માટે આ ત્રણે (શરીર, વાણી અને મન)ની શુદ્ધિને માટે સત્તરમાં અધ્યાયના ચૌદમાં, પંદરમાં અને સોળમાં શ્લોકમાં ક્રમશઃ કાયિક, વાચિક અને માનસિક-તપનું વર્ણન આવે છે. તાત્પર્ય એ છે કે, શરીર, વાણી અને મનથી કોઈ પણ શાસ્ત્રનિષિદ્ધ કર્મ ન કરવામાં આવે, કેવળ શાસ્ત્રવિહિત કર્મો જ કરવામાં આવે તો તે ‘તપ’ સહેજે જ થઈ જશે. સાતમાં અધ્યાયના સતરમાં શ્લોકમાં अफलाकांङ्क्षिभि: પદ આપીને એ બતાવ્યું છે કે, નિષ્કામભાવથી કરેલું તપ સાત્ત્વિક હોય છે. સાત્ત્વિક તપ બાંધવાવાળું નથી હોતું; પરંતુ મુક્તિ આપવાવાળું હોય છે. જ્યારે રાજસ, તામસ તપ બાંધવાવાળાં હોય છે.

આ શરીર, વાણી અને મન વગેરેને પોતાના સમજીને પોતાને માટે કર્મ કરવાથી જ એમનામાં અશુદ્ધિ આવે છે. એટલા માટે એમને શુદ્ધ કર્યા વિના કેવળ વિચારથી બુદ્ધિના દ્વારા સાંખ્ય સિદ્ધાંતની વાતો તો સમજવામાં આવી શકે છે; પરંતુ ‘કર્મો સાથે મારો કિંચિત્‌માત્ર પણ સંબંધ નથી’ એવો સ્પષ્ટ બોધ નથી થતો. એવી હાલતમાં સાધક શરીર વગેરેને પોતાના ન સમજે અને પોતાને માટે કોઈ કર્મ ન કરે; પરંતુ પરમાત્માને રાજી કરવા અને તેના ભક્તના હિત માટે કર્મ કરે તો તે શરીર વગેરે બહુ જ જલદી શુદ્ધ થઈ જાય છે. આથી ચાહે કર્મયોગની પદ્ધતિથી એમને શુદ્ધ કરીને તેમની સાથેનો સંબંધ વિચ્છેદ કરે અથવા સાંખ્યયોગની પદ્ધતિથી પ્રબળ વિવેક દ્વારા તેમની સાથેનો સંબંધ વિચ્છેદ કરે-બન્નેય સાધનોથી માયિક વાસનાનો ઉચ્છેદ થઈ જાય છે અને પરમાત્માની નજીક થવાય છે.

જે સમષ્ટિ શક્તિથી બ્રહ્માંડ માત્રની ક્રિયાઓ થાય છે, તે જ સમષ્ટિ શક્તિથી પિંડની પણ તમામ ક્રિયાઓ થાય છે. તે સ્વાભાવિકપણે જ થાય છે પણ અંદર પડેલા વિવેકને મહત્ત્વ ન આપવાથી ચૈતન્ય-આત્મા શરીર વગેરેની ક્રિયાઓથી પોતાની જાતને અલગ સમજી શકતો નથી, અલગ પડી શકતો નથી. ત્યારે કર્મસંગ્રહ થાય છે. અર્થાત્‌એ ક્રિયાઓ વ્યક્તિને બાંધવાવાળી થાય છે; પરંતુ જ્યારે કર્તા પોતાને ક્રિયાઓથી અલિપ્ત રહીને કર્તા નથી માનતો ત્યાં કર્મ સંગ્રહ નથી થતો. ત્યાં તો કેવળ ક્રિયાસિદ્ધિ થાય છે. અર્થાત્‌ક્રિયામાત્ર થાય છે. એટલા માટે તે ક્રિયાઓ ફળોત્પાદક અર્થાત્‌બંધન ઊભું કરનારી નથી થતી. જેમકે બાળપણામાંથી યુવાન થવું, શ્વાસનું આવવું જવું, ભોજનનું પાચન થવું વગેરે ક્રિયાઓ કર્તૃત્વાભિમાન વિના સહજ થાય છે. માટે એનો કોઈ કર્મસંગ્રહ અથવા પુણ્ય પાપ નથી થતું. એવી જ રીતે કર્તૃત્વાભિમાનનો ત્યાગ કરવાથી તમામ ક્રિયાઓ બંધનભાવ દૂર કરનારી બને છે.

तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु य:।

पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मति:।।१६।।

અર્થ : તેમાં આમ સ્પષ્ટ હોવા છતાં જે અશિક્ષિત બુદ્ધિવાળો હોવાથી દુર્મતિ માણસ કેવળ એકલા જીવાત્માનેજ કર્તા જુએ છે-માને છે. તો તે ખરું જોતો-જાણતો નથી. ।।૧૬।।

तत्रैवं જેટલા પણ કર્મો થાય છે તે બધાં અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા અને દૈવ-આ પાંચેય કારણોથી જ થાય છે; પરંતુ કેવલ આત્મા-એકલાથી થતા નથી. એવું હોવા છતાં केवलं आत्मानं कर्तारं पश्यति કેવળ પોતાને એકલાને જ કર્તા માને છે. તેના અહંકારનું આધિક્ય છે. અર્થાત્‌કર્તાપણાનો અહંકાર કરે છે, તેની બુદ્ધિ શુદ્ધ નથી. તે દુર્મતિ છે, એમ ભગવાન કહે છે. અર્થાત્‌તેણે વિવેક વિચારને મહત્ત્વ નથી આપ્યું. જડ-ચેતનનો જે વિવેક છે, જે અલગતા છે તેની તરફ તેણે ધ્યાન દીધું જ નથી.

બધાજ કારકોમાં કર્તા મુખ્ય છે કર્તામાં ચેતનની ઝલક આવે છે. તેવી બીજા કારકોમાં નથી હોતી. છતાં પણ ભગવાનનું એવું માનવું છે કે કર્તાપણું પ્રકૃતિમાં જોવું અથવા પરમાત્મામાં જોવું; તો જ તે કર્મબંધનથી મુક્ત થઈ શકે. તે જેટલું દેખાય છે તેટલું સહેલું નથી.

તેમાં પ્રથમ તો શુભ કર્મની વાત જોઈએ. સાધક-ખાવું, પીવું, સૂવુ, જાગવું, આદિક- લૌકિક ક્રિયાઓમાં તો વિચાર દ્વારા પોતાને અકર્તા માનીને સ્વાભાવિક પ્રકૃતિ દ્વારા થાય છે. ‘गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते’ એ ન્યાયથી પોતે સુગમતાથી નિર્લેપ રહે છે; પરંતુ સાધક જપ, ધ્યાન, સમાધિ,સાધના આદિક પરમાર્થિક ક્રિયાઓમાં પોતાને કર્તા અથવા પોતાને માટે માને છે. તેમાં પોતે માનસિક રીતે અલિપ્ત કે અકર્તૃત્વભાવ રાખી શકતો નથી. એ પણ સાધકની ખામી જ છે. માટે શાસ્ત્રવિહિત અને ઉત્તમ ક્રિયાઓમાં ભગવાનનું કર્તૃત્વ સ્વીકારવું જોઈએ. તો જ આપણે પોતાને અકર્તા અને પરમાત્માને કર્તા માન્યા ગણાય. બધી શુભ ક્રિયાઓને જ્યારે આપણો અહં માથે ઉપાડી લે છે ત્યારે ભગવાનને કર્તાહર્તા આપણે કયારે માનવા? અશુભ ક્રિયામાં માનવા? અશુભ ક્રિયાનો ભારતો અમસ્તોયે કોઈ માથે લેવા તૈયાર નથી. કરી હોય છતાં પોતાને તેના કર્તા સ્વીકારવા તૈયાર થતા નથી. તો શું ત્યારે તેને અકર્તૃત્વ સ્વીકારી શકીશું? માટે પોતાનાથી થયેલી શુભ ક્રિયાઓ પારમાર્થિક ક્રિયાઓમાં અહંકાર શૂન્ય થઈને ત્યાં સંપૂર્ણ પરમાત્માનું કર્તૃત્વ અંતરની પ્રામાણિકતાથી માને, ત્યારે પરમાત્માને કર્તા માન્યા ગણાશે અને પોતાને અકર્તા માન્યો ગણાશે. જ્યારે કેટલીક ક્રિયાઓ એવી છે કે, તે સંસારમાં સ્વભાવિક થતી જ રહે છે. શરીરનું મોટું થવું વગેરે તથા દીકરા દીકરીના લગ્ન કરવા, આજીવિકાઓ ગોઠવવી વગેરે આપણે નહીં કરીએ તો બંધ પડી જશે, એવું નથી હોતું. તે તો ઘીના ઠામમાં ઘી પડી જ રહે છે. આપણે ન કરીએ તો તે મેળે ગોઠવી લે છે. અથવા યેનકેન પ્રકારે ગોઠવાઈ જાય છે. તેમાં અતિ પ્રયાસ કરવાની જરૂર નથી. તે કાર્ય પ્રકૃતિનું છે ત્યાં गुणा गुणेषु वर्तन्ते(૩/૨૮) प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वश:(૧૩/૨૯) इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्‌।(૫/૯) એ ઉક્તિ અનુસાર ગુણોનું પ્રકૃતિનું કે ઈન્દ્રિયોનું કર્તૃત્વ માનવું ઠીક પડશે. જ્યારે પોતાનાથી કોઈ અશુભ ક્રિયા અર્થાત્‌નિષિદ્ધ ક્રિયા થાય ત્યાં પોતાના ચૈતન્ય ઉપર લેવું જરૂરી છે. કારણ કે એમ નહીં સ્વીકારે તો પોતાનામાંથી કયારેય દૂર નહિ થાય. ત્યાં શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં બતાવે છે કે, ત્યાં પોતાના જીવનો જ વાંક સમજવો. માટે નબળા કર્મનું કર્તૃત્વ સમજીને સ્વીકારતા શીખે તો તે કર્તૃત્વ દૂર થવાની શકયતા રહે છે અને ત્યારે જ સંપૂર્ણ પરમાત્માને કર્તા સ્વીકારી શકે છે.

ભગવાનને માટે કરાયેલી સાધના, જપ, ધ્યાન, નિષ્ઠા, ઉપાસના વગેરેમાં ભગવાનની જ કૃપાનું પ્રાધાન્ય હોય છે. તેમાં સાધકનું કર્તૃત્વ અલગ કરીને પણ ગૌણપણે સ્વીકારવું જોઈએ. તો તે ક્રિયાઓ સંપૂર્ણપણે પરમાત્માના રાજીપા માટે અને પોતાના આત્મશ્રેય માટે થાય છે; નહિ તો પોતાના અહંને પુષ્ટ કરવામાં કે આ લોકમાં કોઈ હેતુ સારવા બની રહે છે. ક્રિયા, કર્મ, ઉપાસના અને વિવેક-એ ચારેય અલગ અલગ છે. ક્રિયા કોઈની સાથે પણ સંબંધ જોડતી નથી. જ્યારે તે ક્રિયા કર્મ બને છે. અર્થાત્‌ફળ દેનારી બને છે ત્યારે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિની સાથે સંબંધ સ્થાપિત કરે છે. ત્યારે તેને કર્મ કહેવાય છે. ઉપાસના ભગવાનની સાથે સંબંધ જોડે છે. અર્થાત્‌જે કોઈ ક્રિયા પરમાત્મા સાથેના સંબંધની દૃઢતા કરાવે તો તે ક્રિયા ઉપાસનાનું સ્વરૂપ બની રહે છે અને વિવેક એ જડ-ચેતનો સંબંધ વિચ્છેદ કરાવે છે.

જપ, ધ્યાન, સમાધિ, ઉપાસના વગેરે પારમાર્થિક ક્રિયાઓ પણ જો પોતાના દ્વારા થતી માને અર્થાત્‌પોતાનો અહંકાર ભેળવે તો તે પણ સાધકને માટે બાધક બની રહે છે. કારણ કે પારમાર્થિક દૃષ્ટિથી ક્રિયા ગમે તેટલી ઊંચી હોય અથવા નીચી હોય પણ વિવેકનો સાથ ન હોય તો જડતા વધારે છે અને સાધકને પ્રાકૃત બનાવે છે. માટે સાધકને એ ક્રિયાઓનો ત્યાગ તો કરવાનો નથી પણ તેમાં પોતાનું કર્તૃત્વ ન માને, પોતાનો અહંકાર ન ભળવા દે. પરમાત્માનું કર્તૃૃત્વ માને તો તે પરમાત્માનો સંબંધ જોડનારી, જગત સંબંધ તોડનારી, ઉપાસનાનું સ્વરૂપ ધારણ કરનારી બની જાય છે. ક્રિયા ચાહે લૌકિક હોય, ચાહે પારમાર્થિક હોય પણ ક્રિયાનું મહત્ત્વ મનમાં વધવાથી સાધકને જડ બનાવી દે છે અને પ્રાકૃતિમાં ઢસડી જાય છે. શાસ્ત્રવિહિત હોવાને કારણે પારમાર્થિક ક્રિયાઓનું અંતઃકરણમાં જ વિશેષ મહત્ત્વ રહે છે. જેટલું ક્રિયાનું મહત્ત્વ રહે છે તે પણ સાધકમાં જડતા જ વધારે છે અને ચૈતન્યભાવ કે બ્રહ્મભાવને રોકી રાખે છે. પારમાર્થિક ક્રિયાઓનો શુદ્ધ ઉદ્દેશ્ય પરમાત્મા હોવાથી તે કલ્યાણકારક તો થાય છે પણ તેમાં જેટલી જેટલી ક્રિયાની ગૌણતા અને ભગવત્‌સંબંધની મુખ્યતા થતી જાય છે, તેટલો વિશેષ લાભ થતો જાય છે. ક્રિયાઓને મહત્ત્વ આપવાથી વર્ષો સુધી સાધન કરવા છતાં પણ જોઈએ તેવો લાભ નથી થતો. તેથી ક્રિયાનું મહત્ત્વ ગૌણ કરીને ભગવાનમાં પ્રીતિ થવી જોઈએ. ભગવાનમાં પ્રીતિ, સ્વાદ કે રસ ઉત્પન્ન થાય તે જ વાસ્તવમાં ભજન છે, સ્થૂળ ક્રિયા નહિ.

જેની બુદ્ધિ વિવેકરહિત છે અર્થાત્‌જેણે અંતરમાં વિવેકને મહત્ત્વ નથી આપ્યું તે દુમર્તિ છે. પરમાત્મબોધમાં વિવેક કારણ છે, બુદ્ધિ નહિ. બુદ્ધિ વિવેકથી શુદ્ધ થાય છે. સંપૂર્ણ શુદ્ધ થતાં બુદ્ધિ સંપૂર્ણ વિવેકનું જ રૂપ ધારણ કરી લે છે. બુદ્ધિની શુદ્ધિમાં શુભ કર્મ પણ સહાયક થઈ શકે છે પણ બુદ્ધિની શુદ્ધિમાં વિવેક-વિચાર કામ કરે છે તેટલું તો શુભ કર્મો પણ કાર્ય નથી કરી શકતા. વિવેકને મહત્ત્વ ન દેવું, એ જેટલું દોષરૂપ છે એટલા મલ-વિક્ષેપ-આવરણ દોષરૂપ નથી બનતા. વિવેક અનાદિ અને નિત્ય છે. તેથી મલ-વિક્ષેપ-આવરણ વગેરેના રહેવા છતાં વિવેક જાગ્રત થઈ શકે છે. પાપથી વિવેક નષ્ટ નથી થઈ જતો પણ દબાઈ જાય છે. અહંભાવથી જેટલો વિવેક દબાઈ જાય છે ને નાકામ થાય છે તેટલો પાપથી પણ નથી થતો. તેથી જ શાસ્ત્રમાં કોઈ કોઈ અતિ પાપીઓ પણ પુણ્ય શ્લોક વાલ્મિકી જેવા, જોબનપગી જેવા બન્યા છે પણ અહંકારી કોઈ પુણ્ય શ્લોક બન્યો હોય તેનો ઈતિહાસ નથી. વિવેકનું મહત્ત્વ નષ્ટ કરવામાં કારણ છે-ક્રિયા અને પદાર્થનું મહત્ત્વ. તેથી ક્રિયા અને પદાર્થને મહત્ત્વ દેવાવાળાને જ અહીં दुर्मति કહ્યો છે અને તેને જ अकृतबुद्धि કહ્યો છે.

यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते।

हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते।।१७।।

અર્થ : જે પુરુષને અહંકૃત ભાવ નથી અને જેની બુદ્ધિ સારા-નરસાથી લેપાતી નથી. તે પુરુષ આ સઘળા લોકને મારીને-મારે છે. તો પણ તે મારતોય નથી અને બંધાતોય નથી. ।।૧૭।।

यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते-પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે પોતાને કર્તા માનનારો છે તે દુર્મતિ છે તો પછી સન્મતિ કોણ કહેવાય? તો તે આ શ્લોકમાં બતાવતા કહે છે કે, यस्य नाहंकृतो भावो અર્થાત્‌ ‘नाहं करोमि किन्तु परमात्मा एव करोति वा कारयति माम्‌’ इति मनोवृत्तिविशेष: भावयति-इति જેને અહંકૃત ભાવ નથી અને જેની બુદ્ધિમાં લિપ્તતા નથી. અહંકૃતભાવ નહીં હોવાનું તાત્પર્ય એ છે કે, અહંકારશૂન્ય થઈને શુભ કર્મ પરમાત્માને રાજી કરવા કરવું અને બુદ્ધિમાં લિપ્તતા ન હોવાનું તાત્પર્ય છે કે અંતરમાં કામના, મમતા, અને સ્વાર્થભાવનો કોઈપણ ઈરાદો કર્મ કરવા પાછળ ન હોવો પણ કેવળ પરમાત્માને રાજી કરવાનો તથા ભગવાનના ભક્તનું હિત કરવાનો અંતરમાં ઈરાદો હોવો. જેની બુદ્ધિમાં આનું ફળ મને મળશે અથવા મને જ મળવું જોઈએ તથા ક્રિયા કરવા પાછળના હકો મને પૂરા મળવા જોઈએ, એવું ન હોવું તેને લિપ્તતા છોડવી એમ કહેવાય. જેમ બધી જ ક્રિયાઓ સૂર્યપ્રકાશમાં જ થાય છે; છતાં પણ સૂર્યપ્રકાશ કોઈ ક્રિયાનો ‘કર્તા’ બનતો નથી એમ અહંકૃતાભાવ તથા બુદ્ધિમાં લિપ્તતા ન રહેવાથી. કર્તૃત્વ અને ભોકતૃત્વનું વિસજર્ન થઈ જાય છે. અહંકૃત ભાવ એક મનોવૃત્તિ વિશેષ છે. મનોવૃત્તિ હોવા છતાં પણ આ ભાવ ચૈતન્યમાં રહે છે. તેની સ્વીકૃતિ ચૈતન્યમાં રહે છે. તેથી કર્મ પાછળ કર્તૃત્વ અને અકર્તૃત્વ ભાવની સ્વીકૃતિ ચૈતન્યની પોતાની અંદર રહે છે.

અહીં એક શંકા થાય છે કે ‘ननु आत्मनोऽहमर्थत्वात्‌ कथमहमभिमानवर्जनम्‌’? ખરેખર આત્મ-ચૈતન્યનું સ્વરૂપ ‘अहमर्थ’ છે અર્થાત્‌ ‘अहं अस्मि, अहं अस्मि…’ એ પ્રમાણે આત્મ સાક્ષાત્કાર થાય છે અને એ તો આત્માનું સ્વરૂપ છે. તેનો ત્યાગ કેમ શકય બને અને માની લો કે તે અહં અર્થનો ત્યાગ કરી દેવામાં આવે છે તો પછી થયેલા કાર્ય અને કર્તૃત્વ કે અકર્તૃત્વ ભાવનો સાક્ષાત્કાર अहं अर्थ વિના કોને થશે? તેનું સમાધાન એ છે કે, એક તો अहं પ્રત્યય છે અને એક अहंकार છે. આત્મ ચૈતન્યનો સ્વાભાવિક સાક્ષાત્કાર છે, તે અર્વૈ પ્રત્યય છે. તે નિદોર્ષ છે. તેનો અપલાપ કયારેય થતો નથી. અર્થાત્‌મુક્તદશામાં પણ તેનો અપલાપ થતો નથી પણ બાકી રહેલો જે અહંકાર છે તેનો વિલય કરવાનો છે. અહંકાર એ શું છે? તો अहं अनहि्‌म अहं करोति इति अहंकार:। અહીં । अतद्‌भावे ‘च्वि’ પ્રત્યય થયો છે અર્થાત્‌ જે अहं નો સ્વાભવિક વિષય-એવો ચૈતન્ય નથી એવા પદાર્થ પ્રાકૃતિક અહંકારના વિષયરૂપ દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ વગેરેમાં अहं करोमि અહંકાર ભાવ સ્વીકારી લે છે. તે છે ‘अहंकार’ તેનું વિસજર્ન કરવાનું છે અને તે શક્ય છે. એટલે હું ગુણવાન છું, ધનિક છું, સારો છું વગેરે અહંકારના સ્વરૂપો છે તે છૂટવા જોઈએ, એવો શ્લોકનો આશય છે. નહિ કે अहं પ્રત્યય.

हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते તે સઘળાં પ્રાણીઓને એક સાથે મારી નાખે તો પણ મારતો નથી. કેમ કે તેનામાં કર્તૃત્વ ભાવ નથી અને તે બંધાતો નથી. કારણે તેનામાં ભોકતૃત્વભાવ નથી. અર્થાત્‌તેને ન ક્રિયાની સાથે સંબંધ છે ન ફળની સાથે સંબંધ છે. જ્યારે અહંકારપૂર્વક ક્રિયા થાય છે. ત્યારે કર્તા, કારણ અને કર્મ ત્રણે મળે છે અને ત્યારે જ કર્મસંગ્રહ થાય છે.

બધાં પ્રાણીઓને મારવાં એ શું છે? તો જેનામાં અહંકૃતભાવ નથી અને જેની બુદ્ધિમાં લેપ નથી એવા મનુષ્યનું શરીર જે વર્ણ અને આશ્રમમાં રહે છે; તેને અનુસારે તેની સમક્ષ તે વર્ણ-આશ્રમને અનુરૂપ(નિયતરૂપમાં) ગમે તેવડી વિરાટ પ્રવૃત્તિ આવી જાય અને તેમાં પ્રવૃત્ત થાય તો પણ તેને પાપ નથી લાગતું. જેમ કે કોઈ જીવનમુક્ત ક્ષત્રિયને માટે અર્જુનની જેમ ‘धर्म्यात्‌ युद्धात्‌ हि श्रेयोऽन्यत्‌ क्षत्रियस्य न विद्यते’ ભગવાને કહ્યા મુજબ યુદ્ધની સ્થિતિ આવી પડે ને યુદ્ધને અનુસારે તમામને કાપી નાખે તો પણ તે કોઈને મારતો નથી ને બંધાતો પણ નથી. કારણ કે તેને અહંભાવથી અને સ્વાર્થથી રહિત થઈને તે કર્યું છે.

અહીં અર્જુનની સમક્ષ યુદ્ધનો પ્રસંગ છે. એટલા માટે ભગવાને ‘हत्वापि’ પદથી અર્જુનને યુદ્ધને માટે પ્રેરણા કરી છે. ‘अपि’ પદનો ભાવ એ છે કે ‘कर्मण्यभिप्रवृतोऽपि नैव किञ्चित्करोति स:’ કર્મોમાં સારી રીતે પ્રવૃત્ત હોવા છતાં(કર્મમાં ડૂબી ગયો હોવા છતાં) તે કાંઈ પણ કરતો નથી. ‘सर्वथा वर्तमानेऽपि स योगी मयि वर्तते’ (૬/૨૧) સર્વથા વર્તતો હોવા છતાં પણ તે યોગી મારામાં રહે છે. ‘शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते।(૧૩/૩૧) શરીરમાં રહેલો હોવા છતાં પણ તે કાંઈ કરતો નથી અને કયાંય લેપાતો નથી. તાત્પર્ય એ છે કે, કર્મોમાં સાંગોપાંગ પ્રવૃત્ત થતી વેળાએ અને જે વેળાએ કર્મોમાં પ્રવૃત્ત નથી, તે વેળાએ પણ સ્વરૂપે કરીને નિર્વિકલ્પતા જેમ છે તેમ જ રહે છે. અર્થાત્‌ક્રિયા કરવાથી અથવા ક્રિયા ન કરવાથી તેના સ્વરૂપમાં કોઈ ફરક પડતો નથી.

વાસ્તવમાં આ અહંભાવ જ મનુષ્યમાં ભિન્નતા કરવાવાળો છે અને તેનાથી જ કર્તૃત્વ અને ભોકતૃત્વ ભાવ આવે છે. વિવેકની જાગૃતિથી તેનો ત્યાગ કરવાનો છે. કર્મનો ત્યાગ કરવાનો નથી.

ખરેખર તો બીજા અધ્યાયમાં અર્જુન ભગવાનને આક્ષેપ કરે છે કે, ‘कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन?’ તેના ઉત્તરમાં ભગવાન સમજાવે છે કે, તું ભીષ્મ-દ્રોણને એકલાને નહિ; સમગ્ર જગતને કાપી નાખીશ તો પણ તને કર્મ નહિ લાગે, પાપ નહિ લાગે. જો હું કહું તેમ કરીશ તો.

ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना।

करणं कर्म कर्तेति त्रिविध: कर्मसङ्ग्रह:।।१८।।

અર્થ : જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા-જાણનારો, એમ ત્રણ પ્રકારે કર્મની નોદના-વિધિ છે અને કરણ-સાધન, કર્મ અને કર્તા, એમ ત્રણ પ્રકારનો કર્મનો સંગ્રહ-નિરૂપણ છે. ।।૧૮।।

ज्ञानं ज्ञेयं… જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા આ ત્રણે કર્મની પ્રેરણા આપનારા છે. જ્ઞાન વિના ક્રિયા કરવાની ઈચ્છા થતી નથી. રૂપિયાનું જ્ઞાન કે મહિમા સાંભળ્યો છે તેથી તેને મેળવવાની પ્રેરણા જાગે છે અને જ્ઞેય વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન હંમેશાં સવિષયક હોય છે. તેનું કોઈ આલંબન હોય છે. નિરાલંબ જ્ઞાન સંભવતું નથી. જ્ઞેય તે જ્ઞાનનું આલંબન છે. માટે જ્ઞેય વિના જ્ઞાન સંભવતું નથી અને તે જ્ઞાનના અનુયોગીને જ્ઞાતા કહેવામાં આવે છે. અર્થાત્‌જ્ઞાન જે પાત્રમાં રહે છે તેને જ્ઞાતા કહેવાય છે. જે જ્ઞાન-જ્ઞેયને સારી રીતે જાણે છે માટે પરિજ્ઞાતા કહ્યો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ બધા જ્ઞેય પદાર્થો છે તેને અંગે સાંભળવાવાળો, સ્પર્શ કરવાવાળો, દેખાવાવાળો, ચાખવાવાળો અને સૂઘંવાવાળો એવી રીતે કોઈ એક વિષયના અનુસંધાનમાં ખાલી જ્ઞાતા કહેવાત; પરંતુ એ બધાને જાણવાવાળો હોવાથી અહીં કર્તાને પરિજ્ઞાતા કહ્યો છે.

કર્મસંગ્રહના ત્રણ કારણો છે. કરણ, કર્મ અને કર્તા આ ત્રણેના સહયોગથી કર્મ પૂરું થાય છે.સાધનોથી કર્તા કર્મ કરે છે. તે સાધનોને(ઈન્દ્રિયો વગેરેને) કરણ કહે છે. ખાવું પીવું, ઊઠવું-બેસવું, ચાલવું ફરવું વગેરે જે ચેષ્ટાઓ કરવામાં આવે છે તે કર્મ કહેવામાં આવે છે કરણ અને ક્રિયાની સાથે પોતાનો સંબંધ જોડીને કર્મ કરવાવાળાને કર્તા કહે છે. આ રીતે આ ત્રણેય મળવાથી કર્મ બને છે.

ભગવાને અહીં ખાસ વાત એ બતાવી છે કે કર્મસંગ્રહ કેવી રીતે થાય છે? અર્થાત્‌કર્મ બાંધવાવાળું કેવી રીતે થાય છે? કર્મ બનવાના ત્રણ કારણો બતાવતાં ભગવાનનું લક્ષ્ય મૂળ કારણ ‘કર્તા’ને બતાવવાનું છે. કેમ કે કર્મ સંગ્રહનો ખાસ સંબંધ કર્તા સાથે જ છે. જો કર્તાપણું ન હોય તો કર્મસંગ્રહ નથી થતો, કેવળ ક્રિયા માત્ર થાય છે.

કર્મસંગ્રહમાં ‘કરણ’ એ કારણ નથી. કેમ કે કરણ કર્તાને આધીન હોય છે. કર્તા જેવું કર્મ કરવાને ઈચ્છે છે, તેવું જ કર્મ થાય છે. એટલા માટે કર્મ પણ કર્મસંગ્રહમાં ખાસ કારણ નથી. શાસ્ત્રના સિદ્ધાંત મુજબ ખાસ બાંધવાવાળો છે અહંકૃતભાવ એનાથી જ કર્મસંગ્રહ થાય છે. અહંકૃતભાવ ન રહેવાથી કર્મસંગ્રહ નથી થતો. અર્થાત્‌કર્મ ફળ દેનારું નથી. થતું આવો બોધ કરાવવા માટે જ શ્લોકમાં કરણ અને કર્મને પહેલાં રાખીને કર્તાને કર્મસંગ્રહ શબ્દની પાસે રાખ્યો છે જેનાથી એ ખ્યાલમાં આવી જાય કે બાંધવાવાળો કર્તા જ છે.