શ્લોક ૨૩-૨૮
ॐ ततसत ના પ્રયોગોની સમજૂતી
ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविध: स्मृत:।
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता: पुरा।।२३।।
અર્થ : ‘‘ॐ तत् अमै सत्’’ એમ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ કહેલો છે અને તેનાથી જ પૂર્વે-સૃષ્ટિના આરંભમાં બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો રચેલા છે. ।।૨૩।।
ॐ तत् सत्-આ ત્રણ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ થાય છે. અર્થાત્આ ત્રણ નામોથી બ્રહ્મનો પરમાત્માનો નિર્દેશ કરવામાં આવે છે. એ પરમાત્માએ સૃષ્ટિના આરંભમાં પ્રથમ વેદો, યજ્ઞ અને બ્રાહ્મણો આપ્યા છે. બ્રાહ્મણો અનુષ્ઠાન કરે છે. વિધિ બતાવવાવાળા વેદો છે અને પવિત્ર અનુષ્ઠાન તરીકે યજ્ઞ છે. હવે તે ક્રિયામાં ઊણપ રહી જાય તો શું કરવું? તો પરમાત્માનું નામ લે તો ઊણપની પૂર્તિ થઈ જાય છે માટે શુભ ક્રિયાની પ્રથમ અને અંતે પરમાત્માના નામનું અનુષ્ઠાન-ભજન કરવું. ભગવાનનું નામ લેવાથી ક્રિયામાં થયેલું અંગ વૈગુણ્ય દૂર થઈ જાય છે ને ક્ષતિની પૂર્તિ થઈ જાય છે.
तस्मादोमित्युदाहृत्य यज्ञदान तप: क्रिया:।
प्रवर्तन्ते विधानोक्ता: सततं ब्रह्मवादिनाम्।।२४।।
અર્થ : માટે જ બ્રહ્મવાદી સત્પુરુષોની વેદના વિધાનથી કહેલી યજ્ઞ, દાન અને તપ વિગેરે ક્રિયાઓ ‘‘ૐ’’ એવા ઉચ્ચારણ પૂર્વક જ પ્રવર્તે છે. ।।૨૪।।
તેટલા માટે વેદવાદીઓ ને વેદોને મુખ્ય માનવાવાળા જેઓ છે, તેને માટે કોઈ પણ પવિત્ર ક્રિયાના આરંભમાં ૐનું ઉચ્ચારણ અર્થાત્પરમાત્માના નામનું ઉચ્ચારણ કરવાનું ખાસ બતાવવામાં આવ્યું છે. અર્થાત્ૐના ઉચ્ચારણ સાથે કરાયેલ કોઈપણ વૈદિક વિધિ વધારે બળવત્તર બને છે અને તેના વિના જોઈએ તેવાં ફળતા નથી. ૐ તમામ વાંઙ્મયનું મૂળ છે. તેથી વિધિના આદિમાં તેના ઉચ્ચારણનું ખૂબ માહાત્મ્ય છે.
तदित्यनभिसंधाय फलं यज्ञतप: क्रिया:।
दानक्रियाश्च विविधा: क्रियन्ते मोक्षकाङ्क्षिभि:।।२५।।
અર્થ : ‘‘तत्’’ તે પરમેશ્વરજ આ સઘળું છે. એમ ધારીને ફળનું અનુસન્ધાન નહિ રાખતાં મોક્ષાર્થીજનોએ યજ્ઞ અને તપ વિગેરે ક્રિયાઓ તથા વિવિધ પ્રકારની દાન ક્રિયાઓ કરવામાં આવે છે. ।।૨૫।।
કેવળ પરમાત્માને પ્રસન્ન કરવાના ઉદ્દેશ્યથી અને કિંચિત્માત્ર પણ ફળની ઈચ્છા નહિ રાખીને શાસ્ત્રમાં કહેલા યજ્ઞ, તપ, દાન વગેરે શુભ ક્રિયાઓ કરવામાં આવે તો તે પરમાત્મામાં જોડનારી બનતી હોવાથી પરમાત્માનો જેમ ‘तत्’ શબ્દથી નિદેર્શ થાય છે, તેમ તેવી વિશુદ્ધ ક્રિયાઓને પણ ‘तत्’ શબ્દની સાથે અન્વિત કરવામાં આવે છે. અર્થાત્જેમ પરમાત્મામાં જોડાવાથી અંતઃકરણની અશુદ્ધિ સર્વથા દૂર થાય છે. તેમ આ પ્રમાણે, યજ્ઞ, દાનાદિ કરવાથી પણ અંતઃકરણની અશુદ્ધિ દૂર થાય છે.
सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते।
प्रशस्ते कर्मणि तथा सच्छब्द:पार्थ युज्यते।।२६।।
અર્થ : ‘‘सत्’’ એ શબ્દનો સારા સત્યભાવમાં તેમજ સાધુ-શ્રેષ્ઠભાવમાં પ્રયોગ કરાય છે. તેમજ હે પાર્થ ! પ્રશસ્ત-શ્રેષ્ઠ કર્મમાં પણ ‘‘सत्’’ શબ્દનો પ્રયોગ કરાય છે. ।।૨૬।।
સદ્ભાવ અર્થાત્પરમાત્માની સત્તાનો અંતરમાં સ્વીકાર કરવો તે અને પરમાત્માના અનેક સ્વરૂપો છે. તેમાં આસ્તિકતા હોવી, તેને પ્રત્યક્ષપણે સ્વીકારવા અને શાસ્ત્રમાં કહેલી તેની મર્યાદા જાળવવી. તેને સદભાવ કહેવામાં આવે છે. કારણ કે આવા ઉમદાભાવો અંતઃકરણમાં ઊઠવા અથવા ધારણ કરી રાખવા તે પરમાત્માના સ્વરૂપને ધારવા તુલ્ય પવિત્ર કરનારા થાય છે અને પરમાત્માની પ્રાપ્તિને માટે અલગ અલગ સાધનાઓ કે હૃદયના જે દયા ક્ષમા વગેરે જે શ્રેષ્ઠ ભાવો છે, તે બધા સાધુભાવો ગણાય છે તથા પ્રશસ્ત આચરણો શ્રેષ્ઠ આચરણો-જેટલા કંઈ છે તે બધા પ્રશસ્ત કર્મ ગણાય છે. આ બધાને પણ સત્શબ્દથી જોડવામાં આવે છે જેમ કે સદ્ભાવ, સત્તત્ત્વ, સદ્ગુણ, સત્કર્મ, સત્સેવા, સદ્વ્યવહાર. તાત્પર્ય એ છે કે, ‘तत्’ શબ્દ જેમ પરમાત્માનો વાચક છે તેમ ‘सत्’ શબ્દ પણ પરમાત્માનો જ વાચક છે પણ તેની સાથે સાથે પરમાત્માની સાથે જોડનાર આસ્તિકતા, ઉમદાભાવનાઓ અને પ્રશસ્ત ક્રિયાઓ પણ પરમાત્મા જેટલી સન્માનનીય હોવાથી તેની સાથે પણ સદ્શબ્દ જોડવામાં આવે છે.
यज्ञे तपसि दाने च स्थिति: सदिति चोच्यते।
कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते।।२७।।
અર્થ : તથા યજ્ઞમાં, તપમાં અને દાનમાં જે સ્થિતિ-સ્થિરતાપૂર્વક વર્તવું તે ‘‘सत्’’ એવા શબ્દથી કહેવાય છે. તેમજ તે યજ્ઞાદિક માટે કરવામાં આવતું કર્મ તે પણ ‘‘सत्’’ એવા શબ્દથીજ કહેવાય છે ।।૨૭।।
યજ્ઞ, તપ અને દાનરૂપી પ્રશસ્ત ક્રિયાઓમાં જેની સ્થિતિ અર્થાત્નિષ્ઠા બંધાઈ ગઈ છે તથા ‘च’ કાર પદથી તેવા અન્ય પ્રશસ્ત કર્મો જેવાં કે કોઈકને વર્ણાશ્રમ ધર્મમાં નિષ્ઠા, સેવામાં, અથિતિસત્કારમાં, પતિવ્રતા ધર્મમાં, તીર્થસ્થાનમાં વગેરેમાં સન્નિષ્ઠા છે તથા ‘तदर्थीयं’ અથાત્ લૌકિક કે પારલૌકિક પણ પોતાના સુખ-આરામનો ઉદ્દેશ્ય નહિ રાખીને કેવળ ભગવત્પ્રસન્નતા અર્થે કરવામાં આવતી ક્રિયાઓનું ફળ ‘सत्’ થઈ જાય છે. અર્થાત્પરમાત્મા સાથે સંબંધ જોડનારા થઈ જાય છે. તેથી તે બધા ‘દૈવી સંપત્તિ’ બની જાય છે અને પોતાના આત્માને મુક્તિને આપનારા થાય છે. જેમ અગ્નિમાં લોઢું, કોલસો કે કોઈ વસ્તુ વધુ વાર પડી રહે તો તે વસ્તુ તે જ વસ્તુ હોવા છતાં અગ્નિનું રૂપ ધારણ કરી લે છે. તેમ પરમાત્માને માટે જે કોઈ કર્મ કરવામાં આવે છે અથવા પરમાત્મા પ્રત્યે જે કોઈ હૃદયમાં સદ્ભાવો કરવામાં આવે છે, તે બધું પરમાત્મા સ્વરૂપ થઈ જઈને સાધકના હૃદયને શુદ્ધ કરનારું બની રહે છે. તે કર્મમાં જે કંઈ વિશેષતા આવી જાય છે તે, તે કર્મની નથી પણ પરમાત્માના સંબંધની વિશેષતા છે.
અહીં तदर्थीयम् કહેવાનું તાત્પર્ય એ છે કે જે ઊંચામાં ઊંચા ભોગોને, સ્વર્ગ વગેરે ભોગ ભૂમિઓને ન ઈચ્છીને કેવળ પરમાત્માને ઈચ્છે છે. એવો સાધક જેટલું સાધન કરે છે, તે બધું ‘सत्’ થઈ જાય છે. અર્થાત્પરમાત્મારૂપ થઈ જાય છે. પરમાત્મામાં જોડનારું થઈ રહે છે. આ વિષયમાં ભગવાને કહ્યું છે કે, ‘કલ્યાણકારી કામ કરવાવાળાની કોઈની પણ દુર્ગતિ થતી નથી.’(૬/૪૦) એટલું જ નહિ પણ ‘જે યોગનો જિજ્ઞાસુ હોય છે તે પણ વેદોમાં સ્વર્ગ વગેરેની પ્રાપ્તિને માટે બતાવેલા સકામ કર્મોથી અને વેદોમાં બતાવેલા તેની વિધિથી પર થઈ જાય છે.’ (शब्दब्रह्मातिवर्तते)(૬/૪૪) કારણ કે કર્મો ફળ આપીને નષ્ટ થઈ જાય છે; પરંતુ પરમાત્માની પ્રસન્નતા માટે કરવામાં આવેલું સાધન-કર્મ નષ્ટ નથી થતું; તે ‘સત્’ થઈ જાય છે.
अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत्।
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह।।२८।।
અર્થ : હે પાર્થ ! શ્રદ્ધા વિનાનું હોમેલું, દાન આપેલું, તપ તપેલું અને બાકીનું પણ જે કાંઈ કરેલું કર્મ તે અસત્એમ કહેવાય છે અને તે કર્મનું ફળ મર્યા પછી તેમજ મર્યા પહેલાં આ લોકમાં પણ નથીજ મળતું. ।।૨૮।।
अश्रद्धया हुतं…અશ્રદ્ધાપૂર્વક યજ્ઞ, દાન અને તપ કરવામાં આવે તથા कृतं च यत् અર્થાત્બીજા પણ જે કર્મો કે જેની શાસ્ત્ર આજ્ઞા આપે છે અથવા અનુજ્ઞા આપે છે. એવું જે કાંઈ કર્મ અશ્રદ્ધાપૂર્વક કરવામાં આવે, તે બધું ‘અસત્’ કહેવામાં આવે છે.
‘अश्रद्धया’ પદમાં શ્રદ્ધાના અભાવનો સૂચક નઞ્શબ્દ છે જેનું તાત્પર્ય પરમાત્મા સાથે અથવા શાસ્ત્રો સાથે વિરોધનો છે. અર્થાત્અસુર લોકો પરલોક, પુનજર્ન્મ, ધર્મ, પરમાત્મા અને પરમાત્મામાં અનન્ય ભાવથી જોડાયેલા વ્યક્તિઓમાં શ્રદ્ધા નથી રાખતા ઊલટા તેનો વિરોધ કરવા યજ્ઞ, દાન, તપ કરે છે. આ રીતે ફળપ્રદાતા એવા પરમાત્મા સાથે તો ખાસ વિરોધ ભાવ રાખીને તેઓ યજ્ઞ દાન વગેરે ક્રિયાઓ કરે છે. ત્યારે અહીં એક શંકા થાય છે કે, તેઓને શાસ્ત્ર કે પરમાત્મામાં શ્રદ્ધા જ નથી તો પછી કયા પ્રેરક બળથી તેઓ યજ્ઞ, દાન, તપ કે શુભ ક્રિયા કરે છે? અર્થાત્શા પ્રયોજન માટે કરે છે? તેનું સમાધાન એ છે કે, લોકમાં તે ક્રિયાઓને લઈને વધુ આદર, પ્રસિદ્ધિ મળે છે તથા લોકો તેવું કરવાને સારું માને છે. એટલા માટે સમાજમાં સારા દેખાવા માટે તેઓને શ્રદ્ધા ન હોવા છતાં અતિ પ્રેમથી તેવી ક્રિયાઓ કરે છે અને સમાજ પાસેથી તે શ્રેણીના હોવાનું પ્રમાણપત્ર મેળવે છે. તેને ભગવાનના પ્રમાણપત્રની જરૂર નથી ઊલટો વિરોધ છે.
ખરેખર તો તેવા વ્યક્તિઓ દ્વારા યજ્ઞ, દાન, તપ કે કોઈ પણ સ્વરૂપના શાસ્ત્રવિહિત કર્મો કેવળ ભગવાનના વિરોધમાં કે કોઈ નિષ્ઠાવાનનો વિરોધ વ્યક્ત કરવા જ કરાતા હોય છે. જેમ તે તે ક્રિયાઓ નિષ્ઠાનો પરિચય આપનારી કે દૃઢ કરાવનારી બને છે, તેમ તેનો વિરોધ દર્શાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. દુર્યોધન-યજ્ઞ, દાન કરે તો યુધિષ્ઠિરનો વિરોધ નોંધાવવા માટે જ કરે. યુધિષ્ઠિરની કીર્તિને ઉખેડી નાખવા જ કરતો હોય છે. તેવું તેને ફરજિયાત કરવું પડતું હોય છે. ગુરુકુળનો વધારે વિરોધ કરનારાઓ સૌ પ્રથમ ગુરુકુળ કરીને બેઠા હોય. શિબિર, યજ્ઞ કે કોઈ આયોજન, અશ્રદ્ધાપૂર્વક જે કાંઈ કરવામાં આવે તે બધું ‘અસત્’ કહેવામાં આવે છે. તેનું ન આ લોકમાં ફળ હોય છે ન પરલોકમાં બીજા જન્મમાં પણ ફળ હોય છે. તાત્પર્ય એ થયું કે સકામભાવથી શ્રદ્ધા તેમ જ વિધિપૂર્વક શાસ્ત્રીય કર્મો કરવાથી અહીં ધનવૈભવ વગેરેની પ્રાપ્તિ તથા મર્યા પછી સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થઈ શકે છે અને તે જ કર્મો નિષ્કામભાવથી તેમ જ શ્રદ્ધાપૂર્વક-વિધિપૂર્વક કરવાથી અંતઃકરણની શુદ્ધિ થઈને પરમાત્માની પ્રાપ્તિ થાય છે; પરંતુ અશ્રદ્ધાપૂર્વક કરવાથી આમાંથી કોઈ ફળ પ્રાપ્ત નથી થતું.
જો અહીં એમ કહેવામાં આવે કે, અશ્રદ્ધાપૂર્વક જે કાંઈ પણ કરવામાં આવે છે તેનું આલોકમાં અને પરલોકમાં કોઈ પણ ફળ નથી હોતું. તો પછી જેટલાં પાપકર્મો કરવામાં આવે છે, તે બધા જ અશ્રદ્ધાથી જ કરવામાં આવે છે. ત્યારે તો તેઓનું પણ કોઈ ફળ નહિ હોવું જોઈએ ! અને મનુષ્ય ભોગ ભોગવવાની તથા સંગ્રહ કરવાની ઈચ્છાને લીધે અન્યાય, અત્યાચાર, જૂઠ, કપટ, દગાબાજી વગેરે જેટલાં પણ પાપકર્મો કરે છે, તે કર્મોનું ફળ-દંડ પણ નથી ઈચ્છતો;(અર્થાત્નિષ્કામ ભાવ છે) પરંતુ વાસ્તવમાં એવી વાત નથી. કારણ કે કર્મોનો એ નિયમ છે કે રાગીપુરુષ રાગપૂર્વક જે કોઈપણ કર્મ કરે છે, તેનું ફળ કર્તાના ન ઈચ્છવા છતાં પણ કર્તાને જ દંડરૂપે મળે છે. તેને સમર્પણ કે બદલાવી પણ શકાતું નથી. તેથી તેને દંડ અવશ્યંભાવિ ભોગવવો જ પડે છે.
નાનામાં નાનું અને સાધારણમાં સાધારણ કર્મ પણ જો તે પરમાત્માના ઉદ્દેશ્યથી કરવામાં આવે તો તે ‘સત્’ બની જાય છે. અર્થાત્પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળું થઈ જાય છે. જ્યારે મોટામાં મોટું યજ્ઞ વગેરે કર્મ ફળ ઈચ્છીને સકામ ભાવથી કરવામાં આવે તો ફળ આપીને નષ્ટ થઈ જાય છે. પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળું નથી થતું. માટે પરમાત્માની પ્રાપ્તિમાં ક્રિયાની પ્રધાનતા નથી. શ્રદ્ધાભાવની પ્રધાનતા રહે છે.
મનુષ્યોને માટે ઉચિત છે કે, તે યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે શાસ્ત્રવિહિત કર્મો શ્રદ્ધાપૂર્વક અને નિષ્કામભાવથી કરે. ભગવાને વિશેષ કૃપા કરીને માનવ શરીર આપ્યું છે, ત્યારે શુભ કર્મો કરવાથી પોતાને અને બધા લોકોને લાભ થાય છે. તેથી જેનાથી અત્યારે અને ફળ સ્વરૂપે બધાનું હિત થાય એવાં શ્રેષ્ઠ કર્તવ્ય કર્મો કરવાં જોઈએ.
શ્રીમદ્ભગવદ્ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો શ્રદ્ધાત્રયવિભાગયોગ નામે સત્તરમો અધ્યાય સંપૂર્ણ.