શ્લોક ૦૭-૨૨
આહાર,યજ્,તપ અને દાનના જુદા-જુદા ભેદો
आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रिय:।
यज्ञ स्तपस्तथा दानं तेषां भेदमिमं श्रृणु।।७।।
અર્થ : આહાર પણ સર્વને પોત-પોતાની રૂચિ પ્રમાણે ત્રણે પ્રકારનો પ્રિય હોય છે. તેમજ યજ્ઞ, તપ અને દાન તેના પણ ત્રણ-ત્રણ પ્રકાર છે. તેના ભેદ તું મારા થકી સાંભળ ! ।।૭।।
आहारस्त्वपि सर्वस्य… જો મનુષ્ય કોઈ પ્રકારે યજન આદિ ન કરતો હોય તો તેની શ્રદ્ધા કેવી રીતે ઓળખી શકાશે? આ વસ્તુને બતાવવા આહાર પણ વ્યક્તિની નિષ્ઠા અથવા અધ્યાત્મની સ્થિતિને બતાવનારો બની શકે છે, તે બતાવી રહ્યા છે. ચોથા શ્લોકમાં ભગવાને અર્જુનના પ્રશ્નના અનુસાર મનુષ્યોની નિષ્ઠાની પરીક્ષા માટે સાત્ત્વિક, રાજસ, તામસ-આ ત્રણ જાતનું યજન બતાવ્યું; પરંતુ જેની શ્રદ્ધા, રુચિ, પ્રીતિ યજન-પૂજનમાં નથી તેની નિષ્ઠાની પિછાણ કેવી રીતે થાય? તેને માટે પણ બતાવ્યું કે એવા માણસોને પણ શરીર માટે ભોજન તો કરવું જ પડશે ચાહે ગમે તેવો પણ હોય. માટે ‘आहारस्त्वपि’ શબ્દથી કહ્યું છે. કેવળ યજન-પૂજન જ નહિ પણ ભોજન રુચિથી પણ નિષ્ઠાની પિછાણ મળી જશે. અન્ન તેવું મન બતાવવામાં આવ્યું છે. વળી આહાર શુદ્ધિ એ અંતઃકરણ શુદ્ધિનું કારણ ગણવામાં આવ્યું છે. મનુષ્યનું મન સ્વાભાવિક જ કયા ભોજનમાં લલચાય છે. અર્થાત્જે ભોજનની વાત સાંભળીને, તેને જોઈને અને તેને ચાખીને મન આકૃષ્ટ થાય છે; તેના અનુસાર તેની સાત્ત્વિકી, રાજસી કે તામસી નિષ્ઠા માનવામાં આવે છે.
અહીં ગીતામાં આ પ્રકરણ સાત્ત્વિક, રાજસ અને તામસ આહાર બતાવવા માટે નથી મુકાયું. આહાર ઉપરથી આહાર કરનાર વ્યક્તિની રુચિ અને શ્રદ્ધાનું વર્ણન છે. તેનાથી આહાર પણ અવાંતર રીતે સાત્ત્વિક, રાજસ, તામસ પિછાણી શકાય છે પણ મુખ્ય હેતુ વ્યક્તિ ઓળખવા માટેનો છે.
અહીં सर्वस्य અને प्रिय: પદોથી સામાન્ય રીતે તમામ મનુષ્યોમાં પ્રત્યેકની કયા કયા ભોજનમાં રુચિ હોય છે; જેનાથી તેઓની સાત્ત્વિક, રાજસી, કે તામસી નિષ્ઠાની ઓળખાણ થાય છે. એવી જ રીતે ‘यज्ञस्तपस्तथा दानम्’ પદોથી પણ એ બતાવાયું છે કે, જેટલાં શાસ્ત્રીય કર્મો છે, તેઓમાં પણ તે તે મનુષ્યોની યજ્ઞ, તપ વગેરે કયા કયા કર્મમાં કેવી કેવી રૂચિ-પ્રીતિ છે તેના ઉપરથી સાત્ત્વિકાદી શ્રદ્ધાનો પરિચય થાય છે. જો કે અહીં ‘યજ્ઞ’ શબ્દ હોમરૂપી યજ્ઞનો જ વાચક છે. સઘળાં કર્તવ્યકર્મોનો નહિ. તો પણ ગૌણતાથી તીર્થ વ્રત વગેરે કર્તવ્ય કર્મો લઈ શકાય છે. આનાથી અહીં એક બીજી વાત પણ સિદ્ધ થાય છે કે, શાસ્ત્ર, સત્સંગ, વિવેચન, વાર્તાલાપ, પુસ્તક, વ્રત, તીર્થ, વ્યક્તિ જે જે પણ સામે આવશે તેઓમાં જે સાત્ત્વિક હશે તે સાત્ત્વિક મનુષ્યને, જે રાજસ હશે તે રાજસ મનુષ્યને અને જે તામસ હશે તે તામસ મનુષ્યને પ્રિય લાગશે.
तेषां भेदं इमम् श्रृणु-યજ્ઞ, તપ અને દાનના ભેદો સાંભળો. અર્થાત્મનુષ્યોની સ્વાભાવિક રુચિ, પ્રવૃત્તિ અને પ્રસન્નતા શામાં શામાં હોય છે તેને તમે સાંભળો અને તપાસો. જેમ કે એક દાન જ દેવું છે. તેમાં પણ પોતાની રુચિ પ્રમાણે કોઈ સાધારણને જ દાન દેવાનું પસંદ કરશે. કોઈ બ્રાહ્મણને, કોઈ વિદ્યાર્થીને, કોઈ ભગવાનના ભક્તને, તો કોઈ કૂતરા, પશુ, પક્ષીઓને કંઈક નાખવાનું પસંદ કરશે. તાત્પર્ય એ છે કે સામાને પસંદ કરવામાં પોતાની આંતર પ્રતિમાનું પ્રતિબિંબ સ્પષ્ટ થાય છે. સાત્ત્વિક મનુષ્યોની રુચિ સાત્ત્વિક ખાનપાન, રહેણી કરણી, કાર્ય, સમાજ, વ્યક્તિ વગેરેમાં હોય છે અને તેવો જ સંગ કરવાનો તેને સારો લાગે છે. રાજસને રાજસ સાથે અને તામસને તામસ સાથે સુવાણ્ય થાય છે અને શાસ્ત્રનિષિદ્ધ આચરણ કરનારાને તેઓની જેવાની સાથે સુવાણ્ય, શ્રદ્ધા થાય છે. તેના જેવા જ આચરણોની તેઓમાં પ્રવૃત્તિ થાય છે. તે કહ્યું છે જે
मृगा: मृगै: सङ्गमनुव्रजन्ति गावश्च गोभिस्तुरगास्तुरगै:।
मूर्खाश्च मूर्खै: सुधय सुधिभि: समानशीलव्यसनेषु सरव्यम्। (પંચતંત્ર-મિત્રભેદ)
आयु:सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना:।
रस्या: स्निग्धा: स्थिरा हृद्या आहारा: सात्त्विकप्रिया:।।८।।
અર્થ : આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ, એ સર્વને વધારનારા, રસવાળા, ધી વિગેરે ચીકાશવાળા, બગડે નહિ એવા અને ખાતાં પણ પ્રિય લાગે એવા આહાર ભોજનના પદાર્થો સાત્ત્વિક પુરુષોને પ્રિય હોય છે. ।।૮।।
आयु:-જે આહારો લેવાથી મનુષ્યનું આયુષ્ય વધતું હોય, એવા આહારમાં પ્રીતિવાળો હોય તે સત્ત્વગુણી છે એવો અભિપ્રાય છે. અહીં જે વર્ણવવામાં આવ્યા છે, તે બધા જ વિશેષણો તે સ્થૂળ આહારના પરિણામગુણો જ છે અર્થાત્તે આહાર શરીરમાં ગયા પછી કેવું પરિણામ લાવે તેનો નિર્દેશ કરે છે. તેવું પરિણામ કઈ કઈ આહાર્ય વસ્તુ લાવે છે ! તેનો નિર્દેશ અહીં નથી કર્યો. તેની જાણકારી આયુર્વેદમાંથી તથા પ્રત્યક્ષ અનુભૂતિથી કરવાની હોય છે. તેથી સાત્ત્વિક પુરુષોની આહાર્ય વસ્તુ સામે આવતાં જ શરીરમાં ગયા પછી આનું પરિણામ શું આવશે? ઉપર કહ્યા તેવા ગુણો લાવનાર આ આહાર છે? તો સ્વીકાર કરશે. એવી રુચિ જેની હોય તે આહાર કરનારો સાત્ત્વિક રુચિ કે શ્રદ્ધાવાળો ગણાશે. તેમાં પ્રથમ સ્થાન આયુષ્યને આપ્યું છે કારણ કે આયુષ્ય સર્વ પુરુષાર્થ નિષ્પાદનમાં ઉપયોગી છે. તેથી સૌથી પ્રથમ સ્થાન તેનું અપાયું છે.
સત્ત્વમ્-જે આહાર સત્ત્વગુણ વધારનારો છે. સત્ત્વ એટલે અંતઃકરણ કહેવાય છે પણ તેનું તાત્પર્ય જ્ઞાન પર્યન્તનું છે. અર્થાત્જે આહાર જ્ઞાન વધારનારો હોય છે. કારણ કે તે મુમુક્ષુને અતિ અપેક્ષિત ગુણ છે. માટે તેનું તુરત બીજું સ્થાન રહ્યું છે. તે પણ કહ્યું છે કે ‘सत्त्वात् संजायते ज्ञानम्’(૧૪/૧૭) સત્ત્વ ગુણ તત્ત્વજ્ઞાનનો જનક છે.
बलारोग्यो: विवर्धना: બલ અને આરોગ્યને વધારનારા આહારો સાત્ત્વિક વ્યક્તિને પ્રિય હોય છે. બલ એટલે પ્રાણ અને જઠરાગ્નિની તેજસ્વિતા અને આરોગ્ય એટલે ધાતુદોષ રહિતપણું-રક્ત-માંસાદિ સપ્તધાતુ વિકૃતિ રહિત રહે, ત્યારે જ શરીરનું આરોગ્ય જળવાય છે. વાત પિત્ત કફ દોષ કુપતિ ન હોય ત્યારે જ આરોગ્ય જળવાય છે. પ્રાણ તથા અગ્નિ બલ એ આરોગ્યનું કારણ બને છે અને આરોગ્ય એ શુભ ચિંતનનું અતિ અપેક્ષિત છે. એવા આહારો સાત્ત્વિક વ્યક્તિને પ્રિય હોય છે.
सुखप्रीतिविवर्धना: વળી તે આહારો સુખ અને પ્રીતિ વધારનારા હોવા જોઈએ. આહારની પસંદગી એવી હોવી જોઈએ કે, તે પુરુષાર્થને અનુકૂળ થઈને રહેનારો હોવો જોઈએ. સુખ એટલે અનુકૂળતા. તે સત્ત્વને અનુરૂપ-ભક્તિ સહિત ચારે પુરુષાર્થનો ઘાત કરનારા ન હોવો જોઈએ પણ તેને પ્રોત્સાહક હોવો જોઈએ અને પ્રીતિ વધારનારો એટલે શુભ કર્મોમાં પ્રોત્સાહક હોવો જોઈએ શુભકર્મોમાં પ્રોત્સાહક હોવાથી અંતરની પ્રસન્નતા વધારનારો હોવો જોઈએ. અર્થાત્તેનું તાત્પર્ય છે, ભક્તિ વધારનારો આહાર હોવો જોઈએ. ભક્તિનો ઘાત કરનારો ન હોવો જોઈએ. અન્યથા પ્રીતિ વધારનારો એટલે-અનુકૂળ આહાર મળી જતાં રાજસ કે તામસને પણ ખુશી વધી જશે; પરંતુ રાજસને તે પ્રીતિ પરિણામે વિષ જેવી થશે.(૧૮/૩૮) તામસને તે પ્રીતિ મૂઢતામાં લઈ જશે.(૧૮/૩૯) માટે सुखप्रीतिविवर्धना: એટલે શુભ પુરુષાર્થને વધારનારા. તેનો ઘાત નહિ કરનારા અને ભગવાનમાં પ્રીતિ વધારનારા અર્થાત્ભક્તિમાં સહાયક આહાર સત્તવગુણીની પસંદગી હોય છે.
रस्या: અર્થાત્ मधुररसोपेता:-रस्या: અર્થાત્ મધુરરસ યુક્ત. કારણ કે કટુ, અમ્લ આદિ રસોને સત્ત્વગુણ બહાર ગણેલા હોવાથી અને મધુરરસનો આયુર્વેદ સિદ્ધાંતાનુસાર શરીર સ્થિતિ માટે વિશેષ હેતુરૂપ ગણાવ્યો છે. છતાં પણ रस्या: શબ્દથી મધુર રસના કંણ્ઠોકિત નથી. તેથી સૌમ્ય રસ કોઈ પણ હોઈ શકશે અને મધુર રસ પણ તંદુરસ્તી વિજ્ઞાનની મર્યાદામાં રહેશે તો જ સાત્ત્વિક લાભ આપનારો રહેશે, અન્યથા અતિરેકથી તે પણ રજ અને રોગો ઉત્પન્ન કરી તમને પણ વધારનારો બને છે. તેથી જ ડાયાબિટીસ, કફ વગેરે રોગો થાય છે. તેથી જ તો કોઈ વિશેષ આહાર્ય પદાર્થને સત્ત્વગુણી કંણ્ઠોક્તિથી કહ્યો નથી. આહારની જાતિ શુદ્ધિની સાથે માત્રાનું નિયમન પણ સત્ત્વગુણ વધારવા માટે પાલન કરવું જરૂરી બનશે. તેમ જ શાસ્ત્ર વિહિતતા પણ જરૂરી બનશે. આવી સાત્ત્વિક પરિણામમાં જેની ચાહના છે, શ્રદ્ધા છે તે વ્યક્તિને સાત્ત્વિક કહ્યો છે. જો આહાર્ય પદાર્થ કદાચ સાત્ત્વિક હશે પણ માત્રા અતિરેક હશે તો પરિણામ સાત્વિક નહિ આવે તો તે વ્યક્તિ સાત્ત્વિક આહારપ્રિય નહિ રહી શકે. આથી જ તો ગીતામાં ‘युक्ताहार विहारस्य’ ……. आयुसत्त्वा(૧૭/૮) શબ્દોથી સત્ત્વ ગુણને મભમ શબ્દોથી કહ્યો છે. કોઈ આહાર વિશેષનો નામનિર્દેશ કર્યો નથી. તેનો નિર્ણય સાધકે પોતાને માટે પોતે જ લેવો પડે છે. ભાગવત ૧૧-૨૫-૨૮ શ્લોકમાં થોડું આહાર માટે બતાવ્યું છે.
पथ्यं पूतं अनायस्तमाहार्यं सात्त्विकं स्मृतम्।
राजसं चेन्द्रियप्रेष्ठं तामसं चार्तिदाशुचि।। ૧૧/૨૫/૨૮
‘જે સહજ રીતે પાચન થાય એવો હોય, શાસ્ત્ર દ્રષ્ટીએ પવિત્ર હોય, અનાયાસે પ્રાપ્ત થયો હોય એવા આહારને સાત્વિક આહર કહેવાય છે. ઇન્દ્રિયોને અતિ પ્રિય હોય એવા આહારને રાજસ આહાર કહેવાય છે. જે આહાર ઉદરમાં જતા પિડા આપનારો હોય અને શાસ્ત્ર દ્રષ્ટિએ અપવિત્ર હોય તેને તામસી આહાર કહેવાય છે.’
स्निग्धा: એટલે ઘી, માખણ, કાજુ, દ્રાક્ષ વગેરે સાત્ત્વિક પદાર્થોથી નીકળેલા તેલ-સ્નેહયુક્ત પદાર્થો સાત્ત્વિક વ્યક્તિને પ્રિય હોય છે. તે વાયુદોષ વિરોધી હોવાથી તેનું શમન કરીને, શરીર સૌષ્ઠવ જાળવીને સત્વ ગુણમાં મદદ કરનારા બને છે. એવું આર્યુવેદનું માનવું છે.
स्थिर: સ્થિર આહારો. જો કે ખાધેલા આહારની સ્થિરતા અસંભવ છે. કારણ કે ક્ષણ ક્ષણમાં તે આગળની ધાતુમાં પરિણામ પામનારો હોય છે; છતાં સ્થિર શબ્દનું પ્રયોજન એ રહેશે કે તે આહારનું પરિણામ અપેક્ષાકૃત વધારે સમય અસર કરનારું રહેશે.
हृद्या: જે હૃદયમાં ગમે તેવા-આંખને જોતાં બીભત્સ ન લાગે તેવા સૌમ્ય હોવા જોઈએ. અંદરથી પણ પવિત્ર અને બહારથી પણ સુઘડ એવા આહારો સાત્ત્વિક વ્યક્તિને પ્રિય હોય છે. તેના ઉપરથી તે વ્યક્તિ સાત્ત્વિક છે. તેની શ્રદ્ધા, નિષ્ઠાનો પરિચય થાય છે.
कट्वम्ललवणात्युष्णतीक्ष्णरू क्षविदाहिन:।
आहारा राजसस्येष्टा दु:खशोकामयप्रदा:।।९।।
અર્થ : કડવા, ખાટા, ખારા બહુજ ગરમા-ગરમ, તીખા, લુખા, દાહ કરનારા તેમજ દુઃખ, શોક અને રોગને ઉત્પન્ન કરનારા આવા આહાર-ખાવાના પદાર્થો રાજસ માણસોને પ્રિય હોય છે. ।।૯।।
कटु એટલે અતિ કડવા, अम्ल-અતિ ખાટા રસવાળા પદાર્થો
लवणम् અતિ ખારા રસવાળા પદાર્થો-જો કે ખરેખર તો લવણનો આહાર અસંભવ છે. વળી શાસ્ત્રમાં પ્રત્યક્ષ લવણ ગોમાંસ તુલ્ય ગણીને તેનો નિષેધ કરવામાં આવ્યો છે.(તા.ચં.) અને સાત્ત્વિક પુરુષો પણ માત્ર રુચિ માટે લવણનો ઉપયોગ કરતા હોય છે અને તે પણ શાસ્ત્રસંમત હોવાથી. અતિ ખારા જેને પ્રિય હોય તે જ રાજસ રુચિવાળા ગણાશે.
अतिउष्णम्-જેમાંથી વરાળ નીકળી રહી હોય એવા અત્યંત ગરમ આહાર જેને પ્રિય હોય તે રાજસ શ્રદ્ધાવાળા ગણાશે. स्निग्धं उष्णं च भोजनम् (अष्टांग) એવું કહેવામાં આવ્યું હોવાથી શરીરના ઉષ્ણતામાન જેટલું ગરમ ભોજન ઉત્તમ ગણવામાં આવે છે. માટે અતિ ઉષ્ણ ભોજનને જ રાજસ ભોજન ગણાશે. अतितीक्ष्ण જેમને ખાવાથી નાક, આંખ વગેરેથી પાણી આવવા લાગે એવા. લાલ મરચું વગેરે અધિક તીખા પદાર્થો પણ આહાર રોચન માટે સૌમ્ય માત્રામાં ભેળવવાની શાસ્ત્રની અનુમતિ હોય છે. તેથી અતિ માત્રામાં જ તે રાજસ ગણાશે. અતિ તીક્ષ્ણનું તાત્પર્ય છે, પ્રયોગ સમયથી માંડીને શરીરમાં રહ્યા સમય સુધી પ્રતિકૂળ અસર કરનારા. બધાને અતિ તીક્ષ્ણ બતાવ્યા છે. તેથી અતિ ઠંડા પણ તે કક્ષામાં આવી જશે. અતિ રુક્ષ-स्नेहप्रति पक्षभूतो गुणो रौक्ष्यम् अनुशिष्यते અર્થાત્ ઘી તેલ વગેરે સ્નેહલ પદાર્થથી તદ્દન વિરુદ્ધ ગુણવાળા પદાર્થો-જેમાં ઘી, દૂધ વગેરેનો સંબંધ ન હોય તેવા અધિક લૂખા પદાર્થો-જે અતિ શોષ પાડનારા હોય છે. તેથી વાયુદોષને કોપાવનારા હોય છે અને તાપ આપનારા એવા પદાર્થો.
विदाहिन:- શરીરમાં ગયા પછી દાહ ઉત્પન્ન કરનારા રાઈ વગેરે પદાર્થો.
आहारा राजसस्येष्टा-આ જાતનાં ભોજન પદાર્થો રાજસ મનુષ્યને પ્રિય હોય છે. તેના ઉપરથી તેની નિષ્ઠાની-સ્થિતિની પિછાણ પણ થઈ જાય છે.
રાજસ પદાર્થો दुखशोकामयप्रदा:। આ બધા આહારો દુઃખ આપનારા હોય છે. ધાતુ વૈષમ્ય કરી, રોગ ઊભો કરીને શોકને આપનારા થાય છે અને પાછો રજોગુણ વધારનારા થાય છે.
यातयामं गतरसं पूति पर्युषितं च यत्।
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम्।।१०।।
અર્થ : રાંધ્યા પછી જેના ઉપર ઘણો વખત વીતી ગયો હોય, રસ વિનાનું, દુર્ગંધવાળું, વાસી અને ઉચ્છિષ્ટ તથા અપવિત્ર એવું જે ભોજન તે તામસજનોને પ્રિય હોય છે. ।।૧૦।।
यातयामम्-याम: श्रेष्ठ: अंश: યામ એટલે અન્નનો જે શ્રેષ્ઠ અંશ હોય તેને યામ કહેવામાં આવે છે. યાતયામઃ એટલે તે શ્રેષ્ઠ અંશ જેમાંથી ચાલ્યો ગયો છે એવું અન્ન અર્થાત્અન્ન રાંધ્યા પછી લાંબો સમય પછી રહેલું હોય તેવું. તેમાં પણ બધા જ અન્નને રાંધીને સમય જતાં તેમાં દોષ આવી જાય છે એવું હોતું નથી. કેટલાક અન્ન રાંધ્યા પછી પણ ઘણા સમય સુધી પોતાના મૂળ સ્વરૂપમાં રહી શકે છે અને કેટલાક અન્ન જલદી વિકૃતિ લાવી દે છે. માટે તેનું તાત્પર્ય છે કે રાંધ્યા પછી જે આહારમાં જેટલા સમયમાં દુષ્ટતા આવતી હોય તેટલા સમય પછીની તે ચીજ હોય તે યાતયામ કહેવાય. વધારે પાકી ગયેલાં ફળો વગેરે પણ એવા કહેવાય.
गतरसम्-ગમે તે આહારને ગમે તે રીતે પકાવે તો પણ સર્વ રસત્યાગનો સંભવ નથી. કોઈક રસ તો રહે જ છે. તો પછી ગતરસનું તાત્પર્ય એ છે કે, આહારનો જે સ્વાભાવિક રસ હોય તે દૂર થઈ ગયો હોય, સુકાઈ ગયો હોય અથવા મશીન વગેરેને યોગે નાશ પામ્યો હોય તેવા આહારને અહીં ગતરસ ગણાવ્યો છે.
पूति-દુર્ગંધયુક્ત હોય તેવો, સડવાથી પેદા કરવામાં આવેલો હોય એવો દારૂ અને સ્વાભાવિક દુર્ગંધવાળા પદાર્થો ડુંગળી, લસણ, વઘારણી(હિંગ) વગેરે पूति પદાર્થો કહેવાય.
पर्युषितम्-એટલે વાસી. પાણી અને મીઠું મેળવીને બનાવેલા રોટલા વગેરે અથવા શાક વગેરે પદાર્થો રાત્રિ વીતતા વાસી કહેવાય છે. જેમાં હેય વિકૃતિ આવી જતી હોય એવી રસાન્તર પ્રક્રિયા થાય અને તેટલો સમય વીતિ જાય તે વાસી ગણાય. અન્યથા દૂધમાંથી દહીં બનવા રાત્રી પસાર થવા દેવી પડે છે અને રસાન્તરોત્પત્તિ પણ થાય છે પણ તે હેય રસાન્તરોત્પતિ નથી. તે તો ઈચ્છિત હોવાથી તે વાસી બનતું નથી અને ગરમ કરેલું પાણી બીજે દિવસે વિકૃત થયું ન હોવા છતાં પણ તેને पर्युषितम् જાણીને ત્યાગ કરવામાં આવે છે. તેથી શુદ્ધ દૂધ, ઘી, ખાંડ વગેરેથી બનેલા અથવા અગ્નિ પર ચઢેલા પેંડા, મગજ, લાડુ વગેરે જે પદાર્થો છે તેમનામાં જ્યાં સુધી કુદરતી સ્વાભાવિક સ્વાદ જળવાઈ રહે છે ત્યાં સુધી તે વાસી નથી માનવામાં આવતા. તે બધા પદાર્થોમાં દરેકની સમયમર્યાદા થતાં સ્વાભાવિક સ્વાદ મંદ પડવા લાગે છે, ત્યારે તેને યાતયામ કહેવાય છે અને પછી વધારે વિકૃતિ થઈ દુર્ગંધી પણ પેદા થાય તો पूति પણ થઈ જાય છે.
उच्छिष्टम्-ભુક્તાવશેષ એટલે ભોજનના પાત્રમાં બચેલું અથવા એંઠા હાથથી સ્પર્શાયેલું. જેને ગાય, બિલાડી, કૂતરું, કાગડો વગેરે પશુ-પક્ષી સૂઘંી લે કે ખાઈ લે તે બધું એઠું માનવામાં આવે છે. તે તામસ પ્રિય હોય છે. ખરેખર તામસી માણસો જમવાનો આગ્રહ રાખે છે એવું નથી પણ તેનું તાત્પર્ય એ છે કે તામસ વ્યક્તિને આવા દોષથી દોષિત આહાર અગ્રાહ્ય બનતો નથી. તેની તેને સૂગ નથી અને તે આહાર લેવામાં તે જરા પણ અચકાતા નથી કે દોષ પણ ગણતા નથી. તેનાથી તે તામસી પ્રકૃતિ છે, તેમ અનુમાની શકાય છે. આજે આ બાબતમાં કોઈ તપાસવાનું શેષ રહ્યું જ નથી. આ બાબતે શાસ્ત્રોમાં પોતાની ઊંચી અધ્યાત્મ સ્થિતિએ પહોંચેલા ગુરુજનોનું કે મહાપુરુષોનું ઉચ્છિષ્ટ ખાવામાં દોષ નથી પણ તે પાવનકારી મનાય છે. જેની કથા ભાગવતમાં નારદજીનું વૃતાંત છે.
अमेध्यम्-રજવીર્યથી ઉત્પન્ન થયેલ એવા ઈંડા, માંસ, માછલી વગેરે મહાન અપવિત્ર પદાર્થો જે મડદાં છે અને જેમને અડકવાથી સ્નાન કરવું પડે છે. એવા પદાર્થો અહીં તામસ ભોજનમાં अमेध्यम्-શબ્દનો પ્રયોગ કરીને ભગવાન જાણે આ ચીજોનું નામગુણ વર્ણન પણ કરવા નથી ઈચ્છા માટે અમેધ્ય એટલું કહીને તેને બંધ કરી દે છે. ખરેખર તો મેધા વિરોધીને અમેધ્ય કહેવાય. ભગવાનને માર્ગે ચાલનારી પવિત્ર બુદ્ધિને મેધા કહેવાય. તેને પ્રતિકૂળ એટલે અમેધ્ય. જે યજ્ઞને યોગ્ય ન હોય તેમાં પણ પરમાત્માને નિવેદિત ન થયા હોય એવા પદાર્થોને અમેધ્ય ગણવા જોઈએ.
અને अपि च શબ્દોથી એવા પદાર્થોને પણ લઈ લેવા જોઈએ જે શાસ્ત્રનિષિદ્ધ માનવામાં આવ્યા છે. જે તે વર્ણ કે આશ્રમને માટે અગ્રાહ્ય માનવામાં આવ્યા હોય તે બધા પદાર્થોનો આહાર તામસ વ્યક્તિને રુચિકર બને છે.
भोजनं तामसप्रियम्-એવું ભોજન તામસ મનુષ્યને પ્રિય લાગે છે. એનાથી એની નિષ્ઠા-સ્થિતિની ઓળખાણ થાય છે.
ઉપર્યુક્ત ભોજનોમાંથી સાત્ત્વિક ભોજન પણ જો રાગપૂર્વક ખાવામાં આવે, આસક્તિ પૂર્વક ગ્રહણ કરવામાં આવે, તો તે રાજસ થઈ જાય છે અને લોલુપતાપૂર્વક અતિ માત્રામાં ખાવામાં આવે કે જેનાથી અજીર્ણ વગેરે થઈ જાય તો તે જ ભોજન તામસ બની જાય છે.એવી જ રીતે માધુકરી-ભિક્ષામાં સંન્યાસી ભિક્ષુકને લૂખું, સૂકું અન્ન મળ્યું હોય. વાસી પણ હોય કે જે રાજસ, તામસ પ્રકારનું હોય પણ જે પરમાત્માને નિવેદન કરીને સ્વલ્પમાત્રામાં ખાય તો તે ભોજન પણ ભાવ અને ત્યાગથી સાત્ત્વિક બની જાય છે. સ્વલ્પ માત્રા અર્થાત્ભોજન કર્યા બાદ પેટના પડખાં તણાવા ન જોઈએ. જેથી પેટ યાદ ન આવવું જોઈએ. કેમકે પેટ બે કારણોથી યાદ આવે છે. અધિક ખાવાથી જ્યારે તણાય ત્યારે સતત યાદ આવે અને બહુ જ ઓછું ખાવાથી. એટલે કે ખૂબ જ ખાલી થઈ જવાથી. માટે અહીં કોઈ આહાર્ય પદાર્થોનાં નામ ન લખતાં પરિણામનું જ વધારે વર્ણન કરાયું છે. આહાર્ય પદાર્થોની સાત્ત્વિકતા, રાજસતા કે તામસતા તો શાસ્ત્રની મર્યાદાની સાથે સાથે તેના પરિણામને પણ જોઈને નક્કી કરાય છે.
ચાર શ્લોકોના આ પ્રકરણમાં ત્રણ પ્રકારના આહારનું વર્ણન સાત્ત્વિક, રાજસ, તામસનું વર્ણન દેખાય છે; પરંતુ વાસ્તવમાં અહીં આહારનો પ્રસંગ નથી. ‘આહારી’ની રુચિનો પ્રસંગ છે તેથી અહીં ‘આહારી’ની રુચિનું જ વર્ણન થયું છે. જે નીચેના મુદ્દા તપાસતાં જણાઈ આવશે. આ આઠ, નવ અને દસમાં શ્લોકમાં सात्त्विकप्रिया: राजस्येष्टा: અને तामसप्रिया: એવા શબ્દો પ્રયોજ્યા છે. જો આહારને લક્ષ્યમાં રાખ્યો હોય તો આ સાત્ત્વિક આહાર છે. આ રાજસ આહાર છે. આ તમાસ આહાર છે. એમ ભગવાને બતાવ્યું હોત પણ ભગવાનને તો વ્યક્તિનો પ્રકાર અથવા તેની શ્રદ્ધાનો પ્રકાર કે રુચિનો પ્રકાર બતાવવા માટે પ્રકરણ બતાવ્યું છે.
બીજી વાત એ છે કે, સાત્ત્વિક આહારમાં પ્રથમ ફળ બતાવીને, બીજી લીટીમાં ભોજનના પદાર્થોનું વર્ણન કર્યું છે. કારણ કે સાત્ત્વિક સાધક ભોજન કરવામાં ભોજનના પદાર્થો કેટલા સુંદર અને લલચામણા છે, તેના કરતાં તેનું પરિણામ કેટલું સારું અને ઉત્તમ છે. તે પરિણામને માપીને પછી પદાર્થને ગ્રહણ કરે છે અને એવો વિચાર પદાર્થ ગ્રહણ કરતાં પહેલાં આવવા એ જ વ્યક્તિની સાત્ત્વિકતા છે. રાગી હોવાથી રાજસ મનુષ્યોની દૃષ્ટિ સહુથી પહેલાં ભોજન પર જ જાય છે. એટલા માટે રાજસ આહારના વર્ણનમાં પહેલા कटवम्ल વગેરે ભોજન પદાર્થોનું વર્ણન કર્યું છે પછી दु:खशोकामयप्रदा:। પરિણામનું વર્ણન કર્યું છે અને રાજસ માણસોને રાગની આંધીમાં પરિણામ જોવાનો તેને સમય જ નથી હોતો. તે પદાર્થને જુએ છે કે જીભને ઉત્તેજના આપનાર ખટાશ, તીખાશ વગેરે છે? બસ પૂરું થઈ રહ્યું. તેને ભોજન માટે સ્વાદેન્દ્રિયનો ઉશ્કેરાટ એ જ ભોજનનું સર્વસ્વ ફળ છે. તેઓ જીવવા માટે આહાર લેતા હોતા નથી; પરંતુ અહાર લેવા માટે જીવતા હોય છે. જ્યારે સાત્ત્વિક સાધકોને જીવવા માટેના એક સાધનરૂપે આહાર લેતા હોય છે. માટે તે શ્લોકમાં પ્રથમ आयु: सत्त्वं… શબ્દથી શરૂઆત કરી છે અને કોઈપણ રસની અતિશયતા થયા વિના ઉત્તેજના સંભવતી નથી. માટે રાજસને ખાસ કરીને પોતાને અનુકૂળ સ્વાદની ઉત્તેજના જો આહારમાં ન હોય તો તેને જરા પણ પસંદ કરશે નહિ. જો તે પરિણામને જોઈને આહાર લેવા જાય તો ભોજનમાં આનાકાની થશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ આહાર કરવાના બદલામાં પોતાને દુઃખ, શોક થાય એવું ઈચ્છતા હોતા નથી. રાગ હોવાને કારણે પરિણામનો વિચાર તેમને થતો નથી.
સાત્ત્વિક ભોજનનું ફળ પહેલાં, ને રાજસ ભોજનનું ફળ પછી બતાવવામાં આવ્યું; પરંતુ તામસ ભોજનનું ફળ જ શ્લોકમાં બતાવવામાં આવ્યું નથી. કારણ કે રાજસ મનુષ્યને ભોજન કર્યા બાદ જે ફળ આવે છે તેનું ભાન તો જરૂર થાય છે કે આ દુઃખ કે આ રોગ(ડાયાબીટીસ અલ્સર, બ્લોકેજ વગેરે) આવા આહારથી થયો છે પણ રાગની પરાધીનતાથી રોકી શકાતો નથી. જ્યારે તમોગુણના વર્ણનમાં તો મૂઢતાને કારણે ઘોર પરિણામને ભોગવે તોયે ભાન થતું નથી. તામસી ભોજન અને તેના ફળનો કયારેય વિચાર કરતો જ નથી. ભોજન ન્યાયયુક્ત છે કે નહિ, તેમાં અમારો અધિકાર છે કે નહિ, શાસ્ત્રોની આજ્ઞા છે કે નહિ અને પરિણામે અમારા મનબુદ્ધિના બળને વધારનારું છે કે નહિ-આ બધી વાતોનો કોઈપણ વિચાર ન કરીને તામસ વ્યક્તિ પશુઓની જેમ આહારમાં પ્રવૃત્ત થાય છે. તાત્પર્ય એ થાય છે કે તામસ-ભોજન કરવાવાળો આસુરી સંપત્તિનો હોય છે.
વળી બીજી વાત એ છે કે ભગવાનને અહીં આહારનું જ વર્ણન કરવું હોત તો તેઓ આહારની વિધિનું અને તેને માટે કર્મોની શુદ્ધિ-અશુદ્ધિનું પણ વર્ણન કરત. જેમ કે શુદ્ધ કમાણીથી ખાદ્ય પદાર્થો મેળવવામાં આવે, ચોકો બનાવવામાં આવે ભગવાનને અર્પણ કરવામાં આવે. પ્રસાદ બુદ્ધિથી અને ભગવાનનું ચિંતન કરતાં કરતાં ભોજન ગ્રહણ કરવામાં આવે-એવું ભોજન સાત્ત્વિક હોય છે.
સ્વાર્થ અને અભિમાનની પ્રધાનતાને લીધે નીતિ-અનીતિનો કોઈ વિચાર ન થયો હોય, સ્વાદ, શરીરની પુષ્ટિ, ભોગ માટે પદાર્થો ખરીદવામાં આવે, જીહ્વાને સ્વાદિષ્ટ લાગે અને દેખાવમાં પણ સુંદર રહે તેમ બનાવવામાં આવે અને આસક્તિપૂર્વક ખાવામાં આવે એવું ભોજન રાજસ ભોજન કહેવાય છે.
જૂઠ, કપટ, દગાબાજીથી મેળવેલું હોય, અખાદ્ય પદાર્થો હોય, વિધિ-વિધાન-શાસ્ત્રમર્યાદા-વર્ણ-આશ્રમ મર્યાદાનો ખ્યાલ ન કરવામાં આવે-વિના હાથપગ ધોયે તેમ જ બુટ-ચપ્પલ જોડા પહેરીને અશુદ્ધ પરિસ્થિતિમાં જમવામાં આવે. એવું ભોજન તામસ હોય છે. ભગવાનને અહીં ભોજનનું વર્ણન નહિ કરીને વ્યક્તિને જ બતાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
ઉપનિષદોમાં આવે છે કે જેવું અન્ન હોય છે તેવું જ મન બને છે. अन्नमयं हि सौम्य मन:(છાં.૬/૫/૪) અર્થાત્અન્નની અસર મન પર પડે છે. અન્નના સૂક્ષ્મસાર ભાગથી મન(અંતઃકરણ) બને છે. બીજા નંબરના ભાગથી વીર્ય બને છે. ત્રીજા નંબરના ભાગથી રક્ત બને છે અને બાકી રહ્યો જે સ્થૂળ ભાગ મળરૂપે શરીર બહાર નીકળી જાય છે. આથી મનને શુદ્ધ બનાવવા માટે ભોજન શુદ્ધ, પવિત્ર હોવું જોઈએ. ભોજનની શુદ્ધિથી મનની(અંતઃકરણની) શુદ્ધિ થાય છે. आहारशुद्धौ सत्त्वशुद्धि:(છાં.૨/૨૬/૨) જ્યાં ભોજન કરીએ છીએ ત્યાંનું સ્થાન, વાયુમંડળ, દૃશ્ય અને જેના પર બેસીને ભોજન કરીએ છીએ, તે આસન પણ શુદ્ધ પવિત્ર હોવું જોઈએ.
કારણ કે ભોજન કરતી વેળાએ પ્રાણો જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તેઓ શરીરના બધા જ રોમકૂપોથી આસપાસના પરમાણુઓને પણ ખેંચે છે-ગ્રહણ કરે છે. આથી તે બધાની મન પર અસર થશે. વળી ભોજન બનાવવાવાળાના ભાવો, વિચાર પણ શુદ્ધ સાત્ત્વિક હોવા જોઈએ. ભોજન કરતાં પહેલાં હાથ, પગ, મુખ, પવિત્ર જળથી ધોઈને શુદ્ધિ કરવી જોઈએ. ભોજન કરતી વખતે ઈષ્ટદેવનું ચિંતન-નામ લેતાં લેતાં ભોજન કરવું જોઈએ. ભોજન કરતી વેળા કોઈ જાતનો આવેશ-આવેગ ન હોવો જોઈએ. તે આવેગોની અસર ભોજન પર પડે છે અને તેવું જ અંતઃકરણ બને છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે સૈનિક લોકો જ્યારે ગાયને દોહે છે ત્યારે દોહતા પહેલાં વાછરડાને છોડે છે અને તે વાછરડાની પાછળ કૂતરાને છોડે છે. પોતાના વાછરડાની પાછળ કૂતરાને દેખીને ગાય જ્યારે અતિ ગુસ્સામાં આવીને મારક મુડમાં આવી જાય છે, ત્યારે વાછરડાને બાંધી દે છે અને ગાયને દોહે છે. તે દૂધ સૈનિકોને પીવડાવે છે જેથી તે લોકો વધારે ઘાતકી બને છે. એવી રીતે અંતઃકરણ ઉપર અસર પડે છે. તેવી જ રીતે ભોજન કરવાવાળાની તથા કરાવવાવાળાના ભાવની પણ મન પર અસર પડે છે અને મનની પવિત્રતાને દૂષિત કરી દે છે. ભોજનને અંતે આચમન-ચળું કરી પાણી પીવું જોઈએ. અજીઠા મુખે બહાર ન ફરવું જોઈએ.
अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते।
यष्टव्यमेवेति मन: समाधाय स सात्त्विक:।।११।।
અર્થ : શાસ્ત્રવિધિ પ્રમાણે કરવામાં આવતો અને કરવોજ જોઈએ એ આપણી ફરજ-કર્તવ્ય છે, એમ મનમાં સમાધાન-નિશ્ચય કરીને ફળાનુસંધાન નહિ રાખનારા નિષ્કામ માણસોએ કરેલો યજ્ઞ તે સાત્ત્વિક યજ્ઞ છે. ।।૧૧।।
यष्टव्यमेवेति… જ્યારે મનુષ્ય શરીર મળી ગયું અને પોતાનું કર્તવ્યકર્મ કરવાનો અધિકાર પણ પ્રાપ્ત થઈ ગયો તો પોતાના વર્ણાશ્રમમાં શાસ્ત્રની આજ્ઞા અનુસાર યજ્ઞ કરવો માત્ર મારું કર્તવ્ય છે. एव इति આ બે અવયવો લગાડવાનું તાત્પર્ય એ છે કે તેના સિવાય બીજો કોઈ ભાવ ન રાખવો. અર્થાત્આ યજ્ઞથી લોકમાં અને પરલોકમાં મને શું મળશે? આનાથી મને શું લાભ થશે? એવો ભાવ પણ ન રહે, કેવળ કર્તવ્ય માત્ર રહે. એટલું જરૂર રહે કે આ કર્તવ્ય પરમાત્માને ખુશી કરવા હું અદા કરું છું. એટલું જરૂર રાખવું.
જ્યારે જે કર્તવ્યના ફળમાં કંઈ મળવાની આશા જ નથી રાખવાની તો પછી (ફલેચ્છાનો ત્યાગ કરીને) યજ્ઞ કરવાની જરૂર જ શું છે? એના ઉત્તરમાં-ભગવાન કહે છે કે, मन: समाधाय અર્થાત્‘યજ્ઞ કરવો મારું કર્તવ્ય છે’ અથવા ભગવાનને રાજી કરવા, યજ્ઞ કરવો એ મારું કર્તવ્ય છે. એવું મનને સમાધાન આપીને યજ્ઞ કરવો જોઈએ.
अफलाकाङ्क्षिभि: આ લોક પરલોકમાં મને આ યજ્ઞથી અમુક ફળ મળે-અથવા માન-બડાઈ કીર્તિ વગેરે મળે. એવો ભાવ રાખવાવાળો ન હોય.
यज्ञो विधिदृष्टो य इज्यते-શાસ્ત્રોમાં જે વિધિવિધાન બતાવ્યાં છે, તેના અનુસારે જ યજ્ઞ કરવામાં આવે. આ રીતે જે યજ્ઞ કરવામાં આવે છે તે સાત્ત્વિક વ્યક્તિ હોય છે स: सात्त्विक:।
સાત્ત્વિકતાનું તાત્પર્ય શું છે? તેના ઉપર થોડો વિચાર કરીએ ‘यष्टव्यम्’ ‘યજ્ઞ કરવો માત્ર કર્તવ્ય છે’ એવો જ્યારે ઉદ્દેશ્ય રહે છે ત્યારે તે યજ્ઞની સાથે પોતાનો સંબંધ નથી જોડાતો. જે કરવા યોગ્ય છે, જે પોતાના સામર્થ્યને અનુરૂપ હોય, જેને અવશ્ય કરવું જોઈએ અને જેને કરવાથી ઉદ્દેશ્યની સિદ્ધિ અવશ્ય થાય છે. ‘કર્તવ્ય’ હોય છે તે કર્તવ્યને યજ્ઞમાં ‘यष्टव्य’ અને દાનમાં ‘दातव्य’ શબ્દથી બતાવવામાં આવે છે. એવી રીતે યજ્ઞ-દાન થાય ત્યારે તે યજ્ઞ-દાનનો પોતાની સાથે સંબંધ નથી જોડાતો; પરંતુ જ્યારે કર્તામાં વર્તમાન માન, આદર, સત્કાર વગેરે મળે. મર્યા પછી સ્વર્ગ વગેરે લોક મળે અને પછીના જન્મમાં ધન વગેરે પદાર્થો મળે. આ પ્રકારની ઈચ્છાઓ હશે ત્યારે તેનો તે યજ્ઞ-દાન સાથે સંબંધ જોડાઈ જશે. તાત્પર્ય એ છે કે ફળની ઈચ્છા રાખવાથી જ યજ્ઞની સાથે સંબંધ જોડાય છે. કેવળ કર્તવ્ય માત્રનું પાલન કરવાથી તેની સાથે સંબંધ નથી જોડાતો. ઊલટો તેની સાથે અંતરથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને સ્વાર્થ તથા અભિમાન ન રહે તો કર્તાની અહંતા શુદ્ધ થઈ જાય છે.
આમાં એક મોટી માર્મિક બાબત એ છે કે, કોઈ પણ કર્મ કરવામાં કર્તાનો કર્મની સાથે સંબંધ રહે છે. કર્મ કર્તાથી અલગ નથી હોતું એ કર્તાની જ પ્રતિકૃતિ હોય છે તે અર્થાત્જેવો કર્તા હશે તેવાં જ કર્મો થશે. તેથી આ જ અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાને કહ્યું છે જે यो यच्छ्रद्ध: स एव स: અર્થાત્ જે જેવી શ્રદ્ધાવાળો છે. તેવું જ તેનું સ્વરૂપ હોય છે અને તે શ્રદ્ધાના અનુસાર તેનાથી ફરી કર્મ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે, કર્તાનો કર્મની સાથે સંબંધ હોય છે ને કર્મની સાથે સંબંધ હોવાથી જ કર્તાને બંધન થાય છે. કેવળ કર્તવ્ય માત્ર સમજીને કર્મ કરવાથી કર્તાનો કર્મની સાથે સંબંધ રહેતો નથી અર્થાત્કર્તા મુક્ત થઈ જાય છે.
કેવળ કર્તવ્ય માત્ર સમજીને કર્મ કરવું એટલે શું? તો પોતાના માટે કાઈ કરવાનું નથી તેમ જ પરમાત્માએ આપેલી સામગ્રી-દેહ, ઈન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે સામગ્રીને નિરર્થક નથી કરવાની. તેને પરમાત્માને અર્થે ઉપયોગ થાય તેમ સદ્ઉપયોગ કરવાનો છે. તેનો ઉપયોગ પોતાના વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં કરવાનો નથી. એવી ભાવનાથી વ્યક્તિ કર્તવ્ય નિભાવ કરશે ત્યારે તે ફલાકાંક્ષી નહિ રહે અને કર્મોનું ફળ કર્તાને બાંધી શકશે નહિ. અર્થાત્યજ્ઞની ક્રિયા અને યજ્ઞના ફળની સાથે કર્તાનો સંબંધ નહિ રહે. કર્તા-ક્રિયા અને ફળની સાથે પોતાનો સંબંધ માની લે છે. આ માનેલા સંબંધને જ્યાં સુધી નથી છોડતો ત્યાં સુધી એ જન્મમરણના બંધનથી છૂટી શકતો નથી. फले सक्तो निबध्यते(ગી. ૫/૧૨)
ગીતામાં જે સત્ત્વગુણ કહ્યો છે તે સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરીને પરમાત્માની પાસે લઈ જવાવાળો હોવાથી નિર્ગુણ ભાવને પમાડનારો છે. ‘सत्त्वं यद् ब्रह्मदर्शनम्’ પરમાત્માને પામવાના સાધનરૂપ કહ્યો છે. શ્રીમદ્ભાગવતમાં એકાદશ સ્કંધના પચીસમાં અધ્યાયમાં જ્યાં ગુણ વિભાગ-તામસ, રાજસ અને સાત્ત્વિક-આ ત્રણ ગુણોનું વર્ણન થયું છે, ત્યાં તેમની સાથે એક ‘નિર્ગુણ’ વિભાગ વધારે કહ્યો છે. જ્યારે ગીતામાં ત્રણ જ ગુણો-ત્રણ જ વિભાગ કહેવામાં આવ્યા છે. જ્યારે બન્નેના વક્તા શ્રીકૃષ્ણ ભગવાન એક જ છે તો આવો ભેદ કેમ પડયો? તો તેનું સમાધાન એ છે કે ગીતામાં જે સાત્ત્વિક ભાવ છે, તેમાં ભગવાને ‘यष्टव्यम्’(૧૭/૧૧) ‘दातव्यम्’(૧૭/૨૦) ‘कार्यमित्येव’(૧૮/૯) વગેરે પદો કહ્યાં છે તેનું તાત્પર્ય એ રહે છે કે કર્તાનો ‘યજ્ઞ કરવા માત્ર, દાન દેવા માત્ર અને કર્તવ્ય કર્મ કરવા માત્રનો ઉદ્દેશ્ય રહે છે. તેનો કર્મ અને કર્મફળની સાથે, પ્રકૃતિ અને તેના કાર્યની સાથે લેશમાત્ર પણ સંબંધ નથી રહેતો. અર્થાત્ તે નિર્ગુણ થઈ જાય છે. આથી સાત્ત્વિકતા અને નિર્ગુણપણું-એકમાં આવી જતું હોવાથી ગીતામાં નિર્ગુણભાવનું અલગ વર્ણન નથી કરાયું.
ગીતામાં જ્યાં સત્ત્વગુણને અનામય બતાવ્યો છે તેમ સત્ત્વગુણથી બંધન થવાની વાત પણ કહી છે(૧૪/૬) અને એમ પણ બતાવ્યું છે કે, સત્ત્વગુણમાં સ્થિત પુરુષો ઊર્ધ્વલોકમાં જાય છે.(૧૪/૧૮) આનુ તાત્પર્ય એ છે કે બંધન સત્ત્વગુણથી નથી થતું; પરંતુ તેનો સંગ કરવાથી કે તેની પ્રાકૃતિક આસક્તિથી થાય છે. ‘सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गोन चानघ (૧૪/૬) એવા ભાવથી सत्त्वस्था:(૧૪/૧૮) તે બંધનકારક બને છે. માટે સત્ત્વગુણી ત્યારે જ પરમાત્માને પામે કે જ્યારે સત્ત્વગુણમાં રહ્યો થકો પણ સત્ત્વગુણથી ઉપર ઊઠીને રહે, સત્ત્વગુણથી પર થાય. અર્થાત્સત્ત્વગુણના સંગથી આસક્તિથી સર્વથા રહિત બને.
ગીતાના અનુસાર સત્ત્વગુણી સાધક અને ભાગવત એકાદશ સ્કંધના અનુસાર નિર્ગુણ સાધકમાં તફાવત એ રહેશે કે ગીતા મુજબ સત્ત્વ સાધના કર્યા પછી પણ તેનો ઉદ્દેશ્ય ભગવાનમાં જોડાવાનો સ્પષ્ટ હોવો જોઈએ. સાત્ત્વિક સાધના જગતથી છૂટવાનો રસ્તો સહેલો બનાવી દે છે પણ સ્વયં પરમાત્મામાં જોડી છે એવું નથી. તેમાં પરમાત્માને પામવાનો ઉદ્દેશ્ય ભળે તો તે જરૂર પરમાત્માને પમાડે છે. નિર્વિઘ્ન રીતે પમાડે છે. જ્યારે ભાગવત-એકાદશ સ્કંધની જે નિર્ગુણ સાધના કહો કે ભક્તિયોગીની સાધના કહો તેમાં નિર્ગુણ પદાર્થ એવા પરમાત્મા સાથે સંબંધ પ્રથમ જોડવામાં આવે છે ને પ્રકૃતિથી છૂટવા માટે વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. તેથી સાધક સાત્ત્વિક ભાવની ઉપેક્ષાથી નિર્ગુણ ગણાતા ક્રિયાકલાપની વચ્ચો વચ્ચ રહ્યો થકો પણ એવો પ્રાકૃતિક ભાવોમાં ફસાઈ પડ્યો હોય છે કે, નિર્ગુણ ક્રિયાકાંડના માહોલ વચ્ચે હોવા છતાં ભગવાન તેને ત્યાંથી ઉખેડી શકતા નથી. પોતે પણ પોતાની જાતને નિર્ગુણ કહેવરાવવા છતાં જગતરસ લેશ પણ ઓછો થતો હોતો નથી. આ નિર્ગુણ સાધનાની વિટંબણા છે. ખરેખર તો દૈવી સંપત્તિમાં અર્થાત્ભક્તિયોગીને જે ગુણ મેળવવાના છે, તે તમામ સાત્ત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે અને સાત્ત્વિક ગુણ સંપત્તિ છે, તેનાથી ભક્તિ સાધનામાં કોઈ ગુણ વધારે હોય તેવું દેખાતું નથી. સિવાય કે બન્ને સાધકોને પોતપોતાનું વિશિષ્ટ અભિમાન. તટસ્થ ભાવથી જોતાં સાત્ત્વિક ગુણ સંપત્તિની ઉપેક્ષા કરીને નિર્ગુણ સાધક પણ નિર્ગુણ થઈ શકે કે કેમ? તે વિચારવા જેવું છે. જ્યારે ગમે તેવી ઉર્વરક સાત્ત્વિક સંપત્તિ હોવા છતાં તેમાં પરમાત્માને પામવાનો સાચો ઉદ્દેશ્ય ન ગોઠવાય ત્યાં સુધી તે પણ પ્રકૃતિના સામ્રાજ્યથી છૂટી ને પરમપદને પામવું દુર્લભ રહેશે.
अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत्।
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम्।।१२।।
અર્થ : હે ભરત શ્રેષ્ઠ ! ફળનું અનુસંધાન રાખીને તો તેમજ દંભને-ખાલી મોટાઈને પોષવાને માટેજ જે યજ્ઞ કરવામાં આવે છે. તેને તું રાજસ યજ્ઞ જાણ ! ।।૧૨।।
अभिसन्धाय तु फलम्- ફળ અર્થાત્ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ કરવાની કામના રાખીને જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસ થઈ જાય છે.
આ લોકમાં અમને ધન વૈભવ મળે, સ્ત્રી પુત્ર પરિવાર સારો મળે, નોકર ચાકર, ગાય ભેંસ પણ અમારે અનુકૂળ મળે, અમારું શરીર નિરોગી રહે, અમારો આદર સત્કાર, માનબડાઈ, પ્રસિદ્ધિ થઈ જાય તથા મર્યા બાદ પણ અમોને સ્વર્ગ વગેરે લોકોના દિવ્ય ભોગો મળે વગેરે ઈષ્ટની પ્રાપ્તિની કામનાઓ છે.
અમારા વેરી નષ્ટ થઈ જાય, સંસારમાં અમારું અપમાન, બેઆબરૂ, તિરસ્કાર વગેરે કદી ન થાય. અમારે પ્રતિકૂળ પરિસ્થિતિ કદી આવે જ નહિ વગેરે અનિષ્ટની નિવૃત્તિની કામનાઓ છે.
दम्भार्थमपि चैव यत्-લોકમાં અમે યજ્ઞ કરનારા તરીકે કે સારા-આદર્શ વ્યક્તિતત્વવાળા તરીકે પ્રસિદ્ધ જલદી થઈ જઈએ. લોકો અમને અંદરથી સદ્ગુણી, સંયમી, સદાચારી, તપસ્વી, દાની, ધર્માત્મા, યાજ્ઞિક વગેરે માને. જેથી સંસારમાં અમારી તેવા વ્યક્તિ તરીકે કીર્તિ પ્રસિદ્ધિ થઈ જાય. એવા દેખાડાને લીધે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસ કહેવાય છે અને વળી પરલોકમાં સારા ફળની આશા તો હોય જ. તે चैव શબ્દથી બતાવ્યું છે.
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम्-આવી રીતે ફળની કામના અને દંભ-દેખાડા માટે જે યજ્ઞ કરવામાં આવે છે કે કોઈ પણ વૈદિક-શાસ્ત્રીય સારું કામ કરવામાં આવે છે તે રાજસ થઈ જાય છે.
જે યજ્ઞ, કામના પૂર્તિને માટે કરવામાં આવે છે; તેમાં શાસ્ત્રની વિધિની પ્રધાનતા કરવી પડે છે. કારણ કે યજ્ઞની વિધિમાં અને ક્રિયામાં જો કોઈ જાતની ઊણપ રહેશે તો તેનાથી પ્રાપ્ત થવાવાળા ફળમાં પણ ઊણપ આવી જશે. એ જ રીતે યજ્ઞની વિધિમાં અને ક્રિયામાં વિપરીત વાત આવી જશે તો તેનું ફળ પણ વિપરીત આવી જશે. અર્થાત્તે યજ્ઞ, સિદ્ધિ ન આપી ઊલટો યજ્ઞકર્તાને ઘાતક થઈ જશે; પરંતુ જે યજ્ઞ કેવળ દેખાડવાને માટે કરવામાં આવે છે તેમાં શાસ્ત્રવિધિની દરકાર નથી હોતી તથા જે યજ્ઞ કેવળ નિષ્કામ ભાવથી પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરાય છે તેમાં વિધિનું પાલન જરૂર થાય છે પણ તેમાં એટલું બધું વિધિને મહત્ત્વ નથી અપાતું જ્યારે તામસી પ્રકારના યજ્ઞમાં જ્ઞાન, ભાવ વગેરેની વિપરીતતાને લઈને વિધિની બિલકુલ ખેવના રહેતી નથી. રાજસ યજ્ઞમાં દંભ હોવાથી તેનો ઉદ્દેશ્ય લોક પ્રખ્યાતિ પ્રધાન રહેશે.
અહીં विद्धि ક્રિયા આપવાનું તાત્પર્ય એ છે કે, હે અર્જુન ! સાંસારિક રાગ જ(કામના) જન્મ-મરણનું કારણ છે આથી આ વિષયમાં તારે વિશેષ સાવધાન રહેવાનું છે.
विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम्।
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते।।१३।।
અર્થ : શાસ્ત્રવિધિ સિવાયનો, અન્નનું પણ દાન જેમાં ન હોય, મંત્રનું ઉચ્ચારણ કર્યા સિવાયનો, દક્ષિણાઓ પણ જેમાં ન અપાય અને જેમાં શ્રદ્ધા પણ ન હોય એવા યજ્ઞને તામસ યજ્ઞ કહેવામાં આવે છે. ।।૧૩।।
विधिहीनम्-અલગ અલગ યજ્ઞોની અલગ અલગ વિધિઓ હોય છે અને તેમના અનુસાર યજ્ઞકુંડ, સ્થાપન, પાત્ર, સામગ્રી વગેરે હોય છે. જ્યારે તામસ યજ્ઞમાં આ વિધિઓનું પાલન થતું નથી; પરંતુ ઉપેક્ષાપૂર્વક વિધિનો ત્યાગ થાય છે.
असृष्टान्नम्-તામસ મનુષ્યો જે દ્રવ્યયજ્ઞ કરે છે તેમાં બ્રાહ્મણ વગેરેને અન્નદાન નથી આપવામાં આવતું. તામસ મનુષ્યનો એવો ભાવ રહે છે કે, મફતમાં રોટલા મળવાથી તેઓ આળસુ થઈ જશે; કામ ધંધો નહિ કરે.
मन्त्रहीनम्-વેદોમાં અને વેદાનુકૂળ શાસ્ત્રોમાં કહેલા મંત્રોથી જ દ્રવ્યયજ્ઞ કરવામાં આવે છે. મંત્રાધીન દેવતાને ગણવામાં આવે છે; પરંતુ તામસ મનુષ્યો પ્રણીત યજ્ઞમાં વૈદિક તથા શાસ્ત્રીય મંત્રોનું યથાર્થ પાલન નથી થતું. કારણ કે તામસ પુરુષોને એ ભાવ રહે છે કે, આહુતિ જ મહત્ત્વની છે. આહુતિ આપવા માત્રથી યજ્ઞ થઈ જાય છે; પરંતુ એવું નથી હોતું. યજ્ઞમાં મંત્રો અને મંત્રોચ્ચારણનું સૌથી વધુ મહત્ત્વ રહેલું હોય છે. જેનું પાલન તામસ મનુષ્યથી થતા યજ્ઞમાં થતું નથી. તેઓ માને છે કે, આહુતિ આપવાથી સુગંધ થઈ જાય છે. ગંદા પરમાણું નષ્ટ થઈ જાય છે. પછી મંત્રોની શી જરૂર છે? વગેરે.
अदक्षिणम्-તામસ યજ્ઞમાં બ્રાહ્મણોને દક્ષિણા આપીને ખુશ કરવામાં નથી આવતા. તામસી મનુષ્યોને બ્રાહ્મણ જાતિ પ્રત્યે ઘણું કરીને દ્વેષ હોય છે. તે વેદો-શાસ્ત્રો અને સંસ્કૃતિના ધારક-રક્ષક છે, એવું નથી માનતા સમાજના બોજારૂપ છે,એવું માને છે. પછી તેઓને દક્ષિણા આપી ખુશ કરવાનું કયાંથી પસંદ કરે? તેઓ દક્ષિણા આપવાને એવું માને છે તેઓને પુરુષાર્થહીન બનાવી દેવા; પરંતુ બ્રાહ્મણોને ન આપતાં પોતાનો યજ્ઞ દૂષિત થાય છે અને પોતે કર્તવ્ય ચૂકીને પ્રમાદી બને છે, એ તેઓ ભૂલી જાય છે.
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते-ઘણું કરીને તામસી મનુષ્યોમાં યજ્ઞ પ્રવૃત્તિની પ્રેરણા દ્વેષ, બીજાનું નુકસાન કરવું વગેરેથી થતી હોય છે; પરંતુ શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા તેનું પ્રેરક તત્ત્વ નથી હોતુ.ઊલટું તેઓ એવું માને છે કે ઘી, અન્ન, ચોખા વગેરે મનુષ્યના કામની ચીજો અગ્નિમાં વ્યર્થ બાળી દેવી એના કરતાં ગરીબોને આપી દેવી ઘણી ઉચિત ગણાય. આ તો બિલકુલ મૂર્ખતા ગણાય. છતાંય વિદ્વેષ વગેરેથી કર્યા વિના રહેતા નથી. તેઓ વિદ્વેષ, માન, બડાઈ કે પોતાની પ્રસિદ્ધિ માટે યજ્ઞ કરવા પ્રેરાય છે. તેઓને શાસ્ત્રો પર, શાસ્ત્રોક્ત મંત્રો પર અને પારલૌક્કિ ફળ પર શ્રદ્ધા વિશ્વાસ નથી હોતા. કારણ કે તેઓમાં અતિ મૂઢતા હોય છે. પોતાની અક્કલ હોતી નથી અને બીજાના સમજાવ્યા સમજવા તૈયાર હોતા નથી. આવા કર્મોનું ફળ अधो गच्छन्ति तामसा:(૧૪/૧૮) અધઃપતન હોય છે. માટે આવા યજ્ઞોમાં કર્તા, જ્ઞાન, ક્રિયા, શાસ્ત્ર વગેરે સાત્ત્વિક હશે તો તે યજ્ઞ સાત્ત્વિક થશે. રાજસ હશે તો તે રાજસ થશે અને તામસ હશે તો યજ્ઞ તામસ થઈ જશે.
देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम्।
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते।।१४।।
અર્થ : દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને પ્રાજ્ઞ-સાધુજનો વિગેરેનું પૂજન કરવું, પવિત્રતા રાખવી, સરલતા, બ્રહ્મચર્ય અને અહિંસા, આ શરીર સંબંધી-શરીરસાધ્ય તપ કહેવાય છે. ।।૧૪।।
હવે સાત્ત્વિક વગેરે તપ બતાવવા માટે પ્રથમ તો શારીરિક માનસિક અને વાચિક એવા ત્રણ પ્રકારના તપ બતાવીને પછી તેમાં એક એેકમાં સાત્ત્વિક, રાજસ, તામસ પ્રકારો બતાવી રહ્યા છે.
देवद्विजगुरुप्राज्ञपूजनम्-પૂજનનું તાત્પર્ય અહીં દેવ, બ્રાહ્મણ, ગુરુ અને પ્રાજ્ઞ પુરુષોની સમીપે તેમને યોગ્ય એવું શાસ્ત્રસંમત આચરણ કરવાનું હોય, તે કરવું એ અર્થમાં છે. જેમ કે શિવાલય. અહીં મંદિરના આદરપૂર્વક દર્શન કરવા. પ્રદક્ષિણા કરવી, ગાય, બ્રાહ્મણ, પીપળો રસ્તામાં જોઈને પ્રણામ કરવા, પ્રદક્ષિણા કરવી. ગુરુજનોના આગમન વખતે ઊભા થવું, આસન આપવું, સત્કાર કરવો તથા પ્રાજ્ઞ પુરુષો ઉંમરમાં નાના હોય તો પણ સત્કાર વગેરે કરવા. તેવું જેમ જેને ઘટે તેમ પૂજન કરવા અર્થમાં છે.
અહીં देव શબ્દ મુખ્યત્વે ઈષ્ટદેવના રૂપમાં છે. તેમાં પણ વેદમાં મુખ્ય પ્રસિદ્ધ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ દેવોનું યથાયોગ્ય રીતે અને સમયે પૂજન કરવું. બીજા પણ દેવો છે, તેનું યોગ્ય સમય અને રીતથી પૂજન કરવું. એ શારીરતપ જ ગણાય છે. આ દેવોનું શાસ્ત્રની મર્યાદા સુરક્ષિત રાખવા માટે પોતાનું કર્તવ્ય સમજીને નિષ્કામ ભાવથી એમનું પૂજન કરવું એ તપ ગણવામાં આવ્યું છે.
द्विज-શબ્દ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય-એ ત્રણેનો વાચક છે; પરંતુ અહીં પૂજનનો વિષય હોવાથી એને કેવળ બ્રાહ્મણનો જ વાચક માનવો પડશે. ક્ષત્રિય અને વૈશ્ય માટે નહિ. જેમના દ્વારા આપણને શિક્ષણ પ્રાપ્ત થાય છે એવા. આપણા આચાર્યો, ગુરુઓ, ભણાવવાવાળા અધ્યાપક તથા વડીલોને ગુરુ ગણવામાં આવે છે. તેઓની આજ્ઞાનું પાલન કરવું, તેઓની સેવા કરવી અને તેઓની પ્રસન્નતા કરવી તથા સન્માન, ગૌરવ વધારવું. તે તેની પૂજા કરવી એમ કહેવાય છે.
અહીં ઉપર ગણાવ્યા સિવાયના મહાપુરુષો, જ્ઞાની અથવા જીવનમુક્ત પુરુષો જે ‘પ્રાજ્ઞ’ શબ્દથી કહેવામાં આવ્યા છે. જેઓ કયારેક વર્ણ ને આશ્રમમાં ઊંચા નથી હોતા તેમજ જેની સાથે ગુરુનો સંબંધ પણ નથી. એવા તત્ત્વજ્ઞ મહાપુરુષોને અહીં ‘પ્રાજ્ઞ’ શબ્દથી કહેવામાં આવ્યા છે. એવા જીવનમુક્તોનાં વચનોનો, સિદ્ધાંતોનો આદર કરતા રહીને તેના અનુસાર પોતાનું જીવન બનાવવું એ જ વાસ્તવમાં તેનું પૂજન છે. વાસ્તવમાં દેખવામાં આવે તો દ્વિજ અને ગુરુ તો સાંસારિક દૃષ્ટિએ આદરણીય છે, પૂજનીય છે પણ પ્રાજ્ઞ પુરુષો તો અધ્યાત્મ દૃષ્ટિએ આદરણીય-પૂજનીય છે. આથી આવા જીવન મુક્તોનો હૃદયથી આદર કરવો જોઈએ અને હૃદયનો આદર જ વાસ્તવિક પૂજન છે.
शौचम्-જળ, મૃતિકા વગેરેથી શરીરને પવિત્ર બનાવવાનું નામ શૌચ છે. શૌચ બે પ્રકારનું હોય છે. શારીર શૌચ અને આંતર શૌચ અર્થાત્અંતઃકરણની પવિત્રતા. પણ અહીં શારીર તપ વિભાગમાં હોવાથી તીર્થ સ્નાન વગેરેમાં શરીરને કષ્ટના રૂપમાં લેવાનું હોવાથી તે જ અહીં લેવું પડશે. શારીરિક શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. शौचात्स्वांग जुगुप्सा परैरसंसर्ग:(योग द. २/४०) શૌચનું ફળ સ્વાંગ જુગુપ્સા બતાવવામાં આવ્યું છે. આ શરીરમાંથી એટલી બધી ગંદગી સતત ઝરી રહી છે કે, તેમને સાફ કર્યા જ કરો તો પણ તે અપવિત્ર ને અપવિત્ર જ રહે છે. થોડીવાર પણ દેવની પૂજા કરવાની યોગ્યતા રહે, તેવી પવિત્રતા નિભાવી શકતું નથી; પરંતુ વાસ્તવિકતાના સાક્ષાત્કારના અભાવે અને અતિ મોહને લઈને તે અતિ વહાલું અને સૌંદર્યયુક્ત દેખાય છે પણ તેની ગંદગી અને ભ્રષ્ટપણું દેખાતું નથી. જો કોઈ સાધક પ્રામાણિકતાથી શાસ્ત્ર પ્રમાણે શૌચવ્રત પાલનનો આગ્રહ રાખે તો તેને શરીરની ગંદગી અને ભ્રષ્ટપણાનો માનસમાં સાક્ષાત્કાર થાય છે.
આ શરીરને રાત દિવસ સાફ કરીએ છીએ છતાં પણ એમાંથી મળ, મૂત્ર, પરસેવો, નાકનો કફ, આંખના ચીપડા, કાનનો મેલ, લાળ, થૂંક વગેરે સતત ઉત્પન્ન કર્યા કરે છે. આ શરીર નખશિખા હાડકાં, માંસ, મજ્જા, મળ વગેરે મલિન અને અપવિત્ર ચીજોના ભંડારો છે. જો ચિક્કાર ભરેલું હોય તો પણ તેને એકવાર સાફ કરતાં ખાલી થઈ જશે પણ શરીર એવું નથી. તે તો ખાલી ન કરો ત્યાં નવી ગંદકીથી છલવા માંડી જાય છે. આ ચામડાના થેલામાં તોલાભાર પણ કોઈ શુદ્ધ, પવિત્ર કે નિર્મળ અને સુગંધયુક્ત વસ્તુ નથી. કેવળ મળમૂત્ર ને એવી બીજી ગંદગી પેદા કરવાની ફેકટરી છે. મશીન છે. એવી એની વાસ્તવિકતાનું જ્ઞાન જો સાધકને થઈ જાય તો શરીર તેને પોતાનાથી જુદું અને પર વસ્તુ ભાસવા લાગે અને પોતાનામાં કોઈ ગુણનું અભિમાન ધારતો નથી. ઊલટો શરીરથી અલગ રહેવા મથે છે. શૌચનું ફળ સ્વાંગ જુગુપ્સા ખૂબ જ માર્મિક શબ્દ છે.
શ્રીજી મહારાજ કહે છે કે ‘આ જીવને શિશ્ન અને ઉદરને વિષે જે આસક્તિ છે તે જ અસત્પુરુષ પણું છે’ અને ‘અંગ’ શબ્દ પ્રયોગ એ બન્નેને માટે પણ કયારેક કયારેક પ્રયોગ થાય છે. વળી પુત્ર પરિવાર પણ ‘અંગ’ના માણસોથી ઓળખાય છે. છેક ત્યાં સુધી કે સત્સંગમાં કોઈ સદ્ગુણને પોતાનું ‘અંગ’ તરીકે માનતા હોઈએ છીએ તો પણ તે બધામાં માણસને જુગુપ્સા ઊભી થવી જોઈએ. અતિ આદર કે આસક્તિ નહિ. તે બધાને વસ્ત્રથી ઢાંકી રાખવા જેવા છે. ઉઘાડા રાખી તેના રૂપની હરીફાઈ કરાવવા જેવા નથી, ભલે તેમાં રૂપ હોય. ‘સ્વાંગ જુગુપ્સા’ કોને કહેવાય? આ ભગવાનનો માર્ગ છે અને તેના એક અંગ રૂપે શરીરને સ્વીકારવામાં આવ્યું છે અને તેનું ફળ સ્વાંગજુગુપ્સા સાધકને ખૂબ જરૂરી છે.માટે મુમુક્ષુએ તેમાં ઊંડું વિચારીને સ્વાંગ જુગુપ્સા એટલે શું? અને તે કેમ પ્રાપ્ત થાય તેને માટે શૌચવ્રત કેમ પાળવું? અને જે પાળનારા છે તેને તે ફળ કેમ આવતું નથી? આ બધું શાંત ચિત્તે વિચારવા જેવું છે.
આજકાલ જે લોકો ખૂબ જ ચોખ્ખાઈ અથવા તો કહો કે પોતાની જાતને અધ્યાત્મના અર્થમાં શૌચને ખૂબ જ આચરનારી ગણે છે. તેઓ તો બીજાનો તિરસ્કાર કરતા હોય છે, બીજાની ખૂબજ ધૃણા કરતા હોય છે. શૌચ પોતે પાળે છે ને બીજાની જુગુપ્સા ઉત્પન્ન થાય છે. જ્યારે શાસ્ત્રમાં તો બીજાની જુગુપ્સા કહી નથી. સ્વાંગ જુગુપ્સા કહી છે અને આ લોકોને ‘સ્વાંગમાં’ અતિ આદરને ને સાક્ષાત્દિવ્યતાની ઝાંખી થાય છે તો આવું વિપરીત શૌચ કેમ જણાય છે? તમે પોતે શૌચાચાર પાળો છો, તેથી તેનું ફળ બીજાના તિરસ્કારમાં ન થવું જોઈએ પણ પોતામાં તિરસ્કાર ઊભો થાય તે શૌચનું સાચું ફળ છે હા ‘परैरसंसर्ग’ જરૂર થાય છે. કારણ કે શરીર માત્ર જ્યારે આવાં છે. તે પોતાના શરીરથી તેણે જોયું છે પણ બીજાના શરીર આવાં છે. જે મારું તો કોઈ ઉચ્ચ કોટિનું છે. તે શૌચ નથી તેની વિકૃતિ છે દંભ છે. જો ખરેખરા અર્થમાં શૌચ પળાય તો જરૂર તેની આસક્તિ દૂર થાય છે.
आर्जवम्-વાસ્તવમાં એ તો વાણી, મન અને શરીરના આચરણની એકરૂપતાને આજર્વ કહેવાય છે. ઋજુતાના ભાવને આજર્વ કહેવાય છે. અહીંના અનુસંધાનમાં શરીરના ગર્વ-ઘમંડનો ત્યાગ કરીને જે આચરણ છે તેને આજર્વ કહ્યું છે. શરીરના અભિમાનથી જ વ્યક્તિમાં ઉદ્ધતાઈ આવે છે. પોતાનું કલ્યાણ ઈચ્છનારા સાધકે એવું અભિમાન નહિ રાખવું જોઈએ અને નિરાભિમાન આવતાં તમામ ક્રિયાઓમાં સરળતા આવી જશે.
ब्रह्मचर्यम्-‘ब्रह्मचर्यं च योषित्सु भोग्यताबुद्धिर्वर्जनम्’
બ્રહ્મચર્ય એટલે સ્ત્રીઓમાં અથવા સ્ત્રીઓને પુરુષોમાં ભોગ્યતા બુદ્ધિનો અભાવ તેને બ્રહ્મચર્ય કહેવાય છે અને તેનો ભંગ કરનાર આ શ્લોકમાં વર્ણવ્યા મુજબ
स्मरणं कीर्तनं केलि: प्रेक्षणं गुह्यभाषणम्।
समल्पोऽध्यवसायश्च क्रियानिष्पतिरेव च ।।
एतेन्मैथुनमष्टाङ्गं प्रवदन्ति मनीषिण:।
विपरितं ब्रह्मचर्यमनुष्ठेयं मुमुक्षुभि:।।
આ આઠ ક્રિયાઓ વ્રતનો ભંગ કરનારો છે. (૧) ભોગ્યતા બુદ્ધિથી સ્ત્રી સ્મરણ (૨) સ્ત્રી સાથે રાગપૂર્વક વાતો કરવી. (૩) સ્ત્રીઓની સાથે ઠઠ્ઠામશ્કરી અથવા જળકેલી, રમત વગેરે કરવી. (૪) સ્ત્રીઓ સામે રાગપૂર્વક જોવું (૫) એકાંતમાં વાત કરવી. (૬) મનમાં સંકલ્પ કરવો. (૭) પાકો નિર્ણય કરવો. (૮) સાક્ષાત્સંગ કરવો. આ આઠ પ્રકારે મૈથુન શાસ્ત્રોમાં બતાવ્યું છે. આમાંથી કોઈપણ ક્રિયા કયારેય ન થાય ત્યારે બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે અને તેને મોટું તપ ગણવામાં આવે છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સન્યાસીએ અષ્ટાંગ વ્રત પાળવાનું હોય છે અને ગૃહસ્થો એ પણ શાસ્ત્રવિધિ પ્રમાણે મર્યાદામાં રહીને સંયમિત જીવન જીવીને બ્રહ્મચર્ય પાલન કરવાનું હોય છે.
अहिंसा-અપ્રાણીપીડાને અહિંસા કહેવાય છે. વળી તે અનેક પ્રકારે થાય છે, માટે બધી જાતની હિંસાનો અભાવ અહિંસા છે. હિંસા-સ્વાર્થ, ક્રોધ, લોભ અને મોહ(મૂઢતા) ને લીધે થાય છે. જેમ કે સ્વાર્થમાં આવીને કોઈનું ધન દબાવી દેવું, બીજાઓનું નુકસાન કરાવી દેવું, આ સ્વાર્થને લઈને હિંસા છે. ક્રોધથી થતી હિંસા તો પ્રસિદ્ધ છે. લોભથી, ચામડું, માંસ, હાડકાં, નખ વગેરે મેળવવા માટે હિંસા થાય છે. તદુપરાંત હાલતાં ચાલતાં કોઈ કૂતરાને, બિલાડીને, પંખી પશુને લાઠી મારી દીધી, ઝાડની ડાળી-પાંદડાં તોડી દીધા, કોઈને ધક્કો લાગી ગયો ને તે ઊથલી પડે એમાં લોભ, ક્રોધ નથી પણ હિંસા તો જરૂર છે.
शारीरं तप उच्यते-દેવ વગેરેનું પૂજન, શૌચ, આજર્વ, બ્રહ્મચર્ય અને અહિંસા-આ પાંચ પ્રકારનું શારીરિક તપ કહેવામાં આવ્યું છે. આમાં તીર્થ, વ્રત, સંયમ વગેરેને પણ લઈ લેવાં જોઈએ.
જ્યારે કષ્ટ ઉઠાવવું પડે છે, તાપ લાગે છે, ત્યારે તે તપ થાય છે; પરંતુ ઉપર ગણાવ્યા શારીરિક તપમાં તો એવી કોઈ અતિ કષ્ટદાયી ક્રિયા નથી. તો પછી એ તપ કઈ રીતે થયું? માટે કેવળ કષ્ટ ઉઠાવવાના દૃષ્ટિકોણથી કે માપથી જે તપ થાય છે તે શ્રેષ્ઠ કોટિનું તપ નથી. તપ જરૂર હોઈ શકે પણ શ્રેષ્ઠ કોટિનું નથી. તપમાં કેવળ કષ્ટની જ પ્રધાનતા કે દૃષ્ટિ રાખવાવાળાઓને ભગવાને आसुर निश्चयान् (१७/६) આસુરી નિશ્ચિયવાળા બતાવ્યા છે. તપ તો તે શ્રેષ્ઠ ગણાય જેમાં ઉચ્છૃંખલ વૃત્તિઓનો નિગ્રહ કરવામાં આવતો હોય અને તે વૃત્તિઓને શાસ્ત્ર, શુદ્ધ કુળ પરંપરા અથવા ગુરુજનોની પવિત્ર અનુવૃત્તિમાં સંયમપૂર્વક ચાલવાનું હોય છે. તેમજ સાધના કરતા રહીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભગવાનની પ્રસન્નતા માટે સહન કરીને સાધના અચળપણે ચાલુ રહે અને એને માટે સહન કરવું તે તપ છે. આ તપમાં શરીર, ઈન્દ્રિયો, મન વગેરેનો સંયમ હોય છે.
અષ્ટાંગ યોગમાં જ્યાં યમ નિયમ વગેરે આઠ અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં ‘યમ’ ને સહુથી પહેલાં અને સહુથી મહત્ત્વના બતાવ્યા છે. ‘अहिंसा सत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमा:’(યોગ. ૨/૩૦) અને પાંચ ‘નિયમ’ બતાવ્યા છે. ‘शौच सन्तोष तपस्वाध्यायेश्वरप्रणिधानानि नियमा:’(યોગ.૨/૩૨) તો પણ આ બન્નેમાંથી નિયમની અપેક્ષાએ યમનો વધુ મહિમા રહેલો છે. કારણ કે નિયમમાં વ્રતોનું પાલન કરવાનું છે અને ‘યમ’માં શરીર, ઈન્દ્રિયો અને એવા બીજા તપ, યજ્ઞ, દાન, ઉપકાર વગેરે નિયમો અને નિયમ કોટિના સદ્ગુણો તો રાક્ષસોમાં પણ જોવા મળે છે. ઊલટા કયારેક તો અહંના વેગથી દૈવી સંપત્તિ કરતાં પણ અતિ તીવ્ર માત્રામાં જોવામાં આવે છે. આજના સમયના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો દંભ, કપટ વગેરેને સાથે રાખીને તે તે ક્રિયાઓમાં દેહાભિમાની કે આસુર ભાવવાળા માણસોમાં પણ સારી એવી પ્રવીણતા જોવામાં આવે છે પણ આજના કે ત્યારના કોઈ પણ દૈવી સાધકો સિવાય ‘યમ’નું પાલન અર્થાત્શરીર, ઈન્દ્રિયો અને મનનો સંયમ તેમને ગમતો નથી અને લાંબો સમય રાખતા પણ નથી. સિદ્ધિ મેળવવા કે તેવા દેખાવા પૂરતા નાટ્યાત્મકતા જરૂર હોઈ શકે છે પણ વાસ્તવિક ‘યમ’ સંયમ તપાસતા હાથ આવતો નથી.
લોકોની દૃષ્ટિમાં એ વાત હોઈ શકે છે કે, શરીરને જેટલું વધારે કષ્ટ અપાય તેટલું શ્રેષ્ઠ તપ કહેવાય અને આરામથી રહીને દેહ, ઈન્દ્રિય અને મનનો સંયમ કરવો, ત્યાગ કરવો તેને તપ ન ગણાવી શકાય અને ગણીએ તો પણ ઉત્તમ કોટિનું તો ન જ ગણાય. ખરેખર એવું નથી. તપ કરવાનો પણ શાસ્ત્રમાં ઉદ્દેશ્ય નિશ્ચિત કરાયો છે કે, તપ શા હેતુ માટે કરવું? તો समाधिभावनार्थ: क्लेशतनुकरणार्थश्च(પા.યો.૨/૨) પરમાત્મામાં સ્થિતિ વધે-નિષ્ઠા વધે-નિષ્ઠા દૃઢ થાય અને રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ આદિ ક્લેશ ક્ષીણ કરવા માટે તપ કરવાનું હોય છે. હિરણ્યાક્ષ, હિરણ્કશિપુ, રાવણે તપશ્ચર્યા તો ઘણી જ કરી હતી. દૈવી જીવો પણ તેટલી તપશ્ચર્યા કરી શકયા ન હતા પણ ક્લેશની ક્ષીણતા કયાં ? મમતા, અહંકાર, રાગ, દ્વેષ, વેર, વિરોધ તો ઊલટા ઊગીને ઝાડવા થયા. અધ્યાત્મના માર્ગમાં મુમુક્ષુએ કેટલું બધું જાણવાનું છે? નિયમોમાં સૌથી આગળ હોય તપ, દાન, યજ્ઞમાં આગળ હોય ને અસુરોના લીડર કહેવાયા.
ભગવાન પાસે પહોંચવાનો માર્ગ કેટલો બધો અટપટો છે? તેનો આશય એ નથી કે તપ, દાન, યજ્ઞ અનર્થકારી છે. તે અનર્થકારી નથી તેને તો ‘यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम्’(૧૮ અધ્યાય) મનીષીઓને પણ પવિત્ર કરનારા કહ્યા છે પણ યમ-સંયમને સાથે રાખીને અથવા તેની પૂર્ણતા કરવા માટે થાય અને પરમાત્માને રાજી કરવા થાય ત્યાં સુધી બરાબર પણ આ લોકોનાં તપ, દાન ઊલટા પોતાની ઉદ્ધતાઈને ટેકો દેનારા બન્યા. તેવા હેતુમાં ન હોવા જોઈએ. અધ્યાત્મના માર્ગમાં યમ-સંયમનો દરજ્જો તપ કરતાં પણ પ્રથમ છે. કારણ કે ત્યાગથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ‘त्यागाच्छान्तिरनन्तरम्-(૧૨/૧૨) કેવળ બહારના તપ દાન, યજ્ઞથી પરમાત્માની પ્રાપ્તિ નથી બતાવવામાં આવી પણ તે જ વસ્તુ અંતઃકરણથી શુદ્ધિ કરનારી હોઈ, અંતઃકરણમાં ઉમદા ભાવો જગાડનાર થઈને પરમાત્માની પ્રાપ્તિમાં સહાયક જરૂર થાય છે એટલા માટે સાધકે મુખ્યરૂપે ‘યજ્ઞો’ની સાધનાનો ઉદ્દેશ્ય રાખીને સમય સમય પર નિયમોનું પણ પાલન કરીને શુદ્ધ ઉદ્દેશ્ય સિદ્ધિ કરવો જોઈએ.
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत्।
स्वाध्यायाभ्यसनं चैव वाङमयं तप उच्यते।।१५।।
અર્થ : કોઈને પણ ઉદ્વેગ નહિ કરનારું, સાંભળતાં પ્રિય લાગે અને હિત કરે, એવું જે સત્ય-યથાર્થ ભાષણ, સચ્છાસ્ત્રનું પઠન-પઠન તેમજ ભગવન્નામ-મંત્રાદિકના જપનો અભ્યાસ કરવો, એ વાઙ્મય-વાણીથી સિદ્ધ થતું તપ કહેવાય છે. ।।૧૫।।
अनुद्वेगकरं वाक्यम्-જે વાક્ય વર્તમાનમાં અને ભવિષ્યમાં કોઈને પણ ઉદ્વેગ, ક્ષોભ કે વિક્ષેપ પેદા કરવાવાળું ન હોય અર્થાત્પારકાના મર્મને ભેદનારું અથવા વિવાદ સજર્નારું ન હોય અર્થાત્ભય સજર્નારું ન હોય તેવું બોલવું તે અનુદ્વેગકર વાક્ય કહેવાય.
सत्यं प्रियहितं च यत्-જેવું સાંભળ્યું, દેખ્યું અને યથાર્થ પ્રમાણ કર્યું હોય તથા ઝાઝા જીવનું હિત કરનારું હોય તેવું પોતાના સ્વાર્થનો અને અભિમાનનો ત્યાગ કરીને બીજાઓને પ્રગટ કરી દેવું તે ‘સત્ય’ કહેવાય.
વળી જે ક્રૂરતા, લૂખાપણું, તીખાપણું, મહેણું, નિંદા, ચુગલી અને બીજાના અપમાનજનક વિષયથી રહિત હોય અને જે પ્રેમયુક્ત, મીઠાં, સરળ અને શાંત વચનોથી કહેવામાં આવે તે ‘પ્રિય’ કહેવાય.
જે હિંસા, બળતરા, દ્વેષ, વેર વગેરેથી રહિત હોય અને પ્રેમ, દયા, ક્ષમા, ઉદારતા, મંગળ વગેરેથી ભરેલું હોય તથા જે વર્તમાનમાં ને ભવિષ્યમાં પણ પોતાનું કે બીજાનું અનિષ્ટ કરનારું ન હોય તેવા વાક્યને ‘હિત’(હિતકારી) કહેવાય છે.
માણસે સત્ય બોલવું જોઈએ પણ એ સત્ય અપ્રિય શબ્દોમાં બોલાયેલું ન હોવું જોઈએ કોઈ કહેશે ‘સત્ય તો હંમેશાં કડવું જ હોય’ તો એવું સાચું નથી. સત્યને પણ પ્રિય શબ્દોમાં રજૂ કરી શકાય છે. જે વક્તાની રુચિ સ્વભાવ કે કલા ઉપર રહે છે અને પ્રિય વાક્ય બોલવું પણ તે હિત કરનારું જરૂર હોવું જોઈએ. પ્રિય બોલવાનો અર્થ એવો નથી કે ફક્ત તેને મીઠું લાગે તેવું બોલવું તો કોઈ કહેશે કે હિતકારી કોઈને મીઠું લાગતું નથી તો તે વાત પણ સાચી નથી. હિતકારી પણ હોય અને વળી કર્ણપ્રિય શબ્દોમાં પણ રજૂઆત થઈ શકે છે. તે વક્તાની કળા પર અવલંબે છે, તેથી સાહિત્યમાં કહ્યું છે કે
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यमप्रियम्।
प्रियं च नानृतं ब्रूयादेष धर्म: सनातन:(મનુસ્મૃતિ ૪/૧૩૮)
स्वाध्यायाभ्यसनं चैव-પારમાર્થિક ઉન્નતિમાં સહાયક ગીતા ભાગવત્, વચનામૃત, ભક્તચિંતામણિ, સ્તોત્ર વગેરેનો પાઠ તથા ભણવા ભણાવવા વગેરેને સ્વાધ્યાય કહેવાય છે તથા તે ગ્રંથોની આવૃત્તિ કરવી, કંઠસ્થ કરવા, સ્તુતિ પ્રાર્થના વગેરેને પણ અભ્યાસ અને સ્વાધ્યાય કહેવાય છે. ‘च एव’ શબ્દોથી વાણી સંબંધી તપની અન્ય બાબતોને પણ લઈ લેવી જોઈએ. જેવી કે-બીજાઓની નિંદા ન કરવી, બીજાઓના દોષને ન કહેવા, વૃથા બકવાટ ન કરવો. અર્થાત્જેનાથી પોતાનું તથા બીજાઓનું કોઈ લૌકિક કે પારમાર્થિક હિત સિદ્ધ ન થાય-એવાં વચનો ન બોલવાં, પારમાર્થિક સાધનામાં વિઘ્ન નાખવાવાળાં તથા શૃંગારરસનાં કાવ્યો, નાટકો, ઉપન્યાસો વગેરે ન વાંચવા. આ બધાં લક્ષણોનો સમાવેશ અર્થાત્દોષનિવારણ અને ગુણાધાન થતું હોય તેવી વાણી બોલવી તે વાણીનું તપ છે.
मन: प्रसाद: सौम्यत्वं मौनमात्मविनिग्रह:।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते।।१६।।
અર્થ : મનની પ્રસન્નતા, સૌમ્યતા-શાન્તસ્વભાવતા, મૌન-ભગવત્સ્વરૂપમાં એકાગ્રતા, મનનો સર્વથા નિગ્રહ અને અંતઃકરણી સમ્યક્શુદ્ધિ, આ સઘળું માનસ-મનઃસાધ્ય તપ કહેવામાં આવે છે. ।।૧૬।।
मन:प्रसाद: મનની પ્રસન્નતાને ‘મનઃપ્રસાદ’ કહે છે.
रागद्वेष वियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन्।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति।।२/६४
प्रसादे सर्वदु:खानां हानिरस्योपजायते।
प्रसन्नचेतसो ह्याशु बुद्धि: पर्यवतिष्ठते।। २/६५
બીજા અધ્યાયના આ શ્લોકોમાં બતાવ્યા મુજબ મનની સ્થિતિને પ્રસાદ કહેવામાં આવે છે. જેને ‘પ્રસન્ન મન’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જોતાં મનની ત્રણ અવસ્થા અનુભવાય છે. દુઃખીમન, સુખીમન અને પ્રસન્નમન. સુખ અને દુઃખ એ મનનો રોગ છે. તે બન્નેથી પર થાય ત્યારે મનની પ્રસન્નતા સાંપડે છે અને એ તેની તંદુરસ્તી છે. વસ્તુ, વ્યક્તિ, સ્થળ, કાળ પરિસ્થિતિ ઘટના વગેરેની અનુકૂળ સંયોગોથી પેદા થવાવાળી પ્રસન્નતા સ્થાયી રૂપથી હર હંમેશ રહી શકતી નથી. કેમ કે જેની ઉત્પત્તિ થાય છે તે સ્થાયી રહેતું હોતું નથી; પરંતુ દુર્ગુણ, દુરાચારોથી સંબંધ વિચ્છેદ થતાં જે સ્થાયી તથા સ્વાભાવિક પ્રસન્નતા પ્રગટ થાય છે તે હરહંમેશને માટે રહે છે અને તે જ પ્રસન્નતા મન, બુદ્ધિમાં આવે છે. જેનાથી મનમાં કદી અશાંતિ થતી જ નથી. મન હરહંમેશ પ્રસન્ન રહે છે. મનમાં અશાંતિ કે ક્ષોભ કયારે થાય છે? કે જ્યારે નાશવંત ચીજોની આસક્તિ વધી જાય છે પણ તેમાંથી આસક્તિ તોડી પ્રભુનો આશ્રય લેવાથી તેના મનમાં કયારેય અશાંતિ આવતી નથી.
हितपरिमितभोजी नित्यमेकान्तसेवी, सकृदुचितहितोक्ति: स्वल्पनिद्राविहार
अनुनियमनशीलो यो भजत्युक्तकाले स लभत इव शीध्रं साधुचित्तप्रसादम्।।
જે શરીરને માટે હિતકારક અને મિત ભોજન કરે છે. જે જન સંસર્ગથી પ્રીતિરહિત એકાંતમાં રહેવાવાળો છે જે કયારેક કયારેક કોઈકનું યોગ્ય હિત કહી દેનારો છે. અર્થાત્થોડી માત્રામાં બોલે છે. જે સૂવાનું અને ફરવાનું બહુ ઓછું કરવાવાળો છે. આ રીતે જે શાસ્ત્રની અને મહાપુરુષોની મર્યાદા અનુસાર સમયે સમયે અનુશીલન કરનારો છે. તે સાધક બહુ જ જલદી ચિત્તની પ્રસન્તાને પ્રાપ્ત થઈ જાય છે. વચનામૃત-ગ.અં.પ્ર.૧૧માં પણ જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી સમાધિ વિના પણ શાંતિ કેમ રહે તેનો ઉપાય બતાવ્યો છે. તથા વચ.ગ.મ.-પ્ર.૨૩માં પણ એ વિષયની વાત મહારાજે કરી છે. એવા ઉપાયોથી મનની પ્રસન્નતા સદા જળવાઈ રહે છે.
सौम्यत्वम्-ભગવાનની મૂર્તિ(સ્વરૂપ), ગુણ, સ્વભાવ, પ્રભાવ, ચરિત્રો, પરાક્રમો વગેરેમાં પ્રીતિ-વિશ્વાસ હૃદયમાં રહે અને હિંસા, ક્રૂરતા, કુટિલતા, અસહિષ્ણુતા, દ્વેષ વગેરે ભાવો હૃદયથી દૂર થાય, તેને ‘સૌમ્ય ભાવ’ કહે છે. પછી તેને કોઈ મર્મ વચન કહી દે. તેનું અપમાન કરી દે. તેના પર વિના કારણે દોષારોપણ કરી દે. તેની સાથે કોઈ વેર દ્વેષ રાખે અથવા તેના ધન, માન, મહિમા વગેરેની હાનિ થઈ જાય તો પણ તેના અંતઃકરણમાં ક્ષોભ ઉત્પન્ન થતો નથી. તેઓ હંમેશાં પારકાના અભ્યુદયમાં પ્રવર્તમાન રહેવાના.
‘मौनम्’-મનન કરવાના અર્થમાં મુનિ શબ્દ અને મૌન શબ્દ પણ વપરાય છે. મૌન શબ્દ વાણીવિનિગ્રહ માટે જ વપરાય છે એવું નથી; પરંતુ વાણીનિગ્રહ થતા મનન આપોઆપ વધી જાય છે અને મૌનથી વિરુદ્ધ મુખરતા વધતાં મનન ઘટી જાય છે. મનનનો સમય જ તેને બચતો નથી. વાણી સાથે પણ મનન ન ચુકાય તેવી વિરલ વિભૂતિઓ ઘણી ઓછી હોય છે. તેમાં પણ અહીં તો મૌન શબ્દ વાચિક તપમાં ગણાવ્યો નથી. જો તેમ હોત તો તેને આગળના શ્લોક(૧૬)માં ઉલ્લેખ કરત પણ અહીં તો માનસ તપમાં લીધો છે. તેનું તાત્પર્ય શું? તેને એક જ શુભ વિષયમાં રોકવું. શાસ્ત્રો, પુરાણો અને સંતમહાપુરુષોની વાણીનું તથા ઉમદાભાવોનું મનન થતું રહે. શાસ્ત્રોમાં કહેલાં ભગવાનના ગુણો, ચરિત્રો, સ્વભાવ, સ્વરૂપ, ઐશ્વર્ય, વિભૂતિનું મનન થાય એ જ મૌન ગણાશે.
आत्मविनिग्रह: આત્મશબ્દ અહીં મનને માટે વપરાયો છે. ધ્યેય વિષયમાં મનનું સ્થાપન કરવાને આત્મવિનિગ્રહ કહેવામાં આવે છે. મન બિલકુલ એકાગ્ર થઈ જાય અને તૈલધારાવત્ભગવાનનું ચિંતવન કરતું રહે. તેને પણ મનનો નિગ્રહ કહે છે; પરંતુ મનનો સાચો નિગ્રહ એ જ કહેવાય કે મન સાધકના વશમાં રહે. અર્થાત્મનને ગમે તેવા રમણીય અથવા ગમતા વિષયમાંથી સાધક ધારે ત્યારે અને તેટલું હઠાવી શકે અને કઠિન સાધનામાં પણ લગાડવા ઈચ્છે ત્યાં લાગી જાય. અર્થાત્સાધકને મન વશ રહે પણ સાધક મનને વશ થઈને ન રહે, ત્યારે આત્મવિનિગ્રહ થયો ગણાય.
भावसंशुद्धि-ભાવ શબ્દ અત્રે અભિપ્રાયના અર્થમાં વપરાયો છે અને તેની શુદ્ધિ એટલે પવિત્રતા. પોતાના અંતર ઈરાદાને દૂષિત ન થવા દેવો એ સાધકની મહાન તપશ્ચર્યા છે. જો આશય પવિત્ર રહ્યો તો ઉપરનાં દૂષણ તો દૂરથી જ ભાગી જવાનાં. જેના અંતરમાં પરમાત્માને જ પ્રસન્ન કરવાનો ઈરાદો છે અને સાંસારિક લાલસાઓનો ત્યાગ છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થનો અને પોતાના અભિમાનનો ત્યાગ છે અને અન્યનું હિત કરવાનું અને મદદરૂપ થવાની ભાવના છે. તેનાથી તેનું અંતઃકરણ તત્કાળ પવિત્ર થાય છે અને તેના ભાવની વિશુદ્ધતા થાય છે.
આ રીતે જે તપમાં મનની પ્રધાનતા હોય છે તેવા તપને માનસિક તપ કહેવાય છે.
श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरै:।
अफलाकाङ्क्षिभिर्युक्तै: सात्त्विकं परिचक्षते।।१७।।
અર્થ : ફળની આકાંક્ષા નહિ રાખનારા અને ભગવત્સ્વરૂપમાં જોડાયેલા મનુષ્યોએ પરમ શ્રદ્ધાથી કરવામાં આવતું ઉપર બતાવેલું એ ત્રણેય પ્રકારનું તપ સાત્ત્વિક તપ કહેવાય છે. ।।૧૭।।
श्रद्धया परया तप्तं-શરીર, વાણી અને મનના દ્વારા જે તપ કરવામાં આવે છે. તે તપ જ મનુષ્યોનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે અને માનવ જીવનના ઉદ્દેશ્યની પૂર્તિનો અચૂક ઉપાય છે. શરીર, વાણી અને મનનું તપ સાંગોપાંગ રૂપથી ત્યારે જ સંપન્ન થાય છે કે જ્યારે મનુષ્યનો નાશવંત પદાર્થો સાથે સંબંધ વિચ્છેદનો ઉદ્દેશ્ય રહે છે અને એવું સાંગોપાંગ તપ કરતાં મનુષ્યને કોઈ કરવાનું બાકી રહેતું નથી. અર્થાત્પરમાત્મ તત્ત્વમાં આપોઆપ સ્થિતિ થઈ જાય છે. એવી શ્રદ્ધાથી ઉત્સાહપૂર્વક પૂર્ણ વિશ્વાસથી આદરપૂર્વક આવું તપ કરવાનું છે.
अफलाकाङ्क्षिभि:युक्तै: नरै:-આંશિક રીતના સદ્ગુણ સદાચાર તો પ્રાણીમાત્રમાં રહે જ છે; પરંતુ મનુષ્યમાં એ વિશેષતા છે કે તે સમગ્રતાથી તેમ જ વિશેષતાથી સદ્ગુણ સદાચારોને પોતામાં લાવી શકે છે અને દુર્ગુણ દુરાચાર, કામના, મૂઢતા વગેરે દોષોને સર્વથા દૂર કરી શકે છે. નિષ્કામભાવ માત્ર મનુષ્યોમાં જ સંભવી શકે છે. પશુઓમાં તેની આશા રાખી શકાતી નથી. વળી સાત્ત્વિક તપમાં અહીં नरै શબ્દ આપ્યો છે. રાજસ તામસ તપમાં કયાંય મનુષ્યવાચક શબ્દ આપ્યો જ નથી. તાત્પર્ય એ છે કે પોતાનું કલ્યાણ કરવાના ઉદ્દેશ્યથી મળેલા મનુષ્ય શરીરને પામીને પણ જે ફલાકાંક્ષા, કામના, મૂઢતા, દંભ વગેરે દોષોને પકડીને જીવી રહ્યા છે. તેઓ મનુષ્ય કહેવડાવવાને લાયક નથી. ભગવાન તેઓને માટે મનુષ્યવાચક શબ્દ પણ વાપરવા ઈચ્છતા નથી. ફળની ઈચ્છા ન રાખીને નિષ્કામભાવથી તપનું અનુષ્ઠાન કરવાવાળા મનુષ્યોને માટે જ અહીં ઉપર્યુક્ત વિશેષણો બતાવ્યા છે.
तपस्तत्त्रिविधम्-અહીં કેવળ સાત્ત્વિક તપમાં જ ત્રિવિધ પદ આવ્યું છે અને રાજસ અને તામસ તપમાં ત્રિવિધ પદ ન થઈને ‘यत्-तत्’ પદ આપીને જ કામ ચલાવ્યું છે. તેનો આશય એ છે કે શારીરિક, વાચિક અને માનસિક-ત્રણે તપની સમગ્રતા કેવળ સાત્ત્વિક તપમાં જ સાંગોપાગ આવી શકે છે. રાજસ અને તામસમાં તો તેવી ત્રણે બાબતોની સમગ્રતા આવતી નથી. આંશિકરૂપતા જ આવી શકે છે. એમાં પણ રાજસરૂપમાં કંઈક અધિકતા જણાશે કેમ કે રાજસ મનુષ્યોને કોઈક ફળની કામનાથી પણ શાસ્ત્ર વિધિનું જતન રાખશે પણ તામસમાં તો એ ત્રણે તપોના બહુ જ થોડાં લક્ષણો દેખાશે. કારણ કે તામસ મનુષ્યોના મૂઢતા, બીજાઓને કષ્ટ આપવું વગેરે દોષો વધારે રહે છે.
બીજી વાત તેરમાં અધ્યાયમાં સાતમાંથી અગિયારમાં શ્લોક સુધી જ્ઞાનના જે વીસ સાધનોનું વર્ણન તેમાં શારીરિક તપનાં ત્રણ લક્ષણો-શૌચ, આજર્વ અને અહિંસા તથા માનસિક તપનાં બે લક્ષણો મૌન અને આત્મવિનિગ્રહ આવ્યા છે. તેવી જ રીતે સોળમાં અધ્યાયમાં એકથી ત્રણ શ્લોકોમાં જે દૈવી સંપત્તિના છવ્વીસ લક્ષણો બતાવવામાં આવ્યા છે. તેઓમાં પણ શારીરિક તપનાં ત્રણ લક્ષણો-શૌચ, અહિંસા અને આજર્વ તથા વાચિક તપનાં બે લક્ષણો-સત્ય અને સ્વાધ્યાય આવ્યા છે. આથી જ્ઞાનમાં જે સાધનોથી તત્ત્વબોધ થઈ જાય તથા દૈવી સંપત્તિના જે ગુણોથી મુક્તિ થઈ જાય તે લક્ષણો કે ગુણો રાજસ, તામસમાં નથી હોઈ શકતા. એટલા માટે રાજસ અને તામસ તપમાં શારીરિક, વાચિક અને માનસિક આ ત્રણેય તપની સમગ્રતા નહિ આવી શકે. ત્યાં તો ‘यत्-तत्’ શબ્દોથી આંશિકરૂપે જેટલું આવે તેટલું જ લઈ શકાય છે.
ત્રીજી વાત છે કે ગીતાનું સમગ્ર અધ્યયન કરતા જણાઈ આવે છે કે તેનો ઉદ્દેશ્ય કેવળ જીવનું કલ્યાણ કરવા માટે કલ્યાણના સાધનો બતાવવાનું છે. કારણ કે અર્જુનનો જે પ્રશ્ન છે તે નિશ્ચિત શ્રેય(કલ્યાણ) થવા બાબતનો છે.(અ.૨/૭,૩/૨, ૫/૧) અને ભગવાને પણ ઉત્તરમાં જે જે સાધનો બતાવ્યાં છે તે બધા જીવોનું નિશ્ચિત કલ્યાણ થઈ જાય એ લક્ષ્યમાં રાખીને જ બતાવ્યા છે. એટલા માટે ગીતામાં જ્યાં કંઈ સાત્ત્વિક, રાજસ અને તામસ ભેદ કરવામાં આવ્યા છે. તેમાં જે સાત્ત્વિક વિભાગ છે તે ગ્રાહ્ય છે. કેમ કે તે મુક્તિ આપવાવાળો છે.-દૈવી સંપદિમોક્ષાય અને જે રાજસ તામસ વિભાગ છે તે ત્યાજ્ય છે. કેમ કે તે બાંધવાવાળો છે-निबन्धायसुरी मता આવા જ આશયથી ભગવાન અહીં સાત્ત્વિક તપમાં શારીરિક, વાચિક અને માનસિક આ ત્રણેય તપોની સમગ્રતા-બતાવવાને માટે त्रिविधम्-પદ આપે છે. માટે પરમ શ્રદ્ધાથી યુક્ત, ફળને ન ઈચ્છવાવાળા મનુષ્યો દ્વારા જે તપ કરવામાં આવે છે તે સાત્ત્વિક તપ- ‘सात्त्विकं परिचक्षते’ કહેવામાં આવે છે.
सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत्।
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम्।।१८।।
અર્થ : સત્કાર માટે, માન-મરતબા માટે અને લોકમાં પૂજા થાય તે માટે અને તે પણ દંભથી જ કરવામાં આવતું આવું જે તપ આ લોકમાં કરવામાં આવે છે તે રાજસ તપ કહેવાય છે અને તે ચળ-ક્ષણિક અને અસ્થિર-બહુ લાંબો સમય ન નભે એવું હોય છે. ।।૧૮।।
सत्कारमानपूजार्थं तप:-રાજસ મનુષ્ય સત્કાર, માન અને પૂજાને માટે જ તપ કર્યા કરે છે. અમે જ્યાં જઈશું ત્યાં અમને તપસ્વી સમજીને લોકો અમારું સ્વાગત કરશે, સભામાં અમારા તપની જાહેરાત કરશે. અમને અભિનંદન પત્ર આપશે. પારણાને દિવસે મોટો સમૂહ ભેળો થશે. વગેરે બાહ્ય ક્રિયાઓ દ્વારા અમારો ‘સત્કાર’ કરશે. લોકોના માનસમાં અમારી શ્રેષ્ઠતાની છાપ પડશે, અમને બીજા કરતાં સારા અને અલગ કોટિના ગણશે. અમારામાં હૃદયથી અનન્યતાનો ભાવ રાખશે. ઈત્યાદિકભાવે અમારું ‘માન’ કરશે. જીવતે જીવતે જ અમારા ચરણ ધોશે ને ચરણામૃત લેશે. મોટો હાર પહેરાવશે. મર્યા પછી અમારું સ્મારક બને. વગેરે ક્રિયાથી અમારી ‘પૂજા’ થશે આવી ભાવનાથી પ્રેરાઈને જે તપ થાય છે તે રાજસ તપ કહેવાય છે.
दम्भेन चैव यत्-અંતરથી તપ કરવાની શ્રદ્ધા અને ભાવ ન હોવા છતાં પણ બહારથી કેવળ લોકોને દેખાડવાને માટે આસન લગાવીને બેસી જવું, માળા ફેરવવી, દેવતા વગેરેની પૂજાના મોટા અનુષ્ઠાન કરી દેવા, હિંસા ન કરવી વગેરે દંભથી કર્યું કહેવાય.
तदिह प्रोक्तं राजसं चलमध्रुवम्-રાજસ તપનું ફળ ચલ અને અધ્રુવ કહેવામાં આવ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે, જે તપ સત્કાર, માન, પૂજાને માટે કરવામાં આવે છે, તે તપનું ફળ તો અહીં જ ક્ષણિકપણે મળી જાય છે ને તે પૂરું થઈ જાય છે. જે તપ દંભથી કરવામાં આવે છે તેની ગણતરી ભગવાનને ઘેર થાય જ કેમ? અથવા તે દંભ સિદ્ધ થાય કે ન પણ થાય અને દંભ સિદ્ધ થઈ પણ ગયો તો પણ તેનું કોઈ શાશ્વત ફળ નથી મળતું માટે अध्रुबम् ફળ કહ્યું છે.
इह प्रोक्तम्-કહેવાનું તાત્પર્ય એ છે કે, રાજસ તપનું ઈષ્ટ ફળ મોટે ભાગે હમણાં ને હમણાં મળે અને મર્યા પહેલાં આ લોકમાં મળે એવા હેતુથી જ થતું હોય છે અને અમસ્તુ એ સાત્ત્વિક પુરુષોને ઊર્ધ્વલોક ફળરૂપે છે અને તામસને અધોલોકગમન છે. રાજસને મધ્ય લોક છે. એટલે રાજસ તપનું ફળ ન સ્વર્ગ હશે ન નરક હશે. તેને તો આ લોકમા જ મહિમારૂપે થઈને, સત્કારરૂપે અથવા પૂજારૂપે થઈને મળી જશે અને પૂરું થઈ જશે.
રાજસ મનુષ્યો દ્વારા તેની પ્રકૃતિને પ્રતિકૂળ હોવાથી ભાવસંશુદ્ધિ, મનની પ્રસન્નતા, સૌમ્યપણું વગેરે જ તપ કહેવામાં આવ્યા છે. તે થવા કોઈ પણ રીતે શકય નથી. રાજસ તપનો હેતુ અને આ ભાવોની સાથે સીધો વિરોધ આવે છે. દંભ, માન, પૂજાને માટે જ જ્યાં તપ થાય ત્યાં ભાવસંશુદ્ધિ કેવી રીતે સિદ્ધ થઈ શકે? વળી પવિત્રતા, અહિંસા વગેરેનું પાલન પણ રાજસભાવમાં રહેવું કઠિન તો જરૂર છે. માટે કાયિક, વાચિક અને માનસિક ત્રણેનું સમગ્રપણે અનુષ્ઠાન એક સાત્ત્વિક સાધક જ કરી શકશે, રાજસ સાધક કરી નહિ શકે.
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तप:।
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम्।।१९।।
અર્થ : મૂઢપણે દુરાગ્રહથી અને શરીરને તેમજ મનને પણ ક્લેશ પડે તેવું જે તપ કરાય છે તથા પરનો વિનાશ-ભુંડુ કરવા માટે કરવામાં આવતું તપ તે તામસ તપ કહેવાય છે. ।।૧૯।।
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तप:-મૂઢત્વ એટલે શું? તો ‘अहितहेतुभूतत्वम्-मूढत्वम्’ હિત વિરુદ્ધ ચાલવું એ મૂઢપણાનો મૂળ સ્વભાવ છે. હિતને ભૂલી જવું એટલું માત્ર મૂઢપણું નથી અને એ પણ હિતતત્વ ભ્રમથી અહિત પ્રવૃત્તિમાં તેની ગતિ હોય છે. કોઈકને ઉખેડી નાખવાના હેતુથી જે કરવામાં આવે છે તેમાં તેનું હિત કેવી રીતે સંભવી શકે? વળી તેને તો અતિ આગ્રહ અર્થાત્અભિનિવેશ સવાર થઈ ગયો હોય છે કે બીજાને ઉખેડી નાખવા. એ જ એનું મૂઢપણું-અહિત પ્રવૃત્તિ કરવાપણું થઈ રહે છે. તેથી તેને ભગવાને આત્મપીડા કહીને બતાવ્યું છે. તપ વસ્તુ પોતાને પીડા વિના કોઈ સિદ્ધ થતું નથી. પછી તે સાત્ત્વિક હશે તો પણ તે કઠિન તો જરૂર હશે જ પણ આત્મપીડન શા માટે બતાવ્યું? તો પોતાની નુકસાની કરવામાં પણ વ્યક્તિ આટલો બધો આગ્રહ પીડિત બની જાય છે માટે ‘आत्मपीडया’ કહ્યું છે. વળી પોતાથી આ શક્ય થશે કે નહિ. તેનો પણ વિચાર કર્યા વિના જ આદરી દે છે. બીજાનું જોઈને જ આદરી દે છે તો તે તામસ ભાવ ગણાશે. પોતાનાથી શક્ય છે કે નહિ? તેનો તપાસ કરતો નથી ને પ્રારંભ કરે છે તો તે તામસ ભાવ ગણાશે.
अशक्यानि दुरन्तानि समव्ययफलानि च।
असाध्यानि च वस्तूनि नारभेत विचक्षण:।।
આ બધા દોષ તામસ ભાવના બતાવ્યા છે.
देशं कालं तथाऽत्मानं द्रव्यं द्रव्यप्रयोजनम्।
उपपत्तिमवस्थां च ज्ञात्वा शौचं(तपम्) समाचरेत्।।
પોતાની શક્તિ ન હોય ને કરવાનો આરંભ કરવો તે પણ આત્મપીડા ગણાય છે; પરંતુ તામસ વ્યક્તિઓની સમજણમાં એવું હોય છે કે, ઝાઝામાં ઝાઝી પીડા ઊભી કરવામાં આવે તેને જ તેઓ ‘તપ’ની વ્યાખ્યા આપે છે.
परस्योत्सादनार्थं वा-અથવા તેઓ બીજાને દુઃખ દેવા માટે તપ કરતા હોય છે. તેઓનો એવો ભાવ રહે છે કે, પ્રથમ ખૂબ કષ્ટ સહન કરી, સિદ્ધિ મેળવી હું ખૂબ મોટી શક્તિ પ્રાપ્ત કરી લઉં. પછી બીજાને ઉડાડી નાખું, નષ્ટભ્રષ્ટ કરી નાખું. મને ભલે કષ્ટ થાય પણ તેને તો બતાવી જ દઉં કે હું કોણ છું? અને તેની પદ્ધતિ પણ મન માન્યા ઢંગથી-ભસ્માસુર જેવી હોય છે.
तत्तामसमुदाहृतम्-તામસ મનુષ્યનો ઉદ્દેશ્ય જ બીજાને કષ્ટ દેવાનો અને તેઓનું (તેથી જ સાથે સાથે પોતાનું પણ) અનિષ્ટ કરવાનો હોય છે અને એવા ઉદ્દેશ્યથી કરવામાં આવેલું તપ તામસ કહેવાય છે. તેમાં કાયિક, વાચિક અને માનસિક તપમાં બતાવેલા સાધનોનો સમગ્ર સમાવેશ કરી શકાતો નથી પણ તેનાથી ઈતર મન માન્યા ઢંગથી તામસનું તપ વધારે હોય છે.
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम्।।२०।।
અર્થ : દાન આપવું જ જોઈએ એમ ધારીને જે દાન દેશ, કાળ અને પાત્ર-સુપાત્ર જોઈને તેમાં જેના તરફથી ઉપકારરૂપ બદલાની આશા પણ ન હોય એવાને આપવામાં આવતું જે દાન તે સાત્ત્વિક દાન કહેવાય છે. ।।૨૦।।
दातव्यमिति यद्दानं…અહીં શ્લોકમાં વિભાગ દેખાય છે, તે दातव्यम् દાન આપવું એ મારું કર્તવ્ય છે. કારણ કે મેં કુટુંબ, જાત વગેરેને માટે સંગ્રહ સ્વીકાર કર્યો છે. માટે દાન દેવાની મારી ફરજ છે. શાસ્ત્ર દાન દેવાની પૂર્વ શરતથી સંગ્રહની પરવાનગી આપે છે. માટે જે વ્યક્તિ પોતાને માટે કે પોતાનાને માટે સંગ્રહ કરે છે. તેને દાન દેવું એ પ્રથમ ફરજ થઈ પડે છે. સંગ્રહ રાગપ્રેરિત છે તેને સમતોલ કરવા ત્યાગ-દાન વિધિ પ્રેરણાની જરૂર પડે છે. માટે મારે સંગ્રહશુદ્ધિ માટે દાન દેવું જોઈએ. રાજસ દાનમાં ‘फलमुद्दिश्य’ સ્વર્ગાદિક ફળની પ્રાપ્તિને માટેની સામે સાત્ત્વિક દાનમાં दातव्यम् કોઈ પણ ફળની આશા વિના મારી ફરજ છે કે, પરમાત્માને રાજી કરવા મારે કરવું જોઈએ. એવું દાન તેના આત્મકલ્યાણને માટે થાય છે. વળી તે ‘दीयतेऽनुपकारिणे’ હવે દાન કોને આપવામાં આવે? તો અનુપકારીને દાન આપવું જોઈએ. જેણે કોઈ દિવસ આપણા ઉપર ઉપકાર નથી કર્યો, નથી કરતો અને પાછો ભવિષ્યમાં તે બદલો મને વાળે એવી ભાવનાથી દાન ન કરવું. અર્થાત્એવી ભાવનાથી કરેલું ‘દાન’ એ દાન તરીકે નહિ રહે.
જેણે આપણા ઉપર ઉપકાર કર્યો છે તેને કયારેય દેવું જ નહિ. એવો અર્થ નથી. તેને પ્રતિ ઉપકાર કરવો એ તો દાન કરતાં પણ પ્રથમ ફરજ છે પણ તે ‘દાન’ તરીકે ગણાવવાને લાયક નથી. તે રાજસી બની જશે સાત્ત્વિક દાન ગણાવા યોગ્ય નહિ બને. પછી દાનમાં દેશ, કાળ, પાત્ર તેને પણ જોવાનું છે. દેશ-પવિત્ર દેશમાં કરેલું દાન અનંતગણું ફળ આપનારું થાય છે. પવિત્ર તીર્થ વગેરે તેટલા જ દાનનું અધિક ફળ બતાવે છે તથા કાળ-પવિત્ર પર્વના દિવસો સંક્રાંતિ પર્વ, પોતાનો જન્મદિવસ વગેરે દાન દેવા માટે પવિત્ર કાળ છે. ત્યાર પછી ‘પાત્રતા’ પણ દાન દેવામાં અતિ મહત્ત્વનો મુદ્દો છે. ઉપર વર્ણવેલા તમામ ઉત્તમ સંજોગો હોય ને જો ‘કુપાત્ર’ને દાન દેવામાં આવે તો તે દાન નિષ્ફળ જાય છે. કયારેક તો તે દાનનો દુરુપયોગ થાય તો તેના પાપમાં દાતા ભાગીદાર પણ બને ખરો. માટે દાન દેનારાએ પોતે કરેલ દાનનો ઉપયોગ સારા માર્ગે થાય છે ! તે જોવું જરૂરી છે. દાન દઈને છૂટી જવું, આપણી ફરજ પૂરી થઈ ગઈ, જે કરે તે તે બધી વાત સાચી પણ એટલું તો જરૂર જોવું જોઈએ કે તેનાથી પાપ માર્ગમાં પ્રોત્સાહન તો નથી થઈ જતું ને? આપણે દીધેલ દાનનો પ્રતિ ઉપકાર આપણે જોઈતો નથી પણ વધારે સારા ભાવમાં આપણું સમર્પણ વપરાયએવું જોવાની દરેક દાતાની ફરજ થઈ રહે છે. ‘કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બોવું, વિવેકી નરને એમ વિચારીને જોવું’ એમ કહ્યું છે.
तद्दानं सात्त्विकं स्मृतम् એવી રીતે આપેલું દાન સાત્ત્વિક કહેવાય છે. દાનમાં મમત્વ ત્યાગ છે અને તેનાથી વસ્તુ સાથેનો સંબંધ વિચ્છેદ થાય છે. તેથી પોતાની મુક્તિમાં તે બમણું મદદ કરનારું થાય છે.
यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुन:।
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम्।।२१।।
અર્થ : જે દાન તો પ્રત્યુપકાર થવાને માટે અથવા ફળનો ઉદ્દેશ કલ્પીને ક્લેશપૂર્વક આપવામાં આવે છે. તે રાજસ દાન કહેવાય છે. ।।૨૧।।
यत्तु प्रत्युपकारार्थं-રાજસ દાન પ્રત્યુપકારને માટે આપવામાં આવે છે. જેમ કે તીરૂપતિમાં ગેસ્ટહાઉસમાં આપણે એક રૂમ બાંધવા ડોનેશન આપીએ તો આપણે જ્યારે જઈએ ત્યારે આપણે ઉતારો કરવામાં પણ કામમાં આવે. આજે આપણે મંદિરમાં કે સંતોને રસોઈ આપીએ તો દીકરા-દીકરીના લગ્નના મહેમાનને જમાડવાની પણ વ્યવસ્થા થઈ જાય. વગેરે અનેક પ્રકારે પોતાનો વ્યવહાર કે સંબંધ જોડીને જે દાન આપવામાં આવે કે ઉપકાર કરવામાં આવે તે પ્રત્યુપકારને માટે આપ્યું ગણાય છે.‘फलमुद्दिश्य वा पुन:’ અર્થાત્ફળનો ઉદ્દેશ્ય રાખીને દાન આપવામાં આવે. ફલોદેશ્ય મોટે ભાગે પરલોક સંબંધી હોય છે; છતાં પરલોક જ હોય તેવું નથી. કયારેક આ લોકના માન-મોટાઈ, કીર્તિ વગેરે પણ હોઈ શકે છે. ફલોદ્દેશ્ય અર્થાત્પરલોક સુખના ઉદ્દેશ્યથી અપાતા દાનમાં વિધિવિધાન ખૂબ ચોકસાઈથી સહજ પણે થતાં જ હોય છે. છતાં તેનું ઝાઝું મહત્ત્વ રહેતું નથી. ફલોદેશ્યનું જ મહત્ત્વ વધી જાય છે, માટે વિધિવિધાનનું મહત્ત્વ રહેતું નથી.
दीयते च परिक्लिष्टम्-રાજસ દાન બહુ જ ક્લેશપૂર્વક આપવામાં આવે છે. રાજસ વ્યક્તિને રાગ વધારે હોવાથી દાન આપતાં આપતાં પણ તેના દિલમાં કચકચાટ વધારે થાય છે. તેને કઠિન વધારે માલૂમ પડે છે.
तद्दानं राजसं स्मृतम् ઉપર્યુક્ત ભાવો સાથે અપાયેલું દાન રાજસ દાન કહેવાય છે.
अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते।
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम्।।२२।।
અર્થ : સારા-નરસા દેશ-કાળનો વિચાર કર્યા વિનાજ, અપાત્રોને, સત્કાર સિવાય અથવા તિરસ્કાર કરીને જે દાન આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય. ।।૨૨।।
તામસદાન અસત્કારપૂર્વક અને તિરસ્કારપૂર્વક આપવામાં આવે છે. ‘આવા તો ચાલી જ નીકળ્યા છે,’ ‘પાર નથી આવતો’ ‘માણસની જાત્ય જ ભૂંડી છે.’ વગેરે તિરસ્કાર અને અપમાન જનિત વાક્યો સંભળાવીને પછી જે કોઈ આપવાનું હોય તે આપે વળી अदेशकाले… તેમાં પુણ્યકાળ, પુણ્યદેશ વગેરેનો બિલકુલ વિચાર કરવામાં આવતો નથી. તેઓના મનમાં શાસ્ત્ર વચનનો મહિમા હોતો નથી. તેઓને તો પોતે જે આપે છે તેનો જ મહિમા ગુંજી રહ્યો હોય છે.
વળી अपात्रेभ्यश्च તેમાં પાત્રનો વિચાર કરવામાં નથી આવતો; પરંતુ વિવેકહીનતાથી દાન આપવામાં આવે છે. એવા દાનને તામસ દાન ગણવામાં આવે છે.
અહીં એક શંકા થાય છે કે, ગીતામાં તામસ કર્મોનું ફળ અધોગતિ બતાવ્યું છે. अधो गच्छन्ति तामसा: (૧૪/૧૮) એ મુજબ તો દાન કરનારાનું સારું થવાને બદલે ઊલટી અધોગતિ થશે. વળી બીજા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે શ્રદ્ધા હોય તો શ્રદ્ધાથી આપવું અને અશ્રદ્ધાથી પણ દાન તો જરૂર આપવું. श्रद्धया देयम्-अश्रद्धया देयम् શ્રદ્ધા ન હોય તો પણ દેવું જોઈએ.(તૈતિરીય-૧/૧૩/૮) આમ વિરોધ આવે છે કે એક બાજુ શાસ્ત્ર દાનની આજ્ઞા કરે છે અને પાછું તેમ કરે તો કહે તેની અધોગતિ થાય છે, તો તેનું સમાધાન એ છે કે તામસ મનુષ્યોની અધોગતિ થાય છે. એ નિયમ દાનના વિષયમાં લાગુ નથી પડતો. કારણ કે ધર્મનાં ચાર ચરણ છે. सत्यं दया तपो दानम् इति (भाग-१२/३/१०) આ ચારેમાંથી કલિયુગમાં ફકત એક જ ચરણ-દાન રહ્યું છે. ‘दानमेकं कलौ युगे’(મનસ્મૃતિ-૧/૮૫) માટે કોઈ પણ રીતે દાન કરવાનું આવે છે, ત્યારે વસ્તુ વગેરેના પોતાપણાનો ત્યાગ કરવો જ પડે છે. આ રીતે તામસ દાનમાં પણ આંશિક ત્યાગ જ હોવાથી તેની અધોગતિ તો થતી જ નથી. માટે ન કરે તેના કરતાં તામસ રીતે પણ કરતો હોય તો તે વધારે સારો છે. કારણ કે દેવતા ભોગી છે, દૈત્યો હિંસક અને નિદર્ય છે. જ્યારે માનવ લોભી છે માટે દાન દેવું એ જ તેના સ્વભાવની શાસ્ત્રોએ ચિકિત્સા કહી છે. એવી સૃષ્ટિ કરીને બ્રહ્માજીની આજ્ઞા છે.
દાન વિષયમાં આટલી વિશેષતા જાણવી જોઈએ કે, અન્ન, જળ, વસ્ત્ર અને ઔષધ-આ ચારેયના દાનમાં પાત્ર-કુપાત્ર વગેરેનો વિચાર કરવામાં નથી આવતો. અર્થાત્તે તપાસ ન કરવો એવું શાસ્ત્રમાં બતાવ્યું છે. તેમાં ભૂખ્યો તે પાત્ર, તરસ્યો તે પાત્ર, નગ્ન છે તો પાત્ર અને ઋગ્ણ હોય તો પાત્ર ગણાય છે. એટલી બાબતમાં કેવળ આવશ્યકતાને જ દેખવી જોઈએ. એમાં પણ જો ઉત્તમ દેશકાળમાં પાત્ર મળી જાય તો ઉત્તમ વાત છે અને જો ન મળે તો પણ કોઈ હરકત નહિ. હા, કુપાત્રને અન્ન, જળ વગેરે એટલું નહિ આપવું જોઈએ કે ફરીથી તે પાપોમાં પ્રવૃત્ત થઈ જાય પણ તેના પ્રાણની રક્ષા થાય એટલા પૂરતી પાત્રતા જોવાની જરૂર નથી.
ફલાનુસંધાનની બાબતમાં આટલું વિશેષ જાણવું જોઈએ કે, અગિયારથી વીસ શ્લોક સુધીના આ પ્રકરણમાં જે સાત્ત્વિક યજ્ઞ, તપ અને દાન આવ્યાં છે. તે તમામ ‘દૈવી સંપત્તિ’ છે અને જે રાજસ તથા તામસ યજ્ઞ, તપ અને દાન આવ્યાં છે તે તમામ ‘આસુરી સંપત્તિ’ છે. આસુરી સંપત્તિમાં આવેલા રાજસ યજ્ઞ, તપ અને દાનનાં ફળના બે વિભાગ છે.-દૃષ્ટ અને અદૃષ્ટ. તેમાં પણ દૃષ્ટના બે વિભાગ છે. તાત્કાલિક અને કાલાંતરિત. જેમ કે રાજસ ભોજન પછી તૃપ્તિ થવી એ તાત્કાલિક ફળ છે અને રોગ વગેરે થવું એ કાલાંતરિત ફળ છે. એવી જ રીતે અદૃષ્ટના પણ બે ફળ છે-લૌકિક અને પારલૌકિક. જેમ કે દંભપૂર્વક दम्भार्थमपि चैव यत्(૧૭/૧૨) સત્કારમાન પૂજાને માટે ‘सत्कारमानपूजार्थम्’(૧૭/૧૮) અને પ્રત્યુપકારને માટે ‘प्रत्युपकारार्थम्’(૧૭/૨૧) કરવામાં આવેલા યજ્ઞ, તપ અને દાન તેનું લૌકિક ફળ તે આ લોકમાં, આ જ જન્મમાં અને આ શરીરના રહેતાં રહેતા જ મળવાની સંભાવનાવાળું હોય છે. રાજસના દૃષ્ટ ને કાલાંતરિત ફળ અને અદૃષ્ટનું લૌકિક ફળ બન્ને એક જેવા દેખાય છે. છતાં પણ એમાં અંતર છે. જેમ કે ભોજનના પરિણામ સ્વરૂપ જે રોગ વગેરે થશે તે ભૌતિક કાલાંતરિક ફળ છે. અર્થાત્તે સીધા ભોજનનું જ પરિણામ છે. પુત્રેષ્ટિ યજ્ઞ વગેરેનું જે ફળ થશે તે લૌકિક ફળ છે અર્થાત્તે પ્રારબ્ધ બનીને પુત્રના રૂપમાં આવે છે. તેથી અદૃષ્ટનું લૌકિક ફળ છે.
સ્વર્ગને જ પરમ પ્રાપ્ય માનીને તેની પ્રાપ્તિ માટે કરવામાં આવેલ યજ્ઞ વગેરેનું ફળ પારલૌકિક હોય છે; પરંતુ રાજસ अभिसन्धाय तु फलम्(૧૭/૧૨) અને દાન फलमुद्दिश्य वा पुन:(૧૭/૨૧)નું ફળ લૌકિક તથા પારલૌકિક બન્ને હોઈ શકે છે અને બન્ને જન્મ-મરણને પામનારા છે. વળી રાજસ પુરુષોનો દંભ અધિક વધી જાય તો તેઓ નરકમાં પણ જઈ શકે છે અને તામસ યજ્ઞ અને તપ કરવાવાળા તામસ પુરુષો અધોગતિમાં જાય છે. अधो गच्छन्ति तामसा:(૧૪/૧૮) पतन्ति नरकेऽशुचौ (૧૬/૧૬) आसुरीष्वेव योनिषु (૧૬/૧૯) ततो यान्त्यधमां गतिम्(૧૬/૨૦)
કર્મમાંથી સંપૂર્ણ દોષોની નિવૃત્તિ માટે નિષ્કામભાવપૂર્વક કર્તવ્યકર્મ કરીને પરમાત્માને સમર્પિત કરવાથી જ થાય છે. તેથી નિષ્કામભાવપૂર્વક કરવામાં આવેલાં કર્મો જ શ્રેષ્ઠ છે. નિષ્કામભાવ સિવાય પરમાત્મતત્ત્વની નિષ્ઠા આવવી શક્ય નથી.