ગીતા અધ્યાય-૧૬, શ્લોક 06 to 20

શ્લોક ૬-૨૦

આસુરી સંપદાના માણસોના લક્ષણો અને એમની અધોગતિનું કથન

द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च।

दैवो विस्तरश: प्रोक्त आसुरं पार्थ मे श्रृणु।।६।।

અર્થ : હે પાર્થ ! આ લોકમાં દૈવી-સમ્પદ્વાળો અને આસુરી સમ્પદ્વાળો એવો બે પ્રકારનો ભૂતસર્ગ જોવામાં આવે છે. તેમાં દૈવી સર્ગ વિસ્તારપૂર્વક કહ્યો અને હવે આસુરી સર્ગ મારા થકી તું સાંભળ ! ।।૬।।

द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव… આસુરી સંપત્તિનું વિસ્તારપૂર્વક વર્ણન કરવા માટે તેનો ઉપક્રમ કરતાં ભગવાન કહે છે કે, આ લોકમાં પ્રાણી સમુદાય બે જાતનો છે-દૈવ અને આસુર. દેવ અહીં પરમાત્માનો વાચક લેવાનું તાત્પર્ય છે. પરમાત્માની પ્રાપ્તિને માટે જેટલા સદ્ગુણ સદાચાર વગેરે સાધનો છે તથા પ્રયત્નો છે તે બધું દૈવી સંપત્તિ છે. જેવી રીતે ભગવાન નિત્ય છે એવી જ રીતે તેમને પામવાની સાધન સંપત્તિ પણ નિત્ય છે. ભગવાને પરમાત્મપ્રાપ્તિના સાધનને ‘અવ્યય’ અર્થાત અવિનાશી કહ્યું છે-

‘इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम्‌’

द्वौ भूतसर्गौ માં ભૂત શબ્દથી મનુષ્ય, દેવતા, અસુર, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, પશ-પક્ષી, કીટ, પતંગ, વૃક્ષ, લતા વગેરે તમામ પ્રાણીઓ લઈ શકાય છે; પરંતુ આસુર સ્વભાવનો ત્યાગ કરવાની વિવેકશક્તિ મુખ્યરૂપે મનુષ્યમાં જ છે. તેથી મનુષ્યે આસુર સ્વભાવનો ત્યાગ કરવો જોઈએ. વિશેષ ધ્યાન આપવા જેવી વાત એ છે કે, અહંતાને અનુરૂપ પ્રવૃત્તિ થાય છે અને પ્રવૃત્તિ અનુસાર અહંતાની દૃઢતા થાય છે. તેથી જેની અહંતા પરમાત્મા સાથે જોડાયેલી છે.(હું ભગવાનનો સેવક છું વગેરે) તેમાં દૈવીભાવ આવી જાય છે. જેની અહંતા જગત સાથે જોડાયેલી છે, તેમાં આસુરી ભાવ આવી જાય છે. આ જીવ પરમાત્માનો અંશ હોવાથી સર્વથા સદ્ભાવ રહિત કોઈ હોઈ શકતો નથી અને શરીર સાથે અહંતા મમતા રાખતા રહીને દુર્ભાવથી સર્વથા રહિત કોઈ થઈ શકતો નથી. મનુષ્યોનો સદ્ભાવ કે દુર્ભાવની પ્રધાનતાને કારણે જ પ્રવૃત્તિ થાય છે. જ્યારે સદ્ભાવની પ્રધાનતા હોય છે ત્યારે તે સદાચાર આચરે છે. જ્યારે દુર્ભાવની પ્રધાનતા હોય છે ત્યારે તે દુરાચાર આચરે છે. તાત્પર્ય એ છે કે, જેનો ઉદ્દેશ્ય(ગોલ) પરમાત્માની પ્રાપ્તિનો થઈ જાય તો તેનામાં સદ્ભાવની પ્રધાનતા થઈ જાય અને દુર્ભાવો દૂર થવા લાગે છે જેનો ઉદ્દેશ્ય સાંસારિક ભોગ અને સંગ્રહનો થઈ જાય છે, તેનામાં દુર્ભાવની પ્રધાનતા થઈ જાય છે અને સદ્ભાવો દબાઈ જાય છે.

लोकेऽस्मिन्‌-કહેવાનું તાત્પર્ય એ છે કે, આ લોકમાં પૃથ્વીમંડળમાં અનેક પ્રાણીઓ-અધિકારી જીવો છે. જેમાં ભારત ભૂમિની વિશેષતા છે. તેમાં મનુષ્ય જન્મ લેવાવાળાની દેવતાઓ પણ પ્રશંસા કરે છે-

अहो अमीषां किमकारि शोभनं प्रसन्न एषां स्विदुत स्वयं हरि:।

यैर्जन्मलष्धं नृषु भारताजिरे मुकुन्दसेवोपयिकं स्पृहा हि न:।। ભાગ. ૫/૧૯/૨૧

गायन्ति देवा: किल गीतकानि धन्यास्तु ते भारतभूमिभागे।

स्वर्गापवर्गास्पदमार्गभूते भवन्ति भूय: पुरुषा: सुरत्वात्‌। વિ. પુરાણ ૨/૩/૨૪

કલ્યાણનો મોકો મનુષ્ય લોકમાં જ છે-ભગવાને વિવેકબુદ્ધિ એક મનુષ્યને જ આપી છે. તેથી लोकेऽस्मिन થી વિશેષ કરીને મનુષ્ય તરફ શબ્દોનું લક્ષ્ય છે. આ લોકમાં મનુષ્ય તન પામીને વિશેષ સાવધાનીથી દૈવી સંપત્તિ જાગ્રત કરીને ભગવાનને પામી જવું જોઈએ. એવા હેતુથી જ ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે. ભગવાન પાસે જવાનો તો હર કોઈ પ્રાણીને અધિકાર છે પણ તેમાં વિવેક નથી. વિવેક માત્ર મનુષ્યને જ ભગવાને આપ્યો છે. તેથી મનુષ્યોમાં જેઓ સર્વ પ્રકારે દુરાચારમાં લાગેલા રહે છે, તેઓ ચાંડાલ અને પશુ-પક્ષી વગેરે પાપ યોનિવાળાઓની અપેક્ષાએ પણ અધિક દોષી છે. પાપયોનિમાં પડેલા પ્રાણીઓ પાપ ભોગવીને પાપને ઓછા કરે છે. જ્યારે આ મનુષ્ય થઈને પાપનો વધારો કરે છે. માનવથી ઈતર યોનિમાં પણ દૈવી સંપત્તિવાળા પ્રાણીઓ જોવામાં સાંભળવામાં આવે છે. કેટલાક કૂતરા પણ એવા જોવા અને સાંભળવામાં આવ્યા છે, તે એકાદશીના દિવસે ખાતા નથી. સર્પ વગેરે જાતિમાં પણ દૈવી જીવ હોય છે. તેમ ઝાડ વગેરેમાં પણ હોય છે પણ તેમાં દૈવી સંપત્તિના ગુણોના વિકાસનું ક્ષેત્ર અને યોગ્યતા નથી. તેમના વિકાસનું ક્ષેત્ર અને યોગ્યતા તો કેવળ મનુષ્ય શરીરમાં જ છે. दैवो विस्तरश: प्रोक्त: ભગવાન કહે છે. દૈવી સંપતિનું મેં વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. આ અધ્યાયના પહેલા શ્લોકમાં નવ, બીજા શ્લોકમાં અગિયાર અને ત્રીજા શ્લોકમાં છ-આ રીતે દૈવી સંપત્તિમાં કુલ-છવ્વીસ લક્ષણોનું વર્ણન કર્યું છે. તદુપરાંત આગળના અધ્યાયોમાં ગુણાતીત પુરુષોનાં લક્ષણો,(૧૪મો અધ્યાય) કર્મયોગીનાં લક્ષણો (૬ઠ્ઠો અ.)અને સ્થિતપ્રજ્ઞના લક્ષણો(૨જો અ.)માં દૈવી સંપત્તિનું વર્ણન વિસ્તારથી થયું છે. आसुरं पार्थ मे श्रृणु –હવે તું મારી પાસેથી આસુરી સંપત્તિને વિસ્તારપૂર્વક સાંભળ. અર્થાત્જે મનુષ્યો કેવળ પ્રાણપોષણપરાયણ છે, ભગવાનની વિચારધારાથી ઊંધા ચાલનારા છે તેનો સ્વભાવ કેવો હોય છે તેનો વિસ્તાર મારાથી સાંભળ-

प्रवृतिं च निवृत्तिं च जना न विदुरासुरा:।

न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते।।७।।

અર્થ : આસુર-સ્વભાવવાળા માણસો પ્રવૃત્તિ શું ? અને નિવૃત્તિ શું ? એ બન્નેને કાંઈ સમજતા જ નથી અને તેમનામાં શૌચ-પવિત્રતા નથી હોતી, તેમજ આચાર-ધર્મ પણ હોતો નથી અને સત્ય પણ હોતું નથી.।।૭।।

ભગવાનથી વિમુખ મનુષ્યમાં આસુરી સંપત્તિ કયા ક્રમથી અને કર્મથી આવે છે તેનું હવે પછીના શ્લોકમાં વર્ણન કરે છે.

प्रवृत्तिं च निवृत्तिं च… આજકાલના ઉચ્છૃંખલ વાતાવરણ, ખાનપાન, પાશ્ચાત્ય શિક્ષણ વગેરેના પ્રભાવથી બહુધા મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિને અર્થાત્શામાં પ્રવૃત્ત થવું જોઈએ અને શાનાથી નિવૃત્તિ થવું જોઈએ-તેને નથી જાણતા અને જાણવા ઈચ્છતા પણ નથી. અભિમાનને કારણે પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે. આને કારણે સર્વથી પહેલા આસુરી સંપત્તિ આવે છે-પ્રવૃત્તિ અને નિવૃત્તિને નહિ જાણવાથી. આને કારણે તેઓ પરમાત્માથી પણ વિમુખ થઈ જાય છે.

પ્રવૃત્તિ-નિવૃત્તિનું જ્ઞાન કેમ થાય છે? તો સાચા ગુરુઓ દ્વારા અને સત્શાસ્ત્રો દ્વારા તેનું જ્ઞાન થાય છે પણ આસુરી સંપત્તિ આવી ગયા પછી તો તેનામાં આસ્થા હોતી નથી. તદુપરાંત માણસ કયારેક અચાનક મુશ્કેલીમાં ફસાઈ જાય, કોઈ વિચિત્ર ઘટના બની જાય. કોઈ જોરદાર ફટકો લાગી જાય તો ભાગ્યવશાત્કોઈકને વિવેક જાગૃત થઈ જાય છે. કોઈ સાચા મહાપુરુષનો યોગ થઈ જાય અને પૂર્વ સંસ્કારવશ તેની વૃત્તિ બદલાઈ જાય અને તેની વિવેકશક્તિ જાગૃત થઈ જાય તો તેને પ્રવૃત્તિ-નિવૃત્તિનું જ્ઞાન થઈ જાય છે.

વિવેકશક્તિ પ્રાણીમાત્રમાં રહે છે; પરંતુ પશુપક્ષી વગેરે યોનિઓમાં તેને વિકસિત કરવાનો અવસર, સ્થાન અને યોગ્યતા હોતી નથી. ફકત મનુષ્ય દેહમાં તેને વિકસિત કરવાનો અવસર, સ્થાન અને યોગ્યતા હોય છે. પશુ-પક્ષી વગેરે પ્રાણીમાં તે કેવળ પોતાના શરીરનિર્વાહ પૂરતી સીમિત રહે છે. જ્યારે મનુષ્ય દેહમાં પોતાના કલ્યાણ સુધી તે વિકસિત થઈ શકે છે. પોતાનું આત્મકલ્યાણ કેમ થાય? કેવી પ્રવૃત્તિ કરે તો થાય અને કેવી પ્રવૃત્તિ કરે તો ન થાય તે જાણી શકે છે. કારણ કે મનુષ્ય સાધનયોનિ છે. જ્યારે પેલા ભોગ યોનિ છે. જ્યારે મનુષ્યમાં પણ આહાર, નિદ્રા, મૈથુન વગેરે પર જ વિશેષ વૃત્તિ રહે છે ત્યારે તેનામાં વિવેકશક્તિ વિકસિત થતી નથી અને તે મનુષ્ય હોવા છતાં પશુ તુલ્ય રહે છે. તે આસુરી સંપત્તિમાં પ્રવેશ કરી જાય છે.

जना:(૧૬/૭)થી લઈને ‘नराधमान्‌’(૧૬/૧૯) સુધી વચમાં આવેલા શ્લોકોમાં કયાંય પણ ભગવાને મનુષ્યવાચક શબ્દ નથી આપ્યો. આનું તાત્પર્ય એ છે કે મનુષ્યમાં આસુરી સંપત્તિનો ત્યાગ કરવાની તથા દૈવી સંપત્તિને ધારણ કરવાની યોગ્યતા છે તો પણ જેઓ મનુષ્ય હોઈને પણ દૈવી સંપત્તિ ધારણ ન કરીને આસુરી સંપત્તિને ધારણ કરી રાખે છે. તેઓ મનુષ્ય કહેવરાવવાને લાયક નથી. તેઓ પશુઓથી અને નારકીય પ્રાણીઓથી પણ નકામા છે, બદતર છે. કેમ કે પશુઓ અને નારકી પ્રાણીઓ તો પાપોનું ફળ ભોગવીને પવિત્રતા તરફ જઈ રહ્યા છે. જ્યારે પુણ્યના ફળે અને પુણ્ય કરવાનો અવતાર આજે મળ્યો છે ત્યારે તેઓ પાપ કરીને પશુપંખી અને નારકી યોનિ તરફ ગતિ કરી રહ્યા છે. ભગવાને આસુરી મનુષ્યોના જેટલાં લક્ષણો બતાવ્યાં છે, તેમાં મનુષ્ય વાચક શબ્દ તો નથી આવવા દીધો પણ કયાંય તેઓને પશુ વગેરેનું વિશેષણ પણ ન આપી કેવળ अशुभान्‌ नराधमान्‌ જેવા વિશેષણો જ આપ્યા છે. કારણ એ છે કે પશુ વગેરે તેટલા પાપી નથી અને પશુ વિગેરેના દર્શનથી પાપ નથી લાગતું પણ આસુરીના દર્શન કરવાનું પણ પાપ બતાવ્યું છે.

न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते તેને મુખ્ય વસ્તુ-બંધન શામાંથી થશે અને સંસારથી મુક્તિ શામાંથી થશે તેની જ જાગૃતિ ન હોવાથી, તેને શુદ્ધિ-અશુદ્ધિનો પણ ખ્યાલ હોતો નથી. તેઓને આરંભથી જ એ પ્રકારનું શિક્ષણ મળ્યું નથી કે શુદ્ધિ શું કહેવાય અને અશુદ્ધિ શું કહેવાય ! ખાનપાન કયું શુદ્ધ હોય છે અને કયું અશુદ્ધ હોય છે ! મોટા અને નાનાઓની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને કેવો નહિ કરવો જોઈએ ! સત્ય શું હોય છે અને અસત્ય શું હોય છે ! આ બધી બાબતોને તેઓ નથી જાણતા. આ બધાનું તાત્પર્ય એ કે, જે અસુર પુરુષો છે તેની વિચારધારા એવી હોય છે કે બસ ખાવું પીવું, આરામથી રહેવું. કોઈ ભોગ બાકી ન રહી જવા જોઈએ. ભવિષ્યના ભોગની ચિંતાથી સંગ્રહ કરવો આ બધું જ તેનો ઉદ્દેશ્ય બની જાય છે. ભગવાને બીજા અધ્યાયના ચુમાલીસમાં શ્લોકમાં ‘भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम्‌…’ દ્વારા બતાવ્યું છે કે વૈદિક પ્રક્રિયાનુસાર, મર્યાદામાં રહીને પણ સાંસારિક ભોગ અને સંગ્રહમાં લાગેલા પુરુષોમાં પરમાત્માની પ્રાપ્તિનો નિશ્ચય હોઈ શકતો નથી, તો બેમર્યાદા ભોગ અને સંગ્રહમાં લાગેલ આસુરી સંપત્તિવાળા છે તેઓની બુદ્ધિમાં પરમાત્માનો નિશ્ચય અને ભક્તિ આવવા અતિ કઠિન છે. તેઓના ભાગ્યમાં ઘોર નરક સહેલાઈથી આવી જાય છે.

असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम्‌।

अपस्परसम्भूतं किमन्यत्कामहैतुकम्‌।।८।।

અર્થ : તે આસુરી જનો તો આ જગત્ને પણ અસત્ય, આશ્રયરહિત અને અનીશ્વર નિયન્તા વિનાનું નિધણીયું કહે છે અને કેવળ ભોગ-વિલાસને માટેજ છે અને પરસ્પર સ્ત્રી-પુરુષના સંસર્ગથી ઉત્પન્ન થયા સિવાયનું બીજું શું છે ? એમ કહે છે. ।।૮।।

આ જગત વિશેની તેમની માન્યતા વિચિત્ર હોય છે. કોઈ શાસ્ત્ર પ્રમાણે હોતી નથી असत्यम्‌… તેઓ અસત્ય ભાષણ કરે છે. એટલું જ નથી પણ તેઓની માન્યતાઓ પણ અસત્ય માન્યતાઓ છે. તેઓ આ જગતને અસત્ય અર્થાત્અબ્રહ્માત્મક માને છે. જગતને બ્રહ્માત્મક માનવાની કોઈ જરૂર નથી. પ્રતિષ્ઠમ્પરમાત્મા આ જગતને ધારી રહ્યા છે. એવું માનવાની જરૂર નથી. તે તો ગુરુત્વાકર્ષણથી, પવનથી કે તેના બીજા પોતપોતાની માન્યતા અનુસારે ધારી રહેવાયું છે. તેમાં વચ્ચે ભગવાનને લાવવાની જરૂર નથી. વળી આ જગત અનીશ્વરમ્આ જગતકર્તા ઈશ્વરને માનવાની જરૂર નથી. સંસારમાં આસ્તિક પુરુષોની ધર્મ, ઈશ્વર, પરલોક વગેરેમાં શ્રદ્ધા હોય છે; પરંતુ આસુરી લોકો ધર્મ કે ઈશ્વરમાં કે પુનજર્ન્મમાં શ્રદ્ધા રાખતા નથી. આથી તેઓ એવું માને છે કે, આ સંસારમાં ધર્મ, ઈશ્વર કે પુણ્ય પાપ જેવું કાંઈ છે નહિ. અનીશ્વર પદનું તાત્પર્ય છે કે, આસુરી સંપતિવાળા ઈશ્વરને નથી માનતા. ‘प्राप्तौ सत्यां निषेध:’ એ ન્યાયથી ઈશ્વરની સત્તા તો છે પણ તેને સ્વીકારવાની જરૂર નથી. પ્રકૃતિ પુરુષથી જ કામ ચાલે છે તો વચ્ચે ઈશ્વરને લાવવાના શી જરૂર છે? એવી જ રીતે જ્યાં સુધી બીજી કર્માદિક(સૌને પોતપોતાની) માન્યતાઓથી જગત બંધ બેસી જતું હોય તો પરમાત્માને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. ઈશ્વરની સત્તા નહિ માનવાથી તેઓ અપાર ચિંતાથી ઘેરાયેલા રહે છે.(૧૬/૧૧) જ્યારે ઈશ્વરની સત્તાને માનીને તેને આશ્રયે રહેવાવાળા દૈવી સંપત્તિવાળા મનુષ્યો નિશ્ચિંત અને નિર્ભય રહે છે. આસુરી લોકો આ જગતને માલિક વિનાનું માને છે અને પોતે જ તેના માલિક થવા પ્રયત્ન કરે છે. અર્થાત્આ જગતને રચવાવાળો, એનું શાસન કરવાવાળો, અહીં કરેલા પુણ્ય પાપોનું ફળ ભોગવવાવાળો કોઈ માલિક ઈશ્વર છે જ નહિ, એવી તેમની માન્યતા હોય છે.

अपरस्पर संभूतम्‌ તેઓ કહે છે કે, આ જગતનો સજર્ક કોઈ પરમાત્મા છે નહિ. ખાલી સ્ત્રી-પુરુષોના સંયોગથી જગતની ઉત્પતિ થાય છે. માટે આ સંસારનું કારણ કામ જ છે. તેને માટે ઈશ્વર, પ્રારબ્ધ વગેરે કશાની જરૂર નથી. એવું માનવું તે પાખંડ છે અને કેવળ દુનિયાને છેતરવા માટે જ છે.

एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धय:।

प्रभवन्त्युग्रकर्माण: क्षयाय जगतोऽहिता:।।९।।

અર્થ : આવી નાસ્તિક તુચ્છ દૃષ્ટિને અવલંબીને નષ્ટપ્રાય આત્મા-મન અથવા સ્વભાવવાળા અને અતિ અલ્પ તુચ્છ બુદ્ધિવાળા, આવા સઘળા જગત્નું અહિત કરનારા કૂરકર્મ મનુષ્યો જગત્ના વિનાશને માટે ઉગ્ર-ભયંકર કર્મ કરનારા થાય છે. ।।૯।।

જ્યાં સદાચરણ લુપ્ત થઈ થાય છે, ત્યાં સદ્ભાવ પણ લુપ્ત થઈ જાય છે. જ્યાં સદ્ભાવ લુપ્ત થઈ જાય છે ત્યાં સદ્વિચારો આવતા નથી. આવે તો કાંઈ કામ કરતા નથી. તે હવેથી બતાવે છે. एतां दृष्टिम्‌… ન કોઈ કર્તવ્ય-અકર્તવ્ય છે, ન શૌચાચાર સદાચાર છે, ન ઈશ્વર છે, ન પ્રારબ્ધ છે, ન પાપપુણ્ય છે, ન પરલોક છે, ન કરેલાં કર્મોનું કોઈ દંડ વિધાન છે-એવી નાસ્તિક દૃષ્ટિનો આશ્રય લઈને તેઓ ચાલે છે.

नष्टात्मान: આત્મા ચેતન તત્ત્વ છે કે આત્માની કોઈ સત્તા છે એવું તેઓ માનતા જ નથી. ખરેખર તો આત્મા કોઈ પ્રકારે નષ્ટ થતો નથી પણ દેહથી અતિરિકત આત્મા છે. તે જોવાની તેની દૃષ્ટિ નષ્ટ થઈ ગઈ હોવાથી તેને નષ્ટાત્મા ભગવાને કહ્યા છે. તેની દૃષ્ટિ જડ બની ગઈ છે. તેથી તેની દૃષ્ટિમાં જડ વસ્તુ જ દેખાઈ શકે છે. તેઓ ચેતન તત્ત્વથી બિલકુલ વિમુખ બની ગયેલા છે.

अल्पबुद्धय: અલ્પબુદ્ધિ કહેવાનું તાત્પર્ય છે અલ્પવિવેકવાળા. તેનામાં જે દેહાતિરિકત આત્માને જોવાનો જે વિવેક છે તે ઘણો ખરો નષ્ટ થઈ ગયો હોય છે. પશુ જેટલો ખાવા પીવાનો કે તેથી વધારે સંગ્રહ કરવા સિવાય તેઓમાં વિવેક બચ્યો હોતો નથી. તેથી તેમની બુદ્ધિ અલ્પ અને તુચ્છ હોય છે તેઓને કેવળ કમાઓ, ખાઓ, પીઓ, મજા કરો, આગળ ભવિષ્યમાં શું થશે? પરલોકમાં શું થશે? આ વાત તેમની બુદ્ધિમાં કયારેય આવતી નથી.

અહીં અલ્પબુદ્ધિનો અર્થ એ નથી કે, દરેક કામમાં તેની બુદ્ધિ કામ નથી કરતી. આમ તો કયારેક ભોગ ભોગવવામાં અને સંગ્રહ કરવામાં કે ધન કમાવામાં તેઓ ઘણા આગળ પડતા હોય છે પણ સત્ય તત્ત્વ શું છે? ધર્મ શું છે? અધર્મ કોને કહેવાય? સદાચાર દુરાચાર શું છે અને તેનું પરિણામ શું આવે છે? એ વિષયમાં તેઓની બુદ્ધિ કામ નથી કરતી. તાત્પર્ય એ છે કે, પારમાર્થિક વિષયમાં તેઓની બુદ્ધિ તુચ્છ હોય છે અને સંસારના વિષય ભોગવવામાં તેઓ હોશિયાર હોય છે. उग्रकर्माण: તેઓ કોઈનાથી ડરતા નથી. જો ડરશે તો ચોર, ડાકુ, કે રાજકીય આદમીથી ડરશે. ઈશ્વરથી, પરલોકથી, મર્યાદાથી તેઓ ડરતા નથી. ઈશ્વર અને પરલોકનો તેઓને ભય ન હોવાથી ગમે તેવું ક્રૂર કર્મ તેમના હાથે થઈ શકે છે.

अहिता: તેઓનો સ્વભાવ આસુરી હોવાથી તેઓ બીજાઓનું અહિત-નુકસાન કરવામાં લાગેલા રહે છે અને બીજાઓનું નુકસાન કરવામાં જ તેઓને રસ અને સુખ થાય છે.

जगत: क्षयाय प्रभवन्ति- તેમની પાસે જે શક્તિ છે, ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, પદ છે, અધિકાર છે તે તમામ બીજાઓનું અહિત કરવામાં અને નાશ કરવામાં જ યોજાય છે. બીજાઓનો નાશ એ જ તેમને ઉદ્દેશ્ય હોય છે. પોતાનો ઘણો સ્વાર્થ સિદ્ધ થાય કે થોડો સિદ્ધ થાય અથવા બિલકુલ સિદ્ધ ન થાય; પરંતુ તેઓ બીજાની ઉન્નતિને સહી નથી શકતા. બીજાઓનો નાશ અર્થાત્પરાયો હક છીનવી લેવામાં જ તેમને સુખ થાય છે. બીજાના દુઃખની કે નુકસાનની તેને પરવા હોતી નથી. પોતાના અલ્પસુખ કે અલ્પ સ્વાર્થ માટે બીજાના જાનનું નુકસાન કરતા અચકાતા નથી, એવા ઉગ્ર સ્વભાવવાળા હોય છે.

काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विता:।

मोहाद्‌ गृहीत्वासद्‌ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रता:।।१०।।

અર્થ : દંભ, અભિમાન અને મદે યુક્ત તે મનુષ્યો દુષ્પૂર કામનો આશ્રય કરીને અજ્ઞાનથી ખોટા દુરાગ્રહોને પકડીને અપવિત્ર આચરણ કરતા થકા સંસારમાં પ્રવર્તે છે. ।।૧૦।।

જ્યાં સત્કર્મ, સદ્ભાવ અને સદ્વિચારનો અનાદર થાય છે, ત્યાં મનુષ્યો કામનાઓનો આશ્રય લઈને શું કરે છે-તેને હવે કહે છે. काममाश्रित्य दुष्पूरं તેઓ આસુરી પ્રકૃતિવાળા કદી પૂરી ન થવાવાળી કામનાઓનો આશ્રય લે છે. લૌકિક કામનાઓ કોઈની કયારેય પૂર્ણપણે સંતોષાતી જ નથી. એક પુરી થાય ત્યાં બીજી અનેક ઊઠે છે. સામાન્યપણે કોઈ ભગવાનનો આશ્રય લે છે, કોઈ કર્તવ્યનો, કોઈ ધર્મનો, કોઈ પરલોક વગેરેનો આશ્રય લે છે. તેવી જ રીતે આસુરી જીવો કદી ન થવાવાળી કામનાઓનો આશ્રય લે છે. તેઓ એવું માને છે કે, કામનાઓ વિના આદમી પથ્થર જેવો થઈ જાય છે. કામનાઓના આશ્રય વિના આદમીની ઉન્નતિ થઈ જ નથી શકતી. કામના છે એ જ પ્રાણીની ચેતના છે, ચેતના લાવનારી વસ્તુ છે. તેને ‘મહત્વાકાંક્ષા’ એવું રૂપાળું નામ આપીને શણગારે છે. તેઓ માને છે કે, આજે જેટલા વ્યક્તિઓ ધનિક, સત્તાધીશ, પંડિત થયા છે તે તીવ્ર કામના જાગવાને કારણે જ મહાન થઈ ગયા છે. આ રીતે કામનાના ગુણગાન કરીને તેમનો જ આશ્રય અર્થાત્મહત્ત્વબુદ્ધિથી ચોટે છે. પછી તેઓ ભગવાન, પરલોક કે પ્રારબ્ધને માનતા નથી.

હવે તે કામનાની પૂર્તિ શાના દ્વારા કરવી ? તેમના સાથી (સહાયક) કોણ ? તો બતાવે છે કે, दम्भमानमदान्विता: તેઓ દંભ, માન અને ઉદ્ધતાઈનો આશ્રય લઈને કામના પૂરી કરવા લાગી જાય છે. જ્યાં જેમની સામે જેવા બનવાથી પોતાનો મતલબ સિદ્ધ થાય અર્થાત્ધન, માન, બડાઈ, પૂજા, પ્રતિષ્ઠા, આદર, સત્કાર, વાહવાહ વગેરે મળે છે ત્યાં તેઓની સામે તેવો જ પોતાને દેખાડવો, પછી ભલે પોતે તેવો વાસ્તવમાં ન હોય, તોય દેખાડી દેવો તેને ‘દંભ’ કહેવાય. પોતાને મોટો માનવો, શ્રેષ્ઠ માનવો કે પૂજ્ય માનવો તે ‘માન’ છે, અમારી પાસે આટલી વિદ્યા, બુદ્ધિ, યોગ્યતા વગેરે છે-એ વાતને લીધે નશો આવી જવો, ઉદ્ધતાઈ આવી જવી તે ‘મદ’ છે આવા આસુરી પ્રકૃતિવાળા સદા દંભ, માન, મદમાં ખરડાયેલા રહે છે.

अशुचिव्रता: તેઓના વ્રતો મલિન આશયવાળા, મલિન સાધનાવાળા હોય છે. તેમનો ઈરાદો કયારેય પવિત્ર ઈરાદો હોતો નથી. વ્રત, ધર્મ વગેરે વિધાન પણ નબળા ઈરાદાને સિદ્ધ કરવા માટે થતા હોય છે. માટે ઈરાદાથી અને મલિન વિધિ-વિધાનથી તેમનાં વ્રત ખરડાયેલા હોય છે. તેઓની ધાર્મિક ક્રિયા કે વ્રતો પણ બીજાને નુકસાન માટે અને પોતાના મલિન ઈરાદા પૂરા કરવા માટે મન કલ્પિતપણે હોય છે.

मोहाद्‌ असद्‌ग्राहान्‌ गृहीत्वा अशुचिव्रता: प्रवर्तन्ते।

મૂઢતાને લઈને તેઓ અનેક દુરાગ્રહને પકડીને બેસી ગયા હોય છે. તામસી બુદ્ધિને આધારે ચાલવું તે જ મૂઢતા છે. (૧૮/૩૨) તેઓ શાસ્ત્રોને, વેદોને, વર્ણાશ્રમોને અને કુળ પરંપરાને નથી માનતા; પરંતુ તેનાથી વિપરીત ચાલવામાં તથા તેને તોડીને ભ્રષ્ટ કરવામાં પોતાની બહાદુરી, મોટાઈ માને છે. તેને સુધારાવાદી એવું રૂપાળુ નામ આપે છે અને ગૌરવ સમજે છે. તેઓ શાસ્ત્રથી ઊંધું કરવામાં જ શ્રેષ્ઠતા માને છે. આવા વિચારોને કારણે જ તેઓની બુદ્ધિનું પતન થાય છે અને અતિ દુરાગ્રહી બને છે.

चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिता:।

कामोपभोगपरमा एतावदिति निश्चिता:।।११।।

અર્થ : ઠેઠ મરણ સુધીની અતિ અપાર ચિંતામાં ગરકાવ થયેલા અને કામ-વિષયોપભોગ કરવો એજ પ્રધાન જેમને છે અને આટલું જ એ ખરું છે એમ દૃઢ ઠરાવ કરી બેઠેલા હોય છે. ।।૧૧।।

સત્કર્મ, સદ્ભાવ અને સદ્વિચારોના અભાવમાં તે આસુરી પ્રકૃતિવાળાના નિયમ, ભાવ અને આચરણ કયા ઉદ્દેશ્યને કારણે અને કયા પ્રકારના હોય છે ! તેને હવે બે શ્લોકથી કહે છે.

चिन्तामपरिमेयाम्‌… આસુરી સંપત્તિવાળાઓને અમાપ અને પ્રલયાન્ત ચિંતાઓ રહે છે. અર્થાત્મૃત્યુ સુધી તેમની ચિંતાઓ દૂર થતી નથી.

ચિંતાના બે વિષયો હોય છે-એક પારમાર્થિક અને બીજી સાંસારિક. મારું કલ્યાણ કેવી રીતે થાય? પરમાત્માનો નિશ્ચય કેવી રીતે થાય? પરમાત્માનો આશ્રય કેવી રીતે અચળ થાય?(चिन्ता परब्रह्मविनिश्चयाय) આ રીતે જેને પારમાર્થિક ચિંતા થાય છે, તેઓ તો દૈવી સંપત્તિવાળા છે ને શ્રેષ્ઠ છે; પરંતુ આસુરી સંપત્તિવાળાઓને એવી ચિંતા થતી નથી. તેઓને તો આનાથી વિપરીત સાંસારિક ચિંતાઓ રહે છે. આપણું માન કેમ વધે? સત્તા કેમ વધારે પામીએ? ધન સંગ્રહ વધુ કેમ થઈ શકે? બીજો કોઈ અમારા સમકક્ષ થવો ન જોઈએ વગેરે મરણાન્ત ચિંતાઓ લઈને તેઓ ફરે છે.

મનુષ્ય વ્યર્થ ચિંતા કરતો હોય છે. ચિંતા કરવાથી કાંઈ તે પ્રમાણે થઈ જતું નથી. જેઓની પાસે એક કોડીનો સંગ્રહ નથી હોતો તેવા વિરક્ત સંતોને પણ પ્રારબ્ધ પ્રમાણે જરૂરથી વધારે ચીજો મળી રહે છે. જીવન ચિંતાને આધીન નથી પણ આસુરી સંપત્તિવાળાને મનમાં તે મનાતું નથી. તેઓને પરમાત્મામાં ભરોસો બેસતો નથી. તેઓ એવું જ માને છે કે ચિંતા કરીએ છીએ એટલે જ પામીએ છીએ. નહિ તો ભૂખ્યા મરી જઈએ. પરમાત્મા આપણું ભરણપોષણ કરે છે ને કરશે એવો વિશ્વાસ તેઓને આવતો નથી.

कामोपभोगपरमा: આસુરી સંપત્તિવાળાને તો હરદમ એ જ ઈચ્છા રહે છે કે, સુખ સામગ્રીનો ખૂબ સંગ્રહ કરી લઈએ અને ખૂબ ભોગો ભોગવી લઈએ. મર્યા સુધીમાં દુનિયાના કોઈપણ શ્રેષ્ઠ ભોગ ભોગવ્યા વિનાના બાકી ન રહી જવા જોઈએ. તેને માટે ધન જોઈએ. તો પ્રથમ તેના સંગ્રહની વ્યવસ્થા કરો.

एतावदिति निश्चिता: એમનો એવો નિશ્ચય હોય છે કે, ભોગ ભોગવવા અને સંગ્રહ કરવો-એના સિવાય બીજુ કાંઈ કરવાનું છે જ નહિ. આટલું જ જીવનમાં કરવાનું છે. જીવનમાં પાપ-પુણ્ય, પરલોક વગેરે કાંઈ છે જ નહિ. ધર્મ વગેરે બધું પાખંડ છે. એક ભોગ જ સાચા છે. આવી માન્યતાઓ-વિચાર ધારાઓમાં આસુરી સંપત્તિવાળા જીવતા હોય છે.

आशापाशशतैर्बद्धा: कामक्रोधपरायणा:।

ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान्‌।।१२।।

અર્થ : સો એ સો આશાપાશોથી બંધાયેલા એ મનુષ્યો કામ-ક્રોધ પરાયણ વર્તનારા હોવાથી વિષય-સુખ સમ્પાદન કરવા માટેજ અન્યાયથી પણ દ્રવ્યનો સંચય કરવા માટે ઉદ્યમ કરે છે. ।।૧૨।।

आशापाशशतैर्बद्धा: આસુરી સંપત્તિવાળા મનુષ્યો સેંકડો આશારૂપી પાશોથી બંધાયેલા રહે છે. અર્થાત્તેઓેને ‘આ સતા મળી જશે, આટલું માન મળી જશે. આટલું ધન મળી જશે, આટલી તંદુરસ્તી મળી જશે. એવી હજારો ઈચ્છાઓ રૂપી ફાંસીઓ(મોહનાબંધન)થી તેઓ બંધાયેલા રહે છે. આશાની ફાંસીથી બંધાયેલા મનુષ્યને કદાચને કેટલુંક મળી જાય તો પણ તેનું કંગાલપણું અને ભિખારીપણું જતું નથી. તેને તેટલે સુધી કે ભગવાન પાસેથી કાંઈક મળી જાય, સાધુ-મહાત્મા પાસેથી કાંઈક મળી જાય, માણસો પાસેથી, પશુ-પક્ષી પાસેથી મને કાંઈક મળી જાય. તેવી નિત્ય નવી આશાઓ સેવતા હોય છે અને અજીતેન્દ્રિય વ્યક્તિઓની આશાઓ કયારેય પૂરી પણ થતી નથી અને સમાપ્ત પણ થતી નથી. આશામાં બંધાયેલા તેઓ એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા.

कामक्रोधपरायणा: તેઓનો પરમ આશ્રય ક્રામ, ક્રોધ જ હોય છે. દસમાં શ્લોકમાં બતાવ્યું હતું કે ‘દંભ, માન અને મદ’ તો એમના સાથીદારો હોય છે અને અહીં કહે છે, ‘કામ-ક્રોધ’ તેમનો આશ્રય અર્થાત્પોતાની કામના પૂરી કરવા માટે અને ક્રોધપૂર્વક બીજાને કષ્ટ આપવા માટે જ તેમનું જીવન હોય છે. તેઓનો એવો નિશ્ચય ને અંદરની માન્યતાઓ હોય છે કે, મમતા વિના મનુષ્ય જડ અને નિષ્ક્રિય થઈ જાય છે. કામનાને જ તેઓ ચેતનાનો પર્યાય માને છે. કારણ કે તેના જીવનમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે તો કોઈ પુરુષાર્થ હોતો જ નથી. તેથી કામનાઓ કોઈ સંજોગોમાં તૂટી જાય તો જીવન ભારરૂપ થઈ જાય છે. ક્રોધથી જ શાસન ચાલે છે.

ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान्‌આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે અને તે ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે દંભ, માન, મદ તથા કામ, ક્રોધનો સહકાર સાધે છે. આથી તેઓને અન્યાય, ચોરી, દગાબાજી, કાવાદાવા વગેરે કરવા પડે છે. તે સિવાય તેના ધ્યેય પાર પડી શકતા નથી અને તેથી તેઓની બુદ્ધિમાં પરમાત્માનો નિશ્ચય-મારે પરમાત્માને પામવું છે-એવો નિર્ણય કરી શકતા નથી.

इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम्‌।

इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम्‌।।१३।।

અર્થ : આ આટલું આજ મેં મેળવ્યું. આટલો મનોરથ પૂરો થઈ જશે. આટલું દ્રવ્યાદિક સાધન તો છે અને આટલું પણ ફરીથી પ્રાપ્ત થઈ જશે. ।।૧૩।।

इदम्‌ अद्य… કેવા તેમના મનોરથો હોય છે ! તે હવે ત્રણ શ્લોકથી કહે છે. આસુરી વ્યક્તિઓ મનમાં અથવા પોતાના સાથીદારો મળીને એવા મનોરથ કરતા રહે છે કે, આપણે પોતાની બુદ્ધિમત્તાથી, ચતુરાઈથી, હોશિયારીથી, ઉદ્યોગથી, ચાલાકીથી આટલી વસ્તુઓ આજે પ્રાપ્ત કરી લીધી છે. આટલી બીજી પ્રાપ્ત કરી લઈશું. આટલી વસ્તુઓ તો અમારી પાસે છે. વગેરેનો સરવાળો સતત તેમના મગજમાં ચાલ્યા જ કરે છે, કયારેય બાદબાકી આવતી જ નથી અને લૌકિક સામગ્રી વધારવાના સતત મનોરથો કરતા રહે છે.

પ્રશ્ન એવો થાય છે કે આ શ્લોકમાં બતાવ્યા મુજબ તો દૈવી સંપત્તિવાળા સાધકના મનમાં પણ કયારેક કયારેક પોતાના ઉદ્દેશ્ય, આજીવિકા વિગેરે અંગે આટલું કામ થઈ ગયું છે. આટલું કામ કરવાનું બાકી છે. તે કરવું છે. આટલા પૈસા આવી ગયા છે, આટલા આવવાના બાકી છે. વગેરે સ્ફુરણાઓ તો થાય જ છે. તો આસુરી સંપત્તિવાળા અને દૈવી સંપત્તિાવાળાઓમાં તફાવત શો રહ્યો? ત્યારે તેનું સમાધાન એ છે કે, બન્નેની વૃત્તિઓ સમાન દેખાવા છતાં પણ બન્નેના ઉદ્દેશ્યમાં ઘણો તફાવત છે. દૈવી જીવોનો ઉદ્દેશ્ય તે મનોરથો પાછળ પરમાત્માને પામવાનો તથા પરમાત્માને રાજી કરવાનો હોય છે. જ્યારે આસુરી જીવોનો ઉદ્દેશ્ય ભોગ ભોગવવાનો તથા સંગ્રહ કરવાનો હોવાથી બન્નેના મનોરથ સરખા લાગતા હોવા છતાં પણ આકાશ પાતાળનો તફાવત રહે છે.

असौ मया हत: शत्रुर्हनिष्ये चापरानपि।

ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्‌ सुखी।।१४।।

અર્થ : આ શત્રુ મેં મારી નાખ્યો અને હવે બીજા શત્રુઓને પણ મારી નાખીશ. હું સમર્થ છું. હું ભોગ-વિલાસ ભોગવવાવાળો છું. સઘળી સિદ્ધિઓ મારા આધીનમાં છે. તેથી હું બળવાન અને સઘળી રીતે સુખી છું. ।।૧૪।।

આસુરી સંપત્તિવાળા કામનાને અંગે ગયા શ્લોકમાં બતાવ્યા પ્રમાણે મનોરથો કરે છે. જ્યારે ક્રોધપરાયણ થઈને આ પ્રમાણે મનોરથ કરે છે. તે અમારી વિરુદ્ધ ચાલતો હતો તેને અમે પૂરો કરી દીધો અથવા કરાવી દીધો-हनिष्ये चापरानपि બીજા પણ જે જે વિરોધમાં ચાલે છે તેને પુરા કરી દેવાના છે. ईश्वरोऽहम्‌ વિરોધીઓને ખબર નથી કે હું કોણ છું? મારી શક્તિનું તેને માપ નથી કે હું શું કરી શકું છું? પેલો વાયડો થતો હતો તેને પાઠ ભણાવી દીધો. પૂછી આવો તેને सिद्धोऽहं –અમારી પાસે બધુંય છે. ગમે તેમ કરીને તેને સીધો કરી શકીએ છીએ. અમારી જેવી ભોગસામગ્રી પણ કોને છે? અમારા જેવી ગાડી, બંગલો, વેપાર કોની પાસે છે? હોય તો બતાવો તો ખરા વગેરે વગેરે. પરંતુ તેઓ જ્યાં હારી ગયા હોય, ખતા ખાધા હોય તે વાત કોઈને કહેતા નથી. તેની અંતરમાં સતત બળતરા હોય છે પણ ઉપરથી તેઓ સતત પોતાને મન મનાવા અને જગતને મન મનાવા આવી વાતો કરતા હોય છે.

आढ्‌योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया।

यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिता:।।१५।।

अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृता:।

प्रसक्ता: कामभोगेषु पतन्ति नरकेऽशुचौ।।१६।।

અર્થ : મારે ધનસમ્પતિ પણ ખૂબ છે અને ઘણા મોટા કુટુંબવાળો હું છું. મારા જેવો બીજો કોણ છે ? હું યજ્ઞ કરીશ. દાન કરીશ અને ખૂબ આનંદ-મઝા કરીશ. આવા અજ્ઞાનથી મોહ પામી ગયેલા. ।।૧૫।।

અર્થ : ચિત્તમાં રહેલી અનેક ભ્રમણાઓથી ભ્રમિત થઈ ગયેલા. મોહજાળથી સમાવૃત પૂર્ણ બંધન પામી ગયેલા અને વિષય-ભોગમાં અત્યંત આસક્ત એવા આસુર જનો અતિ અપવિત્ર નરકમાં પડે છે. ।।૧૬।।

આસુરી સ્વભાવવાળી વ્યક્તિઓ અભિમાનને વશ થઈને આવા પ્રકારના ભાવો-સંકલ્પો કે મનોરથો કરે છે-आढ्‌योऽभिजनवानस्मि- કેટલું ધન, સોનાચાંદી, મકાન, ગાડીઓ, આવક વગેરે પર જ આફ્રીન રહે છે તથા સત્તા, ઓળખાણ વગેરે આપણી કેવડી મોટી છે ! તેના ઘમંડમાં જ સતત ઘૂઘવ્યા કરતા હોય છે અને સતત બીજા પાસે પણ બોલાવવા પ્રયત્ન કરતા હોય છે કે આપ તો દેશ-વિદેશ વિચરો છો માટે આપ જ બતાવો કે અમારા જેવા કોઈ છે ખરા?

આપણે એવો યજ્ઞ કરીશું કે કોઈ કરી જ ન શકે અને તેમાં પુષ્કળ દાન-દક્ષિણા-ભોજન આપવાં છે. ન ભૂતો ન ભવિષ્યતિ કરવું છે-પેપરો-છાપાંઓ ભરાઈ ભરાઈને આવવું જોઈએ. તમે તો જોયું જ હશે પેપરવાળા પણ અકસર આપણી નોંધ અવાર નવાર લેતા હોય છે.

આપણે જે જોઈએ તે છે. આનંદથી જીવો. મોજમજા કરો. આવા અભિમાનને લઈને વાતો ને મનોરથ કરતા હોય છે. કશું કરતા હોતા નથી અને જો કોઈ કરે તો પણ છાપામાં દેવા માટે અથવા નામ-લેખ કરવા માટે કરે છે. ભગવાનને રાજી કરવા કે કોઈને મદદરૂપ થવા આસુરી માણસો કયારેય કશું જ કરી શકતા નથી. કેવળ મૂઢતા, અજ્ઞાનતામાં રાચતા હોય છે. કૂદાકૂદ થતા હોય છે.

મર્યા પછી આસુરીઓની શી ગતિ થાય છે ! તે હવે બતાવે છે. अनेकचित्तविभ्रान्ता પરમાત્માના આશ્રય વિના એકચિત્તતા આવતી જ નથી. આસુરીને તો પ્રારબ્ધનો પણ આધાર વિના કેવળ પોતાના અહંકારનો આધાર લઈને હું આમ કરીશ, તેમ કરીશ, પેલું કરીશ. આવી અનેક પ્રકારની ચિંતાવાળુ મન એ જ અનેક ચિત્ત કહેવાય છે. તેથી અનેક વિષયમાં ચોટેલું એવા મનવાળા અને ચિંતાઓ પૂરી ન થતાં વિહ્વળ બનેલા હોય છે અને તેથી मोहजालसमावृता: બને છે. પોતાની જ રચેલી જાળમાં, પોતાના જ મનુસૂબાઓમાં ફસાયેલા રહે છે. કામ, ક્રોધ અને અભિમાનની સાથે ભય પણ ચાલુ રહે છે. તેઓ ધારતા હોય કાંઈ કોઈકનું બૂરું કરવાનું અને પોતાનો સ્વાર્થ પૂરો કરવાનું; પરંતુ ભગવાન એથી ઊલટું જ થવા દે છે. ત્યારે પોતાની મોહજાળમાં અતિશય ફસાય છે અને ભોગમાં તો પ્રથમથી જ ફસાયેલા હોય છે. એવામાં વચ્ચેથી જ કાળ આવીને પકડી લે છે અને તેના કર્મના ફળ અનુસાર ભયંકર નરકની પ્રાપ્તિ થાય છે. જો કે નબળાં કૃત્યોના કરનારાને પોતાનાં કૃત્યો જીવતે જીવતે જ નરક તુલ્ય પીડા પમાડતા હોય છે પણ છતાં બહારથી અમો ખૂબ સુખી છીએ. એવું દંભથી તેઓ બતાવે છે; પરંતુ મૃત્યુ પછી તો તે દંભ ચાલતો નથી પણ તેના ફળરૂપે ઘોર યાતનાવાળા નરકોમાં પડે છે. ત્યાં તેને અસહ્ય યાતના અને ભયંકર દુઃખ આપવામાં આવે છે. તેને ‘પ્રેતનું શરીર’ આપવામાં આવે છે. જે યાતના ભોગવવા માટે જ હોય છે. તેના ટુકડે ટુકડા કરી દેવામાં આવે, તેલમાં ઉકાળવામાં આવે, મુદ્ગરથી ટીપવામાં આવે, આગમાં ફેંકી દઈને બાળવામાં આવે તો પણ મરતું નથી. જ્યાં સુધી પોતે કરેલાં પાપકર્મો અને અપરાધ કર્મોનો દંડ(ફળ) પૂરો ન ભોગવી લે ત્યાં સુધી ભયંકર અને કાતિલ ઉપાયો કરવા છતાં તે મરતું નથી. કાતિલ વેદના આપવા માટેની ભગવાનની એવી જ વ્યવસ્થા છે. अशुचौ-કહેવાનું તાત્પર્ય એ છે કે, ત્યાં મળ, પાચ, રુધિર વગેરેમાં બુડાડી રાખવા, પીવરાવવું વગેરે દંડ હોવાથી अशुचौ એવું પણ નરકનું વિશેષણ બતાવ્યું છે.

आत्मसंभाविता: स्तब्धा धनमानमदान्विता:।

यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम्‌।।१७।।

અર્થ : તે પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી લોક ધન, માન અને મદથી યુક્ત થઈને કેવલ નામ-માત્રના યજ્ઞોથી પાખંડ કરીને શાસ્ત્રવિધિ વિનાનું યજન-પૂજન કરે છે. ।।૧૭।।

आत्मसंभाविता:… તેઓ ધન, માન, બડાઈ આદર વગેરેની દૃષ્ટિએ પોતાના મનથી જ પોતાની જાતને મોટી માને છે. કારણ કે બીજા તેમને એમ માનનારા ખૂબ ઓછા હોય છે, તે ખોટ પૂરી કરવા પોતે જ પુરુષાર્થ કરી છૂટે છે. પોતાને એમ સમજે છે કે અમારા સમાન કોઈ પૂજ્ય નથી. પોતે જ પોતાને મોઢે પોતાને બિરદાવે છે અથવા બીજાને આડકતરી રીતે પ્રેરણા કરે છે. પોતાની પ્રશંસાનો ભારે આગ્રહ રાખે છે તથા કોઈ સાચા-ખોટા પણ વખાણ કરે તો તુરત સંપૂર્ણ સાચા માની લે છે ને પાણી પાણી થઈ જાય છે અને વખાણ કરનાર માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. તેઓ બીજા લોકો ન માને તો પણ પોતાને વર્ણ, વિદ્યા, બુદ્ધિ પર અધિકાર યોગ્યતા વગેરેમાં સર્વશ્રેષ્ઠ માને છે. દૈવી આત્માઓ તો બીજા કોઈ સાચે જ બિરદાવતા હોય તો સંકોચ અનુભવે છે. લજ્જિતતા અનુભવે છે. એ દૈવી પ્રકૃતિનું લક્ષણ છે. જ્યારે આસુરીઓને આવું ખૂબ પ્યારું લાગે છે. स्तब्धा: તેઓ કોઈની સામે નમ્ર નથી થતા. નમતા નથી કારણ કે પોતાને પૂર્ણ માને છે. તેઓ કોઈ મહાપુરુષ કે સંત પુરુષને પણ પોતાથી ન્યૂન ગણે છે પછી નમવાનું કોને રહે? તેઓ પોતાના અતિ ધમંડમાં હીકકડ થઈને ફરતા રહે છે.

धनमानमदान्विता: તેઓમાં ધનનો, કુટુંબ, સત્તા વગેરેનો મદ-નશો સદાને માટે ચડેલો જ રહે છે. અમારે રાજકીય પુરુષોની ઓળખાણ છે. વગેરે ગરમીથી તેઓ ગરમા ગરમ ધગધગતા જ રહે છે.

यजन्ते नामयज्ञैस्ते दम्भेन…

આગળ બતાવ્યું હતું કે, यक्ष्ये, दास्यामि… તેને અનુસાર દંભપૂર્વક નામમાત્રના યજ્ઞો કરે છે. તેઓ લોકોને છેતરવા અને પોતાનું નામ દેખાડવા જ ધાર્મિક યજ્ઞો-અનુષ્ઠાનો કરતા હોય છે. લોકોમાં નામના થઈ જવા માટે, પ્રસિદ્ધિ માટે છાપાઓમાં આપવા માટે મોટી જહેમત ઉઠાવાતા હોય છે. ખર્ચો કરે છે પણ પ્રસિદ્ધિ માટે કરે છે. વિધિવિધાનની તેઓ દરકાર નથી કરતા. તેમાં ગરબડ ગોટો કરી જવા દે છે. તેની સાથે તેમને નિસ્બત પણ નથી હોતી. કેવળ કહેવરાવવા માટે કોઈ પણ ધાર્મિક વિધિ આચરે છે. તેઓ શાસ્ત્રવિધિને તો માનતા જ નથી. તેથી તેઓ તો જાણી જોઈને શાસ્ત્ર વિરુદ્ધ કરનારા છે પણ લોકમાં મનાવા પૂરતું ધાર્મિક વિધિ કરે છે. એવું દેખાડવા માટે અને એ પણ પોતાનો લૌકિક સ્વાર્થ સાધવા માટે કરતા હોય છે. આવી આસુરી સંપત્તિવાળાની ક્રિયાઓ હોય છે.

अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिता:।

मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयका:।।१८।।

અર્થ : તે મનુષ્યો અહંકાર, બળ, ગર્વ, કામ અને ક્રોધાદિક વિકારોને વશ થઈને બીજાઓની નિંદા કરનારા અને પોતાના અને બીજાઓના દેહમાં રહેલા અંતર્યામી મને-મારોજ દ્વેષ કરનારા થાય છે. ।।૧૮।।

अहंकारं… આસુરી પ્રકૃત્તિવાળા જે કોઈ કાર્ય કરે છે. તે અહંકાર, હઠ, ઘમંડ, કામ અથવા ક્રોધથી પ્રેરાઈને જ કરે છે. જ્યારે દૈવી પ્રકૃતિવાળાનું પ્રેરણાબળ પરમાત્મા અથવા તેમના સાચા ભક્તની પ્રસન્નતા અથવા સાચી ભક્તિથી પ્રેરાઈને કરે છે. તેઓ ભગવાન અને તેના ભક્તનો અચળ આશ્રય કરીને રહે છે. તેમ આસુરી પ્રકૃત્તિવાળા અહંકાર, હઠ, કામ વગેરેનો અચળ આશ્રય કરીને જીવે છે. તેઓના મનમાં એ વાત સારી રીતે ઠસી ગઈ હોય છે કે આ લોકમાં ને આ યુગમાં આવી રીતે જ જીવાય. નહિ તો આપણું કાંઈ ચાલે નહિ. લોકો આપણને જીવવા પણ દે નહિ. સાચો થઈને અત્યારે કોણ જીવે છે? જો કોઈને આંખ બતાવીએ તો જ તે ડરતા રહે છે.

તેઓ શાસ્ત્રોથી વિરોધ કરીને-વિરુદ્ધ ચાલીને ખુદ મારો જ દ્રોહ કરે છે. કારણ કે વેદ-પુરાણ મારી જ આજ્ઞા છે. તેનો જે ભંગ કરે છે, જે વિરોધ કરે છે, તેઓ મારા દ્વેષી છે. આસુરી પ્રકૃત્તિવાળા પણ પોતાના અને પારકા શરીરમાં વસેલો એવો મારો દ્વેષ કરીને તે બહાને મારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. પોતાના અંતરમાં સારી સ્ફુરણા થાય કે સિદ્ધાંતની વાત નજરમાં આવે તો તેમની તેઓ ઉપેક્ષા, તિરસ્કાર કરે છે. જે પોતાના શરીરમાં રહેલા મારો જ તિરસ્કાર છે. જ્યારે તેઓ બીજા દૈવી જીવોની સાથે વેર, તિરસ્કાર કરે છે, તેઓનું અપમાન કરે છે તે બીજાના દેહમાં રહેલા મારો તિરસ્કાર કરે છે. કારણ કે દૈવી સંપત્તિ મારું પ્રતીક છે.

તેઓને ખુદ મારી સાથે જ વેર વિરોધ વધારે છે. મારા તમામ ગુણોમાં દોષારોપણ(જેમ કૃષ્ણના ગુણોમાં શિશુપાળ દોષારોપણ કરતો હતો તેમ) કરે છે. તેઓ કહે છે કે, ભગવાન પક્ષપાતી છે. તે તેના વેદિયા-વેવલા ભક્તોની ભેર તાણે છે. અમારા જેવા વીર-બહાદુરોને પ્રોત્સાહન આપતા નથી તથા તેના આશ્રિત મહાત્માઓ પણ રાગ દ્વેષીલા અને દંભી-બનાવટી હોય છે. કોઈપણ મહાત્માનું ચરિત્ર વિશુદ્ધ નથી. તેઓ આપણાથી વધારે કાંઈ સારા નથી; પણ તેને દંભ આવડી ગયો તેથી લોકો માનવા લાગ્યા ને આપણને કોઈ માનતું નથી. એટલો જ તફાવત છે. બીજો કોઈ તફાવત નથી. તેથી તે બધું પાખંડ છે.અમે તો તેમાં અંદર રહેલા છીએ. તે બધા જે કરે છે તે બધું અમે કરી ઉતર્યા છીએ. તેમાં કાંઈ માલ નથી. ત્યાર પછી જ આ સાચો રસ્તો લીધો છે ! એવામાં સમય બરબાદ કરવા જેવું નથી. તેઓને પણ અમારી જેમ ભાન થશે ત્યારે અમારા રસ્તા પર આવી જશે વગેરે વગેરે.

तानहं द्विषत: क्रूरान्संसारेषु नराधमान्‌।

क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु।।१९।।

અર્થ : આ પ્રમાણે દ્વેષ કરનારા પાપી નઠારા નિર્દય નરાધમોને આ સંસારમાં આસુરી યોનિઓમાંજ વારંવાર હું નાખું છું. ।।૧૯।।

तानहं… સાતમાં અધ્યાયમા અને નવમાં અધ્યાયના બારમાં શ્લોકમાં વર્ણવેલી આસુરી સંપત્તિનું આ અધ્યાયના સાતમા શ્લોકથી અઢારમાં શ્લોક સુધી વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. હવે તેમની ગતિ-ફળ જે ભગવાન આપે છે તે કહે છે. ભગવાન કહે છે કે, તેઓ વિના કારણ બીજાઓનો વિનાશ કરવા તત્પર હોય છે. તેઓ ક્રૂર અને અતિ નિર્દયી હોય છે. તેઓ હિંસક-નરાધમ મનુષ્યોમાં પણ અતિ નરાધમ હોય છે. नराधमान्‌ કહેવાનું મતલબ એ છે કે નરકમાં રહેવાવાળા કરતાં પણ આ વધારે ખરાબ છે. નરક ભોગવી શુદ્ધ થઈ તે જીવો ઊર્ધ્વપ્રયાણ કરશે. જ્યારે આ નરલોક પામીને પણ અધમ ગતિમાં જઈ રહ્યા છે. નરકમાં નિવાસ કરવો તે આવાને સંગે રહેવું તે કરતા સારું ગણાય છે.

રાગ અને સંગ્રહની પ્રવૃત્તિ વધી જતાં આસુરી સંપત્તિ આવી જાય છે. જેમ ધનની અધિક કામના વધતાં સંગ્રહ પ્રવૃત્તિ શરૂ થઈ ધીરે ધીરે તમામ દુષ્કર્મમાં તે ફસાઈ જાય છે. તેનો સ્વભાવ પણ વધારે નીચ થતો જશે અને તે વ્યક્તિ છેલ્લે સ્તરે આવી જશે ત્યારે તેને તેના પાપોની યાતના ભોગગવી પડશે.

क्षिपाम्यजस्र… તેનું નામ લેવું, સ્મરણ કરવું, દર્શન કરવું વગેરે પણ મહાન અપવિત્ર કરવાવાળું છે. માટે अशुभान्‌ એવા ક્રૂર, નિર્દયી અને બધાના વેરી મનુષ્યોના સ્વભાવના અનુસારે જ ભગવાન તેમને આસુરી યોનિમાં નાખે છે. ત્યારે તેઓના સ્વભાવને અનુસારે કૂતરા, સાપ, વીંછી, વાઘ, સિંહ વગેરે આસુરી યોનિમાં નાખું છું. એક, બેવાર નહિ પણ વારંવાર નાખુ છું. अजस्रम्‌ જેથી તેઓનાં કર્મોનું ફળ ભોગવે છે. ભગવાનનું તાત્પર્ય પણ તેઓને આસુરી યોનિમાં નાખી, દંડ દઈને શુદ્ધ કરવાનું છે. ભગવાનને તો તેમના તરફ દ્વેષ નથી, પોતાપણું છે. તેથી તેને શુદ્ધ કરવા માટે દંડ દે છે.

आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि।

मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम्‌।।२०।।

અર્થ : હે કૌન્તેય ! જન્મો-જન્મ આસુરી યોનિને પામેલા તે મૂઢ માણસો મને નહિ પામીનેજ પછી અધમ-અતિ નીચ ગતિને પામે છે. અર્થાત્ઘોર નરકમાંજ પડે છે. ।।૨૦।।

आसुरीं योनिमापन्ना… ઓગણીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું કે આસુરી પ્રકૃત્તિવાળા મનુષ્યોને ઘોર આસુરી યોનિઓમાં નાખવાની વાત કહી. હવે એ જ વાતને લઈને ભગવાન કહે છે કે, મનુષ્ય જન્મમાં મને પ્રાપ્ત કરવાનો અર્થાત્મને સાચા ભાવમાં ઓળખવાનો દુર્લભ અવસર મેળવીને પણ તે આસુરી મનુષ્યો મારી પ્રાપ્તિ ન કરીને અર્થાત્મને ન ઓળખીને દુર્ભાગીઓ ઊલટા મારે વિશે હીન અભિપ્રાય પ્રાપ્ત કરીને પશુ પક્ષીમાં પણ નીચ યોનિમાં ચાલ્યા જાય છે અને વારંવાર નરક અને નરક સમાન હીન યોનિઓમાં ફરતા રહે છે.

मामप्राप्यैव… શબ્દોથી ભગવાન ખેદની સાથે કહે છે કે, મેં અત્યંત કૃપા કરીને તેઓને મનુષ્ય શરીર આપ્યું હતું અને તેઓને પોતાનો ઉદ્ધાર કરવાની તક આપી હતી એવો વિશ્વાસ કર્યો કે તેઓ પોતાનો ઉદ્ધાર કરી લેશે; પરંતુ આ નરાધમો એટલા મૂઢ અને વિશ્વાસઘાતી નીકળ્યા કે, જે મનુષ્ય શરીરથી મારી પ્રાપ્તિ કરવાની હતી અર્થાત્મને યથાર્થપણે ઓળખવાનો હતો તે શરીરથી મારી પ્રાપ્તિ ન કરીને અર્થાત્મારે વિશે ઊલટા હીન અભિપ્રાયો બાંધીને અધમ ગતિએ ચાલ્યા ગયા. એ જોઈને પરમ દયાળુ પરમાત્મા થોડા દુઃખી થઈને આવું બોલી રહ્યા છે.

ततो यान्त्यधमां गतिम्‌-પ્રથમ નરકમાં જાય છે. ત્યાં પણ તેમના સંપૂર્ણ પાપ ખલાસ થતાં નથી. ત્યાંથી આસુરી યોનિમાં જાય છે. ત્યાં પણ પૂરા નષ્ટ નથી થતા. આથી બચેલા પાપોને ભોગવવા માટે તેઓને આસુરી યોનિથી પણ ભયંકર અધમ ગતિને અર્થાત્નરકોને પ્રાપ્ત થાય છે.

ભગવત્પ્રાપ્તિના અથવા કલ્યાણના ઉદ્દેશ્યથી આપવામાં આવેલા મનુષ્ય શરીરને પામીને પણ મનુષ્ય કામના, સ્વાર્થ અને અભિમાનને વશ થઈને દગો, જૂઠ, કપટ, કાવાદાવા, વિશ્વાસઘાત, હિંસા વગેરે જે કર્મો કરે છે, તેનાં બે પરિણામ હોય છે. (૧) બાહ્યફળ અંશ. જે નરક-નીચ યોનિ વગેરે દંડ (૨) આંતરિક ફળ-આંતરિક નબળા સંસ્કારો પડે છે. તે બીજાઓને દુઃખ દેવાથી જેમને દુઃખ આપવામાં આવ્યું છે તેને તો જે પ્રારબ્ધથી નુકશાન થવાવાળું છે તેટલું થવાનું છે; પરંતુ જે દુઃખ દેનારો છે તે નવું પાપ કરે છે. જેનું ફળ નરક તેઓને ભોગવવું પડે છે. એટલા જ દુરાચારો કરવા દ્વારા જે ચિત્તમાં બુરા સંસ્કારો અંકિત થાય છે. અર્થાત્દુરાચારો આચરતાં અહંતા ઉપર જે દુર્ભાવો જામી જાય છે, તેનાથી સ્થૂળ પાપ-નરક યાતના કરતાં પણ વધારે ભયંકર નુકશાન જીવાત્માને થાય છે. જેમ કે મનુષ્ય ચોરી કરે છે તો તેમાં બે શક્તિ ઉત્પન્ન થાય છે. એક નરક પાતિકા. તે તેને નરકમાં લઈ જઈ દંડ ભોગવાવશે. જ્યારે બીજી સંસ્કાર રૂપે ચિત્ત પર પ્રભાવ પાડશે. તે અહંતા ઉપર ભાવનારૂપે ‘હું ચોર છું’ એવા સંસ્કાર રૂપે જામી જશે અને તેને ચોરી કરવા વારંવાર પ્રેરશે. એટલું જ નહિ પછી વારંવાર રૂઢ થઈને રોકી પણ રોકી શકાશે નહિ, માટે જે નિમ્ન સંસ્કારો તે નરક કરતાં પણ અનેકવાર નરકનું ફળ ભોગવાવનારા બદતર બને છે. ચિત્તમાં ચોટેલા કુસંસ્કારો અને અહંતામાં ચોટેલી દુર્ભાવનાઓ તેને જન્મજન્માન્તર સુધી નડતી રહે છે. દુરાચારોને જ બળ આપતી રહે છે. દુર્ભાવનાને ઉત્તેજિત કરતી રહેશે. આથી તેનો જીવાત્મા આસુરી યોનિમાં અને તેનાથી પણ ભયંકર નરકોમાં દુઃખ, સંતાપ, યાતના વગેરે પામતો રહે છે.

તે આસુરી યોનિઓમાં ગયા પછી પણ તેઓની પ્રકૃતિ અને પ્રવૃત્તિ અનુસાર એવું દેખવામાં આવે છે કે, કેટલાક પશુ-પક્ષી, ભૂતપિશાચ, કીટપતંગ વગેરે સૌમ્ય પ્રકૃતિપ્રધાન હોય છે અને કેટલાક અતિ ક્રૂર પ્રકૃતિપ્રધાન હોય છે. આ રીતે તેઓની પ્રકૃતિ-સ્વભાવમાં જે ભેદ છે તે તેના ચિત્તમાં ચોટેલા સંસ્કારો અને ભાવોના કારણે હોય છે. દુઃખ યોનિમાં પોતપોતાનાં કર્મોનાં ફળ ભોગવી લીધા પછી આ સંસ્કારો તો જેમના તેમ ચાલુ જ રહે છે. એટલું જ નહિ પણ તમામ દંડ યોનિઓ અને નરકોને ભોગવયા પછી કોઈ ક્રમથી અથવા ભગવદ્કૃપાથી તેઓને કદાચ મનુષ્ય શરીર પ્રાપ્ત થઈ જાય તો પણ તેના ચિત્તમાં અને અહંતામાં જામેલા સંસ્કારો અને ભાવના તો જેવાના તેવા જ કાતિલ, ભયંકર અને આસુર ભાવનાથી યુક્ત જ રહે છે. જે શાસ્ત્રમાં બતાવ્યું છે જે

अत्यन्तकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम्‌।

नीचप्रसङ्ग: कुलहीनसेवा चिह्‌नानि देहे नरकस्थितानाम्‌।। चाण. नी. ७/१७

નરકમાંથી સીધા મનુષ્ય યોનિમાં આવ્યા હોય તે લોકોમાં આવાં લક્ષણો વર્તે છે-અત્યંત ક્રોધ, કટુ વચન બોલવા, દરિદ્રતા(સ્વભાવની) સ્વજનો સાથે વેર(કલહ કરવો), નીચનો સંગ(દોસ્તી), કુલહીન(નીચ)ની સેવા વગેરે.

कार्पण्यवृत्ति: स्वजनेषु निन्दा कुचैलता नीचजनेषु भक्ति:।

अतीव रोष: कटुका च वाणी: नरस्य चिह्नं नरकागतस्य।। पद्म.पु. सृष्टि ४६/१३२)

કંજૂસવૃત્તિ, પોતાના માણસોની નિંદા, ગંદુ રહેવું, અધમ લફંગાની ભક્તિ અર્થાત્તેમને વિષે અહોભાવ, અતિશય ક્રોધ, કર્કષાવાણી, એ નરકથી આવતા વ્યક્તિના ચિહ્નો જણાવે છે.

એવી જ રીતે જેઓ દૈવી પ્રકૃતિવાળા, સહજપણે ભગવાનનો આશ્રય કર્યા વિના પણ શુભ કર્મો કરે છે, ત્યારે તેમના અંતરમાં શુભ સંસ્કારો પડે છે ને મર્યા પછી સ્વર્ગમાં જાય છે. ત્યાં શુભ કર્મોનું ફળ ભોગવીને પૂરા થઈ પાછા પડે છે પણ ચિત્ત અને અહંકારમાં પડેલ સંસ્કારો અને ભાવના જેમની તેમજ રહે છે. તેમના સ્વભાવનું પરિવર્તન થતું નથી. સ્વભાવ પરિવર્તનની તક કે યોગ્યતા તો એક મનુષ્ય દેહમાં જ રહેલી છે તેઓ સારા સ્વભાવ અને સંસ્કારો લઈને મનુષ્યમાં આવે છે. તે પણ કહ્યું છે કે

स्वर्गस्थितानामिह जीवलोके चत्वारि चिह्‌नानि वसन्ति देहे।

दानप्रसङ्गो मधुरा च वाणी देवार्चनं ब्राह्मणतर्पणं च। (चा.नि. ७/१६)

સ્વર્ગથી પાછા વળીને મનુષ્યલોકમાં આવેલા લોકોના દેહમાં ચાર લક્ષણો રહ્યા કરે છે-દાન કરવાની પ્રવૃત્તિ, મધુર અને બીજાના હિતની વાણી બોલવી, દેવતાઓનું પૂજન અને બ્રાહ્મણોને સંતુષ્ટ રાખવા.