ગી.અ-16, શ્લોક 01 to 05

શ્લોક ૧-૫

ફળસહિત દૈવી અને આસુરી સંપદાનું કથન

શ્રીભગવાન બોલ્યા

अभयं सत्त्व संशुद्धिर्ज्ञानयोगव्यवस्थिति:।

दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्‌।।१।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-સર્વથા નિર્ભય વર્તવું, અંતઃકરણની સંપૂર્ણ વિશુદ્ધિ, જ્ઞાનપૂર્વક ભક્તિ-યોગમાં દૃઢ સ્થિતિ, સાત્ત્વિક દાન, ઈન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય પઠન-પાઠન તથા ભગવન્નામ-કીર્તન વિગેરેનો અભ્યાસ, નિર્મળ તપ અને ઈન્દ્રિયો તથા અંતઃકરણની સરલતા રાખવી. ।।૧।।

પંદરમાં અધ્યાયના ઓગણીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું કે ‘જે મને પુરુષોત્તમ તરીકે જાણી લે છે, તે સર્વ રીતે મારું ભજન કરે છે.અર્થાત્તે મારો અનન્ય ભક્ત થઈ જાય છે’ આ રીતે એક માત્ર ભગવાનનો ઉદ્દેશ્ય થતાં સાધકમાં દૈવી સંપત્તિ આપોઆપ પ્રગટ થવા લાગી જાય છે. આથી ભગવાન પહેલા ત્રણ શ્લોકમાં ક્રમશઃ ભાવ, આચરણ અને પ્રભાવને લઈને દૈવી સંપત્તિનું વર્ણન કરે છે.

अभयम्‌-અનિષ્ટ થવાની આશંકાથી મનુષ્યના અંતરમાં જે ગભરાટ થાય છે, તેનું નામ ભય છે અને એ ભયના સર્વથા અભાવનું નામ ‘અભય’ છે. અહીં દૈવી સંપતિમાં સહુથી પ્રથમ ‘अभयम्‌’ આપવાનું તાત્પર્ય એ છે કે ભગવાનનો શરણાગત થઈને સર્વ ભાવે જે ભગવાનનું ભજન કરે છે, તે સર્વત્ર અભય થઈ જાય છે. ભગવાનની એવી પ્રતિજ્ઞા છે કે

सकृदेव प्रपन्नाय तवास्मीति याचते।

अभयं सर्वभूतेभ्यो ददाम्येतद्‌ व्रतं मम।। (વાલ્મિકિ ૬-૧૮-૩૩)

વસ્તુતાએ મનુષ્યને ભય પોતાની અયોગ્ય મમતા તૂટી જવાનો કે પોતાના નબળા કર્મનો ભય હોય છે. માણસ મૃત્યુથી પણ એટલા માટે જ ડરતો હોય છે. મૃત્યુ છે તે પોતાના કરેલાં કર્મોના ફળ મળવાની, કર્મોના ફળનું પરિણામ મળવાની કે સાંભળવાની ઘડી છે. જેણે અંતર્યામી ભગવાનનો ડર દૂર કરીને, ભગવાને આપેલા વિવેકને ગરદન મારીને પોતે નબળાં કર્મો કર્યા હોય ત્યારે તેને જીવતાં જીવતાં અને ખાસ કરીને મૃત્યુ સમયે વધારે ભય લાગે છે. તે ભય યમનો નથી પણ પોતાનાં કર્મોનાં પરિણામનો છે. તેને ખબર છે કે મેં ખુશી થવા જેવું પરિણામ આવે એવા કર્મો કર્યા નથી, માટે મારા કર્મોનું પરિણામ મને આંબી ન જાય માટે ભયભીત થઈને ભાગે છે અથવા ડરે છે. મનુષ્ય જ્યારે પાપ, અન્યાય, બીજાને પીડા, અત્યાચાર વગેરે નિષિદ્ધ આચરણ કરે છે, ત્યારે તે કરવાની ભાવના મનમાં આવતાની સાથે જ અંદરથી ભય પેદા થાય છે. એક ઈશ્વર તત્ત્વ તમામના અંતરમાં બેસીને તેને પડકાર કરે છે, ચેતવે છે(વોર્નીંગ કરે છે) કે તું ખોટું કરે છે. છતાં પણ તે જ્યારે પાછો નથી વળતો તો તેને ભય પ્રેરે છે.

રાવણ એવો હતો કે તેનાથી મનુષ્યો, દેવતા, યક્ષ, રાક્ષસ સર્વે ડરતા હતા; પરંતુ તે જ રાવણ જ્યારે સીતાનું હરણ કરીને લઈને જતો હતો, ત્યારે પવનથી જંગલના પાન ખખડતા. તેના અવાજથી ડરી જતો હતો. રખેને મને કોઈ ભાળી જશે, રખેને કોઈ આવી જશે અથવા મારા ખોટા કાર્યને ઓળખી જશે? એવી ભાવનાથી માણસ હંમેશાં ડરતો રહે છે અને પોતાનાં કર્મના ફળથી ભાગતો રહેવા મથે છે; છતાં ભય ઊભો થાય તેવાં કર્મો સતત કરતો રહે છે. તેથી તે કયારેય નિર્ભય થઈ શકતો નથી. અન્યાય-અનીતિ કરનારની નૈતિક હિંમત નાશ થઈ જાય છે. તેનું હૃદય કમજોર થઈ જાય છે. તેથી તે હલકા કર્મ કરતી વખતેનો ભય અનુભવે છે પણ તેના પછી પણ આખી જિંદગી સતત કે મૃત્યુ સમયે અને મૃત્યુ પછી પણ તેને પોતે કરેલાં હીન કર્મોનાં ફળ-પરિણામ કયારે મને પકડી લેશે એવી ધાસ્તી રહે છે. તે સદાકાળ ભયમાં રહે છે. જ્યારે જીવ ભગવાનને આશ્રયે આવે છે ત્યારે ભગવાનના પ્રતાપે કરીને તેના નબળાં કર્મો અંતરથી દૂર થાય છે. તેને ભગવાનમાં પ્રીતિ થાય છે. તે પ્રશસ્ત કર્મો કરે છે. ભગવાન રાજી થાય તેવાં કર્મો સતત કરે છે. એવા મનુષ્યને તેનાં કર્મોનાં ફળ મેળવવા આતુરતા અને પ્રસન્નતા હોય છે. તેથી અંતરમાંથી નિર્ભય હોય છે. હિરણ્યકશિપુ, રાવણ, કંસ ત્રિલોકીમાં તમામને ડરાવીને ટોચ ઉપર બેઠા હતા; છતાં તેના જેટલા ભયભીત સામાન્ય માનવી પણ નહિ હોય. જ્યારે પ્રહ્લાદ નાનો બાળક હતો પણ તે અતિ નિર્ભય હતો. સીતાજી લંકામાં પણ રાવણથી કે તેણે મોકલેલ રાક્ષસીઓના ડરાવવાથી ભય પામતા ન હતા. તેમને તો ભગવાન રામથી અલગ પડવાનું દુઃખ હતું. આમ ભગવાનનો ભક્ત અંતરથી ભયરહિત હોય છે અને ભગવાનથી વિમુખ કયારેય ભયરહિત થઈ શકતો નથી. માટે અભય એ અંતરની વિશુદ્ધતા બતાવનારું દૈવી સંપતનું પ્રથમ લક્ષણ છે.

सत्त्वसंशुद्धि: અંતઃકરણની સમ્યક્શુદ્ધિને સત્ત્વસંશુદ્ધિ કહે છે. અર્થાત્વ્યક્તિના અંતરના ઈરાદાની શુદ્ધિને, પવિત્રતાને સત્ત્વસંશુદ્ધિ કહે છે. સમ્યક્શુદ્ધિ શું છે? તો સાંસારિક પદાર્થો, ભાવો, માન, મોટાઈ, સત્તા, સમૃદ્ધિ વગેરેથી રાગરહિત થઈને ભગવાનમાં અનુરાગ કરવો તે સમ્યક્વિશુદ્ધિ છે. જ્યારે પોતાનો વિચાર, ઈરાદો, ભાવ, ઉદ્દેશ્ય કે લક્ષ્ય કેવળ એક પરમાત્માને પામવાના થઈ જાય, પરમાત્માની સેવા કરવાના અથવા તેના અનન્ય ભક્તની સેવા કરવાના કે રાજી કરવા માટેના થઈ જાય,ત્યારે તેનું અંતરઃકરણ શુદ્ધ થઈ જાય છે. જ્યારે એ જ ઈરાદાઓ કે, ઉદ્દેશ્યો કે લક્ષ્ય જ્યારે સાંસારિક પદાર્થો, માન, મોટાઈ, સત્તા, સમૃદ્ધિ કે સગવડતાઓ મેળવવામાં લાગી જાય છે, ત્યારે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે. ત્યારે તેને કોઈ સારો ઈરાદો કે લક્ષ્ય મનમાં આવતા નથી. નાશવંત વસ્તુઓ મેળવવાનો ઉદ્દેશ્ય બનવાથી તેના અંતઃકરણમાં મળ, વિક્ષેપ અને આવરણ આવે છે.

સાંસારિક આસક્તિ, મમતા એ અંતઃકરણનો મળ છે. રાગ, દ્વેષ, રજોગુણ તે વિક્ષેપ છે અને અજ્ઞાન અને મોહ તે આવરણ છે. અંતઃકરણમાંથી મળદોષને દૂર કરવા માટે અર્થાત્આસક્તિ, મમતા દૂર કરવા માટે નિષ્કામ કર્મયોગ કરવાનો હોય છ. અર્થાત્ભગવાન અને ભગવાનના સાચા સંત-ભક્તની નિષ્કામ ભાવથી સેવા કરવાની હોય છે. ત્યારે તે નિર્વાસનિક થાય છે. વિક્ષેપ દોષને દૂર કરવા માટે ભગવાનની ઉપાસના, ભગવાનની મૂર્તિમાં અભ્યાસ કરવાનો હોય છે અને આવરણ દોષને દૂર કરવા માટે ભગવાનનું જ્ઞાન અર્થાત્મહિમા જાણવાથી દૂર થાય છે. એવી રીતે તે દૂર થાય છે. એનાથી પણ સારો ઉપાય એ છે કે, પોતાને અંતઃકરણથી અલગ માનીને નિષ્કામ ભાવે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી. તેના જેવો અંતઃકરણને શુદ્ધ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી બતાવે છે કે, દેહે કરીને મહારાજ, સત્સંગ અને ભક્તની સેવા કરતો જાય અને મને કરીને તેનાથી અલગ પડતો જાય તો સમાસ બહુ થાય છે અને તેનું અંતઃકરણ જલ્દી શુદ્ધ થાય છે. અંતરને શુદ્ધ કરવાનો જબરો ઉપાય સત્સંગ છે.

ज्ञानयोगव्यवस्थिति: પ્રકૃતિ વિયુક્ત આત્મસ્વરૂપના ચિંતનને અહીં જ્ઞાનયોગ બતાવ્યો છે. ત્રણ ગુણ, ત્રણ દેહથી પોતાના આત્માને, પોતાના સ્વરૂપને અલગ માનવું તેમાં સ્થિતિ કરવી તે જ્ઞાનયોગ બતાવ્યો છે. તેમાં રહીને સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં, માન-અપમાનમાં, નિંદા-સ્તુતિમાં સમ રહેવું, હર્ષશોક ન કરવો તેને જ્ઞાનયોગ વ્યવસ્થિતિ કહેવામાં આવે છે.

दानम्‌ દાનના બે અર્થો કરવામાં આવે છે. દાનનો એક અર્થ ત્યાગ પણ કરવામાં આવે છે. દૈવી સંપત્તિના માણસોમાં પોતાના સ્વાર્થનો કે સંસારમાં જેને મહત્ત્વ અપાય છે, એવા ભાવોનો ત્યાગ કરવાની ભાવના સહજ હોય છે.

બીજા અર્થમાં દાન એટલે લૌકિક દૃષ્ટિએ જે વસ્તુઓને પોતાની માનવામાં આવે છે. તે વસ્તુઓને સત્પાત્રનો વિચાર કરીને. આવશ્યકતા અનુસાર બીજાઓને વિતરિત કરી દેવી તે દાન છે. પોતાનું મમત્વ છોડી દઈને બીજાના અધિકારમાં કરી દેવી, પોતાનો માલિકી હક ત્યાગ કરીને બીજાને માલિકી હક આપી દેવાને દાન કહેવામાં આવે છે. દાનનું ફળ સામેના સત્પાત્રને આધારે થાય છે. કુપાત્રને દાન નિષ્ફળ જાય છે અને કયારેક પાપના ભાગીદાર પણ બનાવી શકે. તેથી દેવાનંદ સ્વામીએ કહ્યું છે કે ‘વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાત્રને દાન તેવું તે બીજ ખારમાં બોવુ રે…વિવેકી.’ માટે કેટલી કિંમતી વસ્તુ દાનમાં અપાય છે, તેના કરતાં કોને-અથવા કેવા સત્પાત્રને અપાય છે, તે મહત્ત્વનું હોય છે. દૈવી જીવોમાં કંઈ ને કંઈ આપી દેવાની દાન વૃત્તિ હોય છે.

દાન અનેક પ્રકારનાં હોય છે. ભૂમિદાન, ગૌદાન, સુવર્ણદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે. આ બધામાં અન્નદાન મુખ્ય ગણાય છે. કારણ કે તેનાથી પ્રાણરક્ષા અને પ્રાણ પોષણ થાય છે; પરંતુ તે દાન આપ્યા પછી છ કલાક જ પાત્રને મદદ કરનારું રહે છે. ફરી પાછી તેને જરૂર ઊભી થાય છે. વસ્ત્રદાન તેનાથી એક વર્ષ પર્યન્ત કે વધારે ઓછું ચાલે છે તેનો ઉપયોગ દાન લેનારું પાત્ર જ્યાં સુધી કરે ત્યાં સુધી દાતા પુણ્યનો ભાગી બને છે માટે તે શ્રેષ્ઠ છે. વિદ્યાદાન જિંદગીભર પાત્રને મદદ કરનારું બને છે ને એની પાત્રતા પણ શ્રેષ્ઠ બનાવે છે. માટે તેનાથી તે શ્રેષ્ઠ છે. સૌ કરતાં અભયદાન શ્રેષ્ઠ છે. કોઈ જીવને ભગવાનને શરણે લેવો, શરણે થવામાં મદદ કરવી, પ્રેરણા કરવી વગેરે અભયદાન કહેવાય છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે એક જીવને ભગવાનને શરણે લેવાથી તેને આખું બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય છે. જ્યારે એક જીવને ભગવાનના માર્ગથી પાડવાથી બ્રહ્માંડ ભાંગવાનું પાપ થાય છે, માટે અભયદાન સર્વશ્રેષ્ઠ છે.

दम:-मनस: विषयौन्मुख्य निवृत्ति संशीलनम्‌ ખરેખર તો दमनम्‌ दम: દમન કરવું એટલો જ અર્થ દમ શબ્દનો રહે છે. અહીં તેને અંતઃકરણને કુમાર્ગથી નિવર્તન માટે બતાવ્યો છે. કારણ કે પછીના શ્લોકમાં શાંતિ શબ્દનો ભાષ્યકાર બાહ્યઈન્દ્રિય દમન એવો કરવાના છે. તેથી પુનરુક્તિ ન થાય માટે અહીં અંતઃકરણ નિયમન-મનનું નિયમન એવો દમ શબ્દનો અર્થ લીધો છે. તેનું તાત્પર્ય એ છે કે શમ અને દમ બન્ને શબ્દોમાં એક એકમાં ‘उभय नियमनाभिधानसामर्थ्यं सद्‌भावात्‌’ બાહ્યઈન્દ્રિયો અને અંતઃકરણ બન્ને નિયમન સામર્થી બતાવવાની શક્તિ છે. તેથી જ્યાં બન્નેનો સાથે પ્રયોગ હોય ત્યાં બન્નેના અલગ અલગ અર્થ કરવામાં આવે છે; પરંતુ એક શબ્દનો જ પ્રયોગ હોય તો પ્રકરણ અનુસાર અર્થ કરવામાં આવે છે. તેમાં પણ બન્ને શબ્દો જ્યારે પ્રયોજાયા હોય ત્યારે ‘ब्राह्य नियमनस्य प्राथम्यात्‌’ ન્યાયથી જે શબ્દ પ્રથમ આવ્યો હોય તેનો બાહ્ય ઈન્દ્રિય નિગ્રહપરક અર્થ લેવામાં આવે છે. બીજા શબ્દનો અંતઃકરણ નિગ્રહપરક અર્થ લેવામાં આવે છે. દસમાં અધ્યાયના ચોથા શ્લોકમાં बुद्धिर्ज्ञानमसम्मोह: क्षमा सत्यं दम: शम:। માં ભાષ્યકારે દમ શબ્દનો બાહ્યકરણ નિયમન અને શમ શબ્દનો અંતઃકરણ નિયમન કર્યો છે. જ્યારે અઢારમા અધ્યાયના બેતાલીસમા શ્લોકમાં બ્રાહ્મણવર્ણ ધર્મ નિરૂપણમાં ‘शमो दमस्तप:शौचं…’(૧૮/૪૨) ભાષ્યકારે-शमो-बाह्येन्द्रिय नियमनम्‌ अमैदम: अन्त: करणनियमनम्‌ એવો અર્થ કર્યો છે. જ્યારે અત્રે શાંતિ શબ્દનો અર્થ પ્રકરણવશાત્બાહ્ય ઈન્દ્રિય નિયમન લેવાનો હોવાથી दम: શબ્દથી અંતઃકરણ નિયમન અર્થ ગ્રહણ કર્યો છે.

અંતઃકરણ દ્વારા કોઈ પણ પ્રવૃત્તિ શાસ્ત્ર વિરૂદ્ધ ન થાય તેને અહીં દમ શબ્દથી કહ્યું છે દેવી આત્માઓ શાસ્ત્રના વિધાન અનુસાર પોતાના અંતર-બાહ્ય કરણોને નિયમન કરવા મથી રહ્યા હોય છે. જ્યારે આસુરીવૃત્તિવાળા શાસ્ત્રમાંથી જ કોઈપણ છિદ્રો શોધીને ઈન્દ્રિય અંતઃકરણનું નિયમન ફગાવી દેવા મથતા હોય છે. દૈવી જીવો શાસ્ત્રવિહિત જે પ્રવૃત્તિ કરે છે તેમાં પણ પોતાના સ્વાર્થ અને અભિમાનના ત્યાગપૂર્વક કરે છે. તેના અંતરમાં ભગવાન પ્રત્યેનું સમર્પણ અથવા બીજાનું હિત કરવું, તે પ્રવૃત્તિમાં પ્રાધાન્ય હોય છે. સાધકનો ઉદ્દેશ્ય અંતરદમનો હોવાથી કુમાર્ગ ચિંતનની પ્રવૃત્તિ તદ્દન દૂર થઈ જાય છે. કદાચ કોઈ દોષો આવી જાય તો પણ તેનું દમન કરતો રહે છે. તેથી તે અશુદ્ધિ દૂર થતી રહે છે. જ્યારે આસુરી વૃત્તિમાં તે ભાવો જ્યારે આવે છે, ત્યારે તે તેવી પ્રવૃત્તિઓને અંદરથી પોષણ કરતો રહે છે ને પ્રોત્સાહિત કરતો રહે છે, વધારતો રહે છે, તે તફાવત છે.

यज्ञ: યજ્ઞ શબ્દનો અર્થ આહુતિ આપવી એવો થાય છે. આથી પોતાના વર્ણાશ્રમ પ્રમાણે હોમ વગેરે કરવા તે યજ્ઞ છે. તે સિવાય ગીતા અને શાસ્ત્રની દૃષ્ટિએ પોતાના વર્ણ, આશ્રમ, પરિસ્થિતિ વગેરેના અનુસારે જે કોઈ સમયે જે કર્તવ્ય (नियतं कुरु कर्मस्त्वम्‌) પ્રાપ્ત થાય તેને સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને, ભગવાનની પ્રસન્નતા માટે અને બીજાઓના હિતને માટે જે કાંઈ કરવામાં આવે તેને ‘યજ્ઞ’ કહેવામાં આવે છે. તદુપરાંત જીવિકા માટે વ્યાપાર, ખેતી તથા શરીર નિર્વાહ માટે ખાવું પીવું, સૂવું જાગવું, આપવું લેવું વગેરે બધી જ ક્રિયાઓ ભગવત્પ્રિત્યર્થે ભગવાનની આજ્ઞા પ્રમાણે અને શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે કરવામાં આવે છે તે ‘यज्ञ’ છે. એવી જ રીતે માતા-પિતા, ગુરુજનો, સંતભક્તોની આજ્ઞાનું પાલન, તેમની નિષ્કામભાવે સેવા, તેમને મન, આચરણ, વાણીથી સુખી કરીને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી અને ગાય, બ્રાહ્મણ, દેવતા, પરમાત્માનું પૂજન કરવું, સત્કાર કરવો તે બધી જ ક્રિયાઓ ‘यज्ञ’ કહેવાય છે.

स्वाध्याय: પોતાના ધ્યેયની સિદ્ધિને માટે ભગવાનના નામનો જપ તથા સત્શાસ્ત્રો ગીતા, ભાગવત, વચનામૃત, નિષ્કુળાનંદ કાવ્ય, વગેરે ગ્રંથોનું પઠન-પાઠનને સ્વાધ્યાય કહેવાય છે. વાસ્તવમાં તો स्वस्य अध्याय: (अध्ययनम्‌) स्वाध्याय: ને અનુસારે પોતાની વૃત્તિઓનું અને પોતાની જાતનું પરિશીલન કરવું તેનું પૃથ્થકરણ (એનાલીસીસ કે સેલ્ફએસેસમેન્ટ) કરવું તે સાચો સ્વાધ્યાય છે.મારી વૃત્તિ કેવી છે? તેમાં કયા ફેરફારની જરૂર છે? પરમાત્મા કેવા છે? વગેરે ચિંતન કરવું તેને સાચો સ્વાધ્યાય કહેવાય છે. સાધકે પોતાની વૃત્તિઓનું અધ્યયન કરીને તેને વિશુદ્ધ કરવાની છે. જેવી પોતાની વૃત્તિઓ છે, જેવી પોતાની વિચારધારા છે, તેવો જ પોતે ગણાય છે. પ્રથમ તો તેનો નિર્ણય કરી પછી તે વૃત્તિઓથી પોતાના સ્વરૂપને અલગ માની શાસ્ત્રપઠન કે નામજપ વગેરે પરમાત્માનું કે પરમાત્માની વૃત્તિનું અર્થાત્તેમના અભિપ્રાય, સિદ્ધાંત, રુચિ વગેરેનું આદરપૂર્વક ચિંતન કરવાને સ્વાધ્યાય કહેવાય છે. તેમ કરવાથી સાધક જલ્દી શુદ્ધ બને છે. દૈવી આત્માઓમાં પોતાનું સંશીલન કરવું તે સ્વાભાવિક હોય છે. જ્યારે આસુરીનું ચિંતન પરછિદ્રાન્વેષી હોય છે. તે કયારેય પોતાના તરફ જોતો નથી ને જોવા માગતો પણ નથી.

સામાન્ય પણે ‘शास्त्रीयो भोगसमोच:’ ને તપ કહેવામાં આવે છે અથવા ‘विहित भोगसमोच: तप’ કહેવામાં આવે છે. ભગવાન રાજી થાય તેવી વિશુદ્ધિકરણને તપશ્ચર્યા કહેવાય છે. તેને અર્થે એકાદશી તથા કૃચ્છ્રવ્રતો તથા ઉપવાસાદિક કરવા તેને તપ કહેવાય છે. તપ વડે પવિત્ર થયેલાને જ પરમાત્માની પૂજા આદિકનો અધિકાર પ્રાપ્ત થાય છે. પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિને એકાગ્ર કરવી તેને પણ તપ કહેવાય છે. ऐकाग्रयं परमं तप:। તપનું પ્રયોજન શુદ્ધિ સંપાદન કરીને પરમાત્માની આરાધનાને યોગ્ય બનવું. પરમાત્માની ઉપાસના, ભક્તિ વગેરે સિદ્ધ કરવા માટે હોય છે. તેથી સ્વધર્મ પાલન પણ એક તપશ્ચર્યા બની રહે છે. વસ્તુતાએ પરમાત્માની આરાધના કરતાં પ્રતિકૂળતા, કષ્ટ જે કાંઈ આવે તેને પ્રસન્નતાપૂર્વક સહન કરવું. પરમાત્માને પ્રસન્ન કરવા માટે સહન કરવું તેને તપ ગણાય છે. તેનાથી સાધકમાં પરમાત્માને ભજવાનું બળ પ્રાપ્ત થાય છે. સાધકે સાવધાન રહેવું જોઈએ કે, તપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે તપનું ફળ છે; પરંતુ તે ફળનો ઉપયોગ બીજાને પરચો આપવામાં કે, શાપ આપવામાં કે, બીજાનું અનિષ્ટ કરવામાં કે પોતાની લૌકિક ઈચ્છાપૂર્તિ કરવામાં ન કરે. તેનો ઉપયોગ પરમાત્માને પામવા માટે જ કરે અથવા પરમાત્માના કોઈ ભક્તને મદદરૂપ થવા માટે જ કરે. સાધક જ્યારે સાધના આદરે છે, ત્યારે કેટલીક જાતની ધારણાઓ કરીને ચાલતો હોય. જેમ કે આવી અનુકૂળતા મળે તો હું ભગવાન તરફ ચાલુ, આવી પ્રતિકૂળતા ન હોય તો હું ભગવાનની સેવામાં જોડાઈશ વિગેરે ધારણાઓ છોડીને અનુકૂળતા પ્રતિકૂળતા નહિ માનીને ભગવાનને પ્રસન્ન કરવામાં, ભગવાનના કાર્યમાં ભગવાન ને ભગવાનના ભક્તની સેવામાં જોડાવું જોઈએ. તેમાં જે કાંઈ આવે તેને સહન કરવું તે પણ તપ ગણાય છે.

आर्जवम्‌ કરણ ત્રયની એકતાને આજર્વ કહેવાય છે. માણસ બોલે કાંઈ, વિચારે કાંઈ અને કરે છે કાંઈ, તે દુષ્ટાત્મા છે. સરળપણાના ગુણને આજર્વ કહેવાય છે. સરળતા એ વિશેષ કરીને દૈવી જીવોનો વિશેષ ગુણ છે. તેમાં કુટિલતા કે વક્રતા કે કપટભર્યો વ્યવહાર હોતો નથી. સાધક બીજાને બતાવવા માટે પોતાનામાં સારું વર્તન કરે તો તે બનાવટ છે. સરળતા ન ગણાય. સીધા અને સરળ સ્વભાવને લીધે લોકો તેને કયારેક મૂર્ખ અને અણસમજુ માની શકે છે; પરંતુ તેના ડરથી સાધકે સરળતાનો ત્યાગ ન કરવો જોઈએ. છતાંય તમામની પાસે સરળતા હિત કરનારી થતી નથી. વધારે સરળતાને કારણે યુધિષ્ઠિર મહારાજ અનેકવાર કૌરવોના ષડ્યંત્રનો કે કુટિલતાનો ભોગ બન્યા અને તેનું પરિણામ એકલા યુધિષ્ઠિરને નહિ પણ તમામ પાંડવોને ભોગવવું પડયું છે. સીતાજીની સરળતાનો લાભ લઈને જ રાવણ તેનું હરણ કરી ગયો હતો. તેથી સરળતા ભગવાન અને ભગવાનના સાચા સંત-ભક્તો પાસે જ લાભદાયી અને હિતકારી બને છે. કુટિલ માણસોથી છેતરાવું તે સરળતા ન ગણાય પણ મૂર્ખતામાં ગણાય છે. માટે સરળતા એ દૈવી જીવની સહજતા છે પણ એ સરળતા એવી ન હોવી જોઈએ કે તે છેક મૂર્ખતામાં ગણાઈ જાય. જાગૃતિ અને સમજણપૂર્વકની સરળતા દૈવી જીવોમાં હોય છે. જાગૃતિપૂર્વકની સરળતા જ ભગવાન પાસે પહોંચવામાં મદદરૂપ થાય છે. નહિ તો રસ્તામાં જ બીજા તેનો લાભ ઉઠાવીને સાધકનું જીવન હરામ બનાવી દે છે.

अहिंसा सत्यमक्रोधस्त्याग: शान्तिरपैशुनम्‌।

दया भूतेषु अलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम्‌।।२।।

અર્થ : મન, વાણી અને શરીરથી હિંસાએ રહિત વર્તવું, યથાર્થ પણ પ્રિય બોલવું, ક્રોધના નિમિત્તમાં પણ ક્રોધ ન કરવો, કર્મના ફળનો અને કર્તાપણાના અભિમાનનો ત્યાગ, શાંતિ, ચાડીયાપણું ન કરવું, ભૂત-પ્રાણીમાત્ર ઉપર અકાણ દયા રાખવી, વિષયોમાં લોલુપતા ન રાખવી, કોમળતા રાખવી, નિન્દિત કામ કરવામાં લજ્જા રાખવી અને વ્યર્થ-નિષ્ફળ ચેષ્ટા ન કરવી. ।।૨।।

अहिंसा-શરીર, મન, વાણી કે ભાવનાથી કોઈનું પણ કોઈ રીતે અનિષ્ટ ન કરવાને અને અનિષ્ટ ન ઈચ્છવાને અહિંસા કહેવામાં આવે છે. સદ્ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સાધકને કાંઈ ન જોઈએ, ત્યારે અહીંસાનું પાલન થાય છે અને પાંચ ઈન્દ્રિયોને છઠ્ઠું મન જીતાય ત્યારે બ્રહ્મચર્યનું પાલન થઈ શકે છે. માટે સાદો જીવન નિભાવ કે જીવન ગુજરાન સિવાય બીજું કાંઈ ન જોઈએ ત્યારે યથાર્થ અહિંસાનું પાલન કરી શકાય છે. વાસ્તવમાં તે ત્યારે જ શકય બને છે કે, જ્યારે સાધક ભોગોથી સંપૂર્ણપણે વિમુખ થઈને પરમાત્માની તરફ સાચે ભાવે ચાલે. ત્યારે તેના દ્વારા અહિંસાનું પાલન આપોઆપ થાય છે; પરંતુ જે રાગપૂર્વક ભોગબુદ્ધિથી ભોગોનું સેવન કરે છે તે કયારેય અહિંસક થઈ શકતો નથી. તે હંમેશાં પોતાનું પતન કરનારો બને છે. સાધક પોતાને મળેલી વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, સદ્ગુણો કે આવડત કોઈપણ અનુકૂળ કે પ્રતિકૂળતાને પરમાત્માએ મને આપેલી છે, તે પરમાત્માની છે. એવું અંતરની પ્રામાણિકતાપૂર્વક માનીને મમતારહિત થઇને ભગવાન અને ભગવાનના સાચા ભક્તની સેવામાં લગાડે છે અને શેષ ભાગથી પોતાનું જીવન ગુજરાન કરી લે, ત્યારે તે અહિંસક બની શકે છે. હિંસાથી બચી જાય છે અને પોતાના આત્માનો ઉદ્ધાર કરનારો થાય છે.

ભગવાને ત્રીજા અધ્યાયના તેરમા શ્લોકમાં કહ્યું છે કે ‘यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्विषै:’ તે સર્વ પાપથી મુક્ત થાય છે.વળી यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम्‌(४/३१) જે સુખબુદ્ધિથી અને ભોગબુદ્ધિથી ભોગોનું સેવન કરે છે તેને જોઈને અભાવગ્રસ્તોને પોતાના પ્રત્યે દુઃખ સંતાપ અને ગ્લાનિ થાય છે. તે તેનાથી હિંસા જ થાય છે. કારણ કે ભોગી વ્યક્તિમાં પોતાની સ્વાર્થબુદ્ધિ અને સુખબુદ્ધિ ધારદાર રહે છે અને ભોગ ભોગવતા તે વધુ ધારદાર અને તેમના પ્રત્યે વધુ બેદરકાર બને છે. જ્યારે સંત મહાપુરુષો કેવળ ભગવાનને અર્થે અથવા બીજાનું હિત થાય એટલા માટે જીવનનિર્વાહ કરતા હોય છે. તેથી તેમને દેખીને કદાચ કોઈને દુઃખ થાય તો પણ તેની હિંસા તેમને નહિ લાગે. તે દોષિત નહિ બને. કારણ કે તે ભોગબુદ્ધિથી નિર્વાહ કરતા નથી; પરંતુ કાર્ય વહન કે ભગવાનની ઉપાસના સેવાવહન કરવા ભોગ ગ્રહણ કરે છે. તેથી ભગવાને બતાવ્યું છે કે ‘शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्‌।’(૪/૨૧) ત્યારે કોઈને આશંકા થાય કે ભગવાનનો ભક્ત હોય તેનાથી પણ એવી થોડી હિંસા તો થશે. તો તેનો ઉત્તર છે, કેવળ પરમાત્મા તરફ ચાલવાવાળાથી હિંસા નથી થતી. તે કયારેય કોઈ કરણથી કોઈને દુઃખ નથી પહોંચાડતો; છતાં તેની ક્રિયાથી કોઈ દુઃખી થતું હોય તો તે તેના સ્વભાવથી જ દુઃખ થાય છે પણ ભક્ત સાધક કયારેય કોઈને દુઃખી ઈચ્છતો નથી. બધાનું હિત ઈચ્છે છે.

સાધકની સાધનામાં પણ કોઈ વિઘ્ન નાખે તો પણ તે તેના ઉપર ક્રોધ નથી કરતો અને ન તેના મનમાં તેના અહિતની ભાવના પણ ઉત્પન્ન થાય છે. તેને પરમાત્મા તરફનો વિલંબ થાય તેનું દુઃખ જરૂર થાય છે. તો પણ પેલા પ્રત્યે તેને દ્વેષ નથી થતો અને જો થાય તો તેટલી ભક્તમાં ખામી ગણાય. સાધકમાં એક તત્પરતા હોય છે અને એક આગ્રહ હોય છે. તત્પરતા જેટલી વધારે રહે છે તેટલી સાધનમાં રુચિ રહે છે અને પોતાના સાધનનો જેટલો આગ્રહ રહે છે તેટલો રાગ સાધનામાં રહે છે. રુચિ થવાની પોતાની સાધનમાં કયાં કયાં ઊણપ છે તેનું જ્ઞાન અને તેને દૂર કરવાની શક્તિ આવે છે. તે ગમે તેમ કરીને પોતાનો ચોખ્ખો માર્ગ શોધી લે છે. કારણ કે જરૂરિયાત આવિષ્કારની જનની છે. જ્યારે રાગ હશે તો વિઘ્ન નાખવાવાળા સાથે દ્વેષ થવાનો સંભવ છે. તે સામાની સાથે બાંયો ચડાવીને તૈયાર થઈ જશે. તે ત્યારે પોતાના સાચા માર્ગમાંથી ભટકી જાય છે. માટે સાચો સાધક એવું નથી કરતો. સાચા સાધકથી આપમેળે પારમાર્થિક પરમાણુ ચોતરફ ફેલાય છે. વાયુમંડળ શુદ્ધ થાય છે ત્યારે આપોઆપ બીજા ઉપર ઉપકાર થાય છે ને હિંસા અટકે છે. બીજાનાં ચિત્ત પણ પ્રસન્ન થાય છે.

सत्यम्‌-‘सत्यम्‌ यद्‌ भूतहितं अन्त्यतम्‌ ભૂત પ્રાણીમાત્રનું અત્યંત હિત કરવું, ચાહવું તે સત્ય કહેવાય છે. દૈવી જીવના હૃદયમાં સદાને માટે બીજાના કલ્યાણની ભાવના, હિતની ભાવના થતી રહે છે. એવો તેમનો નૈસર્ગિક સ્વભાવ હોય છે. પરમાત્માનો અતિ કલ્યાણકારી સ્વભાવ હોવાથી અને તેને પામવાનું સાધકનો ઉદ્દેશ્ય થઈ જવાથી સાધકમાં સ્વાભાવિકપણે તેવી રુચિ બની જાય છે.

अक्रोध: બીજાનું અહિત, અનિષ્ટ કરવાને માટે અંતઃકરણમાં જે જલનાત્મક વૃત્તિ પેદા થાય છે અથવા આક્રમકવૃત્તિ પેદા થાય છે તેને ‘ક્રોધ’ કહેવાય છે. હજુ જ્યાં સુધી ખાલી જલન થાય છે ત્યારે ‘ક્ષોભ’ કહેવાય. તે ક્ષોભવૃત્તિ અનિષ્ટ કરવા માટે આક્રમક સ્વરૂપ ધારે ત્યારે તેને ક્રોધ કહેવાય છે. દૈવી અને પરમાત્માને પામવાના ઉદ્દેશ્યવાળો જીવ પોતાના ઉપર અપકાર કરવાવાળાનું પણ અનિષ્ટ કરવા નથી ઈચ્છતો તો સામાન્ય રીતે તો ઈચ્છે જ કેમ? તે સમજે છે કે આપણું અનિષ્ટ આપણાં કર્મોને લઈને જ થાય છે. બીજો ઈચ્છે તો પણ થતું નથી. ઊલટું ઈચ્છનારાનું અનિષ્ટ જરૂર થાય છે. એમ વિચારીને કયારેય ક્રોધ કરતો નથી.

त्याग: आत्महित प्रत्यनीक परिग्रहविमोचनम्‌-આત્મ કલ્યાણમાં વિરોધી એવા પરિગ્રહને છોડી દેવાને અહીં ત્યાગ બતાવ્યો છે. તે બાહ્ય અને આંતરિક બન્ને ભાગમાં હોઈ શકે છે .વસ્તુતાએ સંસારથી, ભોગથી, ભોગના ઉપાજર્ન અને સાધનોથી વિમુખ થવાને ત્યાગ કહેવાય છે. અંતરમાંથી સાંસારિક રાગ, કામના વગેરેનો ત્યાગ કરવો જોઈએ. બહારથી મોક્ષમાર્ગમાં વિરોધરૂપ ધન, પરિવાર વગેરેનો ત્યાગ તેને ત્યાગ જાણવો. તેમાં બાહ્ય ત્યાગ કરતાં અંતરનો ત્યાગ વધારે મહત્ત્વ ધરાવે છે. ‘त्यागाच्छान्तिरनन्तरम्‌’(૧૨/૧૧) ત્યાગથી શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે. ભોગ અને સંગ્રહ સંતાપને માટે કહેવાયા છે. સાધકને માટે નાશવંત વસ્તુઓની કામના જ સૌથી વધારે બાધક છે. માટે કામનાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેનો ત્યાગ કયારે થઈ શકે? તો સાધકનો ઉદ્દેશ્ય-ધ્યેય એક માત્ર ભગવાનની પ્રાપ્તિનો, ભગવાનના ધામની પ્રાપ્તિનો થઈ જાય છે, ત્યારે તેની હૃદયમાં રહેલી કામનાઓ દૂર થવા લાગે છે. સાંસારિક ભોગ અને સંગ્રહ સંબંધી કામનાઓ ભગવાનની પ્રાપ્તિમાં વિરોધી હોવાથી બળવાન ઉદ્દેશ્ય થતાં તેને દૂર કરવા લાગી જાય છે.

शान्ति:-इन्द्रियाणां विषयप्रावण्यनिरोधसंशीलनम्‌।

આગળ દમ શબ્દનો મનોનિયમ અર્થ કર્યો હોવાથી ટીકાકારો અહીં शान्ति અર્થ બાહ્ય ઈન્દ્રિયો નિયમનપરક કરી રહ્યા છે. અંતરના વિક્ષેપનું કારણ પણ પંચેજ્ઞાનેન્દ્રિયોના વિષયો જ વિશેષે કરી ને છે. નિભાવ કે ગુજરાન ઉપરના વિષયો કે વિષય પ્રાપ્તિની ચેષ્ટાઓ અંતરમાં ક્ષોભ ઊભો કરીને અંતરને ડોળી નાખીને અશાંતિ ઊભી કરે છે વિષય પ્રાવણ્યતા રાગદ્વેષ ઊભા કરે છે અને રાગદ્વેષ સાધકના અંતરને ડોળીને અશાંતિ ઉભી કરે છે. તેથી તેનું મૂળ કારણ ઈન્દ્રિયોને વિષય પ્રાવણ્યતા દૂર કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. દૈવી જીવનો સહજ સ્વભાવ ઈન્દ્રિયોને વિષયથી રોકવાનો હોય છે. જ્યારે આસુરી જીવને ઈન્દ્રિયોને વિષયમાં જોડીને તેને બહેકાવવામાં વધારે રુચિ હોય છે.

अपैशुनम्‌-परानर्थकरवाक्यनिवेदनाकरणम्‌। પિશુનતા વાણીનો વિષય છે. કોઈ વ્યક્તિના વિષયમાં એવા વિરોધી કે હીન વચન બોલવા કે ઈતર મનુષ્યોને તેના તરફ હીન ભાવના જાગે વિરોધ જાગે અથવા તેનું અનર્થ કરવાની ભાવના જાગે-તેવી વાણીને પિશુનતા કહેવાય છે. તેનો સર્વથા અભાવ હોય તેને અપૈશુન કહેવાય છે. દૈવી જીવોને પરમાત્મા પ્રાપ્તિનું લક્ષ્ય હોવાથી, તેને કોઈના પ્રત્યે એવી પ્રવૃત્તિ કરવાની વૃત્તિ થતી નથી. જ્યારે આસુરીવૃત્તિવાળા મનુષ્યો કોઈક ને કોઈકનું એવું નુકશાન કર્યા વિના રહી શકતા નથી. દૈવી જીવો ભગવાનની આરાધના કરતાની સાથે તેને બીજા પ્રત્યે પણ સારી ભાવના ઊઠે છે. તેથી આવા દોષથી તે બચાવ કરી શકે છે બચી જાય છે. જ્યારે આસુરી જીવો તો ભોગ કેન્દ્રિત છે. તેથી તેને આવું કર્યા વિના રહી શકાતું નથી.

दयाभूतेषु-सर्वभूतेषु दु:खासहिष्णुत्वम्‌ ભૂત પ્રાણીમાત્રનું દુઃખ સહન નહિ કરી શકવાપણું. બીજાઓનું દુઃખ જોઈને તેઓનું દુઃખ કોઈપણ અપેક્ષા વિના દૂર કરવાની ભાવનાને દયા કહેવામાં આવે છે. દયા સજીવો ઉપર-પ્રાણધારીઓ ઉપર જ હોય, છતાં भूतेषु એમ કહેવા પાછળ અને બહુવચન કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે, શત્રુ મિત્ર ઉદાસીનનો વિભાગ કર્યા વિના દરેકને વિષે તે હોવી જોઈએ. ફકત સંબંધીમાં દયા આવે ને બીજે દયા ન આવે, તો તે દયાવાન નથી. એવું તો દરેકમાં હોય છે. તે તો મોહ છે, દયા નથી; પરંતુ દયા તો શત્રુને પણ સંકટમાં જોઈને તેના ઉપર પણ થાય ત્યારે સાચી દયા કહેવાય છે. દૈવી જીવોમાં તે સહજ હોય છે. ભગવાનના ભક્તો દયાના બે સ્વરૂપો માને છે કૃપા અને દયા. વ્યક્તિને શુદ્ધ કરવા અને તેને દોષમાંથી બચાવવા ઘણી વખત ભગવાન સાધકના મનમાં ન ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ આપે છે. અથવા કોઈ મોટા મહાત્માઓ-ઋષિઓ કયારેક શાપ આપે છે પણ તેને શુદ્ધ કરવા આપે છે. તે તેઓની કૃપા છે. એક પ્રકારની દયા જ છે. કયારેક સાધકને અનુકૂળ પરિસ્થિતિ કરી આપે છે, તે દયા છે.

સંત-મહાત્માઓ દયાના કારણે બીજાઓના દુઃખથી દુઃખી થાય છે; પરંતુ વાસ્તવમાં તો તેમને બીજાઓના દુઃખથી પણ દુઃખ નથી અને પોતાના દુઃખનું પણ દુઃખ હોતું નથી. પોતાના ઉપર પ્રતિકૂળ પરિસ્થિતિને તેઓ ભગવાનની કૃપા દેખે છે. જ્યારે બીજાના ઉપર દુઃખ આવતાં તેઓને સુખી કરવા માટે તેઓ તેમના દુઃખના ભાગીદાર થાય છે અથવા પોતાના ઉપર તે દુઃખને લઈ લે છે. જેવી રીતે ઈન્દ્રે ક્રોધપૂર્વક વિના અપરાધના દધીચિ ઋષિનું માથું કાપી નાખ્યું હતું; પરંતુ જ્યારે ઈન્દ્રે વૃત્તાસુરના ત્રાસથી પોતાના રક્ષણ માટે ઋષિના હાડકાં માગ્યા ત્યારે ઋષિએ સહર્ષ પ્રાણ છોડીને પોતાના હાડકાં આપ્યાં. તેને તેના ઉપર અપરાધના બદલે ક્રોધ ન થયો. આમ સંત મહાત્માઓ બીજાઓના દુઃખને નહીં સહન કરી શકતા હોવાથી તેઓને સુખ પહોંચાડવાને માટે પોતાનાં સુખ, સામગ્રી તથા પોતાના પ્રાણ પણ આપી દે છે. कर्णस्त्वचं शिबिर्मांसं जीवं जीमूतवाहन:। ददौ दधीचिरस्थीनि नास्त्यदेयं महात्मनाम्‌। સંત-મહાત્મા પુરુષોની દયા અતિવિશુદ્ધ હોય છે. તેવી જ રીતે દૈવી જીવોમાં સહજ દયા રહેલી હોય છે. તેઓ ‘आत्मवत्‌ सर्वभूतेषु’ ની ભાવનાવાળા હોય છે. જેને દયા કરીને અભિમાન આવે છે અથવા સ્વાર્થ કે સંબંધ માટે દયા કરે છે, તો તે વિશુદ્ધ અને નિર્મળ દયા ન ગણાય.

अलोलुप्त्वम्‌-अयोग्यस्पृहा-लोल्यम्‌-तन्निषेधार्थम्‌ अलोलुपत्वं अर्थात्‌ विषयेषु नि:स्पृहत्वम्‌ ઈન્દ્રિયોના વિષયોનો સંબંધ થવાની અથવા બીજાઓને ભોગ ભોગવતા દેખીને મનનું ભોગ ભોગવવા કે વિષય મેળવવા લલચાઈ ઊઠવાનું નામ લોલુપતા કહેવાય છે. તેનો સર્વથા અભાવ હોવાને અલોલુપત્વ કહેવાય છે. વિષય લોલુપતા સાધકનું અવશ્ય પતન કરનારી બને છે. કામાદિક વિષયોને જોઈને કે યાદ કરીને પામર જીવો વિહ્વળ બની જાય છે અને તેમાં ભાન ભૂલી જાય છે, સાધક અને દૈવી જીવોમાં વિષયમાં સહજ તદ્રુપતા ન આવી જાય તેની સાવધાની હોય છે અને રાખે છે.

मार्दवम्‌-अकाठिन्यम्‌-साधुजन संश्लेषार्हता इत्यर्थ:।

ખરેખર તો मृदोर्भाव: मार्दवम्‌-કોમળતા એવો અર્થ થાય છે, પણ તે અર્થ અહીં અન્વિત ન થતો હોવાથી, અપ્રસ્તુત હોવાથી अकाठिन्यम्‌ એવો અર્થ કર્યો છે. કઠિનતા રહિતપણું એવું તેનું તાત્પર્ય છે. સાધુજનોમાં મન ચોટવાપણું, તેમની સાથે સહજ સ્નેહ થવાપણું તેને ‘मार्दव’ ગુણ કહેવાય છે. ખરેખર તો ‘આજર્વ’ને પણ કોમળતા ગણવામાં આવે છે પણ તેમાં ત્રણે કરણની એકતાને અર્થાત્શારીરિક વર્તનની પ્રાધાન્યતાથી બતાવાય છે. જ્યારે ‘मार्दव’માં અંતઃકરણની પ્રતિક્રિયાને પ્રાધાન્યતાથી જોવામાં આવે છે એટલો બન્નેમાં ભેદ દેખાય છે. તેથી વિના કારણે દુઃખ આપવાવાળા અને વેર રાખવાવાળાઓના પ્રત્યે પણ અંતઃકરણમાં કઠોરતાનો ભાવ ન થવો તથા સ્વાભાવિક કોમળતાનું રહેવું અને ખાસ કરીને સાધુજનોમાં સ્વાભાવિક સ્નેહ થવો તેને માર્દવ ગુણ કહેવાય.

દૈવી સાધકના હૃદયમાં સ્વાભાવિકપણે બધાના પ્રત્યે કોમળતાનો ભાવ રહે છે. તેના પ્રત્યે કોઈ કઠોરતા તેમજ અહિતનો વર્તાવ પણ કરે તો પણ તેની કોમળતામાં અંતર પડતું નથી. જો સાધક કદી કોઈ વાતને લીધે કોઈને કઠોર શબ્દોમાં કહે તો તે કઠોર શબ્દો પણ તેના કેવળ હિતને માટે જ હોય છે; પરંતુ તેના અંતરમાં બીજાને દુઃખ દેવાના કે અહિત કરવાના મલિન ભાવો કયારેય જન્મતા નથી.

ह्री: अकार्यकरणे व्रीडा-શાસ્ત્ર અને લોકમર્યાદાની વિરુદ્ધ કામ કરવામાં જે સંકોચ થાય છે તેનું નામ ह्री: લજ્જા કહેવાય છે. તે લજ્જા કેવળ લોક કીર્તિ માટે જ નથી પણ સ્વયં વિચાર આવે છે કે શાસ્ત્રની મર્યાદા ઉલ્લઘંન કરીને હું આવું અયોગ્ય વર્તન કેમ કરી શકું? તેને શાસ્ત્રની આમન્યા પણ આડી આવે છે. જ્યારે આસુરી આ પ્રકારે અંતરથી નિર્લજ્જ હોય છે. તેઓને પણ લોકોની થોડીક મર્યાદા રાખવી પડે છે. જેથી પોતાની આજીવિકા ક્ષીણ ન થઈ જાય અને પોતાનો લૌકિક મોભો હીન પ્રકારનો ન થઈ જાય માટે ઉપરથી થોડી લોકલાજ રાખવી પડે છે પણ અંતરથી તેઓ ગમે તેવું હીન કાર્ય કરી શકે છે. જેમકે રાવણ ભગવતી સીતાનું હરણ કરી ગયો. કૌરવોએ પાંડવોને ખતમ કરી દેવા નેસ્તનાબૂદ કરી દેવા અનેક અઘટિત હીન કક્ષાના ઉપાયો કર્યા તે આસુરતા છે. દૈવી સાધક એવી શાસ્ત્ર વિરુદ્ધ ક્રિયાઓને એકાંતમાં કે અંતરથી પણ કરી શકતો નથી. આવા પ્રકારની લજ્જાથી તે ખરાબ કર્મોથી બચી જાય છે આવી લજ્જા સાધકને માટે વૈરાગ્યનું કામ કરે છે. જેમ વૈરાગ્ય હીનકર્મોનો ત્યાગ કરાવે છે તેમજ આ પ્રકારની લજ્જા પણ હીનકર્મોનો ત્યાગ કરાવે છે.

अचापलम्‌-स्पृहणीयविषयसन्निधौ अचञ्चलत्वम्‌। અહીં અલોલુપતા શબ્દ પણ આવ્યો છે. ચંચળતા અને લોલુપતા મોટે ભાગે એક અર્થમાં વિષયમાં ખેંચાણ અનુભવવાના અર્થમાં વપરાય છે. વિષયની સન્નિધિમાં ખેંચાણ રહેવાને લોલુપતા કહેવાય છે. વિષયની સન્નિધિથી તે ધરાતો જ નથી. જ્યારે વિષયની સંન્નિધિ માણસના અંતરમાં ખળભળાટ મચાવી દે છે, ત્યારે અંતરનો ખળભળાટ ઈન્દ્રિઓમાં પણ પ્રગટ થાય છે. તેને ચંચળતા કહેવાય છે. તેના અભાવને અચંચળતા કે અચપળતા કહેવાય છે. અલોલુપતા એટલે વિષય પામવાની કારણભૂત ઈચ્છાને રોકી દેવી તેને કહેવાય છે. જ્યારે અંચપલતા એટલે વિષયો પામવાની ઈચ્છાને ઉત્તેજિત કરીને અંતરની શાંતિ હોય તેમાં ખળભળાટ મચાવવો તે ચપળતા કહેવાય. તેનો અભાવ તે અચપળતા કહેવાય. ચપળતા સાધકની ધીરજને તોડી નાખે છે. જ્યારે લોલુપતા વિષય પામવા માટે સાધકને વિકળ બનાવે છે. તેનાથી રોકનારા ગુણ અચપલતા અને અલોલુપતાના ગુણો છે જે ભગવાનની કૃપાથી દૈવી સાધકોમાં સહજતાથી હોય છે. આસુરી વૃત્તિમાં તે શકય નથી. હોય તો પણ વધુ વિષયની લાલસાથી તે શક્ય બને છે.

तेज: क्षमा धृति: शौचमद्रोहो नातिमानिता।

भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत।।३।।

અર્થ : તેજ, ક્ષમા-પરાપરાધ સહન કરવાની શક્તિ, ધૈર્ય, શૌચ-પવિત્રતા, કોઈનો પણ દ્રોહ ન કરવાની વૃત્તિ, પોતાને વિષે પૂજ્યપણાના અભાવરૂપ નિરભિમાનિતા, હે ભારત ! આ સઘળા ગુણો દૈવી સમ્પદ્વાળાને હોય છે. ।।૩।।

પ્રથમ શ્લોકમાં ભગવાને દૈવી જીવોના અંતરમાં ભાવોને અભિવ્યક્ત કરનારા ગુણો બતાવ્યા છે. બીજા શ્લોકમાં આચરણ બતાવનારા ગુણોનું વર્ણન કર્યું છે. જ્યારે ત્રીજા શ્લોકમાં પ્રભાવનું વર્ણન કરનારા ગુણોનું વર્ણન કર્યું છે.

तेज:-दुर्जनै: अनभिभवनीयत्वम्‌-સામર્થીવાન નબળા તત્ત્વોથી પણ ડરી ન જવું તેને તેજ કહેવાય છે. पराभिभवसामर्थी ને પણ તેજ કહેવાય છે. શત્રુને ઘર્ષિત કરી દેવા ડરાવી દેવાની સામર્થીને તેજ કહેવાય છે. અભય અને તેજ બન્ને ગુણો ઘણા જ નજીકનો અર્થ બતાવનારા છે; છતાં પણ ઘણા જ અલગ છે. તેજ અતીન્દ્રિય પ્રભાવને બતાવનાર ગુણ છે. જ્યારે અભય એ ભયાભય કોટિની અંતકરણની પ્રક્રિયારૂપ ભાવના બતાવનાર ગુણ છે. ભયાભયમાં અંતઃકરણમાં ભાવો ઊઠે છે અને શમી પણ જાય છે. જ્યારે તેજ ગુણ શમી જાય અને ઉદય થાય તેવું ઓછું હોય છે. તેથી પરાભિભવ સામર્થી-મુખ્ય અર્થમાં વપરાય છે. તેજસ્વી વ્યક્તિના પ્રભાવથી સાધારણ પુરુષો, દુર્ગુણ દુરાચારનો ત્યાગ કરીને સદ્ગુણ સદાચારમાં લાગી જાય છે. મહા પુરુષોમાં રહેલા, શબ્દથી વર્ણન ન થઈ શકે તેવા પ્રભાવને પણ તેજ કહેવાય છે. જે અનુભૂતિનો જ વિષય છે. જેના સાંનિધ્યમાં સહજપણે માણસ દબાઈ જાય છે.

આમ તો બળવાન અને ક્રોધી વ્યક્તિની સમક્ષ પણ તેના સ્વભાવ વિરુધ્ધ કામ કરવામાં ભય પામે છે પણ તે તેજ નથી. તામસ ભાવ છે. વ્યક્તિ પોતાના ભૌતિક નુકશાનથી ભય પામીને શમી જાય છે. જ્યારે મહાપુરુષનું તેજ તેનાથી વિલક્ષણ છે. તેમાં રહેલી દિવ્યતા અને અતીન્દ્રિય પ્રભાવ છે, જે દૈવી જીવોનો આહ્લાદકપણે શાસન કરનારો હોય છે. તેનું સાંનિધ્ય બધા ઈચ્છે છે. જ્યારે તામસ ક્રોધથી જીવપ્રાણી માત્ર ભાગવા ઈચ્છે છે. તેના સાંનિધ્યને કોઈ ઈચ્છતું નથી. જ્યારે આ તેજ ગુણ છે તે વ્યક્તિને દબાવતો હોવા છતાં વ્યક્તિ તેનું સાંનિધ્ય વારંવાર ઈચ્છે છે. છોડવા માગતો નથી. માટે તેજ દબાવનારો હોવા છતાં આહ્લાદક છે. જ્યારે ક્રોધ ડરામણોને ભયાનક છે. દૈવી સંપત્તિના સાધકમાં સહજ તેજસ્વિતા હોય છે. પ્રહ્લાદથી તમામ બાળકો પ્રભાવિત હતા. જ્યારે દુર્વાસાથી તમામ પ્રાણીઓ ભયથી દૂર રહેવા ઈચ્છતા હતા. સાધકના તેજ ગુણથી સામા જીવોમાં સૌમ્ય ભાવો ઉતપન્ન થાય છે ને તેની સમક્ષ દુર્ગુણ, દુરાચાર કરવામાં દુરાચારી પણ લજ્જિત થાય છે અને અચકાય છે તે અનાયાસે જ સદાચરણમાં લાગી જાય છે એ દૈવી સંપત્તિ વાળાનું તેજ છે.

क्षमा-પોતાના પર અપરાધ કરનારને પણ માફ કરી દેવાની વૃત્તિને ક્ષમા કહેવાય છે. શિક્ષા કરવાની સામર્થી હોવા છતાં માફ કરી દેવું તે ક્ષમા છે. ક્ષમા અને અક્રોધમાં શું અંતર છે? ક્ષમામાં જેણે અપરાધ કર્યો છે, તેને લક્ષમાં રાખીને કરવામાં આવે છે. તેને કોઈ જાતની શિક્ષા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે અક્રોધનો વિષય પોતે જ હોય છે. નિમિત્ત ભલે બીજા હોય પણ મારામાં ક્રોધ ન આવવો જોઈએ. માટે પોતાનું ગૌરવ, ટેક કે, વ્રત કે માર્ગથી ક્રોધનું નિવારણ કરવામાં આવે છે. પોતાના અંતરમાં કોઈ પ્રકારનો ખળભળાટ ન થવો જોઈએ. જો કે ક્ષમાની અંતર્ગત અક્રોધ પણ આવી જાય છે. હવે ક્રોધ કરે તો ક્ષમા શકય બનતી નથી. ક્ષમાશીલ કહી દેતાં તેને માટે ક્રોધરહિત એવું કહેવાની જરૂર રહેતી નથી. જ્યારે અક્રોધમાં સંપૂર્ણ પણે ક્ષમાશીલતા સમાઈ જતી નથી. એ ક્ષમાશીલ છે. એમ કહેવું બાકી રહે છે. આથી આ બન્ને ગુણો અલગ અલગ છે. ક્ષમા-મોહમમતા, ભય અને સ્વાર્થને કારણે પણ કરવામાં આવે છે. જેમ કે પુત્ર અપરાધ કરી દે તો પિતા તેને ક્ષમા કરી દે છે. તો આ ક્ષમા મોહ, મમતાને કારણે હોવાથી શુદ્ધ ક્ષમા નથી. એવી જ રીતે કોઈ બળવાન અને ક્રૂર વ્યક્તિ દ્વારા આપણો અપરાધ કરવામાં આવે ત્યારે આપણે ભય વશ થઈને આપણે કાંઈ ન બોલીયે તો તે ભયને કારણે ક્ષમા છે. તે ક્ષમા કરનારને સુખરૂપ અને ક્ષેમરૂપ તો જરૂર છે પણ વિશુદ્ધ ક્ષમા નથી. એવી રીતે કોઈ મોટો ઈસ્પેકટર આવીને આપણને ખોટી રીતે ધમકાવે છે, આપણું અપમાન વિગેરે પણ કરે છે. તો પણ આપણે સ્વાર્થહાનિના ભયથી કાંઈ નથી બોલતા. ત્યારે આ ક્ષમા સ્વાર્થને કારણે છે. આવી ક્ષમા આપણે ઘણી કરતા હોઈએ છીએ તે વ્યવહારમાં આપણને સુખ આપનારી જરૂર બની રહે છે પણ સામર્થી હોવા છતાં જરણા કરીને ક્ષમા આપી દેવી એ સાચી ક્ષમા છે. મહારાજે શિક્ષાપત્રીમાં સંતોના ધર્મમાં બતાવ્યું કે गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनै: क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तै:। (शिक्षा. २०१) નિરાપરાધી હોય તેને વિષે નિર્વિકાર(ક્રોધાદી ન કરે) રહે તેને ઉદાસીનતા માત્ર કહેવાય પણ ક્ષમા ન કહેવાય માટે કહ્યું અપરાધી પ્રત્યે નિર્વિકારતા ક્ષમા છે.

धृति:-महत्यामप्यापदि कृत्यकर्तव्यतावधारणम्‌-धृति:। विकारहैतो सति विक्रीयन्ते येषां न चेतांसि स एव धीर:।

મહા આપત્તિમાં પણ પોતાનું કર્તવ્ય ન ચૂકે, કર્તવ્યને યથોચિત વહન કરતો રહે, ધારણ કરી રહે તેને ધીરજ ગુણ કહેવાય છે. ઈન્દ્રિયો અંતઃકરણમાં વિક્રિયા ઊભી થવાના સંજોગો રહેવા છતાં વિક્રિયા ન ઊભી થવા દેવી તે ધીરજ છે અને તેને ધારણ કરે તે ધીર પુરુષો કહેવાય છે. ભય અને ચપળતાની નિવૃત્તિ અલગ-અભય અને અચપળતામાં બતાવી દીધી હોવાથી મોટી આપત્તિ આવે તો પણ પોતાને પ્રાપ્ત શાસ્ત્રીય અનુષ્ઠાન સંકલ્પથી ચલાયમાન નહિ થઈને ધારી રહે તેને ધીરજ બતાવી છે. અભય અને અચપલતા પણ ધીરજના એક લક્ષણ રૂપ જ છે પણ સાથે નિર્દેશ હોવાથી અલગ અર્થ કરવામાં આવે છે. આવી ધીરજને સાત્ત્વિકી ધીરજ કહેવામાં આવે છે. શાસ્ત્રીય કર્તવ્યનો પરિત્યાગ ન કરવાની સાથે સાથે… ‘‘योगेनाव्यभिचारिण्या धृति: सा पार्थ सात्त्विकी(૧૮/૩૩) અનુસાર મોક્ષના સાધનભૂત ભગવાનની ઉપાસનાથી પણ પાછો ન હઠે. તે કહ્યું છે કે, ‘महत्यापदि सम्प्राप्ते स्मर्तव्यो भगवान्‌ हरि:(ભા. ૯૦/૪૨) શાસ્ત્રીય કર્મને ધારણ કરતાં કરતાં ભગવાનની સ્મૃતિને સદા ધારી રાખવી તે શ્રેષ્ઠ ધૃતિ છે. કોઈપણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થયે વિચલિત ન થઈને પોતાની સ્થિતિમાંથી અર્થાત્શાસ્ત્રીય અનુષ્ઠાન અને ભગવાનની સ્મૃતિને કાયમ ધારી રાખવાને ધૃતિ કહેવાય છે. વૃત્તિઓ જ્યારે સાત્ત્વિક થાય છે. ત્યારે ધીરજ ઠીક રહે છે. વૃત્તિઓ રાજસી તામસી થાય તો ધીરજ ઠીક રહેતી નથી. જીવનમાં પવિત્ર અને નિશ્ચિત ધ્યેય દૃઢ થવાથી પણ ધૃતિનો વધારો થાય છે ને દૃઢ થાય છે. જેમ કે બદરિનારાયણના રસ્તા ઉપર ચાલવાવાળાને કયારેક અતિ ઠંડી અથવા ચઢાણ વગેરે પ્રતિકૂળતા આવે છે અને કયારેક અનુકૂળ વાતાવરણ તથા ઉતરાણ પણ આવે છે; પરંતુ ચાલવાવાળાને તે પ્રતિકૂળતા કે અનુકૂળતા જોઈને રોકાઈ જવાનું નથી. મારે બદરિનારાયણના દર્શને પહોંચવું છે. એવું ઉદ્દેશ્ય(ગોલ) ધ્યેય રાખીને ચાલતું જ રહેવાનું છે. તેમ જ સાધકે પણ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ ગુમાવ્યા સિવાય કર્તવ્ય અને મહારાજનું સ્મરણ સદાને માટે ધારી રાખવાના છે. માર્ગમાં આવતા સુખ અને દુઃખ ગણવાના નથી. मनस्वी कार्यार्थी (ध्येयनिष्ठ) न गणयति दु:खं न च सुखम्‌।।(ભતૃ. ની.શ.)

शौचम्‌-શરીર, વાણી અને મન અપવિત્ર પુરુષોના સ્પર્શથી અને અપવિત્ર દૃવ્યના ઉપયોગથી સત્ત્વગુણ ગુમાવી બેસે છે, ત્યારે તે તે શાસ્ત્રીય ક્રિયાઓમાં અશક્ત અને અયોગ્ય બની જાય છે. તેનો અભાવ તેને અહીં શૌચ કહ્યું છે. પવિત્રતા કહી છે. વ્યવહાર કે વિષય પટુતા ભલે જેમની તેમ રહેતી હોય પણ સત્ત્વગુણના અભાવમાં મોક્ષમાર્ગની કુશળતા ગુમાવી બેસાય છે. માટે શાસ્ત્રીય એવું વિશેષણ બતાવ્યું છે. આમ તો શૌચ બાહ્ય અને અંતઃ બે પ્રકારે જ લેવી જોઈએ. કેમ કે અતઃશુદ્ધિ ‘सत्त्वसंशुद्धि શબ્દથી પ્રથમ શ્લોકમાં કહેવાઈ ગઈ છે. પરમાત્માની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખવાવાળો સાધક બાહ્ય શુદ્ધિનો પણ ખ્યાલ રાખે છે. કેમ કે બાહ્ય શુદ્ધિ રાખવાથી અંતઃકરણની શુદ્ધિ આપમેળે થાય છે અને જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે બાહ્ય અશુદ્ધિ તેને રુચતી નથી. તે યોગસૂત્રમાં બતાવ્યું છે કે ‘शौचात्‌ स्वाङ्गजुगुप्सा परैरसंसर्ग:।’ શૌચથી સાધકની પોતાના શરીરની ધૃણા અર્થાત્અપવિત્રતા બુદ્ધિ અને બીજાઓની સાથે સંસર્ગ ન કરવાની ઈચ્છા થાય છે. તાત્પર્ય એ છે કે પોતાના શરીરને શુદ્ધ રાખવાથી શરીરની અપવિત્રતાનું જ્ઞાન અને ભાન થાય છે. તેથી બીજાં શરીરો પણ એવા જ છે એવું જાણી, બીજા સ્ત્રી આદિ શરીરોનું આકર્ષણ દૂર થઈને તેને પામવાની ઈચ્છા દૂર થાય છે અને શરીરથી અહંતા, મમતા પણ દૂર થવામાં મદદ થાય છે.

अद्रोह:-परेषु अनुपरोध: પરંતુ स्वच्छन्दवृत्तिनिरोधरहितत्वम्‌ इत्यर्थ:। અહીં અહિંસાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેથી તેનાથી અલગ કરવા આવો અર્થ કર્યો છે.

પ્રબળ વ્યક્તિઓ દુર્બળને પોતાના વશમાં રાખે છે. તેની સ્વચ્છંદ વૃત્તિનો નિરોધ કરી તેને દુઃખી કરે છે, તેને ઉપરોધ કર્યો ગણાઈ તેનો અભાવ હોવો તે અનુપરોધ કહેવાય.પોતાની સ્વચ્છંદ વૃત્તિનો નિરોધ કરવો તે તો પરમાત્માના માર્ગમાં મદદરૂપ છે ને તેને તપ ગણવામાં આવે છે પણ પારકાને તેમ કરવું તે હિંસાનો માર્ગ છે અને દ્રોહનો માર્ગ છે. માટે પારકાની વૃત્તિ રૂંધવાનો પ્રયત્ન ન કરે તેને અદ્રોહ ગણાવ્યો છે. ક્રોધ અને દ્રોહ બન્નેમાં અંતર છે. પોતાનું અનિષ્ટ કરવાવાળા પ્રત્યે તત્કાળ જે જલનાત્મક અને આક્રમક વૃત્તિ પેદા થાય છે, તેને ક્રોધ કહેવાય છે અને એવો ને એવો ભાવ અંતરમાં દબાયેલો રહે અર્થાત્મોકો મળે તો તેનું અનિષ્ટ કરવા તાલાવેલી રહે, તેને દ્રોહવૃત્તિ કહેવાય છે. ક્રોધ પ્રગટવૃત્તિ છે. ખાસ કરીને ક્રોધનું નિમિત્ત સામે પ્રગટ હોય ત્યારે વિશેષ ઊભરાય છે. જ્યારે દ્રોહ ઢંકાયેલો રહીને વિશેષ કરીને પરોક્ષમાં રહીને સામાનું અનિષ્ટ કરવા મથે છે, તે દ્રોહવૃત્તિ છે. જે સાધકનો ઉદ્દેશ્ય પરમાત્માની પ્રાપ્તિ કરવાનો છે અથવા મહારાજનો રાજીપો મેળવવાનો છે, તેના અંતરમાં તેનું અનિષ્ટ કરવાવાળા પ્રત્યે પણ દ્વેષ કે અનિષ્ટ કરવાની ભાવના પેદા થતી નથી.

नातिमानिता-अस्थाने गर्वोऽतिमानित्वम्‌ तद्‌रहितता માન અર્થાત્ગર્વ. સામાન્યપણે મોક્ષમાર્ગમાં તેનો નિષેધ કરવામાં આવે છે છતાં પણ ઉત્તમવંશ, અમર્યાદિત શક્તિ, શ્રુત વગેરે ગુણો હોય તેને યોગે થોડા માનની માત્રા હોય તો લોકો સહન કરી લે છે અને કોઈના હૃદયમાં ખટકતું નથી. યોગ્ય છે એવું માની લે છે. આમ થોડું માન સહ્ય છે. એવું ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે. જો એમ ન હોય તો આસુરી સંપત્તિમાં માનને લેવાનો જ હતા તો અહીં તેનો ઉલ્લેખ કરવાની જરૂર ન હતી; છતાં નિષેધાત્મક કરી ઉલ્લેખ કર્યો છે તો તેનું તાત્પર્ય તેવું નીકળે છે. અતિ માનીતા ન કહેવાનું તાત્પર્ય પણ એ જ છે કે, અસ્થાને માનની અપેક્ષા રાખવી. જેની પાસેથી આપણે શિક્ષણ મેળવ્યું છે, જેની પાસેથી મોક્ષ માર્ગનું માર્ગદર્શન મળ્યું છે. જેના આદર્શો આપણે ગ્રહણ કર્યા છે ને ગ્રહણ કરવા ઈચ્છીએ છીએ. જેને ગુરુ, વડીલ કે માર્ગદર્શક માનીએ છીએ. તેની પાસેથી પણ આદર-સત્કારની ઈચ્છા રાખવી એ ‘અતિ માનીતા’ છે. સામાન્ય માનવી પાસેથી ઈચ્છા રાખવી તે ‘માનિતા’ છે. આપણી યોગ્યતા હોય ત્યાં પણ ન રાખવી તે નિર્માનીપણું છે. એવી અતિમાનીતા ન હોવું તે દૈવી જીવોનો ગુણ છે. પોતાના વિશે જે પૂજ્યબુદ્ધિ થવી કે બીજા કરતાં શ્રેષ્ઠ બુદ્ધિ થવી તે માન-અહંકાર છે. તે સાધકના હૃદયમાં ન હોવી જોઈએ. જેટલા દૈવી સંપત્તિના સદ્ગુણો-સદાચારો છે, તેને પૂર્ણપણે જાગ્રત કરવાનો સાધકનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. ભગવાનનો આશ્રય કરીને તત્પરતાથી પ્રયત્ન કરે તો જરૂર તે ઉદય થઈ આવે છે.

भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत-        

હે અર્જુન ! આ બધા દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલા મનુષ્યોનાં લક્ષણો છે. દૈવી સંપત્તિનો અર્થ દેવતાની વિભૂતિ એવો ભાસે છે પણ એવો અર્થ અત્રે બંધ બેસતો નથી. તેથી દેવ સંબંધી-પરમાત્મા(ઈષ્ટદેવ) સંબંધી સંપત્તિને અહીં દૈવી ગણવામાં આવી છે. તેથી ભગવાનની આજ્ઞામાં વર્તવાનો જેનો સ્વભાવ છે. એવી પ્રકૃતિ-‘विष्णुभक्ति परो दैव:’ એવું કહેવાયું છે. તેથી એવી પ્રકૃતિને લક્ષ્યમાં રાખીને જન્મેલા અર્થાત્તેવી પ્રકૃતિ સિદ્ધ કરવા માટે જન્મેલો છે એટલે ‘अभिजातस्य’.

સાધકના જીવનમાં પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય થતાં આ દૈવી સંપત્તિનાં લક્ષણો સ્વાભાવિકપણે આવવા લાગે છે. કેટલાક લક્ષણો પૂર્વજન્મના સંસ્કારોથી પણ જાગ્રત થાય છે; પરંતુ સાચો સાધક તેને ભગવાનની કૃપા માને છે. ભગવાને આપેલી સંપત્તિ માને છે ને તે ગુણો સંબંધી અભિમાન વધારતો નથી. તે ગુણોથી માનસિકભાવે અલગ પડીને તે ગુણોને ઈષ્ટદેવની સેવામાં વિનિયોગ કરે છે. અન્યથા તેને અભિમાન આવે છે અને અભિમાન એ આસુરી સંપત્તિની પેદાશ છે. દૈવી સંપતિમાંથી આસુરી સંપત્તિ પેદા થાય તો તેને દૈવી સંપત્તિ ગણી ન શકાય. માટે તે ગુણો પ્રાપ્ત કરીને પણ તે ગુણોનો ભગવાનની અને ભગવાનના ભક્તની સેવામાં વિનિયોગ થાય ત્યારે જ તેને દૈવી સંપત્તિ ગણી શકાય. માટે તે ગુણો પ્રાપ્ત કરીને પણ તે ગુણોનો ભગવાનની અને ભગવાનના ભક્તની સેવામાં વિનિયોગ થાય ત્યારે જ તેનું દૈવી સંપત્તિપણું પૂર્ણ ગણાશે. જો અભિમાન પેદા થઈ જાય તો દૈવી સંપત્તિ ગણી શકાશે નહિ.

‘હું સદાય જીવતો રહુ મારા પ્રાણ સદાય ચાલુ રહે’ આવી ઈચ્છા ચાલુ રહેવી એ જ આસુરી સંપત્તિ છે. ‘असुसु रमते इति आसुरा:’ પ્રાણ-પોષણપરાયણતાને જ આસુરી ભાવ ગણવામાં આવે છે. જેનો જીવન ઉદ્દેશ્ય-કેવળ પ્રાણ-પોષણ, ઈન્દ્રિયો અંતઃકરણના વિષયો પામવાનું જ છે, તે અસુર કહેવાય છે. ભગવાનના ભક્તમાં કે ત્યાગી-વૈરાગી સાધકોમાં પણ આવી પ્રાણ ચાલુ રાખવાની ઈચ્છા તો ચાલુ રહે છે; પરંતુ તેમાં પ્રાણપોષણબુદ્ધિ કે ઈન્દ્રિયલોલુપતા નથી રહેતી. તેનો ઉદ્દેશ્ય પ્રાણ ટકાવવા પાછળ ભગવાનની ભક્તિ સંવહન કરવાનો હોય છે, નહિ કે પ્રાણ-ઈન્દ્રિયો કે શરીર પોષણ કરવાનો. કૃષ્ણ મથુરા ગયા પછી ગોપીઓ જીવતી હતી, તે કેવળ ‘કૃષ્ણદર્શન આશાએ, તેણે પ્રાણ આ રાખેલ’ પ્રમાણે દર્શનની આશાથી પ્રાણ રાખી રહી હતી. મહારાજ ધામમાં ગયા પછી મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી એક મહિનો જ પૃથ્વી પર રહ્યા. માટે ભગવાનના ભક્તોના જીવનનો આધાર-પ્રાણનો આધાર ભગવાન હોય છે. તેથી તેને પ્રાણનાથ પણ મોટા માને છે. તેને માટે પ્રાણોની પણ કુરબાની કરી શકે છે, કેવળ ભગવાનમાં અનન્ય પ્રેમ રહે છે.

दम्भो दर्पोऽभिमानश्च क्रोध: पारुष्यमेव च।

अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम्‌।।४।।

અર્થ : હવે-આસુરી સમ્પદ્કહે છે-હે પાર્થ ! દંભ, મિથ્યા આડમ્બર, અભિમાન તેમજ ક્રોધ અને કઠોરતા અને અજ્ઞાન પણ આ બધા દુર્ગણો આસુરી સમ્પદ્વાળા મનુષ્યોમાં હોય છે. ।।૪।।

दम्भ: धार्मिकत्वख्यापनाय धर्मानुष्ठानम्‌। પોતાના અંતરમાં ધાર્મિકતા હોય નહિ પણ ધાર્મિકતાની કીર્તિ અને જે કાંઈ લાભ મેળવવા માટે પોતાને સમાજમાં ધાર્મિક બતાવવો કે તેને માટે પુરુષાર્થ કરવો, તેને દંભ કહેવાય છે. પોતાનામાં રહેલી અધાર્મિક્તાને સારી રીતે ઢાંકવી તેને કપટ કહેવાય. ઉપરથી સારી રીતે ઢાંકીને સુજ્ઞ પણે દેખાવાને કપટ કહેવાય છે. સારી વસ્તુ અંતરમાં ન હોય તેને કૃત્રિમતાથી બતાવવી તે દંભ છે. જ્યારે નબળી અને અઘટિત વસ્તુ પોતામાં પડી હોય તેને દેખાવા ન દેવી તે કપટવ્યવહાર કહેવાય. આમ બન્ને વસ્તુ એક સિક્કાની બે બાજુ જેવી છે. એક આવે એટલે બીજાનો સહારો લેવો જ પડતો હોય છે. પોતે ઓછો હોય તો પણ ખૂબ જ ગુણવાન અથવા સ્થિતિમાન છે તેવું બતાવવું તેને પણ દંભ કહેવાય છે.

दर्प: ઘમંડનું નામ દર્પ છે. कृत्याकृत्यअविवेककर: विषयानुभवनिमितो हर्ष:-दर्प: જે શાસ્ત્રમર્યાદાનું ઉલ્લઘંન કરવામાં તથા ગુરુ-વડીલ જનોની મર્યાદા ઉલ્લઘંનમાં કારણરૂપ હોય છે. ગુરુ-ભગવાનના દર્શનથી થતો હર્ષ પણ હોય છે પણ તે દર્પ નથી. ધન વૈભવ, જમીન-જાગીર, મકાન પરિવાર વગેરે મમત્વના વિષયરૂપ ચીજોને કારણે પોતાનામાં અન્યથી મોટાપણાનો અનુભવ કરવો તે ‘દર્પ’ છે. જેમ કે મારી પાસે આટલું ધન છે, મારો પરિવાર આટલો મોટો છે, મારી પાસે આટલી સત્તા છે. મારી પાછળ આટલા માણસો ઊભા છે. મારા એક અવાજે આટલા માણસો પડકાર ઝીલે છે. ધન-સંપત્તિમાં મારી બરોબરી કોઈ કરી ન શકે. વગેરેને કારણે પોતાને બીજાં કરતાં વિશેષ માનવું તે બધો જ દર્પ છે.

अभिमान-અહંતાના વિષયની ચીજોને કારણે પોતામાં મોટાપણાને અનુભવ કરવો તે અભિમાન છે. જેમ કે હું ઊંચા કુળમાં જન્મ્યો છું. અર્થાત્મારું કુળ ખૂબ ઊંચું છે, હું મોટો વિદ્વાન છું, હું ગુણવાન છું. હું સમગ્ર સંસારની ઉથલપાથલ કરી શકું છું. વગેરેને લીધે પોતામાં મોટાપણું અનુભવવું તે અભિમાન છે.

क्रोध: परपीडाचित्तविकार: બીજાઓનું અનિષ્ટ કરવા માટે અંતઃકરણમાં જે જલનાત્મકતા તથા આક્રમતા-વૃત્તિ પેદા થાય છે તેને ક્રોધ કહેવાય છે. મનુષ્યના સ્વભાવથી વિરુદ્ધ કોઈ કામ કરે છે, ત્યારે તેનું અનિષ્ટ કરવાને માટે તથા તેના પર આક્રમણ કરવાને માટે પોતાના અંતઃકરણમાં ઉત્તેજના પેદા થાય છે, તે ક્રોધ છે. બાળક ઉદ્ધતાઈ કરે, કહ્યું નથી માનતો ત્યારે માતાપિતા ઉત્તેજનામાં આવીને તેની મારપીટ કરે છે તો પણ તે ક્રોધ નથી ગણાતો .તે હૃદયનો ખળભળાટ માત્ર-ક્ષોભ માત્ર ગણાય છે. કારણ કે તેમાં હિંસકતા નથી હોતી. અંદર દયાનો કે મમતાનો ભાવ રહે છે. જ્યારે ક્રોધ કરવામાં તો અંદર ક્રૂરતા અને વિનાશ કરી નાખવાનો ભાવ રહે છે. જ્યારે મા-બાપને તો ગમે તેમ તોય હિતની ભાવના હોય છે.

ક્રોધમાં બીજાનું અહિત, અનિષ્ટ કે વિનાશ કરી દેવામાં સુખ અનુભવાય છે. આવો સ્વભાવ તથા ઈરાદો આસુરી પ્રકૃતિવાળાઓમાં સહજતાથી રહેલો હોય છે. ક્રોધમાં ઉત્તેજના ખૂબ હોય છે. તેમાં વિવેકભ્રષ્ટતા(स्मृतिभ्रंशता) તુર્ત આવી જાય છે. તેથી ક્રોધને વશ થઈને મનુષ્ય ન કરવા યોગ્ય કામ કરી બેસે છે. જેના ફળરૂપે તેને પણ પસ્તાવું પડે છે. ક્રોધનું ફળ હંમેશાં પસ્તાવો જ હોય છે. તેને વિરૂપ અને વિફળ કહ્યો છે. ક્રોધની ઉત્તેજનામાં આવીને બીજાને અપકાર કરવા ચેષ્ટા કરે છે પણ વધારેમાં વધારે નુકસાન ક્રોધ ધારણ કરનારાને થાય છે. તેના સમગ્ર પુણ્યકર્મનો નાશ થાય છે. ‘….क्रोधितस्य वृथा भवेत्‌।’ ક્રોધ અગ્નિ છે. તે પોતાને પ્રથમ બાળે છે. ક્રોધને નરકનું દ્વાર બતાવ્યો છે. અર્થાત્નરક સુધી પહોંચવાનું મોટું સાધન છે.

पारुष्यम्‌-साधूनाम्‌ उद्वेगकर: स्वभाव: સજ્જનો-સાધુ પુરુષોને ઉદ્વેગ કરનારા, કઢંગા સ્વભાવને પારુષ્ય કહેવાય છે. પારુષ્ય બે પ્રકારે વર્ણવાય છે. વાક્પારુષ્ય અને સ્વભાવ કે હૃદયથી પારુષ્ય. કઠોર અને બીજાને વિના કારણે જલન ઉત્પન્ન કરનારી વાણી બોલવી તે વાક્પારુષ્ય છે અને બીજાને ઉદ્વેગ ઉત્પન્ન થાય તેવો સ્વભાવ આચરવો તે સ્વભાવની પારુષ્યતા છે. જે વક્ર પ્રકૃતિના છે તથા જે કુટિલ છે તેના પ્રત્યે પારુષ્યનું આચરણ અતિ દોષરૂપ નથી. પારુષ્ય એટલે કઠોરતા. સાધુ પુરુષો પ્રત્યે વાણી કે સ્વભાવની કઠોરતા કે વક્રતા એ નરી અસુરતા છે. બીજાના ઉપર આપત્તિ, સંકટ, દુઃખ થાય તેવું વર્તન કરવું અથવા આપત્તિ, સંકટ, દુઃખ આવે તેવું વર્તન કરવું અથવા આવે ત્યારે રાજી થવું, એ સ્વભાવ કે હૃદયની પારુષ્યતા છે. તે નરી અસુરતા છે. તે સજ્જન માણસમાં કયારેય સંભવતી નથી. સ્વાર્થબુદ્ધિની અતિરેકતાને કારણે મનુષ્ય પોતાનો મતલબ સિદ્ધ કરવા માટે પોતાની ક્રિયાઓથી બીજાઓને કષ્ટ થશે, બીજાને આપત્તિ આવશે-પછી ભલે તે ગુરુ કે વડીલ કે પૂજ્ય હોય તો પણ-એ વાતનો વિચાર જ તેને આવતો નથી. હૃદયમાં સ્વાર્થની અતિરેકતા હોવાથી કેવળ પોતાના મતલબને જ દેખે છે. તેના મન, વાણી, શરીર, વર્તાવ, હૃદય વગેરેને કઠોર બનાવે છે. લોભ માણસને હિંસક, ક્રૂર અને ઘાતકી બનાવી દે છે. હૃદયની કોમળતાને હરી લે છે નાશ કરી નાખે છે. હૃદયમાં સૌમ્યતા બિલકુલ રહેતી નથી. કયારેક હિંસા પણ કરી બેસે છે અથવા કરાવી બેસે છે.

अज्ञानम्‌-परावरतत्व-अविवेक: कृत्याकृत्य अविवेकश्च

પરાવરતત્ત્વના અવિવેકને અજ્ઞાન કહ્યું છે. ‘प्राप्तकालनिद्रादिरू पम्‌ अनुपयुक्तविषयं च अज्ञानं असुराणाम्‌ अन्येषां अपि तुल्यम्‌ अदोषश्च।’ तद्‌ व्यवच्छेदाय परावरेति। નિદ્રાને અજ્ઞાન માનવામાં આવે છે તથા જે જરૂરી નથી એવા વિષયનું પણ માણસને અજ્ઞાન હોય છે. કોઈક જ દોઢ ડાહ્યાને તેનું પણ જ્ઞાન હોય છે. તે અજ્ઞાન તો અસુરો અને અન્યમાં સામાન્યપણું છે. વળી દોષેરૂપ પણ ગણવામાં આવ્યું નથી. જે વિવેકની ખાસ કરીને આત્મકલ્યાણમાં અતિ આવશ્યકતા છે, તેનો અભાવ હોવો તેને અહીં અજ્ઞાન ગણવામાં આવ્યું છે. અજ્ઞાનનો અર્થ અહીં વિવેકનો અભાવ માત્ર ગણવામાં આવ્યો નથી; પરંતુ ઊલટું જ્ઞાન તે અજ્ઞાન છે, વિવેકથી ઊલટું જ્ઞાન અર્થાત્વિવેક વિરોધી પ્રવૃતિ કરાવે તેવું જ્ઞાન અહીં અજ્ઞાન બતાવ્યું છે અને તે આસુરી પ્રકૃતિમાં સહજતાથી રહ્યું હોય છે.

આ ઉપરાંત સત્સંગિજીવન પ્રકરણ-૨ અ.૧૭માં મૂળજી શર્મા(પછીથી સદ્. ગુણાતીતાનંદ સ્વામી)ના પ્રશ્નથી શ્રીજી મહારાજે આસુરી લક્ષણો બતાવ્યાં છે. તેમાં મુખ્ય ત્રણ લક્ષણો બતાવ્યા છે. એક તો તેમને ભગવાનનો અકારણ વિરોધ, બીજું ખાસ કરીને ભગવાનના અનન્ય ભક્ત તેની સાથે અકારણ વૈરભાવ કે વિરોધ ભાવ અને ત્રીજું ધર્માનુસાર જે સદાચરણ હોય તેનો વિરોધ કરવો. જે અહીં ગીતામાં પણ દુર્ગુણો દ્વારા વર્ણવ્યો છે. અસુરોમાં કયારેક સદાચરણ કે સદ્ભાવના જેવું તો ભગવાન કે તેમના સાચા ભક્ત સિવાય ઈતર વિષયમાં દેખાય છે ખરું પણ ભગવાન સાથે અને તેના ભક્ત સાથે તેને કટ્ટર વિરોધ અને અકારણ શત્રુતા છે. તે જ આસુર ભાવનું પાકું અને મુખ્ય લક્ષણ બની રહે છે. ‘आसुर’ શબ્દમાં નઞ્નકારનો અર્થ असुसु प्राणेषु रमन्ते इति आसुरा:। એ વ્યત્પત્તિ ઉપરાંત નઞ્ઉપસર્ગનો વિરોધરૂપ અર્થ પણ લેવો પડશે. તે પણ સુર અર્થાત્દેવતાના વિરોધી એટલું જ નહિ, પણ પરમાત્મા અને તેના અનન્ય ભક્તના વિરોધી એવો લેશું ત્યારે તેનો સંપૂર્ણ અર્થ આવશે.

અસુર શબ્દ સુરના વિરોધી અર્થમાં પ્રયોજાય છે, તેના કરતાં ભક્તના વિરોધી અર્થમાં વધારે દૃઢ થયો છે, તેથી પ્રકૃતિ અર્થ કરતાં રૂઢિ અર્થ વધારે બળવાન ગણાય છે. તેથી મોટે ભાગે ભક્તિ અને ભક્તના વિરોધી તરીકે જ તે પ્રસિદ્ધ થયેલો છે. असुसु प्राणेषु रमन्ते इति आसुरा:। ના અનુસારે કેવળ પ્રાણપોષણ પરાયણ અને કેવળ ભૌતિક સુખાકારી માટે જ જીવનારા છે. તેવા મનુષ્યોનો વાચક વ્યુત્પત્તિક અર્થ પ્રમાણે ‘અસુર’ શબ્દ છે. તેનું તાત્પર્ય એ છે કે જેમનો ઉદ્દેશ્ય પરમાત્માને પ્રાપ્ત કરવાનો નથી. જેઓ મનુષ્ય શરીર ધારણ કરીને કેવળ ભોગ જ ભોગવવા ઈચ્છે છે અને તેનો ઉદ્દેશ્ય ભગવાનને પામવાનો છે તથા ખુદ ભગવાનનું વિઝન-મિશન છે, તેનો સ્વાભાવિક વિરોધ કરવો તે જ તેની મુખ્ય પ્રવૃત્તિ અને મુખ્યવૃત્તિ બની રહે છે. તેઓ પાકા અસુર છે. તેવા અસુરોની વૃત્તિને આસુરી વૃત્તિ કહેવાય છે અને તેવી વૃત્તિનું પોષણ કરવા માટે જરૂરી એવા દુર્ગુણો-દુરાચરણને આસુરી સંપત્તિ કહેવાય છે. મનુષ્યના જીવનમાં ભોગ કેન્દ્રિયતા કે ભોગ જ જીવનનું ઉદ્દેશ્ય બની જતાં તેના જીવનમાં કુટુંબ સહિત આસુરી સંપત્તિ વિકસિત થતી રહે છે અને વિસ્તરિત થતી રહે છે.

अभिजातस्य पार्थ सम्पदमासुरीम्‌-હે પાર્થ ! આ બધા આસુરી સંપત્તિને પ્રાપ્ત થયેલા મનુષ્યોનાં લક્ષણો છે. ‘હું કદી મરું નહિ, હું સદા જીવતો રહુ, હું સદા ગમે તે રસ્તે ચાલીને પણ ભોગ ભોગવતો રહું ’ એવી ઈચ્છાવાળા મનુષ્યોના અંતઃકરણમાં આ લક્ષણો ઘર કરીને રહે છે. શરીરમાં જ ‘હું મારું’નો સંબંધ આસુરી સંપત્તિનું મૂળભૂત કારણ બની રહે છે. જ્યારે કેવળ પરમાત્મા સાથે સંબંધ લાગી રહે છે અને શરીર અને શરીરના ભાવોથી અલગ રહે છે; તે દૈવી સંપતિનું મુખ્ય કારણ બની રહે છે. હું શારીરિક તથા બીજી જે કાંઈ સંપતિ મળી છે તેનાથી ભગવાન કે ભગવાનના સાચા ભક્તને પ્રસન્ન કરું અને તેની પ્રસન્નતા(રાજીપો) મેળવું એ દૈવી સંપત્તિ પામવાનું મુખ્ય સાધન બની રહે છે.

दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता।

मा शुच: सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव।।५।।

અર્થ : દૈવી સમ્પદ્મુક્તિને માટે અને આસુરી સમ્પદ્બંધનને માટે માનેલી છે. માટે હે પાણ્ડવ ! તું શોક ન કર ! કેમકે-તું તો દૈવી સમ્પદાએ યુક્ત ઉત્પન્ન થયેલો છે. ।।૫।।

હવે ભગવાન દૈવી અને આસુરી બન્ને પ્રકારની સંપત્તિઓનું ફળ બતાવે છે. दैवी सम्पद्विमोक्षाय ‘મારે ભગવાન પાસે પહોંચવું જ છે’ આવો નિશ્ચય સાધકના હૃદયમાં જેટલો ચોખ્ખો થઈ જાય છે. તેટલો તેટલો તે ભગવાનને સન્મુખ થતો જાય છે અને સંસારથી વિમુખ થતો જાય છે. તેથી તેનામાં દૈવી સંપત્તિના જેટલા સદ્ગુણ સદાચારો છે તે પ્રગટ થવા લાગે છે અને આસુરી સંપત્તિના દુર્ગુણ દુરાચારો છે તે દૂર થવા લાગે છે.જે વિશેષ ધ્યાન દેવાની વાત એ છે કે, જેટલું સાધકનું ધ્યેય કે ઉદ્દેશ્ય સ્પષ્ટ અને દૃઢ હશે તેટલો જ તેનો પરમાત્મા સાથેનો જે અનાદિ સંબંધ છે; તે પ્રગટ થઈ જશે અને સંસાર સાથેનો જે સંબંધ માનેલો છે; તે દૂર થતો જશે અને તેની મુક્તિ થઈ જશે. દૈવી સંપત્તિ કેવળ પોતાના ભલા માટે જ નથી પણ તમામ પ્રાણીઓના કલ્યાણને આપનારી છે. આજુબાજુ રહેનારા તમામ પ્રાણીઓ આવી પ્રકૃતિવાળા ઉપર પ્રસન્ન થઈ રહે છે. સાધક ધારે તો દૈવી પ્રકૃતિ દ્વારા ભગવાનની સેવા કરીને ભગવાનને પણ વશ કરી શકે છે. એવો વિચિત્ર અધિકાર ભગવાને જીવને આપી દીધો છે ! માટે દૈવી સંપત્તિ મુક્તિને માટે અર્થાત્મુક્તિ અપાવનારી મનાયેલી છે.

निबन्धायासुरी मता-જે જન્મ-મરણને આપનારી છે અને બંધન ઊભું કરનારી છે, તે આસુરી સંપત્તિ છે. જ્યાં સુધી મનુષ્યનો અહંકાર પરિવર્તન નથી પામતો ત્યાં સુધી સારા સારા ગુણો પણ તેની મુક્તિ નથી કરી શકતા અથવા ગમે તેટલી સાધના પણ તેની મુક્તિ કરી નથી શકતી. તે ગુણો અને સાધના તેને આ લોકનું કે સ્વર્ગાદિકનું ઊંચું ફળ આપી શકે પણ મુક્તિ ન આપી શકે. તો ભગવાનને તો કયાંથી પમાડી શકે? જ્યાં સુધી ‘મારું શરીર સદા જીવતું રહે, મને સૌથી વધારે સુખ આરામ મળતો રહે’ એવા વિચારો પોતાના અહંકારમાં જામેલા રહે છે, ત્યાં સુધી કોઈ ગુણો કે સાધના તેને સંસારથી છોડાવી શકનાર નથી. જેઓ પોતાના વ્યક્તિત્વને જ મુખ્ય રાખીને આગળ ચાલે છે, બીજાનું ગમે તે થાઓ-તેઓમાં ગમે તેટલા સારા ગુણ હોવા છતાં તેની મુક્તિ થવી શક્ય નથી.

ભગવાને આ અધ્યાયમાં આસુરી સંપત્તિનાં ત્રણ ફળ બતાવ્યાં છે (૧) જેમાંથી આ શ્લોકમાં निबन्धायासुरी मता-શબ્દો બંધનરૂપી પ્રથમ ફળ બતાવ્યું છે. બીજા અધ્યાયયમાં ‘बहुशाखाह्यनन्ताश्च’ થી વર્ણવેલા તથા નવમા અધ્યાયમાં વર્ણવેલા સકામ ઉપસાકો પણ આમાં જ આવી જાય છે. જેમનો ઉદેશ્ય કેવળ ભોગો ભોગવવાનો જ અને સંગ્રહ કરવાનો જ છે. જરા પણ ભગવાનને ખાતર છોડવા તો માગતા જ નથી. તેની કામનાઓનો કોઈ અંત હોતો નથી. તે કામનાઓ જ તેમને સંસારમાં નિમગ્ન કરી રાખે છે. અહીં એક શંકા થાય જે, કૃષ્ણમાર્ગથી સકામ પુરુષો જાય છે તે જ માર્ગથી યોગભ્રષ્ટ પુરુષો પણ જાય છે. આથી બન્નેનો માર્ગ એક હોવાથી અને બન્ને પુનરાવર્તી હોવાથી સકામ પુરુષોની જેમ જ યોગભ્રષ્ટ પુરુષોને પણ ‘निबन्धायासुरी मता’ મુજબ બંધન થવું જોઈએ. તો તેનું સમાધાન એ છે કે, યોગભ્રષ્ટોને બંધન નથી થતું. કારણ કે પૂર્વ જન્મમાં કરેલી સાધનામાં તેમનો ઉદ્દેશ્ય પોતાના કલ્યાણનો હતો; પરંતુ અંત સમયે વાસના, બેહોશી, દેશકાળ વગેરેથી ગરબડી થવાથી તેને વિઘ્નરૂપે, દંડરૂપે સ્વર્ગમાં જવું પડયું છે. જ્યારે સકામો તો સ્વર્ગાદિ ભોગને પામીને તેમાં ડૂલ થઈ જાય છે. કેવળ આ માર્ગે જવા માત્રથી તેને બંધન લાગુ પડી જતું નથી. તેનું અંતર મુક્તિને ચાહે છે. જ્યારે સકામનું અંતર ભોગને ચાહે છે. (૨) આસુરી સંપત્તિનું બીજું ફળ છે ‘पतन्ति नरकेऽशुचौ’ (૧૬/૧૬) જેઓ કામનાઓને વશીભૂત થઈને આસુરી સંપત્તિથી પાપ, અન્યાય દુરાચાર વગેરે કરે છે, તેઓના ફળસ્વરૂપે નરક વિશેષ સ્થાનકોએ વિષે દંડ માટે જાય છે.

(૩) આસુરી સંપતિનું ત્રીજું ફળ છે ‘आसुरीष्वेव योनिषु… ततो यान्त्यधमां गतिम्‌।(१६/१९-२०) જેના અંતરમાં દુર્ગુણ દુર્ભાવ રહે છે અને તેનાથી પ્રેરિત થઈને તેઓ દુરાચરણ કરે છે ત્યારે તેના ફળરૂપે પ્રથમ તો તેને નીચ અને આસુરી યોનિમાં જન્મ આવે છે ત્યાંના માહોલ પ્રમાણે તે નીચ કર્મો કરીને વધારે અધમગતિ અને ઘોર નરકોમાં જશે.

मा शुच: सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव।

કેવળ પરમાત્માની પ્રાપ્તિ કરવાની ઈચ્છાવાળા કે આશયવાળાની દૈવી સંપતિ હોય છે અને જેનાથી મુક્તિ થાય છે. જ્યારે નાશવાન એવા સંસારી ભોગો તથા સંગ્રહની તીવ્ર ઈચ્છાવાળાની આસુરી સંપત્તિ હોય છે. જેનાથી બંધન થાય છે. આ વાતને સાંભળીને અર્જુનના મનમાં ભીતિ ઉત્પન્ન થઈ છે કે, કદાચ મારામાં રખેને આસુરી સંપત્તિના લક્ષણો નિગૂઢપણે પડયા હોય નહિ. એવી કલ્પના માત્રથી ભયભીત થઈ ગયેલા અર્જુનને ભગવાન આશ્વાસન આપવા આવા શબ્દો કહે છે. અર્જુનને પોતાને પોતાનામાં દૈવી સંપત્તિ દેખાતી નથી અને આસુરી સંપત્તિ રખેને નિગૂઢપણે પડી હોય નહિ? તેથી ભગવાન કહે છે, ભાઈ અર્જુન ! તમે દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલ છો માટે શોક કરશો નહિ.

દૈવી સંપત્તિને પ્રાપ્ત થઈ જતાં સાધકના દ્વારા ભગવાનની તથા તેના ભક્તની નિષ્કામ સેવા, પોતાના આત્મકલ્યાણનું જતન તથા સદાચરણના ગુણો સ્વાભાવિક જ આચરાતા રહે છે તેથી તેનો ઉદ્ધાર થાય છે.

मा शुच: અહીં ભગવાન ત્રીજા શ્લોકમાં ‘भारत’ ચોથા શ્લોકમાં ‘पार्थ’ અને આ શ્લોકમાં ‘पाण्डव’ એવા સંબોધનો કરીને ભગવાન અર્જુનને પ્રોત્સાહિત કરવા માગે છે કે, ‘ભારત’ તમારો વંશ-કુલ અતિ પવિત્ર છે તમે વીર જનેતા સતી પૃથાના પુત્ર છો તેમ જ અતિ ધર્મનિષ્ઠ અને વીર એવા પાંડુના પુત્રો છો. તેથી તમારામાં દૈવી સંપત્તિ સ્વાભાવિક છે. માટે તમારે શોક કરવાની જરૂર નથી. ગીતામાં બે વાર ‘मा शुच:’ શબ્દો આપ્યા છે. એક અહીં અને બીજું અઢારમાં અધ્યાયના છાંસઠમાં શ્લોકમા બન્ને જગ્યાએ પ્રયોગ કરીને ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે કે, હે અર્જુન ! તારે-સાધન અને સિદ્ધિ અર્થાત્પ્રાપ્તિ-આ બન્ને વિષયોમાં ચિંતા કે શોક ન કરવો જોઈએ. સાધનાના વિષયમાં અહીં આશ્વાસન આપ્યું કે, તું દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલો છો અને સિદ્ધિ કે પ્રાપ્તિના વિષયમાં(૧૮/૬૬માં) એ આશ્વાસન આપ્યું કે, તને સઘળા પાપોથી હું મક્ત કરી દઈશ. તું શોક ન કર. તાત્પર્ય એ છે કે, દૈવી સંપત્તિવાળા સાધકને પોતાની સાધનામાં હંમેશાં ઊણપ દેખાતી હોય છે. તેણે જાગૃતિપૂર્વક તેમને તો દૂર કરતી રહેવાની છે; પરંતુ તે ઊણપોને કારણે સાધકના અંતઃકરણમાં નમ્રતાની(નિર્માનીભાવની) સાથે એક નિરાશા જેવું પણ રહે છે કે, મારામાં એવા સારા ગુણો કયાં છે ? કે મને આવા સાધ્યની પ્રાપ્તિ થાય? આ જે નિરાશા કે અવિશ્વાસ જેવું છે તે આશ્રયની ખામી ગણાય છે. આશ્રયમાં અવિશ્વાસ એ કલંક છે. તેથી ભગવાન અર્જુનને સાધક માત્રનો પ્રતિનિધિ બનાવીને તેને એ આશ્વાસન આપે છે કે, તારે યાવત્બુદ્ધિ બલોદય સાધન કરવાનું છે પણ બળ તો પૂર્ણ આશ્રયનું રાખવાનું છે, સાધનનું નહિ. પ્રાપ્તિ થાય છે તે આશ્રયનું ફળ છે, સાધનનું નહિ. અનુવૃત્તિમાં રહીને સાધનનું ફળ-માલિકનો વિશેષ રાજીપો થાય તે જ છે. પ્રાપ્તિ તો આશ્રયનું ફળ છે.

આશ્રય થયા પછી પણ શોક કે ચિંતા જો રહેતા હોય તો તેનો અર્થ એ થયો કે, સાધકનું ધ્યાન પોતાના વ્યક્તિત્વ ઉપર જ કેન્દ્રિત(ફોકસ) થયેલું છે. તે પોતાને જ ભાળે છે પણ સામે ઊભેલા(આશ્રય કરેલા) પરમાત્માની મોટાઈ કે શક્તિ સામર્થીનું તેને જરા પણ ભાન નથી અને જ્યાં સુધી પોતામાં જ ફોકસ રહે ત્યારે ગમે તેટલા સાધનાના ઢગલા હશે તો પણ તેને શોક, ચિંતા જ થવાની છે. તેને કયારેય નિરાશા જવાની નથી. તેને કયારેય આશ્ચર્યમાં અહોભાવ પ્રાપ્ત થવાનો નથી. કારણ કે તેનું ધ્યાન સ્વવ્યક્તિત્વ ઉપર જ કેન્દ્રિત થયેલું છે ભગવાનના વ્યક્તિત્વ ઉપર તેની નજર જ પહોંચી નથી. પોતાની જાત કે સાધના પ્રત્યે જાગૃતિ જરૂર હોવી જોઈએ; પરંતુ તે જાગૃતિ રાખીને પરમાત્માના વ્યક્તિત્વને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્માના વ્યક્તિત્વ પર અચળ ભરોસો રાખવો તેને જ સ્વરૂપનિષ્ઠા કે પરમાત્માનું બળ, હરિબળ અથવા આશ્રયનું બળ કહેવાય છે. એ જેટલું વધારે હોય તેટલું જ સાધકના જીવનમાં અહોભાવ કે નિર્ભયતા પ્રાપ્ત થાય છે અને શોક ચિંતા દૂર થાય છે. તે વિના પસ્તાવા સિવાય કાંઈ હાથમાં આવતું નથી.

દૈવી સંપત્તિવાળા પુરુષોનો એવો સ્વભાવ હોય છે કે, તેઓની સમક્ષ અનુકૂળ કે પ્રતિકૂળ કોઈપણ પરિસ્થિતિ કે ઘટના આવે ત્યારે તેઓની દૃષ્ટિ હંમેશાં પોતાના કલ્યાણની તરફ જ રહે છે અને દૃઢ આશ્રયવાળાની દૃષ્ટિ પરમાત્માના વ્યક્તિત્વ તરફ રહે છે. યુદ્ધના મોકા ઉપર પણ જ્યારે ભગવાને અર્જુનનો રથ બન્ને સેના વચ્ચે રાખ્યો ત્યારે અર્જુનમાં કૌટુંબિક સ્નેહ-મોહ પેદા થઈ ગયો અને કર્તવ્યથી હઠી જવા વિચાર કરે છે. તેને કુટુંબનો મોહ અને પાપનો ભય, આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ બન્ને દેખા દે છે. ત્યારે પણ અર્જુન વારંવાર પોતાના કલ્યાણની વાત પૂછતો રહે છે. મને ખ્યાલ નથી આવતો, હું તમારે શરણે છું, શિષ્ય છું, મારું કલ્યાણ થાય તેમ કહો વગેરે. આ રીતે અર્જુનમાં દૈવી સંપત્તિ આરંભથી જ હતી. મોહરૂપી આસુરી સંપત્તિ તો તેનામાં આગંતુક રૂપે હતી. જે આગળ ભગવાનની કૃપાથી નષ્ટ થઈ ગઈ-नष्टो मोह:…(૧૮/૭૩) તે બધું ભગવાન જાણે છે. તેથી કહે છે ભાઈ, તું શોકના કર. તું દૈવી સંપત્તિવાળો છે; પરંતુ અર્જુનને પોતાનામાં દૈવી સંપત્તિ નથી દેખાતી. કારણ કે શ્રેષ્ઠ અને ખાનદાન પુરુષાને પોતાનામાં સારા ગુણ નથી દેખાતા. તેઓ હંમેશા સ્વઅનાદરવાળા હોય છે. પોતાના વ્યક્તિત્વને આદર નથી આપતા હોતા. પોતાનામાં તેને અવગુણ સતત દેખાયા કરે છે. તેનું એક કારણ એ છે કે, તેઓને ગુણોની સાથે અભિન્નતા કે તાદાત્મ્યભાવ આવી ગયો હોય છે અને દુર્ગુણોથી તેઓ તદન અલગ પડયા હોય છે. તેથી એ ન્યાય છે કે પોતાનામાં અતિ નજીકનો પદાર્થ કે અતિ એકતા પામેલ વસ્તુ દેખાતી નથી અને અલગ વસ્તુ હોય તે સહજ દેખાય છે. તેથી દૈવી સંપત્તિવાળા સાધકોને હંમેશાં પોતાના અવગુણ દેખાય છે. કારણ કે તેનાથી અલગ પડેલા હોય છે અને પોતાના ગુણ દેખાતા નથી. કારણ કે તેની સાથે તદાત્મકતા થઈ હોય છે; પરંતુ ભગવાનને દેખાય છે માટે અર્જુનને ભગવાન આશ્વાસન આપે છે અને અર્જુનનું વ્યક્તિત્વ ખરેખર અતિ દૈવી સંપત્તિવાળુ છે.

આસુરી સંપત્તિવાળાને દુર્ગુણો સાથે તદાત્મકતા પ્રાપ્ત થઈ ગઈ હોવાથી તેને પોતામાં રહેલા દુર્ગુણો દેખાતા જ નથી. તેને સદ્ગુણો સાથે કયારેય તદાત્મકતા થતી નથી હંમેશાં અલગાવ રહે છે. તેથી તેના પોતાનામાં તેને ગુણો જલદી દેખાઈ આવે છે પણ વાસ્તવિકતા ઊલટી હોય છે. આસુરી સંપત્તિવાળી વ્યક્તિઓ સ્વ-કેન્દ્રિત હોય છે. તેને પોતાનામાં જ ગુણ ભાસતો હોવાથી પોતાનું મહત્ત્વ ઘણું સમજે છે અને પોતાનું વ્યક્તિત્વ જ તેને ઘણું પૂજનીય જણાયા કરે છે; પરંતુ સમાજમાં તેને જેટલું જોઈએ તેટલું માન મળતું નથી. કારણ કે મહાપુરુષો કહે છે કે ‘માનની અતિ ઈચ્છા રાખવાનું ફળ હંમેશા અપમાન હોય છે.’ તેથી તે હંમેશાં અર્ધબળેલા કાષ્ઠની જેમ પોતાના અંતરમાં જ ધુંધવાયા કરે છે અને અસદ્ઉપાયો કરી નરકને પામે છે. જ્યારે દૈવી સંપત્તિવાળા વ્યક્તિઓ પરકેન્દ્રિત હોય છે. તેને પોતાનો અવગુણ અને બીજામાં ગુણ સહજપણે દેખાય છે. તેમની ભગવાનની ભક્તિ પણ પર(પરમાત્મ) કેન્દ્રિત છે. તેથી દૈવી જીવોમાં ભગવાનની ભક્તિ અને બીજા ગુણો જલ્દી આવે છે. સ્વકેન્દ્રિત-વ્યક્તિ કયારેય ભગવાનનો આશ્રય કરી શકતા નથી. તેને બીજાને માન-આદર દેવો બિલકુલ ગમતો નથી. ખુદ ભગવાનને પણ તેઓ માન-આદર(અર્થાત્ભક્તિ કે સમર્પણ) દેવા તૈયાર હોતા નથી. તેથી ભગવાને (ગી.૭/૧૫) કહ્યું છે કે, ‘न मां दुष्कृतिनो मूढा प्रपद्यन्ते नराधमा:….’ કોઈક સંજોગવશાત્એવો જીવ સત્સંગમાં આવીને ભગવાનને આશ્રયે આવી ગયો હોય તો પણ તેને ભગવાનનો વિશ્વાસ આવતો નથી અને શંકાઓ થતી રહે છે. જ્યારે દૈવી સંપત્તિવાળા પરકેન્દ્રિત(પરમાત્મ કેન્દ્રિત) હોવાથી તેમને જલદી ભગવાનનો આશ્રય થઈ જાય છે તેને જલદી પરમાત્માના વ્યક્તિત્વમાં વિશ્વાસ આવે છે.

ભગવાને કૃપા કરીને મનુષ્ય શરીર આપ્યું છે તો તેની સફળતા કરવા માટે સાધકે પોતાનામાં આવતી દૈવી અથવા ઈતર(આસુરી) ભાવોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પૃથ્થકરણ કરવું જોઈએ. જલદીમાં જલદી પોતાના ઉદ્ધાર માટે દૈવી સંપત્તિનો આશ્રય લઈને આસુરી સંપત્તિનો ત્યાગ કરવો ખૂબ જ જરૂરી છે. જીવ પરમાત્માનો અંશ હોવાથી તેમાં દૈવી સંપત્તિ સ્વતઃ સ્વાભાવિક છે અને આસુરી સંપત્તિના ગુણો આગંતુક છે. જ્યારે નાશવંત પદાર્થો-શરીર વગેરેમાં તદાત્મકતા કરી લે છે, ત્યારે આસુરી સંપત્તિના દુર્ગુણો તેમાં આવી જાય છે. કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ, દ્વેષ વગેરે જેટલા પણ દુર્ગુણ દુરાચાર છે, તે નાશવંત ભોગોમાં આસક્તિ-એક્તા કરવાથી ઉત્પન્ન થાય છે, જેઓ પ્રાણોને જ જીવતા રાખવાનું ઈચ્છે છે, પ્રાણોમાં જ જેઓની રતિ છે, એવા પ્રાણપોષણપરાયણ લોકોનો વાચક ‘असुर’ શબ્દ છે ‘असुसु प्राणेषु रमन्ते इति असुरा:’। તેથી હું સુખ ભોગવતો ભોગવતો સદા જીવતો રહું, એવી ઈચ્છા એ આસુરી સંપત્તિનું લક્ષણ છે. જ્યારે ‘હું ભગવાનને પામવા માટે જીવું’ એવી ઈચ્છા રહેવી તે દૈવી સંપત્તિનું લક્ષણ છે. બન્ને સંપત્તિઓ ઓછા-વત્તા અંશે તમામમાં હોય છે. હા, જીવનમુક્ત પુરુષોમાં આસુરી સંપત્તિ બિલકુલ હોતી નથી. તેઓ સદા ભગવાનમાં સ્થિતિવાળા રહે છે. તેઓ તો દૈવી સંપત્તિથી પણ આગળ ગયેલા હોય છે. માટે તેઓ આસુરી સંપત્તિથી સર્વથા રહિત થઈ જાય છે; પરંતુ દૈવી સંપત્તિથી બિલકુલ રહિત કોઈ કદાપિ થઈ શકતું નથી. કારણ કે જીવ ભગવાનનો અંશ છે. દૈવી સંપત્તિ તેને સહજ છે, સ્વાભાવિક છે. તે આસુરી સંપત્તિથી કયારેક પૂર્ણપણે દબાયેલો હોય ખરો પણ સંપૂર્ણ નાશ નથી થતો. દૈવી સંપત્તિ પરમાત્માની હોવાથી અવિનાશી છે. જ્યારે આસુરી સંપત્તિ સંસારની અને સંસારના ભોગ માટે ઊભી થયેલી છે માટે નાશવંત છે અર્થાત્તેનો સંપૂર્ણ નાશ થવો શક્ય છે.

આ જીવાત્મા પરમાત્માનો અંશ હોવાથી ‘હું સદા જીવતો રહું અર્થાત્કદી મરું નહિ, હું સર્વ કાંઈ જાણી લઉ અર્થાત્કદી અજ્ઞાની ન રહું. હું સર્વદા સુખી રહું અર્થાત્કદી દુઃખી ન રહું’ આવી ઈચ્છા ચૈતન્ય માત્રની રહે છે. એ ચૈતન્યમાંથી ઊઠે છે અને એ ચૈતન્યનો સ્વભાવ છે. તે કાંઈ ખોટું નથી; પરંતુ તેનાથી ભૂલ એ થાય છે કે ‘હું સદાય રહું તો શરીર સહિત રહું, હું જાણકાર બનું તો આ બુદ્ધિને લીધે જાણકાર બનું, હું સદા સુખી થાઉં તો ઈન્દ્રિયો, ને શરીરના માધ્યમથી સુખી થાઉં-આ રીતે ચૈતન્યના સ્પંદનો ને લાગણીને કે ઈચ્છાઓને નાશવંત સંસારથી પૂરી કરવા ઈચ્છે. તેથી પ્રાણોનો મોહ રહે છે અને તે આસુરી સંપત્તિ છે. તેમાં મર્મ એ છે કે, ચૈતન્યમાં નિત્ય નિરંતર રહેવાની ઈચ્છા થાય. તો તે મૃત્યુને તરી શકે છે, એટલું જ નહીં, તે મૃત્યુથી પર વસ્તુ છે જ. તેને સદા જીવતા રહેવાનું સારું લાગે છે. તો સદા જીવતા રહેવું તેને માટે સ્વાભાવિક જ છે અને તેને મરવાથી ભય લાગે છે તો તેને મરવાનું છે જ નહિ, મરવું તેને સ્વાભાવિક નથી. એવી જ રીતે અજ્ઞાન તેને ખરાબ લાગે છે તો અજ્ઞાન તેનો સનાતન સાથી નથી. તેને દુઃખ રુચતું નથી તો દુઃખ તેનો સદાયનો સાથી નથી.

આનાથી સિદ્ધ થાય છે કે, આ બધી વસ્તુ ચેતન એવા જીવાત્મા પાસે છે જ તો પણ વારંવાર તીવ્ર ઈચ્છા કેમ કરે છે? એ વસ્તુ તો તેમનો સ્વભાવ જ છે. તો તેનું કારણ એ છે કે, એ બધી ચૈતન્યની સ્વાભાવિક ઈચ્છાઓ તેણે શરીર, ઈન્દ્રિયો વગેરે નાશવંત પદાર્થની સાથે જોડી દીધી છે. તેણે શરીર વિગેરેને હું અને મારું માની લીધું છે અને તેમનામાં આસક્ત થઈ ગયો છે. નાશવંત અને જડ વસ્તુને પોતાના સ્વરૂપ તરીકે સ્વીકારી લીધી છે. તેથી આ બધી ઈચ્છાઓ થાય છે, નહિ તો તેવી ઈચ્છાઓ કરવાની તેને જરૂર નથી. તે તો તેની સ્વાભાવિક મિલકત છે જ પણ આ જીવ તો તે ચૈતન્યમાંથી અને ચૈતન્યના સ્વભાવની ઈચ્છાઓ જડ અને નાશવાન સંસારથી જ પૂરી કરવા ઈચ્છે છે. તેમાં તદાત્મકતાને કારણે જ આ ને આ શરીરથી જ સદા રહેવા ઈચ્છે છે. બુદ્ધિથી જ સર્વજ્ઞ બનવા ઈચ્છે છે. શરીરથી જ શ્રેષ્ઠ અને સુખી બનવા ઈચ્છે છે. પોતાના નામ અને રૂપને જ સનાતનપણે રાખવા ઈચ્છે છે. અરે ! પોતાના નામને તો મર્યા પછી પણ સ્થાયી રાખવા ઈચ્છે છે. આ રીતે અસત્યના સંગથી આસુરી સંપત્તિ આવી જાય છે. તેવી જ રીતે અસત્યના સંગનો ત્યાગ કરવાથી અને સતનો સંગ કરવાથી દૈવી સંપત્તિ આવી જાય છે.

કયારેક કયારેક દૈવી સંપત્તિના ગુણોને મેળવીને પણ માણસ અભિમાની બની જાય છે. ત્યારે અહંકારમાં આસુરી સંપત્તિ રહે છે. જ્યાં સુધી દેહાભિમાનને છોડતો નથી ત્યાં સુધી સાચી દૈવી સંપત્તિ પ્રાપ્ત થતી નથી અને દેહાભિમાન છે માટે જ તે દૈવી સંપત્તિ મેળવવામાં થાક પણ લાગે છે. કારણ થાક તે દેહનો ભાવ છે. દેહાભિમાનમાં સ્વભાવ છે. માટે દેહભાવનો ત્યાગ કરે, ત્યારે આસુરી સંપત્તિ દૂર થશે અને દૈવી સંપત્તિ સ્વાભાવિકપણે તેમાં પ્રગટ થવા લાગશે. એક વિશેષ વાત એ છે કે, દૈવી સંપત્તિના ગુણો જીવાત્માને માટે સ્વતઃ સ્વાભાવિક છે. તેમને કોઈ સર્વથા ત્યાગ કરી શકતું નથી તો તેનો ખ્યાલ કેમ આવે? તો જેવી રીતે કોઈ વિચાર કરે કે ‘હું સત્ય જ બોલીશ, તો તે જિંદગીભર સત્ય બોલી શકે છે; પરંતુ કોઈ વિચાર કરે કે હું જિંદગીભર જુઠ્ઠું જ બોલવાની પ્રતિજ્ઞા લઉં છું તો તે આઠેય પહોર જુઠ્ઠું નથી બોલી શકતો. સત્ય બોલવાની પ્રતિજ્ઞા લેનારને દુઃખ આવી શકે છે; પરંતુ જુઠ્ઠું બોલવા માટે તે બાધ્ય નથી થતો. જુઠ્ઠું બોલીશ, એવો વિચાર થતા તો ખાવું પીવું, સૂવું, બેસવું, બોલવું, ચાલવું વગેરે તેને માટે મુશ્કેલ થઈ જશે. ભૂખ લાગી હોય ને કહે હું ખાઈશ. મને ભૂખ લાગી છે, ત્યારે બોલે કે મને ભૂખ નથી લાગી તો જમવાનું મુશ્કેલ બની જાય. જો મનમાં એવી પ્રતિજ્ઞા કરી લે, જુઠ્ઠું બોલવાથી મરી જઈશ પણ તોય જુઠ્ઠું જ બોલીશ, તો તે સત્ય પ્રતિજ્ઞા થઈ જશે. જુઠ્ઠું પ્રતિજ્ઞા નહિ રહે. આથી કાં તો પ્રતિજ્ઞા ભંગ કરે તો સત્ય આવી જશે અથવા પ્રતિજ્ઞા પોતે સત્ય થઈ જશે. સત્ય બિલકુલ છૂટી શકશે નહિ. કારણ કે સત્ય વગેરે દૈવી સંપત્તિના ગુણ સ્વાભાવિક છે. જ્યારે અસત્ય સર્વથા છૂટી શકશે. ભગવાને જીવન એવું બનાવ્યું છે કે તેમાં સત્યને સર્વથા નિભાવવાની ક્ષમતા આપી છે. જ્યારે અસત્યને સર્વથા નિભાવવાની ક્ષમતા જીવનમાં છે જ નહિ.

આસુરી સંપત્તિ આગંતુક છે. દુર્ગુણ દુરાચાર બિલકુલ આગંતુક છે. કોઈ માણસ પ્રસન્ન રહે છે તો લોકો એવું નથી કહેતા કે તમે પ્રસન્ન શા માટે રહો છો? પરંતુ કોઈ માણસ દુઃખી રહે છે, ત્યારે પૂછે છે કે તમે દુઃખી શા માટે રહો છો? કેમ કે પ્રસન્નતા સ્વાભાવિક છે અને દુઃખ અસ્વાભાવિક(આગંતુક) છે એટલા માટે સાચા આચરણો કરવાવાળાને કોઈ નથી કહેતું કે તમે સારું આચરણ શા માટે કરો છો? પરંતુ બૂરા આચરણવાળા પ્રત્યે સૌને થાય છે કે તે બૂરું આચરણ શા માટે કરે છે અર્જુનમાં દૈવી સંપત્તિ સ્વભાવિક હતી. જ્યારે તેમનામાં કાયરતા આવી ગઈ, ત્યારે ભગવાને આશ્ચર્યથી પૂછયું કે તારામાં આ કાયરતા કયાંથી આવી ગઈ?(૨/૨-૩) તાત્પર્ય એ થયું કે અર્જુનમાં આ દોષ સ્વાભાવિક નહિ પણ આગંતુક છે. અર્જુન યુદ્ધના પ્રસંગમાં પણ વારંવાર ભગવાનને પોતાના કલ્યાણની વાત પૂછતો રહે છે. તેથી એવું પ્રતીત થાય કે, અર્જુનમાં દૈવી સંપત્તિ પહેલેથી જ હતી. નહિ તો ઉર્વશી જેવી અપ્સરાને પણ ઠુકરાવી દેવી તે સામાન્ય વ્યક્તિની સામર્થી નથી. અહીં તેને પોતાના પ્રત્યે શંકા થાય છે કે, હું દૈવી સંપત્તિનો છું કે મારામાં આસુરી સંપત્તિ રખેને હોય નહિ? ત્યારે ભગવાન તેને આશ્વાસન આપવા કહે છે કે, શોક ના કરીશ. તું અવશ્ય દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલો છે. ‘मा शुच: सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव’(૧૬/૫)

‘અહં’ પ્રત્યય ચેતનામાંથી ઊઠે છે. અંહકાર જડ પદાર્થમાંથી ઊઠે છે .બન્ને તદાત્મકપણે મળીને વ્યવહાર કરે છે. જ્યારે તે પરમાત્મા તરફ ચાલે છે, ત્યારે તેમાં સત્અંશની પ્રધાનતા હોય છે. અર્થાત્વિશુદ્ધ આત્મતત્ત્વને વિષય કરનારો ‘અહં’ પ્રત્યયની પ્રધાનતા હોય છે અને જ્યારે સંસાર તરફ ચાલે છે ત્યારે તેનામાં જડ અને અસત્અંશની પ્રધાનતા હોય છે અર્થાત્અહંકારની પ્રધાનતા રહે છે. જ્યારે સત્અંશની પ્રધાનતા હોય ત્યારે તે દૈવી સંપત્તિનો અધિકારી બને છે અને અસત્અંશની પ્રધાનતા હોય ત્યારે તે દૈવી સંપત્તિનો અનધિકારી અર્થાત્આસુરી સંપત્તિનો અધિકારી બની રહે છે. માનવ શરીર તે અસત્અંશ અને આસુરી સંપત્તિ દૂર કરવા માટે મળ્યું છે. તેને દૂર કરવામાં માનવ સર્વથા સ્વાધીન છે. ભગવાને તેને સ્વાધીનતા આપેલી છે. ભોગપદાર્થોની ઈચ્છાઓ બધી જ અસત્અંશ એવા અહંકારને જ ચોટેલી રહે છે. અર્થાત્તેમાંથી જ ઊઠે છે તેથી દુઃખ પણ તેને શિરે આવે છે-શુદ્ધ ચૈતન્યને શિરે આવે છે. કારણ તેણે જડ એવા અહંકાર સાથે તદાત્મકતા બનાવી લીધી છે.

જેમ લગ્ન થયા પછી સ્ત્રીની જે આવશ્યકતા હોય છે તે પુરુષ પોતાની આવશ્યકતા માને છે. પુરુષ ઘરેણાં વગેરે ખરીદે છે, તે સ્ત્રીને માટે ખરીદે છે. તેને પોતાને માટે જરૂર નથી તો પણ વ્યવહારમાં તેને પોતાની જરૂરિયાત માનીને ખરીદે છે. કારણ કે તેમણે તેની સાથે એકત્વ માન્યું છે. તેમ જડ સાથે એકત્વ માનવાથી જ સમગ્ર ભોગોની ઈચ્છાઓ થાય છે. તેથી ઈચ્છાઓ, જડ પદાર્થો કે સાંસારિક ભોગોની પ્રધાનતા રહે ત્યારે વ્યક્તિના હૃદયમાં, વિચારમાં અને આચરણમાં આસુરી સંપત્તિ આવી જાય છે. જ્યારે ઈચ્છાઓમાં ચેતનની પ્રધાનતા રહે છે અર્થાત્મારે પરમાત્મા શ્રીજી મહારાજને પામવું છે, તેને પ્રસન્ન કરવા છે, અક્ષર ધામમાં જવું છે વગેરે ઈચ્છાઓ થાય ત્યારે તેનામાં દૈવી સંપત્તિ આવી જાય છે. સંસારની કોઈ એવી ઈચ્છાઓ નથી કે જે આ ત્રણ ઈચ્છાઓમાં સંમિલિત ન હોય. સદા રહેવું(જીવવું), સર્વ જાણવું(સર્વજ્ઞ થવું) અને સદા સુખી થવું. ખરેખર તો તે ચેતનની ઈચ્છાઓ છે ને યોગ્ય પણ છે પણ તે જડ પદાર્થથી પૂરી કરવાની ઈચ્છા, તે ભૂલ છે. પરમાત્મા દ્વારા પૂરી કરવા અર્થાત્આત્મતત્ત્વ પામીને કરવા ઈચ્છા કરવી તે બરાબર ગણાય. માટે આસુરી સંપત્તિ આગંતુક છે સાધક તેનો ત્યાગ કરી શકે છે. ભગવાને તેને એ અધિકાર અને અનુકુળતા પણ આપેલી છે. ભગવાન અર્જુનને સાધક માત્રનો પ્રતિનિધિ બનાવીને આશ્વાસન આપે છે માટે સાધકે કલ્યાણના માર્ગમાં કદી નિરાશ ન થવું જોઈએ. કારણ કે પરમાત્માનો સંકલ્પ તો આપણું કલ્યાણ કરવાનો છે જ. હવે આપણે પોતાનો અલગ કોઈ સંકલ્પ ન રાખીએ અને પરમાત્માના સંકલ્પમાં પોતાનો સંકલ્પ મેળવી દઈએ, ત્યારે કલ્યાણનો માર્ગ સહેલો બની જશે.