ગીતા અધ્યાય-૧૬, શ્લોક ૨૧ થી ૨૪

શ્લોક ૨૧-૨૪

શાસ્ત્રવિપરીત આચરણોને ત્યજવાની અને શાસ્ત્રાનુકૂળ આચરણોને આચરવાની પ્રેરણા

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन:।

काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्‌।।२१।।

અર્થ : કામ, ક્રોધ અને લોભ એ આત્માનો વિનાશ-અધોગતિ કરનારા ત્રણ પ્રકારના નરકના દ્વારભૂત છે. માટેજ એ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. ।।૨૧।।

काम: क्रोधस्तथा लोभ: त्रिविधं नरकस्येदं द्वारम्‌

ભગવાને પાંચમાં શ્લોકમાં કહ્યું હતું કે દૈવી સંપત્તિ મોક્ષને માટે અને આસુરી સંપત્તિ બંધનને માટે છે. તે આસુરી સંપત્તિ આવે છે કયાંથી? તો સંસારની કામનામાંથી આવે છે. સંસારના ભોગ પદાર્થોનો સંગ્રહ, માન, બડાઈ, આરામ વગેરે જે સારા દેખાય છે તથા તેમાં જે મહત્ત્વબુદ્ધિ અને આકર્ષણ છે તેથી કામના ઉત્પન્ન થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર-આ ષડ્રિપુ માનવામાં આવે છે એમાંથી કયાંક ત્રણનું, કયાંક બેનું અને કયાંક એકનું કથન કરવામાં આવે છે; પરંતુ તે બધા સામ્યતા ધરાવનારા છે. સંસારના ભોગ અને સંગ્રહને કોઈ ને કોઈ રીતે વળગેલા છે. એ બધાયમાં કામ જ બધાનું મૂળ છે. કેમ કે કામનાને કારણે જ આદમી બંધાય છે.(૫/૧૨)

ત્રીજા અધ્યાયના છત્રીસમાં શ્લોકમાં અર્જુને પૂછયું હતું કે, મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં (अनिच्छन्‌ अपि वार्ष्णेय…) પણ પાપનું આચરણ કેમ કરે છે? તેના ઉત્તરમાં ભગવાને કામ અને ક્રોધ એ બે શત્રુ બતાવ્યા છે; પરંતુ એ બન્નેમાં પણ કામ જ મુખ્ય છે. કારણ કે કામમાં ક્રોધનું મૂળ છે. કામ ન હોય તો ક્રોધનું અસ્તિત્વ શક્ય નથી. અહીં કામ, ક્રોધ અને લોભ ત્રણ શત્રુઓ બતાવ્યા છે. તાત્પર્ય એ છે કે ભોગોની સ્પૃહા થવી તે કામ છે અને સંગ્રહ તરફ વૃત્તિઓનું હોવું લોભ છે. તેથી લોભનું મુળ ‘કામ’ પ્રવૃત્તિમાં જ નિહિત થયેલું છે. તેમ ક્રોધનું મૂળ પણ કામ પ્રવૃત્તિમાં જ નિહિત થયેલું છે. તેથી જ્યાં કામ શબ્દ એકલો આવે છે ત્યાં તેની અંર્તગત જ ભોગ અને સંગ્રહની ઈચ્છા બન્નેનો સમાવેશ કરી લેવામાં આવે છે; પરંતુ જ્યાં કામ અને લોભ બન્ને સ્વતંત્રરૂપે આવે છે, ત્યાં ભોગની ઈચ્છાથી કામ અને સંગ્રહની ઈચ્છાને લીધે લોભ છે અને આ બન્નેમાં વિઘ્ન આવતા. ક્રોધ આવે છે. જ્યારે કામ, ક્રોધ કે લોભ આ ત્રણેયમાંથી એક પણ બેમર્યાદા વધી જાય છે ત્યારે મોહ થાય છે.

કામમાંથી ક્રોધ પેદા થાય છે અને ક્રોધથી સંમોહ પેદા થાય છે.(૨/૬૨-૬૩) જો કામનામાં વિઘ્ન ન આવે તો લોભ પેદા થાય છે અને લોભથી સંમોહ થાય છે અથવા લોભમાં વિઘ્ન આવે તો ક્રોધ ઉત્પન્ન થાય છે ને સંમોહ પેદા થાય છે. વાસ્તવમાં કામ જ ક્રોધ અને લોભનું મૂળ છે-કામનામાંથી જ બન્ને પાંગરે છે અને સંમોહ થતાં સંપૂર્ણ આસુરી સંપત્તિ આવી જાય છે.

नाशनमात्मन:-यथावस्थितस्य आत्मनोऽप्राप्तिरेव हि आत्मनाश:। આત્મસ્વરૂપની યર્થાર્થ પ્રાપ્તિ ન થવા દેવી-પરમાત્માની પ્રાપ્તિ ન થવા દેવી તે જ આત્મનાશ ગણવામાં આવે છે. કામ, ક્રોધ અને લોભ એ માર્ગમાંથી ભ્રષ્ટ કરનારામાં મુખ્ય છે. જેનો ઉદ્દેશ્ય-ધ્યેય ભોગ ભોગવવા અને તેને માટે સંગ્રહ કરવો તે જ છે. તે લોકો પોતાના માર્ગમાં આગળ વધવા માટે આ ત્રણેય દોષોને હિતકારી માની લે છે અને તેને જ સાધન તરીકે અપનાવે છે. તે કયારેય પરમાત્માને પામી શકતો નથી અને પતનની ઊંડી ખીણમાં પટકાય પડે છે.

तस्मात्‌ एतत्‌ त्रयम्‌ त्यजेत्‌-આ ત્રણે નરકનાં દ્વાર છે અર્થાત્નરક પ્રાપ્તિના હેતુભૂત છે. ત્રણમાંથી એકેયનું અવલંબન જ્યારે વ્યક્તિ કરે છે, ત્યારે તેને અવશ્ય નરક સુધી તે પહોંચાડી આપે છે. માટે એ ત્રણેનો ત્યાગ કરી દેવો. તેનો ત્યાગ કરવા ભગવાને (૩/૩૪) બતાવ્યું છે કે, પ્રત્યેક ઈન્દ્રિયોના વિષયમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાને લીધે રાગ(કામ) અને દ્વેષ(ક્રોધ) સ્થિર રહે છે. સાધકે એમને વશીભૂત ન થવું જોઈએ. વશીભૂત ન થવાનો અર્થ એ છે કે શાસ્ત્રની, ધર્મની કે લોકમર્યાદા છોડીને તેને મુખ્ય કરીને કોઈ કાર્ય ન કરવું પણ મર્યાદામાં રહીને દરેક ક્રિયા કરવી તો તેનો ત્યાગ કર્યો ગણાશે.

एतैर्विमुक्त: कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नर:।

आचरत्यात्मन: श्रेयस्ततो याति परां गतिम्‌।।२२।।

અર્થ : હે કૌન્તેય ! નરકના દ્વારરૂપ એ કામાદિક ત્રણેય વિકારોથી રહિત થયેલો પુરુષ પોતાના કલ્યાણનો ઉપાય કરે છે અને તે પછી પરમ-સર્વોત્કૃષ્ટ ગતિરૂપ મનેજ પામે છે. ।।૨૨।।

एतैर्विमुक्त: कौन्तेय….. ततो याति परां गतिम्‌….

એકવીસમાં શ્લોકમાં જેને નરકનાં દ્વાર બતાવવામાં આવ્યાં છે, તેને જ અહીં तमोद्वार બતાવવામાં આવ્યા છે તમ એટલે અંધકાર. જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. तमस्त्वज्ञानजं विद्धि(૧૪/૮) અર્થાત્કામના થવાથી અજ્ઞાનની-મોહની આંધી ચડે છે. તેને યથાર્થ વસ્તુ દેખાતી નથી માટે એ દોષોનો ત્યાગ કરવો ત્યારે જ તેને કલ્યાણનો યથાર્થ માર્ગ સૂઝે છે. एतैर्विमुक्त: નો મતલબ એવો નથી કે તે સંપૂર્ણ છૂટી ગયા પછી સાધન કરીશું; પરંતુ સાધકે ભગવત્પ્રાપ્તિનો મુખ્ય ઉદ્દેશ્ય રાખીને એમનાથી છૂટવાનું લક્ષ્ય રાખવાનું છે. વર્ષો સુધી સાધનામાં લાગ્યા રહેવા છતાં પણ સાધકોને પોતાનામાં કોઈ વિશેષ પરિવર્તનનો અનુભવ થતો નથી કે વાસ્તવિક ઉન્નતિ નથી દેખાતી. તેનું મુખ્ય કારણ એ જ છે કે, સાધન કરે છે પણ આ દોષો સાથેથી છેડો ફાડતા નથી. તેને પણ નિભાવતાં નિભાવતાં જ સાધના કરે છે. તેથી તે દોષો જોઈએ તેવું પરિણામ આવવા દેતા નથી. તેથી ભગવાન બતાવે છે કે, एतैर्विमुक्त: આનાથી મુકાઈને જે પોતાનું શ્રેય આચરે છે, તે પરમ્ગતિને પામે છે પોતાથી સંપૂર્ણ દૂર ન થઈ શકે તો પણ તેની સાથે તો ન જ ભળી જવું. પરમાત્માની પ્રાર્થના તેનાથી છૂટવા માટે કરવી. પોતે પ્રયત્ન કરવો અને કલ્યાણનું આચરણ ચાલુ રાખવું. ત્યારે સાધક પરમગતિ અને પરમ શાંતિને પામે છે.

य: शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारत:।

न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम्‌।।२३।।

અર્થ : જે મનુષ્ય શાસ્ત્ર પ્રતિપાદિત વિધિનો ત્યાગ કરીને પોતાની ઈચ્છા મુજબ આચરણ કરે છે તે નથી સિદ્ધિને પામી શકતો કે નથી સુખને પામતો કે નથીજ પર ગતિને પણ પામતો ।।૨૩।।

य: शास्त्रविधिमुत्सृज्य वर्तते…

જે લોકો શાસ્ત્રવિધાનની અવગણના કરીને યજ્ઞ, દાન, પરોપકાર વગેરે કરે છે, દુનિયાના લાભ માટે જાત જાતનાં કે કેટલાયે સારાં કામો કરે છે. તે બધા ‘कामकारत:’ મનમાન્યા ઢંગથી, મનમુખી થઈને કરે છે. તેનાથી કોઈ સિદ્ધિ, સુખ કે ગતિ થતી નથી. कामकारत: શબ્દ અહીં શાસ્ત્રવિધિનો વિરોધ બતાવવા પ્રયોગ કર્યો છે. તે આસુરી પ્રકૃતિના મનુષ્યોને કાંઈક સારું કરવું એવું મનમાં હોતું નથી. તો યજ્ઞાદિક શા માટે કરે છે? તો પ્રથમ પ્રયોજન તેનું શાસ્ત્રનો વિરોધ પ્રદર્શિત કરવા કરે છે. તેઓ બતાવે છે કે, શાસ્ત્રની આજ્ઞા છે માટે અમે કરીએ એવું નથી. અમને શાસ્ત્ર કશું કરી ન શકે. જુઓ અમો તેનો છડેચોક ભંગ કરીએ છીએ. અસુર સ્વભાવોમાં મૂળરૂપે, પ્રધાનપણે કામ, ક્રોધ અને લોભ એ ત્રણ દુર્ગુણ તેના મુખ્ય પરિચાયક લક્ષણરૂપે બતાવ્યાં; પરંતુ ભગવાન તેના કરતાં પણ વધારે મુખ્ય લક્ષણ આ બતાવી રહ્યા છે કે, આસુરી પ્રકૃતિનું સૌથી મોટુ લક્ષણ શાસ્ત્ર વિરોધ છે.(તા.પ.) અથવા શાસ્ત્રનો અનાદર કરવો તે છે. कामकारत: શબ્દ શાસ્ત્ર અનાદરના તાત્પર્યમાં વપરાયો છે. તેઓ સ્વચ્છંદી સ્વભાવના હોય છે.

અહીં આવેલા कामकारत: वर्तते। શાસ્ત્રવિધિનો અનાદર કરીને મનમાન્યા ઢંગથી વર્તે છે એમ અને પાંચમાં અધ્યાયના બારમાં શ્લોકમાં આવેલા ‘कामकारेण फले सक्त:’ ભોગોની પદાર્થોની કામનાથી ફળમાં આસક્ત થયેલો-આ બન્નેમાં થોડું અંતર છે-कामकारत: માં ક્રિયા કરવામાં ઉચ્છ્રખલવૃત્તિ છે અને कामकारेण માં ભોગોની કામના છે તાત્પર્ય એ થયું કે, कामकारत: ની દૃષ્ટિ ક્રિયા તરફ છે અને कामकारेण ની દૃષ્ટિ ક્રિયાના પરિણામ ફળની તરફ છે. પરિણામમાં મને અમુક લાભ મળે; પરંતુ બન્નેનું મૂળ કારણ તો काम જ છે. અહીં એક વાત ધ્યાન આપવાની છે કે, સાતમાં શ્લોકથી લઈને આ ત્રેવીસમાં શ્લોક સુધી જે આસુરી પ્રકૃતિનું વર્ણન થયું છે, તેમાં કુલ નવ વાર ‘કામ’ શબ્દ આવ્યો છે. (૧) कामहैतुकम्‌(૧૬/૮) (૨) काममाश्रिष्य(૧૬/૧૦) (૩) कामोपभोगपरमा: (૧૬/૧૧) (૪) कामक्रोधपरायणा:(૧૬/૧૨) (૫) कामभोगार्थम्‌(૧૬/૧૨) (૬) कामभोगेषु(૧૬/૧૬) (૭) कामम्‌(૧૬/૧૮) (૮) काम:(૧૬/૨૧) (૯) कामकारत:(૧૬/૨૩) આનાથી એ વાત સિદ્ધિ થાય છે કે, આસુરી સંપત્તિનું મૂળ કારણ કામ અર્થાત્કામના જ છે.

कामकारत: માં મનમાન્યા ઢંગથી વર્તવા પાછળ પણ એ જ છે કે, અંતરમાં પડેલા કામ ક્રોધાદિકની જાળવણી કરવી. તેમને દૂર કરવાની ઈચ્છા જ નથી. અંતરમાં પહેલાં દુર્ગુણ દુર્ભાવોને તેઓ દૂર કરવા માગતા નથી. કેવળ બહારથી સારા દેખાવા માટે વિધિહીન અનુષ્ઠાનો કરે છે. છતાં તેઓ પતનથી ઊગરી શકતા નથી. જેમ રોગી આસક્તિવશ કુપથ્યનો ત્યાગ ન કરે ને દવા ચાલુ રાખે તો પણ રોગ જતો નથી. તેમ આમને પણ ધાર્મિક અનુષ્ઠાનોનું કોઈ ફળ થતું નથી.

न सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम्‌ આસુરી સંપત્તિવાળા લોકો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને, યજ્ઞ વગેરે શુભ કર્મો કરે છે. તેઓને માન, આદર વગેરે પ્રસિદ્ધિ મળી શકે છે પણ અંતઃકરણની શુદ્ધિરૂપી સિદ્ધિ તેઓને મળતી નથી. તેઓને સુખ પણ મળતું નથી. કારણ કે અંતરમાં કામ, ક્રોધાદિની બળતરા ચાલુ હોવાથી સુખી કેમ રહી શકે? માટે પદાર્થ-વૈભવ મળી શકે પણ પારમાર્થિક માર્ગનું સાત્ત્વિક સુખ તેમને સ્વપ્ને પણ આવી શકતું નથી તેમજ તેમને પરમ ગતિ મળી શકતી નથી. પહેલાં તો તેઓ પરમગતિને માનતા જ નથી, ને ચાહતા પણ નથી. તેઓને તો ભૌતિક સુખની જ તૃષ્ણા છે અને કદાચ ઈચ્છે તો પણ મળી ન શકે. કારણ કે તેમનાં કર્મો જ તેમનાથી વિપરીત છે. તાત્પર્ય એ છે કે, ઉપરથી તો તેઓ સારાં દેખાતાં કર્મો કરે છે પણ અંતરમાં બુરાઈ હોવાથી ઉપરથી કરેલાં સારાં આચરણ પણ બુરાઈમાં પરિણમી જાય છે. તેથી ભગવાનને ‘न स सिद्धि...’ કહેવાની જરૂર પડી છે. ઉપરથી બુરા દેખાતા હોત તો ભગવાનને એવું કહેવાનો કોઈ અર્થ ન રહેત પણ સારું ફળ આવે એવો ઉપરથી તેઓ દેખાવ કરે છે તો પણ ભગવાન ફળનો નિષેધ કરી દે છે. ‘प्राप्तौ सत्यां निषेध:।’ કર્યો છે.

तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ।

ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि।।२४।।

અર્થ : તે માટે તારે કાર્ય-અકાર્યની વ્યવસ્થાના નિર્ણયમાં શાસ્ત્રજ પ્રમાણરૂપ છે. એમ જાણી-સમજીને આ લોકમાં શાસ્ત્રવિધાનથી કહેલું. કર્મજ કરવાને તું યોગ્ય છે. ।।૨૪।।

तस्माच्छास्त्रं प्रमाणं ते… જે મનુષ્યોમાં દેહભાવ વધારે હોય છે. તેને મોહપ્રવૃત્તિ વધારે થાય છે. ત્યારે તેઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિ અર્થાત્કર્તવ્ય અને અકર્તવ્યને જાણી શકતા નથી. કદાચને જાણી લે તો પણ અનુસરણ કરી શકતા ન હોવાથી આસુરી સંપત્તિમાં સરી જાય છે. એટલા માટે ‘હે અર્જુન ! તું કર્તવ્ય અને અકર્તવ્યના જ્ઞાન માટે શાસ્ત્રને સામે રાખ.’ જેમનો મહિમા શાસ્ત્રોએ ગાયો છે અને જેનો વર્તાવ શાસ્ત્રીય સિદ્ધાંતોને અનુસારે હોય છે. જેઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવી રહ્યા હોય છે, એવા સંત પુરુષોના આચરણ અને વચન અનુસાર જીવવું તે પણ શાસ્ત્ર પ્રમાણે જ ચાલ્યું ગણાય છે. કારણ કે એ મહાપુરુષો શાસ્ત્રો પ્રમાણે જીવે છે અને તેનો આદેશ પણ શાસ્ત્ર પ્રમાણે જ હોય છે. શાસ્ત્ર પ્રમાણે ચાલવાથી જ તેઓ શ્રેષ્ઠ પુરુષો બન્યા છે. ખરેખર તો સાચા સત્પુરુષોનાં આચરણ, આદર્શો અને વચનો વગેરેથી જ શાસ્ત્રો બન્યા છે. અનાદિ શાસ્ત્ર-વેદ છે. તે સૃષ્ટિમાં આવેલા પ્રાણધારીઓના કર્તવ્યબોધ માટે જ પ્રવર્તેલા છે, માટે તે પ્રમાણરૂપ છે. તેને આધારે ચાલવું જોઈએ.

ज्ञात्वा शास्त्रविधानोक्तं… પ્રાણપોષણપરાયણ અને ઈન્દ્રિયોનું લાલનપાલન કરનારા દેહભાવથી યુક્ત મનુષ્યો શાસ્ત્રાનુસાર પ્રવૃત્તિ-નિવૃત્તિમાં પ્રવર્તી શકતા નથી. તેઓની कामकारत: જ પ્રવૃત્તિ હોય છે. તેથી ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે કે, તું તો દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલ છે.(૧૬/૫) તેથી તારે શું કરવું ને શું ન કરવું તે શાસ્ત્રના નિર્ણય પ્રમાણે હોવું જોઈએ. તારા મનના નિર્ણય પ્રમાણે નહિ.

પ્રથમ અર્જુન યુદ્ધથી ડરી ગયો છે. મને પાપ થશે. તેવો તેને ભય છે. ત્યારે ભગવાન સમજાવે છે કે, યુદ્ધરૂપી કર્તવ્યકર્મ બંધન કરવાવાળું નથી પણ સ્વાર્થ કે અભિમાનથી કોઈ પણ ક્રિયા થાય તે બંધન કરવાવાળી થાય છે. નિયત કર્મ નિષ્કામ ભાવથી થાય તો બંધન છોડાવનારું થાય છે. મનુષ્યનું કર્તવ્ય એ છે કે, દેહભાવ ઓછો કરીને, કર્તવ્યને આગળ રાખીને, તેનો નિર્ણય શાસ્ત્રથી કરીને પોતાનું શ્રેય પ્રાપ્ત કરી લે.

શ્રીમદ્ભગવદ્ ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો દૈવાસુરસંપદ્વિભાગયોગ નામે સોળમો અધ્યાય સંપૂર્ણ.