શ્લોક ૧૬-૨૦
ક્ષર, અક્ષર, પુરુષોતમનો૨ વિષય
द्वाविमौ पुरुषौ लोके क्षरश्वाक्षर एव च।
क्षर: सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते।।१६।।
અર્થ : (માટે જ વેદના રહસ્યાર્થરૂપ તત્ત્વત્રયને નિરૂપણ કરતાં પોતે જ કહે છે) આ લોકમાં બે પુરુષ છે. એક ક્ષર અને બીજો અક્ષર. સર્વ ભૂત-પ્રાણીમાત્ર ક્ષર-બદ્ધ પુરુષ જીવાત્મા છે અને બીજો કૂટસ્થ-શુદ્ધ નિર્વિકાર અક્ષર-મુક્ત પુરુષ છે. એમ કહેવાય છે. ।।૧૬।।
द्वाविमौ पुरुषौ लोके…સમગ્ર સંસારને લોક કહ્યો છે. ભગવાન કહે છે, આ લોકમાં બે પ્રકારના પુરુષ છે. અર્થાત્ચેતન છે. એક તો બદ્ધ ચેતન અને બીજા મુક્ત પુરુષો જે અચિત્સંસર્ગવાળા જીવો છે. અર્થાત્દેહ, ઈન્દ્રિયાદિકની સાથે અહં મમતાએ યુક્ત જેને સંબંધ છે તે બધા ક્ષર આત્મા તરીકે અહીં કહ્યા છે. કારણ કે કર્માનુસાર તેઓ જન્મ-મરણમાં ભટકી રહ્યા છે અને અચિત્સંસર્ગથી વિમુક્ત થયેલા આત્માઓ જે મુક્ત સ્થિતિને પામ્યા છે. તેને અક્ષર શબ્દથી કહેવામાં આવ્યા છે. જે કૂટસ્થ છે. અર્થાત્સંસાર વિકૃતિઓથી વિકૃત થતા નથી.
उत्तम: पुरुषस्त्वन्य: परमात्मेत्युदाहृत:।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वर:।।१७।।
અર્થ : અને ઉત્તમ પુરુષ ભગવાન તો એ બન્નેથી જુદા જ છે અને પરમાત્મા એવા નામે કહેલા છે કે જે-ત્રણેય લોકમાં અન્તર્યામિભાવે પ્રવેશ કરીને તેને उत्तम: पुरुष: આગળના શ્લોકમાં જે ક્ષર અને અક્ષર પુરુષો-બદ્ધ અને મુક્ત જીવાત્માઓ બતાવ્યા, તે બન્નેથી વિલક્ષણ અને અન્ય ત્રીજા પુરુષ છે અને પેલા બન્નેથી વિલક્ષણ છે.જેને ‘પરમાત્મા’ એવા નામથી પણ શરુતિઓમાં કહેવામાં આવે છે. જે ત્રણે લોકમાં અર્થાત્જડ પ્રકૃતિ, બદ્ધ ચેતન અને મુક્ત ચેતનોમાં પ્રવેશ કરીને તેઓને ધારણ કરી રહ્યા છે, તેઓનું યોગ્ય પ્રકારે ભરણપોષણ કરી રહ્યા છે. વસ્તુતાએ મુક્તપર્યંત તમામ જીવોનું ભરણ પોષણ પરમાત્મા કરી રહ્યા છે. જીવે અજ્ઞાનવશ પોતે તેનો કર્તા માન્યો છે. અન્યય કહેવાનું તાત્પર્ય એ છે કે એવી રીતે તમામનું ભરણપોષણ કરવા છતાં, તેમાં કોઈ વસ્તુની કમી આવતી નથી. તેમાં કોઈ વિકૃતિ આવતી નથી. ભગવાન તમામનું પાલન પોષણ કરે છે. તેમાં પણ કયારેય કોઈ પક્ષપાત કરતા નથી. તેઓ ભક્ત-અભક્ત, પાપી-પુણ્યાત્મા, આસ્તિક-નાસ્તિક, તમામનું સમાનરૂપે પાલન પોષણ કરે છે. ભગવાને નિર્માણ કરેલા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અગ્નિ વગેરે પણ નિષ્પક્ષપાતથી જગતને પોષે છે.
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तम:।
अतोऽस्मि लोके वेदे च प्रथित: पुरुषोत्तम:।।१८।।
અર્થ : હે અર્જુન ! જે કારણથી હું ક્ષરથી-સર્વ પ્રાણીવર્ગથી સ્વભાવથી અતીત ન્યારો છું અને શુદ્ધ બ્રહ્મ અક્ષર-મુક્ત લોકમાં અને વેદોમાં પણ હું પુરુષોત્તમ એવા મારા અસાધારણ નામથી પ્રસિદ્ધ છું. ।।૧૮।।
यस्मात्क्षरमतीतोऽहम्…. આગળ કારણો બતાવ્યા તે કારણોથી અચિત્એવા અર્થાત્જડ એવા પ્રકૃતિ અને તેના તત્ત્વોથી હું વિલક્ષણ છું અને તેનાથી ઉપર છું. પ્રકૃતિ પ્રતિક્ષણ વિકારવાન છે. જ્યારે હું વિકારોથી રહિત છું અને તેનાથી પર છું. શરીરથી પર(વ્યાપક, શ્રેષ્ઠ, પ્રકાશક, સબળ, સૂક્ષ્મ) ઈન્દ્રિયો છે. ઈન્દ્રિયોથી પર મન છે અને મનથી પર બુદ્ધિ છે.(૩/૪૨) આ રીતે એક બીજાથી પર હોવા છતાં પણ શરીર, ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ એક પ્રકારના જડ છે ને પ્રાકૃતિક છે તેનાથી પણ પર ચેતન છે અને તેનાથી પણ પર પરમચેતન એવા પરમાત્મા છે. જો કે ચેતન જીવ એ પરમાત્માનો અંશ છે. બુદ્ધિ વગેરેથી પર છે. તેનામાં અને પરમાત્મામાં ઘણું સામ્ય છે, છતાં ભગવાન કહે છે હું અક્ષર એવા ચેતનથી પણ પર છું. તેમાં ઘણાં કારણો છે (૧) જીવાત્મા ભગવાનની સાથે ચેતનના નાતે સામ્ય ધરાવતો હોવાથી તેને પ્રકૃતિનો સંગ લાગી ગયો છે અને પ્રકૃતિને આધીન બની ગયો છે. જ્યારે ભગવાન પ્રકૃતિના નિયંતાપણે જ રહે છે. તે પ્રકૃતિમાં કયારેય મોહિત થતા નથી. (૨) પરમાત્મા પ્રકૃતિને પોતાને સ્વાધીન કરીને લોકમાં અવતરે છે. અર્થાત્પોતાની સ્વેચ્છાથી અવતરે છે જ્યારે જીવ કર્માધીનપણે પ્રકૃતિને આધીન થઈને જન્મ ધરે છે. (૩) આ લોકમાં આવીને પરમાત્મા સદા નિર્લિપ્ત રહે છે. જ્યારે જીવાત્માને નિર્લિપ્ત થવા માટે જ સાધન કરવું પડે છે.
અહીં ભગવાન પોતાને ક્ષરથી અતીત અને અક્ષરથી પણ ઉત્તમ બતાવવાથી એવું પણ સ્પષ્ટ થઈ જાય છે કે, ક્ષર અને અક્ષર પણ બન્ને સરખા નથી. તેમાં પણ વિષમતા છે. ક્ષરથી અક્ષર ઉત્તમ છે. બન્નેમાં ભિન્નતા ન હોત તો ભગવાન પોતાને બન્નેથી અતીત બતાવત અથવા બન્નેથી ઉત્તમ બતાવત પણ બન્નેને અલગ તફાવત છે અને તે બન્ને પણ એક બીજાથી અલગ છે એવું નિશ્ચિત થાય છે.
अतोऽस्मि लोके वेदे च… અહીં લોકે પદનો અર્થ છે સ્મૃતિઓ, પુરાણો વગેરે વેદ સિવાયના સત્શાસ્ત્રોએ બધા શાસ્ત્રોમાં પણ ભગવાન પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છે.
પૂર્વના ૧૬-૧૭ શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે ક્ષર અને અક્ષર બન્નેથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે. તે ઉત્તમ પુરુષ કોણ છે-એ બતાવવા આ શ્લોકમાં કહે છે કે તે ઉત્તમ પુરુષ-‘પુરુષોત્તમ’ હું જ છું.
આ પંદરમાં અધ્યાયમાં ભગવાને પહેલા ક્ષર-સંસારવૃક્ષનું વર્ણન કર્યું પછી તેનું છેદન કરીને પરમ પુરુષ પરમાત્માને શરણે થવાનું અર્થાત્સંસારમાંથી પોતાપણું હઠાવીને એક માત્ર પરમાત્માને પોતાના માનવાની પ્રેરણા કરી. પછી અક્ષર એવા જીવને પોતાનો સનાતન અંશ બતાવ્યો. છતાં તેની પ્રકૃતિ પરત્વેની પરાધીનતા બતાવી. બારથી પંદર શ્લોક સુધીમાં પોતાના પ્રભાવનું વર્ણન બતાવ્યું. સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં મારું જ તેજ છે. હું જ પૃથ્વીમાં પ્રવેશીને તમામ પ્રાણીઓને ધારણ કરું છું. હું જ ચંદ્રમાં રહીને અઢારભાર વનસ્પતિને પોષણ કરું છું. જઠરાનલ થઈને પ્રાણીઓના શરીરમાં અન્નને પચાવું છું. મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે. વેદોને એક માત્ર જાણવાવાળો તેમ જ વેદોથી જાણવા યોગ્ય હું જ છું. આ શ્લોકમાં ભગવાન રહસ્ય બતાવતાં એ કહે છે કે, એ બધો પ્રભાવ જેનો છે તે હું મનુષ્યાકૃતિ ધરીને હે અર્જુન ! હું તારી સામે ઊભો તે હું જ છું. અર્જુન પર અતિ કૃપા કરી ભગવાન પોતાનું રહસ્ય પોતાને અતિ પ્રીય એવા અર્જુનને બતાવી રહ્યા છે.
यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम्।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत।।१९।।
અર્થ : હે ભારત ! જે જ્ઞાની ભક્ત મને આ પ્રમાણે ચોકખી રીતે સાક્ષાત્પુરુષોત્તમ જાણે છે. તે સર્વ વાતને તત્ત્વથી સમજનારો છે અને તે સર્વભાવથી-પ્રકાણથી મનેજ ભજે છે-મારી જ ઉપાસના કરે છે. ।।૧૯।।
यो मामेवमसम्मूढो… જીવાત્મા પરમાત્માનો સેવક છે. તેથી પરમાત્મા સાથે પોતાનો વાસ્તવિક સંબંધ સ્વામી-સેવકભાવ તેનો અનુભવ કરીને પરમાત્માને યથાર્થપણે ઓળખી લે. અર્થાત્પરમાત્માનો યથાર્થપણે મહિમા સમજી લે તેને અહીં અસમ્મૂઢ કહ્યા છે. તે જ સાચા નિર્મોહી પુરુષો છે. પરમાત્માને યથાર્થ ઓળખવામાં પોતાનો મોહ જ બાધક બને છે. સંસારની કોઈપણ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન ત્યારે જ થઈ શકે છે કે, જ્યારે તે વસ્તુ સાથે રાગ અથવા દ્વેષ ન હોય. ભગવાનનું વાસ્તવિક જ્ઞાન ત્યારે જ થાય કે એવો નિર્મોહી થઈને પરમાત્મામાં તેને ઘાટો રાગ હોય-ઘાટી પ્રીતિ હોય ત્યારે પરમાત્માનું યથાર્થ જ્ઞાન થાય છે. નાશવંત પદાર્થો સાથે રાગ અથવા દ્વેષને પ્રધાન કરીને સંબંધ જોડવો-માનવો તે જ ‘મોહ’ છે.
સંસારને તત્ત્વથી જાણતા સંસાર સાથેનો સંબંધ છૂટી જાય છે. જ્યારે પરમાત્માને તત્વથી જાણતા પરમાત્મા સાથેનો વાસ્તવિક સંબંધ દૃઢ થઈ જાય છે.
જેની મૂઢતા સર્વથા નષ્ટ થઈ ગઈ છે, તે જ મનુષ્ય ભગવાનને ‘પુરુષોત્તમ’ તરીકે જાણી શકે છે. રાગી અને મોહાંધ વ્યક્તિઓ પોતાનું અને પોતાનો રાગ પૂરો કરનારા તથા મોહના કેન્દ્રો સિવાય બીજાનું મહત્ત્વ જાણી શકતો જ નથી.
स सर्वविद्भजति मां… જે ભગવાનને સાચે જ ‘પુરુષોત્તમ’ જાણી લે છે અર્થાત્તમામ તત્વોથી વિલક્ષણ-ઉત્તમ જણી લે છે. અને તે વિષયમાં જેના અંતઃકરણમાં કોઈ વિકલ્પ, ભ્રમ કે સંશય નથી રહેતો તે મનુષ્યને જાણવા યોગ્ય કોઈ તત્ત્વ બાકી નથી રહેતું. એટલા માટે ભગવાન તેને ‘સર્વવિત્’ કહે છે. ભગવાનને જાણવાવાળી વ્યક્તિ ગમે તેટલું ઓછું ભણેલી ગણેલી કેમ ન હોય ! તો પણ તે સર્વ કાંઈ જાણવાવાળી છે. કેમકે તેણે જાણવા યોગ્ય તત્ત્વને જાણી લીધું છે. તેને બીજું કાંઈ જાણવાનું બાકી નથી રહેતું. જે મનુષ્ય ભગવાનને પુરુષોત્તમ જાણી લે છે, તે આપોઆપ બધી રીતે ભગવાનનું ભજન કરે છે. જ્યારે મનુષ્ય ભગવાનને ક્ષરથી અતીત તરીકે જાણી લે છે, ત્યારે તેનું મન અર્થાત્મનનો રાગ ક્ષરથી હઠીને ભગવાનમાં થાય છે અને જ્યારે તે ભગવાનને અક્ષરથી ઉત્તમ જાણે છે, ત્યારે તેની બુદ્ધિ અર્થાત્શ્રદ્ધા ભગવાનમાં લાગી જાય છે. કોઈ વિશેષ મહત્ત્વપૂર્ણ વસ્તુ કે બાબત પર મન રાગપૂર્વક લાગે છે, જોડાય છે અને તો જ તેમાં બુદ્ધિ, શ્રદ્ધાપૂર્વક લાગે છે-જોડાય છે. એવો નિયમ છે. ત્યારે તે આપોઆપ ભગવાનના ભજનમાં લાગી જાય છે. જ્ઞાનમાર્ગમાં ‘જાણવું’ અને ભક્તિમાર્ગમાં ‘માનવું’ મુખ્ય હોય છે જે બાબતમાં કિંચિત્માત્ર પણ સંશય ન હોય તેને દૃઢતાપૂર્વક માનવું એને જ ભક્તિમાર્ગમાં ‘જાણવું’ કહેવાય છે. માટે ભગવાનને નિઃસંશયપણે સર્વોપરી માની લીધા ત્યારે તે ભગવાનનો પાકો ભક્ત બની જાય છે અને ભગવાનને સર્વોપરી માનવાથી સર્વવિદ્પણ થઈ જાય છે.
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ।
एतद्बुद्धवा बुद्धिमान्स्यात्कृतकृत्यश्व भारत।।२०।।
અર્થ : હે નિદરેષ અર્જુન ! આ પ્રમાણે આ રહસ્ય ગોપનીય શાસ્ત્ર મેં તને કહ્યું છે. આ શાસ્ત્રને આ કહ્યું એમ સમજીને માણસ બુદ્ધિમાન્તત્ત્વવેત્તા થાય છે અને કૃતાર્થ થઈ જાય છે. ।।૨૦।।
અહીં અર્જુનને ‘अनघ’ સંબોધન કર્યું છે. અનઘ એટલે નિષ્પાપ. તેને નિષ્પાપ એટલા માટે કહ્યો છે કે તેને કૃષ્ણને વિષે દોષદૃષ્ટિ(અસૂયા) નથી. દોષદૃષ્ટિ કરવી એ પાપ છે. તેનાથી અંતઃકરણ અશુદ્ધ થાય છે. જે દોષ દૃષ્ટિથી રહિત હોય તે જ ભક્તિનો અધિકારી થાય છે. ગોપનીય વાત પણ દોષદૃષ્ટિથી રહિત હોય. તેની પાસે જ કહેવામાં આવે છે. નવમાં અધ્યાયના(રાજવિદ્યારાજગુહ્યયોગ) શ્લોકમાં પણ ભગવાને અર્જુનને દોષદૃષ્ટિથી રહિત કહીને જ ગુહ્યતમજ્ઞાન બતાવવાની પ્રતિજ્ઞા કરી હતી. ‘इदं तु ते गुह्यतमं प्रवक्ष्यामि अनसूयवे’ આ પંદરમાં અધ્યાયમાં તો તે તેથી પણ વધુ ગોપનીય વિષય બતાવવામાં આવ્યો છે. આથી અનઘનું તાત્પર્ય અસૂયાથી રહિત એવા अनसूया યુક્ત માનવું ઉચિત છે. જો દોષદૃષ્ટિવાળા મનુષ્ય સામે ગોપનીય વાત કહી દેવામાં આવે તો એ મનુષ્ય પર વાતની ઊલટી અસર થાય છે. અર્થાત્તે ગોપનીયવાતનો ઊલટો અર્થ કરીને વક્તામાં પણ દોષ દેખવા લાગે છે કે તે આત્મશ્લાઘી છે.
દોષદૃષ્ટિ હોવામાં ખાસ કારણ છે અભિમાન. મનુષ્યમાં જે વાતનું અભિમાન હોય તે વાતની તેનામાં ઊણપ હોય છે. તે ઊણપને તે બીજાઓમાં દેખવા લાગે છે. બીજાઓમાં બુરાઈ દેખવાથી જ પોતાનામાં સારાપણાનું અભિમાન ટકાવી શકાય છે. જો દોષ દૃષ્ટિવાળાની સમક્ષ ભગવાન પોતાનું પુરુષોત્તમપણું કહે તો તેને વિશ્વાસ નહિ આવે અને ભગવાનને આપબડાઈ હાંકનારા સમજશે. તેથી ભગવાન તથા સંતજન દોષદૃષ્ટિવાળા અશ્રદ્ધાળુ આગળ કયારેય ગોપનીય કે રહસ્ય વાત કરતા નથી. વસ્તુતાએ તો એવા મનુષ્યો સમક્ષ રહસ્યયુક્ત વાત સહજે જ નીકળતી જ નથી.
इति गुह्यतमं शास्त्रमिदमुक्तम्… આ અધ્યાયમાં પ્રથમ ભગવાને પોતાનો અપ્રતિમ પ્રભાવ વર્ણન કર્યો અને પછી રહસ્ય ગોપનીય વાત એ બતાવી કે મેં જે પ્રભાવ તને કહ્યો તે બધો મારો પ્રભાવ છે. તેને ધારનારો હું પોતે છું. એ રહસ્ય વિસ્ફોટ ભગવાને કર્યો. નાટકમાં વેશધારી કલાકાર જ્યારે વેશધારીને રંગમંચ પર પોતાની અદા બતાવે છે, પોતે વર્તાવ પણ સ્વાંગને અનુસારે કરે છે. તેમાં ઝાઝા સમયથી દૂર ગયેલા કોઈ પોતાના વહાલા સગાં મળી જાય તો ધારણ કરેલા સ્વાંગમાં પણ ખુશી થઈને પોતાનો મૂળ પરિચય આપી દે. સ્વાંગને ઘડીભર ભૂલી જાય. રંગમંચ પર પોતાનો વાસ્તવિક પરિચય આપવામાં આવતો નથી. કારણ કે પ્રેક્ષકો કોઈ તેના હૃદયથી નજીકના કોઈ હોતા નથી. જો અચાનક હૃદયથી નજીક સુહૃદ મળી જાય તો નાટકના સ્વાંગથી અલગ પોતાનો વાસ્તવિક પરિચય આપી દે અને તેના અંગે વાતચીત કરવા લાગે. તેમ અહીં ભગવાને માનુષ્ય નાટક કર્યું છે; પરંતુ અર્જુન ભગવાનને હૃદયથી અતિ નજીક અને ભગવાનમાં અતિ શ્રદ્ધાળુ છે. તેથી તેના પર કૃપાથી વશીભૂત થઈને પોતાના નાટકને ભૂલીને મૂળ રહસ્યની વાત ખોલી દે છે. તેથી ભગવાને આ અધ્યાયને ‘ગુહ્યતમ’ બતાવ્યો છે. ગીતામાં કેવળ આ અધ્યાયને જ શાસ્ત્રની ઉપાધિ મળી છે. ભગવાન કહે છે, મારા વિશે હું જ કહું છું. ભગવાન પોતાના વિશે કહે તે બીજા કોઈ ન જ કહી શકે તે સ્વાભાવિક છે.
एतद् बुद्धवा बुद्धिमान्स्यात्… આ અધ્યાયમાં ભગવાને સંસારની વાસ્તવિકતા, જીવાત્માનું સ્વરૂપ, ભગવાનનો અપ્રતિમ સ્વભાવ, જીવ, જગત, પરમાત્માના પારસ્પરિક સંબંધો તેમજ પોતાની ગોપનીયતાનું વર્ણન કર્યું. તે સમગ્રનો અહીં ‘एतत्’ પદથી નિર્દેશ કરવામાં આવ્યો છે.
પરમાત્મતત્ત્વને જાણવાથી જીવાત્માની મૂઢતા નષ્ટ થઈ જાય છે. પરમાત્માને જાણ્યા વિના લૌકિક તમામ વિદ્યાઓ જાણી લેવામાં આવે તો પણ મૂઢતા દૂર થતી નથી અને સદાય અધૂરું જ છે, અપૂર્ણતા જ રહે છે. એ બધી વિદ્યાઓથી અજાણ હોવા છતાં જેણે પરમાત્માને ઓળખી લીધા અને માની લીધા તે વાસ્તવમાં જ્ઞાનવાન છે. તે નિર્મોહી અને બુદ્ધિમાન્છે. તે કૃતકૃત્ય થાય છે. તેને કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. તેનું મનુષ્ય જીવન સફળ થઈ જાય છે.
શ્રીમદ્ભગવદ્ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો પુરુષોત્તમયોગ નામે પંદરમો અધ્યાય સંપૂર્ણ.