ગી.અ-15, શ્લોક 12 to 15

શ્લોક ૧૨-૧૫

પ્રભાવસહિત પરમેશ્વરના સ્વરૂપનો વિષય

यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम्‌।

यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्‌।।१२।।

અર્થ : સૂર્યમંડળમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશ કરી રહ્યું છે તેમજ જે ચંદ્રમંડળમાં તેજ છે તથા અગ્નિમાં જે તેજ છે. તે તેજ મારું જ-મેં જ આપેલું છે એમ જાણ ।।૧૨।।

પ્રભાવ અને મહત્ત્વની તરફ આકર્ષિત થવું એવો જીવનો સ્વભાવ છે. પ્રાકૃત પદાર્થોના સંબંધથી જીવ પ્રાકૃત પદાર્થોના પ્રભાવથી પ્રભાવિત થઈ જાય છે અને તેમાં પણ પ્રાકૃતિક પ્રધાનતા હોવાથી પ્રાકૃતિક પદાર્થોનું તેના અંતરમાં વધારે મહત્ત્વ હોય છે, તેટલું ભગવાનનું મહત્ત્વ નથી હોતું. તે મહત્ત્વને હઠાવવા ભગવાન પોતાના પ્રભાવનું વર્ણન કરતાં કહે છે કે, પ્રાકૃત પદાર્થોમાં જે પ્રભાવ અને મહત્ત્વ દેખવામાં આવે છે તે વસ્તુતઃ મારું જ(પરમાત્માનું જ) છે. તેઓનું નહિ. સર્વોપરી પ્રભાવશાળી હું જ(પરમાત્માજ) છું પણ મારા સમાન કોઈનો પ્રભાવ નથી.

यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम्‌… સૂર્યમાં રહેલું તેજ સૂર્યનું નથી પણ આગતુંક છે. તેથી ભગવાન અહીં आदित्यगतम्‌-સૂર્યમાં કયાંથી આવેલું છે-ભગવાન પાસેથી આવેલું છે. સૂર્યનું તેજ એટલું મહાન છે કે, સકળ બ્રહ્માંડ તેનાથી પ્રકાશિત થાય છે. એવું તે તેજ દેખાય છે તો સૂર્યનું દેખાય છે તો પણ વાસ્તવમાં ભગવાનનું છે. તેથી સૂર્ય ભગવાનના ધામને પ્રકાશિત નથી કરી શકતો.

સમગ્ર ભૌતિક જગતમાં સૂર્ય સમાન પ્રત્યક્ષ તેજસ્વી કોઈ પદાર્થ નથી. ચંદ્ર, અગ્નિ, તારા, વિદ્યુત વગેરે જેટલા પણ પદાર્થો છે. તે તમામ સૂર્યથી પ્રકાશ મેળવે છે. ભગવાનથી મળેલા તેજને કારણે સૂર્ય આટલો વિલક્ષણ અને પ્રભાવશાળી છે. ત્યારે તે ભગવાન કેટલા વિલક્ષણ અને પ્રભાવશાળી હશે? એવો વિચાર કરવાથી જીવના અંતરમાં ભગવાનનું મહત્ત્વ સમજાય છે.

સૂર્ય નેત્રના અધિષ્ઠાતા દેવ છે. આથી નેત્રમાં જે પ્રકાશ(દેખવાની શક્તિ) છે તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલો માનવો જોઈએ અને આવેલ છે.

यच्चन्द्रमसि જેવી રીતે સૂર્યમાં રહેલી પ્રકાશિકાશક્તિ અને દાહકશક્તિ બન્ને ભગવાન પાસેથી આવેલી છે એવી રીતે ચંદ્રમાં પ્રકાશિકાશક્તિ અને પોષણ શક્તિ છે તે પણ સૂર્ય દ્વારા પ્રાપ્ત થવા છતાં પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી છે. ચંદ્રમામાં મધુરતા, શીતળતા, પોષણ ક્ષમતા વગેરે જે ગુણો છે તે બધા અસાધારણ ગુણો ભગવાન પાસેથી આવ્યા છે. એ બધો ભગવાનનો પ્રભાવ છે. તેવું ઉપનિષદો વગેરે ગ્રંથોમાં પ્રતિપાદન કર્યું છે. અહીં ચદ્રમા શબ્દથી તારા, નક્ષત્રો વગેરેનો પણ સમાવેશ કરી લેવો જોઈએ. ચંદ્રમા મનના અધિષ્ઠાતા દેવતા છે. આથી મનમાં જે પ્રકાશ મનન કરવાની શક્તિ છે. તે પણ પરમાત્મા પાસેથી આવેલી સમજવી.

यच्चाग्नौ જેવી રીતે ભગવાનનું તેજ આદિત્યગત છે અને ચંદ્રગત છે. તેવી રીતે અગ્નિગત પણ છે. અગ્નિમાં રહેલી પ્રકાશિત શક્તિ અને દાહક શક્તિ-બન્ને ભગવાનની જ છે અગ્નિની પોતાની નથી.

અગ્નિ વાણીના અધિષ્ઠાતા દેવ છે. આથી વાણીમાં જે તેજ છે, અર્થ પ્રકાશ કરવાની શક્તિ છે તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી સમજવી.

तत्तेजो विद्धि मामकम्‌ જે તેજ સૂર્યમાં છે, ચંદ્રમાં અને અગ્નિમાં છે અને જે તેજ આ પ્રકાશથી પ્રકાશિત અન્ય પદાર્થો તારા, નક્ષત્રો, વિદ્યુતને આગિયા વગેરેમાં દેખવા, સાંભળવામાં આવે છે, તેને ભગવાનનું જ તેજ સમજવાનું છે.

આ શબ્દોથી ભગવાન એમ કહી રહ્યા છે કે, મનુષ્ય જે જે તેજસ્વી અને પ્રભાવી પદાર્થોથી આકર્ષિત થાય છે તે તે પદાર્થોમાં તેણે મારો જ પ્રભાવ દેખવો જોઈએ.(ગી.૧૦/૪૧) જેમ દરેક મીઠાઈ-બુંદીના લાડુ, જલેબી, બરફી, પેંડા વગેરે તમામમાં જે મીઠાશ છે-ગળપણ છે તે ખાંડની જ છે. તે મીઠાઈ પોતાની નથી. એવી જ રીતે સૂર્ય ચંદ્ર, અગ્નિમાં જે તેજ છે તે પોતાનું ન હોઈ, ભગવાનનું જ છે.

સૂર્ય, ચંદ્ર અને અગ્નિ ક્રમશઃ નેત્ર, મન અને વાણીને પ્રકાશિત કરનારા દેવતા છે. મનુષ્ય પોતાના ભાવોને પ્રગટ કરવા અને બીજાના ભાવોને સમજવા માટે વધારેમાં વધારે નેત્ર, મન અને વાણીનો ઉપયોગ કરે છે. હૃદયમાં પડેલા ભાવોને આ ત્રણે ઈન્દ્રિયો જેટલા પ્રગટ કરી શકે છે, તેટલા બીજી ઈન્દ્રિયો કરી શકતી નથી. પ્રકાશનું તાત્પર્ય છે, અલગ અલગ વિષયનું જ્ઞાન કરાવવું. નેત્ર અને વાણી બાહ્ય કરણો છે તથા મન અંદરનું કરણ છે. આ કરણો દ્વારા સ્થૂળ અને બાહ્ય વસ્તુનું જ્ઞાન થાય છે પણ આ ત્રણેય કરણો ભગવાનને પ્રકાશિત નથી કરી શકતા. કારણ કે તેમનામાં જે શક્તિ છે તે પોતાની ન હોઈ, તે ભગવાનની આપેલી છે એટલા માટે તે ભગવાનનો આશ્રય લઈ શકે છે. તેને પ્રાપ્ત કરી શકે છે પણ તેને યથાર્થપણે પ્રકાશ નથી કરી શકતા.

गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा।

पुष्णामि चौषधी: सर्वा: सोमो भूत्वा रसात्मक:।।१३।।

અર્થ : અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા સામર્થ્યથી સર્વભૂતોને ધારણ કરું છું તથા રસમય સ્વરૂપવાળા ચંદ્રમારૂપે થઈને સર્વ ઔષધિઓનું હુંજ પોષણ કરું છું. અર્થાત્‌પૃથ્વીમાં ધારણ શક્તિ અને ચંદ્રમાં પોષક શક્તિ એ મારીજ છે. એમ તું સમજ ! ।।૧૩।।

गामाविश्य च भूतानि… ભગવાન જ પૃથ્વીમાં પ્રવેશ કરીને તેના પર રહેલા તમામ સ્થાવર જંગમ પ્રાણીઓને ધારણ કરી રહે છે. તાત્પર્ય એ છે કે પૃથ્વીમાં જે ધારણાશક્તિ છે, તે પૃથ્વીની પોતાની નથી; પરંતુ ભગવાનની છે. એ સિવાય પણ જ્યાં જ્યાં ધારણા શક્તિ છે, તે પણ ભગવાનની જ છે અને ત્યાં ભગવાનમાંથી આવી છે. પૃથ્વીમાં અન્ન તથા ઔષધિઓ ઉત્પન્ન કરવાની શક્તિ તથા ગુરુત્વાકર્ષણ શક્તિ પણ ભગવાનમાંથી આવેલી ભગવાનની જ શક્તિ છે.

पुष्णामि चौषधी:… ચંદ્રમામાં બે શક્તિઓ છે. પ્રકાશિકા શક્તિ અને પોષણ શક્તિ. પ્રકાશિકા શક્તિની વાત ૧૨મા શ્લોકમાં બતાવીને હવે પોષણ શક્તિ અંગેનો પોતાનો પ્રભાવ કહે છે. ચંદ્રમા અઢારભાર વનસ્પતિનું પોષણ કરે છે. તે ભગવાનની શકિત છે, ચંદ્રમાની નહિ. ચંદ્રમા શુકલ પક્ષમાં પોષક અને કૃષ્ણ પક્ષમાં શોષક હોય છે. શુકલપક્ષના ચંદ્રમાના રસમય મધુર કિરણોથી અમૃતવર્ષા થવાને કારણે જ લતા, વૃક્ષ વગેરે અઢારભાર વનસ્પતિમાં પોતપોતાનો રસ ચડે છે, પુષ્ટ થાય છે અને ફળે, ફૂલે છે. માતાના ઉદરમાં રહેલું બાળક પણ શુકલ પક્ષમાં વૃદ્ધિ પામે છે.

‘सोमो’ પદ ચંદ્રલોકનું વાચક છે તે આપવાનો અભિપ્રાય એ છે કે ચંદ્રમાં પ્રકાશની સાથે સાથે અમૃતવર્ષાની શક્તિ પણ છે. તે અમૃત ચંદ્રમાંથી કિરણો દ્વારા ભૂમંડળમાં આવે છે અને ઔષધીઓમાં ચડે છે. ત્યારે પ્રાણીઓ જીવનશક્તિ પામે છે. ઔષધી શબ્દથી અનાજ, ધાન્ય માત્ર પણ આવી જાય છે કારણ કે તે જીવનશક્તિ આપનારા છે. માટે અન્નમાં, ઔષધિઓમાં તથા વનસ્પતિઓમાં શરીરને પુષ્ટ કરવાની જે શક્તિ છે, તે ચંદ્રમાંથી પમાયેલી છે; પરંતુ ચંદ્રમામાં તે શક્તિ પોતાની નથી. ભગવાનમાંથી આવેલી છે. ભગવાન ચંદ્રમાને નિમિત્ત બનાવીને સૌનું પોષણ કરે છે.

अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित:।

प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधम्‌।।१४।।

અર્થ : હું જ વૈશ્વાનર અગ્નિરૂપે થઈને પ્રાણીઓના દેહમાં રહીને પ્રાણ-અપાન વાયુએ યુક્ત થકો ભક્ષ્ય-ભોજ્યાદિક ચારેય પ્રકારના અન્નને પચવું છું. ।।૧૪।।

अहं वैश्वानरो भूत्वा… બારમાં શ્લોકમાં અગ્નિની પ્રકાશન શક્તિની વાત કરી હતી. હવે ભગવાન આ શ્લોકમાં વૈશ્વાનર રૂપે રહેલા અગ્નિની, પાચનશક્તિ છે, તેમાં પોતાના પ્રભાવની વાત કરે છે. તાત્પર્ય એ છે કે, અગ્નિના બેઉ કાર્યો-પ્રકાશવું અને પચાવવું બન્ને ભગવાનની શક્તિથી થાય છે.

પ્રાણીઓના શરીરને પુષ્ટ કરવા અને તેઓના પ્રાણોની રક્ષા કરવા માટે ભગવાન જ વૈશ્વાનર(જઠરાગ્નિ)ના રૂપે પ્રાણીઓના શરીરમાં રહે છે અને લીધેલા(ખાધેલા) અન્નને પાચન કરે છે. મનુષ્યની જેમ લતા, વૃક્ષ, પશુ, પક્ષી વગેરે પ્રાણધારીઓમાં વૈશ્વાનરની પાચન કરવાની શક્તિ કામ કરે છે. લતા, વૃક્ષ વગેરે પણ ખાતર, જળ, ગ્રહણ કરે છે. તેનું પાચનશક્તિના દ્વારા પાચન થવાના કારણે જ તે વૃદ્ધિ પામે છે.

શરીરમાં પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પાંચ મુખ્ય પ્રાણો છે. તેમ જ નાગ, કૂર્મ, કૃક્કલ, દેવદત્ત અને ધનંજય આ પાંચ ગૌણ વાયુ છે. આ દસેય વાયુના ભિન્ન ભિન્ન કાર્યો શાસ્ત્રમાં બતાવ્યા છે. આ શ્લોકમાં ભગવાને બે પ્રધાન વાયુ, પ્રાણ અને અપાનનું જ વર્ણન કર્યું છે. કેમ કે આ બે વાયુ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. જઠરાગ્નિથી પચેલા ભોજનના સૂક્ષ્મ અંશો કે રસને શરીરના દરેક ભાગમાં પહોંચાડવાનો ફાળો પણ મુખ્યત્વે આ બન્ને વાયુઓનો છે.

પ્રાણીઓ ચાર પ્રકારના અન્નને જમે છે ભક્ષ્ય, ભોજ્ય લેહ્ય અને ચોષ્ય આ તમામ અન્નોને પચાવવાની શક્તિ વૈશ્વાનર અગ્નિમાં છે જે ભગવાનની શક્તિ છે.

सर्वस्य चाहं हृदि संनिविष्टो मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च।

वेदैश्व सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्‌।।१५।।

અર્થ : હું જ સર્વ પ્રાણીઓના હૃદયમાં અન્તર્યામી-અંદર રહીને નિયમન કરનારારૂપે રહેલો છું. સર્વ પ્રાણી-માત્રને સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મરણ, એ બધુંય કર્મફળપ્રદાતા એવા મારા થકીજ પ્રવર્તે છે. સર્વ વેદાદિક સચ્છાસ્ત્રોથી જાણવા-સમજવા યોગ્ય હું જ છું અને વેદાન્તનો કરનારો અને વેદના રહસ્યને જાણનારો પણ હું જ છું. ।।૧૫।।

सर्वस्य चाहं हृदि संनिविष्ट… પોતાના પ્રભાવયુક્ત વિભૂતિઓનું વર્ણન કરીને હવે ભગવાન બતાવે છે કે, પોતે જ સર્વ જાણવા યોગ્ય તત્ત્વ છે અને પોતે તમામ પ્રાણીઓના હૃદયમાં રહ્યા છે. જો કે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે બધા જ સ્થાનોમાં ભગવાન વિદ્યમાન છે તેમ છતાં હૃદયમાં તેઓ વિશેષપણે વિદ્યમાન છે. હૃદય શરીરનું પ્રધાન અંગ છે. તમામ પ્રકારના ભાવો હૃદયમાં જ ઊઠે છે. સમસ્ત કર્મોમાં ભાવ જ પ્રધાન હોય છે. ભાવ અનુસાર ક્રિયાના ફળમાં ઘણો જ તફાવત આવી જાય છે. ભાવથી જેવી હૃદયની શુદ્ધિ અશુદ્ધિ થાય છે, તેટલી ક્રિયાઓથી નથી થતી. માટે ભાવની ઘણી જ મહત્તા છે. તે હૃદયમાંથી ઊઠે છે. હૃદય એ સત્ત્વગુણનું કાર્ય છે. માટે ભગવાન હૃદયમાં વિશેષરૂપે રહે છે. તેથી ભગવાન કહે છે કે, જીવે મારી પ્રાપ્તિ માટે નિરાશ થવાની જરૂર નથી. હું તેનાથી સૌથી વધુ નજીક છું અને કોઈપણ યોગ્યતા, શૂન્યવાળાને પણ પ્રાપ્ત થઈ શકુ છું. જેમ ગાયના શરીરમાં સમગ્ર જગ્યાએ દૂધ વ્યાપ્ત છે પણ તેને પ્રાપ્ત તો આંચળથી જ થાય છે. તેમ ભગવાન સર્વત્ર હોવા છતાં હૃદયમાં વિશેષપણે રહ્યા છે અને જલદી પ્રાપ્ત થાય છે.

જે કાંઈ સત્કર્મ, સત્‌ચર્યા અને સત્‌ચિંતન કરવામાં આવે છે તેમાં પણ થોડો જડતાનો સંબંધ રહ્યો જાય છે. કારણ કે કરવાના ઉપકરણો બધાં જ જડ એવા શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ છે, તેથી અહંકાર છેકપણે છૂટતો નથી; પરંતુ તે ક્રિયાઓ પરમાત્મા માટે અર્થાત્‌પરમાત્માના કાર્ય એવા સત્સંગ માટે અને ભગવાનના ભક્ત માટે નિષ્કામ ભાવથી કરવામાં આવે તો તે સૂક્ષ્મ અહંકાર પણ છૂટી જાય છે. પ્રકૃતિનો જીવ સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને શરણાગતિથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ સાધન કે ક્રિયાના ફળરૂપે પરમાત્માની પ્રાપ્તિ થાય એ ધારણા સાધકની ખોટી છે. કારણ કે કોઈપણ સાધન કે ક્રિયાના બદલામાં ભગવાનની પ્રાપ્તિ થવી ઘટતી નથી. જો એમ થાય તો એનો અર્થ એ થયો કે, તે સાધન કે ક્રિયા કરતાં ભગવાનનું મૂલ્ય ઓછું થયું અને તે સાધન કે ક્રિયાનું મૂલ્ય વધારે થાય ત્યારે જ તેનાથી ભગવાનને ખરીદી શકાય કે મેળવી શકાય પણ ભગવાન તો દુનિયાની કોઈ ચીજ, સાધના કે ક્રિયાના મૂલ્યમાં આવે તેવા છે નહિ. કદાચ તેનાથી આપણને ભગવાન પ્રાપ્ત થઈ જતા હોત તો આપણને લાભ શો? કારણ કે તેમનાથી અધિક મૂલ્યની વસ્તુ(સાધન કે ક્રિયા વગેરે) તો આપણી પાસે પહેલેથી જ છે. ભગવાનને મેળવીને તો આપણે વધારે મૂલ્યવાન વસ્તુ ગુમાવીએ છીએ ! માટે એવી માન્યતાને દૂર કરવી. પ્રત્યેક કર્મની ઉત્પત્તિ અહંભાવથી થાય છે. જ્યારે ભગવાનની પ્રાપ્તિ અહંભાવ દૂર થયા પછી થાય છે. માટે સાચે ભાવે આશ્રય કરવાથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે અને શરણાગતિમાં સંપૂર્ણપણે અહં શૂન્યતાની જરૂર પડે છે. તે સિવાય શરણાગતિ સિદ્ધ થતી નથી.

मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च… કોઈ બાબતની ભૂલાયેલી જાણકારીનું(કોઈ કારણથી) પુનઃ પ્રાપ્ત થવું, એને સ્મૃતિ કહેવાય છે. ‘સ્મૃતિ’ અને ‘ચિંતન’ બન્નેમાં તફાવત છે ‘સ્મૃતિ’ હંમેશાં ભૂતકાળ સંબંધી હોય છે જૂની હોય છે જ્યારે ‘ચિંતન’ ભૂતકાળનું પણ હોઈ શકે ને ભવિષ્યનું પણ હોય શકે છે.

એક સ્મૃતિ કરવામાં આવે છે ને એક સ્મૃતિ આપોઆપ થાય છે. જે સ્મૃતિ કરવામાં આવે તે બુદ્ધિમાં અને બુદ્ધિની સહાયથી થાય છે અને આપોઆપ ‘સ્મૃતિ’ થાય છે, તે હૃદયમાં થાય છે. ભગવાન કહે છે, તે ‘સ્મૃતિ’ મારાથી થાય છે. તેથી જ તો અર્જુન બતાવે છે કે ‘नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादात्‌ मयाच्युत। स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव।। (૧૮/૭૩) ‘હે ભગવાન, તમારી કૃપાથી મને ‘સ્મૃતિ’ પ્રાપ્ત થઈ છે. આ સ્મૃતિમાં કોઈ નવું જ્ઞાન કે અનુભવ થતો નથી પણ કેવળ વિસ્મૃતિનો(મોહનો) નાશ થાય છે અને વાસ્તવિકતા પ્રગટ થાય છે. ભગવાન સાથેનો જીવનો વાસ્તવિક સંબંધ પ્રગટ થવો તેને જ અહીં સ્મૃતિ કહી છે અને તે જ સાચી સ્મૃતિ છે. આવી ‘સ્મૃતિ’ એકવાર થયા પછી કયારેય ભરતજીની જેમ, વૃત્રાસુર, ગજેન્દ્રની જેમ નષ્ટ થતી નથી. બુદ્ધિમાં થવાવાળી અને બુદ્ધિની મદદથી થયેલી સ્મૃતિ બુદ્ધિ ક્ષીણ થતાં કે કોઈ કારણવશાત્‌નષ્ટ થઈ જાય છે પણ આવી સ્મૃતિ જન્માંતરમાં પણ નષ્ટ થતી નથી.

ભગવાન બતાવે છે કે ‘જ્ઞાન’ પણ મારાથી થાય છે. જીવને જે પારમાર્થિક જ્ઞાન થાય છે, તે પરમાત્માથી જ થાય છે. શ્રીજી મહારાજ વચ.ગ.પ્ર.પ્ર.૫૧માં કહે છે કે ‘…જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો. તેમ ભગવાનનો નિશ્ચય(જ્ઞાન) તે ભગવાન વતે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જ ઈન્દ્રિયો અંતઃકરણ તેણે કરીને નથી થતું(તેમ જ બીજા કોઈ સાધને કરીને પણ નથી થતું) માટે બુદ્ધિથી જે જ્ઞાન થાય છે તે કાચું, અલ્પ અને કરણ સાપેક્ષ રહે છે. તે પણ પરમાત્માથી સંચાલિત થાય છે.

ઊહાપોહ કરીને સંશય, ભ્રમ, વિપર્યય તર્ક-વિતર્ક વગેરે દૂર કરવા(અને તેવું કરીને સાચો સિદ્ધાંત પામવો કે સિદ્ધાંતનું જ્ઞાન પામવું) તે ‘अपोहन’ છે. ભગવાન કહે છે કે, તે પણ મારાથી જ થાય છે. ‘ઊહ’ એક પ્રકારની શક્તિ છે. વિવાદિત કે સંશયગ્રસ્ત વિષયમાં ‘ઊહ’ કરવામાં આવે છે. અર્થાત્‌ધારણાઓ કરવામાં આવે છે અને તેમાંથી અન્વય-વ્યતિરેક અનેકનો તપાસ કરતાં કરતાં ખોટી ધારણાઓને ઉડાડી દેવામાં આવે છે, ત્યારે જે ધારણા બચે છે, તે સત્ય સિદ્ધાંતના રૂપમાં બચે છે. તેને અપોહન પ્રક્રિયા કહેવામાં આવે છે. ‘ઊહ’ને અર્થાત્‌ખોટી ધારણાઓને દૂર કરવી તે અપોહન છે. તેના પરિણામરૂપે સનાતન સિદ્ધાંત કે જ્ઞાન પામવું તે અપોહન છે. ભગવાન કહે છે કે, તે મારાથી થાય છે. વિપરીત ભાવો, મોહ અને સંશયોનો નાશ ભગવાનની સાચી કૃપાથી જ થાય છે, તે વિના શક્ય નથી.

वेदैश्वसर्वैरहमेव वेद्यो… અહીં सर्वै: પદ વેદ તેમજ વેદાનુકૂળ તમામ શાસ્ત્રોનું વાચક છે. તમામ શાસ્ત્રોનું એક માત્ર તાત્પર્ય પરમાત્માનું વાસ્તવિક જ્ઞાન કરાવવા તથા તેની પ્રાપ્તિ કરાવવાનું જ છે. અહીં ભગવાન એ વાત સ્પષ્ટ કરે છે કે, વેદોનું વાસ્તવિક તાત્પર્ય મારી પ્રાપ્તિ કરાવવાનું જ છે, વિષય ભોગોની પ્રાપ્તિ કરાવવાનું નહિ. છતાં પણ શ્રુતિઓમાં સકામભાવનું વિશેષ વર્ણન આવવાનું એ કારણ છે કે, સંસારમાં સકામ મનુષ્યોની સંખ્યા અધિક છે. તેથી શ્રુતિ બધાની માતાતુલ્ય હોવાથી તેઓનું પણ પાલન કરે છે અને તેને ધીરે ધીરે નિષ્કામભાવ તરફ ખેંચી જવા માટે તે વર્ણન હોય છે. જાણવા યોગ્ય એક માત્ર પરમાત્મા જ છે. તેને જાણી લીધા પછી કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. અર્જુનમાં ભગવાનને જાણવાની જિજ્ઞાસા વિશેષપણે હતી. તેથી તેને ભગવાન કહે છે કે, તમામ વેદોથી અને તમામ શાસ્ત્રોથી જાણવા યોગ્ય હું જ છું. તે તારી સામે ઊભો છું. साङ्गोपाङ्गानपि यदि यश्व वेदानधीयते। वेदवेद्यं न जानीते वेद भारवहो हि स:। वेदान्तकृत्‌ वेदविदेव चाहम्‌… વેદો ભગવાનથી જ પ્રગટ થયા છે. આથી તેઓ જ વેદોના અંતિમ સિદ્ધાંતને જાણીને વેદોમાં પ્રતીત થવાવાળા વિરોધોનો સારી રીતે સમન્વય કરી શકે છે. તેથી વેદોના તાત્પર્યનો યથાર્થ નિર્ણય કરવાવાળા ભગવાન જ છે.

વેદોના અર્થ, ભાવ વગેરે ભગવાન જ યથાર્થ પણે જાણે છે. વેદોમાં કઈ વાત કયા ભાવથી કે ઉદ્દેશ્યથી કહેવાણી છે, તેમાં વેદોનું યથાર્થ તાત્પર્ય શું છે? વગેરે વગેરે બાબતો ભગવાન જ પૂર્ણરૂપે જાણે છે. કેમ કે ભગવાનથી વેદો પ્રગટ થયા છે. વેદોના અર્થમાં ‘कवयोऽपि मोहिता:’ મોટા મોટા સૂરીઓ પણ મોહિત થઈને યથાર્થ નિર્ણય આપી શકતા નથી. તે સ્પષ્ટ નિર્ણયો એક માત્ર ભગવાન પાસે જ છે.

ભગવાને ગીતાના ચાર અધ્યાયોમાં ભિન્ન ભિન્ન રૂપોથી પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે.

સાતમાં અધ્યાયમાં ૮ થી ૧૨માં શ્લોક સુધીમાં સૃષ્ટિના મુખ્ય મુખ્ય પદાર્થોમાં કારણરૂપથી સત્તર વિભૂતિઓનું વર્ણન કર્યું છે, તેથી પોતાને તેના કારણ બતાવ્યા છે.

નવમાં અધ્યાયના ૧૬ થી ૧૯મા શ્લોક સુધીમાં સાડત્રીસ વિભૂતિનું વર્ણન કર્યું છે.

દસમાં અધ્યાયનું તો નામ જ ‘વિભૂતિ યોગ’ છે. આ પંદરમાં અધ્યાયમાં ૧૨ થી ૧૫ શ્લોક સુધીમાં પોતાનો પ્રભાવ બતાવવા ૧૩ વિભૂતિઓ બતાવી છે.

પ્રકાશના અભાવમાં(અંધારામાં) કોઈ વસ્તુ દેખા દેતી નથી. આંખોથી કોઈ વસ્તુને દેખવા પહેલા પ્રકાશની જરૂર પડે છે અને આંખોથી કોઈ વસ્તુને દેખતા પહેલાં પ્રકાશ દેખાય છે અને તે પછી વસ્તુ દેખાય છે. અર્થાત્‌દરેક વસ્તુ પ્રકાશની અંતર્ગત જ દેખાય છે. પરંતુ આપણી દૃષ્ટિ પ્રકાશ પર નથી જતી ને પ્રકાશિત થવાવાળી વસ્તુ પર જાય છે. આ જ રીતે યાવન્માત્ર વસ્તુ, ક્રિયા, ભાવ વગેરેનું પ્રકાશન-જ્ઞાન એક વિલક્ષણ અને અલુપ્ત પ્રકાશ સ્વરૂપ પરમાત્માથી જ થાય છે. તે બધાના પ્રકાશક છે. તેના પ્રકાશની અંતર્ગત જ બધી વસ્તુ ભાસે છે તે બધાનો આધાર પણ છે. પ્રત્યેક વસ્તુની પહેલાં તે પરમાત્મા રહેલા છે. वस्तुत સંસાર કે સંસારની વસ્તુઓ પછી છે; અર્થાત્‌જ્ઞાન પ્રકાશમાં પરમાત્મા પહેલા દેખાય છે. પછી સંસારનું પ્રકાશન થાય છે; પરંતુ સંસારમાં રાગ હોવાને કારણે મનુષ્યની દૃષ્ટિ તેના પ્રકાશક એવા પરમાત્મા પર નથી જતી અને કેવળ પ્રાકૃત વસ્તુ-ભાવોને જ દેખે છે. સાંસારિક પ્રાણી પદાર્થોમાં રાગ અને સુખાસક્તિ હોવાને કારણે તે પ્રાણી પદાર્થોની પૃથક સત્તા ભાળે છે; પરંતુ તેના આધાર એવા પરમાત્માની સત્તા કે અસ્તિત્વને જોઈ શકતો નથી. જો સંસારમાંથી રાગ કે સુખાસક્તિનો સર્વથા અભાવ થઈ જાય તો એક પરમાત્મા જ દેખાવા લાગે. આથી વિભૂતિઓના વર્ણનનું તાત્પર્ય એ છે કે, કોઈ પણ પ્રાણી પદાર્થની તરફ દૃષ્ટિ જતાં સાધકને તેના પ્રકાશક એક માત્ર ભગવાનની સ્મૃતિ થવી જોઈએ.

વર્તમાન સમાજની દશા બહુ વિચિત્ર છે. બહુધા તમામ લોકોના અંતઃકરણમાં રૂપિયાનું મહત્ત્વ બહુ જ વધી ગયું છે. તેમાં પણ લોકો રૂપિયાના ઉપયોગમાં વધારે રસ ન લઈને રૂપિયાની સંખ્યાના વધારાને જ વધારે મહત્ત્વ આપી રહ્યા છે. તેથી જે મનુષ્યની પાસે રૂપિયાની સંખ્યા વધારે હોય છે તે સમાજમાં મોટો મનાય છે અને તે પોતે પણ પોતાને રૂપિયા પ્રમાણે મોટો માની લે છે. વસ્તુતઃ રૂપિયાની સંખ્યાના આધાર પર પોતાને નાનો કે મોટો માનવો તે પતનનું ચિહ્ન છે. રૂપિયાની જરૂરત કરતાં વધારે સંખ્યા કેવળ અભિમાન વધારવા સિવાય બીજા કોઈ ઉપયોગમાં આવતી નથી અને મોટે ભાગે માણસો પણ અભિમાન વધારવા જ રૂપિયાનો ધ્રોડ રાખતા હોય છે. અભિમાન આસુરી સંપત્તિનું મૂળ છે. જેટલા પણ દુર્ગુણ, દુરાચાર અને પાપ છે, તે બધા અભિમાનરૂપી વૃક્ષની છાયામાં રહે છે. આ રીતે રૂપિયાને તેમાં પણ સંખ્યાને જ મહત્ત્વ આપવાવાળી વ્યક્તિ પરમાત્માના મહત્ત્વને કયારેય સમજી જ શકતી નથી. ત્યારે તેને પરમાત્માને પામવાની લગની લાગવાની તો વાત જ કયાં કરવી? જેના મનમાં એવી વાત ઠસી ગઈ છે કે રૂપિયા જ જે કાઈ છે તે સર્વસ્વ છે અને તેના વિના કોઈ કામ ચાલી જ નથી શકતું. તેને પરમાત્મામાં એક નિશ્ચયાત્મિકા બુદ્ધિ થતી નથી. તેની બુદ્ધિ રૂપિયાની આસપાસ જ ફરતી રહે છે.

અર્જુને ચૌદમાં અધ્યાયમાં ગુણાતીત થવાનો ઉપાય પૂછયો હતો. ગુણોના સંગથી જ જીવ સંસારમાં ફસાય છે. આથી ગુણોનો સંગ દૂર કરવા માટે ભગવાને અહીં પોતાના પ્રભાવનું વર્ણન કર્યું છે. નાના પ્રભાવને દૂર કરવા માટે મોટા પ્રભાવને જાણવો જરૂરી હોય છે. પોતાનો પ્રભાવ બતાવતાં ભગવાન કહે છે કે, હું જ સકલ જગતને પ્રકાશિત કરું છું પૃથ્વીમાં રહીને ધારું છું. અન્ન ઉત્પન્ન કરીને તમામ પ્રાણીઓનું પોષણ કરું છું. અન્નને પાચન પણ હું જ કરું છું. જીવને સ્મૃતિ, જ્ઞાન અને અપોહન પણ હું જ કરું છું. આ પ્રમાણે સૃષ્ટિની તમામ ક્રિયાઓ પરમાત્માથી સંચાલિત થાય છે. જીવ અહંકારને વશ થઈને પોતાને તેનો કર્તા માની લે છે અને બંધાઈ જાય છે.