શ્લોક ૦૭-૧૧
જીવાત્માનો વિષય
શ્રીભગવાન બોલ્યા
ममैवांशो जीवलोके जीवभूत: सनातन:।
मन: षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति।।७।।
અર્થ : આ જીવલોકમાં મારો અંશભૂત સનાતન જીવાત્મા પ્રકૃતિમાં રહેલાં અને મન જેમાં છઠ્ઠું છે. એવા પાંચેય ઈન્દ્રિયોને પોતા તરફ ખેંચે છે-વશમાં રાખે છે. ।।૭।।
ममैवांशो जीवलोके जीवभूत: सनातन:। જેમની સાથે જીવની તાત્ત્વિક એકતા નથી અથવા સ્વરૂપની એકતા નથી. એવી પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય માત્રનું નામ ‘લોક’ છે. ત્રણે લોકમાં ચૌદે ભુવનોમાં જીવ જેટલી યોનિઓમાં શરીર ધારણ કરે છે, તે સઘળા લોકો તથા યોનિઓને અહીં ‘जीवलोके’ શબ્દથી બતાવ્યા છે.
આત્મા ચૈતન્ય છે તથા પરમાત્માનો અંશ છે; છતાં પ્રકૃતિના કાર્ય એવા શરીર, ઈન્દ્રિય, મન, પ્રાણ વગેરેની સાથે એકતા માની ને તે ‘જીવ’ બની ગયો છે. માટે ‘जीवभूत:’ કહ્યું છે. તેનું આ જીવપણું બનાવટી છે; વાસ્તવિક નથી. નાટકમાં કોઈ પાત્ર બને છે તેમ જ આ આત્મા જીવલોકમાં જીવ બને છે.
સાતમા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે, આ સકળ જગતને મારી ‘जीवभूत:’ પરા પ્રકૃતિએ ધારણ કરી રાખ્યું છે.(૭-૫) અર્થાત્અપરા પ્રકૃતિ(સંસાર) સાથે વાસ્તવિક સંબંધ ન હોવા છતાં પણ જીવે તેની સાથે પોતાનો સંબંધ માની રાખ્યો છે.
ભગવાન જીવના પ્રત્યે અત્યંત આત્મીયતા રાખે છે. તેથી જ કહે છે કે ‘ममैवांशो’ જીવ મારો જ અંશ છે. એવું કેવળ માનતા જ નથી; પરંતુ સાથે જ રાખે છે. પોતાની જીવ પ્રત્યેની આ આત્મીયતા હિતકારી, અખંડ રહેવાવાળી અને સ્વતઃસિદ્ધ છે.
અહીં ભગવાન એ વાસ્તવિકતાને પ્રગટ કરે છે કે, જીવ મારો જ અંશ છે. એનામાં પ્રકૃતિનો કિંચિત્માત્ર પણ અંશ નથી. જેમ સિંહનું બચ્ચું ઘેંટાઓના ટોળામાં ભળી જઈને પોતાને ઘેટું માની લે. એવી જ રીતે જીવ, શરીર વગેરે જડ-પ્રકૃતિના પદાર્થોની સાથે ભળીને પોતાના અસલી ચૈતન્ય સ્વરૂપને ભૂલી જાય છે. આથી આ ભૂલને દૂર કરીને તેણે પોતાનો સદા સર્વદા ચૈતન્યરૂપે જ અનુભવ કરવો જોઈએ. સિંહનું બચ્ચું ઘેટાંઓની સાથે ભળીને પણ ઘેટું નથી બની જતું. જેમ કોઈ બીજો સિંહ આવીને તેને બોધ કરાવે કે તું ઘેટું નથી, સિંહ છો. જો તારી ને મારી આકૃતિ, સ્વભાવ જાતિ, ગજર્ના વગેરે એક સરખું છે. આથી નિશ્ચિતરૂપે તું ઘેટું નથી; પરંતુ મારા જેવો જ સિંહ છે.’ એવી જ રીતે ભગવાન અહીં ‘ममएव’ શબ્દોથી જીવને બોધ કરાવે છે અને સત્સંગ તથા સંતો પણ તેને તે જ વાતની વારંવાર યાદી આપે છે કે, પ્રકૃતિ સાથે તારો સંબંધ કદી નથી થયો, છે પણ નહિ, થશે પણ નહિ અને થઈ શક્તો પણ નથી. તું તો ભગવાનનો અંશ છે. તેની સાથે તારો સંબંધ છે. ભગવત્પ્રાપ્તિના બધા જ સાધનોમાં અહંતા(હું પણું) અને મમતા(મારાપણું)ના પરિવર્તનરૂપી સાધન બહુ સુગમ અને શ્રેષ્ઠ છે અને અતિ જરૂરી પણ છે. તેને બદલાવ્યા સિવાય બીજા કોઈ સાધનોનો ઝાઝો અર્થ રહેતો નથી. અહંતા અને મમતા બન્નેમાં સાધકની જેવી માન્યતા હોય છે, તેના અનુસાર તેનો ભાવ અને ક્રિયા પણ આપોઆપ થાય છે. સાધકને ‘અહંતા’ એ હોવી જોઈએ કે ‘હું ભગવાનનો જ છું’ હું ભગવાનનો સેવક છું અને મમતા ભગવાન કે તેના સાચા સંત-ભક્તમાં જ રહેવી જોઈએ. ‘તે જ મારા સાચા સગાં છે, વાસ્તવમાં પણ મારા છે.’
આ બધાનો અનુભવ છે કે, આપણે પોતાને જે વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના માનીએ છીએ, તેને અનુસારે જ આપણું જીવન બને છે. આ માન્યતા(જેમ કે હું બ્રાહ્મણ છું, ગૃહસ્થ છું, સાધુ છું વગેરે) કેવળ કર્તવ્ય પાલનને માટે છે.(નાટકના સ્વાંગની જેમ) કેમ કે એ સદા રહેવાવાળી નથી; પરંતુ હું ભગવાનનો છું. આ વાસ્તવિકતા સદા રહેવાવાળી છે. મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, શરીર, ધન, જમીન, મકાન વગેરે પદાર્થોને આપણે ભૂલથી પોતાના માની રહ્યા છીએ. તે પદાર્થો આપણને કદી પણ એવું નથી કહેતા કે ‘તમે અમારા છો કે અમે તમારા છીએ’ જ્યારે તમામ સૃષ્ટિના રચયિતા પરમાત્મા સ્પષ્ટ ઘોષણા કરે છે, સ્પષ્ટ પણે કહે છે કે, જીવ મારો જ છે.
આપણે વિચાર કરવો જોઈએ કે શરીર વગેરે પદાર્થોને આપણે સાથે લાવ્યા નથી. આપણી ઈચ્છા અનુસાર તેમાં પરિવર્તન કરી શકતા નથી. આપણી ઈચ્છા અનુસાર તેઓને પોતાની પાસે સ્થિર રાખી શકતા નથી. આપણે પણ તેઓની સાથે સદા રહી શકતા નથી. તેઓને પોતાની સાથે લઈ જઈ શકતા નથી. છતાં પણ તેઓને પોતાના દૃઢપણે માનીએ છીએ. આ આપણી કેટલી મોટી ભૂલ કહેવાય?
બાળપણમાં આપણાં મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, શરીર જેવાં હતાં તેવાં અત્યારે નથી. તમામ બદલાઈ ગયા છે; છતાં આપણી પોતાના વિશેની માન્યતા છે તે તે જ રહેશે. જેમ કે બાળકપણામાં જે હું હતો તે જ હું અત્યારે છું. એમ માનીએ છીએ. તેનું કારણ એ જ છે કે શરીર વગેરેમાં પરિવર્તન થવા છતાં પણ આપણા ચૈતન્યમાં પરિવર્તન થયું નથી. આ રીતે આપણા શરીર વગેરેમાં આપણને સ્પષ્ટ પરિવર્તન જણાતું નથી. આ રીતે આપણા શરીર વગેરેમાં આપણને સ્પષ્ટ પરિવર્તન દેખાય છે. જેને પરિવર્તન દેખાય છે તે પોતે પરિવર્તન રહિત હોય છે, એવો નિયમ છે. તો જ તે પરિવર્તનને જોઈ શકે છે.આથી શરીર આદિ સંસારના પદાર્થો અને વ્યક્તિઓથી આપણે અલગ છીએ. એમ સાબિત થાય છે. એ વાસ્તવિકતા છે.
‘હું ભગવાનનો છું, ભગવાનનો સેવક, ભક્ત વગેરે છું’ એવો ભાવ રાખવો એ પોતાની જાતને ભગવાનમાં જોડવા માટે છે.સાધકો ભૂલ ત્યાં કરે છે કે, તેઓ પોતાની જાતને-વ્યક્તિત્વને-ભગવાનમાં નથી જોડતા અને મનબુદ્ધિને ભગવાનમાં જોડવાની કોશિશ કરે છે. તેથી મનને વશ કરવામાં અને મનને ભગવાનમાં જોડવામાં તેમને અત્યંત કઠિનાઈ અનુભવાય છે અને તેમ કરવામાં સમય પણ ખૂબ વધારે લાગે છે. કદાચને જાતને જોડયા વિના ખાલી ઉપલક રીતે પેલા બધાને જોડવા છતાં કયારે અલગ પડી જાય છે તેની ખબર નથી પડતી. ‘હું ભગવાનનો સેવક છું, ભક્ત છું વગેરે.’ વાસ્તવિકતાની ઉપેક્ષા કરીને કે ભૂલી જઈને ‘હું બ્રાહ્મણ છું, ગૃહસ્થ છું, સાધુ છું’ વગેરે માનતા રહીએ અને મનબુદ્ધિને ભગવાનમાં જોડતા રહીએ તો પણ આ દુવિધા દૂર થશે નહિ અને બહુ જ પ્રયત્ન કરવા છતાં પણ મનબુદ્ધિ ભગવાનમાં જેવા લાગવા જોઈએ તેવા લાગશે નહિ અને આપણા જીવને થકાવી દેશે.
ભગવાને પણ આ અધ્યાયના ચોથા શ્લોકમાં ‘હું એ પરમાત્માને શરણે છું. એમ કહીને પોતાની જાતને પરમાત્મામાં જોડવાની વાત કહી છે. તાત્પર્ય એ છે કે ભગવાનમાં કેવળ મન, બુદ્ધિ જોડવાની અપેક્ષાએ પોતાની જાતને ભગવાનમાં જોડવી તે શ્રેષ્ઠ છે. પોતાની જાતને ભગવાનમાં જોડવાથી મનબુદ્ધિ સુગમતાપૂર્વક ભગવાનમાં જોડાઈ જશે. નાટકનું પાત્ર હજારો દર્શકોની સામે એમ કહે છે કે, ‘હું રાવણનો બેટો મેઘનાદ છું અને મેઘનાદની જેમ જ તે બહારની બધી ચેષ્ટાઓ કરે છે; પરંતુ તેના હૈયામાં ચોખ્ખું સ્પષ્ટ નક્કી જ હોય છે કે, હું મેઘનાદ છું જ નહિ. વાસ્તવિકપણે તો ‘હું ફલાણો ભવાયો છું’’ આ પણ નાટકના સ્વાંગની પેઠે આ સંસારરૂપી નાટકશાળામાં પોતપોતાના વંશ પ્રમાણે કર્તવ્યપાલન કરતા રહીને અંતરથી ચોખ્ખું માનવાનું છે કે હું તો એ માંહીલો એકેય છું નહિ પણ હું તો ભગવાનનો છું. ‘ભગવાનનો સેવક છું’ એવો ભાવ હરદમ જાગ્રત રાખવો જોઈએ.
જીવ સદાયથી ભગવાનનો છે. ‘सनातन:’ ભગવાને ન તો કદી જીવનો ત્યાગ કર્યો, ન કદી તેનાથી વિમુખ થયા અને જીવ પણ ભગવાનનો ત્યાગ નથી કરી શકતો; પરંતુ ભગવાનના દ્વારા મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને તે ભગવાનથી વિમુખ થયેલો છે. બુદ્ધિમાન કહેવડાવવાવાળા મનુષ્યની આ બહુ જ મોટી ભૂલ છે. ભગવાન એટલા બધા સુહૃદ છે કે, આપણે પ્રેમ ન કરવા છતાં તે આપણા ઉપર પ્રેમ કરે છે, ચાહે છે. આવા સુહૃદ ભગવાનને છોડીને, નાશવાન જડ પદાર્થોને પોતાના માનવા એ બુદ્ધિમાનતા નથી; પરંતુ મહાન મૂર્ખતા છે. જીવ ગમે તે યોનિમાં હોય, નરકમાં, સ્વર્ગમાં, મનુષ્યમાં કે પશુ યોનિમાં હોય પણ ભગવાન તેનું હિત જ કરે છે. આ તેમની અહૈતુકી કૃપા, ઉદારતા અને મહાનતા છે. જીવના પતનને દેખીને ભગવાન દુઃખી થાય છે અને કહે છે કે, મારી પાસે આવવાનો તેનો પૂરો અધિકાર હતો; પરંતુ તે મને પ્રાપ્ત કર્યા વિના(माम् अप्राप्य गी. १६/२०) નરકોમાં જઈ રહ્યો છે.
મનુષ્યથી એ બહુ ભારે ભૂલ થઈ રહી છે કે, જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ અત્યારે નથી અથવા જેનું મળવું નિશ્ચિત પણ નથી અને જે મળવા છતાં સદા નહિ રહે. તેની પ્રાપ્તિમાં તે પોતાનો પૂર્ણ પુરુષાર્થ અને ઉન્નતિ માને છે. આ મનુષ્યનો પોતાના કલ્યાણની સાથે બહુ ભારે દગો છે. વાસ્તવમાં જે નિત્યપ્રાપ્ત અને પોતાના છે. તે પરમાત્માને પ્રાપ્ત કરી લેવા એ જ મનુષ્યનો પરમ પુરુષાર્થ છે, શૂરવીરતા છે. કદાચ આપણે ધન, સંપતિ વગેરે સાંસારિક પદાર્થો ગમે તેટલા પ્રાપ્ત કરી લઈએ; પરંતુ અંતે કાં તો તેઓ નહિ રહે અથવા આપણે નહિ રહીએ. અહીં ‘નહિ’ જ નક્કી છે; પરંતુ જીવ જેટલું નાશવાન પદાર્થોને મહત્ત્વ આપે છે, તેટલો જ તે પતનની તરફ જાય છે અને જેટલું અવિનાશી પરમાત્માને મહત્ત્વ આપે છે. તેટલો ઊંચે ચડે છે. નાશવાન સાંસારિક પદાર્થોને પ્રાપ્ત કરીને મનુષ્ય કદી પણ મોટો થઈ શકતો નથી. મોટો થયાની ભ્રમણા થાય છે અને વાસ્તવમાં અસલી મોટાઈ(પરમાત્માની પ્રાપ્તિ)થી વંચિત રહી જાય છે.
मन: पष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति-
અહીં બુદ્ધિનો અંતભાવ मन: શબ્દમાં થઈ જાય છે. મનથી સંપૂર્ણ અંતઃકરણને લઈ લેવામાં આવ્યું છે અને પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણોનો અંતર્ભાવ ‘ઈન્દ્રિય’ શબ્દથી કરી લેવામાં આવ્યો છે. ભગવાન બતાવે છે કે, જીવ મારો અંશ હોવા છતાં તે મારામાં સ્થિતિ થતો નથી પણ ભૂલથી પ્રકૃતિ અને તેના કાર્યરૂપ શરીર, ઈન્દ્રિયો, અંતઃકરણમાં સ્થિત થઈને રહે છે. અર્થાત્તેમાં આસક્ત અને તેનું જ ચિંતન-જતન કરતો રહે છે પણ મારું ચિંતન-જતન કરતો નથી. તેણે પોતાની સ્થિતિ ભૂલથી શરીર, ઈન્દ્રિયો મન અને બુદ્ધિમાં માની લીધી છે. મન, ઈન્દ્રિય, શરીરના વિષયમાં લોભાઈ રહેવું, તેની આસક્તિ રાખવી તેને कर्षति શબ્દથી કહ્યું છે. તેમાં આસક્તિ એ આકર્ષણ છે. અહીં મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયોનું નામ લેવાનું તાત્પર્ય એ છે કે, તેની સાથે સંબંધ જોડીને જ જીવ બંધાય છે. આથી સાધકે શરીર, ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને ભગવાન અને તેના સાચા ભક્તોની સેવામાં નિમગ્ન કરીને પોતાની જાતને ભગવાનના શરણે ધરી દેવી જોઈએ.
મનુષ્ય ભૂલથી શરીર, સ્ત્રી, પુત્ર, ધન, મકાન, માન, મોટાઈ વગેરે નાશવંત વસ્તુઓને પોતાની અને પોતાને માટેની માનીને દુઃખી થાય છે. આનાથી પણ હલકી વાત એ છે કે, આ સામગ્રીના ભોગ અને સંગ્રહને લીધે તે પોતાને મોટો માનવા લાગે છે. વાસ્તવમાં તેને પોતાના માનતા જ અને તેમાં નિમગ્ન થતાં જ તેમનો ગુલામ થઈ જાય છે. આપણને ખબર પડે કે ન પડે, આપણે જે પદાર્થોની આવશ્યકતા સમજીએ છીએ. જેઓનામાં કોઈ વિશેષતા કે મહત્ત્વ દેખીએ છીએ કે જેમની આપણે ગરજ રાખીએ છીએ તે(ધન, વિદ્યા વગેરે) પદાર્થો આપોઆપ આપણાથી મોટા અને આપણે તેનાથી તુચ્છ થઈ જઈએ છીએ. તેથી પદાર્થો મળવાથી જે પોતાનું મહત્ત્વ સમજે છે, તે વાસ્તવમાં તુચ્છતાને પામી જાય છે. ચાહે તેને પદાર્થ મળે અથવા ન મળે.
જ્યારે ભગવાનના સંબંધમાં આનાથી ઊલટું બને છે. ભગવાનનો કોઈ દાસ બને તો ભગવાન તેને પોતાનો મુકુટમણિ બનાવી દે છે. જ્યારે આપણે જેના દાસ બની જઈએ છીએ તે ધન કે સ્ત્રી, પુત્રાદિક કયારેય એમ કહેતા નથી કે ‘લોભી મારા મુકુટમણિ’ તેઓ તો કેવળ આપણને પોતાના દાસ જ બનાવે છે. વાસ્તવમાં ભગવાનને પોતાના જાણીને તેને શરણે થવાથી જ મનુષ્ય મોટો બને છે. ઊંચો ચડે છે એટલું જ નહિ, ભગવાન એવા ભક્તને પોતાનાથી મોટો માની લે છે અને કહે છે કે
अहं भक्तपराधीनो ह्यस्वतंत्र इव द्विज।
साधुभिर्ग्रस्तहृदयो भक्तैर्भक्तजनप्रिय: (ભાગ. ૯/૪/૬૩)
હે દ્વિજ ! હું ભક્તોને પરાધીન છું, સ્વતંત્ર નહિ. ભક્તજનો મને અત્યંત પ્યારા છે. મારા હૃદય પર એમનો પૂર્ણ અધિકાર છે. કોઈપણ સાંસારિક વ્યક્તિ કે પદાર્થ શું આપણને એટલી મોટાઈ આપી શકે છે?
મનુષ્ય જે ઘરને પોતાનું માને છે. જે કુટુંબને પોતાનું માને છે. જે રૂપિયાને પોતાના માને છે. તેમની જ ચિંતા તેમને થાય છે. સંસારમાં લાખો કરોડો ઘર છે. અબજો આદમી છે. અગણિત રૂપિયા છે; પરંતુ તે બધાયની ચિંતા થતી નથી. જો કરવી હોય તો બધાયની ચિંતા કરવી. તેમની ચિંતા એટલા માટે નથી થતી કે તેમને પોતાના નથી માન્યા. જેમને પોતાના નથી માનતો તેનાથી તે મુક્ત બની જાય છે. તેથી મોટા ભાગની મુક્તિ તો પ્રાપ્ત કરી લીધી છે. હવે થોડાક જે પોતાના માની રાખ્યા છે. તેટલાથી જ મુક્ત થવાનું છે. તેટલી જ મુક્તિ બાકી છે. તે ચીજો પણ રહેવાની નથી પણ તેનો સંબંધ(માનસિક સંબંધ વાસના) રહી જશે. જે જન્મ જન્માંતર સુધી ઊભો રહેશે. માટે સાધકે તેનાથી નિવૃત્ત થવું, પર થવાનું છે.
शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर:।
गृहीत्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात्।।८।।
અર્થ : આ દેહનો સ્વામી જીવાત્મા-જે શરીરમાંથી નીકળે છે. તેમાંથી વાયુ પુષ્પાદિક સ્થાનમાંથી ગંધને જ જેમ એમ આ મને સહિત ઈન્દ્રિયોને ગ્રહણ કરીને જે શરીરને પામે છે તેમાં તે મન-ઈન્દ્રિયોએ સહિત જાય છે. ।।૮।।
यत् शरीरं अवाप्नोति, यत्(यस्मात्) शरीरात् उत्क्रामति, तत्रायमिन्द्रियाणामीश्वर: एतानि(इन्द्रियाणि भूत सूक्ष्मै: सह) गृहीत्वा संयाति। वायुर्गन्धानिवाशयात्
वायुर्गन्धानिवाशयात्-જે રીતે વાયુ, ફૂલ, ચંદન વગેરેમાંથી ગંધ લઈ જાય છે; પરંતુ તે ગંધ સ્થાયીરૂપે વાયુમાં નથી રહેતો. કેમ કે વાયુ અને ગંધને નિત્ય સંબંધ નથી. પૃથ્વી અને ગંધને નિત્ય સંબંધ હોય છે. વાયુ જેમ ગંધને તેના આશ્રયસ્થાનમાંથી સૂક્ષ્મ અવયવો સહિત લઈ જાય છે, તેમ જીવાત્મા પણ સૂક્ષ્મ અને કારણ શરીર સહિત ઈન્દ્રિયોને લઈને ચાલે છે. વાયુને અને ગંધને નિત્ય સંબંધ ન હોવાથી તે ગંધ કે સૂક્ષ્મ અવયવો તેની સાથે સદાકાળ તેના તે જ રહેતા નથી. સદાકાળ બદલાયા જ કરે છે. એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ મૂકીને બીજા ત્યાંથી નવા લઈને ત્યાંથી વળી બીજે ચાલે છે.(વાયુ સર્વત્રગોમહાન્) સતત ચાલ્યા જ કરે છે. કયાંય વાયુ સ્થિર થતો જ નથી. જીવાત્માનું પણ દૃષ્ટાંત આપ્યું તેમ જ છે. જીવાત્મા પરમાત્માનો અંશ છે. તેને ઈન્દ્રિયો કે સ્થૂળ,સૂક્ષ્મ કારણ શરીર સાથે નિત્ય સંબંધ નથી અને આ પણ તેની સાથે સદાકાળ રહી શકતા નથી પણ તે તે દરેકમાંથી જીવાત્મા કંઈની કંઈ વાસના લઈને એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં અને સતત ફરતો રહે છે ને સુખી દુઃખી થતો રહે છે. ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, સ્વભાવ, વાસનાને પોતાના માનવાને કારણે જીવાત્મા તેને સાથે લઈને જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે.
જેમ વાયુ તત્ત્વતઃ ગંધથી નિર્લેપ છે. એવી જ રીતે જીવાત્મા પણ તત્ત્વતઃ મન, ઈન્દ્રિયો શરીરથી નિર્લેપ છે પણ જીવાત્માએ તેમાં હું મારાપણાની માન્યતા માની લીધી છે તેથી તે બધા તેનું આકર્ષણ(कर्षति) કરે છે, ખેંચી રાખે છે. જેમ ખરેખર તો વાયુ આકાશનું કાર્ય છે. છતાં પૃથ્વીના અંશ એવા ગંધને સાથે લઈને ધૂમે છે. એવી જ રીતે જીવ પરમાત્માનો અંશ હોઈને પણ પ્રકૃતિના કાર્ય(પ્રતિક્ષણે બદલવાવાળા) શરીરોને સાથે લઈને ભિન્ન ભિન્ન યોનિઓમાં ઘૂમે છે. જડ હોવાને કારણે વાયુમાં તો તે વિવેક નથી કે તે ગંધને ગ્રહણ ન કરે; પરંતુ જીવાત્માને તો એ વિવેક અને સામર્થ્ય મળેલું છે કે એ જ્યારે ચાહે ત્યારે શરીર સાથેનો સંબંધ દૂર કરી શકે છે. ભગવાને મનુષ્યને એ સ્વતંત્રતા આપી રાખી છે કે, તે ચાહે તેની સાથે સંબંધ જોડી શકે છે અને ચાહે ત્યાંથી સંબંધ તોડી પણ શકે છે. પોતાની ભૂલ દૂર કરવા માટે કેવળ પોતાની માન્યતા બદલવાની છે.
ભગવાને અહીં પણ ત્રણ શબ્દો દૃષ્ટાંતના રૂપમાં આપ્યા છે. (૧) વાયુ (૨) ગંધ અને (૩) આશય. આશય એટલે સ્થાન. જેમ કે જલાશય(જલ+આશય) અર્થાત્જળનું સ્થાન. અહીં આશય સ્થૂળ શરીરને માટે વપરાયો છે. જેવી રીતે ગંધના સ્થાન(આશય) ફૂલ, ચંદન કે ગંદી વસ્તુમાંથી વાયુ ગંધ લઈને બીજે જાય છે અને તે વસ્તુ પાછળ પડી રહે છે. એ જ રીતે વાયુરૂપી જીવાત્મા સૂક્ષ્મ અને કારણ શરીરરૂપ સૂક્ષ્મ અવયવોએ સહિત વાસનારૂપી ગંધને લઈને જાય છે ત્યારે ગંધને આશયરૂપ સ્થૂળ શરીર પડી રહે છે.
शरीरं यदवाप्नोति… गृहीत्वैतानि संयाति…
અહીં ઈશ્વર શબ્દ આત્માને માટે વપરાયો છે. કારણ કે ત્રણે ક્રિયાઓ શ્લોકમાં બતાવી કે अवाप्नोति, उत्क्रामति અને संयाति એ ત્રણેમાં ભગવાને જીવને સ્વતંત્રતા આપી છે પણ ભગવાનની આજ્ઞા કે મરજીથી વિરુદ્ધ ચાલીને જીવે પોતાની સ્વતંત્રતા અત્યારે તો ગુમાવી દીધી છે. તેથી એ ભાવમાં જીવને પણ અહીં ભગવાને ઈશ્વર કહ્યો છે. એ જીવાત્માથી ત્રણ ખાસ ભૂલો થઈ રહી છે-(૧) મન, બુદ્ધિ, શરીર વગેરે જડ પદાર્થોનો પોતાને સ્વામી માને છે; પરંતુ વાસ્તવમાં બની જાય છે પોતે તેનો દાસ. (૨) પોતાને એ જડ પદાર્થનો સ્વામી માની લેવાને કારણે પોતાના વાસ્તવિક સ્વામી-પરમાત્માને ભૂલી જાય છે. (૩) જડ પદાર્થો સાથે માનેલા સંબંધનો ત્યાગ કરવામાં પોતે સ્વાધીન હોવા છતાં પોતે તેનો ત્યાગ કરતો નથી.
પરમાત્માએ જીવાત્માને શરીર વગેરે સામગ્રીનો સદુપયોગ કરવાની સ્વાધીનતા આપી છે. તેમનો સદુપયોગ કરીને પોતાનો ઉદ્ધાર કરવાને માટે એ વસ્તુઓ આપી છે. તેમનો સ્વામી બની જવા માટે નહિ; પરંતુ જીવથી એ બહુ જ મોટી ભૂલ થાય છે કે, તે તે સામગ્રીનો સદુપયોગ બિલકુલ નથી કરતો અને ઊલટાનો પોતાને તેમનો માલિક માની લે છે ને માલિક બનવા મથે છે; પરંતુ વાસ્તવમાં અંતે તેમનો ગુલામ બની જાય છે.
જીવાત્મા જડ પદાર્થો અને વ્યક્તિ સાથે માનેલા સંબંધનો ત્યાગ ત્યારે જ કરી શકે છે. જ્યારે તેને એ માલૂમ થઈ જાય કે એમનો માલિક બનવાથી કે બનવાના પ્રયત્નથી હું સર્વથા પરાધીન બની ગયો છું અને મારું પતન થયું છે. આ જગતમાં જે જેમનો માલિક બને છે તેમની ગુલામી તેમનામાં આવી જ જાય છે. તેને કેવળ વહેમ કે ભ્રમણા રહે છે કે હું તેમનો હવે માલિક બની ગયો છું. જડ પદાર્થોનો માલિક બનવાથી એક તો તેને તે પદાર્થોની ‘કમી’નો અનુભવ થવા લાગે છે અને જેટલા મળે તો પણ તેને ઓછાને ઓછા જ પડે છે અને બીજું તે પોતાને અનાથ માની લે છે.
જેને માલિકપણું કે કેવળ અધિકાર ભોગવવો સારો લાગે છે, તે પરમાત્માને પ્રાપ્ત નથી કરી શકતો. કેમ કે પરમાત્માને પામીને તો તેના સેવક બનવાનું હોય છે ને કેવળ ફરજ જ બજાવવાની રહે છે. બીજું એ છે કે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદ વગેરેનો સ્વામી બને છે, તે પોતાના વાસ્તવિક સ્વામીને ભૂલી જાય છે- એવો નિયમ છે. જેમ કે બાળક હોય ત્યારે કેવળ માને પોતાની માનીને ચાહે છે. તે સમય તે મા વિના રહી જ શકતો નથી; પરંતુ તે જ બાળક જ્યારે મોટો થઈને વિવાહ થાય છે ને ગૃહસ્થ બની જાય છે અને પોતાને સ્ત્રી, પુત્ર, મિલકતનો સ્વામી માનવા લાગે છે ત્યારે પેલી માતાનું તેની પાસે રહેવાનું પણ ગમતું નથી, આ સ્વામી બનવાનું જ પરિણામ છે. એવી જ રીતે આ જીવાત્મા પણ શરીર વગેરે જડ પદાર્થોનો સ્વામી બનીને પોતાના વાસ્તવિક સ્વામી પરમાત્માને ભૂલી જાય છે-એમનાથી વિમુખ થઈ જાય છે અને જ્યાં સુધી આ ભૂલ કે વિમુખતા રહેશે ત્યાં સુધી જીવાત્મા સતત દુઃખ પામતો રહેશે, સુખ તો કયારેય થશે જ નહિ.
‘ईश्वर:’ પદની સાથે ‘अपि’ પદ પણ એક વિશેષ અર્થ ધરાવે છે કે, આ ઈશ્વર બનેલો જીવાત્મા વાયુના સમાન અસમર્થ, જડ અને પરાધીન નથી. આ જીવાત્મામાં એવી સામર્થી અને વિવેક છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે માનેલા સંબંધને છોડી શકે છે અને પરમાત્મા સાથેના નિત્ય સંબંધનો અનુભવ કરી શકે છે; પરંતુ વિષયોના સુખની લોલુપતાને કારણે તે સંસાર સાથે માનેલા સંબંધને છોડવા માગતો નથી, છોડતો નથી.
જીવને બે શક્તિઓ મળેલી છે. (૧) પ્રાણશક્તિ-જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને (૨) ઈચ્છાશક્તિ-જેનાથી જીવ ભોગોને મેળવવાની કે મોક્ષ મેળવવાની ઈચ્છા કરે છે અથવા ભગવાનની ભક્તિ મેળવવાની ઈચ્છા કરે છે. પ્રાણશક્તિ હરદમ(શ્વાસોચ્છવાસ દ્વારા) ક્ષીણ થતી રહે છે. પ્રાણશક્તિનું ખતમ થઈ જવું એ જ શરીરનું મૃત્યુ કહેવાય છે. જડ પદાર્થનો વધારે સંગ થઈ જવાથી તે સંબંધી કંઈક કરવાની તથા પામવાની ઈચ્છા ચાલુ રહે છે. પ્રાણશક્તિ સુરક્ષિત હોય ત્યાં સુધીમાં ઈચ્છાશક્તિ અર્થાત્આ લોક સંબંધી કંઈક કરવાની કે પામવાની ઈચ્છા દૂર થઈ જાય તો મનુષ્ય જીવન મુક્ત થઈ જાય છે અને પ્રાણશક્તિ નષ્ટ થઈ જાય ને ઈચ્છાઓ ચાલુ રહે ત્યારે જીવ પામર અને લાચાર થઈ જાય છે ત્યારે તેને અવશ્ય બીજો જન્મ લેવો પડે છે. નવું શરીર મળતાં ઈચ્છાશક્તિ તો તે જ(પૂર્વજન્મની) રહે છે. પ્રાણશક્તિ નવી મળી જાય છે. ઈચ્છાશક્તિ ચૈતન્યનો ધર્મ છે. તે કયારેય સંપૂર્ણપણે નષ્ટ થવી શકય નથી; પરંતુ તેનો વિષય સંપૂર્ણપણે બદલી શકે છે. જો તેનો વિષય સંપૂર્ણપણે પરમાત્મા સંબંધી થઈ શકે, તો પણ પ્રાણશક્તિ હોવા છતાં પણ તે મુક્ત થઈ જાય છે અને તેને જીવનમુક્ત કહેવાય છે.
અહીં ‘गृहीत्वा’ પદનું તાત્પર્ય છે-પોતાના નથી, તેમની સાથે રાગ, મમતા, પ્રીતિ કરવા. જેમના ઈન્દ્રિયોની સાથે જીવાત્મા પોતાપણું કરીને તેમને સાથે લઈને ફરે છે, તે મન અને ઈન્દ્રિયો કદી નથી કહેવા કે અમે તમારા છીએ અને તમે અમારા છો. એમના પર જીવાત્માનું શાસન પણ ચાલતું નથી. જેમ ઈચ્છે તેમ રાખી શકતો નથી. છતાં પોતાપણાનો રાગ-મમતાયુક્ત સંબંધ જ બાંધવાવાળો બને છે.
પોતાના તરફથી છોડયા વિના શરીર વગેરેમાં મમતાનો સંબંધ મરવા છતાં પણ છૂટતો નથી. તેથી તો મૃત શરીરના અસ્થિને ગંગાજીમાં પધરાવવાથી તે જીવની આગળ ગતિ થાય છે. આ માનેલા સંબંધને છોડવા માટે જીવ સર્વથા સ્વતંત્ર અને શક્તિમાન છે. જો શરીરના રહેતાં જ તેમાંથી પોતાપણું હઠાવી દે, તો જીવતે જીવતા જ મુક્ત થઈ જવાય.
આ શ્લોકમાં આવેલું ‘एतानि’ પદ સાતમા શ્લોકમાં ‘मन: षष्ठानीन्द्रियाणि’નું વાચક છે. ‘एतानि’ પદ સમગ્ર સૂક્ષ્મ શરીરનું વાચક છે. તેમ જ કારણ શરીરનું પણ વાચક છે. આ બધાને ગ્રહણ કરીને જીવાત્મા બીજા શરીરમાં જાય છે. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવાં વસ્ત્રો ધારણ કરે છે. તેવી જ રીતે જીવાત્મા જૂના શરીરનો ત્યાગ કરીને નવા શરીરને પ્રાપ્ત થાય છે.(ગી.૨/૨૨)
श्रोत्रं चक्षु: स्पर्शनं च रसनं घ्राणमेव च।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते।।९।।
અર્થ : અને તે શરીરમાં આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ અને ત્વચા તથા રસના અને ધ્રાણ તેમજ મન, આટલાનો આશ્રય લઈને શબ્દાદિક વિષયોનું સેવન-ઉપભોગ કરે છે. ।।૯।।
अधिष्ठाय मनश्चायम् મનમાં અનેક પ્રકારના વિષય સંબંધી સારા નરસા સંકલ્પ વિકલ્પ થતા રહે છે. ઈન્દ્રિયો મન સાથે સંયોજાય છે. મન આત્મા સાથે સંયોજાય છે. મનનો સંયોગ થતાં જ સાંભળવા, દેખવા, સ્પર્શ કરવા, સ્વાદ લેવા અને સૂઘંવાનું જ્ઞાન થાય છે. જીવાત્માને મનના માધ્યમ થયા વિના ઈન્દ્રિયોથી સુખ કે દુઃખ મળી શકતું નથી. જે કાંઈ પ્રાપ્ત કરે છે તે મનને અધિષ્ઠાન બનાવીને, માધ્યમ બનાવીને ઈન્દ્રિયો દ્વારા વિષયો પ્રાપ્ત થાય છે. તેથી મનને અધિષ્ઠાન કરીને એમ કહેવામાં આવ્યું છે. મનુષ્ય પોતાના મનમાં નિરંતર કંઈકને કંઈક વિચારતો રહે છે. જેને સંકલ્પ વિકલ્પ, મનોરાજ્ય કે મનોરથ કહે છે. નિદ્રાને સમયે આ જ વસ્તુ સ્વપ્ન થઈને દેખાય છે. મન પર બુદ્ધિનો પ્રભાવ(લગામ) રહેવાને કારણે આપણે મનમાં આવેલી પ્રત્યેક બાબતને પ્રગટ કરતા નથી; પરંતુ બુદ્ધિની લગામ હટી જવાથી મનમાં આવેલી દરેક બાબત કહેવી કે તેના અનુસાર આચરણ કરવું એ ‘પાગલપણું’ કહેવાય છે. આ રીતે મનોરાજ્ય, સ્વપ્ન અને પાગલપણું-એ ત્રણે એક સમાન ગણાય છે.
श्रोत्रं चक्षु: स्पर्शनं च… શ્રવણેન્દ્રિયમાં સાંભળવાની શક્તિને ‘श्रोत्रम्’ કહેવાય છે. આજ સુધી આપણે અનેક પ્રકારના અનુકૂળ(સ્તુતિ, માન, બડાઈ, આશીર્વાદ, મધુર ગાન, વાદ્ય વગેરે) અને પ્રતિકૂળ(નિંદા, અપમાન, શાપ, ગાળો વગેરે) શબ્દો સાંભળ્યા છે; પરંતુ તેનાથી ચૈતન્યમાં કોઈ ફરક પડયો નથી. તેમ જ નેત્રેન્દ્રિયમાં દેખવાની શક્તિને ‘चक्षु:’ કહેવાય છે. તેમાં પણ આજ સુધી સારાં-નરસાં, અનુકૂળ-પ્રતિકૂળ રૂપ કે દૃશ્યો જોયાં છે.
स्पर्शेन्द्रियमां स्पर्शज्ञान शक्तिने ‘स्पर्शनम्’ કહેવાય છે તેમ જ રસનેન્દ્રિય દ્વારા સ્વાદ લેવાની શક્તિને ‘रसनम्’ અને ઘ્રાણ દ્વારા ‘घ्राणम्’ કહેવાય છે.
તેમાં શ્રવણેન્દ્રિયથી બે પ્રકારનું જ્ઞાન થાય છે. (૧) અપરોક્ષ(પ્રત્યક્ષ) શબ્દનું જ્ઞાન (૨) પરોક્ષ વિષયનું જ્ઞાન. તેથી પરમાત્મા આદિ અતીન્દ્રિય તત્ત્વો(પરોક્ષ વિષયોવાળાં તત્ત્વો)નું જે જ્ઞાન તે શાસ્ત્ર શ્રવણથી શ્રવણેન્દ્રિય દ્વારા થાય છે. તેથી શ્રવણ ભક્તિનો ખૂબ જ મહિમા કહ્યો છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ બન્ને માર્ગમાં શ્રવણનું અવલોકન કરવાથી અને અધ્યયન કરવાથી પણ શાસ્ત્રીય પરોક્ષ વિષયનું જ્ઞાન થાય છે. તેમ છતાં વાસ્તવમાં તે પણ શબ્દનું લેખિત રૂપ હોવાથી પ્રકારાંતરથી શબ્દની શક્તિ જ છે. શાસ્ત્રજ્ઞાન પણ જેવું ગુરુમુખે શ્રવણથી થાય છે, તે વાંચવાથી થતું નથી. વિદ્યાધ્યયનમાં પણ પહેલા સાંભળવાથી જ બોધ થાય છે. શબ્દમાં અચિંત્ય શક્તિ છે. જેને શ્રવણેન્દ્રિય જ ગ્રહણ કરી શકે છે, અન્ય નહિ.
પાંચે જ્ઞાનેન્દ્રિયોને તે તેના વિષયોનો સંબંધ છે. તદુઉપરાંત શ્રોત્રનો વાણી સાથે, નેત્રનો પગ સાથે, ત્વાચાનો હાથ સાથે, રસનાનો ઉપસ્થ સાથે અને ઘ્રાણનો ગુદા સાથે આમ પાંચેય જ્ઞાનેન્દ્રિયો ને પાંચેય કર્મેન્દ્રિયો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જેમ કે જન્મથી બહેરા હોય તે મૂંગો પણ હોય છે. પગના તળિયામાં તેલની માલિશ કરવાથી તેની નેત્રો ઉપર ઝાઝી અસર પડે છે. ત્વચાના સ્પર્શથી હાથ કામ કરે છે ને પ્રેરણા પામે છે. રસના ઈન્દ્રિય વશ થવાથી ઉપસ્થ પણ વશ થાય છે. ઘ્રાણથી ગંધનું ગ્રહણ અને ગુદાથી ગંધત્યાગ થાય છે.
પંચમહાભૂતોમાં એક-એક મહાભૂતના સત્ત્વગુણ અંશથી જ્ઞાનેન્દ્રિયો, રજોગુણ અંશથી કર્મેન્દ્રિયો અને તમોગુણ અંશથી શબ્દાદિક પાંચ વિષયો(તન્માત્રા) બન્યા છે.
પંચ મહાભૂતો સત્વગુણ અંશ રજોગુણ અંશ તમોગુણ અંશ
આકાશ શ્રોત્ર વાક્ શબ્દ
વાયુ ત્વચા હસ્ત સ્પર્શ
અગ્નિ નેત્ર પાદ રૂપ
જળ રસના ઉપસ્થ રસ
પૃથ્વી ઘ્રાણ ગુદા ગંધ
તેમજ પાંચ મહાભૂતોના મળેલા સત્ત્વગુણ અંશથી મન અને બુદ્ધિ, રજોગુણ અંશથી પ્રાણ અને તમોગુણ અંશથી શરીર બન્યું છે.
विषयानुपसेवते-જેવી રીતે કોઈ વેપારી એક જગ્યાએથી દુકાન ઉઠાવીને બીજી જગ્યાએ દુકાન કરે છે. એવી જ રીતે જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે અને જેવી રીતે પહેલા શરીરમાં રાગપૂર્વક વિષયોનું સેવન કરતો હતો, એવી જ રીતે બીજા શરીરમાં જતાં(તેવો જ સ્વભાવ હોવાથી, વાસના હોવાથી) વિષયોનું સેવન કરવા લાગે છે. આ રીતે જીવાત્મા વિષયોમાં વારંવાર આસક્તિ કરવાને કારણે ઊંચ નીચ યોનિમાં ભટકતો રહે છે.
ભગવાને આ મનુષ્ય શરીર પોતાનો ઉદ્ધાર કરવાને માટે આપ્યું છે. સુખ ભોગ ભોગવવાને માટે નહિ. જેવી રીતે આપણે બ્રાહ્મણને ગાયનું દાન કરીને પછી પાછળથી ચારો પાણી પણ આપી શકીએ છીએ; પરંતુ આપેલી ગાયનું દૂધ પીવાનો આપણને અધિકાર નથી. એવી જ રીતે મળેલા શરીરનો ભગવાન કે તેમના સાચા ભક્તની સેવામાં સદુપયોગ કરવાનું આપણું કર્તવ્ય છે; પરંતુ તેને પોતાનું માનીને સુખ ભોગવવાનો આપણને હક્ક નથી. વિષયસેવન કરવાને પરિણામે વિષયોમાં રાગ-આસક્તિ જ વધે છે. જે પુનજર્ન્મ તથા તમામ દુઃખોનું કારણ છે. વિષયોમાં વસ્તુતઃ સુખ છે જ નહિ કેવળ આરંભમાં ભ્રમવશ સુખ પ્રતીત થાય છે.(૧૮/૩૮) જો વિષયોમાં સુખ હોય તો જેમની પાસે પ્રચુર ભોગ સામગ્રી છે. એવા મોટા મોટા ધનિક, ભોગી અને પદાધિકારી તો સુખી જ હોવા જોઈએ; પરંતુ વાસ્તવમાં દેખવામાં આવે તો ખબર પડે છે કે તેઓ પણ વધુ દુઃખી અને અશાંત છે. કારણ એ છે કે ભોગ પદાર્થોમાં સુખ છે જ નહિ, થયું નથી, થશે નહિ અને હોઈ શકતું પણ નથી. સુખ લેવાની ઈચ્છાથી જે જે ભોગો ભોગવવામાં આવ્યા તે તે ભોગોથી ધૈર્ય નષ્ટ થયું, ધ્યાન નષ્ટ થયું, રોગો પેદા થયા, ચિંતા થઈ, પશ્ચાતાપ થયો, બેઈજ્જતી થઈ, બળ ગયું, ધન ગયું તેમ જ બહુધા દુઃખ શોક ઉદ્વેગ આવ્યા. આવું આ પરિણામ વિચારશીલ વ્યક્તિને દેખવામાં આવે છે.
भोगा न भुक्ता वयमेव भुक्तास्तपो न तप्तं वयमेव तप्ता:।
कालो न यातो वयमेव यातास्तृष्णा न जीर्णा वयमेव जीर्णा: (भ.वै.-१२)
જેવી રીતે સ્વપ્નમાં જળ પીવાથી તરસ નથી જતી. એવી જ રીતે ભોગ પદાર્થોથી ન તો શાંતિ મળે છે અને ન બળતરા પણ દૂર થાય છે.
‘यत् पृथिव्यां व्रीहीयवं हिरण्यं पशव: स्त्रीय:।
एकस्यापि न पर्याप्तं तस्मात् तृष्णां परित्यजेत्।। (વિ.પુ. ૪/૧૦/૨૪)
સંસારમાં જેટલું ધનધાન્ય છે, જેટલું સોનું છે, જેટલી સુંદર સ્ત્રીઓ છે, જેટલી ઉત્તમ વસ્તુઓ છે તે તમામ એક સામટી કોઈ એક વ્યક્તિને મળી જાય તો પણ તેમનાથી તેને તૃપ્તિ થઈ શકી નથી. માટે સાધકે આજથી જ દૃઢ નિશ્ચય કરી લેવો જોઈએ કે મારે ભોગ બુદ્ધિથી વિષયોનું સેવન કરવું જ નથી.
સુખ ભોગવવામાં અને સંગ્રહ, આ બેમાં જેઓ આસક્ત થઈ જાય છે, તેઓને પરમાત્મા પ્રાપ્તિ કયારેય થઈ શકતી નથી. તેઓ પરમાત્મા તરફ ચાલવાનો નિશ્ચય પણ કરી નથી શકતા.(ગી.૨/૪૪)
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम्।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञान चक्षुष:।।१०।।
અર્થ : આ પ્રમાણે શરીરમાંથી નીકળતો, શરીરમાં રહેતો, વિષયોને ભોગવતો અને સત્ત્વાદિક ગુણોએ યુક્ત જણાતો આ જીવાત્મા તેને સર્વથા મૂઢ-અજ્ઞાની જનો નથી દેખતા, પણ જ્ઞાનરૂપ ચક્ષુ જેમના ખૂલી ગયેલા છે તેવા જ્ઞાની૧ જનો તો દેખે છે-અનુભવે છે. ।।૧૦।।
उत्क्रामन्तम्… સ્થૂળ શરીરને છોડતી વખતે જીવ સૂક્ષ્મ અને કારણ શરીરને સાથે લઈને પ્રસ્થાન કરે છે. આ ક્રિયાને અહીં उत्क्रामन्तम् પદથી કહ્યું છે. જ્યાં સુધી હૃદયના ધબકારા રહે છે. ત્યાં સુધી જીવનું પ્રસ્થાન નથી માનવામાં આવતું. હૃદયના ધબકારા બંધ થયા પછી પણ જીવ કેટલાક સમય સુધી રહી શકે છે. પ્રાણના ઉત્ક્રમણની સાથે જીવનું ઉત્ક્રમણ થાય છે. આઠમાં શ્લોકમા જીવના વિષયમાં उत्क्रामति પદને અહીં उत्क्रामन्तम् પદથી કહેવામાં આવ્યું છે.
स्थितंवा-पिण्ड વિશેષમાં હોવા છતાં સતે પણ આ જીવ પોતાના સ્વરૂપને દેહથી અલગ અથવા પોતાની સાથે રહેલા પરમાત્માના સ્વરૂપને જાણતો નથી. એમ કહેવાનું તાત્પર્ય છે. આઠમાં શ્લોકમાં यदवाप्नोति શબ્દથી વર્ણન થયું છે. તેને જ અહીં ‘स्थितम्’ શબ્દથી બતાવી રહ્યા છે.
अपि भुञ्जानं वा-મનુષ્ય જ્યારે વિષયોને ભોગવે છે, ત્યારે પોતાને બહુ સાવધાન માને છે અને વિષય સેવનમાં સાવધાન રહે પણ છે. વિષયી મનુષ્ય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આમાંથી પ્રત્યેક વિષયને સારી રીતે જાણે છે. એટલી સાવધાની રાખવા છતાં પણ તે મૂઢ જ છે. કેમ કે વિષયો પ્રત્યેની આ તેમની સાવધાની કોઈ કામની નથી. ઊલટાની મરણ થતાં નરકો અને નીચ યોનિઓમાં લઈ જવાવાળી બને છે. પરમાત્મા, જીવાત્મા અને સંસાર-આ ત્રણેના વિષયમાં શાસ્ત્રો અને દાર્શનિકોના અનેક મતભેદ છે; પરંતુ જીવાત્મા સંસાર સાથે સંબંધ જોડીને કે રાખીને મહાન દુઃખને પામે છે અને પરમાત્માના સંબંધથી મહાસુખને પામે છે-આમાં બધા જ શાસ્ત્રો અને દાર્શનિકો એક મત છે. ‘अपि’ શબ્દનો ભાવ એ છે કે, ઉપર વર્ણવી ક્રિયાઓ જીવાત્માને વિષે એક પણ છે નહિ પણ જાતે દેહાદિકની સાથે એકતા માની લીધી હોવાથી પોતાને વિષે માનતો રહે છે અને વિષય ભોગવતો રહે છે. નવમાં શ્લોકમાં ‘विषयानुपसेवते’ શબ્દથી, જે અહીં भुञ्जानम् શબ્દથી બતાવ્યું છે.
गुणान्वितम्-અહીં આ પદનું તાત્પર્ય એ છે કે ગુણો સાથે સંબંધ માનતા રહેવાને કારણે જ જીવાત્માને ઉત્ક્રમણ, સ્થિતિ અને ભોગ પ્રાપ્ત થયા છે. વાસ્તવમાં ચૈતન્ય માયાના ત્રણ ગુણોથી પર છે, અતીત છે, તેનામાં ત્રણ ગુણો છે જ નહિ. ભૂલથી જીવાત્માએ ગુણો સાથે સંબંધ માની રાખ્યો છે. જેને કારણે જ તેને વારંવાર ઊંચનીચ યોનિઓમાં જવું પડે છે.
આ જીવાત્મા સંસારમાં કોઈ ને કોઈ રીતે ફસાવા જ માગે છે. સંસારમાંથી બહાર નીકળવા કોઈ પણ રીતે ઈચ્છતો નથી. સંસાર છોડયા પછી પણ સંસારમાં ફસાવાની જ પ્રવૃત્તિઓ કર્યા કરે છે. વ્યાખ્યાન આપવાવાળી વ્યક્તિ શ્રોતાઓને પોતાના માનવા લાગી જાય છે. કોઈને ભાઈ-બહેન ન હોય તો તે ધર્મનો ભાઈ-બહેન બનાવી લે છે. કોઈને પુત્ર ન હોય તો બીજાના પુત્રને ગોદમાં લે છે. આ રીતે કુદરતી રીતે સંસારથી નિવૃત્ત થાય તો પણ પોતાની મેળે સંસાર સાથે સંબંધ બાંધીને સંસારમાં ફસાવાની ઈચ્છા કરે છે. સંસારથી નિવૃત્ત થવાની કોઈને ઈચ્છા જ થતી નથી. આ બધું કરીને જીવ સુખ મેળવવા ઈચ્છે છે પણ મેળવે છે કેવળ દુઃખ જ. ભગવાન આ વાતને બતાવી રહ્યા છે કે, જીવાત્મા સ્વરૂપથી ગુણાતીત હોવા છતાં પણ ગુણો સાથે(સ્થળ, કાળ, વ્યક્તિ, વસ્તુ સાથે) સંબંધ જોડીને તેનાથી બંધાઈ રહે છે. સાતમાં શ્લોકમાં ‘प्रकृतिस्थानि’ શબ્દના અર્થમાં જ અહીં गुणान्वितम् શબ્દ આવ્યો છે.
‘ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો રહે નહિ.’ (વચ.ગ.મ.૫૧) જ્યારે ગુણોનો સંબંધ છૂટે છે ત્યારે જીવ ગુણાતીત થઈને શાંતિ પામે છે સુખી થાય છે. જ્યાં સુધી પ્રકૃતિ અથવા તેમનાં કાર્ય ગુણો સાથે કિચિત્માત્ર પણ સંબંધ રહે છે ત્યાં સુધી ગુણોને આધીન થઈને તેણે કર્મ કરવાને માટે બાધ્ય થવું પડે છે.(ગી. ૩/૫) તેને કારણે ઊંચનીચ યોનિઓમાં જઈને અનેક પ્રકારનાં દુઃખો ભોગવવા ફરજિયાત થઈ રહે છે. कारणं गुणसङ्गोऽस्य सद सद्योनिजन्मसु’ સ્વયં ચેતન હોય અને ગુણોને આધીન રહેવું અર્થાત્જડની પરતંત્રતાનો સ્વીકાર કરવો. એ ચેતનની વિવેકહીનતા છે, મૂર્ખતા છે.
विमूढा नानुपश्यन्ति-શરીરની અવસ્થાઓ બદલાઈ જાય છે. બાળક હોય છે, યુવાન થાય છે, વૃદ્ધ થાય છે એમ શરીરની અવસ્થાઓ બદલાવા છતાં ચેતન તેનો તે જ હોય છે, તે બદલાતો નથી. ભિન્ન ભિન્ન કાર્યો કરવા છતાં આપણે તેના તે જ રહીએ છીએ. બદલાઈ જતા નથી. તેવી જ રીતે શરીરો બદલવા છતાં ચેતન એકનો એક જ રહે છે. બદલાય જતો નથી. તાત્પર્ય એ છે કે પરિવર્તન ક્રિયાઓમાં થાય છે. શરીરમાં થાય છે પણ ચેતનમાં થતી નથી. સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે, આપણા મોઢામાં બે પ્રકારના દાંત છે એક સાંબેલા જેવા બીજા ખાંડણિયા જેવા. તેમાં ખાંડણિયા જેવા ઉપર છે અને સાંબેલા જેવા નીચે છે પણ તપાસ કર્યા વિના તેની ખબર પડતી નથી. તેમ શરીર અને આત્મા અલગ અલગ છે પણ જો તેનો જાતે તપાસ ન કરે તો ખબર પડતી નથી. માણસ આખી જિંદગી ખાંડે તો પણ એટલો ખ્યાલ નથી આવતો કે ખાંડણિયા કયા છે ને સાંબેલા કયા છે? તો પછી જો વિવેકદૃષ્ટિનો ઉપયોગ ન કરે અને તપાસ જ ન કરે તો શરીર અને જીવાત્મા અલગ છે કે નહિ તેનો ખ્યાલ આવતો નથી અને શરીરની ક્રિયાઓને પોતાની ક્રિયા માની લે છે.
प्रकृते: क्रियमाणानि गुणै: कर्माणि सर्वश:।
अहंकार विमूढात्मा कर्ताहं इति मन्यते।।३/२७।।
શરીરથી પોતાના આત્માને જુદો નથી સમજતો અને જુદો નથી માનતો તેને અહીં ‘विमूढ’ કહ્યો છે.
ભોગપ્રધાન અને સંગ્રહપ્રધાન લોકો મૂઢપણાને અવશ્ય પામી જાય છે. ભોગની પ્રધાનતા હૃદયમાં વધવાથી તેની વિવેકચેતના બહેરી બની જાય છે. તેને કયારેય પરિણામ સામે દૃષ્ટિ જતી જ નથી કે આવી રીતે ભોગ અને સંગ્રહનું પરિણામ શું હોઈ શકે? જગતમાં તેના પરિણામો સામે દેખાતા હોય તો પણ તેમની આંખ ઉઘડતી નથી. વિવેક જાગૃત થતો નથી. તેથી તો તેને મૂઢ નહિ ને વિમૂઢ પુરુષો બતાવ્યા છે. સત્તરમાં અધ્યાયમાં જ્યાં સાત્ત્વિક, રાજસ અને તામસ આહારનું વર્ણન આવે છે. ત્યાં સત્ત્વગુણી સાધકો તેનું પરિણામ વિચારીને આહારને સ્થાન આપે છે. જ્યારે રાજસ લોકો આહાર કર્યા પછી તેને ખ્યાલ આવે છે ને તેના સુખ-દુઃખ ભોગવે છે પણ તામસમાં પરિણામનું વર્ણન જ કર્યું નથી. કારણ કે તામસી માણસો પરિણામને ભોગવવા છતાં જાણી શકતા નથી. તેની વિવેકની આંખ કયારેય ખુલતી નથી. તેથી विमूढा नानुपश्यन्ति બતાવીને તેને તામસ ગણ્યા છે કેમ કે, મોહ તમોગુણનું કાર્ય છે.
पश्यन्ति ज्ञानचक्षुष: શરીર ક્રિયાઓ અને સંસારમાં થતા પરિવર્તન વચ્ચે પોતાના અચળ આત્મચેતનને જાણી જાય, અનુભવી લે તેને અહીં જ્ઞાનચક્ષુથી દેખવું કહ્યું છે. પરિવર્તનશીલ પદાર્થના પરિવર્તનનો અનુભવ અપરિવર્તનશીલ તત્ત્વને જ થાય છે. પરીવર્તનશીલ પદાર્થને તેનો અનુભવ થવો શક્ય નથી. શરીરને પોતાનું માનીને તેની સાથે તદાત્મકતા માની લેવાથી તથા સુખ લેવાની કામના-આશા રાખવાથી જ જીવાત્મા અને શરીર વચ્ચે આકાશ પાતાળની ભિન્નતા હોવા છતાં દેખાતી નથી. કારણ કે જીવાત્મા મોહિત થઈ ગયો છે. તેની વિવેકની આંખ બંધ થઈ ગઈ છે, માટે દેખાતું નથી. જો તે દૂર થાય તો તેને જ્ઞાનચક્ષુવાળા બતાવ્યા છે અને તેને શરીર આત્માની ભિન્નતા દેખાય છે.
यतन्तो योगिनश्वैनं पश्यन्त्यात्मन्यवस्थितम्।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतस:।।११।।
અર્થ : યત્ન કરનારા યોગીજનો જ આ શરીરમાં રહેલા આત્માને જોઈ શકે છે, પણ જેમના અંતઃકરણ અશુદ્ધ-મલીન છે તેવા અજ્ઞાની જનો તો યત્ન કરવા છતાં પણ એ આત્માને નથી દેખતા. ।।૧૧।।
यतन्तो योगिनश्वैनं पश्यन्ति आत्मनि अवस्थितम्
જેણે પરમાત્માને પામવાનો એકમાત્ર દૃઢ ઉદ્દેશ્ય બનાવી લીધો છે. તેને અહીં યોગીઓ શબ્દથી કહે છે.
यतन्त: પદનો અર્થ છે હૈયાની લગન. જેને પૂર્ણ કર્યા વિના માણસને ચેન પડતું નથી તેને યત્ન કહેવાય. તેને અહીં ‘यतन्त:’ કહ્યા છે.
જે સાધકોનો એકમાત્ર પરમાત્માને પામવાનો ઉદ્દેશ્ય છે, તેમના જીવનમાં અસંગતા, નિષ્કામભાવ, મમતાનો અભાવ વગેરે જરૂરી ગુણો આપમેળે આવી રહે છે. પોતાના ઉદ્દેશ્યની પૂર્તિને માટે અનન્ય ભાવથી જે ઉત્કંઠા, તત્પરતા, વ્યાકુળતા, વિરહચિંતન, પ્રાર્થના તેમ જ વિચારો સાધકના હૃદયમાં પ્રગટ થાય છે. તે બધા ગુણો અહીં ‘यतन्त:’ પદની અંતર્ગત આવી જાય છે. જેની પ્રાપ્તિનો દૃઢ ઉદ્દેશ્ય રાખ્યો અને જેની વિમુખતા યત્ન દ્વારા દૂર કરી ત્યારે સાધકને પોતાના હૃદયમાં પરમાત્માનો અનુભવ થવા લાગે છે. જેમ જેમ તે સ્થિતિ પક્વ બનતી જાય તેમ તેમ વધુ વધુ અનુભૂતિ ધારદાર બનતી જાય છે. એવી સ્થિતિને જ અહીં ‘पश्यन्ति’ શબ્દથી કહ્યું છે.
જે સાધકો સત્અસતનો સતત વિવેક રાખે છે. તેમાં જાગૃત રહે છે અને સત્ની પ્રાપ્તિ અને અસત્ની નિવૃત્તિ કરવા ઈચ્છે છે ત્યારે તેના હૃદયમાં વિવેક જાગૃત થાય છે અને તેને પરમાત્માનું સાંનિધ્ય અનુભવાય છે. પરમાત્મતત્ત્વ કદી દૂર છે જ નહિ. તેને સ્થળ, કાળનો વિલંબ જરા પણ નથી. યોગ્યતાનો જ વિલંબ છે. તે સર્વ ભૂતોના હૃદયમાં સદા સર્વદા રહેલા છે.
अहमात्मा गुडाकेश सर्वभूताशय स्थित: સાચા સાધકોને પરમાત્મા હૃદયમાં રહીને અનુભૂતિ કરાવે છે. સત્તા(અસ્તિત્વ કે હોવાપણું) બે પ્રકારની હોય છે (૧) વિકારી અને (૨) સ્વતઃસિદ્ધ. જે સત્તા ઉત્પન્ન થયા પછી પ્રતીત થાય છે. તે વિકારી સત્તા કહેવાય છે અને જે સતા કદી ઉત્પન્ન થતી નથી; પરંતુ સદા(અનાદિ કાળથી) જેમ છે તેમજ રહે છે. તે સ્વતઃસિદ્ધ સત્તા કહેવાય છે. આ દૃષ્ટિએ સંસાર તેમજ શરીરની સત્તા વિકારી છે અને પરમાત્મા તથા ચેતન તત્ત્વની સત્તા સ્વતઃસિદ્ધ છે. વિકારી સત્તાને સનાતન સત્તા માની લેવી તે ભૂલ છે. વિકારી સત્તા(શરીર)ને સ્વતઃસિદ્ધ સત્તા માની લેવાનું તાત્પર્ય છે પોતાનું સ્વરૂપ શરીર માની લેવું.(અહંતા) અને શરીરને પોતાનું માની લેવું(મમતા) પોતાને શરીર માનવાથી શરીર સદા સત્ય પ્રતીત થાય છે અને શરીરને પોતાનું માનવાથી શરીરમાં ઘાટી પ્રીતિ થાય છે. વિકારી સત્તા અજ્ઞાની માણસોને પણ તેની જાણે પ્રતીત થાય તેવી સ્થૂળ છે. જ્યારે સ્વતઃસિદ્ધ સતા સૂક્ષ્મ છે. પોતાની મેળે સાધકને પ્રતીત થતી નથી. તેની પ્રતીતિ માટે સાધના કે પ્રયત્ન કરવો પડતો હોય છે. તેમાં પરમાત્માનો આશ્રય મુખ્ય કારણભૂત રહે છે.વિકારી સત્તા(શરીર-સંસાર)માંથી સંબંધ વિચ્છેદ કરીને અર્થાત્પ્રીતિ તોડીને સ્વતઃસિદ્ધ સત્તામાં(પરમાત્મા અને આત્મતત્ત્વ)માં સંબંધ દૃઢ કરવો અર્થાત્પ્રીતિ દૃઢ કરવી તેને અહીં आत्मनि अवस्थितम् શબ્દોથી બતાવ્યું છે.
જીવે ભગવાને આપેલા વિવેકનો અનાદર કરીને શરીરને ‘હું’ અને ‘મારું’ માની લીધા છે. એ જ જીવના બંધનનું કારણ બની રહ્યું છે. જીવે પોતાની મેળે માની લીધું છે. આ માન્યતા એટલી બધી પાકી અને દૃઢ છે કે મરવા છતાં પણ છૂટતી નથી. કેવળ તેમાંથી દુઃખ ઊભું થવા છતાં પણ છૂટતી નથી અને તે માન્યતા કાચી પણ એટલી જ છે કે જ્યારે જીવ ઈચ્છે ત્યારે છૂટી શકે છે. કોઈની સાથે પોતાનો સંબંધ જોડવા, તોડવામાં અથવા માનવામાં કે ન માનવામાં જીવ સર્વથા સ્વતંત્ર છે. આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને જીવ પોતાનો સંબંધ શરીર વગેરે વિજાતીય પદાર્થો સાથે માની રહ્યો છે.
પોતાના વિવેકને(શરીર વગેરેથી હું અલગ છું તેવું જ્ઞાન)મહત્ત્વ ન આપવાથી વિવેક દબાઈ જાય છે. વિવેક દબાઈ જવાથી દેહભાવની પ્રધાનતા થઈ છે અને સંસારનાં ભાવોની પ્રધાનતા થઈ જાય છે અને સંસાર અને શરીરના ભાવો સત્ય પ્રતીત થવા લાગે છે. સત્સંગ, સ્વાધ્યાય વગેરેથી જેમ જેમ વિવેક વિકસિત થાય છે તેમ તેમ દેહભાવ અને સંસારના ભાવો દબાતા જાય છે અને પરમાત્મામાં પ્રીતિનો હૃદયમાં અનુભવ થતો જાય છે. એ જ आत्मनि अवस्थितम् પદોનો ભાવ છે.
વિકારી સત્તાથી અહંતા પુષ્ટ થાય છે. આ અહંતા બે રીતે મુખ્યપણે પુષ્ટ થાય છે. (૧) શ્રવણથી-જેમ કે બીજાઓ આપણા વખાણ કરે. તમે તો બહુ મહાન છો, આવા છો, તેવા છો. તેને માની લેવાથી. (૨) ક્રિયાથી-જેમ કે વ્યાખ્યાન આપવું, શિક્ષણ આપવું વગેરે ક્રિયાને યોગે કરીને હું વકતા છું, શિક્ષક છું વગેરે અહંતા માની લેવી. તે અહંતાનો ત્યાગ કરવાથી વિકારી સત્તાનો સંબંધ વિચ્છેદ થાય છે ને પોતાની જાતમાં-હૃદયમાં ચિરતત્ત્વનો અનુભવ થાય છે. હું-પણાની અહંતાને કારણે જ સંસારમાં સુખાસક્તિ અને પરમાત્માથી વિમુખતા થાય છે ને પરમાત્માનો અનુભવ થતો નથી. પોતાના ચૈતન્યમાં પરમાત્માનો અનુભવ કરવાવાળાને કયારેય વિયોગનો અનુભવ કરવો પડતો નથી. સદ્.ગોપાળાનંદ સ્વામીની વાતોમાં તથા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આ પ્રકારની દૃષ્ટિ કેળવવાને પ્રતિલોમ દૃષ્ટિ કહેવામાં આવી છે અને જેનો ઘણો મહિમા કહ્યો છે. ચેતન તત્ત્વની અનુભૂતિ ચેતનથી જ શકય બને છે. જડતાંશવાળા મન, બુદ્ધિ વગેરે સાધનોથી શક્ય બનતા નથી. એવો શાસ્ત્રકારોનો મત છે માટે તેમનાથી ભિન્ન પોતાના સ્વરૂપની માન્યતા દૃઢ કરીને પછી પરમાત્માના માર્ગમાં પ્રવર્તે તો તેને પરમાત્મ-તત્ત્વનો અનુભવ થાય છે.
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतस:
જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું અર્થાત્જેનો આંતર ઈરાદો અતિ વિશુદ્ધ નથી અને અંતરમાં પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા નથી તેમજ પરમાત્માનો આશ્રય નથી એવા સાધકોને અહીં અકૃતાત્માનઃ કહ્યા છે અને તેથી જ તેનો સત્અસત્નો વિવેક બૂઠો થઈ ગયો છે. એવા પુરુષોને અહીં अचेतस: કહેવામાં આવ્યા છે.
અહીં આ શ્લોકમાં यतन्त: પદ બે વાર આવ્યું છે એક વાર यतन्त: अपि न एनं पश्यन्ति એમ કહે છે. पश्यन्ति કહે છે ત્યાં સાધકને માટે योगीन: કહ્યું છે અને न एनं पश्यन्ति એને માટે अकृतात्मान: એવો શબ્દ વાપર્યો છે. અહીં ઘણું વિચારવા જેવું છે કે પુરુષાર્થ બન્નેનો સરખો છે. યત્ન કરવામાં બન્ને સમાન છે; છતાં પણ એક પુરુષ પોતાના ચૈતન્યમાં પરમાત્માનો અનુભવ કરી લે છે અને બીજો પ્રયત્ન તો એટલો જ અને તે જ માર્ગથી કરે છે, તો પણ(મૂઢ) પરમાત્માનો અનુભવ કરી શકતો નથી. એનો અર્થ એ થયો કે પ્રયત્ન ઉપરાંત પરમાત્મતત્ત્વને આત્મસાત્કરવામાં બીજું પણ કંઈક જરૂરી છે અને તે છે સાધકના હૃદયનો પવિત્ર ઈરાદો. સાધકની પરમાત્મા પ્રત્યેની અનન્યગતિકતા, શરણાગતિ કે અભિમાનશૂન્યતાથી સાધકને સફળતા મળે છે, કેવળ કોરા પ્રત્યનથી નહિ. એવું આપણાં શાસ્ત્રો બતાવે છે.
ઉપનિષદમાં કથા આવે છે. ઈન્દ્ર અને વિરોચન બન્ને બ્રહ્માજી પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ગયા છે. બ્રહ્માજીએ તેને ઉપદેશ આપ્યો છે પણ તે જ ઉપદેશથી ઈન્દ્રને સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. જ્યારે વિરોચનને પ્રાપ્ત થયું નથી. તેને તો દેહ ભાવ જ ઊલટો દૃઢ થયો છે. તેને અહીં કહે છે, अकृतात्मान: न एनं पश्यन्ति। અકૃતાત્માઓ ધ્યાન, સ્વાધ્યાય, જપ, અધ્યયન વગેરે સર્વ કંઈ કરે છે તે કયારેક તો દૈવી જીવો કરતાં પણ બાહ્યભાવમાં વધારે કરતા હોય છે. તો પણ અંતરમાંથી જડતા, સાંસારિક ભોગ અને સંગ્રહનું મહત્ત્વ દૂર નથી થતું. તેણે સહિત કર્યા કરે છે તેથી જોઈએ તેવું પરિણામ નથી આવતું. વાલ્મિકિ-વાલિયો લૂંટારો પણ તપ કરતાં માથે રાફડો થઈ ગયો અને તેવું જ હિરણ્યકશિપુને તપ કરતા થયું હતું. તો પણ હિરણ્યકશિપુ હિરણ્યકશિપુ જ રહ્યો ને વાલિયો વાલ્મિકિ ઋષિ બની ગયો. શરીર, ઈન્દ્રિયો, મન અને બુદ્ધિથી અલગ પડીને તેના દ્વારા યત્ન કરીને ભગવાનની શરણાગતિપૂર્વક થાય ત્યારે પરમાત્માને અનુભવી શકાય છે. ભાગવતમાં બતાવ્યું છે કે, स वेद धातु: पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गगपाणे:। योऽमायया संततयानुवृत्या भजेत् तत्पादसरोजगन्धम् ।। રાવણ બુદ્ધિશાળી હોવા છતાં ભગવાનને ન જાણી શકયો. તે શબરી-ભીલડી જાણી ગઈ. તેથી રાવણ જેવાને અચેતસ અને અકૃતાત્માઓ કહ્યા છે. જેને સંસાર ભોગમાં ચેતના હરાઈ ગઈ છે અને સંગ્રહમાં વિવેક ભુલાવી દીધો છે, એવા અકૃતાત્માઓ અને અચેતસને ભગવાનના તત્ત્વનો અનુભવ થતો નથી