ગીતા અધ્યાય-૧૫, શ્લોક ૦૧ થી ૦૬

શ્લોક ૦૧-૦૬

સંસારવૃક્ષનું કથન અને ભગવત્પ્રાપ્તિનો ઉપાય

શ્રીભગવાન બોલ્યા

ऊर्ध्वमूलमध: शाखमश्वत्थं प्राहुरव्ययम्‌।

छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्‌।।१।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-આદિપુરુષ પરમાત્મારૂપ ઊંચે મૂળ જેનું છે. નીચે બ્રહ્માદિક શાખાઓ જેની પ્રસરેલી છે. એવા સંસારરૂપ પીપળાના વૃક્ષને અવ્યય, અવિનાશી, નિત્ય કહે છે અને વેદો જેનાં પાંદડાં છે. આવા સમૂળ સંસારવૃક્ષને જે યથાર્થ સમજે છે. તે જ વેદના તાત્પર્યને જાણનારો છે. ।।૧।।

ऊर्ध्वमूलमध: शाखम्‌ અહીં આ પ્રથમ શ્લોકમાં ભગવાને અધ્યાયના સઘળા વિષયનું દિગ્દર્શન કરાવ્યું છે. આ સંસારને ઊંચા મૂળવાળો અને નીચે જેની શાખા છે, એવા પીપળાનું રૂપક આપીને ભગવાને ટૂંકામાં ખૂબ જ મોટો વિષય કહી દીધો છે અને તેને યથાર્થ જાણવાવાળાને વેદવિત્‌બતાવ્યા છે.

સાધારણ રીતે વૃક્ષોનું મૂળ નીચે અને શાખાઓ ઉપરની બાજુએ હોય છે; પરંતુ આ સંસારવૃક્ષ એવું વિચિત્ર વૃક્ષ છે કે, એનું મૂળ ઉપર તથા શાખાઓ નીચેની બાજુએ છે. સંસારવૃક્ષનું મૂળ બ્રહ્માને કહ્યા છે. સંસારની આસક્તિ એ જ સંસારવૃક્ષ છે. કારણ કે આગળ અસંગ શસ્ત્રથી-વેરાગ્યરૂપી તલવારથી કાપવા યોગ્ય બતાવ્યું છે. માટે તે વૃક્ષનું મૂળ પરમાત્માને ન બતાવી શકાય તેમ જ પ્રકૃતિને પણ ન બતાવી શકાય. કારણ કે વૃક્ષ કાપવાનું તાત્પર્ય છે, તેના મૂળ સહિત નાશ કરવાનું. ત્યારે પ્રકૃતિને તે ઘટશે નહિ. તેથી બ્રહ્માજી સુધીની સૃષ્ટિ જે પરમ આસક્તિનું કેન્દ્ર છે, તેને જ સંસારવૃક્ષ બતાવ્યું છે. ત્યારે જ આગળ પાછળના સંદર્ભો બંધ બેસી શકશે. તમામ લોકમાં બ્રહ્માજી બધાથી ઉપરના લોકમાં બેઠા છે, તેથી ઊર્ધ્વમૂલ ઘટી શકે છે. વળી સૃષ્ટિની શરૂઆત બ્રહ્માજીથી થાય છે તેથી મૂળરૂપે પણ ઘટી શકે છે. ત્યાંથી લઈને કીટપર્યન્ત ડાળી-શાખાઓ છે. વિષયો પાંદડાં છે-छन्दांसि पर्णानि વેદોમાં વર્ણન કરાયેલા કર્મકાંડ અને તેનાથી પમાતા સ્વર્ગાદિકના વિષયોની આશાથી આસક્તિ પણ જીવિત રહે છે ને વધારે પાંગરતી રહે છે. વળી આ વૃક્ષને અવ્યય-નાશ ન પામે તેવું બતાવ્યું છે. અર્થાત્‌પ્રવાહ સ્વરૂપે આ સંસાર અચળ છે, નાશ નથી થતો. સંસારપ્રવાહ કયારેય બંધ નથી થતો. વ્યકિતગત આસક્તિ, ઉચ્છિન્ન થઈને તેની મુક્તિ થાય છે. તેનાથી સંસારપ્રવાહ બંધ નથી થતો. સદા જીવિત રહે છે.

વળી આ વૃક્ષ તે પીપળાનું વૃક્ષ છે. વૃક્ષની તો ઉપમા આપી પણ સામાન્ય વૃક્ષ એમ નહિ. આ સંસાર પીપળાનું अश्वत्थ વૃક્ષ છે. अश्वत्थ નો અર્થ જ એવો થાય છે કે श्व: એટલે આવતીકાલે અને स्थ એટલે રહે છે અને अ એટલે નહિ. એટલે આવતીકાલે જ નથી રહેવાનું એવા અશ્વત્થ વૃક્ષ જેવો આ સંસાર છે. જે સનાતન નથી તો પણ સનાતન છે. વ્યક્તિ જુએ છે કે આસકિતના કેન્દ્રો ચાલ્યા જાય છે, નાશ પામી જાય છે. તો પણ આસક્તિ अव्ययम्‌ ઓછી ન થાય-જૂની ન થાય ઝાંખી ન થાય ત્યારે મરે તો કયાંથી? નવાઈ એ છે કે, કાંઈ પણ કરતાં કોઈ પણ આસક્તિનું કેન્દ્ર ઉપર બતાવ્યા તેવા-જૂના ન થાય ઝાંખા ન પડે, મરે નહિ. તેવા કયારેય છે જ નહિ. વળી બીજાં વૃક્ષો કરતાં પીપળાનું વૃક્ષ ઘણું જ વિલક્ષણ છે.

કોઈપણ વૃક્ષની કાંઈક ઉપયોગીતા-લૌકિક રીતે હોય છે. કાં તો તેમાં ફળો આવતા હોય છે અથવા તેમનું લાકડું કિંમતી અને ફર્નીચરમાં ઉપયોગી થતું હોય છે. પીપળો બન્ને રીતે કામમાં આવતો નથી. તેમ આસક્તિથી શરીર નિર્વાહ થાય છે, એવું નથી. કારણ કે તે તો નિર્વાસનિક પુરુષોનો નિર્વાહ તો ચાલે જ છે. ત્યારે ફળમાં પેપા હોય છે, જે અતિ નેષ્ટ છે, અનિચ્છનીય છે. આસક્તિનું ફળ પણ અતિ અનિચ્છનીય છે. નરકાદિક છે. પીપળાના કાષ્ઠને કોઈ ચાલુ ઈંધણમાં પણ વાપરે નહિ. હા, તેનો યજ્ઞકાર્યમાં ઉપયોગ સિવાય કોઈ ઉપયોગ કરે જ નહિ. તેમ સંસાર આસક્તિ, સંસાર સુચારુરૂપમાં ચલાવવામાં પણ ઉપયોગી નથી; પરંતુ તે જ આસક્તિનું કેન્દ્ર પરમાત્મા થઈ જાય તો તેમની મુક્તિ કરાવી દે. વળી પીપળાના વૃક્ષને કોઈ બીજ વાવીને ઉછેરતું નથી. તે મોટે ભાગે પોતાની મેળે ધરાર ઊગતા હોય છે. જેમ આસક્તિને કોઈ ડેવલપ કરતું હોતું નથી પણ તે આપોઆપ ડેવલપ થાય છે. પીપળાના બીજને ઊગવા માટે વિચિત્રતા ઘણી છે. તે સીધું વાવવાથી કયારેય ઊગતું નથી; પરંતુ જો પક્ષી તેનાં ફળ ખાય ને તેના પેટમાં પણ તે બીજ પાચન ન થઈને ચરકમાં નીકળે. તેના પેટની ગરમીમાં બફાય પછી તે ચરકથી ઊગે છે. તેથી તે કયાં ન ઊગે એવી કોઈ સંભાવના નથી. મંદિરના શિખર ઉપર, મિનારાની ટોચ ઉપર ગમે તેવી પાકી જગ્યામાં પીપળો ઊગી શકે છે. અર્થાત્‌આસક્તિને પાંગરવા માટે કોઈ પણ પાત્ર અનુકૂળ આવી જાય છે. તે ગૃહસ્થમાં પાંગરે છે, સન્યાસી, મુલ્લા, સાધક કોઈને છોડતી નથી. બધી જગ્યાએ પાંગરી જાય છે. તેને આશ્રમ કે વ્યક્તિનો કોઈ નિષેધ નથી. જ્યાં ઊગવાની સંભાવના ન થઈ શકે તેવી પાકી જગ્યામાં પણ ઊગે છે. તેમ અતિ સાધક દેખાતા હોય તેમાં પણ ભરતજીની પેઠે આસક્તિ પાંગરી ઊઠે છે.

લોકમાં માન્યતાઓ હોય છે કે પીપળો ઊગ્યા પછી તેને કોઈ ઉખેડે નહિ. લોકો ડરે છે. તેમાં ભૂત રહેતું હોય ને તે આપણને વળગે. તેમ એકવાર આસક્તિ ઊગી નીકળી તો તેને ઉખેડવી મુશ્કેલ થઈ જાય છે. આસક્તિને કોઈ ઉખેડવા જાય તો ક્રોધ, વેર, વિરોધ વગેરે ભૂતો અતિ ભયંકર રૂપ ધારીને ઉખેડનારને ઉખેડી નાખે છે. ઉખેડી નાખ્યા પછી પણ જો એકાદ મૂળનો ટુકડો બચી ગયો તો તેમાંથી વળી પાછો પૂર્ણ પીપળો થાય છે. આસક્તિનું પણ તેવું જ છે. તેને મૂળથી ઉખેડીને યજ્ઞમાં હોમી દેવામાં આવે તો વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. એ જ તેનો સહેલો ઉપાય છે. असङ्गशस्त्रेण दृढेन छित्त्वा… કહ્યું છે.

એક પીપળાની જ ઉપમા આપીને ભગવાને તેમાં ઘણું કહી દીધું છે. માટે તેને જાણવાથી વેદવિત્‌કહ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે નિર્વાસનિક થવું તે સમગ્ર વેદોનો સાર છે. માટે આસક્તિનો ત્યાગ કર્યા સિવાય પરમાત્માને પણ પૂરા જાણી શકાતા નથી માટે પરમાત્માને જાણવામાં તેને મદદની જરૂર રહે છે. તેથી તેને યથાર્થ જાણ્યા વિના છેદી શકાતી નથી અને પરમાત્માથી દૂર રાખે છે. જેથી છેદીને, પરમાત્માને જાણીને, તેનો આશ્રય કરીને तमेव चाद्यं पुरुषं प्रपद्ये પરમાત્માને પામી શકાય છે. તેથી તેને વેદવિત્‌કહ્યા છે. વળી શાસ્ત્રમાં પીપળાનો બહુ જ મહિમા કહ્યો છે. ભગવાને પોતાની વિભૂતિ બતાવી છે. તેની પૂજા કરવાથી ભગવાનની પૂજા થઈ જાય છે. તે આસક્તિ પરમાત્મામાં જોડાય તો જીવ સંસારથી છૂટી જાય છે. छन्दांसि यस्य पर्णानि પાંદડાંથી વૃક્ષ વૃદ્ધિ પામે છે તેમ વેદમાં બતાવેલા સકામ કર્મોથી આસક્તિ વધીને સંસારવૃક્ષ દૃઢ ને મોટું થતું જાય છે. પરમાત્માનો આશ્રય લેવાથી જ અને વૈરાગ્યથી જ તેનો ઉચ્છેદ શક્ય છે.

यस्तं वेद स वेदवित्‌-સંસારની કાતિલતા અને દુર્ગુણોને જાણવા તે જ સંસારને યથાર્થ જાણ્યો કહેવાય છે અને ત્યારે સંસારથી છૂટી શકાય છે અને તે વેદનું તાત્પર્ય છે. માટે તે વેદવિત્‌કહેવાયો છે. વેદોના અધ્યયનથી મનુષ્યો વેદોનો વિદ્વાન થઈ શકે છે પણ વેદવિત્‌નથી થઈ શકતો અર્થાત્‌તેનું તાત્પર્ય જાણનારો નથી બની જતો. એ તો વૈરાગ્ય ગ્રહણ કરી આસક્તિને નિર્મૂળ કરે છે, ત્યારે જ તેમાં વેદવિત્‌પણું આવે છે. ભગવાને આ જ અધ્યાયના પંદરમાં શ્લોકમાં પોતાને વેદવિત્‌બતાવ્યા છે. જ્યારે આ શ્લોકમાં સંસારને યથાર્થ જાણીને તેની આસક્તિનો ઉચ્છેદ કરનારને વેદવિત્‌કહ્યા છે. એવું કહીને તેઓની પોતાની સાથે એકતા બતાવી છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય શરીરમાં મળેલા વિવેકનો ઉપયોગ કરીને આ જીવ સંસારના યથાર્થ તત્ત્વને જાણીને ભગવાનની જેવા વેદવિત્‌બની શકે છે અને ‘मम साधर्म्यमागता:’ (૧૪/૨) ભગવાનના તુલ્યપણાને પણ પામી શકે છે.

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला:।

अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके।।२।।

અર્થ : સત્ત્વાદિક ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપ સુંદર પલ્લવ-કૂંપળોવાળી એવી તે વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાઈ રહેલી છે અને વળી મનુષ્ય લોકમાં કર્માનુસારે બંધાયેલાં અનેક વાસનાઓ રૂપ મૂળો નીચે-ઉપર બધેય ફેલાઈ રહેલાં છે. ।।૨।।

तस्य शाखा गुणप्रवृद्धा: સંસાર વૃક્ષનું મૂળ બ્રહ્માલોકમાં બ્રહ્માથી શરૂ થાય છે. તમામ દેવ, મનુષ્ય, તિર્યક વગેરે યોનિઓની ઉત્પત્તિ અને વિસ્તાર થયો છે. તેથી પાતાળ સુધી જે કોઈ યોનિઓ છે, તે તેની શાખાઓ છે. મનુષ્ય યોનિ તેની મુખ્ય શાખા છે. જેમ જળ સિંચવાથી શાખાઓ વૃદ્ધિ પામે છે. તેમ ગુણો સત્ત્વ, રજ, તમ એ જળને ઠેકાણે છે. તેના વશ થવાથી સંસાર વિસ્તાર પામે છે. ભગવાને ઊંચ, નીચ કે મધ્ય યોનિઓમાં જન્મ લેવાનું કારણ ગુણોનો સંગ જ બતાવ્યો છે. कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु(૧૩/૧૧) આ સમગ્ર સૃષ્ટિમાં એવું કોઈ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ નથી. જે પ્રકૃતિથી ઉત્પન્ન ત્રણ ગુણોથી રહિત હોય. એટલા માટે ગુણોના સંબંધથી જ સંસારની સ્થિતિ છે. તે ગુણોની અનુભૂતિ, ગુણોથી ઉત્પન્ન થયેલ વૃત્તિઓ અને પદાર્થો દ્વારા થાય છે. આથી વૃત્તિઓ તથા પદાર્થો સાથે માનેલા સંબંધનો ત્યાગ કરાવવા માટે જ गुणप्रवृद्धा: પદ આપીને ભગવાને અહીં એ બતાવ્યું છે કે, જ્યાં સુધી ગુણો સાથે કિંચિત્માત્ર પણ સંબંધ છે ત્યાં સુધી સંસાર વૃક્ષની શાખાઓ વધતી જાય છે. આથી સંસાર વૃક્ષના છેદન કરવાને માટે ગુણોનો સંગ કિંચિત્માત્ર પણ નહિ રાખવો જોઈએ. કારણ કે ગુણોનો સંબંધ રહેતાં સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ થઈ શકતો નથી.

विषय प्रवाला: નવા કોમળ પાંદડા જેને ‘કૂંપળો’ કહેવામાં આવે છે. તેને અહીં ‘प्रवाला’ બતાવ્યા છે. શબ્દાદિક પંચવિષય આ સંસાર વૃક્ષની કૂંપળો છે, પાંદડાં છે. કુંપળોથી વૃક્ષ જીવિત રહે છે ને વૃદ્ધિ પામે છે. વૃક્ષમાં થડથી શાખાઓ અને શાખાઓથી કૂંપળો ફૂટે છે અને કૂંપળો દ્વારા શાખાઓ આગળ વધે છે. આ સંસારમાં વિષય ચિંતન એ કુંપળો છે. શ્રીજી મહારાજ પણ અમ.-૩ ના વચનામૃતમાં બતાવે છે કે જેમ આખો વડ ઊથલી પડયો હોય ને એક નાની વડવાઈ પૃથ્વીમાં ચોટી હોય તો વડ સમગ્ર લીલો રહે છે. તેમ આ જીવને વિષયનું ચિંતન છે તે જ જન્મ-મરણનું કારણ છે. વિષય ચિંતન એ જ સંસારવૃક્ષને લીલું રાખે છે અને વધારે છે. વિષયચિંતન એ વૃક્ષની નવી નવી કૂંપળો છે. અંતકાળે જેવા જેવા વિષયનું ચિંતન કરતો આ જીવ શરીરને છોડે છે, તેવા તેવા ભાવને પામી જાય છે.(૮/૬) આને જ કૂંપળો ફૂટવી કહેવાય છે. ઝાડની કૂંપળો અને તેમાં પણ પીપળ વૃક્ષની કૂંપળો દેખાવમાં ખૂબ જ રમણીય હોય છે. જેથી મનુષ્યના મનને તે નિત્ય આકર્ષિત કરતી હોય છે. મનમાં તે ઘણી મીઠી લાગે છે. તેમ વિષયનું ચિંતન જીવને મીઠું લાગે છે. તેનું ફળ ઘણું જ દુઃખદાયક અને કડવું હોય છે પણ ચિંતન અતિ મીઠું લાગતું હોય છે. તેથી જીવ ફળની પરવા કર્યા વિના બેમર્યાદ બનીને વિષય ભોગવે છે અને બાકીના સમયમાં વિષય ચિંતન કરે છે. તે વિષય ચિંતનનો ત્યાગ કરી શકતો નથી. જો તે વિવેકને આગળ કરીને પરિણામનો વિચાર કરે તો જરૂર તેનો ત્યાગ કરી શકે છે. વિષયોમાં સૌંદર્ય અને આકર્ષણ પોતાના રાગને કારણે જ પ્રતીત થાય છે. વાસ્તવમાં તેઓ સુંદર નથી. કાતિલ અને દુઃખદાયક છે. તેથી વિષયના રાગનો ત્યાગ જ સાચો ત્યાગ માનવામાં આવે છે. તેથી કહ્યું છે કે ‘विषयान्‌ विषवत्‌ त्यज’ વિષયોને ઝેરનો જેમ ત્યાગ કરાય છે તેમ ત્યાગ કરો. दोषेण तीव्रो विषय: कृष्णसर्पविषादपि। विषं निहन्ति भोक्तारं दृष्टारं चक्षुषाप्ययम्‌।। (વિ.ચૂ. ૭૯)

દોષમાં વિષયો કાળા સર્પના વિષથી પણ અધિક તીવ્ર છે. કેમ કે વિષ તો ખાવાવાળાને જ મારે છે; પરંતુ વિષયો આંખથી જોવાવાળાને પણ માર્યા વિના છોડતા નથી.

એટલા માટે આ સંસાર વૃક્ષનું ઉચ્છેદન કરવા માટે ભોગબુદ્ધિપૂર્વક વિષય ચિંતન તેમ જ વિષય સેવનનો સર્વથા ત્યાગ કરવો જરૂરી છે. જેમ વૃક્ષની નવી કૂંપળોને વારંવાર કાપી નાખવામાં આવે અને પાંદડાને દૂર કરવામાં આવે તો પણ વૃક્ષનો અંતે નાશ થઈ જાય છે.

अधश्वोर्ध्वं प्रसृता: અહીં ‘च’ શબ્દનો મધ્યલોક અર્થાત્‌મનુષ્યલોક અર્થ લેવો જોઈએ. કારણ કે આ શ્લોકમાં જ ‘कर्मानुबन्धीनि मनुष्यलोके’ બતાવ્યું છે. ऊर्ध्वं પદનું તાત્પર્ય બ્રહ્માના લોકપર્યંત છે અને अध: પદનું તાત્પર્ય નરકો સાથે છે. જેના બે ભેદ છે. સ્થાન વિશેષ નરકો તથા યોનિ વિશેષ નરક.

અહીં એ બતાવ્યું છે કે મનુષ્ય શરીર એ સંસારની મુખ્ય શાખા છે. તે ઊંચે બ્રહ્મલોક સુધી અને નીચે નરક સુધી ફેલાયેલી છે. કારણ કે મનુષ્ય યોનિમાં જ નવીન કર્મો કરવાનો અધિકાર છે. તેથી ઉપર બ્રહ્મલોક સુધી કે પરમાત્માના લોક સુધી તથા નીચે નરકલોક સુધી અહીંથી જ જવાય છે. અન્ય શાખાઓ ભોગ યોનિઓ છે. જેઓમાં કેવળ પૂર્વકૃત કર્મોનાં ફળ ભોગવવાનો જ અધિકાર છે. આ મનુષ્ય યોનિરૂપ મૂળ શાખાથી જીવાત્મા ઉપર કે નીચે-બન્ને બાજુ જઈ શકે છે. મનુષ્ય શરીરમાં ભગવાને એવો વિવેક આપ્યો છે. જેનો સદુપયોગ કરીને જીવાત્મા ભગવાન સુધી પહોંચી શકે છે અને અવિવેકને પ્રધાનતા આપીને છેક નરકોમાં પણ જઈ શકે છે.

अधश्व मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके મનુષ્ય સિવાયની બધી જ ભોગયોનિઓ છે. મનુષ્ય યોનિમાં કરેલાં પાપ પુણ્યોનું ફળ ભોગવવા માટે જ મનુષ્યે બીજી યોનિમાં જવું પડે છે. નવાં પાપ પુણ્યો કરવાનો અથવા પાપ પુણ્યથી રહિત થઈને મુક્ત થવાનો અધિકાર અને અવસર એક મનુષ્ય શરીરમાં જ છે. અહીં ‘मूलानि’ શબ્દનું તાત્પર્ય-આસક્તિ, મમતા, તદાત્મકતા, કામનારૂપી મૂળ સાથે છે પણ ઊર્ધ્વમૂળ-બ્રહ્મા કે પરમાત્મા સાથે નથી. ‘હું દેહ છું’ એવું માનવું તે તદાત્મકતા છે. શરીર વગેરે પદાર્થોને પોતાના માનવા તે મમતા છે. પુત્રેષણા, વિતેષણા, લોકેષણા એ ત્રણ પ્રકારની મુખ્ય કામનાઓ છે. તેમાં લોકેષણાની અંદર ‘મારું માન જળવાય, મારી પૂજા થાય, હું લાંબુ જીવતો રહું, હું નીરોગી રહું, હું શાસ્ત્રોનો પંડિત બનું’વગેરે અનેક પ્રકારની લોકમાં જેની મહત્તા વધારે છે, એવી કામનાઓ છે. એટલું જ નહિ, કીર્તિની કામના તો મર્યા પછીના વિષયવાળી પણ રહે છે. પેલી તો બધી જીવતે જીવતે જ છે પણ આ કીર્તિની કામના તો મર્યા પછીની ઈચ્છાવાળી રહે છે કે લોકો મારા વખાણ કરતા રહે. મારું સ્મારક બનાવે, મારું નામ જગતમાં ફેલાય. મારી સ્મૃતિમાં મારા ઈતિહાસના પુસ્તકો બને, લોકો મને યાદ કરતા રહે વગેરે. જો કે કામનાઓ ન્યૂનાધિકરૂપે દરેક યોનિઓમાં રહે છે. તો પણ તે મનુષ્ય યોનિમાં જ બાંધવાવાળી બને છે. જ્યારે કામનાઓથી પ્રેરિત થઈને મનુષ્ય કર્મ કરે છે, ત્યારે તે કર્મોના સંસ્કારો તેના અંતઃકરણમાં સંચિત થઈને ભાવિ જન્મ-મરણના કારણો બની જાય છે. તેનું ફળ આ જન્મમાં કે મર્યા બાદ અવશ્ય ભોગવવું પડે છે. તેથી તદાત્મકતા, મમતા કે કામના રહેતાં કર્મો સાથેનો સંબંધ છૂટી શકતો નથી.

આ ત્રણ ઈચ્છાઓ બાંધવાવાળી ન હોવાને કારણે ‘કામના’ નથી કહેવાતી. (૧) ભગવત્દર્શન, ભગવત્પ્રેમ કે ભગવાનને પામવાની ઈચ્છા.(કામના) (૨) પરમાત્માનું માહાત્મ્ય જાણવાની ઈચ્છા કે પોતાના આત્મ સ્વરૂપને જાણવાની ઈચ્છા.(કામના) (૩) પરમાત્માની કે પરમાત્માના વિશુદ્ધ ભક્તની સેવા કરવાની ઈચ્છા.(કામના) આવી ઈચ્છાઓને કામના હોવા છતાં કામના કહેવાતી નથી. કારણ કે તે બંધન કરવાવાળી નથી. ઊલટી બંધન તોડાવનારી બની રહે છે. તેમાં ભગવત્‌દર્શન, ભગવત્‌પ્રેમ કે ભગવાનને પામવાની કે પ્રસન્ન કરવાની ઈચ્છા છે. તાત્ત્વિક જિજ્ઞાસા કે તાત્ત્વિક પ્રાપ્તિની ઈચ્છા છે તે સર્વ આત્માઓને નિત્ય પ્રાપ્ત છે. શાસ્ત્રોનો ખાસ આદેશ છે. માટે તેની ઈચ્છા રાખવી તે કામના નથી. જેમ જરૂરત ઊભી થાય ને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવા તે ચોરી નથી. બીજાના ખિસ્સામાંથી જે તે ઉપાયે કાઢી લેવા તેને જ ચોરી કહેવાશે. માટે તત્વની કામના અર્થાત્‌પરમાત્મતત્ત્વ સંબંધી કોઈ પણ ઈચ્છાઓ તથા આત્મસ્વરૂપ પ્રાપ્તિ સંબંધી કોઈ પણ ઈચ્છાઓ કામના ગણાતી નથી.

શ્રીજી મહારાજ પરમાત્માનો મહિમા અર્થાત્‌સ્વરૂપ બોધ થાય કે આત્મસ્વરૂપની, પરમાત્માના સેવક સ્વરૂપે-સ્વાનુભૂતિ થાય, તેની ઈચ્છા પણ કામના ગણતા નથી. તે તત્ત્વપ્રાપ્તિની જ ઈચ્છા ગણાય છે અને ભગવાન અથવા ભગવાનના વિશુદ્ધ ભક્તની સેવા કરવાની ઈચ્છાને પણ કામના ગણવામાં આવતી નથી. જેમ પોતાની વસ્તુ પોતાના માટે વપરાય(પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢીએ) તે ચોરી નથી તેમ જ આપણી પાસે કોઈ બીજાની વસ્તુ હોય અને તેને બીજા માટે અર્થાત્‌તે વસ્તુના માલિક માટે વાપરી દેવી અથવા તેની ઈચ્છા કરવી તે પણ કામના ગણાતી નથી. તેમ આ શરીર કે બીજી કોઈ પ્રશસ્ત સામગ્રી પરમાત્માએ આપેલ છે, તે પરમાત્મા કે તેના ભક્ત માટે વાપરી દેવી તે ‘ત્યાગ’ છે. તેમાંથી પોતાનું મમત્વ-અહંકાર ઊઠાવીને તેઓની સેવામાં જોતરી દેવાને ‘ત્યાગ’કહેવામાં આવે છે. સ્વયંની તત્ત્વ જરૂરિયાત કે તત્ત્વભૂખ સંતોષવા ઈચ્છા કે પ્રયત્ન તે કામના નથી ગણાતી. તેને જરૂરિયાત કે આવશ્યકતા કહેવાય છે.

કામના અનિત્ય પદાર્થો, વ્યક્તિ કે ભાવનાઓની ઈચ્છાને કહેવાય છે. નિત્ય અને સનાતન પરમાત્માને પામવાની ઈચ્છા અને આત્મસ્વરૂપની અનુભૂતિ પામવાની ઈચ્છા તે જરૂરિયાત છે. આવશ્યકતા છે. કામના કયારેય પૂરી થનારી હોતી નથી, તે વધતી જ રહે છે. તેથી તેનો ત્યાગ કરવાનો હોય છે. જ્યારે આવશ્યકતાની પૂર્તિ થઈ શકે છે અને તેના ઉપાયો નિષ્કામ કર્મયોગ, નિષ્કામ સેવાયોગ(જેને નિષ્કામ ભક્તિયોગ પણ કહેવાય છે) વગેરે ઉપાયોથી પ્રાપ્ત થાય છે.

એવો નિયમ છે કે જ્યાંથી બંધન થાય છે ત્યાંથી જ છુટકારો થાય છે. મનુષ્ય યોનિમાં જ જીવ શુભાશુભ કર્મોથી બંધાય છે, તેથી મનુષ્ય યોનિમાં જ તે મુક્ત થઈ શકે છે. જે ભોગલક્ષી કર્મો તેને બાંધે છે, તેને જ પરમાત્મલક્ષી કરતા મુક્તિ થાય છે. જે ચાવીથી તાળું બંધ થાય છે તે જ ચાવીથી તાળું ખુલે છે.

પહેલા શ્લોકમાં ‘ऊर्ध्वमूलम्‌’ માં ‘મૂલ’ શબ્દથી બ્રહ્માનું પદ નિદેર્શ થાય છે. જ્યારે અહીં ‘मूलानि’ શબ્દથી બંધનના કારણરૂપ એવી આસક્તિ, મમતા, કામનાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જે સંસારમાં મનુષ્યને બાંધે છે. સાધકે તે મૂળોનું છેદન કરવાનું છે અને પરમાત્માનો આશ્રય લેવાનો છે. જેનો ઉલ્લેખ ‘तमेव चाद्यं पुरुषं प्रपद्ये’ કરવામાં આવ્યો છે. મનુષ્યલોકમાં કર્મો અનુસાર અને કર્મો દ્વારા બાંધવાવાળા તદાત્મકતા, મમતા, કામનારૂપી મૂળ નીચે અને ઉપર બધા લોકો, યોનિઓમાં વ્યાપ્ત થઈને રહ્યા છે. પશુ-પક્ષીઓમાં પણ તે વ્યાપ્ત થઈ રહેલા છે અને દેવતા પણ તેમાંથી બાકાત નથી. તમામ યોનિમાં કોઈને કોઈ રીતે રહેલા છે; પરંતુ મનુષ્ય યોનિ સિવાય બીજી યોનિમાં વધારે બંધન કે મુક્તિ દેવરાવનારા થતા નથી. જો કે મનુષ્ય યોનિ સિવાય દેવતાની યોનિમાં પણ વિવેક છે; પરંતુ ભોગોની અધિકતાને કારણે તેના ઉપયોગનો અભાવ દેખાય છે. તેથી ભોગોથી અને ભોગના સાધનરૂપ શરીરથી પોતાના ચૈતન્યને અલગ જોવાનું સંભવિત બનતું નથી. જો ધારે તો મનુષ્ય યોનિમાં જ પોતાને દેહ અને તે સંબંધી ભોગોથી અલગ પડી શકે છે અને તેની અનુભૂતિ કરી શકે છે.

ભોગોના પરિણામ ઉપર દૃષ્ટિ રાખવાની યોગ્યતા પણ મનુષ્ય શરીરમાં જ છે. પરિણામ ઉપર દૃષ્ટિ ન રાખીને ભોગો ભોગવનાર મનુષ્યોને પશુ જેવા કહેવા તે પશુયોનિની નિંદા કરવા જેવું છે. કારણ કે આ તેનાથી પણ બદતર છે અને વધારે નીચે જઈ રહ્યો છે.

न रू पमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा।

अश्वत्थमेनं सुविुरुढमूलमसङ्गशस्त्रेण दृढेन छित्त्वा।।३।।

तत: पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूय:।

तमेव चाद्यं पुरुषं प्रपद्ये यत: प्रवृत्ति प्रसृता पुराणी।।४।।

અર્થ : આ સંસાર-વૃક્ષનું વર્ણન કર્યું તેવું રૂપ આ લોકમાં તો ઉપલબ્ધ થતું જ નથી તેમજ આનો અંત અને આદિ પણ ઉપલબ્ધ નથી અને એની સમ્પ્રતિષ્ઠા-ખરેખરી રીતે એ શેમાં રહ્યો છે. એ પણ સમજાતું નથી. આવા અતિ જામી ગયેલાં ઉંડા મૂળવાળા આ સંસારવૃક્ષને અનાસક્તિરૂપ દૃઢ શસ્ત્રથી છેદી નાખીને. તે પછી તે પદ-અવિચળ સ્થાન ખોળી કાઢવું જોઈએ કે જે સ્થાનમાં ગયેલા મુક્તાત્માઓ ફરીથી સંસાર-મંડળમાં પાછા ફરતા નથી અને તે સર્વના આદિપુરુષ પરમાત્માને જ હું શરણ પામું છું. જે પુરુષ-પરમાત્મા થકી આ પુરાતન સંસારપ્રવૃત્તિ ચાલેલી છે. ।।૩-૪।।

न रू पमस्येह… (इह अस्य रू पं तथा न उपलभ्यते) અહીં જે આ સંસારનું સ્વરૂપ જેવું દેખાય છે અર્થાત્‌આસક્ત પુરુષોને જેવું રસરૂપ દેખાય છે, તેવું ખરેખર નથી. અર્થાત્‌મર્યા પછી અથવા સાચું સ્વરૂપ ઓળખાયા પછી તે એવું છે નહિ. જે સ્થાનમાં જેવું દેખાય છે તેવું હોતું નથી, પ્રાપ્ત થતું નથી. તેવું જ આ સંસારનું છે. જો કે આ અધ્યાયના પહેલા શ્લોકમાં સંસારવૃક્ષને સકામ શાસ્ત્રોમાં પણ વર્ણન આવે છે કે, આ પ્રકારનું અનુષ્ઠાન કરવાથી લોક-પરલોકમાં વિશાળ ભોગો પ્રાપ્ત થાય છે. એવી શાસ્ત્રોમાંથી અને લોકોમાં વાતો સાંભળી, મનુષ્યને આ લોક તથા સ્વર્ગલોકમાં સુખ, રમણીયતા અને સ્થાયીપણું માલૂમ પડે છે. આને કારણે અજ્ઞાની લોકો પૂર્ણપણે માની લે છે અને એવી માન્યતાથી વર્તે છે; પરંતુ જ્યાં સુધી સંસારમાં આસક્તિ, તદાત્મકપણુ,મમતા, કામના વગેરે સંબંધ છે, ત્યાં સુધી ક્ષુલ્લક વસ્તુ પણ માણસને રમણીય અને સનાતન ભાસે છે. તેનો વિવેક લુપ્ત થઈ જાય છે. જો વિવેકબુદ્ધિથી સંસારથી અલગ પડીને, સંસારથી માનસિક સંબંધ તોડીને પછી સંસારને દેખવામાં આવે તો જેવું વાસનિક જીવોને દેખાય છે, તેવું ઉપલબ્ધ થતું નથી. વાસ્તવમાં જેવું દુઃખરૂપ અને નાશવંત છે, તેવું પ્રતીત થાય છે. સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણવા માટે સંસારથી અલગ પડવું પડે છે. આસક્ત થઈને સંસારમાં ચોટી જઈને સંસારને જોયા કરવાથી સંસાર મીઠો લાગે છે પણ તેના ફળ ઘણાં કડવાં ભોગવવાં પડતાં હોય છે. તો પણ વિવેક લુપ્ત થઈ ગયો હોવાથી જીવની આંખ ઉઘડતી નથી.

नान्तो न चादिर्न च संप्रतिष्ठा કોઈ વસ્તુના આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન બે પ્રકારનું હોય છે. એક સ્થળકૃત. અર્થાત્‌દેશને અનુલક્ષીને અને બીજું કાળકૃત. અર્થાત્‌સમયને અનુલક્ષીને. આ સંસારનો કયાંથી આરંભ છે, કયાં મધ્ય છે અને કયાં તેનો અંત છે? આ રીતે સંસારના સ્થળકૃત આદિ, મધ્ય અને અંતનો પત્તો નથી. કયારથી તેનો આરંભ થયો છે, કયાં સુધી તે રહેશે અને કયારે તેનો અંત થશે? આ રીતે કાળકૃત આદિ, મધ્ય અને અંતનો પણ કોઈ પત્તો નથી. મનુષ્ય કોઈ ભૂલભૂલવણીવાળા પ્રદર્શનમાં પ્રવેશ કરી જાય અને તેનાં અવનવાં દૃશ્યો જોતો રહે અને ફરતો રહે, અંદર ને અંદર ચક્કર મારતો રહે ત્યાં સુધી તેના અંતને જાણી શકતો નથી, પામી શકતો નથી. જ્યારે તેનાથી બહાર નીકળે ત્યારે જ તેના અંતને જાણી શકે છે. આ જ રીતે સંસારમાં આસક્ત થઈને ભોગોમાં વૃત્તિ રાખીને કયારેય સંસારનો આદિ-અંત જાણી શકાતો નથી, પામી શકાતો નથી. સંસારનો આદિ-અંત તે પણ સંસારમય છે ને સંસારમાં વિલીન થનારા છે. માયામાં જ વિલીન થનારા છે પણ માયાના-સંસારના પારને પામી શકનારા નથી. તેથી સંસારથી મનન દ્વારા અલગ પડવાથી જ તેના પારને પામી શકાય છે.

સંસારમાં ભોગો ભોગવીને, આસક્ત થઈને તેના પારને હજુ સુધી કોઈ પામ્યો નથી અને કોઈ પામી શકનાર છે નહિ. તે ઘાણીના બળદની જેમ સતત ફરતો રહે છે. ખરેખર તો આ સંસારના આદિ-અંતનો પત્તો મેળવવાની જરૂરિયાત પણ નથી. સંસાર સાથે પોતાનો સંબંધ તોડવાની જરૂર છે. સંસાર તો અનાદિ જ છે અને અનંત રહેવાના પ્રવાહરૂપે ચાલવાનો જ છે. તેને આદિ-અંત નથી. દાર્શનિકો સંસારનો ખૂબ વિચાર કરે છે. તેમાં અનેક મતભેદ છે. કોઈ કહે છે, અનાદિ-સાન્ત, કોઈ અનાદિ-અનંત, કોઈ કહે પ્રતીતિ માત્ર છે વગેરે અનેક મત છે પણ તેની સાથેનો આપણો સંબંધ ખોટો છે. છોડવા જેવો છે, તેમાં કોઈ મતભેદ નથી. તેમાં બધા જ સંમત છે કે, સંસારથી સંબંધ વિચ્છેદ કરવો જોઈએ. તે સંબંધ વિચ્છેદ કરવા માટે પરમાત્માએ આપેલી સામગ્રીને પરમાત્માની સેવામાં લગાડી દેવાથી સંસાર સંબંધ વિચ્છેદ થઈ જાય છે. પોતાને વાપરતાં વાપરતાં કયારેય તેને ભોગોથી તૃપ્તિ થઈ નથી અને થવાની નથી અને સંસારનો અંત આવનારો નથી.

अश्वत्थमेनं सुविरूढमूलम्‌-સંસારને ‘सुविरूढमूलम्‌’ કહેવાનું તાત્પર્ય એ છે કે તે આસક્તિ દૂર થવી અત્યંત કઠિન છે. ભાગવતમાં તેને ‘अजरं पाशम्‌’ કહીને વર્ણવી છે. ‘दुर्जरगेहश्रृंखलाम्‌’ કહીને વર્ણવી છે. તેનું તાત્પર્ય એ છે કે તે કયારેય જૂની થતી નથી. સંસારમાં જીવને નિત્ય નવીન રસ પ્રાપ્ત થાય છે. રાગ અને મમતાને લઈને વર્ષો જતાં તે નવીનતા પ્રાપ્ત કરે છે પણ જીર્ણતા તો કયારેય પ્રાપ્ત થતી જ નથી. એવો સંસારનો સંબંધ છે. રાગ અને મમતા હોવાથી તે જેમ જેમ વધારે મળે તેમ તેમ તેને વધુ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે; પરંતુ બંધન અનુભવાતું નથી. જેમ ધનમાં રાગ-મમતા હોવાથી તેના પોતાનું સ્વરૂપ જ માનવા લાગી જાય છે. તેની પ્રાપ્તિમાં મનુષ્યને બહુ જ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તેનો નાશ થવાથી પોતાનો નાશ માનવા લાગી જાય છે. ધનની પ્રાપ્તિને માટે તે ગમે તેવા નીચ કૃત્યો કરવા તૈયાર થઈ જાય છે. તેને કદી વિચાર નથી આવતો કે પાપથી ધન કમાઈને હું અહીં કેટલા દિવસ રહીશ? ધન તો અહીં પડયું રહેશે ને પાપ તો સાથે આવશે. જીવ કમાયેલી વસ્તુ લઈને જતો નથી પણ તેને માટે કરેલા પાપ સાથે લઈને જાય છે; પરંતુ રાગ કે મમતાના મૂળ એટલા બધા અંતઃકરણમાં ઊંડા પેસી ગયા છે કે તેથી તેને सुविुरुढमूलम्‌ બતાવ્યા છે. ત્યાગ કરવા ઈચ્છે છે છતાં પાછા ત્યાં ને ત્યાં આવી જાય છે. સંસાર ન છૂટવામાં કારણ એ છે કે સંસારના ભોગ, સુખ ભોગવવાની ઈચ્છા-કામના છોડવા માગતા નથી. જીવના અંતરમાં તે કામના છોડવાની ઈચ્છા નથી. ભોગો ભોગવવા છે પણ તેના દુષ્પરિણામો ભોગવવા નથી પણ તે તો સંભવિત નથી.

असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ભગવાન કહે છે કે આ સંસારવૃક્ષ છે તે સુવિરૂઢ મૂલ છે, છતાં પણ તેને દૃઢ એવા असङ्गशस्त्रेण કાપી શકાય છે. કોઈપણ વસ્તુમાં આસક્ત ન થવું તેને અસંગતતારૂપી શસ્ત્ર બતાવ્યું છે. પદાર્થો તો અનેક છે અને અનેક પ્રકારના છે પણ આસક્તિ એક જ જાતની હોય છે. તે ન થવા દેવી અને દૃઢ વૈરાગ્યનું તાત્પર્ય છે કે વિષયોની અનિચ્છા. કયારેક વ્યાધિ વગેરે કારણોથી વિષયનો અભાવ થાય છે તો તેવા વિષયના અભાવથી સંસારવૃક્ષ કપાતું નથી. એ તો વિષયના સાચા અભાવથી આ વૃક્ષનું ઉચ્છેદન થાય છે. વસ્તુતાએ સાંસારિક વસ્તુઓનો અભાવ અથવા સર્વથા નાશ તો થઈ શકતો નથી; પરંતુ તેમાં રહેલા રાગનો સર્વથા અભાવ થઈ શકે છે અને તેમાં રહેલા રાગના સર્વથા અભાવને જ અહીં દૃઢ અસંગ શસ્ત્ર બતાવ્યું છે. છેદનનું તાત્પર્ય પણ રાગનો નાશ કરવાનું છે પદાર્થ વગેરેનો નહિ.

तत: पदं तत्परिमार्गितव्यं ભગવાન પૂર્વ શ્લોકમાં ‘छित्त्वा’ પદથી આમ તો એ સિદ્ધ થાય છે કે, પરમાત્માને માર્ગે ચાલતા પ્રથમ સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવો ખૂબ જ આવશ્યક છે. કારણ કે પરમાત્મા તો તમામ વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેમાં જેમના તેમ જ વિદ્યમાન છે. કેવળ સંસાર સાથે પોતાનો સંબંધ માનવાને કારણે જ અર્થાત્‌આસક્તિને કારણે જ નિત્ય પ્રાપ્ત પરમાત્માની પ્રાપ્તિમાં અંતરાય આવી રહે છે. સંસાર સાથે સંબંધ ચાલુ રહેવાથી પરમાત્માની ખોજ કરવામાં ઢીલાશ આવી જાય છે. સંસારમાં આસક્તિ રાખીને જપ, કીર્તન, સ્વાધ્યાય વગેરે સર્વ કાંઈ કરવા છતાં પણ વિશેષ લાભ નથી દેખાતો. તેથી સાધકે સંસારથી પ્રથમ નિવૃત્તિ મેળવવી જોઈએ. અહીં ભગવાન કહે છે, કે ત્યાર પછી ભગવાનના પદની ભગવાનના સ્વરૂપને પામવાની ખોજ કરવી જોઈએ. ખોજ તે વસ્તુની કરવાની હોય છે જેનું અસ્તિત્વ પહેલેથી જ હોય છે. હવે તો અંતરમાંથી સંસારની આસક્તિ દૂર કરી, પરમાત્મામાં તેવી આસક્તિ કરીને પરમાત્માનો આશ્રય કરવાનો છે. એ પરમાત્માની ખોજ કરી ગણાશે. સાધકોએ સાધન, ભજન કરવા અને સદાચારપૂર્ણ પવિત્રપણે રહેવું એ તો ખૂબ જ આવશ્યક છે. કેમ કે એના સમાન કોઈ ઉત્તમ કામ નથી. હું એ સાધન, ભજન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી લઈશ. એમ માનવું એ ઠીક નથી. કારણ કે એમ માની લેવું એ અભિમાનની ઝલક છે. જે પરમાત્માની પ્રાપ્તિમાં બાધક છે.

પરમાત્મા તેમની કૃપાથી મળે છે, સાધનથી નહિ. પછી સાધન ગમે તેટલું મહાન ભલે હોય પણ સાધનથી પરમાત્મા ખરીદી શકાતા નથી. સાધનથી સંસારનો સંબંધ દૂર કરી શકાય છે અને પરમાત્માને પ્રસન્ન કરવામાં તે ઉપયોગી છે પણ તેની પ્રાપ્તિ તેનાથી થાય છે એમ ન માનવું જોઈએ. કારણ કે પરમાત્માની પ્રાપ્તિ કોઈપણ કર્મ, સાધના, તપસ્યા વગેરેનું ફળ નથી બની શકતું. પછી ભલે તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના કેમ ન હોય. સાધનાથી જડતા સાથે અર્થાત્‌સંસાર સાથે સંબંધ વિચ્છેદ થાય છે. તે સંબંધ વિચ્છેદ થતાં પરમાત્માથી નજીકપણું અનુભવાય છે. પરમાત્માની અનુભૂતિ થાય છે અને પરમાત્માની સ્મૃતિ જાગૃત થાય છે.

અર્જુન પણ ગીતાનો પૂરો ઉપદેશ સાંભળ્યા પછી કહે છે કે, ‘स्मृतिर्लब्धा’ (૧૮/૭૩) મારો મોહ હવે નષ્ટ થયો છે ને મને સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ છે. સંસારની સ્મૃતિ અને પરમાત્માની સ્મૃતિમાં તો ઘણું જ અંતર છે. જે શ્રીજી મહારાજ વચ.ગ.મ.પ્ર.૪૯માં કહે છે, ‘માયિક આકારના ચિંતવન કરનારા છે તે તો અનંત કોટિકલ્પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે અને ભગવાનમાં સ્વરૂપનું ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. વળી પરમાત્માની એકવાર પ્રાપ્તિ થઈ જાય તો તેને કાળ ખંડિત કરી શકતો નથી. ભરતજીને બીજા જન્મમાં પણ તે સ્મૃતિએ પકડી લીધા. વૃત્રાસુરને અસુર યોનિમાં પણ તે સ્મૃતિ નાશ ન પામી. ગજેન્દ્રને હાથીની યોનિમાં પણ ભગવાનની સ્મૃતિ નાશ ન પામી. જ્યારે સંસારની સ્મૃતિને કાળ વારંવાર નાશ કરી નાખે છે.

यस्मिन्गता न निवर्तन्ति भूय: જેનું છઠ્ઠા શ્લોકમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકમાં જેને आद्यम्‌ पुरुषम्‌ બતાવવામાં આવ્યા છે. તે પરમાત્મતત્ત્વનો નિર્દેશ અહીં ‘यस्मिन्‌’ શબ્દથી કરવામાં આવ્યો છે.

એકવાર પરમાત્માને પ્રાપ્ત થઈને આ જીવને ફરી પાછું સંસારમાં આવવાનું થતું નથી એવું ભગવાનનું અવિનાશી પદ છે.

यत: प्रवृत्ति: प्रसृता पुराणी-જે પરમાત્માએ આ પુરાણી પ્રવૃત્તિ પ્રસરાવી છે. પુરાણી અર્થાત્‌પુરાતન. એવા મુમુક્ષુઓની પ્રવૃત્તિ, પુરાતન એવા મુમુક્ષુઓ પરમાત્માને પામીને સંસારબંધનથી મુક્તિ પામ્યા છે. એટલે સંસારથી મુક્ત થઈને પરમાત્માને પામવાની જે પ્રવૃત્તિ છે, તે પુરાણી પ્રવૃત્તિ કહેવાય છે. તેના આદિ પ્રવર્તક પરમાત્મા છે. પરમાત્માએ આ સૃષ્ટિ જીવોની-મુમુક્ષુ જીવોની મુક્તિ માટે રચી છે; નહિ કે ભોગીઓ ના ભોગ માટે. સાંસારિક જીવો ભોગોને જોઈને તેના રચયિતા પરમાત્માને ભૂલી જાય છે. પ્રાણી માત્રનો એવો સ્વભાવ છે કે તેઓ તેનો જ આશ્રય કરવા ઈચ્છે છે. તેની પ્રાપ્તિ કરવામાં જીવન જોડી દેવા ઈચ્છે છે કે જેને તેઓ સહુથી શ્રેષ્ઠ માનતા હોય અથવા જેનાથી તેને કાંઈક પ્રાપ્ત થવાની આશા હોય. જેમ સંસારમાં લોકો રૂપિયાને પ્રાપ્ત કરવામાં અને તેમનો સંગ્રહ કરવામાં ઘણી જ તત્પરતાથી મંડી પડે છે. કારણ કે તેઓ એવું માને છે કે, રૂપિયામાંથી તમામ મનવાંછિત વસ્તુ મળી જાય છે, માટે રૂપિયા પાછળ પડી જાય છે. એટલે સુધી કે તેઓ શરીરના આરામની પણ ઉપેક્ષા કરીને રૂપિયા કમાવા તથા સંગ્રહ કરવા તત્પર રહે છે. તેમની દૃષ્ટિમાં રૂપિયાથી વધારે કોઈ હોતું નથી. એવી જ રીતે જ્યારે સાધકને એની જાણ થઈ જાય છે કે પરમાત્માથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ છે જ નહિ અને પરમાત્માની પ્રાપ્તિમાં જેવો આનંદ છે. તેનો એક અંશ પણ બીજે નથી ત્યારે તે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તત્પરતાથી લાગી જશે.

तमेव चाद्यं पुरुषं प्रपद्ये-જેનો કોઈ આદિ નથી; પરંતુ જે બધાના આદિ છે. તે આદિપુરુષ પરમાત્માનો આશ્રય લેવો જોઈએ. અન્યનો આશ્રય તે આશ્રય જ નથી પણ તે આશ્રય લેવાવાળાને નાશ અથવા પતન કરવાવાળો છે. જેમ કે સમુદ્રમાં ડૂબતી વ્યક્તિને માટે મગરમચ્છનો આશ્રય. આ સંસારસાગરના બધા આશ્રય મગરમચ્છના આશ્રય જેવા છે.

જ્યારે સાધક પોતાનું પૂરું બળ લગાવવા છતાં પણ દોષોને દૂર કરવામાં સફળ નથી થતો, ત્યારે તે પોતાના બળથી આપમેળે નિરાશ થઈ જાય છે. બરાબર એવે સમયે જો તે પોતાના બળથી સર્વથા નિરાશ થઈને એક માત્ર ભગવાનનો આશ્રય લઈ લે છે તો ભગવાનની કૃપાશક્તિથી તેના દોષો નિશ્ચિતરૂપે નષ્ટ થઈ જાય છે અને તેને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે તેથી સાધકે ભગવાનની પ્રાપ્તિ થકી કદી નિરાશ થવું નહિ.

સાધકે જેવી રીતે સંસારના સંગનો ત્યાગ કરવાનો છે, તેવી જ રીતે સાધનાના અભિમાન કે આસક્તિનો પણ ત્યાગ કરવાનો છે. શરણાગત ભક્તોમાં બે ભાવો રહે છે. ‘હું ભગવાનનો છું’ અને ‘ભગવાન મારા છે’ આ બન્નેમાં પણ ‘હું ભગવાનનો છું અને ભગવાનને માટે છું’ આ ભાવ વધુ ઉત્તમ છે કારણ કે ‘ભગવાન મારા છે અને મારા માટે છે’ આ ભાવમાં પોતાના માટે ભગવાન પાસેથી કાંઈક ઈચ્છા રહે છે ખરી. આથી કયારેક સાધક ભગવાન પાસે પોતાનું મનગમતું કરાવવાને ઈચ્છશે; પરંતુ ‘હું ભગવાનનો છું અને ભગવાન માટે છું’ આ ભાવમાં કેવળ ભગવાનનું મનગમતું થશે. સાચી શરણાગતિ થવાથી તેનો ભગવાન પ્રત્યે અનિર્વચનીય અને અલૌકિક પ્રેમ જાગ્રત થઈ જાય છે. તેમાં અનિર્વચનીયતા અને અલૌકિકતા શું છે? તો તે ક્ષતિ, પૂર્તિ અને નિવૃત્તિથી રહિત છે. પ્રતિ ક્ષણે તે વધતો જ રહે છે. અનન્ય શરણાગતિ થવાથી એવો ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રાપ્ત થાય છે.

‘एव’ શબ્દનું તાત્પર્ય એ છે કે બીજા બધા આશ્રયોનો ત્યાગ કરીને એક ભગવાનનો જ આશ્રય લેવો. આ જ ભાવ मामेव ये प्रपद्यन्ते(૭/૧૪) तमेव शरणं गच्छ’(૧૮/૬૨) मामेकं शरणं व्रज(૧૮/૬૬) વગેરે જગ્યાએ કહેવામાં આવ્યો છે.

निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा:।

द्वन्द्वैर्विमुक्ता: सुखदु:खसंज्ञैर्गच्छन्त्यमूढा: पदमव्ययं तत्‌।।५।।

અર્થ : તે અવિચળ પદ પામનારાઓના લક્ષણ કહે છે-જેમના માન-મોહાદિક નષ્ટ થઈ ગયા હોય છે. જેમણે આસક્તિરૂપ દોષને સર્વથા જીતી લીધેલો હોય છે. આત્મજ્ઞાનમાં જે નિરંતર દૃઢ સ્થિતિ પામેલા હોય છે. જેમની કામનાઓ સર્વાંશે નિવૃત્ત થયેલી હોય છે અને સુખ-દુઃખાદિક નામના દ્વન્દ્વો થકી સર્વથા રહિત થયેલા હોય છે. આવા અમૂઢ-જ્ઞાની જનોજ તે અવ્યય-અક્ષર પદને પામે છે. ।।૫।।

निर्मानमोहा: પોતાને વિશે પૂજ્યબુદ્ધિ રહેવી તેને માન કહેવામાં આવે છે. પરમાત્માને વિષે અને તેના સાચા ભક્તને વિશે પૂજ્યબુદ્ધિ થવી તેને નિર્માન ભાવ કહેવાય છે. બાકી બોલવા ચાલવાના વ્યવહાર, વિવેકને (ફોર્માલીટીને) નિર્માનીપણું નથી ગણાતું. ઘણા બોલવામાં ખૂબ નમ્ર જેવા દેખાતા હોય છે પણ પોતાને વિષે ઘણી મહત્ત્વબુદ્ધિ બાંધીને ફરતા હોય છે. શરીરને જ પોતાનું રૂપ માનવાથી જ માન-આદર સત્કાર કે પૂજાવાની ઈચ્છા થાય છે. શરીરની સાથે પોતાનો એકત્વભાવ માનવાને કારણે જ મનુષ્ય શરીરના માન-આદરને ભૂલથી પોતાનામાં માન-આદર માની લે છે અને તેમાં ફસાઈ જાય છે. જેને એક પરમાત્મામાં જ પૂજ્યબુદ્ધિ થઈ છે અને શરીરમાં હું-મારા પણું ઊથલી ગયું છે તેઓ શરીરના માન-આદરથી પ્રસન્ન થઈ જતા નથી. તેને શરીર આદિકનો મોહ રહેતો નથી. કેવળ ભગવાનને પામવાનો, તેને પ્રસન્ન કરવાનો ઉદ્દેશ્ય થવાથી અને ભગવાનને શરણે થવાથી તે ભક્તો સંસારથી વિમુખ થઈ જાય છે. સંસારનો મોહ તેમને રહેતો નથી.

जितसङ्गदोषा: ભગવાનમાં આકર્ષણ-ખેંચાણ રહેવું કે થવું તે પ્રેમ-ભક્તિ કહેવાય છે અને સંસારમાં આકર્ષણ-ખેંચાણ થવું એ મોહ અથવા આસક્તિ કહેવાય છે. મમતા, સ્પૃહા, વાસના વગેરે દોષો આસક્તિ ને કારણે જ થાય છે. અહીં सङ्ग શબ્દ આસક્તિ અર્થમાં છે. ભગવાનમાં આસક્તિ થવાથી જગતની આસક્તિ નિવૃત્ત થઈ જાય છે. જિતાય જાય છે. જગતની આસક્તિનો નાશ કરવાનો શ્રેષ્ઠ અને સચોટ ઉપાય પરમાત્મામાં આસક્તિ થવી એ છે. આસક્તિનું મારણ આસક્તિ, વધારે કામયાબ થાય છે.

अध्यात्मनित्या: आत्मनि अधिकृत्य वर्तते इति अध्यात्मन्‌ તેનું તાત્પર્ય-દેહભાવથી અલગ થઈને આત્મકેન્દ્રિત થવું તે છે. માણસ જેટલો દેહભાવને દબાવીને તેનાથી અલગ પડીને આત્મકેન્દ્રિત થઈ શકે છે, આત્મહિતમાં જેટલો વર્તી શકે છે તેટલો તે આધ્યાત્મિક બન્યો કહેવાય છે. કેવળ રાત્રી દિવસ આત્માની ચર્ચા કર્યા કરવાથી પણ તે આધ્યાત્મિક બની જતો નથી. કદાચને રાત્રી દિવસ તે ભગવાનની ચર્ચા કરતો રહે તો પણ તે ભક્ત ભલે કહેવાય પણ પ્રાકૃત રહે છે. આધ્યાત્મિક ભાવમાં આવી શકતો નથી. કેવળ ભગવાનનો અશ્રય લેવાથી તેનો દેહભાવ નિવૃત્ત થઈ જાય છે અને નિવૃત્ત થઈ જવો જોઈએ. દેહભાવ નિવૃત્ત ન થતો હોય તો તેની સાધના પ્રણાલીમાં કોઈક ખામી છે, તેને તપાસીને દૂર કરવી જોઈએ. ભગવાનને શરણે થવાથી સાધકની અહંતા બદલાઈ જાય છે અને બદલવાની હોય છે. તેની અહંતા ભગવાન સંબંધિત થઈ જાય છે કે, હું ભગવાનનો છું, ભગવાનના માટે જ છું. ત્યારે તેની સ્થિતિ પણ ભગવાનમાં થઈ જાય છે. અહંકાર જે કેન્દ્રમાં સ્થિર થાય છે, ત્યાં તેની સ્થિતિ થઈ ગણાય છે. જેમ કે હું અમુક વર્ણ, આશ્રમ, જાતિ, નામનો છું તો તેની દૃઢ માન્યતાથી તેમાં તેની સ્થિતિ થઈ જાય છે. તેમ દૃઢપણે ‘ભગવાનનો સેવક છું’ એમ માનવાથી તેની ભગવાનમાં સ્થિતિ થાય છે. તેને આધ્યાત્મિક સ્થિતિ કહેવાય છે. જે નિરંતર રહે તેમ સાધવાની છે.

विनिवृत्तकामा: આગળ ‘जितसङ्गदोषा:’ માં આસક્તિને જીતી લીધી અને અહીં કામના નિવૃત્ત કરેલ છે. એવો અર્થ આસક્તિ અને કામનામાં એ તફાવત રહે છે કે, આસક્તિ પ્રાપ્ત અને અપ્રાપ્ત પદાર્થની એમ બન્નેની થાય છે અને રહે છે. જ્યારે કામના ફકત અપ્રાપ્ત પદાર્થ વસ્તુ-વ્યક્તિ વિષયકની જ થાય છે ત્યારે તેને કામના કહેવાય છે. માટે તેનાથી विनिवृत्तकामा: શબ્દ અલગ લીધો છે. સંસાર સંબંધી ધ્યેય કે લક્ષ્ય રહેવાથી જ સંસાર સંબંધી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેની કામના થાય છે. જે સાધકોને કેવળ પરમાત્માને પામવાનો ઉદેશ્ય છે અને સાંસારિક વસ્તુ વગેરે પામવાનો ઉદ્દેશ્ય છે જ નહિ. તેઓ કામનાઓથી સર્વથા રહિત થઈ જાય છે. શરીરમાં પણ આસક્તિ, મમતા રહેવાથી શરીર સંબંધી કામનાઓ થાય છે કે, મારું શરીર સ્વસ્થ રહે, બીમાર ન થઈ જાય વગેરે કામનાઓ થઈ જાય છે. તેને નિવૃત્ત કરવા વધારે ભગવત્પરાયણ થવાની જરૂર રહે છે.

द्वन्द्वैर्विमुक्ता: सुखदु:खसंज्ञै: તે ભક્તો સુખ-દુઃખ અર્થાત્‌અનુકૂળતા-પ્રતિકૂળતા, હર્ષશોક, સિદ્ધિ-અસિદ્ધિ, રાગદ્વેષ વગેરે દ્વન્દ્વોથી રહિત થઈ જાય છે. જેઓની દૃષ્ટિ કેવળ ભગવાનને પ્રસન્ન કરવામાં ઠેરાણી છે. પરમાત્માને હું પ્રસન્ન કઈ રીતે કરી શકું તે આ દ્વન્દ્વોમાં પડતા નથી અને તે આ દ્વન્દ્વોથી વિમુક્ત થાય છે. અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ તો જરૂર આવે છે પણ તેને લઈને માનસમાં સામાન્ય માણસને વિકૃતિઓ આવે છે. તે ભગવાનના ભક્તમાં નથી આવતી. તે અનુકૂળતા-પ્રતિકૂળતાને પણ ભગવાનથી નજીક થવા માટેની સામગ્રી તરીકે ઉપયોગ કરે છે. તેને સાધન બનાવે છે. સંસારના નાશવંત પદાર્થોને વધારે મહત્ત્વ આપવાથી દ્વન્દ્વો ઊભા થાય છે. ભગવાનને વધારે મહત્ત્વ આપવાથી તેની દૃષ્ટિમાંથી દ્વન્દ્વો વિલીન થઈ જાય છે. મારું તારું વગેરે બાબતો તેને ક્ષુલ્લક તુચ્છ ભાસવા લાગે છે.

गच्छन्त्यमूढा: पदमव्ययं तत्‌। પ્રાકૃત પદાર્થો, વ્યક્તિઓ, પરિસ્થિતિને માટે ઈચ્છા કે ચેષ્ટા કરવી, તેને માટે આખી જિંદગી નીચોવી નાખવી એ ‘મૂઢતા’ છે. ‘या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुने: શ્લોકમાં બતાવ્યા મુજબ જે સંયમી પુરુષો સંસારના ભોગો અને સાંસારિક ભાવોથી પાછા ફરીને પરમાત્મા તરફ ચાલ્યા છે. તેને અહીં अमूढा: શબ્દથી બતાવ્યા છે. મૂઢ પુરુષોને સર્વત્ર સંસાર જ દેખાય છે ને અનુભવાય છે તેમ જ અમૂઢ પુરુષોને સર્વત્ર પરમાત્મા દેખાય છે અને અનુભવાય છે. જ્યાં સુધી મૂઢતા રહે છે ત્યાં સુધી તેના જીવનમાં દ્વન્દ્વો છૂટતા નથી. વાસ્તવમાં તો સંસારિક દ્વન્દ્વોમાં પ્રવર્તવું તે જ મૂઢતા છે. સંસારને જ સાચો માની લેવો,  પરલોક અથવા પરમાત્મામાં આસ્થા ન હોવી એ મૂઢતા છે. આવી મૂઢતાઓ જેની દૂર થઈ ગઈ છે. તેવા પુરુષોને અહીં ‘अमूढा:’ તરીકે બતાવ્યા છે. ગીતામાં ભગવાને એવા સાધકોને જ મુક્તિના અધિકારી બતાવ્યા છે. यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदु:खसुखं धीरं सोऽमृतत्वाय कल्पते। એવા જે ન હોય તે સંસારના અને જન્મ-મરણ, નરક ચોરાશીના અધિકારી બને છે. તેથી આ શ્લોકમાં ભગવાને બે વાર મૂઢતાના ત્યાગની વાત ‘निर्मानमोहा: અને अमूढा:’ કહીને જેને પરમાત્મા પાસે પહોંચવું છે, જેને એક પરમાત્માનો જ આશ્રય કરવો છે તેને માટે મૂઢતાનો ત્યાગ કરવા પર વિશેષ જોર દીધું છે. મૂઢતા બે પ્રકારે છે-એક તો પરમાત્મા તરફ ન લાગીને સંસારમાં જ ચોટી જવું અને બીજું પરમાત્માને સારી રીતે ન જાણવા. આ શ્લોકમાં પહેલા ‘निर्मानमोहा: શબ્દથી સંસારનો મોહ દૂર કરવાની વાત કરી અને अमूढा:’ શબ્દથી પરમાત્માને સારી રીતે જાણી લેવાની વાત બતાવી છે. ચોથા શ્લોકમાં જે પરમપદરૂપી પરમાત્માની ખોજ કરવાની પ્રેરણા કરવામાં આવી છે અને આગળ છઠ્ઠા શ્લોકમાં જેના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. એ જ પરમાત્મારૂપી પરમપદને અહીં ‘अव्ययम्‌ पदम्‌’ થી બતાવ્યા છે. ભગવાનનો ભક્ત, ભગવાનના આશ્રય અને ભજનથી ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરીને માન, મોહ, મમતા વગેરે દોષોથી રહિત થઈ જાય છે અને તે અવિનાશી પરમપદને અવશ્ય પામે છે. જેને પામીને ફરીને પાછું સંસારમાં આવવું પડતું નથી.

न तद्भासयते सूर्यो न शशामो न पावक:।

यद्‌गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम।।६।।

અર્થ : તે ધામને સૂર્ય પ્રકાશ કરી શકતો નથી, તેમજ ચંદ્રમા કે અગ્નિ પણ પ્રકાશ કરી શકતો નથી અને જે સ્વયંપ્રકાશ ધામને પામીને પામનારા મુક્તાત્માઓ પાછા ફરતા નથી તે મારું પરમ-સર્વોકૃષ્ટ ધામ છે. ।।૬।।

આ શ્લોક, પાંચમાં અને સાતમાં શ્લોકને જોડવા માટેની કડી રૂપે આવ્યો છે. ભગવાન બતાવે છે કે, અવ્યય એવું મારું ધામ છે અને જીવ પણ સનાતન-અવ્યય છે. તેથી જીવનું સાચું નિવાસસ્થાન અને યોગ્ય નિવાસસ્થાન તો ભગવાનનું ધામ જ છે.

જો કે આ છઠ્ઠા શ્લોકનો બારમાં શ્લોક જે यदादित्यगतं… શ્લોકને જોડવા માટે એને અહીં આપવામાં આવ્યો છે. આ શ્લોકમાં ભગવાને બે ખાસ વાતો બતાવી છે. (૧) તે ધામને સૂર્ય વગેરે પ્રકાશિત નથી કરી શકતા.(જેનું વિશેષ વર્ણન-૧૨માં શ્લોકમાં કર્યું છે.) (૨) તે ધામને પ્રાપ્ત થયેલા જીવ પુનઃ પાછા ફરીને સંસારમાં નથી આવતા.(જેનું વિશેષ વર્ણન-૭મા શ્લોકમાં કર્યું છે.)

न तद्भासयते सूर्यो न शशामो न पावक:

દૃશ્ય જગતમાં સૂર્યના સમાન તેજસ્વી, પ્રકાશ સ્વરૂપ કોઈ ચીજ નથી. તે સૂર્ય પણ એ પરમધામને પ્રકાશિત કરવામાં અસમર્થ છે. ત્યારે તેનાથી પ્રકાશિત થતા ચંદ્ર, અગ્નિ વગેરે તેને પ્રકાશિત કરી જ કેવી રીતે શકે? આ જ અધ્યાયના બારમાં શ્લોકમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં મારું જ તેજ છે. મારાથી જ પ્રકાશને પામીને તેઓ ભૌતિક જગતને પ્રકાશિત કરે છે. પરમાત્મતત્ત્વ ચૈતન્ય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર, અગ્નિ પ્રાકૃત(જડ) છે અને ત્રણે ક્રમશઃ નેત્ર(સૂર્ય) મન(ચંદ્ર) અને વાણીને(અગ્નિ) પ્રકાશે છે. એ ત્રણે નેત્ર, મન અને વાણી પણ જડ છે. તેથી પ્રાકૃત નેત્રોથી એ પરમાત્મતત્ત્વને દેખી શકાતું નથી. મનથી પરમાત્મતત્ત્વને ચિંતવી શકાતું નથી અને વાણીથી તેનું વર્ણન કરી શકાતું નથી. કારણ કે જડ તત્ત્વથી ચેતન પરમાત્મતત્ત્વની અનુભૂતિ નથી થઈ શકતી. તે ચેતન તત્ત્વ આ બધા જ પ્રકાશિત પદાર્થોને પ્રકાશિત કરે છે; છતાં તે તત્ત્વને પોતાની પ્રકાશકતાનું અભિમાન નથી.

જીવાત્મા પણ ચેતન તત્ત્વ છે અને સ્વયં પ્રકાશસ્વરૂપ છે. તેને પણ જડ એવા મન, બુદ્ધિ, ઈન્દ્રિયો પ્રકાશિત કરી શકતા નથી. મન, બુદ્ધિ, ઈન્દ્રિયો વગેરે જડ પદાર્થોનો ઉપયોગ યોગ્ય ભાવમાં ભગવાન અને તેના ભક્તની સેવામાં તથા જડતાથી સંબંધ વિચ્છેદ કરવામાં થઈ શકે છે.

એક વાત અહીં ધ્યાન આપવાની છે કે, સૂર્યને અહીં ભગવાન કે દેવની દૃષ્ટિએ ન જોઈને કેવળ પ્રકાશ કરવાવાળા પદાર્થોની દૃષ્ટિએ દેખવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે સૂર્ય તૈજસ્‌તત્ત્વોમાં શ્રેષ્ઠ છે. જેમ દસમા અધ્યાયમાં કહ્યું છે કે, વૃષ્ણિઓમાં વાસુદેવ હું છું તો ત્યાં પરમાત્મા તરીકે નહિ પણ શ્રેષ્ઠ વૃષ્ણિવંશી તરીકે પોતાને ગણાવ્યા છે.

यद्‌गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम

જીવ જ્યાં સુધી પરમાત્માને પ્રાપ્ત નથી કરી લેતો ત્યાં સુધી જન્મ-મરણમાં આવાગમન દૂર થતું નથી. અહીં પરમધામ શબ્દ પરમાત્માના ધામ અને પરમાત્માનું સ્વરૂપ બન્ને માટે વપરાયો છે. આ પરમાત્માનું પરમધામ પ્રકાશ સ્વરૂપ છે. જેને ભક્તોની માન્યતા પ્રમાણે ગોલોક, અક્ષરધામ વગેરે નામો પણ કહેવાય છે. તેમાં પહોંચેલો જીવાત્મા ફરી પાછો જન્મમર-ણના ચક્રમાં આવતો નથી.