ગીતા અધ્યાય-૧૪, શ્લોક ૦૫ થી ૧૮

શ્લોક ૦૫-૧૮

સત્વ, રજસ, તમસ – ત્રણેય ગુણોનો વિજય

सत्त्वं रजस्तम इति गुणा: प्रकृतिसम्भवा:।

निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्‌।।५।।

અર્થ : હે મહાબાહો ! સત્ત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણ પ્રકૃતિ-માયામાંથી ઉત્પન્ન થયેલા છે. તે અવ્યય-વિકારશૂન્ય અક્ષર-અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. ।।૫।।

सत्त्वं रजस्तम इति… ત્રીજા અને ચોથા શ્લોકમાં જે મૂળ પ્રકૃતિને ‘महद्‌ ब्रह्म’ નામે કહી છે, તે જ મૂળ પ્રકૃતિથી સત્ત્વ, રજ અને તમ આ ત્રણે ગુણો ઉત્પન્ન થાય છે. સાંખ્યો એવું માને છે કે ગુણો દ્રવ્ય છે. જ્યારે રામાનુજાચાર્યજી માને છે કે ગુણો દ્રવ્ય નથી પણ પ્રકૃતિના સ્વરૂપાનુબંધી સ્વભાવ વિશેષ છે. ‘स्वरूपनिरूपकधर्मादि धर्मिणं कदाचित्‌ अपि(कार्यावस्थायामपि) न त्यजन्ति’ જે સ્વરૂપનિરૂપક ધર્મો હોય છે તે કયારેય પણ અર્થાત્‌કાર્યદશામાં પણ મૂળ દ્રવ્યને છોડીને કયારેય રહેતા નથી. જ્યારે નિરૂપિત સ્વરૂપધર્મોનું તેમ હોતું નથી. તેથી સત્ત્વ, રજ અને તમ એ પ્રકૃતિના સ્વરૂપનિરૂપક ધર્મો છે. જેમ જ્ઞાનાદિક પરમાત્માના સ્વરૂપનિરૂપક ધર્મો છે અને નિરૂપિત સ્વરૂપધર્મો પણ છે. તેવું પ્રકૃતિ અને ત્રણ ગુણો વિશે કહી શકાય. સ્વરૂપનિરૂપક ધર્મો હંમેશાં સ્વરૂપથી ઢંકાયેલા જ રહે છે. તેથી અતીન્દ્રિય રહે છે, ઈન્દ્રિયાતીત રહે છે અને સામાન્ય જીવોને અનુભવાતીત પણ રહે છે. મુક્ત જીવોને પણ ઈન્દ્રિયાતીત તો ગણી શકાય પણ તેઓ સ્વરૂપાનુભવ સાક્ષાત્‌પણે કરી શકે છે. સ્વરૂપનિરૂપક ધર્મો પણ કાર્યાવસ્થાને વિષે અવશ્ય પ્રકાશિત(કાર્યરૂપે) થાય છે. તેમાં ‘प्रकृतिसंभवा’ એવો શબ્દ પ્રયોગ હોવાથી ‘प्रकृतिसंभवत्व’ શું આવ્યું? સ્વરૂપાનુબંધી ગુણો હોય તેને પ્રકૃતિથી ઉત્પન્ન થયા એમ તો ન કહી શકાય. તો ‘प्रकृतिसंभवा’ કહેવાનું તાત્પર્ય એ રહે છે કે, કાર્યદશામાં તેઓ વિષમપણે ઉદ્‌ભવે છે. એવા પ્રયોજનથી સંભવ શબ્દનો પ્રયોગ કર્યો છે.

કાર્યાવસ્થામાં પ્રકૃતિમાંથી શબ્દાદિ ગુણો પણ ઉદ્‌ભવ થાય છે તો તેમના જેવા અને તે માંહેના કોઈક સત્ત્વાદિ ગુણોને ગણીને ચાલો તો શો બાધ છે? તેનું સમાધાન એ છે કે શબ્દાદિકમાં પણ ત્રિગુણતત્વ અનુસ્યૂત રહે જ છે. તેથી તેનાથી અલગ સત્ત્વાદિક માનવાની ફરજ પડશે અને સત્ત્વાદિક, શબ્દાદિક કરતાં વધારે અલગ અને વિલક્ષપણે પ્રકાશન કરવા માટે ભાષ્યમાં સ્વરૂપ નિરૂપકત્વ અને નિત્ય અનુબંધિત્વ બતાવવા માટે ‘इति’(મૂળ શ્લોકમાં) શબ્દ પ્રયોગ કર્યો છે. તેનો અર્થ એ થયો કે કાર્યરૂપ એવા શબ્દાદિથી અલગ અને તેમાં વ્યાપેલા સત્ત્વાદિક ગુણો છે. સાંખ્યવાળા સત્ત્વાદિ ત્રણે ગુણોને દ્રવ્યરૂપ માને છે. તે ત્રણે ગુણો મિશ્ર થઈને જે બને છે તે જ પ્રકૃતિ છે. જેમ ત્રણ ઝીણી જુદા જુદા કલરની દોરડી એક જાડું દોરડું(વરત) બનાવે ત્યારે તેમાં એકત્વ રહે છે; છતાં ત્રણે ઝીણી દોરડી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ તથા ધર્મો જણાવી શકે છે. (લીલો, પીળો કલર વગેરે) તે ત્રિત્વનો ત્યાગ કરીને એકત્વ ધારણ કરે છે. એવું માને છે; પરંતુ એમાં ઘણી શંકાઓ છે કે ત્યારે પ્રકૃતિ સંભવત્વ ગુણોમાં નહિ રહે. ઊલ્ટું પ્રકૃતિનું નિર્માણ કરનારા ગુણો બનશે અને ગુણોનું સ્વતંત્ર અસ્તિત્વ રહેશે. ત્યારે પ્રકૃતિ(એક) તત્ત્વ નહિ રહે પણ ગુણો જ મૂળ તત્ત્વ(ત્રણ) કેમ ન બને? બની રહેશે. પ્રકૃતિ-પોતે ગુણોનું કાર્યરૂપ બની જશે. જેથી આચાર્યોએ તે પક્ષ સ્વીકાર્યો નથી; પરંતુ ગુણો પ્રકૃતિના સ્વરૂપનિરૂપક(અસાધારણ) ધર્મો છે. કાર્યાવસ્થામાં પ્રકાશનારા હોવાથી કારણ વિના કાર્ય સંભવ થઈ શકતું નથી. માટે મૂળ પ્રકૃતિમાં પ્રકાશ ન હોવા છતાં અને કાર્યવસ્થામાં પ્રકાશિત થતા હોઈને મૂળ પ્રકૃતિમાં અવશ્ય સ્વીકાર્ય બને છે.

સુખ-દુઃખ ગુણો ચેતનમાં અસાધારણ ગણાય છે. કારણ કે જડમાં તેનો સંભવ નથી અને દ્રવ્યત્વાદિક દરેકમાં સામાન્ય ગુણ છે પણ પ્રકૃતિમાં અને તેના કાર્યમાં સાધારણ અને જીવમાં સુખ-દુઃખની જેમ અસાધારણપણે પ્રકૃતિમાં ત્રણ ગુણો હોવા છતાં તે બન્ને કરતાં વિલક્ષણતા બતાવવા ‘સ્વરૂપાનુબધિ સ્વભાવ વિશેષ’ એવું ભાષ્યમાં બતાવ્યું છે. ખરેખર તો શબ્દાદિક ગુણોની જેમ સત્ત્વાદિકનું પ્રત્યક્ષ થતું નથી અને નિત્ય અને અતીન્દ્રિય એવા સત્ત્વાદિગુણોમાં(કોઈપણ વસ્તુમાં) અનુમાન પણ કામ કરતું નથી. એવું શ્રી ભાષ્યમાં સ્થાપન કર્યું છે. તેથી સત્ત્વાદિકનું નિરૂપણ તેના કાર્ય ઉપરથી થાય છે. અર્થાત્‌પ્રકાશ પ્રવૃત્તિ મોહરૂપ કાર્યો તેના પ્રત્યક્ષરૂપ છે. તેથી કાર્યભૂત એવા પ્રકાશાદિકથી કારણ વિશેષ એવા સત્ત્વાદિ ગુણોનું અનુમાન થઈ શકે છે. કારણ વિશેષ સિવાય કોઈપણ કાર્યની ઉત્પત્તિ થતી જ નથી. તેથી તે કારણ વિશેષ સત્ત્વાદિ ગુણો છે. એમ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. હવે સત્ત્વાદિ ગુણો ક્યારેક નિરૂપણીય હોય તો પ્રલય દશામાં સુખદુઃખાદિ કાર્યનો અભાવ હોવાથી સત્ત્વાદિકનો પણ અભાવ પ્રાપ્ત થશે. ત્યારે સ્વરૂપાનુબંધિત્વ સિદ્ધ નહિ થાય. તેના સમાધાનમાં બતાવે છે કે પ્રકૃતિદશામાં આ ગુણો અનુદભૂત રહે છે. ત્યારે કાર્યનો કોઈ હેતુ ઉદ્‌ભવ નથી હોતો. આ ત્રણ ગુણોના તારતમ્યથી પ્રાણીઓના અનેક ભેદ થઈ જાય છે; પરંતુ ગુણો ત્રણમાંથી ચાર પણ થતા નથી અને બે પણ થતા નથી. તેઓ ત્રણના ત્રણ જ રહે છે.

निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्‌

આ ત્રણે ગુણો અવશ્ય અને પોતે ગુણનો સંબંધ પામવા યોગ્ય નથી એવા આત્માને પણ બાંધી દે છે. તેથી તેનું ‘ગુણ’ એવું નામ પડ્યું છે. વાસ્તવમાં આ ત્રણે ગુણો પોતાના તરફથી કોઈને નથી બાંધતા; પરંતુ देहे શબ્દનું તાત્પર્ય એ છે કે દેહ સંબંધી ઉપાધિક બંધનથી દેહી તેમાં બંધાય છે. અર્થાત્‌ જીવે જ તે ઉપાધિ પોતાની મેળે માની લીધેલ છે ગુણો તરફથી લાદી દેવામાં આવી હોય તેમ નથી; પરંતુ પુરુષ જ ગુણોની સાથે માનીનતા રૂપ ઔપાધિક સંબંધ બાંધીને બંધાય છે. અર્થાત્‌ગુણોનાં કાર્ય, પદાર્થ, ધન, પરિવાર, શરીર, સ્વભાવ, વૃત્તિઓ, ક્રિયાઓ, પરિસ્થિતિઓ વગેરેને પોતાના માની લઈને તેમાં બંધાય છે. તે પદાર્થોના વશમાં થઈ જાય છે. પોતે સ્વતંત્ર હોવા છતાં પરતંત્ર થઈ જાય છે. એવી રીતે મનુષ્ય જે ધનને પોતાનું માને છે તે ધનના ઘટવા-વધવાથી પોતાના ઉપર અસર પડે છે. જે વ્યક્તિઓને પોતાની માને છે. તેમના જન્મવા મરવાથી પોતાના ઉપર અસર પડે છે. જે શરીરને પોતાનું માને છે, તેના વધવા ઘટવાથી પોતાના ઉપર અસર પડે છે. આને જ ગુણોનું અવિનાશી દેહીને બાંધવું કહે છે. એમાંય આશ્ચર્યની વાત છે કે, આ દેહી-સર્વ સંગ રહિત હોવા છતાં ગુણો અને ગુણોની વૃત્તિઓને આધીન થઈને પોતે સાત્ત્વિક, રાજસ અને તામસ બની જાય છે. જ્યારે વિનાશી દેહને ‘હું’ ‘મારો’ અને ‘મારા માટે’ માની લે છે, ત્યારે તે પોતાની માન્યતાને કારણે ગુણોથી બંધાઈ જાય છે. પછી તેને પરમાત્માની પ્રાપ્તિમાં કઠિનતા પ્રતીત થાય છે. દેહાભિમાનને કારણે પોતે ગુણોથી પર હોવા છતાં દેહાદિકમાં બંધાઈ જાય છે ને પોતાના સ્વરૂપને તથા ભગવાનના સ્વરૂપને ભૂલી જાય છે. દેહાભિમાનની ચિંતાંમાં આ બન્નેને વિસારી દે છે. ‘देहिनम्‌’ પદનું તાત્પર્ય પણ એજ છે કે દેહના તાદાત્મ્ય(હું), મમતા અને કામના(દેહ સંબંધી) થવાથી જ ત્રણે ગુણો આ જીવને બાંધે છે. જો દેહમાં તદાત્મકતા, મમતા અને તેના સંબંધી કામના ન થાય તો જીવને કોઈ બાંધી શકે નહિ. તે મુક્ત બની જાય છે.

શરીર સાથે બે રીતે જીવ સંબંધ બાંધે છે. એક તો હું ‘શરીર છું’ તેને અહંતા કહે છે અને બીજું ‘શરીર મારું છે’ તેને મમતા કહે છે. આમ અહંતા-મમતા આવતાં જ ત્રણે ગુણો પણ આવી જાય છે. જેવી રીતે લગ્ન થઈ જતાં પતિના પૂરા પરિવાર(સાસરિયા)ની સાથે આપોઆપ સંબંધ જોડાઈ જાય છે. પત્નીના વસ્ત્રાભૂષણ વગેરેની આવશ્યકતા પોતાની આવશ્યકતા પ્રતીત થવા લાગે છે. એવી જ રીતે શરીરની સાથે હું મારાનો સંબંધ થઈ જતા જીવનો પૂરા સંસારની સાથે સંબંધ જોડાઈ જાય છે. ‘દેહ હોય ત્યાં દેહનું કુળ-દેહ સર્વે સંસારનું મૂળ’ અને પછી શરીર નિર્વાહની વસ્તુઓને પોતાની જરૂરિયાત માનવા લાગી જાય છે. અનિત્ય શરીરની સાથે સંબંધ માનવાને કારણે તે અનિત્ય શરીરને નિત્ય રાખવાની ઈચ્છા રાખે છે, ઈચ્છા કરવા લાગે છે. કેમ કે પોતે નિત્ય છે. શરીરની સાથે સંબંધ માનવાને કારણે જ તેને મરવાનો ભય લાગવા માંડે છે. કેમ કે શરીર અવશ્ય મરવાવાળું છે. જો શરીર સાથે સંબંધ ન રહે તો પછી ન તો નિત્ય જીવતા રહેવાની ઈચ્છા થશે, ન તો મરવાનો ભય થશે. આથી જ્યાં સુધી નિત્ય જીવતા રહેવાની ઈચ્છા અને મરવાનો ભય છે ત્યાં સુધી તે ગુણોમાં બંધાયેલો છે.

तत्र सत्त्वं निर्मलत्वात्‌ प्रकाशकमनामयम्‌।

सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ।।६।।

અર્થ : હે નિદરેષ અર્જુન ! તે ત્રણ ગુણોમાં સત્ત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશ કરનારો અને નિર્વિકાર છે. તે આ જીવાત્માને સુખાસક્તિથી અને જ્ઞાનાસક્તિથી બંધનમાં નાખે ।।૬।।

तत्र सत्त्वं निर्मलत्वात्‌…

પૂર્વ શ્લોકમાં સત્ત્વ, રજ અને તમ-આ ત્રણે ગુણોની વાત કહી. એ ત્રણે ગુણોમાં સત્ત્વગુણ નિર્મળ(મળરહિત) છે. મળ શબ્દનું તાત્પર્ય અહીં તમોગુણના પરિણામરૂપ પ્રકાશનો વિરોધી અંધકાર કે આવરણરૂપ થવું તે છે, તેનો અભાવ અહીં છે. સ્ફટિક આદિક નિર્મળ છે પણ પ્રકાશક નથી. પ્રકાશનું તાત્પર્ય અહીં દ્રવ્યાન્તર બોધ છે. દ્રવ્યાન્તરબોધથી કરણનો પણ યથાવસ્થિત બોધ આવી જાય છે. તેનાથી સંકલ્પ, અભિમાન, અધ્યવસાય ચિંતન વગેરેનું યથાવસ્થિત ભાન થવું તથા તેના કરણ રૂપ મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત તેનું પણ પ્રત્યક્ષની માફક જ્ઞાન થવું તેને જ દ્રવ્યાન્તર બોધ કહેવાશે. તેથી જ્યારે વ્યક્તિમાં સત્ત્વ પ્રવર્તે છે ત્યારે અંગોમાં તથા શરીરમાં લાઘવ(હળવાશ-સ્ફૂર્તિ) આવે છે અને બુદ્ધિ ઈન્દ્રિયો જલ્દી અર્થ પ્રકાશન કરે છે અને તેમાં ઉત્સાહ વધારે છે. તેથી સત્ત્વગુણ નિર્મળ કહેવાથી આવરણનો વિરોધી છે; પરંતુ આકાશ, વાયુ આદિક આવરણ કરવાના સ્વભાવવાળા ન હોવા છતાં તે પ્રકાશ કરવાના સ્વભાવવાળા નથી. તે સત્ત્વની તેનાથી વિલક્ષણતા છે. સત્ત્વગુણ તત્ત્વાન્તર બોધ કરાવવાના સ્વભાવવાળો અને સુખ કરાવવાના સ્વભાવવાળો છે. નિર્મળ અને પ્રકાશ ધર્મ ઘણું કરીને રજ અને તમથી વિલક્ષણ બતાવવા માટે છે. લોકમાં ધૂળ અને અંધકાર આંખોના તેજને બાધા કરનાર છે. તેમ રજનો સ્વભાવ ધૂળ ઉડાડવાનો છે ને તમનો સ્વભાવ અંધારું કરી દેવાનો છે. જ્યારે સત્ત્વનો સ્વભાવ બન્નેને ઉડાડી દેવાનો, દૂર કરવાનો છે. તેથી સત્ત્વનો સ્વભાવ પરમાત્માનું જ્ઞાન કરાવવાનો પણ છે. પ્રકાશ કરવાનો એક ભાવ એવો પણ છે કે તે રજોગુણ તમો ગુણની વૃત્તિઓનું પણ જ્ઞાન કરાવનારો છે. રજ, તમ, સત્ત્વગુણનું જ્ઞાન કરાવી શકતા નથી. સત્ત્વગુણ-રજો ગુણ તમો ગુણનું તથા તેની વૃત્તિઓનું તથા તેનાથી ઉત્પન્ન થવાવાળા કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર વગેરે દોષોને પણ સાફ સાફ જ્ઞાન કરાવી શકે છે. અર્થાત્‌આ બધા વિકારોનું સાફ સાફ જ્ઞાન, જેટલો સત્ત્વ ગુણ વધે તેમ તેમ થાય છે.

સત્ત્વગુણનાં બે સ્વરૂપો છે. (૧) શુદ્ધ સત્ત્વગુણ-જેમાં ઉદ્દેશ્ય પરમાત્માને પામવાનો હોય છે. (૨) મલિન સત્ત્વ-જેમાં ઉદ્દેશ્ય સાંસારિક ભોગ કે સંગ્રહ પામવાનો હોય છે. સત્ત્વગુણમાં જો પરમાત્માને પામવાનો ઉદ્દેશ્ય બનાવી લેવામાં આવે તો તેને આધારે તે શુદ્ધ સત્ત્વ બની જાય છે. પછી તેને ભગવાન તરફ ચાલવાની અને ભગવાનને પામવાની રુચિ વધી જાય છે અને સ્વભાવિક રુચિ થઈ જાય છે. તેથી તેવા અનુસંધાનમાં ‘सत्त्वं यद्‌ ब्रह्मदर्शनम्‌’ એમ કહેવામાં આવ્યું છે. જ્યારે મલિન સત્ત્વગુણ માટે અર્થાત્‌સત્ત્વ ગુણ પ્રર્વતવા છતાં પણ લૌકિક પદાર્થ સંગ્રહ અને લૌકિક સુખ ભોગનો ઉદ્દેશ્ય બનાવી લેવામાં આવે તો તે સત્ત્વ મલિન સત્ત્વ બની જાય છે. પરમામાત્માને પામવાનો ઉદ્દેશ્ય તેમાં ન હોવાથી આને મલિન સત્ત્વ કહેવામાં આવ્યો છે. મલિન સત્ત્વમાં રજો ગુણ સાથે રહે છે. તેનાથી તેને સાંસારિક ભોગ અને તે ભોગ મેળવવાની પ્રવૃત્તિમાં સ્વાભાવિક રુચિ થઈ જાય છે. જેથી મનુષ્ય બંધાઈ જાય છે તે પણ બતાવ્યું છે કે ‘सुखसङ्गेन बघ्नाति ज्ञान सङ्गेन चानघ’ માટે એક જ સત્ત્વ ગુણ વિશુદ્ધ અને મલિન ઉદ્દેશ્યથી શુદ્ધ સત્ત્વ અને મલિન સત્ત્વ એવા બે ભાગમાં ગણાશે.

મલિન સત્ત્વની પણ એ વિશેષતા હોય છે કે, જેમાં બુદ્ધિ સાંસારિક ગહન વિષયને સારી રીતે સમજવામાં સમર્થ હોય છે. જેમ કે સત્ત્વ ગુણની વૃદ્ધિમાં જ વૈજ્ઞાનિકો નવા નવા આવિષ્કારો કરે છે ને કયારેક કઠિન રહસ્યો શોધી કાઢે છે. કઠિન સમસ્યાઓનો નિકાલ કરે છે. તેનો ઉદ્દેશ્ય પરમાત્માને પામવાનો ન હોવાથી તે અહંકાર, માન, બડાઈ, ધન વગેરેથી સંસારમાં બંધાયેલો રહે છે.

વળી સત્ત્વગુણને ‘अनामय’ કહ્યો છે. અહીં સહપઠિત રજ તમમાં રોગ પ્રસંગ રહેતાં તેનો નિષેધ કે ભિન્નતા બતાવવા આમય નિષેધ બતાવ્યો છે. ખરેખર તો સત્ત્વમાં પણ રોગ હોઈ શકે; પરંતુ જ્યાં ત્રણ પ્રકારના આહાર બતાવ્યા છે, ત્યાં સત્ત્વગુણ વ્યક્તિ પરિણામનો વિચાર પ્રથમ કરી આહારનો નિર્ણય કરતા હોવાથી રોગનો અભાવ તેમાં બતાવ્યો છે. તેથી સત્ત્વ તો અરોગતાનું કારણ બને છે.

सुखसङ्गेन बध्नाति ज्ञान सङ्गेन चानघ।

જ્યારે અંતઃકરણમાં સત્ત્વ ગુણ પ્રવર્તે છે. ત્યારે સાત્ત્વિક વૃત્તિમાં કોઈ વિકૃતિ હોતી નથી. તેથી અંતઃકરણમાં પ્રશાંતિ થાય છે અને એક પ્રકારનું સુખ થાય છે. તે સમયે સાધકના મનમાં એવો વિચાર આવે કે, આવું સુખ કાયમ ચાલુ રહે, આવી શાંતિ કાયમ ચાલુ રહે; પરંતુ જ્યારે એવું સુખ અને શાંતિ નથી રહેતા, ત્યારે સાધકને સારું નથી લાગતું. તે સત્ત્વગુણથી પરિણમિત જે સુખ અને શાંતિ સ્થિર કરવા અથવા મેળવવાના ઉદ્યમમાં લાગી જાય; પરંતુ તે ગુણથી નિઃસંગ થવામાં કે પરમાત્મામાં લાગી જવા ઉદ્યમ નથી કરતો અને પેલા ઉદ્યમમાં લાગી જાય છે. તેથી તે કર્મનું ફળ ભોગવવા તેને અવશ્ય દેહ સબંધ જરૂરી રહે છે. તે ફલ ભોગ માટે દેહસંબંધ તે જ બંધન છે. માટે સત્ત્વ ગુણના સુખમાં આસક્તિ, તે બાંધવાવાળી છે. તેમ જ જ્યારે સત્ત્વગુણ પ્રવૃત્તિ છે, ત્યારે જ્ઞાન પણ વૃદ્ધિ પામે છે. જ્ઞાન હંમેશાં સુખ વધારનાર હોય છે. માટે જેમ જેમ જ્ઞાન વધારે થાય તેમ તેમ જ્ઞાન વધારવા વધુ વધુ પ્રયાસો થાય તે જ્ઞાનાસક્તિ છે. આ રીતે સત્ત્વ ગુણ સુખ અને જ્ઞાનની આસક્તિથી બાંધે છે. સત્ત્વગુણથી પેદા થતી શાંતિ અને જ્ઞાન તેનો સદુપયોગ કરવો તેને પરમાત્માને પામવાના માર્ગમાં લગાડવા એ અલગ વસ્તુ છે અને તેમાં આસક્તિ થવી એ અલગ વસ્તુ છે. આસક્તિ હંમેશાં વસ્તુનો યથાયોગ્ય ઉપયોગ થવા દેતી નથી. પરમાત્માને પામવાનું સાધન બનવા દેતી નથી પણ પરમાત્માથી દૂર લઈ જવાના રસ્તે લઈ જાય છે. ગુણોથી પર પણ થવા દેતી નથી માટે એ માર્ગથી સત્ત્વ ગુણ પણ જીવને બાંધે છે. જો સાધક સુખ અને જ્ઞાનનો સંગ ન કરે અર્થાત્‌તેમાં આસક્તિ ન રાખે તો સત્વગુણ તેને બાંધતો નથી. આસક્તિ ન રાખવાનું તાત્પર્ય છે તેનો સદ્‌ઉપયોગ કરવો. તેને ભગવાનને પામવાનું સાધન બનાવવો. તેમ કરે ત્યારે તે સાધક ગુણાતીત થઈને પરમાત્માને પામે છે. સત્ત્વ ગુણની શાંતિ, સુખ, નિર્વિકારતા લક્ષ્ય તે ભોગ્ય ન બની જવા જોઈએ પણ ભગવાનના માર્ગમાં ચાલવા માટે મદદરૂપ બની રહેવા જોઈએ. અભિમાન વધારવામાં કારણરૂપ ન બનવા જોઈએ.

સુખ, જ્ઞાન વગેરે સત્ત્વગુણની વૃત્તિઓ છે. તે કયારેક વધે છે, કયારેક ઘટે છે, કયારેક આવે છે, કયારેક જાય છે. સ્થિર રાખવા ઈચ્છીએ તો પણ જલ્દી સ્થિર થતી નથી. ત્યારે સાધકે તેનાથી પણ ભાવનાથી અલગ પડીને સત્ત્વની વૃત્તિને સ્થિર કરવા પ્રયત્ન જરૂર કરવાનો છે. તેને ઘટતો રોકવાનો છે. દૂર થતો રોકવાનો છે અને વધારવા પ્રયત્ન કરવાનો છે પણ તે લક્ષ્ય બનાવવાનો નથી. લક્ષ્ય તો પરમાત્મા બનવા જોઈએ. સત્ત્વનું આગમન તેનું સાધનમાત્ર રહેવું જોઈએ. સત્ત્વગુણની વૃત્તિથી પણ સાધકને તટસ્થ અને ઉદાસીન રહી અલગ પડતા શીખીને તેનો વધારેમાં વધારે પરમાત્માને પામવા ઉપયોગ કરવાનો હોય છે. જો તેમ કરે ત્યારે તેને તે સત્ત્વ ગુણ બાંધનાર બનતો નથી, પણ ‘सत्वं यद्‌ ब्रह्म दर्शनम्‌’ પરમામાના દર્શન-પ્રાપ્તિનું સાધન બની શકે છે. જો સાધક સત્ત્વના પરિણામ એવા જ્ઞાન અને સુખમાં પણ આસક્તિ ન કરે, તેનાથી તટસ્થ અને ઉદાસીન રહે, અલગ ભાવે રહે અને તેનો સદ્‌ઉપયોગ જ કરતો રહે. તો તેને તત્કાળ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. તેમાં આસક્તિ ન કરે તો તેમાં બંધાઈને લાંબે કાળે તેમાં અરુચિ થઈને પરમાત્માની પ્રાપ્તિ થાય છે.

रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम्‌।

तन्निबघ्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम्‌।।७।।

અર્થ : હે કૌન્તેય ! રજોગુણ રાગરૂપ છે અને તે તૃષ્ણા અને આસક્તિનું ઉત્પત્તિસ્થાન છે. એમ જાણ ! માટે તે દેહધારી જીવાત્માને કર્મમાં અને તેના ફળમાં આસક્તિથી દેહમાં બાંધે છે. ।।૭।।

रजो रागात्मकं विद्धि… આ રજોગુણ રાગસ્વરૂપ છે. અર્થાત્‌કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, ક્રિયા વગેરેમાં જે આસક્તિ પેદા થાય છે, તે આસક્તિ એ રજોગુણનું સ્વરૂપ છે. रागात्मकं અર્થાત્‌ સોનાના આભૂષણો જેમ સંપૂર્ણ સોનામય હોય છે તે જ પ્રમાણે રજોગુણ સંપૂર્ણ રાગમય સ્વરૂપ છે. પાતંજલયોગ દર્શનમાં ક્રિયાને રજોગુણનું સ્વરૂપ કહેવામાં આવી છે; ‘प्रकाशक्रिया स्थितिशीलं… दृश्यम्‌’ (૨/૧૮) પરંતુ ભગવાન અહીં રાગને રજોગુણનું સ્વરૂપ બતાવી રહ્યા છે. ગીતામાં ભગવાને ક્રિયાને પણ રજોગુણ માન્યો છે. જેમ કે

लोभ: प्रवृत्तिरारम्भ: कर्मणामशम: स्पृहा।। रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ।। (૧૪/૧૨) તે પ્રવૃત્તિ સ્ત્રી, ધન, સત્તા કેન્દ્રિત પ્રવૃત્તિને રજોગુણનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આવો રજોવૃત્તિ સાધક સાભિમાન પ્રવૃત્તિ જ કરે છે ને તે હંમેશને માટે ચલચિત્તવાળો હોય છે. ગીતામાં ક્રિયાને સાત્ત્વિક પણ બતાવી છે-

नियतं सङ्गरहितमरागद्वेषत: कृतम्‌।

अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते।। (૧૮/૨૩)

સાત્ત્વિક ક્રિયા રાગરહિત અને અભિમાન શૂન્યતાવાળી હોય છે. આમ તમામ સમોલચના કરતા જણાય છે કે, રાગ એ જ રજોગુણનું સ્વરૂપ માનવું. એ ચઢિયાતો પક્ષ છે. દોષ ક્રિયાઓમાં નથી; પરંતુ રાગ કે આસક્તિમાં છે. રાગપૂર્વકનાં કર્મો જ(ક્રિયાઓ જ) બંધન કરે છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય કર્મોની આસક્તિ અને ફલેચ્છાથી જ બંધાય છે, કર્મો કરવા માત્રથી નહિ. જો રાગ ન રહે તો સઘળાં કર્મો કરવા છતાં પણ મનુષ્ય નથી બંધાતો. ‘यस्य सर्वे समारम्भा: काम समल्पवर्जिता:। ज्ञानाग्निदग्धकर्माणं…(૪/૧૯)

જો ક્રિયામાત્ર જ રજોગુણનું સ્વરૂપ હોત અને બંધનસ્વરૂપ હોત તો જીવનમુક્ત મહાપુરુષોને પણ બાંધી દેત. કેમ કે ક્રિયાઓ તો તેમના દ્વારા પણ થાય જ છે. ભગવાન પણ સૃષ્ટિ રચના કરે છે. અવતાર લઈને તેઓ પણ ક્રિયાઓ(લીલાઓ) કરે છે; પરંતુ કર્મોમાં આસક્તિ ન રહેવાથી તેમને એ કર્મો બાંધતા નથી-न च मां तानि कर्माणि निबघ्नन्ति धनञ्जय। उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु(૯/૯) વળી અઢારમા અધ્યાયમાં ભગવાને સાત્ત્વિક, રાજસ અને તામસ ત્રણ પ્રકારનાં કર્મોનું વર્ણન કર્યું છે. જો તમામ ક્રિયાઓ(કર્મો) રજોગુણ સ્વરૂપ જ હોત તો તેમના સાત્ત્વિક અને તામસ ભેદ કેવી રીતે થઈ શકે? આનાથી સિદ્ધ થાય છે કે રાગ એ જ રજોગુણનું સ્વરૂપ છે. એટલા માટે જ ભગવાને અર્જુનને-योगस्थं कुरु कर्माणि सङ्गे त्यक्त्वा धनञ्जय(૨/૪૮) આસક્તિનો ત્યાગ કરીને કર્તવ્યકર્મો કરવાની આજ્ઞા પણ આપવામાં આવી છે. નિષ્કામભાવથી કરવામાં આવેલાં કર્મો મુક્ત કરવાવાળા બની રહે છે. असक्तो ह्याचरन्‌ कर्म परमाप्नोति पुरुष:।(૩/૧૯) આ જ અધ્યાયના બાવીસમાં શ્લોકમાં ભગવાન કહે છે કે, પ્રવૃત્તિ અર્થાત્‌ક્રિયા કરવાનો ભાવ ઉત્પન્ન થવા છતાં ગુણાતીત સાધકનો તેમાં રાગ નથી હોતો. તાત્પર્ય એ થયું કે ગુણાતીત પુરુષોમાં પણ રજોગુણના પ્રભાવરૂપ પ્રવૃત્તિ તો થાય છે; પરંતુ તે રાગપૂર્વક નથી થતી. સત્ત્વગુણ ગુણથી પર થવામાં સહાયક બનનારો હોવા છતાં જો સુખ અને જ્ઞાનની આસક્તિ હોય તો બાંધવાવાળો બતાવ્યો છે. આથી સિદ્ધ થાય છે કે આસક્તિ જ બંધનકારક છે. સત્ત્વગુણ નહિ, ક્રિયા પણ નહીં. આથી ભગવાન અહીં રાગને જ રજોગુણનું મુખ્ય સ્વરૂપ બતાવી રહ્યા છે અને ભગવાન મહાસર્ગના આદિમાં સૃષ્ટિરચના રૂપી કર્મ પણ સર્વથા રાગરહિતપણે કરે છે.(૪/૧૩-૧૪)

तृष्णासङ्गसमुद्भवम्‌- પ્રાપ્ત થયેલી વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિ, ઘટના વગેરે ચાલુ ને ચાલુ રહે અને તે વધારેમાં વધારે મળતા રહે. એવી વૃત્તિને તૃષ્ણા કહેવાય છે. આથી વસ્તુ વગેરેમાં ગાઢ આસક્તિ પેદા થઈ જાય છે. વ્યાકરણ અનુસાર આ પદના બે અર્થ થાય છે. (૧) જેનાથી તૃષ્ણા અને આસક્તિ ઉત્પન્ન થાય છે. અર્થાત્‌તૃષ્ણા અને આસક્તિને પેદા કરવાવાળો રજોગુણ છે અને (૨) જે તૃષ્ણા અને આસક્તિથી પેદા થાય છે. જેમ બીજ-વૃક્ષ ન્યાયે અન્યો અન્ય એકબીજાના કારણરૂપ બને છે. એવી જ રીતે રાગસ્વરૂપ રજોગુણથી તૃષ્ણા અને આસક્તિ વધે છે અને તૃષ્ણા અને આસક્તિઓના સહારાથી રજોગુણ અતિ વધી જાય છે. તાત્પર્ય એ છે કે બન્ને એક બીજાને પુષ્ટ કરવાવાળા છે.

तन्निबघ्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम्‌…

રજોગુણ કર્મની આસક્તિથી શરીરધારીને બાંધે છે. અર્થાત્‌રજોગુણ વધતાં જેમ જેમ તૃષ્ણા અને આસક્તિ વધે છે, તેમને તેમ મનુષ્યની તે વિષયમાં કર્મ કરવાની પ્રવૃત્તિ વધે છે. તે તે વિષયમાં કર્મ કરવાની પ્રવૃત્તિ વધવાથી મનુષ્ય તે ઉદ્દેશ્યને પૂરો કરવા નવાંનવાં-એક નહિ તો બીજું, બીજું નહિ તો ત્રીજું એમ કર્મો કરવાનું શરૂ કરી દે છે. પછી તે રાત્રી દિવસ તે કર્મમાં ફસાયેલો રહે છે અર્થાત્‌તે મનુષ્યની મનોવૃત્તિઓ રાત્રી દિવસ તે કર્મોના આરંભમાં એને તેનાથી પ્રાપ્ત થવાની શક્યતાવાળા ભોગોના(ફળોમાં) ચિંતનમાં લાગી રહે છે. એવી અવસ્થામાં તેની પાસે ભગવાનને પામવાનો ઉદ્દેશ્ય ન હોવાથી પોતાનું કલ્યાણ કે ઉદ્ધાર કરવાનો અવસર જ પ્રાપ્ત નથી થતો અને તેને મૃત્યુ સુધી યાદ પણ આવતું નથી. આ રીતે રજોગુણ કર્મોની સુખાસક્તિમાં દેહધારીને બાંધે છે. આથી સાધકે નિષ્કામભાવે કર્તવ્યકર્મ તો કરવું જોઈએ; પરંતુ સંગ્રહ અને સુખ ભોગને માટે પુરુષાર્થ(કર્મ) ન કરવો જોઈએ. જ્યારે પરમાત્મા કે તેમના સાચા ભક્ત સંતની સેવારૂપ કર્મ તો સાવધાન થઈને કરવું જોઈએ. તો તેને તમામ ગુણોથી મુક્ત કરનારું તે બને છે. છઠ્ઠા શ્લોકમાં સત્ત્વગુણ ‘सुखसङ्गेन’ ज्ञानसङ्गेन बघ्नाति’ કહીને તેનું તાત્પર્ય એ થયું કે તેને અર્થે પ્રવૃત્તિ કરે છે ને તેના ફળને પામીને બંધાય છે. જ્યારે અહીં પણ ‘कर्मसङ्गेन बघ्नाति’ કહ્યું છે તો બન્નેમાં ભેદ ન રહ્યો. તો તેનું સમાધાને છે કે અંતે ભલે બન્ને ક્રિયામાં આવી બંધાયા હોય પણ સત્ત્વગુણ(અર્થાત્‌સત્ત્વગુણી વ્યક્તિ) સુખને પ્રાધાન્ય આપીને ક્રિયામાં બંધાય છે. તે સુખફળમાં બંધાય છે ‘प्रयोजनेषु सज्जन्ते न विशेषेषु पण्डित:’ તે ન્યાયથી બંધાય છે. જ્યારે રજોગુણ તો તે તે વસ્તુમાં ક્રિયાના સ્વરૂપને જ પ્રધાનતા-રસનો વિષય-બનાવીને સુખ અલ્પ આવે છે અથવા વધારે આવે તેમાં લક્ષ્ય નહીં પરોવીને બંધાય છે. જેમ કે રાજદારા અભિલાષા, દુષ્પુત્રાદિ સંરક્ષણ, વૃથાચેષ્ટાઓ વગેરેમાં તે સ્પષ્ટપણે સમજી શકાય છે. તેથી સત્ત્વગુણી સ્પષ્ટ ફળમાં બંધાય છે. જ્યારે રજોગુણી ક્રિયામાં ફળને ગૌણ કરીને બંધાય છે, તે સમાધાન છે. વ્યક્તિને કર્મોના ફળથી તો સુખ મળતું હોય છે પણ રાગીને કર્મમાં પણ સુખ પ્રાપ્ત થાય છે(?) એવું ભાસે છે. માટે કર્મોમાં અનાસક્ત ભાવથી પ્રર્વતવાથી કર્મોની આસક્તિ દૂર થાય છે.

तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम्‌।

प्रमादालस्यनिद्राभिस्तन्निबघ्नाति भारत।।८।।

અર્થ : સર્વ દેહધારીઓને મોહ ઉપજાવનારો તમોગુણ અજ્ઞાનથી થયેલો જાણ ! અને હે ભારત ! તેથી તે તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ્ય અને નિદ્રા-ખૂબ ઉઘંવું, એવા એવા દુર્ગુણોથી દેહમાં બાંધે છે. ।।૮।।

तमस्त्वज्ञानजं विद्धि સત્ત્વગુણ અને રજોગુણ આ બન્નેથી તમોગુણને અત્યંત નિમ્ન અને અલગ બતાવવાને માટે અને અત્યંત પરિહરણીય બતાવવા માટે અહીં ‘तु’ શબ્દનો પ્રયોગ થયો છે.

આ તમો ગુણ અજ્ઞાનથી પેદા થાય છે અથવા તમો ગુણથી અજ્ઞાન પેદા થાય છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, ઊંધું જ્ઞાન અને તે પણ ખાસ કરીને સત્ત્વગુણના અનુસંધાનમાં કહેવામાં આવે છે. ‘सत्त्वं यद्‌ ब्रह्मदर्शनम्‌’ કહેવાય છે તો તમો ગુણ મોક્ષ માર્ગથી ઊંધી સમજણ ઊભી કરનારો હોય છે અને એવા ઊંધી સમજણના ફળથી ઊભો થનારો પણ ગણાય છે. તમો ગુણને गुरु वरणकम्‌ પણ માનવામાં આવે છે. અર્થાત્‌તમો ગુણ જ્યારે હૃદયમાં પ્રવર્તે ત્યારે શરીર ઈન્દ્રિયો ભારે અને તંદ્રિત થઈ જાય છે. સ્ફૂર્તિ ચાલી જાય છે અને મનુષ્ય સૂઈ રહેવા, બેસી રહેવા, આરામ કરવા અથવા કર્તવ્યથી ઊલટી પ્રવૃત્તિ કરવા મન કરે છે. બુદ્ધિ આદિકમાં મંદતા આવી જાય છે. તમો ગુણનો ‘मोहनम्‌’સ્વભાવ છે. તે મનુષ્યને મોહ ઉપજાવે છે. મોહિત કરી દે છે અર્થાત્‌સત્‌અસત્‌અને કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન નથી થવા દેતો. એટલું જ નહિ, એ સાંસારિક સુખ ભોગ કે સંગ્રહમાં પણ નથી પ્રવર્તવા દેતો અર્થાત્‌રાજસ સુખમાં પણ પ્રવર્તવા નથી દેતો તો પછી સાત્ત્વિક સુખ અને વળી નિર્ગુણ એવું ભગવાનના સુખથી અતિ દૂર લઈ જનારો છે. તેથી મોક્ષના માર્ગથી અતિ દૂર ખેંચી જનારો હોવાથી અતિશયતા બતાવવા જ શ્લોકની શરૂઆતમાં ‘तु’ શબ્દ પ્રયોગ કર્યો છે.

વાસ્તવમાં તમો ગુણના દ્વારા મોહિત થવાની વાત કેવળ મનુષ્યોને માટે જ છે. કેમ કે બીજા પ્રાણીઓ તો સ્વભાવિક જ તમોગુણથી આવરિત છે. છતાં પણ અહીં ‘सर्वदेहिनाम्‌’ પદ આપવાનું તાત્પર્ય એ છે કે જે મનુષ્યો સત્‌અસત્‌અને કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક નથી કરતા તો તે મનુષ્ય હોવા છતાં અન્ય તામસી યોનિના પ્રાણીઓ સમાન જ છે. જેવી રીતે પશુ-પક્ષી વગેરે પ્રાણીઓ ગમે ત્યાંથી ગમે તે ખાઈ-પી લે છે અને સૂઈ જાય છે, તેવા જ આ મનુષ્યો પણ છે.

प्रमादालस्यनिद्राभि:… આ તમો ગુણ પ્રમાદ, આળસ, નિદ્રા ઉત્પન્ન કરીને દેહધારીઓને બાંધે છે.

પ્રમાદ બે જાતનો હોય છે (૧) કરવા યોગ્ય કામ ન કરવું અર્થાત્‌જે કામથી પોતાનું અને દુનિયાનું, અત્યારે અને પરિણામમાં હિત થાય એવાં કર્તવ્ય કર્મો ન કરવાં તે પ્રમાદ કહેવાય અને (૨) ન કરવા લાયક કામ કરવું અર્થાત્‌જે કામથી પોતાનું અને દુનિયાનું, અત્યારે અને પરિણામમાં અહિત થાય તેવાં કર્મો કરવાં.

ન કરવા જેવા કામો પણ બે જાતના હોય છે (૧) અધોગતિ કરાવે તેવો ખર્ચ કરવો. અર્થાત્‌ભાંગ, ગાંજો, બીડી, સિગારેટ વગેરે પીવામાં, નાટક સિનેમા, ખેલ વગેરે દેખવામાં ધનનો ખર્ચ કરવો અને (૨) અને વ્યર્થ ક્રિયા કરવી અર્થાત્‌પત્તાં,પાસાં રમવાં, રમતગમતમાં સમય પસાર કરવો, વિના કારણ કોઈ પશુ-પક્ષીની હિંસા કરવી વિગેરે વ્યર્થ ક્રિયાઓ કરવી.

આળસ પણ બે પ્રકારે હોય છે. (૧) નકામાં બેસી રહેવું, આવશ્યક કામ ન કરવું, જરૂરી કામને પછી કરીશ, પછી કરીશ એમ પાછું ઠેલ્યા કરવું-આ રીતે આળસ જીવને બાંધે છે (૨) નિદ્રા પહેલાં શરીર ભારે થઈ જવું, વૃત્તિઓનું ભારે થઈ જવું, સમજવાની શક્તિ ન રહેવી-આ પ્રકારની આળસ દોષરૂપ નથી. કારણ કે તે શરીરની કુદરતી પ્રક્રિયા છે, તે આળસ આવે છે, મનુષ્ય કરતો નથી.

પ્રમાદ, મોહનું સામાન્ય તાત્પર્ય એ છે કે જે કરવાનું કર્તવ્ય છે તે કરતો નથી, થતું નથી અને જે ન કરવા યોગ્ય નિષેધ પ્રવૃત્તિ કરે છે. તે પ્રમાદ કહેવાય છે. જ્યારે મોહ એટલે જ્યાં ચોટવા યોગ્ય છે(પરમાત્મા) ત્યાં ચોટાતું નથી, તેમાં લાગી શકાતું નથી અને જ્યાં નથી લાગવાનું ત્યાં લાગી જવાય છે. તેને મોહ કહેવાય છે. આ બન્ને પાપ પ્રવૃત્તિ ગણાય છે.

अकर्तव्ये हि प्रवृत्ति: पापिष्ठजन्मादिहेर्तुभवति। एवं कर्तव्य कर्मस्वनारम्भोऽपि તે મનુ મહારાજે કહ્યું છે જે अकुर्वन्‌ विहितं कर्म निन्दितं च समाचरन्‌। प्रसक्तश्चेन्द्रियार्थेषु प्रायश्चित्तीयते नर: ।।(મનુ. ૧૧-૪૪)

નિદ્રાને પણ પાપ પ્રવૃત્તિમાં શાસ્ત્રકારોએ ગણાવી છે. નિદ્રાને બંધકત્વ અથવા પાપ પ્રવૃત્તિપણું વિહિત અનુષ્ઠાન પૂજા, સ્વાધ્યાય, અધ્યયનના વિરોધી-તેને રૂંધનારી હોય એવી નિદ્રા તથા કસમયે નિદ્રા પ્રવૃત્તિ તથા યોગ્ય સમયે અપ્રવૃત્તિ તથા દુષ્ટ સ્વપ્ન દ્વારા પાપ પ્રવૃત્તિમાં ગણવામાં આવી છે. તમામ(આવશ્યક) નિદ્રાને પાપ પ્રવૃત્તિ ગણવામાં આવતી નથી.

નિદ્રા(સુષુપ્તિ) પ્રવૃત્તિ બે પ્રકારે પ્રવર્તે છે. એક તો શારીરિક નિદ્રા. જે ઈન્દ્રિય પ્રવર્તન શ્રાન્તિના નિવારણ માટે સર્વેન્દ્રિયોની ઉપરતિથી પ્રાપ્ત થાય છે. તે થાક નિવારણ કરનારી હોય છે. સ્ફૂર્તિ આપનારી હોય છે. શરીરને હળવાશ આપે છે. બુદ્ધિને વિશ્રામ આપે છે(તે બુદ્ધિનો ખોરાક છે) અને યોગ પ્રવૃત્તિમાં સહાયક બને છે. તે નિદ્રાદોષ રૂપ નથી ગણાતી કે પાપરૂપ નથી ગણાતી. બીજી નિદ્રા(સુષુપ્તિ) છે મોહ જનિત. ભગવાને-‘या निशा सर्वभूतानां’ બતાવ્યા મુજબ ઘાટો મોહ વ્યાપી જવાથી બુદ્ધિની વિવેકરૂપી આંખ સંપૂર્ણપણે બિડાઈ ગઈ છે. મનુષ્ય મોહની સુષુપ્તિથી વ્યાપ્ત બની જાય છે. તમામ ઈન્દ્રિયો ક્રિયામાં વ્યાપૃત્ત હોવા છતાં શાસ્ત્રકારો તેને મોહની સુષુપ્તિ બતાવે છે. તે અત્યંત પાપ પ્રવૃત્તિ કરાવનારી છે ને અત્યંત પરિહરણીય છે.

આ પ્રમાણે તમોગુણ પ્રમાદ, આળસ અને નિદ્રા દ્વારા મનુષ્યને બાંધી દે છે. અર્થાત્‌તેની સાંસારિક કે પારમાર્થિક ઉન્નતિ નથી થવા દેતો.

આ રીતે સત્ત્વ, રજ અને તમ ત્રણે ગુણો મનુષ્યને બાંધે છે; પરંતુ આ ત્રણેના બાંધવાના પ્રકારમાં તફાવત છે. સત્ત્વગુણની સામાન્ય પ્રવૃત્તિ બંધક નથી પણ ઉન્નતિ કરાવનારી છે. તે વિશિષ્ટ સંજોગોમાં સુખ અને જ્ઞાનની આસક્તિ થાય તો જ બંધનરૂપ બને છે. સત્ત્વ ગુણની સામાન્ય પ્રવૃત્તિ મુક્તિ તરફ લઈ જનારી છે. જ્યારે ૨જોગુણ કર્મના સંગથી બાંધે છે. કર્મમાં આસક્તિ ઊભી કરાવીને બાંધે છે; પરંતુ રજોગુણની સામાન્ય પ્રવૃત્તિ જ બંધક છે. તેની સામાન્ય ગતિ સંસાર તરફ ઘસડી જનારી છે તે વિશિષ્ટ સંજોગોમાં જ અર્થાત્‌નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ દ્વારા જ મુક્તિનું સાધન બની શકે છે. આમ સત્ત્વગુણમાં સુખસંગ અને જ્ઞાનસંગ (સંગ-આસક્તિ) બાંધનારા બતાવ્યા. જ્યારે રજોગુણમાં કર્મસંગ બતાવ્યો. જ્યારે તમોગુણમાં કોઈ પ્રકારનો ‘સંગ’ બતાવ્યો જ નથી. કારણ કે તમોગુણ મોહનાત્મક છે. એ સ્વરૂપથી પોતે જ બાંધનારો છે. તેને કશામાં આસક્તિ ઊભી કરાવીને બાંધવાની જરૂર પડતી નથી. આથી પેલા બે ગુણો આસક્તિ જન્માવીને બાંધે છે. જ્યારે તમોગુણ પોતે પોતાના સ્વરૂપથી જ બાંધવાવાળો છે. જો સુખની આસક્તિ ન હોય અને જ્ઞાનનું અભિમાન ન હોય તો તે સુખ અને જ્ઞાન બાંધવાવાળા નથી થતા. ઊલટાના ગુણાતીત કરનારા થાય છે. જ્ઞાનમાં આસક્તિ એટલે જ્ઞાનનું અભિમાન જ ગણવામાં આવશે. અન્યથા જ્ઞાનની પાછળનો વેગવાન ઉદ્યોગ નડતરરૂપ નથી, બંધન કરનારો નથી ઊલટો જલ્દી સંસારથી છુટવામાં મદદ કરનારો બને છે પણ જ્ઞાનનું અભિમાન જ તેને બંધનમાં લઈ જનારું બને છે અને કર્મફળમાં આસક્તિ ન હોય તો તે(રજોગુણ પણ) પણ પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરાવવાવાળું થાય છે.

ઉપર્યુક્ત ત્રણે ગુણો પ્રકૃતિનાં કાર્ય છે અને પ્રકૃતિના ધર્મોરૂપ છે. જે જીવને બાંધનારા છે. જીવ પોતે સ્વરૂપે કરીને ગુણોથી પર હોવા છતાં વિવેકના અભાવે બંધાય છે.

सत्त्वं सुखे संजयति रज: कर्मणि भारत।

ज्ञानमावृत्य तु तम: प्रमादे संजयत्युत।।९।।

અર્થ : હે ભારત ! સત્ત્વગુણ સુખમાં જોડે છે. રજોગુણ કર્મમાં જોડે છે અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પૂરેપૂરો નાખી દે છે. ।।૯।।

सत्त्वं सुखे संजयति… સત્ત્વગુણ સુખની પ્રધાનતા કરાવીને બાંધે છે. તાત્પર્ય એ છે કે સત્ત્વ વૃદ્ધિ પામતાં સુખ પણ વૃદ્ધિ પામે છે અને તે સુખમાં જીવને વેગ લાગી જાય છે. સ્વાદ આવી જાય કે ચસ્કો લાગી જાય ત્યારે તેને સુખમાં આસક્તિ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે તેને ભગવાનમાં આસક્તિ હોવી ઘટે છે પણ તેમાં ન થતાં સુખમાં આસક્તિ થઈ જાય છે અને આસક્તિ થતાં સ્વાભાવિકપણે તેનો વેગ વધી જાય છે. તેથી તે સુખમાં જ સાધકને બાંધી દે છે. તે સુખમાં જ સાધકના મનને રૂંધી દે છે પણ પરમાત્મચિંતન સુધી પહોંચવા દેતો નથી. પરમાત્માથી મનને દૂર રાખી દે છે. તે सुखे संजयति કહેવાય છે. ત્યારે તેના ભગવાન પ્રત્યે નજદીક થવાના સાધનને આગળ વધવા દેતો નથી અને તેથી સાધકને સત્ત્વગુણથી પણ પર થવાનું છે તે થઈ શકતો નથી. જો કે ભગવાને છઠ્ઠા શ્લોકમાં સત્ત્વગુણ દ્વારા સુખ અને જ્ઞાનના સંગથી બાંધવાની વાત બતાવી છે તો પણ અહીં જ્ઞાનને છોડી દઈને એક સુખથી બંધાવાની વાત બતાવી છે. જ્ઞાનથી પ્રધાનપણે બંધાવાની વાત બતાવી નથી. તેનું તાત્પર્ય એ છે કે બન્નેમાં પણ સુખ બાંધવામાં પ્રધાનપણે પ્રર્વતે છે, તેવું જ્ઞાન પ્રધાનપણે પ્રવર્તતુ નથી. અમુક અંશે સાચા જ્ઞાનનો વેગ રાગ નિવારણ કરનારો થાય છે; પરંતુ જ્ઞાનમાં બાંધવાની શકયતા એ અંશમાં છે તે અભિમાન જલદી વધારી દે છે. અન્વધાનમાં જ્ઞાનને આધારે કાં તો સુખની લાલસા વધી જાય છે અથવા અભિમાન વધી જાય છે. ‘મારા જેવો જાણકાર-જ્ઞાની કોઈ નહિ’ અને તેનાથી પણ તેને ઘણું સુખ જ થાય છે ને તે બંધાય છે. અન્યથા જ્ઞાનનો સાચો વેગ લાગી જાય તો તો તેના બંધન છૂટી જાય ને ભગવાનને પણ પામી જાય માટે પ્રધાનપણે સુખના માધ્યમથી જ જીવને બાંધે છે અથવા જીવ ઉપર વિજય કરે છે. (संजयति) સુખરૂપી રણમેદાનમાં જીવ હારી જાય છે ને સત્ત્વગુણ જીવ ઉપર વિજય મેળવે છે.

रज: कर्मणि भारत… રજોગુણમાં કર્મ સંગની પ્રધાનતા રહે છે. કર્મમાં આસક્તિની પ્રધાનતા રહે છે. रज: कर्मणि संजयति અર્થાત્‌ રજોગુણ જીવને કર્મમાં પછાડી દે છે ને પોતાનો વિજય કરે છે. જેમ સાત્ત્વિક સુખ વિષયમાં સત્ત્વગુણ જીવને પછાડીને પોતાનો વિજય કરે છે, તેમ. તાત્પર્ય એ છે કે મનુષ્યની પ્રકૃતિ रज: પ્રધાન જ છે. તેને ક્રિયા કરવાનું સારું લાગે છે, પ્રિય લાગે છે. જેવી રીતે નાનું બાળક પડ્યું પડ્યું હાથ પગ હલાવે છે ત્યારે ઘુઘવાટા કરે છે ને આનંદમાં રહે છે; પરંતુ તેના હાથપગ હલાવવાનું બંધ કરી દેવામાં આવે અથવા કોઈ પ્રકારે તે અસ્વસ્થ હોય ત્યારે હાથ પગ હલાવવાનું બંધ થઈ જાય, તો તે રડે છે. તેવી જ રીતે મનુષ્યને ક્રિયામાં સ્વાભાવિક પ્રીતિ છે. તેથી ભગવાન કહે છે કે ‘युक्ताहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु’ ને યોગ સુખરૂપ થાય છે અહીં આહારની સાથે વિહાર અર્થાત્‌હરવું ફરવું આદિ ચેષ્ટા યાને તમામ ક્રિયાઓને લેવાનું તાત્પર્ય એ છે કે પ્રાણીને જીવવા તેની આહાર જેટલી જ મહત્ત્વની જરૂરી છે. મનુષ્ય રજઃ પ્રધાન છે તેથી કર્મપ્રધાન પણ છે. તેની પ્રકૃતિ કર્મ સાથે એકરસ થયેલ છે. તેથી ગાફલ સાધકને રજોગુણ કર્મમાં જલદી પરાભવ કરીને પોતાનો વિજય કરી લે છે. ભગવાને कर्मण्येवाधिकारस्ते… શ્લોકમાં કર્મમાં અધિકાર બતાવ્યો છે પણ જીવ તેનો ઓથ લઈને આસક્તિ કરવા લાગે છે. ભગવાને તે નિષ્કામ ભાવે અલિપ્તપણે કર્મ કરવા કહ્યું છે પણ કર્મમાં પ્રર્વતન થતાં જીવ અવધાન ભૂલી જાય છે ને આસક્તિ થઈ જાય છે. ફળમાં તો આસક્ત નથી થવાનું પણ ક્રિયામાં પણ અનાસક્ત ભાવ કેળવવાનો છે. સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ બતાવ્યું છે કે ક્રિયારૂપ ન બની જવું, ક્રિયામાં દેહરૂપ થઈને જડાઈ ન જવું; પરંતુ ક્રિયામાં ક્રિયાનું વહન કરતાં છતાં પણ તેનાથી અલગ અનાસક્ત ભાવે વહન કરવામાં આવે તો ક્રિયાના દુષ્પરિણામથી બચી શકે છે. નહિ તો રજોગુણ ક્રિયામાં આસક્તિ કરાવીને જીવને સંસારમાં બાંધે છે. કર્મફળમાં આસક્તિ ન હોય તો પણ કયારેક ખાલી ક્રિયામાં પણ બાંધનારો બને છે.

ज्ञानमावृत्य तु तम: प्रमादे संजयत्युत।। તમોગુણ કર્તવ્ય વિરુદ્ધ અથવા આત્મકલ્યાણ વિરુદ્ધ પ્રમાદ પ્રવૃત્તિમાં આસક્તિ કરાવીને જીવને કલ્યાણના માર્ગથી પછાડે છે, પાડે છે. તેમાં પણ ભગવાને આઠમાં શ્લોકમાં તમોગુણની પ્રમાદ, આળસ અને નિદ્રા-આ ત્રણ પ્રવૃત્તિ બતાવી છે. અહીં આ શ્લોકમાં આળસ, નિદ્રા ને નહિ બતાવીને પ્રધાનપણે પ્રમાદ પ્રવૃત્તિ કરાવીને જીવને પછાડે છે, એમ બતાવ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે તમોગુણની મુખ્ય પ્રવૃત્તિ છે. સત્ત્વગુણી પ્રવૃત્તિ અથવા આત્મ કલ્યાણની પ્રવૃત્તિથી વધારેમાં વધારે વિરુદ્ધ અથવા દૂર લઈ જવું. પછી તે આળસ દ્વારા રોકીને, નિદ્રા દ્વારા સુવરાવીને કે પ્રમાદ દ્વારા બીજી વિરુદ્ધ પ્રવૃત્તિ કરાવીને કલ્યાણના માર્ગથી વધારેમાં વધારે દૂર ખસેડી મૂકવો તે તમોગુણની મુખ્ય પ્રવૃત્તિ છે. માટે પ્રમાદથી જીવ જેટલો મોક્ષમાર્ગથી દૂર જઈ શકે છે, તેટલો આળસ નિદ્રાથી દૂર ખસી શકતો નથી. જરૂર તે બન્ને પ્રવૃત્તિ થતાં મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈ શકતો નથી પણ ત્યાંને ત્યાં પડી રહે છે, બેસી રહે છે પણ પ્રમાદની જેમ વિરુદ્ધ દિશામાં દૂર ફેંકાઈ જતો નથી. માટે પ્રમાદ એ તમોગુણની પ્રધાન પ્રવૃત્તિ બની રહેતાં ભગવાન કહે છે, તે તમોગુણ પ્રમાદપ્રધાનપણે જીવને હરાવે છે.

તમોગુણને સત્ત્વગુણ સાથે વધારે વિરોધ છે. જો કે તમોગુણ રજોગુણની પ્રવૃત્તિ એવા ભોગ અને સંગ્રહથી પણ ચ્યુત કરે છે. છતાં તેને સત્ત્વગુણની પ્રવૃત્તિ જ્ઞાન અને પ્રકાશ વૃત્તિનો વધારે વિરોધ છે. તેને જલ્દી છાવરીને આળસ અને નિદ્રા પ્રવૃત્તિમાં જોડી દે છે. જેથી કલ્યાણના માર્ગની વાત કહેવા, સાંભળવા છતાં સમજાતી નથી અને પ્રવર્તાતું નથી.

रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत।

रज: सत्त्वं तमश्चैव तम: सत्त्वं रजस्तथा।।१०।।

અર્થ : હે ભારત ! ક્યારેક રજોગુણ અને તમોગુણને દબાવીને સત્ત્વગુણ વૃદ્ધિ પામે છે. તેમજ ક્યારેક સત્ત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વધી જાય છે અને ક્યારેક સત્ત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વધી જાય છે. ।।૧૦।।

रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत… જો કે સત્ત્વાદિક ત્રણે ગુણ પ્રકૃતિના સ્વરૂપાનુબંધી ગુણો છે. તેના સ્વરૂપમાં કોઈની માત્રા વધુ કે કોઈની ઓછી એવું છે નહિ, તો પણ જીવના પ્રાચીન કર્મવશાત્‌તથા દેહને પોષણ કરનાર આહારની વિષમતા પ્રમાણે સત્ત્વાદિક ગુણો ઉદ્‌ભવ અભિભવ થતા રહે છે. ખરેખર તો આ ગુણો ‘अन्योऽन्याभिभवाश्रयजननमिथुनवृत्तय:’(સાં.કા.૧૨) આ ગુણ અન્યોન્ય અભિભવવૃત્તિવાળા, અન્યોન્ય આશ્રયવૃત્તિવાળા, અન્યોન્ય જનન સ્વભાવવાળા અને અન્યોન્ય મિથુનવૃત્તિવાળા છે. વૃત્તિનો અર્થ અહીં ક્રિયા થશે.

તેમાં ત્રણે ગુણોમાં કર્મ અને આહારવશાત્‌પોતાનું કાર્ય જન્માવવા ઉન્મુખ થયેલ કોઈ એક ગુણ બીજા બે ગુણોને દબાવી દે છે. જ્યારે સત્ત્વગુણ ઉદ્રિકત થાય છે ,ત્યારે રજતમની વૃત્તિને દબાવીને સત્ત્વ વૃત્તિને ઉત્પન્ન કરે છે. અર્થાત્‌રજોગુણની લોભવૃત્તિ(અર્થાત્‌લોભને માટે કરાતી ક્રિયા), પ્રવૃત્તિ, નવાં નવાં કર્મોનો આરંભ, હૃદયમાં અશાંતિ, સ્પૃહા, સાંસારિકભોગ અને સંગ્રહમાં પ્રીતિ વગેરે વૃત્તિઓ તથા તમોગુણની પ્રમાદવૃત્તિ, આળસવૃત્તિ, અનાવશ્યક નિદ્રાવૃત્તિ, મૂઢતાવૃત્તિ વગેરે વૃત્તિઓ-ક્રિયાઓ-પ્રવૃત્તિઓને ઉદ્રિક્ત થયેલો સત્ત્વગુણ દબાવી દે છે. અંતઃકરણમાં વિવેક, વૈરાગ્ય, નિષ્કામ ભાવના, નિર્મળતા, ઉદારતા વગેરે સત્ત્વગુણ સંબંધી વૃત્તિઓને ઉત્પન્ન કરી દે છે.

रज: सत्त्वं तमश्चैव… ઉદ્રિક્ત થયેલો રજોગુણ સત્ત્વ, તમની વૃત્તિઓને દબાવીને પોતાની વૃત્તિઓ અંતઃકરણમાં ઉત્પન્ન કરી દે છે તેમ જ तम: सत्त्वं रजस्तथा… ઉદ્રિક્ત થયેલો તમોગુણ સત્ત્વ, રજની વૃત્તિઓને દબાવીને તમોગુણની વૃત્તિઓને અતઃકરણમાં ઉત્પન્ન કરી દે છે, પ્રવર્તાવે છે.

આવી રીતે આ ત્રણેય ગુણોની એક વિલક્ષણતા અથવા સ્વભાવ કહેવાયો. તેવી જ રીતે એ ત્રણેમાં અન્યોન્ય આશ્રયવૃત્તિતા પણ રહેલી છે. આશ્રયનો અર્થ અહીં ઉપકારકપણું છે પણ આધાર આધેયભાવ નથી. આ ત્રણે ગુણોમાં જેમ એક બીજાને દબાવવાનો સ્વભાવ-પ્રવૃત્તિ છે તેમ એક બીજા પર ઉપકાર કરવાની વૃત્તિ પણ છે. જ્યારે પોતાનાથી વધારે ઉદ્રિક્ત થાય ત્યારે અભિભવવૃત્તિ પ્રયોગ કરે છે પણ બીજા બે ગુણ નેસ્તનાબૂદ થતા હોય કે મૃત્યુની સ્થિતિમાં હોય તો ઉદ્રિક્ત થયેલો-સ્વસ્થપણે વર્તતો એક ગુણ બીજા બે ગુણોને નેસ્તનાબૂદ થવા દેતો નથી પણ ઉપકાર કરીને જીવતો રાખે છે. એવો ત્રણેનો સ્વભાવ છે.

ત્રણે ગુણો અન્યોઅન્ય જનનવૃતિવાળા છે. જનનવૃત્તિનો અર્થ થાય છે, ગુણોનું સદૃશ્ય કાર્યમાં પરિણામ પામવું. અર્થાત્‌ગુણોનું પોતાના કાર્યરૂપ વૃત્તિમાં પરિણામ પામવું. આમ તો આશ્રયવૃત્તિ અને જનનવૃત્તિ એક સમાન જેવું થઈ જાય છે પણ સાથે પ્રમાણ હોવાથી થોડો અર્થમાં ફેર કરવાની જરૂર રહે છે. આ ગુણો અન્યોન્ય મિથુનવૃત્તિવાળા છે. એકબીજાની સાથે સહચર થઈને રહેનારા છે. અવિનાભવ વૃત્તિવાળા છે. કયારેય એકલા રહેતા નથી.

सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते।

ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत।।११।।

અર્થ : જ્યારે આ દેહમાં ઈન્દ્રિયોરૂપ સર્વ દ્વારમાં અને અંતઃકરણમાં પ્રકાશ-ચેતનતા અને જ્ઞાન ઉત્પન્ન થયેલું હોય ત્યારે સત્ત્વગુણ વૃદ્ધિ પામેલો છે એમ જાણવું જોઈએ. ।।૧૧।।

सर्वद्वारेषु देहेऽस्मिन्‌… હવે ભગવાન ઉદ્રિક્ત થયેલા દરેક ગુણના કયાં લક્ષણો હોય છે? તે બતાવવાની શરૂઆત કરે છે. તેમાં પ્રથમ વધેલા સત્ત્વગુણનું લક્ષણ આ શ્લોકમાં બતાવે છે. જે સમયે રજોગુણી અને તમોગુણી વૃત્તિઓને દબાવીને સત્ત્વગુણ વધે છે, તે સમયે તમામ જ્ઞાનેન્દ્રિયોમાં નિર્મળતા પેદા થાય છે. શબ્દાદિક પાંચેય વિષયોનું યથાર્થ અને સ્પષ્ટ જ્ઞાન થાય છે અને અંતઃકરણમાં પણ વિષયનું યથાર્થ અને સ્પષ્ટ મનન ચિંતન થાય છે. ઈન્દ્રિયો અને અંતઃકરણમાં સ્વચ્છતા, નિર્મળતા થવાથી સત-અસત્‌, કર્તવ્ય-અકર્તવ્ય, હિત-અહિત વગેરે વાતોનો સ્પષ્ટ વિવેક જાગૃત થાય છે અહીં ‘देहेऽस्मिन्‌’ કહેવાનું તાત્પર્ય એ છે કે, સત્ત્વગુણ વધવાનો અર્થાત્‌બહિઃકરણ અને અંતઃકરણમાં નિર્મળતા અને વિવેકશક્તિ વધવાનો કે ઉદિત થવાનો અવસર આ મનુષ્ય શરીરમાં જ છે, અન્ય શરીરોમાં નહિ. ભગવાને તમોગુણથી બાંધવાવાળાઓને માટે ‘सर्वदेहिनाम्‌’(૧૪/૮) શબ્દ પ્રયોગ કર્યો છે. જેનું તાત્પર્ય એ છે કે રજોગુણ, તમોગુણ તો અન્ય શરીરોમાં પણ વધે છે; પરંતુ સત્ત્વગુણ મનુષ્ય શરીરમાં જ વધી શકે છે. આથી મનુષ્યે સત્વગુણ વધારીને સત્ત્વગુણથી પણ પર થવું જોઈએ. એમાં જ મનુષ્ય જીવનની સફળતા છે. ભગવાને કૃપાપૂર્વક મનુષ્ય શરીર આપીને આ ત્રણે ગુણોથી પર થવા માટેનો અધિકાર, યોગ્યતા, સામર્થી અને સ્વતંત્રતા આપ્યાં છે.

ઈન્દ્રિયોમાં અને અંતઃકરણમાં નિર્મળતા અને વિવેકશક્તિ આવતાં સાધકે એમ જાણવું જોઈએ કે અત્યારે સત્ત્વગુણની વૃત્તિઓ વધેલી છે અને રજોગુણ તમોગુણની વૃત્તિઓ દબાયેલી છે. તેથી સાધકે કયારેય પણ એવું અભિમાન ન કરવું કે, હું બહુ જ્ઞાની થઈ ગયો છું. સત્ત્વગુણના કાર્યને-વિવેક-વૈરાગ્યને પોતાનો ગુણ ન માની લેવો; પરંતુ સત્ત્વગુણનું કાર્ય-લક્ષણ જ માનવું અને સત્ત્વગુણનો ઉપયોગ સંસારથી છૂટવા માટે અને પરમાત્માની ભક્તિ-આશ્રય વધારવા માટે કરી લેવો.

અહીં ‘इति विद्यात्‌’ શબ્દોનું તાત્પર્ય એ છે કે ત્રણે ગુણોની વૃત્તિઓનું ઉત્પન્ન થવું, વધવું અને એક ગુણનું પ્રાધાન્ય થતાં બીજા બે ગુણોનું દબાઈ રહેવું વગેરે પરિવર્તનો ગુણોમાં જ થાય છે પણ જીવાત્માના સ્વરૂપમાં થતા નથી. આ વાતને મનુષ્ય શરીરમાં જ સારી રીતે સમજી શકાય છે. માટે સાધકે પોતાની જાતને સાત્ત્વિક, રાજસ કે તામસ નહિ માનીને તેનાથી વિલક્ષણ આત્મસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ કે અક્ષરરૂપ માનવું. પોતે વૃત્તિઓને તથા વૃત્તિઓના પરિવર્તનને જોવાવાળો તેનાથી અલગ છે. કારણ કે પરિવર્તનને જે પરિવર્તન રહિત હોય તે જ જોઈ શકે છે. પરિવર્તનવાળો યથાર્થ જોઈ શકતો નથી.

જ્યારે સાત્ત્વિક વૃત્તિઓ વધવાથી ઈન્દ્રિયો અને અંતઃકરણમાં નિર્મળતા અને વિવેક વૃદ્ધિ પામે છે, ત્યારે સંસારથી રાગ હઠી જાય છે અને વૈરાગ્ય થાય છે. હૃદયની અશાંતિ દૂર થાય છે અને પરમ શાંતિ મળે છે. લોભ દૂર થઈ ઉદારતા રહે છે. પ્રવૃત્તિ નિષ્કામભાવપૂર્વક થાય છે. ભોગ અને સંગ્રહની તૃષ્ણા દૂર થાય છે. નિર્વાહમાત્રની દૃષ્ટિ આવે છે. દરેક વિષયને યથાર્થ સમજવાની બુદ્ધિમાં ક્ષમતા આવે છે. વિવેક સદાકાળ તાજો રહે છે. આથી તે સમયે સાધકે વિશેષે કરીને ધ્યાન, ભજન તથા જીવનમાં આત્મકલ્યાણના નિર્ણયો સાવધાનપણે લઈ લેવા જોઈએ અને સાધી લેવા જોઈએ. ત્યારે થોડા સમયની સાધના પણ ઝાઝું પરિણામ આપનારી બને છે.

लोभ: प्रवृत्तिरारम्भ: कर्मणामशम: स्पृहा।

रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ।।१२।।

અર્થ : હે ભરતર્ષભ ! જ્યારે રજોગુણ વૃદ્ધિ પામે છે. ત્યારે લોભ, પ્રવૃત્તિ અને કર્મોનો સકામ ભાવે આરંભ કરવો, અશાંતિ અને વિષયભોગની લાલસા એ સઘળાં વધે. ।।૧૨।।

लोभ: प्रवृत्तिरारम्भ:…

પોતાના દ્રવ્યનો પોતાના આત્મશ્રેય માટે પણ ત્યાગ ન થઈ શકવો તેને લોભ કહેવાય અથવા નિર્વાહની ચીજો પાસે હોવા છતાં પણ સંગ્રહને અતિ વધારવાની ઈચ્છાને(તૃષ્ણાને) લોભ કહેવાય છે. એ જ વસ્તુ સહજ પુરુષાર્થથી કે ભાગ્ય અનુસાર સ્વાભાવિકપણે વધે તો તે લોભ નથી. જેમ કોઈ ખેતી કરે છે ને અનાજ વધારે પેદા થઈ ગયું. વેપાર કરે છે ને ભાવમાં ફેરફાર થવાથી નફો વધારે થઈ ગયો, ત્યારે આ રીતે પદાર્થ, ધન વગેરેના સ્વાભાવિક વધવાનું નામ લોભ નથી અને એવી રીતે વધારે હોવું તે દોષરૂપ પણ નથી.

प्रवृत्ति: વિના પ્રયોજને કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાઈ જવું અથવા તો વ્યર્થ પરિશ્રમ, ચેષ્ટા કર્યા વિના રહી ન શકવાને અહીં પ્રવૃત્તિ બતાવી રહ્યા છે. રાગદ્વેષ રહિત થઈને કર્તવ્યમાં જોડાઈ જવું એ દોષરૂપ નથી. કારણ કે એવી પ્રવૃત્તિ તો મુક્તિને અપાવનારી છે અને મુક્ત પુરુષોમાં પણ હોય છે; પરંતુ રાગપૂર્વક અર્થાત્‌સુખ, આરામ, ધન વગેરેની તીવ્ર ઈચ્છાથી પ્રવૃત્ત થવું એ દોષરૂપ છે. તેને અહીં પ્રવૃત્તિમાં ગણે છે.

आरम्भ: कर्मणाम्‌ કર્મફળની ઈચ્છાથી કરવામાં આવતા યજ્ઞયાગાદિક, અનુષ્ઠાનો વગેરે તથા માન, આદર, બડાઈ, પ્રશંસા વગેરે મેળવવા માટે કોઈ શાસ્ત્રીય કે પ્રસિદ્ધિ પરોપકારના અનુષ્ઠાનો કરવાને ‘कर्मणाम्‌ आरम्भ:’ કહેવામાં આવ્યા છે. ખરેખર તો प्रवृत्ति: અને कर्मणाम्‌ आरम्भ: બન્ને એક વિષયના જ શબ્દો છે; છતાં અહીં બન્નેનો સાથે પ્રયોગ હોવાથી વિષયભેદ જરૂરી છે. ખાસ કરીને નવીન નવીન પુરુષાર્થોની શરૂઆતને આરંભ કહેવાય અને તે પણ ભોગ, સંગ્રહ, માન બડાઈ માટે કરાયેલા હોય તેને આરંભ કહેવાય છે. જ્યારે પ્રવૃત્તિ એને કહેવાય કે કેટલાકની એવી પ્રકૃતિ હોય છે કે કાંઈક ને કાંઈક કર્યા વિના રહેવાય નહિ અને તે પણ નિરર્થક કર્યા વિના ન રહેવાય. તેને પ્રવૃત્તિ અહીં ગણાવી છે. એવો બન્નેમાં ભેદ છે.

મનુષ્ય જન્મ પ્રાપ્ત થતાં કેવળ પરમાત્માની પ્રાપ્તિનો જ ઉદ્દેશ્ય રહે, ભોગ અને સંગ્રહનો ઉદ્દેશ્ય બિલકુલ ન રહે-આવી દૃષ્ટિથી આત્મકલ્યાણના માર્ગમાં ‘सर्वारम्भपरित्यागी’(અ.૧૨/૧૬, ૧૪/૨૫) શબ્દોથી તમામ લૌકિક આરંભોનો ત્યાગ કહેવામાં આવ્યો છે. નિષ્કામ કર્મયોગના આરંભનો ત્યાગ કહેવામાં આવ્યો નથી. ઊલટું નિષ્કામ કર્મયોગનો તો ભગવાન પોતાનું ઉદાહરણ લઈને કહે છે કે, મારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની શેષ નથી; છતાં પણ ‘वर्तेऽहम्‌ अतन्द्रित:’ હું સાવધાનીપૂર્વક કર્મયોગમાં લાગી રહ્યો છું. જો હું ન વર્તું તો અજ્ઞાની સમાજને અવળે માર્ગે દોરનારો બનું અને તેનો મને દોષ પ્રાપ્ત થાય. માટે લોક સંગ્રહને માટે પણ હું નિષ્કામ કર્મયોગમાં પ્રવર્તી રહ્યો છું; પરંતુ તે બધા આરંભો ભગવાને કામના અને સંકલ્પથી રહિતપણે કરવાના કહ્યા છે.(૪/૧૯) કર્મયોગ પ્રમાણે એવા આરંભો દોષરૂપ નથી. કારણ કે નિષ્કામ કર્મયોગમાં કર્મ કરવાનું વિધાન છે અને કર્મયોગ વિના યોગી યોગ(સમતા) પર આરૂઢ થઈ શકતો નથી.(૬/૩) આથી આસક્તિ રહિત થઈને પ્રાપ્ત પરિસ્થિતિને અનુસાર કર્મોના આરંભો કરવામાં આવે છે અને તેવા આરંભો સંસારનો રાગ દૂર કરનારા છે અને પરમ નિવૃત્તિ અપાવનારા હોવાથી દોષરૂપ નથી.

अशम: અંતઃકરણ કોઈ નિશ્ચિત ધ્યેય પર ન આવે અને અસંતોષ રહ્યા કરે. અંતઃકરણમાં અશાંતિ અને ખળભળાટ રહેવાનું નામ अशम: કહેવામાં આવે છે. જેવી અને જેટલી ઈચ્છા કરે છે તેવી અને તેટલી ચીજો(ધન, સંપત્તિ, યશ, પ્રતિષ્ઠા, માન, બડાઈ વ.) જ્યારે નથી મળતી ત્યારે અંતઃકરણમાં અશાંતિ અને ખળભળાટ થાય છે. કામનાનો ત્યાગ કરવાથી આ અશાંતિ દૂર થાય છે.

स्पृहा-સ્ત્રી-પુરુષ પરસ્પરની ઈચ્છાને સ્પૃહા કહેવામાં આવે છે.

જ્યારે અંતરમાં રજોગુણ વધે છે ત્યારે ઉપર્યુક્ત લોભ, પ્રવૃત્તિ વગેરે વૃત્તિઓ વધી જાય છે. વિવેકપૂર્વક તે ઈચ્છાઓને દૂર કરવાથી તે દૂર થાય છે.

अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च।

तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन।।१३।।

અર્થ : હે કુરુનન્દન ! તમોગુણ જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે અન્તઃકરણમાં અને ઈન્દ્રિયોમાં અપ્રકાશ, કરવા યોગ્ય કર્મોમાં પણ અપ્રવૃત્તિ તેમજ પ્રમાદ-અસાવધાનતા અને મોહ-નિદ્રા વિગેરે મોહિતીની વૃત્તિઓ, આ સઘળું ઉત્પન્ન થઈ આવે છે. ।।૧૩।।

अप्रकाश:-સત્ત્વગુણની પ્રકાશવૃત્તિ(વિવેકવૃત્તિ)ને દબાવીને જ્યારે તમોગુણ વધી જાય છે ત્યારે ઈન્દ્રિયો ને અંતઃકરણમાં સમજવાની શક્તિ નથી રહેતી ને તે વિવેક વિરોધી તથા આત્મકલ્યાણ વિરોધી પ્રવૃત્તિ વધી જાય છે. આ વૃત્તિથી સત્ત્વગુણની વૃત્તિ સાથે વિરોધ બતાવવામાં આવ્યો છે.

अप्रवृत्ति: રજોગુણની વૃત્તિ પ્રવૃત્તિને દબાવીને જ્યારે તમોગુણની પ્રવૃત્તિ વધી જાય છે ત્યારે કાર્ય કરવાનું મન નથી થતું. નિરર્થક બેઠા રહેવાનું અથવા પડયા રહેવાનું મન થાય છે. સ્તબ્ધતા આવી જાય છે. આવશ્યક કાર્ય કરવાની પણ રુચિ થતી નથી. આ ‘અપ્રવૃત્તિ’ વૃત્તિ છે.

प्रमाद: ન કરવા લાયક કામમાં લાગી જવું અને કરવા લાયક કામ ન કરવું તથા જે પ્રવૃત્તિ કરવાથી ન પારમાર્થિક ઉન્નતિ થાય છે, ન સાંસારિક ઉન્નતિ થાય છે, ન સમાજનું કોઈ કામ થાય છે અને જે શરીરને માટે પણ આવશ્યક નથી. એવો બીડી સીગારેટ, પત્તાં, પાસાં, ખેલ, તમાશા વગેરેમાં લાગી જવું એ પ્રમાદવૃત્તિનું કામ છે.

मोह:-તમો ગુણ વધતાં જ્યારે મોહવૃત્તિ આવે છે ત્યારે અંતરમાં વિવેક વિરોધી ભાવો ઉત્પન્ન થાય છે. કાર્ય કરવામાં અને ન કરવામાં વિવેક કામ નથી કરતો. મૂઢતા વધારે છવાયેલી રહે છે. તેનાથી પારમાર્થિક અને વ્યાવહારિક કોઈ પણ કાર્ય કરવાની સામર્થી નથી રહેતી તથા एव च… શબ્દોથી અધિક નિદ્રા લેવી, પોતાના જીવનનો સમય નિરર્થક નષ્ટ કરવો, ધન નિરર્થક નષ્ટ કરવું વગેરે જેટલા પણ નિરર્થક કાર્યોની પ્રવૃત્તિ થાય છે, તેને ગણી લેવાના છે. तमस्येतानि जायन्ते આ બધા વધેલા તમોગુણનાં લક્ષણો છે. અર્થાત્‌જ્યારે અપ્રકાશ, અપ્રવૃત્તિ વગેરે જ્યારે દેખાય ત્યારે સમજવું જોઈએ કે સત્ત્વગુણ અને રજોગુણને દબાવીને અત્યારે તમોગુણ વધ્યો છે.

સત્ત્વ, રજ અને તમ-આ ત્રણેય ગુણો અતિસૂક્ષ્મ હોવાથી (અંતઃકરણથી પણ) અતીન્દ્રિય છે. અર્થાત્‌ઈન્દ્રિયો અને અંતઃકરણના વિષયમાં નથી આવતા. તેથી આ ત્રણે ગુણો સાક્ષાત્‌દેખવામાં નથી આવતા. એ ત્રણે ગુણોનું જ્ઞાન એમની પ્રવર્તમાન વૃત્તિ-પ્રવૃત્તિથી થાય છે. કેમ કે વૃત્તિ પ્રવૃત્તિને ઓળખી શકાય છે, જોઈ શકાય છે. ઈન્દ્રિયોથી જોઈ શકાય છે. અંતઃકરણથી વાંચી શકાય છે. તેથી ભગવાને તે ગુણોની પરખ માટે અહીં ત્રણે ગુણોની વૃત્તિ-પ્રવૃત્તિનું જ વર્ણન કર્યું છે. જેથી સાધક રજોગુણ, તમોગુણનો ત્યાગ કરી સત્ત્વગુણની વૃદ્ધિ કરી શકે અને ક્રમશઃ ગુણોથી પર જઈ શકે.

આ ત્રણે ગુણોથી વૃત્તિઓ સ્વાભાવિકપણે ઉત્પન્ન, નષ્ટ તથા ન્યૂનાધિક થતી રહે છે. સાધક પોતાના જીવનમાં આ વૃત્તિઓના પરિવર્તનનો અનુભવ પણ કરે છે. તેથી ચેતન તેનો દૃષ્ટા છે, તેનાથી અલગ છે; પરંતુ સાધકથી ભૂલ એ થાય છે કે તે ગુણોના કાર્ય એવા કામ, ક્રોધ, લોભ વગેરે દોષની પ્રવૃત્તિને પોતાના ચૈતન્યમાં આરોપિત કરીને પોતાને ચૈતન્યમાં એકરસપણાને પામી જાય છે, ત્યારે તે સ્વભાવનું સ્વરૂપ બની જાય છે. પછી તેને દૂર કરવા ઘણા જ કઠિન માલૂમ પડે છે. માટે તેને દૂર કરવા માટે ગુણોના કાર્યથી પોતાના ચેતનને અલગ ભાવિત કરવો અને પોતાને વિશે ભગવાનના સેવકપણાની, બ્રહ્મરૂપપણાની ભાવના કરવી તો સ્વભાવ અને દોષોથી જલદી છૂટકારો મેળવી શકાય છે.

यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत्‌।

तदोत्तमविदां लोकानमलान्‌ प्रतिपद्यते।।१४।।

અર્થ : જ્યારે સત્ત્વગુણ વૃદ્ધિ પામેલો હોય અને જો તે સમયમાં દેહધારી પ્રાણી પ્રલય-મૃત્યુ પામે છે. ત્યારે તો ઉત્તમ કર્મ કરનારા પુણ્યશાળી લોકોને પ્રાપ્યભૂત એવા નિર્મળ સ્વર્ગાદિક લોકોને પામે છે. ।।૧૪।।

यदा सत्त्वे प्रवृद्धे तु… જે કાળમાં જે કોઈપણ દેહધારી મનુષ્યમાં ચાહે તે સત્ત્વગુણી, રજોગુણી અથવા તમોગુણી(પ્રકૃતિવાળો) પણ હોય ને ગમે તે કારણે સત્ત્વગુણ તાત્કાલિક વધી જાય છે. અર્થાત્‌સત્ત્વગુણના કાર્યરૂપ નિર્મળતા, વિવેક, વૈરાગ્ય આદિ વૃત્તિઓ વધી જાય, ભાવો હૃદયમાં વધી જાય અને તે સમયે જો તે મનુષ્યના પ્રાણ છૂટી જાય તો તે ઉત્તમ કર્મ કરવાવાળાઓના લોકમાં ચાલ્યો જાય છે. અર્થાત્‌આત્મવિદોના કુળમાં જન્મ લઈને આત્મયાથાત્મ તથા પરમાત્માના મહિમાના જ્ઞાન સાધનોનો એવા પુણ્ય કર્મોનો અધિકારી બની જાય છે. જેવી રીતે યોગ ચલિત માનસવાળો-

शुचिनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते। अथवा योगिनां एव कुले भवति धीमताम्‌।।

શ્લોકમાં બતાવ્યા પ્રમાણે ઊંચો જન્મ પામે છે તેવી જ રીતે મરણ સમયે હૃદયમાં સત્ત્વગુણના કાર્યરૂપ ભાવનાઓ ઉદય થઈ જાય તો તે પણ તેવા જ લોકને-જન્મને પામી જાય છે.

‘उत्तमविद्वाम्‌’ કહેવાનું તાત્પર્ય એ છે કે, જે મનુષ્યો ઉત્તમ(શુભ) કર્મો જ કરે છે, અશુભ કર્મો કયારેય કરતા જ નથી અર્થાત્‌એમના હૃદયના ભાવો, કર્મો અને તેમનું જ્ઞાન ઉત્તમ છે. એવી સાધના કરનારા કે જીવન જીવનારા જે અધિકારને પામે છે તેવા જ લોકને અને તેવા જ અધિકારને આ પણ પામી જાય છે. અર્થાત્‌જેનું શરીર સત્ત્વગુણની વૃદ્ધિ સમયે છૂટ્યું છે તે આખી ઉંમરભર શુભ કર્મો કરવાવાળાને તુલ્ય ગતિને પામે છે. આનાથી એવું સિદ્ધ થાય છે કે, ગુણોથી મૃત્યુ સમયે ઉત્પન્ન થવાવાળી વૃત્તિઓ-ભાવનાઓ કર્મથી કમજોર નથી. મૃત્યુ સમયની આવી સાત્ત્વિક વૃત્તિ પણ પુણ્ય કર્મોના સમાન શ્રેષ્ઠ છે. આ દૃષ્ટિએ શાસ્ત્રવિહિત પુણ્યકર્મોના સમાન શ્રેષ્ઠ છે. આ દૃષ્ટિએ શાસ્ત્રવિહિત પુણ્ય કર્મો પણ કરતી વેળાએ કર્તાના હૃદયમાં સત્ત્વ, રજ, તમના ભાવોનું જ મહત્ત્વ છે. આથી પદાર્થ, ક્રિયા, ભાવ અને ઉદ્દેશ્ય-આ ચારેય ક્રમશઃ એક બીજાથી ઉત્તમ ગણાય છે અને એક બીજાથી સરખા પુરુષાર્થમાં પણ ઉત્તમ ફળ આપનારા બને છે.

રજોગુણ-તમોગુણની અપેક્ષાએ સત્ત્વગુણની વૃત્તિ સૂક્ષ્મ અને વ્યાપક હોય છે અને સ્થૂળની અપેક્ષાએ સૂક્ષ્મમાં શક્તિપણ અવશ્ય અધિક હોય છે. અહીં એક શંકા થાય છે કે, ઉંમરભર શુભ કર્મો કરવાવાળાને જે લોકની પ્રાપ્તિ થાય છે, તે પ્રાપ્તિ માત્ર મૃત્યુ સમયે સત્ત્વગુણ વધી જતા થઈ જાય છે? પણ જરૂર, ભગવાનની આ એક વિશેષ છૂટ છે કે મહેર છે. જે આખી જિંદગી ન કરી શક્યો ને અંતકાળે પણ મતિ જાગી જતી હોય અને કામ કરી લેતો હોય તો ભગવાન તેને તેવું ફળ આપવા તૈયાર છે. ‘અંતકાળે મનુષ્યની જેવી મતિ થાય અર્થાત્‌હૃદયમાં જેવી ભાવનાઓ ઊઠે છે તેવી તેની ગતિ થાય છે.(૮/૬) આથી સત્ત્વગુણની વૃત્તિ વધતાં શરીર છોડવાવાળો ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે.

रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते।

तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते।।१५।।

અર્થ : રજોગુણ વૃદ્ધિ પામેલા સમયમાં મરણ પામીને મનુષ્ય કર્મમાં આસક્તિવાળા મનુષ્યોમાં જન્મ પામે છે અને તમોગુણ વધેલા વખતમાં મરણ પામીને પશુપક્ષી આદિક મૂઢ યોનિમાં જન્મે છે. ।।૧૫।।

रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते…વ અંત સમયે જે કોઈ મનુષ્યને ગમે તે કારણથી રજોગુણની લોભ, પ્રવૃત્તિ, અશાંતિ, સ્પૃહા વગેરે વૃત્તિઓ(ભાવનાઓ) વધી જાય છે અને એ જ ભાવ ચિંતનમાં તેનું શરીર છૂટે છે તો તે મૃતાત્મા પ્રાણી કર્મફળમાં આસક્તિવાળા મનુષ્યોમાં જન્મ લે છે. ત્યાં જન્મીને સ્વર્ગાદિક ફળ પ્રાપ્ત થાય તેવાં કર્મ સાધનોમાં અધિકારવાળો થાય છે. અર્થાત્‌તેમાં તેને તુરત શ્રદ્ધા, નિષ્ઠા પાકી થઈને તે માર્ગે ચઢી જાય છે.

કોઈક વ્યક્તિએ ઉંમરભર સારાં કાર્યો કર્યાં છે, સારાં આચરણો કર્યાં છે અને તેમના હૃદયમાં સારા ભાવો રહ્યા છે તો પણ અંતકાળે રજોગુણ વધી જાય ને મૃત્યુ થાય તો તે મનુષ્ય યોનિમાં આવીને પણ પદાર્થ, વ્યક્તિ, ક્રિયા વગેરેમાં આસક્તિવાળો બની જશે. તેના જીવનમાં લોભ કામાદિકનું જ પ્રાધાન્ય રહે છે. જો કે મનુષ્યમાં જન્મ્યા પછી ભગવાને આપેલો વિવેક તો જરૂર રહે છે. આથી મનુષ્ય એ વિવેકને મહત્ત્વ આપીને સત્સંગ, ભક્તિ દ્વારા એ વિવેકને નિર્મળ કરીને પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. આમ અંતઃકાળે આવેલ ગુણભાવના-આખા જીવન દરમિયાન કરેલાં કર્મો જેટલો જ પ્રભાવ પડે છે એવું બતાવવાનું તાત્પર્ય છે.

तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते..

અંતકાળે જે કોઈ મનુષ્યમાં, ગમે તે કારણથી તાત્કાલિક તમોગુણ વધી જાય છે, અર્થાત્‌તમોગુણની કોઈપણ વૃત્તિ-ભાવના પ્રમાદ, મોહ, અવિવેકની વૃત્તિઓ-ભાવનાઓ વધી જાય છે અને તેનું ચિંતન કરતો કરતો શરીર છોડે છે ત્યારે તે મનુષ્ય પશુ, પક્ષી, કીટ, પતંગ, વૃક્ષ, લતા વગેરે મૂઢ યોનિયોમાં જન્મ પામે છે. અર્થાત્‌તમામ પુરુષાર્થના આરંભની અયોગ્યતાવાળો જન્મે છે. અર્થાત્‌એવી યોનિમાં જન્મીને કોઈપણ સાત્ત્વિક કે રાજસ કોઈપણ પુરુષાર્થ કરી શકવાની યોગ્યતાવાળો રહેતો નથી. જેમ ભરતજીને અંત સમયે મૃગચિંતન કરતાં શરીર છૂટતાં મૃગ બાળકમાં જન્મ્યા. જો કે ભરતજી મૃગ યોનિમાં પણ ભગવાનની કોઈ અલૌકિક કૃપાથી જ્ઞાન ભૂલ્યા નહિ; પરંતુ કોઈપણ પુરુષાર્થ કરવાની યોગ્યતા બિલકુલ ગુમાવી બેઠા હતા. સામાન્ય જીવને એવું બને તો જ્ઞાન અને પુરુષાર્થ યોગ્યતા બન્ને-શૂન્ય જન્મને પામી જાય છે.

कर्मण: सुकृतस्याहु: सात्त्विकं निर्मलं फलम्‌।

रजसस्तु फलं दु:खमज्ञानं तमस: फलम्‌।।१६।।

અર્થ : સુકૃત-સાત્ત્વિક કર્મનું ફળ તો જ્ઞાન-સુખ આદિક સાત્ત્વિકજ નિર્મળ ફળ કહેલું છે. રાજસ કર્મનું ફળ દુઃખ-દુઃખમય છે અને તામસ કર્મનું ફળ અજ્ઞાન-મોહ વિગેરે છે. ।।૧૬।।

कर्मण: सुकृतस्याहु: सात्त्विकं निर्मलं फलम्‌।

આ પ્રમાણે સત્ત્વગુણની વૃદ્ધિ થતાં મૃત્યુ પામે છે, તે આત્માજ્ઞાનીઓના કુળમાં જન્મે છે. પછી ત્યાં પણ તે ફલના અનુસંધાન રહિત, પરમાત્માના આરાધન રૂપ સુકૃત કરશે ત્યારે તેનાથી પણ વધારે સત્ત્વયુક્ત નિર્મળ અર્થાત્‌દુઃખના ગંધમાત્રથી રહિત એવા ફલને પામે છે. એમ સત્ત્વગુણના પરિણામને યથાર્થ જાણનારાઓ કહે છે.

ફલેચ્છા રહિત થઈને કર્મ કરવા છતાં પણ જ્યાં સુધી સત્ત્વગુણની સાથે કર્તાનો સંબંધ રહે છે, ત્યાં સુધી તેની ‘સાત્ત્વિક કર્તા’ સંજ્ઞા થાય છે અને ત્યાં સુધી તેનાં કર્મોનું ફળ બને છે; પરંતુ ગુણો સાથે જ્યારે સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે તેની ‘સાત્ત્વિક કર્તા’ સંજ્ઞા નથી રહેતી. તેના દ્વારા કરેલા કર્મનું ફળ પણ ભોગવવું નથી પડતું; પરંતુ તેના દ્વારા કરેલા કર્મ તે અકર્મ થઈ જાય છે. તે પુરુષ નિર્ગુણ કે ગુણાતીત બની જાય છે.

रजसस्तु फलं दु:खम्‌-અંત સમયે વૃદ્ધિ પામેલા રજોગુણનું ફળ, ફળમાં આસક્તિ કરનારા કુળમાં થાય છે. ત્યાં તે ફળના અનુસંધાનપૂર્વક કર્મોનો આરંભ કરશે. તેના ફળરૂપે પુનઃજન્મ અને રજોગુણની અત્યંત વૃદ્ધિ થશે. ફરી તેવાં જ કર્મોના આરંભની પરંપરા કરશે અને વારંવાર સાંસારિક દુઃખને પામશે એમ રજોગુણને યથાર્થ જાણનારાઓ કહે છે. રજોગુણનું સ્વરૂપ રાગાત્મક છે, તેથી રાગવાળા કર્તાથી રાજસ કર્મ થશે. તેનું ફળ ભોગ થશે. તાત્પર્ય એ થશે કે રાજસકર્મથી પદાર્થોનો ભોગ થશે. શરીરમાં સુખઆરામ વગેરેનો ભોગ થશે. સંસારમાં આદરસત્કાર વગેરેનો ભોગ થશે અને મર્યા પછી સ્વર્ગ વગેરે લોકોના ભોગની પ્રાપ્તિ થશે. આ જેટલા પણ ભોગો છે, તે તમામ દુઃખોનાં જ કારણ છે

‘ये हि संस्पर्शजा भोगा दु:खयोनय एव ले’ (૫/૨૨) અને જન્મ મરણ આપવાવાળા છે. રજોગુણથી બે ફળ પેદા થાય છે-પાપ અને દુઃખ. રજોગુણી મનુષ્ય ભોગ તૃષ્ણાવાળા હોય છે. જ્યારે કોઈપણ ભોગનો અતિરેક પાપ વિનાનો હોઈ શકતો નથી. તેથી રજોગુણી મનુષ્ય વર્તમાનમાં પાપ કરે છે અને પરિણામે તે પાપોનું ફળ દુઃખ ભોગવે છે. ત્રીજા અધ્યાયના છત્રીસમા શ્લોકમાં અર્જુન દ્વારા ‘મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં પણ પાપ કેમ કરે છે ?’ એવું પૂછવામાં આવ્યું છે..

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुष:। अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित:।।

તેના ઉત્તરમાં રજોગુણથી ઉત્પન્ન થનારા કામને જ પાપ કરવામાં કારણ બતાવ્યો છે.

अज्ञानं तमस: फलम्‌ એ જ પ્રમાણે અંતકાળે વૃદ્ધિ પામેલા તમોગુણથી મૂઢ યોનિમાં જન્મ. ત્યાં વળી તેવા જ તમોગુણની વૃદ્ધિ કરનારાં કર્મો કરે છે અને વળી પાછા તમોગુણની પરંપરા વધારતા ઘોર અજ્ઞાનરૂપી ફળને પામે છે.

તમોગુણનું સ્વરૂપ મોહનાત્મક છે. તેથી તેવો કર્તા મૂઢતાપૂર્વક કર્મ કરશે. તેના ફળરૂપે શ્વાન-શૂકર અજ્ઞાન-બહુલ યોનિઓને પામશે. તેનાથી અજ્ઞાનની પરંપરા ઘાટી થતી જશે.

આ શ્લોકનો નિષ્કર્ષ એ થયો કે સાત્ત્વિક પુરુષની સામે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવી જાય; પરંતુ તેમાં તેને દુઃખ નથી થતું અને તેની ભાવના વિકૃત નથી થતી. રાજસ પુરુષની સામે તેવી અનુકૂળ પરિસ્થિતિ આવી જાય; પરંતુ તેમાં તેને સુખ નથી થઈ શકતું. અર્થાત્‌દુઃખ નથી મટતું. તે નિદરેષ ભાવના ઉદ્‌ભાવી શકતો નથી. તામસ પુરુષની સામે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય; પરંતુ તેમાં તેનો વિવેક જાગ્રત નથી થઈ શકતો. તેનો અવિવેક શાંત નથી થતો. તેની મૂઢતા ચાલુ જ રહે છે. જ્યાં સુધી સાધકને ગુણ (ભાવના) અને કર્મો (પૂર્વ કે વર્તમાન)ની સાથે સંબંધ રહે છે, (ભાવાત્મક) ત્યાં સુધી મનુષ્ય કોઈ પરિસ્થિતિમાં સુખી નથી થઈ શકતો અને જ્યારે ગુણ અને કર્મોની સાથે સંબંધ છૂટી જાય છે, ત્યારે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ મનુષ્યને દુઃખી કરી શકતી નથી અને બંધન કરી શકતી નથી.

જન્મ થવામાં અંતકાલીન ચિંતન મુખ્ય બને છે અને તેના મૂળમાં ગુણોનો ઉદ્દેક કારણરૂપ બને છે. માટે મનુષ્યમાં જેવો ગુણભાવ હશે, તેવું કર્મ કરશે. જેવું કર્મ કરશે તેવો ભાવ દૃઢ થશે અને ભાવ પ્રમાણે ચિંતન થશે.

सत्त्वात्सञ्जायते ज्ञानं रजसो लोभ एव च।

प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च।।१७।।

અર્થ : સત્ત્વગુણ થકી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને રજોગુણ થકી તો નિશ્ચે લોભજ ઉત્પન્ન થાય છે અને તમોગુણ થકી પ્રમાદ અને મોહ ઉપજે છે. તેમજ અજ્ઞાન પણ ઉપજે છેજ. ।।૧૭।।

सत्त्वात्सञ्जायते ज्ञानं-

સત્ત્વગુણથી જ્ઞાન થાય છે, વિવેક ઉદય થાય છે અને આત્માનું અપરોક્ષ યથાર્થ સાક્ષાત્‌જ્ઞાન થાય છે. પછી તે સુકૃત કે સત્‌કર્મ જ કરે છે અને તેનું ફળ ઉત્તરોત્તર સાત્ત્વિક અને નિર્મળ થશે.

रजसो लोभ एव च-વૃદ્ધિ પામેલા રજોગુણથી સ્વર્ગાદિક ફળનો લોભ જન્મે છે. લોભને લીધે મનુષ્ય જે કર્મો કરે છે તેનું ફળ દુઃખ હોય છે.

જેટલું મળ્યું છે તેમાં સંતોષ ન થવો, તેની વૃદ્ધિ કરવાની જ તીવ્ર ઈચ્છા રહે, ઉચિત જગ્યાએ પણ તે ખર્ચી ન શકાય. પોતાના આત્મકલ્યાણ અર્થે પણ વ્યય ન કરી શકાય તેને લોભવૃત્તિ કહેવાય છે. લોભ બે રીતે રહે છે-ઉચિત ખર્ચ ન કરવો અને અનુચિત રીતથી સંગ્રહ કરવો. ઉચિત કાર્યોમાં ધનનો ખર્ચ ન કરવાથી, તેનાથી જીવ ચોરાવાથી મનુષ્યના મનમાં અશાંતિ, ક્ષોભ વગેરે રહે છે અને અનુચિત રીતિથી અર્થાત્‌જૂઠ, કપટ વગેરેથી ધનનો સંગ્રહ કરવાથી પાપો થાય છે. જેનાથી નરકોમાં અને ચોરાસી લાખ યોનિમાં દુઃખ ભોગવવું પડે છે. આ દૃષ્ટિએ રાજસ કર્મોનું ફળ દુઃખ હોય છે.

प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च। વૃદ્ધિ પામેલા તમોગુણથી પ્રમાદ થાય છે. અર્થાત્‌અનવધાનના નિમિત્તથી અસત્કર્મમાં પ્રવૃત્તિ થાય છે. તેનાથી મોહ-અર્થાત્‌વિપરીત જ્ઞાન થાય છે. તેનાથી વધારે ઘાટો તમોગુણ થાય છે અને તેનાથી અજ્ઞાન અર્થાત્‌વિવેક વિરુદ્ધ પ્રવૃત્તિ-અવિવેક પ્રવૃત્તિ થાય છે.

અહી તમોગુણથી અજ્ઞાન પેદા થાય છે એમ બતાવ્યું છે. જ્યારે આ જ અધ્યાયના આઠમાં શ્લોકમાં तमस्त्वज्ञानजम्‌ विद्धि એમ કહીને અજ્ઞાનથી તમો ગુણ ઉત્પન્ન થાય છે, એમ બતાવ્યું છે. આનું તાત્પર્ય એ છે કે બીજ વૃક્ષ ન્યાયથી વૃક્ષથી બીજ અને બીજથી વળી પાછાં વૃક્ષ એ પ્રકારે એક બીજાને ઉત્પન્ન કરનાર અને પુષ્ટ કરનાર બને છે.

આઠમાં શ્લોકમાં તમોગુણમાં પ્રમાદ, આળસ અને નિદ્રાની પ્રવૃત્તિ કહી; પરંતુ અહીં પ્રમાદ તો બતાવ્યો પણ નિદ્રા ન બતાવી આનાથી એ સિદ્ધ થાય છે કે આવશ્યક નિદ્રાનો નિષેધ નથી તથા બાંધવાવાળી નથી. કારણ કે શરીરને આવશ્યક નિદ્રા તો સાત્ત્વિક પુરુષો તથા ત્રિગુણાતીત પુરુષોને પણ આવે જ છે. તે નિદ્રા ભલે તમોગુણનું કાર્ય હોય પણ તેનું પરિણામ સ્ફૂર્તિ અને સાત્ત્વિકતા આપનાર બને છે. વાસ્તવમાં અધિક નિદ્રા તથા અસમયની નિદ્રા જ બાંધવાવાળી અને નિષિદ્ધ ગણવામાં આવી છે અને તામસી છે. કેમ કે અધિક નિદ્રાથી શરીરમાં આળસ વધે છે, પડ્યા રહેવાનું મન થાય છે અને અમૂલ્ય સમયની બરબાદી થાય છે.

ગુણોની સાથે તદાત્મકતા થવાથી અંતઃકરણમાં ગુણોને અનુસાર વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. એ વૃત્તિઓને અનુસાર કર્મો થાય છે અને તે કર્મોનું ફળ ઊંચ-નીચ ગતિઓ હોય છે. તાત્પર્ય એ છે કે કર્મોના ફળથી જીવિત અવસ્થામાં અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવે છે અને મર્યા પછી ઊંચ નીચ ગતિઓ આવે છે. વાસ્તવમાં એ સુખ-દુઃખ કે ઊંચનીચ યોનિમાં જન્મ આપનારાં કર્મો છે પણ તેના મૂળમાં ત્રણ ગુણો છે કે જે પુર્નજન્મ થવામાં ખાસ કારણરૂપ છે. તાત્પર્ય એ છે કે એક તો કર્મોની સાથે તદાત્મકતા પામવાથી સંસાર-જન્મ-મરણ પમાય છે તેમ જ ગુણોની સાથે તદાત્મકતા પામવાથી પણ તેનાથી કોઈ ઓછું દુઃખ, ફળ થતું નથી. કર્મો સાથેની તદાત્મકતાથી છૂટવું અર્થાત્‌વિમુક્ત થવું સહેલું છે. ગુણો સાથેની તદાત્મકતાથી અલગ પડવું કઠિન છે. કર્મો સ્થૂળ હોય છે. જ્યારે ગુણો સૂક્ષ્મ હોય છે. તેને સાક્ષાત્‌ઓળખવા જ પ્રથમ તો કઠિન છે. સ્થૂળ હોવાથી કર્મોનો નિગ્રહ કરવો અથવા કર્મોથી અલગ પડવું, અપેક્ષાએ સહેલું છે. જ્યારે ગુણોનો નિગ્રહ કે તેનાથી અલગ પડવું એ સૂક્ષ્મ હોવાથી કઠિન છે. ગુણોનો નિગ્રહ અને તેનાથી અલગ પડવા માટેનો ઉપાય પણ પ્રથમ કર્મોથી નિગ્રહ અને કર્મોથી અલગ પડવું તે જ છે. કર્મોથી અલગ પડવાનું પ્રબળ સાધન પરમાત્માનો આશ્રય કરીને નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ સર્વથી સરળ ઉપાય છે. જેનો ઉદ્દેશ્ય સંસાર નથી; પરંતુ પરમાત્મા છે. જ્યારે તેના લક્ષ્યની અતિ પકવતા અને દૃઢતા થઈ જાય છે, ત્યારે જીવાત્મા ગુણોથી આપોઆપ અલગ પડતો જાય છે. ત્યારે તે ત્રિગુણાતીત થતો જાય છે અને પોતાના હૃદયમાં પોતાના આત્માનું જ્ઞાન તથા સાથે પરમાત્માનો આશ્રય હોઈને પરમાત્માની પણ અનુભૂતિ થાય છે અને જે અનુભૂતિ અથવા જ્ઞાનનો ભગવાને આ અધ્યાયના પહેલા બીજા શ્લોકમાં મહિમા બતાવ્યો છે. ज्ञानानां ज्ञानमुत्तमम्‌ અને इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागता: કહ્યું છે તથા આ અધ્યાયના અંતમાં ગુણાતીત વિષયમાં બતાવ્યું છે. એવી ત્રિગુણાતીત સ્થિતિનો અનુભવ થઈ જાય છે.

उर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसा:।

जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसा:।।१८।।

અર્થ : સત્ત્વગુણમાં રહેનારા પુરુષો સ્વર્ગાદિક ઉંચા લોકોમાં જાય છે. રજોગુણમાં રહેનારા રાજસ પુરુષો મધ્ય-માનવ લોકમાં રહે છે અને તમોગુણના કાર્યરૂપ નિદ્રા પ્રમાદ અને આલસ્યાદિક હલકા દોષોમાં રહેનારા તામસ પુરુષો પશુ આદિક નીચ યોનિઓમાં જાય છે. ।।૧૮।।

મૃત્યુ સમયે સત્ત્વગુણ હોય કે રજ, તમ હોય તો તેનું ફળ શું થાય તે ચૌદ-પંદર શ્લોકમાં બતાવ્યું. હવે જેમના જીવનમાં સત્ત્વ, રજ કે તમ કોઈનું પ્રાધાન્ય રહે ત્યારે તેમની મરણ પછી કેવી ગતિ થાય છે તે બતાવે છે.

उर्ध्व गच्छन्ति सत्त्वस्था: જેમના જીવનમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય રહ્યું હોય અને તેને કારણે તેણે ભોગોમાં સંયમ કર્યો છે. તીર્થ, વ્રત, દાન વગેરે શુભ કર્મો કર્યાં છે. બીજાઓના ઉપકાર માટે પુરુષાર્થ કર્યો છે. ગાય, બ્રાહ્મણ, સજ્જનની સેવા કરી છે. એવા માણસોને અહીં ‘सत्त्वस्था’ શબ્દથી બતાવ્યા છે. જ્યારે સત્ત્વગુણના પ્રાધાન્યમાં જ એવાનું શરીર છૂટી જશે ત્યારે તે નિષ્કામ કર્મયોગી નહિ હોઈને સત્ત્વમાં પ્રીતિ(રાગ) વાળો હોઈને સ્વર્ગાદિક ઊંચા લોકમાં જાય છે, જેને ચૌદમાં શ્લોકમાં उत्तमविदां अमलान्‌ लोकान्‌ શબ્દોથી બતાવ્યા છે. તેમને તેજસ્તત્ત્વ પ્રધાન શરીર પ્રાપ્ત થાય છે.

मध्ये तिष्ठन्ति राजसा: જે મનુષ્યના જીવનમાં રજોગુણનું પ્રાધાન્ય હોય અને તેને કારણે તેઓ શાસ્ત્રની મર્યાદામાં રહીને સંગ્રહ કરવા અને ભોગ ભોગવવા, એશ આરામ કરવા, પદાર્થોમાં મમતા-આસક્તિ રાખવી વગેરેમાં લાગ્યા રહે છે, તેમને અહીં ‘राजसा:’ કહેવામાં આવ્યા છે. જ્યારે રજોગુણના પ્રાધાન્યમાં જ અથવા રજોગુણનાં કાર્યમાં, ચિંતનમાં જ તેનું શરીર છૂટી જાય છે, ત્યારે તેઓ પુનઃ આ મૃત્યુલોકમાં જ જન્મ લે છે. અહીં તેને પૃથ્વીતત્ત્વપ્રધાન શરીરની પ્રાપ્તિ થાય છે.

અહીં શ્લોકમાં ‘तिष्ठन्ति’ પદ આપવાનું તાત્પર્ય એ છે કે, રાજસ મનુષ્યો અત્યારે જેવા આ મૃત્યુલોકમાં છે, મર્યા પછી તેઓ પુનઃ મૃત્યુલોકમાં આવીને એવા જ બની રહે છે. જેઓ અશુદ્ધ આચરણ નથી કરતા, શાસ્ત્રની મર્યાદાનો ભંગ નથી કરતા, શાસ્ત્રની મર્યાદામાં રહે છે; પરંતુ પદાર્થ, વ્યક્તિઓ વગેરેમાં રાગ, આસક્તિ અને મમતા રહેવાને કારણે તેઓ ફરી મૃત્યુલોકમાં જ જન્મ લે છે.

जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसा: જે મનુષ્યોના જીવનમાં તમોગુણનું પ્રાધાન્ય રહે છે અને તેને કારણે જેણે પ્રમાદ, મોહને વશ થઈને નિરર્થક પૈસો અને સમય બરબાદ કર્યા છે, કજિયા, કંકાસ કે કાવાદાવામાં આખી જિંદગી પસાર કરી છે. જેઓ બીજાઓનું અહિત જ વિચારે છે. જેઓ બીજાઓનું અહિત જ કરે છે. બીજાઓને હંમેશાં દુઃખ દેવામાં તત્પર રહે છે. જેઓ હંમેશાં નીંદનીય કર્મોમાં નિમગ્ન રહે છે તેઓને અહીં ‘जघन्यगुणवृत्तिस्था’ કહેવામાં આવ્યા છે. જ્યારે તમોગુણના પ્રાધાન્યમાં જ અર્થાત્‌તામસી કાર્યો અને તામસી વૃત્તિઓ, ભાવનાઓના ચિંતનમાં જ એવા મનુષ્યો મરે છે ત્યારે તેઓ અધોગતિમાં ચાલ્યા જાય છે.

અધોગતિના બે ભેદ છે-યોનિ વિશેષ અને સ્થાન વિશેષ. પશુ, પક્ષી, કીટ, પતંગ, સાપ, વીંછી, ભૂત, પ્રેત વગેરે યોનિ વિશેષ અધોગતિ છે. વૈતરણી, કુંભીપાક વગેરે નરક યાતના ‘સ્થાન વિશેષ’ અધોગતિ છે. જેમના જીવનમાં સત્ત્વગુણ અથવા રજોગુણ રહેવા છતાં પણ અંત સમયે તાત્કાલિક તમોગુણ વધી જાય છે ત્યારે તે મનુષ્યો મર્યા પછી યોનિવિશેષ અધોગતિ અર્થાત મૂઢ યોનિઓમાં ચાલ્યા જાય છે. જેઓના સમગ્ર જીવન દરમિયાન તમોગુણનું પ્રાધાન્ય રહ્યું છે અને તેમાં જ શરીર છૂટે છે ત્યારે તેઓ સ્થાનવિશેષ અધોગતિ અર્થાત્‌નરકગતિમાં ચાલ્યા જાય છે. (अनेकचित्तविभ्रांता मोहजालसमावृता:। प्रसक्ता: कामभोगेषु पतन्ति नरकेऽशुचौ।। १६/१६) અહીં તાત્પર્ય એ થયું કે સાત્ત્વિક, રાજસ અથવા તામસ મનુષ્યનું અંતિમ ચિંતન બીજું થઈ જવાથી તેઓની ગતિ તો અંતિમ ચિંતન પ્રમાણે જ થશે; પરંતુ ત્યાં જીવન દરમિયાન સુખ-દુઃખનો ભોગ તેઓનાં કર્મો પ્રમાણે થશે. જો અંતિમ ચિંતન કૂતરાનું થઈ ગયું, ત્યારે તે અંતિમ ચિંતનના અનુસારે કૂતરો બની જશે.(જેમ ભરતજીને મૃગ બાળકનું, મહાત્માને મૃત્યુ સમયે બોર ભક્ષણનું, બીજા મહાત્માને મૃત્યુ સમયે અર્ધા રૂપિયાના રક્ષણનું ચિંતન થઈ ગયું.-હરિલીલા.) તે યોનિમાં પણ તેને કર્મોને અનુસાર સુખ-આરામ અનુકૂળતા મળશે. જ્યારે બીજી બાજુ જીવનનાં કર્મો તો ખરાબ છે પણ અંતિમ ચિંતન સારું થઈ ગયું (દા.ત. અજામેલ, લુવારિયાને ભગવાનની યાદ આવી ગઈ વ.) તો અંતિમ ચિંતન અનુસાર તેની સારી ગતિ થશે. તેને ભગવાનની પ્રાપ્તિ ન થઈ ને કોઈ યોનિ વિશેષમાં દા.ત. મનુષ્ય થયો તો પણ તેનાં કર્મોના ફળરૂપે ભયંકર પરિસ્થિતિ મળશે. તેને શરીરે રોગો જ રહેશે. ખાવા અન્ન, પહેરવા કપડાં વગેરેની કઠિનાઈ વેઠવી પડશે. આનું તાત્પર્ય એ થશે કે અંતકાળે જે ગુણ પ્રધાન થશે અને જેવું તેને અનુસારે ચિંતન થશે તે, કયાં ગતિ થવી તેમાં પ્રધાન નિર્ણાયક બનશે. જ્યારે સમગ્ર જીવન દરમિયાન જે ગુણ પ્રધાન રહેશે અને તેને અનુસારે જેવાં કર્મો કરશે ત્યારે તેને બીજા જન્મમાં સુખ-દુઃખ ભોગફળમાં તેનું પ્રધાનપણું નિર્ણાયક રહેશે. આ વસ્તુ સ્થિતિને વિચારીને સાધકે સત્ત્વગુણને વધારવા માટે અને ત્રણે ગુણોથી પર થવા માટે પરમાત્માનો આશ્રય, તેમની સેવા ભજન કરવું જોઈએ. સાધકે સત્‌શાસ્ત્રોના સ્વાધ્યાય કરવો, આહાર સાત્ત્વિક બનાવવો, રાજસ ન કરવો, સાત્ત્વિક અને પ્રભુના ભક્ત અને સંત પુરુષોનું સાંનિધ્ય રાખવું. તેની આજ્ઞામાં રહેવું. તેના કહ્યા પ્રમાણે સાધન કરવું તથા પવિત્ર સ્થાનમાં રહેવું. રાજસ-તામસનો ત્યાગ કરવો. પ્રાતઃકાળ-સાયંકાળનો સમય સાત્ત્વિક માનવામાં આવે છે, તેથી તેનો ઉપયોગ પરમાત્માની આરાધનામાં પસાર કરવો. તેનો સદુપયોગ કરવો. રાજસ-તામસ કે નિષિદ્ધ કર્મો કરવા નહિ. ધ્યાન-મંત્ર પરમાત્માના જ કરવાં. ત્યારે રાજસ-તામસના જૂના સંસ્કારો દૂર થશે. શ્રીમદ્‌ભાગવતમાં ગુણોને વધારવાના દસ ઉપાયો બતાવવામાં આવ્યા છે.

आगमोऽप: प्रजादेश: काल: कर्म च जन्म च।

ध्यानं मन्त्रोऽथ संस्कारो दशैते गुणहेतव:।। ११-१३-०४

શાસ્ત્ર, જળ(ખાનપાન), પ્રજા(સંગ-આજુબાજુનું વાતાવરણ), સ્થાન, સમય, કર્મ, જન્મ(ભક્તિ સંસ્કારો), ધ્યાન, મંત્ર અને સંસ્કાર આ દશ વસ્તુઓ જેવા પ્રકારની સેવવામાં આવે તેવા ગુણની વૃદ્ધિ થાય છે.

અહીં એક શંકા થાય કે રજોગુણ પ્રાધાન્યવાળો મરીને મનુષ્યલોકમાં આવે છે, ત્યારે તે બધાને સરખા સુખદુઃખ હોવા ઘટે અને બીજું ભગવાન બતાવે છે કે, સત્ત્વગુણીનું મૃત્યુ, તમોગુણીનું મૃત્યુ વગેરે કેમ ઘટે? તેનું સમાધાન એ છે કે રજોગુણ કેવળ એકલો હોતો નથી. તેનું પ્રાધાન્ય જ હોય છે. તેથી સત્ત્વ, તમની વધુ ઓછી માત્રા અને દેશકાળાદિકે કરીને રજોગુણ પણ અનેક રીતનો થવાથી તે બધું ઘટિત છે.