ગી.અ-14, શ્લોક 01 to 04

શ્લોક 0૧-0૪

જ્ઞાનનો મહિમા તથા પ્રકૃતિ-પુરુષથી જગતની ઉત્પત્તિ

શ્રી ભગવાન બોલ્યા

परं भूय: प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम्‌।

यज्ज्ञात्वा मुनय: सर्वे परां सिद्धिमितो गता:।।१।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-સઘળાં જ્ઞાનોના મધ્યે અતિ ઉત્તમ મારું પરમ જ્ઞાન હું તને ફરીથી કહું છું. જે જ્ઞાનને જાણીને-સમજીને સર્વ મુનિઓ આ સંસારમાંથી મુક્ત ભાવને પામીને પરમ સિદ્ધિ પામી ગયા છે. ।।૧।।

परं भूय: प्रवक्ष्यामि… તેરમાં અધ્યાયના અઢારમાં, ત્રેવીસમાં અને ચોવીસમાં શ્લોકમાં ભગવાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું, પ્રકૃતિ પુરુષનું જે જ્ઞાન(વિવેક) બતાવ્યું હતું એ જ જ્ઞાનને ફરીથી બતાવવાને માટે ભગવાન ‘भूय: प्रवक्ष्यामि’ પદોથી પ્રતિજ્ઞા કરે છે.

લૌકિક અને પારલૌકિક જેટલું પણ જ્ઞાન છે અર્થાત્‌જેટલી પણ વિદ્યાઓ વગેરેનું જ્ઞાન છે, તે બધાથી પ્રકૃતિ પુરુષનો ભેદ(વિવેક) બતાવવાવાળું, પ્રકૃતિથી પર કરવાવાળું અને પરમાત્માની પ્રાપ્તિ કરવવાવાળું આ જ્ઞાન શ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ છે. આના સમાન બીજું કોઈ જ્ઞાન છે નહિ. કારણ કે બીજા જ્ઞાન તો બંધનમાં નાખવાવાળા છે. આ જ્ઞાન બંધનથી મુકાવનારું છે. જો કે ‘ઉત્તમ’ અને ‘પર’ આ બન્ને શબ્દોનો અર્થ એક જ થાય છે તો પણ જ્યાં એક અર્થના બે શબ્દો એક સાથે આવી જાય છે, ત્યાં તેમના અલગ અલગ અર્થ થતા હોય છે. આથી અહીં ‘ઉત્તમ’ શબ્દનો અર્થ એ છે કે આ જ્ઞાન પ્રકૃતિ અને તેના કાર્ય શરીર સંસારથી સંબંધ વિચ્છેદ કરાવવાવાળું હોવાથી શ્રેષ્ઠ છે અને ‘પર’ શબ્દનો અર્થ એ છે કે આ જ્ઞાન પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળું હોવાથી સર્વોત્કૃષ્ટ છે.

यज्ज्ञात्वा मुनय: सर्वे… જે જ્ઞાનને જાણીને અર્થાત્‌જેની અનુભૂતિ કરીને મોટા મોટા મુનિઓ આ સંસારથી મુક્ત થઈને પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા છે તેને હું કહીશ.

તત્ત્વનું મનન કરવાવાળાને શરીર સાથે પોતાપણું નથી હોતું, તે ‘મુનિ’ કહેવાય છે.

‘परां सिद्धिम्‌’ કહેવાનું તાત્પર્ય એ છે કે સાંસારિક કાર્યોની સિદ્ધિઓ જેટલી છે અથવા યોગ સાધનાથી થવાવાળી અણિમાદિક સિદ્ધિઓ છે, તે બધી જ વાસ્તવમાં અસિદ્ધિઓ જ છે. કારણ કે એ બધી જ બંધન ઊભું કરનારી, પરમાત્માની પ્રાપ્તિમાં વિઘ્ન કરવાવાળી છે. જ્યારે પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે સિદ્ધિ છે તે સર્વોત્કૃષ્ટ છે. કેમ કે તે પ્રાપ્ત થતાં આપોઆપ મનુષ્ય જન્મ-મરણથી છૂટી જાય છે.

इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागता:।

सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च।।२।।

અર્થ : આ જ્ઞાનને આશરીને મારા સાધર્મ્યરૂપ પરમ મુક્તિને પામેલા મુક્તાત્માઓ સર્ગના આરંભમાં ઉત્પન્નેય થતા નથી અને પ્રલય વખતે કોઈ વ્યથા-વિકારને પણ પામતા નથી. ।।૨।।

इदं ज्ञानमुपाश्रित्य… પ્રથમ શ્લોકમાં ભગવાને ઉત્તમ અને પર એ બે વિશેષણોથી જે જ્ઞાનનો મહિમા કહ્યો તે જ્ઞાનની અનુભૂતિ કરવી તેને જ અહીં उपाश्रित्य શબ્દથી કહ્યું છે. એ જ્ઞાનનો આશ્રય લઈને મનુષ્યો મારા સાધર્મ્યને પામી જાય છે અર્થાત્‌હું કર્તવ્ય ભોક્‌તૃત્વથી પર છું. તેમ તેઓ પણ કર્તૃત્વભોક્‌તૃત્વથી રહિત થઈ જાય છે, પર થઈ જાય છે. જેવી રીતે હું સદાય નિર્લિપ્ત-નિવિકાર રહું છું, તેવી રીતે તેઓ પણ સંપૂર્ણ નિર્લેપ સ્થિતિને પામી જાય છે.

જ્ઞાની મહાપુરુષો ભગવાન સમાન નિર્લિપ્ત-નિર્વિકાર તો થઈ જાય છે; પરંતુ તેઓ ભગવાનની જેમ સંસારની ઉત્પતિ, પાલન અને સંહારનું કાર્ય નથી કરી શકતા. તે બ્રહ્મસૂત્રોમાં કહ્યું છે જે ‘जगत व्यापार वर्ज्यम्‌’ મુક્તો ભગવાનના સાધર્મ્યપણાને તો પામે છે પણ જગતની ઉપ્તત્તિ, સ્થિતિ, પ્રલય પ્રક્રિયાનું કર્તાપણું તો એક અને એક માત્ર પરમાત્મા જ કરે છે અને કરી શકે છે. બીજા કોઈ મુક્ત સ્થિતિવાળાને પણ ભગવાન તે કાર્ય સોંપતા નથી. હા, યોગાભ્યાસના બળથી કોઈક યોગીમાં કાંઈક સામર્થ્ય આવી જાય છે; પરંતુ તે ભગવાનના સામર્થ્યની તુલનાએ સીમિત હોય છે. જ્યારે ભગવાનનું સામર્થ્ય સર્વ પ્રકારે અસીમિત હોય છે.

सर्गेऽपि नोपजायन्ते… અહીં ‘अपि’ શબ્દથી એવું માલૂમ પડે છે કે, અહીં કહેલા સિદ્ધિને પામેલા મહાપુરુષો મહાસર્ગના આરંભમાં પણ ઉત્પન્ન થતા નથી. મહાસર્ગના આદિમાં ચૌદ લોકોની તથા એ લોકોના અધિપતિઓની ઉત્પત્તિ થાય છે; પરંતુ તે મહાપુરુષો ઉત્પન્ન નથી થતા. અર્થાત્‌તેઓએ ફરીથી કર્મ પરવશ થઈને શરીર ધારણ કરવું પડતું નથી.

प्रलये न व्यथन्ति च… મહા પ્રલયના સંવર્તક અગ્નિથી ચર-અચર બધા જ પ્રાણીઓ ભસ્મ થઈ જાય છે. સમુદ્રના વધી જવાથી પૃથ્વી ડૂબી જાય છે. ચૌદલોકમાં ખળભળાટ-હાહાકાર મચી જાય છે. બધા જ પ્રાણીઓ દુઃખી થાય છે, નષ્ટ થાય છે; પરંતુ તે મહા પ્રલયમાં તે જ્ઞાની પુરુષોને કોઈ દુઃખ થતું નથી. કોઈ ખળભળાટ કે વિકાર થતો નથી. તે મહાપુરુષો જે તત્ત્વને પામ્યા છે તથા જે સ્થાનને પામે છે તે તત્ત્વમાં કે તે સ્થાનમાં પ્રલયની કોઈ પણ અસર, ખળભળાટ કે વિકૃતિ થતી નથી. તે તમામ પ્રલયની અસરથી પર છે. ત્યારે તેને પામેલા મહાપુરુષોને વ્યથા કેમ પહોંચી શકે? તેઓને કોઈ વ્યથા થતી નથી.

મહાસર્ગમાં પણ ઉત્પન્ન ન થવું અને મહાપ્રલયમાં વ્યથિત ન થવું તેનું તાત્પર્ય એ છે કે, મહાત્માઓને પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય ગુણોથી સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે. તેઓ ગુણાતીત પુરુષો બની જાય છે. તે પ્રકૃતિનો સંબંધ રહેવાથી જે જન્મ-મરણ થાય છે, દુઃખ થાય ને ખળભળાટ થાય છે, તે પ્રકૃતિના સંબંધથી રહિત થયેલા પુરુષોને જન્મમરણ, દુઃખ વગેરે હોતા નથી.

मम योनिर्महद्‌ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम्‌।

संभव: सर्वभूतानां ततो भवति भारत।।३।।

અર્થ : હે ભારત ! જગત્‌ના કારણભૂત મારી મહત્‌બ્રહ્મરૂપ માયા તેમાં હું ચેતન સમુદાયરૂપ ગર્ભ ધારણ કરું છું. સ્થાપન કરું છું અને તેમાંથી સર્વભૂત-પ્રાણીમાત્રની ઉત્પત્તિ થાય છે.।।૩।।

मम योनिर्महद्‌ब्रह्म… ભગવાનના સાધર્મ્યપણાને જે પામી ગયા છે તેને સર્ગાદિકમાં ઉત્પન્ન-નાશ થવાનું રહેતું નથી; પરંતુ જે પ્રાણીઓ મહાસર્ગમાં ઉત્પન્ન થાય છે તેની રીત હવે કહે છે.

અહીં મૂળ પ્રકૃતિને ‘महद्‌ब्रह्म’ શબ્દથી કહેવામાં આવી છે. પરમાત્મા નાનાપણા અને મોટાપણાથી રહિત છે. આથી તેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. મહાનથી પણ મહાન છે. अणोरणीयान्‌ महतो महीयान्‌(શ્વેતા ૩/૨૦) સંસારની દૃષ્ટિએ સહુથી મોટી ચીજ પ્રકૃતિ છે. અર્થાત્‌સંસારમાં સહુથી મોટું વ્યાપક તત્ત્વ મૂળ પ્રકૃતિ જ છે. પરમાત્મા સિવાય સંસારમાં તેનાથી વધારે કોઈ વ્યાપક તત્ત્વ નથી. તેથી આ મૂળ પ્રકૃતિને અહીં મહદ્‌બ્રહ્મ કહી છે.

અહંકાર, મહત્તત્વ વિગેરે તમામ તત્ત્વોથી મોટું તત્ત્વ હોવાથી મહ્‌દ્‌બ્રહ્મ કહીને તે આદિ તમામ તત્ત્વોની ઉત્પતિ સ્થાન હોવાથી આ મૂળ પ્રકૃતિને યોનિ કહેવામાં આવી છે. આ જ મૂળ પ્રકૃતિથી અનંત કોટિ બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે અને તેમાં જ લીન થાય છે. આ મૂળ પ્રકૃતિથી જ સાંસારિક અનેક શક્તિઓ ઉત્પન્ન થાય છે. જો કે સર્વનું ઉત્પતિ કારણ પરમાત્મા છે; છતાં પણ પરમાત્મા પોતાના પ્રકૃતિ રૂપી શરીર દ્વારા જ તમામની ઉત્પત્તિ કરતા હોવાથી પરમાત્માનું નિર્વિકારપણું પણ સિદ્ધ થાય છે અને કારણપણું પણ સિદ્ધ થાય છે અને છતાં પણ પ્રકૃતિને જગત્‌કારણ તરીકે કહેવામાં વિરોધ નહિ આવે.

આ મૂળ પ્રકૃતિને માટે ‘मम’ શબ્દનો પ્રયોગ કરીને ભગવાન કહે છે કે, આ પ્રકૃતિ મારી છે. આથી એના ઉપર સંપૂર્ણ આધિપત્ય મારું છે. મારી ઈચ્છા વિના આ પ્રકૃતિ પોતાના તરફથી કંઈ પણ કરી શકતી નથી. એ જે કાંઈ કરે છે તે મારી અધ્યક્ષતાથી જ કરે છે.(ગી. ૯/૧૦)

પરમાત્મા પ્રકૃતિના પણ અધિષ્ઠાતા હોવા છતાં જીવ પરમાત્માથી વિમુખ થઈને પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ જોડી લે છે. એટલું જ નહિ તે પ્રકૃતિના કાર્ય એવા ગુણો સાથે સંબંધ જોડી લે છે. તેનાથી પણ નીચે ગબડીને ગુણોના પણ કાર્ય એવા શરીર વગેરેની સાથે સંબંધ જોડી લે છે, ને બંધાઈ જાય છે. ખરેખર વાસ્તવિક સંબંધ તેનો પરમાત્મા સાથે છે. માટે પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય સાથે સંબંધ જોડીને તેણે પોતાનું પતન નહિ કરવું જોઈએ.

तस्मिन्गर्भं दधाम्यहम्‌ અહીં गर्भं પદ કર્મસંસ્કારો સહિતે જીવ સમુદાયનું વાચક છે. ભગવાન કોઈ નવા ગર્ભનું સ્થાપન નથી કરતા. અનાદિ કાળથી જે જીવો જન્મ-મરણના પ્રવાહમાં પડેલા છે, તેઓ મહાપ્રલયને સમયે પોતપોતાના કર્મ સંસ્કારો સહિત પ્રકૃતિમાં લીન થઈ જાય છે અને મહાસર્ગને સમયે પોતપોતાના કર્મોના ભાવો સહિત દેહધારી થઈને જન્મે છે. આ વસ્તુને જ ભગવાન દ્વારા જીવસમુદાયરૂપી ગર્ભનું પ્રકૃતિરૂપ યોનિમાં ધારણ કરવું કે સ્થાપન કરવું કહે છે.

संभव: सर्वभूतानां ततो भवति भारत…

ભગવાન દ્વારા પ્રકૃતિમાં ગર્ભરૂપે જીવોને સ્થાપન કર્યા બાદ(સંબંધ કરાવી દીધા બાદ) તમામ પ્રાણધારીઓની ઉત્પત્તિ થાય છે. અર્થાત્‌તે પ્રાણીઓ સ્થૂળ શરીરને ધારણ કરે છે. પુનજર્ન્મ પ્રાપ્ત કરે છે. એને સર્ગ કે આદિ સર્ગ કહેવાય છે. જીવ જ્યાં સુધી મુક્ત નથી થતો ત્યાં સુધી પ્રકૃતિના અંશરૂપ કારણ શરીર સાથે તેનો સંબંધ રહે છે અને મહાપ્રલયમાં કારણ શરીર સહિત જ લીન થાય છે.

सर्वयोनिषु कौन्तेय मूर्तय: संभवन्ति या:।

तासां ब्रह्म महद्योनिरहं ब्रीजप्रद: पिता।।४।।

અર્થ : હે કૌન્તેય ! નાના પ્રકારની સઘળી યોનિઓમાં જે જે શરીરધારી પ્રાણીઓની આકૃતિઓ ઉત્પન્ન થાય છે. તે સર્વની ગર્ભ ધારણ કરનારી માતાને સ્થાને મહત્‌બ્રહ્મમાયા છે અને તેમાં બીજ સ્થાપનારો પિતા હું છું. ।।૪।।

सर्वयोनिषु कौन्तेय…જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્‌ભિજ આ ચાર ખાણો અર્થાત્‌સ્થાન છે. તેમાં તમામ પ્રાણીઓની ઉત્પત્તિ છે. એક એક ખાણમાં લાખો યોનિઓ છે. એ લાખો યોનિઓ છે તેમાંથી એક એક યોનિમાં જે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે તે બધાની આકૃતિઓ પણ અલગ અલગ હોય છે. એક જ યોનિમાં કે જાતિમાં ઉત્પન્ન થવાવાળા પ્રાણીઓની આકૃતિમાં પણ સ્થૂળ કે સૂક્ષ્મ ભેદ રહે છે. અર્થાતએક સમાન આકૃતિ કોઈની નથી મળતી. જેમ કે એક જ મનુષ્ય જાતિમાં અબજો વર્ષોથી અબજો શરીરો ઉત્પન્ન થયા છે; પરંતુ આજ સુધી કોઈની આકૃતિ એકદમ મળતી નથી. આ વિષયમાં કોઈ કે કહ્યું છે કે,

पाग भाग वाणी प्रकृति, आकृति वचन विवेक।

अक्षर मिलत न एक-से, देखे देश अनेक।।

અથાત્‌પાઘડી, ભાગ્ય, કંઠ, સ્વભાવ, આકૃતિ, શબ્દ, વિચારશક્તિ, લખવાના અક્ષરો-આ બધા જ કોઈપણ બે મનુષ્યોમાં પણ સમાન નથી મળતા. આ રીતે ચોરાશી લાખ યોનિમાં જેટલાં શરીરો અનાદિકાળથી ઉત્પન્ન થતા આવ્યા છે, તે બધાની આકૃતિ અલગ અલગ છે. ચોરાશી લાખ ઉપરાંત દેવતા, પિતૃ, ગંધર્વ, ભૂત, પ્રેત વગેરેને પણ અહીં ‘सर्वयोनिषु’ પદની અંર્તગત લઈ લેવા જોઈએ.

तासां ब्रह्म महद्‌योनिरहं…

ઉપર્યુક્ત ચાર ખાણો-ચોરાશી લાખ યોનિઓ તો શરીરોને ઉત્પન્ન થવાનાં સ્થાનો છે અને એ બધી યોનિઓનું ઉત્પત્તિ સ્થાન(માતાની જગ્યાએ) ‘महद्‌ ब्रह्म’ અર્થાત્‌ મૂળ પ્રકૃતિ છે. એ પ્રકૃતિમાં જીવરૂપી બીજનું સ્થાપન કરવાવાળો પિતા હું છું. ભિન્ન ભિન્ન વર્ણ અને આકૃતિવાળા વિવિધ પ્રકારના શરીરોમાં ભગવાન ચેતન જીવોને સ્થાપિત કરે છે-પમાડે છે.