શ્લોક ૦૧ – ૦૪
વિશ્વરૂપનાં દર્શન કરવા માટે અર્જુનની પ્રાર્થના
અર્જુન બોલ્યા
मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम्।
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम।।१।।
અર્થ : અર્જુન કહે છે-મારા ઉપર અનુગ્રહ કરવા માટે આપે જે પરમ રહસ્યરૂપ અધ્યાત્મ-જ્ઞાનસંબંધી વચન કહ્યું, તેનાથી મારો આ મોહ ટળી ગયો. ।।૧।।
ભગવાનની કૃપાનો અનુભવ કરીને અર્જુન ભાવવિભોર થઈ ગયા અને કૃપાનું રહસ્ય પ્રગટ કરવાને માટે જ્યારે અત્યધિક પ્રસન્નતાથી બોલ્યા, ત્યારે નિયમનો ખ્યાલ ન રહેવાથી આ શ્લોક તેત્રીસ અક્ષરોનો આવ્યો છે. જ્યારે ગીતાભરમાં અનુષ્ટુપ છંદવાળા શ્લોકો બત્રીસ અક્ષરોના જ આવ્યા છે. તાત્પર્ય એ છે કે અત્યધિક પ્રસન્નતા થતાં નિયમનું ધ્યાન રહેતું નથી.
मदनुग्रहाय-મારું ભજન કરવાવાળાઓ ઉપર કૃપા કરીને હું પોતે એમના અજ્ઞાનજન્ય અંધકારનો નાશ કરી દઉં છું. (ગી-૧૦/૧૧) આ વાત ભગવાને કેવળ કૃપાવશ થઈને કહી. આ વાતની અર્જુન પર બહુ ભારે અસર પડી. જેથી અર્જુન ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. (ગી-૧૦/૧૨-૧૫) એવી સ્તુતિ એમણે પહેલા ગીતામાં કયાંય કરી નથી. એકથી છ અધ્યાય સુધીમાં અધ્યાત્મ ઉપદેશ સાંભળીને અર્જુન અહીં કહે છે કે, કેવળ મારી ઉપર કૃપા કરવાને માટે જ આપે એવી વાત કહી છે.
આમ તો પહેલા અધ્યાયથી લઈને અહીં સુધી ભગવાને જે કાંઈ કહ્યું છે, એ બધું કૃપાવશ થઈને જ કહ્યું છે. વાસ્તવમાં ભગવાનની તમામ ક્રિયાઓમાં કૃપા ભરેલી રહે છે; પરંતુ મનુષ્ય તેને ઓળખતો નથી. ભગવાનની કૃપા ઓળખાઈ જાય તો ભગવત્તત્ત્વનો અનુભવ બહુ જ સુગમતાથી અને શીધ્રતાથી થઈ જાય છે. અર્જુનનું લક્ષ્ય જ્યારે ભગવદ્કૃપાની તરફ જાય છે ત્યારે તે વિભોર થઈને બોલી ઊઠે છે કે આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે.
परमं गुह्यम्-પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓને કહ્યા બાદ ભગવાને દસમા અધ્યાયના અંતમાં પોતાના તરફથી કહ્યું કે, હું પોતાના એક અંશમાં સમગ્ર જગતને, અનંતકોટિ બ્રહ્માંડને વ્યાપ્ત કરીને રહેલો છું. (૧૦/૪૨) અર્થાત્ભગવાને જાતે પોતાનો પરિચય આપ્યો કે, હું કેવો છું-આ વાત પરમ ગોપનીય છે.
अध्यात्मसंज्ञितम्-ભગવાને ‘नत्वाहं जातु नासम्… થી માંડીને છઠ્ઠા અધ્યાય સુધી આત્મવિષયક વાત કરી છે. તેને અર્જુન અહીં અધ્યાત્મસંજ્ઞિત વાત માની રહ્યા છે.
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम… અર્જુનને કૌટુંબિક મોહને લઈને દેહભાવના આવી ગયેલી જણાઈ હતી. વળી ભગવાને કહ્યું કે સમગ્ર જગત ભગવાનના એક અંશમાં છે-આ વાત ઉપર પહેલા અર્જુનની દૃષ્ટિ ન હતી અને તેઓ પોતે આ વાતને જાણતા પણ ન હતા. એ જ એમનો મોહ હતો. જ્યારે અર્જુનની ભગવાનના કથન તરફ દૃષ્ટિ ગઈ કે ભગવાન કેટલા બધા વિલક્ષણ છે. એમના એક અંશમાં અનંત સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિતિ પામે છે, ને તેમાં લીન થાય છે. છતાં તેઓ તો તેવા ને તેવા જ રહે છે. અર્જુનનો મોહ નષ્ટ થતાં જ અર્જુનને એ ખ્યાલ આવ્યો કે પહેલાં જે હું આ વાતને નહોતો જાણતો તે મારો મોહ જ હતો. જે હવે મને તેનું ભાન થયું છે. મોહ રહેતા મોહનું જ્ઞાન થતું નથી; પરંતુ મોહ જ્યારે ચાલ્યો જાય છે ત્યારે જ મોહનું જ્ઞાન થાય છે (કે મને મોહ થયો હતો) અને જ્ઞાન થયા પછી મોહ રહેતો નથી. જેમ સૂતેલા માણસને ત્યારે ભાન નથી હોતું કે હું અત્યારે સૂઈ રહ્યો છું. એ તો જાગ્યા પછી જ અનુભવી શકે છે કે, હું અત્યાર સુધી સૂતો હતો અને અત્યારે જાગી ગયો છું. તેમ અજ્ઞાન-મોહના પરિણામરૂપ તમામ કાર્યરૂપ દોષોનું પણ એમ જ હોય છે. તે દૂર થાય પછી જ સાધકને ખબર પડે છે, સાધકને ભાન થાય છે કે, ‘એ’ હતો, જ્યારે સાક્ષાત્જણાઈ આવે છે ત્યારે તે ચાલ્યો જાય છે, દૂર થાય છે. પોતે જાણ્યા વિના બીજા ગમે તેટલું ઓળખાવે તો પણ જાતો નથી. આ હકીકત પણ મોટી વિડંબના છે, વિરોધાભાસી છે કે જાણ્યા વિના જાતા નથી અને હોય ત્યાં સુધી ભાન થતું નથી, જાણી શકતા નથી. તો તેનું સમાધાન શું? તો શાસ્ત્રોમાં અને વિશેષે કરીને પોતાના હિતેચ્છુ સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખી માની લે, સ્વીકારી લે કે જે સત્પુરુષ બતાવે છે તે દોષ કે ખામી મારામાં છે જ પણ મને દેખાતી નથી. એમ સ્વીકારી લઈને તેને દૂર કરવા સત્પુરુષની સહાય લઈને આદર રાખે તો તે દૂર થઈ જાય છે, અન્યથા દૂર થતા નથી.
અહીં અર્જુનને ભાન થયું છે કે ભગવાનનું સાચું વચન મને શરૂઆતમાં મનાયું નથી. તે મારો મોહ છે; પરંતુ હવે મને ભગવાન ઓળખાઈ ગયા છે ને મારો મોહ દૂર થયો છે.એમ અર્જુન કહે છે તો પણ ભગવાન અર્જુનના તે કથનનો (મોહનાશનો) સ્વીકાર કરતા નથી. કેમ કે જીવ તો અગાઉથી જ માની લે છે કે, હવે મને પૂરું જ્ઞાન થઈ રહ્યું પણ ભગવાન અને સત્પુરુષ તે કથનને જલ્દી માની લેતા નથી, સ્વીકારી લેતા નથી. તેઓ પરિણામ આવે તેને સ્વીકારે છે. મોહ નાશ થયાનું જીવનમાં પરિણામ દેખાય તો તેઓ સ્વીકારી લે છે. અહીં પણ ભગવાન પૂર્ણ માની લેતા નથી કે અર્જુનનો મોહ ચાલ્યો ગયો છે. અહીં મોહ વસ્તુ જ એવી છે કે પોતાને એવું દેખાય કે ચાલ્યો ગયો છે પણ ગયો નથી હોતો. માટે શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં કહે છે કે મન આદિકનો વિશ્વાસ ન કરવો. માની ન લેવું કે તેઓ બધા નિર્મોહી થઈ ગયા છે. અહીં શ્રીકૃષ્ણ ભગવાન પણ આ જ અધ્યાયના ઓગણપચાસમાં શ્લોકમાં કહે છે કે હે અર્જુન તને વ્યથા અને મૂઢભાવ (મોહ) નહિ થવા જોઈએ.
‘मा ते व्यथा मा च विमूढभाव:’
भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया।
त्वत्त: कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम्।।२।।
અર્થ : કેમકે-હે કમળનયન પ્રભો ! મેં આપના થકી ભૂત-પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે, તથા આપનો અખંડ અવિનાશી મહિમા પણ સાંભળ્યો છે. ।।૨।।
भवाप्ययौ हि भूतानाम्… હે ભગવન્! તમામ પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલય મેં વિસ્તારપૂર્વક આપની પાસેથી જ સાંભળ્યા છે. ભગવાને પ્રથમ બતાવ્યું (સાતમાં અધ્યાયથી માંડીને દસમાં અધ્યાય સુધીમાં) છે કે अहं कृत्स्नस्य… (७/६) આપના થકી જ આ જગતની ઉત્પત્તિ પ્રલય થાય છે. સૃષ્ટિનો તમામ પ્રાણીઓનો, તેમ જ તમામ ભાવોનો, ઉત્પત્તિ-પ્રલય મારાથી થાય છે. એવો તમારાથી વિલક્ષણ હું છું. એવું માહાત્મ્ય તથા અવ્યય, એવું માહાત્મ્ય તમારી અસાધારણતા-कालत:, विषयत:, સંખ્યાથી તમામ પ્રકારે તમારી વિલક્ષણતા મેં આપના મુખથી (૭ થી ૧૦ અધ્યાય સુધીમાં) સાંભળી છે.
एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर।
द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम।।३।।
અર્થ : હે પરમેશ્વર ! આપ પોતાને જેવા કહો છો, એ બરોબર એમજ છે. પરંતુ-હે પુરુષોત્તમ ! આપનું એ સકળ ઐશ્વર્યે સંપન્ન ઐશ્વર રૂપ હું સાક્ષાત્નેત્રોથી જોવા ઈચ્છું છું. ।।૩।।
હે પરમેશ્વર ! તમો જેવું તમારું સ્વરૂપ બતાવી રહ્યા છો, તેવા જ તમો છો. એવો મેં નિશ્ચય કરી લીધો છે. બરાબર મારા હૃદયમાં અવધારણ કરી લીધું છે. તમારું ઐશ્વર્યયુક્ત રૂપ છે તેને હું જોવા ઈચ્છું છું અર્થાત્તમારું ઈતર વિસજાતીય-ઈતર વિલક્ષણ ઐશ્વર્યે યુક્ત જે સ્વરૂપ છે જે તમામ પ્રશાસન કરવાના મૂળમાં રહ્યું છે. ઐશ્વર્યનું તાત્પર્ય અહીં એ છે કે તે તે ઐશ્વર્યને અનુરૂપ ચેષ્ટાઓ-કાર્ય-પરિણામ લાવનારું છે અને તેવી તેવી ચેષ્ટાઓથી તે તે ઐશ્વર્ય અભિવ્યક્ત થાય છે અને માટે જ તે તે ચેષ્ટાઓથી તે તે ઐશ્વર્ય બતાવનારું તમારું સ્વરૂપ સમગ્ર ઐશ્વર્યોના મૂળમાં રહ્યું છે. એવું સમગ્ર ઐશ્વર્યેયુક્ત તમારું રૂપ જોવાની મને ઈચ્છા છે. જેવા તમે સર્વનુશાશન કરનારા છો, જેવા તમે સર્વનું પાલન કરનારા છો, જેવા તમે પોતાના અંગથી સમગ્ર સૃષ્ટિનું સજર્ન કરનારા છો, સંહર્તા, ભર્તા વગેરે છો, તે તો તમારા એકાંશથી સર્જાય છે. તે તમારું મૂળ રૂપ જોવાની મને ઈચ્છા છે. આગળ જ્યારે અર્જુને કહ્યું, તમારી સમગ્ર વિભૂતિ મને કહો. ત્યારે ભગવાને કહ્યું, તે તો કોઈ કહેવા સમર્થ નથી, માટે સંક્ષિપ્તથી કહીશ. તેથી અર્જુન સાવધાન થઈને વિચારે છે કે કાંઈ અનુચિત વાત ન થઈ જાય. તેથી અહીં કહે છે કે તમારું એક રૂપ બતાવો ત્યારે ભગવાન કહે છે કે મારા હજારો રૂપોને તું જો. જેમ કોઈની પાસેથી લાલચપૂર્વક ઝાઝું માગે, ત્યારે પેલા દેવાના હોય તો પણ સંકોચ કરીને થોડું દે.જો માગવામાં સંકોચ કરે, તો પેલા ઉદારતા દાખવીને વધુ આપી દેતા હોય છે. તેમ અહીં અર્જુને એક રૂપ જોવાની ઈચ્છા કરી તો ભગવાન કહે મારા હજારો રૂપોનું જોઈ લે.
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो।
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम्।।४।।
અર્થ : હે પ્રભો ! જો મારાથી તે આપનું રૂપ દેખવાને શક્ય છે, એમ આપ માનતા હો, તો હે યોગેશ્વર ! મને આપ આપના એ અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો ! ।।૪।।
તમારું જે સ્વરૂપ છે, જે તેમાં સમસ્ત ગુણ વિભૂતિ વિગ્રહાદિ વિશિષ્ટ એવું આપનું સ્વરૂપ છે. ‘मन्यसे यदि त्वं शक्यम्’ તમે જો ધારો તો કોઈ અશક્ય વસ્તુ નથી. કારણ કે તમો યોગેશ્વર છો. તમામ યોગોને ધારણ કરનારા છો. આ વાક્ય કહેવા પાછળ અર્જુનનો એવો પણ ભાવ છે કે હે પ્રભો ! આપ આપનું એ રૂપ નહિ દેખાડો તો પણ હું એમ જ માનીશ કે આપનું રૂપ તો એવું જ છે; (જેવું આપ બતાવી રહ્યા છો) પરંતુ હું તેને દેખવાનો અધિકારી નથી, યોગ્ય નથી કે પાત્ર નથી. આ રીતે અર્જુનને ભગવાનના વચનમાં કિંચિત્માત્ર પણ સંદેહ નથી, દૃઢ વિશ્વાસ છે; પરંતુ અતિ વિનીતભાવની પ્રાર્થના છે. અવ્પપ-શબ્દ ક્રિયા વિશેષણ તરીકે આવ્યો છે. સમગ્રપણે આપનું સ્વરૂપ બતાવો તેવી પ્રાર્થના છે.