શ્લોક ૧૯-૪૨
ભગવાન દ્વારા પોતાની વિભૂતિઓનું અને યોગ્શાક્તિનું કથન
શ્રી ભગવાન બોલ્યા
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतय:।
प्राधान्यत: कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे।।१९।।
અર્થ : શ્રી ભગવાન કહે છે-ભલે ત્યારે હે કુરુશ્રેષ્ઠ ! તને મારી દિવ્ય વિભૂતિઓમાંથી મુખ્યપણે રહેલી કેટલીક વિભૂતિઓ કહીશ. કારણ કે-મારી વિભૂતિઓના વિસ્તારનો અન્ત તો નથીજ. ।।૧૯।।
हन्त ते कथयिष्यामि યોગ અને વિભૂતિ કહેવાને માટે અર્જુનની જે પ્રાર્થના છે તેનો हन्त શબ્દથી સ્વીકાર કરતાં ભગવાન કહે છે કે, હું પોતાની દિવ્ય અલૌકિક અને વિલક્ષણ વિભૂતિઓને તારે માટે કહીશ(યોગની વાત ભગવાને આગળ એકતાલીસમાં શ્લોકમાં કહી છે).
‘दिव्या:’ કહેવાનું તાત્પર્ય એ છે કે જે કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના વગેરેમાં જે કાંઈ પણ વિશેષતા દેખાય છે, તે वस्तुत: ભગવાનની જ છે. (देवस्य-इष्टदेवस्य-परमात्मन: इदं इति दिव्या:) એટલા માટે તેને ભગવાનની દેખવી એ દિવ્યતા છે અને વસ્તુ, વ્યક્તિ વગેરેની દેખવી એ અદિવ્યતા અર્થાત્લૌકિકતા છે.
प्राधान्यत: कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे-જ્યારે અર્જુને કહ્યું કે, હે ભગવન્! આપ પોતાની વિભૂતિઓને વિસ્તારથી પૂરેપૂરી કહી દો. ત્યારે ભગવાન કહે છે કે, હું પોતાની વિભૂતિઓને સંક્ષેપમાં કહીશ. કેમ કે મારી વિભૂતિઓનો અંત નથી. પરંતુ આગળ અગિયારમાં અધ્યાયમાં જ્યારે અર્જુન ભારે સંકોચથી કહે છે કે, હું આપનું વિશ્વરૂપ જોવાને ઈચ્છું છું. જો મારા દ્વારા તે રૂપ દેખવું શકય હોય તો દેખાડી દો. ત્યારે ભગવાન કહે છે કે-पश्य मे पार्थ रुपाणि (૧૧/૫) અર્થાત્તું મારા રૂપોને જોઈ લે. રૂપોમાં કેટલા રૂપ છે? બે-ચાર? નહિ, નહિ, સેંકડો-હજારો રૂપોને જો. આ રીતે અહીં અર્જુનની વિસ્તારથી વિભૂતિઓ કહેવાની પ્રાર્થના સાંભળીને ભગવાન સંક્ષેપમાં વિભૂતિઓ સાંભળવા માટે કહે છે અને ત્યાં અર્જુનની એકરૂપ દેખાડવાની પ્રાર્થના સાંભળીને ભગવાન સેંકડો હજારો રૂપો જોવાને કહે છે.
એ એક મોટા આશ્ચર્યની વાત એ છે કે સાંભળવામાં તો માણસ બહુ જ સાંભળી શકે છે; પરંતુ એટલું નેત્રો વડે જોઈ શકતો નથી. કાનનો વિષય છે શબ્દ, કાન દ્વારા શબ્દોને સાંભળીને આપણને પ્રત્યક્ષનું પણ જ્ઞાન થાય છે અને અપ્રત્યક્ષ સ્વર્ગ, નરક, ધામ વગેરેનું પણ જ્ઞાન થાય છે. એટલા માટે વેદાંત પ્રક્રિયામાં શ્રવણ, મનન, નિદિધ્યાસ, સાક્ષાત્કાર વગેરેમાં, શ્રવણ સહુ પ્રથમ આવ્યું છે. એવી જ રીતે ભક્તિમાં પણ શ્રવણ, કીર્તન, પાદસેવન વગેરેમાં પણ શ્રવણ પહેલું આવ્યું છે. શાસ્ત્રોમાં જે પરમાત્મતત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું જ્ઞાન(પરોક્ષ જ્ઞાન) આપણને કાનથી જ થાય છે. અર્થાત્કાનથી સાંભળીને જ તેના અનુસાર કરવા, માનવા કે જાણવાથી આપણે એ પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરીએ છીએ. શબ્દમાં અચિંત્ય શક્તિ છે-शब्दशक्तेरचिंत्यत्वात् शब्दादेवापरोक्षधी:। प्रसुप्त: पुरुषो यद्वच्छतदैनैवावबुध्यते।।
મનુષ્ય સૂએ છે, તો નિદ્રામાં ઈન્દ્રિયો સંકુચિત થઈને મનમાં, મન સંકુચિત થઈને બુદ્ધિમાં અને બુદ્ધિ સંકુચિત થઈને અજ્ઞાન(અવિદ્યા)માં લીન થઈ જાય છે. આ રીતે જો કે નિદ્રામાં ઈન્દ્રિયો બહુ જ છૂપી રહે છે. તો પણ સૂતેલા આદમીનું નામ લઈને પોકારવામાં આવે તો તે જાગી જાય છે. શબ્દમાં એટલી શક્તિ છે કે તે અવિદ્યામાં લીન થયેલાને પણ જગાડી દે છે. આથી શબ્દમાં અનંત શક્તિ છે. દૃષ્ટિ તો પદાર્થ સુધી જઈને રોકાઈ જાય છે. જ્યારે શબ્દ કેવળ કાન સુધી જ નથી જતો; પરંતુ તેના સ્વરૂપ સુધી ચાલ્યો જાય છે.જે પોતાના સ્વરૂપથી પણ જાગૃત કરી દે છે.
નેત્રોમાં રૂપ પકડાઈ જાય છે. જેવી રીતે દર્પણમાં મુખ જોતી વખતે કાચની અંદર રૂપ ચાલ્યું જાય, તો તેમાં મુખ દેખાવા લાગે છે. એવી જ રીતે આંખમાં પણ એક કાચ છે. જેની અંદર પદાર્થનું રૂપ ચાલ્યું જાય, તો તે પદાર્થ દેખાવા લાગે છે. નેત્રોમાં(નેત્રવૃત્તિમાં) એક વિશેષ શક્તિ એ છે કે તેઓ પહેલા રૂપને પકડીને જ બીજા રૂપને જોઈ લે છે. બીજા રૂપની સાથે નેત્રવૃત્તિને સીધો સંબંધ હોતો નથી પણ નેત્રમણિમાં આવેલા-પકડાયેલા રૂપ દ્વારા હોય છે. એવું હોવા છતાં પણ કાનમાં જેટલી શક્તિ છે એટલી નેત્રોમાં નથી.
ઈન્દ્રિયો કેવળ પોતપોતાના વિષયને જ(પ્રાકૃત વિષયને જ) પકડી રાખે છે. પરમાત્મતત્ત્વને નથી પકડી શકતી. કેમ કે પરમાત્મતત્ત્વ ઈન્દ્રિયોનો વિષય નથી, અતીન્દ્રિય છે. ઈન્દ્રિયની ગતિથી પર છે. પરમાત્મતત્ત્વ ચેતનનો વિષય છે. અર્થાત્તેની અનુભૂતિ ચેતનામાં થાય છે. પરમાત્મતત્ત્વનું જ્ઞાન કરણનિરપેક્ષ છે. એ તત્ત્વને- જ્ઞાનને- આંખો નથી પકડી શકતી; પરંતુ કાન શબ્દો દ્વારા પકડીને ચેતના સુધી પહોંચાડી દે છે. આંખોનો સંયોગ થવા છતાં ચૈતન્યમાં સાચી અનુભૂતિ સંતોના કે સત્સંગના શબ્દો દ્વારા જ ચૈતન્યમાં પહોંચે છે. છતાં પણ જ્યારે અર્જુને સઘળી વિભૂતિઓને સાંભળવાનું પોતાનું સાર્મથ્ય બતાવ્યું તો ભગવાને સંક્ષેપથી સાંભળવાને માટે કહ્યું. જ્યારે અર્જુને એક રૂપને જોવામાં નમ્રતાપૂર્વક પોતાની અસમર્થતા બતાવી તો ભગવાને અનેક રૂપ જોવાને માટે કહ્યું. એનું કારણ એ છે કે ગીતામાં અર્જુનનું ભગવદ્વિષયક જ્ઞાન ઉત્તરોત્તર વધતું જાય છે. આ દસમાં અધ્યાયમાં જ્યારે ભગવાને એમ કહ્યું કે, મારી વિભૂતિઓનો અંત નથી. ત્યારે અર્જુનની દૃષ્ટિ ભગવાનની અનંતતા તરફ ચાલી ગઈ. તેઓ સમજ્યા કે ભગવાનના વિષયમાં તો હું કાંઈ પણ નથી જાણતો. કેમ કે ભગવાન અનંત છે, અસીમ છે અને અપાર છે. અર્જુને ભૂલથી એ કહી દીધું કે આપ આપની સઘળી વિભૂતિઓ બતાવી દો. એટલા માટે અર્જુન આગળ અગિયારમાં અધ્યાયમાં સાવધાન થઈ જાય છે અને નમ્રતાપૂર્વક એક રૂપ દેખાડવા માટે જ ભગવાનને પ્રાર્થના કરે છે. નેત્રોની શક્તિ સીમિત હોવા છતાં પણ ભગવાન દિવ્ય ચક્ષુ પ્રદાન કરીને,અર્થાત્ચર્મચક્ષુઓમાં વિશેષ શક્તિ પ્રદાન કરીને, પોતાના અનેક રૂપોને દેખવાની આજ્ઞા આપે છે.
બીજી વાત એ છે કે, વકતાથી વ્યક્તિગત પૂછવામાં આવે અને પોતાનું અજ્ઞાન અને અયોગ્યતા જણાવીને જાણવા માટે પ્રાર્થના કરવામાં આવે-આ બન્નેમાં ફરક હોય છે. અહીં અર્જુને વિસ્તારપૂર્વક વિભૂતિઓ કહેવાને માટે કહીને(વ્યકિતગત વાત પૂછીને) ભગવાનનો તાગ કાઢવા ઈચ્છા કરી, તો ભગવાને કહી દીધું કે હું તો સંક્ષેપમાં કહીશ. કેમ કે મારી વિભૂતિઓનો અંત નથી. અગિયારમાં અધ્યાયમાં અર્જુને પોતાની અજ્ઞતા અને અયોગ્યતા પ્રગટ કરીને ભગવાનને પોતાનું અવ્યય રૂપ દેખાડવાની પ્રાર્થના કરી તો ભગવાને પોતાનું અનંતરૂપ જોવાની આજ્ઞા આપી. તેમને જોવાનું સાર્મથ્ય(દિવ્ય દૃષ્ટિ) પણ કેવળ કૃપા કરીને આપી. એટલા માટે સાધકે કિંચિત્માત્ર પણ પોતાનો આગ્રહ અને અહંકાર ન રાખીને અને પોતાનું સામર્થ્ય તથા બુદ્ધિ ન લગાડીને કેવળ ભગવાન ઉપર જ નિર્ભર(શરણ) થઈ જવું જોઈએ. કેમ કે ભગવાનની નિર્ભરતાથી(શરણે જવાથી) જે ચીજ મળે છે તે અપાર મળે છે.
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थित:।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च।।२०।।
અર્થ : હે ગુડાકેશ ! સર્વ ભૂત-પ્રાણી માત્રના હૃદયમાં રહેલો આત્મા-જીવાત્મા તે હું છું-મારી વિભૂતિ છે. અને સર્વ ભૂતોનો આદિ-કારણ, મધ્ય-સ્થિતિ-રક્ષણ કરનારો, અને અન્ત-સંહાર કરનારો પણ હું જ છું. ।।૨૦।।
વિભૂતિ અને યોગ-આ બન્નેમાંથી પહેલા ભગવાન વીસમાં શ્લોકથી ઓગણચાલીસમાં શ્લોક સુધી પોતાની બ્યાંસી વિભૂતિઓનું વર્ણન કરે છે.
ભગવાનનું ચિંતન બે રીતે થાય છે (૧) સાધકથી પોતાના જે ઈષ્ટદેવ છે, તેમના સિવાય બીજું કંઈ પણ ચિંતન ન થાય, કયારેક થઈ પણ જાય તો મનને ત્યાંથી હઠાવીને પોતાના ઈષ્ટદેવના ચિંતનમાં જ જોડી દે. અને (૨) મનમાં સાંસારિક વિશેષતાને લીધે વિશેષ વ્યક્તિ વસ્તુ, ઘટનાનું ચિંતન થાય, ત્યારે એ વિશેષતાને ભગવાનની જ વિશેષતા સમજે અને ભગવાનનું ચિંતન તેના માધ્યમથી કરે ‘જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે, ભાત્ય દેખી ભૂલે નહિ, અનુભવ ઉજાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસ રે.’ ભાત્ય એટલે વિશેષતા જોઈને ભૂલી ન જાય કે, આ વિશેષતા મારા ઈષ્ટદેવની છે અને તેને મૂકીને વ્યક્તિ વસ્તુ, ઘટનામાં ચોટી ન જાય. ભગવાનના સ્વરૂપને યાદ કરે, તે અનુભવી-જ્ઞાની કહેવાય. એવું ચિંતન કરવા માટે જ અહીં વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે કોઈ વિશેષતાને લીધે જ્યાં કયાંય વૃત્તિ જણાય, ત્યાં જાગૃત થઈ જઈને ભગવાનને જ યાદ કરવા. તે વ્યક્તિ, વસ્તુ કે ઘટનામાં ચોટી ન જવું, તેનું ચિંતન ન કરવું, તેમાં અહોભાવ ન પામવું. આને માટે જ ભગવાન વિભૂતિઓનું વર્ણન કરી રહ્યા છે.
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च અહીં ભગવાન પોતાની તમામ વિભૂતિઓનો સાર કહે છે કે પ્રાણીઓના આદિ, મધ્ય અને અંતમાં હું જ છું. જે વસ્તુ નાશવાન હોય છે, તેમાં એવો નિયમ હોય છે કે જે આદિ અને અંતમાં હોય તે જ વસ્તુ મધ્યમાં પણ હોય છે. ચાહે દેખાય અથવા ન દેખાય. અર્થાત્જે વસ્તુ જે તત્ત્વથી ઉત્પન્ન થાય છે અને જે તત્ત્વમાં લીન થાય છે તે વસ્તુના આદિ, મધ્ય ને અંતમાં સર્વ સમયમાં એ જ તત્ત્વ રહે છે. જેમ કે ‘અંતે તો હેમનું હેમ હોયે’ અર્થાત્સોનામાંથી બનેલાં ઘરેણાં પહેલા સોનારૂપે હોય છે અને અંતે ભાંગી જાય તો પણ સોનારૂપે થઈ જાય. તો વચ્ચે પણ સોના સ્વરૂપે જ છે. કેવળ નામરૂપ જૂજવા છે તેમ તમામ પ્રાણીઓને ભગવાને પોતાના અંગમાંથી ઉત્પન્ન કર્યા છે. અંતે પોતાને વિષે લીન કરે છે. માટે વચ્ચે પણ નામ રૂપ અલગ હોવા છતાં તેના જ રૂપ છે. તે જ બધાની અંદર વિલસી રહ્યા છે. તેના વિના જગતનું અસ્તિત્વ શકય નથી પણ બહાર દેખાતા નથી. ચિંતન કરવા માટે આજ વિભૂતિઓનો સાર છે. તાત્પર્ય એ છે કે કોઈ વિશેષતા વગેરેને લઈને જે વિભૂતિઓ કહેવામાં આવે છે અને એ વિભૂતિઓના ઉપરાંત પણ જે કાંઈ દેખાઈ આવે તે પણ ભગવાનની જ વિભૂતિ છે. વાસુદેવઃ સર્વમ્આ લક્ષ્યને બતાવવા માટે જ વિભૂતિઓને વર્ણવવામાં આવી છે. આ શ્લોકમાં તથા બત્રીસમાં શ્લોકમાં તથા ઓગણ ચાલીસમાં શ્લોકમાં મુખ્ય વિભૂતિ બતાવી છે. પછી અન્ય શ્લોકોમાં જે સમુદાયમાં મુખ્ય છે, જેનું સમુદાય ઉપર આધિપત્ય છે, જેમનામાં કોઈક વિશેષતા છે, તેમને વિભૂતિઓ બતાવવામાં આવી છે. જેમાં સાધકે પોતે એ વિભૂતિની મહત્તા, વિશેષતા, સુંદરતા, આધિપત્ય વગેરેની તરફ ખ્યાલ નથી રાખવાનો તેના મૂળમાં રહેલા પરમાત્મા તરફ ખ્યાલ રાખવાનો છે. એમનામાં જે કોઈ મહત્તા-વિશેષતા છે તે પરમાત્માની જ છે, તેમની પોતાની નથી. કારણ કે અર્જુનનો પ્રશ્ન (ગી. ૧૦/૧૭) જ એવો છે કે હે ભગવાન ! મારે તમોને જગતના પદાર્થો જોઈને કયા કયા ભાવમાં ચિંતવન કરવા, યાદ કરવા. પરંતુ પ્રશ્ન કોઈ વસ્તુ કે વ્યક્તિને યાદ કરવાના વિષયમાં નથી.
સાધકની દૃષ્ટિ પ્રાણીઓ તરફ ચાલી જાય ત્યારે તમામ પ્રાણીઓના મૂળમાં પરમાત્મા છે, એમ યાદ કરીને ચિંતવન કરવાનું છે.
आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान्।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी।।२१।।
અર્થ : બાર આદિત્યોમાં વિષ્ણુનામે આદિત્ય હું છું. પ્રકાશવાળા પદાર્થોમાં અંશુમાન સૂર્યદેય હું છું. ઓગણપચાશ વાયુઓમાં મરીચિનામે વાયુ હું છું અને નક્ષત્રોમાં ચંદ્રમાં તે હું છું. ।।૨૧।।
आदित्यानामहं विष्णु: અદિતિના તમામ પુત્રોમાં વિષ્ણુ અર્થાત્વામનજી મુખ્ય છે જે ભગવાનના અવતાર છે. દેવતાનું કાર્ય કરવા આવ્યા હતા, તે હું છું. આ વિભક્તિઓમાં છઠ્ઠીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. છઠ્ઠીનો પ્રયોગ નિર્ધારણ અર્થાત્મુખ્યતાના અર્થમાં પણ થાય છે. સંબંધના અર્થમાં પણ થાય છે. જ્યાં નિર્ધારણ અર્થમાં ષષ્ઠી હોય છે ત્યાં ગુજરાતીની સપ્તમીના ‘માં’ વિભક્તિ પ્રત્યયનો પ્રયોગ થાય છે. અર્થાત્એવો અર્થ કરવો અને જ્યાં સંબંધમાં ષષ્ઠી હોય, ત્યાં ગુજરાતીની ષષ્ઠીના ‘ના,નો,ની,નું’ વિભક્તિ પ્રત્યયનો અર્થ કરવો દા.ત. આ શ્લોકના નિર્ધારણના અર્થમાં ષષ્ઠીનો પ્રયોગ થયો છે. જેમ કે આદિત્યોમાં હું વિષ્ણુ છે. જ્યોતિઓમાં હું સૂર્ય છું. નિર્ધારણનો અર્થ છે. બીજાની અપેક્ષાએ તે શ્રેષ્ઠ છે.
ज्योतिषां रविरंशुमान्-પ્રકાશમાન ચીજોમાં હું સૂર્ય છું. સૂર્ય મારી વિભૂતિ છે. કેમ કે પ્રકાશ કરવામાં સૂર્યનું પ્રધાનપણું છે.
मरीचिर्मरुतामस्मि-સ્વજ્યોત, આદિત્ય, હરિત વગેરે નામોવાળા જે ઓગણપચાસ મરુતો છે, તેમાં મુખ્ય મરીચિ હું છું. તેમનું મુખ્ય તેજ હું છું.
नक्षत्राणां अहं शशी-અહીં નિર્ધારણ ષષ્ઠી નથી. કારણ કે શશીએ નક્ષત્ર નથી. અશ્વિની, ભરણી, કૃતિકા એ આદિક ૨૭ નક્ષત્રો છે. તેમનો પતિ-અધિપતિ ચંદ્રમા છે. માટે અહીં સંબંધ ષષ્ઠીનો પ્રયોગ છે. ત્યારે વિભૂતિત્વ કે ઉત્કર્ષત્વ શું થયો? તો તે બધાનો પતિ-અધિપતિ હું છું-તે ઉત્કર્ષ થયો તે જ વિભૂતિત્વ.
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासव: ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ।।२२।।
અર્થ : વેદોમાં સામ વેદ હું છું. દેવોમાં ઈન્દ્ર દેવ હું છું. ઈન્દ્રિયામાં મન હું છું. અને ભૂતોમાં ચેતના-બુદ્ધિતત્ત્વ હું છું. ।।૨૨।।
वेदानां सामवेदोऽस्मि-ऋक्, यजुस्, साम જે ઉત્કૃષ્ટ વેદ સામ છે, તે હું છું. તેનો ઉત્કર્ષ ગીતિ પ્રધાનપણે હોવાથી છે. પ્રામાણ્યમાં કોઈ ફરક નથી.
देवानामस्मि वासव:-દેવતાઓમાં હું ઈન્દ્ર છું-ઈન્દ્ર શ્રેષ્ઠ દેવતા છે. મારી વિભૂતિ છે.
इन्द्रियाणां मनश्चास्मि-ઈન્દ્રિયોમાં મન મુખ્ય છે. બધી ઈન્દ્રિયો મનને સાથે લઈને જ કામ કરી શકે છે. મન સાથે ન હોય તો ઈન્દ્રિયોનો પ્રયાસ નિષ્ફળ રહે છે, જ્ઞાન થતું નથી. તેથી ઈન્દ્રિયોની અપેક્ષાએ મન શ્રેષ્ઠ છે. ભગવાનની વિભૂતિ છે.
भूतानामस्मि चेतना-ભૂતોમાં ચેતના હું છું.અહીં નિર્ધારણ ષષ્ઠી નથી. કારણ કે પંચ ભૂત અને ચેતના નામનું છઠ્ઠું ભૂત એવું નથી; પરંતુ ભૂતોની ચેતના હું છું. અર્થાત્તેનો સારભૂત વિશેષણાંશ એવી ચેતના તે મારો અંશ છે, મારું સ્વરૂપ છે, મારી વિભૂતિ છે.
रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरु: शिखरिणामहम् ।।२३।।
અર્થ : અગિયાર રૂદ્રોમાં શંકર હું છું. યજ્ઞોમાં અને રાક્ષસોમાં કુબેર હું છું. આઠ વસૂદેવોમાં પાવક નામે વસુ હું છું. શિખરોવાળા પર્વતોમાં મેરું નામે પર્વત હું છું. ।।૨૩।।
रुद्राणां शमरश्चास्मि-અગિયાર રુદ્રોમાં શંકર બધાના અધિપતિ પણ છે ને રુદ્ર પણ છે. તે કલ્યાણ આપવાવાળા છે. માટે ભગવાને પોતાની વિભૂતિ કહ્યા છે.
वित्तेशोयक्षरक्षसाम्-કુબેર યક્ષ પોતે પણ છે અને યક્ષ તથા રાક્ષસોના અધિપતિ પણ છે. તે ધનાધ્યક્ષ છે. ભગવાને તેને પોતાના વિભૂતિ ગણાવ્યા છે.
वसूनां पावकश्चास्मि-આઠ વસુઓમાં અનલ અર્થાત્પાવક અગ્નિ બધાના અધિપતિ છે. તે બધા દેવોને હવિ પહોંચાડે છે તથા ભગવાન તેના મુખથી હવિ ગ્રહણ કરે છે. ભગવાને તેને વિભૂતિ ગણાવ્યા છે.
मेरु: शिखरिणामहम्-ધાતુના ભંડાર રૂપે જેટલા શિખરો છે તેમાં સુમેરૂ પર્વત મુખ્ય છે તે સોનાનો ભંડાર મનાય છે. તેથી તે તેની વિશેષતા છે વિભૂતિપણું છે.
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्द: सरसामस्मि सागर: ।।२४।।
અર્થ : હે પાર્થ ! પુરોહિતોમાં મુખ્ય જે દેવગુરુ બૃહસ્પતિ તે મને જાણ ! સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું છું. અને જળાશયોમાં સાગર હું છું. ।।૨૪।।
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम्
बृहस्पति: વાણીના પતિ છે. બધા જ પુરોહિતો-વેદપાઠીઓમાં તથા વિદ્યાબુદ્ધિમાં શ્રેષ્ઠ છે. ઈન્દ્રના ગુરુ છે. દેવતાઓના પુરોહિત છે. તેથી તેને ભગવાનની વિભૂતિ માનવા કહ્યું છે.
सेनानीनामहं स्कन्द:-તે દેવતાના સેનાપતિ છે, વિભૂતિ છે.
सरसामस्मि सागर:-સમુદ્ર તમામ જળાશયોથી મોટો છે ને તમામનો અધિપતિ છે ગંભીર છે, ભગવાનની વિભૂતિ છે.
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।
याज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालय: ।।२५।।
અર્થ : મહર્ષિઓમાં ભૃગુઋષિ હું છું. સર્વ વાણીમાં એકાક્ષર-ઓંકાર હું છું. યજ્ઞોમાં જપયજ્ઞ હું છું. અને સ્થાવર એટલે સ્થિર પદાર્થોમાં હિમાચળ હું છું. ।।૨૫।।
महर्षीणां भृगुरहम्-મહર્ષિઓમાં ભૃગુ, અર્થને કહેનારા શબ્દો, જે ગિરામાં પ્રણવ, યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય મારી વિભૂતિ છે.
अश्वत्थ: सर्ववृक्षाणां देवर्षीणां च नारद: ।
गन्धर्वाणां चित्ररथ: सिद्धानां कपिलो मुनि: ।।२६।।
અર્થ : સર્વ વૃક્ષોમાં અશ્વત્થ-પીપળો હું છું. દેવર્ષિઓમાં નારદમુનિ હું છું. સર્વ ગન્ધર્વોમાં ચિત્રરથ હું છું. અને સર્વ સિદ્ધ પુરુષોમાં કપિલમુનિ હું છું. ।।૨૬।।
वृक्षाणाम् अश्वत्थ: વૃક્ષોમાં હું પીપળો છું. देवर्षीणां नारद: દેવર્ષિઓ ઘણા છે અને નારદ પણ ઘણા છે પણ દેવર્ષિ નારદ એક જ છે. તે ભગવાનના મન(અનુવૃતિ) પ્રમાણે ચાલે છે. ભગવાનને જેવી લીલા કરવી હોય તેની ભૂમિકા પ્રથમ બનાવી રાખે છે. માટે ભગવાનનું મન કહેવાયા છે. વાલ્મીકિ અને વ્યાસજીને ઉપદેશ દઈને રામાયણ અને ભાગવત જેવા ગ્રંથોનું લેખન પ્રેરણા આપવાવાળા છે. નારદજી ઉપર મનુષ્ય, દેવતા, અસુરો, નાગ બધા જ વિશ્વાસ કરે છે. બધા જ એમની વાત માને છે. બધા જ એની પાસેથી સલાહ લે છે. તે ભગવાનની વિભૂતિ છે.
ગંધર્વોમાં ચિત્રરથ તથા સિદ્ધોમાં કપિલ મુનિ મારી વિભૂતિ છે.
उच्चै:श्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
ऐरावातं गजेन्द्राणां नराणां च नराधिपम् ।।२७।।
અર્થ : ઘોડાઓમાં અમૃતની સાથે સમુદ્રમાંથી નીકળેલો ઉચ્ચૈઃશ્રવા નામે ઘોડો મને જાણ ! ગજેન્દ્રોમાં ઐરાવત મને જાણ ! અને મનુષ્યોમાં રાજા મને જાણ ! ।।૨૭।।
અશ્વોમાં उच्चै:श्रवा મારી વિભૂતિ છે. તે સમુદ્ર મંથનમાંથી નીકળેલા છે અને હાથીઓમાં ઐૈરાવત વિભૂતિ છે અને મનુષ્યોમાં રાજા મારી વિભૂતિ છે.
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्प: सर्पाणामस्मि वासुकि: ।।२८।।
અર્થ : આયુધોમાં વજ્ર આયુધ હું છું. ધેનુઓમાં કામદુધા ધેનુ હું છું. પ્રજા પેદા કરનાર કંદર્પ-કામ તે પણ હું છું. અને સર્પોમાં વાસુકિ સર્પ હું છું. ।।૨૮।।
આયુધોમાં વજ્ર, ગાયોમાં કામદુધા, પ્રજનનમાં કામ, સર્પોમાં વાસુકી મારી વિભૂતિ છે.
अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् ।
पित्तॄणामर्यमा चास्मि यम: संयमतामहम् ।।२९।।
અર્થ : નાગોમાં અનન્ત નામે નાગ હું છું. જળવાસીઓમાં વરૂણ દેવ હું છું. પિતૃઓમાં અર્યમાં હું છું અને નિયમન કરનારાઓમાં યમરાજા હું છું. ।।૨૯।।
નાગમાં અનંત-શેષનાગ, જલવાસીમાં વરુણ, પિતૃઓમાં અર્યમા અને પ્રાણીઓનું નિયમન કરનારામાં યમ મારી વિભૂતિ છે.
प्रह्लादश्चास्मि दैतानां काल: कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ।।३०।।
અર્થ : દૈત્યોમાં ભક્તરાજ પ્રહ્લાદ હું છું. પરિણામ પમાડનારાઓમાં અથવા ગણના કરનારાઓમાં સમર્થ કાળ હું છું. પશુઓમાં મૃગરાજ-સિંહ હું જ છું. અને પક્ષીઓમાં પક્ષિરાજ ગરૂડ હું જ છું. ।।૩૦।।
દૈત્યોમાં પ્રહ્લાદ, અનર્થ પ્રાપ્તિ કરવામાં કાળ, પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડજી મારી વિભૂતિ છે. મૃત્યુ કરતાં બીજો કોઈ મોટો અનર્થ નથી એવું શાસ્ત્રોનું કહેવાનું છે.
पवन: पवतामस्मि राम: शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्त्रोतसामस्मि जाह्नवी ।।३१।।
અર્થ : વહેતા વેગવાળા પદાર્થોમાં પવન હું જ છું. શસ્ત્રધારીઓમાં દશરથપુત્ર શ્રીરામ હું છું. માછલાંઓમાં મઘર હું છું. અને વહેતા પ્રવાહ-નદીઓમાં જહ્નુકન્યા ગંગા હું. ।।૩૧।।
ગતિ કરવાવાળાઓમાં પવન, શસ્ત્રધારીઓમાં રામ, જલ જંતુમાં મગર અને નદીઓમાં ગંગા મારી વિભૂતિ છે.
सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्हुन ।
अध्यात्मविद्या विद्यानां वाद: प्रवदतामहम् ।।३२।।
અર્થ : હે અર્જુન ! દરેક સર્ગોનો આદિ અન્ત અને મધ્ય પણ હું જ છું. વિદ્યાઓમાં આધ્યાત્મવિદ્યા હું છું. અને વાદ કરનારાઓના વાદનો વિષય હું છું. ।।૩૨।।
સર્ગોમાં આદિ, મધ્ય અને અંત હું છું. અર્થાત્મારાથી ઉત્પન્ન થાય છે. મારામાં લીન થાય છે અને વચ્ચેમા મારા આધારે સ્થિતિ થાય છે. વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા-બ્રહ્મવિદ્યા મારું સ્વરૂપ છે. દેહથી અલગ પડીને આત્માને તથા સંસારથી પૃથક કરીને તેમાં રહેલા પરમાત્માને જાણવા અર્થાત્મુખ્ય-પ્રધાનપણે કરી દેવા તેને અધ્યાત્મવિદ્યા કહેવાય છે. ઈતર તત્ત્વોથી-વ્યક્તિત્વોથી પરમાત્માની વ્યતિરેકતા કે વિલક્ષણતા જાણવી, મહિમા જાણવો તેને રહસ્ય કે રાજવિદ્યા કે રાજગુહ્યવિદ્યા કહેવાય છે.
સાંસારિક પદાર્થો, વ્યક્તિ કે ભાવોમાં એક બીજા કરતાં(ખાસ કરીને પોતાના વર્ગમાં) અંદરો અંદરની તેજસ્વિતા કે વિશેષતા હોવી તે વિભૂતિ કહેવાય છે.
શાસ્ત્રાર્થમાં વાદ મારી વિભૂતિ છે. તત્ત્વ નિર્ણય માટે કરવામાં આવેલ શાસ્ત્રાર્થને વાદ કહેવામાં આવે છે, વિજિગીષા માટે જલ્પ અને ખંડન માટે વિતંડા કહેવાય છે.
अक्षराणामकरोऽस्मि द्वन्द्व: सामासिकस्य च ।
अहमेवाक्षय: कालो धाताहं विश्वतोमुख: ।।३३।।
અર્થ : અક્ષરોમાં અ અક્ષર હું છું. સમોચામાં ઉભયપદપ્રધાન દ્વન્દ્વ સમાસ હું છું. સર્વ કાળના વિભાગોમાં અક્ષય કાળ હું છું. અને ચોતરફ મુખવાળો ધાતા-બ્રહ્મા તે પણ હું જ છું. ।।૩૩।।
અક્ષરોમાં અકાર, સમાસોમાં દ્વન્દ્વ અને અક્ષયકાળ મારું સ્વરૂપ છે. ચર્તુમુખ બ્રહ્મા મારી વિભૂતિ છે. કાળ શબ્દથી અહીં કાલાધિષ્ઠાતા ચેતન વિશેષ કહેવાનો હેતુ છે.
ત્રીજા શ્લોકમાં काल: कलयताम् अहम् અને अक्षय: काल: अहम् एव તેમાં શું અંતર છે? તો ત્યાં જે છે, તે એક ક્ષણ પણ સ્થિર નથી રહેતો. સર્વ બ્રહ્માડાન્તરવતી પ્રાણીઓને મૃત્યુ તરફ ધકેલનારો બતાવ્યો છે. જ્યારે અહીં તેની પ્રવૃત્તિથી અલગ, બધાને ખાઈ જનારો છે; છતાં પોતે જેમ છે તેમનો તેમ જ રહે છે, તેવો બતાવ્યો છે. એવા તો ભગવાન પોતે જ છે, તે કાળના પણ કાળ છે.
मृत्यु: सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् ।
कीर्ति: श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृति: क्षमा ।।३४।।
અર્થ : સર્વને હરનારો મૃત્યુ-કાળ હું છું. અને ઉત્પન્ન થનારાઓનો ઉદ્ભવ-ઉત્પત્તિનું સ્થાન હું છું. અને સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા, એ સર્વ હું જ છું. ।।૩૪।।
સર્વના પ્રાણનું હરણ કનારું મૃત્યુ, બધા ઉત્પન્ન થવાવાળાઓની ઉત્પત્તિનું કારણ હું છું. તાત્પર્ય એ કે સંસારની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનું કારણ હું છું.
તથા શ્રી, કીર્તિ, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા એ નારીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે. આ પૈકી શ્રી એ મહર્ષિ ભૃગુની કન્યા છે. વાક્એ બ્રહ્માજીની કન્યા છે બીજી કીર્તિ, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા એ પાંચ પ્રજાપતિ દક્ષની કન્યાઓ છે.
કીર્તિ આદિ ગુણ વિશેષ અત્રે લેવાના નથી. તેને ‘नारीणाम्’ એવું વિશેષણ આપ્યું છે. જો ગુણ વિશેષ હોય તો તે પુરુષોમાં પણ હોઈ શકે માટે તે લેવાના નથી પણ નારી વિશેષ લેવાના છે. આ બધામાં પણ શ્રી સર્વ પ્રથમ છે. આ બધી ભગવાનની શક્તિઓ છે. અન્ય તે તે શબ્દાર્થ પ્રમાણે નારી સ્વરૂપા છે. આ તમામ સ્ત્રીવાચક નામવાળા ગુણો પણ સંસારમાં પ્રસિદ્ધ છે. સંસારમાં જે પ્રસિદ્ધિ કે પ્રતિષ્ઠા છે તેને કીર્તિ કહે છે.
સ્થાવર, જંગમ બન્ને પ્રકારની મિલકત-ઐશ્વર્યને શ્રી કહેવાય છે. જેને ધારણ કરવાથી મનુષ્ય વિદ્વાન કે પંડિત કહેવાય છે. ચતુર કહેવાય છે તે ‘વાક્’ કહેવાય છે.
જૂની સાંભળેલી અને સમજેલી વાતની ફરીથી યાદ આવવી એને સ્મૃતિ કહે છે.
બુદ્ધિની જે સ્થાયીરૂપે ધારણ કરવાની શક્તિ છે. અર્થાત્જે શક્તિથી વિદ્યા યાદ રહે છે એ શક્તિને મેધા કહે છે. મનુષ્યને પોતાની માન્યતા, સિદ્ધાંત વગેરે પર દૃઢ રાખવાની તથા તેમનાથી વિચિલિત ન થવા દેવાની શક્તિને ધૃતિ કહે છે.
બીજા કોઈ કારણ વિના અપરાધ કરી દે તો પોતાનામાં શિક્ષા કરવાની શક્તિ હોવા છતાં પણ તેને શિક્ષા ન કરવી અને તેને લોક-પરલોકમાં કયાંય પણ એ અપરાધની શિક્ષા ન થાય-આ રીતનો ભાવ રાખીને તેને માફ કરી દેવો, એને ક્ષમા કહે છે.
કીર્તિ, શ્રી, વાક્એ ત્રણે પ્રાણીઓની બહાર પ્રગટ થવાવાળી વિશેષતાઓ છે. સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા એ ચાર પ્રાણીઓની અંદર પ્રગટ થવાવાળી વિશેષતાઓ છે. આ સાતેય વિશેષતાઓના સ્વયં ધણી પરમાત્મા પોતે છે. તે બધા તેની વિભૂતિ છે.
बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकर: ।।३५।।
અર્થ : તેમજ સામવેદના મંત્રોમાં બૃહત્સામ તે હું છું અને સર્વ છંદોમાં ગાયત્રી છન્દ હું છું. બાર મહિનાઓમાં માર્ગશીર્ષ માસ તે હું છું અને છ ઋતુઓમાં વસન્ત ઋતુ હું છું. ।।૩૫।।
ગાઈ શકાય તેવી ઋચાએને સામ કહેવાય છે. તેમાં પણ બૃહત્સામ મારું સ્વરૂપ છે, છંદોમાં ગાયત્રી, મહિનાઓમાં માગશર અને ઋતુઓમાં વસંતઋતુ હું છું.
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ।।३६।।
અર્થ : છેતરનારાઓનું દ્યૂત-છળસામર્થ્ય હું છું. તેજસ્વીઓનું તેજ-પ્રભાવ હું છું. વિજય અને વ્યવસાય તે પણ હું છું. અને સાત્ત્વિક-સમર્થ પુરુષોનું સામર્થ્ય હું છું. ।।૩૬।।
બીજાને છેતરીને, વંચના કરીને બીજાઓનું રાજ્ય, વૈભવ, ધન સંપત્તિ વગેરેનું -સર્વસ્વ અપહરણ કરવાનું સામર્થ્ય રાખવાવાળી જે વિદ્યા તેને જુગાર-દ્યુત કહે છે. તે બધા કરતાં વિશેષ છે પણ નબળાઈમાં તેથી વિશેષતા રૂપે વિભૂતિ છે. અનુકરણીય નથી. તેજસ્વીઓનું તેજ હું છું. પરાભિભવ સામર્થીને તેજ કહેવાય છે. મહા પુરુષોમાં દૈવી સંપત્તિ રૂપે તે રહ્યું હોય છે. જેના સાંનિધ્યમાં પાપી પુરુષોની પાપ પ્રવૃત્તિ સ્તંભિત થઈ જાય છે, તેવું તેજ તે મારું સ્વરૂપ છે, મારી વિભૂતિ તમે માનો.
જીતવાવાળા-વિજયી થનારામાં જય મારું સ્વરૂપ છે, વિભૂતિ છે. વિજય પ્રત્યેક પ્રાણીને ખૂબજ સારો લાગે છે. પરાજય ઘણો માઠો લાગે છે.પોતાના મનમાં ઈચ્છા પ્રમાણે વિજય થાય, ત્યારે પ્રાણીને અત્યંત સુખ થાય છે પણ તે સુખનો ત્યાગ કરીને ઉપભોગ ન કરે. એમાં ભગવદ્બુદ્ધિ રાખીને સદ્ઉપયોગ કરે ત્યારે તે વિભૂતિસ્વરૂપ બની જાય છે.
વ્યવસાય એક નિશ્ચયને કહે છે. સારા નિશ્ચયનો ભગવાને ગીતામાં બહુ જ મહિમા ગાયો છે. જેમ કે કર્મયોગીની નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક હોય છે.(૨/૪૧) ભોગીઓ નિશ્ચયાત્મિકા બુદ્ધિ કરી શકતા નથી.(૨/૪૪) ‘હવે તો હું કેવળ ભગવાનનું જ ભજન કરીશ’ આવા નિશ્ચયના બળ ઉપર દુરાચારીમાં દુરાચારીને ભગવાન સાધુ બતાવે છે. (૯/૩૦) આ રીતે ભગવાનની તરફ ચાલવાનો જે નિશ્ચય છે તેને ભગવાન બધા નિશ્ચયોથી વિશેષ ગણી, પોતાની વિભૂતિ બતાવે છે. એવો નિશ્ચય થાય તે ભગવાનની કૃપા કે સામર્થી માનવી. પણ પોતાની સામર્થી માનીને અભિમાન ન કરવું.
સત્ત્વ એટલે મહામનસત્વપણું. જે મહાપુરુષોમાં હોય છે, તે મારી વિભૂતિ છે.
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनंजय: ।
मुनीनामप्यहं व्यास: कवीनामुशना कवि: ।।३७।।
અર્થ : સર્વ યાદવોમાં વાસુદેવ તે હું છું. અને કવિઓમાં-જ્ઞાનિજનોમાં ઉશના શુક્રાચાર્ય કવિ હું છું. ।।૩૭।।
વૃષ્ણિવંશમાં શ્રેષ્ઠ હું છું. શ્રેષ્ઠતાના માપથી વિભૂતિ બતાવી છે. પાંડવોમાં અર્જુન મારી વિભૂતિ છે. મુનિઓમાં વ્યાસ હું છું, તે રહસ્યના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ છે. કવિઓમાં હું શુક્રાચાર્ય છું. કવિનો અર્થ અહીં કાવ્યરચના નથી. ત્યારે તો વાલ્મીકિ ગણાયા હોત, પણ કવિનો અર્થ અહીં ક્રાંતદર્શીપણું, નીતિ નિપુણપણું તેથી તેની બરાબર બીજો કોઈ નથી તે ભગવત્વિભૂતિ છે.
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ।।३८।।
અર્થ : નિયમન કરનારાઓમાં દંડ છું અને જયની અભિલાના સેવનારાઓની નીતિ-ગુહ્ય વિચારણા હું છું. રહસ્યોમાં મૌન અને જ્ઞાનવાળાઓનું પરમ જ્ઞાન તે પણ હું જ છું. ।।૩૮।।
દુષ્ટોને દુષ્ટતાથી બચાવીને સન્માર્ગ ઉપર લાવવા માટે ચાર ઉપાયમાંથી દંડ મુખ્ય છે. તેથી ભગવાને તેને પોતાની વિભૂતિ બતાવી છે. વિજયની ઈચ્છામાં નીતિ હું છું. નીતિનો આશ્રય લેવાવાળાનો જ અંતે વિજય થાય છે અને નીતિ વડે જ વિજય ટકે છે. ગુપ્ત રાખવા યોગ્ય જેટલા ભાવો છે, ‘षट्कर्णो भिद्यते रह:’ વગેરે તેમાં મૌન સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે. તે મારી વિભૂતિ છે. પુરુષાર્થ ઉપયોગી સાધનોમાં જાણકારી સૌથી મહત્ત્વનું સાધન છે, તે હું છું.
च्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ।।३९।।
અર્થ : અને વળી-હે અર્જુન ! સર્વ ભૂત-પ્રાણીમાત્રનું જે સનાતન બીજ-કારણ તે પણ હું જ છું. કારણ કે એવું એક પણ ચરાચર-ભૂત પ્રાણી નથી, કે જે મારા સિવાય થયું હોય, કે રહેતું હોય. ।।૩૯।।
સર્વનું બીજ-કારણ હું છું. જે કાંઈ છે તે મારા વિના છે જ નહિ.
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परंतप ।
एष तूद्देशत: प्रोक्तो विभूतेर्विस्तरो मया ।।४०।।
અર્થ : હે પરન્તપ ! મારી દિવ્ય-અલૌકિ આશ્ચર્યમય વિભૂતિઓનો પારજ નથી. અને આ તો મેં તને અમુક અમુક જ વિભૂતિનો વિસ્તાર દિગ્દર્શન જેવો કહ્યો છે. ।।૪૦।।
नान्तोऽस्ति मम दिव्यानां પ્રશ્ન, ઉપક્રમ અને ઉપસંહારમાં વિભૂતિ માટે દિવ્ય શબ્દ આવ્યો છે. તેનું તાત્પર્ય કલ્યાણકારી એવી આ વિભૂતિઓ છે. દેશ વિશેષની એવી દિવ્યતા કહેવાનું તાત્પર્ય નથી. કારણ કે આ લોકની વર્ણવવામાં આવી છે. ભગવાન દિવ્ય તેથી તેમની વિભૂતિપણ દિવ્ય જ છે. સાધકને તે વિભૂતિઓ દિવ્ય ત્યારે જ દેખાશે જ્યારે તેનો ઉદ્દેશ એક ભગવાનનું જ ચિંતન કરવાનો બનશે. સર્વત્ર ભગવાનને જોવાની તાલાવેલી લાગશે ત્યારે તેને તે વિભૂતિઓ દિવ્ય દેખાશે.
ભગવાન કહે છે, મારી વિભૂતિઓનો અંત નથી. કારણ કે પોતે અનંત છે. ભગવાન સંખ્યાની દૃષ્ટિએ અનંત, સીમાની દૃષ્ટિએ અસીમ અને ઊંડાણની દૃષ્ટિએ અગાધ છે. ભગવાને જો કે વિભૂતિઓને વિસ્તારપૂર્વક બતાવી છે તો પણ આ વિસ્તાર આપણી દૃષ્ટિએ છે. ભગવાનની દૃષ્ટિએ તો ઘણો જ સંક્ષેપ છે. उद्वेशतः અર્થાત્ કોઈ વિસ્તારવાળી વસ્તુમાંથી થોડો ભાગ ઉદ્ધૃત કરી નિર્દેશ કરાય તેને ઉદ્દેશ કહેવાય તેમ ભગવાન કહે છે. આ વિભૂતિઓ તો દૃષ્ટાંતરૂપ થોડી બતાવી. બાકી મારી વિભૂતિઓનો કોઈ અંત નથી.
આ અધ્યાયમાં બતાવેલી તમામ વિભૂતિઓ બધા સાધકને ભગવાનના ચિંતવનમાં કદાચ માધ્યમ ન પણ બને ખરી; પરંતુ એવી અનેક બીજી વિભૂતિઓ છે. જે અહીં વર્ણવેલી ન હોય પણ વાસ્તવિક જગતમાં હોય. જેમ કે ‘ઈ-માધ્યમો’ વગેરે. પરંતુ સાધકનું મન જ્યાં ખેંચાતુ હોય, આશ્ચર્ય પામતું હોય ત્યાં ત્યાં તેને વિશેષતા ભગવાનની માનવી અને તે દ્વારે ભગવાનનું જ ચિંતન કરવું. પછી ભલે ભગવાને અહીં બતાવી હોય અથવા ન બતાવી હોય; પરંતુ ભગવદ્ચિંતનમાં તેનો ઉપયોગ થાય તેજ તેની સાર્થકતા છે.
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसम्भवम्।।४१।।
અર્થ : આ જગત્માં જે જે વિભૂતિવાળું પ્રાણી-શોભાયમાન કે પ્રભાવશાળી હોય તે તે બધુંય મારા તેજ-સામર્થ્યના એક અંશમાંથી જ થયેલું છે, એમ તું જાણ ! ।।૪૧।।
यद् यद् विभूतिमत् સંસારમાં જે કોઈ સજીવ નિર્જીવ વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ ગુણ, ભાવ, ક્રિયા વગેરેમાં જે કોઈ દૈવત દેખાય. ઐશ્વર્ય, આશ્ચર્ય શોભા કે સૌંદર્ય દેખાય. બલવત્તા કે વિશેષતા-વિલક્ષણતા, યોગ્યતા દેખાય તે તમામ મારા તેજના એક અંશથી થયેલો છે, એમ જાણ. એમનામાં તે વિલક્ષણતા મારા સામર્થ્ય-પ્રભાવથી જ આવી છે. સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ ભ.ચિ.માં ભક્તોના પરચા વર્ણવીને ઉપસંહાર એવો કર્યો છે કે આ સામર્થી મહારાજની છે.
મનુષ્યને જેમાં જેમાં વિશેષતા માલૂમ પડે તેમાં તેમાં ભગવાનની જ વિશેષતા માનીને ભગવાનનું જ ચિંતન કરવું જોઈએ. જો ભગવાનને છોડીને બીજાની મહત્તા અંતરમાં પેસી જાય તો એ પતનનું કારણ બને છે. નંદરાજાને ધનની જ મહત્તા સમજાઈ ગઈ, ચિત્રકેતુને સ્ત્રીઓની મહત્તા સમજાઈ ગઈ, ભરતજીને મૃગલામાં વિલક્ષણતા દેખાણી, ત્યારે ભગવાન ભુલાઈ ગયા ને મહા પતન થયું. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના મનમાં જો પતિના સિવાય બીજા પરપુરુષોની વિશેષતાઓ જોવા લાગી જાય તો તેનું પતિવ્રતાપણું ભંગ થઈ જશે. તેવી જ રીતે જેને અનન્ય ભક્ત થવું છે, તેને જ્યાં વિશેષતા દેખાય ત્યાં ભગવાનની જ માનીને ભગવાનનું ચિંતન કરવું. ત્યારે જ અનન્ય ભાવ રહેશે. નહિ તો વ્યભિચાર દોષ આવી જશે.
સંસારમાં કોઈ વસ્તુ, વ્યક્તિ, ક્રિયામાં મહાનતા, સુંદરતા કે સુખરૂપતા જણાય છે કે હિતરૂપ અનુભવાય છે, તે વાસ્તવમાં સંસારમાં છે જ નહિ. જો એ તેમાં જ હોત તો તે સદાકાળ ટકી રહેત પણ એમ થતું નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે તે એ વસ્તુનું નથી. તો પછી કોનું હોઈ શકે? તો તેનો આધાર જે પરમાત્મા છે, તેની જ કોઈક ઝલક એ વસ્તુમાં જણાઈ આવે છે; પરંતુ મનુષ્યની વૃત્તિ પરમાત્માને મૂકીને તે વસ્તુ તરફ જાય છે ત્યારે તે તેમાં ફસાઈ જાય છે, ત્યારે ઘણી ખુવારી થાય છે. ન તો તેને કાંઈ મળે છે અને ન તો કોઈ પ્રકારનો સંતોષ થાય છે. એવો અનુભવ હોવા છતાં તેને વસ્તુની સુખરૂપતાનો વહેમ દૂર થતો નથી.
ભગવાનનું તાત્પર્ય એ છે કે તમને જ્યાં કાંઈ અને જે કાંઈ વિશેષતા દેખાય તે બધી મારી જ છે, તેમની નહિ. જ્યારે કોઈ અન્યને ઉત્તમ રીતે ભણાવી રહ્યો છે ત્યારે તેમાં ભગવાનની શક્તિથી તે ભણાવી કે ભણી રહ્યો છે. દેવતાને બૃહસ્પતિમાં આશ્ચર્ય છે. તે જ વસ્તુ રઘુવંશીઓને વશિષ્ઠમાં દેખાય છે. જે કાંઈ આકર્ષણ, પ્રીતિ અને ખેંચાણ થઈ રહ્યું છે; તે ભગવાનના તેજનું છે, તેનું પોતાનું નથી. એમ માનશે તો તે ભટકી નહિ જાય અને તેને ભગવાનમાં પ્રીતિ થશે. એવું વિભૂતિ વર્ણવવા પાછળનું તાત્પર્ય છે.
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन।
विष्टम्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत्।।४२।।
અર્થ : અથવા તો હે અર્જુન ! તારે આ બહુ જાણવાથી શો વિશેષ છે ? આ સઘળા જગત્ને હું મારા ઐશ્વર્યના એક અંશથી-ઐશ્વર્યલેશથી ધારી રહ્યો છું. ।।૪૨।।
अथवा શબ્દથી ભગવાન અર્જુનને જાણે એમ કહી રહ્યા છે કે તમે જે પ્રશ્ન કર્યો હતો તેના અનુસાર તો મેં ઉત્તર આપ્યો જ છે. હવે મારા તરફથી આ વિષયમાં એક વિશેષ વાત બતાવું છું, તે સાંભળી લે.-बहुना एतेन किं ज्ञातेन तवार्जुन તમારે બહુ જ જાણવાની શી જરૂર છે? મારા એક અંશથી સમગ્ર જગતને ધારી રહ્યો છું. તે મૂર્તિમાન હું તારી સામે બેઠો છું. સમગ્રપણે તારી સામે બેઠો છું. તો પણ મારો એક અંશ પણ સમગ્રપણે રોકાયેલો થઈ શકતો નથી, ખાલી રહે છે. તો મારા સમગ્રપણાની તો વાત શી થઈ શકે? તે સમગ્રપણે હું તને પ્રાપ્ત થયો છું.
શ્રીમદ્ભગવદ્ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો વિભૂતિયોગ નામે દસમો અધ્યાય સંપૂર્ણ.