ગીતા અધ્યાય-૧૦, શ્લોક ૦૮ થી ૧૧

શ્લોક ૦૮ – ૧૧

ફળ અને પ્રભાવસહિત ભક્તિયોગનું કથન

अहं सर्वस्य प्रभवो मत्त: सर्वं प्रवर्तते।

इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विता:।।८।।

અર્થ : હું જ સર્વ જગત્‌નો આદિ કારણભૂત છું. અને મારાથી જ આ સઘળું વિશ્વ પ્રવર્તે છે. આ પ્રમાણે સમજીને ડાહ્યા-બુદ્ધિમાન માણસો, મારામાં ભાવ-ભક્તિએ યુક્ત થઈને મનેજ ભજે છે.।।૮।।

अहं सर्वस्य प्रभवो मत्त: सर्वं प्रवर्तते इति मत्वा અહીં अहं सर्वस्य प्रभव: અને मत्त: सर्वं प्रवर्तते માં સર્વ શબ્દથી બ્રહ્માથી સ્તંબ પર્યન્તની ઉત્પત્તિનું કારણ હું છું અને જે કાંઈ વિશેષતાવાળું દેખાય છે, તે મારાથી જ પ્રર્વતન થાય છે. એમ માનીને મારું ભજન કર. સાતમાં શ્લોકમાં ‘तत्त्वत: वेत्ति’ એમ કહ્યું તે જ વસ્તુને અહીં इति मत्वा શબ્દથી બતાવી રહ્યા છે. ભક્તિનું પ્રકરણ હોવાથી तत्त्वत: वेत्ति’ (તત્વતઃ જાણવું)નો અર્થ तत्त्वत: માનવું એ જ લેવો જોઈએ. જ્ઞાનમાર્ગમાં જે જાણવાનું મહત્ત્વ છે. ભક્તિમાર્ગમાં તે જ મહત્ત્વ માનવાનું છે. અહીં ભગવાને तत्त्वत: वेत्ति’ નું ફળ પોતાનામાં દૃઢ ભક્તિ થવી એમ બતાવ્યું છે. વિભૂતિને તત્વતઃ જાણવારૂપ જે જ્ઞાન છે તે જ ભક્તિના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. તેથી આ શ્લોકમાં अहं सर्वस्य प्रभव: અને मत्त: सर्वं प्रवर्तते-इति मत्वा એમ માનીને મારું ભજન કરવાનું છે. એમ કહ્યું છે.

જેવી રીતે જાણવું દૃઢ હોય છે (तत्त्वत:) એવી જ રીતે માનવું (માન્યતા) પણ દૃઢ હોય છે. (भावसमन्विता:) અર્થાત્‌ભગવાનને વિશે દૃઢ માન્યતા છે, તે તત્ત્વજ્ઞાનની માફક જ ફળ આપે છે. તેમાં જરૂર નિસંશયપણું અને નિશંકપણું થવાની હોય છે. જેવી રીતે હું હિન્દુ છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું એ માન્યતાઓને જ્યાં સુધી પોતે નથી છોડતો, ત્યાં સુધી છૂટતી નથી. એ જ રીતે ‘આ બધી વિભૂતિઓની વિશેષતાના મૂળમાં પરમાત્મા તે મહારાજ છે એવી માન્યતા દૃઢ થઈ જાય, તો પછી કયારેય છૂટતી નથી. પેલી માન્યતાઓ તો સાચી નથી. શરીરને આધારે હોવાથી પ્રાકૃત છે અને દૂર થવાવાળી છે; પરંતુ ભગવાન સંબંધી આ માન્યતા સાચી છે અને વાસ્તવિક છે. આથી કદી દૂર થતી નથી; પરંતુ જ્ઞાનમાં પરિણત થઈને પછી ભક્તિમાં પરિણત થઈ જાય છે. એવી માન્યતા દૃઢ કરીને તેને જ અહીં ‘बुधा’ બુદ્ધિમાન માણસો કહ્યા છે. એવી માન્યતા દૃઢ કરી, ભગવાનનો આશ્રય કરી, ભગવાનમાં શ્રદ્ધા-પ્રેમ કરી લેવા એ જ બુદ્ધિમત્તા છે. સૃષ્ટિમાં જ્યાં કાંઈ દેખાય, તો પણ ભગવાન તરફ લક્ષ્ય રહે. ભગવાન તરફ સાધકની દૃષ્ટિ રહે, તે જ વિભૂતિઓના જ્ઞાનનું તાત્પર્ય કહેવામાં આવ્યું છે અને એવું જ્ઞાન હોવું સાધકને માટે અતિ આવશ્યક છે.

मच्चित्तामद्‌गतप्राणा बोधयन्त: परस्परम्‌।

कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ।।९।।

અર્થ : મારા ભક્તો મારામાં જ ચિત્ત રાખીને, મારામાં જ પ્રાણવૃત્તિ જોડીને, પરસ્પર એકબીજાને મારો મહિમા સમજાવતાં અને નિરન્તર મારીજ કથા-વાર્તાઓ કરતાં સન્તુષ્ટ વર્તે છે. અને આનન્દાનુભવ માણે છે. ।।૯।।

તે કેવી રીતે મારું ભજન કરે છે? તેનું વર્ણન આ શ્લોકમાં કરે છે તથા ભક્તિનો પરિપાક કેવી રીતે થાય છે? તેનો ક્રમ વિશેષ मच्चित्ता ઈત્યાદિક વિશેષપણોથી બતાવે છે.

मच्चित्ता-मयि निविष्ट मनस: ભગવાનના ભક્તનું ચિત્ત ભગવાનને છોડીને કયાંય જતું નથી. ભગવાનમાં જ સદા નિમગ્ન થઈને રહે છે. એક પોતાને ભગવાનમાં જોડાવાનું હોય છે અને એક ચિત્તને ભગવાનમાં જોડવાનું હોય છે. જ્યાં ‘હું ભગવાનનો છું’ એવી રીતે પોતે ભગવાનમાં લાગી જાય છે, ત્યાં ચિત્ત, બુદ્ધિ વગેરે આપમેળે બધાં ભગવાનમાં લાગી જાય છે. સાચા હૃદયથી પોતે પરમાત્મામાં લાગી જાય તો મન, બુદ્ધિ વગેરે કરણો આપો આપ ભગવાનમાં લાગી જાય છે; પરંતુ જ્યાં પોતે ભગવાનમાં નથી લાગતો અર્થાત્‌પોતાની જાતને જ્યાં સુધી અલગ માને છે જેમ કે ‘હું સંસારી છું, ગૃહસ્થ છું તે વગેરે છું.’ તેમ પોતાનું વ્યક્તિત્વ અલગ, સ્વતંત્ર માનીને બેસી જાય છે. તો તેના મન, બુદ્ધિ ભગવાનમાં નથી જોડાતા. અર્થાત્‌પોતે સંસારમાં જોડાઈને ચિત્તને ભગવાનમાં જોડવા ઈચ્છે તો તે શકય નથી બનતું. ચિત્તને પોતાપણું જ્યાં થાય છે,ત્યાં પ્રીતિ થાય છે. જ્યાં આત્મીયતા થાય છે, ત્યાં પ્રીતિ થાય છે. ભગવાનની સાથે ગાઢ સંબંધ જોડવાથી ભગવાન સાથે આત્મીયતા ઊભી થાય છે. તેનું ચિત્ત ભગવાનમાં લાગે છે. તેને અહીં ‘मच्चित्ता:’ કહેવામાં આવ્યા છે.

मद्गतप्राणा:-मद्‌ गतजीविता: મર્યા વિના आत्मधारणमलभमाना: હું જ એક તેનું જીવિતવ્ય બની ગયો છું. અર્થાત્‌મારા વિના જીવન ધારણ નહિ કરી શકનારા હોય છે. પ્રાણમાં બે વાતો આવે છે-જીવવું અને ચેષ્ટા. એ ભક્તોનું જીવવું પણ એક માત્ર ભગવાનને માટે છે અને તમામ ચેષ્ટાઓ પણ એક માત્ર ભગવદ્‌અર્થે હોય છે. શરીરની તમામ ચેષ્ટાઓ-ક્રિયાઓમાં પ્રાણનું જ પ્રાધાન્યપણું હોય છે. માટે ભક્તનાં શાસ્ત્રીય અનુષ્ઠાનો, ભગવત્‌સંબંધી ક્રિયાઓ, શારીરિક ક્રિયાઓ, વ્યાવહારિક ક્રિયાઓ, સામાજિક જે જે કોઈ ક્રિયાઓ છે, તે ભગવાનના અર્થે જ થાય છે. જેમ ગોપીઓ ગોપીગીતમાં કહે છે કે, ‘त्वयि धृतासव:’ અમે અમારા પ્રાણ તમારામાં અર્પણ કરી દીધા છે,અને જેટલું ભગવાનમાં પોતાપણું છે, એટલું પોતાના પ્રાણો સાથે નથી હોતું. કોઈપણ પ્રાણીને ‘કોઈપણ અવસ્થામાં મારા પ્રાણ ન છૂટી જાય’ આ રીતની જીવવાની ઈચ્છા રહેતી હોય છે. આ પ્રાણોનો મોહ છે. તેને માટે સ્નેહ છે; પરંતુ ભગવાનમાં મોહ થાય છે કે, ‘રખેને જીવતાં જીવતાં ભગવાન ભુલાય જાય નહિ,ભક્તિ છૂટી જાય નહિ !’ અને તેનું પ્રાણથી વધારે જતન કરે છે. તેઓમાં ‘અમે સદાય જીવતા રહીએ એવી ઈચ્છા નથી હોતી અને મરવાનો તેમને ભય નથી પણ સદાય સ્મરણ (अनन्या चिन्तयन्तो मां)ની ઈચ્છા-તાન રહે છે. તેમાં વિઘ્ન ન થાય તેનો ભય રહે છે. (જડભરતજીની જેમ વચ.ગ.અં.૧૭) તેઓ એમ જાણે છે કે પ્રાણો કરતાં અમારે ભગવાન સાથે વધારે ઘનિષ્ટ સંબંધ છે. પ્રાણ પ્રકૃતિનું કાર્ય છે, જ્યારે સ્વયં પોતે ભગવાનનો સેવક છે, ભગવાનનો અંશ છે.

એવી રીતે ‘मद्‌गत प्राणा:’ થવા માટે સાધકે સહુથી પહેલાં એવો ઉદ્દેશ્ય બનાવવો જોઈએ કે, મારે આ ને આ દેહે ભગવાન પાસે-અક્ષરધામમાં પહોંચવું છે, બીજે કયાંય રોકાવું નથી. ઠેઠ ભગવાનની સેવામાં પહોંચવું છે-સંસારની કોઈ ચીજ મળી કે ન મળી, શરીર સાજું રહે કે ન રહે, અમારો આદર થાય કે અનાદર થાય, સુખ થાઓ કે દુઃખ થાઓ-તેની સાથે અમારે કોઈ મતલબ નથી-કેવળ ભગવાન સાથે મતલબ છે. એવો અતિ દૃઢ ઉદ્દેશ્ય થઈ જાય તો સંપૂર્ણપણે ભગવદ્‌પરાયણ થઈ જવાય છે.

बोधयन्त: परस्परम्‌-એ ભક્તોને ભગવાનમાં અતિ રુચિવાળા બીજા ભક્તો મળી જાય તો તેઓની વચ્ચે ભગવાનની ચર્ચા શરૂ થઈ જાય છે. પછી તેઓ પરસ્પરમાં એકબીજાને ભગવાનનું તત્ત્વ, રહસ્ય, ગુણ, સ્વભાવ, અભિપ્રાય, પ્રભાવ વગેરે અલૌકિક અને વિલક્ષણ સત્સંગની વાતો થવા લાગે છે.

सतामयं सारभृतां निसर्गो यदर्थवाणी श्रुति चेतसामपि।

प्रतिक्षणं नव्यवदच्युतस्य यत्‌ स्त्रीया विटानामिव साधुवार्ता।। (ભા.૧૦-૧૩/૦૨)

સાર તત્ત્વને ધારણ કરવાવાળા પુરુષોનો એવો સહજ સ્વભાવ હોય છે કે તેઓની વાણી, કાન અને અંતઃકરણ ભગવાનની લીલાઓને ગાવા, સાંભળવા અને ચિંતન કરવાને માટે જ હોય છે. જેવી રીતે લંપટ પુરુષોેને સ્ત્રીઓની ચર્ચામાં નિત્ય નવીનતા માલૂમ પડે છે, એવી જ રીતે ભગવાનના ભક્તાને ભગવાનની લીલાઓમાં અને ભગવાનની વાતોમાં નિત્ય નવીનતા માલૂમ અનેે નિત્ય નવીન રસ અનુભવાય છે. જ્યારે તેઓ પરસ્પર ભાવપૂર્વક વાતો કરે છે, ત્યારે તેમના હૈયામાં ભગવાન સંબંધી અલૌકિક અને વિલક્ષણ વાતોની સ્ફુરણા થાય છે. તેવી એકલા એકલા ભગવાનનું ચિંતન કરતાં કરતાં કે શાસ્ત્ર ચિંતન કરતા પણ થતું નથી. એ જ સત્સંગની વિલક્ષણતા છે. તેથી જ તો શુકદેવજી જેવા સમર્થ પુરુષોએ એકલા ચિંતવન કરવાનું મૂકીને ભાગવતના માધ્યમથી ભક્તોનો સત્સંગ વધારે પસંદ કર્યો છે. જેવી રીતે એક દીપક જલતો હોય તો તે દીપકની નીચે અંધારું રહે છે; પરંતુ બે દીપક લાવીને સામસામે રાખી દેવામાં આવે તો બન્ને દીપકોની નીચેથી પણ અંધારું દૂર થઈ જાય છે. એક પ્રકારની વિશેષ જ્યોતિની અનુભૂતિ થાય છે. આમ ભક્તો જ્યારે એક ભગવાનના વિષય પર એકઠા મળે છે ત્યારે જેમ અંકોનો સરવાળોેે-ગુણાકાર નહિ પણ સીનર્જી ઉત્પન્ન થાય છે. જેમ કે ૬+૬=૧૨ પરંતુ ૬૬ બન્ને છગડા સાથે ગોઠવાઈ જાય તો ગુણાકાર પણ તેની બરાબરી કરી શકતો નથી. એને સીનર્જી કહેવાય છે તેમ ભગવાનના અનુભવ વિષયની સીનર્જી ભક્તોના મળવાથી થાય છે અને ભગવદ્‌સંબંધી અલૌકિક રહસ્યો અને અનુભવની ચર્ચાઓ ચાલે છે. વિલક્ષણ ભાવોની ચર્ચા નીકળી પડે છે. તેવી ચર્ચા એકલા ભક્તથી સત્સંગ વિના એકલા એકાંતમાં અનુભવાતી નથી. કદાચને એવા ભાવો પ્રગટ થઈ જાય તો પણ તે આદાન-પ્રદાન થતું નથી. કેવળ એકલા પોતાની પાસે જ રહે છે.

कथयन्तश्च माम्‌-ખરેખર તો બોધન અને કથનનો સરખો જ અર્થ હોવા છતાં એક સાથે પ્રયોગ હોવાથી, પુનરુક્તિ દૂર કરવા વિષય ભેદ કરવો જરૂરી છે. તેથી બોધનથી અજ્ઞાત અર્થ ‘જ્ઞાપન કરવો’ થાય છે. કથનથી ઈતિવૃત્ત વર્ણન કરવું એવો અર્થ કરવાનો છે. તે ભક્તને કોઈ ભગવાનની કથા સાંભળવાવાળો મળી જાય તો ભગવાનની લીલા કહેવાનું શરૂ કરી દે છે. જેમ સનક વગેરે ચારમાંથી એક કથા કહે છે ને બીજા ત્રણ સાંભળે છે. તેઓમાંથી એક વક્તા બની જાય છે ને બીજા શ્રોતા બની જાય છે. એવી જ રીતે કોઈ કથા સંભળાવવાવાળો મળી જાય, તો ભગવાનની કથા, ગુણ, રહસ્ય વગેરે સાંભળવા લાગી જાય છે. તેઓમાં સંભળાવતી વખતે ‘વક્તા’ બનવાનું અભિમાન નથી હોતું અને સાંભળતી વખતે ‘શ્રોતા’ બનવામાં લજ્જા નથી હોતી. સામાન્ય રીતે જે વક્તાઓ હોય છે, તે પછી કોઈના શ્રોતા બની શકતા નથી. તેનું અભિમાન ઘવાય છે અને મોટે ભાગે શ્રોતાઓ વક્તા બનવા માટે જ શ્રવણ કરતા હોય છે. તેઓ થોડા કાળમાં જ ‘વક્તા’ પદ મેળવી લેતા હોય છે; પરંતુ ભગવાનના સાચા ભક્ત સનકાદિક જેવામાં એવી પ્રાકૃતતા હોતી નથી. नित्यं तुष्यन्ति च रमन्ति च ભગવાનની કથા, લીલા, ગુણ, રહસ્ય, પ્રભાવ વગેરેને માંહોમાંહી એક બીજાને જણાવતાં અને સાંભળતાં એમનું જ કથન-ચિંતન કરતા તે ભક્તો અનન્ય પ્રયોજનથી નિત્યનિરંતર સંતુષ્ટ રહે છે. અર્થાત તેમને સંતુષ્ટ થવા ભગવાન સિવાય કોઈ સ્થાન નથી અને તેઓ ભગવાનમાં જ અનન્ય પ્રેમ કરવાવાળા છે. રમણ કરવાવાળા છે.

આ શ્લોકમાં છ વાતો આવી છે. તેમાંથી मच्चित्ता: અને मद्‌गतप्राणा: આ બે વાતો જાતે કરવાની છે. અર્થાત્‌ભક્તો પોતે સ્વતંત્રતાપૂર્વક એવા બની જાય છે. बोधयन्त: અને कथयन्त: આ બે વાતો પરસ્પર મળવાથી થાય છે તથા तुष्यन्ति અને रमन्ति આ બે વાતો ફળરૂપે થાય છે.

तेषां सततयुक्ताना भजतां प्रीतिपूर्वकम्‌।

ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते।।१०।।

અર્થ : આ પ્રમાણે મારામાં અખંડ જોડાઈ રહેલા અને મનેજ પ્રીતિપૂર્વક ભજનારા તે મારા ભક્તોને હું તેવો બુદ્ધિયોગ આપું છું કે જેનાથી તેઓ મને સાક્ષાત્‌પામે છે-ઠેઠ મારા ધામમાં જ જાય છે.।।૧૦।।

तेषां सततयुक्तानाम्‌ भजताम्‌-નવમાં શ્લોકમાં બતાવ્યા મુજબ જેઓ સતત ભગવાનમાં ચિત્ત અને પ્રાણવાળા થવાની ઈચ્છા રાખવાવાળા છે. એવાને માટે વપરાયો છે. કારણ કે ભગવાનનો ભક્ત ભગવાનને છોડીને ‘સમતા’રૂપ યોગ પણ ઈચ્છતો નથી. सतत શબ્દ હોવાથી પ્રાપ્તિરૂપ યોગ અહીં સ્વારસિક નથી. કારણ કે ભગવાનનો ભક્ત તે બધું ઈચ્છતો નથી.

न पारमेष्ठ्‌यं न महेन्द्रधिष्ण्यं न सार्वभौमं न रसाधिपत्यम्‌।

न योगसिद्धिर्पुनर्भवं वा मय्यर्पितात्मेच्छति मद्‌विनान्यत्‌ (ભા.૧૧-૧૪-૧૪)

પોતાની જાતને મને અર્પણ કરવાવાળો ભક્ત મને છોડીને બ્રહ્માનું પદ, ઈન્દ્રનું પદ, સઘળી પૃથ્વીનું સાર્વભૌમ રાજ્ય, સત્તા, પાતાળલોકનું રાજ્ય, યોગ સિદ્ધિઓ અને મોક્ષને પણ ઈચ્છતો નથી.

ભગવાનનો ભક્ત ભગવાનને છોડીને ‘સમતા’ રૂપ યોગને પણ ઈચ્છતો નથી. તત્ત્વજ્ઞાનને પણ ઈચ્છતો નથી. તેના મનમાં તો એક માત્ર ઈચ્છા રહે છે કે નવમાં શ્લોકમાં બતાવ્યા મુજબ સતત ભગવાનમાં લાગ્યા રહેવું, માટે ‘सततयुक्तानां’ ‘नित्या भियुक्तानाम्‌’ એવા શબ્દોથી એવા ભક્તોનો ઉલ્લેખ કરે છે. એવી ઈચ્છા રાખીને સતત ભગવાનનું ભજન કરે છે.

प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन હું તેને પ્રીતિપૂર્વક-પરમ ઉદારતાપૂર્વક બુદ્ધિયોગ આપું છું. બુદ્ધિયોગ શબ્દનું તાત્પર્ય અહીં દર્શન સમાનાકાર ધ્યાનના અર્થમાં છે; પરંતુ પરજ્ઞાનના અર્થમાં નથી. કારણ કે ભક્ત પરજ્ઞાનને પણ ઈચ્છતો નથી. કેવળ ભગવાનની મૂર્તિના ધ્યાનાકાર દર્શન જ ઈચ્છે છે. કારણ કે ‘येन मामुपयान्ति ते’ એ પ્રમાણે બુદ્ધિયોગ છે, તે સાધનરૂપમાં આપું છું. જેથી મને પામે છે, એવું બતાવ્યું છે. વળી ‘प्रीतिपूर्वकम्‌’ શબ્દનો ‘भजतां प्रीतिपूर्वकम्‌’ એમ પણ અન્વય લેવો હોય તો લઈ શકાય છે. આચાર્યોએ (રામાનુજાચાર્ય) તેમ ન લેતાં અહીં બતાવ્યા પ્રમાણે અન્વય લીધો છે. કારણ કે સતત યુક્ત-નિત્ય અભિલાષા રાખનારા ભક્તોને નિત્ય અભિલાષા શબ્દ જ એવો છે કે ભજનમાં પ્રીતિ સ્વાભાવિકપણે આવી જાય છે. માટે ‘ददामि’ સાથે અન્વય લેવાથી ભગવાનની પરમોદારતા ફલિત થાય છે. તે વધારે યોગ્ય અન્વય થશે. કોઈને એમ શંકા થાય કે જેમ કામી મનુષ્યને સામા પાત્રની સતત સ્મૃતિ સ્વાભાવિક થાય છે તેમ તેવી પ્રબળ ઈચ્છાવાળાને સતત પરમાત્માની સ્મૃતિ થાય. તેમાં ભગવાનની પરમોદારતા શી છે? તેના ઉત્તરમાં કહે છે કે ‘वस्तु: प्रसादोऽपि दृष्टवशात्‌ स्वत:संभवन्‌ न हेतुत्वं जहाति’ જેમ કે કોઈ લૌકિક પ્રાપ્તિ અદૃષ્ટવશાત્‌ભાગ્યવશાત્‌વિના કારણ પ્રયોજન ઊભું કર્યાં વિના પ્રાપ્ત થઈ જાય છે, એટલા માત્રથી તેની પ્રાપ્તીના કારણનો વિલોપ થઈ શકતો નથી. એ તો કહેવાય છે કે ભાગ્યવશાત્‌અર્થાત્‌ કોઈ કારણ વિના પ્રાપ્ત થઈ ગયું છતાં પણ તે કારણપૂર્વક જ પ્રાપ્ત થયું હોય છે. તેમ સતત ધ્યાન સમાનાકાર દર્શનનું કારણભાવ શેમાં છે? તો તે ભક્તના પુરુષાર્થમાં નથી પણ પરમાત્માની પરમોદારતામાં છે. માટે प्रीतिपूर्वकं ददामि એવો અન્વય વધારે યોગ્ય ગણાશે. એને એવી સ્થિતિમાં કારણરૂપ બનવું તે પરમાત્માની પરમોદારતા છે. ભગવાન તેને ધ્યાનાકાર સતત દર્શન આપીને કોઈ લૌકિક વસ્તુ, વ્યક્તિ, ઘટના પરિસ્થિતિ વગેરેના સંયોગ વિયોગથી અંતઃકરણમાં કોઈ ખળભળાટ ન થાય, અર્થાત્‌સંસારના પદાર્થો મળે કે ન મળે, નફો થાય કે નુકસાન, આદર થાય કે અનાદર થાય, સ્તુતિ થાય કે નિંદા થાય વગેરે જાત જાતની એક બીજાથી વિરુદ્ધ પરિસ્થિતિઓ આવવા છતાં પણ,તેઓમાં એકરૂપ (સમ) રહી શકે છે. પરમાત્માના સતત દર્શન સમાનાકાર ધ્યાન-સંતતાને ધારણ કરી રહે છે એવો બુદ્ધિયોગ હું આપું છું. ‘ददामि’ કહેવાનું તાત્પર્ય એ છે કે તે ભક્ત પોતાનો બુદ્ધિયોગ છે. અર્થાત્‌અભિમાન કરવા જેવું છે. એમ નથી માનતો; પરંતુ એ સ્થિતિ ભગવાનની છે ને ભગવાને આપેલી છે, એમ માને છે. તે બુદ્ધિયોગને લઈને તેને પોતામાં કોઈ વિશેષતા માલૂમ પડતી નથી પણ તેની દુર્લભતાને બરાબર સમજીને પરમાત્માની પરમોદારતા બરાબર માલૂમ પડે છે. ભગવાન કહે છે કે તેઓ મને પામે છે. મને પ્રાપ્ત થઈ જવાનું તાત્પર્ય એ છે કે वस्तुत તેને પ્રાપ્ત કરવામાં કાંઈ બાકી તો નથી હોતું. છતાં પણ તે ભક્તમાં કોઈ ઊણપ હોય અથવા તેમને મનાતી હોય તો ભગવાન તેને બુદ્ધિયોગ આપીને તે દૂર કરી દે છે. તેથી ભક્તને અપૂર્ણતા નથી મનાતી અને ભગવાનની પ્રાપ્તિથી ધન્યતા અનુભવાય છે.એવું ભગવાન કરી આપે છે. એ ભગવાનની પરમકૃપા છે.

तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तम:।

नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता।।११।।

અર્થ : અને તેઓના ઉપર અનુગ્રહ કરવા માટે જ, તેમના હૃદયારવિન્દમાં અખંડ વિરાજમાન રહેલો હું પ્રકાશિત જ્ઞાનદીપથી તેમના અજ્ઞાનથી પ્રસરતા અંધકારને-આવરણને નાશ કરું છું. ।।૧૧।।

तेषामेवानुकम्पार्थम्‌ એ ભક્તોના હૃદયમાં કંઈ પણ સાંસારિક ઈચ્છા નથી હોતી એટલું જ નહિ તેમના હૈયામાં મને છોડીને મુક્તિ સુધીની પણ ઈચ્છા હોતી નથી.

दीयमानं न गृह्णन्ति विना मत्सेवनं जना: (ભા.૩-૨૯-૧૭) અભિપ્રાય એ છે કે તેઓ ન તો સાંસારિક ચીજો ઈચ્છે છે અને ન પારમાર્થિક ચીજો-મુક્તિ-તત્વજ્ઞાન વગેરે પણ ઈચ્છે છે. તેઓ કેવળ-सततं युक्तानाम्‌-मच्चित्ता मद्‌गतप्राणा: પ્રેમપૂર્વક સતત મારું ભજન જ ઈચ્છે છે. अनन्याश्चिन्तयन्तो माम्‌ મારું અનન્ય ભાવથી ચિંતન જ ઈચ્છે છે. એમના એવા નિષ્કામ ભાવથી મારું હૃદય દ્રવિત થઈ જાય છે. હું ઈચ્છું કે મારા દ્વારા પણ એમની કાંઈક સેવા થઈ જાય. તેઓ મારી પાસેથી કાંઈક લઈ લે; પરંતુ તેઓ મારી પાસેથી કાંઈ લેતા નથી. ‘दीयमानं न गृह्णन्ति ત્યારે દ્રવિત હૃદયવાળો થવાને કારણે કેવળ એમના પર કૃપા કરવાને માટે કૃપા પરવશ થઈને હું તેમના અજ્ઞાનજનિત અંધકારને દૂર કરી દઉં છું. અર્થાત્‌ભગવત્‌સાક્ષાત્કારમાં વિરોધી એવું અજ્ઞાન અને અન્ય વિષય प्रावण्यता રૂપ ‘તમ’ તેને હું દૂર કરી દઉં છું. ‘आत्मभावस्थ:’ અર્થાત્‌મનુષ્ય જ પોતાનું હોવાપણું માને છે-‘હું છું’ માને છે. તે બહુધા પ્રકૃતિ સાથે સંબંધ જોડીને જે માને છે. અર્થાત્‌પ્રકૃતિનો આધાર લઈને માને છે પણ શુદ્ધ ચેતનાનો આધાર લઈને માનતો નથી. શરીરના બદલાવાથી પોતાનું ‘હું છું’ બદલાઈ ગયું માને છે.જેમ કે હું બાળક છું, હું યુવાન છું વગેરે વગેરે; પરંતુ એ તમામ વિશેષણોને છોડી દઈને તત્ત્વની દૃષ્ટિએ શુદ્ધ ચેતનાનો આધાર લઈને-પોતાનું હોવાપણું છે-પ્રકૃતિથી રહિત પોતાનું હોવાપણું છે, ત્યાં રહીને હું અજ્ઞાન અને તમનો નાશ કરું છું. તેને માટે ભગવાન અહીં ‘आत्मभावस्थ:’ શબ્દ પ્રયોગ કરે છે. ‘ભાસ્વતાજ્ઞાન દીપેન’ મારા વિષયક જ્ઞાનથી અજ્ઞાનનો નાશ કરી નાખું છું. તાત્પર્ય એ છે કે જે અજ્ઞાનને કારણે હું કોણ છું અને પરમાત્મા શું વસ્તુ છે, મારે અને તેને શો સંબંધ છે, તેનું જે અજાણપણું, તેનો હું અંર્તયામીપણે તેમાં રહીને નાશ કરી નાખું છું. મારો તથા તેના સ્વરૂપનો તત્ત્વબોધ કરાવી દઉં છું. જે તત્ત્વાનુભવ માટે પછી તેમને શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે સાધનો નથી કરવા પડતા, કોઈ પરિશ્રમ નથી કરવો પડતો.

ભક્ત જ્યારે અનન્ય ભાવથી ભગવાનમાં જોડાઈ રહે છે, ત્યારે સાંસારિક સિદ્ધિ-અસિદ્ધિમાં સમતુલા જાળવવારૂપ ‘સમતા’ પણ ભગવાન કરાવી આપે છે. પરમાત્માનો સ્વરૂપબોધ પણ ભગવાન પોતે આપે છે. અર્થાત્‌ભક્તોને એમને માટે કોઈ ઈચ્છા કે વિશેષ પ્રયત્ન નથી કરવો પડતો. તેની કોઈ તાલીમ(ટ્રેઈનીંગ) નથી લેવી પડતી; પરંતુ ભગવદ્‌કૃપાથી તેમનામાં ‘સમતા’(સમતુલા) આપમેળે આવી જાય છે અને તેને ભગવાનના સ્વરૂપનો સ્વરૂપાનુબોધ પણ આપ મેળે થઈ જાય છે. સાધનજન્ય પૂર્ણતા હોય છે તેના કરતાં ભગવાન દ્વારા કરાયેલી પૂર્ણતા ખૂબ જ વિલક્ષણ પ્રકારની હોય છે. જેવી રીતે અનન્યભાવથી ભજન કરનારાના યોગક્ષેમ ભગવાન વહન કરે છે (ગી. ૯/૨૨) તેવી જ રીતે એવા ભક્તોને ન ઈચ્છવા છતાં ભગવાન ‘સમતા’ અને તત્ત્વબોધ પણ કરાવી આપે છે. આવું બધું આપવા છતાં ભગવાન તે ભક્તના ઋણી બની રહે છે. ભાગવતમાં ભગવાને ગોપીઓને માટે કહ્યું છે જે,

न पारयेऽहं निरवद्य संयुजां स्वसाधुकृत्यं विषुधायुषापि व:।

या माभजन्‌ दुर्जरगेहश्रृंखला: संवृच्य तद्‌ व: प्रतियातु साधुना।। (૧૦/૩૨/૨૨)

મારી સાથે સર્વથા નિદરેષ(અનિંદ્ય) જોડવાવાળી ગોપીઓનું મારા ઉપર જે અહેસાન છે, ઋણ છે, તેને હું દેવતાના સમાન લાંબા આયુષ્ય મેળવીને પણ ન ચૂકવી શકું. કારણ કે મોટા મોટા મુનિઓ, ત્યાગીઓ પણ ઘરની પોતાપણારૂપ બેડીઓને સુગમતાથી નથી તોડી શકતા. તેમને એણે(ગોપીઓએ) સારી રીતે તોડીને કટકા કટકા કરી નાખી છે. ખરેખર તો ભક્તો ભગવાનમાં એટલા બધા તલ્લીન રહે છે કે, તેને એ પણ ખબર નથી હોતી કે અમારામાં ‘સમતા’ આવી ગઈ છે, અમારામાં સ્વરૂપબોધ છે. તે પોતાનામાં વિશેષતા જોવા માગતા પણ નથી. તેઓ ભગવાનની વિલક્ષણ વિશેષતાઓ જોઈને જ પરિતૃપ્ત રહે છે.