ગીતા અધ્યાય-૧૦, શ્લોક ૦૧ થી ૦૭

શ્લોક ૦૧-૦૭

ભગવાનની વિભૂતિ અને યોગશક્તિનું કથન તથા એમનેજાણવાનું ફળ

શ્રી ભગવાન બોલ્યા

भूय एव महाबाहो श्रृणु मे परमं वच:।

यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया।।१।।

અર્થ : શ્રીભગવાન કહે છે-હે મહાબાહો ! મારું વચન સાંભળીને પ્રસન્ન થતા તને તારું હિત કરવાની ઈચ્છાથી પ્રેરાઈને જે હું બીજું ઉત્તમ વચન કહું છું તે તું ધ્યાન દઈને સાંભળ ! ।।૧।।

भूय एव ભગવાનની વિભૂતિઓને તત્ત્વથી જાણતાં ભગવાનમાં ભક્તિ થાય છે. વિભૂતિ એને કહેવાય છે કે, विभूतित्वं नाम तत्कार्यत्वे सति तद्‌ अभिन्नत्वम्‌, न तु नियाम्यत्वम्‌(તા.ચં.પે.૩૪૪) विशेषेण कार्यरू पेण भवनम्‌ विभवनं इति शब्दार्थश्च घटते। વિભૂતિ એટલે ભગવાનના કાર્યરૂપે હોય અને તેનાથી અભિન્નતાને પામેલ હોય અભિન્નપણે રહ્યું હોય. न तु नियाम्यत्वम्‌ કારણ કે નિયામ્ય તો અસુરો પણ છે પણ તે ભગવાનની વિભૂતિમાં નહિ લખી શકાય. સંત ભગવાનની વિભૂતિ ગણાય છે. કારણ કે સંતત્વનું નિર્માણ ભગવાનના પ્રભાવથી જ થાય છે, કેવળ સાધનાથી નહિ. વિભૂતિ એ ભગવાનનું કાર્ય પણ હોય અને કોઈ પણ ભાવથી અભિન્નતાને પામેલ હોવું જોઈએ. પછી ધર્મીપણે અભેદ ઘટી શકતો હોય જેમ કે ‘राम: शस्त्रभृतां अहम्‌’ તો ત્યાં ધર્મીથી અભિન્નતા રહેશે. અથવા પ્રકર્ષ-પ્રયોજક અસાધારણ ધર્મથી અભિન્નતા નિર્દેશ હોય, ત્યાં પણ વિભૂતિ ગણાશે. જેમ કે अहं यज्ञ વગેરે, ‘तेजस्विना तेजोऽहम्‌’ વગેરે. અસાધારણ વિશેષણમાં પણ વિભૂતિત્વ આવશે.‘विभूति भूति एैश्वर्यम्‌’ એવો કોશ છે, તે પ્રમાણે પણ કોઈ સ્થળે વિભૂતિ ગણાવી હોય છે. એવી રીતની પરમાત્માની વિભૂતિઓને જાણવા-સમજવાથી પરમાત્માની ભક્તિ થાય છે. પરમાત્મામાં પ્રેમ થાય છે.વિભૂતિ-જેને કોઈ દબાવી ન શકે, જેની કોઈ બરાબરી ન કરી શકે. જે કારણ(કોઈ ભગવાનના સજર્ન માટે) ભાવમાં અસાધારણપણે ઉપયોગી આવી રહ્યા હોય જે હકારાત્મક ભાવમાં નિયમન કરનારું પરિબળ હોય, ભગવાન સાથે અસાધારણ સંબંધ ધરાવતું હોય.

આ પણ એક પ્રકારનું વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવાય છે. તેથી કૃપાવશ થઈને ભગવાને સાતમાં અધ્યાયમાં આઠમાં શ્લોકથી બારમાં શ્લોક સુધી કારણભાવમાં સત્તર વિભૂતિઓ અને નવમાં અધ્યાયમાં સોળમાં શ્લોકથી ઓગણીસમાં શ્લોક સુધી કાર્ય કારણ રૂપે સાડત્રીસ વિભૂતિઓ બતાવી છે. હવે આ અધ્યાયમાં ભગવાને ચોથાથી છઠ્ઠા શ્લોક સુધી પોતાની પિસ્તાલીસ વિભૂતિઓ બતાવી છે, તે બતાવવા માટે તથા ગી.અ.૮/૧૪ તેમજ ૯/૨૨ અને ૩૪માં કહેલી ભક્તિનું એથી પણ વિશેષતાથી વર્ણન કરવા માટે ભગવાન ‘भूय एव’ શબ્દથી કહે છે. જેના ગુણનો કોઈ પ્રતિકાર ન કરી શકતો હોય-જોટો ન જડતો હોય તો તે પણ વિભૂતિ ગણાય છે. જેમ કે પાંડવોમાં અર્જુન-વૃષ્ણીઓમાં વાસુદેવ વગેરે. તથા જેની સામર્થીનો કોઈ નિયામક ન હોય, તેને પણ વિભૂતિ ગણાય છે. જેમ કે મનુષ્યોમાં નરાધિપઃ અને પશુઓમાં મૃગાધિપઃ તેમાં નિયામકનો અભાવ બતાવવા માટે તે વિભૂતિ છે. ભગવાનનો નિયામક કોઈ નથી. છલવતાં દ્યુતઃ-બરાબરી કોઈ ન કરી શકે. તેવા અર્થમાં વિભૂતિ ગણાય.

श्रृणु मे परमं वच: ભગવાનના મનમાં પોતાના મહિમાની વાત, પોતાના રહસ્યની, હૃદયની વાત અને પોતાના પ્રભાવની વાત કહેવાની ઈચ્છા વિશેષપણે રહે છે. તે પણ કેવળ हितकाम्यया-કેવળ બીજાના હિત માટે. જો કે દરેકને પોતાના મનમાં એવી વાત કરવાનો ઘણો આગ્રહ કે દુરાગ્રહ હોય છે પણ તેમાં હિતકામ્યતાનો છાંટો હોતો નથી તેમાં તો માત્ર-મોટાઈ કે અભિમાનનો જ કેવળ ભરાવો હોય છે. તેનાથી પ્રેરાઈને ભગવાન સિવાય ઈતરની પ્રવૃત્તિ હોય છે. ભગવાનની પ્રવૃત્તિ તેનાથી અલગ છે. તેથી ભગવાન અર્જુનને કહે છે કે તું ફરીથી મારાં પરમ વચનો સાંભળ.

બીજો ભાવ એ છે કે ભગવાન જ્યાં જ્યાં અર્જુનને પોતાની વિશેષ મહત્તા, પ્રભાવ, ઐશ્વર્ય વગેરે બતાવે છે. ત્યાં ત્યાં તેઓ પરમ વચન, રહસ્ય વગેરે શબ્દોનો પ્રયોગ કરે છે-જેમ કે ચોથા અધ્યાયના ત્રીજા શ્લોકમાં ‘रहस्यं ह्येतदुत्तमम्‌’ શબ્દોથી બતાવે છે કે, જેણે (મેં-ભગવાને) સૂર્યને ઉપદેશ આપ્યો હતો. એ જ હું તારા રથના ઘોડા હાંકતો તારી સામે છું. અઢારમાં અધ્યાયના ચોસઠમા શ્લોકમાં ‘श्रृणु मे परमं वच:’ શબ્દોથી આ પરમ વચન કહે છે કે ‘सर्वधर्मान्‌ परित्यज्य’ તું સઘળાં ધર્મોનો, તારા મનના માનેલાનો, ત્યાગ કરીને મારે એકને જ શરણે આવી જા. હું તને સઘળાં પાપોથી મૂકાવીશ. તું કોઈ ચિંતા કરીશ નહિ. (ગી. ૧૮/૬૬) અહીં પણ ‘श्रृणु मे परमं वच:’ એ જ કહેવા માગે છે. બધાના મૂળમાં હું જ છું.

यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया-સાંભળવાવાળો વક્તામાં પ્રેમ અને શ્રદ્ધા રાખવાવાળો હોય અને વક્તાના અંતરમાં સાંભળવાવાળા પ્રત્યે કૃપાપૂર્વક હિતભાવના હોય તો વક્તાનાં વચનો અને તેના દ્વારા કહેલો વિષય શ્રોતાના અંતરમાં ઊંડો શાશ્વતપણે ઘર કરી રહે છે. એનાથી શ્રોતાની ભગવાનમાં આપમેળે રુચિ પેદા થાય છે, ભક્તિ થાય છે અને પ્રેમ થાય છે.

અહીં એક શંકા થાય છે કે ભગવાને ઠેક ઠેકાણે કામનાનો નિષેધ કર્યો છે. ત્યારે ‘हित काम्यया’ પદથી પોતે પોતાનામાં કામના શા માટે બતાવે છે? એનું સમાધાન એ છે કે વાસ્તવમાં પોતાને માટે ભોગ, સુખ, આરામ વગેરે ઈચ્છવા એ જ ‘કામના’ છે. બીજાઓના હિતની કામના કરવી તે વાસ્તવમાં ‘કામના’ છે જ નહિ. બીજાઓના હિતની કામના એ તો ત્યાગ છે. પોતે ત્યાગ કર્યા સિવાય બીજાઓનું હિત કરી શકાતું નથી. બીજાઓના હિતની કામના એ પોતાની કામના ત્યાગ કરવાનું મુખ્ય સાધન છે. એટલા માટે ભગવાન બધાના ઉપદેશ માટે બતાવે છે કે, જેમ હું બીજાના હિતની કામનાથી કરું છું. તેમ તમામ બીજાઓએ પણ પ્રાણીમાત્રની હિતકામનાથી વ્યવહાર કરવો જોઈએ. તેનાથી પોતાના અંતરની મલિન કામનાઓ દૂર થઈ જશે અને મારી પ્રાપ્તિ સુગમતાથી થશે ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रता: (ગી-૧૨/૪)

न मे विदु: सुरगणा: प्रभवं न महर्षय:।

अहमादि र्हि देवानां महर्षीणां च सर्वश:।।२।।

અર્થ : મારો ઉત્પત્તિ પ્રકાર સર્વ દેવગણો તેમજ મહર્ષિઓ પણ જાણતા નથી. કારણ કે એ દેવોનો અને મહર્ષિઓનો પણ સર્વ પ્રકારે હું જ આદિ કારણ છું. ।।૨।।

न मे विदु: सुरगणा: प्रभवं न महर्षय:-દેવતાઓ મહર્ષિઓ જો કે અતીન્દ્રિયાર્થને જોનારા છે અને વિશિષ્ટ જ્ઞાન ધરાવનારા છે. તેમાં પણ દેવતાઓનાં શરીર, બુદ્ધિ, લોક, સામગ્રી એ બધું દિવ્ય છે, તો પણ મારા પ્રભાવને નથી જાણી શકતા. મારા પ્રગટ થવાને નથી જાણતા. હું જે મત્સ્ય-કચ્છ વગેરે અવતાર લઉં છું, તથા ગીતામાં બતાવેલી વિભૂતિઓ જે ક્રિયા, ભાવ અને વિભૂતિરૂપે પ્રગટ થાઉં છું, એવા મારા પ્રભાવ કે પ્રગટ થવાના ઉદ્દેશ્યને, લક્ષ્યને અને કારણોને દેવતાઓ પણ પૂરેપૂરા નથી જાણતા. મારા પ્રગટ થવાને પૂરેપૂરુ જાણવાનું તો દૂર રહ્યું પણ તેમને તો મારા દર્શન પણ ઘણી કઠિનતાથી (सुदुर्दर्शनम्‌) થાય છે. એટલા માટે તેઓ મારા દર્શનને માટે હરદમ આતુર રહે છે. (ગી. ૧૧/૫૨)

એવી જ રીતે જે મહર્ષિઓએ અતીન્દ્રિય શક્તિ અને સાધનાથી અનેક ઋચાઓને, મંત્રોને, વિદ્યાઓને અને વિલક્ષણ શક્તિઓને પ્રગટ કરી છે. જેઓ સંસારથી ઊંચા ઊઠયા છે, જેઓ દિવ્ય અનુભવથી યુક્ત છે, જેમને માટે કાંઈ કરવાનું, જાણવાનું અને મેળવવાનું બાકી નથી રહ્યું એવું કહેવામાં આવે છે, એવા તત્ત્વજ્ઞ જીવનમુક્ત મહર્ષિઓ પણ મારા પ્રભાવને, મારા મહત્ત્વને પૂરેપૂરા નથી જાણતા.

અહીં ભગવાને દેવતાઓ અને મહર્ષિઓ બન્નેનું નામ લીધું છે. એમાં એવું માલુમ પડે છે કે ઊંચા પદની દૃષ્ટિએ દેવતાનું નામ અને જ્ઞાનની દૃષ્ટિએ મહર્ષિઓનું નામ લેવામાં આવ્યું છે. પુણ્યની દૃષ્ટિએ દેવતાઓ અને સાધનાની દૃષ્ટિએ મહર્ષિઓનું નામ લેવામાં આવ્યું છે. આ બન્ને માટે પણ મારી પ્રભાને જાણવાનું કારણ એ છે કે હું દેવતાઓનો અને મહર્ષિઓનો સર્વ પ્રકારે આદિ છું. अहमार्दि हि देवानां महर्षीणाम्‌ सर्वश: તેમનામાં જે કાંઈ બુદ્ધિ છે, શક્તિ છે, સામર્થ્ય છે, પદ છે, પ્રભાવ છે, મહત્તા છે તે બધા તેમણે મારી પાસેથી જ પ્રાપ્ત કર્યા છે. તેઓ ખુદ પણ મારાથી જ પ્રગટ થયા છે. કાર્ય પોતાના કારણમાં લીન તો થઈ શકે છે પણ તેને જાણી નથી શકતું.

તાત્પર્ય એ થયું કે દેવતાઓ અને મહર્ષિઓ ભગવાનના આદિને, અંતને અને ઈયતાને અર્થાત્‌ભગવાન આવા જ છે, આટલા જ છે, એવા માપ તોલને નથી જાણી શકતા. કારણ કે આ દેવતાઓ અને મહર્ષિઓના પ્રગટ થવા પહેલાં પછી ભગવાન જેમ છે તેમ જ હતા અને તેમના લીન થયા પછી પણ ભગવાન જેમ છે તેમ રહેશે. આથી દેવતાઓ અને મહર્ષિઓ અનાદિ-અનંત અને અસીમ પરમાત્માને પોતાની સીમિત બુદ્ધિ, યોગ્યતા, સામર્થી વગેરેના દ્વારા જાણી શકતા નથી.

આ જ અધ્યાયના ચૌદમાં શ્લોકમાં અર્જુને પણ ભગવાનને કહ્યું છે કે આપને દેવતાઓ અને દાનવો નથી જાણતા કેમ કે દેવતાઓની પાસે ભોગ સામગ્રીની અને દાનવોની પાસે માયા શક્તિની અધિકતા છે. તાત્પર્ય એ થયું કે દેવતાઓ ભોગોમાં લાગ્યા રહેવાથી તેમને મને જાણવા માટે સમય જ નથી મળતો અને માયાશક્તિથી-છળકપટથી હું કયારેય જાણી શકાતો નથી.

यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम्‌।

असंमूढ: स मर्त्येषु सर्वंपापै: प्रमुच्यते।।३।।

અર્થ : જે મને અજન્મા-જન્માદિક વિકારે રહિત અને અનાદિ સર્વ લોકનો મહેશ્વર સર્વ-નિયન્તા એમ જાણે છે, તે મનુષ્યોમાં ઉત્તમ જ્ઞાની સર્વ પાપથી સર્વથા મુકાઈ જાય છે. ।।૩।।

यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम्‌-બીજા શ્લોકમાં દેવતાઓથી પણ અચિંત્ય એવું પોતાની મહત્તાનું વિજ્ઞાન કે જે ભક્તિ ઉત્પન્ન કરવામાં કારણભૂત બને છે. જે દેવતાઓ અને મહર્ષિઓની શક્તિ બહાર છે, એમ કહ્યું. હવે તો પછી મનુષ્ય કેવી રીતે જાણી શકે? અને તેનું કલ્યાણ કેવી રીતે શક્ય બનશે? તો જેટલું અને જેવું જાણવાથી તેનું કલ્યાણ થઈ જાય છે તે વાત કહે છે. તે અહીં માનવાનું છે. દેવતાઓ અને મહર્ષિઓને પણ જે વસ્તુ અચિંત્ય અને અતર્કય છે. તેને પણ મનુષ્ય પોતાના હૃદયમાં દૃઢપણે માની શકે છે. જે ફળ સાક્ષાત્‌જાણવાથી થાય છે તે જ દૃઢપણે માનવાથી થાય છે. માટે જીવના આત્મશ્રેયનો ઉપાય બતાવતાં ભગવાન કહે છે કે, જે ભગવાન અજ અર્થાત્‌જન્મ રહિત છે અને અનાદિ અર્થાત્‌જે આદિ રહિત, કાલાતીત છે. ભગવાન કાળના પણ કાળ છે. ભગવાનમાં કાળનો પણ આદિ અને અંત થઈ જાય છે. ભગવાન સઘળા લોકોના મહેશ્વર છે. અર્થાત્‌સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ જે ત્રિલોક છે તથા તે ત્રિલોકમાં જેટલા પ્રાણીઓ છે અને તે પ્રાણીઓ ઉપર શાસન કરવાવાળા-અલગ અલગ અધિકાર પ્રાપ્ત જેટલા કોઈ ઈશ્વર છે-માલિક છે, તે બધા ઈશ્વરોના પણ મહાન ઈશ્વર ભગવાન છે.આ રીતે જાણવાથી અર્થાત્‌દૃઢપણે શ્રદ્ધા-વિશ્વાસપૂર્વક માનવાથી, સર્વ પાપથી મુક્તિ થઈ જાય છે.

ભગવાન અજન્મા છે. તેનું તાત્પર્ય જડચેતન વિકારી દૃશ્યથી અતિશય વિસજાતીય છે. असंमूढ: स मर्त्येषु सर्वपापै: प्रमुच्यते અસંમૂઢતા એટલે શું? ભગવાન અનાદિ છે, ભગવાન મુક્તાત્માઓથી પણ વિલક્ષણ છે, મુક્તાત્માઓમાં પણ અજત્વ તો રહ્યું છે પણ તે આદિ ધર્મવાળું છે. ક્યારેક શરૂ થયું છે ! ભગવાન તેનાથી પણ વિલક્ષણ છે. ભાવનાત્રય રહિત છે. કર્મભાવના, બ્રહ્મભાવના ઊભય ભાવના. આ ત્રણેમાં તમામ ચેતન વર્ગ આવી જાય છે. તેનાથી વિજાતીય જાણવા તે અસંમૂઢતા છે. ઈતર સજાતીય જાણવા તો મોહ-સંમોહ છે. તેનાથી રહિત છે. તે જીવ અસંમૂઢ છે અને એવી રીતે જાણે છે. અર્થાત્‌એવી રીતે દૃઢ આસ્તિકતાપૂર્વક દૃઢ આસ્થાપૂર્વક માને છે તો દેવાદિકને અતર્કય અને મહર્ષિઓની પણ બુદ્ધિ જેના પ્રભાવમાં નથી પહોંચતી, ત્યાં માણસની બુદ્ધિ પહોંચી ગઈ જાણવી. તેનું તાત્પર્ય એ થયું કે ભગવાનની મહત્તામાં, ભગવાનના પ્રભાવમાં કે ભગવાનની વિભૂતિમાં તર્ક પહોંચતો નથી પણ સાફ દિલની શ્રદ્ધા પહોંચી જાય છે. તે ભગવાનને સ્પર્શ કરી જાય છે અને ભગવાન પોતે તેને જણાઈ આવે છે.

बुद्धिर्ज्ञानमसंमोह: क्षमा सत्यं दम: शम:।

सुखं दु:खं भवोऽभावो भयं चाभयमेव च।।४।।

अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयश:।

भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधा:।।५।।

અર્થ : બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ-સાવધાનતા, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, ભવ-ઉત્પત્તિ, અભાવ-નાશ, ભય અને અભય પણ. અહિંસા, સમતા-સમદૃષ્ટિ, તુષ્ટિ-સંતોષ, તપ, દાન, યશ, અપયશ, આ સઘળા જુદા-જુદા પ્રકારના ભૂતમાત્રના ભાવો-ગુણો, મારા થકી જ પ્રવર્તે છે. ।।૪-૫।।

બુદ્ધિ અને જ્ઞાન બન્ને શબ્દો સાથે હોવાથી બુદ્ધિનો અર્થ અહીં સહેતુક ઉદ્દેશ્યને લઈને, નિશ્ચય કરવાવાળી ‘વૃત્તિ’ને અહીં બુદ્ધિ ગણવામાં આવી છે. જ્યારે પછી તુરત संमोह: શબ્દ આવેલ હોવાથી-જ્ઞાન એટલે ‘चिद्‌ अचिद्‌ वस्तु विशेष विषयो निश्चय:’ માયા, જીવ અને પરમાત્મા વિષયક જે કાંઈ નિર્ણય લેવાય છે, તેને અહીં જ્ઞાન કહ્યું છે. ખરેખર તો બુદ્ધિનો અર્થ થાય છે, અધ્યવસાય. જ્ઞાનનો અર્થ મોક્ષ વિષયક જ્ઞાન થાય છે; પણ અહીં તે વિષયને ન લેતાં શબ્દો સાથે હોઈ, પ્રકરણને લઈને અહીં ઉપરના અર્થ લેવા યોગ્ય ગણાશે.(ता.चं.)

असंमोह:- विजातीये सजातीयता बुद्धि संमोह: ખરેખર જો ભિન્ન પદાર્થો હોય તેમાં ભિન્નતા હોય-વિલક્ષણતા હોય, તે વિલક્ષણતા હાથમાં-લક્ષ્યમાં ન આવીને સમાનતા માની લેવી, એકતા માની લેવી, તેને સંમોહ કહેવાય. તેનાથી રહિતપણું હોવું અર્થાત્‌સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ વિલક્ષણતા લક્ષિત થઈ જવી તે અસંમોહ છે. તેનું ઉદાહરણ આપે છે કે સોનીની દુકાન વગેરેમાં ‘पूर्वगृहीतात्‌ रजतादे:’ विसजातीये शुक्तिकादि वस्तूनि सजातीयता बुद्धि निवृत्ति:’ ચાંદી અને છિપોલીમાં સમાનતા બુદ્ધિ ન રહેવી. આ તો શાસ્ત્રનું પ્રસિદ્ધ ઉદાહરણ માત્ર છે. જ્યારે દિવ્ય-માયિક પદાર્થો-ભાવોમાં, ભગવાન અને ઈતર વ્યક્તિ પદાર્થોમાં, ભગવાનના સાચા ભક્ત-અભક્તમાં વિલક્ષણતા ન સૂઝવી એ સંમોહ છે. સદ્‌. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે ‘સાચા કાચા….. એ જ મોટું અજ્ઞાન’ સાચા ભક્ત અને કાચા ભક્તને સરખા માની લેવા એ જ અજ્ઞાન છે, સંમોહ છે. તેને દૂર કરવો તે અસંમોહ કહેવાશે.

क्षमा-मनोविकारहेतौ सत्यपि अविकृतमनस्त्वम्‌’ મનોવિકાર-ક્રોધાદિક થવાનાં કારણોની હાજરીમાં પણ તે ન થાય, ત્યારે ક્ષમા કહેવાય. માત્ર ક્રોધ ન થવો તેટલા માત્રમાં ક્ષમા ગણાઈ જતી નથી. તે તો સુષુપ્તિમાં દરેક વ્યક્તિને સિદ્ધ જ હોય છે; પરંતુ ક્રોધ થવાના કારણોની હાજરીમાં પણ ક્રોધને દૂર કરવાને ક્ષમા કહી શકાશે. કોઈ આપણા પ્રત્યે ગમે તેટલો અપરાધ કરે, આપણને અપશબ્દો કહે, તાડન કરે તો પણ પોતાની સાર્મથી પ્રતિકાર કરવાની હોવા છતાં, તેને સહી લેવો અને એ અપરાધીને પોતાની તથા ઈશ્વરના તરફથી, અહીં તથા પરલોકમાં, કયાંય પણ દંડ ન મળે, એવો વિચાર કરવાનું નામ ‘ક્ષમા’ કહેવાય છે.

ત્યાં શંકા કરવામાં આવે છે કે ‘ननु कथं हेतौ सति तत्कार्यनिवृत्ति:’ ખરેખર, કાર્યના કારણોની હાજરીમાં પણ, કાર્યની નિવૃત્તિ કેવી રીતે શકય બને? એમ જો થાય, તો તે હેતુપણું જ લુપ્ત થઈ જશે. તેના હેતુઓમાં તેની ગણત્રી જ થશે નહિ. તો તેનું સમાધાન એ છે કે હેતુઓની સંપૂર્ણ હાજરી હોય તો કાર્યને અવશ્ય ઉત્પન્ન થવું જ જોઈએ. એવો કોઈ નિયમ નથી; પરંતુ પ્રતિબંધક રહિત હેતુ સામગ્રી હોય ત્યારે કાર્ય અવશ્ય ઉત્પન્ન થાય એવો નિયમ છે. જો એવો નિયમ ન હોય તો જ્યાં ત્યાં હેતુઓની હાજરી માત્રથી કાર્યની સદાકાળ અને સાર્વત્રિક ઉત્પત્તિ પ્રસંગ આવશે. કારણ કે નિત્ય એવા પરમાત્મા કારણરૂપે સદા-સર્વત્ર વિરાજમાન રહે જ છે. ત્યારે ક્ષમામાં અલૌકિતા શું છે? તો મણિમંત્રાદિકથી સર્પના ઝેરને નિષ્ફળ બનાવી દેવામાં આવે છે. તેમ પ્રબળ વિવેકરૂપી પ્રતિબંધકથી કોપ સામગ્રીનું સ્તંભન કરી દેવામાં આવે છે. એ જ તેની મહાનતા છે.

सत्य-यथादृष्टविषयं भूतहितरूपं वचनम्‌ शफद्बिह् યથાદૃષ્ટ હોય અને ભૂતપ્રાણી માત્રનું હિત કરનારું એવું વચન બોલવું, તેને સત્ય કહેવામાં આવે છે. સત્યમાં યથાદૃષ્ટની પણ અપેક્ષા રાખવામાં આવે છે; પરંતુ યથાદૃષ્ટ માત્ર બોલી દેવું, એને સત્ય માની લેવું, તે કયારેક ભ્રમણા બની જાય છે. એ સહજપણે આવી જતી હોવાથી તેને દૂર કરવા ‘सत्यं भूतहितं प्रोक्तम्‌’ એ સત્યની વ્યાખ્યાનો પ્રતિક્ષેપ થતો હોઈ ને તેને દૂર કરવા યથાદૃષ્ટની સાથે ભૂતહિત અવશ્ય લેવું પડે છે. ત્યારે જ તે સત્ય રહે છે, નહિ તો સત્યનો ભ્રમ માત્ર બની જાય છે. અહીં વ્યાખ્યા અનુસાર મનોવૃત્તિ રહેવી, દૃઢપણે માન્યતા રહેવી, તે સત્યને ધારણ કરનાર છે. કારણ કે અહીં મનોવૃત્તિનું પ્રકરણ હોવાથી મનોવૃત્તિરૂપે અભિપ્રેત છે. આગળ કહ્યું છે કે ‘भवन्ति भावा भूतानाम्‌’ વચન કરતાં મનોવૃત્તિરૂપ ભાવને લક્ષ્યમાં લેવામાં આવ્યો છે.

दम:शम: પરમાત્માની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને ઈન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી હઠાવીને, પોતાના વશમાં કરવા, નિયમન કરવું, તેને दमै: કહેવાય છે અને અંતઃકરણને સાંસારિક ભોગોના ચિંતનથી હઠાવવું તેને शम: કહેવાય છે. અનર્થ વિષયોથી હઠાવવાના છે. શાસ્ત્રીય વિષયોથી હઠાવવાની જરૂર નથી.

सुखदु:खम्‌ શરીર, મન અને ઈન્દ્રિયોને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં તેનો અનુભવ થતાં હૃદયમાં પ્રસન્નતાની ભાવના થાય છે. તેનું નામ ‘સુખ’ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં હૃદયમાં જે અપ્રસન્નતાનો અનુભવ થાય છે, તે ભાવને દુઃખ કહેવામાં આવે છે.

भवोऽभाव: સુખ-દુઃખ અને ભય-અભયની વચ્ચે ભવ-અભાવનો ઉલ્લેખ કરેલ હોવાથી બન્ને પરસ્પર વિરુદ્ધ ભાવમાં અર્થ લેવા ઉચિત ગણાશે. भव:भवनम्‌ અર્થાત્‌ભાવનમ્‌કારણ કે વિરોધ અર્થમાં અભાવ શબ્દ હોવાથી અહીં પણ ભાવ શબ્દ જ ભવ તરીકે વપરાયો છે. भवनम्‌ નો અર્થ ખાલી થવું એવો નહિ લેતાં उद्धर्ष લેવો વિવક્ષિત છે. તે અવસાદનો પ્રતિયોગી છે. અવસાદ એટલે ખિન્નતા. જ્યારે ઉદ્ધર્ષ એટલે તેનો વિરોધી.

भयं चाभयमेव च-आगामि प्रत्यवाय उत्प्रेक्षा-भयम्‌ ભવિષ્યમાં કંઈક અનર્થ-અનિષ્ટ થવાની ઉત્પ્રેક્ષા-આશંકા થવી તે મનોવૃત્તિને ભય કહેવાય છે. મનુષ્યના આચરણ, ભાવ વગેરે શાસ્ત્ર અને લોકમર્યાદાની વિરુદ્ધ હોવાથી મનુષ્યને અંતઃકરણમાં ભય પેદા થાય છે. જો પોતાનાં આચરણો, ભાવ વગેરે સારા છે તે કોઈને કષ્ટ નથી પહોંચાડતો. સંતપુરુષો અને શાસ્તરની વિરુદ્ધ કોઈ આચરણ નથી કરતો તો તેના હૃદયમાં પોતાનું અનિષ્ટ થવાની આશંકા નથી ઊઠતી. અર્થાત્‌તેને કોઈનાથી ભય નથી થતો. આને જ અભય કહેવામાં આવે છે.

अहिंसा परदु:खा हेतुत्वम्‌ પારકાના દુઃખમાં કોઈ પણ પ્રકારે હેતુરૂપ-કારણરૂપ ન થવું તેમાંથી નિવૃત્તિ તે અહિંસા છે. તેના દુઃખમાં અર્થાત્‌તેનું અહિત કરવામાં. એવું તાત્પર્ય છે. તેથી ચિકિત્સા વિગેરેમાં હિત કરવા માટે દુઃખ કરાય છે, અહિત અર્થે નથી. માટે તેમાં હિંસાનો અભાવ ગણાશે. અભય અને અહિંસા એ અભાવ સ્વરૂપ હોવા છતાં ભાવાન્તરરૂપે મનોવૃત્તિરૂપ ગણવામાં આવ્યા છે.

समता-સમત્વ ઘણા વિષયવાળું હોવા છતાં અહીં હિંસાનો જ્યારે નિષેધ પ્રસંગથી હિંસાના વિષયભૂત શત્રુની સ્મૃતિ થઈ આવે છે. તેથી દ્વેષાદિના અભાવથી શત્રુ, મિત્રાદિકમાં સમતા અહીં વિવક્ષિત કરવામાં આવી છે. ‘सममति: आत्मसृहृत्‌-विपक्ष-पक्षे’ (વિ.પુ.) અર્થાત્‌આત્માર્થ અને પરાર્થ તથા આત્માનર્થં-પરાનર્થમાં સમતા થવી.

तूष्टि: તુષ્ટિનો સમતાની સાથે પાઠ હોવાથી શત્રુની સમૃદ્ધિ વધે અને આપણી સમૃદ્ધિ ઘટે તો પણ પ્રસન્ન રહેવું. સંતુષ્ટ રહેવું એ જ પોતાનો સહજ સ્વભાવ છે. પ્રતિકૂળ ભાવનાદિકને આધીન જ વૈરાદિકની ભાવનાઓ ઉદ્‌ભવ થાય છે. જે થવા ન દેવી, તે વાત યોગસૂત્રમાં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા જે ચાર ચિત્તપરિકર્મ કહ્યા છે તેવા મુદિતા-વૃત્તિનું અહીં તાત્પર્ય છે અથવા આવશ્યકતા વધારે રહેવા છતાં પણ ઓછું મળે તો તેમાં સંતોષ કરવો તથા વધારે કાંઈક મળે તેવી ઈચ્છાનું ન રહેવું,એ તુષ્ટિ કહેવાય છે. તાત્પર્ય એ છે, મળે અથવા ન મળે, ઓછું મળે અથવા વધારે મળે, શત્રુને મળી જાય, આપણને ન મળે. આપણું હોય તે ચાલ્યું જાય, શત્રુએ ગુમાવેલું પાછું મળી જાય વગેરે દરેક હાલતમાં પ્રસન્ન અને સંતુષ્ટ રહેવું, તે તુષ્ટિ છે. તેમ રહેવું ઘણું દુર્લભ હોય છે.

तप: શાસ્ત્રીય ભોગસંકોચરૂપ કાયકલેશને તપ કહેવાય છે. બીજા પરિબળોથી આવેલ કલેશનો પરિહાર કરવા શાસ્ત્રીય ભોગસંકોચ કરતા જે કલેશ પ્રાપ્ત થાય તેને તપ કહેવાય તે પણ વ્યાધિ આદિકથી ભોગ સંકોચ થાય તે તપમાં ગણાતું નથી. અથવા વ્યાધિથી શારીરિક કલેશ પ્રાપ્ત થાય તેને પણ તપ ગણી શકાય નહિ. શાસ્ત્ર દૃષ્ટિથી સ્વસંકલ્પથી ભોગ સંકોચ કરવા જે કાયકલેશ પ્રાપ્ત થાય, ત્યારે તે તપ ગણવામાં આવે છે. શાસ્ત્ર પ્રમાણે પોતાનું કર્તવ્ય પાલન કરતા જે કાંઈ કષ્ટ આવી જાય કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય તે બધાને પ્રસન્નતા પૂર્વક સહિ લેવાનું નામ તપ કહેવાય છે. એકાદશી-ચાતુર્માસ વિગેરે વ્રતોનું પાલન તપ ગણાય છે.

दानम्‌-स्वकीयभोग्यानां परस्मै प्रतिपादनम्‌-दानम्‌ પોતે ભોગવવાના અધિકારને બીજાને આધીન કરી દેવાને દાન કહેવાય છે. स्वकीयभोग्यानां એટલા માટે કહેવું પડયું કે પોતાને પણ નકામા પદાર્થો હોય અને તે બીજાને આપી દે છે, તો તે સાચા અર્થમાં દાન નથી. પોતાના ઉપયોગમાં તો આવી શકે છે પણ જેને દેવામાં આવે છે તેને પણ જો ઉપયોગમાં આવવાનું ન હોય, તો પણ તે દાનના અર્થમાં આવશે નહિ. દાન દેવા પાછળ પ્રત્યુપકાર, જે તે દાન લઈને ભવિષ્યમાં મને કાંઈ ઉપયોગી થાય, કે એવી કોઈ પાછા સહકારની આશા રાખીને કરવામાં આવે, તો તે દાન ગણાતું નથી. તેમ જ ફળની ઈચ્છા-કેવળ પરમાત્માની પ્રસન્નતાના હેતુથી દાન દેવાનું હોય છે. તે પણ પોતાની શુદ્ધ કમાણીમાંથી દેવાનું હોય છે. દાન દેવામાં સત્પાત્ર ખાસ જોવાનું હોય છે. ‘કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બોવું-વિવેકી નર ને એમ વિચારીને જોવું.’

यशोऽयश:- यश: ગુણવત્તા પ્રથા-ગુણવાન તરીકે વિખ્યાતિને યશ કહેવાય છે અને દોષવાળા તરીકે વિખ્યાતિને અયશ-કુયશ કે અપયશ કહેવાય છે. મનુષ્યના સારા આચરણો ભાવો અને ગુણોને લીધે સંસારમાં જે નામની પ્રસિદ્ધિ, પ્રશંસા થાય છે તે યશ છે. ખરાબ આચરણો, ભાવો અને ગુણોને લીધે સંસારમાં જે નામની નિંદા થાય છે, કુખ્યાતિ થાય છે, તે અયશ કહેવાય છે. બન્નેમાં વિખ્યાતિ સાધારણ છે. ગુણોથી કે દોષોથી તે વિશેષતા છે. આ બન્નેના અનુરૂપ મનોવૃત્તિ બનવી તેને અહીં વિભૂતિ કહેવામાં આવે છે. અર્થાત્‌શાસ્ત્ર અનુસારે કે ભગવાનને ખાતર પણ મનમાં સુયશની ભાવનાનો ઉદય થવો અથવા અપયશને મિટાવવાની ભાવનાનો ઉદય થવો તે ભગવાનનો પ્રભાવ છે, એમ સમજવું. તેવી જ રીતે તપદાનને સ્થૂળપણે નહિ લેતાં મનોવૃત્તિ ઉદ્‌ભવની અહીં વિશેષ ગણતરી લેવામાં આવે છે. કારણ કે મનોવૃત્તિનું પ્રકરણ ચાલે છે માટે.

भवन्ति भावा भूतानां मत्त: एव पृथक्‌विधा: અહીં મનોવૃત્તિ પ્રકરણ અને વિભૂતિ પ્રકરણ ચાલતું હોવાથી ભય, અભાવ, અયશ વિગેરે જે વિરોધી ભાવો છે અને દોષરૂપ છે, તેને હૃદયમાંથી મિટાવી દેવાની ભાવના ઊઠવી, તે ભગવાનનો પ્રભાવ કે ભગવાનની વિભૂતિરૂપમાં ગણાય. નહિ કે જેમના તેમ ઊજિર્ત સ્વરૂપમાં દોષો પણ ભગવાનની વિભૂતિ ગણાય. કારણ કે વિભૂતિનું તાત્પર્ય છે, ભક્તિ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થવું અને તે ગુણમય ભાવો અથવા દોષ વિરોધી ભાવો જ તેમાં મદદરૂપ થઈ શકે છે, માટે તેવો ભાવ લેવો યોગ્ય ગણાશે. સર્વે ભાવો-અર્થાત્‌અભિપ્રાયને પણ ભાવ કહેવામાં આવે છે. અહીં ખાસ કરીને તેને જ વિશેષ કરીને વિવિક્ષિત કરવામાં આવ્યો છે. તે ભાવો-અભિપ્રાયો-પ્રવૃત્તિ નિવૃત્તિમાં હેતુરૂપ હોય છે તેથી સદ્‌ગુણની પ્રવૃત્તિ અને તેમાં પણ પરમાત્માની અનન્ય ભક્તિની પ્રવૃત્તિમાં કારણરૂપ અને ઈતર-દોષમાં નિવૃત્તિમાં કારણરૂપ-ભક્તિના વિઘ્ન નિવૃત્તિના કારણરૂપ જીવના હૃદયમાં અભિપ્રાયો કે ભાવો ઊઠે છે, તેની સત્તા સ્ફૂર્તિ કે શક્તિ ઊઠે છે. તે વાતને ભગવાન કહે છે. તે ભાવો ભગવાનના પ્રતાપે મારા હૃદયમાં ઉઠે છે તેમ જીવે-સાધકે માનવાનું છે, જાણવાનું છે. તો તેના હૃદયમાં જલ્દી ભક્તિનો ઉદય થાય છે. ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ છે કે, તમામ શુભ વસ્તુના મૂળમાં અને અશુભ નિવૃત્તિના મૂળમાં હું છું, એમ તમે માનો. ‘यद्‌ यद्‌ विभूतिमत्‌ सत्त्वं श्रीमदूर्जितमेव वा। तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽश संभवम्‌। એમ માનવાથી મારી મહત્તા તમારા હૃદયમાં ઊંડે ઊંડે ઠરશે અને ભક્તિનું બીજારોપણ થશે. ભગવાનની વિભૂતિને તત્ત્વથી જાણવાથી ભગવાનમાં અવિકલ્પ (અવિચલ) યોગ થાય છે, અવિચલ નિષ્ઠા થઈ જાય છે. (ગી.૧૦/૭)

અહીં પ્રાણીઓમાં જે વીસ ભાવો બતાવવામાં આવ્યા છે, તેમાં બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ, ક્ષમા, સત્ય, દમ, શમ, અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, આ બાર ભાવો તો એક-એક (એકલા) છે. તે અંતઃકરણમાં ઊઠવાવાળા છે. સુખદુઃખ, ભાવ-અભાવ, ભય-અભય અને અને યશ-અયશ આ ચાર જોડા છે. અર્થાત્‌આઠ જોડાના રૂપમાં છે. તેમાંથી ભાવ અને અભાવ, યશ, અયશ આ ચાર પ્રાણીના પૂર્વકર્માધીન ફળ રૂપે આવે છે. સુખ, દુઃખ અને ભય એ ત્રણે છે તો પૂર્વકર્માધીન પણ તેને પૂર્વકર્મના ફળરૂપે ન ગણવા જોઈએ. એ ત્રણે જીવની મૂર્ખતાના-વિવેકહીનતાના ફળ છે. અભય એ પરમાત્માના આશ્રય કે નિષ્ઠાના ફળરૂપે હોય છે.

સાધક સંસારને કેવી રીતે જુએ? તો એવી રીતે જુએ કે તેને સંસારમાં પરમાત્માના દર્શન થાય. સાધકનું આચરણ તમામ નબળા ભાવોથી વિમુક્ત હોય પણ દૃષ્ટિ તમામ સંસારમાં પરમાત્માને જોનારી હોવી જોઈએ. અર્જુનનો વિભૂતિ અંગેનો પ્રશ્ન (૧૦/૧૭) પણ એવા જ વિષયનો છે. હે ભગવાન ! મારે તમને આ જગતમાં કેવા કેવા રૂપે જોવા? તેના ઉત્તરમાં જ ભગવાન પોતાની વિભૂતિઓ બતાવી રહ્યા છે. સંસારમાં તો તમામ સારું જ હોવાનું શકય નથી પણ સંમગ્ર સંસારમાં સારું જોવું, તેનાથી પણ આગળ પોતાના ઈષ્ટદેવ-પરમાત્માને જોવા એ માટે વિભૂતિઓ ભગવાન બતાવી રહ્યા હોય છે.

महर्षय: सप्त पूर्वे चत्वारो मनवस्तथा।

मद्‌भावा मानसा जाता येषां लोक इमा: प्रजा:।।६।।

અર્થ : સાત મહર્ષિઓ, તે પહેલાંના ચાર-સનકાદિકો તથા ચૌદમનુઓ, આ સઘળા કે જેમનાથી લોકમાં આ સઘળી પ્રજાઓ થઈ છે, તે બધા બ્રહ્માના મનથી થયેલા મારા ભાવો છે. ।।૬।।

ચાર અને પાંચ શ્લોકમાં ભગવાને પ્રાણીઓના ભાવરૂપે વીસ વિભૂતિઓ બતાવી. હવે આ શ્લોકમાં વ્યક્તિરૂપે પચીસ વિભૂતિઓ બતાવી રહ્યા છે. જે પ્રાણીઓમાં વિશેષ પ્રભાવશાળી છે. જગતના કારણરૂપ છે. અર્થાત્‌કોઈ ને કોઈ પ્રકારે પરમાત્માનું આ જગત-સજર્ન-પોષણ કે સંહારમા કાર્યના અસાધારણ ભાગરૂપે કાર્ય કરી રહ્યા હોય છે.

सप्तमहर्षय: સપ્ત મહર્ષિઓ, જેઓ દીર્ધ આયુષ્યવાળા, મંત્રોને પ્રગટ કરવાવાળા, ઐશ્વર્યવાન્‌, દિવ્ય દૃષ્ટિવાળા, ગુણ, વિદ્યા વગેરેથી વૃદ્ધ છે. ધર્મને સાક્ષાત્‌કરવાવાળા છે અને ગોત્રોના પ્રર્વતક છે. એવા ગુણોથી યુક્ત સાતેય મહર્ષિઓ સપ્તર્ષિ કહેવાય છે. તેઓ ઉપર બતાવેલા સાતેય ગુણોથી પણ યુક્ત છે. તેઓ મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ય, પુલહ, ક્રતુ અને વશિષ્ઠ, આ સાતેય વેદવેત્તા છે. વેદોના પણ આચાર્ય માનવામાં આવ્યા છે. પ્રવૃત્તિધર્મનું સંચાલન કરવાવાળા છે અને પ્રજાપતિના કાર્યમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. મહર્ષિ કહેવામાં આવ્યા છે અને તેઓ મારી વિભૂતિ છે.

पूर्वे चत्वार: સનક. સનંદન, સનાતન અને સનતકુમાર આ ચારેય બ્રહ્માજીના તપ કરવાથી સહુથી પહેલા પ્રગટ થયા છે. આ ચારેય ભગવત્‌સ્વરૂપ છે. સહુથી પહેલા પ્રગટ થવા છતાં પણ આ ચારેય સદા પાંચ વર્ષની અવસ્થાવાળા બાળકરૂપમાં જ રહે છે. જેથી ભગવાનની વિભૂતિરૂપ-બ્રહ્મચર્ય ધર્મ-માં ક્ષતિ ન પહોંચે, એવા અભિપ્રાયથી ભગવાન પાસે એવું વરદાન તેમણે માગેલું છે. તેઓ ભગવાનના અભિપ્રાય સાથે એકતા ધરાવનારા છે. તેઓ ત્રણેય લોકમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો પ્રચાર કરતા ધૂમતા રહે છે. તેમના મુખે ભગવાનનું નામ સદા ગૂંજતું રહે છે. ભગવત્‌કથાના તેઓ બહુ જ પ્રેમી છે. આથી તેઓ ચારમાંથી એક વક્તા અને બીજા ત્રણ શ્રોતા બનીને ભગવત્‌કથા સદાને માટે કરતા અને સાંભળતા રહે છે. ભગવાન કહે છે તે મારી વિભૂતિ છે.

मनवस्तथा: બ્રહ્માજીના એક દિવસમાં ચૌદ મનુઓ થાય છે. આ બધા બ્રહ્માજીની આજ્ઞાથી સૃટિ પ્રવર્તનમાં યોગદાન આપનારા છે. જેનું ભાગવત અષ્ટમ સ્કંધમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.

मानसा जाता: સકલ સૃષ્ટિ ભગવાનના સ્વતંત્ર સંકલ્પથી થઈ છે. અહીં સપ્તર્ષિ વગેરેને ભગવાનના મનથી ઉત્પન્ન થયેલા બતાવ્યા છે. ખરેખર તો તેઓ બ્રહ્માજીના માનસ પુત્રો છે. છતાં પણ સૃષ્ટિ કરવામાં બ્રહ્માજી અને ભગવાનમાં એક જ સંકલ્પ છે. બ્રહ્માજીનો સંકલ્પ તદ્દન ભગવાનના સંકલ્પને આધીન છે. તેથી સૃષ્ટિ વિષયમાં સંપૂર્ણપણે ભગવાનના અભિપ્રાયને અનુસરનારા છે. બ્રહ્માજીએ જે માનસપુત્રો ઉત્પન્ન કર્યા છે તે પણ ભગવાનના સંકલ્પાનુસાર સૃષ્ટિ કરવાના સંકલ્પથી ઉત્પન્ન કર્યા છે. ઉત્પન્ન થયેલા તેઓ પણ મુખ્યપણે ભગવાનના અભિપ્રાયને અનુસરનારા છે. તેને અનુસારે બ્રહ્માજીના સંકલ્પને અનુસરનારા છે. તેથી ભગવાનના માનસ પુત્રો કહેવામાં આવ્યા છે.

मद्‌भावा: આ બધા मद्‌भावा: છે मम यो भाव: स एव येषां भाव: इति मद्‌भावा:’ સૃષ્ટિ વિષયમાં મારો જે અભિપ્રાય છે અને અનંત જીવોને આત્મકલ્યાણનો ઈરાદો છે એ વિષયમાં તેઓ મારું સમાનાધિકરણ્ય ધરાવનારા છે. અર્થાત્‌તેવો જ અતિ પવિત્ર ઈરાદો-અભિપ્રાય ધરાવનારા છે. માટે મારી વિભૂતિરૂપ છે. તેથી ભગવાનના મંગલકારી ઈરાદા-અભિપ્રાયની સાથે એકતા ધરાવનારા પવિત્ર ઈરાદાવાળા સંતપુરુષો-ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિક અને એવા બીજા સંતો પણ વ્યક્તિ સ્વરૂપમાં ભગવાનની વિભૂતિ ગણાય છે. ‘विभूतित्वं नाम तत्कार्यत्वे सति तद्‌ अभिन्नत्वम्‌’ એ ન્યાયે તેઓ વિભૂતિમાં ગણાય છે.

येषां लोकमिमा: प्रजा: આ સંસારમાં બે પ્રકારની પ્રજા છે. નરમાદા સંયોગથી થવાવાળી, અને શબ્દથી (મંત્ર, દીક્ષા, ઉપદેશ વગેરેથી) ઉત્પન્ન થવાવાળી. તેમાં સંયોગથી ઉત્પન્ન થવા વાળી પ્રજા બંુદ સૃષ્ટિ કહેવાય છે અને શબ્દથી ઉત્પન્ન થવાવાળી પરંપરા નાદસૃષ્ટિ કહેવાય છે. બુંદસૃષ્ટિ પુત્ર પરંપરાથી અને નાદસૃષ્ટિ શિષ્ય પરંપરાથી આગળ ચાલે છે. તેમાં સપ્તર્ષિઓ અને મનુઓથી થયેલી બુંદસૃષ્ટિ છે. જ્યારે સનકાદિકોથી ચાલેલી પરંપરા નાદસૃષ્ટિ ગણાય. તેથી નિવૃત્તિ પરાયણ તમામ મહાપુરુષો નાદસૃષ્ટિમાં ગણાય.

एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वत:।

सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशय:।।७।।

અર્થ : મારી આ વિભૂતિ અને મારું આ સામર્થ્ય તેને જે તત્ત્વથી જાણે છે, તો તે પુરુષ અવિચળ ભક્તિયોગથી જોડાય છે-નિષ્પન્ન થાય છે, એમાં કાંઈ સંશય નથી. ।।૭।।

एतां विभूतिं योगं च मम-एताम्‌ સર્વનામ અત્યંત સમીપતાનું લક્ષ્ય કરાવે છે. અહીં આ શબ્દ ચોથાથી છઠ્ઠા શ્લોક સુધી કહેલી વિભૂતિ અને યોગનું લક્ષ્ય કરાવે છે.

विभूति-ऐश्वर्यम्‌-एतां सर्वश्च मदायत्तउत्पत्ति स्थितिप्रवृतितारुपां विभूतिम्‌। मम हेयप्रत्यनीककल्याण गुणगण योगं च तत्त्वत: वेत्ति।

विभूति એટલે ભગવાનનું ઐશ્વર્ય છે અને યોગ એટલે કલ્યાણ ગુણગણ યોગ-અલૌક્કિ શક્તિ યોગ છે. આ યોગથી થવાવાળી વિશેષતાઓનું નામ વિભૂતિ છે. જેમ કે સૌભરી ઋષિએ ૫૦ રૂપ ધારણ કર્યાં, તો પોતાની યોગશક્તિથી ધારણ કર્યાં. તે તેનો શક્તિયોગ કહેવાય. તે ૪૯ સ્વરૂપો પોતાની વિભૂતિ કહેવાય. ‘विभूतिभूतिरैश्वर्यम्‌’ એવો નિઘંટુ કોષ છે. અને विभू-शब्द: नियन्तरि प्रयुक्त चर-વિભુ શબ્દ નિયંતા માટે ઘણું કરીને વપરાય. નિયમન કરવાનું નામ વિભવન થશે. वस्त्वन्तर सामानाधिकरण्य यद्‌ विभूति शब्देषु तु नियन्तत्वविषयता वक्ष्यते। વિભૂતિમાં વસ્ત્વન્તર સમાનાધિકરણ્ય હોય છે. જેમ કે વૃક્ષોમાં અશ્વત્થ છે. તો પીપળો ભગવાનથી બીજી વસ્તુ છે. તે વસ્તુમાં પીપળાપણું પણ રહે છે અને ભગવાનની વિભૂતિનું પણ અધિકરણ રહે છે. તેથી તે બે વસ્તુનું અધિકરણ-સમાનાધિકરણ્ય બને છે. વિભૂતિમાં દરેક જગ્યાએ આવું હોય છે. તેની જેમ જ નિયન્તવ્ય વિષયતા પણ હોય છે. ઉત્પત્તિ સ્થિતિ સ્વસંકલ્પાધીન ભગવાન કરે છે અને પ્રવૃત્તિ જે स्वकार्याय व्यापार તે પણ ભગવાન પોતાને અનુસારે વિભૂતિમાં કરાવે છે. અર્થાત્‌સંત ભગવાનની વિભૂતિરૂપ હોય અથવા રાજા ભગવાનની વિભૂતિ હોય, તો તે વિભૂતિની પ્રવૃત્તિ અર્થાત્‌ચેષ્ટાઓ પરમાત્મા પોતાના કાર્યસિદ્ધિ માટે કરાવે છે અર્થાત્‌પરમાત્માની કાર્યસિદ્ધિ અર્થે ચેષ્ટા, પ્રયત્ન થાય ત્યારે જ તે વિભૂતિરૂપતા ધારણ કરી શકે છે. ભગવાને જે ચોથા, પાંચમાં, છઠ્ઠા શ્લોકમાં ભાવરૂપમાં અને વ્યક્તિના રૂપમાં જે વિભૂતિઓ બતાવી, તે તો ભગવાનના સામર્થ્યથી અને પ્રભાવથી પ્રગટ થયેલી વિશેષતાઓ છે. मत्त: ભગવાન કહે છે મારાથી ઉત્પન્ન થાય છે. मानसा जाता: મારા સંકલ્પથી ઉદ્‌ભવ થયા છે. એ ભગવાનનું અમોધ-અમિત ઐશ્વર્ય છે. તેને યોગ શબ્દથી બતાવ્યું છે.

જ્યારે મનુષ્ય ભોગબુદ્ધિથી ભોગ ભોગવે છે અને ભોગોથી સુખ લે છે, ત્યારે પોતાની શક્તિનો નાશ અને ભોગ્ય વસ્તુનો વિનાશ થાય છે. જ્યારે ભોગબુદ્ધિ દૂર કરીને કેવળ નિષ્કામ ભાવથી ભગવત્‌વિનિયોગાર્થે તે વસ્તુને વાપરે છે, ત્યારે તે સાધકમાં શક્તિનો સમૂહ પ્રગટે છે અને વપરાયેલી વસ્તુ દિવ્ય ભાવને પામી જાય છે. (વચ.ગ.પ્ર. પ્ર.૭૧) આ રીતે ભોગબુદ્ધિથી બંને પ્રકારે હાનિ થાય છે. જ્યારે તે ભોગોને ભોગબુદ્ધિથી નથી ભોગવતો અને ભોગોને ભગવાનની સેવાર્થે વિનિયોગ કરે છે, ત્યારે તેની શક્તિનો નાશ થતો નથી તેના શક્તિ અને સામર્થ્ય નિરંતર ટકી રહે છે, વધતા પણ રહે છે. તેથી વાસ્તવમાં ભોગોને ભોગવવામાં સુખ નથી. સુખ છે-ભોગોના સંયમમાં. યોગ શબ્દનો ત્રણ અર્થમાં ધાત્વર્થ પ્રયોગ થાય છે. યોગ-સંયમને, ‘યુજિર’-યોગે જે યોગ-સામર્થીના અર્થમાં પણ વપરાય છે. તેથી યોગનો અર્થ સંયમ પણ થાય છે. સંયમ બે પ્રકારનો હોય છે (૧) બીજા ઉપર શાસન રૂપી સંયમ જેને વિશેષે કરીને નિયમન કહેવાય છે (૨) પોતાના ઉપર શાસનરૂપી સંયમ. બીજાઓના ઉપર શાસનરૂપી સંયમમાં શાસ્ત્ર અને ભગવાનનું તાત્પર્ય છે-બીજાઓનું દુઃખ દૂર કરવું અને તેને સુખી કરવા. તેને અર્થે ભગવાન બીજાઓનું નિયમન કરે છે. શાસ્ત્રનો પણ એવો જ અભિપ્રાય છે. એવા ભાવથી બીજાઓને ઉન્માર્ગેથી બચાવીને સન્માર્ગે લગાડવા. પોતાના ઉપર શાસન રૂપ સંયમનું તાત્પર્ય છે-પોતાના સ્વૈચ્છિક સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરવો અને પોતે સંપૂર્ણપણે ભોગબુદ્ધિથી ઉપર ઊઠવું. આ બન્ને સંયમોનું નામ ‘યોગ’ કહેવાય છે. તેનાથી જે ‘પ્રભાવ’ સામર્થી વધે, ને જે સજર્ન થાય તે ‘વિભૂતિ’ છે. આવો યોગ અને વિભૂતિ સર્વોપરી પરમાત્મામાં જ પૂર્ણરૂપે હોય છે. અથવા તેમની આરાધનાથી તેમના ભક્તમાં આંશિકરૂપે હોય છે.

સ્વાર્થ અને અભિમાનપૂર્વક બીજાઓના ઉપર શાસન કરવાથી, પોતાનો હુકમ ચલાવવાથી બીજો વશમાં થઈ જાય છે, ત્યારે શાસન કરવાવાળાને એક પ્રકારનું સુખ થાય છે. આવા સુખમાં શાસકની શક્તિ અને સામર્થી (ઐશ્વર્ય) ક્ષીણ થઈ જાય છે, તે તેજહીન થઈ જાય છે. જેના ઉપર તે શાસન કરે છે, તે પરાધીન થઈ જાય છે. જ્યારે પરમાર્થ બુદ્ધિથી-કલ્યાણ બુદ્ધિથી બીજાઓ ઉપર શાસન કરવાથી તેના શક્તિ-સામર્થી વૃદ્ધિ પામે છે. જેઓના ઉપર શાસન કરે છે અર્થાત્‌જેઓ તે શાસનને અનુસરે છે, તે માયાના ભાવથી મૂકાઈને મુક્ત બને છે, દિવ્યભાવને પામી જાય છે. એવી બુદ્ધિથી બીજાઓ ઉપર શાસન કરવું તે પરમ કરુણા છે. તે બહુ જ શ્રેષ્ઠ અને વિલક્ષણ છે. ભગવાનનું શાસન આ પ્રકારનું હોય છે. તેમના સાચા એકાંતિકનું શાસન આ પ્રકારનું હોય છે તેને યોગ સામર્થી પણ કહેવાય છે.

યોગનો અર્થ સમતા, સંબંધ, સંયમ અને સામર્થી પણ થાય છે. જે પરમાત્મતત્ત્વમાં સ્થિર થાય છે. તેમાં તે બધા જ લક્ષણો આવે છે. કારણ કે પરમાત્મા સમાન સામર્થી કોઈનામાં છે નહિ, અને થશે નહિ. નિષ્કામભાવે પરમાત્મામાં જોડાવાથી તેવી સામર્થી ભક્તમાં પણ આવે છે. કારણ કે કામનામાં પ્રર્વતવાથી શક્તિનો ક્ષય થાય છે અને નિષ્કામ થવાથી શક્તિનો સંચય થાય છે.

यो वेत्ति तत्त्वत:- तत्त्वत: નું તાત્પર્ય એમ છે કે ईश्वरेऽनीश्वरस्वभावभूत पारतंत्र्य दु:खाज्ञानाद्यारोपम्‌ પરમાત્મા સિવાય ઈતરમાં જ્યાં કાંઈ તેજ, શક્તિ કે અતિમર્યાદ સામર્થી દેખાય છે, ત્યાં બીજા અનીશ્વર ગુણો પણ હોવાના. અનિશ્વર એવા બીજામાં ઈશ્વર ગુણોની ઝલક હોવાની. તેનાથી અનીશ્વર ગુણોની લેશ ઝલક પણ પરમાત્મામાં નથી. તે દેખાય, તો તે જીવની જ છે. અનીશ્ચવર જીવમાં જે પરમાત્માની વિભૂતિરૂપ ઝલક દેખાય છે તે કયારેય જીવની પોતાની છે, એમ ન માની લેવાય અને જીવાધિકરણમાં હોવા છતાં પરમાત્માની જ છે. તેમ મનાય ત્યારે તે વિભૂતિને તત્ત્વથી જાણી ગણાય. વસ્તુ, વ્યક્તિ વગેરેમાં જે કાંઈ વિશેષતા દેખવામાં આવે છે,વ્યક્તિઓમાં જે જ્ઞાનદૃષ્ટિએ, વિવેકદૃષ્ટિ એ તથા સંચાલનની દૃષ્ટિએ જે કાંઈ વિલક્ષણતા તે બધાના મૂળમાં ભગવાન કહે છે કે હું જ છું. એ રીતે બરાબર સમજી લે છે અને માની લે છે. તો પછી તે બધી વિલક્ષણતાઓમાં તે વ્યક્તિ મારી મૂર્તિને જ દેખતો થઈ જશે. પછી તો ‘જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે, ભાત્ય દેખી ભૂલે નહિ, અનુભવ ઉજાસે રે’ એવું થઈ જશે.સંસારમાં જ્યાં જ્યાં અલૌકિક ભાવ દેખાય ત્યાં વસ્તુ, વ્યક્તિ વગેરેને માનવાથી વ્યક્તિ તેમાં ફસાઈ જાય છે, મોહિત થઈને ખેંચાય જાય છે ને અધોગતિને પામે છે. કારણ કે તે વિશેષતા તેની તો છે નહિ. વસ્તુતાએ પરમાત્માની જ છે. તેણે બીજાની માની લીધી તેથી મોહિત થઈને ફસાય છે. માટે વિલક્ષણતા જોઈને તેના વાસ્તવિક મૂળ તત્ત્વ તરફ દૃષ્ટિ જવી અને તેને ઓળખી લેવું તે જ તત્વથી જાણવું ગણાય. અહીં જે વિભૂતિઓનું વર્ણન કર્યું છે, તે વિભૂતિઓના રૂપમાં પ્રગટ થવાવાળું સઘળું ઐશ્વર્ય પરમાત્માનું છે, નહિ કે તે વસ્તુનું કે વ્યક્તિનું.વિલક્ષણતા પરમાત્માની છે. આથી દેખનારાની દૃષ્ટિ પરમાત્મા તરફ કેન્દ્રિત થાય એ જ વિભૂતિ બતાવવાનો હેતુ, ઉદ્દેશ છે. તેને જ તત્ત્વથી જાણ્યું ગણાય છે. सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशय અવિકમ્પેનનું તાત્પર્ય એ છે કે તેને મારામાં દૃઢ ભક્તિ થઈ જાય છે. મારો દૃઢ આશરો થઈ જાય છે. તેમાં કોઈ ડગમગાટ રહેતો નથી. એટલું જ નહિ પણ હજારો બાધાઓની સામે પણ તેની ભક્તિ કયારેય ડગમગાટ લેતી નથી. તેને મારા (પરમાત્મા) સિવાય કયાંય પણ કિંચિત્‌માત્ર પણ મહત્ત્વ બુદ્ધિ રહેતી નથી. તેથી તેનું આકર્ષણ એક માત્ર મારામાં જ રહે છે. તેમાં સંદેહ નથી અને સંદેહ થાય છે, તો જાણવામાં કચાશ છે. એમ જાણવું.