ગીતા અધ્યાય-૦૯, શ્લોક ૨૬ થી ૩૪

શ્લોક ૨૬-૩૪

નિષ્કામ ભગવદ્ભક્તિનો મહિમા

पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति।

तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मन:।।२६।।

અર્થ : કેટલો સરળ અને સુલભ છું તે તો જો !) પત્ર, પુષ્પ, ફળ કે જળ જે મને પ્રેમથી અર્પણ કરે છે. તે હું પવિત્ર-એકાગ્ર મનવાળા મારા ભક્તનું ભક્તિથી આપેલું ગ્રહણ કરું છું. ।।૨૬।।

પચીસમાં શ્લોકમાં એક સરખો પ્રયાસ કરવા છતાં પ્રાપ્તિમાં તફાવત પડી જાય છે એ વાત કહી. હવે અહીં આ શ્લોકમાં અન્ય દેવતાઓ અને પરમાત્માને પ્રસન્ન થવાના કે પ્રાપ્તિના ઉપાયની વિષમતા કે ભિન્નતા છે, તે બતાવે છે.

સર્વને સુલભ એવા તે તે સમયમાં યથાસંભવ જે કાંઈ પ્રાપ્ત થાય, તેનાથી પરમાત્માની આરાધના થઈ શકે છે. અન્ય દેવતાઓ તેવું ચલાવી શકતા નથી. પત્ર, પુષ્પ, ફળ, જળ તેમાં ઘણું કરીને કારણ ભાવ રહ્યો છે. અર્થાત્‌પ્રથમને પછીના ઉત્પન્ન કરનારા છે. માટે તેવા ક્રમમાં બતાવ્યા છે. તે બધાને અલગ અલગ પ્રયોગ કર્યો છે, સમાસ બનાવ્યો નથી. તેનું તાત્પર્ય એ છે કે કોઈપણ એક પ્રાપ્ત થયું તો પણ ભગવાનની પ્રસન્નતામાં કારણ બની શકે છે. સર્વના અભાવમાં પણ જળ તો મળે જ. એની સુલભતા હોય છે. માટે તેને છેવટે બતાવ્યું છે ‘यो… प्रयच्छति’ એમાં સામાન્ય સર્વનામનો ઉપયોગ કરવાનું એવું તાત્પર્ય છે કે મારો અપરાધ કરનારો હોય કે નિરાપરાધી હોય, તો પણ… મનુષ્ય, પશુ, પક્ષી વગેરે જડ, અજડ વિભાગ પણ કાંઈ જોતો નથી. જે બત્રીસમાં શ્લોકમાં બતાવવાના છે ‘येऽपि स्यु: पापयोनय:। स्त्रियो वैश्यास्तथा शूद्वास्तेऽपि यान्ति परां गतिम्‌ । (९/३२) વળી શ્લોકમાં ‘भक्त्या’ શબ્દ બેવાર પ્રયોગ થયો છે. તેનું તાત્પર્ય એ છે કે ભગવાનને આદર કરવા યોગ્ય તો ભક્તિ જ છે. ભક્તિ દ્વારા જ ભગવાન ભક્તને મૂલવે છે. બીજા વિધિવિધાન કે સાધનોથી નહિ. ‘प्रयतात्मन:’ શબ્દ ભક્તને માટે વપરાયો છે. તેનું તાત્પર્ય છે-‘प्रयोजनान्तर रागरूप-अशुद्धिविरह: प्रयतत्वम्‌’ ‘पुष्पेषु अपि फलाभिसन्धिरेव हि मनसोऽशुद्धि:।

ભગવાનને અર્પણ કરવામાં કેવળ અને કેવળ ભગવાનની ભક્તિ કે ભગવાનની પ્રસન્નતા જ હોવી જોઈએ. એવું બતાવવામાં તેનું તાત્પર્ય છે કયારેક કયારેક ફલાભિલાષીઓમાં પણ ભક્તિ જોવા મળે છે. તેને અલગ કરવા શ્લોકમાં ‘तद्‌… अहम्‌’ માં तद्‌ શબ્દ પ્રયોગ થયો છે અર્થાત્‌ વર્ણન કર્યા એવા પ્રકારના ભક્તનું ગ્રહણ કરું છું. अहं નું તાત્પર્ય બીજા કરતાં વિલક્ષણતા બતાવવાનું છે જેમ ઈન્દ્રાદિક પોતપોતાની શક્તિને વધારવા તેના ભક્તોના હવિ ગ્રહણ કરે છે, તેમ હું નથી ગ્રહણ કરતો. કારણ કે હું તો સર્વેશ્વર છું. મારે કોઈ શક્તિ ઘટતી નથી કે અધૂરી નથી. વળી જે કાંઈ પત્ર પુષ્પ તે મારી લીલાના ઉપકરણ મેં જ સજરેલા છે તે મને આપે છે તેથી બીજું કાંઈ આપતા નથી. વળી તે ન આપે તો અધૂરો રહું એવી અધૂરાઈ મારામાં નથી. હું પૂર્ણકામ છું. ગુણ અને સ્વરૂપથી પૂર્ણ એવા મારે એ પદાર્થની શી ગણતરી છે? છતાં અત્યર્થ ભક્તિથી ભગવાન સાપેક્ષ અને ભૂખ્યાની જેમ ગ્રહણ કરે છે. પ્રકૃતિનાં બે કાર્યો છે-પદાર્થ અને ક્રિયા. આ બન્નેની સાથે પોતાની એકતા માનીને જ જીવ પોતાને તેમનો ભોક્તા અને માલિક માનવા લાગી જાય છે. એ પદાર્થોને ક્રિયાઓના ભોક્તા અને માલિક ભગવાન છે તે ભૂલી જાય છે. આ ભૂલને દૂર કરવા માટે ભગવાન આ શ્લોક તથા પછીના શ્લોક દ્વારા બતાવે છે કે તું પત્ર, પુષ્પ જેવી વસ્તુનો પણ માલિક ન બનીશ અને અર્પણ કરવાનું ભૂલી ન જઈશ તો તું તમામ આપત્તિથી છૂટી જઈશ.

ભક્ત અનાયાસે યથાસાધ્ય પ્રાપ્ત પત્ર-તુલસીદલ વગેરે. પુષ્પ, ફળ, જળ પણ પ્રેમપૂર્વક ભગવાનને અર્પણ કરે છે તો ભગવાન તેને ખાઈ જાય છે. જેવી રીતે દ્રૌપદી પાસેથી ભાજીનું પાંદડું લઈને ભગવાને ખાઈ લીધું અને ત્રિલોકીને તૃપ્ત કરી દીધા. ગજેન્દ્રે સરોવરનું એક કમલપુષ્પ ભગવાનને અર્પણ કરી દીધું ને નમસ્કાર કર્યા, તો ભગવાને તેનો ઉદ્ધાર કરી દીધો. શબરીના આપેલાં ફળ ખાઈને ભગવાન એટલા પ્રસન્ન થયા કે જ્યાં કંઈ ભોજન કરવાનો અવસર આવ્યો ત્યાં શબરીનાં બોર યાદ આવીને નજર સામે આવી જતા ને તેની પ્રશંસા કરવા લાગી જતા.

घर गुरु गृह प्रियसदन सासुरे भई जब जहँ पहुनाई।

तब तहँ कहि शबरीके फलनिकी, रुचि माधुरि न पाई (વિ.પ. ૧૬૪/૪)

જ્યારે ભક્તને ભગવાનને આપવાનો ભાવ ઘણો વધી જાય છે, ત્યારે તે પોતાની જાતને ભૂલી જાય છે. ભગવાન પણ ભક્તના પ્રેમમાં એટલા મસ્ત બની જાય છે કે, પોતાની જાતને ભૂલી જાય છે. પ્રેમની અધિકતામાં ભક્તને એનો ખ્યાલ નથી રહેતો કે હું શું આપી રહ્યો છું. ત્યારે ભગવાનને પણ ખ્યાલ નથી રહેતો કે હું શું ખાઈ રહ્યો છું? જેમ કે વિદુર પત્ની પ્રેમના આવેશમાં ભગવાનને કેળાનો ગર્ભ ન આપીને કેવળ છાલ આપે છે તો તે છાલને પણ ગર્ભની જેમ ખાઈ લે છે. જેતલપુરના કોળીનો મઠનો રોટલો મિષ્ટાન્નની જેમ મહારાજ ખાય છે.

ततवेता’ तिहु लोकमेल्ल, भोजन कियो अपार।

इक शबरी इक विदुरघर, रुच पायो दो बार।।

ભક્ત દ્વારા અત્યર્થ પ્રેમપૂર્વક આપવામાં આવેલા ઉપહારનો ભગવાન સ્વીકાર જ નથી કરી લેતા. તેનો ઉપયોગ કરી લે છે એમ નહિ; પરંતુ તેને ખાઈ લે છે. अश्नामि। જેવી રીતે પુષ્પ સૂઘંવાની ચીજ છે; પરંતુ ભગવાન એમ નથી જોતા કે તે ખાવાની ચીજ છે કે નહિ. તેઓ તો તેને ખાઈ જ લે છે, પોતાની અંદર ઉતારી લે છે. તેને આત્મસાત કરી લે છે. પોતાનામાં ભેળવી દે છે. જેમ ભોળું બાળક જે કાંઈ હાથમાં આવે તેને મોઢામાં જલ્દી નાખી દે છે. તેમ જ કયારેક ભોળા ભક્તો અત્યર્થ પ્રેમમાં વિવેકની સુધ વીસરી જઈને જે કાંઈ આપે તે ભગવાન પણ એવા જ ભોળા થઈને વિચાર્યા વિના ખાવા લાગી જાય છે. આનાથી એ સિદ્ધ થયું કે ભક્તનો સદા આપવાનો જ ભાવ રહે છે. લેવાનો(કામના) કયારેય નહિ. ત્યારે ભગવાનનો તે ભક્ત પાસેથી લેવાનો(ગ્રહણ કરવાનો) ભાવ થઈ જાય છે. ભક્તને ભગવાનને ખવડાવાનો ભાવ થઈ આવે છે, તો ભગવાનને તુરત ભૂખ પણ લાગી જાય છે. ભગવાન પોતે જ ખાઈ લે છે. તે અત્યર્થ ભક્તિપૂર્વક આપવામાં આવેલી હોવી જોઈએ. ભક્તિપૂર્વક આપેલ વસ્તુ તે વસ્તુ નથી રહેતી. પ્રેમ સ્વરૂપ બની જાય છે. ત્યારે ભગવાન તેને પોતાના સ્વરૂપમાં સમાવી લે છે.

આ શ્લોકમાં પદાર્થનું નામ લઈને પદાર્થનું પ્રાધાન્ય નથી કહ્યું પણ કેવળ પ્રેમનું પ્રાધાન્ય બતાવ્યું છે. કેમ કે ભગવાન ભાવનાના ભૂખ્યા છે, પદાર્થના નહિ. તેથી અર્પણ કરવાવાળાનો ભાવ મુખ્ય હોવો જોઈએ. ભક્તિથી પૂર્ણ હોવો જોઈએ. જેમ કે કોઈ અત્યધિક ગુરુ ભક્ત, મનુષ્ય કે પતિવ્રતા સ્ત્રી હોય ત્યારે ગુરુ કે પતિની સેવામાં જેટલો સમય, વસ્તુ કે ક્રિયા લાગે છે તેટલો જ તેને આનંદ થાય છે કે પ્રસન્નતા થાય છે. તેટલી જ તેને જીવનની સફળતા દેખાય છે. એવી જ રીતે જે ભક્તનો ભગવાનમાં અત્યધિક પ્રેમભાવ હોય પછી તે વસ્તુ ભલે નાની હોય કે મોટી હોય, સાધારણ હોય કે કિંમતી હોય, તે ભગવાનને અર્પણ કરવામાં ભક્તને બહુ જ આનંદ આવે છે. ભક્તને કૃતાર્થતા મનાય છે કે, મારી વસ્તુ સ્વીકારી.

ભાવપૂર્વક ધરાવેલો ભોગ ભગવાન અવશ્ય સ્વીકારે છે. માટે આપણને દેખાય કે ન દેખાય, આ બાબતે આપણા મંદિરોમાં અનેક એવી ઘટનાઓ બની છે કે ભગવાન મૂર્તિ દ્વારા માગી લે છે. કોઈની ભૂલ થાય તો ઠપકો આપે છે વગેરે પ્રત્યક્ષપણે કરે છે. પ્રસાદીની વસ્તુમાં કયારેક અતિ વિલક્ષણતા આવી જાય છે.

यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्‌।

यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्‌।।२७।।

અર્થ : માટે તું પણ જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, અને જે તપ કરે છે. તે સઘળું હૈ કૌન્તેય ! મને અર્પણ બુદ્ધિથી જ કર ! ।।૨૭।।

સંસાર માત્રના બે રૂપ છે. પદાર્થરૂપે અને ક્રિયા સ્વરૂપે. એમાં આસક્તિ થવાથી એ બન્ને પતન કરવાવાળા છે, બંધન કરવાવાળા છે. પદાર્થના બંધનથી છૂટવા પદાર્થ અર્પણ કરવાની વાત છવ્વીસમાં શ્લોકમાં બતાવી. હવે આ શ્લોમાં ક્રિયા અર્પણ કરવાની વાત બતાવે છે. ક્રિયાનું અર્પણ કરવાનું તાત્પર્ય એ છે કે અત્યર્થ પ્રીતિથી પ્રેરાઈને જે અને જેવી રીતે કરવું ઘટે તે કર. કારણ કે પદાર્થની માફક ક્રિયા તો દઈ શકાતી નથી; પરંતુ ક્રિયાને પરમાત્માની સેવામાં લગાવી શકાય છે અથવા તેમના અનન્ય ભક્ત, સત્સંગ તેની સેવામાં લગાવી શકાય છે. તેથી તેમ કરવું તે ક્રિયા અર્પણ કરી કહેવાય.

यत्‌ करोषि… આ પદ એવું વિલક્ષણ છે કે તેમાં શાસ્ત્રીય, શારીરિક, વ્યાવહારિક, સામાજિક, પારમાર્થિક વગેરે જે કોઈ તે તમારી ક્રિયાઓ આવી જાય છે. તેથી થોડો ફેરફાર કરીને આ શ્લોકને સર્મપણ મંત્ર તરીકે પણ વપરાય છે. જેમકે

यत्‌ करोमि यदश्नामि यज्जुहोमि ददामि यत्‌।

यत्तपस्यामि भगवन्‌ तद्‌ करोमि त्वदर्पणम्‌।। इति

ભગવાન કહે છે. તમામ ક્રિયાઓ મને અર્પણ કરી દે અર્થાત્‌તું સ્વયં મને અર્પિત થઈ જા ત્યારે તારી તમામ ક્રિયાઓ આપમેળે મને સમર્પિત થઈ જશે. આ પદથી સ્વભાવ પ્રાપ્ત ક્રિયાઓ, જેમ કે નિમેષાદિક ક્રિયાઓ, અર્થપ્રાપ્ત ક્રિયાઓ જેમ કે ભોજનાદિ-શાસ્ત્ર પ્રાપ્ત વિહિત કર્મ વગેરે તમામ ક્રિયાઓ यत्‌ करोसि થી કહેવાઈ જાય છે.

यदश्नासि અર્થ પ્રાપ્ત દેહધારણને માટે જે કાંઈ તમામ ક્રિયાઓ થાય છે તે अश्नासि થી કહેવાઈ જાય છે. અર્થાત્‌શરીરને માટે ભોજન લે છે. જળ પીવે છે, કુપથ્યનો ત્યાગ કરે છે. ઔષધિ સેવન કરે છે, કસરત-પરિશ્રમ કરે છે. કપડાં પહેરે છે, શરદી-ગરમીમાં શરીરની રક્ષા કરે છે. શૌચાદિ કરે છે વગેરે તમામ ક્રિયાઓ ભગવાન કહે છે મને અર્પણ કર. અર્થાત્‌ક્રિયાઓ પદાર્થની માફક અર્પણ થઈ શકતી નથી. તેથી તેનું અર્પણ કેમ કરવું? તો તે શારીરિક ક્રિયાઓ કરવા પાછળ તદર્થતા-પરમાત્માનો કોઈ અર્થ સરવો જોઈએ. અર્થાત્‌તે શારીરિક ક્રિયાઓથી સીધો અથવા આડકતરી રીતે ભગવાનની સેવા, સત્સંગની સેવા, ભગવાનના અનન્ય ભક્તોની સેવા, ભગવાને સ્થાપેલા સિદ્ધાંતોની પુષ્ટિ કે ભગવાનની પ્રસન્નતા, તેના સાચા ભક્તોની પ્રસન્નતા-એમાંથી કોઈ ને કોઈ વિષયના અનુસંધાનપૂર્વક તે તે ક્રિયાઓ થાય-વ્યક્તિગત સ્વાર્થ તેમાં ન ગોઠવાઈ જાય, ત્યારે તે તે શારીરિક ક્રિયાઓ પણ ભગવાનને સમર્પિત થઈ ગણાશે.

આ શારીરિક ક્રિયાઓનો પ્રથમ વિભાગ છે. કારણ કે આ ક્રિયાઓ ભગવાનને અર્પણ કરો કે ન કરો, તો પણ અવશ્યપણે થવાની જ છે. માત્ર તેનું પ્રયોજન બદલવું જરૂરી છે અને તે પ્રયોજનમાં ન આવે તેનો ત્યાગ કરવો.

यज्जुहोषि-जुहोषि પદથી જે કાંઈ વૈદિક વિધિ વિધાનવાળી-નિત્ય-નૈમિત્તિક-કામ્ય કર્મો કરતા હોઈએ તે સર્વેનો તેમાં સમાવેશ થઈ જાય છે. તે તમામ અન્ય દેવતાઓને ઉદ્દેશીને થતું હોય, તો પણ તેમને સ્થાને પરમાત્માનું અનુસંધાન ગોઠવીને પરમાત્માને ઉદ્દેશીને કરવું.

ददासि यत्‌-ददासि શબ્દથી જે કાંઈ શાસ્ત્રીય યજ્ઞાદિથી ઈતર દાન, ત્યાગ, યાત્રા, પરોપકાર અન્યને મદદ રૂપ જે જે કાંઈ સત્‌ક્રિયાઓ કરે છે તે પણ ભગવાન કહે છે મને ઉદ્દેશીને અથવા મારી પ્રસન્નતા જે પ્રકારે થાય તે પ્રમાણે કર.

यत्तपस्यसि-तपस्यसि શબ્દથી જે કાંઈ પારમાર્થિક માર્ગને માટે જે કાંઈ સંયમ કરે છે. તપ કરે છે. પોતાના કર્તવ્યનું પાલન કરે છે. વર્ણ-આશ્રમ ધર્મ, મર્યાદા પાલન કરે છે, ઈન્દ્રિયોનો દંડ, વ્રત પાલન, અનુકૂળતા-પ્રતિકૂળતા પ્રસન્નતાપૂર્વક સહન કરવી. જપ, ધ્યાન, શ્રવણ, મનન વગેરે તમામ ક્રિયાઓ મારી પ્રસન્નતા માટે અને મારી આજ્ઞા સમજીને કર અને મને અર્પણ કર.

तत्कुरु मदर्पणम्‌ અહીં ભગવાને પરસ્મૈપદી ‘तत्‌ कुरु’ ક્રિયાપદ ન આપીને આત્મનેપદી कुरुष्व ક્રિયાપદ આપ્યું છે. એનું તાત્પર્ય એ છે કે તુ સર્વ કંઈ મને અર્પણ કરીશ તો મારી ઊણપની પૂર્તિ થશે, એટલા માટે હું તને નથી કહેતો; પરંતુ મને અર્પણ કરવાથી તને સંપૂર્ણતાની પ્રાપ્તિ થવા માટે કહી રહ્યો છું. તને સંપૂર્ણતાની પ્રાપ્તિ થશે ભગવાનને સમર્પિત થવાથી કે ભગવાનને સર્મપણ કરવાથી કયારેય પણ ન્યૂનતા થતી નથી. ઊલટાની ન્યૂનતા હોય તો તે દૂર થઈ, ને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. આત્મનેપદમાં ક્રિયાનું ફળ પોતાને-ક્રિયા કરનારને પ્રાપ્ત થવાનું હોય છે. ત્યાં પરસ્મૈપદ પ્રાપ્ત થતું હોવા છતાં આત્મનેપદ પ્રયોગ કરવાનું તે તાત્પર્ય છે.

यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत:।

यस्मिन्स्थितो न दु:खेन गुरुणापि विचाल्यते।।६/२२

तं विद्यात्‌ दु:खसंयोगवियोगं योगसंज्ञितम्‌।

स निश्चयेन योक्तन्यो योगोऽनिर्विण्णचेतसा।।६/२३

એવો લાભ સાધકને પ્રાપ્ત થઈ જાય છે.

આ શ્લોકમાં यत्‌ શબ્દ પાંચવાર કહેવામાં આવ્યો છે તેનું તાત્પર્ય એ છે કે એક-એક ક્રિયા અર્પણ કરવામાં આવે તો પણ તેનો અપાર મહિમા છે. તો તમામ ક્રિયાઓ અર્પણ કરવામાં આવે તો તેની વાત જ શી કહેવી?

છવ્વીસમાં શ્લોકમાં ભગવાને પત્ર, પુષ્પ વગેરે અર્પણ કરવાની વાત કરી કે જે અનાયાસે અર્થાત્‌વિના પરિશ્રમે પ્રાપ્ત થાય છે; પરંતુ એમાં છતાં પણ કંઈક ને કંઈક ઉદ્યોગ તો કરવો જ પડે છે અર્થાત્‌સુગમમાં સુગમ વસ્તુ છે તો પણ ભગવાનને અર્પણ કરવાનો નવો ઉદ્યોગ કરવો પડશે. જ્યારે સત્યાવીસમાં શ્લોકમાં ભગવાને તેનાથી પણ વિલક્ષણ વાત કરી છે કે, નવા પદાર્થો નથી આપવાના, કોઈ નવી ક્રિયા નથી કરવાની અને કોઈ નવો ઉદ્યોગ પણ નથી કરવાનો; પરંતુ આપણા દ્વારા જે દૈનિક-લૌકિક, પારમાર્થિક વગેરે સ્વાભાવિક ક્રિયાઓ થાય છે. એમને ભગવાનને અર્પણ કરી દેવાની છે. તેને ભગવાનના લાભાર્થે કરી દેવાની છે. એનું અંતિમ તાત્પર્ય એ થયું કે આપણી જાતને પરમાત્માને સમર્પિત કરી દેવાની છે. ત્યારે તમામ ક્રિયાઓ આપોઆપ ભગવાને સમર્પિત થઈ જશે અને ભગવાનની પ્રસન્નતાનું સાધન બની જશે. જેમ નાના બાળકની તમામ ચેષ્ટા માતાની પ્રસન્નતા માટે થાય છે, તેમ શરણાગત ભક્તનો ભગવાન પ્રત્યે પોતાપણાનો ભાવ હોવાથી ભક્તની પ્રત્યેક ક્રિયા ભગવાનની પ્રસન્નતા અર્થે બની રહે છે.

અહીં करोषि ક્રિયાની સાથે સર્વનામ ‘यत्‌’ પદ આપ્યું હોવાથી અર્થાત્‌‘તું જે કાંઈ કરે છે’ એવું કહેવાથી નિષિદ્ધ ક્રિયા પણ આવી જાય છે. અંતમાં ‘तत्कुरुष्व मदर्पणम्‌’ તે મને અર્પણ કરી દે-તે પણ સાથે પ્રયોગ થયો હોવાથી જે કોઈ ચીજ કે ક્રિયા ભગવાનને અર્પણ કરવાની હોય તે સહજપણે પવિત્ર જ હોવી જોઈએ. તેથી તે ભગવાનની આજ્ઞા અનુસાર, ભગવાનને અનુકૂળ ને શાસ્ત્ર-વિધિથી વિરુદ્ધ ન હોવી જોઈએ. એવું આપોઆપ જણાઈ આવે છે. જેમ કોઈ ત્યાગી-મહાત્મા પુરુષને તેને અનુકૂળ અને અનિષિદ્ધ વસ્તુ જ આપીએ છીએ.તેમ ભગવાનને કોઈ વસ્તુ કે ક્રિયા અર્પણ કરવામાં આવે, તે તેને અનુકૂળ અને વિહિત જ હોવી જોઈએ. તેથી નિષિદ્ધ ક્રિયાનો આપોઆપ નિષેધ થઈ જાય છે.

છતાં પણ જો કોઈ કહે કે ‘અમે ચોરી વગેરે નિષિદ્ધ કર્મ કરીને પણ ભગવાનને અર્પણ કરીશું’ તો એ પણ જાણી લેવું જોઈએ કે ભગવાનને અર્પણ કરતાં તેનું અનંતગણુ ફળ અર્પણ કરનારને મળે છે,એવો નિયમ હોવાથી ચોરી વિગેરે નિષિદ્ધ કર્મ અર્પણ કરશે તો તેનું ફળ અનંતગણું થઈને આપણને મળવાનું છે.તેની તૈયારી રાખવી પડશે !

शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनै:।

संन्यासयोग युक्त्तात्मा विमुक्तो मामुपैष्यसि।।२८।।

અર્થ : અને આમ મને અર્પણ કરવાથી સારાં-નરસાં ફળ આપનારા શુભ-અશુભ સર્વ કર્મબન્ધોથી તું મુકાઈ જઈશ. અને આ ફળત્યાગરૂપ સંન્યાસયોગથી યુક્ત મનવાળો તું સર્વ કર્મથી મુક્ત થઈને મનેજ પામીશ. ।।૨૮।।

પૂર્વોક્ત રીતે બધા પદાર્થો અને ક્રિયાઓ મને અર્પણ કરવાથી વર્તમાન કર્મો સિવાય તારા અનંત જન્મના શુભાશુભ કર્મો છે, તેનાથી પણ તું મુક્ત થઈ જઈશ. તે કર્મફળો પણ તને જન્મ-મરણ લેવરાવવાવાળા નહીં થાય.

આ શ્લોકમાં શુભાશુભ કર્મોથી અનંત જન્મનાં કર્મો કહેવાનું તાત્પર્ય છે. કારણ કે વર્તમાનમાંથી છૂટવા માટે તો ભગવાને આગળના શ્લોકમાં બતાવી દીધું છે. વળી ભગવાનનો ભક્ત ભગવાનની આજ્ઞામાં રહેતો હોઈને તે શુભ કર્મો જ હોય છે. તે ભગવાનને અર્પિત થતાં હોય છે. માટે તેથી છૂટવાની વાત તો ભગવાને બતાવી દીધી છે. વળી કોઈ વિપરીત દેશકાળના યોગે કરીને કદાચ ભક્તથી કોઈ અશુભ કર્મ થયું. તો ભગવાન તેના હૃદયમાં બિરાજી સર્વે અશુભનો નાશ કરી દે છે… विकर्म यच्चोत्पतितं कथञ्चित्‌ धुनोति सर्वं हृदि सन्निविष्ट:।। (भाग. ११/४/४२)

संन्यासयोगयुक्तात्मा-તમામ કર્મો ભગવાનને અર્પણ કરી દેવાનું નામ ‘સંન્યાસયોગ’ છે. પરંતુ સંન્યાસ(સાંખ્ય) અને કર્મયોગના અનુસંધાનમાં સંન્યાસ શબ્દ ‘મયિ સંન્યસ્ય-(ગી. ૧૮/૧૭)’ અહીં નથી વપરાયો. સમગ્ર કર્મો પરમાત્માને અર્પણ કરી દેવાના ‘અનુસંધાન’ને અહીં ‘યોગ’ શબ્દથી બતાવ્યો છે તેથી તેવા અનુસંધાનવાળા મનવાળો તું થા, એમ ભગવાન કહી રહ્યા છે.

विमुक्तो माम्‌ उपैष्यसि તે કર્મોથી મુક્ત થઈને તું મને પામીશ. અર્થાત્‌ કર્મોના બંધનથી તું મુક્ત થઈશ એટલે તને પરમાત્મામાં પ્રેમ પ્રાપ્ત થશે અને પરમાત્મામાં અવિચળ પ્રેમ પ્રાપ્ત થવો તે જ સાચી પ્રાપ્તિ છે.

અશુભ કર્મો જેમ બંધનકારક છે, તેવી જ રીતે શુભ કર્મો પણ બંધનકારક છે. જેમ કે લોઢાની બેડી તે માણસને બાંધી રાખે છે તેમ સોનાની બેડી હોય તો પણ બંધન તો સાચું જ છે. બન્ને બેડીથી બંધન સરખું જ થાય છે. શુભ કર્મ પણ જન્મારંભક હોવાથી બંધન કરે છે અને અશુભકર્મ તો જબરજસ્તીથી બંધન કરે છે. કર્તા જો કર્મના ફળની સાથે નિર્લેપતા કેળવી લે અથવા સમગ્ર ફળ પરમાત્માને શરણે ધરી દે અર્થાત્‌પરમાત્માને અર્પણ કરી દે તો તે ફળથી છૂટે છે. ત્યારે તે કર્મના બંધનથી પણ છૂટે છે. તેમાં અર્પણ કરવા કરતાં નિર્લેપતા કેળવવી કઠિન છે. અર્પણ કરી દેવું સહેલું છે; પરંતુ કર્તા-કર્મ કરવાવાળો આસક્તિને કારણે નિર્લેપતા કેળવી શકતો નથી અને કામનાને લઈને ભગવાનને સર્મપણ કરી શકતો નથી. તેથી તેનું બંધન તેને સુખ-દુઃખના રૂપમાં ભોગવવું પડે છે.

કર્તા શુભ કર્મોનું ફળ ઈચ્છે છે. કારણ કે તે અનુકૂળ પરિસ્થિતિના રૂપમાં સામે આવે છે. તે પરિસ્થિતિમાં એ સુખ માને છે. જ્યાં સુધી આ સુખની ઈચ્છા રહે છે, ત્યાં સુધી તે દુઃખથી બચી શકતો નથી. કારણ કે લૌકિક સુખની સાથે દુઃખ અવિભકતભાવથી જોડાયેલું રહે છે. તેથી પરિસ્થિતિ એવી પ્રાપ્ત થાય છે કે સુખની ઈચ્છાને તે(જીવ) નથી છોડતો અને દુઃખ તેનો પીછો નથી છોડતું.

જીવ જ્યારે પોતાની જાતને પરમાત્માને સમર્પિત કરી દે છે ત્યારે પ્રકૃતિથી માનેલો સંબંધ દૂર થાય છે. તેને પરમાત્મામાં સાચોને સ્વાભાવિક પ્રેમ થાય છે. તેને માટે ભગવાને અહીં કહ્યું કે विमुक्तो माम्‌ उपैष्यसि।

જો કે ભગવાન પ્રતિકૂળ પરિસ્થિતિ આપે છે, તે પણ જીવ ઉપર કરુણા-કૃપાનુભૂતિ જ છે. તે દ્વારા જીવને ચોખ્ખો કરી પોતાની પાસે લાવવા ઈચ્છે છે.

समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय:।

ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्‌।।२९।।

અર્થ : સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં સમ ભાવથી હું રહેલો છું, માટે મારે આ દ્વેષ કરવા યોગ્ય કે આ પ્રેમ કરવા યોગ્ય એવો વિભાગ નથી. પણ જે કોઈ મને પરમ પ્રેમથી ભજે છે. તો તેઓ મારામાં છે. અને તેઓમાં હું પણ છું. (અર્થાત્‌ભજે તેના ભગવાન છે.) ।।૨૯।।

કોઈપણ ગરીબ-તવંગર ભક્ત પત્ર, પુષ્પ માત્ર અર્પણ કરીને પણ ભગવાનની પ્રસન્નતા કે પ્રાપ્તિ કરી શકે છે, માટે એનાથી ભગવાનની સહજ સુલભતા કહી. હવે આ શ્લોકમાં ભક્તિ યોગના અધિકારીની પ્રશંસા કરતાં કહે છે. હું બધાને માટે આશ્રયણ વિષયમાં સમાન છું પણ ભક્તિનો હું પક્ષકાર છું. આ શ્લોકમાં ભક્ત સાથે પોતાનો અનન્ય સંબંધ બતાવીને પોતાનો સૌશીલ્ય ગુણ બતાવી રહ્યા છે. ભગવાન કંસાદિકનો નિગ્રહ કરે છે. અક્રૂરાદિક પર અનુગ્રહ કરે છે. આશ્રિત પ્રત્યે કહે છે ‘તુ મુક્ત થઈને મને જ પામીશ’ ત્યારે આ બધું જોઈને ભગવાનના વ્યક્તિત્વ પ્રત્યે રાગદ્વેષની શંકા ઊઠી આવે છે. તેનું નિરાકરણ કરતા ભગવાન બતાવે છે કે समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय:। ભગવાન કહે છે કે, આશ્રય કરવા માટે તમામ દેહધારીને માટે સમ છું. દેવાદિક જાતિએ કરીને, બ્રાહ્મણત્વ વગેરે વર્ણજાતિએ કરીને, સ્ત્રી-પુરુષપણે આકારે કરીને, રૂપ-કુરુપપણે કરી અર્થાત્‌આકૃતિએ કરીને, સ્વભાવે કરીને-અર્થાત્‌રાજસ, તામસ, સાત્ત્વિકપણે કરીને, ઉચ્ચ અને પવિત્ર કર્મે કરીને મને કોઈ જીવ પર પ્યાર થતો નથી. પક્ષપાત થતો નથી કે તિરસ્કાર પણ થતો નથી. અતિ પાપીમાં પાપી હોય તેને પણ ભગવાનના દરબારમાં આવવાની સંમતિ છે. (अपि चेत्‌ सुदुराचारो…’) ભગવાન કહે છે કે ‘ये भजन्ति तु मां भक्त्या…’ જે મને ભક્તિપૂર્વક ભજે છે, તેનો હું ખુલ્લો પક્ષકાર છું. તેના યોગ ક્ષેમ હું વહન કરું છું. (તેની સેવા કરું છું ને કરાવું છું) એ જે કાંઈ મને આપે છે. (पत्रं, पुष्पं…) તે મને અતિ મીઠું લાગે છે. અર્થાત્‌એ પણ જાણી લેવું જોઈએ કે એવા ભક્તિવાનને કોઈ દુઃખ દે, તો તેના હું જડામૂળ કાઢી નાખું છું. ત્યાં મારી દયા કે સમતા નથી રહેતી(વચ.ગ. મ.૨૮, અં.૨૧) એવો મારો અતિલોક સ્વભાવ (ત્રિલોકાતીત સ્વભાવ) છે.

ભગવાન કહે છે, ઉપર બતાવ્યા જાતિ-વર્ણ-આકાર-ગુણ આચાર વગેરે અધિક ગુણો તેમાં જોઉં તો તે વ્યક્તિ મને પ્રિય બની જતી નથી(न मे प्रिय:) અથવા તો ગુણોની ઊણપથી અથવા બિલકુલ ન હોવાથી અથવા તેનાથી તદ્દન વિપરીત હોવા છતાં પણ તે મારા દ્વેષનો વિષય (न मे द्वेष्योऽस्ति) બની જતો નથી. એ જીવ ત્યારે જ મારા દ્વેષનો વિષય બને છે કે તેનું હૃદય ભક્તિશૂન્ય હોય, તેનું હૃદય ભગવાનના ભક્ત પ્રત્યે દ્વેષીલું હોય, તેનું હૃદય ભગવાન કે તેના સાચા ભક્ત પ્રત્યે અહંકારથી ભરપૂર હોય, ત્યારે ભગવાનનો અતિ સહનશીલ સ્વભાવ અને સમસ્ત જીવ પ્રાણીમાત્ર માટે આદર રાખનારા હોવા છતાં, તેનો અનાદર કરે છે. આવો ભગવાનનો દેવ, ઋષિ, મનુષ્યોને અતિવર્તી સ્વભાવ છે. તે અતિ રહસ્યરૂપ-રાજગુહ્ય-રાજવિદ્યા અને ઉત્તમ જાણવા જેવી વસ્તુ છે. તેની ભગવાને અર્જુનને અધ્યાયની શરૂઆતમાં આ જ્ઞાનનો મહિમા અને દુર્લભતા, ગોપનીયતા અને રહસ્યતા કહી છે.

समोऽहं નું તાત્પર્ય એ છે કે કોઈ જીવ મારાથી વિમુખ થઈને, મારી ભક્તિથી રહિત થઈને કે મારા સાચા ભક્તનો વિરોધ કરીને, પછી શાસ્ત્રીય યજ્ઞો કરે, સર્વસ્વ દાન આપી દે, બીજા ગમે તેટલાં તપ, ધર્મ, વૈરાગ્ય વગેરે શુભ કર્મો કરે ને શુભ ગુણો મેળવે, તો મને રાગનો વિષય બનતો નથી. (न मे प्रिय:) તે ઉચ્ચ ગતિને તેના કર્મફળ પ્રમાણે જરૂર પામશે પણ મારી પ્રસન્નતાનું કારણ તે બની શકતા નથી. તેમ જ તેનાથી વિરુદ્ધ અપ્રસન્નતા કે દ્વેષનું કારણ બનતા નથી. તે તમામ પ્રાણીમાત્રને મેં ઉત્પન્ન કર્યા છે, માટે તેઓ ઉપર મારી જરૂર કરુણા રહેલી છે. તેમના આચરણથી તેમને સુખદુઃખની પ્રાપ્તિમાં જરૂર ભેદ પડશે પણ મારી તેમના તરફ ભાવનામાં ફેર નથી પડતો. તેથી ભગવાન કહે છે કે समोऽहं सर्वभूतेषु…

ये भजन्ति तु मां આ શ્લોકના બે વિભાગ છે-પૂર્વાધમાં તો ભજન ન કરવાવાળાનું વર્ણન છે. તે તમામ જીવો પ્રત્યે ભગવાન કોઈનો પક્ષપાત-પ્રિય કે દ્વેષ્યપણું કરતા નથી. અદલ ન્યાય તોળે છે. તેમાંથી કોઈ કરતા કોઈ બાકાત રહી શકતો નથી. કોઈને લેશમાત્ર અન્યાય થવા દેતા નથી, કોઈ પણ હોઈ શકે. જ્યારે ઉતરાર્ધમાં ભજન કરનારાઓનું વર્ણન છે. તેમના પ્રત્યે ભગવાનનું વલણ અને લાગણી શું છે તેનું વર્ણન અહીં તથા અધ્યાયના અંત સુધી કરે છે.

જેઓ ભક્તિપૂર્વક મારું ભજન કરે છે. અર્થાત્‌જેઓ સંસારની આસક્તિ, રાગ અને ખેંચાણનો ત્યાગ કરીને કેવળ મને જ પોતાનો માને છે અને કેવળ મારા પરાયણ થઈ જાય છે, કેવળ મારી પ્રસન્નતાને માટે રાત્રી દિવસ પુરુષાર્થ કરે છે, જેઓ શરીર, ઈન્દ્રિયો, મન અને વાણી દ્વારા મારા તરફ ચાલે છે. અર્થાત્‌તે ઉપકરણોનો કેવળ મારા માટે અને મને પ્રસન્ન કરવા માટે જ ઉપયોગ કરે છે.-मयि ते तेषु चाप्यहम्‌। અહીં ભગવાન ‘अहम्‌’ શબ્દનો પ્રયોગ એટલા માટે કરે છે કે સ્વેતર (પોતાના સિવાય અન્ય) સમસ્ત કરતાં પોતાની વિલક્ષણતા બતાવવા કરી રહ્યા છે. સ્વેતર સમસ્ત કરતાં અતિક્રમણ કરનારો પોતાનો સ્વભાવ બતાવી રહ્યા છે. मयि ते तेषु अहम्‌ अपि તે મારામાં છે અને હું તેનામાં છું. ये શબ્દ પ્રયોગ પાછળ એવો ભાવ છે કે તેમાં કોઈ જાત્યાદિ ઉત્કર્ષ-અપકર્ષનો નિયમાપવાદ નથી. તે મારામાં છે તેનું તાત્પર્ય એ છે કે નિત્યમુક્તોની જેમ ‘मम साधर्म्यमागता મારા સમાન મહત્તા પામીને સુખ પૂર્વક મારામાં રહે છે. મારા સાધર્મ્યને પામીને મારી સાથે યથા સુખ વિચરે છે. એવો અભિપ્રાય છે. ત્યારે કોઈને શંકા થાય, તે તેમણે તો સ્વામિ-સેવક-ભાવના અનુસંધાનથી તમારું ભજન કર્યું હતું તો તમારા સમાન ગુણવત્તાની પ્રાપ્તિ કેમ થઈ ગઈ? તેઓ તો સેવક બની જવા જોઈએ? તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે ‘तेषु अहमपि’ તેઓ જેમ મને અંતરમાં-હૃદયમાં ધારી રહે છે, તેમ હું પણ તેઓને સૌશીલ્યગુણના અતિરેકથી કેવળ મારા તુલ્ય જ નહિ પણ મારાથી પણ ઉત્કૃષ્ટ હોય ‘शिरसा देव: प्रतिगृह्णाति’ (મહા. મો. ૩૫૩. ૬૪) તેવી રીતે તેની સંભાવના કરું છું. તેનાથી તેઓ મારે વિશે પરમેશ્વર બુદ્ધિથી મારું ભજન કરે છે અને તેના મનમાં સંકોચ (સાધ્વસ) હોય તે દૂર થઈ જાય છે. સુખપૂર્વક નિઃસંકોચપણે મારી સેવા કરી શકે છે. એવું શ્લોકનું તાત્પર્ય છે. અતિ ખાનદાન પિતા પુત્રને જેમ એક બીજાનો અતિ વિશ્વાસ, તેમના એક બીજાના પર ઓવારી જવાપણું તથા એક બીજાની પ્રતિમૂર્તિ થઈ રહેવાપણું વગેરે ભાવોથી તેઓ મારામાં અને હું તેમનામાં રહું છું.

પ્રેમપૂર્વક મારું ભજન કરવાવાળા મારામાં છે અને હું તેઓમાં છું-એનું તાત્પર્ય એ નથી કે જેઓ સામાન્ય જીવ છે તથા મારી આજ્ઞાની વિરુદ્ધ ચાલવાવાળા છે, તેઓ મારામાં અને હું તેમનામાં નથી; પરંતુ મારાથી વિરુદ્ધ ચાલનારા, નબળા ઈરાદાવાળા પોતાને પરમાત્મા માનતા નથી, અર્થાત્‌માની શકતા નથી. તેઓ એવું કહી દે છે કે અમે તો સંસારી જીવો છીએ. સંસારમાં રહેવાવાળા છીએ. ભગવાનનો સારી રીતે આશ્રય ન હોવાથી અંતરમાં માનવા જાય, તો પણ માની શકાતું નથી. પોતાના અજ્ઞાનને કારણે જ તથા પરમાત્માના અનાશ્રયને કારણે જ તેઓ સંસાર અને શરીરમાં સ્થિત પોતાને માને છે અથવા તેઓનો અહંકાર પણ તેમને ભગવાનનો થવા દેતો નથી અને સંસાર તથા શરીરનો મટવા દેતો નથી.

હવે કોઈ ભગવાનને કહે કે તમે ભક્તોમાં વિશેષતાથી રહો છો ને બીજાઓમાં સામાન્યરૂપે રહો છો. તે આપનામાં આવી વિષમતા કેમ છે? તેનું સમાધાન ભગવાન એમ કહે છે કે, વિષમતા મારામાં નથી. વિષમતા જીવના કર્મમાં છે. કર્મથી ઊભી થાય છે. જો કોઈ મારો અનન્ય આશ્રય કરીને મારું ભજન કરે, ત્યારે હું તેમાં વિશેષરૂપે ન રહું તો મારી વિષમતા થઈ જશે. તેમનાથી જેઓ ભજન કરે છે તથા મારામાં ખેંચાઈને પ્રેમ ભક્તિ કરે છે, તેનું કોઈ મૂલ્ય જ નહિ રહે. એવી વિષમતા મારામાં ન આવી જાય, માટે જેઓ મારું શરણું લે છે તો હું પણ તે જ રીતે તેમને પ્રતિ સહકાર આપું છું અર્થાત્‌આશ્રય આપું છું ને તેનું પાલન કરું છું. ભગવાન સમ હોવા છતાં-

तदपि करहिं सम-विषम विहारा/भगत अभगत हृदय अनुसारा (માનસ ૨/૨૧૯/૩) માં પણ સામાવાળાના ગુણો, ભાવનાઓ, આચરણો વગેરેે જોઈને તેના પ્રતિભાવરૂપે પક્ષપાત થઈ જાય છે.

ભગવાન વ્યાસજી-યુધિષ્ઠિર-પાંડવોના ગુણો-વર્તાવ-ભાવના જોઈને યુધિષ્ઠિરજીને કહે છે કે

तथापि निघ्नं नृप तावकीनै: प्रह्‌वीकृतं मे हृदयं गुणोधै:।

वीतस्पृहाणामपि मुक्तिभाजां भवन्ति भव्येषु हि पक्षपाता: (કિરાત ૩/૧૨)

સૂર્યના કિરણો ધરતી, કાચ,

સૂર્યના કિરણો ધરતી, કાચ, પાણી તમામ પર એકસરખા પડે છે પણ બધાનું પ્રતિફલન એકસરખુ થતું નથી, તે પાત્રને આધારે થાય છે. તેમાં સૂર્યની વિષમતા નથી. પાત્રની વિષમતા છે.

अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक्‌।

साधुरेव स मन्तन्य: सम्यग्व्यवसितो हि स:।।३०।।

અર્થ : અને વળી-મર કોઈ ગમે તેવો અતિ દુરાચારી હોય, તો પણ મને અનન્ય ભાવથી જો ભજે છે, તો તે ખરો સાધુજ છે એમ માનવો, કારણ કે-હવે તે ઘણા સારા નિશ્ચય ઉપર આવી ગયેલો છે માટે. ।।૩૦।।

આશ્રય સ્વીકારમાં દેવત્વ-મનુષ્યત્વ-પશુત્વ વગેરે કોઈ જાતિ પાંતિની ઉચ્ચનીચતા જોયા વિના ભગવાન આશ્રિતને સ્વીકારે છે. જાતિઆદિ ઉત્કર્ષ-અપકર્ષ તેમાં અકિંચિત્કર છે. તેવું ઓગણીસમા શ્લોકમાં બતાવ્યું. તેનાથી ચડિયાતું વૃત છે. જેનું વૃત સારું છે, આચરણ સારું છે, તેને તો ભગવાન જરૂર મહત્ત્વ આપતા હશે. તે વાત આ શ્લોકમાં કહે છે કે, ભગવાનને પ્રસન્ન કરવામાં શૂદ્ધ ચરિત્રવૃત્ત કે અશુદ્ધિ ચરિત્રવૃત્ત પણ અકિંચિત્કરને આશ્રય કરવામાં ભગવાન માને છે. બ્રાહ્મણાદિનો આચાર શૂદ્રનો ધર્મ ન બને, શૂદ્રનો આચાર બ્રાહ્મણને અધર્મ બને, તેમ બ્રાહ્મણને નિષિદ્ધ મદ્યમાંસાદિ તે શુદ્રને નિષિદ્ધ કયારેક નથી હોતા, તેમ શૂદ્રને નિષિદ્ધ કપિલાનું દૂધ નિષિદ્ધ નથી હોતું. આવી રીતે સ્વજાતિ નિયમની અપેક્ષાએ દુરાચાર દોષ કહેવાય. માટે તેવી રીતે જ્યાં જ્યાં વિહિત અકરણ અને નિષિદ્ધ આચરણ બન્ને દુરાચાર કહેવાય. તેની મર્યાદાનો સારી રીતે અતિક્રમણ કરનારો પુરુષ પણ જો અનન્ય ભાવથી પરમાત્મામાં ભજનથી જોડાય, તો ભગવાનને અતિ વહાલો બની જાય છે.

‘आचार प्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युत’ (वि.सं.), आचारहीनं न पुनन्ति वेदा: (वासिष्ठ ६-३) ‘त्रिकालसंध्याहीनोऽशुचिनित्यमनर्हरस्सर्वकर्मसु (દક્ષ ૨-૨૨) આવાં આવાં શાસ્ત્ર વચનો છે તો ભગવાન તેને કયા પ્રકારે શ્રેષ્ઠ-સાધુ કહે છે? ખરેખર તો ‘साधव: क्षीणदोषास्स्यु:’ (વિ. ૩૧૧-૩) એવું કહ્યું છે ભગવાન તેને સર્વ વૈષ્ણવોમાં અગ્રેસર કહે છે? તે કેમ બને? તેનો ઉત્તર એ છે કે અનન્ય ભકત છે તે તેને સર્વમાં ઉત્તમ બનાવનાર હેતુ છે. સદ્‌વૃતનું ફળ પરમાત્મા પ્રત્યેની અનન્યતા છે. સદ્‌વૃતનું ફળ સદ્‌વૃત્ત નથી. હવે કદાચ તેનામાં સદ્‌વૃત્ત નથી આવ્યું, પણ તેના સાચા પરિપાકરૂપ પરમાત્મા પ્રત્યેની અનન્યતા કે સાધનમાં પરમાત્મા પ્રત્યેની અત્યર્થ પ્રીતિની અનન્યતા-ભજનની અનન્યતા આવી ગઈ છે. વર્તમાનમાં અનન્યતાને રસ્તો સારી રીતે પકડાઈ ગયો છે તો પૂર્વે થયેલી વૃત-આચારની ગરબડને ભગવાન ગણતરીમાં નથી લેતા. ભગવાન કહે છે કે, ‘समयक्‌ व्यवसितो हि स:’ ‘क्षीणपापानां च कृष्णभक्ति स्मरणात्‌’ તો જો તેને પરમાત્માની કે અત્યર્થ ભક્તિની અનન્યતા હાથ આવી ગઈ છે, તો નિઃષ્કલંક વિશુદ્ધ આચારયુતોને પણ આ નિર્ણય પર આવતાં ઘણો સમય લાગી જાય છે. ત્યાર પછી મહામુશ્કેલીએ આવી શકે છે, કયારેક નથી પણ આવી શકતા. ‘योगिनामप्यगम्य:’ માર્ગ કહ્યો છે. તેવો વ્યવસાય નિર્ણય જે નિખિલ જગદેક કારણભૂત-પરબ્રહ્મ-પરમાત્મા-ચરાચરપતિ-સ્વામિનારાયણ-શ્રીજી મહારાજ-એક માત્ર મારા માલિક છે-મારા ઈષ્ટદેવ છે-મારા સૃહૃદ છે-મને પોતાની પ્રાપ્તિ કરાવવા માટે છે, મારા પરમ ભોગ્ય છે, પ્રાપ્ય છે-આવો આંતર નિશ્ચય-ચૈતન્યમાં નિર્ણય આચારપૂત સિદ્ધ પુરુષોને પણ દુર્લભ થાય છે. દેવતાઓને પણ દુર્લભ છે. बहूनां जन्मनाम्‌ अन्ते… (ગી. ૭/૧૯) अनेक जन्म संसिद्धस्ततो याति परां गतिम्‌, मनुष्याणा सहस्त्रेषु આ વિષયમાં બતાવ્યું છે अनेक जन्म संसारचित्ते पापसमुच्चये। नाक्षीणे जायते पुंसां गोविन्दाभिमुखी स्थिति:।।

અનેક જન્મના શુભ સંસ્કાર વિના એવો નિર્ણય ચેતનમાં લઈ શકાતો નથી. શુકદેવજી પ્રત્યે જનક મહારાજાએ કહ્યું છે કે ‘ज्ञानं च व्यवसायश्च द्वौ परप्रतिपादकौ। व्यवसायात्‌ ऋते ब्रह्मन्‌ नासादयति तत्‌ परम्‌’(મહા.મો.૩૩૪-૪૭) હે શુકદેવજી ! પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માનો નિશ્ચય એ બન્ને પર સ્થિતિ પમાડનારા છે. તેમાં પણ નિશ્ચય વિના તો પર સ્થિતિ પ્રાપ્ત થતી જ નથી. કોઈને શંકા થાય કે કેવળ નિશ્ચય માત્રથી સાધર્મ્ય સ્થિતિ કેમ પામી જાય? તો તેનું સમાધાન એમ છે કે વ્યવસાય (નિશ્ચય) અને ભજનમાં કાર્ય કારણભાવ રહ્યો છે. વ્યવસાય કારણ છે. અનન્ય પ્રયોજન ભજન તેનું કાર્ય છે. ભજનની અંતર્ગત વ્યવસાય આવી રહે છે. અંતર્ગત વ્યવસાય આવ્યા વિના-થયા વિના, અનન્ય પ્રયોજન ભજન શકય બનતું નથી. भजते मामनन्यभाक्‌’ મારું અનન્ય ભાવે તે ભજન કરે છે, માટે અંતર્ગત એવો વ્યવસાય થયા વિના એવું ભજન થતું નથી. તેવું ભજન તે કરે છે, માટે બહુમન્તવ્ય પાત્ર તે બની ગયો છે. તે આચારપૂત ન હોવા છતાં ‘मन्तव्य:’ તેને માનવો જોઈએ.

अपि चेत्‌ કહેવાનું પ્રયોજન એ છે કે સાતમાં અધ્યાયમાં ભગવાને બતાવ્યું છે કે, ‘न मां दुष्कृतिन: मूढा…’ પાપીઓ મારે શરણે નથી થતા (૭/૧૫) તે વિરોધને દૂર કરવા ભગવાન अपि चेत्‌ નો પ્રયોગ કરે છે. તાત્પર્ય છે, તેઓ પણ જો કોઈ કારણોસર મારા ભજનમાં લાગી શકે છે. મારા તરફથી તેને કોઈ પ્રતિબંધ નથી. ભગવાનની પ્રતિજ્ઞા છે, ‘कोटिविप्र वध लागहि जाहू। आये सरन तजऊ न ताहू।। सन्मुख होई जीव मोहि जबहि। जन्मकोटि अध नासहि तब हि (માનસ ૫/૪૪/૧) મારે કોઈ પ્રાણી પ્રત્યે દ્વેષ નથી ‘सुदुराचारो भजते मामनन्यभाक्‌’ જે સાંગોપાંગ દુરાચારી છે. અર્થાત્‌દૂરાચાર કરવામાં કોઈ ખામી રાખી નથી દુરાચારનું કોઈ અંગ-ઉપાંગ બાકી ન રાખ્યું હોય, એવો દુરાચારી હોય, તે પણ અનન્યપણે મારા ભજનમાં લાગી જાય તો તેનો ઉદ્ધાર થઈ જાય છે. અહીં ‘भजते’ વર્તમાન ક્રિયાપદ છે. તેનો ભાવ એ છે કે, અનન્યભાવથી ભજન તો કરવા લાગી ગયો છે પણ હજુ તુરત पूर्णत: દુરાચાર છૂટી ગયો નથી. તો પણ તેનું લક્ષ્ય હવે દુરાચારના મૂળ એવા ભોગ-સંગ્રહ આદર સત્કાર-સુખ-આરામ રહ્યા નથી. તેનું લક્ષ્ય એક માત્ર ભજન કરવાનું બની ચૂકયું છે તો તેને સાધુ માની લેવો. કોઈને શંકા થાય કે એવો દુરાચારી અનન્ય ભજનમાં લાગે ખરો? તો શાસ્ત્રો કહે છે. વિશિષ્ટ સંજોગોમાં લાગે ખરો. વાલિયો લૂંટારો, અજામિલ, જોબનપગી, વાલેરો વરૂ વગેરે તેવા જ હતા; પરંતુ કોઈની આફત, પુણ્યક્ષેત્રનો કે પુણ્ય પુરુષોનો યોગ, પૂર્વનો સંસ્કાર જાગી ઊઠે(માનભા), સંતની કૃપા વગેરે સંજોગોમાં તેવું પણ થઈ શકે છે.

હવે એક શંકા એમ પણ થાય છે કે, જેઓ વર્ષોથી ભજન ધ્યાન કરી રહ્યા હોય, એમનું મન પણ તત્પરતાથી ભગવાનમાં નથી લાગતું. તો પછી દુરાચારીમાં દુરાચારી હોય તેનું મન ભગવાનમાં તૈલધારાવત્‌કેવી રીતે લાગશે? તેનું સમાધાન એ છે કે અહીં ‘अनन्यभाक्‌’ નો અર્થ ‘તૈલધારાવત્‌ચિંતન કરે છે, એવો નથી; પરંતુ તેનો અર્થ છે ‘न अन्यं भजति’ અર્થાત્‌તે અન્યનું ભજન નથી કરતો, તે ભગવાનના સિવાય અન્યનો સહારો નથી લેતો, આશ્રય નથી લેતો. કેવળ ભગવાનનો જ આશ્રય લઈ લે છે. જેવી રીતે પતિવ્રતા સ્ત્રી કેવળ પતિનું જ અખંડ સ્મરણ કરતી હોય એવી વાત નથી. તે તો હરદમ પતિની જ થઈ રહે છે. સ્વપ્નમાં પણ તે બીજાઓની નથી થતી. તાત્પર્ય એ છે કે તેનું તો એક પતિ સાથે જ પોતાપણું રહે છે. પછી તે સાસુ-સસરા, માતા-પિતા વગેરે કોઈની પણ રહેતી નથી એટલું જ નહિ તે પોતાના પુત્ર-પુત્રીની પણ થતી નથી. કેમ કે જ્યારે સતી થાય છે, ત્યારે પુત્ર-પુત્રીના કે માતા-પિતાના સ્નેહની પણ પરવા કરતી નથી. હા, એ પતિના સંબંધે કરીને બધાની સેવા કરી દે છે; પરંતુ તેની અહંતા કેવળ પતિની જ થઈ રહે છે. ‘अनन्यभाक्‌’નું તાત્પર્ય એવું છે કે ‘હું ભગવાનનો છું, બીજા કોઈનો નહિ, ને ભગવાન મારા છે. (તેમાં ભગવાન બીજા કોઈના નહિ ને ભગવાન મારા છે, એમ ન રાખી શકાય. ભક્ત ભલે માને, પણ શકય ન કરી શકાય) એવું તેનું અહં પરિવર્તન થવું સંપૂર્ણ જરૂરી છે.

અખંડ સ્મૃતિ તો યાવત્‌બુદ્ધિ બલૌદય કરવી જ જોઈએ. ‘अनन्यभाक्‌’થી ભગવાને આચરણ બદલવાને બદલે અહંતા બદલવાનો વધારે ભાર બતાવે છે. અહંતા બદલવાથી જ ‘अनन्यभाक्‌’થવાય છે. જ્યાં સુધી અહંતા ન બદલે ને કદાચ આચાર બદલી નાખે તો પણ ‘अनन्यभाक्‌’ થઈ જવાયું એમ ચોક્કસ ન કહી શકાય. બધા જ આચારપૂત ભગવાનમાં ‘अनन्यभाक्‌’ હોતા નથી, હોય એવું બનતું નથી. (દા.ત. ભીષ્મપિતામહ) અનન્યભાક્‌પણું જીવની ચેતનામાં બેસી જતું હોય છે. મનબુદ્ધિમાં બેસી ગયેલી વાતની વિસ્મૃતિ થઈ શકે છે; પરંતુ સ્વયં-ચેતનામાં પેસી ગયેલી વાતની વિસ્મૃતિ થતી નથી. કારણ કે મનબુદ્ધિ આપણી પોતાની સાથે નિરંતર રહેતા નથી. સુષુપ્તિમાં આપણને તેનો અભાવ-ગેરહાજરીનો અનુભવ થાય છે; પરંતુ સ્વયં-ચેતનનો-પોતાનો અભાવ કયારેય અનુભવાતો નથી. તેથી સ્વયંમાં-ચેતનામાં-જે વ્યવસાય થાય છે, નિર્ણય થઈ જાય છે, તે વાત કયારેય ટળતી નથી, અખંડ રહે છે. ‘હું ભગવાનનો છું-બીજા કોઈનો નથી અને ભગવાન અનન્યપણે મારા છે’ આ સ્વીકૃતિ ચેતનામાં થાય છે. મનબુદ્ધિમાં નહિ. મન બુદ્ધિ તો કદાચ તેનો સાથ દેનારા બને-કયારેક વિરોધ કરનારા પણ બને-નિર્ણય કેવળ ચેતનની અંદર થાય છે. માટે ભગવાને કહ્યું કે, ‘सम्यक्‌ व्यवसितो हि स:’ આવો ઉત્તમ વ્યવસાય કરે-નિર્ણય કરે તેને ‘साधुरेव स मन्तव्य:’ સાધુ જ માનવો જોઈએ. અહીં ભગવાન ખાલી એમ નથી કહી દેતા કે, ‘હું તેને સાધુ માનું છું’ અથવા ‘આવો મારો મત છે’ પરંતુ અહીં તો એવું કહે છે કે ‘તમારે પણ તેને સાધુ જ માનવાનો છે’ વિધિવચન છે-અર્થાત્‌આજ્ઞાવચન છે. માનવાનું કયાં કહેવામાં આવે? જ્યાં સહજ પ્રાપ્ત ન થાય. જ્યાં સાધુતા દેખાતી જ હોય, તો તો ભગવાનને એવું કહેવું ન પડત કે તમે બધા માનો પણ આપણે માનવા તૈયાર થઈએ એવી સ્થિતિમાં ન હોઈએ, એટલે ભગવાનને કહેવું પડયું છે કે તમે બધા તેને સાધુ જ માનો. કારણ કે જેની અહંતા બદલી જાય છે, તેના આચરણ બદલતા વાર નથી લાગતી. અહંતાને અનુસાર-અનુરૂપ બધા આચરણો થાય છે. માણસનો એવો સ્વભાવ છે, બીજાની નબળી વાતને જલદી પકડી લે છે. તે જલદી છોડતો પણ નથી. પેલી વ્યક્તિમાંથી તે નબળાઈ છૂટી જાય તો પણ આપણા મગજમાંથી તેને વિષે એ વાત છૂટતી નથી. જ્યારે ભગવાનનો સ્વભાવ ઊલટો છે.

रहति न प्रभु चित्त चूक किएकी।

करत सुरति सच बार हिएकी।। (માનસ-૧ (૨૯/૩)

ભગવાનની દૃષ્ટિ એના હૃદયના ભાવ ઉપર રહે છે આચરણ ઉપર નહિ. ભગવાન તેના વ્યવસાયને જોઈને રાજી-કુરાજી જલ્દી થઈ જાય છે.

क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति।

कौन्तेय प्रतिजानीहि न मे भक्त: प्रणश्यति।।३१।।

અર્થ : આવો માણસ ટૂંકી મુદતમાં જ ધર્માત્મા થઈ જાય છે. અને અખંડ શાંતિનો પણ પામે છે. હે કૌન્તેય ! તું પ્રતિજ્ઞા કરીને કહે જે કે-મારો ભક્ત ક્યારેય મોક્ષમાર્ગથી પડશે નહિ. ।।૩૧।।

क्षिप्रं भवति धर्मात्मा-ત્રીસમાં શ્લોકમાં બતાવ્યું કે, તે બહુ માનવા જેવો થઈ જાય છે. ત્યારે કહે છે કે ભલે તે બહુ માનવા જેવો થતો હોય પણ પોતાનું કોઈ કાર્ય થતું નથી. ઉત્તરોત્તર પાપ સારી બુદ્ધિનો નાશ કરે છે. સારી બુદ્ધિ નાશ થતાં વળી પાછું તો પાપ કરે છે. માટે ભગવાનના માર્ગે જતા અને ભજનને રોકનારા રજ-તમ તેના કારણરૂપ પાપનું નિવારણ કરવા માટે શાસ્ત્રકારોએ શુદ્ધ આચાર પાળવા કહ્યું છે. તે તો આ જીવને થતું નથી, અને લોકો વખાણ માત્ર કરશે તેનાથી શું? એમ કોઈ વિચારતું હોય તો તે વાત સાચી નથી. ભગવાન તેનો ઉત્તર આપતાં કહે છે કે, તે જીવ તત્કાળ ધર્માત્મા બની જાય છે, પુણ્યાત્મા બની જાય છે. ધર્મ શબ્દ અત્રે પ્રકરણને અનુસારે ‘અનન્ય ભજન’ અર્થમાં વપરાયો છે. તેનું ભજન રોકાશે નહિ પણ ઊલટું તેના રજ-તમો મૂળ પાપ નષ્ટ થઈને તે વધારે અનન્ય બનશે.

પાપ કરવાની ભાવના રહેતાં ‘મારે કેવળ ભગવાનની તરફ જ ચાલવું છે’ એવો નિશ્ચય પણ નથી કરી શકતો. (ગી.૨/૪૩-૪૪) એ વાત બરાબર છે, છતાં પાપી મનુષ્ય એવો નિશ્ચય નથી કરી શકતો. એવો નિયમ નથી બની શકતો કે નથી બનાવી શકાતો. જો તેની ચેતના જાગી જાય, તો ગમે તેવો પાપી પણ તત્કાળ ભજનમાં લાગી શકે છે. એવું તાત્પર્ય છે. ક્રિયામાં સુધારો થતાં વ્યક્તિનું ધીરે ધીરે પરિવર્તન થાય છે, પણ અહંવૃત્તિ બદલતા વ્યક્તિનું તત્કાળ પરિવર્તન થાય છે. અહંકાર બદલતા વ્યક્તિની ક્રિયાઓ પણ બદલાઈ જાય છે. અહંવૃત્તિને અનુરૂપ જ બાહ્ય ક્રિયાઓ થતી હોય છે. જીવ જ્યારે સંસારની સાથે અને શરીરની સાથે ‘હું’ અને ‘મારા’પણું પૂર્ણપણે માની લઈને સંયોગજન્ય સુખ ઈચ્છવા લાગે છે ત્યારે તે ‘કામાત્મા’ (ગી. ૨/૪૩) બની જાય છે. તેવી જ રીતે સંસારથી વિમુખ થઈ ભગવાન સાથે સાચો અનન્ય સંબંધ જોડી લે છે, ત્યારે તે ‘ધર્માત્મા’ બની જાય છે. ભગવાન તે સનાતન ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે.

शाश्वत्‌ शान्तिं निगच्छति-વસ્તુતાએ પાપનિવૃત્તિ થવાથી, પુણ્યાચરણ થવાથી તે ‘पुण्यात्मा’ અથવા ‘धर्मात्मा’ બની જાય છે; પરંતુ ધર્માત્મા બનીને પણ તે ભોગ અને ઐશ્વર્યની ઈચ્છા રાખી શકે છે. ધર્મની મર્યાદામાં રહીને જ્યારે ભોગ-ઐશ્વર્યની ઈચ્છા રાખે છે, ત્યારે ધર્માચરણ તે ઈચ્છાને ઉખેડી શકતું નથી. જ્યારે ‘धर्मात्मा’ બન્યા પછી પણ ભોગ-ઐશ્વર્યની ઈચ્છા રહી તો તેને શાશ્વત શાંતિ તો પ્રાપ્ત નહિ થાય. તે ઈચ્છા જ એવી છે કે કોઈને પરમ શાંતિની અનુભૂતિ થવા દેતી નથી. ત્યારે ભગવાને તો કહ્યું તે ‘પરમશાંતિ’ને પણ પામી જશે તો તેનું તાત્પર્ય એ છે કે ભગવાનના ‘धर्मात्मा’ કહેવા પાછળ કેવળ પુણ્યપરાયણ બની જવું એટલું જ નથી પણ અનન્ય ભજનનું તાત્પર્ય છે. અનન્ય ભાવથી ભગવાનપરાયણ બની જવાનો ભાવ છે. ત્યારે તો શાશ્વત શાંતિ જરૂર પ્રાપ્ત થશે જ.

कौन्तेय प्रतिजानीहि न मे भक्त: प्रणश्यति અહીં ‘न मे भक्त: प्रणश्यति’ ‘મારા ભક્તનું કયારેય પતન નથી થતું. એવી પ્રતિજ્ઞા કરવાનું અર્જુનને કહે છે કે, હે અર્જુન ! તું એવી પ્રતિજ્ઞા કર. પોતે નથી કરતા. એનો આશય ભક્તો એવું કહે છે કે કયારેક ભક્તોની પ્રતિજ્ઞા રાખવા ભગવાન પોતાની પ્રતિજ્ઞા ત્યાગ પણ કરી દે છે. મહાભારતના યુદ્ધમાં ભગવાને પ્રથમથી જ હથિયાર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા કરેલી હતી. તે સાંભળી ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી લીધી કે

आजु जौ हरिहिं न शस्त्र गहाऊँ।

तौ लाजौ गंगा जननी को शन्तनुसुत न कहाऊँ।।

ત્યારે થયું પણ એવું જ કે ભગવાનની પ્રતિજ્ઞા તૂટી અને ભીષ્મની પ્રતિજ્ઞા અખંડ રહી. તે ભાગવતમાં ભીષ્મ સ્તુતિમાં વ્યાસજીએ ભીષ્મના મુખે ઉલ્લેખ કર્યો છે જ. ‘स्वनिगममपहाय मत्प्रतिज्ञां ऋतमभिकर्तुम्‌- એવી ભક્ત સમુદાયમાં દૃઢપણે માન્યતા છે કે, ભગવાન પ્રતિજ્ઞા કરે ને કોઈ સાચો ભક્ત ધારે તો પ્રતિજ્ઞા છોડાવી શકે. એવા અનેક દાખલાઓ બનતા હોય છે; પરંતુ જો ભક્ત પ્રતિજ્ઞા કરે તો તે ભક્તનાં વચન-પ્રતિજ્ઞા ભગવાન તૂટવા દેતા નથી. તેની રક્ષા ભગવાન જ કરે છે અને તે અતૂટ રહે છે. માટે ભગવાન અહીં પોતે પ્રતિજ્ઞા નથી કરતા અને પોતાના ભક્ત અર્જુનને કહે છે, તમે પ્રતિજ્ઞા કરો. જો કે તત્ત્વદર્શી આચાર્યો (રામાનુજાદિ. તા.ચં.) આ વસ્તુને ખાલી કથા રસ કહે છે. સિદ્ધાંત તરીકે નથી ગણતરીમાં લેતા. તો પણ તાત્પર્ય તો સ્વીકારે જ છે.

ભગવાનનું તાત્પર્ય એ છે કે આ સિદ્ધાંત અચળ છે કે, ‘न मे भक्त प्रणश्यति’ અને તે ભગવાન પ્રતિજ્ઞા કરે, તો પણ તેમની ઈચ્છા વિના કોઈ તોડી ન શકે. પણ કૌતુકી ભગવાને આવું જરા કહ્યું છે. તેનું તાત્પર્ય એ જ છે કે પ્રતીયમાન અર્થ પરમાત્માએ અતિનિર્ણિત પરિપૂર્ણ ભક્તિ કે ભક્ત તે ઉપાસકનો નાશ પ્રસંગનો સદાને માટે અભાવ હોવા છતાં, ભગવાને કહ્યું કે ‘अपि चेत्‌ सुदुराचार:’ કહેલું હોવાથી અભિપ્રાય એવો થાય છે કે અનન્ય ભક્તિમાં તો પ્રવેશ કરી ગયો છે પણ સંપૂર્ણ દુરાચાર દૂર થયો નથી. ત્યારે પણ તેવી અવસ્થામાં પણ ભક્તનું પતન થતું નથી, ભગવાન થવા દેતા નથી. ભક્તિ અને ભક્ત એક વખત સાચાભાવમાં શરૂ થઈ જાય તો પછી તેના પ્રતિકૂળના નાશની ભગવાનની પ્રતિજ્ઞા છે-ભગવાનનો નિર્ણય છે. તેમાં ઉપરિચર વસુનું દૃષ્ટાંત લેવામાં આવે છે. પ્રહ્‌લાદે પણ ભગવાન સાથે લડાઈ કરી છે. એવા ઉલ્લેખો શાસ્ત્રોમાં અપાયા છે પણ ભક્તિ તે વિરુદ્ધાચારનો અંત આણીને ભગવાન પાસે પહોંચાડે છે. એવો શાસ્ત્રકારોનો અભિપ્રાય છે.

જો કે દુરાચારી પણ ખરો ભક્ત થઈ શકે છે. તો પછી ખરો ભક્ત થયા પછી પણ તે ફરીથી દુરાચારી પણ થઈ શકે છે-એમ ન્યાય કહે છે. આ ન્યાયને તોડવા માટે ભગવાન અહીં સિદ્ધાંત રજૂ કરે છે કે એ ન્યાય અહીં મારા ભક્તના વિષયમાં નથી લાગુ પડતો. દુરાચારીમાં પાકો દુરાચારી ભક્ત બની શકે છે, પણ પાકો ભક્ત થયા પછી તે કયારેય દુરાચારી થતો નથી. આ હકીકત સ્પષ્ટ કરવાનો ભગવાનનો અભિપ્રાય છે.

मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्यु: पापयोनय:।

स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम्‌।।३२।।

किं पुनर्ब्राह्मणा: पुण्या भक्ता राजर्षयस्तथा।

अनित्यमसुखं लोकमिमम्‌ प्राप्य भजस्व माम्‌।।३३।।

અર્થ : હે પાર્થ ! મારો મહિમા તો જો ! મારો આશ્રય કરીને તો, જે કોઈ પાપ યોનિમાં જન્મેલા દોષ, તેમજ સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો, તે સઘળાય પણ પરમ-સર્વોત્કૃષ્ટ ગતિરૂપ મારા ધામને પામે છે.।।૩૨।।

તો પછી પુણ્યવાન બ્રાહ્મણો તથા રાજર્ષિ-ક્ષત્રિયો, તે મારા ભક્તો હોય તો તે પરમગતિ પામેજ. એમાં વળી કહેવાનું જ શું હોય ? માટે તું આ અનિત્ય અને વાસ્તવિક સુખ વિનાના માનવ લોકને-જન્મને પામીને મારું જ ભજન કરી લે ! ।।૩૩।।

જે વર્તમાનમાં પાપ કરી રહ્યો છે તે ‘દુરાચારી’ છે અને પૂર્વ જન્મના પાપને કારણે જેને નીચ યોનિમાં જન્મ આવ્યો છે તે ‘પાપયોનિ’ છે. પૂર્વ જન્મના પાપીની અપેક્ષાએ વર્તમાન પાપી વિશેષ દોષી ગણાય છે. માટે તેનો ભગવાને પ્રથમ ઉલ્લેખ કર્યો. હવે પૂર્વ જન્મના પાપી-પાપયોનિ-ને બતાવે છે. તાત્પર્ય એ છે કે ચાહે આ જન્મનો દુરાચારી હોય કે પૂર્વ જન્મનો દુરાચારી હોય, આ જન્મનો પાપી હોય કે ચાહે પૂર્વ જન્મનો પાપી હોય-નીચ યોનિ હોય તો પણ ભગવત્પ્રાપ્તિનો અધિકારી છે. ભગવત્‌પ્રાપ્તિનો અધિકાર કોઈનો છીનવાઈ જતો નથી. જો તેને ભગવત્‌પ્રાપ્તિની ઈચ્છા થાય તો, ત્રીસથી તેત્રીસ શ્લોક સુધીમાં ભગવાને સાત નામ લીધા. દુરાચારી, પાપયોનિ, સ્ત્રીઓ, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ અને ક્ષત્રિય. આ સાતમાં તમામ પ્રાણી આવી જાય છે. સ્ત્રી-શૂદ્રને વેદનો અધિકાર ન હોય ને કોઈ એમ માની લે કે તેને પરમગતિ પ્રાપ્ત ન થાય તેથી ભગવાને તેને ગણાવ્યા. જો કે ચારવર્ણના કહેવાથી સ્ત્રીઓ તેમાં આવી જાય છે પણ વૈદિક કર્મ સ્ત્રીઓ પોતાના પતિની સાથે જ રહીને કરી શકે છે. માટે અહીં કોઈ એવું ન સમજી લે કે તેઓ ભક્તિ ન કરી શકે. ભગવાને સ્ત્રીઓનું સ્વતંત્ર નામ એટલા માટે લેવું પડયું. એ ચારે વર્ણમાંથી કોઈ બાકી રહેતું હોય તે પણ ‘પાપયોનિ’માં કોઈ પણ આવી જશે. આ તમામ ભક્તિ કરવાના અધિકારી છે. કોઈને પણ ભગવાન તરફથી મનાઈ નથી. સાતમાં અધ્યાયમાં સોળમાં શ્લોકમાં ભગવાને અંદરના ભાવોને આધારે આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની-એમ ચાર પ્રકારના ભક્ત બતાવ્યા. અહીં જીવનો બાહ્યાચાર લઈને લૌકિક દૃષ્ટિને પ્રાધાન્ય આપીને ભગવાને સાત પ્રકારના જીવ બતાવ્યા. સાતમાં અધ્યાયમાં તે ભક્તોની વાત છે, જે ભગવાનમાં લાગી ગયેલા છે. અહીં તેવા મનુષ્યોની વાત ભગવાન કરે છે કે, જેઓ ભગવાનમાં લાગી શકે છે. જો તેઓ ઈચ્છે તો. ભગવાનની પ્રાપ્તિમાં નાનો-મોટો કોઈ છે નહિ. ભગવાન કેવળ ભક્તિનો જ સંબંધ માને છે.

कह रघुपति सुनु भामिनि बाता। मानऊँ एक भगति कर नाता।।

जाति पाँति कुल धर्म बडाई। धन बल परिजन गुन चतुराई।।

બીજો કોઈ સંબંધ કે યોગ્યતા ભગવાનની દૃષ્ટિમાં છે નહિ. તેથી ભગવાન કહે છે ‘भजस्व माम्‌’ મારું ભજન કરો. अनित्यम्‌ असुखं लोकम्‌ इमम्‌ प्राप्य…। અનિત્ય અને સુખરહિત આ લોક છે, તેની આશા છોડી દઈને મારું ભજન કરો. સંસારમાં સુખ છે. તે તો ખાલી ભ્રમણા છે. સંસારમાં ખાલી દુઃખ અને દુઃખ તથા મરવું અને મરવું જ છે. સુખની અને જીવવાની તો ભ્રમણા જ છે. માટે ભગવાન કહે છે, તેમાંથી મારું ભજન કરી લો. જેના અંતરમાં જન્મનું કે ઉપર ગણાવ્યા તે શરીર સંબંધી કોઈ બાબતનું પ્રાધાન્ય હોય છે કે આવી જાય છે, ઘર કરી ગયું હોય છે. તેના અંતરમાં ભગવાન પ્રત્યે ભાવનું પ્રાધાન્ય થતું નથી, ત્યારે તેના અંતરમાં ભગવાનની ભક્તિ પણ પેદા થતી નથી.

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु।

मामेवैष्यसि युक्त्वैवामात्मानं मत्परायण:।।३४।।

અર્થ : તું મારામાં જ મન રાખનારો થા ! મારામાં જ સ્નેહ રાખ ! મારું જ પૂજન કર ! અને મનેજ નમસ્કાર કર ! આ પ્રમાણે તું મત્પરાયણ થઈને મારામાં જ મન જોડીશ, તો નક્કી તું મનેજ પામીશ. ।।૩૪।।

मन्मना भव, मद्‌ भक्तो (भव), मद्‌ याजी (भव), माम्‌ नमस्कुरु, मत्परायणो (भव), एवम्‌ आत्मानं (मन:) युक्त्वा माम्‌ एव एस्यसि।

હે અર્જુન ! તું મારામાં મન રાખનારો થા. અર્થાત્‌મારામાં અખંડ મન રાખ. મારો ભક્ત થા. અર્થાત્‌મારું ભજન કર, મારું ભજન કરનારો થા, મારા પરાયણ થા. આવી રીતે મારે વિશે મનને જોડવાથી તું મને જ પામીશ.

આવો જ રહસ્ય આદેશ ભગવાને અઢારમાં અધ્યાયમાં છેલ્લે અર્જુનને આપ્યો છે ‘सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:।।

હે અર્જુન ! તું તારા મનના માનેલા સર્વ ધર્મોનો(ગી. ૧૮/૧૬, સર્વગ્રંથિઓના-સારી-નબળી માન્યતાઓનો) ત્યાગ કરી દે અને મારા એકના જ શરણે આવ. મારી જ માન્યતાઓને ગ્રહણ કરી લે. હું તને પાપ થકી છોડાવીશ-સર્વ બંધન થકી મુક્ત કરીશ-તું શોક ન કર. આ શ્લોકમાં થોડી નિષેધ વિધિ પ્રધાન ભાષા ભગવાને વાપરી છે. જ્યારે (૯/૩૪) આ શ્લોકમાં વિધિપ્રધાન વિગત બતાવી છે. સર્વ ધર્મને-છોડીને મારે કરવાનું શું છે? તો તેનો ઉત્તર ભગવાન અહીં કહે છે કે એ છે કે જે આ શ્લોકમાં બતાવ્યું, તે પ્રમાણે તારે કરવાનું છે. ભક્તિનું સ્વરૂપ આ શ્લોકમાં નિરૂપણ કર્યું છે.

પોતાના હૃદયની વાત-રહસ્યવાત-ત્યાં જ કહેવામાં આવે છે, જ્યાં સાંભળવાવાળામાં કહેવાવાળા પ્રત્યે દોષદૃષ્ટિ ન હોય; પરંતુ આદરભાવ હોય. અર્જુન દોષદૃષ્ટિથી રહિત છે. એટલા માટે ભગવાન તેમને ‘अनसूयवे’ (૯/૧) કહ્યા છે. આ જ કારણથી ભગવાન અહીં આ શ્લોકમાં અર્જુન સમક્ષ પોતાના હૃદયની ગોપનીય વાત કરી રહ્યા છે. જે ભગવાને આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં પ્રતિજ્ઞા કરી છે. બીજા શ્લોકમાં તેની રાજવિદ્યા, ગુપ્તરહસ્ય વગેરે શબ્દોથી પ્રશંસા કરી છે અને ત્રીજા શ્લોકમાં તેનાથી વ્યતિરેક ભાવમાં નિંદા કરીને આ જ વિષયની વધારે પુષ્ટિ કરી છે. તેથી જ આ અધ્યાયનું નામ ‘राजविद्याराजगुह्ययोग’ નામ પડયું છે. તે રહસ્યના રાજારૂપ અને વિદ્યાઓના સમ્રાટ રૂપ કઈ વિદ્યા છે, તો આ (૩૪)માં શ્લોકમાં જે કરવાનું બતાવ્યું છે, તે વિદ્યા છે, ભક્તિરૂપ વિદ્યા છે.

मन्मना भव-તું મારામાં અખંડ તૈલધારાવત્‌અવિચ્છેદપણે મનને પરોવનારો થા. તેનો અર્થ એ છે કે સામાન્યપણે તમામ ઉપનિષદોમાં નિર્દેશ કરેલ તમામ પર વિદ્યાઓ જે ઉપનિષદ્‌માં સદ્‌વિદ્યા, ભૂમવિદ્યા, અક્ષીવિદ્યા વગેરે બ્રહ્મ વિદ્યાઓ બતાવી છે. તે એક એક વિદ્યાઓમાં જીવોને ઉપાસના કરવા યોગ્યપણે પ્રતિપાદન કરેલ-સ્વરૂપ-રૂપ-ગુણો, જે ઉપાસન કરવાના છે, તેને અહીં ‘अस्मद्‌’ શબ્દથી (મન્‌, મદ્‌, મામ) કહ્યા છે. અર્થાત્‌તે ગુણો-રૂપ-સ્વરૂપની તું ઉપાસના-આરાધના કર. તેમાં તારા મનને અખંડ રાખ. મારામાં મન રાખવામાં ‘હું (પરમાત્મા) કેવો છું? કોણ છું? મારો પ્રભાવ, ગુણો, ધર્મો વગેરે કેવા છે?’ તેનું બરાબર આકલન કર-સતત તેનું પૃથ્થકરણ કરતો રહે. સતત તેની ચિકિત્સા કરતો રહે. તારું મન મારા સ્વરૂપ-રૂપ-સ્વભાવ-ગુણ વિભૂતિમાં પરોવી દે. તારે કોઈ નિરર્થક કે તુચ્છ વસ્તુમાં મન રાખવાનું હું કહેતો નથી. અસમર્થની સેવા કરવાનું હું તને કહેતો નથી. અસમર્થની સેવા કરવાથી કશું પ્રાપ્ત થતું નથી. હું કોણ છું તો રામાનુજાચાર્યજી ભાષ્યમાં ભગવાનના ગુણ સમૂહની આપાતતઃ યાદી વર્ણવી દે છે. જે ભગવાન સર્વેશ્વર છે-સર્વોપરી છે હેય પ્રત્યનિક-કલ્યાણૈકતાન છે,લાવણ્યતાનું ધામ છે. ‘चक्षुरानन्दजनकस्तेजो विशेषो हि लावण्यम्‌’ જે રૂપમાં એકવાર નેત્ર જાય, તો તેને પાછા ખેંચી શકવા કોઈ સમર્થ થતું નથી એવું જેનું લાવણ્યરૂપ છે. તેમાં તારે મન રાખવાનું છે. મન પરમાત્મામાં રાખવાનું તાત્પર્ય એ છે કે ઉપનિષદોમાં બ્રહ્મવિદ્યાઓમાં જે બતાવવામાં આવ્યું છે કે ‘निदिध्यासितव्य’ (બૃહ. ૬-૫-૬) ‘ध्यायीत’ (મુણ્ડ. ૨-૨-૬) ‘ध्रुवा स्मृति:’ (છાં.૭ મૂ ૨૬/૨) आवृतिरसकृत्‌ उपदेशात्‌ (બ્રહ્મ સૂય. ૪-૧-૧) ઈત્યાદિક આજ્ઞાઓ-વિધિઓના અનુસંધાનપૂર્વક એવી ધ્યાનાત્મક-તૈલધારાવત્‌અવિચ્છિન્ન મનોવૃત્તિ બનાવવાની છે. સાધ્યની બાહેંધરી (माम्‌ एव एस्यसि) હોવાથી સાધનોની પણ બાંહેધરી (જીવ તરફથી) હોવી ઘટે છે. તેથી અનન્યમનસ્કપણું અવશ્ય સિદ્ધ કરવું ઘટે છે. તૈલધારાવત્‌અવિચ્છિન્ન મનોવૃત્તિ કરવાની છે, એવું मन्मना भव નું તાત્પર્ય થાય છે.

मद्‌ भक्त: (भव)-વેદાંત સિદ્ધાંતમાં ભક્તિ અથવા પ્રીતિ એ જ્ઞાનનું જ વિશેષ સ્વરૂપ છે. વિશિષ્ટ પ્રકારનું જ્ઞાનનું ઘન સ્વરૂપ છે. જેમ જીવાત્માના વિષયમાં ‘अनुकूलं वेदनीयं सुखम्‌’ અનુકૂળ જ્ઞાનને સુખ કહેવાય છે; પરંતુ તે જીવાત્મવિષયના અનુસંધાનમાં સ્વાનુકૂલ વિષયવાળું કહેવાય છે. જ્યારે તે જ વસ્તુને પરમાત્માની (સ્વાનુકૂલતા) અનુકૂલતાનો જ વિચાર છે-જે જ્ઞાન છે કે ભાવના છે, તે જ પ્રીતિ-ભક્તિ કહેવાય છે. અનુકૂળ વેદનને સુખ કહેવાય છે. જ્યારે ‘અતિશયેન અનુકૂળ વેદનને આનંદ કહેવાય છે; પરંતુ તે જ વાત પરમાત્માને અતિશય અનુકૂળનો વિચાર કરીને જે ચેષ્ટાઓ-ભાવનાઓ કરવામાં આવે-લાગણીઓ કરવામાં આવે, તેને ભક્તિ કહેવાય છે. તેથી ભાષ્યમાં ‘मदभत्को भव’ વ્યાખ્યાન ‘अत्यर्थमत्‌ प्रियत्वेन युक्तो मन्मना भव’ એવું બતાવ્યું. મારામાં તારે મન તો રાખવાનું છે પણ અત્યર્થ પ્રીતિવાળા થઈને મારામાં મન રાખવાનું છે. કેવળ યોગની પ્રક્રિયાની જેમ યુક્તિઓ લાવી દબાણપૂર્વક મનને સ્થિર કરવાનું, એટલાથી પૂર્ણતા માનવાની નથી. પ્રીતિથી નીતરતું મન મારામાં રાખવાનું છે.

मद्‌ याजी (भव) મારું યજન કરનારો થાઃ યજનનો અર્થ અહીં ફક્ત ‘ઈન્દ્રાય સ્વાહા’ કહીને દ્રવ્ય વિસજર્ન કરવું એવા અર્થમાં નથી. यजनं नाम परिपूर्ण शेष वृत्ति: અર્થાત્‌ કૈંકર્ય-(કિંકરપણું)નિર્વેતન સેવકભાવ,તેથી मद्‌ याजी નું તાત્પર્ય છે, તું પ્રેમપૂર્વક મારામાં મન રાખતો થકો મારો અનન્ય સેવક બની જા. યજનનું તાત્પર્ય અહીં પંચ મહાયજ્ઞાદિકમાં પ્રકરણને લઈને નથી લેવાનું અને મારામાં મન રાખે એટલું પણ પૂરતું નથી. અનન્ય સેવકભાવ લાવીને તે કર. मां नमस्कुरु હજુ પણ આગળ કહે છે મને નમસ્કાર કર. અર્થાત્‌મારી અનંતતા અંતરમાં અનુભવાણી છે, તેથી પ્રીતીપૂર્વક અતિ અહોભાવથી જેનું અંતર ગળી ગયું છે એવો થકો સંપૂર્ણ શેષવૃત્તિ-સેવક થઈને મારામાં મન રાખ.‘णमु प्रह्‌वीभावे’ એવો ધાતુ છે. ‘प्रेक्षातत: प्रवृत्तिंर्या प्रह्‌वीभावात्मिका स्वत:। उत्कृष्टं परमुदिश्य तन्नम: परिगीयते અતિ ઉત્કૃષ્ટ વ્યક્તિના પ્રત્યે સજ્જન માણસોને જે અતિ માત્ર નિર્માની ભાવ થાય તે પ્રહ્‌વીભાવ કહેવાય. જેમ મુક્તાનંદ સ્વામીને મહારાજ માન આપે તો પણ સ્વામીનો પ્રહ્‌વીભાવ સ્પષ્ટ દેખાતો હતો. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ‘કિયાં કીડી કરિ મેળાય ભેળું થાવા ભારે ભેદ છે રે, કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે’ સ્વામી કહે છે હે મહારાજ ! કયાં કીડી જેવા અમે જીવ, અને કયાં આપની અપાર મોટાઈ. એવું જાણીને અતિ નિર્માનીપણું, અતિ પ્રેમ અને અતિમાત્ર ભાવમાં સેવક-કિંકર-ગુલામભાવ આવી જાય. તે નમસ્કાર કરવાનું તાત્પર્ય છે. ખાલી જે જે, જે જે,એવા નમસ્કારનો અહીં અર્થ નથી.

मत्परायण: (भव)-ભગવાન કહે છે, હું જ જેનું અવધારણ કેન્દ્ર-આધારરૂપ છું-અર્થાત્‌મારા વિના જેની આત્મધારણ સંભાવના રહેતી નથી-આત્મધારણ-જીવનધારણ કરી શકતો નથી, એવો મારે પરમાધીન બની જા. આને ભક્તિની પરમ સીમા કહેવાય છે. એવો થકો મારો આશ્રય કર. एवं आत्मानं युक्त्वा આત્મા શબ્દનો અર્થ અહીં મન વિષયક છે. एवं શબ્દનું તાત્પર્ય એમ છે કે અનવધિકાતિશય મારામાં પ્રીતિ સંપાદન કરીને મારો અનુભવ કરવા સક્ષમ મનને બનાવીને, મનથી મારું ધ્યાન કરીને, મારો અનુભવ કરીને, મારું યજન કરીને, મને નમસ્કાર કરતો મારા પરાયણ બની જા. ત્યારે તું મને જ પામીશ. તેથી લૌકિક-શરીરધારણ આદિક કર્મો, વૈદિક જે નિત્યનૈમિત્તિક કર્મો, મારી પ્રસન્નતા માટે કરી, मच्छैषतैकरस સેવા રસથી તરબોળ થઈને ભગવાન જ કરાવે છે, એવું માનતો રહીને મારું કીર્તન-ભજન-યજન-નમસ્કાર આદિ પ્રીતિપૂર્વક કરતો મારા અતિ મહિમાનું અનુસંધાન કરી મારી ઉપાસના કરીને, મને પ્રાપ્ત કરીશ.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો રાજવિદ્યારાજગુહ્યયોગ નામે નવમો અધ્યાય સંપૂર્ણ.