ગીતા અધ્યાય-૦૯, શ્લોક ૨૦ થી ૨૫

શ્લોક ૨૦-૨૫

સકામ અને નિષ્કામ ઉપાસનાનું ફળ

त्रैविद्या मां सोमपा: पूतपापा: यज्ञैरिष्ट्‌वा स्वर्गतिं प्रार्थयन्ते।

ते पुण्यमासाद्य सुरेन्द्रलोकमश्नन्ति दिव्यान्दिवि देवभोगान्‌ ।।२०।।

અર્થ : વેદત્રયીમાં કહેલાં કર્મ કરનારા, સોમ-રસનું પાન કરનારા અને તેથી જ પાપ રહિત થયેલા પુરુષો વેદ વિહિત યજ્ઞોથી મારું પૂજન કરીને સ્વર્ગ લોકની પ્રાપ્તિની માગણી કરે છે. તેઓ પુણ્ય પ્રાપ્ય સુરેન્દ્ર લોકને પામીને સ્વર્ગમાં રહેલા દેવભોગોને ભોગવે છે. ।।૨૦।।

ત્રણ પ્રવાહમાં આત્માઓ વહેંચાયેલા છે. એક તો જગતકર્તાહર્તા મારી અવહેલના કરનારા આસુરી જીવો પતન તરફ જાય છે. દૈવી જીવોમારો આશ્રય કરીને મારી ઉપાસના કરે છે ને પરમાત્મા પાસે પહોંચી જાય છે; પરંતુ જેઓના અંતઃકરણમાં સાંસારિક ભોગોની આસક્તિ અને સંગ્રહની કામના હોય છે, તેઓ ભગવાનના યથાર્થ તત્ત્વને નહિ જાણીને ભગવાનથી વિમુખ રહીને સ્વર્ગાદિક ભોગો માટે સકામતાપૂર્વક યજ્ઞાદિ અનુષ્ઠાન કર્યા કરે છે. તેઓ આવાગમન કર્યા કરે છે, તેનું વર્ણન હવે ભગવાન આ બે શ્લોકમાં કરે છે.

त्रैविद्या:……. સંસારના મનુષ્યો તો બહુધા અહીંના ભોગોમાં જ લાગ્યા રહે છે. તેઓમાં જેઓ થોડા આસ્તિક અને વિશેષ બુદ્ધિમાન છે, કહેવાય છે, તેઓના હૃદયમાં પણ નાશવાન પદાર્થોનું મહત્ત્વ અને પ્રધાનપણું રહેવાને કારણે વેદત્રયીમાં કહેલાં સકામ કર્મો સાંભળીને અહીંના ભોગોની એટલી બધી પરવા નહિ કરીને સ્વર્ગાદિક ભોગોમાં લલચાઈ જાય છે. તે તે અનુષ્ઠાનો કરવા લાગી જાય છે. એવા મનુષ્યોને અહીં त्रैविद्या વગેરે શબ્દોથી કહ્યા છે. તેઓ વેદોમાં વર્ણવેલ સોમરસનુ પાન કરનારા છે. સ્વર્ગાદિ પ્રતિબંધક પાપોથી રહિત હોવાથી पूतपापा: કહ્યા છે. ભગવાને અહીં ‘मां इष्ट्‌वा’ કહ્યું છે. તે ઈન્દ્ર સ્વરૂપે રહેલા પરમાત્માને જાણવા જોઈએ. સાક્ષાત્‌પરમાત્માને નહિ. કારણ કે ભક્તો સ્વર્ગાદિકની પ્રાર્થના વૈદિક કર્મો દ્વારા ઈન્દ્રાદિકની કરે છે. તેના દ્વારા સ્વર્ગના દિવ્ય ભોગોને પામે છે. મનુષ્ય લોકના ભોગોની અપેક્ષાએ તે ભોગો થોડા વિલક્ષણ હોય છે, તેને પામે છે.

ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति।

एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ।।२१।।

અર્થ : તે લોકો તે વિશાળ-વૈભવશાળી સ્વર્ગ લોકને ભોગવીને પુણ્ય થઈ રહે છે ત્યારે પાછા મૃત્યુ લોકમાં આવે છે. આ પ્રમાણે વેદત્રયીમાં કહેલા ધર્મને અનુસરનારા વિષયોપમોગની અભિલાષા રાખનારા મનુષ્યો આવાગમને પામ્યા કરે છે. ।।૨૧।।

સ્વર્ગલોક વિશાળ છે. ત્યાંનું આયુષ્ય મનુષ્યલોક કરતાં વિશાળ છે. ત્યાંની ભોગ સામગ્રી પણ વિશાળ છે. માટે સ્વર્ગલોકને વિશાળ કહેવામાં આવ્યો છે.

સ્વર્ગભોગની પ્રાપ્તિની ઈચ્છાવાળા ન તો ભગવાનનો આશ્રય લે છે અને ન ભગવતપ્રાપ્તિના કોઈ સાધનનો આશ્રય લે છે. તેઓ કેવળ સકામ કર્મોનો જ આશ્રય લે છે, માટે તેઓને ત્રયી ધર્મને શરણે બતાવ્યા છે.

તેઓનું આવાગમન વારંવાર થયા કરે છે. પુણ્ય ખૂટતાં પૃથ્વી પર આવવું પડે છે. વળી પાછા પુણ્ય કરી સ્વર્ગમાં જાય છે.

અહીં આગળના શ્લોકમાં पूतपापा: થી સ્વર્ગનાં પ્રતિબંધક પાપો નષ્ટ થયાં છે અને ‘क्षीणे पुण्ये’ શબ્દોથી સ્વર્ગના પ્રાપક પુણ્યો નષ્ટ થવાથી એવો અર્થ લેવો જોઈએ. જો એમ ન સમજીએ તો પુણ્ય અને પાપો નષ્ટ થવાથી તેઓ મુક્ત બની જવા જોઈએ; પરંતુ તેઓ મુક્ત નથી થતા. આવાગમનને પામે છે. માટે તમામ પાપો અને તમામ પુણ્યો નષ્ટ થવાની વાત અહીં નથી લેવાની.

अनन्याश्चिन्तयन्तो मां ये जना: पर्युपासते।

तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्‌।।२२।।

અર્થ : અને જે જનો અનન્ય ભાવથી ભાવિત થઈને મારું જ ચિન્તવન કરતાંમારી ઉપાસના કરે છે. એવા તે મારામાં અખંડ જોડાયેલા પુરુષોનું યોગ અને ક્ષેમ તેને હું જ ઉપાડી લઉં છું.।।૨૨।।

अनन्याश्चिन्तयन्तो मां હવે જે મહાત્માઓ છે તે નિરતિશયપ્રીતિરૂપ મારું ચિંતન અર્થાત્‌નિરતિશયપ્રીતિનું લક્ષણ જ એ છે. કેવળ મારું ચિંતન-એવું મારું ચિંતન કરીને અનવધિકાતિશય આનંદ સ્વરૂપ મને પામીને ફરી પુનરાવર્તન થતું નથી. તે આ શ્લોકમાં બતાવી રહ્યા છે.

अनन्या: चिन्तयन्त: માં અહીં अनन्या: શબ્દને અન્ય દેવતાના નિષેધ માટે પણ લઈ શકાય છે; કારણ કે ‘ये तु अन्यदेवता….’ આગળના ત્રેવીસમાં શ્લોકમાં ઉલ્લેખ કરી રહ્યા છે. માટે अनन्या: એવા શબ્દથી બીજા કોઈ દેવતાનું ચિંતન નહિ કરીને એક ભગવાન-ઈષ્ટદેવનું ચિંતન કરનારા એવો અર્થ આપાતતઃ આવે છે; પરંતુ પ્રકરણ કામ્ય ફળ અને તેના ત્યાગનું હોવાથી તથા સાધન વિષયનું હોવાથી કામનાના ત્યાગ કરીને अनन्या: થવાનું હોવાથી ઉપાય વિષયમાં અનન્યતા વિશેષપણે યોગ્ય ગણાશે પણ આલંબનની અનન્યતાનો નિર્દેશની અહીં જરૂર નથી. આલંબનની અનન્યતા તો આપોઆપ આવી જ રહે છે. અર્થાત જરૂર હોવા જોઈએ અને તેથી अनन्यનો અર્થ એકત્વ चिन्तयन्त: એવો પણ અયોગ્ય હોઈ ને વળી अनन्या: चिन्तयन्त: સાથે કહેવાયું હોવાથી ચિન્તનથી અન્યનો નિષેધ પ્રાપ્ત થાય છે. અર્થાત્‌તેવા મહાત્માઓને મારા સ્વરૂપનું ચિન્તન કરવું એ જ એક માત્ર જીવન પ્રયોજન હોય છે. તે વિના સ્વર્ગાદિક ફળનો તો દૂરથી ત્યાગ કરનારા છે પણ દેહયાત્રા આદિક આલોકની અપેક્ષાએ પણ છોડીને ભગવાનનું ચિંતન કરનારા છે. દેહયાત્રા પણ ચાલવી હોય તો ચાલો, કે દેહ પડી જાઓ પણ ચિન્તન તૂટક (બ્રેક) ન થાઓ. તેના વિના દેહધારણ નહિ કરી શકનારા એવા મહાત્માઓને અહીં ‘अनन्या: चिन्तयन्त:’ શબ્દથી બતાવ્યા છે. તેઓ જીવનનિર્વાહ-દેહ નિવાર્હની ક્રિયાઓ ખાવું, પીવું, ચાલવું, ફરવું, વાત કરવી, વ્યવહાર કરવો વગેરે જે કાંઈ ક્રિયાઓ-ચેષ્ટાઓ કરે છે તે ભગવાનના ઘાટા ચિંતનમાં મદદરૂપ થતી જાણીને કરે છે. તેમાં મદદરૂપ કે અનુરૂપ ન હોય તો તેનો ત્યાગ કરી દે છે પણ તેને આધીન થઈને ચિંતનનો ત્યાગ કરતા નથી. માટે તેની તમામ ચેષ્ટાઓ ભક્તિરૂપ-ઉપાસનારૂપ બની રહે છે. આવી રીતે જેઓ અનન્યપણે ભગવાનનું જ ચિંતવન કરે છે અને ભગવાનની પ્રસન્નતાને માટે જ તમામ કાર્યો તથા ચેષ્ટાઓ કરે છે, તેમને જ અહીં ‘नित्याभियुक्तानाम्‌’ શબ્દથી કહ્યા છે.

આનાથી આટલું સ્પષ્ટ થાય છે કે તેઓ સંસારથી સંપૂર્ણપણે વિમુખ થઈ ગયા છે. તે તેની ‘અનન્યતા’ છે. તેઓ એકમાત્ર પરમાત્માનું જ ‘ચિંતન’ કરે છે. તે તેની પરમાત્માને સન્મુખતા છે. તેઓની તમામ ક્રિયાઓ તથા ચેષ્ટાઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનની સેવા કરવા માટે તથા ભગવાનના ભક્તની સેવા કરવા માટે હોય છે. એવી તેમની ઉપાસના છે. આ ત્રણે વાતો જેમાં આવી જતી હોય તેને જ અહીં नित्याभियुक्त કહ્યા છે તેના જ જનમની સફળતા છે, એવું તાત્પર્ય છે. पर्युपासतै નું તાત્પર્ય છે-અખંડિત ગુણ વિભૂતિ-રૂપ-સ્વરૂપવાળા મારી અન્યૂનપણે ઉપાસના કરે છે. અનન્ય શબ્દ ત્રણ જગ્યાએ લાગુ પાડી શકાશે. ઉપાસક चिन्तयन्त: શબ્દ સાથે મૂકવાથી સાધનમાં અનન્યતા પણ અભિપ્રેત છે. સાધ્યની અનન્યતા થયા પછી પણ સાધનની અનન્યતા પણ સ્પષ્ટ થવી જરૂરી છે. સાધનની અનન્યતા સ્પષ્ટ થવાથી સાધ્યની પણ અનન્યતા વધારે દૃઢ થઈ રહેશે. અન્યથા સાધ્યની અનન્યતા હશે તો ષયમાં પણ તે અહીં બિલકુલ અયોગ્ય હોઈ તે અર્થ અહીં લેવાનો નથી; પરંતુ ઉપાસ્ય વિષયક અને ઉપાસના-સાધન વિષયક લઈ શકાશે. ખાલી ઉપાસ્ય વિષયકની અનન્યતા બતાવવી હોય તો ‘મારી અનન્યપણે ઉપાસના કરે છે’ એટલું બતાવી દેત.પણ પણ સાધનની અનન્યતા નહિ હોય,તો થોડી કચાશ રહેવા સંભવ રહેશે. તેઓના યોગક્ષેમનું હું વહન કરું છું. अलब्धलाभो योग: મારી પ્રાપ્તિ રૂપ યોગ અને लब्धरक्षणं क्षेम: પ્રાપ્ત થયેલાનું રક્ષણ તે ક્ષેમ છે, તેને હું વહન કરું છું. ખરેખર તો અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવી દેવી, તે પણ યોગનું વહન છે. કયારેક પ્રાપ્તિ ન થવા દેવામાં પણ યોગનું વહન થતું હોય છે. કારણ કે ભગવાન તો પોતાના ભક્તનું હિત દેખે છે. એવું કામ જ કરે છે અને એવી જ રીતે પ્રાપ્તની રક્ષા કરવામાં પણ ક્ષેમનું વહન છે. રક્ષા ન કરવામાં પણ ક્ષેમનું વહન થાય છે. જો ભક્તની ભક્તિ વધતી હોય અને તેનું હિત થતું હોય તો ભગવાન પ્રાપ્તની રક્ષા કરશે. કેમ કે તેમાં જ તેનું ક્ષેમ છે. જો પ્રાપ્તની રક્ષા કરવાથી તેની ભક્તિ ન વધતી હોય અને તેનું હિત ન થતું હોય તૌ ભગવાન તે પ્રાપ્ત વસ્તુને નષ્ટ કરી દેશે. કેમ કે નષ્ટ કરવામાં જ તેનું ક્ષેમ છે. એટલા માટે ભગવાનના ભક્ત અનુકૂળ-પ્રતિકૂળ બન્ને પરિસ્થિતિમાં પરમ પ્રસન્ન રહે છે. બન્ને પરિસ્થિતિઓ દ્વારા ભગવાન ભક્તનું યોગ અને ક્ષેમ કરતા હોય છે. તેથી જો કોઈ અનુકૂળતામાં પ્રસન્ન અને પ્રતિકૂળતામાં ખિન્ન થાય છે, તો તે ભગવાનનો દાસ નથી; પરંતુ પોતાના મનનો દાસ ગણાય છે. માટે ભગવાન જે કરે તેમાં દૃઢ આસ્થા રાખીને પ્રસન્ન મનથી ભગવાનનું ચિંતવન કરવું ને ભગવાનને ભજવા. वहामि નું તાત્પર્ય છે જેવી રીતે નાના બાળકને માટે મા કોઈ વસ્તુની આવશ્યકતા સમજે છે તો ખૂબ પ્રસન્નતા અને ઉત્સાહથી તે વસ્તુને લાવી આપે છે. તેવી જ રીતે અનન્ય ચિંતવન કરનારા ભક્તના બધા જ કામ હું પોતે જ કરું છું. બીજાના મારફત કરાવું છું, એવું નહિ.

येडप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विता:।

तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्‌।।२३।।

અર્થ : અને જુઓ પણ બીજા દેવતાઓમાં ભક્તિ રાખે છે. અને શ્રદ્ધાયુક્ત થઈને પૂજન કરે છે, તે પણ હે કૌન્તેય ! જો કે-પૂજા તો મારી જ કરે છે. પણ અવિધિપૂર્વક-મને સર્વાત્મા નહિ જાણીને પરોક્ષ રીતે પૂજે છે.

દેવતાઓના ભક્તોને પરમાત્માની મોટાઈ સમજવામાં નથી આવી. તેથી તેના અજ્ઞાનને લઈને તેની શ્રદ્ધા અન્ય દેવતાઓ ઉપર રહે છે. તે તે દેવતાઓને પરમાત્માથી અલગ સ્વતંત્ર અને ભગવાનથી પણ મોટા જાણીને પોતાની ભક્તિ અનુસાર તેની આરાધના-ઉપાસના કરે છે.તેઓની કૃપાથી જ અમને સર્વ કાંઈ મળી જશે, એવી તેમની શ્રદ્ધા વિશ્વાસ હોય છે. માટે તેમાં લાગી જાય છે.

ખરેખર તો તે તે દેવતાનું પૂજન કરવાવાળા પણ મારું જ પૂજન કરે છે. કારણ કે હું તે તે દેવતામાં તેના અંતર્યામી સ્વરૂપે રહ્યો છું. તેઓની સ્વતંત્ર સત્તા છે જ નહિ. મારે આધીન તેની સત્તા રહે છે. તેથી તેમના દ્વારા કરવામાં આવેલું દેવતાનું પૂજન પણ વાસ્તવમાં મારું જ પૂજન છે; પરંતુ તે અવિધિપૂર્વકનું છે. ‘અવિધિપૂર્વક’નું તાત્પર્ય એવું નથી કે પૂજન કરવામાં તેમણે શાસ્ત્રના કોઈ વિધિવિધાનનો લોપ કર્યો છે. અવિધિપૂર્વકનું તાત્પર્ય છે, મને તે દેવતાથી અલગ માનવો. તે દેવતાઓનું મારા વિના સ્વતંત્ર અસ્તિત્વ માનવું, સત્તા માનવી. મારાથી પણ દેવતાઓને મોટા માનવા. મારા ભાગરૂપે ન માનવા વગેરે માન્યતાઓ ધરાવીને દેવતાનું પૂજન કરવું.

આ શ્લોકનો નિષ્કર્ષ એ નીકળ્યો કે (૧) પોતાનામાં કોઈ પ્રકારની કિંચિત્‌માત્ર પણ તે દેવતા પાસેથી કે કોઈની પાસેથી કામના ન હોય અને પછી તે પૂજ્ય દેવતામાં ભગવદ્‌બુદ્ધિ અર્થાત્‌આ ભગવાનના અંગરૂપ છે, ભગવાનના કોઈ ભાગ રૂપ છે, તેમ માનીને પૂજા કરવામાં આવે અને તેમાં પરમાત્માને જોવામાં આવે તો તે ભગવાનનું પૂજન થશે. તેનું ફળ ભગવાનની પ્રાપ્તિ કે પ્રસન્નતા થશે. (૨) પોતાનામાં કિંચિત્‌માત્ર પણ કામના હોય ને ઉપાસ્ય સ્વરૂપે સાક્ષાત્‌ભગવાન હોય ત્યારે તે એકાંતિક ભક્ત નહિ રહે; પરંતુ અર્થાર્થી, આર્ત વગેરે ભક્તોની શ્રેણીમાં આવી જશે. જેમને પણ ભગવાને ઉદાર બતાવ્યા છે. (ગી. ૭/૧૮)

अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च।

न तु मामभिजानन्ति तत्त्वेनातश्च् यवन्ति ते ।।२४।।

અર્થ : કારણ કે સર્વ યજ્ઞોનો ભોક્તા અને પ્રભુ-ફળપ્રદાતા તો હું જ છું. પણ એ રીતે મને તેઓ ખરી રીતે યથાર્થ જાણતા નથી. તેથી તેઓ અવિનાશી મહાફળથી પડી જાય છે. અર્થાત્‌અતિ અલ્પ ફળને મેળવે છે. ।।૨૪।।

બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે. (भोगेश्वर्यप्रसक्तानां) તેઓ ‘મારે કેવળ પરમાત્માની તરફ જ ચાલવું છે, મારે આ દેહને અંતે પરમાત્મા પાસે જ પહોચવું છે’ એવો નિશ્ચય નથી કરી શકતા. (ગી. ૨/૪૪) આથી પરમાત્માને માર્ગે ચાલવામાં બે વિઘ્નો મુખ્ય છે-પોતાને ભોગોનો ભોક્તા માનવો. અર્થાત્‌ભોગોમાં આસક્તિ રહેવી. પોતાને સંગ્રહનો માલિક માનવો. પરમાત્મા એક માલિક છે, એવું અંતરમાં નહિ મનાવું. આ બન્નેથી મનુષ્યની બુદ્ધિ ઊલટી થઈ જાય છે અને તેને કારણે તે પરમાત્માથી સર્વથા વિમુખ થઈ જાય છે. અંતરમાં પરમાત્મા તરફ ચાલવાનો નિર્ણય પણ કરી શકતો નથી. જેવી રીતે બાળપણમાં બાળક મા વિના રહી નથી શકતું. મોટો થતાં જ્યારે તેના વિવાહ થઈ જાય છે ત્યારે તે નવી આવેલી સ્ત્રી સાથે ‘આ મારી સ્ત્રી છે’ એવો સંબંધ જોડીને તેનો ભોક્તા અને માલિક દૃઢપણે માનવા લાગે છે. પછી તેને મા એટલી સારી નથી લાગતી, ગમતી નથી, કયારેક તો વિના કારણે આંખના કણાની જેમ ખટકવા લાગે છે. એવી જ રીતે જ્યારે આ જીવ ભોગ અને ઐશ્વર્યમાં લાગી જાય છે. અર્થાત્‌પોતાને ભોગનો ભોક્તા અને સંગ્રહનો માલિક માનીને તેમનો દાસ બની જાય છે અને ભગવાનથી સર્વથા વિમુખ બની જાય છે ત્યારપછી તેને એ વાત યાદજ નથી આવતી કે સર્વના ભોકતા અને માલિક એક ભગવાન જ છે. તેને કારણે તેનું મહાપતન થઈ જાય છે; પરંતુ જો આ જીવ સાવધાન થઈ જાય અને વાસ્તવમાં ભોગમાત્રના ભોક્તા અને ઐશ્વર્ય માત્રના માલિક ભગવાન જ છે. ત્યારે તેને ભગવાનમાં ભક્તિ થાય છે અને તે સાચે રસ્તે આવી જાય છે, તેનું પતન થતું નથી. તેના તરફ આ શ્લોકમાં અંગુલી નિર્દેશ કરે છે.

अहं हि सर्वयज्ञानाम्‌ ભગવાન કહે છે કે, આ સમગ્ર જગતનો માલિક હું છું.તેમ સમગ્ર કર્મફળનો પ્રથમ ભોક્તા હું જ છું. જે સ્વતંત્ર હોય, જે કર્તા હોય તથા જે માલિક હોય તે જ સર્વ કર્મના ફળને તથા મિલકતને ભોગવે છે. ભગવાન સર્વથી સ્વતંત્ર છે, જગતના માલિક છે. ભગવાને સ્વયં પોતાના સ્વતંત્ર સંકલ્પથી પોતાની લીલાનો આનંદ માણવા આ સૃષ્ટિની રચના કરી છે. તેથી તે આનંદના (કર્મફળના) ભોક્તા છે અને પોતે સર્વનિરપેક્ષપણે જગત રચ્યું છે. માટે સમગ્ર જગતના એકમાત્ર માલિક છે. અહીં ‘यज्ञानाम्‌’ ની અંદર તમામ તપ, દાન, તીર્થ વગેરે શુભ કર્મો અંતર્ગત આવી જાય છે. તમામ કર્તવ્યકર્મો પણ આવી જાય છે. છતાં પણ તેની સાથે ‘સર્વ’ શબ્દ જોડેલો હોવાથી તેનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રીય, શારીરિક કે વ્યાવહારિક વગેરે કોઈપણ શુભ કર્મનો કર્તા હું છું અને તેના ફળનો અધિકાર-ભોક્તા પણ હું જ છું. મેં જ વેદોમાં આ કર્મો બતાવ્યાં છે. મારા જ પારંપરિક ઈશારાથી દરેક શિષ્ટ પુરુષો શુભકર્મો કરે છે. તેથી તેના ફળનો અધિકાર-ભોક્તા હું બનું છું. જેમ ભોક્તા હું છું, તેમ સમગ્ર સંસારનો માલિક પણ હું છું. મારી પ્રસન્નતા માટે સૃષ્ટિની રચના થઈ છે. જેવી રીતે ભોગી પુરુષ ભોગ અને સંગ્રહનો મન ઈચ્છિત ઉપયોગ કરવામાં સ્વતંત્ર હોય છે. (જો કે ખરેખર તેની સ્વતંત્રતા કેવળ પોતાની માનેલી છે. વાસ્તવિક નથી; પરંતુ ભગવાનને માટે તો બિલકુલ વાસ્તવિક છે) તેમ ભગવાન સકલ સંસારના સ્વતંત્ર માલિક છે.

જે મનુષ્યો આ તત્ત્વને નથી જાણતા અથવા હૃદયપૂર્વક નથી માનતા કે સ્વીકારતા. તેઓ પતનને પામે છે. च्यवन्ति નું તાત્પર્ય છે, દિવસે દિવસે તે વધારે અધોગતિમાં જાય છે.

यान्ति देवव्रता देवान्‌ पितृन्यान्ति पितृव्रता:।

भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम्‌।।२५।।

અર્થ : દેવોમાં શ્રદ્ધા રાખીને વ્રત કરનારા દેવોને પામે છે. પિતૃઓમાં શ્રદ્ધા રાખીને વ્રત કરનારા પિતૃઓને પામે છે. ભૂત ભૈરવાદિકને પૂજનારા ભૂત ભૈરવાદિકને પામે છે. અને એ તો ખૂલ્લું જ છે કે-મારું યજન-પૂજન કરનારા તો મનેજ પામે છે. ૨૫।।

અહીં व्रत શબ્દ સંકલ્પને બતાવનારો છે. તેથી देवव्रता: એટલે ‘દર્શ પૂર્ણમાસ યજ્ઞ વડે અમે ઈન્દ્રાદિ દેવતાનું યજન કરીએ છીએ’ એમ ઈન્દ્રાદિ દેવતા યજનસંકલ્પ કરનારા જે યાજકો છે, તે ઈન્દ્રાદિ દેવતાના લોક-ભોગ-ઐશ્વર્યને પામે છે. ‘पितृन्‌ यजामहे’ સંકલ્પવાળા પિતૃઓને પામે છે. ‘यमरक्ष:पिशाचादीनि भूतानि यजामहे’ સંકલ્પવાળા ભૂતપ્રેતની વિલક્ષણતાને પામે છે અને જે તેજે યજ્ઞો વડે देवपितृभूत शरीरकं परमात्मानं भगवन्तं वासुदेवं यजामहे’ એવા સંકલ્પવાળા છે તે મારા લોકને, મને તથા મારા ઐશ્વર્યને (मम सार्धम्यमागता:) પામે છે. દેવાદિક વ્રતવાળા-સંકલ્પવાળા દેવતા, પિતૃઓ તથા ભૂતરાક્ષસ પિશાચ વગેરેને પામીને તેઓની સાથે પરિમિત ભોગોને ભોગવીને તેઓના વિનાશકાળે તેની સાથે નાશ પામી જાય છે. જ્યારે તે જ યજ્ઞક્રિયાઓથી મારું યજન કરનારાઓ અનાદિનિધન, સર્વજ્ઞ, સત્યસંકલ્પ, અનવધિકાતિશય, અસંખ્યેય કલ્યાણ ગુણગણ મહોદધિ, અનવધિકાતિશય આનંદ સ્વરૂપ એવા મને પ્રાપ્ત કરીને પુનરાવૃત્તિ પામતા નથી.

ત્યારે શંકા થાય છે કે આ તો બહુ મોટું આશ્ચર્ય કહેવાય કે એક જ કર્મમાં પ્રવર્તનારા માત્ર સંકલ્પના ભેદ માત્રથી જ કેટલાક અતિ અલ્પફળને પામીને જન્મ-મરણ પામવાના સ્વભાવમાં જાય છે. કેટલાક (ભૂતપ્રેતના ઉપાસકો) અત્યંત દુઃખ જ પામે છે. જ્યારે કેટલાક પરમાત્માના સાધર્મ્યને પામીને પરમ પદને પામે છે ! તે મહદ આશ્ચર્યની વાત છે. ત્યારે તેનું સમાધાન એ છે કે, તે સંકલ્પ (વ્રત) સંબંધનો પ્રતાપ છે. સંકલ્પથી જ ફળભેદ થઈ રહ્યા છે. ક્રિયા તો એકની એક જ રહે છે.

ચોવીસમાં શ્લોકમાં ભગવાને એમ બતાવ્યું કે હું જ તમામ યજ્ઞોનો ભોક્તા અને સમગ્ર સંસારનો માલિક છું; પરંતુ જે મનુષ્યો મને ભોક્તા અને માલિક નથી માનતા તેનું પતન થાય છે. દેવતાઓ પોતાના તે ભક્તોને અધિકમાં અધિક અને ઊંચામાં ઊંચું ફળ તે જ આપશે કે તેમને પોતાના લોકમાં લઈ જશે અને પોતાના લોકના ભોગ ઐશ્વર્ય-વિલક્ષણતાને પમાડશે. પરંતુ આખરે તે સર્વે વિનાશને પામનારા છે. ત્રેવીસમાં શ્લોકમાં ભગવાને બતાવ્યું કે, દેવતાઓનું પૂજન પણ આખરે તો મારું જ પૂજન છે; પરંતુ તે પૂજન અવિધિપૂર્વકનું છે. તેમાં ‘અવિધિ’નું તાત્પર્ય એ છે કે હું તે તે દેવતાનો અંતર્યામી-નિયંતા છું, તેમને પણ ફળદાતા છું તે વસ્તુની જાગ્રતિ કે ભાન રહેતું નથી ને દેવતાને જ સર્વસ્વ માનીને, મારા કરતાં પણ સર્વોપરી-મોટા માનીને પૂજન-ભજન કરવામાં આવે છે. તે અવિધિપૂર્વકતા છે. વળી તે તે દેવતાઓનું પૂજન-યજન કરીને તેમને તે દેવતાઓ પાસેથી ભોગ અને ઐશ્વર્યને પામવાની કામના (પ્રબળ ઈચ્છા) છે. તેઓ નિષ્કામ નથી. જ્યારે મારું યજન-પૂજન કરનારા નિષ્કામ હોય છે. (अनन्याश्चिन्तयन्तो माम्‌) જો એવા ન હોય તો પણ મારો સાચો સંબંધ થતાં હું તેમને ધીરે ધીરે નિષ્કામ બનાવી દઉં છું. જ્યારે દેવતાઓ તેમને ફળ આપીને ધીરેધીરે લાલચુ, સકામ અને વિષયી બનાવી દે છે. તેવી જ રીતે પિતૃઓનું પણ પોતપોતાના ઐશ્વર્ય પ્રમાણે સમજી લેવાનું છે. ભૂતોની-આરાધના-પૂજન અતિ મલિન અને અપવિત્ર ચીજોથી થાય છે. તેથી તેની સાંસારિક કામનાઓ તો સિદ્ધ થાય છે; પરંતુ મર્યા પછી ભારે દુર્ગતિ થાય છે. કારણ કે તે મરીને જે તે ભૂત પ્રેત જ થાય છે. ‘भूतानि यान्ति भूतेज्या:

સાંસારિક ભોગ અને ઐશ્વર્યની કામનાવાળા મનુષ્યો પોતપોતાના ઈષ્ટના પૂજન વગેરેમાં તત્પરતાથી લાગેલા રહે છે. ઈષ્ટની પ્રસન્નતા માટે ઘણો પુરુષાર્થ કરે છે; પરંતુ ભગવાનના ભજન ધ્યાનમાં લાગવાવાળા જે તત્ત્વને પ્રાપ્ત થાય છે, તેને પ્રાપ્ત ન થઈને તેઓ વારંવાર સાંસારિક તુચ્છ ભોગોને અને નરક તથા ચોરાશીલાખ યોનિને પ્રાપ્ત થાય છે, થતા રહે છે. જે મનુષ્યજન્મ ભગવાનને પણ પ્રસન્ન કરવાનું અને આનંદ પમાડવાનું સાધન પામીને સાંસારિક તુચ્છ કામનાઓમાં ફસાઈને બીજા દેવતાઓના ચકકરમાં પડી જાય છે અને મોટી અનર્થ પરંપરાને પામે છે.

દેવતા, પિતૃઓ, ઋષિ મુનિ, મનુષ્ય વગેરેમાં ભગવદ્‌બુદ્ધિ થાય અને નિષ્કામભાવ પૂર્વક કેવળ તેમની પુષ્ટિને માટે અને તેમની પ્રીતિને માટે જ તેમની સેવા પૂજા કરવામાં આવે, તો તેનાથી તેને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. તેમાં પણ શ્રીજી મહારાજે સાચા ભગવાનના ભક્ત કે સંતનું નિષ્કામ ભાવથી અને ભગવાનની બુદ્ધિથી તેમની સેવા-પૂજા-સન્માન થાય તો તેમને જલદીમાં જલદી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. એમના કરતા પણ મહારાજ તો કહે છે એ જ પરમપદ છે તેનાથી બીજી મોટી કોઈ પ્રાપ્તિ નથી. અહીં એક ખૂબ જ પાતળી મર્યાદારેખા છે. તેને ઉલઘંી જવાય તો ભારે અનર્થ સર્જાતો હોય છે. અતિ મોટા સંત હોય કે પોતાના ગુરુ હોય કે બન્ને વસ્તુ સાથે હોય, તેમાં ભગવદ્‌બુદ્ધિ કરી તેમની સેવા-પૂજા-ભક્તિ કરવી એ સારી વસ્તુ છે, ને શીઘ્ર કલ્યાણકારી છે પણ તેમને જ ભગવાન માની બેસવું કે તેમના ભગવાનપણાના પ્રચારમાં લાગી જવું, તે અલગ વસ્તુ છે. શાસ્ત્રીય નથી. તેમાં જિંદગી બરબાદ કરવા જેવું છે અને અતિ અધોગતિનો રસ્તો છે. માટે સાચા ભક્ત, સંત કે ગુરુમાં આ પાતળી શાસ્ત્ર મર્યાદા જાળવીને જે કોઈ ભગવદ્‌બુદ્ધિ કરે, તો તેને જલ્દી પરમાત્મ પ્રાપ્તિ કરનારી આરાધના બની રહે છે. ભગવાનને બાજુમાં ખસેડીને ગુરુને જ ભગવાન માનવા લાગી જવું અને તેમાં પોતાનો અથવા ગુરુનો સ્વાર્થભાવ ગર્ભિત રાખીને કામ કરવા લાગી જવું, તે બન્નેના પતનનું કારણ બને છે.

ભૂત, પ્રેત, પિશાચ વગેરે યોનિઓ જ અશુદ્ધ છે અને તેમની પૂજાવિધિ, સામગ્રી, આરાધના વગેરે પણ અત્યંત અપવિત્ર છે. તેમનું પૂજન કરવાવાળા તેમનામાં ભગવદ્‌બુદ્ધિ કરી શકતા નથી અને પોતે નિષ્કામભાવ પણ રાખી શકતા નથી. તેથી તેમાં તો સર્વથા પતન જ થાય છે. આ વિષયમાં થોડા વર્ષો પહેલાની (લગભગ ૧૯૮૦-૮૫) એક ઘટના છે. કોઈક કર્ણપિશાચિની ઉપાસના કરવાવાળો હતો. તેની પાસે કોઈપણ કાંઈ પૂછવા આવે તો તેના પૂછયા વિના જ બતાવી દેતો કે આ તમારો પ્રશ્ન છે અને આ તેનો ઉત્તર છે આનાથી તે બહુ જ રૂપિયા કમાયો.

હવે એ વિદ્યાનો ચમત્કાર જોઈને એક સજ્જન તેની પાછળ પડી ગયા કે મને પણ આ વિદ્યા શિખવાડો. હું પણ આને શીખવા ઈચ્છું છું. ત્યારે તેણે સરળતાથી કહ્યું કે આ વિદ્યા ચમત્કારી તો બહુ જ છે; પરંતુ વાસ્તવિક હિત કે કલ્યાણ કરવાવાળી નથી. તેને એ પૂછવામાં આવ્યું કે આપ બીજાના વિના કહ્યે જ તેના પ્રશ્નને અને તેના ઉત્તરને કેવી રીતે જાણી જાઓ છો? તો તેણે કહ્યું કે હું મારા કાનમાં વિષ્ટા લગાવી રાખું છું. જ્યારે કોઈ પૂછવા આવે છે,તો તે સમયે કર્ણપિશાચિની આવીને મારા કાનમાં તેનો પ્રશ્ન અને પ્રશ્નનો ઉત્તર સંભળાવી દે છે અને હું તેવું જ કહી દઉં છું. પછી તેને પૂછવામાં આવ્યું. આપનું મરણ કેવી રીતે થશે ! એ વિશે આપે કાંઈ પૂછયું છે કે નહિ? આ અંગે તેણે કહ્યું કે મારું મરણ તો નર્મદાને કિનારે થશે. તેનું શરીર શાંત થયા પછી ખબર પડી કે જ્યારે તે પોતાનો અંત સમય જાણીને નર્મદા તરફ જવા લાગ્યો તો કર્ણપિશાચિની ભૂંડ બનીને તેની સામે આવી ગઈ. તેને જોઈને તે નર્મદા તરફ દોડયો તો કર્ણપિશાચિનીએ તેને નર્મદામાં જતાં પહેલાં જ કિનારા ઉપર મારી નાખ્યો. કારણ એ હતું કે જો તે નર્મદામાં મરત તો તેની સદ્‌ગતિ થઈ જાત; પરંતુ કર્ણપિશાચિનીએ તેની સદ્‌ગતિ થવા ન દીધી અને તેને નર્મદાના કિનારા ઉપર જ બહાર મારી નાખીને પોતાની સાથે લઈ ગઈ.

આનું તાત્પર્ય એ થયું કે દેવતા, પિતૃઓ વિગેરેની ઉપાસના સ્વરૂપથી ત્યાજ્ય નથી. તેમ જ કલ્યાણકારી પણ નથી. જ્યારે ભૂત, પ્રેત, પિશાચ વિગેરેની ઉપાસના સ્વરૂપથી જ ત્યાજ્ય છે, તેમાં કદી સદ્‌ગતિ થતી જ નથી, દુર્ગતિ જ થાય છે.

હા, પારમાર્થિક સાધકો કે ભગવાનના સાચા ઉપાસકો પણ ભૂતપ્રેતોના ઉદ્ધાર માટે તેમનું શ્રાદ્ધતર્પણ કે પૂજા પાઠ કરી શકે છે. કારણ કે ભૂતપ્રેતોને પોતાના ઈષ્ટ માની તેમની ઉપાસના કરવી એ જ પતનનું કારણ છે. તેઓના ઉદ્ધારને માટે જે કાંઈ શુભ ક્રિયા કરવી તે દોષરૂપ નથી. સંત મહાત્માઓ દ્વારા અનેક ભૂતપ્રેતોનો ઉદ્ધાર થયો છે.