શ્લોક ૧૬-૧૯
સર્વાત્મરૂપે પ્ર્ભાવસહિત ભગવાનના સ્વરૂપનું વર્ણન
अहं क्रतुरहं यज्ञ: स्वधाहमहमौषधम्।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम्।।१६।।
पिताहमस्य जगतो माता घाता पितामह:।
वेद्यं पवित्रमोंकार ऋक्साम यजुरेव च।।१७।।
गतिर्भर्ता प्रभु: साक्षी निवास: शरणं सुहृत्।
प्रभव: प्रलय: स्थानं निधानं बीजमव्ययम्।।१८।।
અર્થ : કતુ શ્રૌત યજ્ઞ હું છું. યજ્ઞ-સ્માર્ત યજ્ઞ હું છું. સ્વધા-આહુતિ આપવાનો મંત્ર હું છું. ઔષધિ હું છું. મંત્ર હું છું. ઘી પણ હું જ છું. હોમવાનું દ્વાર અગ્નિ હું છું. અને હોમેલું દ્રવ્ય પણ હું જ છું.।।૧૬।।
આ સઘળા જગત્નો પિતા-જનક, માતા-જનની, ધાતા-પોષક, પિતામહ-દાદો, જાણવા જેવું તત્ત્વ, પવિત્ર વસ્તુ, ઓંકાર, ઋગ્વેદ, સામદેવ, યજુર્વેદ અને અથર્વવેદ પણ આ સઘળારૂપે હું જ છું.।।૧૭।।
પામવા યોગ્ય પરમ પ્રાપ્તિસ્થાન, ભરણ પોષણ કરનારો, સર્વનો સ્વામી, સર્વના કર્મનો સાક્ષી, સર્વનો નિવાસ-આધાર, શરણ-રક્ષણ કરનાર, સુહૃત્અપ્રેરિત હિત કરનાર, પ્રભવ-ઉત્પત્તિનું કારણ, પ્રલય-લયનું કારણ. સર્વની સ્થિતિ રાખનાર, નિધાન અને અવિનાશી બીજ-કારણ હું જ છું. ।।૧૮।।
હવે પોતાનું વિશ્વસ્વરૂપપણું કહી બતાવે છે. જે વૈદિક રીતિથી કરવામાં આવે તે જ્યોતિષ્ટોમાંહી યજ્ઞ હું છું. જે સ્માર્ત-પૌરાણિક-રીતથી કરવામાં આવે તે ‘पंचमहायज्ञ’ યજ્ઞ કહેવાય છે. તે યજ્ઞ હું છું. પિતૃઓને માટે જે અન્ન અર્પણ કરવામાં આવે છે. તેને ‘સ્વધા’ કહે છે, તે સ્વધા હું છું. ક્રતુ, યજ્ઞ અને સ્વધાને માટે આવશ્યક જે તલ, જવ, ખારેક વગેરે ઔષધ કહેવાય છે, તે હું છું. ओषध्य फल पाकान्ता: व्रीहयादय:। કહ્યું છે. તેથી સોમલત્તારસ ઔષધીમાં નહિ ગણાય. જે મંત્રથી ક્રતુ, યજ્ઞ વગેરે કરવામાં આવે છે, તે મંત્ર પણ હું જ છું, યજ્ઞ વગેરેને માટે જે ગાયનું ઘી (आज्य) આવશ્યક હોય છે, તે આજ્ય પણ હું છું. આવહનીય અગ્નિમાં હોમ કરવામાં આવે છે, તે અગ્નિ પણ હું છું. હવન કરવાની ક્રિયા પણ હું છું.
હું બ્રહ્માદિ સ્તંબ પર્યન્ત જગતનો પિતા છું. માતા છું, ધાતા છું અર્થાત્તેને ઉત્પન્ન કરનારો-શરીરોને ધારણ કરનારો તથા તે બન્નેથી અલગ સજર્ન કરનારો ધાતા હું છું. ભગવાન કોઈના પોતે પિતા થતા નથી પણ તે તે ચેતનના અંતર્યામી સ્વરૂપે રહ્યા છે. બીજી રીત સર્વ જગત્પિતા બ્રહ્માને પણ ઉત્પન્ન કરનાર પિતા હોવાથી ભગવાન તમામ દેહધારીના પિતા, માતા, ધાતા છે અને સર્વના પિતાનો પણ પિતા હું છું. જાણવા યોગ્ય પવિત્ર ૐકાર હું છું. यज्ञदानतपश्चैव पावनानि मनीषिणाम् (ગી. ૧૮/૫) યજ્ઞ, દાન અને તપ એ ત્રણે નિષ્કામ પુરુષોને પણ પવિત્ર કરનાર છે. તેમાં જે પવિત્રતા છે તે મારું સ્વરૂપ છે. મારા સંબંધથી છે. વૈદિક ઋચાઓમાં નિયત અસરોવાળી વૈદિક ઋચાઓ હોય છે તે ઋચાઓના સમુદાયને ‘ऋक्’ અથવા ઋગ્વેદ કહેવાય છે. જેમાં સ્વરો સાથે ગાવામાં આવતા મંત્રો હોય તેને ‘साम’ કહેવાય છે. જેમાં અનિયત અક્ષરવાળા મંત્રો હોઈ તેને ‘यजुस्’ (યજુર્વેદ) કહેવાય છે. આ ત્રણે મંત્રો ભગવાન કહે છે મારું જ સ્વરૂપ છે.
પ્રાણીઓ માટે સારામાં સારું ગન્તવ્ય સ્થાન હોય તો હું છું. ભરણ પોષણ કરનારો ભર્તા હું છું. માલિક-પ્રભુ હું છું, જાણવાળો સાક્ષી-નિવાસસ્થાન, ઈષ્ટપ્રાપ્તિ, અનિષ્ટ નિવૃત્તિના ઉપાયરૂપ આશ્રય કરવા યોગ્ય હું જ છું. सुहृत-शोभनहृदययुक्त: हितैष હું જ છું. જેનું શોભન હૃદય હોય તે જ બીજાનું હિત કરી અને ચિંતવી શકે છે. પ્રાણીઓની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય હું છું. કરનારો હું છું બધાનું નિધાન-બધાને મારામાં સમાવીને રહું છું. હું આ જગતનો બીજ પ્રદાતા છું અને છતાં હું સદા નિર્વિકાર છું.
तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च।
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन।।१९।।
અર્થ : સૂર્યરૂપે હું જ તપું છું. વરસાદને રોકી પણ હું જ રાખું છું. અને વખત આવ્યે હું જ વરસાવું છું. અમૃત-મુક્તિ અથવા જીવન અને મૃત્યુ તે પણ હું જ છું અને હે અર્જુન ! સત્કાર્યરૂપ આ જગત્અને અસત્કાર્યથી ભિન્ન કારણરૂપ તત્ત્વ તે પણ હું જ છું. ।।૧૯।।
આ પ્રમાણે પ્રધાનપણે પ્રસિદ્ધ ઉત્તમ-શ્રેષ્ઠ પદાર્થોની સત્તા છે, તે પોતાને આધીન છે. એમ કહીને હવે આ શ્લોકમાં ઉત્તમ ક્રિયાઓ જ્યાં જ્યાં થાય છે તે પણ પોતાના થકી જ થાય છે. તેના કરનારા પણ પરમાત્મા જ છે તે આ શ્લોકમાં બતાવે છે.
ઉનાળામાં સૂર્ય અને અગ્નિરૂપે હું જ તપૂં છું, તાપ આપું છું. પૃથ્વીમાં જે કાંઈ અશુદ્ધ અને ગંદી ચીજો છે. જેમનાથી રોગ થાય છે, તેમનું શોષણ કરીને પ્રાણીઓને નીરોગી કરવા માટે અર્થાત્ઔષધીઓ અને જડીબુટ્ટીઓમાં જે ઝેરીલો ભાગ છે અને પૃથ્વીનો જે પાણીવાળો ભાગ છે, જેનાથી અપવિત્રતા અને સડો-કોહવાટ થાય છે તેને સુકવવા માટે હું સૂર્યરૂપે તપું છું અર્થાત્સૂર્ય આરોગ્યના દેવતા છે.आरोग्यं भास्करात् इच्छेत्। નીરોગીતા સૂર્યથી જ થાય છે. ગંદું જળ શોષીને નવું શુદ્ધ જળ વરસાવવા માટે તેવું કરે છે. ભગવાન કહે છે નવું જળ ચોમાસામાં વરસે છે, તે મારું જ સ્વરૂપ છે. ઉનાળામાં હું જ જળનો ખેંચીને નિગ્રહ કરું છું ને ચોમાસામાં જળને વરસાવું છું. જેનાથી લોકો જીવે છે અને જેનાથી લોકો મૃત્યુ પામે છે, તે હું જ છું. સત્અસત્સમગ્ર જગત તે હું જ છું. એવું અર્જુન તમે માનો.