ગીતા અધ્યાય-૦૯, શ્લોક ૧૧ થી ૧૫

શ્લોક ૧૧-૧૫

ભગવાનનો તિરસ્કાર કરનારાં આસુરી પ્રકૃતિનાં માણસોની નિંદા તથા દૈવી પ્રકૃતિનાં માણસોના ભગવદ્ ભજનનો પ્રકાર

अवजानन्ति मां मूढा मानुर्षी तनुमाश्रितम्‌।

परं भावमजानन्तो मम भूतमहेश्वरम्‌।।११।।

અર્થ : સર્વ ભૂત-પ્રાણી માત્રનો હું સર્વોપરિ નિયન્તા છું એ મારું મોટું ઐશ્વર્ય નહિ જાણનારા મૂઢાત્માઓ મનુષ્ય શરીરને પ્રત્યક્ષ વર્તતા મારી અવજ્ઞા કરે છે. ।।૧૧।।

 परं भावमजानन्तो मम भूतमहेश्वरम्‌-જેની સત્તાસ્ફૂર્તિ મેળવીને પ્રકૃતિ અનંત બ્રહ્માંડોની રચના કરે છે. જેના સ્વતંત્ર સંકલ્પથી અનંત કોટિ બ્રહ્માંડો અને તેમાં રહેલાં ચૈતન્યોનું ધારણ નિયમન થાય છે અને પોતામાં શમન થાય છે. પોતે અનંત બ્રહ્માંડો અને બ્રહ્માંડ નાયકો, કાળ, માયા તેના સંચાલક, પ્રર્વતક, શાસક, સંરક્ષક અને નિયામક છે. જેની ઈચ્છા વિના કોઈ પાંદડું હલાવી શકતું નથી. જે અનંત કોટિ બ્રહ્માંડોના માલિક છે જે કર્તું-અકર્તું અન્યથાકર્તું સમર્થ છે. જે અનંત કોટિ બ્રહ્માંડોના ઉત્પત્તિ, પોષણ અને વિનાશકર્તા હોવા છતાં કયારેય તેમાં બંધાતા નથી. સદા નિર્લેપપણે રહે છે. જેને કોઈ કર્મ લાગતું નથી. જેને બદ્ધપણું કે મુક્તપણું પણ સ્પર્શ કરતું નથી. આવો ભગવાનનો અનેક પ્રકારનો પરભાવ છે. તેને નહિ જાણીને મૂઢ લોકો મને મનુષ્ય જેવો જાણે છે અને મારી અવજ્ઞા કરે છે. પોતાનાં પાપકર્મોથી મૂઢતાને પામેલા છે, અને હું મારા સ્વતંત્ર સંકલ્પથી મનુષ્ય સજાતીય બન્યો છું. જેમ સોનાનો ઘડો અને પિત્તળનો ઘડો બન્ને રંગ, રૂપ, આકારે અજ્ઞાનીને સરખા ભાસે છે; પરંતુ સોના પિત્તળમાં તફાવત દેખાતો નથી. તેમ મારો અતિ માનુષી અને અતિદેવતાય મહિમા ગુપ્ત કરીને, અતિ કરુણા કરીને, વાત્સલ્ય, સૌશીલ્ય ગુણોને આગળ કરીને મનુષ્ય જેવો થયો છું ત્યારે તેઓ તે ગુણોનું અવમૂલ્યાંકન કરીને મને અસમર્થ, ન્યૂન જાણીને મારી અવહેલના કરે છે. પોતાને મારાથી મહાન માને છે. તેથી પોતાના અહંકારમાં ચકચૂર થઈને રહે છે અને ભોગ ભોગવવામાં અને સંગ્રહ કરવામાં જ લાગ્યા રહે છે. મારી સુલભતાને નહિ ગણીને તેમ કરવું તે પણ મારી અવહેલના જ છે. ‘श्रेयो हि प्रतिबध्नाति पूज्य पूजा व्यतिक्रम:। એ વસ્તુ તેના કલ્યાણનો રસ્તો તેને સૂઝવા દેતી નથી.

 मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतस:।

राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिता:।।१२।।

અર્થ : આવા મનુષ્યો નિષ્ફળ આશાઓ સેવનારા, નિષ્ફળ કર્મ કરનારા, મિથ્યા જ્ઞાન સમજનારા, ભ્રષ્ટ ચિત્તવાળા અને તેઓ રાક્ષસી અને આસુરી માયાને આશરેલા હોય છે. ।।૧૨।।

राक्षसीम्‌, आसुरीं च मोहिनीं प्रकृतिं श्रिता: ते विचेतस: मोघज्ञाना, मोघ कर्माणो, मोघाशा: (मां अवजानन्ति इत्यर्थ:) અગિયાર શ્લોકની સાથે બારમાં શ્લોકનો અર્થ જોડવાનો છે. આસુરી પ્રકૃતિ-રાજસી પ્રકૃતિ-જે મનુષ્યો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા, પોતાની કામના પૂર્તિ કરવા અને પોતાના પ્રાણોનું પોષણ કરવામાં જ લાગ્યા રહે છે. તેમાં બીજાને કેટલું દુઃખ થઈ રહ્યું છે, બીજાઓને કેટલું નુકશાન થઈ રહ્યું છે તેની પરવા જ કરતા નથી. તેની દરકાર રાખતા નથી, તેઓ આસુરી પ્રકૃતિવાળા હોય છે.

જેમના સ્વાર્થમાં, કામનાપૂર્તિમાં કે સંગ્રહમાં વિઘ્ન આવી જાય તો તેમને ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં આવીને તેઓ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા બીજાઓને ઘણું નુકશાન કરીદે છે. બીજાઓનો નાશ કરી દે છે. તેને ‘રાક્ષસી’ પ્રકૃતિ કહેવાય.

જે વિના કારણે બીજાઓનું નુકશાન કરી દે છે, બીજાને કષ્ટ આપે છે અને રાજી થાય છે. ભગવાન અને ભગવાનના ભક્તનો વિરોધ કરીને રાજી થાય છે, તે ‘મોહિની’ પ્રકૃતિવાળા કહેવાય છે. વસ્તુતાએ તો પરમાત્માથી વિમુખ થઈને કેવળ પોતાના પ્રાણોને ટકાવવાની અર્થાત્‌સુખપૂર્વક જીવવાની જે ઈચ્છા હોય છે તે આસુરી પ્રકૃતિ છે. તેના જ વધારે-ઘાટા, પાતળા ભાવમાં આ ત્રણે પ્રકૃતિ બતાવી છે. ત્રણેના મૂળમાં આસુરીભાવ કાર્ય કરી રહ્યો છે. એક આસુરી પ્રકૃતિને આશ્રિત થતાં રાક્ષસી અને મોહિની પ્રકૃતિ પણ સ્વભાવિકપણે આવીને રહે છે. કામનાની પ્રધાનતાથી ‘આસુરી’ પ્રકૃતિ આવી જાય છે. ક્રોધની પ્રધાનતાથી ‘રાક્ષસી’ પ્રકૃતિ આવી જાય છે અને મોહની (મૂઢતાની) પ્રધાનતાથી ‘મોહિની’ પ્રકૃતિ આવી જાય છે. તાત્પર્ય એ છે કે જ્યાં કામનાની પ્રધાનતા હોય ત્યાં રાક્ષસી પ્રકૃતિ-ક્રોધ આવી જ જાય છે. क्रोधाद्‌ भवति संमोह: (૨/૬૩) આવો સંમોહ લોભથી પણ થાય છે અને મૂર્ખતાથી પણ થાય છે.

આ પ્રકૃતિઓના આશ્રયનું પરિણામ ચેતનને વિચેતસ્‌બનાવી દે છે. અર્થાત્‌તેનો વિવેક હરી લે છે. તેને વિવેકરહિત-જડ બનાવી દે છે. તેને પરમાત્માથી વિરુદ્ધ ચેતનાવાળો બનાવી દે છે. તેથી તે मोघज्ञानाः બની જાય છે પરમાત્માથી વિરુદ્ધ જનારી ગમે તેવી તીવ્ર ચેતના હોય તો પણ તે નિષ્ફળ છે. તેણે પોતાના કરેલા પુરુષાર્થનું ઈચ્છિત ફળ પામી શકાતું નથી. આ જ તેનું નિષ્ફળ જ્ઞાનપણું છે. તેમના તમામ મનોરથ અંતિમ તબક્કામાં ફોગટ બની રહે છે. રાવણ, હરિણ્યકશિપુ, કંસ વગેરેના જીવનના ઈતિહાસ દ્વારા જોવા મળે છે. તેવું થઈ રહે છે. તેથી તેને ‘मोघकर्माण:’ કહ્યા છે. અર્થાત્‌ ‘उपक्रमप्रभृति निष्फलप्रवृतय:’ તેનો પુરુષાર્થ તેને વ્યર્થ માર્ગ પર દોરી જાય છે. તેઓ પુરુષાર્થ ઘણો જ કરે છે પણ ખોટે માર્ગે કરે છે. જેથી પુરુષાર્થ ફળ સુધી પહોંચી શકતો નથી અને એ પુરુષાર્થ જ એમને શાંતિ આપી શકનારો બની શકતો નથી. ફળ તો સંતાપ દેનારું જરૂર આવવાનું જ છે પણ જ્યારથી પુરુષાર્થ આદરે છે, ત્યારથી જ તેને અશાંતિને સંતાપને દેનારો બની રહે છે.

ઘણા આરંભો અર્થાત્‌પુરુષાર્થોમાં ફળ ભલે અંતે મળવાનું હોય પણ સાધકના અંતરમાં શાંતિ અર્પણ કરનારા હોય છે. સત્તરમાં અધ્યાયના અઠયાવીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું છે કે, જેમને મારામાં-પરમાત્મામાં શ્રદ્ધા નથી અર્થાત્‌જેઓ મારાથી વિમુખ છે. તેમના દ્વારા કરવામાં આવેલા શાસ્ત્ર પ્રતિપાદિત યજ્ઞ, દાન, તપ વગેરે શુભ કર્મો પણ અસત્‌બની જાય છે. તે આ જન્મમાં અથવા મર્યા પછી પણ સુખ કે શાંતિ આપનારાં થતા નથી. ઊલટા અંતે દુઃખને અશાંતિ પમાડનારા બને છે. જ્યારે પરમાત્મામાં શ્રદ્ધા રાખીને પરમાત્માને માટે જે કાંઈ આરંભો કરવામાં આવે છે અર્થાત્‌પરમાત્માને પ્રસન્ન કરવાના ઈરાદાથી જે કાંઈ કર્મો કરવામાં આવે છે અને જે કર્મો ભગવાનને અર્પણ કરવામાં આવે છે અથવા અર્પણ કરવા માટે કરવામાં આવે છે, તો તે તેના આત્મામાં પરમશાંતિ અને સુખ કરનારા થાય છે અને સત્‌ફળ આપનારા થાય છે. ‘कर्म चैव तदर्थीयं सत्‌ इत्येवाभिधीयते’ (ગી. ૧૭/૨૭) તેથી એવા લોકોને ‘मोघाशा:’ બતાવવામાં આવ્યા છે. જેઓ ભગવાનથી વિરુદ્ધવૃત્તિવાળા છે તથા જેઓ ભગવાનના સાચા ભક્તોથી વિરુદ્ધ વૃત્તિવાળા છે. તેમના મનોરથો કયારેય સારું ફળ પમાડનારા બની શકતા નથી. ઉત્તમ પદ્ધતિથી કરવામાં આવેલા ઉપાયો પણ સારા ફળ સુધી પહોંચી શકતા નથી. જો કે સારા ફળમાં તેનો ઈરાદો પણ હોતો નથી પણ ‘मोघाशा:’ નું તાત્પર્ય તો એ છે કે તેમણે ઈચ્છેલ ફળ સુધી પણ તે પહોંચી શકનારા નથી. ભગવાનથી અને તેના સાચા ભક્તથી વિરુદ્ધ વૃત્તિના મનુષ્યોના કરેલા તમામ મનોરથો નિષ્ફળ થઈ રહે છે.

महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिता:।

भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम्‌।।१३।।

અર્થ : અને હે પાર્થ ! દૈવી પ્રકૃતિને આશરેલા મહાત્માઓ-મારા જ્ઞાની ભક્તો તો, મને સર્વ ભૂતનો આદિ-કારણ અને અવિનાશી-સ્વરૂપ જાણી-સમજીને અનન્ય મનવાળા થઈને મનેજ ભજે છે. ।।૧૩।।

પૂર્વ શ્લોકમાં આસુરી, રાક્ષસી અને મોહિની પ્રકૃતિને વરેલા મૂઢ લોકોનું વર્ણન કર્યું હતું. તેમના કરતાં દૈવી સંપત્તિને આશ્રિત મહાત્માઓની વિલક્ષણતા બતાવવાને માટે જ અહીં ‘तु’ પદ આપવામાં આવ્યું છે.

वीं प्रकृतिम्‌’ માં દેવ શબ્દ એ પરમાત્માનો વાચક છે; પરંતુ દેવ શબ્દથી બીજા દેવતાઓનું તાત્પર્ય નથી. પરમાત્માની સંપત્તિ દૈવી સંપત્તિ કહેવાય છે.પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળા જેટલા કોઈ સદ્‌ગુણો કે આચરણો છે, તે બધા જ દૈવી સંપત્તિના ગુણો અને આચરણો કહેવાય છે. તે ભગવાનના સ્વરૂપ તુલ્ય ગણાય છે. તે ભગવાનના જ સ્વભાવ છે અને સ્વભાવ હોવાથી તેને પ્રકૃતિ કહેવામાં આવ્યા છે. તેથી દૈવી પ્રકૃતિનો આશ્રય લેવો તે ભગવાનનો આશ્રય લેવા તુલ્ય છે. તેમનો આશ્રય લીધા વિના ભગવાનનો આશ્રય લઈ શકાતો નથી. આશ્રય લીધા પહેલાં તેમાં ગમે તેવા દુર્ગુણો હોઈ શકે પણ ભગવાનનો આશ્રય કરીને અવશ્ય તેના સદ્‌ગુણો ગ્રહણ કરવા જોઈએ. તેનાથી જીવનું કલ્યાણ થાય છે. તે ગુણો નિત્ય છે, કયારેય નષ્ટ થવાવાળા નથી. ભગવાનને પામવાની ઈચ્છાવાળા દરેક સાધકે તે ગુણોની પણ આરાધના કરવાની છે. તે ગુણો પ્રાપ્ત થયા પછી પણ હું તે ગુણોનો માલિક છું. તેમ માનવાનું નથી; પરંતુ ભગવાનને પ્રસન્ન કરવા માટે તેનો વિનિયોગ કરવાનો છે. તો તેને તેનું અભિમાન આવતું નથી. અધૂરી આરાધનાથી જ અભિમાન પેદા થાય છે. સાચી આરાધના અભિમાન ઘટાડે છે. કારણ કે અભિમાન આસુરી સંપત્તિનો ગુણ છે, દૈવી સંપત્તિનો નથી. મનુષ્યમાં દૈવી સંપત્તિ ત્યારે જ પેદા થાય છે જ્યારે તેનો ઉદ્દેશ્ય કેવળ ભગવાનને પામવાનો જ રહે છે. એવો ઉદ્દેશ્ય થતાં સાધકમાં દૈવી ગુણો સ્વભાવિકપણે આવવા લાગી જાય છે અને તેનું અભિમાન પણ આવતું નથી. ઊલટાની નમ્રતા, સરળતા અને નિરાભિમાનતા આવે છે.

જે મનુષ્યો ભગવાનથી વિમુખ થઈને નાશવાન ભોગો અને તેના સંગ્રહમાં લાગેલા રહે છે તેઓ ‘અલ્પાત્મા’ છે. અર્થાત્‌મૂઢ છે. જેમણે ભગવાનનો આશ્રય લીધો છે, જેમની મૂઢતા ચાલી ગઈ છે,જેણે કેવળ પરમાત્મા સાથે પોતાનો સંબંધ જોડી રાખ્યો છે, તેઓ ‘મહાત્મા’ છે.

જેઓએ કોઈક પુણ્ય સંચયને લઈને પરમાત્માનું શરણું લઈ લીધું છે. કારણ કે ભગવાને બતાવ્યું છે. ‘जना सुकृतिनो’ (ગી. ૭/૧૬) मामेव प्रपद्यन्ते પૂર્વના ભારે પુણ્ય વિના ભગવાનનું શરણું લેવાનું પ્રાપ્ત થતું નથી. મને અવ્યય જાણીને અર્થાત્‌મારા જ્ઞાનનો કયારેય સંકોચ થતો નથી. કોઈ અવસ્થામાં કે કોઈ અવતારમાં હું તથા મારું જ્ઞાન, શક્તિ વગેરે અવ્યય રહે છે, એવો મને જાણીને, અનન્યભાવથી મારું ભજન કરે છે. મારા ભજનમાં સદા લીન થઈ જાય છે. ભગવાનનું ભજન ગમે તે રીતે કરવામાં આવે તો પણ લાભ જ થાય છે પણ જ્યારે અનન્ય ભાવથી ભગવાનમાં જોડાવામાં આવે છે કે ભજન કરવામાં આવે છે તો તેનાથી તત્કાળ અને ખૂબ જ લાભ થાય છે. પોતાની જાતને એક માત્ર પરમાત્માના ચરણમાં અર્પિત કરીને પરમાત્માને ઉદ્દેશીને જે કોઈ ક્રિયા તે કરે છે તે ભજન બની રહે છે અને ભગવાન તત્કાળ પ્રસન્ન થઈ જાય છે.

सततं कीर्तयन्तो मां यतन्तश्व दृढव्रता:।

नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते।।१४।।

અર્થ : મારું જ સતત-અખંડ કીર્તન કરતા, અને દૃઢ સંકલ્પ થઈને મને પ્રસન્ન કરવા જ દરેક પ્રયત્ન કરતા, નિરંતર મનેજ નમસ્કાર કરતા અને મારામાં અખંડ યુક્ત થઈને પ્રેમપૂર્વક મારી જ ઉપાસના કરે છે. ।।૧૪।।

પૂર્વના શ્લોકમાં બતાવ્યું કે, મહાત્મા લોકો મારું ભજન કરે છે. હવે તે ભજન કેવી રીતે કરે છે ! તે ભજનરૂપ ઉપાસનાની રીત બતાવે છે-તેઓ नित्ययुक्ता: सन्‌ भक्त्या सततं मां कीर्तयन्त: તેઓ મારી સાથે નિત્યસંબંધ જોડીને, ભક્તિપૂર્વક સતત મારા ગુણ-નામ-લીલાઓનું કીર્તન કરે છે. જીવનો ભગવાનની સાથે વાસ્તવિક નિત્યયોગ છે જ પણ તે ભૂલી ગયો છે.તે જીવ પરમાત્માનો અનાદિનો દાસ છે. તેથી પ્રથમથી જ आत्मानं मद्‌दास्य व्यवसायिन: પોતાના આત્માને પરમાત્માનો નિત્યદાસ બનીને સેવામાં જોડવો છે, જોડાવું છે, રહેવું છે એવો પાકો ઉદ્દેશ્ય (ગોલ) જેણે બનાવી લીધો છે એવો વ્યવસાય-પોતાના ચૈતન્યમાં કરી લઈને તે અનુસંધાનપૂર્વક કીર્તન, ભજન, નમન, અત્યર્થપ્રીતિપૂર્વક કરીને તેને ઉપાસનારૂપ બનાવી દે છે. ભક્તિમાં ‘तत्‌’ નું અનુસંધાન જોડીને ઉપાસનારૂપ બનાવીને કરે છે.

જીવ કદી પણ સંસાર સાથે નિત્યયુક્ત થઈ શકતો નથી. ભોગોમાં પણ તેને વખતો વખત અનેક કારણોથી ગ્લાનિ થાય છે. અતિરેક વખતે, મંદવાડ વખતે, વૃદ્ધપણામાં અશાંતિથી ઉપરતિ થાય છે. સંગ્રહથી પણ અનેક કારણોથી ઉપરતિ થાય છે. તેથી તેમાં નિત્યયુક્ત થઈ શકાતું નથી. તેની એક મર્યાદા હોય છે. જ્યારે ભગવાન સાથે નિત્યયુક્ત થવામાં આવી કોઈ મર્યાદા હોતી નથી. ભગવાનનો અંતરમાં અતિરેક કયારેય થતો નથી. ભગવાન પદે પદે સ્વાદુત્તમ અનુભવાય છે. જેટલો તેનો અંતરમાં અતિશય થાય તેટલો તેટલો તેમાં સ્વાદુત્તમતા અનુભવાય છે. ભોગોના સંગ્રહથી કયારેક પાત્ર છલકાઈ જાય છે. જ્યારે પરમાત્મા જેમ જેમ જીવમાં આવતા જાય છે ને સ્થિર થતા જાય છે તેમ તેમ પાત્રતા-પાત્ર અતિ મોટું વિશાળને ઊંડું બનતું જાય છે. માટે નિત્ય યોગની સાચી પાત્રતા પરમાત્મા સાથે જીવને છે. જીવ જો પોતાના અંતરથી એવો વ્યવસાય-અડગ નિર્ણય કરી લે તો પરમાત્મા સાથેનો નિત્ય સંબંધ ભુલાય ગયો છે, તે પૂરો જાગ્રત થઈને નવીન બની જાય છે. મહાત્મા પુરુષો એ સંબંધને આગળ ધરીને-અનુસંધાન કરીને કીર્તન વગેરે કરે છે. જીવને નામનુ, જાતિનું, મા-બાપનું જેવું ત્રણે અવસ્થામાં દૃઢ થઈ રહ્યું છે. તેવું જ ભગવાનનું ‘હું’ પણામાં દૃઢ થઈ જાય તો તેને પરમાત્મા સાથે નિત્યયોગ થઈ જાય છે. અર્થાત્‌સંબંધ તાજો થઈ જાય છે.

दृढव्रता: જેઓ સંસારના ભોગ અને સંગ્રહમાં લાગેલા છે, તેમની પ્રતિજ્ઞા (વાત) દૃઢ પણે રહેતી નથી. એકરૂપતાથી સતત રહેતી નથી. (बहुशाखा अनन्ताश्च बुद्धयो अव्यवसायिसनाम्‌’ (ગી. ૨/૪૪) જે એવો વ્યવસાય અર્થાત્‌નિર્ણય કરે કે ‘અમે સંસારના નથી અને સંસાર અમારો નથી.’ ‘હું ભગવાનનો છું ને ભગવાન મારા છે’ આવો-વ્યવસાય કરીને તેને માટે પ્રયત્ન કરે તો તે નિર્ણયને કાળ પણ કયારેય તોડી શકતો નથી. કોઈ પરિબળ તેનો નાશ કરી ન શકે. મારે તો જીવતાં જીવતાં પણ કેવળ ભગવાનની સેવા કરવી છે પણ ભોગ કે સંગ્રહમાં ઉદ્યોગ નથી કરવો. તે નિર્ણય બહુ દૃઢ પણે કરી શકાય છે. તેને કોઈ તોડી શકતું નથી. સિવાય કે પોતાની નબળાઈ. એવા એવા નિશ્ચયવાળાને ભગવાન પણ ઘણી મદદ કરે છે. તેવાને અહીં ‘दृढव्रता:’ કહ્યા છે.

यतन्तश्च-મને પ્રસન્ન કરવા માટેનાં કર્મોમાં, મારી પૂજા આદિકમાં તથા મારા માટે મંદિર, બગીચા કે મારી ભક્તિની સાધનાનું નિર્માણ કરવામાં તેઓ મહાપ્રયત્ન-પુરુષાર્થ કરવાના સંકલ્પવાળા અને પ્રયત્ન કરનારા રહે છે. જેવી રીતે સાંસારિક મનુષ્યો કુટુંબનું પાલન મમતાપૂર્વક કરે છે, મહાપ્રયત્ન કરીને પણ કરે છે. યાવત્‌શક્તિ બલોદય અધૂરું છોડતા નથી. રૂપિયા કમાય તો પણ લોભપૂર્વક તેવી જ રીતે કમાય છે, પ્રત્યન કરે છે. એવી જ રીતે આ મહાત્માઓ ભગવત્‌પ્રાપ્તિને માટે યત્ન (સાધના) કરે છે, તે પણ અંતરની લગનીપૂર્વક કરે છે. લગનીમાં ન્યૂનતા આવવા દેતા નથી. તેમના પ્રયત્ન સાંસારિક જેવા દેખાતા હોવા છતાં તેમના પ્રયત્ન માત્રનો ઉદ્દેશ્ય ભગવાનને પામવા કે પ્રસન્ન કરવાનો હોવાથી તે સંસારીથી અલગ પ્રકારના હોય છે.

कीर्तयन्तश्च नमस्यन्तश्च તેઓ સતત ભગવાનનું નામ, લીલા, ગુણો વગેરેનું કીર્તનગાન કરતા રહે છે. વાણી સંબંધી આરાધના કરતા રહે છે. દેહે કરીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ-નમસ્કાર, યથાસંભવ કરતા રહે છે. નમસ્કારનું તાત્પર્ય છે કે, જે જે કોઈ પોતાનાથી ભક્તિ વગેરે સારાં કર્મ થાય છે તે હે નાથ, હે મહારાજ તમારાથી જ થાય છે, તમારી શક્તિથી જ થાય છે. મારામાં તે શક્તિ નથી. એવો ઉપકાર ભાવ રજૂ કરવા ભક્ત ભગવાનને વારંવાર નમસ્કાર કરતો રહે છે ને ભગવાનનો ઉપકાર માનતો રહે છે. પુરુષાર્થના સંપૂર્ણ અભિમાન શૂન્ય થઈને કેવળ પ્રભુનો ઉપકાર અભિવ્યક્ત કરે છે.

सततं मां उपासते-આ રીતે મારા ભક્તો નિરંતર મારી ઉપાસના કરે છે. ઉપાસનાનું તાત્પર્ય એ છે કે, કીર્તન, યજન, નમસ્કાર સિવાય પણ દેહ ગુજરાનની ક્રિયાઓ ખાવું, પીવું, સુવું, જાગવું તથા આજીવિકાની ક્રિયાઓ તથા પારમાર્થિક કેવળ પરમાત્માના ઉદ્દેશ્યથી, પરમાત્માને પ્રસન્ન કરવા માટે જ કરે છે.

ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते।

एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम्‌।।१५।।

અર્થ : બીજા-જ્ઞાનયોગી ભક્તો, મારી કથા-કીર્તનાદિક કરવારૂપ જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કરતા થકા મારી ઉપાસના કરે છે. વળી-બીજાઓ પણ અનેકરૂપે રહેલા મારી ઉપાસના એકત્વથી તેમજ પૃથગ્ભાવથી પોતપોતાની રૂચિ પ્રમાણે બહુ પ્રકારે કરે છે. ।।૧૫।।

ભક્તિ દ્વારા ઉપાસના કરતા સાધકોનું વર્ણન કર્યું. હવે બીજા સાધકોનું વર્ણન કરે છે.

જેવી રીતે ભૂખ્યા આદમીઓની ભૂખ એક સરખી હોય છે અને ભોજન કર્યા પછી તૃપ્તિ પણ બધાને એક સરખી અનુભવાય છે; પરંતુ તેમના દરેકના ભોજનના પદાર્થોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. તેવી જ રીતે અનિત્ય સંસાર તરફ વળેલા લોકો કાંઈપણ કરે તો પણ અતૃપ્તિ જ રહે છે, ભૂખ જ રહે છે. જ્યારે તેઓ સંસારથી વિમુખ થઈને કેવળ પરમાત્મા તરફ જ ચાલે છે, ત્યારે તેના અંતરમાં તૃપ્તિ થાય છે. અર્થાત્‌તેઓ કૃતકૃત્ય થઈ જાય છે; પરંતુ તેમની રુચિ, યોગ્યતા, શ્રદ્ધા, વિશ્વાસ વગેરે ભિન્ન ભિન્ન રહે છે. અર્થાત્‌ભગવાન ભજવાના તેમના ‘અંગ’ અલગ અલગ રહે છે. તેથી તેમની ઉપાસનામાં થોડો ભેદ રહે છે. કેટલાક મહાત્માઓ કીર્તન, યતન,નમન સાથે જ્ઞાનયજ્ઞથી પણ ભગવાનની આરાધના કરે છે. સમગ્ર વિશ્વને પરમાત્માનું સ્વરૂપ-શરીરરૂપ માનીને તેના માધ્યમથી પરમાત્માની ઉપાસના કરે છે. કોઈ જગત શારીરિકપણે જ્ઞાનયજ્ઞથી ભગવાનની ઉપાસના કરે છે, તો કોઈ પૃથકપણે વ્યતિરેકપણે-વ્યક્તિત્વરૂપે ભગવાનની ઉપાસના કરે છે. પોતાને તેના સેવક માને છે. તેઓ બધા પૂર્ણતાને પામી જાય છે.