શ્લોક ૦૭-૧૦
જગતની ઉત્પત્તિનો વિષય
सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम्।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्।।७।।
અર્થ : હે કૌન્તેય ! કલ્પને અંતે સર્વ ભૂત-પ્રાણીમાત્ર મારી માયા પ્રત્યે પ્રવેશી જાય છે. તેજ સર્વ ભૂતોને કલ્પના આરંભમાં પાછો હું જ સર્જાંુ છું. ।।૭।।
બીજા કોઈની અપેક્ષા રાખ્યા સિવાય એક માત્ર ભગવાનના સંકલ્પ માત્રથી જ તમામ જીવ તથા જગતની સ્થિતિ છે, તે પ્રથમના શ્લોકમાં બતાવ્યું. તથા તદાધીન તમામની પ્રવૃત્તિ કહી. હવે ભગવાનના સંકલ્પ માત્રથી જ તમામની ઉત્પત્તિ અને લય થાય છે, તે વાત કહે છે.
બ્રહ્માજીના એક દિવસનું નામ કલ્પ કહેવાય છે. જે મનુષ્યના એક હજાર ચતુર્યુગનો થાય છે એટલા જ સમયની બ્રહ્માજીની રાત્રી થાય છે. આ માપથી બ્રહ્માજીનું આયુષ્ય સો વર્ષનું ગણાય છે. બ્રહ્માજીનું આયુષ્ય સમાપ્ત થતાં જ્યારે બ્રહ્માજીનો છેલ્લો દિવસ પૂરો થતાં-એવા અર્થમાં અહીં કલ્પક્ષય શબ્દ આવ્યો છે. અર્થાત્બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થયે, અને બ્રહ્માજી ફરીથી પ્રગટ થાય છે ત્યારે, તેના પ્રથમ દિવસના આદિને કલ્પાદિ શબ્દથી બતાવ્યું છે.
બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થતાં તમામ પ્રકૃતિને આધીન જે જીવો છે તે પોતપોતાના કર્મોને લીધે કર્મો સહિત મારા શરીર સ્વરૂપ પ્રકૃતિમાં (માયામાં) લીન થઈ જાય છે. તે જ તમામ ભૂતોને કલ્પાદિમાં પોતપોતાના કર્મે સહિત મારા સ્વતંત્ર સંકલ્પથી સજર્ન કરું છું. અથાર્ત્નામરૂપને પમાડું છું. દેહાદિકનો સંયોગ કરાવી આપું છું. ‘કૌન્તેય’ એવો સંબોધનનો એવો ભાવ છે કે જેમ કુંતી માતાના શરીરથી તમારી ઉત્પત્તિ છે. તે તમને ખબર નથી તો પણ આપ્ત વાક્યથી તેને દૃઢપણે માનો છો તેવી જ રીતે મારા શરીરથી આ સમગ્ર જગત્ઉત્પન્ન થાય છે. એવું મારા વાક્યથી દૃઢપણે માનો. (કારણ કે હું આપ્ત વકતા છું.)
प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुन: पुन:।
भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात्।।८।।
અર્થ : પ્રકૃતિ-માયાના વશપણાથી પરવશ-કર્માધીન વર્તતા આ સમગ્ર ભૂતસમૂહને હું મારી માયા-શક્તિને અવલંબીને વખતો-વખત વારંવાર સર્જૌ છું.
પોતાની વિચિત્ર પરિણામવાળી પ્રકૃતિને આઠ પ્રકારે પરિમિત કરીને અર્થાત્સર્ગ સૃષ્ટિ કરીને વળી તેને દેવ તિર્યક, મનુષ્ય સ્થાવરાત્મક સ્વરૂપે સર્જે છે. તે પણ પોતાની શક્તિ સ્વરૂપા પ્રકૃતિ દ્વારા વારંવાર ભગવાન સજર્ન કરે છે.
જીવોના સંસ્કારો, કર્મો સ્વભાવો પોતાના કારણ શરીરમાં લીન થઈ જાય છે. તે જીવો પ્રકૃતિમાં લીન થઈ જાય છે. તે પ્રકૃતિ પરમાત્મામાં લીન થઈ જાય છે. વળી જ્યારે ભગવાન સૃષ્ટિનો સંકલ્પ કરે છે ત્યારે કાળ દ્વારા પ્રકૃતિનો ક્ષોભ થાય છે ને તેમાંથી મહત્ત્વત્ત્વાદિક આઠ-અષ્ટધા પ્રકૃતિ-ઉત્પન્ન થાય છે. તેમાંથી ભગવાન જીવોના કારણ શરીર સહિત તેના પૂર્વકર્મોને જોઈને દેહ ઈદ્રિયાદિકનો જોગ કરાવીને દેહધારી બનાવે છે. તેવી સજર્ન પ્રકૃતિ અનાદિકાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. પ્રકૃતિને પરવશ જીવો તેમાં જન્મતા અને મરતા જ રહે છે.
પરમાત્મા પ્રકૃતિને લઈને જ સૃષ્ટિ કરે છે. પ્રકૃતિ વિના કરતા નથી. તેથી સૃષ્ટિમાં જે પરિવર્તન થાય છે કે ઉત્પત્તિ વિનાશ થાય છે. તે બધા વિકારો પ્રકૃતિ અંશ સુધી જ રહે છે. પરમાત્માને સ્પર્શ કરતા નથી, છતાં પણ પ્રકૃતિના માધ્યમથી સૃષ્ટિ કરવી તે ભગવાનની કોઈ અસમર્થતા, પરાધીનતા કે કમજોરી નથી. જેમ મનુષ્યો દ્વારા વિભિન્ન કાર્યો થાય છે તો તેઓ વિભિન્ન કરણો, ઉપકરણો, ઈન્દ્રિયો અને વૃત્તિઓથી થાય છે; પરંતુ તેને મનુષ્યની કમજોરી નથી ગણાતી, ઊલટું તેનું કરણ, ઉપકરણ વગેરે ઉપર આધિપત્ય ગણાય છે. મહાનતા ગણાય છે. હા, મનુષ્યમાં એ ઊણપ છે કે તે એ કર્મોને પોતાને માટે માની લે છે. તેમાં રાગ કરે છે, તેથી તેમાં બંધાઈ રહે છે. અર્થાત્અધિપતિ હોવા છતાં ગુલામ થઈને રહે છે પણ પરમાત્મામાં એવી પરાધીનતા નથી.
न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय।
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु।।९।।
અર્થ : પણ હે ધનંજય ! તે સૃષ્ટિ આદિક કર્મમાં ઉદાસીનની પેઠે વર્તનારા અને આસક્તિ વિનાના મને, તે સૃષ્ટિ આદિક કર્મ બંધન કરી શકતા નથી. ।।૯।।
ભગવાન કહે છે કે, હું વારંવાર સૃષ્ટિ રચના અને તેનો સંહાર કરું છું. એ સૃષ્ટિ કર્મને અહીં तानि कर्माणि કહેવામાં આવ્યા છે તે કર્મો મને નથી બાંધતા. મારામાં વિષમતા કે નૈઘૃણ્યતા નથી આવતા. પક્ષપાતીપણું નથી ગણાતું. સૃષ્ટિ રચના ભગવાન કરે છે ત્યારે કોઈ જીવને સુખી કરે છે. દેવતા કરે છે અને કોઈ જીવને દુઃખ આપે છે, નરકની યાતના આપે છે. ભગવાન આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ-સંહાર-નિગ્રહ-અનુગ્રહ વગેરે કરે છે. તેનાથી ભગવાનમાં પક્ષપાતીપણું-અવ્યવસ્થિતપણું વગેરે દોષ આવી પડશે. ત્યારે ભગવાન કહે છે, મારે તે કર્મોની સાથે કોઈ સંબંધ નથી. હું તે કર્મોમાં ઉદાસીનપણે રહું છું. મનુષ્યની પેઠે આસક્ત રહેતો નથી. અર્થાત્પ્રાણીઓ ઉત્પન્ન થતાં હું હર્ષિત નથી થતો અને તેઓ પ્રકૃતિમાં લીન થતા હું ખિન્ન નથી થતો. ભગવાન અદલ સૃષ્ટિની રચના કરવા છતાં અને તેનો સંહાર કરવા છતાં તેનું કોઈ કર્મ ભગવાનને લાગતું નથી. કર્મ બંધન ત્યારે જ કરે છે કે તે આસક્તિપૂર્વક કરવામાં આવે. તેના ફળમાં આસક્તિ રાખવામાં આવે. જો તેમાં આસક્તિ રાખવામાં ન આવે, તેના ફળની ઈચ્છા રાખવામાં ન આવે, અને ફળની આસક્તિ છોડી દેવામાં આવે, તો તે કર્મ બંધન કરી શકતું નથી.
ભગવાન કહે છે કે, આ મારું અસાધારણ ઐશ્વર્ય છે. ઉત્તમથી પણ ઉત્તમ કાર્ય કરીને તેમાં ન બંધાવું અને જીવોને ઉપદેશ પણ છે કે તમે પણ એવી રીતે સંસારથી નિર્લેપ થઈ શકો છો. જો તમો કર્મોમાં તથા તેમના ફળોમાં આસક્તિ રાખશો તો તમારે દુઃખ પામવું જ પડશે અને વારંવાર જન્મવું મરવું પડશે. અહીં ભગવાન જીવને ભક્તિ ઉત્પન્ન કરવા માટે પોતાનું અનન્ય સાધારણ ઐશ્વર્ય કહી રહ્યા છે અને ભગવાનનું અનન્ય સાધારણ ઐશ્વર્ય જીવના હૃદયમાં સમજાઈ જાય, ત્યારે ભગવાન પ્રત્યે તેને અનન્ય ભક્તિ થાય. એવું ગ્રંથનું તાત્પર્ય છે, તે બતાવતાં ભગવાન આ વસ્તુને બતાવી રહ્યા છે કે આવું અનન્ય સાધારણ-ઉત્તમ અને મોટું કાર્ય કરીને પણ હું નિર્લેપ રહું છું. તે મારું અનન્ય સાધારણ ઐશ્વર્ય છે. જીવ જે દુઃખ પામે છે તે કર્મ અથવા તેના ફળમાં આસક્તિને કારણે જ પામે છે. ભગવાને જીવોને માટે પણ બતાવ્યું છે કે ‘न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा। इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। જો જીવ ભગવાન અને તેની અનન્ય સાધારણ આ શક્તિને જાણી લે, તો તે પણ બંધનથી મૂકાઈ જાય છે. વળી ભગવાન કહે છે કે
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते।
हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते (ગી.૧૮/૧૭)
જીવ પણ ભગવાનના આ અસાધારણ ઐશ્વર્યને પામી શકે છે જો તેને શરણે થઈને પ્રયત્ન કરે તો. કર્મનો આરંભ અને અંત હોય છે અને તેનું ફળ પણ ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે; પરંતુ રાગને કારણે જીવને જે ઈચ્છા કે આસક્તિ ઊભી થાય છે, તે જેમની તેમ જ રહી જાય છે. તે ફળની સાથે કે કર્મની સાથે નષ્ટ નથી થતી અને તે જીવને જન્મ-મરણનું કારણ બની રહે છે
मयाध्यक्षेण प्रकृति: सूयते सचराचरम्।
हेतुनानेन कौन्तेय जगत् विपरिवर्तते।।१०।।
અર્થ : અને હું અધ્યક્ષ-તટસ્થ રહીને જ પ્રકૃતિ દ્વારા આ ચરાચર વિશ્વને સર્જાવું છું. અને હે કૌન્તેય ! આ કારણથી જ આ સઘળું જગત્સંસૃતિમાં વિવિધ ભાવે પરિવર્તન પામ્યા જ કરે છે. ।।૧૦।।
ભગવાને આઠમાં શ્લોકમાં બતાવ્યું કે ‘प्रकृतिं स्वां अवष्टभ्य’ પ્રકૃતિને અષ્ટ પ્રકારે કરીને હું સૃષ્ટિનું સજર્ન કરું છું. ત્યારે તો પ્રકૃતિને અનુસારે પરિણામ થશે. ભગવાનની ભૂમિકા કોઈ રહેશે નહિ. તેના સમાધાનમાં કહે છે કે, પ્રકૃતિમાં જે કોઈ પરિણામ થાય છે તે મારી અધ્યક્ષતા નીચે જ થાય છે. મારી મરજી મુજબ જ થાય છે. ક્ષેત્રજ્ઞ એવા જીવોના કર્મોને જોઈને જ સૃષ્ટિમાં વિવિધતા સજુર્ં છું. મારા વડે જ સત્તા સ્ફૂર્તિ પામીને જ પ્રકૃતિ સર્વજગત રચના કરે છે અને તેને કારણે જ જગતમાં વિવિધ પરિવર્તન થાય છે. અર્થાત્કયારેક એક લોકમાં તો કયારેક બીજા લોકમાં તથા શરીરોમાં પણ બાળ-યુવા-વૃદ્ધપણું વગેરે પરિવર્તનો થતા રહે છે. જેમ ચેતન અને શરીર અલગ અલગ છે પણ શરીરની સત્તા, સ્ફૂર્તિ, અવસ્થા બદલાવી વધવું, બાળક, યુવાન, વૃદ્ધ થવું એ બધું ચેતનની હાજરીમાં જ થાય છે. જો ચેતનની હાજરી શરીરમાં ન હોય તો શરીર સડી જાય છે. નાશ થઈ જાય છે. અસ્તિત્વ રહેતું નથી. તેમ પરમાત્માની અધ્યક્ષતામાં જ પ્રકૃતિથી જે કાંઈ કાર્યો થાય છે. તેની અધ્યક્ષતા વિના એક પાંદડું પણ ચાલવા સમર્થ નથી થતું. છતાં પરમાત્માને તેનું કર્મ લાગતું નથી. જેમ સૂર્યના પ્રકાશમાં બધા પ્રાણીઓ બધાં કર્મો કરે છે. વિહિત અને નિષિદ્ધ બધાં કામ કરે છે. એ કર્મોને અનુસારે પ્રાણીઓ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ અને સુખ-દુઃખ ભોગવે છે; પરંતુ સૂર્ય અને તેનો પ્રકાશ જેમ છે તેમ જ રહે છે. તેને પ્રાણીઓના કોઈ સુખ-દુઃખની કે કર્મની અસર થતી નથી. તે તેનાથી નિર્લેપ રહે છે.