ગી.અ-09, શ્લોક 01 to 06

શ્લોક ૦૧-૦૬

પ્રભાવસહિત જ્ઞાનનો વિષય

શ્રી ભગવાન બોલ્યા

इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे।

ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्‌।।१।।

અર્થઃ શ્રી ભગવાન કહે છે-તું અસૂયા દોષથી રહિત છું માટે અતિ રહસ્યરૂપ એવું આ વિજ્ઞાને સહિત જ્ઞાન તે હું તને કહીશ કે જે જ્ઞાન સમજવાથી મોક્ષમાં વિરોધી અશુભ-પાપમાત્રથી તું મુક્ત થઈ જઈશ. ।।૧।।

સાતમાં અધ્યાયમાં ભગવાન દ્વારા વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવાનો જે પ્રવાહ ચાલી રહ્યો હતો, તેની વચમાં જ અર્જુને આઠમાં અધ્યાયના આરંભમાં સાત પ્રશ્નો કરી દીધા. તેમાંથી છ પ્રશ્નોનો ઉત્તર ભગવાને સંક્ષેપમાં આપીને અંતકાલીન ગતિ વિષયક સાતમા પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી આપ્યો.

હવે આ અધ્યાયમાં સાતમાં અધ્યાયમાં કહેવાના બાકી રહી ગયેલા એ જ વિજ્ઞાન સહિત જ્ઞાનના વિષયને વિલક્ષણ રીતિથી કહેવાને માટે ભગવાન નવમાં અધ્યાયનો આરંભ કરે છે.

આ અધ્યાયમાં इदं तु ते गुह्यतमम्‌ થી શરૂઆત કરીને मन्मना भव मद्‌भक्तो.... શ્લોકથી પૂરો કર્યો છે, અને મધ્યમાં પણ ભજન વિષયક વારંવાર અભ્યાસ કહીને તેનું પ્રતિપાદન થયું છે તેથી આ અધ્યાયનું તાત્પર્ય ભક્તિના સ્વરૂપનો નિષ્કર્ષ શોધન કરવું, તેમાં છે. અર્થાત્‌ભક્તિનું સ્વરૂપ શું છે ! તેમાં વિશેષતાઓ શી છે ! તેની ઈતર વિશેષતાઓ કઈ છે ! તેનું પ્રતિપાદન કરવાનું આ અધ્યાયનું તાત્પર્ય છે. વસ્તુને જાણવા કરતાં પણ વસ્તુની વિશેષતાને જાણવી તેનું મહત્ત્વ વધારે છે. તેથી આ જ્ઞાનને ભગવાન ગુહ્યતમ જ્ઞાનથી કહે છે. કર્મયોગ ગુહ્યજ્ઞાન છે. જ્ઞાનયોગ ગુહ્યતર જ્ઞાન છે અને આ ભક્તિ વિષયક જ્ઞાન ગુહ્યતમ જ્ઞાન છે. આ ભગવાનની ભક્તિગર્ભિત નિષ્કામ કર્મયોગમાં અંતર્ગત કર્મવિભાગ, અંતર્ગત જ્ઞાન, અર્તગત ભક્તિ વિષયક હોય તેવું સમગ્ર ગીતાનું તાત્પર્ય નિર્ણય જોતાં જણાય છે. કારણ કે સમગ્રપણે ગીતામાં કર્મયોગનો મહિમા ગાયો છે. જ્યાં જ્ઞાનનો મહિમા ગાયો છે અને ભક્તિ-ઉપાસનાનો મહિમા ગાયો છે ત્યાં પણ તાત્પર્ય તપાસતાં કર્મયોગાન્તર્ગત જ્ઞાનયોગ અને તદન્તર્ગત ભક્તિયોગનો અતિ મહિમા ગાવામાં આવ્યો છે. આવો વિવેક કરવાની સાધકને જરૂર પડે છે. આ અધ્યાયમાં મહિમાથી પરિશોધિત ભજન, કીર્તન, નમસ્કાર વગેરેને જ ભક્તિરૂપ ઉપાસના ગણવામાં આવી છે. અર્થાત્‌એવી પરિશુદ્ધ ભક્તિથી ઉપાસના અલગ નથી હોઈ શકતી. સામાન્ય ભક્તિથી ઉપાસના અલગ હોઈ શકે છે તેમજ અંતર્ગત પૂર્ણ ભક્તિસભર જ્ઞાનથી ઉપાસના અલગ હોઈ શકતી નથી. સામાન્ય જ્ઞાનને ઉપાસના કક્ષામાં લઈ શકાતું નથી. આવા અહીં ભક્તિ કે ભક્તિના વિશેષોને વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવામાં આવ્યું છે. વિશુદ્ધ ભક્તિસ્વરૂપ વિષય જ્ઞાનને અહીં જ્ઞાન તરીકે કહેવામાં આવ્યું છે. જ્યારે ઈતર વિલક્ષણતાઓ વિશેષતાઓને વિજ્ઞાન કહેવામાં આવ્યું છે.

આ જ વિષયમાં સાતમાં અધ્યાયમાં પરમાત્માના સ્વરૂપ વિષયક જ્ઞાનને જ્ઞાન તરીકે બતાવીને, નિરૂપિત સ્વરૂપ ધર્મ વિશેષોને વિજ્ઞાન બતાવીને વિજ્ઞાન સહિત જ્ઞાન બતાવ્યું છે. એટલે સાતમાં અધ્યાય કરતાં નવમાં અધ્યાયનો ભેદ વિશેષ છે. અહીં જે જ્ઞાન વિજ્ઞાન બતાવી રહ્યા છે,તે ભક્તિરૂપ ઉપાસનાનું સ્વરૂપનું જાણવાને જ્ઞાન અને ભક્તિરૂપ ઉપાસનાગત વિશેષોને જાણવાને વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. ઉપાસનાગત વિશેષોનું તાત્પર્ય છે, ઉપાસનાના પ્રકારો અને ઈતર વિલક્ષણતાઓ. તેમાં અર્જુનને ભગવાનને વિષે અનસૂયા છે. અતિ નિદરેષ બુદ્ધિ છે. સામાના ગુણોમાં પણ દોષ આવિષ્કરણ, ચિત્તની વૃત્તિવિશેષને અસૂયા કહેવાય છે. તેનાથી ઊલટું તેના ગુણોને વિષે ગુણ નિશ્ચય થવો તે અનસૂયા છે. ગુણી પુરુષના ગુણોને વિષે ગુણ નિશ્ચય થવો તે સાધકોને માટે પણ ઘણો જ દુર્લભ ગુણ કહેવાય છે. તે અર્જુનને વિષે રહ્યો છે. માટે ભગવાન તેને કહે છે હું તને સમગ્રપણે, સ્પષ્ટપણે છતાં બિનજરૂરી વિસ્તાર વિના કહીશ. જેનું અનુષ્ઠાન કરવાથી તું સમગ્ર અશુભથી અર્થાત્‌ભક્તિ વિરોધી સમગ્ર બાબતોથી અર્થાત્‌ભગવાનની પ્રાપ્તિ વિરોધી સમગ્ર બાબતોથી તું મુકાઈ જઈશ. इदं શબ્દથી ભગવાનની બુદ્ધિમાં રહેલી વસ્તુને પ્રત્યક્ષ પણે નિર્દેશ કરીને જ કહેવાનું છે. તેને બતાવીને કહે છે. ‘तु’ શબ્દથી સાતમાં અધ્યાયમાં બાકી રહેલું છે, તે બતાવવા કહી રહ્યા છે. ज्ञानं विज्ञानसहितम्‌ કહેવાનો આશય એ છે કે ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ ઓળખવું જ્ઞાન છે પણ તેના સિવાય ભગવાનને પામવાનો અન્ય ઉપાય છે જ નહિ,એવું જ્ઞાન થવું અર્થાત્‌મનાઈ જવું, તે વિજ્ઞાન છે. ભક્તિની ઈતર ઉપાયોથી વિલક્ષણતા જાણવી તે વિજ્ઞાન છે. તેના પ્રકાર વિશેષોને સારી રીતે જાણવા તે વિજ્ઞાન છે. જે ભગવાને સમયે સમયે આ અધ્યાયમાં બતાવ્યું છે.

राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम्‌।

प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्‌।।२।।

અર્થઃ આ જ્ઞાન સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે. સર્વ રહસ્યોમાં પરમ રહસ્યરૂપ છે. પવિત્ર, ઉત્તમ, પ્રત્યક્ષપણે સમજાય એવું, સુખેથી સાધી શકાય, નાશ ન પામે એવું અને ધર્મે યુક્ત છે. ।।૨।।

राजविद्या राजगुह्यं-આ વિજ્ઞાન સહિત જ્ઞાન, તમામ વિદ્યાઓનો રાજા છે. તમામ ગોપનીય વિદ્યાઓનો પણ રાજા છે. ‘વિદ્યાના રાજા, ગુહ્યાના રાજા’ એવો અર્થ અહીં લેવાનો છે, પણ રાજાઓની વિદ્યા એવો નહિ. કારણ કે એવો અર્થ લઈએ તો પછી બ્રાહ્મણ આદિકનો તેના પર અધિકાર ચાલ્યો જશે. કારણ કે ‘विशेष विधि: शेष निषेधं गमयति’એવો ન્યાય હોય છે. અર્થાત્‌સામાન્ય પ્રકરણમાં કોઈ વિશેષ વિધિ આવે તો સામાન્યનો નિષેધ કરીને તે આવે છે. તેમ તમામ માટેનો અધિકાર આ વિદ્યામાં હોઈને‘राज्ञां विद्या’ અર્થ લઈએ તો બીજાઓનો નિષેધ કહેવાયો, એવું આપોઆપ સૂચવાઈ જાય છે. માટે વિદ્યાઓમાં રાજા છે. સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે. તેમ છતાં રાજાઓની વિદ્યા કહેવું હોય તો આવા ભાવમાં કહી પણ શકાય કે, રાજાઓના મન અતિ મોટા અને અતિ અગાધ હોય છે. જેમ કે મહારાજ દિલીપને વિષે કહેવાયું છે કે भीमकान्तै: नृपगुणैर्स बभूवोपजिवीनाम्‌। अधृष्यश्च अगम्यश्च यादो रत्नैरिवार्णव।। (रघुवंश)         દિલીપ રાજાનું ચરિત્ર સમુદ્ર જેવું વિશાળ અને અગાધ ઊંડું હતું. તેઓના વિશિષ્ટ સ્થાનથી તેઓના દિલ પણ તેવી સ્થિતિ પામ્યા હોય છે. તેથી તેઓ મહામનાપણાને પામ્યા હોય છે અને આ મહામના મોટા પુરુષોની વિદ્યા છે. જેવા તેવા પાત્રમાં પાચન થતી નથી. તેથી તો ભગવાને પ્રથમ બતાવ્યું છે કે આ વિદ્યા મેં વિવસ્વાનને કહી હતી. વિવસ્વાને મનુ મહારાજને કહી. મનુ મહારાજે ઈક્ષ્વાકુને કહી. એવી રીતે જનક જેવા રાજર્ષિઓ સુધી આ વિદ્યા પ્રવર્તી હતી. માટે ‘राज्ञां विद्या’ કહીએ તો પણ ગૌરવવંતી જ આ વિદ્યા છે અને તેવા મહામના હોય તે જ આ વિદ્યાનું પાચન કરી શકે છે અને ગોપન કરી શકે છે. સંસારમાં રહસ્યની જેટલી વાતો છે, તે બધી વાતોમાં આ રાજા છે. આનાથી મોટી રહસ્યની બીજી કોઈ વાત નથી.

જેમ આગળના શ્લોકમાં કહ્યું છે કે સાતમાં અધ્યાયમાં પણ વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવામાં આવ્યું છે અને આ નવમા અધ્યાયમાં પણ વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવામાં આવ્યું છે; પરંતુ ત્યાં ભગવાન સંબંધી જ્ઞાન અને વિશેષ જ્ઞાન કહેવામાં આવ્યું છે. જ્યારે નવમા અધ્યાયમાં અહીં ભગવાનની પ્રાપ્તિના ઉપાયરૂપ-ભક્તિ સંબંધી જ્ઞાન અને વિશેષ જ્ઞાન-વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. તેમાં ભગવાને તે જ્ઞાનને ‘राजविद्या’ કે ‘राजगुह्य’ એવા વિશેષણો નથી આપ્યા. તેમનો ફલાદેશ ‘મને સમગ્રપણે જાણી લેશે’ જે એક પડકારરૂપ છે, તેવો બતાવ્યો છે. દુર્લભતા પણ બતાવી છે, કે ‘मनुष्याणां सहस्रेषु…’ છતાં અહીં તો બતાવ્યું કે, બધી વિદ્યાઓનો રાજા અને બધી વિદ્યાઓમાં અતિ રહસ્યરૂપ છે. તાત્પર્યએ છે કે પરમાત્માના જ્ઞાન કરતાં પણ તેની પ્રાપ્તિના માર્ગરૂપ સાધનનું નિશ્ચિત અને વિશદજ્ઞાન થવું વધારે મહત્ત્વનું છે. કારણ કે ભગવાનનું જ્ઞાન થયું પણ તેને ભગવાનને પામવાનો માર્ગ ન જડયો અથવા ન પકડી શકયો તો ભગવાનનું જ્ઞાન થયાનો વિશેષ અર્થ રહેશે નહિ. ભગવાનને પામવાનો નિશ્ચિત માર્ગ જેના હાથમાં દૃઢપણે આવી ગયો તેને ભગવાનનું જ્ઞાન ન હોવાની પણ ઝાઝી ચિંતા નથી. ભગવાન તેને અંતકાળે પણ પોતાનું જ્ઞાન આપીને પોતાની પાસે લઈ જાય છે. જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે પણ મુક્તિ આપે છે. એમ કહો કે પોતાનું જ્ઞાન પણ પોતે આપી દે છે. કારણ કે જ્ઞાનનું ફળ મુક્તિ છે. જ્યારે મુક્તિ આપી તેનો અર્થ જ્ઞાનપણ આપી દીધું છે પણ પોતાની ભક્તિ આપી દેતા નથી. માટે તે રહસ્યોનું પણ રહસ્ય છે. માટે ભગવાને પોતાના જ્ઞાન કરતાં પણ પોતાને પામવાના માર્ગનું જ્ઞાન, એક ભક્તિનું, વધારે મહત્ત્વ બતાવ્યું અથવા ભક્તોનું વધારે મહત્ત્વ બતાવ્યું છે.

पवित्रमिदमुत्तमम्‌ ઉત્તમનો અર્થ છે સર્વશ્રેષ્ઠ. જો કે રાજવિદ્યા અર્થાત્‌વિદ્યાઓનો રાજાનું તાત્પર્ય તો શ્રેષ્ઠતા અર્થને જ કહેનારું થાય છે; પરંતુ અનેક પ્રકારે શ્રેષ્ઠતા બતાવવાનું તાત્પર્ય એ છે કે આ જ્ઞાન ઉપાય વિરોધીનું નિવર્તન કરનારું છે. ઉપાયવિરોધી નિવર્તન કરીને પ્રાપ્તિ વિરોધી નિવર્તન કરનારું છે. પ્રાપ્તિ વિરોધી નિવર્તનમાં પણ અશેષપણે કલ્મશને દૂર કરનારું છે. તેવું બતાવવા ઉત્તમ વિશેષિત પવિત્ર શબ્દ વાપર્યો છે. પવિત્ર કરનારી વિદ્યાઓમાં પણ આ આખરી વિદ્યા છે. अपि चेत्‌ सुदुराचारो… (૯/૩૦-૩૧) દુરાચારીમાં પણ દુરાચારી આ વિદ્યાથી બહુ જ જલદી ધર્માત્મા બની જાય છે. અર્થાત્‌પવિત્ર બની જાય છે. શાશ્વત શાંતિને પ્રાપ્ત કરી લે છે અને મારા તુલ્ય ઉત્તમ પણ બની જાય છે.

ધારાવૃત્તિ રાખે તે ઉપાસનાનો વિષય ગણાશે અને પોતાના વિષયમાં પોતાને ત્રણ દેહ, અવસ્થા, ગુણથી પર અક્ષરબ્રહ્મ સ્વરૂપ માને અને છતા પોતાને પરમાત્માનો સનાતન, નિત્ય-નિષ્કંચન સેવક માને. દાસનો પણ દાસ માને. આ પોતાના વિષયક ઉપાસનાનો અભિપ્રાય છે) તેથી આ બધાનું સંકલિત ફળ એ આવ્યું કે ભક્તિ અને ઉપાસનાને જોડનાર સેતુ બનશે પરમાત્માને વિશે ‘એ… આ અને આ… એ’ ની માન્યતા. ભક્તિ પ્રત્યક્ષ પરમાત્મા મનુષ્યાકાર નહિ હોય તો તે શક્ય રહેશે નહિ. એવું તમામ શાસ્ત્રોનો અભિપ્રાય રહે છે;(કદાચ મનુષ્યાકાર ન હોય તો મૂર્તિ રૂપે પણ પ્રત્યક્ષ હોવા જરૂરી છે.) પરંતુ તેમાં ‘એ… આ’ની ભાવના નહિ રહે તો ભક્તિમાં તો દિવ્યતા પ્રગટશે નહિ ને જેમ માતૃભક્તિ, પિતૃભક્તિ, દેશભક્તિની જેવી પ્રાકૃત ભક્તિ જ બની રહેશે. તેમાંથી પ્રાકૃતતા (લૌકિકતા કે માયિકતા) કોઈ પ્રકારે દૂર થશે નહિ માટે ભક્તિમાં પ્રત્યક્ષભાવ રાખવા છતાં ‘એ… આ…’ વસ્તુ ભુલાવી ન જોઈએ ‘એ… અર્થાત્‌તમામ માયાથી પર અક્ષરધામમાં જે સ્વરાટ સ્વરૂપ બિરાજે છે, તે આ છે.’ એ બન્ને ભાવો જ્યાં સુધી સંમિલિત નહિ થાય ત્યાં સુધી તમામ માયિકભાવને મૂકાવીને પરમાત્માના ધામમાં પહોંચાડે તેવી ભક્તિ નહિ રહે અને ઉપાસનામાં ‘આ… એ’ ભાવના રહેવી જરૂરી રહેશે કેવળ ‘એ…’ ને પ્રાકૃત બુદ્ધિથી અર્થાત્‌કોઈપણ દેહધારીની બુદ્ધિથી તે પકડાશે નહિ તો સ્મૃતિ સંતાન કોનું રાખશે? માટે તે સ્મૃતિ સંતાન તો મનુષ્યાકાર પરમાત્માનું જ કરવાનું છે પણ તે માયાપાર અક્ષરધામમાં જે સ્વરૂપ છે તે જ આ છે. તેનું સ્મૃતિ સંતાન કરું છું. તેવું કરવું જરૂરી રહેશે. એમ જો નહિ કરે તો ‘એ…’ સ્વરૂપ બુદ્ધિમાં આવનારું જ નથી માટે ઉપાસના ખાલી કલ્પનાનો જ વિષય રહી જશે પણ, જન્મમરણ મિટાવીને અક્ષરતુલ્ય ભાવને પમાડનારો નહિ બની રહે.

प्रत्यक्षावगमम्‌-આ વિજ્ઞાન સહિત જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન તુલ્ય છે. अवगम्यते इति अवगम: विषय:। प्रत्यक्षभूतोऽवगम: विषयक: यस्य ज्ञानस्य तत्‌ प्रत्यक्षावगमम्‌। अप्रत्यक्ष प्रत्यक्ष संपद्यमान: (क्रियते) येन स: प्रत्यक्षभूत:। આ અધ્યાયમાં જે વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવાના છે અર્થાત્‌ભક્તિસ્વરૂપા-ઉપાસનાથી ઉપાસ્યમાન થતો હું તત્કાળ ઉપાસકને પ્રત્યક્ષ-દૃષ્ટિગોચર થાઉં છું. કોઈને એમાં શંકા થાય કે ननु इदं अयुक्तम्‌ उपासनस्य स्मृति सन्तति रू पत्वात्‌, उपास्यस्य च अप्रत्यक्षत्वश्रुते:। ઉપાસના તો સ્મૃતિ સંતાન સ્વરૂપ હોંય છે. સ્મૃતિ હંમેશાં પરોક્ષ વિષયની, અપ્રત્યક્ષ વિષયની જ હોય છે. તેથી ઉપાસના પરોક્ષ વિષયની જ કરવામાં આવે છે. અર્થાત્‌ઉપાસનાનો વિષય એવા ઉપાસ્ય પરોક્ષ જ હોવા જોઈએ. (પ્રત્યક્ષ નહિ હોવા જોઈએ) એવું શ્રુતિઓમાં જણાવ્યું છે. ભક્તિ છે તે ધ્યાન, ભજન, કીર્તન પ્રમાણ દર્શનાદિરૂપ હોવાથી તે પ્રત્યક્ષ સ્વરૂપની જ થઈ શકે છે. તેમાં ભજનીયનું અપ્રત્યક્ષપણું ચાલતું નથી. ત્યારે જ ભક્તિ સિદ્ધ થાય છે. તેનું સમાધાન આચાર્ય (રામા.) એવું આપે છે કે ભગવાનનું કહેવાનું તાત્પર્ય ભક્તિરૂપ ઉપાસનાથી ઉપાસ્ય થતો હું (પરમાત્મા) અર્થાત્‌ભક્તિ અને ઉપાસનાની એકતા કરીને ભક્તિ કરવામાં આવે છે, એવું આ જ્ઞાન છે. અહીં એ પણ સ્પષ્ટ થાય છે કે ભક્તિ અને ઉપાસનામાં ખાસ કરીને શાસ્ત્રમાં બતાવેલો ભેદ શો છે ! તો તેની ઉપર સ્પષ્ટતા બતાવી.

શ્રીજી મહારાજ પણ વચ.ગ.પ્ર.પ્ર.૪૦માં એ જ વસ્તુ બતાવે છે-મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે, ‘હે મહારાજ ભક્તિમાં અને ઉપાસનામાં તે શો ભેદ છે?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ‘श्रवणं कीर्तनं…’ એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ અને ઉપાસના તો તેને કહીએ જે, ભગવાનના સ્વરૂપને (પરોક્ષ-અક્ષરધામસ્થ સ્વરૂપને) વિષે સદા સાકારપણાની દૃઢ નિષ્ઠા હોય (ત્યારે જ સ્મૃતિ સંતાન શકય બને છે. નિરાકાર-વ્યક્તિત્વ શૂન્ય પદાર્થનું સ્મૃતિ સંતાન શકય નહિ બને) ને પોતે જે ભજનના કરનારો બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા (તેમ કરવાની રુચિ કે લાલસા, આંતર ઈરાદો) જાય જ નહિ અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે(પોતાની નિષ્ઠા-રુચિ કે આંતર ઈરાદાને ફરવા જ ન દે) અને શાસ્ત્ર વિષે ગમે તેવી(શ્રુતિઓ દ્વારા પણ નિરાકાર પ્રતિપાદનની) વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદનનું ખંડન થવા દે જ નહિ. એવી રીતે જેની દૃઢ સમજણ હોય, તેને ઉપાસનાવાળો કહીએ.(પ્ર.૪૦) પરમાત્માનું સાકાર વ્યક્તિત્વ માનીને સ્મૃતિ સંતાન તૈલધારાવૃત્તિનું તથા પોતાને વિષે સ્વામીસેવક ભાવનું ખંડન થવા દે જ નહિ અર્થાત્‌ઉપાસનામાં આંતર વિષય બે વિભાગ કરી શકાય છે (૧) પરમાત્મા વિષયક-ઉપાસકની પોતાને વિષેની માન્યતા-નિર્ણય કે અધ્યવસાય તેમાં પણ પરમાત્માના સ્વરૂપને સર્વ કારણનું કારણ અને અવતારનું અવતારી માનીને મૂર્ત વ્યક્તિત્વ-સાકાર-મનુષ્યકાર-દિવ્યમૂર્તિ માને અને તેની સ્મૃતિ સંતાન-તેલ ધારાવૃત્તિ રાખે તે ઉપાસનાનો વિષય ગણાશે અને પોતાના વિષયમાં પોતાને ત્રણ દેહ, અવસ્થા, ગુણથી પર અક્ષરબ્રહ્મ સ્વરૂપ માને અને છતા પોતાને પરમાત્માનો સનાતન, નિત્ય-નિષ્કંચન સેવક માને. દાસનો પણ દાસ માને. આ પોતાના વિષયક ઉપાસનાનો અભિપ્રાય છે) તેથી આ બધાનું સંકલિત ફળ એ આવ્યું કે ભક્તિ અને ઉપાસનાને જોડનાર સેતુ બનશે પરમાત્માને વિશે ‘એ… આ અને આ… એ’ ની માન્યતા. ભક્તિ પ્રત્યક્ષ પરમાત્મા મનુષ્યાકાર નહિ હોય તો તે શક્ય રહેશે નહિ. એવું તમામ શાસ્ત્રોનો અભિપ્રાય રહે છે;(કદાચ મનુષ્યાકાર ન હોય તો મૂર્તિ રૂપે પણ પ્રત્યક્ષ હોવા જરૂરી છે.) પરંતુ તેમાં ‘એ… આ’ની ભાવના નહિ રહે તો ભક્તિમાં તો દિવ્યતા પ્રગટશે નહિ ને જેમ માતૃભક્તિ, પિતૃભક્તિ, દેશભક્તિની જેવી પ્રાકૃત ભક્તિ જ બની રહેશે. તેમાંથી પ્રાકૃતતા (લૌકિકતા કે માયિકતા) કોઈ પ્રકારે દૂર થશે નહિ માટે ભક્તિમાં પ્રત્યક્ષભાવ રાખવા છતાં ‘એ… આ…’ વસ્તુ ભુલાવી ન જોઈએ ‘એ… અર્થાત્‌તમામ માયાથી પર અક્ષરધામમાં જે સ્વરાટ સ્વરૂપ બિરાજે છે, તે આ છે.’ એ બન્ને ભાવો જ્યાં સુધી સંમિલિત નહિ થાય ત્યાં સુધી તમામ માયિકભાવને મૂકાવીને પરમાત્માના ધામમાં પહોંચાડે તેવી ભક્તિ નહિ રહે અને ઉપાસનામાં ‘આ… એ’ ભાવના રહેવી જરૂરી રહેશે કેવળ ‘એ…’ ને પ્રાકૃત બુદ્ધિથી અર્થાત્‌કોઈપણ દેહધારીની બુદ્ધિથી તે પકડાશે નહિ તો સ્મૃતિ સંતાન કોનું રાખશે? માટે તે સ્મૃતિ સંતાન તો મનુષ્યાકાર પરમાત્માનું જ કરવાનું છે પણ તે માયાપાર અક્ષરધામમાં જે સ્વરૂપ છે તે જ આ છે. તેનું સ્મૃતિ સંતાન કરું છું. તેવું કરવું જરૂરી રહેશે. એમ જો નહિ કરે તો ‘એ…’ સ્વરૂપ બુદ્ધિમાં આવનારું જ નથી માટે ઉપાસના ખાલી કલ્પનાનો જ વિષય રહી જશે પણ, જન્મમરણ મિટાવીને અક્ષરતુલ્ય ભાવને પમાડનારો નહિ બની રહે.

 धर्म्यम्‌-धर्मात्‌ अनपेतम्‌ આવું ભક્તિ અને ઉપાસનાના સારરૂપ છે, છતાં ધર્મથી રહિત નથી. સાધનભાવથી રહિત નથી. ‘धर्मत्वं हि: निश्रेयससाधनत्वम्‌’ ધર્મ અર્થાત્‌પરમ કલ્યાણનું સાધનરૂપ થનારું કર્તવ્ય, તેને ધર્મ કહેવાય છે. ‘डूधाय्‌-धारणपोषणयो:’ પ્રીતિ પર્યાય ધૃતિ (ધારણ કરવું) વાચક ધાતુથી કરણભાવમાં ધર્મશબ્દ બન્યો છે. અર્થાત્‌કેવળ શુદ્ધ ભાવે ધારણ કરવું, એવો અર્થ નથી. સાથે પોષણ કરવું એવો પણ ભાવ છે. માટે જ્યાં ધારણ-પોષણ બન્ને હોય(માતાની જેમ) ત્યાં વાત્સલ્ય આપોઆપ આવી રહે છે. માટે કહે છે. ‘પ્રીતિ પર્યાય ધૃતિ શબ્દ’ માટે ભક્તિમાં પ્રેમપૂર્વક કલ્યાણનું સાધનત્વ પણ આવી જાય છે. માટે આ ભક્તિના સ્વરૂપનું જ્ઞાન સ્વયં કલ્યાણકારી હોય ને નિરતિશય કલ્યાણ સ્વરૂપ એવા મારું આત્યંતિક પ્રાપ્તિ સાધનરૂપ પણ છે. તેથી ભક્તોના જેટલા લક્ષણો છે, ભગવતપ્રાપ્તિનાં જેટલાં સાધનો છે તે વર્ણવીને ભગવાને તેનું આ ‘ધર્મ્યામૃત’ રાખ્યું છે. (ગી. ૧૨/૨૦) અર્થાત્‌તે બધા ગુણો ભગવાનની પ્રાપ્તિ કરાવવામાં સાધનરૂપ અને પ્રાપ્યપણે બની રહેતા હોવાથી સાધન અને અમૃતરૂપ છે.

कर्तुं सुसुखम्‌ આચરણ કરવામાં ખૂબ જ સુગમ છે. અર્થાત્‌કરવામાં સહજપણે રુચિકારક-પ્રીતિ ઉપજાવનારું છે. ભક્તિ સ્વંય પ્રીતિરૂપા છે અને અનુષ્ઠાન કરનારાના હૃદયમાં પણ વધારે પ્રીતિ અને આહ્‌લાદ ઉત્પન્ન કરનારી છે. પત્ર, પુષ્પ, ફળ, જળ ભગવાનના માનીને તેને અર્પણ કરવા તે કેટલું બધું સુગમ ગણાય? (ગી. ૯/૨૬) કોઈપણ ચીજોને ભગવાનની માનીને ભગવાનને અર્પણ કરવાથી ભગવાન તેને અનંતગણું કરીને આપે છે. જેમ કે દ્રૌપદી, સુદામા વગેરેને ભગવાને આપ્યું. જે વસ્તુને ભગવાનની જ માનીને ભગવાનને અર્પણ કરી દેવામાં આવે તો ભગવાન પોતાની જાતને જ આપી દે છે. એમાં પરિશ્રમ શું કરવો પડયો? ખાલી પોતાની ભૂલ સુધારવાની, દૂર કરવાની છે.

अव्ययम्‌ બીજાં તમામ કર્મોનું ફળ વિનાશી હોય છે. આ ભક્તિ તો અતિ સરળ રીતે કરી શકાય તેવી હોવા છતાં તેનું ફળ કયારેય પણ નાશ પામતું નથી. સદા અવિનાશી રહે છે. ભક્તિ જો કે નાશ નથી પામતી તો પણ તેનાથી પણ વિશેષ કે અતિશય બતાવવા અહીં ભગવાને અક્ષય શબ્દ વાપર્યો છે. અર્થાત્‌મારી પ્રાપ્તિ કરાવીને પણ નાશ કે ક્ષીણ થતું નથી. તો પછી તેનાથી અધિક શું સાધવાનું હોઈ શકે? કાંઈ પણ નહિ.

अश्रद्धाना: पुरुषा धर्मस्यास्य परंतप।

अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि।।३।।

અર્થઃ હે પરન્તપ ! આ જ્ઞાનરૂપ ધર્મમાં શ્રદ્ધા નહિ રાખનારા પુરુષો, મને નહિ પામતા મૃત્યુની પરંપરાથી ભરેલા સંસાર-માર્ગમાં પાછા ફરે છે. ।।૩।।

अश्रद्धाना: पुरुषा: પ્રથમ અને બીજા શ્લોકમાં જેનો અતિશય મહિમા બતાવ્યો છે એવા આ ભક્તિરૂપ ઉપાસના ધર્મને વિષે-ઉપાયને વિષે જે શ્રદ્ધા રહિત છે એવા મનુષ્યો. પ્રથમ બે શ્લોકમાં ભગવાને વિજ્ઞાને સહિત જ્ઞાન જેને બતાવ્યું છે તથા જેને આઠ વિશેષણો આપીને જેનો મોટો મહિમા બતાવ્યો છે. એમાં શ્રદ્ધા ન રાખવાવાળા અને નાશવંત પદાર્થોને જ સાચા માનીને તેમાં જ રચ્યાપચ્યા રહેવાવાળા મનુષ્યોને અહીં अश्रद्धाना: કહેવામાં આવ્યા છે. જગતને નાશવંત દેખે છે, દેહથી પોતાના આત્માને જુદો સમજે છે અને ભગવાનને સર્વસુખના સારરૂપ માને છે તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું મટતું નથી અને જીવનમાં ભગવાનનું પ્રધાનપણું આવતું નથી. એ મહત્‌આશ્ચર્યની વાત છે. એવું શ્રીજી મહારાજે પણ વચ.ગ.અંત્ય. પ્ર.૨માં કહ્યું છે. એવાને અહીં અશ્રદ્ધધાના શબ્દથી બતાવ્યા છે.

अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ખરેખર તો મને પ્રાપ્ત કરવાનો તેમને ખરો સમય આવ્યો છે. नृदेहमाद्यं सुलभं सुदुर्लभं प्लवं सुकल्पं गुरुकर्णधारं । मयानुकूलेन नभस्वतेरितं पुमान्‌ भवाष्धिं न तरेत्‌ स आत्महा।। ભગવાનને આશ્ચર્ય થાય છે કે મારી પ્રાપ્તિ માટે મેં તેમને આટલી બધી સામગ્રી આપી છે, તેનો અનાદર કરીને, તેનો દુરુઉપયોગ કરીને, અતિ સુલભ એવા મને અવગણના કરીને મૃત્યુરૂપ સંસારમાં વારંવાર નિમગ્ન થાય છે. જ્યાં વારંવાર મરવાનું જ છે. મરવા સિવાય કશી વાત જ નથી. અહીં નિવર્તન્તેનો અર્થ ‘નિતરાં વર્તતે’ એવો લેવાનો છે પણ પાછાં ફરે છે એવો લેવાની જરૂર નથી. તે જે જે યોનિઓમાં જાય છે, ત્યાં ત્યાં પોતાની કાયમી સ્થિતિ માનીને ચોટી રહેવા મથે છે પણ ત્યાંથી મરીને તેને જબરજસ્તી બીજે ચાલવું પડે છે. કોઈપણ યોનિમાં તેનો સંબંધ ટકી શકતો નથી. તેમજ કોઈ પણ સ્થળ, કાળ, વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ, ઘટના જે કાંઈ મળે, અનુકૂળ મળે તો તુરત જીવ ત્યાં રાગથી ચિપકી જઈને કાયમી રહેવાની મથામણ કરવા લાગી જાય છે; પરંતુ કાળ ત્યાંથી તેને એક જ થપાટથી ઊખેડીને કયાંયનો કયાંય ફેંકી દે છે. છતાં ત્યાં પણ આ જીવ એવું જ કરવા લાગી જાય છે. બ્રહ્માનંદ સ્વામીએ જેનું યથાર્થ વર્ણન ‘કાલ બડો…’ તથા ‘યું મિલ ચારે વેદ બતાવે… ’ કીર્તનમાં કર્યું છે.

આ મનુષ્ય શરીર કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યું છે. ભગવાને કૃપા કરીને તમામ કર્મફળો (કે જેઓ સત્‌અસત્‌યોનિમાં કારણરૂપ છે) ને સ્થગિત કરીને વચમાં જ જીવને મુક્તિનો-પોતાને પામવા માટેનો અવસર આપ્યો છે. એવી તકને પામીને પણ જે જીવ કાળના મોઢા સ્વરૂપ આ સંસારમાં હોમાય છે, તે જોઈને ભગવાનને અતિ આશ્ચર્ય અને પશ્ચાતાપ પણ થાય છે. મેં તેમને જન્મ-મરણથી છૂટીને મને પામવા માટેની પૂર્ણ સામગ્રી તથા અવસર મારી કેવળ કરુણાથી આપ્યો છે, તોય જીવ પોતાની કેવળ અવળાઈ વડે જ મૃત્યુરૂપી સંસારમાં પડી રહ્યો છે. કેવળ સાધારણ મનુષ્યોને માટે જ નહિ પણ આસુરી યોનિમાં પડેલા જીવો માટે પણ ભગવાનને પશ્ચાતાપ અને ગ્લાનિ થાય છે કે મને પ્રાપ્ત કરવાના અવસરમાં પણ મને પ્રાપ્ત કર્યા વિના જ તેઓ અધમ ગતિમાં જઈ રહ્યા છે. ‘मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम्‌ (१६/२०)

अप्राप्य माम्‌’ કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય માત્રને ભગવાને કેવળ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી, કૃપાથી ભગવત્પ્રાપ્તિનો અધિકાર આપ્યો છે. આસુરી પ્રકૃતિવાળાને પણ તે અવસર ભગવાને આપી દીધો છે.

એક શહેર હતું તેની ચારે તરફ ઊંચી દીવાલ બનેલો કોટ હતો. શહેરમાંથી બહાર નીકળવાને માટે એક જ દરવાજો હતો. એક સૂરદાસ શહેરથી બહાર નીકળવા ઈચ્છતો હતો. તે એક હાથથી લાકડીનો સહારો અને બીજા હાથે દીવાલનો સહારો લઈને ચાલી રહ્યો હતો. ચાલતાં ચાલતાં જ્યારે બહાર જવાનો દરવાજો આવ્યો ત્યારે તેને ખંજવાળ આવી. તે એક હાથથી ખંજવાળતો ને બીજા હાથથી લાકડીના સહારે ચાલતો જ રહ્યો. ત્યારે દરવાજો તો નીકળી ગયો ને તેનો હાથ ફરીથી દીવાલને લાગી ગયો. આવી રીતે ચાલતાં ચાલતાં જ્યારે દરવાજો આવતો ત્યારે ખંજવાળ આવી જતી. ખંજવાળવા માટે એ હાથ માથા પર લગાડતો તે દરમિયાન દરવાજો નીકળી જતો. આ રીતે તે ચક્કર મારતો રહેતો. એવી જ રીતે આ જીવ અંધ, અજ્ઞાની છે. તેને વિષય ભોગવવાની ખંજવાળ લાગી છે. મનુષ્ય દેહ છૂટવાનો દરવાજો છે; પરંતુ વિષયથી નવરો નથી થતો ને ફરતો ફરતો મરી જાય છે ને પાછો તે જ ચક્કરમાં આવી જાય છે. આને જ મૃત્યુરૂપ સંસારસાગર કહ્યો છે.

मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना।

मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थित:।।४।।

न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम्‌।

भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावन:।।५।।

અર્થઃ અવ્યક્ત-ઈન્દ્રિયોને અગોચર દિવ્યમૂર્તિ એવા મેંજ આ સઘળું જગત્‌વિસ્તારેલું છે, અથવા વ્યાપેલું છે. માટે જ સર્વ ભૂતો મારામાં-મારે આધારે રહેલાં છે. પણ હું તેમાં-તેમને આધારે રહેલો નથી. ।।૪।। વળી-એ સર્વ ભૂતો મારામાં નથી રહેલા એવું પણ મારું ઈશ્વર ભાવને સૂચવનારું યોગ-સામર્થ્ય છે, તેને તું જો-સમજ ? અને સર્વ ભૂતની વૃદ્ધિ-પોષણ કરનારો મારો આત્મા-સ્વરૂપ સર્વ ભૂતનું ભરણ-પોષણ કરે છે, તો પણ તે તેમાં રહેલો નથી. ન્યારોજ છે. ।।૫।।

मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना। બે શ્લોકમાં સાધન મહિમા-ભક્તિનો મહિમા બતાવ્યો. હવે ભક્તિથી જે પરમાત્માને પ્રાપ્ત કરવાના છે, તેનો મહિમા બતાવી રહ્યા છે. જેનાથી ભક્તિના મહિમાની વધારે દૃઢતા થાય.

આ ચેતનાત્મક સમગ્ર જગત અપ્રકાશિત એવા મારા અંતર્યામી સ્વરૂપથી આ જગતને ધારણ કરવા માટે, અને નિયમન કરવા માટે, શેષીપણે-માલિકભાવથી વ્યાપીને રહ્યો છું. મન, બુદ્ધિ, ઈન્દ્રિયોથી જે સ્વરૂપનું જ્ઞાન થાય છે તે ભગવાનનું વ્યક્‌ત સ્વરૂપ છે અને જે મન, બુદ્ધિ ઈન્દ્રિયોનો વિષય નથી થઈ શકતો અર્થાત્‌મન વગેરે જેને જાણી નથી શકતા એવું અંતર્યામીપણે રહેલું ભગવાનનું સ્વરૂપ તે અવ્યકત સ્વરૂપ છે. અહીં मया શબ્દથી વ્યક્‌ત મનુષ્યાકૃતિ ધરી રહેલા સાકારસ્વરૂપ, વ્યક્‌તસ્વરૂપ બતાવી રહ્યા છે અને ‘अव्यक्तमूर्तिना’ શબ્દથી અવ્યકત સ્વરૂપ અંતર્યામી સ્વરૂપ બતાવી રહ્યા છે. ગીતામાં જીવાત્મા વિષયમાં પણ ‘येन सर्वमिदं ततम्‌’ (ગી. ૨/૧૭) કહેવાયું છે પણ તે સૂક્ષ્મપણાના અર્થમાં સ્થૂળ અને પ્રાકૃત પદાર્થોમાં વ્યાપવા સમર્થ એવા અર્થમાં વપરાયો છે. જ્યારે પરમાત્મા વિશે પણ વપરાયો છે ‘येन सर्वमिदं ततम्‌’ (ગી. ૮/૨૨) (ગી.૧૮/૪૬) તે અંતર્યામી સ્વરૂપને બતાવવા માટે બન્ને જગ્યાએ પ્રયોગ થયો છે. તે બન્નેની સાથે પોતાના વ્યકત સ્વરૂપની એકતા બતાવવા અહીં ભગવાન ‘मया ततमिदं सर्वम्‌’ શબ્દો વાપરે છે.

मत्स्थानि सर्वभूतानि તમામ ભૂતપ્રાણીમાત્ર મારે વિશે, અંતર્યામીને વિષે રહેલા છે. અર્થાત્‌મદાધીન રહેલા છે. વિશ્વરૂપ વર્ણનમાં સર્વજગત શરીરાશ્રિત બતાવ્યું છે. જ્યારે અહીં અંતર્યામી સ્વરૂપાશ્રિત બતાવ્યું છે. માટે પુનરુકિત દોષ નથી. न चाहं तेष्ववस्थित: મારી સ્થિતિ તેને આધીન નથી. અર્થાત્‌મારી સ્થિતિ રહેવામાં તેનો કોઈ ઉપકાર કે સહાય નથી. મારી સ્થિતિ તો ‘स्वे महिम्नि प्रतिष्ठित:’ મદાધીન જ છે. બીજાને આધીન નથી.

न च मत्स्थानि भूतानि-તે ભૂતો મારામાં નથી રહ્યા અર્થાત્‌ઘટ જેમ જળનો આધાર બને છે તેવી રીતે જળનો બોજવાહક ઘટ બને છે, તેમ હું તેનો ધારક નથી. ‘मूर्तं हि मूर्तान्तरं पतनप्रतिधातिना संयोगेन धारयति न तथा अत्र इति भाव:। એક મૂર્ત વસ્તુ બીજી મૂર્ત વસ્તુના પતનનો વિરોધ કરીને સંયોગ આપીને-આધાર આપીને તેને ધારી રહે છે. જેમ જળને ઘડો ધારી રહે છે તેમ, હું આ જગતનો ધારક નથી. અહીં પ્રશ્ન થાય છે કે એક બાજુ તો તમે કહો છો કે હું તેને ધારી રહ્યો છું. ‘मत्स्थानि सर्वभूतानि’ તો તેનું સમાધાન એમ છે કે હું મારા સ્વતંત્ર સંકલ્પથી તેનું અસ્તિત્વ ધારી રહ્યો છું. જેમ મૂર્તને મૂર્ત ધારી રહે તો તે સંબંધી ઘસારો લાગે અથવા શ્રમ જણાય, તેમ હું જગતને ધારી રહ્યો નથી. હું તો મારા સંકલ્પ માત્રથી એ પણ જરા માત્રથી ‘एकांशेन स्थितो जगत्‌’ ધારી રહ્યો છું. તેઓની સ્થિતિ કરી રહ્યો છું. અહીં ‘स्वेच्छाधीन धारकत्वं हि विहितम्‌’, अस्वतंत्रतया धारकत्वं तु निषिध्यते इति अविरोध: (उभयत्र) इति भाव:।

ભગવાન અહીં બે વાતનું પ્રતિપાદન કરે છે અને વળી તે જ બે વાતનો નિષેધ કરતા હોય તેવું આપાત્‌જણાય છે. (૧) હું સમગ્ર જગતમાં રહ્યો છું. मया ततमिदं सर्वम्‌ હું સર્વ જગતમાં અંતર્યામીપણે વ્યાપીને રહ્યો છું. સર્વને ધારી રહ્યો છું. તે વાતનો નિષેધ કરીને વળી કહે છે કે ‘न चाहं तेष्ववस्थितम्‌’ હું તેમાં રહ્યો નથી. તેનું તાત્પર્ય છે, મારી સ્થિતિ તેને આધીન નથી. જો મારી સ્થિતિ તેને આધીન હોત તો તેમાં જે જે પરિવર્તન થાય તે મારામાં પણ થાત. તેનો નાશ થતાંમારો નાશ થઈ જાત. તેઓનો અભાવ થતાં મારો અભાવ થઈ જાત. તેઓનું પરિવર્તન થતાં મારું પરિવર્તન થઈ જાત; પરંતુ તેવું કશું થતું નથી. હું તેઓમાં સંપૂર્ણ વ્યાપ્ત રહું તો પણ સંપૂર્ણ નિર્લિપ્ત, નિર્વિકાર પણ રહી શકું છું.

અને બીજી વાત એ કહે છે કે ‘मत्स्थानि सर्वभूतानि’         તમામ પ્રાણીઓ મારામાં રહ્યા છે. વળી તેનો નિષેધ કરીને કહે છે કે न च मत्स्थानि भूतानि અહીં मत्स्थानि નો ભાવ સ્થિતિ નિયમન કરનારો હું છું. જ્યારે न च मत्स्थानि भूतानि તાત્પર્ય ઉપર બતાવ્યું તે મુજબ છે માટે પરસ્પર વિરોધ નથી.

पश्य मे योगमैश्वरम्‌ અહીં ‘योग’ શબ્દ ‘युज्‌ संयमने’ ધાતુથી બનેલો લેવામાં આવ્યો છે. કેમ કે સઘળા સંસારનું સંયમન ભગવાન જ કરે છે. આમ તો યમરાજ પણ પ્રાણીઓના પુણ્યપાપને અનુસારે તેમનું સંયમન કરે છે; પરંતુ ભગવાન તો અનંત બ્રહ્માંડોના જીવોનું અને તેમાં નિયુક્ત કરેલા અનેક યમરાજોનું સંયમન પણ કરે છે. માટે અંતતોગત્વા તો તે તમામનું સંયમન કર્તા એક અને એક માત્ર પરમાત્મામાં જ છે અને સંયમનથી ઉત્પત્તિ સ્થિતિ પણ ઉપલક્ષિત થઈ જાય છે. આ શક્તિનું નામ જ અહીં યોગ, સામર્થી અને પ્રભાવ છે. આવો યોગ, સામર્થી અને પ્રભાવ પૂર્ણરૂપે કેવળ ભગવાનમાં જ હોય છે અને ‘एैश्वरम्‌’ નું તાત્પર્ય પણ અનન્યસાધારણત્વ પરત્વેનું છે અને ‘पश्य’ શબ્દથી આશ્ચર્ય દ્યોતિત થાય છે. पश्य ના બે અર્થો તાત્ત્વિક ગ્રંથોમાં લેવામાં આવે છે. એક તો જોવું અને બીજું જાણવું. જોવાનું નેત્રોથી થાય છે. જાણવાનું બુદ્ધિથી થાય છે. અહીં ભગવાનનો યોગ-પ્રભાવ છે માટે જાણવાની વાત આવી છે. જોવાની પણ અગિયારમા અધ્યાયના આઠમાં શ્લોકમાં ‘दिव्यं ददामि ते चक्षु: पश्य मे योगमैश्वरम्‌ (११/८) આવી છે.

भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावन: ભગવાન કહે છે, હું આ તમામ સૃષ્ટિને ધારણ કરનારો છું. અર્થાત્‌મારા સ્વતંત્ર સંકલ્પથી તે બધા ધારણ થઈ રહ્યા છે; પરંતુ મારી સ્થિતિ હોવામાં તેનો કોઈ ઉપકાર નથી. હું તે તમામ પ્રાણીઓનું પોષણ પણ કરનારો છું અને તેનું નિયમન પણ હું જ કરું છું. આ મારું અનન્ય સાધારણ ઐશ્વર્ય છે. હું તેમાં કયારેય લિપ્ત થતો નથી. તાત્પર્ય થયું કે જેવી રીતે હું બધાને ઉત્પન્ન કરતો હોઈને અને બધાનું ભરણ પોષણ કરતો હોઈને પણ તે સંબંધી અહંતા મમતાથી રહિત છું. તેની આસક્તિથી રહિત છું. તેમાં રહ્યો હોવા છતાં સદા તેમાં નિર્લેપભાવથી રહું છું. સદા તેઓનું સંરક્ષણ કરતો હોવા છતાં તેમાંથી મને કોઈ કામના નથી. એવી રીતે મનુષ્યોએ પણ રહેવું જોઈએ અથવા જે મનુષ્ય મને એવો જાણી લે છે, તે પણ સંસારથી મુક્ત થઈ રહે છે

यथाकाशस्थितो नित्यं वायु: सर्वत्रगो महान्‌।

तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय।।६।।

અર્થઃ સર્વત્ર અસ્ખલિત ગતિ કરનારો મહાન્‌વાયુ જેમ નિરન્તર આકાશમાં જ રહેલો છે. છતાં ન્યારો છે. તેજ પ્રમાણે સર્વ ભૂતો મારામાં રહેલા છે. એમ સમજ ? ।।૬।।

અહીં પોતામાં સર્વભૂતો રહ્યા છે અને પોતે તમામનું ધારણ નિયમન કરે છે. તેનું દૃષ્ટાંત આકાશમાં વાયુની સ્થિતિથી બતાવ્યું છે, તે ઠીક નથી. કારણ કે આકાશની અપેક્ષાએ ધારણ નિયમન વાયુમાં વધારે છે, તેટલું આકાશમાં નથી. કદાચ ધારણ ગણીએ તો પણ આકાશ કોઈ પદાર્થનું નિયમન કરતાં કયાંય સાંભળ્યું (શાસ્ત્રમાં કે લોકમાં) નથી. માટે તેને આવી રીતે સમજવાનું છે કે જેમ કોઈનું પણ આલંબન નહિ બની શકનારા એવા આકાશમાં મહાન એવો વાયુ રહીને સર્વત્ર ગતિ કરે છે. તે વાયુ કોઈપણ આધારવિના-નિરાલંબપણે રહ્યો છે, એમ જણાય છે પણ એમ નથી. તેનો આધાર હું છું. મારા આલંબન ઉપર તે રહ્યો છે ને ગતિ કરે છે. મારાથી નિયમન થઈ રહ્યો છે. હું જ તેમને નિરાલંબ એવા આકાશમાં ધારી રહ્યો છું. એવું તમે ધારો અને તેવી જ રીતે તમામ ભૂતો તથા પ્રાણીને મારા આધારથી ધારી રહ્યો છું. મારા સ્વતંત્ર સંકલ્પ વિશેષના બળના આધારે ધારી રહ્યો છું તથા નિયમન કરી રહ્યો છું. માટે જ્ઞાનીઓ-વેદમાં બતાવે છે.

मेधोदय: सागरसन्निवृत्तिरिन्दोर्विभाग: स्फूरितानि वायो: विद्युद्विभङ्गोे गतिरुष्णरश्मेर्विष्णो विचित्रा: प्रभवन्ति माया।। જેમ આપણને કયાંય પણ જેનું ઉપાદાન, ઉપકરણ, સંપ્રદાન દેખાતું નથી. અર્થાત્‌આકાશમાં વાદળાઓ ને શૂન્યમાંથી અચાનક ઘટાટોપ જામી જાય છે. સમગ્ર જગતને બોળી દેવા સમર્થ અને આકાશને આંબી જતા સાગરનાં મોજાંઓ કાંઠે આવતા શાંત થઈ જાય છે. શમી જાય છે. ચંદ્રની કળા દરરોજ વધે ઘટે છે, કયારેક અચાનક ઝાડવાને ઊખેડી નાખનારું, પવર્તોની શીલાઓને ખળભળાવી દેનારું વાયુનું તાંડવ ક્ષણમાં જાગી ઊઠે છે. વીજળીના કડાકા ભડકા થાય છે, નિરાલંબ એવા આકાશમાં સૂર્યની અમાપ અને નિયમિત ગતિ થાય છે. આવા બીજા અનેક ગ્રહણ, ઈન્દ્રધનુષની રચના, ધરતીકંપ વગેરે કલ્પનાતીત આશ્ચર્ય એ સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને સર્વ નિયામક એવા વિષ્ણુ પરમાત્માથી નિયમન થતા અદ્‌ભુત આશ્ચર્યો છે અને એવી શ્રુતિઓ પણ છે.