ગી.અ-08, શ્લોક 08 to 22

શ્લોક ૮-૨૨

ભક્તિયોગનો વિષય

अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना।

परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन्‌।।८।।

અર્થઃ હે પાર્થ ! અભ્યાસ-યોગયુક્ત અને અનન્યગામિ એવા ચિત્તથી દિવ્યાકાર પરમ પુરુષનું ચિંતવન કરતા કરતાં તેને જ પામે છે. ।।૮।।

अभ्यासयोगयुक्तेन અહીં અભ્યાસ અને યોગ બે શબ્દો આવેલા છે. તેમાં आलम्बन संशीलनं पुन: पुन: अभ्यास:। आलम्बन संशीलनं-उपास्यसंशीलनं इत्यर्थ:। ઉપાસ્ય મૂર્તિનું વારંવાર સંશીલન કરવું, હૃદયમાં ધારી ધારીને યાદ કરવાને અભ્યાસ કહેવામાં આવે છે. પુનઃ પુનઃ કહેવાનું તાત્પર્ય તેની ખામી બતાવવાનું છે કે તે તૈલધારા નથી; પણ તેના પ્રયત્નમાં છે. સર્વકાલમાં પ્રયત્નશીલ રહે છે, કેવળ ધ્યાન સમયે જ નહિ. યોગ શબ્દથી અહીં‘अत्यर्थ प्रियविशदतम प्रत्यक्षतापन्न-इत्यर्थ:। સ્મરણમાં અતિ વિશદતાને અહીં યોગ શબ્દથી બતાવ્યો છે અર્થાત્‌સાક્ષાત્‌નજર સમક્ષ હોય તેમ તદાકાર સ્મૃતિમાં પણ વિશદતા આવવાને યોગ શબ્દથી બતાવ્યું છે. આવા મનવાળો થકો नान्यगामिना चेतसा અનન્ય મનવાળો થઈને આગળના શ્લોકમાં વર્ણવ્યા મુજબ ઐશ્વર્યો સહિત ભગવાનના ચિંતનનો જીવન દરમિયાન અભ્યાસ કરનારો સાધક પરમાત્માને પામે છે. યોગ શબ્દથી એ પણ સૂચિત થાય છે કે પ્રસન્નતા (પ્રાપ્તિ સૂચક) અને ખિન્નતાથી રહિત તે બન્નેને એક બાજુ ખંખેરીને સાવધાન થઈને ભગવાનનું ચિંતન કરનારો પરમ દિવ્ય પુરુષ પરમાત્માને પામે છે. એના ચિંતનને અનુરૂપ પ્રાપ્તિ થાય છે.

कविं पुराणमनुशासितारमणोरणीयांसमनुस्मरेद्य:।

सर्वस्य धातारमचिन्त्यरूपमादित्यवर्णं तमस: परस्तात्‌।।९।।

અર્થઃ તે પરમ પુરુષ, કવિ-ત્રિકાળદર્શી, પુરાતન, સર્વનું નિયમન કરનારા, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ, સર્વને રચનારા, મન-વાણીને પણ અગોચર એવું અચિન્ત્ય-અલૌકિક રૂપ-આકૃતિ જેની છે, આદિત્યના જેવો સમુજ્જવળ વર્ણ જેનો છે. અને માયાના તમથી પર રહેલા, એવા એ પરમ પુરુષને જે સતત સંભાર્યા કરે છે. ।।૯।।

कविं-क्रान्तदर्शी हि कवि: इत्युच्यते ક્રાન્તદર્શીને કવિ કહેવાય છે; પરંતુ અહીં કવિ શબ્દ પરમાત્માના વિષયમાં, સર્વદર્શી અર્થમાં આવ્યો હોવાથી, સર્વજ્ઞ એવો અર્થ થશે. તમામ પ્રાણીઓને અને તેમના શુભાશુભ કર્મને સર્વજ્ઞ પરમાત્મા જાણે છે, માટે કવિ છે.

पुराणम्‌-પુરાણ શબ્દથી પરમાત્માનું અનાદિપણું કહે છે. પરમાત્મા પુરાણ છે, અનાદિ છે पुरा अपि नवम्‌ इति पुराणम्‌ સૌથી જૂના હોવા છતાં સૌથી નવા પણ છે. એ જ એનું પરમાત્માપણું છે.

अनुशासितारम्‌: शासितारम्‌ ન કહીને अनुशासितारम्‌ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન તમામ જીવસમૂહનું શાસન તો કરે છે પણ તેમના કર્માનુસાર શાસન કરે છે. કર્મને યોગ્ય ફળને તે તે જીવને પમાડીને શાસન કરે છે. અર્થાત્‌ કર્મફળપ્રદાતા છે. सर्वस्य એવું પદ સાથે આકર્ષણ કરવાનું છે. તેના શાસનથી કોઈ બાકાત રહેતું નથી. એવા પરમાત્મા છે.

વળી આપણે જોઈએ છીએ તે નેત્રોથી જોઈએ છીએ. તે નેત્રોની ઉપર મન શાસન કરે છે. મનની ઉપર બુદ્ધિ અને બુદ્ધિની ઉપર અહમ્‌(ચૈતન્ય) શાસન કરે છે.અહમ્‌ની ઉપર પણ જે શાસન કરે છે તે પરમાત્મા અનુશાસિતા છે.

अणोरणीयांसम्‌-जीवात्‌ अपि सूक्ष्मतरम्‌-પ્રશાસનની સાથે પાઠ હોવાથી જીવમાં પણ આંતર પ્રવેશ યોગ્યતા બતાવવા જીવથી પણ અતિ સૂક્ષ્મ એવા પરમાત્મા છે. મન બુદ્ધિ જેમને પકડી શકતા નથી. પરમાત્મા સૂક્ષ્મતાની અંતિમ સીમા છે. सर्वस्य धातारम्‌-सर्वस्य स्रष्टारम्‌ સર્વના સજર્નહારા છે सूर्यचन्द्रमसौ धाता यथापूर्वमकल्पयत्‌ ઈત્યાદિક વચનોમાં સ્રષ્ટા તરીકે પ્રયોગ થયો છે અને સર્વના સજર્નહાર જ સર્વનું ધારણ કરી શકે છે. માટે પરમાત્મા અનંતકોટિ બ્રહ્માંડોના સજર્ક, ધારક અને પોષક છે. તમામ ચેતનો તેનાથી સત્તા, સ્ફૂર્તિ પામી રહ્યા છે.

अचिन्त्यरू पम्‌-सकलेतर विसजातीयस्वरुपम्‌ તમામ ઈતિરથી વિજાતિ સ્વરૂપવાળા પરમાત્મા છે. અનુમાનાદિક પ્રમાણમાં નથી આવી શકતા. પ્રત્યક્ષ પ્રમાણ એવા ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થઈ શકતા નથી. અચિન્ત્યરૂપથી કોઈ એમ ન માની લે કે તે પ્રત્યક્ષ ઈન્દ્રિયોથી તથા અનુમાનાદિથી ગ્રહણ નથી થતા, તો અસંભવિત સ્વરૂપ છે. તો એમ નથી ઈતર વિસજાતીયતાથી અચિન્ત્ય છે. અસંભવિતતાથી અચિન્ત્ય નથી.

आदित्यवर्णं तमस: परस्तात्‌-अप्राकृतस्वासाधारण दिव्यरुपम्‌-વર્ણયોગ સ્વરૂપમાં ઘટાવી શકાતો નથી. (રામાનુજાચાર્યના મતમાં-મહારાજના મતમાં બાધ નથી) માટે અપ્રાકૃત દિવ્ય શરીરવાળા એવા પરમાત્મા છે-तमस:परस्तात्‌ શ્રુતિઓ દ્વારા પણ ભગવાનના અપ્રાકૃત દિવ્ય શ્રીવિગ્રહમાં નિરતિશય દીપ્તિ યોગને સિદ્ધ કરવામાં આવ્યો છે, વર્ણન કરવામાં આવ્યો છે. तमस:परस्तात्‌ એટલે सर्वकारणभूत तमद्रव्य-મૂળ પ્રકૃતિ સર્વ અજ્ઞાન અંધકારનું મૂળ કારણ કે સરવાળો એટલે પ્રકૃતિ અને તેનાથી પર-વિલક્ષણ છે એટલે તેનાથી ભગવાનનું શ્રીવિગ્રહ અપ્રાકૃત છે. તેનાથી અકર્માધીન, નિત્ય, નિરવદ્ય આદિ દિવ્ય ગુણ શ્રી વિગ્રહમાં આવી જાય છે.

अनुस्मरेत्‌ નો અન્વય પછીના શ્લોકની સાથે છે.

प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव।

भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्‌ स तं परं पुरुषमुपैति दिव्यम्‌।।१०।।

અર્થઃ અને મરણ સમયમાં પણ નિશ્ચળ મન રાખીને, ભક્તિયુક્ત થઈને અને યોગસામર્થ્યથી પ્રાણને ભૃકુટિના મધ્યમાં બરોબર સ્થિર રાખીને જે સ્મરણ કરે, તે પુરુષ જ તે દિવ્યાકાર પરમ પુરુષને પામે છે.।।૧૦।।

एवं भूतं भक्त्या युक्तो योग बलेनअचलेन मनसा भ्रुवोर्मध्ये पाणम्‌ सम्यक्‌ आवेश्य स तं दिव्यं परं पुरुषं उपैति આગળના શ્લોકમાં કહ્યા એવા કવિ, પુરાણ, અનુશાસિતા વગેરે ઐશ્વર્યોને સંભારતો ભક્તિયુક્ત યોગબળથી મનને પરમાત્મામાં અતિ સ્થિર કરીને પ્રાણને ભ્રકુટિના મધ્યમાં સ્થિર કરીને જે સ્મરણ કરે છે, તે દિવ્ય એવા ઐશ્વર્ય યુક્ત પરમાત્માને પામે છે.

यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागा:।

यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये।।११।।

અર્થઃ જેને વેદવિદ્‌પુરુષો અક્ષર એમ કહે છે, દુનિયામાં રાગ સિવાયના વશેન્દ્રિય ઉપાસક પુરુષો જેમાં પ્રવેશ કરે છે. જેને ઈચ્છનારા બ્રહ્મચર્ય વ્રત પાળે છે. તે પદ હું તને સંક્ષેપથી કહીશ-કહેવાનો છું. ।।૧૧।।

હવે કૈવલ્યાર્થીઓ ભગવાનનું સ્મરણ કયા પ્રકારે કરે છે, તે બતાવે છે-અર્થાત્‌તેઓનો ઉપાસના પ્રકાર બતાવે છે.

वीतरागा: यतय: यत्‌ अक्षरं विशन्ति જેઓના અંતરથી રાગ સારી પેઠે દૂર થયો છે, એવા વિતરાગી યતિઓ, જે અક્ષરપદમાં પ્રવેશ કરે છે.

यत्‌ अक्षरं इच्छन्त: ब्रह्मचर्यं चरन्ति જે અક્ષરતત્ત્વને પામવા યતિઓ બ્રહ્મચર્યને આચરે છે, તે તત્ત્વને હવે હું (પરમાત્મા) તને (અર્જુનને) કહીશ.

सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च।

मूर्ध्न्याधायात्मन: प्राणमास्थितो योगधारणाम्‌।।१२।।

औमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन्‌।

य: प्रयाति त्यजन्देहं स याति परमां गतिम्‌।।१३।।

અર્થઃ સર્વ ઈન્દ્રિયદ્વારને સ્વવશમાં કરીને, મનને હૃદયમાં એકાગ્ર કરીને, પોતાના પ્રાણને મસ્તકમાં સ્થિર કરીને, યોગથી પરમાત્મસ્વરૂપમાં ધારણા પામેલો. અને પરબ્રહ્મના વાચક એકારરૂપ એકાક્ષરને જપતો અને મને અખંડ સંભારતો થકો દેહનો ત્યાગ કરીને જે જાય છે, તે પુરુષ પરમ ગતિ પામે છે. ।।૧૨-૧૩।।

સર્વ દ્વારોને-શ્રોત્ર આદિક જ્ઞાનના દ્વારભૂત જ્ઞાનેન્દ્રિયોને સંયમ કરીને પોતપોતાના વ્યાપારમાંથી-વિષયમાંથી પાછા-વાળીને, અહીં નવદ્વાર લેવાના નથી કારણ કે પ્રત્યાહાર કરવાનો વિષય હોવાથી જ્ઞાનેન્દ્રિયો જ લેવાની જરૂર છે. તેનો સંયમ અર્થાત્‌તે વિષય તરફ દોડી રહ્યા છે તેને પાછા વાળીને मनो हृदि निरुध्य-હૃદય કમલમાં રહ્યો એવો હું તેમાં મન નિવેશ કરીને કારણ ખાલી હૃદયની ધ્યેયતા હોતી નથી માટે હૃદય શબ્દથી ત્યાં રહેલા પરમાત્માને લક્ષિત કરાવે છે નહિ તો ‘माम्‌ अनुस्मरन्‌’ એ કહેવું ઘટી નહિ શકે. योगधारणां आस्थित:-मयि एव निश्चलां स्थितिम्‌ आस्थित: મારામાં દૃઢપણે મનની સ્થિતિ સ્થાપિત કરવી.

ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्‌ ॐ એ પરમાત્માનો વાચક છે. તેથી મારું નામ ઉચ્ચારણ કરતો અને નામી એવા મારું સ્મરણ કરતો आत्मन: प्राणं मूर्ध्नि आधाय देहं त्यजन्‌ પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપન કરી દેહનો ત્યાગ કરે છે, તે પરમ ગતિને પામે છે.

अनन्यचेता: सततं यो मां स्मरति नित्यश:।

तस्याहं सुलभ: पार्थ नित्ययुक्तस्य योगिन:।।१४।।

અર્થઃ હે પાર્થ ! અખંડ અનન્યચિત્ત થઈને જે મને નિરન્તર અવિચ્છિન્ન સંભારે છે, તો તેવા અખંડ મારામાં જોડાયેલા યોગીને હું સર્વથા સુલભજ છું.।।૧૪।।

આ પ્રમાણે ઐશ્વયાર્થીઓ તથા કૈવલ્યાર્થીઓની ઉપાસના પદ્ધતિ અને અંતકાળે સ્મરણ પદ્ધતિ બતાવીને હવે જ્ઞાનીઓની પદ્ધતિ બતાવી રહ્યા છે.

अनन्यचेता: अत्यर्थमत्प्रियत्वेन मत्स्मृत्या विना आत्मधारणमलभमानो निरतिशय प्रियां स्मृतिं च करोति પોતાની જાત કરતાં પણ ઈતર, સમસ્ત કરતાં પણ મને વધારે ચાહનારો હોઈ અને મારી સ્મૃતિ સિવાય જીવન ધારી શકતો ન હોય એવો થઈને અતિ રસપૂર્વક મને યાદ કરે છે. જેનું ચિત્ત ભગવાનને છોડીને કોઈ ઐશ્વર્યોમાં કે કોઈ પ્રકારના ભોગમાં લોભાતું નથી, જેના અંતરમાં પરમાત્મા સિવાય કોઈનો આશ્રય-આધાર કે ભરોસો નથી, તે અનન્ય ચિત્તવાળો છે. સાચી પતિવ્રતાને પોતાના પતિ સિવાય બીજા કોઈનું રાગપૂર્વક ચિંતન કદી થતું નથી. એક પોતાના પતિનું જ વ્રત રહે છે. પોતાની જાતને-વ્યક્તિત્વને, પોતાના ઈષ્ટ સિવાય અન્યને ન માને અર્થાત્‌પોતાની જાત પર પોતાના ઈષ્ટ સિવાય(પોતાનો પણ) અધિકાર ન માને. એક પોતાના ઈષ્ટનો જ તેના પર પ્રામાણિતાથી અધિકાર પામે, ત્યારે તેનું મન બીજા તરફ કયારેય સહજપણે જશે નહિ. ત્યારે તે અનન્ય ચિત્તવાળો બની જશે.

सततं यो मां स्मरति नित्यश:-અહીં સ્મરણ કરવામાં सततं અને नित्यश: બે વિશેષણો આવ્યાં છે. સરખા અર્થ હોવા છતાં नित्यश:નું તાત્પર્ય છે કે જેવી સ્થિતિ અત્યારે હોય તેવી સ્થિતિમાં અતિ પ્રેમથી ભગવાનનું સ્મરણ અનન્ય હોય તે આદરી દે છે. આત્માનુભવ થાય પછી, મને જીવમાં કાંઈક બળ આવે પછી એની રાહ જોયા વિના પ્રેમથી ચિંતન કરવા લાગી જાય છે. વળી सततं કહેવાનો ભાવ છે કે ઉદ્યોગ प्रभृति-सर्वकालम्‌ દરેક ક્રિયામાં તે ભગવાનને સંભારવા લાગી જાય છે. પવિત્ર ક્રિયામાં યાદ કરે છે અને બીજી ક્રિયામાં નહિ, એવું પણ નથી. તમામ ક્રિયામાં પ્રેમથી મહારાજને યાદ કરતો રહે છે એવા नित्ययोगिन: तस्य એ ખરેખર તો આગળના શબ્દોનો અનુવાદ છે પણ તેનું તાત્પર્ય છે કે પોતાનો અહમ્‌જેણે બદલી નાખ્યો છે. પોતાના અહમ્‌ને પરમાત્માધીન બનાવ્યો છે. હું ભગવાનનો છું તેથી તેનું જોડાણ વ્યવધાન રહિત બની જાય છે. જ્યારે પોતાના અહમ્‌માં પરમાત્માનો સંબંધ આવી જાય-દાસપણું કે સેવકપણું આવી જાય, ત્યારે તેનો અહમ્‌પોતાના વ્યક્તિત્વને માટે નહિ પણ પરમાત્માર્થે બની રહેશે. એવા તે યોગીને માટે अहं सुलभ: હું સુલભ થઈ જાઉં છું. અહીં ભગવાન પોતાને માટે સામાન્ય શબ્દ પરમાત્મા સુલભ થઈ જાય છે એવું ન કહીને હું સુલભ થઈ જાઉં છું. એનું તાત્પર્ય એમ છે કે તેને મારા કોઈ ઐશ્વર્યો કે વિભૂતિ કે મારો ભાવ આપી દઉં છું એમ નહિ સાક્ષાત્‌હું જ તેને પ્રાપ્ત થઈ જાઉં છું. તેને પણ મારા સ્વરૂપ વિના મારા ઐશ્વર્યો કે મારું વિભૂત્વાદિ સ્વરૂપ જોઈતું નથી. સાક્ષાત્‌મારી જરૂર છે. વિરહ છે, માટે હું જ તેને જઈ મળું છું. એ પણ સુલભપણે મળું છું. મારા પ્રયાસથી મળું છું, તેને પ્રયાસ કરવો પડતો નથી. એ આ પ્રકારની ઉપાસનાની વિશેષતા છે.

मामुपेत्य पुनर्जन्म दु:खालयमशाश्वतम्‌।

नाप्नुवन्ति महात्मान: संसिद्धिं परमां गता:।।१५।।

અર્થઃ મારી પ્રાપ્તિરૂપ પરમ સમ્યક્‌સિદ્ધિને પામેલા મહાત્માઓ મારા ધામમાં મને પામીને ફરીને દુઃખની પરંપરાથી ભરેલું અશાશ્વત જન્મ (વિગેરે વિકારોને) નથી પામતા. ।।૧૫।।

मामुपेत्य શ્લોકનું તાત્પર્ય એ છે કે ભગવાનનું ભજન કરી લે, ભગવાનની સેવા-ઉપાસના કરી લે કે ભગવાનને તત્ત્વથી જાણી લે-નિશ્ચય કરી લે, ત્યારે તેનો પુર્નજન્મ નથી થતો. પુર્નજન્મનો અર્થ છે ફરી શરીર ધારણ કરવું. તે શરીર ચાહે મનુષ્યનું હોય, કોઈ પ્રાણી,પશુ-પક્ષીનું હોય કે દેવતાનું હોય પણ તેને નિખિલ દુઃખનું કારણ બતાવ્યું છે. તેને ધારણ કરવામાં દુઃખ ને દુઃખ જ છે. એટલા માટે પુનજર્ન્મને દુઃખાલયમ્‌દુઃખોનું ઘર કહેવામાં આવ્યું છે.

મર્યા પછી આ પ્રાણી પોતાના કર્મો અનુસાર જે યોનિમાં જન્મ લે છે, ત્યાં જન્મને સમયે ઓરમાંથી બહાર આવતી વેળાએ તેને એવું કષ્ટ થાય છે જેવું કષ્ટ મનુષ્યને શરીરની ચામડી જીવતા ઉતારતી વેળાએ થાય એવું થાય છે. જેમ સોનાનો તાર બનાવે તેવું તેને જન્મ લેવામાં પિસાવું પડે છે. જે સમયે તે પોતાનું કષ્ટ કે દુઃખ કોઈને બતાવી નથી શકતો. કેમ કે તે અવસ્થામાં તે અત્યંત અસમર્થ હોય છે. તેની પાસે બોલવાનું માધ્યમ ભાષા હોતી નથી. જન્મ પછી બાળક સર્વથા પરતંત્ર હોય છે. કોઈપણ કષ્ટ થતાં એ રડતું રહે છે;. પરંતુ બતાવી શકતું નથી. બાળકપણામાં અજ્ઞાનથી અનેક પીડાઓ થાય છે. યુવાન થતાં કામ, ક્રોધ, દ્વેષ, અભિમાનની અનેક પીડા થાય છે. વૃદ્ધાવસ્થામાં શરીરની અસમર્થતા, તૃષ્ણાનો વધારો, રોગોનું આક્રમણ, સંબંધીઓનો તિરસ્કાર વગેરે દુઃખો આવી પડે છે અને જન્મ સમયના જેવું જ મરણનું દુઃખ પણ પ્રલય જેવું ભયંકર હોય છે. યમયાતના, ચોરાશી તે પણ આ દેહને જ આભારી છે. આ દેહના કર્મના ફળરૂપે જ છે. માટે પુનજર્ન્મને દુઃખાલય-દુઃખ દુઃખ ને દુઃખ રૂપ જ ભગવાને બતાવ્યો છે.

અશાશ્વત કહેવાનું તાત્પર્ય છે તે શરીરના સંબંધિત ભોગ અને ખુદ દેહ નાશ પામી જનારા છે. નાશ પામીને પણ જીવને દુઃખ આપતા જાય છે. હાજરીમાં પણ દુઃખ આપે છે અને જતાં જતાં પણ દુઃખ આપતા જાય છે પણ જીવને મોહ દૃષ્ટિ હોવાથી ખ્યાલ નથી આવતો.

ભગવાનને અહીં ‘મારી પ્રાપ્તિ થતાં પુનજર્ન્મ નથી થતો’ એટલું જ કહેવાનું પર્યાપ્ત હતું છતાં પણ પુનજર્ન્મની સાથે दु:खालयम्‌ અને अशाश्वतम्‌ એ બે વિશેષણો આપે છે. તે કર્માધીન જીવાત્માઓને માટે છે. બાકી ભગવાનની ઈચ્છાથી તેની સાથે જે મુક્તો આવે છે અથવા સ્વતંત્ર ભાવથી જે મુક્ત પુરુષો જન્મ લે છે, તેને માટે એ લાગુ પડતું નથી.

ભગવાને ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ વગેરેમાં જીવને માટે ‘મહાત્મા’ શબ્દનો પ્રયોગ કયારેય નથી કર્યો. કેવળ ભક્તિયોગમાં જ ભગવાને અનેક વખત ‘મહાત્મા’ શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ કે જેઓ આરંભથી જ ભક્તિમાર્ગ ઉપર ચાલે છે, એ સાધકોને પણ ભગવાને ‘મહાત્મા’ કહ્યા છે (૯/૧૩)

‘महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रित:।

भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम्‌।। (ગી. ૯/૧૩)

ભગવાનમાં અનન્ય ભાવને પામનારાને પણ ‘મહાત્મા’ કહ્યા છે (૭/૧૯) बहूनां जन्मनाम्‌ अन्ते… वासुदेव:.. स महात्मा सुदुर्लभ:।। અને એકાંતિક ભાવથી મારું સ્મરણ કરે છે તે મહાત્માઓ પરમસિદ્ધિને પામે છે. (ગી. ૮/૧૪-૧૫) એમ અહીં મહાત્મા બતાવ્યા છે. અહીં તાત્પર્ય એવું થયું કે અસત્‌અને નાશવાન શરીર સંસારની સાથે જેઓ સંબંધ રાખે છે, તે મનુષ્યો ‘અલ્પાત્મા’ બની જાય છે તેઓ ‘મહાત્મા’ હોય તો પણ શરીર સંસાર તેને અલ્પાત્મા બનાવી દે છે. તે એવા છે જ્યારે કોઈ પણ પ્રકારે પરમાત્માનો સંબંધ જોડાય ત્યારે શરીર સંસાર સંબંધ તૂટીને તે ‘મહાત્મા’ બની જાય છે. તેનો અર્થ એ છે કે ભગવાન ભક્તિરૂપ સંબંધને જ સર્વોપરી માને છે.

મહાત્માઓ પુનજર્ન્મને નથી પ્રાપ્ત થતાં. તેનું કારણ એ છે કે તેઓ પરમ સિદ્ધિને પામી ગયેલા હોય છે. પરમાત્મામાં અચળ પ્રેમ પ્રાપ્ત થવો તે પરમ સિદ્ધિ છે. અહીં ‘સિદ્ધિ’ શબ્દની સાથે ‘સમ્‌’ ઉપસર્ગ અને ‘પરમામ્‌’ વિશેષણ આપવાનું તાત્પર્ય એ છે કે પરમાત્માની સાચી ભક્તિથી ચડિયાતી કોઈ પણ સિદ્ધિ નથી. જીવ વાસ્તવમાં ભગવાનનો અંશ છે, સાચો સેવક છે. તે જ્યારે સંપૂર્ણપણે ભગવાનનો સેવક બની ભગવાનમાં લાગી રહે છે ત્યારે તેને કોઈ સિદ્ધિ બાકી નથી રહેતી. જેમ લોભી વ્યક્તિને જેટલું ધન મળે છે એટલું તેને ઓછું ઓછું માલૂમ પડે છે અને તેની ધનની ભૂખ ઉત્તરોત્તર વધતી રહે છે. એવી જ રીતે ભગવાનનો ભક્ત એકવાર ભગવાનના પ્રેમને ચાખી લે છે, ત્યારે તેને ભગવાનની અને ભગવાનની ભક્તિની ભૂખ વધતી જ રહે છે. ત્યારે જ તે સાચો ભક્ત થયો ગણાય. ત્યારે તેને પ્રતિક્ષણ વધતો એવો, અસીમ, અમાપ, અનંત એવો ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય છે. આ ભક્તિની અને સર્વ સિદ્ધિઓની અંતિમ સિદ્ધિ છે એના સમાન બીજા કોઈ સિદ્ધિ છે જ નહિ.

आब्रह्म भुवनाल्लोका: पुनरावर्तिनोऽर्जुन।

मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते।।१६।।

અર્થઃ હે અર્જુન ! બ્રહ્માના ભુવન સુધીના લોકો બધાય પુનરાવૃત્તિવાળા છે, પણ હે કૌન્તેય ! મને પામ્યા પછી તો ફરીને જન્મ પામવાનું રહેતું જ નથી. ।।૧૬।।

હવે આ શ્લોકમાં ઐશ્વર્ય ગતિને પ્રાપ્ત થયેલાને પુનરાવૃત્તિ થાય છે અને ભગવાનને પામેલાને પુનરાવૃત્તિ-પુનજર્ન્મ થતો નથી તે બતાવે છે.

હે અર્જુન ! બ્રહ્મલોકથી માંડીને અર્થાત્‌બ્રહ્માંડની અંદર આવેલા સર્વે લોક કે જે ભોગ ઐશ્વર્યના સ્થાનરૂપ છે, તે વિનાશશાળી છે. જ્યારે તે ભોગભૂમિ જ નાશ પામી જાય છે, ત્યારે તેમાં રહેનારાઓ તે તે ભોગ-ઐશ્વર્ય સહિત નાશ પામી જ જાય એ સ્વાભાવિક છે. કોઈના ઐશ્વર્યો પણ કાયમી નથી, નાશ પામી જનારા છે. કોઈના ભોગો પણ સ્થિર અને કાયમી નથી, નાશ પામી જનારા છે. તેઓ પોતે પણ એક સ્થાનેથી બીજે સ્થાને પુનજર્ન્મને પામનારા છે. ‘લોક બધા પુનરાવર્તી છે’ નું તાત્પર્ય તે લોકમાં રહેનારા બધા પુનજર્ન્મને પામનારા છે. એમ જાણવાનું છે.

જેટલી કોઈ ભોગભૂમિઓ અને ઐશ્વર્ય ભૂમિઓ છે, તેમાં બ્રહ્માના લોકને એક બ્રહ્માંડમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. या मनुष्याणां राध्ध:-समृध्ध: भवति अन्येषां अधिपति: सर्वै: मानुष्यकै: भोगै: सम्पन्नतम: स मनुष्याणां परम आनन्द:। (एको आनन्द:) સઘળા પૃથ્વી મંડળનો રાજા હોય અને તેનું ધન ધાન્યથી સંપન્ન રાજ્ય હોય, શરીર યુવાન અને તંદુરસ્ત હોય, સ્ત્રીપુત્ર પરિવાર બધા જ તેને અનુકૂળ હોય-આને મૃત્યુ લોકનું પૂર્ણ સુખ માનવામાં આવ્યું છે. મૃત્યુલોકના સુખથી સોગણું અધિક સુખ મર્ત્યદેવતાનું છે મર્ત્ય દેવતાઓ તેઓને કહે છે જેઓ પુણ્યકર્મ કરીને (जितलोकानां) દેવલોકને પામેલા છે. વળી પુણ્ય ક્ષીણ થતાં પાછા પડે છે. (ગી. ૯/૨૧) આ મર્ત્ય દેવતાઓથી સોગણું અધિક સુખ (शतं जितलोकानाम्‌ आनन्दो) આજાન દેવતાઓનું છે. આજાન દેવતાઓ એને કહેવાય છે જે કલ્પના આદિમાં દેવતા બન્યા છે અને કલ્પના અંત સુધી દેવતા તરીકે ચાલુ રહે છે તેનાથી સોગણું સુખ ઈન્દ્રનું માનવામાં આવ્યું છે. શ્રુતિ તો ભગવાનનું સુખ અચળ-અવિનાશી અને ભૂમા છે. તે માટે પ્રર્વતી છે; પરંતુ પૃથ્વી મંડળથી બ્રહ્માના લોક સુધીના તમામ સુખ, સુખનાં સાધનો અને સુખનાં સ્થાન સીમિત, પરિવર્તનશીલ અને નાશવંત છે.

અહીં એક શંકા થાય છે કે સંતો, ભક્તો, જીવનમુક્તો અને કારક પુરુષોના દર્શન માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય છે અને બ્રહ્માજી પોતે તો કારક પુરુષ છે તથા ભગવાનના ભક્ત પણ છે. બ્રહ્મલોકમાં જવાવાળા બધા જ બ્રહ્માજીનું દર્શન કરે જ છે. તો પછી તેઓની મુક્તિ કેમ થતી નથી? ત્યાંથી તેઓ પાછા ફરીને શા માટે આવે છે? બ્રહ્માજી તો પાછા ફરીને આવતા નથી. આનું સમાધાન એ છે કે સંત, ભક્ત વગેરેના દર્શન, સ્પર્શ, સંભાષણ, ચિંતન વગેરેનું માહાત્મ્ય આ મૃત્યુલોક માટે જ છે. કારણ કે આ મનુષ્ય શરીર ભગવાને કેવળ ભગવત્‌ પ્રાપ્તિ માટે જ સર્જ્યું છે. આથી મનુષ્યને ભગવત્ ‌પ્રાપ્તિનો કોઈ પણ અને કિચિંત્‌માત્ર પણ મુક્તિનો ઉપાય મળી જાય, આધાર મળી જાય અને તેનો ઉપયોગ કરી લે તો તરત તેની મુક્તિ થઈ જાય છે. તેવું બીજા લોકમાં થઈ જતું નથી. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી બતાવે છે કે, બ્રહ્માની મોટપ તો બહુ ગણવામાં આવે છે, તેવી શુકજીની ગણાતી નથી તો પણ કલ્યાણ કરવામાં શુકજી જેવા મોટા છે, તેવા બ્રહ્મા નથી. શુકજી જેવાના પ્રસંગ માત્રથી જ સંસારી જીવના ભવબંધન છૂટી જાય છે. તેવું બ્રહ્માથી નથી થતું. એવો અધિકાર ને વ્યવસ્થા ભગવાને એક મનુષ્ય યોનિમાં જ કરી છે. એવી વ્યવસ્થા કે અધિકાર બીજા લોકમાં નથી. તેથી તેઓ મુક્ત થઈ જતા નથી. હા, એ લોકમાં રહેવાવાળાઓમાં કોઈની મુક્ત થવા માટે તીવ્ર ઈચ્છા થઈ જાય તો તે પણ મુક્ત થઈ શકે છે પણ મોટે ભાગે ભગવાન તેને મૃત્યુલોકમાં મોકલીને તેની મુક્તિ કરાવે છે. પરંતુ એવો કોઈ નિયમ નથી કે અહીં તેને આવવું જ પડે. રસ્તો ટૂંકો થાય એટલા માટે ભગવાન તેને અહીં મોકલતા હશે, એવું જણાય છે. બાકી દેવતાને મુક્તિનો અધિકાર બ્રહ્મસૂત્રમાં વ્યાસજીએ પ્રતિપાદન કર્યો છે, માટે તેઓને તીવ્ર લાલસા જાગે તો થઈ શકે છે. એવી જ રીતે કયારેક પશુ-પક્ષીમાં પણ ભક્ત થયા છે પણ આ બધા અપવાદો ગણાય. અધિકારી રૂપે નહિ ગણાય. જો ત્યાંના લોકોને અધિકારી માની લેવામાં આવે તો નારકી જીવોને પણ તે અધિકાર પ્રાપ્ત થઈ જશે. કારણ કે ધર્મરાજા પણ પોતે કારક પુરુષ છે ને વળી પોતે ભગવાનના ભક્ત છે. તેનું દર્શન થાય તેને પણ મુક્તિ થવી જોઈએ પણ તેવું શાસ્ત્રમાં કયાંય સાંભળવામાં આવતું નથી તેમજ કોઈ એવી ઘટના બની સાંભળવામાં આવતી નથી. આથી ત્યાં તેઓના દર્શનથી કોઈનું કલ્યાણ થઈ ગયું સંભળાતું નથી.

જીવ સાક્ષાત્‌પરમાત્માનો અંશ છે. પરમાત્માનો સેવક છે. વળી પરમાત્માનું ધામ એ જ તેનું સનાતન નિવાસસ્થાન છે. જેમ કોઈ બહાર ગયા હોય તો અંતે પોતાને ઘેર આવી જાય છે તેમ જીવને પણ પરમાત્માના ધામમાં જવું જોઈએ; છતાં પણ આ જીવ મર્યા પછી પાછો શા માટે ફરે છે? શા માટે પાછો અહીં આવે છે? તો જેવી રીતે કોઈ મનુષ્ય સત્સંગ વગેરેમાં જાય છે અને સમય પૂરો થતાં ઘર ભણી ચાલવા માંડે છે. જ્યારે ચાલતી વખતે તેની કોઈ વસ્તુ (ચાદર, સેલફોન, ચાવી વગેરે) ભૂલથી રહી જાય તો તેને લેવા માટે તેને ફરીથી ત્યાં આવવું પડે છે. એવી જ રીતે આ જીવે ઘર, પરિવાર, જમીન, ધન વગેરે જે ચીજોમાં કે વ્યક્તિમાં મમતા કરી લીધી હોય ને પોતાની માની લીધી હોય, ત્યારે મરવા ટાણે એ તો કોઈ સાથે ચાલે નહિ. તેથી આ મરીને ત્યાં પાછો આવે છે; પરંતુ પાછો આવે ત્યારે તે વસ્તુ તો કદાચ મળે કે ન પણ મળે. શરીરમાં ઘણી મમતા કરી હતી પણ તેજ નાશ થઈ ગયું હોય છે. માટે બીજું શરીર ધારીને આવે છે. મનુષ્ય, પશુ-પક્ષી, કૂતરો, સર્પ વગેરે થઈને પણ ત્યાં આવ્યે છૂટકો કરે છે. ભગવાને કહ્યું છે ઉચ્ચનીચ યોનિમાં જન્મ થવાનું કારણ ગુણોનો સંગ જ છે-આસક્તિ છે ‘कारणं गुणसङ्गोऽस्य सदसद्योनि जन्मसु’१३/१२ ૧૩/૧૨ માટે સંસારમાં મમતા, આસક્તિ, કામના કરે તેણે આવ્યા વિના છૂટકો જ નથી.

मामुपेत्य तु कौन्तेय पुन:जन्म न विद्यते બ્રહ્મલોક સુધી જવાવાળા તમામને પુનજર્ન્મ લેવો પડે છે પણ હે અર્જુન ! મને પામવાવાળાને પુનજર્ન્મ નથી લેવો પડતો. કારણ કે મારું સ્થાન સનાતન છે. તેનો નાશ નથી અને ત્યાં જાય છે, તે પણ શાશ્વત ત્યાં રહે છે. બ્રહ્મલોક સુધી જઈને ફરીથી પાછા ફરીને આવવાવાળા અર્થાત્‌જન્મ મરણરૂપી બંધનમાં પડવાવાળા જીવો આસુરી સંપત્તિવાળા હોય છે. કારણ કે આસુરી સંપત્તિથી જ બંધન થાય છે. ‘निबन्धायासुरी मता’ એટલા માટે બ્રહ્મલોક સુધી બંધન ને બંધન જ છે; પરંતુ મારે શરણે થવાવાળા, મને પ્રાપ્ત થવાવાળા જીવો દૈવી સંપત્તિવાળા હોય છે. તેઓના ફરીથી જન્મમરણ નથી થતાં. કારણ કે દૈવી સંપત્તિથી મોક્ષ થાય છે ‘‘दैवी संपत्‌ विमोक्षाय’’ (ગી.૧૬/૫)

सहस्रयुगपर्यन्तमहर्यद्‌ब्रह्मणो विदु:।

रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जना:।।१७।।

અર્થઃ (હવે-પ્રસંગાત્‌બ્રહ્માના આયુષ્યનું પ્રમાણ કહે છે-) ચાર યુગ મળીને એક મહાયુગ કહેવાય છે, અને એવા એક હજાર મહાયુગ સુધીના મહાકાળને બ્રહ્માનો એક દિવસ અને એક હજાર મહાયુગની એક રાત્રિ, એમ બ્રહ્માના અહોરાત્રને જાણનારા રહે છે. ।।૧૭।।

सहस्र... સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ-મૃત્યુલોકના આ ચાર યુગોને એક ચતુર્યુગ કહેવાય છે. એવા એક હજાર ચતુરયુગ વીતતાં બ્રહ્માજીનો એક દિવસ થાય છે અને બીજા એક હજાર ચતુર્યુગ વીતતાં બ્રહ્માજીની રાત્રી થાય છે. દિવસ રાતની એ જ ગણતરી અનુસાર સો વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય હોય છે. બ્રહ્માજીના આયુષ્યના સો વર્ષ વીતતાં બ્રહ્માજી પરમાત્મામાં લીન થઈ જાય છે અને તેનો બ્રહ્મલોક પ્રકૃતિમાં લીન થઈ જાય છે અર્થાત‌બ્રહ્મલોકનો નાશ થઈ જાય છે. તેમાં જે બ્રહ્માજી સિવાયના જીવો પુણ્યકર્મોએ કરીને પામેલા હોય તેમાં બે પ્રકારના જીવો હોય છે. તેમાં એક તો બ્રહ્મલોકના સુખ, ભોગ-ઐશ્વર્યોનો ઉદ્દેશ્ય રાખી પુણ્ય કરનારા હોય, તે પાછા પડે છે. ભગવાનની આરાધના કરતાં કચાશને લઈને ત્યાં ગયા હોય તો બ્રહ્માજી સાથે પરમાત્મા પાસે ક્રમમુક્તિથી જાય છે. આમ ગમે તેટલું મોટું આયુષ્ય હોય તે પણ કાળની અવધિવાળું જ છે. ગમે તેવા ઐશ્વર્યો કે ભોગ હોય તે પણ કાલાધિન જ છે. ઊંચામાં ઊંચા ભોગો પણ સંયોગજન્ય હોવાથી દુઃખોનું કારણ બની રહે છે. ‘ये हि संस्पर्शजा भोगा दु:खयोनय एव ते’ (૫/૧૨) ને કાળની અવધિવાળા છે. કેવળ ભગવાન જ કાલાતીત છે. એ પ્રમાણે કાલ તત્ત્વને જાણવાથી ભોગ અને ઐશ્ચર્યથી વૈરાગ્ય થાય છે.

अव्यक्ताद्‌ व्यक्तय: सर्वा: प्रभवन्त्यहरागमे ।

रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके।।१८।।

અર્થઃ બ્રહ્માના દિવસની શરૂઆત થતાં અવ્યક્તમાંથી સર્વ વ્યક્તિઓ ઉત્પન્ન થઈ આવે છે અને પાછી રાત્રિ આવતાં તેજ અવ્યક્તમાં સર્વથા લીન થઈ જાય છે. ।।૧૮।।

अव्यक्ताद्‌… તમામ પ્રાણીઓના જેટલા શરીર છે, તેમને અહીં વ્યક્તિ શબ્દથી બતાવ્યું છે અને ચૌદમાં અધ્યાયના ચોથા શ્લોકમાં ‘सर्वयोनिषु कौन्तेय मूर्तय: (मूर्ति:) संभवन्ति या:। तासां ब्रह्म महद्‌योनिरहं बीजप्रद: पिता ।। १४/४।। मूर्तय: કહેવામાં આવ્યા છે.જેવી રીતે જીવકૃત સૃષ્ટિ અર્થાત્‌‘હું’ અને ‘મારાપણું’ એ જીવની સૃષ્ટિ છે. જીવ નિદ્રામાંથી જાગતાં તે સૃષ્ટિ જીવથી જ પેદા થાય છે અને નિદ્રા આવી જતાં તે સૃષ્ટિ જીવમાં જ લીન થાય છે. એવી જ રીતે જે આ સ્થૂળ સમષ્ટિ સૃષ્ટિ દેખાય છે તે તમામ બ્રહ્માજીના જાગતાં તેના સૂક્ષ્મ શરીરથી અર્થાત્‌પ્રકૃતિથી પેદા થાય છે અને બ્રહ્માજીના સૂતાં તેમના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. તાત્પર્ય એ થયું કે બ્રહ્માજીના જાગતાં ‘સર્ગ’ થાય છે અને બ્રહ્માજી સૂએ છે ત્યારે પ્રલય થાય છે. જ્યારે બ્રહ્માજીનું સો વર્ષનું આયુષ્ય વીતી જાય છે ત્યારે ‘મહાપ્રલય’ થાય છે. જેમાં બ્રહ્માજીના શરીરનો પણ નાશ થાય છે. બ્રહ્માજીનું જેટલું આયુષ્ય હોય છે, એટલો જ મહાપ્રલયનો પણ સમય રહે છે. એ મહાપ્રલયનો સમય વીતતાં બ્રહ્માજી ભગવાનથી ફરી પ્રગટ થાય છે . ત્યારે ‘મહાસર્ગ’નો આરંભ થાય છે.(ગી.૯/૭-૮)

भूतग्राम: स एवायं भूत्वा भूत्वा प्रलीयते।

रात्र्यागमेऽवश: पार्थ प्रभवत्यहरागमे।।१९।।

અર્થઃ તેજ આ ભૂત પ્રાણી માત્રનો સમૂહ પરવશ થકો વારંવાર ઉત્પન્ન થઈને હે પાર્થ ! રાત્રિ આવતા લય પામે છે અને પાછો દિવસ આવતાં ઉત્પન્ન થઈ આવે છે. ।।૧૯।।

स एवायम्‌ भूतग्रामम्‌… અનાદિકાળથી જન્મ-મરણના ચકકરમાં પડેલો તે જ પ્રાણી સમુદાય છે જે બ્રહ્માના દિવસમાં જન્મી જન્મીને બ્રહ્માની રાત્રીમાં અર્થાત્‌પ્રલયમાં લીન થતો રહે છે. જો કે જીવ સમુદાય તો નિત્ય છે. મારો અંશ છે તો પણ કર્મને વશ થઈને સંસાર ચક્રમાં ફસાયો છે. સર્ગ અને પ્રલયમાં, મહાસર્ગ અને મહાપ્રલયમાં પણ તે જ હતો ને આગળ પણ તે જ રહેશે. તેનો અભાવ થવાનો નથી; પરંતુ ભૂલથી તેણે પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ માની લીધો છે ને સંસારી બુદ્ધિથી કર્મો કરી રહ્યો છે. પ્રાકૃત પદાર્થો તો બદલતા રહે છે, નાશ થતા રહે છે પણ તેનો સંબંધ ચાલુ રહે છે. કારણ કે તે તો જીવે માન્યો છે. તેથી પદાર્થ જાય તો પણ સંબંધ જતો નથી અને જીવ તેને પકડીને પ્રકૃતિના પ્રવાહમાં તણાતો જાય છે. જેમ કોઈકને પુત્ર થાય ને તે કદાચ મૃત્યુ પામે તો પણ તેનો પિતા પોતાને પિતાપણાની માન્યતા ચાલુ જ રાખે છે. તેમ પદાર્થો જતા રહેવા છતાં જીવ તેમનો સંબંધ હૃદયથી છોડતો નથી અને ઊલટા નવા નવા સંબંધો પ્રાકૃત પદાર્થો ને વ્યક્તિઓ સાથે જોડતો રહે છે. તેથી પ્રકૃતિ પ્રવાહની સાથે ‘भूत्वा भूत्वा प्रलीयते’ વારંવાર જન્મ ધરી ધરીને મરતો રહે છે. જો કે ભૂત્વા ભૂત્વા એ શરીરને લાગુ પડે છે તો પણ આ જીવ શરીરના સાથે પોતાપણાથી દૃઢપણે જોડાયેલો છે. શરીરને જ પોતાનું રૂપ માની રહ્યો છે તેથી તેને પણ તેની સાથે ઘસડાવું પડે છે. अवश: કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની ઈચ્છા તો નથી. પોતાની મરવાની ઈચ્છા નથી, તેને તો શરીરને પણ મરવા દેવાની ઈચ્છા નથી તો પણ પ્રકૃતિના પ્રવાહને તે રોકી શકનાર નથી. કર્મવશ થઈને તેમાં તણાવાનું જ રહ્યું. બ્રહ્માજીનો દિવસ થતાં સંસારમાં આવે છે ને વળી પાછો રાત્રી થતાં પ્રલય થતાં પ્રકૃતિમાં લીન થાય છે. આમ સતત થયા કરે છે. પ્રાકૃતિક પદાર્થોને, ભાવનાઓને મહત્ત્વ દેવાથી તેને આવું થઈ રહ્યું છે. સંયોગજન્ય સુખ લેવાની ઈચ્છા જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી તેને પરાધીનતા રહેવાની છે.

परस्तस्मात्तु भावोऽन्योेऽव्यक्तोऽव्यक्तात्सनातन:।

य: स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति।।२०।।

अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहु: परमां गतिम्‌।

यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ।।२१।।

અર્થઃ જે અવ્યક્ત ભાવને અક્ષણ એમ કહે છે. અને તેને પરમ ગતિ-પ્રાપ્ય સ્થાન કહે છે. કે જેને પામીને પાછા નથી ફરતા તે મારું પરમ સર્વોત્કૃષ્ટ ધામ છે. ।।૨૦-૨૧।।

तस्मात्‌ अव्यक्तात्‌-अचेतन प्रकृतिरूपात्‌ पुरुषार्थ तथा पर: उत्कृष्ट: भाव:-पदार्थ (પદાર્થમાત્ર) अन्य:-ज्ञानैकाकार तथा तस्मात्‌ विसजातीय: (केनचित्त प्रमाणेन न व्यज्यते इति अव्यक्त: (चेतन-जीवात्मा) स्वसंवेद्य स्वासाधारणाकार इत्यर्थ: सनातन: ऊद्रयीदृ ीहमळि अनर्हतया नित्य: य: सर्वेषु वियदादिभूतेषु-सकारणेषु सकार्येसु विनश्यत्सु तत्र तत्र स्थितो अपि न विनश्यति स: अव्यक्त: अक्षर: इत्युक्त: तं वेदविद: परमां गतिम्‌ आहु: यं पाप्य न निवर्तन्ते तत्‌ मम परमं धाम इति।।

આ બન્ને શ્લોકમાં કૈવલ્ય પ્રાપ્ત થયેલાને પણ પુનરાવૃત્તિ નથી તે બતાવે છે. અઢારમાં શ્લોકમાં अव्यक्त શબ્દથી પ્રકૃતિ બતાવી છે ને વ્યક્તિ શબ્દથી તેમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થો બતાવ્યા છે. હવે તે અવ્યક્‌ત એવી પ્રકૃતિથી પુરુષાર્થપણે શ્રેષ્ઠ એવો પદાર્થ (ચેતન) તે તેનાથી અલગ છે. તે કોઈ પ્રકારોથી પ્રદર્શિત થઈ શકતો નથી. તેથી તેને પણ અહીં અવ્યક્ત બતાવ્યો છે. તે કેવલ સ્વસંવેદ્યપણે જ અભિવ્યક્ત થાય છે. જો એવું પણ ન હોય તો તે શૂન્યમાં ગણાઈ જશે. માટે પ્રકૃતિથી પર એવો બીજો આત્મપદાર્થ છે તે સનાતન છે. તેને ઉત્પતિ વિનાશ નથી, નિત્ય છે. જે સર્વે આકાશાદિ ભૂતો કારણ-કાર્ય સહિત નાશ પામી જાય છે. જ્યારે તેમાં જ નિવાસ કરવા છતાં તે આત્માનો નાશ થતો નથી એવો તે છે. તેથી તેને અક્ષર એવા શબ્દથી બતાવ્યો છે. તે સ્વરૂપને પામીને અર્થાત્‌પ્રકૃતિ સંસર્ગથી વિયુક્ત સ્વસ્વરૂપથી રહેલો એવા આત્મસ્વરૂપને જ્યારે પામી જાય છે ત્યારે ફરી પાછું તેને સંસારમાં આવવું પડતું નથી. કારણ કે તે મારું ધામ છે. અર્થાત્‌નિયમન સ્થાન છે. અચેતન પ્રકૃતિ મારું નિયમન સ્થાન છે અને પ્રકૃતિ સંસૃષ્ટ જીવ પણ મારું નિયમન સ્થાન છે. પ્રકૃતિ સંસર્ગથી જ્યારે વિયુક્ત,મુક્ત થાય છે તો પણ મારું નિયમન સ્થાન છે પણ તે પરમ નિયમન સ્થાન છે એમ જાણવું.

पुरुष: स पर: पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया।

यस्यान्त:स्थानि भूतानि येन सर्वमिदं ततम्‌।।२२।।

અર્થઃ હે પાર્થ ! જેની અંદર આ ભૂત-પ્રાણીમાત્ર રહેલાં છે અને જેણે આ સઘળું વિશ્વ સંકલ્પ માત્રથી વિસ્તાર્યું છે. અથવા જેનાથી વ્યાપ્ત છે. તે પર પુરુષ પરમાત્મા અનન્ય ભક્તિથી જ મળે છે. (બીજો માર્ગ જ નથી.) ।।૨૨।।

હવે પરમાત્માના મહિમા સમજનારા જ્ઞાનીઓને પ્રાપ્ય વસ્તુને બતાવી રહ્યા છે. શ્લોકમાં ‘तु’ કહેવાનો ભાવ એ છે કે તે આગળના ઉપાસકો કરતાં વિશેષ છે. ‘पर: पुरुष:’ કહેવાથી તે સાક્ષાત્‌પરમાત્માને કહે છે કે જે કેવા છે તો જે સમગ્ર જગતને ધારી રહ્યા છે. જેની અંદર સમગ્ર ભૂતો રહેલા છે. અર્થાત્‌જેને આધારે જગત રહ્યું છે અને જે સર્વમાં વ્યાપીને રહ્યા છે. અર્થાત્‌જે સર્વના અંર્તયામી છે અને જે પરમાત્મા અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. બીજા કોઈ સાધનથી તેને પ્રાપ્ત કરી શકાતા નથી. તેવા પરમાત્માની અનન્ય ભક્તિ કરીને તેની આરાધના કરે છે અને તે પરમાત્માને પામીને અપુનરાવૃત્તિને પ્રાપ્ત થાય છે.