ગી.અ-07, શ્લોક 24 to 30

શ્લોક ૨૪-૩૦

ભગવાનના પ્રભાવ તેમજ સ્વરૂપને ન જાણનારાઓની નિંદા અને જાણનારાઓનો મહિમા

अव्यक्तं व्यकितमापन्नं मन्यन्ते मामबुद्धय:।

परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम्‌।।२४।।

અર્થ : મારા અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પરમ ભાવને નહિ જાણનારા બુદ્ધિ વિનાના અબુધ માણસો અવ્યક્ત-અલૌકિક દિવ્યમૂર્તિ એવા મને બીજા મનુષ્ય જેવો વ્યક્તિભાવ પામેલો માને છે. ।।૨૪।।

अव्यक्तं જે મનુષ્યો-अबुद्धय:-બુદ્ધિ વિનાના છે અને જેઓની મારામાં શ્રદ્ધાભક્તિ નથી, તેઓ અલ્પમતિને કારણે મને સાધારણ મનુષ્યની જેમ અવ્યક્તથી વ્યક્ત થવાવાળો અર્થાત્‌પ્રથમ ન હતા ને જન્મ પછી આવ્યા, એવો જન્મવા મરવાવાળો માને છે; પરંતુ મનવાણીને અગોચર, અલૌકિક અમિત સામર્થીએ યુક્ત અને અનવધિ કરુણાથી ભક્તને માટે મનુષ્યાકૃતિ પ્રગટ થયેલો નહિ જાણીને, મારા કરતાં કોઈ ઉત્તમ છે જ નહિ,એવું અહીં જાણી મારું અવતાર લેવાનું તત્ત્વ છે તેને પણ તે નથી જાણતા. તેથી તેઓ મને સાધારણ મનુષ્ય જેવો જાણીને મારી ઉપાસના નથી કરતા; પરંતુ દેવતાઓની ઉપાસના કરે છે.

‘अबुद्धय:’ પદનો એ અર્થ નથી કે તેમનામાં બુદ્ધિનો અભાવ છે; પરંતુ બુદ્ધિમાં વિવેકનો અભાવ છે.અર્થાત્‌ભગવાને વિવેક તો સર્વને આપ્યો છે પણ તેનો સર્વથા ઉપયોગ કરતા નથી. આ જગતના નાશવંત પદાર્થો હોવા છતાં ને જાણતા હોવા છતાં તેને હૃદયપૂર્વક માનતા નથી. આ જ તેઓમાં બુદ્ધિરહિતપણું છે, મૂઢતા છે.

બીજું એ છે કે જાગતિક કામના પ્રથમ ન હતી. પૂરી થયા પછી પણ નાશ થઈ જાય છે. તેની કોઈ પરમાર્થ સત્તા જ નથી તો પણ તેનો ત્યાગ કરી શકતા નથી. એ જ અલ્પબુદ્ધિપણું છે.

મારા સ્વરૂપને ન જાણવાથી તેઓ અન્ય દેવતાઓની ઉપાસનામાં લાગી ગયા અને નાશવંત પદાર્થો કે ભાવોની કામનામાં લાગી જવાથી તે બુદ્ધિહીન મનુષ્યો મારાથી વિમુખ બની જાય છે. કામનાને કારણે તેમનું જ્ઞાન ઢંકાઈ જાય છે, માટે અન્ય દેવતાઓ તરફ ખેંચાય જાય છે. જો તેઓ મને જાણી જાય તો મારું ભજન જરૂર કરત. તેથી આવા ત્રણ પ્રકારના મનુષ્યો થયા-

૧) બુદ્ધિમાન મનુષ્યો તે હોય છે, જેઓ ભગવાનને શરણે જાય છે. તેઓ સર્વોપરી ભગવાનની સત્તાને સ્વીકારે છે, માને છે.

૨) અલ્પમતિવાળા મનુષ્યો તે હોય છે, જેઓ ભગવાનને છોડીને બીજા દેવતાઓને શરણે જાય છે. તેઓ દેવતાઓને ભગવાનથી પણ વિશેષ માને છે અને પોતાથી પણ મોટા માને છે. તેથી તેઓમાં થોડી મમતા અને સરળતા રહે છે.

૩) અબુદ્ધિવાળા મનુષ્યો તે હોય છે જેઓ ભગવાનને દેવતા જેવા પણ નથી માનતા અને સાધારણ મનુષ્ય જેવા માને છે. જે પોતાને ભગવાન કરતાં ઊંચી કોટિના માને છે. (ગી. ૧૬/૧૪-૧૫) આ પ્રકારનું આ ત્રણેમાં અંતર છે.

परं भावमजानन्त: નું તાત્પર્ય-अजोऽपि सन्‌ શ્લોકમાં બતાવેલ પરભાવને ન જાણીને-બુદ્ધિહીન બને છે.

અને अनुत्तमम्‌-કહેવાનો ભાવ એ છે કે જેનાથી ઉત્તમ બીજો કોઈ છે જ નહિ, એવા પરમાત્મા છે. એમ માનવું તે.

नाहं प्रकाश: सर्वस्य योगमायासमावृत:।

मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्‌।।२५।।

અર્થ : કેમકે મારી યોગમાયાથી સમાવૃત થયેલો હું સર્વને નથી ઓળખાતો, માટે જ અજન્મા અને અવિનાશી એવા મને આ મૂઢ-અજ્ઞાની લોક નથી જાણી-ઓળખી શકતા. ।।૨૫।।

नाहं प्रकाश: सर्वस्य: योगमाया समावृत: એવો હું બધાને જેવો છું તેવો જણાતો નથી. ‘अजोऽपि… संभवामि योगमायया। (૪/૬) શ્લોકમાં યોગમાયાનો અર્થ ભગવાનના સ્વતંત્ર સંકલ્પથી ભગવાન અવતરે છે. ‘मायां तु वयुनं ज्ञानम्‌’ માયા શબ્દનો પ્રયોગ જ્ઞાનાર્થમાં પણ થાય છે. તેથી ભગવાન પોતાની સ્વતંત્ર જ્ઞાનશક્તિનો આધાર લઈને અવતાર ધારણ કરે છે. તે તો પરસ્વરૂપ અને અવતારસ્વરૂપમાં સાધારણ છે. मायासमावृत:-ત્યાં પણ છે ને અહીં પણ છે. સ્વતંત્ર જ્ઞાનાદિ શક્તિથી વીંટાયૈલા અથાત્‌યુક્ત અહીં અને ત્યાં પણ છે. માટે અસાધારણ આવરણરૂપ શું છે કે જે અહીં હોય અને ત્યાં ન હોય ! તેનું સમાધાન એ છે કે, ‘मनुष्यादि संस्थान वेश भाषादिकम्‌’ રૂપ યોગમાયા સમાવૃત છે. અર્થાત્‌તે રૂપ પડદાથી ઢંકાયેલા એવા ભગવાન તમામને ભગવાન રૂપે-ઈન્દ્રવાયુ આદિકથી अति कर्माणं અને સૂર્યઅગ્નિથી अति तेजसम्‌ એવી અતિ દેવતાની સામર્થી માનવ સંસ્થાનમાં લઈને આવ્યા હોવા છતાં માનવ જેવું સંસ્થાન-આકૃતિ, વેશ તથા ભાષા વગેરેથી ઢંકાયેલા હોવાથી મૂઢ એવા જીવાત્માઓ જાણતા નથી. પરમાત્માનો અનાદર કરે છે. ભગવાનના અતિદેવતા-પવિત્ર ઈરાદાને તથા મિશનને ઓળખી શકતા નથી. ત્યારે કોઈ કહેશે કે ત્યારે તો તમારો જ વાંક છે. કારણ કે તમે મનુષ્ય સંસ્થાનથી ઢંકાયેલા આવ્યા શા માટે? ત્યારે ભગવાન કહે છે, તેમાં મારો વાંક નથી.

‘अधिगम्यत्वायाऽपाक्षितमनुष्यत्वादिकं दुर्मतिनां परित्याग हेतु: अभूत्‌’ મેં તો તે સહેલાઈથી મને જાણી શકે એટલા માટે અને તેને સુવાણ્ય અને સુખ થાય એટલા માટે મારું અતિમાનુષી સ્વરૂપ ગુપ્ત કરીને તેના જેવો થયો છું. એવો મારો પવિત્ર ઈરાદો છે તો પણ કુમતિ તેનો ઊંધો અર્થ સમજે છે. માટે મૂઢ છે. ભગવાન કહે છે, કાંઈ હું સંપૂર્ણપણે મારો અતિમાનુષી અતિદેવતા સ્વરૂપ ઢાંકીને આવ્યો નથી. કયારેક કયારેક બતાવી પણ દઉં છું; પરંતુ વાદળથી ઢંકાયેલા સૂર્યને ખદ્યોત માની લેવાની તેઓ મૂર્ખાઈ કરે છે.તેમાં સૂર્યનો કે મારો શો વાંક? તાત્પર્ય એ થયું કે જેઓ અહંકાર કે અસત્‌સંગે કરીને મને પોતાના જેવો સમજીને વર્તે છે તેને હું પણ સામાન્યપણે કોઈ વિશેષતા બતાવતો નથી. મારા યથાર્થ સ્વરૂપને પ્રકાશ કરતો નથી પણ જે મારામાં શ્રદ્ધા-વિશ્વાસ રાખે છે તેની સામે તો મારું પરમાત્માપણું જરૂર પ્રગટ કરું છું. ભગવાનની યોગમાયા-વિચિત્ર, વિલક્ષણ અને અલૌકિક છે. મનુષ્યોને ભગવાન પ્રત્યે જેવો ભાવ હોય છે, તેને અનુસાર જ તેઓ ભગવાનને દેખે છે. જેવા વાસ્તવમાં ભગવાન છે, તેવા યથાર્થ તો કોઈ દેખતા જ નથી. જેમ કે ભાગવતમાં બતાવ્યું છે કે,

मल्लानामशनिर्नृणां नरवर: स्त्रीणां स्मरो मूर्तिमान्‌।

गोपानां स्वजनोऽसतां क्षितिभूजां शास्ता स्वपित्रो: शिशु:।।

मृत्युर्भोजपते विशऽविदुषां तत्त्वं परं योगिनाम्‌।

वृष्णीनां परदेवतेति विदितो रङ्गं गत: साग्रज:। (१०-४३-१७)

मूढोऽयं नाभिजानाति…

મૂઢ એવા મનુષ્યો મને જાણતા નથી. હું માણસ સજાતિ થયો હોવા છતાં માણસ જેવો નથી, સદા અજન્મા છું. તે અસાધારણતા અખંડ જાળવીને અવતાર લઉં છું. હું અવ્યયાત્મા રહીને અંતર્ધાન થઈ જાઉં છું. મારી ગતિને લોકો માપી શકતા નથી. હું કેવળ પ્રગટ થવાની અને અંતર્ધાન થવાની લીલા કરું છું. જેઓ મને આવી લીલાઓ કરવા છતાં પણ સાચા સ્વરૂપમાં ઓળખી જાય, તે અસંમૂઢ છે. (ગી. ૧૦/૩, ૧૫/૧૯) જેઓ મને સાધારણ પ્રાણધારીઓની જેમ જન્મ-મરણ ધર્મવાળો સમજે છે તે મૂઢ છે.(ગી. ૯/૧૧) ભગવાનને અજ અને અવિનાશી ન માનવાનું મુખ્ય કારણ પોતાની દેહભાવના-અહંકાર ભાવના છે. મુક્તાનંદ કહે ‘હરિ હરિજનની ગતિ છે ન્યારી, પણ દેહદર્શી દેખે એને પોતા જેવા સંસારી’ એમ મુક્તાનંદ સ્વામીએ બતાવ્યું છે. જો જીવ સર્વથા ભગવાનને શરણે થઈ જાય તો તે ભગવાનને જાણી લે છે. ‘सवेद धातु: पदवीं परस्य रथाङ्गपाणे:

दैवी ह्येषागुणमयी मम माया दुरत्यया।

मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।

જીવ ભગવાનને નહિ જાણવામાં બે કારણ છે. એક તો જીવને મોહનો પડદો છે, હું મારી યોગમાયાથી-મનુષ્ય નાટકથી છુપાયેલો છું. માટે મને જાણી શકતા નથી.

वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन।

भविष्याणि च भूतानि मां तु वेद न कञ्चन।।२६।।

અર્થ : હે અર્જુન ! ભૂતકાળમાં થઈ ગયેલાં. વર્તમાન સમયમાં રહેલાં અને ભવિષ્યકાળમાં થનારાં, એ સર્વ ભૂત-પ્રાણી માત્રને હું જાણું છું, પણ મને તો કોઈ જાણતો જ નથી. ।।૨૬।।

वेदाहं समतीतानि... मां तु वेद न कश्चन અહીં ભગવાને પોતાને માટે ‘अहं वेद’ કેવળ વર્તમાનકાળનો પ્રયોગ કર્યો છે. એનું તાત્પર્ય એ છે કે ભગવાનની દૃષ્ટિમાં ભૂતકાળના પ્રાણી હોય, ભવિષ્યકાળના પ્રાણી હોય અથવા વર્તમાન કાળના હોય-તમામ વર્તમાન જ છે. ભગવાન બધાને જાણે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળ તો પ્રાણીઓની દૃષ્ટિએ છે, ભગવાનની દૃષ્ટિએ નહિ. ભગવાનનું જ્ઞાન અસીમ છે. જો કોઈ સિદ્ધયોગી હોય તો પણ ગમે તે કાળની વસ્તુ, ઘટનાને સદાસર્વદા વર્તમાન પ્રત્યક્ષ કરી શકે છે. તો ભગવાન તો અનાદિ સિદ્ધયોગી છે. તેવું કહેવું પણ ભગવાન માટે થોડું છે. તેથી તેને તો ‘यो वेत्ति युगपत्‌ सर्वे प्रत्यक्षेण सदा स्वत:’ એવા છે તે એક क्षणावच्छिन्न તમામ જગતને જાણે છે. કોઈ પણ પ્રાણીની તાકાત નથી કે ભગવતાની દૃષ્ટિથી ક્ષણ માત્ર ઓઝલ થઈ શકે.

ભગવાન કહે છે મને કોઈ જાણતું નથી. જેમ ઘરની બારીમાં એવા કાચ લગાવ્યા હોય તો અંદરથી બહાર દેખાય બહારથી અંદર કોઈ જોઈ ન શકે. તેમ ભગવાને માયાનો પડદો રાખ્યો છે, તેથી તે બધાને જોઈ શકે, તેને કોઈ જોઈ શકતું નથી.

અહીં એક શંકા થાય છે કે ભગવાન ત્રિકાળનું જાણે છે, ત્યારે તો ભવિષ્યમાં કોને બંધન થવાનું છે, કોની મુક્તિ થવાની છે, તે પણ જાણી લેશે. હવે જ્યારે ભગવાન જાણે કે આની મુક્તિ થશે તો તેની તો મુક્તિ થશે જ. પણ ભગવાન જાણે છે કે આને બંધન રહેશે તે તેને સદાકાળ બંધન રહેશે. કારણ કે ભગવાનનું જ્ઞાન છે તેને કોઈ અન્યથા કરી ન શકે. તો તેનું સમાધાન એ છે કે ભગવાને પોતાના તરફથી મનુષ્ય જન્મ આપ્યો છે. હવે આ જન્મમાં મનુષ્યો પોતાનો ઉદ્ધાર કરી લે અથવા પતન કરે તે જીવના પોતાના ઉપર નિર્ભર રહે છે. (૭/૨૭) તેના ઉદ્ધાર અથવા પતનને ભગવાન જાણે છે, છતાં તેનો નિર્ણય ભગવાન નથી કરતા તેનો નિર્ણય કરવા જીવને ભગવાને સ્વતંત્રતા આપી છે. તેમાં ભગવાન કે તેમનું જ્ઞાન વચ્ચે બાધરૂપ થતું નથી.

ભગવાને મનુષ્ય માત્રને વિવેક અને ઉદ્ધારની પૂરી સામગ્રી આપીને કહ્યું છે કે તું પોતાનો ઉદ્ધાર કરી લે. મારી કૃપા તારી સાથે છે. તારે તો નિમિત્ત માત્ર બનવાનું છે. मयानुकूलेन नभस्वतेरितं पुमान्‌ भवाब्धिं न तरेत्‌ स आत्महा (भा. ११-२०-१७) આવો અમૂલ્ય સાજ પામીને જે પોતાનો ઉદ્ધાર-આત્મકલ્યાણ નથી સાધી લેતો; તે પોતાના આત્માની હત્યા કરે છે. ભગવાને આપેલી સામગ્રીને સદુપયોગ કરી લેવો-જો દુરુપયોગ ન કરીને સદુપયોગ કરી લે તો તેનું જરૂર કલ્યાણ થાય છે. ભગવાન તેના અનંત જન્મનાં કર્મો અને અપરાધો માફ કરી દે છે.

इच्छाद्वेष समुत्थेन द्वन्द्वमोहेन भारत।

सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परंतप।।२७।।

અર્થ : કારણ કે હે ભારત ! આ સૃષ્ટિમાં રહેલાં સર્વભૂત-પ્રાણીમાત્ર ઈચ્છાઓ અને દ્વેષથી ઉદ્‌ભવતા શોક-મોહાદિક દ્વન્દ્વમાં ફસાવાથી હે પરન્તપ ! અત્યન્ત મોહ-સંભ્રમ પામે છે. (તેથી જ મને નથી જાણી શકતાં.) ।।૨૭।।

इच्छाद्वेषसमुत्थेन… सर्गे यान्ति परंतप માણસ જ્યારે ઈચ્છા (રાગ) કે દ્વેષને રાખે ત્યારે સામા માણસને પણ યથાર્થ ઓળખી શકતો નથી અને ભગવાનને તો બિલકુલ ઓળખી શકતો નથી. ભગવાન કહે છે.‘मां तु वेद न कश्चन’ મને ઓળખીને જીવ મારે શરણે થતો નથી. તેનું કારણ જીવના હૃદયમાં રાગ-દ્વેષ પડયા છે તે છે. જ્યારે ઈચ્છા (રાગ)ને માણસ ધારણ કરે છે,પછી તે જો પૂરી કરે તો સામેની વ્યક્તિ સારી ન હોય તો પણ સારી બની જાય છે. પૂરી ન કરે તો સારી હોય તો પણ ખરાબ દેખાવા લાગે છે. દ્વેષનું ઊલટું છે. ઈચ્છા અને દ્વેષ સામી વ્યક્તિના પવિત્ર ઈરાદાને અથવા પવિત્ર મિશનને તે તે રૂપે ઓળખી શકતા નથી. ખુદ અર્જુન પોતાનો આગ્રહ હોવાથી ભગવાનની વાત માની શકતા નથી ને ભગવાનને યથાર્થ ઓળખી શકતા નથી. શ્રીજી મહારાજના સમયમાં પણ દિનાનાથ ભટ્ટ, નિર્વિકલ્પાનંદજી, કીડી સખી વગેરે રાગદ્વેષને લઈને મહારાજને, મહારાજના ઈરાદાને, મહારાજના મિશનને સમજી શક્યા નથી. ઊલટા નબળા ઈરાદાવાળા મહારાજને જાણ્યા છે. તે કેવળ ‘ઈચ્છા’ દ્વેષને કારણે જ એવું થયું છે. કામના અથવા અહંકારમાંથી ઈચ્છા-દ્વેષ જન્મે છે. તેમાંથી મારું-તારું, સારું-ખરાબ વગેરે દ્વન્દ્વો ઊભા થાય છે. તેમાંથી આ જીવ જન્મ મરણની સંસૃતિમાં ચાલ્યો જાય છે. ભગવાન તેને સંસૃતિથી બહાર કાઢવા અહીં આવ્યા છે તો પણ તેની સામે જ તે સંસૃતિમાં તણાઈને ચાલ્યો જાય છે. ખુદ ભગવાન પણ જ્યાં સુધી તે પોતાનામાં રાગદ્વેષ રાખીને રહે છે ત્યાં સુધી કાંઈ કરી શકતા નથી. મનુષ્યે સંસારથી વિમુખ થઈને કેવળ ભગવાનમાં લાગવાની જરૂર છે. મનુષ્ય શરીર વિવેકપ્રધાન છે. તેથી મનુષ્યની પ્રવૃત્તિ અને નિવિૃત્ત કેવળ પશુ-પક્ષીઓની જેમ ન થઈને વિશુદ્ધ વિવેકને અનુસારે થવાં જોઈએ. જ્યારે મનુષ્ય પોતાના વિવેકને પ્રધાનતા ન આપી રાગદ્વેષને જ પ્રધાનતા આપીને તેને અનુસારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે. જેનાથી તેનું પતન થાય છે.

મનુષ્યની બે પવિત્ર મનોવૃત્તિઓ છે. એક પરમાત્મામાં જોડાવું અને સંસારથી પોતાની વૃત્તિ હઠાવવાની. અર્થાત્‌પરમાત્મા સાથે પ્રેમ કરવો અને સંસારથી વૈરાગ્ય કરવાનો છે; પરંતુ આ બન્ને વૃત્તિઓને મનુષ્ય કેવળ સંસારમાં જ જોડી દે છે, ત્યારે તે જ પ્રેમ અને વૈરાગ્ય ક્રમશઃ રાગ અને દ્વેષના રૂપ ધારણ કરી લે છે. જેનાથી જીવ સંસારમાં ફસાઈ જાય છે અને ભગવાનથી વિમુખ થઈ જાય છે. જો ખુદ ભગવાન સાથે તો રાગ કે દ્વેષ થઈ જાય તો તેનો ઉદ્ધાર થઈ જાય છે. ગોપીઓને ભગવાનમાં રાગ થઈ ગયો. તે રાગ પણ કલ્યાણ કરવાવાળો થઈ ગયો. શિશુપાળને ભગવાન સાથે દ્વેષ થયો તે દ્વેષપૂર્વક ભગવાનનું ચિંતન કરવાથી પણ તેનું કલ્યાણ થયું. કંસને ભગવાનનો ભય હતો તેથી ચિંતવન થયું તો તેનું પણ કલ્યાણ થયું. આમ કોઈ પણ રીતે ભગવાનમાં આકર્ષણ થઈ જાય તો તેનો ઉદ્ધાર થઈ જાય છે. સંસારમાં રાગદ્વેેષ, સારું ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ વિગેરે દ્વન્દ્વ થવાથી મૂઢતા જ થાય છે. તેથી ભગવાન કહે છે કે, ‘દ્વન્દ્વમોહેન’ અને તેનાથી મનુષ્યનું પતન જ થાય છે. વળી સંસારનો સંબંધ દ્વન્દ્વથી દૃઢ થઈને વધતો જ જાય છે. તેથી ગીતામાં દ્વન્દ્વ છોડવાની વાત અનેકવાર આવી છે.

જીવને જન્મ-મરણમાં જવાનું કારણ શું છે? તો શાસ્ત્રની દૃષ્ટિએ જન્મ-મરણનું કારણ અજ્ઞાન છે પણ સંતોનો અભિપ્રાય જોવામાં આવે તો જન્મ-મરણમાં ખાસ કારણ રાગ અને રાગને કારણે પ્રાપ્ત પરિસ્થિતિનો દુરુપયોગ છે. પ્રાપ્ત પરિસ્થિતિનો ઉપયોગ ભગવાનને અર્થે ન કરતાં દુરુપયોગ કરીને અનેકવાર દેવતા મનુષ્ય કે તિર્યક યોનિને અને નરકને પણ પામ્યો છે.

પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરવાથી મોહ દૂર થાય છે. તેનો સદુપયોગ કેવી રીતે કરવો? તો પોતાના સ્વાર્થમાં ઉપયોગ ન કરવાનો નિર્ણય કરીને ભગવાન કે ભગવાનના .સાચા સંત, ભક્તની સેવામાં કરવાથી તેનો મોહ દૂર થઈને તે ભગવાનને પામે છે. પ્રાપ્ત સામગ્રીનો દુરુપયોગ ન થાય અને સદુપયોગ અર્થાત્‌ભગવાન અને ભગવાનના સંત-ભક્તની સેવામાં ઉપયોગ થાય, ત્યારે સાંસારિક ક્રિયાઓ પણ ભગવાનને પામવાનું સાધન બની જશે.

येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम्‌।

ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढवृता:।।२८।।

અર્થ : પરંતુ જે પુણ્યશાળી જનોના તો પાપ લગભગ નષ્ટપ્રાય થઈ ગયાં છે, તે પુરુષો જ દૃઢવ્રત થઈને સુખ-દુઃખાદિક દ્વન્દ્વભાવ રૂપ મોહમાં નહિ ફસાતાં મને જ ભજે છે. ।।૨૮।।

येषां त्वन्तगतं..ઈચ્છા અને દ્વેષ જેમને ખૂબ ઘાટા થઈ ગયા છે તે તે દ્વન્દ્વના મોહથી ભજન કે ભગવાનની શરણાગતિ નથી કરતાં. જેઓ મોહમાં નથી પડયા, તે ભજન કરે છે. ભજન ન કરવાવાળાની અપેક્ષાએ ભજન કરવાવાળાની વિલક્ષણતા બતાવવા અહીં ‘तुं’ પદ આવ્યું છે.

જે મનુષ્યોને ‘અમારે આ દેહને અંતે પરમાત્મા પાસે, મહારાજ પાસે અક્ષરધામમાં પહોંચવું છે.’ એવો જીવનનો ઉદ્દેશ્ય દૃઢપણે કરી લીધો છે અને આ મનુષ્ય શરીર ભોગ ભોગવવાને માટે નથી પણ ભગવાનની કૃપા મેળવવા માટે જ છે. એવું જેણે દૃઢપણે નક્કી કરી લીધું છે, તે મનુષ્યો જ ‘પુણ્યકર્મા’ છે. તેનું તાત્પર્ય એ થયું કે, મનુષ્યને પોતાના જીવનના આવા ઉદ્દેશ્ય કે ધ્યેય સંબંધી દૃઢપણે નિર્ણય લઈ લેવાથી જે શુદ્ધિ થાય છે, પવિત્રતા થાય છે, તે યજ્ઞ, દાન, તપ વગેરે ક્રિયાઓથી નથી આવતી. કારણ કે આવો નિશ્ચય પોતાનામાં અર્થાત્‌પોતાના હૃદયમાં, અંતરમાં થાય છે, જ્યારે યજ્ઞાદિ ક્રિયાઓ બહાર થાય છે.

येषां अन्तगतं पापम्‌ કહેવાનો ભાવ એ છે કે જ્યારે સાધકે નિર્ણય લઈ લીધો છે કે મારે હવે ભગવાન પાસે જ પહોંચવું છે. બીજે કયાંય રસ્તામાં રોકાવું નથી. ત્યારે ભગવાનની સન્મુખતા થવાથી વિમુખતા દૂર થઈ જાય છે. ત્યારે પાપોની જડ જ કપાઈ જાય છે. કારણ કે ભગવાનથી વિમુખપણું તે જ પાપોનું મૂળ છે. જ્યારે ભગવાન સન્મુખ થાય છે ત્યારે પાપોનું મૂળ દૂર થઈ જાય છે અને ભગવાન લક્ષ્ય થવાથી તેના હૃદયમાં ભગવાન બિરાજે છે ત્યારે धुनोति सर्वं हृदि संन्निविष्ट (भा. ११-५-४२) ભગવાન તેના સર્વ પાપનો નાશ કરી નાખે છે. તે द्वन्द्व मोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रता:।।

પુણ્યકર્મા લોકો દ્વન્દ્વરૂપી મોહથી મૂકાઈને, દૃઢવ્રતી બનીને ભગવાનનું ભજન કરે છે. મનુષ્યનો એક જ પારમાર્થિક ઉદ્દેશ્ય પાકો બની જાય તો તમામ દ્વન્દ્વો દૂર થઈ જાય છે. સાંસારિક દ્વન્દ્વો પણ દૂર થઈને તેનો રસ્તો ચોખ્ખો અને દ્વિધારહિત બની જાય છે.

શાસ્ત્રોમાં, સત્સંગમાં પણ એ વાત આવે છે કે પાપી મનુષ્યો ભગવાનમાં બહુધા લાગી શકતા નથી; પરંતુ એ સામાન્ય નિયમ અને માન્યતા છે. જો કોઈ કારણોસર તેમને ભગવાન પ્રત્યે અનન્યતા થઈ ગઈ તો ગમે તેટલાં પાપો તેને ભગવાનથી વિમુખ કરી શકતા નથી. જો સાચી અનન્યતા આવે તો તેના તમામ પાપો જલ્દીમાં જલ્દી છૂટી જાય છે. ‘क्षिप्रं भवति धर्मात्मा’ (૯/૩૧) અન્ય યોનિમાં (ભોગ યોનિથી) પાપો નષ્ટ થવા છતાં પણ સ્વભાવ સુધરી જાય-એવો નિયમ નથી. કારણ કે ચોરાશી લાખ યોનિઓ અને નરક ભોગવતાં પાપો ખતમ થાય જ છે; પરંતુ તેણે કરીને સ્વભાવ નથી સુધરતો. જ્યારે મનુષ્ય યોનિમાં પાપ રહેવા છતાં પણ સાધકનો સ્વભાવ સુધરી શકે છે. એટલી વિશેષતા છે. જેમ કે-પાપોના રહેવાથી તેમના ફળરૂપે પ્રતિકૂળ પરિસ્થિતિ(બીમારી વગેરે) આવે છે; પરંતુ સત્સંગથી, સાધનપરાયણતાથી અહંકાર પરિવર્તનથી ભજન નથી થઈ શકતું અથવા ભગવાનથી નજદીક નથી થઈ શકાતું. કારણ કે જૂનાં પાપો કેવળ પ્રતિકૂળ પરિસ્થિતિરૂપે ફળ આપવા માટે હોય છે. પ્રતિકૂળ ફળ આપી શકે છે. સાધકની જો ઈચ્છા હોય તો ભગવાનથી દૂર રાખી ન શકે, કે ભજન બંધ ન કરાવી શકે. પ્રતિકૂળ પરિસ્થિતિ આપીને તે પાપો છૂટી જાય છે. જો એવું માની લેવામાં આવે કે પાપોને કારણે જ ભજન નથી થતું તો ‘अपि चेत्‌ सुदुराचारो भजते मां अनन्यभाक्‌ (ગી. ૯/૩૦) એમ વિધાન કરવું બની ન શકે. પાપોને કારણે જો ભજન ધ્યાનમાં વિઘ્ન આવી જાય, તો મોટી મુશ્કેલી થઈ જશે. કેમ કે પાપ વિનાનું કોઈ પ્રાણી છે જ નહિ. નાનું મોટું પાપ પુણ્યશાળી દેહધારીને પણ રહેવાનું જ. કારણ કે પાપપુણ્ય સાથે મળીને જ મનુષ્ય શરીર મળે. ત્યારે જ્યાં સુધી અલ્પ પણ પાપ હશે તો ભગવાનથી અંતરાય રાખશે. માટે એવું માનવું સાધકને માટે સાચું નથી. માટે સાધકની ઈચ્છાઓ હોય તો જૂનાં પાપો ભજનમાં વિઘ્નરૂપ થઈ શકતા નથી. માટે સાધક દૃઢતાથી જો ભગવાનમાં લાગી જાય તો જૂનાં પાપો પણ નષ્ટ થઈ જાય છે.

સકામ પુણ્યકર્મોનું પ્રાધાન્ય થવાથી જીવો સ્વર્ગમાં જાય છે અને પાપકર્મોનું પ્રાધાન્ય થવાથી જીવો નરકમાં જાય છે; પરંતુ ભગવાનની દયાનું પ્રાધાન્ય થવાથી જીવને મનુષ્ય દેહ મળે છે. તે ભગવદ્‌પ્રાપ્તિને માટે જ ભગવાન આપે છે. ખરેખર મનુષ્ય શરીર ભોગયોનિ નથી અને કર્મયોનિ પણ ન ગણવી જોઈએ. તે તો સાધનયોનિ ગણવી જોઈએ. અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પરિસ્થિતિઓને ભગવાનના માર્ગની સાધન સામગ્રી બનાવવી જોઈએ. જો સાધક ધારે તો તે પણ થઈ શકે છે ને મનુષ્ય શરીરથી ભગવાનને પામે છે.

जरामरण मोक्षाय मामाश्रित्य यतन्ति ये।

ते ब्रह्म तद्विदु: कृत्स्नमध्यात्मं कर्म चाखिलम्‌।।२९।।

અર્થ : આ પ્રમાણે જરા-મરણાદિક સંસૃતિના કલેશોથી મુકાવાને માટે મને આશરીને જેઓ પ્રયત્ન કરે છે, તેઓ જ તે બ્રહ્મને જાણે છે અને સમગ્ર અધ્યાત્મ તત્ત્વને તેમજ કર્મના સઘળા તત્ત્વને પણ જાણે છે. ।।૨૯।।

जरामरण मोक्षाय અહીં જરા (વૃદ્ધાવસ્થા) અને મરણથી મુક્તિ પામવાનું તાત્પર્ય એ નથી કે બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મને જાણી લેવાથી વૃદ્ધાવસ્થા નહિ આવે અને શરીરનું મૃત્યુ નહિ થાય. એનું તાત્પર્ય એ છે કે બોધ થયા પછી પણ શરીરમાં આવવાવાળી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તો આવશે જ; પરંતુ એ બન્ને અવસ્થાઓ તેને દુઃખી નહિ કરી શકે. જરા, મૃત્યુ વગેરે શરીરના વિકારોથી તેનો સંબંધવિચ્છેદ કરી દેશે.

જેવી રીતે કોઈ યુવાન પુરુષ હોય તેને અત્યારે ન વૃદ્ધાવસ્થા છે અને ન મૃત્યુ છે. આથી તે જરા-મરણથી અત્યારે મુક્ત છે; પરંતુ વાસ્તવમાં તે જરા-મરણથી મુક્ત નથી. કારણ કે શરીરની સાથે જ્યાં સુધી માનીનતાથી જોડાયેલો છે, ત્યાં સુધી જરા-મૃત્યુ દૂર હોવા છતાં તેનાથી રહિત થઈ શકતો નથી. જ્યારે જે જીવન મુક્ત છે તે કદાચ અવસ્થાએ જરાયુક્ત હોય તો પણ તે શરીરના સાથે માન્યતાના સંબંધથી રહિત હોવાથી જરા-મરણથી મુક્ત થયા છે. આથી જરામરણથી મુક્ત થવાનું તાત્પર્ય છે-જેને જરા અને મરણ લાગુ પડે છે, એવા પ્રકૃતિના કાર્યરૂપ શરીર સાથેથી સંબંધ વિચ્છેદ કરવો. જ્યારે મનુષ્ય શરીરની સાથે તાદાત્મ્ય માની લે છે(આ શરીર તે હું જ છું.) ત્યારે શરીરના વૃદ્ધ થવાથી ‘હું વૃદ્ધ થઈ ગયો’ અને શરીરના મરવાને લીધે મરી જઈશ એવું માને છે. આ માન્યતા શરીર હું છું અને શરીર મારું છે. એના ઉપર જ ટકેલી છે. તેનો ત્યાગ કરવાથી જરા-મરણથી મુક્ત થવાય છે. કેમ કે શરીરની સાથે માનેલો સંબંધ જ વાસ્તવમાં જન્મનું કારણ છે.-कारणं गुणसङ्गोेऽस्य सदसद्योनि जन्मस (ગી.૧૩/૨૧)

અહીં ‘मामाश्रित्य यतन्ति ये’ વાક્યમાં આશ્રય લેવો અને યત્ન કરવો. એ બે વાતોને કહી છે. તેનું તાત્પર્ય એ છે કે મનુષ્યો જો પોતે યત્ન કરે છે તો સાથે સાથે અભિમાન પણ કરે છે કે, ‘મેં આમ કર્યું તેથી આમ થઈ ગયું’ અને જો સર્વ કાંઈ ભગવાન ઉપર નાખી દે તો આળસ અને પ્રમાદમાં તથા સંગ્રહ અને ભોગમાં લાગી જાય છે. એટલા માટે બે વાતો બતાવી કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ પણ કરવો અને ઉદ્યોગની સફળતામાં ભગવાનને કારણ માનવા. ભગવાનની કૃપાનો આશ્રય લેવાથી અને પોતાના બળનું અભિમાન ન કરવાથી ભગવાનના સમગ્રરૂપને જાણી શકાય છે. ભગવાન સમગ્રપણે જણાય છે. જેઓ ભગવાનનો આશ્રય ન લઈને પોતાના કલ્યાણ માટે ઉદ્યોગ કરે છે, તેને સાધન અનુસાર ભગવાનના સ્વરૂપનો બોધ તો થાય છે પણ સમગ્રરૂપનો બોધ થતો નથી. એવી વિલક્ષણતા બતાવવા ભગવાને ‘मामाश्रित्य यतन्ति ये’ બતાવ્યું છે.

એ રીતે તે પરોક્ષ બ્રહ્મતત્ત્વને પણ જાણી લે છે ‘ते ब्रह्म तद्‌ विदु: અને સંપૂર્ણ અધ્યાત્મ તત્ત્વને પણ જાણી લે છે. અર્થાત્‌આત્મા શરીરથી અલગ છે. તેને તત્ત્વથી જાણી લે છે. અર્થાત્‌અનુભવ કરી લે છે. ભગવાનના આશ્રયથી સાધકનો જ્યારે ક્રિયાઓ અને પદાર્થોથી સંબંધ વિચ્છેદ થાય છે, ત્યારે તે અધ્યાત્મતત્ત્વને અર્થાત્‌પોતાના સ્વરૂપને યથાર્થપણે જાણી લે છે, અનુભવ કરી લે છે. એટલું જ નહિ પણ સ્થાવર જંગમ તમામ પ્રાણીઓના શુદ્ધ સ્વરૂપને જાણી લે છે.

તેઓ સઘળા કર્મોના વાસ્તવિક સ્વરૂપને પણ જાણી લે છે. ‘कर्म चाखिलं विदु:’ તેનું તાત્પર્ય એ છે કે કર્તૃત્વ અને ફલાસક્તિથી રહિત થઈને કરવાથી તે કર્મ મનુષ્યને બાંધવાવાળું નથી થતું. તે કર્મ પોતાને ફળજનક નથી થતું. તે કર્મોની સાથે પોતાને કોઈ સંબંધ રહેતો નથી. એ રીતે કર્મ સાથે નિર્લિપ્તતાનો અનુભવ કરી લેવો, તેને જ અખિલ કર્મને જાણવું કહેવામાં આવે છે. જેઓ અનન્યભાવે ભગવાનનો આશ્રય લે છે, તેને પ્રાકૃતક્રિયાઓ સાથે સંબંધ છૂટી જાય છે. તેથી કર્મો સાથે સંબંધ સંપૂર્ણપણે છૂટી જાય છે. તેને જ અખિલ કર્મ જાણ્યું ગણાય છે.

साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदु:।

प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतस:।।३०।।

અર્થ : અને આ રીતે અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞે સહિત મને જેઓ જાણે છે. તો તેઓ મારામાં ચિત્ત જોડાયેલું હોવાથી, પ્રયાણ કાળમાં પણ મને જ જાણે છે-મને જાણીને મનેજ પામે છે. ।।૩૦।।

અહીં ‘અધિભૂત’ નામ ભૌતિક સ્થૂળ સૃષ્ટિનું છે. જેમાં તમોગુણનું પ્રાધાન્ય છે. જેટલી પણ ભૌતિક સૃષ્ટિ છે. તેની કોઈ સ્વતંત્ર સત્તા નથી. છતાં ભૌતિક સૃષ્ટિ સત્ય દેખાય છે. તે પરમાત્માના સ્વરૂપને લીધે દેખાય છે. જેમ બરફની સત્તા જળ સત્તા વિના હોઈ શકતી નથી. તેમ પરમાત્માની સત્તાને આધારે જગત સત્તા રહેલી છે. એમ જાણીને સ્થૂળ સૃષ્ટિમાં પણ પરમાત્માનું દર્શન કરવું તેને ‘અધિભૂત’ સહિત ભગવાનને જાણ્યા ગણાય.

‘અધિદૈવ’ એટલે સૃષ્ટિથી રચના કરવાવાળા હિરણ્યગર્ભ બ્રહ્માજી છે. જેનામાં રજોગુણનું પ્રાધાન્ય છે. બ્રહ્માજીની સત્તા અને શક્તિ પરમાત્માને આધારે છે. પરમાત્માના આધાર સિવાય બ્રહ્માજી કશું જ કરી ન શકે, તેમ જાણવું તે ‘અધિદેવ’ સહિત ભગવાનને જાણ્યા કહેવાય.

‘અધિયજ્ઞ’ એટલે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. જે અંતર્યામીરૂપે સમગ્ર સૃષ્ટિમાં રહયા છે. જે સત્ત્વના દેવતા છે. તે જ ભગવાન (પરમાત્મા) બધામાં પરિપૂર્ણ સ્વરૂપે રહ્યા છે. તેમ જાણવું, તે અધિયજ્ઞ સહિત ભગવનાનું સ્વરૂપ જાણ્યું ગણાય.

આ ત્રણે સ્વરૂપો પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપમાં જોવા અથવા ત્રણેમાં પ્રત્યક્ષ પરમાત્માને જોવા, એમ જોવાથી અંતકાળે પણ-દેહ છોડવા સમયે પણ-અંતકાળની પીડા તેને વિચલિતચિત્ત કરી શકતી નથી. તેઓ યુક્તચિત્તવાળા રહીને ભગવાનમાં અવિચલપણે સ્થિતિવાળા રહે છે અને ભગવાનને પામે છે.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો જ્ઞાનવિજ્ઞાનયોગ નામે સાતમો અધ્યાય સંપૂર્ણ