શ્લોક ૦૧-૦૬
સાંખ્યયોગ અને કર્મયોગનો નિર્ણય
અર્જુન બોલ્યા
संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि।
यत्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्।।१।।
અર્થઃ હે કૃષ્ણ ! તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો; તો આ બન્નેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય, તે કહો.
संन्यासं कर्मणां कृष्ण-કૌટુંબિક સ્નેહને (મોહને) કારણે અર્જુનના મનમાં યુદ્ધ ન કરવાનો ભાવ પેદા થઈ ગયો હતો. મોહનો એવો સ્વભાવ છે કે તે પોતાના આત્મકલ્યાણથી વિરુદ્ધ ચેષ્ટાઓ કરાવે. એને જ તો સાચે મોહ કહેવાય છે. પોતાના રાગનું સમર્થન થાય એટલા માટે અર્જુને પહેલા અધ્યાયમાં ભગવાન સામે કેટલાક તર્ક અને શાસ્ત્રીય યુક્તિઓ પણ રાખી હતી. તેમણે યુદ્ધ કરવું એને પાપ બતાવ્યું. (अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् ૧-૪૫) તેઓ યુદ્ધ ન કરીને ભિક્ષાના અન્ન વડે (પવિત્ર માધુક્રી) નિર્વાહ કરવાનું શ્રેષ્ઠ સમજવા લાગ્યા (श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोको ૨-૫ અને તેમણે નિશ્ચય કરીને ભગવાનને સ્પષ્ટ કહી દીધું કે હું કોઈ પણ સ્થિતિમાં યુદ્ધ નહિ કરું. (न योत्स्ये ૨-૯)
ઘણું કરીને વક્તાના કે ઉપદેષ્ટાના શબ્દોનો અર્થ શ્રોતા પોતાના અંદરના રાગ કે આસક્તિને અનુસારે કરતા હોય છે. પોતાના હૃદયમાં ઊંડે ઊંડે ચોટેલો રાગ ગમે ત્યાંથી વકતાના શબ્દોમાં તિરાડ ગોતીને જગ્યા કરી લેતો હોય છે. અહીં પણ એ જ બની રહ્યું છે. સ્વજનોને જોઈને અર્જુનના હૃદયમાં જે મોહ પેદા થયો. તેને અનુસાર તેમને યુદ્ધરૂપ કર્મ (પોતાના કર્તવ્યકર્મના ત્યાગ)ની વાત ઉચિત પ્રતીત થવા લાગી. તેથી પોતાના મોહને ખંડિત થયા વિના ભગવાનના શબ્દોનું કે શાસ્ત્રોના વાક્યોનું રક્ષણ મળી જાય તો પોતાનો મોહ અથવા અંતરનો રાગ પ્રમાણિત થઈ જાય. તેવા ઘણા પ્રયત્ન કર્યા પણ ભગવાન ઘણા ચકોર છે. અર્જુનની દલીલો ઘણી જ શાસ્ત્ર પ્રમાણિત છે.હવે તેને કૃષ્ણ પ્રમાણિત પણ કરવા માગે છે; પરંતુ ભગવાન તેના રાગને પણ દેખનારા છે. નહિ તો ભગવાને તેને અનુમોદન આપી દીધું હોત. અત્યારે અર્જુન ભગવાને કહેલ જ્ઞાનની પ્રશંસાને પોતાના માનસિક ભાવમાં સમજી રહ્યા છે કે, ભગવાને જે જ્ઞાનની પ્રશંસા કરી છે, તે જ્ઞાનયોગ-કર્મસન્યાસ-કર્મ ઉપશમની કરી રહ્યા છે હકીકતમાં એવું નથી. જેની સ્પષ્ટતા આગળ થઈ છે.
पुनर्योगं च शंससि-ચોથા અધ્યાયના આડત્રીસમા શ્લોકમાં ભગવાને કર્મયોગીને બીજા કોઈ સાધન વિના અવશ્યમેવ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થવાની વાત કહી છે. (तत्त्स्वयं योगसंसिद्ध: कालेनात्मनि विन्दति) તેને લક્ષ્ય બનાવીને અર્જુન ભગવાનને કહી રહ્યો છે કે કયારેક તો આપ જ્ઞાનયોગની પ્રશંસા કરો છો (૪/૩૩) અને કયારેક તો કર્મયોગની પ્રશંસા કરો છો.
यत्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् આવો જ પ્રશ્ન બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં પણ કર્યો હતો. यत्छ्रेय: सुनिश्चितं ब्रूहि तन्मे (૨/૭) તેના ઉત્તરમાં ભગવાને બીજા અધ્યાયના સુડતાલીસ, અડતાલીસ શ્લોકમાં કર્મયોગની વ્યાખ્યા કરીને તેનું આચરણ કરવાનું કહ્યું. પછી ત્રીજા અધ્યાયના બીજા શ્લોકમાં અર્જુને तदेकं वद निश्चित्य येन श्रेयोडहमाप्नुयाम् શબ્દોથી ફરીથી પોતાના કલ્યાણની વાત પૂછી હતી. જેના ઉત્તરમાં ત્રીજા અધ્યાયના ત્રીસમા શ્લોકમાં (मयि सर्वाणि… युध्यस्व विगतज्वर:) નિષ્કામ, નિર્મમ અને નિઃસંતાપ થઈને યુદ્ધ કરવાનું કહ્યું હતું તથા પાંત્રીસમા શ્લોકમાં પોતાના ધર્મનું (स्वधर्मे निधनं श्रेय: કર્મયોગનું) પાલન કરવાનું શ્રેયસ્કર બતાવ્યું હતું.
અહીં ઉપર્યુક્ત પદોથી અર્જુને જે વાત પૂછી છે, તેના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે કર્મયોગ શ્રેષ્ઠ છે. (૫/૨) કર્મયોગી સુખપૂર્વક સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે. (૫/૩) કર્મયોગ વિના સાંખ્યયોગનું સાધન સિદ્ધ થવું કઠિન છે; પરંતુ કર્મયોગી શીઘ્ર જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. (૫/૬) આ રીતે કહીને ભગવાન અર્જુનને એ બતાવી રહ્યા છે કે કર્મયોગ જ તારા માટે શીઘ્રતા અને સુગમતાપૂર્વક બ્રહ્મ (પરમાત્મા)ની પ્રાપ્તિ કરાવવાવાળો છે. આથી તું કર્મયોગનું જ પાલન કર.
અર્જુનના મનમાં મુખ્યરૂપે પોતાના કલ્યાણની જ ઈચ્છા હતી. એટલા માટે તેઓ વારંવાર ભગવાનની સામે શ્રેય વિષયક જિજ્ઞાસા રાખે છે. (૨/૭, ૩/૨, ૫/૧ વગેરે) છતાં વારંવાર એકની એક વસ્તુ (એકનો એક પ્રશ્ન) રજૂ કરવામાં આંતર આશય એ છે કે ‘હું ખોટો નથી.’ ‘કલ્યાણની સાથે મારા મોહનો પણ નિભાવ થઈ જાય તો ઠીક.’ તેથી રાગને ખુલ્લંખુલ્લા રજૂ નથી કરતા પણ તેને શાસ્ત્રીય સદ્ગુણના કપડાં પહેરાવીને ભગવાન પાસે રજૂ કરે છે. મોટે ભાગે મુમુક્ષુઓની વિડંબણા એવી જ હોય છે. અહીં અર્જુનને ભગવાન પાસે પોતાના રાગને ખુલ્લંખુલ્લા મંજૂર નથી કરાવવો કે, ભગવાન મને આટલો રાગ છે તે પૂરો કરાવો તો ઠીક, ભગવાન કદાચ કરી પણ દે. અર્જુનની (કોઈપણ સાધકની) રજૂઆત એવી છે કે મારો રાગ કે મોહ છે તેને પ્રથમ સદ્ગુણ તરીકે જાહેર તમારા મોઢે કરો (હું તો કયારનો કરું જ છું) અને પછી તેને પ્રમાણિતતાની મહોર મારી દો. ભગવાન એવું કોઈ વાતે કરતા નથી.
કલ્યાણની પ્રાપ્તિમાં ઈચ્છાનું પ્રાધાન્ય હોય છે. આ લોકની સાનુકૂલતામાં પૂર્વકર્મ કે પ્રારબ્ધનું પ્રાધાન્ય હોય છે. કલ્યાણની પ્રાપ્તિનાં સાધનોની સફળતામાં વિલંબનું કારણ પણ આ જ છે કે, સાધકને કલ્યાણની ઉત્કટ ઈચ્છા પૂરી જાગ્રત થઈ નથી. જે સાધકોમાં તીવ્ર વૈરાગ્ય નથી પણ કલ્યાણ પામવાની તીવ્ર ઈચ્છા છે. તો તે કર્મયોગથી સુગમતાપૂર્વક અને તીવ્રતાને અનુરૂપ તત્કાળ કલ્યાણની પ્રાપ્તિ કરી શકે છે. અર્જુનના હૃદયમાં ભોગોથી પૂર્ણ વૈરાગ્ય નથી પણ તેનામાં પોતાનું કલ્યાણ થાય એવી ઈચ્છા તો નિશ્ચિત છે. માટે ભગવાન તેના કલ્યાણની વાતને ધ્યાનથી સાંભળીને તેનો પ્રત્યુત્તર આપે છે પણ અર્જુન વાતમાં પોતાનો વૈરાગ્ય કે નિર્વાસનિકપણું બતાવે છે. ભગવાન તેનાથી બિલકુલ પ્રભાવિત નથી થતા અને જાણે સાંભળ્યું જ નથી. એવું કરી નાખે છે. તેના કલ્યાણની ઈચ્છામાં તો ભગવાને ઘણી જ વખત સ્પષ્ટપણે કહી દીધું છે કે તું કર્મયોગ કર.તારું ચોક્કસ કલ્યાણ થશે. જ્ઞાનયોગી કરતાં જલદી થશે. તને પણ સહેલાઈથી તેમાં સિદ્ધિ મળશે. અર્જુન બોલવામાં કલ્યાણની ઈચ્છા દર્શાવે છે પણ રજૂઆત (પ્રેઝન્ટેશન) વૈરાગ્યથી કરે છે. ભગવાનને તે દેખાતું નથી. ભગવાને સ્પષ્ટ પણે કહ્યું છે કે ‘प्रज्ञावादांश्च भाषसे’ તું (સાધકો દરેક) વાતો ઘણી મોટી કરે છે.
પહેલા અધ્યાયના બત્રીસમા તથા બીજા અધ્યાયના આઠમા શ્લોકને જોવાથી ખબર પડે છે કે અર્જુન મૃત્યુલોકના રાજ્યની વાત જ શું, ત્રિલોકનું રાજ્ય પણ નથી ઈચ્છતો; પરંતુ અર્જુન વાસ્તવમાં રાજ્ય તથા ભોગોને સર્વથા ન ચાહતો હોય એવી વાત પણ નથી. તે કહે છે કે હું યુદ્ધમાં કુટુંબીજનોને મારીને રાજ્ય તથા વિજયને નથી ઈચ્છતો. એનું તાત્પર્ય એ છે કે જો કુટુંબીને માર્યા વિના રાજ્ય મળી જાય તો હું તેને લેવાને તૈયાર છું. જેમ સાધકો મહેનત કરીને ભોગો મેળવનાર (ગૃહસ્થો)ની નિંદા કરે છે ને સાથે ભોગોની પણ નિંદા કરે છે. જો તે સાધકોને મફત ગમે તેટલા ઊંચા ભોગો મળી જાય તો તે જાહોજલાલી તેઓ ખુશીથી ભોગવે છે. તેમાં પાપ નથી માનતા, ઊલટું સત્કર્મ માને છે. એમ પણ કહે છે કે અમે ભોગ ન ભોગવીએ તો તે ભોગ માટે મહેનત કરનારા ગૃહસ્થનું કલ્યાણ કેમ થાય? માટે અમારે ભોગવવા પડે છે ! આનો ફલિતાર્થ એ થયો કે ભોગો કે જાહોજલાલી માટે પુરુષાર્થ કરવો કે મહેનત કરવી એ અતિ નિંદનીય છે પણ પુરુષાર્થ કે મહેનત વગરના (મફતિયા) ભોગ કે જાહોજલાલી મળી જાય તો તે ભોગવવા નિંદનીય નથી, પ્રશંસનીય છે. આ આધુનિક મુમુક્ષુઓ કે મુક્તોની માન્યતા છે!
બીજા અધ્યાયના પાંચમા શ્લોકમાં અર્જુન એ જ કહે છે કે ગુરુજનોને મારીને ભોગ ભોગવવા એ યોગ્ય નથી. એનાથી એવો ધ્વનિ નીકળે છે કે ગુરુજનોને માર્યા વિના રાજ્ય મળી જાય તો એ સ્વીકાર્ય છે. જેમ આધુનિક સાધકો એ જ વસ્તુ કહે છે કે મહેનત કરીને પણ ગૃહસ્થના ભોગ પાપને નોતરે છે. જ્યારે કાંઈપણ મહેનત કર્યા વિના અમારા ભોગ તેનું કલ્યાણ કરનારા થાય છે!! બીજા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં અર્જુન કહે છે, કોણ જીતશે એની અમને ખબર નથી. તેઓને મારીને અમે જીવવાનું પણ નથી ઈચ્છતા. આનું તાત્પર્ય એ છે કે જો અમારો વિજય નિશ્ચિત હોય અને એમને માર્યા વિના રાજ્ય મળતું હોય તો હું લેવાને તૈયાર છું. વળી આગળ બીજા અધ્યાયના સાડત્રીસમા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે ‘हतो वा प्राप्स्यसि स्वर्गं… भोक्ष्यसे महीम्’ તું જીવીશ તો પૃથ્વીના રાજ્યને ભોગવીશ અને ધર્મયુદ્ધ-કર્તવ્યને પાલન કરતાં મરીશ તો સ્વર્ગને પ્રાપ્ત થઈશ. જો અર્જુનના મનમાં સ્વર્ગ અને સંસાર સુખનો સાચે જ અભાવ હોત તો ભગવાન કદાચ એમ ન કહેત. આથી અર્જુનના હૃદયમાં પ્રતીત થવાવાળો વૈરાગ્ય વાસ્તવિક નથી; પરંતુ તેની કલ્યાણની ઈચ્છા વાસ્તવિક છે. તેને બરાબર ધ્યાનમાં લઈને ભગવાન આગળ ચાલે છે કે જો મને પૂછતો હોય તો તારું કલ્યાણ-કર્મયોગની રીતે થાય પણ તારા વૈરાગ્યને તું હમણાં સંકેલીને મૂકી દે.
અર્જુન બોલ્યા
संन्यास: कर्मयोगश्व नि:श्रेयसकरावुभौ।
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते।।२।।
અર્થઃ કર્મસંન્યાસ અને કર્મયોગ-આ બેય પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બન્નેમાં કર્મસંન્યાસ કરતાં કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે.
અહીં संन्यास: પદનો અર્થ સાંખ્યયોગ છે. સાંખ્યયોગ અથવા જ્ઞાનયોગને સમજવા. પ્રથમ આપણી પાસે થોડી સ્પષ્ટતા હોવી જોઈએ. તે ત્રણ દૃષ્ટિએ પ્રયોગ થાય છે. એક તો સાંખ્યયોગ અથવા જ્ઞાનયોગ સાંખ્યશાસ્ત્રનું કલ્યાણ માટેનું સાધન છે. તેમ કલ્યાણને માટે શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર આ ચાર જ સાધન છે. તેમાં ક્રિયાનો કયાંય ઉલ્લેખ નથી. અતિ ગૌણતા પણ આપી છે. તેના વિષે કોઈ સ્પષ્ટ અભિપ્રાય ઓછો જણાવ્યો છે. જ્યારે અર્જુન સાંખ્યયોગ કે જ્ઞાનયોગનો એવો અભિપ્રાય સમજે છે કે વર્ણ આશ્રમની જવાબદારીઓ કે ફરજોરૂપ ક્રિયામાત્ર છોડી દેવી, એને જ સાંખ્યયોગ કહેવાય. તે સિવાય સાંખ્યોગ શક્ય જ બનતો નથી.
અર્જુન પોતે ભગવાનનાં વચનોમાંથી એવો ભાગ જ તારવે છે કે તે વિના કલ્યાણ પણ થાય જ નહિ. માટે જ અર્જુનને વારંવાર કલ્યાણનો પ્રશ્ન ભગવાનની આગળ ધરવો પડે છે. જ્યારે ભગવાનના મનમાં સાંખ્ય અથવા જ્ઞાનયોગ એ કેવળ ક્રિયા છોડી દેવી એ નથી. આધુનિક જ્ઞાનીઓ કે વૈરાગીઓ તો એટલું જ સમજે છે કે ક્રિયા છોડી દીધી એટલે સાંખ્યયોગ કે વૈરાગ્યપૂર્ણ કક્ષાએ પહોંચી ગયો. જ્યારે ભગવાન કંઈક બીજું માને છે. ભગવાન સાંખ્યયોગના અધિકારીને પણ ક્રિયા છોડી દેવાના વિરોધમાં છે. ભગવાન કહે છે કે, न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते। ૩/૪ પોતાનાં સહજ કર્મોનો ત્યાગ કરી, બેસીને આત્માનું મનન કરે છે તો પણ તે મનન અકિંચિત્કર બની રહે છે. ભગવાનનો અભિપ્રાય એવો થાય છે કે પોતાની વર્ણ અને આશ્રમ પરત્વેની ફરજો-નિયતકર્મો-નિભાવતાં નિભાવતાં આત્મતત્ત્વ અને પરમાત્મતત્ત્વનું શ્રવણ, મનન, નિદિધ્યાસ કરતા રહો તો પરમાત્માની પ્રાપ્તિ સુગમ રીતે અને જલદી થઈ જશે. તેમાં સાંખ્યયોગ વિરોધ કરતો નથી પણ સાંખ્યયોગના પક્ષકાર આધુનિક સાધકોનો જરૂર વિરોધ છે. અર્જુનની માન્યતાનું પલડું સહજ તેના તરફ નમે છે. છતાં અર્જુન ભગવાનની વાતને ગૌણ કરી શકતા નથી. કારણ કે શ્રીકૃષ્ણમાં અર્જુનને વ્યક્તિત્વની રીતે તો અચળ નિષ્ઠા છે પણ તેમની માન્યતાઓ સાથે બરાબર અંતરથી સંમત થઈ શકતો નથી. તેથી કયારેક કયારેક આક્ષેપથી ભગવાનને પણ પોતાની માન્યતામાં ભળી જવા દબાણ કરે છે. જ્યારે ભગવાન પાસે અચળ નિર્ણય છે કે સાંખ્ય શું છે? તે સિદ્ધ કેવી રીતે કરવો ? તેમ જ યોગ શું છે અને તેને કર્મ કરતાં કરતાં કેવી રીતે વહન કરવો.
ભગવાન પાસે ચાર વસ્તુઓ છે. સાધકનું દેહાભિમાન, સાધકના રાગ, કલ્યાણનાં સાધન શ્રવણ, મનનાદિ અને સાધકની પ્રકૃતિને અનુરૂપ નિયત કર્મ. ક્રિયા છોડી દેવાનો પ્રશ્ન સાધકો સામે કયાંથી અને શા માટે આવ્યો ? તો રાગને ક્રિયા સાથે વિરોધ નથી પણ દેહાભિમાનને-દેહભાવને ક્રિયા સાથે સ્પષ્ટ વિરોધ છે. વળી દેહાભિમાન અને રાગ બન્ને ભોગમાં એક બની જાય છે. તેથી સાધકોનું દેહાભિમાન સ્વધર્મ કે ક્રિયાયોગનો વિરોધ કરાવે છે. જ્યારે ભગવાન એવું વિચારે છે કે દેહાભિમાન કે રાગ હોય ને તે સત્ક્રિયા છોડી દે ત્યારે તો રાગ કે દેહાભિમાનનું જ મનન-ચિંતન થાય, ભગવાનનું નહિ. માટે સત્ક્રિયાનું આલંબન લઈ તેને જીતવા. અહીં અર્જુન જે રીતે સાંખ્યયોગને સમજે છે તે અર્થમાં કહીને પછી તેમાં થોડો ઉમેરો કરીને ભગવાન વાતને આગળ વધારે છે. ભગવાનના મતે સાંખ્ય-સંન્યાસ અથવા જ્ઞાનયોગ કલ્યાણકારી છે. અર્થાત્આત્મા, પરમાત્મા સંબંધી કેવળ શ્રવણ, મનન, નિદિધ્યાસ કાંઈ અકલ્યાણકારી છે એવું નથી; પણ દુસાધ્ય છે. એવું તો જરૂર માને છે. (दु:खमाप्तुमयोगत: ૫/૬) જ્યારે સત્ક્રિયાના આલંબન સાથે સુગમ બને છે. અર્જુન જે રીતે સાંખ્યયોગને સમજી રહ્યા છે તે પૂર્ણ વૈરાગ્ય અને તીવ્ર વિવેકવિચાર વિના શકય નથી. એ સાધના થતી નથી. રાગ છે તે વ્યક્તિને પોતાનું જ મનન કરાવે છે. ત્યારે સાંખ્યયોગ કેવી રીતે ઊભો રહી શકશે? જ્યારે સત્ક્રિયાનું આલંબન હોય તો સામાન્ય રાગને દબાવીને પણ ક્રિયા પ્રર્વતી શકે છે અને તે સત્ક્રિયાને અનુરૂપ મનન, નિદિધ્યાસ પણ પ્રવર્તી શકે છે. માટે ભગવાન બતાવે છે કે, तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते
આગળના ત્રીજા શ્લોકમાં ભગવાને આ પદોનું વ્યાખ્યાન કરતાં કહ્યું છે કે, કર્મયોગી નિત્ય સંન્યાસી સમજવા યોગ્ય છે. કેમકે તે સુખપૂર્વક સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે. પછી છઠ્ઠા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે કર્મયોગ વિના સાંખ્યયોગનું સાધન બનવું કઠણ છે અને કર્મયોગી શીઘ્ર જ બ્રહ્મનેે પ્રાપ્ત કરી લે છે. તાત્પર્ય એ છે કે સાંખ્યયોગને કર્મયોગની આવશ્યકતા છે; પરંતુ કર્મયોગમાં સાંખ્યયોગની આવશ્યકતા નથી. માટે બન્ને સાધનો કલ્યાણકારક હોવા છતાં પણ ભગવાન કર્મયોગને શ્રેષ્ઠ બતાવે છે. માટે સાંખ્યયોગ કરતાં કર્મયોગ શ્રેષ્ઠ છે. જો કે ‘યોગ’ વિનાનું કર્મ અને જ્ઞાન બન્ને બંધનકારક થાય છે. તો પણ વર્ણ અને આશ્રમને અનુરૂપ ઈન્દ્રિયોના વ્યાયામરૂપ કર્મ કરવાથી એટલું પતન નથી, જેટલું કથન માત્રથી શીખેલા જ્ઞાનથી થાય છે. તેથી અનુષ્ઠાન વિનાના જ્ઞાનની અપેક્ષાએ કર્મ કરનારો શ્રેષ્ઠ છે. જ્ઞાનયોગી કેવળ પોતાને માટે જ ઉપયોગી થાય છે. જ્યારે કર્મયોગી આજુબાજુ રહેલા સમગ્ર સમાજને ઉપયોગી થાય છે. તેમાં પ્રાણ પૂરનારો થાય છે અને જે બીજાનું ભલું કરે છે, બીજાને ઉપયોગી થાય છે, તેનું પોતાનું ભલું અવશ્ય આપોઆપ થાય છે. એવો નિયમ છે. તેથી કર્મયોગને વિશેષ કહ્યો છે.
કર્મયોગનું અનુષ્ઠાન પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક વ્યક્તિ દ્વારા કરી શકાય છે પણ અર્જુન જે કર્મસંન્યાસની વાત કરે છે તે વિશેષ પરિસ્થિતિમાં જ કરી શકાય છે. કેમ કે એવા તત્ત્વજ્ઞ પુરુષનું મળવું, તેમાં પોતાની શ્રદ્ધા થવી, તેમની પાસે નિવાસ કરવો, એ પરિસ્થિતિ દરેક મનુષ્યને મળવી સંભવ નથી. આથી તેવું સાધન એક વિશેષ પરિસ્થિતિમાં જ થાય છે. જ્યારે કર્મયોગનું સાધન પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક વ્યક્તિ દ્વારા થઈ શકે છે. માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. તેમાં પણ સેવાયોગ એ કર્મયોગ કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે. કારણ કે તે કેવળ ભગવાનના સંબંધવાળો છે.
પ્રાપ્ત પરિસ્થિતિ તથા સામગ્રીનો સદુપયોગ કરવો એ કર્મયોગ છે. પ્રાપ્ત પરિસ્થિતિ અને સામગ્રી ભગવાન અને તેના અનન્ય ભક્તોની સેવામાં લગાડી દેવી એને નિષ્કામ સેવાયોગ કહેવાય છે. તેમાં કાંઈપણ મેળવવાની ઈચ્છાનો ત્યાગ કરવાનો હોય છે. કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છાથી જ કર્તવ્યકર્મો અથવા સેવાનાં કર્મો કરવાં અઘરાં પડે છે, નહિ તો અઘરાં જણાતા નથી.
કર્તૃત્વ અથવા ભોક્તૃત્વ જ સંસાર છે અને બંધનનું કારણ છે. માટે સાધકોએ આ બન્નેને દૂર કરવાની જરૂર છે. તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિથી સાંખ્યયોગી કર્તૃત્વને દૂર કરે છે. એટલો તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ ન હોવાથી કર્મયોગી બીજાઓના હિતને માટે બધાં જ કર્મો કરીને તેમજ નિષ્કામ સેવાયોગી ભગવાનના અનન્ય ભક્તોની સેવા માટે જ બધાં કર્મો કરીને ભોક્તૃત્વનો ત્યાગ કરે છે. એવો નિયમ છે કે કર્તૃત્વનો ત્યાગ કરવાથી ભોક્તૃત્વનો ત્યાગ થઈ જાય છે અને ભોક્તૃત્વનો ત્યાગ કરવાથી કર્તૃત્વનો ત્યાગ થઈ જાય છે. કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છાથી જ કર્તૃત્વ ઊભું થાય છે. જે કર્મથી પોતાને માટે વ્યક્તિગત કોઈ પ્રકારના સુખભોગની ઈચ્છા નથી તો પછી તે ક્રિયા માત્ર જ છે, કર્મ નથી બનતું. જેમ યંત્ર દ્વારા કર્મ થાય છે તો પણ તેમાં કર્તૃત્વ નથી રહેતું. એ જ રીતે કર્મયોગી અથવા સેવાયોગીમાં કર્તૃત્વ નથી રહેતું.
સાધકને સંસારના પ્રાણી, પદાર્થ અને પરિસ્થિતિ વગેરેમાં સ્પષ્ટ રીતે પોતાનો રાગ (સ્વાર્થ) દેખાય છે. આ મારી ગાડી છે, ઘોડો છે, આ મારો બંગલો છે. આ પરિસ્થિતિ ઘણી અનુકૂળ છે, સારી છે. તેથી તેમાં રાગ ઊભો થાય છે ને બંધાય છે. તે રાગને દૂર કરવા માટે કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગી (સેવક) કોઈપણ પ્રાણી, પદાર્થ વગેરેને પોતાનાં નથી માનતો, પરમાત્માના છે અને મને સદુપયોગ કરવા દીધાં છે; એમ માને છે. કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગી સેવા કરવા માટે તો બધાને પોતાના માને છે; પરંતુ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોઈને પણ પોતાના નથી માનતો. કર્મયોગી અથવા સેવાયોગી સામગ્રીને પોતાની નથી માનતો. પોતાને માટે કાંઈ નથી કરતો. જે કાંઈ કરે છે તે ભગવાન કે તેમના અનન્ય ભક્તોની સેવા માટે કરે છે. તે પોતાને માટે કાંઈ નથી ઈચ્છતો. જે કાંઈ કરે છે તે ભગવાનની પ્રસન્નતા માટે કે ભગવાનના ભક્તોને સુખ પહોંચાડવા જ કરે છે. તેથી કર્મયોગી કે સાચા સેવકની બધી જ ક્રિયાઓ બધાનું હિત કરનારી, બધાની પ્રસન્નતા કરનારી અને બધાના સુખને માટે બની રહે છે. ક્રિયાઓથી સુખ મેળવવાનું અનુસંધાન હોય ત્યારે જ કર્તૃત્વ (અભિમાન) અને મમતા ઊભી થાય છે પણ તેમાંથી સુખ પોતે લેવાનો ભાવ બિલકુલ નહિ રહેવાથી કર્તૃત્વ દૂર થઈ જાય છે. ધ્યેયમાં લીન થઈ જાય છે.
કર્મયોગી અથવા સેવાયોગીનો અહમ્શીઘ્ર તથા સુગમતાપૂર્વક નષ્ટ થઈ જાય છે. જ્યારે જ્ઞાનયોગીનો અહં લાંબા સમય સુધી સાથે રહે છે. કારણ કે તેમને સતત એવું મનન-નિદિધ્યાસ રહે છે કે હું સેવક છું. સ્વામીને માટે સર્જાયો છું, મારા માટે નહિ. તેથી તેઓનો અહં પણ પરમાત્મા અને તેના ભક્તોની સેવામાં લાગી જાય છે. તેથી પરમાત્માની અને તેના અનન્ય ભક્તોની કૃપાદૃષ્ટિથી તેનું જલ્દી વિસજર્ન થાય છે. જ્યારે ‘હુ મુમુક્ષુ છું, જ્ઞાની છું’ એવું માનવાથી જ્ઞાનયોગીનો અહં સાધનસિદ્ધ થાય તો પણ સાથે રહે છે, જીવિત રહે છે. વળી કર્મયોગી બીજાને માટે કર્મ કરે છે. જ્યારે જ્ઞાનયોગી બીજાને માટે કરે છે એવું નહિ કહી શકે. જે કાંઈ કરે છે તે પોતાને માટે કરે છે, તેથી તેમનો અહં જેમનો તેમ લાંબો સમય ચાલુ રહે છે.
નિવૃત્તિપ્રધાન જ્ઞાનયોગીનું મુખ્ય લક્ષ્ય રહે છે કે સંસારની સત્તાને ભૂલી જવી. સંસાર યાદ ન આવવો જોઈએ. જ્યારે કર્મયોગીને મુખ્ય વાત છે રાગને ભૂલી જવો, રાગને નાબૂદ કરી દેવો. જ્ઞાનયોગીને શાસ્ત્રથી કે સત્સંગથી વિચાર દ્વારા સંસારની સત્તાને ભૂલવાની છે; પરંતુ અનાદિકાળની જે કર્મવાસના અને તેનો રાગ સાધકની ઈચ્છા હોવા છતાં તેને ભૂલવા દેતા નથી. કદાચ વિચારકાળમાં સંસારની સત્તાનો અભાવ દેખાય પણ ખરો. જ્યારે વ્યવહારકાળમાં અથવા ભોગના સાંનિધ્યમાં તેની સત્તા તેને સૌભરી ઋષિની જેમ ખેંચવા લાગે છે. જ્યારે કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગીને પ્રાપ્ત થયેલા રાગના ઉદ્દીપકોને પણ ત્યાગ કરવા શક્ય બને છે. કારણ કે તેનું લક્ષ્ય બીજાને સુખ પહોંચાડવાનું છે.
તદુપરાંત મળેલી સામગ્રીનો ત્યાગ કરવાનું નિષ્કામ સેવકને જેટલું સુગમ છે, તેટલું નિવૃત્તિપરાયણ જ્ઞાનયોગીને પણ નથી. જેમ બન્ને યોગી પાસે પાંચ પાંચ કામળા પડયા છે. નિષ્કામ સેવાયોગીને તેમને બીજાને ઉપયોગ માટે આપીને પોતાનો રાગ હઠાવવો સહેલો બનશે. જ્યારે જ્ઞાનયોગીને તેની અસતાનો સ્વીકાર કરી છોડી ચાલી નીકળવું વધારે કઠણ છે.
બીજી વાત એ છે કે સાંખ્યોગી-નિવૃત્તિવાળા વૈરાગી પુરુષોને (જો ખરેખર તીવ્ર વૈરાગ્ય ન હોય તો) જે વસ્તુઓમાં આપણને સુખબુદ્ધિ નથી એવી ખરાબ વસ્તુનો ત્યાગ તો સુગમતાપૂર્વક થઈ જાય છે; પરંતુ જેમાં આપણી સુખબુદ્ધિ છે, રાગ છે, તેનો ત્યાગ કરવો કઠિન પડી જાય છે.(અને ઘણું કરીને શ્રેષ્ઠ વૈરાગી પુરુષો દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ જ ભોગવતા હોય છે. તેને અંગત ઉપયોગમાં સેકન્ડ ક્લાસની વસ્તુ ચાલતી નથી.) જ્યારે નિષ્કામ કર્મયોગી કે સેવાયોગીને તે વસ્તુ બીજાના કામમાં આવતી દેખીને ત્યાગ કરવો સુગમ રહે છે. જેમ કે ભોજન સમયે થાળીમાંથી રોટલી કાઢવી પડે તો ઠંડી, વાસી અને સૂકી રોટલી જ કાઢીશું; પરંતુ એ જ સમયે બીજા કોઈને આપવાનું થાય તો સારી જ આપીશું. નબળીનો ઉપયોગ આપણે કરી લઈશું. માટે કર્મયોગની રીતે રાગ દૂર કરવો સહેલો થશે. જ્યારે સાંખ્યયોગથી કેવળ વિચારથી રાગ દૂર કરવો કઠિન થશે. કેવળ જગત નાશવાન છે. એવું જ્ઞાન થવાથી એટલે કે નાશવાન ભણી લેવા માત્રથી રાગની નિવૃત્તિ થઈ જતી નથી. તેથી આપણું કામ રાગને દૂર કરવાનું છે. તે નિષ્કામસેવાથી જલદી દૂર થાય છે. શ્રીજી મહારાજે કહ્યું છે જે, ઉકા ખાચરના જેવું સંતની સેવા કર્યાનું વ્યસન હોય તો ગમે તેવી મલિન વાસના (રૂઢ થઈ ગયેલો રાગ) પણ નાશ થઈ જાય છે.
ज्ञेय: स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति।
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते।।३।।
અર્થઃ હે મહાબાહો ! જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે; કેમ કે રાગ-દ્વેષ વગેરે દ્વન્દ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનોમાંથી મુકત થઈ જાય છે.
यो न द्वेष्टि-કર્મયોગી તે જ થઈ શકે છે જે કોઈપણ પ્રાણી પદાર્થ, પરિસ્થિતિ વગેરેથી દ્વેષ નથી કરતો. કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગીનું કામ છે બીજાની સેવા કરવાનું, બીજાને સુખ પહોંચાડવાનું. ખાસ કરીને ભગવાનના અનન્ય ભક્તોને સુખ પહોંચાડવાનું અને બીજા જીવનું હિત કરવાનું. હવે જો તેમને કોઈના તરફ જરા પણ દ્વેષ રહે તો તેના દ્વારા કર્મયોગી કે નિષ્કામ સેવાનું આચરણ સાંગોપાંગ થઈ ન શકે. તેથી કદાચ કોઈના ઉપર દ્વેષ હોય તો પણ કર્મયોગીએ તેની સેવા પ્રથમ કરવી જોઈએ. જેથી દ્વેષ જલદી દૂર થઈ જાય.
ज्ञेय: स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति।
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते।।३।।
અર્થઃ હે મહાબાહો ! જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે; કેમ કે રાગ-દ્વેષ વગેરે દ્વન્દ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનોમાંથી મુકત થઈ જાય છે.
यो न द्वेष्टि-કર્મયોગી તે જ થઈ શકે છે જે કોઈપણ પ્રાણી પદાર્થ, પરિસ્થિતિ વગેરેથી દ્વેષ નથી કરતો. કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગીનું કામ છે બીજાની સેવા કરવાનું, બીજાને સુખ પહોંચાડવાનું. ખાસ કરીને ભગવાનના અનન્ય ભક્તોને સુખ પહોંચાડવાનું અને બીજા જીવનું હિત કરવાનું. હવે જો તેમને કોઈના તરફ જરા પણ દ્વેષ રહે તો તેના દ્વારા કર્મયોગી કે નિષ્કામ સેવાનું આચરણ સાંગોપાંગ થઈ ન શકે. તેથી કદાચ કોઈના ઉપર દ્વેષ હોય તો પણ કર્મયોગીએ તેની સેવા પ્રથમ કરવી જોઈએ. જેથી દ્વેષ જલદી દૂર થઈ જાય.
અહીં વિશેષ વાત એ છે કે પ્રાણીમાત્રના હિતના ઉદ્દેશ્યથી કર્મયોગીને માટે બુરાઈનો ત્યાગ કરવાનું જેટલું આવશ્યક છે, એટલું ભલાઈ કરવાનું જરૂરી નથી રહેતી. ભલાઈ કરવામાં સીમિત ક્રિયાઓ અને પદાર્થોનું પ્રાધાન્ય રહે છે અને સીમિત વ્યક્તિઓને જ તેનો લાભ પહોંચે છે. જ્યારે બુરાઈ રહિત થવામાં હૃદયનો અસીમ ભાવ મુખ્ય રહે છે અને તેનો તમામને લાભ થાય છે. જો હૈયામાંથી ખરાબ ભાવ દૂર ન થયો હોય ને બહારથી ભલાઈની ક્રિયા હાથ ધરીને બેસે છે તો તેને તેનાથી અભિમાન પેદા થશે. જે આસુરી સંપત્તિનું મૂળ છે. કામના કરતાં પણ વધુ અધોગતિ કરનારું છે. ભલાઈ કરવાનું અભિમાન ત્યારે જ પેદા થાય છે જ્યારે હૈયામાં કંઈક ને કંઈક બુરાઈ પડી હોય. જ્યાં અધુરાઈ હોય છે ત્યાં જ અભિમાન પેદા થાય છે. જ્યાં કોઈ પણ બાબતની પૂર્ણતા હોય છે ત્યાં સંતોષ અને શાંતિ હોય છે. બીજી વાત એ છે કે નાશવંત વસ્તુઓની સહાય વિના આપણે ભલાઈ પણ નથી કરી શકતા. જ્યારે બુરાઈના ત્યાગમાં કોઈ વસ્તુની (નાશવંત વસ્તુની) અપેક્ષા કે સહાયની જરૂર નથી પડતી. ‘મંે ભલાઈ કરી’ એવી વાતનું અભિમાન કરવું એ બુરાઈથી પણ વધારે ભયંકર છે. કારણ કે બુરાઈને તો આખરે બુરાઈના રૂપમાં જ ઓળખીએ છીએ પણ ભલાઈના અભિમાનને આપણે બુરાઈ નથી માનતા; એટલે તેનો ત્યાગ કરવો કઠિન છે. જેમ લોઢાની હાથકડીનો તો આપણે જલ્દી ત્યાગ કરી દઈએ પણ તે જ હાથકડી સોનાની હોય તો તેનો ત્યાગ જલ્દી ન થાય. તે તો ઘરેણાં જેવી લાગે. માટે બુરાઈનો ત્યાગ કરવાથી વિશ્વનું ભલું થાય છે.
काङ्क्षति-કર્મયોગ કે સેવામાં કામનાનો ત્યાગ મુખ્ય છે. કામનાનો ત્યાગ અને પારકાનું હિત કરવું તે બન્નેમાં પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. નિષ્કામ બનવા માટે બીજાનું હિત કરવું કે સેવા કરવી ઘણી જ આવશ્યક છે. સેવા કરવામાં નિષ્કામ થયા વિના સાચી સેવા થતી નથી. વ્યાપાર માત્ર રહે છે. બીજાની સેવા (ભગવાનના ભક્તની) કરવાથી કામના (વાસના) ત્યાગવાનું બળ મળે છે. કામનાનો ત્યાગ કરવાથી સેવા કરવાનું બળ પ્રાપ્ત થાય છે. આમ બન્નેને ઘનિષ્ઠ સંબંધ છે.
કર્મયોગ કે સેવાયોગમાં કર્તાને જ નિષ્કામ થવાનું છે. કારણ કે કર્મ પોતે તો જડ હોવાથી તે પોતે સકામ કે નિષ્કામ નથી હોઈ શકતું. સકામતા કે નિષ્કામતા જે કાંઈ કર્તામાં જ હોવાના અને કર્મ તો કર્તાને આધીન છે. તેથી કર્મોની અભિવ્યક્તિ કર્તા દ્વારા જ થાય છે. નિષ્કામ કર્તા દ્વારા જ નિષ્કામ કર્મ કે સેવા કહેવાય છે. બન્નેનો અર્થ એક જ થાય છે. સકામ કર્મયોગનું અસ્તિત્વ જ હોતું નથી. નિષ્કામ થવાથી કર્તા કર્મફળથી અસંગ થાય છે; પરંતુ જ્યારે કર્તામાં સકામભાવ આવી જાય છે ત્યારે તે કર્મફળથી બંધાઈ જાય છે. (૫/૧૨) સકામભાવ ત્યારે જ નષ્ટ થાય છે જ્યારે કર્તા કોઈપણ કર્મ પોતાની સ્વાર્થપૂર્તિ માટે નથી કરતો; પરંતુ બીજાના સુખને માટે કરે છે. તેથી કર્તાનો ભાવ નિત્ય નિરંતર નિષ્કામ રહેવો જોઈએ. કર્તામાં જેટલો નિષ્કામભાવ હશે એટલું જ કર્મયોગનું સાચું આચરણ થશે. કર્તા સર્વથા નિષ્કામ થતાં કર્મયોગ સિદ્ધ થઈ રહેશે.
ज्ञेय: स नित्यसंन्यासी-અર્જુને યુદ્ધ નહિ કરીને ભિક્ષા માગીને, સંન્યાસી બની જઈને જીવનનિર્વાહ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. गुरू नहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके (૨/૫)અર્થાત્ગુરુજનોને નહિ મારીને સન્યાસ લેવો એ જ શ્રેષ્ઠ છે. ભગવાન અહીં જાણે એ વાતનો ઉત્તર આપતા હોય તેમ કહે છે કે, ‘હે અર્જુન! એ સંન્યાસ તો ગુરુજનોના મરી જવાના ભયથી કરવામાં આવનારો બાહ્ય સંન્યાસ છે; પરંતુ નિષ્કામ કર્મયોગી કે સેવાયોગીના અંતરમાં ઊઠેલો રાગદ્વેષના ત્યાગ કરવારૂપ સંન્યાસ નિત્ય સંન્યાસ છે અર્થાત્સાચો સંન્યાસ છે.’
છઠ્ઠા અધ્યાયના પહેલા શ્લોકમાં પણ ભગવાન કેવળ અગ્નિનો ત્યાગ કરનારા ને નિષ્ક્રિય થઈને બેસી રહેનારાને સંન્યાસી ન કહીને કર્મફળનો ત્યાગ કરનારા, કામનાઓ અને રાગનો ત્યાગ કરનારાને જ સંન્યાસી કહે છે. આથી ભગવાનના મતે સાચો કર્મયોગી અથવા નિષ્કામ સેવક જ સાચો સંન્યાસી છે.
કર્મો અદલપણે કરતા રહીને પણ કર્મો સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન રાખવો એ જ સંન્યાસ છે. કર્મો સાથે કોઈપણ પ્રકારનો સંંંબંધ ન રાખવાવાળાને કર્મોનું ફળ કદી કોઈ પણ અવસ્થામાં કિંચિત્માત્ર પણ નથી મળતું. न तु संन्यासिनां क्वचित् (૧૮/૧૨) તેથી શાસ્ત્રવિહિત કર્મો કરતો હોઈને પણ કર્મયોગી કે સેવાયોગી સંન્યાસી જ છે. નિષ્કામ સેવાનું અનુષ્ઠાન કર્યા વિના સાંખ્યયોગનું પાલન અર્થાત્સાચા અર્થમાં નિવૃત્તિનું પાલન થવું ઘણું કઠણ છે. સાંખ્યયોગ સાધવા માટે પણ પહેલા કર્મયોગી થવાનું છે. પછી જ યોગી થવાય છે; પરંતુ કર્મયોગના સાધકને માટે સાંખ્યયોગ અનુષ્ઠાન કરવું આવશ્યક નથી. કારણ કે કર્મયોગી આરંભથી જ સંન્યાસી છે.
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते। સાધનાના આરંભમાં અંતઃકરણમાં દ્વન્દ્વ રહે છે. સાધક કયારેક પરમાત્માને પ્રાપ્ત કરવાને ઈચ્છે છે અને કયારેક ભોગ અને સંગ્રહને ઈચ્છે છે .પછી તેના જેવા પુરુષનો સંગ મળે છે, તેને અનુસાર તેના ભાવોમાં પરિવર્તન થતું જાય છે. છતાં તે ભોગોને નિર્ભીકતાથી નથી ભોગવી શકતો. તેના અંતરના સંસ્કારો ડંખે છે. તે પ્રશાંત ગતિથી ભગવાનના માર્ગની સાધના નથી કરી શકતો. ત્યારે તેને ભોગોની વાસના (સંસ્કારો) પજવે છે, માટે તે દ્વન્દ્વમાં જીવે છે. આ દ્વન્દ્વ ઉપર સાંસારિક અહં ટકેલો છે. માટે સાંસારિક ભોગો અને સંગ્રહમાં ચોટવું નથી અને માત્ર પરમાત્મા અથવા તેના અનન્ય ભક્તની નિષ્કામ સેવા કરવી એ જ મારું ધ્યેય છે. એવો દૃઢ નિશ્ચય કરે તો એનો અહં છે તે ભગવાનની સેવામાં લીન થઈ જાય છે. પછી તે અહં, અહં નથી રહેતો.
વાસ્તવમાં સંસારનું મહત્ત્વ હૃદયમાં અંક્તિ થઈ જવાથી જ દ્વન્દ્વ રહે છે. ભોગ ભોગવતા રહેવાથી, બીજા પાસેથી પોતાના સુખને ઈચ્છતા રહેવાથી અથવા પોતાની અનુકૂળતા ઈચ્છતા રહેવાથી, સંસારના વ્યક્તિ પદાર્થોનું મહત્ત્વ હૃદયમાં અંકિત થઈ જાય છે. તેમનાથી સુખ લેવાથી તે મહત્ત્વ વધતું જાય છે. જેથી તેમને પ્રાપ્ત કરવાની રુચિ પ્રબળ થતી જાય છે. તે જગત્રુચિ એક માત્ર પરમાત્મપ્રાપ્તિના ઉદ્દેશ્યને સ્થિર અને દૃઢ થવા દેતી નથી. માટે દ્વંદ્વ વધતો જાય છે. જે પરમાત્માની પ્રાપ્તિ અથવા તેને અતિ પ્રસન્ન કરવારૂપ ઉદ્દેશ્યની અતિ દૃઢતા કરવાથી તે દ્વન્દ્વ ઓછા થઈને ધીરે ધીરે લુપ્ત થઈ જાય છે.
દ્વન્દ્વને દૂર કરવા પ્રથમ રાગ-દ્વેષને દૂર કરવા પડે છે. તેને દૂર કરવા વાસ્તવિકતાનો વિચાર કરવો જોઈએ કે પોતે ન ઈચ્છવા છતાં પણ અનુકૂળતા અને પ્રતિકૂળતા આવે જ છે. અર્થાત્પોતે ઈચ્છવાથી અનુકૂળતા આવતી હોય એવી વાત નથી અને ન ઈચ્છવાથી પ્રતિકૂળતા આવવાની હોય તે જતી રહે એવું પણ નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતાની ઈચ્છા-એ જ રાગનો જન્મ છે. પછી તેને વારંવાર ઘૂંટવાથી રાગ પણ ઘુંટાય છે ને હૃદયમાં સારી પેઠે જામતો જાય છે. તેવી જ રીતે પ્રતિકૂળતાને ન ઈચ્છવી કે દૂર કરવાની ઈચ્છા-એ જ દ્વેષને જન્મ આપે છે. પછી તે હૃદયમાં જામે છે. અનુકૂળતા પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ એ પોતાની ભૂલથી કે મૂર્ખતાથી થાય છે પણ તે કાંઈ કર્મનું ફળ કે પ્રારબ્ધનું પરિણામ નથી. આ વાત જો હૃદયમાં સ્થિર થાય તો રાગ-દ્વેષ દૂર થાય છે.
સંસારનો રાગ અને દ્વેષ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળો છે. એ રાગ કદી સ્થાયી નથી રહેતો. બને છે એવું કે એક રાગ હજુ નષ્ટ ન થયો હોય ત્યાં તો આપણે બીજી બે ત્રણ જગ્યાએ નવો રાગ ઊભો કર્યો હોય. તેથી આપણને તે જૂનો અને કાયમી જણાય છે. જ્યારે પરમાત્મા પ્રત્યેની અભિલાષા ઉત્પન્ન અને નષ્ટ થવાના સ્વભાવવાળી નથી. કારણ કે આત્મા અને પરમાત્મા બન્ને સનાતન અને પરમાર્થ તત્ત્વો છે. તેથી તેઓ બન્ને વચ્ચેનો સંબંધ પણ પારમાર્થિક સંબંધ છે. જે અખંડ રહે છે. પરમાત્માની અભિલાષા કદી વધતી ઘટતી નથી. કેવળ સંસારમાં રાગ વધવાથી તે ઘટતી હોય અને સંસારમાં રાગ ઘટવાથી તે વધતી હોય તેવું દેખાય છે. એટલા માટે તો ‘હું સદા જીવતો રહું’ ‘હું બધું ય જાણી લઉં.’ ‘હું કયારેય દુઃખી ન થાઉં , હું સદા સુખી રહું.’ આ ત્રણ સ્વરૂપે પરમાત્માના અંશરૂપ ત્રણ અભિલાષા કાયમ અજ્ઞાન દશામાં પણ રહે છે. સાધકના જીવનમાં દ્વન્દ્વ રહિત થવું એ ઘણું જ અગત્યનું છે. કારણ કે સાધકના જીવનમાં ભક્તિ જલદી આવી જાય છે પણ રાગ-દ્વેષ રહિતપણું જલદી નથી આવતું. તેથી આવેલી ભક્તિનો નાશ કરી નાખે છે. સાધકને સંસારમાં મૂંઝવણના પણ બે જ કારણ છે રાગ અને દ્વેષ. એ બે દૂર થતાં પરમાત્માની પ્રાપ્તિ જલદી થઈ જાય છે. તે મુક્તિને પામી જાય છે.
सांख्ययोगौ पृथग्बाला: प्रवदन्ति न पण्डिता:।
एकमप्यास्थित: सम्यगुभयोर्विन्दते फलम्।।४।।
અર્થઃ ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળકબુદ્ધિના માણસો અલગ-અલગ ફળ આપનારા કહે છે, ડાહ્યા માણસો નહીં; કેમ કે બન્નેમાંથી એકમાં પણ સમ્યક્રીતે સ્થિત માણસ બેયના ફળસ્વરૂપ પરમાત્માને પામે છે.
सांख्ययोगौ पृथग्बाला:… દેહ અને આત્મતત્ત્વના ભેદનો વિચાર કરીને, આત્મા અને પરમાત્મતત્ત્વનું શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર કરવાની પદ્ધતિને સાંખ્ય કહેવામાં આવ્યું છે. જે કંઈક અંશે અર્જુન અને ભગવાન બન્નેને માન્ય છે. તેનું લક્ષ્ય પણ જગતથી છૂટીને પરમાત્માને પામવાનું જ છે. જ્યારે યોગ શબ્દથી અહીં ભગવાન કર્મયોગને કહે છે. જે અત્યાર સુધી ગીતામાં ભગવાન સારી રીતે વર્ણવતા આવ્યા છે. જે કોઈ સામગ્રી સાધક પાસે છે, ભગવાને તેને આપી છે તેને ભગવાનની માનવાની છે, પોતાની નહિ. તેનો સદુપયોગ ભગવાન અને તેના અનન્ય ભક્તની સેવામાં અને અન્ય જીવોના હિતમાં વાપરવાની છે પણ પોતાના અંગત સ્વાર્થમાં જરા પણ નહિ. એ વસ્તુ યોગ છે. એ પણ પરમાત્માને પ્રાપ્ત કરવાનું અને મુક્તિનું એક વેદ-શાસ્ત્રો પ્રણીત સનાતન સાધન છે. માટે ભગવાન કહે છે કે એકનું પણ સારી રીતે અનુષ્ઠાન કરે તો બન્ને દ્વારા જે ફળ પામવાનું છે તે પામી જાય છે. बाल શબ્દથી ભગવાન એમ કહેવા માગે છે કે આયુષ્ય કે બુદ્ધિથી મોટા હોવા છતાં બન્નેથી અલગ-અલગ ફળ પ્રાપ્ત થાય છે એવું માને છે; તે બાળક છે. અર્થાત્અજ્ઞાની છે. ભગવાન પણ ફળની બાબતમાં બન્નેનું એક જ ફળ માને છે. કર્મયોગનું સાધન સહેલું છે અને જલ્દી સિદ્ધિને આપનારું છે. એટલી બાબતમાં ભગવાનને કર્મયોગનો પક્ષપાત રહે છે. ફળની દૃષ્ટિએ બન્નેનું એક જ ફળ છે. એને ભગવાન અહીં પંડિત કહે છે, જ્ઞાની કહે છે.
અહીં આ શ્લોકમાં फलम् શબ્દ અવિનાશી તત્ત્વ પરમાત્માને માટે વપરાયો છે. જે બીજે કયાંય ગીતામાં વપરાયો નથી. ફળનો અર્થ છે પરિણામ. કર્મયોગ અને જ્ઞાનયોગ બન્ને સાધનોથી પ્રાપ્ત થવાવાળા તત્ત્વને फलम् કહેવાનું તાત્પર્ય એ છે કે બન્ને સાધનોમાં મનુષ્યોનો પોતાનો ઉદ્યોગ મુખ્ય છે. જ્ઞાનયોગમાં વિવેકરૂપ ઉદ્યોગ મુખ્ય છે અને કર્મયોગમાં પરહિતની ક્રિયારૂપ ઉદ્યોગ મુખ્ય છે. સાધકનો પોતાનો ઉદ્યોગ-પરિશ્રમ સફળ થઈ ગયો તેથી તેને ફળ કહેવામાં આવ્યું છે. આ ફળ નષ્ટ થવાવાળું નથી. કર્મયોગ તથા જ્ઞાનયોગ બન્નેનું ફળ છે, આત્મજ્ઞાન અથવા પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ.
यत्सांख्यै: प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते।
एकं सांख्यं च योगं च य: पश्यति स पश्यति ।।५।।
અર્થઃ જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે; આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે.
यत्सांख्यै: प्राप्यते… સંસારમાં એવી માન્યતા છે કે કર્મયોગથી કલ્યાણ થતું નથી. કલ્યાણ તો જ્ઞાનયોગથી જ થાય છે. આ માન્યતાને દૂર કરવા માટે અહીં अपि શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ-આ ત્રણે સાધનોમાં જ્ઞાનયોગ અને ભક્તિયોગનો પ્રચાર તો વધારે છે પણ કર્મયોગનો પ્રચાર ઘણો ઓછો છે. તેનું અનુષ્ઠાન કરનારા પણ ઓછા છે. તેથી ભગવાને જ સ્વયં કહી દીધું કે ‘ઘણો’ સમય વીતી જવાને કારણે આ કર્મયોગ લુપ્તપ્રાય થઈ ગયો છે. (૪/૨) તેથી સાધકોના હૃદયમાં પણ એવી ધારણા બંધાઈ ગઈ છે કે કર્મયોગ એ કલ્યાણને પામ્યાનું સ્વતંત્ર સાધન નથી. અમસ્તોય કર્મયોગી આપાત્રીતે બાહ્ય કલેવરથી સામાન્ય સંસારી જેવો લાગે છે. જ્યારે જ્ઞાનયોગી કે ભક્તિયોગી એ બન્ને સંસારમાં ડૂબ્યા હોય તો પણ મંચ ઉપર બેઠો હોય ત્યારે સંસારથી ઉપર ઊઠેલા લાગે છે. તેથી કર્મયોગનો સાધક જ્ઞાનયોગમાં ચાલ્યો જાય છે અથવા તો ભક્તિયોગમાં ચાલ્યો જાય છે; પરંતુ અહીં ભગવાન કર્મયોગ કે સેવાયોગને પણ જ્ઞાનયોગ કે ભક્તિયોગ જેવો કલ્યાણના સ્વતંત્ર સાધન તરીકેનો દરજ્જો આપે છે. એટલું જ નહિ પણ તેનાથી સહેલો અને શીઘ્રગામી બતાવે છે. તાત્પર્ય એ થાય છે કે કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ સાધકને જ્ઞાનયોગ અથવા ભક્તિયોગનો અધિકારી પણ બનાવી દે છે. તેની તેમાં જવાની ઈચ્છા ન હોય તો સ્વતંત્રરૂપથી પોતે જ પરમાત્મા પાસે પહોંચાડી દે છે.
સાંખ્યયોગ અને કર્મયોગ એ બન્ને અંતમાં સંસારથી વિચ્છેદ કરાવી પરમાત્મા પાસે પહોંચાડે છે. સાંખ્યયોગમાં શ્રવણ, મનનાદિ દ્વારા વિવેક ઊભો કરવાનો હોય છે. જ્યારે કર્મયોગ દ્વારા મળેલ સામગ્રીને પરમાત્મા અર્થે વાપરવાની હોય છે. તે બન્ને વસ્તુનું અંતિમ ફળ સંસારથી છૂટી પરમાત્માની પ્રાપ્તિ કરાવવી તે છે. આમ પરિપાકરૂપે બન્નેની એક સ્થિતિ થઈ જાય છે.
બેમાંથી કોઈપણ એક સાધન પૂર્ણ થતાં જીવવાની ઈચ્છા, મરવાનો ભય, મેળવવાની લાલચ અને કરવાનો અહં આ ચારેય સર્વથા દૂર થઈ જાય છે.
संन्यासस्तु महाबाहो दु:खमाप्तुमयोगत:।
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति।।६।।
અર્થઃ તેમ છતાં પણ હે મહાબાહો ! કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થવો મુશ્કેલ છે, જ્યારે ભગવત્સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરમાત્માને વિના વિલંબે પામી જાય છે.
સાંખ્યયોગની સફળતા માટે કર્મયોગનું સાધન કરવું આવશ્યક છે. કેમ કે તેના વિના સાંખ્યયોગની સિદ્ધિ કઠિનતાથી થાય છે; પરંતુ કર્મયોગની સિદ્ધિ માટે સાંખ્યયોગનું સાધન કરવાની આવશ્યકતા નથી. એ ભાવ બતાવી અહીં ‘तु’ પદનો પ્રયોગ થયો.
સાંખ્યયોગીનું લક્ષ્ય કેવળ શ્રવણ, મનન કરીને પરમાત્માનો અનુભવ કરવાનું હોય છે; પરંતુ અંતરમાં પડેલો રાગ પરમાત્માનો અનુભવ થવા દેતો નથી. કારણ કે ઘાટો રાગ જેટલો શ્રવણ મનનાદિનો ઘાતક છે, તેટલો સ્થૂળ ક્રિયાનો ઘાતક બની શકતો નથી. સાધકને કોઈ પણ વ્યક્તિ કે પદાર્થમાં ઘાટો રાગ હોય તો પણ જો ધારે તો પોતાની નિયત ફરજ સ્વસ્થતાથી બજાવી શકે છે. જ્યારે તેટલી જ સ્વસ્થતાથી મનન-નિદિધ્યાસ કરી શકતો નથી. રાગ પોતાના કેન્દ્રનું જ મનન તેને જબરજસ્તીથી કરાવે છે. સાધક નિયત ફરજો બજાવતા રહીને પરમાત્માનું મનન-નિદિધ્યાસ વ્યવસ્થિત કરી શકે છે અને રાગને દબાવી શકે છે, તેટલો કેવળ મનન-નિદિધ્યાસ કરતી વેળા રાગ દબાતો નથી. ઊલટો પરમાત્માનું શુભ મનન ઉથલાવીને રાગના આલંબનનું મનન કરાવે છે. કેવળ મનન-નિદિધ્યાસમાં નિયત ફરજની સ્થૂળ ક્રિયાનો નિભાવ થતો નથી. જ્યારે નિયત ફરજોના કર્તવ્યકર્મ બજાવતા રહીને શ્રવણ, મનન, નિદિધ્યાસનો નિભાવ સારો એવો થઈ શકે છે. તેથી ભગવાનને दु:खम् आप्तुम् अयोगत: એવા શબ્દો કહ્યા છે.
રાગને દૂર કરવાનો સુગમ ઉપાય કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ છે. તેમાં પ્રત્યેક ક્રિયા બીજાના સુખ માટે કરવાની હોય છે. એવો ભાવ પોતાના રાગને જલદી દૂર કરે છે. તેથી કર્મયોગના સાધન દ્વારા રાગને દૂર કરીને પછી સાંખ્યયોગનું સાધન કરવું સુગમ પડે છે. કર્મયોગનું સાધન કર્યા વિના સાંખ્યયોગ સિદ્ધ થવો કઠિન છે.
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति।
પોતાના નિષ્કામભાવનું અને બીજાઓના હિતનું મનન કરવાવાળા કર્મયોગી સાધકને અહીં મુનિ કહેવામાં આવ્યો છે. કર્મયોગીને નાની કે મોટી પ્રત્યેક ક્રિયા કરતી વેળા જોતું રહેવાનું હોય છે કે મારો ભાવ નિષ્કામ છે કે સકામ? સકામભાવ આવતાં જ તે તેને દૂર કરી દે છે. કારણ કે સકામભાવ આવતાં જ તે ક્રિયા પોતાની અને પોતાને માટે બની જાય છે. બીજાઓનું હિત કેવી રીતે થાય? બીજાને સુખ કેમ પહોંચે? એવી રીતે મનન કરવાથી રાગનો ત્યાગ સુગમતાથી થઈ શકે છે. ઉપર્યુક્ત શબ્દોથી ભગવાન કર્મયોગની વિશેષતા બતાવી રહ્યા છે કે કર્મયોગી શીઘ્ર જ પરમાત્માને પામે છે. પરમાત્માની અનુભૂતિમાં વિલંબનું કારણ છે-સંસારનો રાગ. કર્મયોગનું અનુષ્ઠાન કરવાથી રાગ દૂર થતાં તત્કાળ પરમાત્માની અનુભૂતિ થઈ જાય છે. તે વાત ભગવાને ચોથા અધ્યાયમાં तत्स्वयं योगसंसिद्ध: कालेनात्मनि विन्दति પદથી બતાવી છે. આ સાધનમાં અન્ય સાધનની અપેક્ષા નથી. એની સિદ્ધિમાં કઠિનાઈ અને વિલંબ પણ નથી.
બીજું કારણ એ છે કે દેહધારી-દેહાભિમાની મનુષ્ય સઘળાં કર્મોનો ત્યાગ નથી કરી શકતો; પરંતુ જે કર્મફળનો ત્યાગી છે તે ત્યાગી કહેવાય છે. (૧૮/૧૧) આનાથી એ ધ્વનિ નીકળે છે કે દેહધારી કર્મોનો ત્યાગ તો નથી કરી શકતો; પરંતુ કર્મફળની-ફલેચ્છાનો ત્યાગ તો કરી જ શકે છે. એટલા માટે કર્મયોગમાં સુગમતા છે.
કર્મયોગનો મહિમા બતાવતાં ભગવાન કહે છે કે કર્મયોગીને તત્કાળ જ શાંતિ પ્રાપ્ત થઈ જાય છે. त्यागात्शान्तिरनन्तरम् (१२/१२) (૧૨/૧૨) તે સંસારબંધનથી સુખપૂર્વક મુક્ત થઈ જાય છે. सुखं बन्धात्प्रमुच्यते (૫/૩) આથી કર્મયોગનું સાધન સુગમ, શીધ્ર સિદ્ધિ આપનારું અને કોઈ અન્ય સાધન વિના પરમાત્મપ્રાપ્તિ કરાવવાવાળું સ્વતંત્ર સાધન છે.