શ્લોક ૦૭-૧૨
સાંખ્યયોગી અને કર્મયોગીનાં લક્ષણો તથા એમનો મહિમા
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय:।।
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते।।७।।
અર્થઃ જેનું મન પોતાને વશ છે, જે જિતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળાં પ્રાણીઓના આત્માસ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લોપાતો નથી.
जितेन्द्रिय: ઈન્દ્રિયો વશમાં હોવાનું તાત્પર્ય છે ઈન્દ્રિયોનું રાગદ્વેષથી રહિત થવું. રાગદ્વેષથી રહિત થતાં ઈન્દ્રિયોમાં મનને વિચલિત કરવાની શક્તિ નથી રહેતી.
श्रुत्वा स्पृष्ट्वा च द्रुष्ट्वा च भुक्त्वा ध्रात्वा च यो नर:।
न हृष्यति ग्लायति वा स विज्ञेयो जितेन्द्रिय:।। (મનુસ્મૃતિ ૨/૯૮) જે પુરુષ સાંભળીને, ર્સ્પશ કરીને, જોઈને, ખાઈને, સૂઘંીને ન તો પ્રસન્ન થાય છે અને ન તો ગ્લાનિ પામી જાય છે (ખિન્ન થાય છે) તેને જ જીતેન્દ્રિય જાણવા જોઈએ. જીતેન્દ્રિય થયા પછી સાધક પોતાનાં ઈન્દ્રિયોને પોતાના મનને અનુકૂળ ગમે ત્યાં જોડી શકે છે. કર્મયોગના સાધકને માટે ઈન્દ્રિયો વશમાં હોવી આવશ્યક છે. નહિ તો તે કર્મયોગ કે નિષ્કામ સેવા યથાર્થ બજાવી શકતો નથી. એટલા માટે ભગવાન કર્મયોગના વિષયમાં ઈન્દ્રિયોને વશ કરવાની વાત વિશેષ રૂપે કહે છે. જેમ કે ‘यस्त्विन्द्रियाणि मनसा नियम्य (૩/૭) ‘तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य (ગી. ૩/૪૧) કર્મયોગીને કે સેવાયોગીને કર્મ, પદાર્થ અને વિષયોની સાથે જ્ઞાનયોગી કરતાં વધારે સંબંધ રહે છે. એવી પરિસ્થિતિમાં ઈન્દ્રિયો વશમાં ન હોવાથી તેનામાં વિચલિત થવાની સંભાવના રહે છે કર્મયોગના અથવા નિષ્કામ સેવાયોગના અનુષ્ઠાનમાં બીજાઓના સુખને માટે અને હિતને માટે સેવારૂપે કર્તવ્યકર્મો કરવાં આવશ્યક છે. જેના માટે ઈન્દ્રિયો વશમાં થયા વિના કર્મયોગ કે સેવાયોગ નિષ્ફળ બની રહે છે.
विशुद्धात्मा-અહીં आत्मा શબ્દ મન માટે પ્રયોજાયો છે. મનની મલિનતામાં કારણરૂપ છે, સાંસારિક પદાર્થોનું મનમાં મહત્ત્વ બેસી જવું. મનની શુદ્ધિમાં કારણરૂપ છે, મનમાં પરમાત્મા અને તેને પામવાનાં સાધનોનું મહત્ત્વ મનમાં બેસી જવું. જ્યાં પદાર્થોનું મહત્ત્વ રહે છે, ત્યાં તેમની કામનાઓ અવશ્ય રહે છે અથવા જાગે છે. જ્યારે મનમાં પરમાત્માનું મહત્ત્વ જાણતા નિષ્કામભાવ આપોઆપ જાગૃત થાય છે. સાધક નિષ્કામ ત્યારે જ બને છે, જ્યારે તેના અંતઃકરણમાં સાંસારિક પદાર્થોનું મહત્ત્વ નથી રહેતું. જ્યાં સુધી પદાર્થોનું મહત્ત્વ છે ત્યાં સુધી તે નિષ્કામ નથી થઈ શકતો.
એક પરમાત્માને પામવાનો અથવા તેને પ્રસન્ન કરવાનો દૃઢ ઉદ્દેશ્ય રાખવાથી (ગોલ સેટ કરવાથી) અંતઃકરણની જેટલી જલદીથી અને જેવી શુદ્ધિ થાય છે એટલી ઝડપથી અને એવી શુદ્ધિ બીજા કોઈ અનુષ્ઠાનથી થતી નથી. (જુઓ બળ પામવાનું વચનામૃત ગ.મ.પ્ર.૬૩) તેથી કર્મયોગમાં એક ઉદ્દેશ્ય કરવાનો જેટલો મહિમા છે, તેટલો કોઈનો (વૈરાગ્યાદિ સદ્ગુણોનો) પણ નથી.
विजितात्मा-વિશુદ્ધાત્મા અને विजितात्मा બન્ને વચ્ચે સંબંધ છે. મનની વિશુદ્ધિ થયા વિના મનને જીતાતું નથી. વળી અહીં विजितात्मा શબ્દથી આત્મા શબ્દનો અર્થ શરીર પણ થાય છે. કારણ કે કર્મયોગમાં શરીરના સુખ અને શરીરના આરામનો ત્યાગ કરવાની ઘણી ભારે આવશ્યકતા છે. જો શરીરથી આળસ, પ્રમાદ રહેશે તો કર્મયોગ કે નિષ્કામ સેવાયોગનું અનુષ્ઠાન તેનાથી શકય નહિ બને. આથી અહીં ભગવાને શરીરને વશ કરવાની પણ વાત કરી છે.
सर्वभूतात्मभूतात्मा-નું તાત્પર્ય છે, સર્વને વિશુદ્ધ આત્મારૂપે દેખવા અથવા પોતે શુદ્ધ આત્મસ્વરૂપને પામીને પોતાના જેવા સર્વને દેખવા, માનવા, અનુભવવા. કર્મયોગથી અથવા નિષ્કામ સેવાયોગથી સઘળાં પ્રાણીઓની સાથે પોતાની એકતાનો અનુભવ થઈ જાય છે. ચાહે પોતાના શરીર, ઈન્દ્રિયો વગેરેથી અસંગ થઈ જાય. ચાહે બીજાનાં જે શરીરો છે તેની નિષ્ઠાથી સેવા કરે. ત્યારે તેને બીજાની સાથે એકતા અનુભવી શકાય છે. પ્રેમી ભક્તો પ્રથમ ભગવાનના ભક્તોની દિલથી સેવા કરે છે. પછી ઊંચી સ્થિતિને પામીને ભગવાનની સેવા કરે છે. પછીથી ‘तोरा मोरा जियरा एक रे प्यारे तोरा मोरा जियरा एक’ એવી પરમાત્માની સાથે પણ એકતાનો અનુભવ કરે છે. તે પ્રેમપૂર્વકના સેવામાર્ગની રીતિ છે. જ્યારે પોતાને પિંડ-બ્રહ્માંડથી અલગ માનીને, બ્રહ્મરૂપ માનીને પરમાત્માની સાથે એકતા સાધે છે અર્થાત્ ‘आत्मा सो परमात्मा’ એવી રીતે નહિ પણ ‘मम सार्धम्यमागता:’ એવા ભાવથી તુલ્યપણાને પામે છે. એ સાંખ્યયોગની પદ્ધતિ છે. એવી રીતે સર્વભૂતાત્મ ભૂતાત્માની અનુભૂતિ કરે છે.
सर्वभूतात्मभूतात्मा-નું તાત્પર્ય છે, સર્વને વિશુદ્ધ આત્મારૂપે દેખવા અથવા પોતે શુદ્ધ આત્મસ્વરૂપને પામીને પોતાના જેવા સર્વને દેખવા, માનવા, અનુભવવા. કર્મયોગથી અથવા નિષ્કામ સેવાયોગથી સઘળાં પ્રાણીઓની સાથે પોતાની એકતાનો અનુભવ થઈ જાય છે. ચાહે પોતાના શરીર, ઈન્દ્રિયો વગેરેથી અસંગ થઈ જાય. ચાહે બીજાનાં જે શરીરો છે તેની નિષ્ઠાથી સેવા કરે. ત્યારે તેને બીજાની સાથે એકતા અનુભવી શકાય છે. પ્રેમી ભક્તો પ્રથમ ભગવાનના ભક્તોની દિલથી સેવા કરે છે. પછી ઊંચી સ્થિતિને પામીને ભગવાનની સેવા કરે છે. પછીથી ‘तोरा मोरा जियरा एक रे प्यारे तोरा मोरा जियरा एक’ એવી પરમાત્માની સાથે પણ એકતાનો અનુભવ કરે છે. તે પ્રેમપૂર્વકના સેવામાર્ગની રીતિ છે. જ્યારે પોતાને પિંડ-બ્રહ્માંડથી અલગ માનીને, બ્રહ્મરૂપ માનીને પરમાત્માની સાથે એકતા સાધે છે અર્થાત્ ‘आत्मा सो परमात्मा’ એવી રીતે નહિ પણ ‘मम सार्धम्यमागता:’ એવા ભાવથી તુલ્યપણાને પામે છે. એ સાંખ્યયોગની પદ્ધતિ છે. એવી રીતે સર્વભૂતાત્મ ભૂતાત્માની અનુભૂતિ કરે છે.
જેવી રીતે શરીરના કોઈ એક અંગમાં પ્રહાર થતાં બીજું અંગ તેની સેવા કરવાને માટે સહજભાવે, કોઈ જાતના વિશેષ અભિમાન વિના, કૃતજ્ઞતાની અપેક્ષા વિના આપમેળે લાગી જાય છે. એવી જ રીતે કર્મયોગી કે સેવાયોગી દ્વારા બીજાઓને સુખ પહોંચાડવાની ચેષ્ટા સહજભાવે, કોઈ અભિમાન કે કામના વિના, કૃતજ્ઞતા ઈચ્છયા વિના આપમેળે થાય છે. તે સેવા કરવા માટે કોઈપણ પ્રાણીમાત્રને પોતાનાથી અલગ નથી સમજતો, પોતાના સમજે છે. બધાને ભગવાનના શરીરના અંગો માને છે. જેવી રીતે પોતાના શરીરમાં ભિન્નભિન્ન અવયવો વડે ભિન્નભિન્ન વ્યવહાર થવા છતાં પણ બધા અવયવોની સાથે પોતાપણું સમાન (એક જ) રહે છે. એવી જ રીતે કર્મયોગી સંસારમાં ભિન્ન ભિન્ન વ્યવહાર થવા છતાં અને નિષ્કામ સેવક ભિન્ન ભિન્ન ભક્તોની યથાયોગ્ય સેવા કરવા છતાં પોતાનો રાગ કે વ્યક્તિગત ક્ષુદ્ર સ્વાર્થ દૂર કરવા માટે સાધકે सर्वभूतात्मभूतात्मा થવાનું અર્થાત્ ‘वसुधैव कुटुम्बकम्’ ની ભાવના રાખી બીજાની સેવા કરીને બધા પ્રાણીઓ સાથે પોતાની એકતા-નિજીભાવ માનવો ઘણું જ જરૂરી છે. સંકુચિત મનવાળો, ક્ષુદ્ર વ્યક્તિગત સ્વાર્થમાં ડૂબેલો, સાધક પણ તે કરી શકતો નથી. તેવી ક્ષુદ્રબુદ્ધિ જ્યારે ત્યાગ થાય ત્યારે તેના સ્વભાવમાં ઉદારતા આવે છે.
ક્રિયા અને પદાર્થથી આપણે અલગ છીએ. આપણે એનો આપણા આત્મકલ્યાણ માટે સદ્ઉપયોગ કરવાનો છે. તેને પરમાત્માની પ્રસન્નતા થાય એવી રીતે પરમાત્માના ભક્તની સેવામાં વિનિયોગ કરવાની છે. ક્રિયા અને પદાર્થને તેમની સેવામાં લગાડવા એ આપણી મહત્તા નથી; પરંતુ વાસ્તવિક જરૂરિયાત છે. જે વાસ્તવિકતા હોય છે, તે સહજ હોય છે. તેમાં પરિશ્રમ કે અભિમાન નથી હોતા. અવાસ્તવિકતામાં જ પરિશ્રમ અને અભિમાન હોય છે.
ક્રિયા અને પદાર્થ બીજાઓની સેવામાં ત્યારે જ લાગી શકે છે જ્યારે આપણામાંથી માનસિક સંકુચિતતા દૂર થાય. આપણમાં ઉદારતા આવે.ભગવાનની વિશાળ દૃષ્ટિ આવે છે. ઉદારતા વિના માણસ બીજાને સુખી જોઈને પ્રસન્ન થઈ શકતો નથી અને દુઃખીને જોઈને કરુણા વહાવી શકતો નથી.
ભગવાને ભોગ અને સંગ્રહને સાધનામાં બાધક બતાવ્યા છે. (૨/૪૪) બીજી વ્યક્તિને સુખી જોઈને જે પ્રસન્ન થઈ શકે છે, તેનો તીવ્ર રાગ શાંત થાય છે. બીજાના ભોગ અને સુખ જોઈને જેના હૃદયમાં જલન પેદા થાય છે, તેનો સંસાર પ્રત્યેના રાગ વધે છે. તેમાં પણ સદ્.ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ‘હીરો કોઈ રીતે ન ફૂટે પણ માંકડના લોહીથી ફૂટે છે. તેમ વાસના કોઈ રીતે જાય તેવી નથી પણ મોટા પુરુષ (ભગવાનના અનન્ય ભક્ત)નો ગુણ લે અથવા તેમાં સદ્ભાવના કરે તેટલામાં દૂર થાય છે.’ માટે ભગવાનના અનન્ય ભક્તની સેવા અને તેમાં સદ્ભાવનાથી પોતાના અંતરના રાગ દૂર થાય છે, તે નિષ્કામ સેવકથી બની શકે છે. ભોગ ભોગવવાની જે સુખની ઝંખના છે તે સુખ, બીજાને સુખી જોઈને પ્રસન્ન થવાથી વિશેષપણે મળી જાય છે. તેથી તેની ભોગવૃત્તિ મંદ પડી જાય છે. ભગવાનના ભક્તનું દુઃખ જોઈને દિલગીર થવાથી આપણી સંગ્રહવૃત્તિ મંદ પડીને નાબૂદ થાય છે.
પ્રસન્નતા અને કરુણામાં એક વિલક્ષણ રસ છે. શાસ્ત્રોમાં તેને મુદિતા, મૈત્રી, કરુણા, ઉપેક્ષાવૃત્તિઓ ગણાવીને અંતઃકરણને શુદ્ધ કરવાનાં સાધન ગણાવ્યાં છે. પ્રસન્નતા અને કરુણામાં જે નિત્યરસ છે તે ક્રિયા, પદાર્થ કે ઈતર સાંસારિક વાસના, રાગને દૂર કરીને જીવને ભગવાનના નિત્ય સ્વરૂપરસની સાથે એક્તા કરાવી દે છે.
અહીં જીતેન્દ્રિય, વિશુદ્ધાત્મા, વિજીતાત્મા અને સર્વભૂતાત્મ-ભૂતાત્મા આ ચાર લક્ષણોથી યુક્ત જે કર્મયોગી છે તેને અહીં ‘योगयुक्त’ કહ્યો છે. સાધક ને સાધનમાં સ્વભાવિક પ્રવૃત્તિ ન હોવાનું કારણ છે ઉદ્દેશ્ય અને રુચિમાં ભિન્નતા. જ્યાં સુધી હૃદયમાં સંસારનું મહત્ત્વ છે ત્યાં સુધી ઉદ્દેશ્ય અને રુચિનો સઘંર્ષ દૂર થતો નથી. ઉદ્દેશ્ય ભગવાન પાસે જવાનો હોય છે ને રુચિ ઘણું કરીને પંચવિષય, નાશવંત પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિની હોય છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે ‘અંતે રુચિ સહાય કરે છે. રુચિ સારી હશે તો ભગવાન પાસે લઈ જશે અને રુચિ નબળી હશે તો સંસારના જન્મ-મરણમાં લઈ જશે’ માટે રુચિ સારી કરવી. તેને ધીરે ધીરે મરડવી અને ભગવાન અને મોટા સંતની રુચિ શું છે; તેમાં એક કરવી. તો જ ઉદ્દેશ્ય સિદ્ધ થઈ શકે, નહિ તો ઉદ્દેશ્ય સિદ્ધ ન થાય. ઉદ્દેશ્યની સાથે જ્યારે રુચિ મળી જાય ત્યારે સાધન ઝડપથી થાય છે. ઉદ્દેશ્ય હંમેશાં ભગવાનને પામવાનો જ હોય છે. જો તે જગતનો હોય તો તે ઉદ્દેશ્ય નહીં ગણાય પણ વાસના ગણાશે. માટે જેના ઉદ્દેશ્ય અને અનુરૂપ રુચિ એક થઈ ગયા હોય તેને અહીં યોગયુક્ત કહ્યો છે.
નાશવંત અને લૌકિક ફળ જરા પણ ન ઈચ્છે, ત્યારે જ સાચો કર્મયોગ થાય છે. ત્યારે જ તે બીજા ભગવાનના ભક્તની સેવા કરી શકે છે. નહિ તો પોતાની સેવા બીજા પાસે કરાવે પણ તે બીજાની સેવા કરી શકતો નથી. નિષ્કામ સેવક અથવા કર્મયોગીમાં ફળની ઈચ્છા તો નથી હોતી પણ ઉદ્દેશ્ય-પરમાત્માને પામવાનો કે પ્રસન્ન કરવાનો-જરૂર હોય છે. જે હોવો જ જોઈએ. કર્મયોગી કે સેવાયોગીનો ઉદ્દેશ્ય એવો હોવો જોઈએ કે જે પોતાનું આત્મકલ્યાણ સાધે ને બીજા તમામને પણ ફાયદારૂપ હોય, તેનો લાભ બીજાને પણ મળતો રહે. બીજાના હિતના ભોગે પોતાનું આત્મકલ્યાણ પણ સાધવા માગતો હોય તો તે નિષ્કામ સેવક કે કર્મયોગી ન બની શકે. અહીં સાચા ઉદ્દેશ્યવાળા સાધકને જ યોગયુક્ત કહ્યો છે. અહીં જેને યોગયુક્ત કહ્યો છે તેને જ છઠ્ઠા અધ્યાયના ચોથા શ્લોકમાં ‘યોગારૂઢ’ કહેવામાં આવ્યો છે. कुर्वन्नपि न लिप्यते। કર્મયોગી કે નિષ્કામ સેવાયોગી કર્મો કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. કર્મોના બંધનમાં કારણરૂપ છે-કર્મો પ્રત્યે મમતા, કર્મોનાં ફળની ઈચ્છા, કર્મજન્ય સુખની ઈચ્છા તથા તેનો ભોગ અને કર્મપ્રત્યેનું અભિમાન. તાત્પર્ય એ કે કર્મો વડે કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા જ બંધનનું કારણ છે. કિચિંત્માત્ર પણ મેળવવા ઈચ્છા ન રહેવાથી કર્મયોગી કર્મ કરતો હોવા છતાં તેમનાથી નથી બંધાતો અર્થાત્તેનાં કર્મો અકર્મ બની જાય છે.
नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित्।
पश्यञ्श्रृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्स्वपञ्श्वसन्।।८।।
प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि।
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्।।९।।
અર્થઃ તત્ત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂઘંતો, જમતો, ચાલતો, ઊઘંતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખોે ઉઘાડતો કે મીંચતો હોવા છતાં પણ, સર્વ ઈન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિઃશંકપણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો.
तत्त्ववित् युक्त इन्द्रियाणि इन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् नैव किञ्चित् करोमि इति मन्यते।
અહીં ભગવાન કહે છે કે युक्त: કર્મયોગી એ પણ તત્ત્વને પામેલ એવો કર્મયોગી તમામ ઈન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણની ક્રિયાઓને કરતો કરતો પણ તેનાથી અલગ પડીને આત્મભાવથી કરે છે. તે તે ઈન્દ્રિયોની ક્રિયાઓને પોતામાં નિષેધ કરે છે ને અલગ આત્મભાવથી રહીને કર્તવ્ય નિભાવ કરે છે. જેથી અહીં કર્મયોગીનું વિશેષણ तत्त्ववित् એવું પ્રયોજ્યું છે. વાસ્તવમાં આત્મતત્ત્વમાં કોઈપણ ક્રિયા થતી નથી અને તમામ ક્રિયાઓ પ્રકૃતિના પ્રદેશમાં થાય છે. એવા તત્ત્વને પામી ગયેલો કર્મયોગી કે નિષ્કામ સેવાયોગી આત્મભાવથી અલગ પડીને ઈન્દ્રિયો, અંતઃકરણ, દેહ, પ્રાણની તમામ ક્રિયાઓને પરમાત્માની અને તેના અનન્ય ભક્તોની સેવાથી વિનિયોજે છે. એમ કરતાં કરતાં તેના અંતરમાં તત્ત્વનો સાક્ષાત્કાર થતાં ‘नैव किञ्चित् करोमि इति’ એવી અનુભૂતિ થાય છે. વાસ્તવમાં કર્તવ્યકર્મોને છોડીને હું કર્મોથી નિવૃત્ત થયો છું, એવી અનુભૂતિ કરતો નથી.
અહીં તો કર્મયોગીની અત્યંત વિલક્ષણ અનુભૂતિને બતાવી છે. જે અનુભૂતિ કદાચ સાંખ્યયોગી પાસે પણ દુર્લભ છે જે पश्यन्, श्रुण्वन्…अपि नैव किञ्चित्करोमि इति मन्येत-ઉપર્યુક્ત તેર ક્રિયાઓ બતાવીને ભગવાન શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે દ્વારા, અર્થાત્જીવવા માટે થતી તમામ ક્રિયાઓથી અલગ પડવાનો સંકેત કરી રહ્યા છે. તેથી અહીં એ પણ ભાવ પ્રતીત થાય છે કે સાધકે વર્ણ, આશ્રમ, સ્વભાવ, પરિસ્થિતિ વગેરેને અનુસારે શાસ્ત્રવિહિત શરીરનિર્વાહની ક્રિયાઓ, ખાન, પાન, વેપાર કરવો, ઉપદેશ આપવો, લખવું, વાંચવું, સાંભળ-વું, વિચારવું, વગેરે ક્રિયાઓને પરમાત્માને રાજી કરવામાં અને ભગવાનના અનન્ય ભક્તોની સેવામાં વિનિયોગ કરીને તે તે ક્રિયાઓથી અલગ પડવું. તે તે ક્રિયાઓનો પોતામાં નિષેધ કરવો પણ તે તે ક્રિયાઓ છોડીને બેસી જવું એવો અર્થ નથી. એ તો દેહાભિમાનનો એક પ્રકાર છે. તે તે ક્રિયાઓ કરીને તેમાં દેહભાવનો ત્યાગ કરવો અને આદર્શ ક્રિયા થાય તો અભિમાનનો ત્યાગ કરવો અને ફળત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે. ક્રિયાના પરિશ્રમનો ત્યાગ એ ત્યાગ નથી એ તો નરી દેહબુદ્ધિ છે. જો એમ ન હોત તો ભગવાનને पश्यन् श्रुण्वन् આદિ શબ્દો લખવાની શી જરૂર પડત ? गुणा गुणेषु वर्तन्ते (૩/૨૭) એ પદોનો પણ એ જ ભાવ છે. આદર્શ ક્રિયા કરવી, ભગવાનના અનન્ય ભક્તોની સેવાને માટે ક્રિયા કરવી, પરમાત્મા પ્રસન્ન થાય એવી રીતે ક્રિયા કરવી અને અંતમાં એ ક્રિયાનો પોતાના આત્મતત્ત્વમાં સ્પર્શ ન થવા દેવો અર્થાત્તેનો અહંકાર ન આવવા દેવો અને લૌકિક કામના ન રાખવી.
સ્વરૂપમાં કદી અભાવ હોતો નથી. જ્યારે તે પ્રકૃતિની સાથે અથવા પ્રાકૃતિક ભાવો, પદાર્થોની સાથે તાદાત્મ્ય માની લે છે ત્યારે તેને પોતામાં અભાવ પ્રતીત થવા લાગે છે. એ અભાવની પૂર્તિને માટે તે કામના કરવા લાગી જાય છે. કામનાની પૂર્તિ માટે તેમાં કર્તાપણું આવી જાય છે. કારણ કે કામના થયા વિના સ્વરૂપમાં કર્તાપણું આવતું જ નથી.
જ્યારે તત્ત્વનો માર્ગ ઊલટો છે. પરમાત્માની કામના થવાથી લૌકિક કામનાઓ જીવમાંથી દૂર થતી જાય છે ને સ્વરૂપ વિશુદ્ધ બનતું જાય છે તેમ તેમ પૂર્ણતા અને તૃપ્તિ અનુભવાય છે; છતાં તેને પરમાત્મતત્ત્વની અતિ ભૂખ લાગે છે અને તેનો વધારેને વધારે વેગ ચડતો જાય છે. જેમ તૃપ્તિ વધે છે, તો પણ મેળવવાનો કે અનુભૂતિ કરવાનો વેગ વધતો જાય છે અને એક ચક્ર વહેતું થઈ જાય છે. જે સંસાર ચક્રથી ઊલટું છે.
ब्रह्मण्याधाय कर्माणि सङगं त्यक्त्वा करोति य:।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा।।१०।।
અર્થઃ જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળનાં પાંદડાંની પેઠે પાપથી લેપાતો નથી.
ब्रह्मण्याधाय कर्माणि-ब्रह्मणि શબ્દનો અર્થ પ્રકૃતિ પણ લઈ શકાય છે. શ્રીરામાનુજાચાર્યજીએ ‘ब्रह्म’ શબ્દનો અર્થ પ્રકૃતિ અને તેના કાર્યરૂપ ઈન્દ્રિય, અંતઃકરણમાં કર્માધાન કરીને એવો અર્થ કર્યો છે. જ્યારે સદ્. ગોપાળાનંદ સ્વામીએ કરેલ ભાષ્યમાં બ્રહ્મ શબ્દનો અર્થ પરમાત્મા કર્યો છે. વળી બ્રહ્મનો અર્થ અક્ષરબ્રહ્મ પણ કહેવામાં આવે છે. તાત્પર્ય એ થયું કે સાધકે કોઈપણ રીતે કર્મોનું અભિમાન પોતાના ઉપરથી દૂર કરવાનું છે. કર્તૃત્વાભિમાન દૂર થવાથી તેને અનુબંધી બંધનો પણ દૂર થઈ જાય છે.
શરીર, ઈન્દ્રિયો, મન, પ્રાણ વગેરે તમામ તત્ત્વો ભગવાનનાં છે અને ભગવાને આ જીવને આત્મકલ્યાણ સાધવા માટે આપ્યાં છે. જીવના તો નથી જ. તેથી તેમના દ્વારા સંપાદન થતી ક્રિયા પોતાની કેમ માની શકાય? એટલા માટે એનો એ ભાવ છે અથવા સમાધાન છે કે તમામ ક્રિયાઓ ભગવાન દ્વારા જ થાય છે, એમ માનવું વધારે ઉચિત ગણાશે. વળી ભગવાન દ્વારા જ થાય છે, માટે ભગવાન માટે જ થવી જોઈએ. હું તો માત્ર શરીર, ઈન્દ્રિયોની જેવું એક ઉપકરણ માત્ર છું. આવું જીવમાં ઊંડે ઠસાવીને (आधाय) પોતાના અભિમાનનો સારી રીતે ત્યાગ કરવાનો છે. એવો આ પદોનો ભાવ છે. શરીર,બબ સમજણ, સાનુકૂળતા વગેરે જે જે સામગ્રી મળેલી છે, તે પોતાની તો છે જ નહિ. કેવળ બીજાની (ભગવાનના અનન્ય ભક્તોની) સેવા માટે સદુપયોગ કરવા માટે ભગવાને આપણને આપી છે. એના ઉપર આપણો સ્વતંત્ર અધિકાર નથી અર્થાત્એમને પોતાની ઈચ્છા મુજબ ન તો રાખી શકીએ છીએ, ન બદલી શકીએ અને ન મરતી વખતે સાથે પણ લઈ જઈ શકીએ. સદુપયોગ જરૂર કરી શકીએ છીએ. જો ભગવાનને અર્થે સદુપયોગ કરીએ તો એ જ કર્મયોગ વિશુદ્ધ ભક્તિ બની રહે છે.
सङगं त्वक्त्वा करोति य:। કોઈપણ વ્યક્તિને પદાર્થ, પરિસ્થિતિમાં જરાપણ રાગ, ખેંચાણ, આકર્ષણ, જોડાણ, મહત્ત્વબુદ્ધિ, મમતા, કામના વગેરે ન રહે એને જ આસક્તિનો સર્વથા ત્યાગ કર્યો કહેવાય. પોતાના વ્યક્તિગત દુન્યવી સ્વાર્થ સિદ્ધ કરવા તેનો ઉપયોગ ન કરવો અને ભગવાન અને તેના અનન્ય ભક્તોને સુખ પહોંચે તેમ ઉપયોગ કરવો તે જ તેનો સદ્ઉપયોગ કર્યો ગણાય.
વેદાંતની દૃષ્ટિએ ‘અજ્ઞાન’ જન્મમરણનું કારણ હોવા છતાં પણ સાધનની (ગીતાની) દૃષ્ટિએ ‘રાગ’ જ જન્મમરણનું મુખ્ય કારણ છે. कारणं गुणसङगोऽस्य सदसद्योनिजन्मसु (૧૩/૨૧) રાગ પર જ અજ્ઞાન ટકેલું છે. રાગ દૂર થતાં અજ્ઞાન અકિંચિત્કર થઈ જાય છે અને તેના મૂળ ઊથલી જાય છે અને રાગ-અથવા આસક્તિથી જ કામના ઉત્પન્ન થાય છે. सङगात् सञ्जायते काम: (૨/૬૨) કામના જ તમામ પાપોનું મૂળ છે. (૩/૩૭) તેથી અહીં પાપોના મૂળ કારણ આસક્તિનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે જો કામના રહે તો માણસ પાપોથી બચી શકતો નથી અને જો કામના દૂર થાય તો મનુષ્ય પાપોથી લિપ્ત થતો નથી.
કોઈપણ ક્રિયા કરતી વખતે ક્રિયાજન્ય સુખ લેવાથી તથા તેના ફળમાં (ભાવિ) આસક્ત રહેવાથી તે ક્રિયાનો સંબંધ વિચ્છેદ થતો નથી, ઊલટાનો વધે છે. કોઈપણ નાની કે મોટી ક્રિયાના ફળના રૂપમાં કોઈ વસ્તુ ઈચ્છવી એટલું માત્ર જ આસક્તિ નથી; પરંતુ ક્રિયા કરતી વખતે પણ ક્રિયાને આનુસંગિક પોતાનામાં મોટાઈ કે સારાપણું માનવું કે આરોપણ કરવું અને બીજાઓ દ્વારા સારા કહેવડાવવાનો ભાવ કે અપેક્ષા રાખવી એ પણ આસક્તિ જ છે. તેમ કરવાથી તે કર્મ પોતાને માટે બની જાય છે. માટે પોતાના સુખસગવડ અને સન્માનની ઈચ્છાનો સર્વથા ત્યાગ કરીને કર્મ કરવું એ જ ઉપરની પંક્તિનો અર્થ છે.
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा।
કેટલી બધી વિશેષ વાત છે કે, સાધક સંસારમાં રહીને પોતાના કર્તવ્ય સંબંધી તમામ કર્મો કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. જેમ કમળની પાંદડી રાત્રિ દિવસ જળમાં રહે છે. એટલું જ નહિ પણ તેનો જન્મ પણ જળમાં થયો છે તો પણ તે પાંદડીને જળ ભીંજવી શકતું નથી. તેવી જ રીતે કર્મયોગી કે સેવાયોગી સંસારમાં રહીને તમામ કિયાઓ કરવા છતાં સંસારમાં સર્વદા,સર્વથી નિર્લિપ્ત રહે છે.
પરમાત્માથી વિમુખ થઈને કામના કરવી એ જ સર્વ પાપોનું મૂળ છે. ધુમાડાથી અગ્નિની જેમ, બધાં કર્મો કોઈક ને કોઈક દોષથી યુક્ત હોય છે; (૧૮/૪૮) પરંતુ તે કર્મોની પાછળનો રાગ, આસક્તિ, કામના કે મમતા છોડી દેવાથી દોષયુક્ત હોવા છતાં કર્મો કે કર્મોમાં રહેલા દોષ તેને લિપ્ત નથી કરી શકતા.
कायेन मनसा बुद्धया केवलैरिन्द्रियैरपि।
योगिन: कर्म कुर्वन्ति सङगं त्यक्त्वात्मशुद्धये।।११।।
અર્થઃ કર્મયોગીઓ મમત્વભાવ રાખ્યા વિનાનાં કેવળ ઈન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે.
અહીં योगिन: પદ કર્મયોગીને માટે વપરાયું છે. જે યોગીઓ નિષ્કામભાવપૂર્વક ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના અનન્ય ભક્તોની સેવા કરે છે તે નિષ્કામ સેવાયોગી અથવા ભક્તિયોગી કહેવાય છે. જે યોગીઓ કેવળ સંસારની સેવા માટે નિષ્કામભાવપૂર્વક કર્મો કરે છે, તેઓ કર્મયોગી કહેવાય છે. કર્મયોગી પોતાના કહેવડાવવાવાળા શરીર, ઈન્દ્રિયો, મન વગેરેથી કર્મો કરતો હોવા છતાં પણ તેમને પોતાના નથી માનતો. પોતાનું નિષ્કામ ભાવથી કર્તવ્યકર્મ બજાવ્યે જાય છે. कायेन मनसा बुद्धया केवलैरिन्द्रियैरपि। જેને સાધારણ મનુષ્ય પોતાના માને છે, તે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વાસ્તવમાં કોઈપણ દૃષ્ટિએ પોતાના માનવા યોગ્ય નથી. ખરેખર આપણને બીજા (ભગવાન) પાસેથી મળેલાં છે. અને ભગવાનથી વિખૂટા પડવાવાળાં છે. એમને પોતાના માનવાં એ ભૂલ છે. કાર્યની દૃષ્ટિએ એ પ્રકૃતિના છે. માલિકની દૃષ્ટિએ એ ભગવાનના છે. કારણની દૃષ્ટિએ જોઈએ તો પણ પ્રકૃતિ સિવાય કાંઈ આવતું નથી. માટે કોઈ પણ દૃષ્ટિએ એમાં મમતા રાખવી એ ભૂલ છે. માટે મમતાને સર્વથા દૂર કરવા માટે જ અહીં केवलै: પદ લખ્યું છે.
ખરેખર કર્મયોગ કરવાની કે નિષ્કામ સેવાયોગ કરવાની એ જ રીત છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે દેહે કરીને ક્રિયા કરવીને મને કરીને તેનાથી અલગ પડવું. ક્રિયાથી અને ઈન્દ્રિયો અંતઃકરણથી પણ અલગ પડી અદલ કર્તવ્ય બજાવવું કે સેવાકર્મ કરવું એવો આ પંક્તિનો ભાવ છે.
અહીં केवलै: इन्द्रियै: એટલું જ નથી લેવાનું પણ કેવલ શબ્દ દરેક સાથે જેમ કે केवलेन कायेन, केवलेन मनसा, केवलया बुद्धया વગેરે દરેક સાથે केवल શબ્દને લેવાનો છે. સાધકોએ દરેક સ્થાનથી પોતાની મમતા હઠાવવાની છે. કોઈપણ એક સાથે સંબંધ જોડાવાથી સમગ્ર સાથે આપોઆપ સંબંધ જોડાઈ જાય છે. જેમ કન્યા સાથે લગ્ન સંબંધ જોડાતા સાસુ, સસરા, ભાઈ, ભોજાઈ તમામ આપોઆપ સંબંધી થઈ જાય છે. દરેકને સંબંધી કરવા પડતા નથી. તેમ કેવળ શરીર સાથે સંબંધ રહેવાથી પણ સમગ્ર સંસાર સાથે આપોઆપ જોડાઈ જવાય છે. કોઈપણ એક સાથેનો સંબંધ પણ તમામ સંસાર સાથેનો સંબંધ ઊભો કરી દે છે. જેમ ભરતજીને કેવળ મૃગનો સંબંધ સમગ્ર સંસાર, જન્મ-મરણ સાથેનો સંબંધ બની ગયો. તેથી સાધકે ભગવાન કે ભગવાનના ભક્તોની સેવા બજાવતા પણ શરીર વગેરે તમામ ઠેકાણેથી મમતા દૂર કરવી જ પડે છે તેથી ભગવાને અહીં केवलै: પદ વાપર્યું છે.
વાસ્તવમાં કર્તાનું પોતે મમતારહિત થવું એ જ અતિ આવશ્યક છે. જો કર્તા પોતે નિર્મમ થાય તો બીજી મમતાઓ જલદી દૂર થાય છે, આપોઆપ છૂટી જાય છે.
કર્મયોગની સાધનામાં ફળની ઈચ્છાનો ત્યાગ મુખ્ય છે (૫/૧૨) વસ્તુતાએ આપણે કરેલા કર્મનું ફળ ભગવાન કદાપિ બીજાને આપતા જ નથી. અવશ્ય આપણને જ મળે છે તો પણ જીવ અગાઉથી ફળને તાકીને બેસે છે અને તેને આધારે જ કર્મ કરવાની શરૂઆત કરે છે. તેમાં મમતા જોડ્યા વિના રહી શકતો નથી. તેથી કર્મનો ઘણો માર ખાય છે. જો તે તેમાં નિર્મમ રહી શકે અથવા તે કર્મનું ફળ ભગવાન કે ભગવાનની સેવામાં વિનિયોગ કરે તો તેની મમતા છૂટી જાય છે અને ઊલટું તેને અનંતગણું ફળ મળે છે પણ રાગ અને ક્ષુદ્રમતિને લઈને તે તેવું કરી શકતો નથી. સાધારણ લોકો ફળ પ્રાપ્તિને માટે કર્મ કરે છે. એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કે ‘ફળ પ્રાપ્તિને માટે કરે છે.’ પરંતુ કર્મયોગી અથવા ભગવાનનો સેવક કર્મફળની આસક્તિને દૂર કરવા કર્મ કરે છે. તે પોતાની મમતા ભગવાનમાં જોડીને કર્મ કરે છે. તેથી તે કર્મ તેને માટે ભક્તિ બની જાય છે. સદ્. ગોપાળાનંદ સ્વામી કહે છે કે ભગવાનને અર્થે કરવું તેને ભક્તિ કહીએ. અને શ્રીજી મહારાજ પણ વરતાલ ૧૭મા વચનામૃતમાં કહે છે કે ‘ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. સાધક જ્યાં સુધી શરીર સાથે કે ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ સાથે જોડાઈને તેને પોતાનાં માનતો રહે છે ત્યાં સુધી ફળની ઈચ્છાનો ત્યાગ કરી શકતો નથી. કદાચ કર્મફળની ઈચ્છા ન કરે તો પણ શરીર વગેરેને પોતાના માનવાથી તે કર્મ ફળનો હેતુ જ થાય છે. જેની ભગવાને કર્મયોગમાં મનાઈ કરી છે. मा कर्मफलहेतुर्भू: (૨/૪૭) તેથી શરીરને પોતાનું માનતાં આપમેળે જ ફળની ઈચ્છા ઉત્પન્ન થઈ આવે છે. માટે ફળની મમતા છોડવા માટે પ્રથમ આ મમતા છોડવી પડે છે. केवलै: પદનું તાત્પર્ય એમ છે કે, ભગવાન અને ભગવાનના ભક્તના અર્થે ક્રિયા કરતાં અથવા આદર્શના રૂપમાં થતાં પણ પોતાના પ્રત્યે આપણે કાંઈક ઊંચા છીએ તેવી માનની લાગણી થાય તો પણ ઇંજ્ઞમબેઃન રહ્યું કહેવાય. તેની સાથે સંબંધ જોડાયો કહેવાય અને મમતાનો ભાવ આવ્યો ગણાય.
सङगं त्यक्त्वात्मशुद्धये-આત્માની અશુદ્ધિ શું છે? તો રાગ એ જ આત્માની અશુદ્ધિ છે. ઈન્દ્રિયો, અંતઃકરણ હોવાં અથવા ક્રિયા કરવી એ ગીતાની દૃષ્ટિએ કે શાસ્ત્રોની દૃષ્ટિએ આત્માની અશુદ્ધિ નથી. ઊલટું ભગવાન અને મહાપુરુષો અતિ શુદ્ધ સ્વરૂપ હોવા છતાં અનેક જીવોને ભગવાનને રસ્તે વાળવા વિરાટ પુરુષાર્થ કરતા હોય છે પણ તે કરુણાસભર હોય છે, રાગરહિત હોય છે. શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિની સાથે મમતા દૂર થવી તે સાચી આત્મશુદ્ધિ છે. શરીર વગેરે એમ નથી કહેતા કે અમે તમારા છીએ પણ આત્મા જ એને પોતાના માનીને મમતા અને રાગ કરીને બેઠો છે. એ મમતા-રાગ એ જ આત્માની અશુદ્ધિ છે.
મમતા દુઃખ કેરું મૂળ છે, મમતા માંહિ સહસ્ત્ર શૂળ છે;
મમતા મનમાંથી જો તજે, સુખ શાંતિ જન તો સદા સજે.
માટે દેહ આદિકમાં મમતાનો સર્વથા અભાવ અને પરમાત્મામાં તથા તેના સાચા ભક્તોમાં મમતાનો સદ્ભાવ તે જ સાચી આત્મશુદ્ધિ છે. અહીં ‘केवलै:’ પદ દ્વારા જે પોતાપણું હઠાવવાની વાત કરી છે તે જ વાત आत्मशुद्धये શબ્દથી કહી છે. તાત્પર્ય એ છે કે અંતઃકરણની શુદ્ધિ માટે પોતાપણું સર્વથા હટાવવાના ઉદ્દેશ્યથી શરીર, ઈન્દ્રિય, મન, બુદ્ધિને પોતાના ન માનવા છતાં પણ તેઓમાં સૂક્ષ્મપણે પોતાપણું રહી જાય છે. એ સૂક્ષ્મ પોતાપણું પણ સર્વથા દૂર થાય એ જ અહીં આત્મશુદ્ધિ શબ્દનું તાત્પર્ય છે.
कर्म कुर्वन्ति-જ્યાં સુધી મનુષ્ય કર્મ કરતી વેળા પોતાને માટે કોઈ પ્રકારનું સુખ ઈચ્છે છે અર્થાત્કોઈ ફળની ઈચ્છા રાખે છે અથવા શરીર, ઈન્દ્રિયો, મન વગેરેને પોતાના અને પોતાને માટે માને છે, ત્યાં સુધી તે કર્મબંધનથી મુક્ત થઈ શકતો નથી. પછી ભલે મુક્તિને માટે સાધના કરતો હોય. એટલા માટે ભગવાનના કહેવાથી કર્મયોગી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને અને કર્મ સામગ્રીને પોતાની ન માનીને કેવળ બીજાઓના (ભગવાન અને ભગવાનના ભક્તોના) હિતને માટે કર્મ કરે છે. કારણ કે યોગારૂઢ થવાની ઈચ્છાવાળા મનનશીલ યોગીને માટે, બીજાઓના હિતને માટે કર્મ કરવાં એ જ સાધન કહેવામાં આવ્યું છે. आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते (૬/૩) આ રીતે બીજાઓના-ભગવાનના ભક્તોના હિતને માટે તે જેમ જેમ કર્મો કરે છે તેમ તેમ મમતા-આસક્તિ દૂર થતી જાય છે ને આત્મશુદ્ધિ થતી જાય છે.
युक्त: कर्मफलं त्यक्त्वा शान्तितमाप्नोति नैष्ठिकीम्।
अयुक्त: कामकारेण फले सक्तो निबध्यते।।१२।।
અર્થઃ કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત્પ્રાપ્તિસ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે, જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસકત થઈને બંધાય છે.
હવે ભગવાન સાધક કર્મફળનો ત્યાગ ન કરીને કર્મયોગ ન કરે તો શું થાય છે તે વાત કહે છે.
युक्त: આ પદનો અર્થ જ્યાં જેવો પ્રસંગ હોય ત્યાં તેવો લેવામાં આવે છે. અહીં કર્મફળનો ત્યાગ કરવાવાળા કર્મયોગીને માટે युक्त: પદ વપરાયું છે. જેનો ઉદ્દેશ્ય પરમાત્માની શાશ્વત સેવામાં જોડાવાનો છે. તે બધા પુરુષો ‘યુકત’અર્થાત્યોગીઓ છે. અહીં કર્મયોગીઓનો વિષય ચાલી રહ્યો છે. એટલા માટે અહીં युक्त: પદ એવા કર્મયોગીને માટે આવ્યું છે, જેની બુદ્ધિ व्यवसायात्मिका (એક પરમાત્માની જ સેવાને પામવાના નિર્ણયવાળી) હોવાથી આ દુન્યવી સ્વાર્થનો અભાવ થઈ ગયો છે. તેને માટે युक्त: પદ વપરાયું છે.
कर्मफलं त्यक्त्वा-અહીં કર્મફળનો ત્યાગ કરવાનું તાત્પર્ય ફળની ઈચ્છા, આસક્તિનો ત્યાગ કરવો એવો છે. કારણ કે વાસ્તવમાં કર્મફળનોનો ત્યાગ કોઈ રીતે થઈ જ શકતો નથી. કર્મફળની ઈચ્છાનો ત્યાગ થઈ શકે છે. કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો અર્થ છે, કોઈ પણ કર્મ કરીને પોતાને માટે અર્થાત્પોતાના ઈહલૌકિક સ્વાર્થ પૂરો કરવા માટેની ઈચ્છા ન હોવી. તેને સંબંધિત કોઈપણ સુખ લેવાની ઈચ્છા ન રાખવી. કર્મ કરવાથી એક તો તાત્કાલિક (ફળ) સુખ મળે છે અને બીજું વિલંબિત-પરિણામે ફળ મળે છે. દા.ત. કોઈ અનીતિથી ધન કમાય છે તો તાત્કાલિક તેને ધન મળ્યું કે તે સંબંધી ભોગ મળ્યા, તે તાત્કાલિક ફળ થયું. અનીતિ કરી તેનો પરલોકમાં દંડ ભોગવવો પડે છે અથવા કયારેક આ લોકમાં પણ તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે, તે વિલંબિત ફળ છે. આવું સારું કાર્ય પણ હોય છે. તેનું સારું પરિણામ (ફળ) પણ હોઈ શકે. અહીં બન્ને ફળોની ઈચ્છાનો ત્યાગ કરવાનું કહે છે. પરમાત્માએ આપેલી તમામ સામગ્રીમાંથી પોતાનું કાંઈ નથી. પોતાને માટે કાંઈ વાપરવાનું નથી અને પોતે તેની ઈચ્છા કરવાની નથી. એવી રીતે સર્વપ્રકારે કર્તા નિષ્કામ થાય ત્યારે કર્મફળની ઈચ્છાનો ત્યાગ થાય છે.
સંચિત કર્મો અનુસાર પ્રારબ્ધ બને છે. પ્રારબ્ધ અનુસાર મનુષ્યનો જન્મ થાય છે. મનુષ્ય જન્મમાં નવાં કર્મો થવાથી નવાં કર્મ સંસ્કાર સંચિત થાય છે; પરંતુ કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને કર્મો કરવાથી કર્મો શેકેલા બીજની જેમ ઊગવાના સંસ્કાર ઉત્પન્ન કરવામાં અસમર્થ બની જાય છે. તેથી તે ‘અકર્મ’ બની જાય છે. (૪/૨૦) વર્તમાનમાં નિષ્કામભાવપૂર્વક કરેલાં કર્મોના પ્રભાવથી તેના પુરાણા કર્મ સંસ્કારો પણ સમાપ્ત થઈ જાય છે. यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते (૪/૨૩) આવી રીતે તેના પુનજર્ન્મનું કારણ જ સમાપ્ત થઈ જાય છે.
કર્મફળ ચાર પ્રકારનાં થાય છે
(૧) દૃષ્ટ કર્મફળ-વર્તમાનમાં કરવામાં આવતા નવા કર્મોનું ફળ. જે તત્કાળ અને પ્રત્યક્ષ મળતું હોય. ખાસ કરીને આ લોકમાં ભૌતિક રીતે મળતું હોય. તેને દૃષ્ટ ફળ કહેવાય. દા.ત. ભોજન કરવાથી તૃપ્તિ થવી.
(૨) અદૃષ્ટ કર્મફળ-વર્તમાનમાં કરવામાં આવતા નવાં કર્મોનું ફળ. જે અત્યારે તો સંચિતરૂપે-પુણ્ય-પાપરૂપે સંગ્રહિત થાય છે; પરંતુ ભવિષ્યમાં આ લોક કે પરલોકમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાના રૂપમાં મળશે. જેમ કે શાસ્ત્ર વિરુદ્ધ જમવાથી પરલોકમાં પાપ-દંડ ભોગવવો પડે.
(૩) પ્રાપ્ત કર્મફળ-પ્રારબ્ધ અનુસાર વર્તમાનમાં મળેલાં શરીર, જાતિ, વર્ણ, ધન, સંપત્તિ, અનુકૂળતા કે પ્રતિકૂળ પરિસ્થિતિને પ્રાપ્ત ફળ કહેવાય.
(૪) અપ્રાપ્ત કર્મફળ-હજુ જેનું ફળ મળ્યું નથી, એવા સંચિત થયેલાં અનુકૂળ કે પ્રતિકૂળ કર્મ અને તેનાં ફળ ભવિષ્યમાં મળવાના બાકી છે તે.
ઉપર્યુક્ત ચાર પ્રકારના કર્મફળમાં દૃષ્ટ અને અદૃષ્ટ કર્મફળ ક્રિયમાણ કર્મને આધીન છે તથા પ્રાપ્ત અને અપ્રાપ્ત કર્મફળ પ્રારબ્ધ કર્મને આધીન છે.
કર્મફળનો ત્યાગ કરવાનો અર્થ છે, દૃષ્ટ કર્મફળનો આગ્રહ ન રાખવો અને ઈચ્છિત મળવાથી પ્રસન્ન ન થઈ જવું. પ્રતિકૂળ દૃષ્ટ ફળમાં અકળાઈ ન જવું. પ્રાપ્ત કર્મફળમાં મમતા ન રાખવી અને અપ્રાપ્ત કર્મફળની આશા ન રાખવી.
સાધારણ રીતે મનુષ્ય કોઈક ને કોઈક કામનાને લીધે જ કર્મોનો આરંભ કરે છે અને દેહાભિમાનને લીધે જ કર્મોનો ત્યાગ કરે છે. કામનાથી આરંભ કરેલાં કર્મોમાં સમાપ્તિ સુધી પછી તે કામનાનું જ ચિંતવન કરે છે.જેવી રીતે વેપારી ધનની ઈચ્છાથી વેપારનો આરંભ કરે છે. વેપાર કરતી વેળાએ પણ તેની વૃત્તિઓ ધનનો લાભ અને હાનિ ન થાય તેના જ પ્રયત્નો કરે છે. ધનનો લાભ થાય તો પ્રસન્ન થાય છે, હાનિ થાય તો દુઃખી થાય છે. તેવી જ રીતે બધા મનુષ્યો સ્ત્રી, પુત્ર, ધન, માન, મોટાઈ વગેરે કંઈકને કંઈક અનુકૂળ ફળની ઈચ્છા રાખીને જ કર્મો કરે છે; પરંતુ કર્મયોગી કે ભગવાનનો સાચો સેવક એવા ફળની ઈચ્છાઓનો ત્યાગ કરીને કર્મ કે સેવા કરે છે.
અહીં સ્વાભાવિક પ્રશ્ન એ છે કે જો કોઈ ફળની ઈચ્છા જ ન હોય, તો કર્મો કરવાં જ શા માટે? તેના સમાધાનમાં પ્રથમ વાત એ છે કે કોઈપણ મનુષ્ય કોઈપણ અવસ્થામાં કર્મોનો સર્વથા ત્યાગ નથી કરી શકતો. (૩/૫) બીજી વાતએ છે કે મનુષ્યના હૈયામાં જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી તે કર્મ કર્યા વિના શાંતિથી બેસી શકતો નથી. તેનાથી વિષયોનું ચિંતન અવશ્ય થશે. જે પણ એક જાતનું કર્મ જ છે. વિષયોનું ચિંતન થશે તેથી તે અધઃપતનની દિશામાં ચાલ્યો જશે. (૨/૬૨-૬૩) તેથી રાગનો સર્વથા અભાવ નથી થઈ જતો, ત્યાં સુધી મનુષ્ય કર્મથી છૂટી શકતો નથી. નિષ્કામભાવે કર્મો કરવાથી જૂનો રાગ દૂર થાય છે. કેવળ પરહિતને માટે કર્મો થવાથી નવો રાગ પેદા થતો નથી.
વિચારપૂર્વક જોવામાં આવે તો કર્મફળની ઈચ્છા રાખીને કર્મ કરવું એ મોટી અણસમજણ છે. કર્મ કરવા પાછળ ઈચ્છા રાખો કે ન રાખો. કરેલ કર્મનું ફળ ભગવાન કદાપિ બીજાને આપતા નથી. અવશ્ય આપણને જ મળે છે . ઈચ્છા કરવાથી અધિક ફળ મળતું હોય અને ઈચ્છા ન કરવાથી ઓછું ફળ મળે એવું પણ નથી. ઊલટું ઈચ્છા ન કરવાથી ફળ તો જેનું તે જ મળે ને નવા રાગ ન બંધાય. જૂના રાગ પણ નાશ પામે. પરમાત્માની પ્રસન્નતા થાય. માટે કર્મ કરીને ફળની કામના કરવી એ અણસમજણ છે.
નિષ્કામભાવે અર્થાત્ફળની કામના ન રાખીને લોકહિતાર્થે કર્મો કરવાથી કર્મો સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે. છતાં પણ કર્મયોગીના કર્મો પાગલ મનુષ્યના કર્મોની જેમ ઉદ્દેશ્યહીન નથી હોતા; પરંતુ પરમાત્મતત્ત્વની પ્રાપ્તિના મહાન ઉદ્દેશ્યપૂર્વક તે કર્મો લોકહિતાર્થે અથવા ભગવાનના ભક્તોની સેવાર્થે અથવા સત્સંગની સેવાર્થે કરવામાં આવ્યા હોય છે. તેના કર્મોનું લક્ષ્ય પરમાત્મા અથવા પરમાત્માની પ્રસન્નતા રહે છે. સાંસારિક પદાર્થો નહિ. શરીરમાં મમતા ન રહેવાથી અર્થાત્દેહાભિમાન કે દેહભાવ ન રહેવાથી તેનામાં આળસ, અકર્મણ્યતા વગેરે દોષો નથી આવતા. ઊલટાનો તે કર્મોને સુચારુરૂપે અને તત્પરતાથી ભગવાનની ભક્તિના રૂપમાં કરે છે.
જે કર્મોને કરવાથી નાશવંત પદાર્થોની પ્રાપ્તિ થાય છે, તે જ કર્મો નિષ્કામભાવપૂર્વક એક માત્ર પરમાત્મતત્ત્વની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને લોકહિતાર્થે ભગવાનના ભક્તોની સેવાર્થે કરવાથી નિત્યસિદ્ધ પરમાત્માની અનુભૂતિનાં સાધન બની જાય છે. ત્રીજા અધ્યાયના વીસમા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે કર્મો દ્વારા જ જનક વગેરે કર્મયોગીઓને પરમ પ્રાપ્તિ રૂપી સિદ્ધિ મળી. છઠ્ઠા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે યોગમાં આરૂઢ થવાને માટે કર્મો કરવાં જરૂરી છે. આ બધાનો સાર એ આવે છે કે નિષ્કામભાવથી કર્મો કરવામાં આવે તો તેનાથી પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે. સંસારથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. પરમાત્માની સાક્ષાત્અનુભૂતિ થાય છે.
शान्तिमाप्नोति नैष्ठिकीम्-આ એક વાત આપણા નિત્ય અનુભવની છે કે સાંસારિક પદાર્થોની કામના અને મમતાના ત્યાગથી શાંતિ મળે છે. આપણે જ્યારે સંસારની વિસ્મૃતિપૂર્વક સુષુપ્તિમાં જઈએ છીએ, ત્યારે શાંતિનો અનુભવ થઈ જાય છે. તેનું કારણ સંસારની કામનાઓ, રાગ મમતાની વિસ્મૃતિ છે તો પછી જાગૃતમાં જ તેનો સંબંધ વિચ્ચેદ થઈ જાય તો પછી શાંતિ માટે કહેવું જ શું? પરંતુ એ સાંસારિક શાંતિને ભોગવવા લાગી જાય તો પરમાત્માની પ્રાપ્તિરૂપ ‘परां शांति’ ને પામતો નથી. પરમાત્માની પ્રાપ્તિ કે અનુભૂતિ થવારૂપ શાંતિને જ અહીં નૈષ્ઠિકી શાંતિ (૯/૩૧)માં शश्वत् शान्तिम् (૪/૩૯, ૧૮/૬૨)માં ‘परां शान्तिम्’ (૫/૨૯, ૨-૭૦/૭૧)માં शान्तिम् શબ્દથી કહેવામાં આવ્યું છે.
अयुक्त: कामकारेण फले सक्तो निबध्यते
જે કર્મયોગ કરી શકતો નથી અર્થાત્સાંસારિક કામનાનો ત્યાગ કરી શકતો નથી એવા મનુષ્યને અહીં अयुक्त પદથી કહ્યો છે.
સકામ વ્યક્તિ સંસારની નવી નવી કામના-ઈચ્છાઓને કારણે ફળમાં આસક્ત થઈને જન્મ-મરણરૂપી બંધનમાં પડી જાય છે. એક વસ્તુ જાણી રાખવા જેવી છે કે, કામના કરવા માત્રથી કોઈપણ વસ્તુ મળી જતી નથી. જો મળી જતી હોત તો કોણ ગરીબ રહેત? એ વાત દરેકના અનુભવમાં પ્રત્યક્ષ હોવા છતાં પણ કામના કર્યા વિના સંસારીઓથી અને કયારેક તો સાધકોથી પણ રહી શકાતું નથી. કામના ન કરવી એનો અર્થ એવો પણ નથી કે પદાર્થનો સ્વરૂપથી ત્યાગ જ કરવો. જો સ્વરૂપથી ત્યાગ કરી દેવાથી-છોડી દેવાથી મુક્તિ મળી જતી હોત તો મરવાવાળા (શરીર છોડીને જવાવાળા) બધા જ મુક્ત થઈ જાત પણ એવું તો થતું નથી. સંસારના પદાર્થો તો સમય આવ્યે જાતે જ વિખૂટા પડતા જાય છે. વ્યક્તિની ઈચ્છા હોય કે ન હોય. તેનાથી સાધક મુક્ત થઈ જતો નથી. મુક્ત તો સાંસારિક પદાર્થોની વચ્ચેનો પોતાનો સંબંધ વિચ્છેદ થાય તો જ થાય છે. તે સંબંધ પદાર્થ છોડવાથી છૂટી જાય અને પદાર્થ આવવાથી આવી જાય એમ નથી. એ તો જ્યારે તે સંબંધને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રોક્ત ઉપાય કરે તો દૂર થાય અને સાધક મુક્ત દશાને પામે છે. માટે પદાર્થો છોડો અથવા ન પણ છોડો તેના પ્રત્યેનો રાગ, કામના, મમતા વગેરે છે તે તો અવશ્ય છૂટવા જ જોઈએ. હા, પદાર્થનો ત્યાગ, તે સંબંધ તોડવામાં સમજીને ઉપયોગ કરે તો મદદ જરૂર કરે છે અને તેટલો જ મદદ સાચે ભાવે કરાયેલો નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવા પણ મદદ કરે છે. નિષ્કામભાવે કરેલી ભગવાન ને ભગવાનના ભક્તની સેવા તે અનંત જન્મના રાગને દૂર કરવાનું ઉત્તમ સાધન છે.