ગી.અ-03, શ્લોક 36 to 43

શ્લોક ૩૬-૪૩

કામને નિરુદ્ધ કરવાનો વિષય

અર્જુન બોલ્યા

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुष:।

अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित:।।३६।।

અર્થઃ હે કૃષ્ણ ! તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ?

अथ केन... વિચારવાન પુરુષ પાપ નથી કરવા ઈચ્છતો. કેમ કે પાપનું પરિણામ દુઃખરૂપ હોય છે અને દુઃખને કોઈ પ્રાણી નથી ઈચ્છતા. સ્વધર્મ કલ્યાણકારક અને પરધર્મ ભયાવહ છે. એવું જાણવા છતાં સ્વધર્મમાં કેમ પ્રવૃત્ત થતો નથી ને પાપનું આચરણ કેમ કરે છે? અહીં अनिच्छन्‌ પદનું તાત્પર્ય પાપ કરવાની ઈચ્છાનો ત્યાગ છે. કારણ કે તે જાણે છે કે પાપનું ફળ દુઃખ છે પણ ભોગ અને સંગ્રહની ઈચ્છાનો ત્યાગ કરતો નથી અને તેનું પરિણામ દુઃખ છે, તેમ પણ દેખાતું નથી. ખરેખર તો ભોગ અને સંગ્રહની ઈચ્છા સમસ્ત પાપનું મૂળ છે. તે જો ન રહે તો પાપ રહે જ નહિ. આ ઈચ્છા રહેવાથી જ તે કરવા યોગ્ય કર્તવ્ય નથી કરી શકતો અને ન કરવા યોગ્ય પાપ કર્મ કરી બેસે છે. अनिच्छन्‌ પદની પ્રબળતાને બતાવવા માટે અર્જુન बलादिव नियोजित:। પદોને કહે છે. તાત્પર્ય એ છે કે વિચારશીલ પુરુષ જાણતો હોવા છતાં અને તેનાથી બચવા ઈચ્છતો હોવા છતાં એવી રીતે તેમાં જોડાઈ જાય છે કે જેવી રીતે કોઈ બીજું જબરજસ્તીથી પોતાને પાપમાં જોડી રહ્યું હોય. આથી એવું જણાય છે કે પાપમાં જોડવાવાળું વિચાર-વિવેકથી પણ કોઈ બળવાન કારણ છે. પાપોમાં મૂળ પ્રવૃત્તિનું કારણ છે, ‘કામ’. અર્થાત્‌સાંસારિક સુખભોગ અને સંગ્રહની કામના; પરંતુ એમના તરફ લક્ષ્ય નહિ રહેવાથી સાધકને એમ થાય છે કે હું તો પાપ કરવા નથી ઈચ્છતો. (વાસ્તવમાં ભોગ અને સંગ્રહ સારા લાગે છે ને ઈચ્છા પણ રહે છે) તો પણ પાપ કેમ થાય છે? મને કોઈ બલાત્‌તેમાં જોડતું હોય એમ લાગે છે. જેમ દુર્યોધનના વચન છે જે

जानामि धर्मं न च मे प्रवृत्तिर्जानाम्यधर्मं न च मे निवृत्ति:।

केनापि देवेन हृदि स्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि।। અશ્વમેઘ (ગર્ગસંહિતા ૫૦/૩૬)

હું ધર્મને જાણું છું તો પણ તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી ને અધર્મને જાણું છું તો પણ તેમાંથી નિવૃત્તિ થતી નથી. મારા હૃદયમાં રહેલો કોઈ દેવ છે, જે મારી પાસે જેવું કરાવે છે તેવું હું કરું છું.

દુર્યોધન દ્વારા કહેવાયેલ જે દેવ તે વસ્તુતઃ ભોગ અને સંગ્રહની ઈચ્છારૂપ કામ સિવાય બીજો કોઈ નહિ, જેનાથી મનુષ્ય જાણે છે તોય ધર્મનું પાલન અને સ્વધર્મનો ત્યાગ નથી કરી શકતો.

केन प्रयुक्तोऽयं पापं चरति। પદો વડે પણ अनिच्छन्‌ પદની પ્રબળતા બતાવવા માટે જ છે. તાત્પર્ય એ છે કે અનિચ્છા છતાં જબરજસ્તીથી પાપ કેમ થાય છે? એ અર્જુનનો પ્રશ્ન છે.

ખરેખર તો ભગવાને ચોત્રીસમા શ્લોકમાં બતાવ્યું કે રાગ અને દ્વેષ (જે કામ અને ક્રોધના સૂક્ષ્મરૂપ જ છે) સાધકના મહાન શત્રુ છે. અર્થાત્‌એ બન્ને પાપનાં કારણ છે; પરંતુ પોતાના આગ્રહ અને મોહને લઈને અર્જુન ભગવાનનું કહેવું પકડી શકયા નથી. તેથી તે જ વાત પૂછે છે.

શ્રીભગવાન બોલ્યા

काम एष क्रोध एष रजोगुण समुद्भव:।

महाशनो महापाप्मा विद्धयेनमिह वैरिणम्‌।।३७।।

અર્થઃ રજોગુણમાંથી ઉદ્‌ભવેલો આ કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે, આને જ તું આ બાબતમાં વેરી જાણ.

रजोगुणसमुद्भव:। આગળ ચૌદમા અધ્યાયના સાતમા શ્લોકમાં रजोरागात्मकं विद्धि तृष्णासङगसमुद्भवम्‌। તૃષ્ણા અને આસક્તિમાંથી રજોગુણ ઉત્પન્ન થાય છે અને વળી પાછો રજો ગુણ એ બન્નેને વધારે છે. કામ અને ક્રોધને ઉદ્‌ભવ થવાનું મૂળ છે. આથી તાત્પર્ય એ થયું કે રાગથી કામ ઉત્પન્ન થાય છે. કામથી રાગ અતિશય વધે છે. અર્થાત્‌સાંસારિક પદાર્થોને સુખદાયી માનવાથી રાગ ઉત્પન્ન થાય છે. જેનાથી અંતઃકરણમાં તે પદાર્થો, વ્યક્તિ કે ક્રિયાનું મહત્ત્વ આપણા અંતરમાં દૃઢ થાય છે. પછી તેનો સંગ્રહ (માલિકીની અથવા પોતાના કંટ્રોલમાં) કરવાની અને તેના વડે સુખ લેવાની કામના ઉત્પન્ન થાય છે અને તેનાથી ફરી રાગ. આમ ચક્ર ચાલે છે. તે ચક્ર પાપમાં ઢસડી જાય છે.

काम एष: क्रोध एष:। મારું ગમતું થાઓ, ઉત્પત્તિ વિનાશ પામવાવાળા જડ પદાર્થોના સંગ્રહની ઈચ્છા, ભોગ સુખની ઈચ્છા, સુખની આસક્તિ આ બધાં જ કામના સ્વરૂપો છે. પાપ કર્મ કયાંક તો કામને વશીભૂત થઈને કરવામાં આવે છે અને કયાંક ક્રોધને વશીભૂત થઈને કરવામાં આવે છે. બન્નેથી અલગ અલગ પાપો થાય છે. વસ્તુતઃ કામ અને ક્રોધ અલગ નથી. કુંઠિત થયેલ અથવા વિફળ ગયેલ કામ જ ક્રોધનું રૂપ ધારણ કરે છે અને સફળ થયેલો કામ લોભને જન્મ આપે છે. માટે કામ જ પાપનું મૂળ છે. તેથી ભગવાને છેલ્લે जहि शत्रु महाबाहो कामरुपं दुरासदं એમ એક કામને જ બતાવ્યો છે. છતાં તેના બન્નેથી પાપ અલગ અલગ પ્રકારનાં થતાં હોવાથી અલગ પણ બતાવ્યો છે. ખરેખર તો કામનામાંથી ક્રોધ થાય અને જો કામના ભંગ કરનાર બળવાન હોય, તો ભય ઉત્પન્ન થાય. માટે ગીતામાં કયાંક કયાંક કામના અને ક્રોધની સાથે સાથે ભયની પણ વાત આવે છે. જેમ કે वीतराग भयक्रोधा:। (૪-૧૦) અને विगतेच्छाभयक्रोधो (૫-૨૮)

કામના-તમામ પાપો, સંતાપો, દુઃખો વગેરેની જડ છે. કામનાવાળી વ્યક્તિને જાગ્રતમાં સુખ મળવાનું તો દૂર રહ્યું પણ સ્વપ્નમાં પણ કદી સુખ મળતું નથી. काम अछत सुख सपनाहुर्ंं नाहि। (मानस ७/९०/१) શ્રીજી મહારાજે પણ ગણાવ્યું છે જે, આ છ વાનાં જેને હોય તે જીવતે અથવા મરીને પણ સુખી થતા નથી. તેમાં કામનાને પ્રથમ ગણાવી છે. (વચ.ગ.અં.૩૮) જે ઈચ્છે છે તે ન થાય અને જે નથી ઈચ્છતા તે થઈ જાય-એને દુઃખ કહે છે. માટે ‘ઈચ્છવું’ અને ‘ન ઈચ્છવું’ છોડી દે તો જ દુઃખનું મૂળ જાય.

નાશવાન પદાર્થોની જે ઈચ્છા કરવી તે જ કામના કહેવાય છે. અવિનાશી પરમાત્માને પામવાની અથવા પરમાત્માના અનન્ય ભક્ત માટેની ઈચ્છા કામના જેવી લાગે છે; છતાં પણ વાસ્તવમાં તે ‘કામના’ નથી. તે બન્નેમાં ઘણો તફાવત છે. તે શ્રીજી મહારાજે કહ્યું છે જે. ‘ભગવાન અને બીજા આકાર તેમાં ઘણો ફેર છે. કેમ જે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અંનત કોટિ કલ્પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે અને ભગવાનના આકારનું દર્શન કરનારા છે ને ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ ને માયાના પાશ થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે (વચ.ગ.મ. ૪૯) ઉત્પત્તિ અને વિનાશશીલ પદાર્થોની કામના કદી પૂરી નથી થતી. ઊલટાની વધતી જ રહે છે. જ્યારે પરમાત્મા સંબંધી ઈચ્છા પરમાત્માની પ્રાપ્તિ થતાં પૂરી થઈ જાય છે. એવી જ રીતે નિષ્કામ કર્મયોગ, નિષ્કામ સેવાયોગ, ભગવાનની ભક્તિ વગેરે ભગવાનની પ્રાપ્તિનાં સાધનોની ઈચ્છા કરવી તે પણ કામના નથી. ઊલટાની તેની તીવ્ર ઈચ્છા કામનાની નિવૃત્તિ કરનારી બને છે, માટે તે ‘કામના’ નથી.

અહીં એક શંકા થઈ શકે કે કામના વિના સંસારનું કાર્ય કેવી રીતે ચાલશે ? એનું સમાધાન એ છે કે સાંસારિક કાર્ય બાહ્ય વસ્તુ અને સ્થૂળ ક્રિયાઓથી ચાલે છે. મનમાં કરેલી કામનાઓથી નહિ. વસ્તુઓને કર્મો સાથે સંબંધ હોય છે. ચાહે તે પૂર્વના (પ્રારબ્ધ) હોય અથવા વર્તમાનના (ઉદ્યોગ). કર્મ બ્રાહ્ય વસ્તુ છે. કામના મનની અંદરની વસ્તુ છે. કામના કરવાથી કર્મનું ફળ મળી જતું નથી. કર્મને પુરુષાર્થને આધીન રહીને ફળ મળે છે. સંસારમાં લોકોને ધનની કામના તીવ્ર થવા છતાં તેઓ કામના કરવા માત્રથી દરિદ્રી મટી જતા નથી. જીવનમુક્ત મહાપુરુષ સિવાય બાકીની બધી જ વ્યક્તિ અધૂરી કામનાઓમાં જ મરી જાય છે. સંસારમાં કામના કરો કે ન કરો, ફળ તો જે મળવાવાળું છે તે જ મળશે. વધુ કે ઓછું નહિ મળે. કદાચ કોઈકે કામના કરી અને તેને સંસારની તે વસ્તુ મળી ગઈ તો પણ તે કામના કરવાથી મળી ગઈ, એમ ન માનવું. તેના પ્રારબ્ધના જોરે તેને તે મળે. કામનાના આધારે તે નથી મળતી. અર્થાત્‌જે થવાવાળું છે, તે થવાનું જ છે. જે નથી થવાનું તે નથી જ થવાનું. ચાહે કામના કરો અથવા ન કરો. જેમ કામના કયારેય ન કરવા છતાં પ્રતિકૂળ પરિસ્થિતિ આવી પડે છે, તેવી જ રીતે કામના ન કરવા છતાં કર્માધીન અનુકૂળ પરિસ્થિતિ પણ આવે છે જ. રોગની કામના કર્યા વિના પણ રોગ થાય છે અને ખૂબ કામના કરીએ તો પણ નિરોગીતા એના સમયે જ આવે છે. નિંદા, અપમાનની કામના કયારેય ન કરવા છતાં પણ તેઓ સમયે સમયે થતા રહે છે અને પ્રશંસા સન્માનની વારંવાર કામના કરવા છતાં કયારેક તેના સમયે જ મળે છે અથવા નથી પણ મળતા. માટે જેવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ કર્મોનું ફળ છે, તેવી જ રીતે અનુકૂળ પરિસ્થિતિ પણ કર્માધીન જ આવે છે. તેથી વસ્તુ, પરિસ્થિતિ વગેરેનું પ્રાપ્ત થવું અથવા ન થવું, એ પૂર્વકર્મો સાથે સંબંધ રાખે છે; કામના સાથે બિલકુલ નહિ.

કામના તાત્કાલિક સુખની પણ હોય છે અને ભવિષ્યના સુખની પણ હોય છે. ભોગ અને સંગ્રહની ઈચ્છા એ તાત્કાલિક સુખની કામના છે અને ભવિષ્યના માનસિક મહેલો બનાવવા તે ભાવિ સુખકામના છે. આ બન્ને કામનાઓ દુઃખદાયી જ છે. માટે બન્નેનો ત્યાગ કરવા જેવી છે.

કામનાને કારણે જ કર્મો (બંધનરૂપ) અને વિકર્મો (નિષિદ્ધ કર્મો) થાય છે. કામના વધી જવાને કારણે જ વિકર્મો થાય છે. કામનાને કારણે જ અસત્‌માં આસક્તિ દૃઢ થાય છે. કામના ન રહે તો જીવવા છતાં અને કર્મો કરવા છતાં સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે.

એક જાતની કામના પૂરી થઈ જતાં આપણે નિષ્કામ અવસ્થામાં આવી જઈએ છીએ. છતાં પણ આપણામાં કામના ઉપરાંત સંસારનો રાગ પણ છે. તેથી નિષ્કામ અવસ્થામાં રહી શકતા નથી અને તુરત નવીન કામનાઓ કરવા લાગી જઈએ છીએ. જેમ કોઈના મનમાં એમ કામના થાય કે મને સો રૂપિયા મળી જાય તો ! આ ઈચ્છા ઉત્પન્ન થયા પહેલાં તે નિષ્કામ અવસ્થામાં હતો. તેને કામના ન હતી, પછી ઉત્પન્ન થઈ. આથી એક વસ્તુ નક્કી થાય છે કે કામના ઉત્પન્ન થવાવાળી છે, સનાતન વસ્તુ નથી. હવે ઉદ્યોગ કરવાથી પ્રારબ્ધવશાત્‌સો રૂપિયા મળી જાય તો તે કામના શાંત થઈ જાય ને ફરી પાછી નિષ્કામ દશામાં આપણે આવી જઈએ. સંસારના રાગ અને સુખાસક્તિને લઈને આપણે તે અવસ્થામાં ઘડીવાર પણ રહી શકતા નથી અને પેલી કામના હજુ પૂરી ન થઈ હોય અને પૂરી થવાના કાંઠા ઉપર હોય અથવા પૂરી થવાના નિર્ણય ઉપર હોય, ત્યાં આપણે હજાર રૂપિયાની કામના કરી છૂટીએ છીએ. તેથી આપણે કામના વિના કોરા એક સેકન્ડ પણ રહી શકતા નથી. આવી રીતે ન તો કોઈની કામના પૂર્ણ થાય છે અને ન કયારેય તેની તૃપ્તિ થાય છે. કોરા પરિશ્રમ વિના વ્યક્તિને કશું હાથમાં આવતું નથી.

કામના દૂર થવી ખૂબ કઠિન છે એવું પણ નથી. જો કામના પૂર્ણ થાય તો પણ તે શાંત થઈ જાય છે અથવા તો ન પૂર્ણ થાય તો પણ કયારેક સમય જતાં દૂર થઈ જાય છે પણ મનુષ્ય તેની પરંપરા ચાલુ રાખે છે. એક પછી બીજી, ત્રીજી…. એમ કામનાનો પાર આવતો નથી અને કોઈ વ્યક્તિની કામના પૂર્ણ થતી નથી.

વળી કામનાની પૂર્તિ થવી એ બધાને માટે નિશ્ચિત શક્ય બનતું નથી. વળી સદાને માટે પણ શક્ય બનતું નથી; પરંતુ કામનાનો ત્યાગ બધાને માટે અને સદાને માટે ફરજિયાત છે અને નિશ્ચિતપણે છે. એમાં કોઈ અપવાદરૂપે બનતું નથી. કામના પૂરી થઈને પણ છોડવી પડે છે અને કદાચ પૂરી ન પણ થઈ તો પણ જરૂર છોડવી પડે છે. કાળ-મૃત્યુ તેને છોડાવે છે.

સમજી મૂકો તો સારું ઘણું, નહિ તો જરૂર મુકાવશે જમજી -નિષ્કુળાનંદ સ્વામી

માટે કામના પૂરી થવી અનિત્ય છે અને તેનો ત્યાગ થવો નિત્ય છે. છતાં મનુષ્ય મૃત્યુ પહેલાં સમજીને કામના છોડે તો અનંત સુખને આપનારી તથા આત્મકલ્યાણને કરનારી બને છે અને મૃત્યુ પહેલાં આપણે તેને ન છોડીએ અને કાળ આપણને જબરજસ્તીથી છોડાવે તો અનંત દુઃખનું અને જન્મમરણની સંસૃતિનું કારણ બને છે. માટે તેનો ત્યાગ અવશ્ય કરવાનો છે. જે આપણા સુખને માટે છે. આપણે મમતા, રાગ અને સાંસારિક અહં છોડતા નથી માટે નિષ્કામ બની શકાતું નથી અને કામના નથી જતી. માટે અસંગપણું પણ આવતું નથી અને અસંગપણું જ્યાં સુધી આવતું નથી ત્યાં સુધી નિર્વિકારીપણું આવતું નથી. માટે બધાનું મૂળ કામના છે.

વળી આ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે આપણે કામનાનો ત્યાગ કરવામાં ખૂબ કઠિનતા અનુભવીએ છીએ. તો શું કામનાની પૂર્તિ કરવી તેમાં સુગમતા છે? તમામ કામનાની પૂર્તિઓ આજ સુધી કોઈની પૂરી થઈ જ નથી અને અસંભવ પણ છે. જ્યારે તેનો ત્યાગ તો જરૂર થઈ શકે છે. છતાં વિડંબના એ છે કે જે અશક્ય વસ્તુ છે તે જ બધા કરે છે અને કરવા તૈયાર થાય છે. જ્યારે શકય વસ્તુ કોઈ કરતું નથી અને કરવા તૈયાર પણ નથી.

આ કામનાઓના ચાર ભેદ છે

(૧) શરીરનિર્વાહ માત્રની આવશ્યક કામનાઓને પૂરી કરી દેવી એવી કામનાઓમાં ચાર વાનાં અવશ્ય હોવા જરૂરી છે. તે વર્તમાનમાં ઉત્પન્ન થઈ હોય. જેમ કે ભૂખ લાગતાં ભોજનની કામના. તેમ જ જળ પીવાની ઈચ્છા, જરૂરી કપડાંની ઈચ્છા વગેરે. વળી જેની પૂર્તિની સામગ્રી વર્તમાનમાં ઉપલબ્ધ હોય, જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું અથવા જીવન ચાલવું અસંભવ હોય અને જેની પૂર્તિ કરતાં પોતાનું અને પારકાનું અહિત ન થતું હોય.

આવી રીતે આવશ્યક કામનાઓ પૂરી કરી લેવામાં દોષ નથી. આ જરૂરિયાતો પૂરી કરવાથી બિનજરૂરી કામનાઓના ત્યાગનું આપણામાં બળ આવી જાય છે; પરંતુ આવશ્યક કામના પૂર્તિનું સુખ નહિ લેવું જોઈએ તેમાં રસબસ થઈને લિપ્ત ન થવું જોઈએ. તેમ થવાથી રાગ થાય છે અને નવી નવી કામનાઓ ઉત્પન્ન થાય છે અને નવાં નવાં દુઃખનાં શૂળ ઊભાં થાય છે અને તેનો કયારેય અંત આવતો નથી.

(૨) જે કામના કરવી યોગ્ય હોય પણ જેને પૂરી કરવાનું આપણી સામર્થી બહાર હોય તો તેને પણ ભગવાનને સમર્પિત કરી આપણે ત્યાગ કરવો જોઈએ. દા.ત. ‘સંસારમાં અન્યાય અત્યાચાર ન થાય’ એવી તીવ્ર કામના વ્યક્તિગત રીતે આપણે ઈચ્છતા હોઈએ અને તે ન્યાયયુક્ત પણ ગણાય. જે પોતાના સાર્મથ્યની બહાર છે અથવા આપણા અધિકારમાં ન હોય તો એવી અનધિકાર ચેષ્ટા ન કરીને ભગવાનને સમર્પિત કરી, ભગવાનને પ્રાર્થના કરી તે કામનાનો ત્યાગ કરીને શાંત થવું.

(૩) બીજાઓની કોઈ કામના ન્યાયયુક્ત હોય તો તે કામના પૂરી કરી દેવી. જે તેમના હિતમાં હોય અને તેને પૂરી કરવાનું આપણું સામર્થ્ય હોય. આમ બીજાઓની ઈચ્છા પૂરી કરવાથી આપણી કામના ત્યાગ કરવાનું આપણામાં બળ આવી જાય છે.

(૪) ઉપર્યુક્ત ત્રણ કામનાઓ સિવાયની બીજી બધી જ કામનાઓને વિચાર-વિવેક દ્વારા દૂર કરી દેવી જોઈએ.

महाशनो महापाप्मा-જેમ ધન મળવાથી ધનની કામના વધતી જ જાય છે, તેમ જેમ જેમ ભોગ મળતા જાય છે તેમ તેમ કામના વધતી જાય છે-

न जातु काम: कामानामुपभोगेन शाम्यति।

हविषा कृष्णवर्त्मेव भूयो एवाभिवर्धते।। (ભા. ૯/૧૯/૧૪)

એટલા માટે કામને महाशन: કહ્યો છે અને ક્રોધને महापाप्मा કહ્યો છે, કારણ કે કોઈપણ એવું પાપ નથી કે જે ક્રોધથી ન થાય.

કામના ઉત્પન્ન થતાં જ મનુષ્ય પોતાના કર્તવ્યથી, પોતાના સ્વરૂપના અનુસંધાનથી અને પોતાના ઈષ્ટદેવ પરમાત્માથી વિમુખ થઈ જાય છે અને નાશવંત સાંસારિક પદાર્થોની સન્મુખ થઈ જાય છે. નાશવંત પદાર્થોમાં રાગ થવાથી પાપની શરૂઆત થાય છે અને તેના ફળરૂપે નરકોની તથા નીચ યોનિની પ્રાપ્તિ થાય છે.સંયોગજન્ય સુખની પ્રતીતિથી જ સંસાર સત્ય મનાય છે અને પ્રતિક્ષણ બદલાતા અને નાશ પામતા શરીર વગેરે સ્થિર ભાસે છે. સાંસારિક પદાર્થોને સ્થિર માનવાથી જ મનુષ્ય તેની કામનાઓ કરે છે અને ભોગ ભોગવે છે. તેની ક્ષણભંગુરતા દેખાતી નથી અને ભોગને તથા પોતાને સ્થિર જુએ છે; પરંતુ સ્થિર બન્નેમાંથી એકેય છે નહિ. પરિવર્તનશીલ સંસારને સ્થિર માનવાથી વાસ્તવમાં જે સ્થિર તત્ત્વ છે તે પરમાત્મા તરફ અથવા પોતાના આત્મસ્વરૂપ તરફ દૃષ્ટિ જતી જ નથી. તે બાજુ દૃષ્ટિ ન જવાથી મનુષ્ય તેનાથી વિમુખ થઈને નાશવાન સુખભોગમાં ફસાઈ જાય છે. આથી સિદ્ધ થાય છે કે વાસ્તવિક તત્ત્વથી (ભગવાન અને આત્મસ્વરૂપથી) વિમુખ થયા વિના કોઈ સાંસારિક ભોગ ભોગવાતો જ નથી અને જેટલો રાગપૂર્વક ભોગ ભોગવે છે તેટલો તે મનુષ્ય પરમાત્માથી વિમુખ અવશ્ય બની જ જાય છે. ભોગી મનુષ્ય કદાપિ હિંસાથી બચી શકતો નથી. માટે પાપથી પણ બચી શકતો નથી. હા, શરીર નિર્વાહને માટે અવશ્ય નિયત થયેલા ભોગને ભોગવવાથી તે પાપનો ભાગીદાર થતો નથી. શરીર નિર્વાહમાં પણ ભોગરસ ન હોવો જોઈએ પણ નિર્વાહબુદ્ધિ હોવી જોઈએ. વળી પોષ્ય વર્ગની પ્રથમ ચિંતા કરીને પછી જ પોતાને માટે વિચારે તો પાપનો ભાગીદાર બનતો નથી. જ્યારે મુક્ત પુરુષો જે પદાર્થનો નિર્વાહબુદ્ધિથી ઉપયોગ કરે છે ત્યારે તે વસ્તુ સાર્થક બને છે. તેનો સદુપયોગ થાય છે. महाशन અને महापाप्मा શરીર નિર્વાહથી અટકી જતા નથી. જ્યાં આવશ્યકતા હોય ત્યાં પૂર્તિ હોય છે. જેમ કે ભૂખ લાગી, ભોજનની કામના થઈ અને ભોજન કર્યું તો તૃપ્તિ થાય છે. તેમ ‘કામના’ની પૂર્તિ કયારેય થતી નથી. તેમાં તો પૂર્તિ કરવાથી ઊલટી વૃદ્ધિ થતી જાય છે.

विद्धयेनमिह वैरिणम्‌-જો કે સાંસારિક પદાર્થોની કામના ત્યાગ થતાં જ સુખશાંતિનો અનુભવ થાય છે તો પણ મનુષ્ય અજ્ઞાનવશ પદાર્થોથી સુખ માની લે છે. તેથી પદાર્થોની કામનાને પણ સુખનું કારણ માનીને પોતાની મિત્ર અને હિતેચ્છુ માની રાખી છે, તેથી તે કયારેય દૂર થતી નથી. ભગવાન અહીં બતાવે છે કે, તેને મિત્ર માનવાની નથી. તેને તમે વેરી માનો. તે આપણા આત્માને અનંત યાતનાનું દુઃખ આપે છે. તમામ પાપો, દુઃખો, નરકો વગેરેનું મૂળ કારણ કામના છે. પછી મિત્ર કેમ માની શકાય? આ લોક કે પરલોકમાં જ્યાં કંઈ દુઃખ રહ્યું છે તેના મૂળમાં ‘કામના’ રહી જ છે, માટે તે જીવની વેરી છે.

કામનાને નષ્ટ કરવાનો સૌથી સરળ અને સૌથી બળવાન ઉપાય છે ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કામ ભાવે સેવા કરવી. નિષ્કામ કર્મયોગ કરવો. શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિને પણ તે સેવાનાં સાધન માનવાં. તેનો વધુમાં વધુ સદુપયોગ કરવો. સ્થૂળ શરીરથી થવાવાળી ‘ક્રિયા’, સૂક્ષ્મ શરીરથી થવાવાળું ‘ચિંતન’ અને કારણ શરીરથી થવાવાળી ‘સ્થિરતા’ (દૃઢતા) આ ત્રણેયનો નિષ્કામ સેવાયોગમાં વિનિયોગ કરવાનો છે. તેમાં પણ શરીર, પદાર્થ અને ક્રિયાથી ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી તે તો બરાબર છે પણ તે કરીને તેનું અભિમાન કરવું તે ઉચિત નથી. સૂક્ષ્મ શરીરથી પરમાત્માનું ચિંતન, શુભચિંતન કે પરહિત ચિંતન કરવું તો યોગ્ય છે પણ તેના માધ્યમથી સુખ લેવું તે ઉચિત નથી. કારણ શરીરથી સ્થિરતા કેળવવી (દૃઢતા કેળવવી) તે તો ઉચિત છે પણ તેનું સુખ માણવું તે ઉચિત નથી. આ પ્રમાણે સુખને ન લેવાની વૃત્તિથી ફળ અને ક્રિયાની આસક્તિ દૂર થાય છે. તેનું અંતર સાફ થઈને ‘કામના’ દૂર થાય છે.

મારો જ આદેશ ચાલે, અમુક વ્યક્તિ મારી આજ્ઞામાં રહે, અમુક વસ્તુ મારા કામમાં આવે, મારી વાત કાંઈક ઊભી રહે, એ બધા ‘કામના’ના જ સ્વરૂપો છે. પરહિત કરવાથી તે કામનાનો ત્યાગ કરવાનું આપણામાં બળ આવે છે.

અહંતા, મમતા અને કામનાથી આ જીવ બંધાય છે. અહંતાથી સીમિતતા, મમતાથી વિકાર અને કામનાથી અશાંતિ પેદા થાય છે. ‘મારાથી કોઈને પણ કાંઈક સુખ થાઓ’ એવી અંતરની ભાવનાથી સેવાનો આરંભ થાય છે અને સેવાના બદલામાં કાંઈ લેવાની ઈચ્છા ન રાખવાથી ‘કામના’ દૂર થાય છે અને કામરૂપી શત્રુનો નાશ થાય છે.

धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च।

यथोल्बेनावृत्तो गर्भस्तथा तेनेदमावृत्तम्‌।।३८।।

અર્થઃ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે.

धूमेनाव्रियते वह्नि:જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાય જાય છે તેમ કામનાથી મનુષ્યનો વિવેક (ચેતના) ઢંકાયેલી રહે છે. અર્થાત્‌કાર્યક્ષમ રહેતો નથી. મનુષ્યમાં વિવેક, બુદ્ધિમાં પ્રગટ થાય છે. બુદ્ધિ ત્રણ પ્રકારની હોય છે. સાત્ત્વિક, રાજસી અને તામસી. સાત્ત્વિક બુદ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન પૂરેપૂરું હોય છે. રાજસી બુદ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન પૂરેપૂરું હોતું નથી. જ્યારે તામસી બુદ્ધિમાં તો વિપરીત જ્ઞાન હોય છે. કામના જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે સાત્ત્વિક બુદ્ધિ પણ ધુમાડાથી અગ્નિની જેમ ઢંકાઈ જાય છે, પછી રાજસી અને તામસી બુદ્ધિની તો વાત જ શી કરવી ?

સાંસારિક વસ્તુઓની ઈચ્છા થતાં જ પારમાર્થિક માર્ગમાં ધુમાડો થઈ જાય છે ને માર્ગ ધૂંધળો દેખાવા લાગે છે. જો ત્યારે સાવધાન ન રહીએ તો કામના ઘણી જ વધી જાય છે અને પારમાર્થિક માર્ગમાં અંધારું થઈ જાય છે.

નાશવાન જડ વસ્તુઓમાં પ્રીતિ, મહત્તા, સુખરૂપતા, સુંદરતા, વિશેષતા વગેરે દેખાવાને કારણે જ તેમની કામના પેદા થાય છે. આ કામના જ વિવેકને ઢાંકવાવાળી છે. જેવી રીતે ધુમાડાથી ઢંકાયેલો પણ અગ્નિ કામ કરે છે તેમ જો સાધક સાવધાન થઈ જાય તો કામનાની હાજરીમાં પણ વિવેકને જાગૃત રાખીને માર્ગ ભૂલતો નથી અને કામનાનો નાશ કરી શકે છે.

यथादर्शो मलेन च-જેવી રીતે મેલથી ઢંકાયેલા દર્પણમાં પ્રતિબિંબ દેખાવાનું બંધ થઈ જાય છે. તેવી જ રીતે કામનાનો વેગ વધતા ‘હું સાધક છું, સાધુ છું, મારું આ કર્તવ્ય અને અકર્તવ્ય છે’ એનું જ્ઞાન રહેતું નથી. અંતઃકરણમાં નાશવંત વસ્તુઓનું મહત્ત્વ વધારે થઈ જવાથી મનુષ્ય તે જ વસ્તુઓના ભોગ અને સંગ્રહની કામના કરવા લાગે છે. આ કામના જેમ જેમ વધે છે તેમ તેમ તેનો વિવેક ઢંકાઈ જઈને તે પશુ કક્ષામાં આવી જાય છે. વાસ્તવમાં મહત્ત્વ વસ્તુઓનું હોતું નથી પણ તેના ઉપયોગનું હોય છે. સદુપયોગનું હોય છે. રૂપિયા, વિદ્યા, બળ વગેરે પોતે કોઈ મહત્ત્વની વસ્તુઓ નથી. તેમનો સદુપયોગ જ મહત્ત્વનો છે. આ વાત જો સમજવામાં આવી જાય તો તેની તૃષ્ણા દૂર થઈ જાય છે ને તેનો દુરુપયોગ પણ દૂર થઈ જાય છે અને મનુષ્ય આપોઆપ પોતાના કર્તવ્યમાર્ગ પર ચઢી જાય છે. જેટલી વસ્તુઓ આપણી પાસે છે, તેટલી જ વસ્તુઓના સદુપયોગની આપણા ઉપર જવાબદારી રહે છે. બીજાની માલિકી અથવા અધિકારમાં હોય તેની જવાબદારી આપણા ઉપર હોતી નથી. માટે આપણા અધિકારમાં છે તેના જ સદુપયોગનું જતન કરવાનું છે. સાંસારિક વસ્તુઓનું મહત્ત્વ જેમ જેમ ઓછું થશે, તેમ તેમ સાધકના અંતઃકરણમાં પરમાત્માનું મહત્ત્વ વધશે અને ધીરે ધીરે પોતાના હૃદયમાં પરમાત્માની અનુભૂતિ થવા લાગશે.

यथोल्बेनावृत्तो गर्भ: દર્પણ ઉપર મેલ લાગવાથી તેમા મુખ તો નથી દેખાતું પણ ‘આ દર્પણ છે’ એવું જ્ઞાન તો રહે છે. જ્યારે ઓરથી ઢંકાયેલા ગર્ભમાં એ પણ ખબર પડતી નથી કે તે નર છે કે માદા છે અથવા તેનો આકાર પણ દેખવામાં આવતો નથી. તેવી જ રીતે કામના વિવેકને ઢાંકે છે. તેના અહીં ત્રણ દૃષ્ટાંતોથી ત્રણ અવસ્થા બતાવી છે. પ્રથમ ધૂમ-અગ્નિમાં ધુમાડો ઢાંકવા છતાં અગ્નિ પોતાનું કાર્ય કરે છે. તેમ કામનાની હાજરી હોવા છતાં જાગ્રત સાધકનો વિવેક કાર્યરત રહી શકે છે. સાત્ત્વિક બુદ્ધિમાં થયેલ કામનાની સ્થિતિ બતાવે છે. જ્યારે દર્પણમાં મેલથી ઢંકાયેલ દર્પણ દેખાય છે પણ મુખ પ્રતિબિંબરૂપ કાર્ય બિલકુલ દેખાતું નથી. તેમ કામનાનો વધારો થવાથી બીજી અવસ્થામાં વિવેક બિલકુલ કામ કરી શકતો નથી. જે રાજસ બુદ્ધિમાં ઉદય થયેલી કામનાની સ્થિતિ બતાવે છે. રજોગુણ કામનાનો ઉત્તેજક હોવાથી કામના એકદમ વધી જઈ વિવેકનો તુરત ઘાત કરી નાખે છે. તે સ્થિતિ બતાવે છે. જ્યારે उल्बेनावृत्तो गर्भ: એ કામનાવૃદ્ધિની ત્રીજી અવસ્થા બતાવે છે. તેમાં સંપૂર્ણ ગર્ભસ્થ વ્યક્તિ આવૃત થયેલી હોય છે. અરીસાની એક સપાટી આવૃત્ત થાય છે. અગ્નિનો પૂરો ચહેરો સંપૂર્ણ આવૃત્ત થતો નથી, સઘંર્ષ ચાલે છે. અગ્નિ પ્રવૃદ્ધ થાય તો ધુમાડાને દૂર કરી દેખાય. વળી ધુમાડો વધે તો ઢંકાઈ જાય વગેરે. ત્રીજું દૃષ્ટાંત તામસી બુદ્ધિમાં વ્યાપેલી કામનાની અવસ્થા માટે છે. તેમાં વિવેક સંપૂર્ણ પણે લુપ્ત થયેલ હોય છે. એ ઉપરાંત વિવેકની વિરુદ્ધ દિશા પકડાઈ ગઈ હોવાથી કામના વધી તો ગઈ છે પણ રૂઢ મૂળ પણ બનીને વિવેકના જ મૂળ ઉખેડીનાર ને અધોગતિ સજરે છે.

કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી સંમોહ, તેનાથી બુદ્ધિ નષ્ટ થાય છે. બુદ્ધિ (વિવેક) નષ્ટ થઈ જતાં મનુષ્ય કરવા યોગ્ય કર્મ નથી કરતો અને જૂઠ, કપટ બેઈમાની, અન્યાય, પાપ વગેરે ન કરવા યોગ્ય કાર્ય કરવા લાગી જાય છે. એવા લોકોને ભગવાન ‘મનુષ્ય’ પણ કહેવા નથી ઈચ્છતા. એટલા માટે સોળમા અધ્યાયમાં જ્યાં તેનું વર્ણન આવે ત્યાં આઠમા શ્લોકથી અઢારમા શ્લોક સુધી મનુષ્યવાચક કોઈ શબ્દ નથી આપ્યો. જો કે કામના આ તૃતીય અવસ્થામાં મનુષ્યની દૃષ્ટિ પોતાના આત્મકલ્યાણ કે પરમાત્માની પ્રાપ્તિ તરફ કયારેય જતી નથી તો પણ પૂર્વના કોઈ શુભ સંસ્કારથી કોઈ સત્સંગનો સારો જોગ મળી જાય અને તેને ત્યાં પ્રીતિ થાય તો પોતાના ઉદ્દેશ્યની અથવા વિવેકની જાગૃતિ થાય તો તેનું પણ કલ્યાણ થઈ શકે છે. તેથી જ મહાપાપીઓ, ચોર ડાકુઓના પણ ભક્ત થયાનાં ઉદાહરણો લખાયેલાં છે.

તથા तेनेदमावृत्तम्‌ આ શ્લોકમાં ભગવાન કહે છે કે, એક કામ દ્વારા વિવેકને ઢાંકવાની બાબતમાં ત્રણ અવસ્થા છે. અર્થાત્‌કામ દ્વારા વિવેક ઢંકાઈ જવાથી જ કામનાની ત્રણે અવસ્થાઓ સર્જાય છે.

કામના ઉત્પન્ન થયા પછી એની એ ત્રણ અવસ્થા સહુના હૃદયમાં આવે છે. જે મનુષ્યો કામનાને જ સુખનું કારણ માનીને તેનો આશ્રય લે છે અને કામનાને ત્યાજ્ય નથી માનતા તેઓ કામનાને ઓળખતા જ નથી. જ્યારે પોતાના આત્મકલ્યાણના માર્ગે ચાલેલા હરકોઈ સાધક આ કામનાને ઓળખી જાય છે, તો તે કામનાને નષ્ટ પણ કરી શકે છે. ભગવાને આ શ્લોકમાં કામનાઓની ત્રણ અવસ્થાઓનું વર્ણન તેનો નાશ કરવાના ઉદ્દેશ્યથી જ કર્યું છે. તેની આજ્ઞા પણ એકતાલીસ અને તેંતાલીસમા શ્લોકમાં આપી છે.

શ્રીમદ્‌ભાગવતમાં ભગવાને કામનાવાળા પુરુષોના કલ્યાણનો ઉપાય કર્મયોગ (નિષ્કામ સેવાયોગ કે કર્મયોગ) બતાવ્યો છે. ‘कर्मयोगस्तु कामिनाम्’(ભા. ૧૧-૨૦-૭) આમ પોતાના હૃદયમાં ગમે તેવું કામનાનું જોર હોય, તોય સાધકે નિરાશ ન થવું જોઈએ; પરંતુ વિવેકદૃષ્ટિ રાખી પોતાના હૃદયમાં પડેલી કામનાને ઓળખવી જોઈએ. નિષ્કામ સેવાયોગ દ્વારા કામનાઓનો સુગમતાપૂર્વક નાશ કરી શકાય છે. દરેક ક્રિયા કરવામાં ‘હું શા માટે કરું છું ?’ (મારો ઉદ્દેશ્ય શું છે?) એવી જાગૃતિ આવી જાય તો જીવનમાં ધ્યેય પકડાઈ જાય છે, ઉદ્દેશ્ય જાગૃત થઈ જાય છે. પછી નિરંતર ઉદ્દેશ્ય ઉપર અનુસંધાન રહેવાથી અશુભ કર્મો થતાં નથી અને શુભ કર્મોમાં પણ આસક્તિ અને ફલેચ્છાનો ત્યાગ કરવાથી તેને પરમાત્માની અનુભૂતિ થઈ જાય છે અને ચોક્કસ તેનું કલ્યાણ થાય છે.

आवृत्तं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा।

कामरू पेण कौन्तेय दुष्पूरेणानलेन च।।३९।।

અર્થઃ હે કૌન્તય ! આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે.

एतेन એટલે સાડત્રીસમા શ્લોકમાં ભગવાને પાપ કરવામાં મુખ્ય કારણ કામને બતાવ્યો હતો. એ જ કામને અહીં एतेन  પદથી બતાવ્યો છે.

दुष्पूरेणानलेन च જેવી રીતે અગ્નિમાં અનુકૂળ (ઘીની) આહુતિ આપતા રહેવાથી અગ્નિ કદી તૃપ્ત થતો નથી. ઊલટાનો વધતો જ જાય છે. તેવી જ રીતે કામનાને અનુકૂળ ભોગ ભોગવતા રહેવાથી કામના કદી તૃપ્ત નથી થતી. ઊલટાની અધિકાઅધિક વધતી રહે છે.

न जातु काम: कामानामुपभोगेन शाम्यति।

हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते।।  (ભા. ૯/૧૯….)

જે કોઈ વસ્તુ સામે આવતી રહે છે. કામના અગ્નિની જેમ તેને ખાતી રહે છે. ભોગ અને સંગ્રહની કામના કદી પૂરી થતી જ નથી. જેટલા પણ ભોગ અને પદાર્થો મળતા રહે છે તેટલી જ તેમની ભૂખ વધે છે.

એક મિલે દસ બીસકું ઈચ્છત, બીસ મિલે શત-સહસ્ત્રકું ચહિએ…

વાસ્તવમાં ધન એટલું બધું બાધક નથી, જેટલી બાધક તેની કામના છે. ધનની કામના ચાહે ધનવાનમાં હોય કે નિર્ધનમાં, બન્નેને તે પરમાત્મા પ્રાપ્તિથી વંચિત રાખે છે. કામના કોઈની પૂરી થતી નથી કારણ કે તે પૂરી થવાવાળી ચીજ નથી.

कामरू पेण-અહીં ‘કામ’ શબ્દ ફકત સ્ત્રી સંબંધી ઈચ્છા કે ભોગને જ નથી કહેવામાં આવ્યો પણ સાંસારિક કોઈપણ નાશવંત પદાર્થ મેળવવાની, ભોગની કે સંગ્રહની ઈચ્છાને કામ શબ્દથી કહેવામાં આવે છે, પછી સ્ત્રી સંબંધી હોય તે તો આની અંદર આવી જ જાય છે.

અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની ઈચ્છા એ ‘કામના’ છે. અંતઃકરણમાં જે અનેક સૂક્ષ્મ કામનાઓ દબાયેલી રહે છે તેમને ‘વાસના’ કહે છે. માયિક વસ્તુઓની આવશ્યકતા પ્રતીત થવી તેને ‘સ્પૃહા’ કહેવાય છે. વસ્તુમાં ઉત્તમતા અને પ્રીતિ દેખાવી એ ‘આસક્તિ’ છે. વસ્તુ મળવાની સંભાવના રાખવી એ ‘આશા’ છે અને અધિક ને અધિક વસ્તુ મળી જાય એવી આશાને ‘લોભ’ અથવા ‘તૃષ્ણા’ કહેવાય છે. વસ્તુ મેળવવા રાંકાઈ (યાચકપણું) આવી જવી એ ‘યાચના’ કહેવાય છે. આ બધા જ કામનાના સ્વરૂપો છે.

ज्ञानिनो नित्यवैरिणा અહીં ज्ञानिन: પદ સાધનામાં લાગેલા વિવેકશીલ સાધકોને માટે આવ્યું છે. કારણ કે વિવેકશીલ સાધકને જ આ કામ વેરી દેખાય છે અને તેને ઓળખે છે અને તેનો નાશ કરવાનો ઉપાય કરે છે. અવિવેકી મનુષ્યો તો તેને સુખદાયી જાણે છે. ખરેખર તો વિવેકી-અવિવેકી બધાનો વેરી છે પણ અવિવેકીઓને વેરી રૂપે ઓળખાતો નથી.

आवृत्तं ज्ञानम्‌-વિવેક પ્રાણીમાત્રમાં છે; પરંતુ પશુપક્ષી વગેરે મનુષ્યેતર પ્રાણીમાં તે વિકસિત નથી હોતો પણ કેવળ જીવનનિર્વાહ પૂરતો સીમિત રહે છે. જ્યારે મનુષ્ય યોનિમાં તે પોતાના આત્મકલ્યાણ-અકલ્યાણ સુધીનું વિવેક દ્વારા વિચારી શકે છે. મનુષ્યમાં જો લૌકિક કામના ન હોય તો વિવેકને વધારે વિકસિત પણ કરી શકે છે. જો મનુષ્યના હૃદયમાં લૌકિક કામના ઊઠી તો તેટલા પ્રમાણમાં વિવેક ઢંકાઈ જાય છે. પછી પોતાના આત્મકલ્યાણનો માર્ગ અર્થાત્‌પરમાત્માને પામવાના માર્ગમાં આગળ ચાલી શકતો નથી. કારણ કે કામના તેને ચિન્મય તત્ત્વ સાથે જોડાવા દેતી નથી. જડ પદાર્થો સાથે જોરાવરીએ જોડી રાખે છે.

પોતાના પ્રત્યે કોઈ અપ્રિય અને અસત્ય બોલે તો તે ખરાબ લાગે છે અને પ્રિય તેમજ સત્ય બોલે તો સારું લાગે છે. એનો અર્થ એ થયો કે સારું-ખરાબ, સદ્‌ગુણ-દુર્ગુણ, કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક આપણામાં પડયો છે. આવું હોવા છતાં તે બીજા તરફ અપ્રિય અને અસત્ય બોલે છે, કર્તવ્યનું પાલન નથી કરતો, સદ્‌ગુણોનો દુરૂપયોગ કરે છે. એનો અર્થ એ છે કે કામનાએ તેના વિવેકને ઢાંકી દીધો છે. કામનાને કારણે જ ‘ત્યાગમાં સુખ છેत्यागात्‌शान्तिरनन्तरम्‌ એવું જ્ઞાન કામ નથી કરતું. મનુષ્યને સતત એવી પ્રતીતિ રહે છે. અનુકૂળ ભોગ પદાર્થો મળવાથી સુખ થાય છે; પરંતુ વાસ્તવમાં તેમ નથી. વાસ્તવમાં સુખ તો ત્યાગથી થાય છે. દરેકને અનુભવ છે કે જાગ્રત અને સ્વપ્નમાં ભોગ પદાર્થો સાથે સંપર્ક રહેતાં સુખ અને દુઃખ બન્ને થતાં રહે છે; પરંતુ સુષુપ્તિ (ગાઢનિદ્રા)માં ભોગ પદાર્થની સ્મૃતિ પણ રહેતી નથી. તેથી સુખ જ થાય છે, દુઃખ નહિ. એ સિવાય જાગૃત અને સ્વપ્નથી થાક લાગે છે. જ્યારે સુષુપ્તિથી થાક દૂર થાય છે અને તાજગી આવે છે. આથી સિદ્ધ થાય છે કે ભોગ પદાર્થોના ત્યાગથી સુખ થાય છે.

ધનની કામના થતાં જ અંતરમાં મન દ્વારા ધન… ધન એમ પકડાઈ જાય છે. જ્યારે તે કામના પ્રમાણે બહારથી ધન પ્રાપ્ત થાય એટલે તે કામના પૂરી થતાં અને તે કામનાનો નાશ થતાં મનમાંથી પણ ધન પકડાઈ ગયું હતું, તે અંતરથી છૂટી જાય છે. ત્યારે સુખની પ્રતીતિ થાય છે. આથી ખરેખર સુખની પ્રતીતિ બહારનું ધન મળવાથી નથી થતી પણ અંતરમાં ધનની કામના પકડાઈ ગઈ હતી, તે નિવૃત્ત થઈ તેથી સુખ થાય છે. મોહની ઘોર આંધીમાં માણસ એમ માને છે કે મને ધન મળવાથી સુખ થયું છે પણ ખરેખર તો મનમાંથી ધન છૂટવાથી સુખ થયું છે. જો ધન મળવાથી જ સાચું સુખ થતું હોય તો જ્યાં સુધી તે ધનની હાજરી હોય ત્યાં સુધી અખંડ સુખ રહેવું જોઈએ. તેટલો સમય દુઃખ કયારેય આવવું ન જોઈએ; પરંતુ એવું તો બનતું નથી. ધનની હાજરીમાં પણ ઘણી વખત ધનવાનોને દુઃખના દરિયા ઉમટતા હોય છે. માટે સિદ્ધાંત તો એ છે કે તેના ત્યાગમાં સુખ છે પણ એ વસ્તુને ‘કામના’ દેખાવા દેતી નથી અથવા તેની અનુભૂતિ થવા દેતી નથી. તે વિવેકને ઢાંકી રાખે છે.

જ્યારે મનુષ્ય કોઈ વસ્તુની કામના કરે છે, ત્યારે તેને આધીન થઈ જાય છે. એટલે કે તે કામનાને આધીન પુરુષાર્થ કરવા લાગી જાય છે. પછી તેનો પુરુષાર્થ સિદ્ધાંતને માટે રહેતો નથી. જેમ કે કોઈને ગાડીની કામના થઈ તો તુરત જ ગાડીની કિંમત મનમાં ખટકવા લાગી જશે. તે પૂરું કરવા ધંધે લાગી જવું પડશે. તે તેની પરાધીનતા થઈ કહેવાય. તે વિચારશે કે રૂપિયા મળી જાય તો ગાડી મળી જાય. એટલે રૂપિયાની પરાધીનતા શરૂ થઈ જશે; પરંતુ વિવેક ઢંકાઈ જવાને કારણે પરાધીનતા અનુભવાતી નથી. ઊલટાનું ગાડી અથવા રૂપિયા મળી જાય તો માણસ પોતાને સ્વાધીન માનવા લાગી જાય છે. જ્યારે પરાધીનતામાં જ સ્વાધીનતાના દર્શન થવા લાગે, ત્યારે તે પરાધીનતા દૂર થવી બહુ જ કઠિન બની જાય છે. એને જ મોહનું અંધારું અથવા મોહની નિદ્રા કહેવાય છે.

મનુષ્ય દુઃખથી તો બચવા ઈચ્છે છે; પરંતુ દુઃખોનું કારણ એવી કામનાને છોડવા નથી ઈચ્છતો. કામના અશાંતિનું મૂળ છે. જીવ જેટલો બેહાલ, કંગાલ અને દુઃખી બની જાય છે તે કામનાને આધીન થવાથી જ થાય છે. दुष्पूरेण अनलेन પદો વડે એ બતાવે છે કે ભોગથી કામના પૂરી થતી જ નથી. જેમ જેમ મળતું જાય છે તેમ તેમ અભાવનો અધિક અનુભવ થતો જાય છે. જેમ કે સો રૂપિયા મળતાં હજારની ભૂખ જાગે છે. એનાથી એ સિદ્ધ થયું કે સો રૂપિયા મળ્યા પણ નવસોનો અભાવ પેદા થયો. કદાચ હજાર રૂપિયા મળ્યા તો તેને દસ હજારની લાલચ થાય છે. તેથી નવ હજારનો અભાવ પેદા થયો. દસ હજાર મળતાં લાખની કામના જાગે તેથી ૯૦ હજારનો અભાવ પેદા થયો એથી અચંબો એ થાય છે કે તે વધુ પામ્યો કે વધુ ખોટ્ય અનુભવી, તે કોઈ ખબર પડતી નથી. જેટલું ધન વધ્યું તેટલી જ દરિદ્રતા (ધનની ભૂખ) વધે છે. તે અભાવને દૂર કરવા માણસ પાપકર્મોમાં પ્રવૃત્ત થાય છે. કામનાની પ્રથમ અવસ્થામાં તે ધન માટે ન્યાય-અન્યાય નીતિ-અનીતિ કાંઈ જોતો નથી. પછી કામના વધતાં તેની બીજી અવસ્થામાં ચોરી, લૂંટ (સુધરેલા પુરુષો કરતા હોય છે તેવી) વગેરેમાં પણ લાગી જાય છે. તેનાથી જ્યારે કામના વધી જાય ત્યારે ત્રીજી અવસ્થામાં ધન માટે માણસ જાનથી પણ મારી નાખી ખૂન ખરાબામાં પણ પહોંચીને પોતાની જાતને સદાને માટે નરકનો કીડો બનાવી દે છે.

इन्द्रियाणि मनोबुद्धिरस्याधिष्ठानमुच्यते।

एतैर्विमोहयत्येष ज्ञानमावृत्त्य देहिनम्‌।।४०।।

અર્થઃ ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ-એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે; આ કામ, આ મન, બુદ્ધિ અને ઈન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે.

इन्द्रियाणि– કામના પાંચ સ્થાનોમાં દેખાય છે. (૧) પદાર્થોમાં (૨) ઇન્દ્રિયોમાં (૩) મનમાં (૪) બુદ્ધિમાં (૫) અહમ્‌માં અર્થાત્‌કર્તામાં. આ પાંચ સ્થાનોમાં દેખાવા છતાં કામના વાસ્તવમાં માનેલા અહંકારમાં (કર્તામાં) રહે છે. અહંકારમાંથી છૂટેલી કામના આ પાંચેય સ્થાનોમાં દેખાઇ આવવાને કારણે જ તેને કામના નિવાસ સ્થાનો કહેવામાં આવ્યા છે.

તમામ ક્રિયાઓ શરીર્‌, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા જ થાય છે. આ ચારેય કર્મ કરવાનાં સાધનો છે જો તેમાં વસ્તુતાએ કામ રહેતો હોત તો કલ્યાણના માર્ગની કોઇ ક્રિયા થવા ન દેત. પણ તેવું તો નથી બનતું. સાચા કર્મયોગીઓ કે નિષ્કામ સેવા યોગીઓ નિષ્કામ, નિર્મમ અને અનસક્ત થઇને શરીર, ઇન્દ્રિયો, મન, અને બુદ્ધિ દ્વારા અંતઃકરણની શુદ્ધિ માટે અને પરમાત્માને પ્રસન્ન કરવા મટે કર્મ કરે છે. (૫-૧૧)

વાસ્તવમાં કામ(કામના) માનેલા પ્રકૃતિક અહંકારમાં જ રહે છે. અને પછી કામનાથી જ બધાં પાપો થાય છે. તેમાં પણ પાપો તો ફળ ભોગવાવીને નષ્ટ થઇ જાય છે પણ કામના જેમની તેમજ રહે છે ઊલટી નવાં નવાં પાપો કરાવીને જીવને વધારે ને વધારે અધોગતિમાં નાખે છે. તેથી મહાભારતમાં કહ્યુ છે કે

कामबन्धनमेवैकं नान्यदस्तीह बन्धनम्‌।

कामबन्धनमुक्तो हिब्रह्मभूयाय कल्पते।। શાં.પ. ૨૫૧

કામનાનો સમૂળો નાશ થતાં તે બ્રહ્મરૂપ બની જાય છે. કામના જ નહિ કરવાના કર્મો કરાવીને દેહધારીને મોહ પમાડે છે.

બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે कामात्क्रोधोऽभिजायते (૨/૬૨) અને ક્રોધથી સંમોહ (અત્યંત મૂઢભાવ) ઉત્પન્ન થાય છે. એટલે એમ સમજવાનું છે કે કામનામાં વિઘ્ન થતાં તો ક્રોધ ઉપજે છે પણ કામનામાં વિઘ્ન ન પહોંચે અને પૂરી થાય તો પણ સંમોહ તો થનારો છે જ. તે માર્કણ્ડેય પુરાણમાં કહ્યું છે જે

रागात्काम: प्रभवति कामात्लोभोऽभिजायते

તાત્પર્ય એ થયું કે કામનાથી પદાર્થ ન મળે તો ક્રોધ, કામના ભંગ કરનાર બળવાન હોય તો ભય અને કામના પ્રમાણે પદાર્થ મળે તો લોભ ઉત્પન્ન થાય છે. છેવટે મોહ-સંમોહ ઉત્પન્ન થાય છે. કામના રજોગુણનું કાર્ય છે. रजोगुणसमुद्भव: જ્યારે ક્રોધ, મોહ તમોગુણનું કાર્ય છે. વિવેક સત્ત્વગુણનું કાર્ય છે. છતાં રજોગુણ તમોગુણથી ઘણો નજીક છે. તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણ એ ૧-૧૦-૧૦૦ ના પ્રમાણથી અંતરવાળા છે. તેથી રજોગુણને તમોગુણ-ઘણો નજીક થાય છે સત્ત્વગુણ ઘણો દૂર થાય છે. રજોગુણમાંથી તમોગુણમાં જલ્દી આવી જવાય છે, તેટલું જલ્દી સત્ત્વગુણમાં આવી શકાતું નથી. તેથી સાડત્રીસમા શ્લોકમાં તમોગુણને પણ ભગવાને रजोगुणसमुद्भव: કહી દીધો છે. આવો કામ-ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા દેહાભિમાની પુરુષને બેહોશ (મોહિત) કરી દે છે. આમ કામ રજોગુણનું કાર્ય હોવા છતાં તમોગુણનું કાર્ય ક્રોધ, મોહ જલ્દી બની જાય છે પણ વિવેક તરફ જતો જ નથી. સત્ત્વગુણ તરફ તેનો જવાનો રસ્તો જ નથી.

देहिनम्‌विमोहयति પદનું તાત્પર્ય છે કે કામ દેહાભિમાની પુરુષને જ મોહિત કરે છે અને વસ્તુતાએ દેહાભિમાનથી ખરડાયેલા અહંમાં જ કામનો નિવાસ છે. દેહાભિમાનથી રહિત પુરુષોને કામ મોહિત કરી શકતો નથી.

तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ।

पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम्‌।।४१।।

અર્થઃ માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ ! તું પહેલાં ઈન્દ્રિયોને વશમાં કરીને, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને હણી નાખ.

तस्मात्त्वं તેથી તું આરંભમાં ઈન્દ્રિયોને નિયમમાં કરીને પાપરૂપ કામનો સારી રીતે ત્યાગ કર. અહીં જે ઈન્દ્રિય નિયમન કહ્યું છે, તે કર્મયોગમાં અથવા ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કામભાવે સેવાયોગમાં નિયમન કરવાનું કહ્યું છે. કારણ કે જ્ઞાનયોગનું નિયમન રાગી પુરુષોથી શક્ય બની શકતું નથી પણ કર્મ કરવાનો અભ્યાસ હોવાથી કર્મ તો ઈન્દ્રિયોને કરવા દેવા પણ તેના રાગનું નિયમન કરી શાસ્ત્રીય કર્મમાં તેને પ્રવર્તાવવા અથવા સેવાયોગની ક્રિયામાં તેને પ્રવર્તાવવા. ઈન્દ્રિયોમાં બે વેગ પડયા છે. એક ક્રિયાનો વેગ પડયો છે, જે સ્વભાવિક છે. પણ રચના જ એવી છે કે ક્રિયા કર્યા વિના રહી ન શકે न हि कश्चित्‌क्षणमपि जातु तिष्ठति अकर्मकृत्‌’(૩-૫) તે કર્મનો વેગ છે. બીજો રાગનો વેગ છે. જે પદાર્થ કે ભોગમાં રાગ જાગ્યો ત્યારે તમામ ઈન્દ્રિય-અંતઃકરણનું સૈન્ય વેગવાન બનીને વિષયમાં ત્રાટકવા તૈયાર બની જાય છે. જ્ઞાનયોગમાં ઈન્દ્રિયોના આ બન્ને વેગનો સામનો કરવાનો હોય છે, જ્યારે કર્મયોગમાં રાગના એક જ વેગનો સામનો કરવાનો હોય છે. તેનાથી સ્વાભાવિક રીતે થતી નિદરેષ ક્રિયાના વેગનો સામનો કરવાનો હોતો નથી. ઊલટો તે તેને કર્મયોગ કે નિષ્કામસેવામાં મદદરૂપ થવો શક્ય છે. સાધકને માટે ખતરનાક વેરી તો રાગનો વેગ જ છે. વળી અહીં ભગવાન અર્જુનને માટે કર્મયોગની પ્રેરણા આપે છે. જેથી ઈન્દ્રિયોનું નિયમન અહીં રાગપ્રેરિત ઈન્દ્રિયોની ક્રિયાનું નિયમન કરવાના તાત્પર્યમાં છે. માટે કહે છે કે પ્રથમ તું ઈન્દ્રિયોને નિયમમાં કરી કર્મયોગનો આધાર લઈને અર્થાત્‌કર્મયોગનું આચરણ કરતો થકો કામરૂપ શત્રુનો સારી રીતે નાશ કર, સારી રીતે ત્યાગ કર.

કર્મયોગ કે સેવાયોગ કરતાં કરતાં ઈન્દ્રિયોને વિષયમાં ભોગબુદ્ધિથી ન પ્રર્વતવા દેવી; પરંતુ કેવળ નિર્વાહબુદ્ધિથી પ્રવૃત્ત થવા દેવી. અથવા મોક્ષનું સાધન છે (કર્મયોગ નિષ્કામ સેવાયોગ) એવી બુદ્ધિથી ઈન્દ્રિયોને પ્રવૃત્ત થવા દેવી. એ જ એમનું અહીં નિયમન છે. તાત્પર્ય એ છે કે ઈન્દ્રિયોની વિષયમાં રાગ પ્રેરિત પ્રવૃત્તિ ન થાય અને દ્વેષ પ્રેરિત નિવૃત્તિ ન થાય. (૧૮-૧૦) જો રાગપ્રેરિત પ્રવૃત્તિ અને દ્વેષપ્રેરિત નિવૃત્તિમાં પ્રવર્તે તો રાગદ્વેષ પુષ્ટ થાય છે અને સાધક ન ઈચ્છતો હોય તો પણ પતનની તરફ જબરજસ્તીથી ઢસડી જાય છે. ‘वायुर्नावमिवाम्भिसि’ (૨-૬૭) તેથી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ ભગવાનનો સિદ્ધાંત અથવા મહાપુરુષોનું જીવન જોઈને કરવી. તે પ્રમાણે શાસ્ત્રાનુસાર અથવા મહાપુરુષના જીવન અનુસાર કર્તવ્યનું પાલન અને અકર્તવ્યનો ત્યાગ કરવાથી ઈન્દ્રિયો વશમાં થાય છે અને કામનાને નાશ કરવાનો માર્ગ હાથમાં આવે છે.

કામને મારવાને સહુથી પહેલાં ઈન્દ્રિયોને વશ કરવાને માટે કહેવાનું કારણ એ છે કે જ્યાં સુધી મનુષ્ય ઈન્દ્રિયોને વશ રહે છે ત્યાં સુધી તેની દૃષ્ટિ તત્ત્વની તરફ નથી જતી ને પરમાત્મા તરફ પણ નથી જતી. પરમાત્માતત્ત્વનો અનુભવ થયા વિના કામનો નાશ થતો નથી.

મનુષ્યની કોઈપણ પ્રવૃત્તિ ઈન્દ્રિયો વડે જ થાય છે. એટલા માટે સૌથી પહેલાં ઈન્દ્રિયોના વિષયોમાં જ ફસાય છે અથવા મુક્ત થવાની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે. જ્યારે ઈન્દ્રિયોના વિષયોમાં ફસાય છે ત્યારે તેનામાં તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે. કામના સહિત કર્મ કરવાથી મનુષ્ય સંપૂર્ણપણે ઈન્દ્રિયોને વશ થઈ જાય છે અને તેનું નિશ્ચય પતન થાય છે. જે મનુષ્ય ઈન્દ્રિયોને રાગમાંથી નિયમન કરી નિષ્કામ સેવામાં પ્રવર્તાવે છે, તેનો ઉદ્ધાર થાય છે. અવશ્ય મુક્તિ થાય છે.

एनम्‌ज्ञानविज्ञाननाशनम्‌पाप्मानं प्रजहि

ज्ञानविज्ञाननाशनम्‌ અહીં પ્રકરણવશાત્‌જ્ઞાન અને વિજ્ઞાન બન્નેનો આત્મવિષયક અર્થ લેવો જોઈએ. તેથી જ્ઞાનનો અર્થ આત્મસ્વરૂપનું જ્ઞાન છે. જે આત્મા પ્રત્યક્‌સ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ, સુખસ્વરૂપ, આનંદસ્વરૂપ ધર્મગ્રાહી જ્ઞાન તે સ્વરૂપ ગ્રાહીજ્ઞાનને કહ્યું છે. જ્યારે વિજ્ઞાન એટલે અણુત્વ નિત્યત્વ, ज्ञातृत्व, भोक्तृत्व, कर्तृत्व આદિ ઈતરભેદક વિષયક જ્ઞાનને વિજ્ઞાનથી કહ્યું છે.

વિવેક અને તત્ત્વબોધને જ્ઞાનવિજ્ઞાનથી કહ્યા છે. બન્ને અનાદિ અને સ્વતઃ સિદ્ધ છે. છતાં વિવેકનો અનુભવ બધાને થાય છે અને સ્વરૂપનો અનુભવ બધાને નથી. જે મનુષ્યોમાં વિવેક વિશેષરૂપથી છે. પાપ ન કરવાની ઈચ્છા એ વિવેકનું જ કારણ છે આ કામ તે સ્વરૂપબોધ (જ્ઞાન) અને વિવેક (વિજ્ઞાન) બન્નેનો નાશ કરી નાખે છે. વાસ્તવમાં તો બન્ને અનાદિ છે. તેથી નાશ શકય નથી પણ બન્નેને ઢાંકી દે છે. વિવેક જાગ્રત હોય તો મનુષ્ય ભવિષ્યના પરિણામ ઉપર દૃષ્ટિ રાખીને જ બધાં કાર્યો કરે છે; પરંતુ જ્યારે કામનાથી વિવેક ઢંકાઈ જાય છે, ત્યારે પરિણામ તરફ દૃષ્ટિ જતી જ નથી. પરિણામ નહિ વિચારતો હોવાથી જ મનુષ્ય પાપ કરે છે. જો પરિણામ તરફ દૃષ્ટિ હોય તો પાપ કરવાની કોઈની હિંમત ચાલે નહિ. આમ જેનો અનુભવ બધાને છે તે ‘વિવેક’ને પણ ‘કામ’ જાગ્રત થવા નથી દેતો, તેવો અનુભવ તો બધાને નથી. તે તત્ત્વજ્ઞાનને તો જાગૃત ન જ થવા દે એની શી વાત છે ? તેથી કામને જ્ઞાનવિજ્ઞાનનો નાશ કરવાવાળો કહ્યો છે. વાસ્તવમાં ‘કામ’ જ્ઞાન વિજ્ઞાનનો નાશ અર્થાત્‌અભાવ નથી કરતો પણ ઢાંકીને અકાર્યક્ષમ બનાવી દે છે. તેને જ અહીં નાશ શબ્દથી કહ્યું છે. प्राप्मानं हि प्रजहि-શબ્દોથી કહ્યું છે કે ‘કામ’ તમામ પાપોનું મૂળ છે. ‘કામ’ વિવેકને ઢાંકી દે છે. તેથી તે આંધળો બની તેને પુણ્યપાપનું ભાન જ નથી રહેતું અને પાપમાં જ લાગી જાય છે. માટે કામનાને महापाप्मा કહ્યો છે અને તેનો નાશ કરવાનું કહ્યું છે.

ઘણી વખત મનુષ્ય આશ્રમ બદલાવે છે, કપડાં બદલાવે છે પણ અંતરમાં કામનાનો ફેરફાર કરતો નથી. તેને છોડવાનો વિચાર કરતો નથી. જો કામનાને છોડી દે તો બીજું બધું આપોઆપ ઠીક થઈ જાય છે. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સંસાર છોડીને મુમુક્ષુ આવે છે તે દુઃખમાત્રનો ત્યાગ થાય છે. પછી તેને પણ દુઃખ રહે છે અને તે છે વાસનાનું દુઃખ. તે લોભની, કામની, સ્વાદની એ બધી તેને દુઃખ દે છે. તેનો જેમ જેમ ત્યાગ કરતો જાય તેમ તેમ જીવ સુખિયો થતો જાય છે. મનુષ્ય જીવવાની તથા બીજી કામના સાથે રાખીને મરે છે. તેથી તે તેના પછીના અનેક જન્મોનું કારણ બની જાય છે અને તેથી જ જન્મમરણના બંધનમાં બંધાઈ જાય છે.

જ્યારે મનુષ્યનું સાંસારિક પદાર્થો તરફ આકર્ષણ વધી જાય છે ત્યારે તેની કામના ઉત્પન્ન થાય છે. કામના ઉત્પન્ન થતાં વિવેકદૃષ્ટિ દબાઈ જાય છે ને ઈન્દ્રિયોના વિષયો જ પ્રધાન બની જાય છે. પછી જેનાથી તે ભોગ સિદ્ધ થાય તે પદાર્થો અથવા વ્યક્તિને શોધવા લાગે છે. તેને માટે રૂપિયાની કામના કરવા લાગી જાય છે. એટલું જ નહિ તેની દૃષ્ટિ રૂપિયાથી પણ આગળ જઈને રૂપિયાની ગણતરી જ (સંગ્રહ) કરવા લાગી જાય છે. પછી તે ગણતરી (સંગ્રહ) વધારવામાં જ લાગી પડે છે. ગણતરી વધારવા પછી જૂઠ, કપટ, દગા, ચોરી પાપકર્મોને પણ કરવા લાગી જાય છે અને સંગ્રહ વધતાં તેનું અભિમાન આકાશે આંબે છે. જે અભિમાન આસુરી સંપત્તિનું મૂળ છે. આ રીતે કામના મહાન પતન સજર્નારી બને છે. માટે ભગવાને તેનો સારી રીતે નાશ કરવાની આજ્ઞા આપી છે.

इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्य: परं मन:।

मनसस्तु परा बुद्धिर्यो बुद्धे: परतस्तु स:।।४२।।

एवं बुद्धे: परं बुद्धवा संस्तभ्यात्मानमात्मना।

जहि शत्रुं महाबाहो कामरू पं दुरासदम्‌।।४३।।

અર્થઃ ઈન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત્‌ શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે; આ ઈન્દ્રિયો કરતાં મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતાં પર તે આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો ! તું આ કામરૂપી દુજર્ય ક્ષત્રુને હણ.

इन्दियाणि पराण्याहु: पर શબ્દનો કારણ એવો અર્થ પણ કયાંક થતો હોય છે. અહીં કારણના રૂપમાં અર્થ નથી. એટલે કે ઈન્દ્રિયો પર છે. એટલે વિષયોનું કારણ છે, એવા અર્થમાં નથી પણ પ્રધાનના અર્થમાં વપરાયો છે. સાંસારિક કામનાને મૂળથી ઊખેડી નાખવી હોય તો વિષયોની અપેક્ષાએ અથવા શરીરની અપેક્ષાએ ઈન્દ્રિયોનું નિયમન કરવું વધારે અગત્યનું છે. કારણ કે વિષયો કે શરીરનું નિયમન થયું હોય પણ ઈન્દ્રિયોનું નિયમન ન થયું હોય તો અંદરની વાસના જેમની તેમ સજીવન રહે છે. જ્યારે ઈન્દ્રિયોનું નિયમન કરી લેવામાં આવે તો અંતરની કામના નિયમનમાં થઈ જાય છે, આટલી બન્નેમાંથી ઈન્દ્રિયોની પ્રધાનતા છે. એવા અર્થમાં ઈન્દ્રિયાદિ पराणि-પદનો ઉપયોગ કર્યો છે. અર્થાત્‌કામના વિવેકને ઢાંકે છે. એવું આગળના શ્લોકમાં આવ્યું છે. માટે કામના આત્માનુભવમાં, વિવેક કેળવવામાં કે પરમાત્માની અનુભૂતિમાં અથવા કહો કે આત્મકલ્યાણના માર્ગમાં વિરોધી છે-બાધક છે. તેમાં કોણ કોનાથી વધારે બાધક છે તે બતાવવા पराणि-પદનો પ્રયોગ થયો છે. દેશકાળાદિથી, વિષયોથી અથવા શરીરની અપેક્ષાએ ઈન્દ્રિયો-પરમાત્માની અનુભૂતિમાં વધારે વિરોધ કરનારી બને છે. કારણ કે દેશકાળાદિક અથવા વિષયો કે શરીર વગેરે અનુકૂળ હોય પણ ઈન્દ્રિયોનું વિષયવ્યાપકપણું હોય તો જ્ઞાનાનુભૂતિ કે પરમાત્માની અનુભૂતિ પ્રવર્તી શકતી નથી. એ તેનું પરપણું છે. વળી એવું પણ તાત્પર્ય આવે છે કે ઈન્દ્રિયો દ્વારા વિષયોનું જ્ઞાન થાય છે; પરંતુ વિષયો દ્વારા ઈન્દ્રિયોનું જ્ઞાન નથી થતું. ઈન્દ્રિયો વિષય વિના પણ ટકી રહે છે. જ્યારે ઈન્દ્રિયો વિના વિષયની સત્તા સિદ્ધ થતી નથી. વિષયો ઈન્દ્રિયોને પ્રકાશિત કરી શકતા નથી પણ ઈન્દ્રિયો વિષયોને પ્રકાશિત કરે છે. વિષયોની અપેક્ષાએ ઈન્દ્રિયો સૂક્ષ્મ છે. તેથી દેશકાળ વિષયાદિની અપેક્ષાએ ઈન્દ્રિયો શ્રેષ્ઠ, સબળ, પ્રકાશક, વ્યાપક અને સૂક્ષ્મ છે. इन्द्रियेभ्य: परं मन: ઈન્દ્રિયો કરતાં વધારે વિરોધી છે કેમ કે વિષયોને હઠપૂર્વક દૂર કરવામાં આવે ત્યારે બાહ્યઈન્દ્રિયો ઉપરતિ પામી જાય છે. તો પણ જો મન વિષય પ્રવીણ થઈને વિષયોમાં ફરતું હોય, વિષય સ્મરણ કરતું હોય તો આત્માનુભૂતિ કે પરમાત્માનુભૂતિ પ્રર્વતતી નથી. માટે મનને નિયમન કરવું પ્રથમ જરૂરી બને છે. વળી ઈન્દ્રિયો મનને નથી જાણતી પણ મન ઈન્દ્રિયોને જાણે છે. તેમાં પણ પ્રત્યેક ઈન્દ્રિય એક એક વિષયને જ જાણે છે. જ્યારે મન બધી ઈન્દ્રિયોના વિષયોને જાણે છે, તેનું ચિંતન કરી શકે છે. માટે મન ઈન્દ્રિયો કરતાં વધારે શ્રેષ્ઠ, સબળ, પ્રકાશક, વ્યાપક અને સૂક્ષ્મ છે.

मनसस्तु पराबुद्धि: કામાદિકનો નાશ કરવામાં મન કરતાં પણ બુદ્ધિની વધારે પ્રબળતા છે. કારણ કે મન પણ બીજે કયાંય ન જતું હોય (વૃત્યન્તરવિમુખ) એવું બની જાય પણ જો બુદ્ધિનો અધ્યવસાય (કાર્યનિર્ણય અથવા કાર્ય કરવાની આદત) વિપરીત હોય તો આત્મામાં જ્ઞાન પ્રવર્તતું નથી અને પરમાત્માની અનુભૂતિ પણ પ્રવર્તતી નથી. અહીં એક શંકા એવી કરવામાં આવે છે કે મન જો વૃત્યન્તરવિમુખ હોય તો પછી બુદ્ધિ તેનાથી વિરુદ્ધ અધ્યવસાય કેમ કરી શકે? ન જ કરી શકે. કારણ કે મનમાં જે વિષય ગોચર થાય તે વિષયમાં જ બુદ્ધિ અધ્યવસાય કરે છે કે આમ કરવું અથવા આમ ન કરવું. તે મનને સંપૂર્ણ બાજુમાં રાખીને બુદ્ધિ નિર્ણય લઈ શકતી નથી. તો પછી કામાદિકનો સાથ કરવામાં અને આત્મા-પરમાત્માનુભૂતિનો વિરોધ કરવામાં મન કરતાં બુદ્ધિ વધારે બળવાન છે, એમ કેમ કહી શકાશે? તો તેનું સમાધાન એ છે કે વૃત્યંતરવિમુખ મનનો એવો અર્થ અહીં નથી લેવાનો કે મનની સંપૂર્ણ વ્યાપાર નિવૃત્તિ થઈ ગઈ હોય છે; પરંતુ મનને હઠપૂર્વક વિષયાન્તરવિમુખ કર્યું હોય પણ તેનો રાગ નિવૃત્ત ન થયો હોય. કારણ કે આ કર્મયોગ પ્રકરણ ચાલે છે. કર્મયોગનો અધિકારી સંપૂર્ણ શુદ્ધ થઈને પછી જ કર્મયોગમાં પ્રવર્તે છે, એવું નથી. દોષનો અતિરેક તેમાં કંટ્રોલ કરવામાં આવે છે. તેના બીજ તો કર્મયોગ સિદ્ધ થતાં ધીરે ધીરે નિવૃત્ત થાય છે. માટે મનની વિષાયાંતર નિવૃત્તિનો અર્થ એવો અપેક્ષિત છે. તેથી જેમ નિદ્રા, રોગ વગેરેને કારણે મન સ્વાભાવિકપણે વિષયથી પાછું વળવા માગતું હોય પણ બુદ્ધિનો અધ્યાસ (નિર્ણય) તેનાથી વિપરીત હોય તો મનમાં વિષય પ્રત્યે નીરસતા હોય તો પણ બુદ્ધિના અધ્યવસાયથી વિષય પ્રાવીણ્ય પ્રવૃત્તિ શકય બને છે. માટે કામાદિકના અધિષ્ઠાનમાં મન કરતાં બુદ્ધિ વધારે પ્રબળ છે. વળી મન છે તે બુદ્ધિને નથી જાણતું પણ બુદ્ધિ મનને જાણે છે કે મારું મન શાંત છે કે વ્યાકુળ છે, ઠીક છે કે ઠીક નથી. માટે બુદ્ધિ સૂક્ષ્મ પણ છે અને કામાધિષ્ઠાનમાં પ્રબળ પણ છે.

य:बुद्धे:परतस्तु स:જે બુદ્ધિથી પણ પર છે તે કામ છે. એવો આ વાક્યનો અર્થ છે. અનાદિકાળની જીવ ઉપર જામેલી વાસનાને અહીં કામ તરીકે કહી છે. તે બુદ્ધિથી પણ પર છે. અર્થાત્‌કામાધિષ્ઠાનમાં પ્રબળ છે. કારણ કે ઈચ્છાનો પર્યાય એવો કામ તે અનાદિ વાસનાને અનુસરનારો છે. અર્થાત્‌વાસનાને અનુસારે જીવમાંથી ઈચ્છાઓ ઊઠવાની છે. પછી અધ્યવસાય કરી રાખ્યો હોય, તેમ ઈચ્છાઓ ઊઠવાની નથી. બુદ્ધિપર્યન્ત સર્વ ઈન્દ્રિયો ઉપરતિ પામી ગયા હોય તો પણ ઈચ્છાનો પર્યાય કામ છે. તે रजोभ्य: समुद्भव: રજોગુણથી ઊઠીને તમામ ઈન્દ્રિયો, અંતઃકરણને પોતાના વિષયમાં વર્તાવીને આત્માને રૂંધે છે. અર્થાત્‌આ ઈચ્છાનો પર્યાય કામ છે તે પ્રાચીન વાસનાથી પ્રેરિત થયેલ રજોગુણમાંથી ઉદ્‌ભવ થાય છે. તેને બુદ્ધિના અધ્યવસાયની ઈન્દ્રિય મનની અનુકૂળ-પ્રતિકૂળતાની ઝાઝી અપેક્ષા નથી. તેની પ્રતિકૂળતામાં પણ ઊઠીને તે બધાને વશ કરી પોતાના રૂખમાં પ્રવર્તાવે છે. એવું ભગવાન અહીં બતાવે છે. જેનાં ઉદાહરણો શાસ્ત્રમાં અનેક (સૌભરી, પરાશર વગેરે.) બતાવેલાં છે.

અહીં એક શંકા થાય છે કે ઈન્દ્રિયોથી પર મન, મનથી પર, બુદ્ધિ, બુદ્ધિથી પર તે છે (કામ છે) એમ કહ્યું છે. જ્યારે કઠોપનિષદમાંइन्द्रियेभ्यो परा ह्यर्था, अर्थेभ्यश्च परं मन:। मनसस्तु पराबुद्धि: बुद्धेरात्मा महान पर:। महत: परम व्यक्तमव्यक्तात्‌पुरुष: पर:। पुरुषात्‌न परं किञ्चित्‌सा काष्ठा सा परागति: (કઠ. ૩-૧૦/૧૧) આમ કઠવલ્લીમાં પણ નિર્યંતવ્ય વર્ગ જ બતાવ્યો છે. અહીં ગીતાના આ શ્લોકોમાં પણ તે જ અર્થની પ્રત્યભિજ્ઞા થાય છે. અહીં વચ્ચે અર્થો અને અવ્યકત વગેરે આપ્યા છે, માટે ભિન્ન અર્થવાળા છે. એમ માનવાની જરૂર નથી. કોઈ સ્થાને સંગ્રહથી વર્ણવ્યું હોય છે. કોઈ સ્થાને વિસ્તારથી વર્ણવ્યું હોય છે. છતાં અર્થ એક જ હોય છે. શ્લોકમાં आहु: શબ્દથી પણ એ જ અભિપ્રેત થાય છે કે શાસ્ત્રોમાં આ જ અર્થ બીજે કયાંક કહેવાયો છે માટે ‘यो बुद्धे: परतस्तु स:’  અને ‘ बुद्धेरात्मामहान पर:’ સમાન અર્થમાં વપરાયા છે. માટે બુદ્ધિથી પર એ ‘આત્મા’ આવે છે પણ ‘કામ’ નથી લઈ શકાતો. તો અહીં स: શબ્દથી કામને કેમ ગણાવ્યો ? અને આત્મપરક અર્થ લઈએ તો ‘संस्तभ्यात्मानमात्मना’ માં પણ આત્મા અર્થ લેવો સુગમ પડશે માટે ‘स: काम:’એવી વ્યાખ્યા કેમ કરવામાં આવે છે? તો એનું સમાધાન એ છે કે જો કે ઈન્દ્રિય, મન, બુદ્ધિ આ ત્રણેની તો તે જ અહીં પ્રત્યભિજ્ઞા થાય છે. છતાં તમામનો ઉપનિષદ પ્રમાણે ક્રમ લેવો એવી અહીં વિવક્ષા નથી. ચાલીસમા શ્લોકમાં इन्द्रियाणि मनोबुद्धिस्याधिष्ठानमुच्यते એ શ્લોકમાં બતાવેલ ઈન્દ્રિયોથી લઈને કામ સુધી જે આત્મવિરોધી છે, એટલાનું જ અહીં તારતમ્ય લેવાયું છે. તેના અવિરોધીનું નહિ. તેથી ઈન્દ્રિય, મન, બુદ્ધિ સુધી તો તે જ ક્રમમાં તો કોઈ ભંગ થતો નથી. કઠવલીના અર્થ અને અહીં અર્થનો ક્રમ એક જળવાતો નથી ત્યાંइन्द्रियेभ्यो परा ह्यर्था અને અહીં इन्द्रियेभ्यो परं मन: આ એક ક્રમ અલગ પડે છે; પરંતુ વિરોધીપણે અને જીતવાની વસ્તુપણે તો બન્ને જગ્યાએ કામ ને જ નિર્દેશ કર્યો છે. તેથી ‘કામ’ ને જ અહીં સર્વ પ્રધાનપણે ‘यो बुद्धे: परतस्तु स:’બતાવવા યોગ્ય બને છે. જો એમ ન કરીએ તો ઉપનિષદ અર્થમાં स: શબ્દથી દૂરસ્થ પરમાત્માને જ બતાવ્યા છે અને આત્માનો નિર્દેશ તો इदम्‌, अस्य વગેરેથી કરાયેલો છે. તો : શબ્દથી પરમાત્મા લેવા પડશે પણ વિરોધીપણે તે યોગ્ય નથી. જો કે નિયતંવ્ય પદાર્થો જ લેવાના હોય તોस: શબ્દથી આત્મા પણ લઈ શકાય ખરો; પરંતુ એવો અર્થ લઈશું તો‘इन्द्रियाणि मनो बुद्धिस्याधिष्ठान मच्यते’  શ્લોકમાં આત્માને પણ અધિષ્ઠાન વર્ગમાં લઈ લીધો હોત પણ ભગવાને તેમ ગણાવ્યો નથી. તે શ્લોકમાં ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, કામ આ ચારે વડે આત્મા મોહિત થનારો અથવા થવા યોગ્ય ગણાવ્યો છે. તેથી એ ચારેય જ્યારે પોતાને મોહ પમાડવા આવે ત્યારે તેઓ ચારેયનું તો આત્માએ નિયમન કરવાનું છે. માટે ‘यो बुद्धे: परतस्तु स:’ થી કામનો જ નિર્દેશ કરાયો છે.

વસ્તુતાએ તો-इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठामुच्यते શ્લોકથી ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કામને દર્શિત થવાનાં મુખ્ય સ્થાનો છે અને મુખ્ય અધિષ્ઠાન તો જીવાત્માનો અહં છે. તેમાં કામનો નિવાસ છે. તો પછી એવી શંકા થાય છે કે તો ભગવાને પેલા ત્રણને ગણાવતાની સાથે અહંની પણ અધિષ્ઠાનમાં ગણતરી કેમ ન કરાવી દીધી? જે સાચું નિવાસ સ્થાન છે. તેને તો નિર્દેશ જ ન કર્યો અને જે ‘કામ’ને ખાલી પ્રકાશિત થવાનાં સ્થળોના નિવાસસ્થાન તરીકે બતાવી દીધો ! તો તેનો અભિપ્રાય એમ છે, અહં તત્ત્વ બે પ્રકારનું છે એક શુદ્ધ ચૈતન્યમાંથી ઊઠતો અહં અને તેમાં કામનો નિવાસ થવો સંભવ નથી. અને બીજો પ્રાકૃતિક અહં. તેમાં કામનો નક્કીપણે સાચો નિવાસ છે; છતાં તેનો નિદેર્શ ન કરવામાં એવું જણાય છે કે પ્રાકૃતિક અહંમાં પણ કામદર્શન એટલું બધું સ્પષ્ટ થતું નથી. જેટલું ઈન્દ્રિય, મન, બુદ્ધિની ક્રિયામાં થાય છે. પ્રથમ તો અહંકારની એવી ક્રિયાઓ પણ સ્પષ્ટ નથી. એકદમ ગૂઢ ચેષ્ટાઓ છે. તેથી જેતવ્ય અને નિયતવ્ય તરીકે બતાવવા ઉપરના ત્રણને બતાવ્યા છે. પ્રાકૃતિક અહંકારમાં પણ બે વિભાગ છે. એક ચિદંશ અને બીજો જડઅંશ. જેમ કે હું દેહ છું, હું બુદ્ધિશાળી છું, હું સ્ફૂર્તિવાળો છું, હું કોઈ ક્રિયામાં પ્રવીણ છું. વગેરે પ્રકારમાં ‘હું’ (અહમ્‌) અંશ ચિદંશ છે. જ્યારે માણસ, બુદ્ધિશાળી, પ્રવીણ વગેરે પ્રકૃતિના અંશો છે. કામ એકલા ચિદંશમાં શક્ય નથી, એકલા જડ અંશમાં પણ રહેવો અને પોષણ પામવો શકય નથી; પરંતુ ભ્રાંતિ સર્જાઈને બન્ને ભેળા થઈને જે અહંકાર તૈયાર થાય છે ત્યારે તેના અનુસંધાનથી જ કામનું અધિષ્ઠાન તૈયાર થાય છે ને કામ આવીને નિવાસ કરે છે. આ અહંકારમાં જે જડ અંશ છે, તેના પ્રાધાન્યથી તમામ લૌકિક ઈચ્છાઓ રહે છે. ચેતન અંશ અહંકારના પ્રાધાન્યથી આત્મકલ્યાણની તમામ ઈચ્છાઓ ઊભી થાય છે. જડ અંશ છે તે દૂર થવાવાળો છે. જેમ કે હું યુવાન છું-તો પચાસ વર્ષ પછી તેને એવો અહં નથી રહેતો કે હું યુવાન છું પણ હું વૃદ્ધ છું એવું આવી જાય છે. કારણ કે તે શરીરના અનુસંધાનથી, પ્રાકૃતિક અનુસંધાનથી ઊભો થયો છે માટે દૂર થવાવાળો છે. માટે લૌકિક ઈચ્છાઓ પણ દૂર થવા યોગ્ય છે. જ્યારે ચેતન અંશ દૂર થવાવાળો નથી. સદા રહેવાવાળો છે અને તેને અનુસંધાનથી થયેલી ઈચ્છાઓ-પારમાર્થિક ઈચ્છાઓ-તે સદા રહેવાની છે. જેમ કે મારે ત્રણ દેહથી અલગ થઈને ભગવાનના ધામમાં ભગવાનની સેવામાં રહેવું છે. આ ઈચ્છા સનાતન છે તે કયારેય દૂર થવાની નથી-અર્થાત્‌થવી ન જોઈએ; પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે સાંસારિક ઈચ્છાઓનું જોર વધી જાય છે, ત્યારે આત્મકલ્યાણની ઈચ્છા જે પારમાર્થિક છે તો પણ દબાઈ જાય છે. (નાશ નથી પામતી) લૌકિક ઈચ્છાઓ ઉત્પન્ન થઈ શકે છે પણ કાયમ ટકી શકતી નથી. જ્યારે પારમાર્થિક ઈચ્છાઓ (પોતાના કલ્યાણ સંબંધી ઈચ્છાઓ) દબાઈ શકે છે પણ દૂર કયારેય નથી થઈ શકતી. માટે સુજ્ઞ સાધકોએ ન તો કયારેય લૌકિક ઈચ્છાઓની પૂર્તિની તૃષ્ણા રાખવી જોઈએ અને ન કયારેય પારમાર્થિક ઈચ્છાની અપૂર્તિથી નિરાશ થવું જોઈએ.

एवं बुद्धे: परं बुद्धवा संस्तभ्यात्मानमात्मना આ પ્રમાણે આગળના શ્લોકોમાં વર્ણવ્યા મુજબ બુદ્ધિથી પણ પર ‘કામ’ છે માટે મનને કર્મયોગમાં સ્થિર કરીને અથવા નિષ્કામ સેવાયોગમાં સ્થિર કરીને, તે કામનો નાશ કર. જ્યાં સુધી મનને સંપૂર્ણ જીત્યું નથી ત્યાં સુધી તેને સ્તંભન કરવાની એટલે કે સ્થિર કરવાની આજ્ઞા છે. તે કર્મયોગમાં સ્થિર કરવા માટેની જ છે. બુદ્ધિથી પર કામને માનવો એટલે પોતાના પ્રાકૃતિક અહંકારમાં કામનો નિવાસ છે. જો ચૈતન્ય સ્વરૂપમાં કામનો નિવાસ હોય તો તેનો કયારેય નાશ થવો શકય નથી. માટે પ્રાકૃતિક અહંમાં કામનો નિવાસ છે. તેનો નાશ કરવાનો છે. માટેसंस्तभ्य સ્થિર કરીને અર્થાત્‌ स्तंभनम्‌-स्थिरिकरणम्‌-संस्तंभनम्‌-जडीकरणम्‌ પોતાના આત્માને ભગવાન અને ભગવાનના ભક્તના નિષ્કામ સેવાયોગમાં જોડી દેવાનો એમ નથી પણ જડી દેવાનો છે. માટે કહ્યું संस्तभ्य મનમાં જરા ઓછી રુચિ હોય, ગમતું ન હોય વગેરે હોય પણ આ તો સિદ્ધાંતની વાત છે. સિદ્ધાંત બધાને ગમતો જ હોય, એવું નથી હોતું. પણ બધાને કલ્યાણકારી જરૂર હોય છે. જેનો તે સિદ્ધાંત છે, તેને બહુ પ્રિય હોય છે. માટે આ તો પરમાત્માનો સિદ્ધાંત છે. શ્રીજી મહારાજનો પણ સિદ્ધાંત છે કે પોતાના જીવને પરમાત્મા અને તેના ભક્તની નિષ્કામ સેવામાં જડી દેવો. માટે રુચિ અરુચિ જોયા વિના સ્થિર કરીને જોડાવાનું છે. आत्मानं मन: आत्मना-बुद्धया નિર્ણયાત્મક બુદ્ધિથી મનને નિષ્કામ સેવામાં સ્થિર કરીને કામનો નાશ કરવાનો છે. અહીં એક શંકા છે કે સાધકની હજુ તો શરૂઆત જ છે અને કામનું બળ ઘણું છે. ભગવાને પણ કામને ઈન્દ્રિય, મન, બદ્ધિથી પર બતાવ્યો છે તો મન આદિ કામની આજ્ઞાને અનુસરશે કે બુદ્ધિની અથવા આપણી? તો તેનું સમાધાન એ છે કે પ્રથમ સાધકે ઈન્દ્રિયો, મન, બુદ્ધિથી તથા પ્રાકૃતિક અહંકારથી ભાવનાત્મક રીતે અલગ પડવાનું છે. હું દેહ નથી. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ બતાવ્યું છે કે ક્રિયા કરતો જાય ને ક્રિયાથી નોખો પોતાને માનતો જાય. મન ઈન્દ્રિય ભળવા આવે તો તેને નોખા રાખે. આમ પોતાના માનેલ અહંકારથી નોખો પડતાં તે કામ આધાર વિનાનો અને કમતાકાત થશે. વળી નિષ્કામ સેવાયોગમાં જ મનને રોકવાનું હોવાથી તેની વિષયુક્ત ચંચળતાનું જ નિવારણ કરવાનું છે. સ્વાભાવિક પ્રકૃતિના અંશથી ઊતરેલી ચંચળતાનું નિવારણ હજુ દૂર કરવાની એટલી બધી જરૂર નથી. શુભ કર્તવ્યમાં જ સ્થિર થવાની જરૂર છે. માટે તે તો જો ગરજવાન સાધક હોય તો શકય છે. ભગવાન જે શકય હોય તેની જ હંમેશાં આજ્ઞા કરતા હોય છે. અશક્યની કયારેય કરતા હોતા નથી; છતાં પણ જ્યારે સાધકને એમ થાય છે કે આ કેમ બને? ત્યારે પોતાના અંતરમાં તપાસ કરવો ઘટે કાં તો ભગવાનની વાત તેને બરાબર સમજાણી નથી અથવા તો તેની દાનત ખોટી છે. માટે ગૂંચવાડો લાવીને બીજાની તથા પોતાની જાતની છેતરપિંડી કરે છે. તેથી જ ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંચમાં શ્લોકમાં કહ્યું છે કે उद्धरेत्‌आत्मना आत्मानम्‌’ પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. તેથી જ તો અહીં અર્જુનને महाबाहो સંબોધન કર્યું છે. કારણ કે કામને જીતવો એ પણ સહેલું તો નથી જ. માટે दुरासदम्‌ કહ્યો છે, છતાં ઉપાય ભગવાને એકદમ સચોટ બતાવતાં કહ્યું છે કે जहि शत्रुं કામનાનો ત્યાગ કરો.

કામનાનો ત્યાગ કરવામાં અથવા પરમાત્માની પ્રાપ્તિ કરવામાં બધા સ્વતંત્ર, અધિકારી, યોગ્ય અને સમર્થ છે; પરંતુ કામનાની પૂર્તિ કરવામાં કોઈપણ સ્વતંત્ર, અધિકારી, યોગ્ય અને સમર્થ નથી. કારણ કે તે પ્રારબ્ધને આધીન છે અને કદાચ પ્રારબ્ધ તરફેણમાં હોય અને એકાદ-બે કામના પૂરી થઈ ગઈ તો પણ તેનો કદાપિ તે પૂરી થતી નથી કે પૂરી થનારી નથી. તો પણ સાંસારિક પદાર્થોને અંતરમાં મહત્ત્વ દેવાથી તેનો ત્યાગ કરવો કઠિન જણાય છે.

નિષ્કામ કર્મયોગ દ્વારા અથવા નિષ્કામભાવથી પરમાત્માના ભક્તોની સેવા દ્વારા આ કામનાઓનો સુગમતાથી જરૂર નાશ થાય છે. કારણ કે આ નિષ્કામ સેવાયોગમાં નાનામાં નાની ક્રિયાથી માંડી તમામ ક્રિયાઓ ભગવાન અને તેના ભક્તને સુખ પમાડવા માટે કરવામાં આવે છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નથી કરતો. પોતાની પાસે જે સમય, સદ્‌ગુણ, સમજણ, સામગ્રી તેમજ શક્તિ છે. તેને નિઃસ્વાર્થભાવે ભગવાનની અથવા તેમના સાચા ભક્તોની સેવામાં અથવા પારકાના હિતમાં લગાડવામાં આવે છે. તેથી પોતાને માટે કાંઈ કરવાનું રહેતું નથી અને પરમાત્માની કૃપા થવાથી તે કૃતકૃત્ય અને પૂર્ણકામ બને છે.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો કર્મયોગ નામે ત્રીજો અધ્યાય સંપૂર્ણ.