ગીતા અધ્યાય-૦૩, શ્લોક ૨૫ થી ૩૫

શ્લોક ૨૫-૩૫

અજ્ઞાની અને જ્ઞાનવાનનાં લક્ષણો તથા રાગદ્વેષથી રહિત થઇને કર્મ કરવા માટે પ્રેરણા 

सक्ता: कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत।

कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम्‌।।२५।।

न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम्‌।

जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्त: समाचरन्‌।।२६।।

અર્થઃ માટે હે ભારત ! કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. પરમાત્માના સ્વરૂપમાં અચળભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત્‌એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે; પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળાં કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે.

ઉપરના શ્લોકોમાં જ્ઞાની પુરુષોએ કેવી રીતે કર્મ કરવું તે બતાવ્યું છે सक्ता: कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत। જે મનુષ્યોને શાસ્ત્રો, શાસ્ત્ર પદ્ધતિ અને શાસ્ત્ર વિહિત શુભ કર્મો પર પૂરી શ્રદ્ધા છે તેમજ શાસ્ત્ર વિહિત કર્મોનું ફળ અવશ્ય મળે છે. એ વાત ઉપર પૂરો વિશ્વાસ છે. જેઓ ન તો પૂરા તત્ત્વજ્ઞ છે અને ન તો દુરાચારી છે. આત્મતત્ત્વને તો જાણે છે પણ કર્તૃત્વ-ભોકતૃત્વાદિકનો ત્યાગ સારી રીતે થયો નથી અને તેનું સાધન પણ પોતાના હૃદયમાં પકડાયું નથી. તેથી कर्मणि सक्ता: શબ્દો વાપર્યા છે फलसक्ता:  એવો પ્રયોગ નથી કર્યો. ‘फले सक्तो निबध्यते’  (૫/૧૨) માટે સામાન્ય સંસારી અને આસક્ત જીવોને માટે सक्ता: अविद्वांस: શબ્દો વપરાયા નથી; પરંતુ શાસ્ત્ર મર્યાદામાં ચાલનારા છે પણ સંસારની આસક્તિ તેના હૃદયમાંથી દૂર થઈ નથી. अविद्वांस: નો ભાવ એ છે કે જેઓને આત્મતત્ત્વનું સામાન્ય જ્ઞાન અછેદ્ય-અભેદ્યાદિકપણું તો છે પણ એ આત્મતત્ત્વને અતિ નિર્મળતાની પ્રાપ્તિ કેમ થાય તેનું અનુભવ જ્ઞાન કેમ થાય તેવું જ્ઞાન નથી. એટલે સંક્ષિપ્તમાં તેનામાં કર્મયોગીનો અધિકાર-યોગ્યતા છે પણ જ્ઞાનયોગની યોગ્યતા-અધિકાર હજુ પ્રાપ્ત થયા નથી. એવા મનુષ્યોને માટે અહીં सक्ता: अविद्वांस: શબ્દો વપરાયા છે. શાસ્ત્રોના જ્ઞાતા હોવા છતાં પણ કેવળ કામનાને કારણે એવા મનુષ્યોને અવિદ્વાન (અજ્ઞાની) કહેવામાં આવ્યા છે. આવા પુરુષો શાસ્ત્રના તો પૂરા જ્ઞાતા છે પણ પોતાના હૃદયમાં પડેલી અનાદિકાળની વાસના, આસક્તિ તેની મજબૂરી પણ પૂરી છે. શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન કદાચ થઈ જાય તો પણ આ મજબૂરી દૂર થઈ જાય એવું ખાત્રીપૂર્વક કહી શકાયું નથી.

सदृशं चेष्टते स्वस्या प्रकृतिं ज्ञानवानपि।

प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति।।

તેઓ પણ પોતાની પ્રકૃતિ-વાસનાથી પ્રેરિત ચેષ્ટઓ જ કરે છે. તેમાં શાસ્ત્ર-જ્ઞાનનું કોઈ જોર ચાલતું નથી. તેથી તો તેને પણ ‘भूतानि’ શબ્દથી પશુપંખીની પંક્તિમાં ભગવાને મૂકી દીધા. શ્રીજી મહારાજ પણ એવું બતાવે છે કે અંતર વાસનાની પ્રવૃત્તિ થાય ત્યારે પશુ સરખો બની જાય છે. તેથી આવા પુરુષો શાસ્ત્રના જ્ઞાતા તો હોય છે, વળી વ્યવહારના પણ જ્ઞાતા હોઈ શકે તો પણ પોતાને માટે કલ્યાણના સાધનના જ્ઞાતા ન હોવાથી તેઓને सक्ता: કેવળ પોતાને માટે કર્મ કરનારા અને अविद्वांस: અજ્ઞાની કહ્યા છે. ખરેખર તો સામાન્ય જીવો જેવા તેઓ નથી. તેમાં કર્મયોગની યોગ્યતા જરૂર રહેલી છે. એવા અવિદ્વાન મનુષ્યો શાસ્ત્રમાં શ્રદ્ધા-વિશ્વાસ હોવાથી કર્મામાં કદી આળસ-પ્રમાદ ન રાખીને સાવધાનીપૂર્વક કર્મો કરે છે. કારણ કે તેઓની એવી માન્યતા રહે છે કે કર્મો કરવામાં કોઈ ઊણપ આવી જવાથી તેમના ફળમાં પણ ઊણપ આવી જાય છે. ભગવાન તેની આ પ્રકારની માન્યતાને અનુમોદન આપીને સર્વથા આસક્તિ રહિત અવિદ્વાનોને પણ સાવધાનીપૂર્વક કર્મ કરીને તેઓના આત્મવિશ્વાસને પુષ્ટ કરવા અને લોકસંગ્રહ કરવા સાવધાનીપૂર્વક કર્મ કરવાની પ્રેરણા આપે છે. આ શ્લોક ભગવાને સિદ્ધ કર્મયોગીઓને માટે તેમજ જ્ઞાનયોગના પણ અધિકારીઓને માટે કહ્યો છે. પોતાને તુલ્ય મુક્ત સ્થિતિવાળાને માટે પણ કહ્યો છે.

कुर्यात्‌विद्वाद्वांस्तथासक्तश्चिकीषुर् र्लोकसङग्रहम्‌-  જેમનામાં કામના મમતા, આસક્તિ, વાસના, પક્ષપાત, સ્વાર્થ વગેરેનો સવર્થા અભાવ થઈ ગયો છે અને શરીર વગેરેની સાથે કિંચિત્‌માત્ર પણ મોહ રહ્યો નથી એવા તત્ત્વજ્ઞ મહાપુરુષોને માટે असक्त: વિદ્વાન એવા શબ્દો લખ્યા છે. ૨૧ મા શ્લોકમાં લોકસંગ્રહની સમજણ બતાવી છે અહીં તેને ‘लोकसङग्रहं चिकीर्षु:’શબ્દોથી બતાવ્યું છે.

શ્રેષ્ઠ મનુષ્યોના બધાં આચરણો સ્વાભાવિક રીતે યથાર્થ અને શાસ્ત્રમર્યાદા સુરક્ષિત રાખવાને માટે હોય છે. (હોવાં જોઈએ) જેમ ભોગી મનુષ્યની ભોગમાં, મોહિત મનુષ્યની કુટુંબમાં, લોભીની ધનમાં રતિ હોય છે. તેવી જ રીતે શ્રેષ્ઠ એવા નિષ્કામ સેવાયોગીની રતિ ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં અને જીવપ્રાણીમાત્રના હિતમાં રતિ હોય છે. એના અંતરમાં સદાને માટે એવી તલસના રહે છે કે હું શું કરું તો બીજાની સેવા થાય અને બીજાનું હિત થાય?

આ શ્લોકમાં યથા અને તથા શબ્દો કર્મ કરવાના પ્રકારના ભાવમાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે જે રીતે અજ્ઞાની (સકામ) અને આસક્ત (सक्ता🙂 પુરુષોને પોતાના સ્વાર્થ માટે સાવધાની અને તત્પરતા છે કે અહંકાર છે તે તેના કર્મમાં જોશ લાવે છે. તેવી જ રીતે જ્ઞાની (વિદ્વાન) અને અનાસક્ત પુરુષોએ ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં તથા બીજાઓના હિતમાં જોશપૂર્વક લોકસંગ્રહમાં લાગવું જોઈએ. તેમણે ઉપરનો ભાવ રાખીને સંપૂર્ણપણે લૌકિક-વૈદિક કર્તવ્યકર્મોનું આચરણ કરતા રહેવું જોઈએ. સર્વનું હિત કેમ થાય? આવી ભાવનાથી કરાયેલા કર્તવ્યકર્મથી લોકમાં સારી ભાવનાનો પ્રચાર થાય છે.

મોટે ભાગે અજ્ઞાની તથા રાગવાળા મનુષ્યો તો ફળની પ્રાપ્તિની ઈચ્છા હોવાથી સાવધાનીથી અને વિધિપૂર્વક તત્પરતાથી કર્તવ્યકર્મ કરે છે; પરંતુ જ્ઞાની અને અનાસક્ત પુરુષોને ફળની કોઈ પ્રકારની આસક્તિ ન હોવાથી તેને કોઈ કર્તવ્યકર્મ શેષ રહ્યું ન હોવાથી તેના દ્વારા ઘણું કરીને કર્તવ્યકર્મની ઉપેક્ષા થતી હોય છે અને થવાની સંભાવના છે. તેથી જ ભગવાન અહીં અનાસક્ત સિદ્ધ પુરુષોને પણ અજ્ઞાની-આસક્તિવાળા મનુષ્યોની જેમ જોશપૂર્વક કર્મ કરવાની આજ્ઞા આપે છે.

૨૧મા શ્લોકમાં વિદ્વાનપુરુષને यद्यदाचरति કહીને એક આદર્શ પુરુષ બતાવવામાં આવ્યા હતા; પરંતુ આ શ્લોકમાં તેને અનુયાયી તરીકે બતાવ્યા છે. વિદ્વાન તથા कुर्यात्‌ વિદ્વાનને પણ તેના જેટલી જ સાવધાની, તત્પરતા અને જોશપૂર્વક પોતાનું કર્તવ્યકર્મ બજાવવું. આમ અનુયાયી બતાવ્યો છે. તાત્પર્ય એ છે કે એવા પુરુષો ચાહે આદર્શ સ્થાને બેઠા હોય અથવા અનુયાયીના સ્થાને બેઠા હોય; પરંતુ તેના દ્વારા આપમેળે અન્યનું હિત થતું રહે છે અને લોકસંગ્રહ થતો રહે છે. જેવી રીતે ભગવાન રામ પ્રજાને ઉપદેશ પણ દે છે ને પિતાજીની આજ્ઞાનું પાલન કરીને વનમાં પણ જાય છે. બન્ને સ્થિતિમાં તેના દ્વારા લોકસંગ્રહ તો થતો જ રહે છે. કારણ કે તેને કર્મ કરવા અથવા ન કરવામાં કોઈ સ્વાર્થ પ્રયોજન છે નહિ, જે છે તે પરહિત માટે કરે છે.

જ્યારે શ્રેષ્ઠ-જ્ઞાની પુરુષો આસક્તિ છોડીને કર્તવ્યકર્મ કરે છે ત્યારે જેને આસક્તિ છે તેમના ઉપર તેને ઘણો પ્રભાવ પડે છે. આસક્તિવાળા પુરુષોના અંતરમાં કબૂલાત થાય છે કે, ક્રિયા સરખી હોવા છતાં તેઓ આપણાથી અલગ છે અને કંઈક વિશેષ છે. છતાં કયારેક તેને ન પણ દેખાય તો પણ સત્ય વસ્તુનો પ્રભાવ તો તેના પર જરૂર પડે છે. એ સિદ્ધાંત છે. જ્યાં સુધી મનુષ્ય અંતરની ઈમાનદારીથી પરમાત્મા-મહારાજ અને તેના ભક્તોને માટે અને બીજાના હિત માટે પોતાનું કર્તવ્ય બજાવતો નથી અને પોતાના વ્યક્તિગત સ્વાર્થનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી મુક્ત બની શકતો નથી. જગત પદાર્થો તેમજ માન મોટાઈની અંતરમાં મહત્તા પડેલી હોવાથી નિષ્કામ કર્મયોગ કે નિષ્કામભાવથી મહારાજની કે તેના ભક્તોની સેવા પણ કરી શકાતી નથી. તેથી જ નિષ્કામ કર્મયોગ કે સેવાયોગ અંતરમાં કઠિન માલૂમ પડે છે. વાસ્તવમાં મહત્તા પદાર્થોની નથી. એનો કયા હેતુ માટે ઉપયોગ થાય છે તેની મહત્તા છે. મહત્તા કોઈ ક્રિયાની નથી પણ તેના પેટાળમાં કયા હેતુ માટે તે કરવામાં આવે છે તેની મહત્તા છે અને પદાર્થ અથવા ક્રિયા બંધન કે મુક્તભાવ ઊભો કરે છે, તે પણ તેના આધારે જ ઊભો થાય છે કે પદાર્થ પાછળ કે ક્રિયા પાછળ તેમને કેવી ભાવના અને કેવો આશય છે!

न बुद्धिभेदं… विद्वान्युक्त:જેનું અંતર સ્વાભાવિક જ નિર્વિકાર ભાવને પામી ગયું છે અને જેના હૃદયમાં કર્મયોગની જે સમતા કહી છે, (૨/૪૮) જેનાં ઈન્દ્રિયો અંતઃકરણ જીતાયેલાં છે, એવા મહાપુરુષો માટે અહીં विद्वान युक्तः શબ્દો વપરાયા છે અને શાસ્ત્રવિહિત કર્મો પણ પોતાના ભોગ, માન, બડાઈ વગેરેની પ્રાપ્તિ માટે કરવાને કારણે તેમને માટે अज्ञानाम्‌कर्मसङगीनाम्‌ એવા શબ્દો વાપર્યા છે.

શ્રેષ્ઠ પુરુષો ઉપર અને શ્રેષ્ઠ સ્થાન ઉપર બેઠેલા પુરુષો ઉપર વિશેષ જવાબદારી છે. કેમકે બીજા લોકો તેનું અનુસરણ કરવાનાં છે. તેમણે સમાજને પોતાના જીવનથી બીજાને ભગવાનને માર્ગે તથા સચ્ચાઈને માર્ગે દોરવાના છે. તેઓ સમાજના ડ્રાઈવર છે. ડ્રાઈવર અસાવધાન હોય તો બસમાં બેઠેલા તમામનું જીવન જોખમમાં આવી પડે છે. તેથી ભગવાન તેઓને આજ્ઞા આપે છે કે તેણે એવું કોઈ આચરણ નહિ કરવું જોઈએ કે તેણે એવી વાત નહિ કહેવી જોઈએ કે જેથી અજ્ઞાની મનુષ્યોનું વર્તમાન સ્થિતિમાંથી પતન થાય. એવું એનું વર્તન જોઈને અથવા એની વાત સાંભળીને કોઈનું ભગવાનના માર્ગથી પતન થાય અથવા વાત સાંભળીને નબળી પ્રેરણા મળે તો તેનો દોષ શ્રેષ્ઠ પુરુષોને લાગે છે. નાના માણસોની શ્રદ્ધા સત્‌શાસ્ત્રોમાંથી ઓછી થાય અથવા સાધનાના માર્ગમાંથી ઓછી થાય તો તેનો દોષ દોષ મોટાને લાગે છે. તેથી સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે કે એક જીવને જો ભગવાનને માર્ગે ચડાવે (સારી વાત કરીને અથવા જીવનથી પ્રેરણા આપીને) તો તેને બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય છે અને તેવી જ રીતે એક જીવને ભગવાનના માર્ગથી પાડે તો તેને બ્રાહ્માંડ ભાંગ્યાનું પાપ થાય છે. શ્રેષ્ઠ પુરુષનું આચરણ જોઈને અથવા તેની વાત સાંભળીને અજ્ઞાની માણસને વિસંવાદિતા ઊભી થાય અને તેનું આધ્યાત્મિક કે નૈતિક પતન થાય તો તેમાં બુદ્ધિભેદ જન્માવ્યો ગણાય. તેવો બુદ્ધિભેદ ન જન્માવવો એવી ભગવાને શ્રેષ્ઠ પુરુષોને આજ્ઞા આપી છે. આથી વિદ્વાન, શ્રેષ્ઠ અથવા શ્રેષ્ઠ સ્થાન પર બેઠેલા પુરુષોએ સર્વના હિતની ભાવના રાખીને પોતાના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે શાસ્ત્રવિહિત શુભ કર્મોનું આચરણ કરતા રહેવું જોઈએ. જેનાથી બીજાને પણ પ્રેરણા મળતી રહે. સમાજ, પરિવાર તેમ જ કોઈ પણ એકમની મુખ્ય વ્યક્તિઓને આ જ વાત લાગુ પડે છે.બુદ્ધિભેદ પેદા કરવાનાં કેટલાંક ઉદાહરણો આ પ્રકારે છે.

(૧) ‘‘કર્મોથી તો જીવ બંધાય છે, માટે કર્મ કરવું અતિ નિકૃષ્ટ છે. તેથી કર્મ છોડીને જ્ઞાનમાં લાગવું જોઈએ’’ વગેરે ઉપદેશ દેવો અથવા એવાં વલણનાં પોતાનાં આચરણો અને વચનો વડે બીજાઓમાં કર્તવ્યકર્મ વડે અશ્રદ્ધા, અવિશ્વાસ પેદા કરવો.

(૨) ‘‘ફળની ઈચ્છા વિના કર્મ શકય જ ન બને. કોણ એવો છે કે જેને સ્વાર્થ નથી?’’ વગેરે ઉપદેશ દેવો.

(૩) ‘‘આ બધી શાસ્ત્રની વાતો છે પણ આ કાળમાં કોણ એવું કરી શકે ! એ તો બધું ચાલે’’ એવી વાતો કરીને તે માર્ગથી બીજાને પાછા પાડવા વગેરે બુદ્ધિભેદ જન્માવવાનાં ઉદાહરણો છે. (વચ.ગ.પ્ર. ૧૭)

આવા ઉપદેશોથી અથવા જેણે કરીને મનુષ્યને ભગવાન પ્રત્યેની અથવા અધ્યાત્મ સાધનાના માર્ગ પ્રત્યેની શ્રદ્ધા ઓછી થઈ જાય કે નાસ્તિક ભાવ આવી જાય એવો ઉપદેશ કે ચેષ્ટાઓ આગેવાન પુરુષોએ ન કરવી જોઈએ. શ્રીજી મહારાજે તેને (વચ.ગ.પ્ર.૧૭) હિંમત વિનાની વાત ન કરવી એવા શબ્દોથી કહ્યું છે. ઊલટું તત્ત્વજ્ઞ પુરુષોએ અજ્ઞાની માણસને ભ્રમ ઉત્પન્ન ન થાય અને વર્તમાન સ્થિતિથી ક્રમશઃ ઊંચે ઊઠે તેવું વર્તન કરવું જોઈએ. તેઓ જે કર્મો કરી રહ્યા છે, તેમાંથી જે ભાગ અથવા કર્મો શાસ્ત્રવિહિત હોય તેની વિશેષરૂપે પ્રશંસા કરીને તેમના કર્મોમાં રહેલા ત્રુટિ ભાગની તેમને જાણ કરવી. જેથી ત્રુટિ દૂર કરીને સાંગોપાંગ શુભ કર્મો કરી શકે પણ કબીર, અખાની જેમ સીધો પ્રહાર શુભ કર્મો કે શાસ્ત્રીય કર્મો પર ન કરવો જોઈએ. તેમણે એવો ઉપદેશ આપવો અને કરી બતાવવું કે યજ્ઞ, દાન, પૂજા, યાત્રા, સ્તુતિ વગેરે શુભ કર્મો કરવાં એ તો બહુ સારું છે પણ તેમાં સ્વાર્થ, કામના, ફળની ઈચ્છાઓ રાખવી એ ઉચિત નથી. આથી તે ભાવનાઓનો ત્યાગ કરીને શુભ કર્મો કરવાથી ખૂબ જ લાભ થાય છે. એવો ઉપદેશ દેવો અને પોતાના વર્તન દ્વારા નીચેના વર્ગને દોરવા એ બુદ્ધિ ભેદ નથી પણ એ વિવેક છે અને વાસ્તવિક્તા છે. આમ અધ્યાત્મમાં પણ સમજવું. જેમ બહુધા લોકો ઉપદેશ આપતા હોય છે કે નામજપ કરતી વખતે ભગવાનમાં મન ન રહે, તો નામજપ વ્યર્થ છે, તેવી પૂજા પણ વ્યર્થ છે અને ધાર્મિક ચિહ્‌નો વ્યર્થ છે. તે બુદ્ધિ ભેદ જન્માવ્યો ગણાય; પરંતુ તત્ત્વતઃ પુરુષે એવો ઉપદેશ દેવો કે નામજપ કયારેય વ્યર્થ જતો નથી કરેલી પૂજા કયારેય વ્યર્થ જતી નથી; પરંતુ જો ભગવાનમાં મન રાખીને કરવામાં આવે તો તેનો ઘણો અને બહુ જ જલદી લાભ થાય છે અને પોતે કાંઈક થોડું તે આચરી બતાવવું જોઈએ.

કોઈપણ વ્યક્તિ સર્વથા ગુણરહિત હોતી નથી. તેનામાં કંઈ ને કઈ ગુણ હોય જ છે. તેને કોઈ તેની ઉન્નતિનું શિક્ષણ આપવું હોય તો પ્રથમ તેનામાં રહેલી શુભ વસ્તુની પ્રશંસા અને આદર સન્માન કરવું જોઈએ. પછી તેની ખામી સમજાવવી જોઈએ. સીધો તેની નબળાઈ ઉપર પ્રહાર કરીને તેના વ્યકિતત્વનું ખંડન ન કરવું જોઈએ. એમ કરવું એ એના પ્રત્યે પડેલો અંતરનો શત્રુભાવ છે અથવા ઈર્ષ્યાભાવ છે પણ કરુણાભાવ કે મિત્રભાવ નથી. હકારાત્મક વલણથી તેના ઉપર સારી અસર થશે. શ્રેષ્ઠ પુરુષોએ એવી રીતે બીજાને શિક્ષણ આપવું જોઈએ.

समाचरन्‌ અને जोषयेत्‌ પદો વડે ભગવાન શ્રેષ્ઠ પુરુષોને બે આજ્ઞાઓ આપે છે. એક તો પોતે સરખું સાવધાનીપૂર્વક આચરણ કરવું. જેથી બીજાને ભ્રમ ન થાય. બીજું લોકો પાસે પણ તેવા ઊંચા ભાવથી કર્મ કરાવવું. લોકોને દેખાડવા માટે કર્મ કરવું એ દંભ છે. જે પતન કરવાવાળા આસુરી સંપત્તિનું લક્ષણ છે. (૧૬/૪) અહીં લોકસંગ્રહમાં પણ લોકો આગળ જ રજૂઆત કરવાની છે પણ તે દંભ નથી. કર્મના ઉપરના કલેવરમાં દંભ અને લોકસંગ્રહમાં સમાનતા જેવું દેખાશે પણ બન્ને અત્યંત અલગ છે. દંભમાં વ્યક્તિની નબળાઈ અને નબળો આશય કાર્ય કરી રહ્યો હોય છે. જ્યારે લોકસંગ્રહમાં તો તેની શુભ ભાવના-લોકહિતની ભાવના અને કરુણા કામ કરી રહી હોય છે. દંભ બીજાને છેતરવા બતાવવાનો હોય છે. લોકસંગ્રહ તો લોકોને છેતરાતા બંધ કરવા માટે અને વાસ્તવિક જ્ઞાન થવા માટે થતો હોય છે. દંભમાં શુભ ક્રિયાનો દેખાવ જ કરવાનો હોય છે. અંતરથી અનુષ્ઠાન કરવાનું હોતું નથી. લોકસંગ્રહમાં તો અનુષ્ઠાન વધુ ને ઉપરનો દેખાવ તો બીજાના માર્ગદર્શન પૂરતો હોય છે. દંભમાં કર્મ અને આશય અલગ પ્રકારના હોય છે. લોકસંગ્રહમાં બન્નેમાં એક જ શુભ આશય હોય છે. દંભમાં કેવળ પોતની નબળી મુરાદ પૂરી કરવાની હોય છે, જ્યારે લોકસંગ્રહમાં કેવળ બીજાના હિત સિવાય કોઈ ભાવ હોતો નથી.

આથી ભગવાન લોકોને દેખાડવા માટે નહિ પણ લોકસંગ્રહ માટ જ કર્તવ્યકર્મ કરવાની આજ્ઞા આપે છે. શ્રેષ્ઠ પુરુષોએ કર્મના ફળ સાથે પોતાનું કોઈ પ્રયોજન ન હોવા છતાં તેણે સમસ્ત કર્તવ્યકર્મો સુચારુ રૂપથી કરતા રહેવું જોઈએ. જેથી કર્મોમાં આસક્ત પુરુષોની નિષ્કામ કર્મો પ્રત્યે મહત્ત્વબુદ્ધિ જાગ્રત થાય અને તેઓ પણ નિષ્કામભાવથી કર્મ કરવા લાગે. બીજા લોકો પણ તેવી જ ચેષ્ટા કરવા લાગે. આવી રીતે શ્રેષ્ઠ પુરુષોએ સ્વાર્થ અને કર્મમાં આસક્ત પુરુષોને આદરપૂર્વક સમજાવીને તેની પાસે નિષિદ્ધ કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરાવવો જોઈએ અને વિહિત કર્મોમાંથી સકામભાવનો ત્યાગ કરવાની પ્રેરણા આપવી જોઈએ.

प्रकृते: क्रियमाणानि गुणै: कर्माणि सर्वश:।।

अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते।।२७।।

અર્થઃ વાસ્તવમાં સઘળાં કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની ‘હું કર્તા છું’ એમ માને છે.

प्रकृते: क्रियमाणानि… જે સમષ્ટિથી શરીર, વૃક્ષ વગેરે પેદા થાય છે. ગંગા વગેરે નદીઓ પ્રવાહિત થાય છે. ઋતુચક્ર બદલાયા કરે છે. તે જ સમષ્ટિથી મનુષ્યની પણ બધી ક્રિયાઓ સંચાલિત થાય છે; પરંતુ મનુષ્યની ક્રિયાઓમાં બે વિભાગ છે. જેમ કે એક તો શરીરનું ઉત્પન્ન થવું, ભોજનનું પાચન થવું, શ્વાસનું ટકવું વગેરે .જે ક્રિયાઓ આપમેળે થાય છે, તેમાં તો મનુષ્યો માને છે કે તે હું નથી કરતો; પરંતુ બીજી ક્રિયાઓ જેવી કે જોવું, બોલવું, ભોજન કરવું વગેરે ક્રિયાઓ છે જે જ્ઞાનપૂર્વક થવાવાળી ક્રિયાઓ છે તેને અહંકારવશ થઈને જીવ પોતે કરે છે એવું માની લે છે.

બુદ્ધિ, અહંકાર, મન, પંચભૂત, ઈન્દ્રિયો અને વિષયો તમામ પ્રકૃતિના ત્રણ ગુણોનું કાર્ય હોવાથી તેને પણ ગુણો જ કહ્યા છે. તેથી ભગવાન કહે છે કે આપમેળે થવાવાળી અથવા જ્ઞાનપૂર્વક થવાવાળી ક્રિયાઓ તમામ પ્રકૃતિથી જ થાય છે જીવાત્માના સ્વરૂપથી થતી નથી.

अहंकार विमूढात्मा:- अहंकार અંતઃકરણની એક વૃત્તિ છે. જીવાત્મા પોતે તે વૃત્તિનો જ્ઞાતા છે; પરંતુ ભૂલથી તે વૃત્તિને પોતાનું સ્વરૂપ માની લેવાથી આ મનુષ્ય વિમૂઢાત્મા કહેવાય છે. જીવાત્મા પોતાનું ચૈતન્ય સ્વરૂપ સંપૂર્ણપણે ભૂલી જઈને પોતાને તે વૃત્તિરૂપે માની લે છે. વ્યાકરણ શાસ્ત્રમાં છઠ્ઠી વિભક્તિથી સંબંધિત પદાર્થોનો નિર્દેશ થાય છે. જેમ કે મારું મકાન, મારી મિલકત, મારું શરીર તેમ જ મારો અહંકાર. હવે જ્યારે જેને મારું માનીએ તેને ‘હું’ ન માની શકાય. આપણે કયારેય ‘હું’ મકાન ‘હું’ મિલકત એવું નથી સ્વીકારતા. પરંતુ જ્યાં શરીરની વાત આવે ત્યાં ઘણા બધાની મતિ ભ્રમી જાય ને ‘હું’ શરીર છું, એમ માનવા લાગે. અહંકાર પણ મારો શબ્દથી નિર્દેશ થવા યોગ્ય જ છે પણ તેમાં તો જ્ઞાની અને પંડિતો પણ ભ્રમી જઈને તેને સાક્ષાત્‌‘હું’ જ માની લે છે. કોઈ પ્રકારે અલગ જ પડતા નથી. તેથી તેને અહંકાર વિમૂઢાત્મા કહે છે. આવો માનેલો અહંકાર ઉદ્યોગ કરવાથી દૂર થતો નથી તે સાધનો કરવાથી તો ઊલટો વધતો જાય છે. તેને દૂર કરવાનો ઉપાય છે,‘अस्वीकृति’ અર્થાત્‌‘ન માનવું’.

‘अहम्’ બે પ્રકારના હોય છે. (૧) વાસ્તવિક ‘अहम्’. જે ચૈતન્યમાંથી ઊઠે છે. જે ચૈતન્યના સતત સ્પંદનરૂપ હોય છે અને જે अहं अस्मि.. अहं अस्मि  એવા પ્રકારનો હોય છે. જેને વેદાંતમાં अहं પ્રત્યય કહેવામાં આવે છે જેનો નાશ કયારેય થતો નથી અને થવો શકય પણ નથી. હા, તેની વિસ્મૃતિ જરૂર થાય છે પણ નાશ નથી થતો. મુક્તિ અવસ્થામાં પણ તેને એવો પ્રત્યય રહે છે. જ્યારે (૨) બીજો અવાસ્તવિક ‘अहम्’ હોય છે. જેને ‘अहंकार’ કહેવામાં આવે છે. अन्‌अहिम्‌अहंकरोति इति अहंकार। अतद्‌भावे ‘च्वि’ પ્રત્યયથી ‘अहंकार’ શબ્દ બન્યો છે. જેનો અર્થ થાય છે જે તત્ત્વ अहं ઉદ્‌ગમસ્થાન નથી ત્યાં अहं ને ઠેરાવવામાં આવે છે. થોપી દેવામાં આવે છે. આવી પ્રક્રિયા જેમાં થતી હોય તેને ‘અહંકાર’ કહેવામાં આવે છે. દા.ત. अहं પ્રત્યય તો ચૈતન્યમાંથી ઊઠે છે પણ અજ્ઞાન-મૂઢતાથી માણસ તેને શરીરમાં સમજી લે છે ને તેને અહંનું કેન્દ્ર માનીને કામ કરે છે, તે અહંકાર છે.

પ્રકૃતિના કોઈપણ સજર્નને અહંનું કેન્દ્ર માની વ્યવહાર કરવામાં આવે. જેમ કે બુદ્ધિવાળો, ધનવાન, આબરૂદાર,તંદુરસ્ત વગેરે ભાવોને પ્રકાશિત કરનાર અહંકાર પ્રાકૃતિક અહંકાર છે. ચૈતન્યમાંથી ઊઠતો अहं પ્રત્યય નથી પણ તેમાં અશુદ્ધિ ભળી જઈને મિશ્ર સ્વરૂપ છે. જે નાશ કરવા યોગ્ય છે. દેહ, ગુણ કે સંપત્તિના અનુયોગે જે अहं બહાર આવે છે તે બધો જ અહંકાર છે. શુદ્ધ ચૈતન્યને કેન્દ્રમાં રાખીને અથવા પરમાત્માને કેન્દ્રમાં રાખીને જે અહં ઊઠે છે તે અહં પ્રત્યય કહેવાય છે. જેમ કે હું ચૈતન્ય છું, હું પરમાત્માનો દાસ છું, બ્રહ્મરૂપ છું, પરમાત્માનો સેવક છું. એ અહંકાર નથી પણअहं પ્રત્યય ગણાય. અહંકાર પરિસ્થિતિને અનુસારે બદલાયા કરતો હોય છે. જેમ કે કોઈ ભણેલ વ્યક્તિ એમ માને કે હું વિદ્વાન છું, ન ભણેલ એમ માને કે હું અભણ છું. પૈસા ન હોય તો માને હું ગરીબ છું, પૈસા મળે તો તે જ વ્યક્તિ હું ધનવાન છું એમ માને. માંદો હોય તો એમ માને હું બીમાર છું. સાજો થાય ને શરીરમાં બળ આવે તો એમ માને હું તંદુરસ્ત છું. બળવાન છું. આમ અહંકાર બદલાયા કરે છે. તે કયારેય એકરૂપ રહી શકતો નથી અને અહં પ્રત્યય કયારેય બદલાતો નથી. તેને વાસ્તવિક અહં કહેવાયો છે. મનુષ્યની ભૂલ એ થાય છે કે વાસ્તવિક અહંની વિસ્મૃતિ કરીને અવાસ્તવિકને સત્ય માની લે છે અને તે રૂપે પોતાને માની લે છે. એટલી બધી રૂઢ માન્યતા થઈ ગઇ છે કે ભગવાન કે સત્પુરુષો છોડાવે તોય તેને છોડતો નથી.

कर्ताहमिति मन्यते-અહંકારથી મોહિત અંતઃકરણવાળો અજ્ઞાની મનુષ્ય કર્મોનો કર્તા પોતાને માની લે છે. કારણ કે તે અહંકારને જ પોતાનું સ્વરૂપ માની લે છે. અહંકારને કારણે જ મનુષ્ય શરીર, ઈન્દ્રિયો, મન વગેરેમાં ‘હું’ પણું કરી લે છે અને તેની ક્રિયાઓને પોતાની ક્રિયાઓ માની લે છે, તેનો કર્તા પોતાને માની લે છે. આ વિપરીત માન્યતા મનુષ્યે પોતે જ કરી છે. વચ.ગ.પ્ર.પ્ર. ૪૪માં શ્રીજી મહારાજ કહે છે કે ‘એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે દેહને પોતાનું સ્વરૂપ માની લે છે ને દેહના સંબંધીને પોતાના સંબંધી માને છે. જેમ દરજીને ઘેર ડગલો સિવડાવ્યો ત્યારે કહે જે દરજી મારો બાપ.. એ મૂર્ખ છે. તેમ જીવને વિપરીત ભાવના થઈ છે.’ માટે આવી વિપરીત ભાવના પોતે જ કરી હોવાથી તે દૂર પણ પોતાથી જ શકય છે. તેને દૂર કરવાનો ઉપાય છે, તેને વિવેક વિચારપૂર્વક ન માનવું. કેમ કે માન્યતા વડે જ માન્યતા દૂર થાય છે, અન્ય ઉપાયથી નહિ.

એક ‘કરવું’ હોય છે અને એક ‘ન કરવું’ હોય છે. જેમ ‘કરવું એ ક્રિયા છે’તેમજ ‘ના કરવું’ એ પણ ક્રિયા છે. જેમ કરવામાં જીવને પ્રયત્ન કરવો પડે છે અને જીવની ઊર્જા વપરાય છે તેમજ અમુક વસ્તુ ન કરવામાં પણ કરવા કરતાં વધુ પ્રયત્ન અને વધુ ઊર્જા વપરાય છે. જેમ કોઈ માણસને સિગારેટ પીવાની ટેવ પડી ગઈ છે. તેને છોડવા તેને પોતાની પૂરી તાકાત અને ઊર્જા લગાવી દેવી પડે છે. ત્યારે જ ન કરવાની ક્રિયા સિદ્ધ થાય છે. હવે જીવાત્મા તો ‘કરવું’ અને ‘ન કરવું’ બન્નેથી પર સ્વરૂપ છે. ‘કરવું, ન કરવું’ બન્નેનો પ્રકાશક છે. માટે ભગવાન કહે છે કે ક્રિયામાત્ર પ્રકૃતિમાં થાય છે. ‘કરવું અને ન કરવું’ ત્યાં હોય છે જ્યાં અહં (હું) હોય છે. અહં ન રહેવાથી ક્રિયાની સાથે કોઈ સંબંધ રહેતો નથી ( यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते…૧૮/૧૭) અહંને કારણે મનુષ્ય પ્રકૃતિમાં થવાવાળી ક્રિયાઓ સાથે પોતાનો સંબંધ માની લે છે. પ્રકૃતિ (જડ)ની સાથે માનેલા સંબંધ ને જ ‘अहं’ કહેવાય છે.

અહંકારથી મોહિત અંતઃકરણવાળો મનુષ્ય જ્યારે શરીરને ‘હું’ (પોતાનું સ્વરૂપ) માની લે છે. ત્યારે તેનામાં અનેક પ્રકારની કામનાઓ (જરૂરિયાતો) ઉત્પન્ન થવા લાગે છે જેમ કે મને સ્ત્રી, પુત્ર, ધન વગેરે જોઈએ છે. લોકો મને સારો માને. (હું ગમે તેવો હોઉં તો પણ !) મારું આદર સન્માન કરે. મને અનુકૂળ થઈને બધા ચાલે વગેરે. કામનાઓ શરીરના અનુસંધાને તુરત ઊભી થાય છે. આ બધી વસ્તુઓ મને બંધનમાં જકડી રહી છે તેના તરફ તેનું ધ્યાન જ નથી જતું.

સાધનકાળમાં ‘હું’ (પોતે) પ્રકૃતિજન્ય ગુણોથી (શરીર મન, બુદ્ધિ, ઈન્દ્રિયો વગેરેથી) સર્વથા અતીત છું એવો અનુભવ ન થવા છતાં પણ સાધક શાસ્ત્રોના વિશ્વાસથી કે મહાપુરુષોના વિશ્વાસથી એમ માની લે છે ત્યારે તેને તેવો જ અનુભવ થવા લાગે છે. ‘कालेनात्मनि विन्दते’ કાળે કરીને બ્રહ્મરૂપ બની જાય છે. જેવી રીતે ખોટી માન્યતા રૂઢ થવાથી તે બંધાયો હતો તેમ જ સાચી માન્યતાઓ રૂઢ કરવાથી તે મુક્ત થઈ જાય છે. જે વાત વાસ્તવિક ન હોય અને કેવળ માનેલી હોય તેને ‘ન માનીએ’ તો તે ‘ખોટી માન્યતા’ દૂર થઈ જાય છે-આ સિદ્ધાંત છે. અસત્ય માન્યતાઓ પણ માનવાથી એટલી દૃઢ થઈ જાય છે કે તેને છોડવી કઠિન થઈ પડે છે. તો પછી જે સત્ય છે ને વાસ્તવિક છે તેવી માન્યતાઓને પોષણ આપવાથી દૃઢ કેમ ન થાય? એ તો જરૂર થાય જ.

तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयो:।

गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते।।२८।।

અર્થઃ પણ હે મહાબાહો! ગુણવિભાગ અને કર્મવિભાગના તત્ત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસકત નથી થતો.

तत्त्ववित्तु महाबाहो-આગળના શ્લોકમાં अहंकार विमूढात्मा ‘અહંકારથી મોહિત અતઃકરણવાળો પુરુષ’ તેનાથી તત્ત્વજ્ઞ મહાપુરુષને અત્યંત વિલક્ષણ બતાવવા માટે અહીં ‘તુ’ શબ્દ વપરાયો છે.

શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ, પદાર્થ વગેરે બધાં જ ત્રિગુણમાંથી ઉત્પન્ન થયાં છે માટે ગુણમય છે. માટે તેને ‘ગુણવિભાગ’ કહેવાય છે. તે બધાથી થતી ક્રિયાને ‘કર્મવિભાગ’ કહેવાય છે. શરીરાદિ ગુણો અને તેનાથી થતી ક્રિયાઓ નાશવંત અને પરિવર્તનશીલ છે, કયારેય એકરૂપ રહેતી નથી. તેમાં રહેલ દોષ, દુઃખ અને પરિતાપને સારી રીતે જાણવા અને અનુભવ કરવો તે તેને તત્ત્વથી જાણ્યા કહેવાય. જ્યારે ચૈતન્ય તત્ત્વ સદા નિર્લિપ્ત-નિર્વિકાર છે, અવિનાશી છે. સુખરૂપ છે એમ જાણવું અને તેનો અનુભવ કરવો તે ચેતનને તત્ત્વથી જાણ્યો ગણાય.

અજ્ઞાની પુરુષ જ્યારે આ ગુણવિભાગ અને કર્મવિભાગ સાથે પોતાનો સંબંધ (માલિકી સંબંધ) માની લે છે ત્યારે તે તેમાં બંધાઈ જાય છે. શાસ્ત્રની દૃષ્ટિએ આ બંધનનું કારણ ‘અજ્ઞાન’ છે પણ સાધકની દૃષ્ટિએ ‘રાગ’ તેનું મુખ્ય કારણ છે. આ રાગ અવિવેકથી થાય છે. વિવેક જાગ્રત થતાં અવિવેક નષ્ટ થાય છે. આ વિવેક ભગવાને મનુષ્યને સ્વભાવિકરૂપે આપ્યો છે. આવશ્યકતા કેવળ આ વિવેકને મહત્ત્વ આપી ને જાગ્રત કરવાની છે. આથી સાધકે વિવેક જાગ્રત કરીને રાગને દૂર કરવો જોઈએ. સાધક ગુણ (પદાર્થો) અને ક્રિયા સાથે પોતાનો સંબંધ-માલિકીહક ન માને તો તે ગુણ કર્મ અને પોતાના આત્મા વચ્ચેના વિવેકને પામે છે અથવા પોતાના ચૈતન્ય સ્વરૂપને પણ યથાર્થ જાણી લે તો પણ વિવેકને પામે છે. બન્ને તત્ત્વથી જાણવાનું પરિણામ એક જ ‘વિવેક જાગ્રતિ’ આવે છે.

વિવેકને જીવનમાં મહત્ત્વ કેવી રીતે આપવું? તો સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં બતાવ્યું છે કે શરીરની તથા પોતાના કર્તવ્ય પ્રમાણે દરેક ક્રિયાઓ કરતો જાય અને ક્રિયા કરતાં પોતાને તે ક્રિયાથી (અને પદાર્થોથી પણ) અલગ માનતો જાય તો ઘણો સમાસ થાય અને ક્રિયારૂપ બની જાય અથવા દેહરૂપ બની જાય તો શુભ ક્રિયાઓથી પણ જોઈએ તેટલો સમાસ ન થાય અને પોતાનો અહં વધવાની સંભાવના રહે. માટે વિવેકને જાગ્રત કરવા દરેક ક્રિયામાં પોતાને દેહભાવથી અલગ બ્રહ્મભાવનું અનુસંધાન રાખવું તો જલદી અનુભવ થાય છે. આ વાતમાં ગીતામાં કહેલો કર્મયોગ અને જ્ઞાનયોગ બન્ને આવી જશે. પ્રકૃતિ સાથે માની લીધેલા સંબંધને વિચાર દ્વારા દૂર કરીએ તો તેને ‘જ્ઞાનયોગ’ કહેવાય અને તે સંબંધને પરમાત્માને અર્થે અથવા ભગવાનના ભક્તના હિતાર્થે કર્મ કરતાં કરતાં દૂર કરીએ તો તેને ‘કર્મયોગ’ કહેવાય છે. સ્વામીએ બન્ને વાતનું સંકલન કરીને આપણને ઉપાય બતાવ્યો છે અને તેને જ અહીં तत्त्ववित्त  બતાવ્યો છે.

गुणा गुणेषु वर्तन्त-પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉત્પન્ન થવાને કારણે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેને પણ અહીં ગુણો જ બતાવ્યાં છે અને તેમનાથી સઘળાં કર્મો થાય છે. અજ્ઞાનને કારણે આ બધાની સાથે પુરુષ પોતાનો સંબંધ માનીને તેના દ્વારા થતી ક્રિયાઓ અને ચેષ્ટાઓ પોતાની માની લે છે. તેનો કર્તા પોતાને માની લે છે. લોકસંગ્રહ કરવા ઈચ્છતા શ્રેષ્ઠ પુરુષોએ આ બધાં કરણો અને પદાર્થોથી પોતાના આત્મ-ચૈતન્ય અલગ માનીને પોતાનું કર્તવ્ય સાવધાનીપૂર્વક બજાવીને લોકસંગ્રહ કરવો.

પ્રકૃતિ અને તેના સજર્ન રૂપ એવા શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે સાથે तादात्म्य માની લેવાથી અહં પ્રત્યયને (વાસ્તવિક અહં) ભૂલી જઈને અહંકારનું સજર્ન થાય છે. ત્યાંથી તેમાં ભોક્તૃત્વ ઉત્પન્ન થાય છે.पुरुष: सुखदु:खानां भोक्तृत्वे हेतुरुच्यते (૧૩/૨૦) पुरुष: प्रकृतिस्थो हि भुक्तेप्रकृतिजान्गुणान्‌ (૧૩/૨૧) તાત્પર્ય એ થયું કે ગુણો સાથે તાદાત્મ્ય માની લેવાથી જ ભોક્તાપણું જે ‘હું સુખી છું’ ‘હું દુઃખી છું’ આવે છે. પુરુષમાં પ્રકૃતિની પરિવર્તનરૂપી ક્રિયા કે વિકાર નથી; પરંતુ તેની સાથે સંબંધ ‘માનવા’ અથવા ‘ન માનવા’ની યોગ્યતા છે. તે પથ્થરની માફક જડ નથી. તેનામાં સંબંધ જોડવો અથવા ન જોડવાની યોગ્યતા છે. સંચિત પ્રારબ્ધ કર્મનું તેના ઉપર જબ્બર દબાણ હોવા છતાં પરમાત્મા સાથે સંબંધ માનવો કે પ્રકૃતિના ગુણો સાથે સંબંધ માનવો તેમાં તે બિલકુલ સ્વતંત્ર છે. આ સંબંધ માનવો અથવા ન માનવો એ ભાવ છે, તે ક્રિયા નથી. પ્રકૃતિના તત્ત્વોનો સહકાર લીધા વિના તેનામાં ક્રિયા કરવાની પણ યોગ્યતા નથી; પરંતુ પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ માનીને જીવાત્મા कर्ताहमिति मन्यते (૩/૨૭) માની લે છે. ભગવાન શ્રેષ્ઠ પુરુષોેને લોકસંગ્રહ માટે ભાવથી પરમાત્મા સાથે જોડાઈને ઓછામાં ઓછું પોતાને ચૈતન્ય માનીને પોતાના ચૈતન્ય સાથે જોડાઈને શરીર, આશ્રમ, વ્યવહારની ક્રિયાઓનું વહન કરે, પ્રકૃતિ અને પ્રકૃતિનાં તત્ત્વો સાથે સંબંધ વિચ્છેદ કરે તો તેનાં બંધન દૂર થાય છે અને આવી યોગ્યતા તેનામાં છે. વસ્તુતાએ તેને પદાર્થોની સાથે વાસ્તવિક સંબંધ છે જ નહિ. પોતે અવિવેકથી માની લીધો છે. હવે માની લીધેલા સંબંધને ‘ન માનવા’ની પણ તેનામાં પૂરી યોગ્યતા છે અને તે યોગ્યતાનો ઉપયોગ કરવામાં પૂર્ણ સ્વતંત્ર છે. તેથી તો ભગવાન કહે છે કે इति मत्वा न सज्जते અહીં ભગવાનના શબ્દો ઉપર ધ્યાન દેવા જેવું છે. इति ज्ञात्वा કે इति कृत्वा ભગવાને ન લખ્યું અને मत्वा શા માટે લખ્યું? ખરેખર તો મત્વા છે તે જ્ઞાત્વાના અર્થમાં જ આવ્યું છે. છતાં ફેરફાર કરીને ભગવાને ‘मत्वा શબ્દ મૂકયો છે. તું માની લઈશ તો પણ તું બંધનથી છૂટો થઈશ. અહંકારના બંધનથી મુકાઈ જઈશ. આથી ઊલટું તું ઘણું કરીશ, ઘણું જાણીશ પણ આમ માનીશ નહિ તો બંધનથી મુકાઈશ નહિ. જાણવું-બુદ્ધિનો વિષય છે. કરવું ઈન્દ્રિયો, મનનો વિષય છે. માનવું અહંકારનો વિષય છે. બંધન થવામાં ભૂલ અહંની થઈ છે. તો સુધારો પ્રથમ ત્યાં થવો જોઈએ. માટે मत्वा એવું પદ મૂકયું છે.

કર્મયોગી અને સાંખ્યયોગી બન્નેની સાધના પદ્ધતિ અલગ છે. કર્મયોગી ગુણો (શરીર વગેરે) સાથે માનેલી એકતાને દૂર કરવાની ચેષ્ટા કરે છે. માટે ભાગવતમાં ‘कर्मयोगस्तु कामिनाम्’ (૧૧/૨૦/૭) કહેવામાં આવ્યું છે. તેથી ગીતામાં પણ કર્મયોગીને કર્મ કરવા પર વધારે ભાર દીધો છે. જેમ કે-કર્મોનો આરંભ કર્યા વિના મનુષ્ય નિષ્કર્મતાને પ્રાપ્ત થતો નથી. (૩/૪) યોગમાં આરૂઢ (સિદ્ધિ મેળવવાની ઈચ્છાવાળા) થવાની ઈચ્છાવાળા મનનશીલ પુરુષને માટે કર્મ કરવું એ જ સાધન કહેવામાં આવે છે. (૬/૩) કર્મયોગી કર્મ તો કરે છે પણ પોતાને માટે નહિ; પરંતુ બીજાના હિતને માટે કર્મ કરે છે. માટે તે કર્મોનો ભોક્તા નથી બનતો. ભોકતૃત્વનો નાશ થવાથી કર્તૃત્વનો આપોઆપ નાશ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે કર્તૃત્વમાં જે કર્તાપણું છે તે ફળને માટે જ છે. ફળ પામવાની લાલસાથી કર્તાપણું જીવિત રહે છે, ફળનો ઉદ્દેશ્ય ન રહેતાં કર્તૃત્વ વિલીન થઈ જાય છે. માટે કર્મયોગીમાં પણ કર્તાપણું આવતું નથી. સાંખ્યયોગીમાં વિવેકવિચારને પ્રધાનતા રહે છે. પ્રકૃતિના ગુણો જ (ઈન્દ્રિયો વગેરે) ગુણોમાં (વિષયોમાં) વર્તી રહ્યા છે, એવું માનીને પોતાને કર્તા નથી માનતો.

ત્રીજા અધ્યાયના આરંભથી ભગવાને કેટલાંક ઉદાહરણો તેમજ દૃષ્ટિકોણોથી તથા ફાયદાઓ ગણાવીને કર્મ કરવા ઉપર જ ભાર દીધો છે. એને આધારે તો આ અધ્યાયને કર્મયોગ કહેવાયો છે. જેમ કે જનક વગેરે. મહાપુરુષો પણ નિષ્કામ ભાવથી કર્મ કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. (૩/૨૦) હું પણ કર્મ કરું છું. (૩/૨૨) જ્ઞાની મહાપુરુષોએ પણ અજ્ઞાની પુરુષોની જેમ લોકસંગ્રાહાર્થે કર્મો કરવાં. (૩/૨૫-૨૬) આથી સિદ્ધ થાય છે કે ભગવાનની દૃષ્ટિએ પ્રત્યેક રીતે કર્મ કરવું એ જ વધારે શ્રેયસ્કર છે.

प्रकृतेर्गुणसम्मूढा: सज्जन्ते गुणकर्मसु।

तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत्‌।।२९।।

અર્થઃ પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસકત રહે છે; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે.

प्रकृतेर्गुण सम्मूढा: પ્રકૃતિના ત્રણે ગુણો મનુષ્યને બાંધવાવાળા છે. સત્ત્વગુણ સુખ અને જ્ઞાનની આસક્તિ વડે, રજોગુણ કર્મની આસક્તિવડે અને તમોગુણ પ્રમાદ, આળસ અને નિદ્રાવડે મનુષ્યને બાંધે છે. (૧૪/૬-૮) ઉપરના શબ્દોથી જે મનુષ્યો ગુણો વડે અત્યંત મોહિત થયેલા અર્થાત્‌બંધાયેલા છે તો પણ જેને શાસ્ત્રોમાં, શાસ્ત્રવિહિત શુભ કર્મોમાં તથા કર્મોના ફળોમાં શ્રદ્ધા, વિશ્વાસ છે, તેમને ઉપરના શબ્દોથી કહ્યા છે. આગળ જેને सक्ता:, अविद्वांस:, कर्मसङ्गिनाम्‌, अज्ञानाम्‌,, શબ્દોથી જેને કહ્યા છે તેને જઅહીં प्रकृतेर्गुण सम्मूढा: શબ્દથી કહ્યા છે.

तानकृत्स्नविदो मन्दान्‌ એવા અજ્ઞાની મનુષ્યો શુભ કર્મો તો કરે છે, પુરુષાર્થ તો કરે છે; પરંતુ એવી વસ્તુ, પદાર્થો, ભાવો કે સંબંધો માટે કરે છે કે જે વાસ્તવિક અને કાયમી નથી. જે નાશ પામી જવાના સ્વભાવવાળા છે. તેમાં તેઓ મમતા પણ બાંધે છે અને તેવા જ અપ્રાપ્ત પદાર્થોની કામના કરે છે. આવી રીતે મમતા અને કામનાને કારણે તેઓની વિવેકશક્તિ લુપ્ત થયેલી છે. તેથી તેઓને सम्मूढा:અનેअकृत्स्न विद:  શબ્દથી કહ્યા છે. તેથી જ તેઓ ગુણ (પદાર્થ) અને કર્મના તત્ત્વને પૂર્ણરૂપે જાણી નથી શકતા. અજ્ઞાની મનુષ્યો શાસ્ત્રવિહિત કર્મો અને તેની વિધિઓને તો સારી રીતે જાણે છે; પરંતુ તેનું બંધન ન થાય અથવા તો બંધનથી કેમ છૂટવું, તે નથી જાણતા. તેથી ગુણ અને કર્મના તત્ત્વને યોગ્ય રીતે નથી જાણતા. તેથી તેને अकृत्स्नविद: (પૂર્ણતયા ન જાણવાવાળા) કહેવામાં આવ્યા છે. વળી નાશવંત એવા સાંસારિક ભોગ અને સંગ્રહમાં રુચિ હોવાને કારણે તેમને मन्दान्‌ (મંદબુદ્ધિવાળા-મંદ વિવેક શક્તિવાળા) કહેવામાં આવ્યા છે.

कृत्स्नविन्न विचालयेत्‌ ગુણ અને કર્મના વિભાગને પૂર્ણતયા જાણનારા અર્થાત્‌તેના બંધનથી મુક્ત થવાના ઉપાયને જાણનારા અને કામના-મમતાથી રહિત જ્ઞાની પુરુષે તેઓને, સકામ ભાવથી પણ શુભ કર્મ કરનારા છે તેને શુભ કર્મોથી વિચલિત ન કરવા જોઈએ. શાસ્ત્રાનુસાર વર્તનથી વિચલિત ન કરવા જોઈએ. અર્થાત્‌તેઓ પોતાની વર્તમાન સ્થિતિથી નીચે તો ન જ જવા જોઈએ. એવો જ્ઞાની પુરુષોએ ખ્યાલ રાખવો જોઈએ.

ભગવાને તત્ત્વજ્ઞ પુરુષોને પચીસમા શ્લોકમાં ‘कुर्यात्’ પદથી પોતે કર્મ કરવાની તથા છવ્વીસમા શ્લોકમાં ‘जोषयेत्’ પદથી અજ્ઞાની પુરુષોને પણ તેવાં જ કર્મો કરાવવાની આજ્ઞા આપી હતી; પરંતુ અહીં ભગવાને ‘न विचालयेत्’ પદોથી તેવી આજ્ઞા ન દઈને થોડી છૂટ આપી કે કાંઈ ન કરશો તો પણ ચાલશે પણ આટલું તો જરૂર ધ્યાનમાં લેશો કે કોઈને સારા માર્ગથી નીચે ન પાડશો. ઓછામાં ઓછું પોતાની ક્રિયા, વચન કે સંકેત (મૌન ચેષ્ટાઓ) વડે અજ્ઞાની પુરુષો સારા માર્ગથી વિચલિત થાય એવું તો ન જ કરશો. જીવન મુક્ત મહાપુરુષો દ્વારા લોકસંગ્રહાર્થે આપોઆપ ક્રિયાઓ થતી રહે છે. ક્રિયા અને કર્મ આ બેઉમાં ભેદ છે. ક્રિયાની સાથે જ્યારે ‘હું કર્તા છું’ એવો અહંભાવ રહે છે. ત્યારે તે ક્રિયા ‘કર્મ’ બની જાય છે. જેને મોટા સંતોની ભાષામાં ‘ક્રિયારૂપ બની’ ગયા કહેવાઈએ.જ્યારે તે ‘કર્મ’ બને છે ત્યારે તેનું ઈષ્ટ, અનિષ્ટ અને મિશ્ર-ત્રણ પ્રકારનું ફળ મળે છે. (૧૮/૧૨) જેનું બંધન થાય છે; પરંતુ ક્રિયા કરવા છતાં કર્તાપણાનો અહં ઊઠતો નથી. ત્યાં તે ક્રિયા ‘કર્મ’ નથી બનતી અર્થાત્‌ફળદાયક અથવા બંધનકારક નથી બનતી. તત્ત્વજ્ઞ મહાપુરુષો દ્વારા એ પ્રકારની ક્રિયાઓ (ચેષ્ટાઓ) થયા કરે છે.

તત્ત્વજ્ઞ મહાપુરુષો કર્મયોગી હોય કે જ્ઞાનયોગી હોય પણ તેઓ સમસ્ત કર્મો કરતા હોવા છતાં તેને કર્મો અને પદાર્થો સાથે કોઈ સંબંધ રહેતો નથી. અજ્ઞાની મનુષ્યો સ્વર્ગાદિ પ્રાપ્તિ અથવા આ લોકની કોઈ સકામ ભાવનાથી શાસ્ત્રવિહિત શુભ કર્મો કર્યા કરે છે. તેને એ માર્ગથી નિષ્કામ ભાવમાં ન લાવી શકાય તો કાંઈ નહિ પણ તેમાંથી પણ નીચે પડી જાય એવું ન કરવું. તેને ‘न विचालयेत्’શબ્દથી બતાવ્યું છે. અર્થાત્‌તે મહાપુરુષ પોતાની ક્રિયા, વચન, માન્યતા કે મૌન સંકેત વડે એવી કોઈ વાત પ્રગટ ન કરે કે જેનાથી સકામ પુરુષોની શાસ્ત્રવિહિત શુભ કર્મોમાં અશ્રદ્ધા, અવિશ્વાસ કે અરુચિ થાય અને તેઓ તે સકામ શુભ કર્મોનો પણ ત્યાગ કરી દે. કેમ કે એવું કરવાથી તેઓનું પતન થાય છે. માટે એવા પુરુષોને સકામ ભાવથી વિચલિત કરવાના છે, શાસ્ત્રીય કર્મોથી નહિ. જન્મમરણરૂપી બંધનથી છૂટકારો અપાવવા માટે તેમને સકામ ભાવથી વિચલિત કરવાનું યોગ્ય પણ છે અને જરૂરી પણ છે.

मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा।

निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वर: ।।३०।।

અર્થઃ મુજ અન્તર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળાં કર્મોને મારામાં સમર્પીને જડતા વિનાનો થઈને તું યુદ્ધ કર.

मयि सर्वाणि कर्माणि… બહુધા સાધકો એવું વિચારતા હોય છે કે કર્મો કરવાથી બંધન થાય છે; પરંતુ ભગવાન એમ કહે છે કે કર્મો કર્યા વિના કોઈ પણ એક ક્ષણ પણ રહી શકતો નથી. માટે તેનું સમાધાન એ છે કે કર્મો એવી રીતે કરવાં જોઈએ કે જે બંધન કરનારાં ન થાય. ઊલટાના મુક્તિનાં સાધન બની જાય. તેને માટે ભગવાન અર્જુનને કહે છે કે તું અધ્યાત્મચિતવાળો (વિવેક વિચાર યુક્ત) થઈને તમામ કર્તવ્યકર્મો મને અર્પણ કરી દે. અર્થાત્‌મારા માટે કર. કારણ કે જગતનો માલિક હું છું. ઈન્દ્રિયો અંતઃકરણ મેં તને આપ્યા છે. સાધન સામગ્રી મેં આપેલ છે અને હું (ભગવાન) જ તારો સાચો સંબંધી છું. એવું વિચારીને જ્યારે તું કર્તવ્યકર્મો કરીશ ત્યારે તે કર્મો તને બાંધવાવાળાં નહિ બને પણ મુક્તિ આપનારાં બનશે. શરીર વગેરે પદાર્થોને ભૂલથી પોતાનાં માની લીધાં છે તે અવિવેક દૂર કરીને તેને પરમાત્માને માટે (તેની ભક્તિ કરવામાં) સત્સંગની સેવામાં, ભગવાનના ભક્તની સેવામાં અથવા બીજાના હિતમાં તેને પૂર્ણપણે ઉપયોગ કરવો તેને ‘अर्पण’ અર્થાત્‌ ‘मयिसन्यस्य’ કહેવાય. આથી અધ્યાત્મ વિવેકને મહત્ત્વ ન આપીને મૂર્ખતાવશ દેહાદિ સાથેનો સંબંધ માની લીધો છે તેનો ત્યાગ કરવો એ જ અર્પણ કરવાનો સીધો રસ્તો છે.

अध्यात्मचेतसा– શબ્દોથી ભગવાનનું એ તાત્પર્ય છે કે કોઈપણ માર્ગનો સાધક હોય (સાધકનું ગમે તે અંગ હોય) પણ તેનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક હોવો જોઈએ. આત્મકલ્યાણ હોવો જોઈએ. લૌકિક નહિ. વાસ્તવમાં ઉદ્દેશ્ય કે આવશ્યકતા સદૈવ નિત્યતત્ત્વ (આધ્યાત્મિક)ની જ હોય છે અને હોવી જોઈએ. કામના હંમેશાં અનિત્યતત્ત્વની જ (ઉત્પત્તિ વિનાશશીલ વસ્તુની) હોય છે. સાધકને ઉદ્દેશ્ય હોવો જોઈએ, કામના નહિ. (अध्यात्मनित्या विनिवृत्तकामा🙂 ઉદ્દેશ્યવાળું અંતઃકરણ હંમેશાં અધ્યાત્મથી સભર રહેશે. કામનાવાળું અંતઃકરણ હંમેશા સ્વાર્થથી ભરપૂર રહેશે.

શરીર વગેરે ભૌતિક પદાર્થો પોતાના અને પોતાને માટે છે જ નહિ; પરંતુ સદ્‌ઉપયોગ માટે મળ્યા છે. સમગ્ર જગતના માલિક પરમાત્મા છે પણ જીવ તે વસ્તુ ભૂલીને પરમાત્માની વસ્તુને પોતાની માની લે છે. તેથી બંધનમાં પડી જાય છે. તેથી વિવેક, વિચાર દ્વારા આ ભૂલને દૂર કરીને તમામ પદાર્થો અને ક્રિયાઓ પરમાત્મા(અધ્યાત્મ)ના હોવાનું સ્વીકારી લઈને આત્મકલ્યાણ માટે તેનો સદુપયોગ કરવો તેને જ અધ્યાત્મ ચિત્ત દ્વારા અર્પણ કર્યું ગણાય. આ શ્લોકમાં ‘अध्यात्मचेतसा’ પદ મુખ્યપણે આવ્યું છે. ‘मयि सर्वाणि कर्माणि सन्यस्याध्यात्मचेतसा’  પદો વડે સઘળાં કર્મોને ભગવાન અર્પણ કરવાની વાત કરે છે. મનુષ્યે કરણ (શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ), ઉપકરણ (કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી) અને ક્રિયાઓને ભૂલથી પોતાનાં ન માની લેવાં જોઈએ. તેથી એ કર્મો ‘गुणा गुणेषु वर्तन्ते’ એ દૃષ્ટિથી પ્રકૃતિને અર્પણ કરી દે અથવા અહીં બતાવ્યા મુજબ મને અર્પણ કરી દે. પોતાની મમતા ઊઠાવી લેવી જોઈએ. પછી તેને ભગવાન પાસે કાંઈ માગવાનું રહેતું નથી. કારણ કે જે જોઈએ તે ભગવાન આપે છે. અર્પણ કર્યા પછી શરીર વગેરે પદાર્થો પોતાના છે એવી પ્રતીતિ ન થવી જોઈએ. જો પોતાના પ્રતીત થતા હોય તો વાસ્તવમાં અર્પણ થયા જ નથી. જેમ કોઈ સામગ્રી આપણે બ્રાહ્મણને આપી દઈએ છીએ ત્યારે સંપૂર્ણપણે આપણી માલિકી તેમાંથી ઊઠાવી લઈએ છીએ. જેને આપીએ છીએ, તેની માલિકી સ્થાપીએ છીએ અને મનમાં કબૂલ પણ કરીએ છીએ; છતાં એ વસ્તુને ફરી વખત તેને વાપરતા આપણે દેખીએ છીએ, ત્યારે આપણા મનમાં સંકલ્પ થાય છે કે આ વસ્તુ મેં તેને આપી છે, ને તે વાપરે છે. એ સર્મપણ પણ કાચું ગણાય. કારણ કે સંપૂર્ણપણે પોતાની મમતા ઊઠી નથી.

ભગવાનને અર્પણની વાત એવી વિલક્ષણ છે કે કોઈ રીતે આકુળ-વ્યાકુળ થઈને પણ અર્પણ કરવામાં આવે તો પણ લાભ ને લાભ જ છે. કારણ કે કર્મ અને વસ્તુઓ પોતાની છે જ નહિ. તેમાં પદાર્થોને તો પ્રથમ અર્પણ કરવાના હોય છે. જ્યારે કર્મ કર્યા પછી અર્પણ કરી શકાય છે પણ વાસ્તવિક અર્પણ ત્યારે જ ગણી શકાય કે જ્યારે તે પદાર્થો અને કર્મો સાથે આપણો સંબંધ વિચ્છેદ થાય. સાધકથી બહુધા ભૂલ એ થાય છે કે આપણે ભક્ત હોઈએ તે સાધન સામગ્રી, માલમિલકત તો ભગવાને આપી છે અથવા ભગવાનનું છે. એમ માનીએ પણ ઈન્દ્રિયો-અંતઃકરણ અને ‘હું પોતે’ પણ ભગવાનના છીએ એવું જલ્દી અંતરમાં મનાતું નથી. તેથી અર્પણ રહી જાય છે.

કર્મો અને પદાર્થોનો સ્વરૂપથી ત્યાગ કરવો એ અર્પણ નથી. ભગવાનની વસ્તુને ભગવાનની માનવી અને એમ માન્યા પછી અંતરની પ્રામાણિકતાથી પોતાને માટે તેનો જરા પણ ઉપયોગ ન કરીને પૂર્ણપણે ભગવાનને અર્થે જ વાપરવી. ત્યારે અર્પણની પૂર્ણતા થશે. દ્રોપદીજી, ગજેન્દ્ર વગેરેને પરિસ્થિતિથી વિવશ થઈને આકુળ-વ્યાકુળ દશામાં પણ આવા નિર્ણયનો હૃદયમાં ઝાટકો લાગી ગયો હતો અને તેઓનું પૂર્ણપણે કામ થઈ ગયું હતું. જ્યાં સુધી પોતાને ભગવાનનો નથી માનતા ત્યાં સુધી સમર્પણ પણ ભગવાન સાથે પણ લીધા-દીધાનો વ્યવહાર અથવા વ્યાપાર બની રહે છે. આપણે જ્યાં સુધી વસ્તુઓ અને પોતાને ભગવાનથી અલગ પોતાનું માનીને ભગવાનને અર્પણ કરીએ છીએ તો પણ ભગવાન તેના બદલામાં અનેકગણું આપે છે. જેમ કે પૃથ્વીમાં જેટલાં બીજ વાવીએ તેનાથી હજારો ગણા પૃથ્વી આપણને પાછાં આપે છે; પરંતુ અનેકગણું મળવા છતાં સીમિત જ મળે છે. વસ્તુઓને અને પોતાને પણ ભગવાનના જ છે એમ માનીને ભગવાનને અર્પણ કરીએ. જેમ આપણે પણ ભગવાનને આપણી જાત અર્પણ કરીએ છીએ, પોતે અર્પર્ણ થઈ એ છીએ. એથી અધિક ભગવાનને આપવા જેવું કાંઈ આપણી પાસે રહેતું નથી. એવી જ રીતે ભગવાન પણ અનુભવે છે ‘ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् (૪/૧૧) ભગવાન એ ભક્તના ઋણી થઈ જાય છે. તાત્પર્ય એ છે કે વસ્તુને પોતાની માનીને અર્પણ કરવાથી અંતઃકરણમાં વસ્તુનું મહત્ત્વ અને મમત્વ હોવાથી એ વસ્તુનું મૂલ્ય આપણને વસ્તુમાં જ મળે છે અને પોતાનું ન માની ભગવાનનું માનીને અર્પણ કરવાથી ભગવાન મળે છે.

વાસ્તવિક અર્પણથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આનો અર્થ એ નથી કે અર્પણ કરવાથી ભગવાનને કોઈ સહાયતા મળે છે; પરંતુ અર્પણ કરનારો કર્મબંધનથી મુક્ત થઈ જાય છે અને જીવ માયાના બંધનથી છૂટે તેમાં જ ભગવાનની પ્રસન્નતા છે. જેવી રીતે આંગણામાં પડેલી તિજોરીની ચાવી નાનું બાળક પિતાજીને સોંપી દે તો પિતાજી પ્રસન્ન થઈ જાય છે. જો કે નાનો બાળક પણ પિતાજીનો છે આંગણું પણ પિતાજીનું છે અને ચાવી પણ પિતાજીની છે; પરંતુ પિતાજી બાળકનો ઉમદા સ્વભાવ જોઈને રાજી થઈ જાય છે ને પોતાની ગોદમાં ઉઠાવી લે છે. છાતીએ લગાડી દે છે. તેમ સઘળી વસ્તુઓ ભગવાનની જ છે તો પણ તેમના ઉપરથી પોતાપણું હઠાવીને ભગવાનને તેના માલિક અંતરથી સ્વીકારે છે.આવો ભાવ દેખીને ભગવાન વધારે પ્રસન્ન થઈ જાય છે.

વર્તમાનમાં જે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, યોગ્યતા, શક્તિ, ગુણ, આવડત, શરીર, ઈન્દ્રિયો વગેરે મળેલાં છે, તે પહેલાં આપણી પાસે ન હતાં અને સદા આપણી પાસે રહેવાના નથી. કેમ કે તે કદી એકરૂપ રહેતા નથી. પ્રતિક્ષણ બદલાયા કરે છે. ભગવાને આપેલ વિવેક દ્વારા આ બધાનો સદ્‌ઉપયોગ મનુષ્ય કરતો નથી. ઊલટો અવિવેક, રાગનો ઉપયોગ કરી તેને ભગવાન અને તેના ભક્તોને માટે નહિ વાપરીને પોતાને માટે જ વાપરે છે. તેથી તેમાં બંધાય છે. આ પદાર્થોને જીવનમાં ભગવાન કરતાં કે તેના સાચા ભક્તો કરતાં વધારે મહત્ત્વ દેવું એ ભૂલ છે, અવિવેક છે. તેઓની પ્રાપ્તિથી પોતાને કૃતાર્થ માની લેવું એ મોટું બંધન સજરે છે. આ લોકના નાશવાન પદાર્થોને વધારે મહત્ત્વ દેવાથી જ નવી નવી કામનાઓ અને મમતા સર્જાય છે. પ્રાપ્ત પદાર્થોની મમતા અને અપ્રાપ્ત પદાર્થોની કામનાઓ જ સઘળા પાપ, તાપ, દુઃખ, અનર્થો અને છેલ્લે નરકનું કારણ બને છે. મમતા કરવાથી પદાર્થો કાયમ ટકી રહેતા નથી અને કામના કરે તેટલા માત્રથી નવા પદાર્થો મળી જતા નથી. એ તો પ્રારબ્ધને આધારે પ્રાપ્ત થાય છે. કદાચ પ્રારબ્ધવશાત્‌મળી પણ ગયા તો પણ કાયમ ટકી રહેતા નથી. માટે કામના, મમતાનો ત્યાગ કરીને મનુષ્યે કર્તવ્યનું પાલન કરવું જોઈએ.

અહીં એવી કોઈ શંકા કરી શકે છે કે કામના, ઈચ્છાઓ ન હોય તો આ લોકમાં પ્રવૃત્તિ જ કોઈથી કેમ થઈ શકે? ફળની ઈચ્છા વિના કોઈને કાર્ય કરવામાં રસ રહેતો નથી? તો તેનું સમાધાન એ છે કે કામનાની પૂર્તિ અને કામનાની નિવૃત્તિ બન્નેને માટે કર્મોમાં પ્રવૃત્તિ થઈ શકે છે. વાસનાની પૂર્તિ અને વાસનાની નિવૃત્તિ એ બન્ને માટે પ્રવૃત્તિ થઈ શકે છે. સાધારણ મનુષ્યો પોતાની કામના કે વાસનાની પૂર્તિ માટે પ્રવૃત્તિમાં પ્રર્વતે છે અને સાધક આત્મશુદ્ધિ માટે, કામનાની નિવૃત્તિ માટે કર્મમાં (કર્મયોગમાં) પ્રવૃત્ત થાય છે. (योगिन: कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये)(૫/૧૧) ખરેખર શાસ્ત્ર દૃષ્ટિ તો કામનાની નિવૃત્તિને અર્થે જ પ્રવૃત્તિનો આદેશ અપાયેલો છે. કામનાની પૂર્તિ માટે નહિ.

મનુષ્ય શરીર ઉદ્દેશ્યની પૂર્તિ માટે જ મળ્યું છે. ઉદ્દેશ્યની પૂર્તિ થતાં કાંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. કામનાની પૂર્તિ માટે તે જ મનુષ્યો પ્રવૃત્તિ કરે છે, જેઓ વાસ્તવિક ઉદ્દેશ્ય (નિત્યતત્ત્વ એવા પરમાત્માની પ્રાપ્તિ)ને ભૂલેલા છે. એવા મનુષ્યોને कृपणा फलहेतव: (૨/૪૯) કૃપણ કહ્યા છે, દયાને પાત્ર કહ્યા છે. આનાથી ઊલટું જે ભગવાનને માટે કરે છે તેને સ્વામિનારાયણ ભગવાને (વચ.વર.૧૭)માં ભગવાનની કૃપાના પાત્ર કહ્યા છે. ગીતામાં પણ જે મનુષ્યો ઉદ્દેશ્યને (પવિત્ર ધ્યેયને) સામે રાખીને કામનાની નિવૃત્તિ માટે કર્મોમાં પ્રવૃત્ત થાય છે. તેઓને ભગવાને फलं त्वक्त्वा मनीषिण:। (૨/૫૧) મનીષી-બુદ્ધિવાળા કહ્યા છે. ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનના ભક્તની સેવા માટે અને પોતાની આત્મશુદ્ધિ માટે તથા બીજા જીવોના હિત માટે પ્રવૃત્તિ કરવી અથવા ઈચ્છાઓ કરવી તે કામના નથી. તે ઉદ્દેશ્ય કહેવાય છે. નાશવાન કોઈ પણ પદાર્થો કે માન, બડાઈ, કીર્તિ વગેરેનો આશય રાખીને જે કાંઈ પ્રવૃત્તિ કરવી તે કામનામાં ગણાય છે. આથી કામના વિના-કર્મોમાં પ્રવૃત્તિ નથી થતી, એવું માનવું એ ભૂલ છે. ઉદ્દેશ્યની પૂર્તિને માટે સુચારુરૂપે કર્મ થાય છે.

निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वर:

સમસ્ત કર્મો અને પદાર્થો (કર્મસામગ્રી) ને ભગવદ્‌અર્પણ કર્યા પછી પણ કામના, મમતા, અને સંતાપનો કંઈક અંશ રહી શકે છે. જેમ કે આપણે કોઈને પુસ્તક આપ્યું. (સમર્પિત કર્યું) પછી તેને પુસ્તક વાંચતો જોઈને આપણા મનમાં એવો ભાવ આવી જાય છે કે તે મારું પુસ્તક વાંચી રહ્યો છે. મેં આપેલ વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છે. મેં શીખવેલ સદ્‌ગુણનો ઉપયોગ માણી રહ્યો છે વગેરે. આ જ આંશિક મમતા છે. જે પદાર્થ અર્પણ કર્યા પછી પણ શેષ રહે છે. આ અંશનો પણ ત્યાગ કરવા માટે ભગવાનઅર્જુન નેनिराशी:, निर्मम અને विगतज्वर: ત્રણ શબ્દોથી કહે છે. બધું જ ભગવાનને અર્પણ કરવાની કસોટી એ છે કે કામના, મમતા અને સંતાપ કર્યાનો કોઈ પણ અંશ ન રહે. સાધકોને સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યા પછી પણ પૂર્વ સંસ્કારવશ કામના, મમતા અને સંતાપ રહે છે. તો પણ સાધકે નિરાશ નહિ થવું જોઈએ. કારણ કે જેનામાં કામના રહે છે અને તેનું તેને ભાન થાય છે, તે જ કામના રહિત થઈ શકે છે. મમતા, સંતાપ દેખાય છે ને તેનું તેમને ભાન થાય છે, તે જ ભવિષ્યમાં તેનાથી રહિત થઈ શકશે પણ જેને ભાન જ થતું નથી કે મારામાં તે દોષો અને ખામીઓ છે કે નથી? તે તેનો ત્યાગ કેવી રીતે કરી શકવાનો છે? જેને પોતાનામાં અહંકાર છે તેવું ભાન થાય છે તે જ તેનો ત્યાગ કરી શકે છે પણ જે પોતાને અહંકારશૂન્ય જ માને છે તે શું ત્યાગ કરશે?

અહીં શ્લોકમાં ज्वर શબ્દ મૂકયો છે. ભવિષ્યમાં પોતાની મમતા અખંડિત નહિ રહે તેમાં ખંડિતતા આવશે. ભવિષ્યમાં પોતાનો અહંકારનો ખંડિત થવાનો ભય લાગે છે અને તે અંગેની ઊંડી ચિંતા અથવા ખેદ થવો તેને અહીં જ્વર-સંતાપ કહ્યો છે. તેનો ત્યાગ કરીને સાવધાન થઈને કર્તવ્યકર્મ કરવા કહે છે युध्यस्व विगत ज्वर। આમાં ભગવાનનું તાત્પર્ય યુદ્ધ કરાવવા પાછળ ને લડાવવા પાછળ નથી પણ કર્તવ્યકર્મ કરાવવા સાથે છે અને જ્યારે કર્તવ્યકર્મ કરે છે, ત્યારે જ પોતાનામાં પડેલી મમતા, કામનાઓ કેટલી છે તેનો સાચો અંદાજ તપાસી શકાય છે. બધા જ ઉપકરણને સંકેલીને બેઠો હોય, ત્યારે તેમાં પડેલી નબળાઈઓનું દર્શન પોતાને અથવા બીજા કોઈને થતું નથી. તેથી તેમાં બધુ શાંત થઈ ગયું છે. એવું માની લેવાને કોઈ કારણ નથી. જ્યારે સાવધાનીથી પોતાનું કર્તવ્ય નિભાવતા તેમાં હરખ-શોક, રાગદ્વેષ આ બધા જ જ્વરો છે તેનો ત્યાગ કરવો એ ज्वर શબ્દનું તાત્પર્ય છે.

અહીં વિશેષ વાત એ છે કે સઘળાં શુભ કર્મો ભગવાનને અર્પણ કર્યા પછી પણ પોતાનામાં જે કામના, મમતા, સંતાપ પ્રતીત થાય છે તેમને પણ ભગવાન દૂર કરવા માટે કહે છે. યોગારૂઢ થવામાં કર્મ કરવું. (નિષ્કામ કર્મયોગ કે સેવાયોગ આચરવો) એને જ સાધન કહેવામાં આવ્યું છે. आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते। ૬/૩) કારણ કે કર્તવ્યકર્મ કરવાથી જ સાધકને ખબર પડે છે કે મારામાં કયાં ઊણપ (કામના, મમતા, રાગદ્વેષ અહંકાર વગેરે) છે. જેમ કે એક વ્યક્તિને કોઈ સેવા સમિતિ કે ભગવાનના સ્થાનમાં મન લગાડીને સેવા કાર્ય કરે છે પણ જ્યારે કોઈ તેનો આદર કરે છે અથવા તેને પુરસ્કાર આપે છે ત્યારે તેને તેમાં (સેવામાં) રસ રહે છે, નહિ તો રહેતો નથી. શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે આ જીવને માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. (વચ.ગ.મ.પ્ર.૪૧) આ વસ્તુની સાધકમાં ઊણપ થઈ અને એ ત્યારે જ ખબર પડે છે કે જ્યારે તે કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગનો આદર કરશે. તેથી જ તો બારમા અધ્યાયના બારમા શ્લોકમાં ધ્યાનની અપેક્ષાએ પણ કર્મફળ ત્યાગ (કર્મયોગ કે સેવાયોગ) શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે.

ध्यानात्‌कर्मफल त्याग: त्यागात्‌शान्तिरनन्तरम्‌।

અહીં ઘણું વિચારવા જેવું છે કે ધ્યાનથી પણ નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ શ્રેષ્ઠ કેમ થઈ શકે? તો તેનું સમાધાન એ છે કે ધ્યાન સાથે મનની ચંચળતાનો વિરોધ છે. જ્યારે નિષ્કામ સેવાયોગ સાથે મનમાં પડેલી કામના, વાસના, રાગ અભિમાન, મમતા વગેરે અનેક દોષોને વિરોધ આવે છે. કદાચ ધ્યાનાભ્યાસ કરતાં કરતાં ધ્યાનમાં મન સ્થિર રહેવા લાગ્યું એટલે કે તેની ચંચળતા ઓછી થઈ છે. તેથી એવું ન માની લઈ શકાય કે તેમાંથી કામના રાગ વગેરે દોષો પણ દૂર થઈ ગયા. તે તો જેમના તેમ રહે છે. ધ્યાનયોગ સિદ્ધ (નહિ કે કર્મયોગસિદ્ધ) યોગીઓમાં દોષોના વિઘ્નો દેખાયા છે. જનક જેવા મહારાજામાં નથી દેખાયા. જ્યારે નિષ્કામ કર્મયોગમાં પ્રવર્તે છે ત્યારે તેને મમતા, કામના, રાગ, અભિમાન છોડવા પડે છે. તો જ નિષ્કામ સેવાયોગ સિદ્ધ થાય છે અને એ દોષોની પ્રવૃત્તિ દૂર થતાં મનની ચંચળતા આપોઆપ દૂર થઈ જશે. આ દોષોને લઈને મનની ચંચળતા રહેલી છે, તે દૂર થતાં ધ્યાનયોગ પણ સિદ્ધ થતાં વાર નહિ લાગે જ્યારે ધ્યાનયોગ સિદ્ધ થતાં નિષ્કામ સેવાયોગ સિદ્ધ થઈ જશે. એવો ભરોસો સેવી શકાતો નથી. એટલા માટે જ ભગવાને મમતા આદિ દોષનો ત્યાગ કરીને युध्यस्व ‘તું તારું નિષ્કામભાવે કર્તવ્ંય કર્મ કર.’ એવો આદેશ આપ્યો છે. યુદ્ધ જેવા ઘોર કર્મને પણ ભગવાને નિષ્કામભાવે કરવા કહ્યું છે તો બીજા કર્મો કે ભગવાનના ભક્તની સેવા જેવા ઉત્તમ સેવાયોગ નિષ્કામભાવથી કેમ ન થઈ શકે ? જરૂરર થઈ શકે. કર્તવ્યકર્મનું નિષ્કામભાવે પાલન ત્યારે જ સંભવી શકે જ્યારે સાધકનો ઉદ્દેશ્ય સંસારનો ન રહે. એક માત્ર પરમાત્માને પામવાનો અને તેને પ્રસન્ન કરવાનો જ થઈ રહે. પરમાત્માને રાજી કરવાના હેતુથી સાધક જેમ જેમ કર્તવ્યપરાયણ થાય, જેમ જેમ નિષ્કામ સેવાયોગ આચરે છે, તેમ તેમ રાગ, દ્વેષ, કામના, મમતા વગેરે દોષો આપોઆપ દૂર થતા જાય છે. એવો એક નિયમ છે કે પોતાને માટે (વ્યક્તિગત દુન્યવી સ્વાર્થ માટે) કાંઈપણ મેળવવાની કે કરવાની ઈચ્છા ન રહેવાથી अहम्‌ (વ્યક્તિગત અહંકાર) આપોઆપ નષ્ટ થઈ જાય છે.

અર્જુન શ્રેય તો ઈચ્છે છે પણ પોતાના કર્તવ્ય કર્મથી પાછો હઠીને ઈચ્છે છે જ્યારે ભગવાનના મતથી નિષ્કામ ભાવે કર્તવ્યકર્મ કરવાથી તે કલ્યાણનું સાધન બની રહે છે. તેને અલગ કલ્યાણનો ઉપાય કરવાની જરૂર રહેતી નથી.

ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवा:।

श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभि:।।३१।।

અર્થઃ જે માણસો દોષદૃષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે.

ये मे मतमिदम्‌… કોઈ પણ વર્ણ, આશ્રમ, ધર્મ, સંપ્રદાય વગેરેનો કોઈપણ મનુષ્ય જો કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતો હોય તો તેણે આ સિદ્ધાંતને માનીને તેનું અનુસરણ કરવું જોઈએ. તેમાં બધાં શાસ્ત્રો પણ સંમત છે. સદ્‌. આચાર્યો પણ સંમત છે ને ભગવાનનો સિદ્ધાંત છે. શરીર ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ, કર્મ વગેરે કંઈ પણ પોતાનાં નથી. પરમાત્માના ભક્તની નિષ્કામભાવે સેવામાં અને પારકાના હિતમાં વાપરે તો અનાદિ કર્મબંધનથી જીવ છૂટી જાય છે. આવો ભગવાનનો સિદ્ધાંત છે. જેમ પરમાત્માના સિદ્ધાંતમાં વ્યક્તિને શ્રદ્ધા થવાથી જીવ મુક્ત થાય છે તેમ જ પરમાત્માના આ સિદ્ધાંતમાં નિઃસંદેહતા, દૃઢ વિશ્વાસ અને પૂજ્ય બુદ્ધિ આવે તો તેની પણ મુક્તિ થઈ જાય છે. એવી નિઃસદેહતા, વિશ્વાસ અને પૂજ્ય બુદ્ધિ જેને હોય તેને જ અહીં श्रद्धावन्त:કહ્યા છે. શરીર વગેરે જડ પદાર્થો પોતાના અને પોતાને માટે નથી. આ વાસ્તવિકતા પર શ્રદ્ધા થવાથી જડતાની સાથે માનેલા સંબંધનો ત્યાગ કરવો સુગમ થઈ જાય છે. શ્રદ્ધાવાન સાધકો જ સત્‌શાસ્ત્ર, સત્‌ચર્ચા અને સત્સંગની વાતો સાંભળે છે અને તેને આચરણમાં મૂકે છે. પરમાત્માને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઈચ્છા જ સાધકમાં શ્રદ્ધા, તત્પરતા વગેરે ગુણો લાવે છે.

ત્રીસમા શ્લોકમાં ભગવાને પોતાનો મત બતાવ્યો છે તે દોષદૃષ્ટિ ન કરવા માટે અહીં अनसूयन्त: કહ્યા છે. જે વ્યક્તિમાં શ્રદ્ધા હોય ત્યાં પણ આંશિક રીતે દોષદૃષ્ટિ રહી શકે છે માટે ભગવાને શ્રદ્ધાવાન ઉપરાંત अनसूयन्त: શબ્દ પણ મૂક્યો છે.

ભગવાનનો મત તો ઉત્તમ છે પણ ભગવાન થોડી આત્મશ્લાધા અને અભિમાનની વાત પણ કહી રહ્યા છે કે સર્વ કંઈ મને જ અર્પણ કરી દો. ‘એવું કહેવામાં તો સૌ કોઈને મજા આવે.’ કર્મો વડે ભગવત્‌પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? એ અશક્ય છે, કર્મો તો જડ અને બાંધવાળા હોય છે વગેરે ભાવના થવી તે મતમાં દોષદૃષ્ટિ કરી ગણાય. સાધકે ભગવાનમાં કે ભગવાનના મત બન્નેમાં દોષદૃષ્ટિ કરવી ન જોઈએ. એમના મતમાં પૂરો વિશ્વાસ નથી એનો અર્થ એ થયો કે ભગવાન ખુદમાં પણ આપણને પૂરો વિશ્વાસ નથી. શ્રીજી મહારાજના સિદ્ધાંતો, માન્યતા આપણને પૂરી ગળે ઊતરતી ન હોય. એનો અર્થ એ થાય કે, ખુદ મહારાજમાં આપણને શ્રદ્ધા-વિશ્વાસ કે નિશ્ચય નથી અથવા અધુરાઈ છે. વાસ્તવમાં સર્વ કાંઈ ભગવાનનું છે,ભગવાનનું આપેલું છે પણ આપણને કોઈક પદાર્થ, વ્યકિત, સ્થાનમાં રાગ બંધાઈ ગયો હોય અને તેને ભગવાનનું માનવાની વાત આવે ત્યાં આવા ભાવો ઉપજવાની સંભાવના રહે છે. માટે સાધકે પોતાનાં મર્મ સ્થાન ઓળખી સાવધાન રહેવાની જરૂર હોય છે. ભગવાનદત્ત વસ્તુઓને મનુષ્ય પોતાની માની તેમાં રાગ, મમતા અને કામના કરી દુઃખ પામતો રહે છે. તેમાંથી પોતાપણાનો ત્યાગ કરાવીને-સદાને માટે સુખી બનાવવા માટે ભગવાન સહજ કરુણાથી સર્વ કાંઈ પોતાને અર્પણ કરવાનું કહે છે. તેથી ભગવાનની વાતમાં દોષદૃષ્ટિ કરવી અનુચિત છે. ખરેખર તો આપણું સમર્પણ ગ્રહણ કરવું તે ભગવાનની પરમ કરુણા, સૌહાર્દ અને વાત્સલ્ય જ છે. પોતે તો પૂર્ણ કામ છે. અપૂર્ણતા કે આવશ્યકતા ન હોવા છતાં સમસ્ત કર્મો પોતાને અર્પણ કરવા કહે છે. એમ કહીને ભગવાન પોતાની જવાબદારી ઊલટી વધારી દે છે પણ પોતે વાત્સલ્યધામ હોવાથી તેનું પોતાને કષ્ટ નથી.

ભગવાનનો મત એ જ લોકમાં સર્વોપરી સિદ્ધાંત કહે છે. ભગવાને પોતાની સહજ સરળતા અને નિરાભિમાનતાથી સિદ્ધાંતને મત કહ્યો છે. આ મત કે સિદ્ધાંત ત્રિકાળમાં ફરવાવાળો નથી, એક જ રહે છે. એમાં કોઈ પરિવર્તન નથી થતું. ઝાઝા માણસો માને-સન્માને તો તે વધુ મહાન બની જતો નથી અને કોઈ શ્રદ્ધા ન કરે તો તે મહત્ત્વહીન બની જતો નથી. તે તો જે છે તેવો ને તેવો મહાન સદાકાળ બની રહે છે.અહીં એક પ્રશ્ન થાય છે કે આવો મહાન ભગવાનનો મત છે તો એ ભગવાનનો મત (સિદ્ધાંત) શો છે? તેનું સદા અનુસરણ કેવી રીતે કરી શકાય? તો તેનો ઉત્તર એ છે કે પોતાના કર્તવ્ય દ્વારા નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ કરવો એ ભગવાનનો સિદ્ધાંત છે. અર્થાત્‌જીવના કલ્યાણ થવા માટે સૌથી ઉત્તમ સાધન છે.

શરીર, ઈન્દ્રિયો, મન,બુદ્ધિ, પ્રાણ, સંપત્તિ, પદાર્થ વગેરે સર્વ પોતાનાં નથી. પરમાત્માએ આપ્યાં છે. बुद्धिन्द्रिय मन: प्राणान्‌… તેઓના સાચા માલિક આપણે નથી; પરંતુ તેના ઉપયોગનો અધિકાર ભગવાને આપણને આપ્યો છે. તે સિવાય સદ્‌ગુણ, સદાચાર, ત્યાગ, વૈરાગ્ય વગેરે ઉચ્ચ કોટિના સદ્‌ગુણોના માલિક આપણે નથી. જો આપણે તેના માલિક હોત તો આપણી સંમતિ વિના બીજા કોઈને તેની પ્રાપ્તિ ન થાત અને આપણે થવા પણ ન દેત ! એના સાચા માલિક તો ભગવાન છે. માટે આપણા કરતાં પણ વધારે અને સારા તે ગુણો બીજાને પણ મળી જાય છે અને આપણને ઘણું દુઃખ થાય છે. માટે આપણે તેના સાચા માલિક નથી; છતાં ભગવાને દયા કરીને તેનો સદુપયોગ કરવા કયારેક આપણને આપ્યા હોય છે. માટે તેને પોતાના વ્યકિતગત સ્વાર્થમાં નહિ વાપરીને ભગવાનના ભકતની સેવામાં, સત્સંગની સેવામાં કે પરહિતમાં વાપરવા ને પોતાનું કર્તવ્ય બજાવવું. આવો ભગવાનનો કલ્યાણ પ્રાપ્તિ માટેનો સિદ્ધાંત છે.

ભગવાને આપેલ સંપત્તિને પોતાની માલિકીની માનવાથી અભિમાન જ આવે છે અને તે આસુરી સંપત્તિનું મૂળ છે. જે વસ્તુ પોતાની નથી તેને પોતાની માનવાથી અને તેની પ્રાપ્તિને માટે કર્મ કરવાથી તો બંધન જ થાય. શરીર વગેરે ‘પોતાના’ કે ‘પોતાને માટે’ હોત તો તેના મળવાથી આપણને પૂર્ણતાનો અનુભવ થાત. તૃપ્તિ કે સંતોષ થઈ જાત પણ તેવું તો થતું નથી. સાંસારિક પદાર્થ તો એવા છે કે, તેની કદી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. તે શ્રીજી મહારાજે કહ્યું છે કે ‘જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે કયારેય ભરાય નહિ. તેમ ઈન્દ્રિયો છે તેને કયારેય વિષય થકી તૃપ્ત થઈ નથી ને થશે પણ નહિ.’ (વચ.ગ.મ.૪૭) જે વાસ્તવમાં પોતાની વસ્તુ હોય અને તે મળી જાય તો તુરત તૃપ્તિ થઈ જાય છે. ભગવાન પોતાની વસ્તુ છે. કારણ કે તેની પ્રાપ્તિ થતાં તુરત પૂર્ણતાનો અને તૃપ્તિનો અનુભવ થાય છે પછી તેને બીજી કોઇ વસ્તુ મેળવવાની ઇચ્છા રહેતી નથી. જેમ કે સંસારમાં સર્વ પુત્રવતી સ્ત્રીઓ માતાઓ જ છે; પરંતુ બાળક આગળ એ બધી માતાઓ લાવીને ઊભી રાખીએ તો પણ તેનું મન માનતું નથી અને સંતોષ થતો નથી. ખરેખર બાળકને પોતાની માતા એમાંથી મળી જાય એટલે બસ સંતોષ થાય છે. પછી તે શોધખોળ બંધ કરી દે છે. તેમ જ્યાં સુધી કાંઈ મેળવવાની ઈચ્છા રહ્યા કરે છે ત્યાં સુધી પોતાની વસ્તુ મળી નથી એમ માનવું. પોતાની વસ્તુ પરમાત્મા છે, કાંઈક અંશે પરમાત્માના સાચા સંત છે. તે મળતાં જીવને કંઈક મળ્યાનો અહેસાસ થાય છે, પૂર્ણતાનો સંતોષ થાય છે.

ભગવાને આપણને શરીર, સંપત્તિ, સદ્‌ગુણ જે કાંઈ આપ્યું છે, તે સદુપયોગ કરવા માટે આપ્યું છે. તેના ઉપર અધિકાર જમાવવા માટે નથી આપ્યું. તેથી આપણને તેનો સદુપયોગ કરવાનો જ અધિકાર છે. પોતાના માનવાનો કે પોતાના બનાવી લેવાની ચેષ્ટા કરવાનો અધિકાર નથી. ભગવાને એટલી બધી ઉદારતાથી એ વસ્તુઓ આપી છે અને એવી રીતે આપી છે કે માણસને વસ્તુઓ પોતાની જ દેખાવા લાગે છે. છતાં પણ પોતાની માની લેવી એ જીવની મૂર્ખતા છે. જે ભગવાનની ઉદારતાનો ગેરલાભ ઉઠાવવાની ચેષ્ટા કરી કહેવાય. અત્યાર સુધી એવું થઈ ગયું છે. હવે પણ જો હૃદયપૂર્વક ભગવાનને સમર્પિત કરી દે તો ભૂલ સુધરી જાય ને આત્મકલ્યાણને પામે છે.

સાધકે ન તો કોઈ વસ્તુ પોતાની માનવાની છે અને ન કોઈ કર્મ પોતાના સાંસારિક સ્વાર્થ માટે કરવાનું છે. પોતાના વ્યક્તિગત સાંસારિક સ્વાર્થ માટે કરેલાં કર્મો બાંધવાવાળાં થાય છે. यज्ञार्थात्‌कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धन: (૩/૯) અર્થાત્‌યજ્ઞ (પરમાત્માની પ્રસન્નતા માટે કરાયેલું અથવા ભગવાનના સાચા ભક્તોને માટે કરાયેલાં અથવા પરહિતને માટે કરાયેલા કર્મ) સિવાયના અન્ય (પોતાના લૌકિક સ્વાર્થ માટે કરાયેલું) કર્મો મનુષ્યને બંધન કરવાવાળાં થાય છે. યજ્ઞને માટે કર્મ કરવાવાળા સાધકના સઘળાં કર્મો અર્થાત્‌સંચિત કર્મો પણ વિલીન થઈ જાય છે यज्ञायाचरत: कर्म समग्रं प्रविभीयते ।। (૪/૨૩) ઉપરોક્ત યજ્ઞ વિષયમાં કરાયેલાં કર્મો સંચિત કર્મોને પણ નાશ કરી નાખે છે. તે યજ્ઞરૂપ કર્મો એટલે નિષ્કામ સેવાયોગ કે નિષ્કામ કર્મયોગ છે. સાધકે પરમાત્માના સાચા સેવક બનવાનું છે. સેવક પોતાના સ્વામીના સઘળાં કાર્યો કરવા છતાં પણ પોતાને કદાપિ સ્વામી નથી માનતો. જે પોતાની વસ્તુઓ વગેરેનો સ્વામી માને છે તેને તે જ વસ્તુઓનું ચિંતન થાય છે. જ્યારે સેવક સ્વામીની બધી જ વસ્તુઓનું જતન કરે છે તથા તેની સેવાને અર્થે સતત કર્મો કરે છે તો પણ તેને તે વસ્તુ કે ક્રિયાનું ચિંતન થતું નથી. તેને તો એક માત્ર સ્વામીનું જ, માલિકનું જ ચિંતવન થાય છે. જો તે સાચે જ પોતાને સેવક અને મહારાજને માલિક માનતો હોય તો. માટે પોતાને પરમાત્માના સેવક માનીને પ્રાપ્ત થયેલ કર્તવ્યનું પાલન કરવું ને મહારાજને યાદ કરવા એ ભગવાનનો મત છે. જે સાધકે કરવાનું છે.

मुच्यन्ते तेऽपि कर्मभि:। ભગવાન અર્જુનને જાણે એમ કહી રહ્યા છે કે હું તને તો સર્વસ્વ અર્પણ કરી કર્તવ્યકર્મનું પાલન કરવાની સ્પષ્ટ આજ્ઞા દઈ રહ્યો છું. આથી તારે બંધનથી મુક્ત થવામાં તો કોઈ સંદેહ નથી; પરંતુ જેને મેં આ પ્રકારે સ્પષ્ટ આજ્ઞા દીધી નથી, તેઓ પણ જો આ મતને અનુસરીને ચાલશે તો તેઓ પણ મુક્ત થઈ જશે. मुच्यन्ते કારણ કે મને માને અથવા ન માને પણ આ મતનું પાલન કરશે તો આ મત જ સ્વયં એવો છે તે તેની મુક્તિ કરાવી દેશે.

ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम्‌।

सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतस:।।३२।।

અર્થઃ પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટબુધ્ધી થયેલા જ સમજ.

ये त्वेतदभ्य सूयन्त: હવે એ સિદ્ધાંત પ્રમાણે નહિ ચાલનારાઓનું વર્ણન કરે છે તે અર્થમાં ‘તુ’ શબ્દ વાપર્યો છે. સંસારમાં બધા જ સ્વાર્થી માણસો ભગવાને જેમ કહ્યું તેમ જ કહે છે કે અમને જ બધા પદાર્થો મળો. જે કાંઈ પણ અમને જ લાભ થાઓ. એવી જ રીતે ભગવાન પણ કહે છે. માટે ભગવાનમાં ને સંસારી લોકોમાં શો તફાવત રહ્યો? આમ માનવું એ ભગવાન પર દોષરોપણ કર્યું ગણાય अभ्यसूया કરી કહેવાય.

કામના વિના સંસાર ચાલે ખરો? મમતાનો ત્યાગ તો ભગવાન પણ નથી કરી શકતા તો બીજા કેમ કરી શકે? રાગદ્વેષ રહિત થવાનું લખ્યું છે પણ તે થવું અશકય છે, એમ માનવું એ ભગવાનના મતથી વિરુદ્ધ છે. માટે તેણે મારા પર દોષારોપણ કર્યું કહેવાય. ભોગ અને સંગ્રહની ઈચ્છાવાળા જે મનુષ્યો શરીર વગેરે પદાર્થોને પોતાના જ અને પોતાને માટે જ માને છે અને સઘળાં કર્મો પોતાના સાંસારિક સ્વાર્થ માટે જ કરે છે. તેઓ ભગવાનના મત અનુસાર ચાલ્યા ન ગણાય.

सर्वज्ञानविमूढान्‌तान्‌ જે લોકો ભગવાનના મતનું અનુસરણ નથી કરતા તેઓ सर्वेेषु ज्ञानेषु विमूढान्‌-સર્વ પ્રકારના સાંસારિક જ્ઞાનોમાં એટલે કે વિદ્યાઓ, કલાઓ વગેરેમાં મોહિત થયેલા છે. તેઓ મોટર, પ્લેન, રેડિયો, ટેલીવિઝન, કમ્પ્યુટર વગેરે જ્ઞાન અને શોધખોળોમાં મોહિત થઈને ભરાઈ પડયા છે, રચ્યા પચ્યા રહે છે. જાણકારી પ્રાપ્ત કરવાને જ સર્વસ્વ માની રહ્યા છે. જે કાંઈ છે તે આ જ છે, એવો તેમનો નિશ્ચય હોય છે. (ગી. ૧૬/૧૧) એવા લોકોને અહીં સઘળા જ્ઞાનોમાં મોહિત કહેવામાં આવ્યા છે.

अचेतस:। ભગવાનના મતનું અનુસરણ ન કરવાવાળા મનુષ્યોમાં સાર-અસાર બંધન મોક્ષ વગેરેનું વિવેકજ્ઞાન નથી હોતું, આ ચેતનાનું મુખ્ય કાર્ય છે તેથી તેને अचेतस: ચેતના રહિત કહ્યા છે, ચિત રહિત કહ્યા છે. विद्धि नष्टान्‌ તેને નષ્ટ થયેલા જાણો. ભગવાનના મતનું અનુસરણ નહિ કરનારો મનુષ્ય સઘળાં કર્મો પોતાના વ્યક્તિગત રાગ અથવા દ્વેષપૂર્વક કરે છે અને તેવા કર્મોનું ફળ અધોગતિ અને બંધન છે. માટે તેઓ પોતાનું આત્મકલ્યાણ પ્રાપ્ત નથી કરી શકતા. જેથી તેઓને નાશ પામેલા જાણવાનું કહ્યું છે.

અહીં ભગવાન કહે છે કે મારા સિદ્ધાંત પ્રમાણે જે મનુષ્યો ચાલે તે મુક્ત થઈ જાય છે અને જેઓ નથી ચાલતા તેનું પતન થાય છે.આથી ભગવાનનું એવું નિર્મળ તાત્પર્ય છે કે જીવ એને માને કે ન માને, તેમાં ભગવાનનો કોઈ આગ્રહ નથી; પરંતુ જીવના આત્મકલ્યાણને માટે ભગવાનના મતનું અવશ્ય પાલન કરવું જોઈએ. એવો ભગવાનનો આગ્રહ છે. જો તેવું નહિ કરે તો અવશ્ય તેનું પતન થાય છે. હા, જો સાધક ભગવાનને માનીને તેના મતનું અનુસરણ કરે તો ભગવાન પોતાની જાતને પણ તે ભક્તને આધીન કરી દે છે, આપી દે છે. જો એવું ન કરી શકે અને ગુણકારી જાણી ફક્ત ભગવાનના મતનું અનુષ્ઠાન કરે તો પણ ભગવાન તેનો ઉદ્ધાર તો કરી જ દે છે. આમ ભગવાનને માનવાવાળાને પ્રેમની (ભક્તિની) પ્રાપ્તિ થાય છે અને તેમના મતને માનવાવાળાને મુક્તિની પ્રાપ્તિ થાય છે.

सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि।

प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति।।३३।।

અર્થઃ સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે; જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે; એમાં કોઈનો નિગ્રહ ચાલતો નથી.

प्रकृतिं यान्ति भूतानि- જેટલા પણ કર્મ કરવામાં આવે છે તે સ્વભાવ અને સિદ્ધાંતને સામે રાખીને કરવામાં આવે છે. સિદ્ધાંત એને કહેવાય કે જે શાસ્ત્ર અને ભગવાનને સંમત હોય. જેમાં જીવનો જરૂર અભ્યુદય સમાયેલો હોય અને શુભ માન્યતાના રૂપમાં હોય તો જ તેને સિદ્ધાંત કહેવાય પણ તેનાથી વિરુદ્ધ હોય તો તે સિદ્ધાંત ન કહેવાય. તો પછી તેને સ્વભાવ કહેવાય. સ્વભાવમાં પણ બે વિભાગ રહ્યા છે. એક તો રાગદ્વેષ રહિત અને બીજો રાગદ્વેષ યુક્ત. જેમ રસ્તામાં ચાલતાં કોઈ પાટિયું આવ્યું. તેને વાંચી લીધું. તો એ વાચવું કોઈ રાગદ્વેષથી પ્રેરાઈને નથી થયું .તેમ કોઈ સિદ્ધાંતથી પણ નથી થયું; પરંતુ રાગદ્વેષ રહિત સ્વભાવથી થયું છે. કોઈ મિત્રનો પત્ર રાગથી કે શત્રુના સમાચાર દ્વેષથી વાંચીએ ત્યારે આ રાગદ્વેષયુક્ત સ્વભાવથી વાંચવાનું થયું કહેવાય. જ્યારે ગીતા, રામાયણ, વચનામૃત વગેરે સદ્‌શાસ્ત્રોનું વાંચન કરીએ ત્યારે સિદ્ધાંતથી વાંચન થયું કહેવાય પણ તે સ્વભાવગત ન કહેવાય. મનુષ્યજન્મ પરમ પ્રાપ્તિને માટે છે. માટે પરમ પ્રાપ્તિના ઉદ્દેશ્યથી કોઈ પણ કર્મ કરવું, એ પણ સિદ્ધાંત અનુસાર કર્મ થયું ગણાય પણ તે સ્વભાવથી થયું તેમ ન કહેવાય. આ રીતે દેખવું, સાંભળવું વગેરે પાંચેય ઈન્દ્રિયોની ક્રિયાઓ સ્વભાવ અને સિદ્ધાંત બન્ને રીતે થાય છે. સિદ્ધાંતથી અનુસરીને ન કરે તો સ્વભાવથી તો થવાની જ છે. સ્વભાવથી થાય છે તેની જગ્યાએ સિદ્ધાંત સામે રાખી કરવા લાગે તો તે એક મોક્ષમાર્ગનું સાધન બની જાય. તેમાં પણ રાગદ્વેષ રહિત સ્વભાવ પ્રેરિત ક્રિયા હોય તો એવો સ્વભાવ દ્વેષવાળો તો ન ગણાય પણ ખામી આપનાર તો જરૂર ગણાય. કારણ કે વ્યર્થ ચેષ્ટારૂપે રહે છે. તેનાથી કોઈ મોક્ષમાર્ગને મદદરૂપ ભાગ તો થતો નથી અને રાગદ્વેષવાળી ક્રિયાઓ તો ઘણી જ દોષરૂપ છે. તે જ જીવને બાંધે છે. તેનાથી જીવનો સ્વભાવ અશુદ્ધ અને દૂષિત થાય છે. જ્યારે સિદ્ધાંત પ્રેરિત ક્રિયાઓથી સ્વભાવ શુદ્ધ થાય છે અને તે જીવનો ઉદ્ધાર કરવાવાળી બને છે. સ્વભાવ શુદ્ધ થવાથી સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ કરવો સુગમ બને છે.

પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છાવાળા સાધકની ક્રિયાઓ સિદ્ધાંતના અનુસાર થાય છે. જેમ લોભી પુરુષ સદા સાવધાન રહે છે કે કયાંય ખોટ ન આવી જાય ! પૈસો બીજે કયાંય ચાલ્યો ન જાય ! તેમ સાધક નિરંતર સાવધાન રહે છે કે કયાંય કોઈ ક્રિયામાં રાગદ્વેષ ન આવી જાય. એમ કરવાથી સાધકનો સ્વભાવ તુરત શુદ્ધ થઈ જાય છે. તેથી તેને કર્મબંધનથી મુક્તિ થાય છે.

જો કે ક્રિયામાત્ર સ્વાભાવિક રીતે જ પ્રકૃતિના તત્ત્વોથી થતી રહે છે તો પણ અજ્ઞાની લોકો ક્રિયાની પહેલાં પોતાનો રાગદ્વેષ કે પૂર્વગ્રહ આગળ ધરીને ક્રિયામાં પ્રર્વતે છે ને પોતાને દૃઢતાપૂર્વક તેનો કર્તા માને છે (ગી. ૩/૨૭) પદાર્થો અને ક્રિયાઓ સાથે પોતાનો સંબંધ માનવાને કારણે જ તેના રાગદ્વેષ-મમતા વગેરે થાય છે. તેથી બંધન ઊભું થાય છે.

સ્વભાવમાં મુખ્ય અશુદ્ધિ અથવા દોષ રાગદ્વેષ જ છે. જ્યાં સુધી સ્વભાવમાં રાગદ્વેષ રહે છે ત્યાં સુધી અશુદ્ધ જ કર્મ થાય છે. આથી રાગ જ બંધનનું કારણ છે. રાગ अहम्‌ ને આધારે રહે છે. આ अहम्‌ બે પ્રકારનો છે. એક अहम्‌ પ્રત્યય જે ચૈતન્યમાંથી ઊઠે છે અને ચૈતન્યના ધર્મરૂપ છે. તેનો નાશ શક્ય નથી. તે દોષરૂપ પણ નથી. બીજો અહં જે જીવે મોહથી શરીર વગેરે જડ પદાર્થો, જે પોતે નથી અને તેમાં માન્યો છે. જેને અહંકાર કહેવાય છે. તે બધાને અલગ અલગ સ્વરૂપ હોય છે અને તે જ રાગનું કારણ છે અને રાગનો આધાર છે. તેને કારણે જ બંધનની પરંપરા ચાલે છે.सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि જો કે અંતઃકરણમાં રાગદ્વેષ ન હોવાથી જ્ઞાની મહાપુરુષની પ્રકૃતિ નિદરેષ હોય છે. તે સાંસારિક પ્રકૃતિને વશ નથી થતા તો પણ ચેષ્ટા તો પોતાની પ્રકૃતિ (સ્વભાવ) અનુસાર જ કરે છે. જેમ કોઈ જ્ઞાની મહાત્મા અંગ્રેજી ન જાણતા હોય અને તેને અંગ્રેજી ભાષા બોલવાનું કહેવામાં આવે તો પણ તે બોલી શકશે નહિ. પછી ભલે ને તે પ્રકૃતિના બંધનથી મુક્ત સ્થિતિને પામ્યો હોય પણ ભાષા તો તે જ બોલશે, જે સાધન કાળમાં આવડતી હતી; પરંતુ તેના સ્વભાવ પ્રકૃતિમાં પરવશતા નથી હોતી.

ભગવાનનું અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાની પુરુષો પણ અનાદિકાળથી આગળની વાસનાના પ્રભાવમાં આવીને પ્રાકૃતિક વિષયોની જ ચેષ્ટા કરશે. શા કારણથી ? તો પ્રકૃતિમાં ચોટેલો જીવ અનાદિ કાળથી વળગેલી વાસનાથી બહાર જઈ શકતો નથી. અહીં ज्ञानवान શબ્દથી ખાલી લૌકિક જ્ઞાનવાળો કહેવાનું તાત્પર્ય નથી. કારણ કે લૌકિક જ્ઞાનીને તો પ્રકૃતિનો વિરોધ કરવાને અવકાશ જ નથી. માટે તેનો પ્રસંગ અહીં નથી. જે પુરુષોએ આત્મસાક્ષાત્કાર કરી લીધો છે, એવા પુરુષોનો પણ અહીં તાત્પર્ય નથી. કારણ કે એ અવસ્થામાં એ પ્રકૃતિને અનુવર્તીને રહેતા નથી પણ પ્રકૃતિને વશ કરીને વર્તે છે.તો જ્ઞાનવાનનું તાત્પર્ય શું છે? તો અહીં જ્ઞાનીનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રજનિત આત્મજ્ઞાન. જેને આધારે સાધક કર્મયોગનો ત્યાગ કરીને જ્ઞાનયોગની યોગ્યતા પોતામાં માને છે. જેનું અવલંબન કરીને પોતે જ્ઞાનયોગમાં પ્રવર્તવા ઉત્સાહિત થાય છે. જેમ કે અર્જુન અહીં જે અવસ્થામાં જ્ઞાનયોગમાં સન્યાસ લેવા ઉત્સાહિત થઈ રહ્યા છે. અને એ પ્રકારના જ્ઞાનવાનની અહીં ભગવાન વાત કરે છે. કારણ કે ચેતનની પ્રકૃતિરૂપ ચેષ્ટામાં અસાધારણ કારણ તો ચેતનમાં પડેલા રાગદ્વેષ જ છે. તેનું મૂળ પડેલી પ્રાચીન વાસના છે. તેથી અહીં પ્રકૃતિ શબ્દથી સ્વભાવના પદને પામેલી અનાદિકાળની વાસનાને કહી છે. તે પણ એટલા માટે કે જ્ઞાનયોગમાં ઉત્સાહિત થયેલા સાધકને અનાદિ કાળની જીવ સાથે ચોટેલી વાસનાનો સાક્ષાત્કાર છે. અપરોક્ષ સાક્ષાત્‌જ્ઞાનાનુભૂતિ છે. જ્યારે શાસ્ત્રથી જાણેલ જ્ઞાનયોગનો મહિમા પરોક્ષપણે છે. તેણે હજુ કયારેય તે તત્ત્વોનો અપરોક્ષપણે સાક્ષાત્‌અનુભવ કર્યો નથી, ખાલી સાંભળ્યો છે. તેથી આત્માનુભવ તાકાતવાન હોવા છતાં પરોક્ષાનુભાવ હોવાથી વિષયના સાક્ષાત્‌અનુભવને તત્કાળ પરાભૂત કરી શકતો નથી. એવો અભિપ્રાય ભગવાનનો છે. જેવી રીતે નદીના પ્રવાહને આપણે રોકી શકતા નથી પણ નહેરો બનાવી વાળી શકીએ છીએ. તેમ અનાદિકાળથી વિષયમાં પ્રવર્તેલાં ઈન્દ્રિય, અંતઃકરણનો તત્કાળ નિરોધ કરવો ઘણો કઠિન હોવાથી તેને માટે નિષ્કામ કર્મયોગ યાતો નિષ્કામ સેવાયોગ અનુરૂપ બને છે. તેમાં પ્રવર્તીને વાસના નાશ કરવા ભક્તિ, ઉપાસના કર્યા કરે તો ‘कालेनात्मनि विन्दते’ કાળે કરી અંતઃકરણ શુદ્ધ થતાં અને ભગવાનની પ્રસન્નતા થતાં તેને આત્માનો સાક્ષાત્‌અનુભવ થાય છે અને પોતાના જીવમાં પરમાત્માનો પણ અનુભવ થાય છે. પછી તે વાસનાનો નિગ્રહ કરવા શક્તિમાન બને છે.

પ્રકૃતિને વશ ન થવા માટે આ શ્લોકમાં એક નવી વસ્તુ ભગવાને બતાવી છે કે સાધકે કોઈ આદર્શ પોતાના માનસ સામે રાખીને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. તે આદર્શમાં બે વસ્તુ આવે છે. એક તો ભગવાનનો મત. (સિદ્ધાંત) જે નિષ્કામભાવે ભક્તોની સેવા અથવા નિષ્કામ કર્મયોગ. જ્યારે (બીજું) શ્રેષ્ઠ મહાપુરુષોનું આચરણ પોતાની સામે રાખીને તે ઉદ્દેશ્યથી જીવન જીવે તો મોટેભાગે પ્રકૃતિની સામે લડાઈ લઈ શકે તથા પ્રકૃતિને દબાવી શકે. આથી ઊલટું આદર્શ પોતાની દૃષ્ટિ સામે જ્યારે ન હોય ત્યારે મનુષ્યથી રાગદ્વેષ પૂર્વક જ કર્મો થાય છે અને રાગદ્વેષ પુષ્ટ થાય છે. જેથી તેનું પતન થાય છે.

इन्द्रियस्येन्द्रिस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ।

तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ।।३४।।

અર્થઃ ઈન્દ્રિયોમાં-ઈન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઈન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે; માણસે એ બન્નેને વશ ન થવું; કેમ કે તે બન્નેય એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે.

इन्द्रियस्येन्द्रियस्यार्थे… દરેક ઈન્દ્રિયના પોતપોતાના વિષયમાં અલગ અલગ રાગ-દ્વેષ હોય છે. તે બતાવવા માટે અહીં इन्द्रियस्य પદ બે વાર આવ્યું છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક ઈન્દ્રિયોને પોતપોતાના પ્રત્યેક વિષયમાં અનુકૂળતા-પ્રતિકૂળતાની માન્યતા હોય છે. ઈન્દ્રિયોને આ અનુકૂળતાનો ભાવ થવાથી વિષયમાં રાગ જન્મે છે. તેને આધારે સ્થિર થઈને રહે છે. सुखानुशयी राग:। અનુકૂળતાની લાગણી થવી તેનું નામ જ સુખ છે. તે પણ માયિક પદાર્થ અને આ લોકમાં થવી તે જ બંધનનું કારણ છે. જ્યાં અનુકૂળતાની ભાવના થાય છે તે કેન્દ્રમાં તુરત રાગનું નિર્માણ થાય છે અને તે ભાવનાની સાથે સાથે સ્થિર થઈને રહે છે. તેવી જ રીતે दु:खानुशयी द्वेष:। જે વિષયમાં પ્રતિકૂળતાની લાગણી ઊભી થાય છે તે જ દુઃખ છે. તેને દુઃખ કહેવાય છે અને તે લાગણી થતાંની સાથે જ તે કેન્દ્ર પ્રત્યે દ્વેષ પેદા થાય છે. આ અનુકૂળતા-પ્રતિકૂળતાની લાગણી પોતપોતાના વિષયમાં દરેક ઈન્દ્રિયો તથા અંતઃકરણમાં રહેલી છે. તેથી રાગદ્વેષ દરેક ઈન્દ્રિયોના અલગ અલગપણે મૂળ કરીને રહ્યા છે. વાસ્તવમાં રાગદ્વેષ વિષયમાં નથી રહેતા. વિષયો તેની આધાર ભૂમિ કે ઉદ્‌ભવ ભૂમિ નથી. તે આલંબન કેન્દ્ર જરૂર છે; પરંતુ આધારભૂમિ અને ઉદ્‌ભવ ભૂમિ તો વ્યક્તિની અંદરની બાજુએ રહે છે તેથી રાગદ્વેષને રહેવાનું પ્રથમ પગથિયું ઈન્દ્રિયો છે. વિષયો તેનું આલંબન છે, ઉશ્કેરનારા છે અને લાંબો સમય નિભાવ થવામાં મદદરૂપ થનારા છે. જો વિષયોમાં રાગદ્વેષ સ્થિર હોત તો એક જ વિષય બધાને સમાનરૂપે પ્રિય અથવા અપ્રિય લાગત; પરંતુ એવું નથી બનતું. જેમ કે વર્ષા કિસાનને પ્રિય લાગે છે પણ કુંભારને અપ્રિય લાગે છે. એકનો એક વિષય હોય અને એકની એક વ્યક્તિ હોય તો પણ તે વિષય તે વ્યક્તિને સદાને માટે પ્રિય હોય તેવું બનતું નથી. જેમ કે એક વ્યક્તિને ઠંડી હવા ગરમીમાં સારી લાગે છે પણ શરદીમાં અપ્રિય લાગે છે. તેમ જ દરેક વિષયનું છે. આથી દરેક વિષય પોતાની અનુકૂળભાવના કે પ્રતિકૂળતાની ભાવના પ્રમાણે પ્રિય-અપ્રિય બને છે; પરંતુ મનુષ્ય વિષયને દૃષ્ટિમાં રાખીને રાગ-દ્વેષ પોતામાં રાખતો હોવાથી ભગવાને વિષયમાં રાગ-દ્વેષ એવો શબ્દ પ્રયોગ કર્યો છે.

વાસ્તવમાં રાગ-દ્વેષ માનેલા પ્રાકૃતિક ‘अहम्’ માં રહે છે. માયિક શરીર સાથે માની લીધેલા સંબંધને ‘अहम्’ કહેવાય છે. માટે જ્યાં સુધી શરીર સાથે સંબંધ રહેશે ત્યાં સુધી રાગદ્વેષ જીવિત રહેશે અને તે ‘अहम्’ માં પડેલ પ્રાકૃતિક પ્રતિકૂળતા-અનુકૂળતાની લાગણી જ રાગ-દ્વેષનું રૂપ ધારણ કરે છે અને તે જ રાગદ્વેષ બુદ્ધિ, મન, ઈન્દ્રિયો અને ઠેઠ વિષય સુધી-વિષયોમાં પ્રતીત થાય છે અને એ જ રાગદ્વેષ કામ અને ક્રોધનું રૂપ ધારણ કરે છે. સૂક્ષ્મરૂપે રહેલા રાગ અને દ્વેષનું જ સ્થૂળરૂપ કામ અને ક્રોધ છે. ચાલીસમા શ્લોકમાં ભગવાને બતાવ્યું છે કે આ કામ ઈન્દ્રિયો, મન, બુદ્ધિમાં રહે છે. વિષયોની જેમ ઈન્દ્રિયાદિકમાં પણ કામની પ્રતીતિ થતી હોવાથી જ ભગવાને તેને કામનું નિવાસસ્થાન બતાવ્યું છે. જેમ વિષયોમાં રાગદ્વેષની પ્રતીતિ માત્ર જ છે. સાચો નિવાસ તો ‘अहम्’ છે. તેવી જ રીતે ઈન્દ્રિયો, મન, બુદ્ધિમાં પણ રાગદ્વેષની પ્રતીતિ માત્ર જ છે. તે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ તો કામ અને ક્રોધ પ્રેરિત કર્મ કરવાનાં ઓજાર માત્ર છે. તેથી જ બીજા અધ્યાયના ૫૯મા શ્લોકમાં ભગવાને કહ્યું કે विषया विनिवर्तन्ते निराहारस्य देहिन:। ઈન્દ્રિયો દ્વારા વિષયો ન ગ્રહણ કરવાવાળા પુરુષના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પણ રાગ નિવૃત્ત થતો નથી. તે રાગ તો ‘परं दृष्टवा’ એટલે કે પરમાત્માની ઉપાસના કરવાથી અર્થાત્‌‘હું પરમાત્માનો સેવક છું’ એવી ભાવનાથી પરમાત્માની તથા તેના સાચા ભક્તની નિષ્કામભાવે સેવા કરવાથી નિવૃત્ત થાય છે. અર્થાત્‌નિષ્કામ સેવાયોગનું આચરણ કરવાથી થાય છે.

तयोर्न वशमागच्छेत्‌ આ પદો વડે ભગવાન સાધકને આશ્વાસન આપે છે કે રાગદ્વેષની વૃત્તિ અથવા કામક્રોધની વૃત્તિ ઉત્પન્ન થતાં સાધકે ડરી જવાનું કે નિરાશ થવાનું નથી. સાવધાન થવા કે જાગૃત થવાની જરૂરિયાત જરૂર છે. સાધકે આ વૃત્તિઓનું ગમે તેટલું જોર હોય તો પણ સાધન અને સાધ્યનો કેડો મૂકવો ન જોઈએ. રાગદ્વેષથી વૃત્તિને વશીભૂત થઈને કોઈ કાર્યમાં પ્રવૃત્ત અથવા નિવૃત્ત નહીં થવું જોઈએ; પરંતુ સાધ્ય અથવા સિદ્ધાંત (સાધ્યને પામવા માટેનું સાધન) જોઈને પ્રવૃત્ત અથવા નિવૃત્ત થવું જોઈએ. કર્મોમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ શાસ્ત્રાનુસાર કરવાની છે. રાગદ્વેષને અનુકૂળ નહિ. જો રાગ અથવા દ્વેષને કારણે જ સાધકની કર્મોમાં પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થતી હોય તો તેનું તાત્પર્ય એ થાય છે કે સાધક રાગદ્વેષને વશ થઈ ગયો છે. રાગપૂર્વક પ્રવૃતિ કે નિવૃત્તિ થવાથી રાગ પુષ્ટ થાય છે અને દ્વેષપૂર્વક પ્રવૃત્તિ કે નિવૃત્તિ થવાથી દ્વેષ પુષ્ટ થાય છે. આથી જ્યારે રાગદ્વેષ પુષ્ટ થશે ત્યારે તે કામ અને ક્રોધનું સ્વરૂપ ધારણ કરી લેશે, ત્યારે તેનું નિશ્ચિત પતન થશે.

જ્યારે સાધક સંસારનું કાર્ય છોડીને ભજનમાં લાગે છે ત્યારે સંસાર સંબંધી અનેક સારી અને ખરાબ સ્ફુરણાઓ થવા લાગે છે. જેનાથી સાધક ગભરાઈ જાય છે. અહીં ભગવાન તેને આશ્વાસન આપે છે કે સાધકે આવી સ્ફુરણાઓથી ગભરાવું ન જોઈએ અને તેને વશ પણ થવાનું નથી. તેનાથી અલગ પડી તેની સામે વિરોધ જરૂર કરવાનો છે. સંસારનું કાર્ય કરતી વખતે તક ન મળવાથી સ્ફુરણાઓ દબાયેલી રહે છે. ખરેખર તો ત્યારે પણ પડી જ હતી પણ તકના અભાવે દેખાતી ન હતી. સંસાર કાર્ય છોડતાં જ તક મળી જવાથી જૂના સંસ્કારો જ દબાયેલા હતા તે સ્ફુરણાના રૂપમાં નીકળવા લાગે છે. આથી સાધકે તે સ્ફુરણાઓથી સાક્ષીભાવે અલગ પડી તેની ઉપેક્ષા જો રાગદ્વેષયુક્ત સ્ફુરણાઓથી ગભરાઈ જઈને તે સંબંધી ક્રિયા કરવા લાગી જાય તો રાગદ્વેષ અતિ પુષ્ટ થાય છે ને અશુદ્ધ પ્રકૃતિનું રૂપ ધારણ કરીને સ્વભાવરૂપે બની જાય છે. પ્રકૃતિ અશુદ્ધ થતાં જીવને પોતાને આધીન કરી લે છે ને અશુદ્ધ કર્મો કરાવીને પોતે બાંધે છે. આથી રાગદ્વેષને વશ થઈને કોઈપણ પ્રવૃત્તિ યા નિવૃત્તિ નહિ થવી જોઈએ. આ રાગદ્વેષને દબાવવાનો ઉપાય બતાવ્યો છે.

વળી ભગવાને આગળ ૩૧મા શ્લોકમાં પણ કહ્યું છે કે મારા મતનું અનુસરણ કરે છે તે પણ કર્મ બંધનથી છૂટી જાય છે. માટે પરમાત્માના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ કરે તો પણ રાગદ્વેષ દૂર થઈ જાય છે.

રાગદ્વેષ અંતઃકરણનો ધર્મ નથી પણ આગંતુક વિકારો છે કારણ કે જો તેના ધર્મ હોત તો તેની સદાય પ્રતીતિ થાત પણ તેવું થતું નથી. તેની કયારેક કયારેક જ પ્રતીતિ થાય છે. તેને દૂર કરવાનાં સાધનો કરવાથી તે ઘટતા જાય છે. આવો સાધકોનો અનુભવ છે. વળી ભગવાને તેને मनोगतान्‌ મનમાં આવવા જવાવાળા કહ્યા છે. આથી તેને જરૂર દૂર કરી શકાય છે.

રાગદ્વેષ કેવલ જડ પ્રકૃતિમાં પણ નથી રહેતા તેમ જ શુદ્ધ ચૈતન્યમાં પણ નથી રહેતા. એ તો જ્યારે જીવાત્મા પ્રકૃતિ પુરુષના વિવેકને ભૂલી જઈને જડ પ્રકૃતિ સાથે પોતાનું તાદાત્મ્ય માની લે છે ત્યારે જડ ચૈતન્યના માની લીધેલા આ તાદાત્મ્યને જ अहम्‌ કહેવાય છે. તેમાં રાગદ્વેષ રહે છે માટે ભ્રમજનિત अहम् દૂર થાય તો રાગદ્વેષ પણ દૂર થાય છે. જો સાધક રાગદ્વેષને દૂર કરવામાં પોતાને અસમર્થ માનતો હોય તો ભગવાનને શરણે થવું જોઈએ. સાચા ભાવથી ભગવાનને શરણે થવાથી પણ રાગદ્વેષ દૂર થાય છે. નિષ્કામ ભાવથી પરમાત્મા અને તેના ભક્તોની સેવા કરવાથી પણ અંતરના રાગદ્વેષ દૂર થાય છે.

સેવકને સેવા કરવામાં ખૂબજ સાવધાની રાખવાની જરૂર હોય છે. ધન વગેરે મને પ્રાપ્ત થાય તો હું સેવા કરું. આ પ્રકારની ઈચ્છા એ કામના છે, સેવા નથી. કારણ કે એવી સેવાની ઈચ્છા થતાં ધન વગેરેની કામના થાય છે. પછી તેમાં રાગ પણ જાગે ખરો. વળી સેવાના બદલામાં માન બડાઈની ઈચ્છા કરવી અથવા મળી જાય તો રાજી થવું એ પણ એક જાતનો ભોગ બની જાય છે. શુદ્ધ સેવા રહી શકતી નથી. એવું કરવાથી સેવા સુખને ભોગમાં પરિણમી જાય છે. જો સેવા કરવામાં સુખ કે ધનની થોડી પણ ઈચ્છા કરવામાં આવે તો તે ધન, સુખ વગેરે. લૌકિક પદાર્થોમાં મહત્ત્વબુદ્ધિ વધારી દે છે. તેથી તેમાં મમતા અને કામનાની ઉત્પત્તિ થાય છે.

અહીં એક શંકા થાય છે કે સેવા તો ધન અથવા ધનથી ઉર્પાજન થતી વસ્તુઓ વડે જ થાય છે અથવા શરીર વડે થાય છે. માટે આ બે વાનાં ન હોય તો સેવા કેવી રીતે શકય બને? અને એ બેની પ્રથમ ઈચ્છા કર્યા વિના સેવા કેમ કરવી? અને એ બેની ઈચ્છા એ કામના ગણાય છે. તો શું કરવું?

તો એનું સમાધાન એ છે કે સ્થૂળ વસ્તુઓથી સેવા કરવી એ તો બહુ જ સ્થૂળ વાત છે. વાસ્તવમાં સેવા ભાવ છે સેવા વસ્તુ પણ નથી અને સેવા કર્મ પણ નથી. વસ્તુ અને કર્મ બાંધનારાં છે. સેવા મુક્તિને આપનારી છે. તો શું ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા કરવી હોય તો કેવળ ભાવના જ કરી લેવાની ? વસ્તુ કે ક્રિયાની જરૂર નથી? તો એમ નથી. સેવા તો ભાવનાથી જ થાય છે, વસ્તુ કે ક્રિયાથી નહિ. વસ્તુઓથી કર્મ થાય છે સેવા નહિ. વસ્તુઓને આપી દેવાથી સેવા નથી કહેવાતી. વસ્તુઓ તો દુકાનદાર પણ આપે છે પણ સાથે તેના હૃદયનો ભાવ કંઈક અલગ હોવાથી તેનું પુણ્ય નથી થતું. તેવી જ રીતે પ્રજા રાજાને કર આપે છે પણ તે દાન નથી ગણાતું. તેમ જ નોકર શેઠના લાભમાં આખો દિવસ ક્રિયા કરે છે તો પણ તે સેવાના પુણ્યને નથી પામતો. છતાં પણ ધન, પદાર્થ, ક્રિયાઓ તે સેવાના માધ્યમો જરૂર બની શકે છે. ભાવના ખાલી અદ્ધર પદ્ધર અભિવ્યક્ત થઈ શકતી પણ નથી અને કરીએ તો એ ભાવના દંભ, વાણીવિલાસ કે છેતરપીંડી થશે. સેવા નહિ ગણાય. માટે એ બધા માધ્યમો હોવા છતાં સેવા એ ભાવનામાં જ છે. એ ભુલાવું ન જોઈ. સેવા કરવામાં જેની સેવા થાય છે તેમાં મમત્વ બુદ્ધિ હોય છે જ્યારે ભાવના અદૃશ્ય થાય ત્યારે ધન, પદાર્થ કે ક્રિયામાં મહત્ત્વ બુદ્ધિ વધી જાય છે. અહીં ધન, પદાર્થ કે ક્રિયા તો તેના તે જ હશે પણ તે સેવા નહિ કરતા હોય, ઊલટું અભિમાન, કામના અને બંધન વધારનારા થતા હશે. માટે માધ્યમોની હાજરી તો જરૂરી છે. મહત્ત્વ બુદ્ધિ કઈ વસ્તુમાં છે, તે વધારે મહત્ત્વનું છે. તે વસ્તુ તો સાધકનો અંતરનો ઈરાદો જ જાણી શકે. બીજા બહારના વ્યક્તિ જલ્દી પારખી શકતા નથી.

વાસ્તવિક સેવા ધન, પદાર્થ કે ક્રિયામાં મહત્ત્વબુદ્ધિ ન રહેવાથી જ તે પદાર્થોના માધ્યમથી સેવા થઈ શકે છે. ધન, પદાર્થ કે ક્રિયાની મહત્ત્વબુદ્ધિ રાખીને સેવા કરવાથી કેવળ અભિમાનની જ વૃદ્ધિ થાય છે, સેવા રહેતી નથી. એવી કરેલી સેવા એ શાસ્ત્ર દૃષ્ટિએ ભોગ ગણાય છે, સેવા નહિ. વસ્તુઓમાં મહત્ત્વ બુદ્ધિ વધી જવાથી પુષ્કળ વસ્તુઓની જ ઈચ્છા નિરંતર થતી રહેવાની અને એ કામનાનું સ્વરૂપ ધારણ કરી લેશે, સેવા નહિ રહી શકે. માટે વસ્તુ વધારાની ઈચ્છા સેવા માટે પણ થતી હોય ત્યાં ચેતવાની જરૂર છે, અંતરમાં ઊંડી તપાસ કરવાની જરૂર છે. જે પ્રાપ્ત હોય તેનો પૂરેપૂરો સેવામાં વિનિયોગ થાય એ સેવા ભાવનાની સાચી નિશાની છે. સેવામાં વિનિયોગ કરીને ધન, પદાર્થ કે ક્રિયા સાથેનો આપણો જડતાનો સંબંધ તોડવાનો છે. અભિમાન વધારીને તે સંબંધને જાડો બનાવવાનો નથી અને સેવા કરવા છતાં ધન, પદાર્થ કે શરીરના સંબંધ ઘાટા થતા જાય તો એ સેવા નહિ હોય. એ અંતરના રાગની પ્રતિક્રિયા છે. સેવા ભાવનાની નિશાની નથી.

પ્રત્યેક સાધકને માટે સંસાર કેવળ કર્તવ્યપાલનનું ક્ષેત્ર છે. પરમાત્મા અને તેના ભક્તની સેવા માટેનું ક્ષેત્ર છે. સુખી દુઃખી થવાનું ક્ષેત્ર નથી. સાધકે સેવા જ સેવા કરવાની છે. બીજાના (ભક્તોના) દુઃખે દુખી થવું તે અધ્યાત્મમાર્ગમાં તથા કોઈપણ ભાગમાં મદદરૂપ થવાની ભાવના એ સાધુઓનું લક્ષણ છે. કોઈને એમ શંકા થાય કે બીજાને દુઃખે આપણે દુઃખી થઈએ તો આપણે કદાપિ સુખનો શ્વાસ ન લઈ શકીએ. આપણું દુઃખ કદી દૂર થશે જ નહિ. તો એનું સમાધાન એ છે કે બીજાના દુઃખમાં ભાગીદાર થવાથી આપણને મુશ્કેલી જરૂર આવે છે પણ તે મુશ્કેલીઓનું પરિણામ સુખ આપનારું હોય છે, શાંતિ આપનારું હોય છે. જ્યારે પોતાના પ્રારબ્ધનું દુઃખ આપણને શાંતિ, સુખ આપી શકતું નથી. જેમ ભગવાનના વિરહની વેદના અસહ્ય છતાં શાંતિ અને આત્મશુદ્ધિને પમાડનારી હોય છે, તેમ બીજાના દુઃખનો બટવારો અંતરમાં આનંદ આપે છે, પ્રસન્નતા આપે છે.

સેવાનો અર્થ છે-ભગવાનના ભક્તને સુખ પહોંચાડવું. પછી સાધક ભલેને બધાને સુખ પહોંચાડી શકતો નથી પણ એવો ભાવ તો અવશ્ય કેળવી શકે છે. ભાવના કેળવવામાં બધા સ્વતંત્ર છે. કોઈ પરાધીન નથી. માટે સેવા કરવામાં ધન વગેરે પદાર્થો કરતાં વધારે મહત્ત્વની ભાવના જ છે. ધન, પદાર્થ કે ક્રિયાઓ ચાહે ગમે તેટલાં હોય પણ તે સીમિત જ રહે છે. સીમિત ક્રિયાઓ ને પદાર્થો વડે સેવા પણ સીમિત જ થવાની. સીમિત સેવાથી અસીમ એવા પરમાત્મા કેમ મળે? પરંતુ ભાવના અસીમ હોય છે. અસીમ ભાવનાથી અસીમ પરમાત્માની પ્રાપ્તિ થાય. તેથી કદાચ પદાર્થ કે ક્રિયાઓ સીમિત હોય તો પણ સેવાભાવના હોય તો તેમને ઓછી નહિ માનવાની. સાચા સેવકની ભાવના નાશવાન વસ્તુઓ ઉપર જતી નથી. કારણ કે તેના અંતઃકરણમાં વસ્તુઓનું મહત્ત્વ નથી હોતું પણ સેવ્ય વ્યક્તિનું જ મહત્ત્વ હોય છે.

तौ ह्यस्य परिपन्थिनौ પારમાર્થિક માર્ગમાં રાગદ્વેષ જ સાધકની કરેલી સાધના રૂપી સંપત્તિને લૂંટવાવાળા શત્રુઓ છે. સાધક તેમના તરફ ધ્યાન નથી આપતો. તે તો એટલો જ સરવાળો કર્યા કરતો હોય છે કે મેં કેટલું કર્યું .આ જ કારણથી સાધકની જેટલી થવી જોઈએ તેટલી આધ્યાત્મિક ઉન્નતિ થતી નથી. સ્વાભાવિક કર્મો ન કરવાં તે સાધકના હાથની વાત નથી પણ તે કર્મો કરવામાં રાગદ્વેષ ન કરવા તે તો સાધકના હાથની વાત છે. સાધક જે કરી શકે તે જ કરવાની ભગવાન આજ્ઞા આપતા હોય છે. જો સાધક રાગદ્વેષથી અલગ પડી તેની ઉપેક્ષા કરે અને સિદ્ધાંતને લક્ષ્યમાં રાખી ક્રિયા કરે તો રાગદ્વેષ આપોઆપ દુર્બળ થઈને નષ્ટ થઈ જાય છે.

श्रेयान्‌स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात्‌।

स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह:।।३५।।

અર્થઃ સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે; પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે.

श्रेयान्‌स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात्‌ પોતાનો સ્વધર્મ બીજાની સરખામણીમાં વિગુણ હોય અર્થાત્‌અલ્પ ગુણ હોય અથવા સાવ ગુણ નથી એવું દેખાતું હોય અને બીજાનો ધર્મ ખૂબ સદ્‌ગુણે યુક્ત દેખાતો તથા તેનું આચરણ પણ સારી રીતે કરવામાં આવ્યું હોય તો પણ વિગુણ સ્વધર્મનું આચરણ વધારે કલ્યાણને આપનારું થાય છે.

અહીં સ્વધર્મ-પરધર્મ શબ્દો ખાસ કરીને વર્ણાશ્રમની અપેક્ષાએ પ્રયોજાયા નથી. કારણ કે અહીં તેનું ઔચિત્ય નથી. અહીં કલ્યાણ પ્રાપ્તિના ઉપાયરૂપ ધર્મની ચર્ચા ચાલી રહી છે. અર્જુન પણ ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्‌(३/२) તમે મને એવો નિર્ણય આપો, જેનાથી નિશ્ચય કલ્યાણને પામું. ત્યારે ભગવાને પણ કર્મયોગ, જ્ઞાનયોગની ચર્ચા આદરી છે. ક્ષત્રિય ધર્મ, બ્રાહ્મણ ધર્મની ચર્ચા નથી કરી. તેથી અહીં બ્રાહ્મણ ધર્મ નિષેધ કરીને ક્ષત્રિય ધર્મનું પાલન કર, એમ નથી. અહીં જ્ઞાનયોગનો ત્યાગ કરીને કર્મયોગનું અનુસરણ કરવા કહે છે. તો પછી બીજી શંકા એ થાય છે કે કલ્યાણકારક તો બન્ને છે તો બન્ને સ્વધર્મ થવા જોઈએ. ‘नि:श्रेयसकरावुभौ’। (ગી.૫/૨) તો કર્મયોગ જ અર્જુનને સ્વધર્મ અને જ્ઞાનયોગ પરધર્મ એમ શા માટે હોઈ શકે? તો પરમાત્માની દૃષ્ટિએ બન્ને કલ્યાણકારી તો છે જ. परधर्मान्स्वनुनिष्ठतात्‌स्वधर्मो विगुण: श्रेयान्‌ જ્ઞાનયોગ સારો તો છે જ પણ આ કર્મયોગ વધારે સારો છે. બન્નેની સરખામણીમાં ચડિયાતો છે. તર-પ્રત્યયનો પ્રયોગ કર્યો છે અને વર્ણ આશ્રમ ધર્મની અપેક્ષા રાખીને અર્થ પણ ઘટી જ શકે છે પણ અધ્યાયના વિષયને ઉચિત કર્મયોગ જ છે.

વળી અહીં ભગવાનની દૃષ્ટિ કલ્યાણ પ્રાપ્તિ ઉપરાંત સ્વશક્ય અને પરશક્ય આચરણ પર રહી છે. સ્વધર્મ અર્થાત્‌તારાથી આચરણ કરવામાં વધારે કયો શકય છે અને કઈ વસ્તુ અશક્ય છે ! તે અનુસંધાને પણ ભગવાન કર્મયોગની તરફેણ કરી રહ્યા છે.

विगुणोऽपि કહેવાનું તાત્પર્ય એ છે કે તે ફળ વિલંબ કરાવનાર છે અને સગુણત્વ-ફળ તત્કાળ અપાવનાર છે. કર્મયોગમાં ફળ વિલંબ જરૂર છે विगुणोऽपि  તો પણ ફળ પ્રાપ્તિ જરૂર છે. કારણ કે અપ્રમાદગર્ભ છે. કર્મયોગના સ્વભાવમાં પ્રમાદને સ્થાન ઓછું છે. જ્યારે જ્ઞાનયોગમાં સગુણત્વ એટલે આત્મદર્શન તુરત હોવા છતાં પ્રમાદનો યોગ હોવાથી, જો પ્રમાદ આવ્યો તો કર્યાનો દાખડો નિષ્ફળ જાય છે. ફરીથી દાખડો કરવો પડે છે. તેવો કર્મયોગમાં નથી. સીધો જ્યાંથી મુકાયો હોય ત્યાંથી શરૂ થઈને પૂર્ણ થાય છે. કારણ કે ઈન્દ્રિય વ્યાપારને અનુકૂલ સજાતિ પ્રણાલી કર્મયોગમાં હોવાથી વિચ્છેદ અનુભવાય તો પણ અત્યંત વિચ્છેદ થતો નથી. જ્યારે જ્ઞાનયોગમાં ઈન્દ્રિય પ્રણાલીથી અત્યંત વિરુદ્ધ પ્રણાલી હોવાથી વિચ્છેદ થતાં અત્યંત માર્ગ બદલી જાય છે. માટે તેમાં વિઘ્ન આવતાં વિલંબ વધી જાય એટલો ફેર પડે છે. તેથી જ કર્મયોગની શરૂઆતમાં જ્ઞાનયોગને દૃષ્ટિ ગર્ભિત રાખીને જ કહ્યું છે કે ‘नेहाभिक्रमनाशोऽस्ति (૨/૪૦) पार्थ नैवेह नामुत्र (૬/૪૦)

અહીં વિગુણ કર્મયોગમાં વિલંબ થતાં જન્માન્તરે પણ ફળ થાય છે માટે શ્રેયાન્‌કહ્યો છે. તો પછી જ્ઞાનયોગમાં પણ તેમ કેમ ન માની શકાય ! તો કહે છે કે प्रकृतिसंसृत्य स्वेनेव उपादातुमशक्यतया જન્માન્તરમાં પણ ફલ શકય નથી, તેથી ભયાવહ કહ્યો છે. જેનું સ્વરૂપ જ વિચ્છિન્ન થઈ જાય છે તે ફળ ક્યાંથી આપશે? અને જેનું સ્વરૂપ વિચ્છિન્ન નથી થયું તો વિલંબથી પણ જરૂર ફળ આપનારો છે, માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. (તાત્પર્ય ચંદ્રિકા)

અહીં ‘नियतं कुरु कर्मत्वं कर्मज्यायो ह्यकर्मण:’ માં કહ્યા મુજબ વર્ણ, આશ્રમ, પ્રકૃતિ, સમય અને ભગવાનની ઈચ્છાથી જે સહેજે પ્રાપ્ત થાય તેનો નિચોડ नियतं શબ્દથી કહેવાયો છે અને તેને જ અહીં સ્વધર્મ કહ્યો છે. ઉપરના બધાં પાસાંથી વિરુદ્ધને પરધર્મ કહ્યો છે. તેથી સાર એ છે કે સ્વધર્મ-એ સ્વકર્તવ્યનો પર્યાય બની જાય છે. પોતાના કર્તવ્યનું નિઃસ્વાર્થભાવે પાલન કરવું તે જ કર્મયોગ બની રહે છે. તે ભગવાનની દૃષ્ટિએ કલ્યાણનું સાધન પણ બની રહે છે.

કર્તવ્ય તે હોય છે, જેનું સુગમતાપૂર્વક પાલન પણ કરી શકાતું હોય છે અને જે અવશ્ય કરવા યોગ્ય હોય છે. તે ધ્યેયની પ્રાપ્તિને કરાવનારું હોય છે. વળી જગત થકી વૈરાગ્યને ઉત્પન્ન કરાવીને બંધનથી છોડાવનારું હોવું જોઈએ. ‘धर्म ते विरति’ (માનસ ૩/૧૬/૧) આવાં લક્ષણોને આધારે ભગવાનની દૃષ્ટિમાં કર્મયોગ તમામ લક્ષણો ધરાવનારો અને સુગમ છે અને તે જ સ્વધર્મ શબ્દથી ભગવાને કહ્યો છે. અલગ અલગ પરિસ્થિતિમાં કયારેક પોતાનું કર્તવ્ય ઘોર અથવા સૌમ્ય દેખાતું હોય છે. જેમ કે અર્જુનને જણાતું હતું તો પણ પોતાનું જે કર્તવ્ય હોય તે જ કલ્યાણ આપનારું થાય. બીજાનું સૌમ્ય દેખાવા છતાં પોતાને કલ્યાણ આપનાર થતું નથી. જેને પરમાત્માની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય ન હોવાથી તેના મનમાં પ્રાકૃત પદાર્થો અથવા પ્રાકૃત ક્રિયાઓનું મહત્ત્વ રહેવાથી તેને જ ઘોર, ઓછા ગુણવાળું કે સૌમ્યતા વગેરે પોતાના કર્તવ્યમાં દેખાય છે. પેલા ઉદ્દેશ્યવાળાને તો કલ્યાણનું સાધન કે સીડી દેખાય છે.

‘स्वधर्मे निधनंश्रेय। સ્વધર્મ પાલન-સ્વકર્તવ્ય પાલનમાં પ્રાકૃતિક મૂલ્યોનો જરૂર ભોગ દેવો પડતો હોય છે. તેથી પ્રાકૃત દૃષ્ટિવાળાને તે ઘણું જ કઠિન અનુભવાય છે. માટે જ કર્તવ્યપાલકના ટોળાં ને ટોળાં દેખાતા નથી. જો તેમાં સુખ, આરામ, ધન, માન, બડાઈ, સત્કાર પૂરતા મળી જતા હોત તો તો તેવાના ટોળાં ને ટોળાં ઊભરાઈ પડત. કર્તવ્યપાલન સુખ અથવા દુઃખ જોઈને કરવામાં નથી આવતું; પરંતુ ધ્યેયની દૃઢતા અથવા પ્રાપ્તિને વિચારીને કરવામાં આવે છે. ભગવાન અને શાસ્ત્રની આજ્ઞાને જોઈને કરવામાં આવે છે. તેથી તેનું પાલન કરતાં કરતાં જો કોઈ કષ્ટ આવી જાય તો તે કષ્ટ પણ ઉન્નતિને આપનારું હોય છે. વાસ્તવમાં તે કષ્ટ નહિ પણ તપ હોય છે. તે કષ્ટને હસતે મોઢે સહન કરવાથી તપની અપેક્ષાએ પણ બહુ જ જલ્દી ઉન્નતિ થાય છે. કારણ કે તપ પોતાને માટે હોય છે અને નિષ્કામ સેવારૂપી કર્તવ્ય ભગવાન અને ભગવાનના ભક્તને ઉદ્દેશીને કે તેને સુખ પહોંચાડવાના હેતુથી કરવામાં આવે છે. જેથી બન્ને તુલ્ય નથી. માટે જેણે નિષ્કામ સેવાયોગ કે કર્મયોગરૂપ સ્વકર્તવ્ય કરતાં કરતાં કષ્ટ સહન કર્યું અને કદાચ સહન કરતાં કરતાં મૃત્યુ પણ આવી ગયું તો પણ પોતાનામાંથી તો ચલિત ન થયા તો ભગવાનની દૃષ્ટિએ તેનો મોટો મહિમા છે. તેને પોતાનો મત કે સિદ્ધાંત માટે ખપી ગયેલો ભગવાન જાણે છે. અર્થાત્‌કર્તવ્યપાલન કરતાં કષ્ટ આવ્યું અથવા મૃત્યુ પણ થયું તો પણ, તેની જગતમાં પ્રશંસા થાય છે અને પરલોકમાં કલ્યાણ થાય છે.

અંતે તો આત્માનુસંધાનથી સ્વધર્મ એટલે પોતાનું આત્મકલ્યાણ થવું તે છે. તેનાથી મોટો કોઈ સ્વધર્મ ન હોઈ શકે. તેથી પરમાત્માની પ્રાપ્તિ થવી તેથી મોટું કોઈ કલ્યાણ નથી અને તેનું સાધન કરવું તેથી મોટો કોઈ સ્વધર્મ ન હોઈ શકે. પોતાને ભગવાનના માનવું અને ભગવાન સિવાય કોઈના ન માનવું. પોતાને ભગવાનનો સેવક માનવો પણ બીજા કોઈનો સેવક ન માનવો વગેરે સાચા સ્વધર્મ છે. પોતાના ધર્મો છે, મનબુદ્ધિના ધર્મો નથી. પરમાત્માની પ્રાપ્તિ ઈચ્છવાવાળા સાધકને ધન, માન, બડાઈ, આદર, આરામ વગેરે મેળવવાની ઈચ્છા નથી હોતી. તેથી તે ન મળે તો કોઈ ચિંતા થતી નથી, ને કદાચ મળી જાય તો તેથી તેની પ્રસન્નતા વધી જતી નથી. તેને તો પરમાત્માની પ્રાપ્તિનો એક માત્ર ઉદ્દેશ્ય હોવાથી તેના બધાં કર્મો પરમાત્માને માટે જ થાય છે. જેવી રીતે વેપારીને ધન પ્રાપ્તિનું ધ્યેય હોવાથી વેપારી આરામનો ત્યાગ કરે છે. કષ્ટસહન કરે છે તો પણ તેને કષ્ટ જેવું કાંઈ લાગતું નથી. રોગીને રોગ દૂર કરવાનો ઉદ્દેશ્ય હોવાથી ડોકટર ફોલ્લા ઉપર ચીરો મારે, કાપકૂપ કરે તો પણ રોગી પ્રસન્ન રહે છે. દુઃખી થતો નથી. તેમ પરમાત્માની પ્રાપ્તિ માટે સાધકને અગવડતા, કષ્ટ વગેરે પડે તો પણ સાધક દુઃખી થતો નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતા બન્નેને સાધનાની સામગ્રી બનાવી દે છે. તે અગવડતા, કષ્ટ વગેરે તેની તપશ્ચર્યા બની રહે છે.

परधर्मो भयावह:। અહીં વિશેષે કરીને ભગવાન સ્વશક્ય કલ્યાણના ઉપાયને સ્વધર્મ અને સ્વ અશક્ય કલ્યાણના ઉપાય તરીકે જ્ઞાનયોગને અર્જુન માટે પરધર્મ તરીકે બતાવે છે. સામાન્ય મુમુક્ષાતાના ઉદયની સાથે તેને માટે જ્ઞાનયોગનું આચરણ ભયાવહ નીવડે છે. ઊભય તો ભ્રષ્ટતાનો પ્રસંગ આવે છે. જ્યારે નિષ્કામ કર્મયોગ, એ સામાન્ય મુમુક્ષુ અને સિદ્ધયોગીને પણ શ્રેયને આપનાર હોવાથી ભગવાન તેને સ્વધર્મ બતાવી આગ્રહ કરે છે.

સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો પરમાત્મા અને જીવ ભગવાનનો અંશ હોવાથી ‘પોતે’ છે. પ્રકૃતિ અને તેનું કાર્ય જે શરીર અને સંસાર એ ‘અન્ય’ છે, તેથી નિર્વિકારતા, નિદરેષતા, નિષ્કામપણું, નિર્મળતા વગેરે જે સદ્‌ગુણો છે તે જીવાત્માના ધર્મો છે તે પોતાનો ધર્મ છે, તેથી સ્વધર્મ છે. જ્યારે ઉત્પન્ન થવું, નાશ થવું, કામના કરવી, મમતા, કરવી, અહંકાર ધારવો, ભોગ અને સંગ્રહની ઈચ્છાઓ, માન, બડાઈ, જેવા શરીર અને સંસારના ધર્મો છે. તે બધા પરધર્મો છે. યોગી બનવું એ સ્વધર્મ છે, ભોગી બનવું એ પરધર્મ છે. નિર્લિપ્ત રહેવું એ સ્વધર્મ છે, આસક્ત બની જવું એ પરધર્મ છે. પરમાત્મા અને તેના ભક્તોની સેવા કરવી, એ આત્માનો સ્વધર્મ છે. તેની પાસેથી કોઈ ઈચ્છા રાખવી તે પર ધર્મ છે. તાત્પર્ય એ છે કે પ્રકૃતિના ભાવ છોડીને જે કાંઈ થવાવાળું છે તે સ્વધર્મ છે. પ્રકૃતિના સંબંધ (ભાવ)થી થનારું છે તે પરધર્મ છે. સ્વધર્મ ચિન્મય છે પરધર્મ જડ ધર્મ છે.

મનુષ્યમાં બે પ્રકારની ઈચ્છા રહે છે એક તો સાંસારિક ઈચ્છા. જે ભોગ અને સંગ્રહ કરવાની ઈચ્છા છે. જ્યારે બીજી પોતાના આત્મકલ્યાણને પામવાની અથવા ભગવાનને પામવાની. આમ ભોગસંગ્રહ એ પરધર્મ ગણાશે જ્યારે આત્મકલ્યાણ સ્વધર્મ ગણાશે.

સંસારમાં જેટલા પણ દુઃખ, શોક, ચિંતા વગેરે છે, તે બધા પરધર્મનો આશ્રય લેવાને કારણે જ છે. માટે કહ્યું છે કે परधर्मो भयावह:।