શ્લોક ૧૭-૨૪
જ્ઞાનવાન અને ભગવાનને માટે પણ લોક્સંગ્રહાર્થે કર્મોની આવશ્યકતા
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानव:।
आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते।।१७।।
અર્થઃ પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું.
तु શબ્દ વિલક્ષણતા બતાવવા વપરાયો છે. જે પોતાનું કર્તવ્ય નથી બજાવતા તેની ટીકા કરીને હવે જેણે પોતાનું કર્તવ્ય સાવધાનીપૂર્વક બજાવીને સંસારથી સંબંધ વિચ્છેદ કરી લીધો છે, તેવા મહાપુરુષોની વિલક્ષણતા બતાવે છે.
જ્યાં સુધી મનુષ્ય પોતાનો સંબંધ સંસાર સાથે માને છે, ત્યાં સુધી તે પોતાની ‘રતિ’ (ગાઢપ્રીતિ) ઈન્દ્રિયોના ભોગોથી તેમજ સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરેથી તૃપ્તિ અને સંતુષ્ટિ ન તો કદી પૂર્ણ થાય છે અને નિરંતર રહેતી પણ નથી. સંસારનો સ્વભાવ જ એવો છે. કોઈપણ મનુષ્યની પ્રીતિ સંસારમાં એક વસ્તુ, વ્યક્તિ સાથે રહેતી નથી. આવો બધાનો અનુભવ છે. લગ્ન પછી થોડો સમય બન્ને માણસોને જે આકર્ષણ હોય તે લાંબો સમય રહેતું નથી. ભોજનની તૃપ્તિ ક્ષણિક હોય છે. ધનની સંતુષ્ટિ પણ ક્ષણિક જ છે. છતાં તે જીવનમાં દિવસે દિવસે વધતી હોય તેવું જણાય છે. તેનું કારણ એ છે કે ધન થોડું મળતાં નવી અને બીજી પ્રબળ લાલસાઓ ઊઠતી રહેતી હોવાથી નવી ને નવી અનુભવાય છે. માટે તેની તૃષ્ણા નિરંતર ચાલુ રહે છે. આ ત્રણે કોઈ એક વસ્તુમાં સ્થાયી રહેતી નથી. મનુષ્યને સાંસારિક પદાર્થોમાં પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિનો કેવળ ભાસ થાય છે પણ વાસ્તવિક કયારેય હોતી જ નથી અને જો વાસ્તવિક હોય તો ફરી પાછી અપ્રીતિ, અતૃપ્તિ અને અસંતુષ્ટિ ઉત્પન્ન થવી ન જોઈએ પણ તે તો નિરંતર થતી રહે છે. માટે જાણે જે પેલી વાસ્તવમાં થઈ જ નથી. પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ જો પરમાત્મમાં થઈ તો ફરી પાછો તેનો અભાવ ઉદ્ભવ થવાની સંભાવના રહેતી જ નથી. પૂર્વે જે જે ભક્તો થઈ ગયા તેને એક વખત જ પરમાત્મામાં પ્રીતિ આદિ થયા પછી પણ અભાવ અનુભૂતિ થઈ નથી ને બીજે ખોળવા જવું પડયું નથી. જે બતાવે છે કે વસ્તુતાએ ખરી પ્રીતિ, તૃપ્તિ, સંતુષ્ટિ પરમાત્માના સ્વરૂપમાં છે. માટે પરમાત્માનું સ્વરૂપ સ્વતઃસિદ્ધ, નિષ્કામ અને પૂર્ણકામ છે. સંસાર સંબંધ વિચ્છેદ કરીને પરમાત્મા સાથે સંબંધ જોડે તો સાધક પણ પોતાનામાં તેવી જ અનુભૂતિ કરી શકે છે.
આપણે ભૂલ એ કરીએ છી એ કે દેહ અને તે સંબંધી પદાર્થ સાથે જોડાઈને પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ સાંસારિક પદાર્થો અને સગવડતાઓમાં શોધવા લાગી જઈએ છીએ. તેમાં કામના કર્યા પછી જ્યારે તે વસ્તુ (ધન વગેરે) મળે છે ત્યારે તે કામના શાંત થાય છે. પછી બીજી કામના ઉત્પન્ન થતાં પહેલાં વચ્ચેના કિંચિત્ભાગમાં તે નિષ્કામ થઈ જાય છે ત્યારે તેને સુખ થાય છે, શાંતિ અનુભવાય છે અને સંતુષ્ટિ અનુભવાય છે. જે સુખને મનુષ્ય ભૂલથી સાંસારિક પદાર્થમાંથી આવ્યું એવું માની લે છે ને વધારે ને વધારે પદાર્થની પાછળ દોડવા લાગી જાય છે અને તે સુખને જ પ્રીતિ, તૃપ્તિ, સંતુષ્ટિ માનવા લાગે છે. જે સાચું નથી. જો વસ્તુની પ્રાપ્તિથી જ તે સુખ થતું હોત તો તે વસ્તુ મળ્યા પછી જ્યાં સુધી વસ્તુ રહે ત્યાં સુધી તે સુખ રહેવું જોઈએ અને દુઃખ કદી ન થવું જોઈએ અને ફરીથી કામના પણ ઉત્પન્ન ન થવી જોઈએ. પત્ની મળ્યા પછી પ્રથમ જે સુખ હોય તે પત્ની જ્યાં સુધી રહે ત્યાં સુધી રહેવું જોઈએ. પુત્ર જન્મથી જે આનંદ થયો તે પુત્ર જીવે ત્યાં સુધી થવો જોઈએ. એવું જ દરેક પદાર્થનું છે પણ એવું તો બનતું નથી. સાંસારિક પદાર્થોથી કદી પણ પૂર્ણ (સદાકાળ માટે) પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ પ્રાપ્ત થતી જ નથી અને સંસાર સાથે મમતા રહેવાને કારણે ફરીથી નવી નવી કામનાઓ થવા લાગે છે અને પોતાનામાં અભાવની અનુભૂતિ થવા લાગે છે. કામ્ય વસ્તુ મળતાં પરાધીનતાનો અનુભવ થવા લાગે છે. આથી કામનાવાળો મનુષ્ય ગમે તેટલી સગવડતા પામે તો પણ સદા દુઃખી જ રહે છે અને રહેવાનો.
સાધક તો એ સુખનું મૂળ કારણ નિષ્કામતાને માને છે અને દુઃખોનું કારણ કામનાને માને છે; પરંતુ સંસારમાં આસક્ત મનુષ્યો વસ્તુઓની પ્રાપ્તિથી સુખ માને છે. જ્યારે વસ્તુઓની અપ્રાપ્તિથી દુઃખ માને છે. જો આસક્ત મનુષ્ય પણ સાધકના જેવી યથાર્થ દૃષ્ટિથી દેખે તો તે પણ શાશ્વત સુખને પામી જાય છે.
સકામ મનુષ્યને કર્મયોગનો અધિકારી કહેવામાં આવ્યો છે; कर्मयोगस्तु कामिनाम् (શ્રીમદ્ભાગ-૧૧-૨૦-૭) પરંતુ કામના હોય અને તેને છોડવા માગતો હોય તેને અધિકારી કહ્યો છે. જે હંમેશાં ચાલુ જ રાખવા માગતો હોય તે નિષ્કામ કર્મયોગ કરી જ નથી શકતો. તો પછી અધિકારી કયાંથી થઈ શકે? તેને તો નરક અને દુઃખનો જ અધિકાર મળે છે. સકામ મનુષ્યોની પ્રીતિ, તૃષ્ટિ અને સંતુષ્ટિ સંસારમાં હોય છે. જ્યારે કર્મયોગ દ્વારા સિદ્ધ મહાપુરુષોની સ્થિતિનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે તેઓની પ્રીતિ, તુષ્ટિ અને સંતુષ્ટિ સકામ મનુષ્યોની જેમ સંસારમાં ન હોય ને પરમાત્માના સ્વરૂપમાં અને પોતાના ચૈતન્યસ્વરૂપમાં જ હોય છે. વાસ્તવમાં આ ત્રણે અલગ અલગ ન હોવા છતાં સંસારના સંબંધથી અલગ અલગ ભાસે છે. જ્યારે સંસાર સંબંધ વિચ્છેદ થતાંની સાથે જ ત્રણેય એક જ સ્વરૂપમાં (પરમાત્મા અથવા આત્મ સ્વરૂપમાં) સમાઈ જાય છે.
तस्य कार्यं न विद्यते મનુષ્યને માટે જે કાંઈ કર્તવ્યકર્મનું વિધાન કરવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ્ય પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્માને પામવાનો છે. કોઈ પણ સાધન દ્વારા (કર્મ, જ્ઞાન કે ભક્તિયોગ દ્વારા) ઉદ્દેશ્યની સિદ્ધિ થઈ જતાં મનુષ્યને માટે કાંઈ પણ કરવાનું, જાણવાનું કે મેળવવાનું બાકી નથી રહેતું. એ જ મનુષ્ય જીવનની પરમ સફળતા છે.
સંસારના સંબંધને કારણે અને શરીરને હું અને મારું માનીને તે અભાવની અનુભૂતિ કરતો રહે છે, ત્યાં સુધી કર્તવ્ય બાકી રહે છે. સંસાર સાથે સંબંધ વિચ્છેદ થતાં કર્તવ્ય પૂરું થાય છે. કર્મ ત્યારે જ થાય છે કે જ્યારે કાંઈને કાંઈ મેળવવાની કામના થાય છે. કામના અભાવથી થાય છે. સિદ્ધ મહાપુરુષોને કોઈ વસ્તુનો અભાવ ન જણાતાં તેને કાંઈ કરવાનું બાકી નથી રહેતું.
तस्य कार्यं न विद्यते નો અભિપ્રાય એવો નથી થતો કે તે મહાન પુરુષો કશું કરતા જ નથી અને બેસી રહે છે. તેને પોતાને માટે કાંઈ કરવાનું રહેતું નથી પણ તેઓ પરમાત્માને રાજી કરવા અને લોકસંગ્રહ માટે સાવધાન થઈને કર્તવ્યકર્મ કરે છે અને શાસ્ત્રોનું અનુપાલન તેમના જીવનમાં આપોઆપ થાય છે.
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रय:।।१८।।
અર્થઃ એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે, તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશમાત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો.
नैव तस्य कृतेनार्थ: પ્રત્યેક મનુષ્યને કંઈને કંઈ કરવાની પ્રવૃત્તિ હોય છે. જ્યાં સુધી આ પ્રવૃત્તિ કોઈ સાંસારિક વસ્તુની પ્રાપ્તિમાં હોય છે ત્યાં સુધી તેને પોતાને માટે કરવાનું ‘શેષ’ જ રહે છે. પોતાને માટે કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છાથી જ મનુષ્ય બંધાય છે. આ ઈચ્છાની નિવૃત્તિ માટે પણ કર્તવ્યકર્મ કરવાની જરૂર છે.
કર્મ બે પ્રકારે કરવામાં આવે છે. કામનાપૂર્તિ માટે અને કામનાનિવૃત્તિ માટે. સાધારણ મનુષ્યો કામનાપૂર્તિ માટે કર્મ કરે છે પણ નિષ્કામ સેવાયોગી કામનાનિવૃત્તિ માટે કર્મ કરે છે. સિદ્ધ મહાપુરુષો લોકસંગ્રહ માટે કર્મ કરે છે. એટલા માટે કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગથી સિદ્ધ મહાપુરુષમાં કોઈ પણ કામના ન રહેવાને કારણે તેને કોઈ પણ કર્તવ્ય સાથે જરા પણ સંબંધ નથી રહેતો. તેના દ્વારા નિઃસ્વાર્થ ભાવથી સમસ્ત સૃષ્ટિના હિત માટે આપોઆપ કર્તવ્ય કર્મો થતાં રહે છે. નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગથી સિદ્ધ થયેલ મહાપુરુષોનો કર્મ સાથે પોતાના વ્યક્તિગત સુખ, આરામને માટે કોઈ સંબંધ નથી હોતો. એવા મહાપુરુષોનો એવો અનુભવ હોય છે કે પદાર્થ, શરીર, ઈન્દ્રિયો, અંતઃકરણ વગેરે કેવળ પરમાત્માનાં છે અને પરમાત્મા પાસેથી મળેલાં છે. આથી તેમના દ્વારા પરમાત્માના રાજીપાના લાભમાં અથવા તેમના સાચા ભક્તોના લાભમાં જ વપરાવાં જોઈએ. કોઈના વ્યક્તિગત લાભમાં નહિ. આથી તેમને કેવળ પરમાત્માના અથવા તેમના સાચા ભક્તો માટે જ કર્મ-પુરુષાર્થ કરવાનો હોય છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહિ. વ્યષ્ટિને માટે સમષ્ટિ હોઈ જ ન શકે. માણસ ભૂલ એ કરે છે કે સમષ્ટિના પદાર્થો વ્યક્તિગત લાભમાં ગોઠવી દે છે અથવા ગોઠવવા પ્રયત્ન કરે છે. આથી તેના અંતરમાં અશાંતિ ઊભી થાય છે. જો તે દેહ, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ વગેરે સમષ્ટિ અર્થાત્પરમાત્મા અને તેના ભક્તોને માટે ઉપયોગ કરે તો તેને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. નિષ્કામ સેવા કરનારની આ જ વિશેષતા છે કે પોતાને મળેલ યત્કિચિંત સામગ્રી પરમાત્માને માટે અને તેના સાચા ભક્તોને અર્થે ઉપયોગ કરે છે, તેથી જ તેનાથી આદર્શ કર્મો થાય છે. જે પોતાના સ્વાર્થમાં સામગ્રીને વાળવા પ્રયત્ન કરે છે, તેનાથી કોઈ આદર્શરૂપ કર્મ થતું જ નથી-આ સિદ્ધાંત છે.
ना कृतेनेह कश्चन-અને તેને કર્મ ન કરવાથી પણ કોઈ અર્થ સરતો નથી. સ્વાર્થી માણસો કર્મ કરવામાં તો પોતાનો સ્વાર્થ ગોઠવતા હોય છે પણ કર્મ ન કરવામાં પણ પોતાનો સ્વાર્થ ગોઠવતા હોય છે. જે મનુષ્ય શરીર અને સંસાર સાથે જોડાયેલો છે અને આળસ, પ્રમાદમાં રુચિ રાખે છે તેમને કર્મ ન કરવામાં પણ પોતાની આળસ, પ્રમાદને પોષણ આપવાનો સ્વાર્થ છે. જ્યારે કર્તવ્યનિષ્ઠ નિષ્કામ સેવાભાવી તો શરીરની સાથે પણ સંબંધ વિચ્છેદ કરવા મથતો હોવાથી, ન કરવામાં પણ કોઈ ફાયદો દેખાતો નથી. માટે તે ‘કરવા’ અને ‘ન કરવા’થી પર છે અથવા કહો કે તેનાથી પર થઈને આદર્શ રૂપમાં યોગનું વહન કરે છે.
માર્મિક વાત એ છે કે, ઘણું કરીને સાધકો અને મુમુક્ષુઓ કર્મો ન કરવાને જ બહુ મહત્ત્વ આપે છે તેઓ કર્મોમાંથી નિવૃત્ત થઈને સમાધિમાં નિરંતર સ્થિત થવાનું ઈચ્છે છે. આ વાત શ્રેષ્ઠ અને લાભપ્રદ તો છે પણ સિદ્ધાંત નથી. પ્રવૃત્તિ (કરવું) અને નિવૃત્તિ (ન કરવું) બન્ને પ્રકૃતિના રાજ્યમાં છે.નિર્વિકલ્પ સમાધિ સુધી પ્રકૃતિની અંદરની વાત છે. કારણ કે નિર્વિકલ્પ સમાધિમાંથી પણ વ્યુત્થાન થાય છે અને જે કાંઈ ક્રિયામાત્ર છે તે પ્રકૃતિમાં જ થાય છે. જ્યારે ક્રિયા થયા વિના વ્યુત્થાન થવું સંભવ નથી. તેથી ચાલવું, બોલવું, દેખવું, સાંભળવું વગેરેની જેમ જ સૂવું, બેસવું, ઊભા રહેવું, મૌન થવું, મૂછિર્ત થવું અને સમાધિસ્થ થવું પણ એક પ્રકારની ક્રિયા છે. પ્રકૃતિ નિત્યક્રિયાશીલ છે. તેની સાથે સંબંધ રાખીને કોઈ પણ પ્રાણી કોઈ પણ અવસ્થામાં ક્ષણમાત્ર કર્મ કર્યા વિના રહી શકતું નથી. (ગીતા ૩/૫, ૧૮/૧૧) આથી જ્યાં સુધી પ્રકૃતિનો સંબંધ છે ત્યાં સુધી સમાધિ પણ કર્મ જ છે. જેમાં સમાધિ અને વ્યુત્થાન-આ બે અવસ્થાઓ છે; પરંતુ પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ થતાં બે અવસ્થાઓ રહેતી નથી. ‘સહજ સમાધિ’ અથવા ‘સહજાવસ્થા’ થાય છે. જેમાંથી કદી વ્યુત્થાન થતું નથી. કારણ કે અવસ્થાના ભેદ પ્રકૃતિનાં ઉપકરણોમાં છે. ચૈતન્યતત્ત્વમાં નથી. એટલા માટે સહજાવસ્થાને બધાથી ઉત્તમ કહેવામાં આવી છે. જેને શ્રીજી મહારાજે વચનામૃતમાં જ્ઞાને કરીને સ્થિતિ કહી છે (વચ.ગ.પ્ર.૨૪) અને નિશ્ચયની સમાધિ અથવા જ્ઞાનની સમાધિ કહી છે.(વ.૧) તે ઊઘાડી આંખે પ્રાપ્ત કરવાની હોય છે. વાસ્તવિક તત્ત્વમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ-બન્ને નથી. તે પ્રવૃત્તિ અને નિવૃત્તિનું નિર્લિપ્ત પ્રકાશક તત્ત્વ છે.
શરીર સાથે પોતાપણાની એકતા થતાં જ (શરીરને લીધે) ‘કરવું’ અને ‘ન’ કરવું-આ બે વિભાગનો દ્વંદ્વ ઊભો થાય છે. વાસ્તવમાં કરવું અને ન કરવું બન્ને એક જ જાતિ છે. શરીર સાથે સંબંધ રાખીને ‘ન કરવું’ પણ વાસ્તવમાં કરવું જ છે અને શરીર સાથેનો એકાત્મભાવ છોેડીને ‘કરવું’ પણ વાસ્તવમાં ‘ન કરવું’ જ છે. જેવી રીતે ‘ગચ્છતિ’ (જાય છે)ક્રિયા છે તેવી જ રીતે ‘તિષ્ઠતિ’ (ઊભો છે) પણ ક્રિયા જ છે. જો કે સ્થૂળ દૃષ્ટિએ ‘ગચ્છતિ’માં ક્રિયા સ્પષ્ટ દેખાઈ આવે છે અને ‘તિષ્ઠતિ’માં ક્રિયા દેખાઈ આવતી નથી, તો પણ સૂક્ષ્મ દૃષ્ટિએ જોવામાં આવે તો ‘જવા’ની જેમ જ ‘ઊભા’ રહેવાથી પણ સમય જતાં થાક લાગે છે અને તે ક્રિયાનો જ છે. ક્રિયા વિના થાક શેનો હોઈ શકે? આ રીતે કોઈ પણ બાબતે ‘કરવું’અને ‘ન કરવું’
બન્નેમાં ક્રિયા જ છે. આવી રીતે ક્રિયાઓનું સ્થૂળ રીતે દેખાઈ આવવું (પ્રવૃત્તિ) પ્રકૃતિમાં છે તેમજ ક્રિયાઓનું સ્થૂળ દૃષ્ટિએ ન દેખાઈ આવવું (નિવૃત્તિ) પણ પ્રકૃત્તિમાં જ થાય છે. જે પુરુષોને પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે અર્થાત્પરમાત્મા સાથે ગાઢ સંબંધ બંધાઈ જાય છે, ત્યારે પ્રાકૃતિક ચેષ્ટારૂપ કરવું અથવા ન કરવા સાથે કોઈ પ્રયોજન રહેતું નથી.
પ્રકૃતિના પરિણામરૂપ શરીર વગેરેની સાથે સંબંધ રહેવાથી જ કરવાનો અને ન કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે એ સંબંધનો વિચ્છેદ થાય છે ત્યારે પ્રવૃત્તિ-નિવૃત્તિ- બન્નેથી અતીત સહજ અવસ્થા, જે તત્ત્વને આભારી છે. ક્રિયાને આભારી એવી અવસ્થા નથી તેને પામે છે. આથી સાધકને શરીર આદિક ઉપકરણો સાથે સંબંધ વિચ્છેદ કરવાની જરૂર છે. ક્રિયાની સાથે સંબંધ વિચ્છેદ કરવાની જરૂર નથી.
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रय: પૂર્વના શ્લોકમાં ભગવાને સિદ્ધ પુરુષોને માટે કહ્યું કે तस्य कार्यं न विद्यते તેને માટે કોઈ કર્તવ્ય નથી. તેનું કારણ બતાવતાં ભગવાને આ શ્લોકમાં ત્રણ વાતો કહી છે. (૧) કર્મ કરવા સાથે તેને કોઈ પ્રયોજન નથી રહેતું. (૨) કર્મ ન કરવા સાથે પણ તેને કોઈ પ્રયોજન નથી રહેતું. (૩) કોઈપણ પ્રાણી સાથે પણ તેને સ્વાર્થ સંબંધ નથી રહેતો. જ્યાં સુધી મનુષ્યમાં કરવાનો રાગ છે, મેળવવાની ઈચ્છા, જીવવાનો અભિનિવેશ અને મરવાનો ભય રહે છે ત્યાં સુધી તેના પર કર્તવ્ય બજાવવાની જવાબદારી રહે છે. જેનામાં કોઈપણ ક્રિયા કરવાનો અથવા ન કરવાનો દુરાગ્રહ નથી (રાગ નથી અર્થાત્પરમાત્મા, શાસ્ત્ર કે સંત પુરુષની પ્રેરણાથી જે કાંઈ કરે છે) કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. જીવિતવ્યનો અભિનિવેશ નથી અને મૃત્યુથી ડર નથી. તેને માટે શાસ્ત્ર કોઈ શાસન કરતું નથી તો પણ તેનાથી આપ મેળે પોતાનું ને પારકાનું હિત થાય તેવું કર્તવ્યકર્મ થતું રહે છે. જ્યાં અકર્તવ્ય થવાની સંભાવના હોય (અર્થાત્રાગ આદિથી જ અકર્તવ્ય થવા સંભવ છે) ત્યાં જ કર્તવ્ય પાલનની શાસ્ત્ર કે મહાપુરુષોને પ્રેરણા આપવી પડે છે. સુખ લોલુપતાથી મનુષ્ય કર્તવ્યને ભૂલે છે. જો તે નિઃસ્વાર્થ ભાવથી ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરીને પોતાની સુખ લોલુપતા દૂર કરી દે તો જીવનના બધાં દુઃખોથી છુટકારો મેળવીને પરમ શાંતિને પ્રાપ્ત થઈ શકે છે. જે પરમશાંતિ પામવાનો બધાને સમાન અધિકાર છે.
तस्मादसक्त: सततं कार्यं कर्म समाचर।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुष:।।१९।।
અર્થઃ આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશાં કર્તવ્યકર્મોને સમ્યક્રીતે કરતો રહે, કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે.
तस्मादसक्त: सततं कार्यं कर्म समाचर આગળના ૧૭ અને ૧૮ શ્લોકોમાં વર્ણવેલ સ્થિતિ મેળવવા સાધકે શું કરવું જોઈએ? તેના અનુસંધાનમાં આ શ્લોકમાં બતાવે છે
तस्मात् શબ્દથી આગળના ઉપદેશનો ઉપસંહાર કરતાં ભગવાન અર્જુનને કહે છે કે, તું પણ તે મહાપુરુષોની જેમ જ કર્મ કર અને તું પરમ કલ્યાણને પામીશ. પરમાત્મા અને ભગવાનના ભક્તને માટે કર્મ કરવાથી અંતરના તમામ રાગ દૂર થાય છે.
પોતાના સ્વરૂપથી વિજાતીય (જડ) પદાર્થો પ્રતિ આકર્ષણને આસક્તિ કહેવામાં આવે છે. આસક્તિ રહિત બનવા માટે આસક્તિના કારણને જાણવું ઘણું જરૂરી છે. ‘હું શરીર છું અને શરીર મારું છે’ એવું માનવાથી શરીર વગેરે નાશવાન પદાર્થોનું મહત્ત્વ અંતઃકરણમાં અંકિત થઈ જાય છે. આને કારણે તે પદાર્થોમાં આસક્તિ થઈ જાય છે.
આસક્તિ જ પતનનું કારણ છે, કર્મ નહિ. આસક્તિને કારણે મનુષ્ય શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જડ પદાર્થો સાથે પોતાનો સંબંધ માનીને પોતાના આરામ અને સુખભોગને માટે જાતજાતનાં કર્મો કરે છે. આ રીતે જડ પદાર્થો સાથે આસક્તિપૂર્વક માનેલો સંબંધ જ મનુષ્યના વારંવાર જન્મમરણનું કારણ બને છે. कारणं गुणसङगोऽस्य सदसद्योनि जन्मसु (૧૩/૨૧) આસક્તિ રહિત થઈ કર્મ કરવાથી જડતા સાથે સંબંધ તૂટી જાય છે અને પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત થાય છે. આસક્તિવાળો મનુષ્ય બીજાનું હિત નથી કરી શકતો. જ્યારે આસક્તિ રહિત થવાથી આપમેળે બીજાનું હિત થયા કરે છે. પરમાત્મા થકી આપણને જે સામગ્રી પ્રાપ્ત થઈ છે, તેનાથી આપણે અત્યાર સુધી પોતાના સ્વાર્થને માટે જ કર્મો કર્યાં છે. તે સામગ્રીને પોતાના સુખભોગ અને સંગ્રહ માટે યોજ્યા છે. તેથી આપણા ઉપર ઋણ છે. જેને ચૂકવવા માટે કેવળ ભગવાન અને ભગવાનના ભક્તને માટે કર્મ કરવું આવશ્યક છે. પોતાના માટે ફળની કામના કરીને કર્મ કરવાથી જૂનું ઋણ સમાપ્ત થતું નથી પણ વધારાનું ઋણ માથે ચડે છે. તેને કારણે વારંવાર સંસારમાં આવવું પડે છે. પરમાત્માને માટે કર્મો કરવાથી જૂનું ઋણ સમાપ્ત થઈ જાય છે અથવા પરમાત્મા માફ કરી દે છે અને પોતાને માટે કાંઈ ન કરવાથી અને કાંઈ ન ઈચ્છવાથી નવું ઋણ ઉત્પન્ન થતું નથી. ત્યારે મનુષ્ય આપોઆપ મુક્ત દશાને પામી જાય છે.
કોઈપણ આદરેલું કર્મ નિરંતર રહેતું નથી પણ તે કર્મ અંગે અથવા તેના ફળ અંગે સેવેલી આસક્તિ કાયમ રહે છે. એટલા માટે અહીં ભગવાને ‘सततं असक्त:’ પદો વાપર્યાં છે. ‘મારે કયાંય પણ આસક્ત નથી થવું’. એવી સતત જાગૃતિ સાધકે રાખવાની છે. નિરંતર આસક્તિ રહિત થઈને જે વિહિત કર્મ સામે આવી જાય તેને કર્તવ્ય માત્ર સમજીને ભગવાન કે ભગવાનના ભક્તની સેવામાં આયોજીને કરવું જોઈએ. એવો એ પંક્તિનો ભાવ છે.
વાસ્તવમાં જોવામાં આવે તો પદાર્થ-વસ્તુને ઉદ્દેશીને આસક્તિ કરવામાં આવે છે તે પદાર્થ તો નિરંતર રહેતો નથી; છતાં આસક્તિ નિરંતર રહે છે. તેનું કારણ એ છે કે પોતે માનેલા અહંની સાથે આસક્તિનો એક છેડો જોડાયેલો છે અને આસક્તિ અહંને આધારે સંપૂર્ણપણે જીવિત રહે છે. સામેનો પદાર્થ તો તેની પુષ્ટિ કરનારો છે. જીવનરસ પૂરો પાડનાર તો અહં છે અને તે તો થોડીવારમાં દૂર થનારો છે નહિ. માટે આસક્તિ અહંને આધારે સતત જીવિત રહે છે.
कार्यम्-અર્થાત્કર્તવ્ય તેને કહે છે જેને આપણે કરી શકીએ અને આપણે કરવું જોઈએ. બીજા શબ્દોમાં કર્તવ્યનો અર્થ થાય છે, પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને ભગવાન અને ભગવાનના ભક્તના હિતમાં કર્મ કરવું. અર્થાત્તેઓની શાસ્ત્રવિહિત અને ન્યાયયુક્ત માંગને પૂરી કરવી. જેને પૂરી કરવાનું સામર્થ્ય આપણામાં હોય છે. આ રીતે કર્તવ્યનો સંબંધ પરહિત સાથે છે. તેનાથી પણ વધારે કહો તો તેનો સંબંધ પરમાત્મા સાથે કરવાનો છે. જ્યારે સ્વાર્થનો સંબંધ બંધન માટે અને વારંવાર સંસારમાં આવવા માટે છે. દુઃખ ભોગવવા માટે છે. કર્તવ્યનું પાલન કરવામાં બધા સ્વતંત્ર અને સમર્થ છે, કોઈ પરતંત્ર અને અસમર્થ નથી. હા, પ્રમાદ અને આળસને કારણે અકર્તવ્યનો ખરાબ અભ્યાસ થઈ જવાને કારણે અને ફળની ઈચ્છા રહેવાને કારણે કર્તવ્યપાલન કઠણ માલૂમ પડે છે. અન્યથા કર્તવ્યપાલન સુગમ છે. ખરેખર તો અકર્તવ્યપાલન અઘરું છે. માણસને ચોરી કરવામાં જેવી મહેનત કરવી પડે છે, જતન કરવું પડે છે; તેવી મહેનત અને જતન દાનમાં કરવી પડતી નથી. કર્તવ્યનો સંબંધ પરિસ્થિતિ અનુસાર હોય છે. પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં કર્તવ્યપાલન કરી શકે છે. કર્તવ્યનું યથાર્થ પાલન કરવાથી જ આસક્તિ-વાસનાઓ દૂર થાય છે. અકર્તવ્ય કરવાથી અને કર્તવ્ય ન કરવાથી આસક્તિ અને વાસનાઓ વધે છે અર્થાત્ભગવાન અને ભગવાનના ભક્તના અર્થે કરવાથી વર્તમાનની આસક્તિ અને તેનું કોઈ ફળ ન ઈચ્છવાથી ભવિષ્યની આસક્તિ દૂર થઈ જાય છે.
समाचर-પદનું તાત્પર્ય એમ છે કે કર્તવ્યકર્મો બહુ જ સાવધાની, ઉત્સાહ અને તત્પરતાથી વિધિપૂર્વક કરવાં જોઈએ. કર્તવ્યકર્મ કરવામાં થોડી પણ અસાવધાની થતાં કર્મયોગની સિદ્ધિ થતી નથી અને તે કર્મયોગ પણ રહેતો નથી.
વર્ણ, આશ્રમ, પ્રકૃતિ અને પરિસ્થિતિ અનુસાર જે મનુષ્યને માટે જે શાસ્ત્રવિહિત કર્તવ્યકર્મ બતાવવામાં આવ્યું છે, અવસર પ્રાપ્ત થતાં તેને માટે તે જ ‘સહજ કર્મ’ બને છે અને સહજ કર્મમાં જો કોઈ દોષ દેખાઈ આવે તો પણ તેનો ત્યાગ નહિ કરવો જોઈએ. (ગી. ૧૮/૪૮) કેમે કે સહજ કર્મને કરતો રહીને મનુષ્ય પાપને પ્રાપ્ત નથી થતો. (૧૮/૪૭) તેથી ભગવાન અર્જુનને એમ કહી રહ્યા છે, તું ક્ષત્રિય છો. આથી યુદ્ધ કરવું (ઘોર દેખાવા છતાં) તે તારે માટે સહજ કર્મ છે, ઘોર કર્મ નથી. આથી સામે આવેલા સહજ કર્મને અનાસક્ત થઈને કરી દેવું જોઈએ. અનાસક્ત થઈને કરવાથી યોગ પ્રાપ્ત થાય છે.
અહીં વિશેષ વાત એ છે કે જીવ જ્યારે મનુષ્ય યોનિમાં જન્મ લે છે ત્યારે તેને શરીર, ધન, જમીન, મકાન વગેરે સામગ્રી મળે છે અને જ્યારે તે અહીંથી જાય છે ત્યારે બધી સામગ્રી અહીં રહી જાય છે. આટલી સીધી સાદી વાતથી એટલું સિદ્ધ થાય છે કે શરીર વિગેરે સામગ્રી મળેલ છે તે પોતાની નથી. જેમ મનુષ્ય કાર્ય કરવા કોઈ કાર્યાલય (ઓફિસ)માં જાય છે ત્યારે તેને ખુરશી, ટેબલ, કાગળ વગેરે બધા સામગ્રી કાર્યાલયનું કામ કરવા માટે મળે છે. પોતાનું માનીને ઘેર લઈ જવા માટે નથી મળતું. તેવી જ રીતે મનુષ્યને સંસારમાં શરીર વગેરે સામગ્રી પરમાત્માનું કામ કરવા માટે પરમાત્માએ આપી છે, પોતાની માનવા માટે નહિ. મનુષ્ય તત્પરતા અને ઉત્સાહપૂર્વક ઓફિસનું કામ કરે તો તેને કામના બદલામાં વેતન (પગાર) મળે છે અને જે કાર્ય થાય છે તે ઓફિસનું ગણાય છે અને વેતન પોતાનું ગણાય છે. એવી જ રીતે પરમાત્મા માટે અને ભગવાનના ભક્ત માટે બધાં કામ કરવાથી ભગવાન સાથે દૃઢ સંબંધ થઈ જાય છે. (નિર્વિકલ્પ નિશ્ચય થઈ જાય છે) તેને યોગ કહેવાય છે અને સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે. આમ કર્મ અને યોગ મળીને કર્મયોગ કહેવાય છે. કર્મ-આ લોકમાં ભગવાન અથવા ભગવાનના ભક્તના ફાયદામાં જાય છે અને યોગ (નિર્વિકલ્પ સ્થિતિ) પોતાને પ્રાપ્ત થાય છે અને આ યોગ જ તે સાધક-મુમુક્ષુને માટે વેતન છે.
સંસાર કર્મક્ષેત્ર મનાય છે અર્થાત્સાધનાનું ક્ષેત્ર છે. અહીં પ્રત્યેક સામગ્રી પરમાત્માની સાધના માટે મળી છે. ભોગ અને સંગ્રહ માટે કદાપિ નહિ. સાંસારિક સામગ્રી પોતાની અને પોતાને માટે છે જ નહિ. પોતાનું જો માનવા જેવું હોય તો એક પરમાત્મા છે અને તેના સાચા ભક્ત છે. જે મેળવ્યા પછી બીજી અન્ય કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા રહેતી નથી. અર્થાત્ન રહેવી જોઈએ. (ગી. ૬/૨૨) જ્યારે સાંસારિક વસ્તુઓ ગમે તેટલી પ્રાપ્ત થઈ જાય તો પણ તેને વધુ મેળવવાની તૃષ્ણા કદી દૂર થતી નથી. ઊલટાની વધતી જાય છે.
જ્યારે મનુષ્ય મળેલી સામગ્રીને પોતાની અને પોતાના માટે માની લે છે ત્યારે પોતાની આ ભૂલને કારણે બંધાઈ જાય છે. (૩/૯) આ ભૂલને દૂર કરવા માટે નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગનું અનુષ્ઠાન જ સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે. નિષ્કામ સેવાયોગી કોઈપણ સામગ્રીને પોતાની અને પોતાના માટે નહિ માનીને પરમાત્મા અને પરમાત્માના સાચા આરાધકોની સેવામાં લગાડી દે છે. આથી સુગમતાપૂર્વક સંસાર સંબંધથી મુક્ત થઈ જાય છે.
કર્મ તો બધા જ પ્રાણીઓ કર્યા કરે છે પણ સાધારણ પ્રાણી અને નિષ્કામ સેવાયોગી દ્વારા કરવામાં આવેલ કર્મોમાં ઘણું મોટું અંતર હોય છે. સાધારણ મનુષ્ય-કર્મ કરનાર-આસક્તિ, મમતા, વ્યક્તિગત સ્વાર્થ અને દુરાગ્રહ વગેરે રાખીને કર્મો કરે છે. જ્યારે નિષ્કામ કર્મયોગી છે તે આસક્તિ, મમતા, અંગત સ્વાર્થ, અને દુરાગ્રહ છોડીને કર્મ કરે છે અર્થાત્સેવા કરે છે. સાધારણ કર્મ કરનારનાં કર્મોનો પ્રવાહ (અર્થાત્કર્મોના સીધા અને આડકતરા ફળનો પ્રવાહ) પોતાના તરફ હોય છે. જ્યારે નિષ્કામ સેવાયોગીના કર્મનો પ્રવાહ (અર્થાત્કર્મોના સીધા અથવા આડકતરા ફળનો પ્રવાહ) ભગવાન અથવા ભગવાનના સાચા ભક્તોના ફાયદામાં હોય છે. તેથી કર્મ કરનારો બંધાય છે અને કર્મયોગી મુક્ત થાય છે.
असक्तो ह्याचरन्कर्म-મનુષ્ય જ આસક્તિપૂર્વક સંસાર સાથે પોતાનો સંબંધ જોડે છે; સંસાર નહિ. આથી મનુષ્યનું પરમ કર્તવ્ય છે કે પરમાત્મા અથવા પરમાત્માના સાચા ભક્તને માટે બધાં જ કર્મો કરે અને બદલામાં તેનું કોઈ ફળ ન ઈચ્છે. એ રીતે આસક્તિ રહિત થઈને અર્થાત્આ કર્મોના બદલામાં એટલે સેવાના બદલામાં મારે ભગવાન અને ભગવાનના ભક્તોની પ્રસન્નતા સિવાય કોઈ લાભ જોઈતો નથી અને મળે તો તેનો ત્યાગ કરવો છે. એવા ભાવથી કર્મ કરવાથી સંસાર સાથેનો સંબંધ આપોઆપ વિચ્છેદ થઈ જાય છે અને તે પુરુષ નિર્વાસનિક બને છે અને પરમાત્મા સાથેનો તેનો સંબંધ દૃઢ બની જાય છે. ભગવાનના કોઈક ઉત્સવમાં આખો દિવસ માનમોટાઈ કે ભોગમાં રસ લીધા વિના સખત પરિશ્રમ કરીને જેણે સેવા કરી હોય તે રાત્રે સૂતી વખતે તેને કાંઈ યાદ આવતું નથી. એક ભગવાન જ યાદ આવે છે. તેનો સેવકભાવ ઊલટો દૃઢ બની જાય છે. કારણ કે સેવા કરતી વખતે તેણે કોઈ વસ્તુની ઈચ્છા રાખી ન હતી. તેથી તે સેવા તેને પરમાત્માની યાદ દેવરાવનારી બને છે. સંસારની યાદ દેવરાવનારી થતી નથી. જો સૂતી વખતે સાંસારિક ભાવો યાદ આવે છે તો તેને સેવા કરતાં સાંસારિક ભાવમાં વધુ રસ હતો એવું જાણવું અને તે રસ ઓછો કરીને સેવકરસ વધારતા શીખવું જોઈએ તો તે પરમ નિર્વાસનિક બની જાય છે. આસક્તિ રહિત થઈને કર્તવ્ય કરવાથી આપોઆપ વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. ‘ધર્મ તે વિરતિ’(માનસ ૩/૧૬/૧) અને પરમ કલ્યાણને પામી જાય છે.
परमाप्नोति पूरुष: તે પરમ કલ્યાણને પામે છે અર્થાત્જે કાંઈ છેલ્લી પ્રાપ્તિ છે તેને પામે છે. તેમાં એવું નથી કે ભક્તિયોગ, જ્ઞાનયોગથી કાંઈ અધિક પામે છે અને કર્મયોગથી કિંચિત્ન્યૂન પ્રાપ્ત કરે છે. એ વસ્તુ બતાવવા ભગવાનને परम શબ્દ વાપરવો પડયો છે.
અહીં એક શંકા ઉદ્ભવે છે કે, કર્મ કરતાં કરતાં કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગીનું કર્તૃત્વાભિમાન કેવી રીતે દૂર થઈ શકે છે? જ્ઞાનયોગમાં તો કર્મ છોડી દેતાં કર્તૃત્વાભિમાન દૂર થવાનો સંભવ વધારે રહે છે પણ અહીં તો કર્મ કરવાને ઊલટો વેગ આપ્યો છે, ત્યારે કર્તૃત્વાભિમાન કેમ દૂર થાય? જ્યાં સુધી કર્તૃત્વાભિમાન દૂર ન થાય ત્યાં સુધી પરમાત્માનો અનુભવ થઈ શકતો નથી.
તો એનું સમાધાન એ છે કે કતૃત્વનો આધાર છે ભોગેચ્છા. ભોકતૃત્વ ઉપર કર્તૃત્વનો નિભાવ થાય છે. જે સાધકે કર્મ કરવા પાછળ પોતાના ભોગને ચિંતવ્યા નથી અને પોતાના ભોગ-પ્રયોજન માટે કર્મ કરતો નથી પણ ભગવાન કે ભગવાનના ભક્તના ફાયદામાં કર્મ કરે છે તે પોતાના અંગત માન મોટાઈનું પણ પ્રયોજન રાખતો નથી. તેથી કર્તવ્યકર્મ કરવા છતાં ઉપરથી દેખાતું કર્તૃત્વાભિમાન નિર્મૂળ થઈ જાય છે. સાધારણ મનુષ્યો પોતાનાં સ્વાર્થપૂર્તિ માટે જ કર્મ કરે છે અને જ્યાં સુધી કોઈપણ પ્રકારની સ્વાર્થપૂર્તિ છે ત્યાં સુધી કર્તૃત્વાભિમાન દૂર થવું અશક્ય બની રહે છે. કર્મયોગી કે નિષ્કામ સેવાયોગી સતત કર્મ કરે, ક્રિયા કરતો જ રહે છે; છતાં તે પોતાનો સ્વાર્થ છોડીને ભગવાન અને ભગવાનના ભક્તના ફાયદા માટે જ ક્રિયા કરતો રહે છે, પોતાને માટે નહિ. તે એમ માને છે કે ભગવાન પાસેથી શરીર, ઈન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ, રૂપિયા વગેરે સામગ્રી મળી છે. જે પરમાત્માની છે, મારી નથી. અવસર પ્રાપ્ત થતાં તે સામગ્રી, સમય અને સામર્થી તેઓની સેવામાં જોડી દે છે. તેમની છે અને તેમની સેવામાં લગાડવાથી તેની શુભ ક્રિયાનું પણ અભિમાન રહેતું નથી. તેથી તે કર્તૃત્વાભિમાન તેને બંધન ઊળું કરતું નથી. નિષ્કામ સેવક ભોગની આશા રાખીને સેવા કરતો નથી અને અંતરમાં ભોગની આશાવાળો મનુષ્ય કર્મયોગી થઈ શકતો નથી.
એક એવો નિયમ છે કે જે ઉદ્દેશ્યને લઈને કર્મમાં પ્રવૃત્ત થાય છે તે કર્મની સમાપ્તિ થતાં જ તે તે લક્ષ્મમાં તલ્લીન થઈ જાય છે. જેમ વેપારી ધનના ઉદ્દેશ્યથી આખો દિવસ વેપાર કરે છે. તેથી દુકાન બંધ કરતાની સાથે જ આપોઆપ તેનું ધ્યાન રૂપિયા તરફ જાય છે અને તે રૂપિયા ગણવામાં કે તેની સલામત વ્યવસ્થા કરવામાં નિમગ્ન બની જાય છે. તેનું લક્ષ્ય તે તરફ નથી જતું કે આજ કયા કયા ગ્રાહકો, કઈ કઈ જાતિના હતા વગેરેમાં ધ્યાન જતું જ નથી. કોની પાસેથી પણ કેટલું આવ્યું તેમાં જ ધ્યાન કેન્દ્રિત બની જાય છે. આ રીતે કર્તા-ધ્યેયમાં કેન્દ્રિત બનીને કર્મ સમાપ્ત થતાં ઉદ્દેશ્યની સાથે એકતા સાધી લે છે, ત્યારે કર્તૃત્વાભિમાનનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.વળી નિષ્કામ સેવકનું જે ઉદ્દેશ્ય-પરમાત્માની પ્રાપ્તિ છે. તેની સાથે એકતા થતી હોવાથી પરમાત્મામાં કોઈ પ્રકારનું અભિમાન ન હોવાથી સાધકમાં પણ કર્તૃત્વાભિમાન રહેવા સંભવતું નથી.
પ્રાણીમાત્ર દ્વારા કરેલા પ્રત્યેક નાનાં અથવા મોટાં કર્મનો આરંભ અને અંત હોય છે. કોઈ પણ કર્મ નિરંતર નથી રહેતું. આમ કોઈનું ય કર્મ નિરંતર નથી રહેતું; પરંતુ કર્મનો અંત થવાની સાથે કર્તતૃત્વનો પણ અંત થઈ જાય છે. આમ થવું જોઈએ એ કુદરતી પ્રક્રિયા છે; પરંતુ મનુષ્યની ભૂલ એ થાય છે કે જ્યારે તે કોઈ ક્રિયાને કરે છે ત્યારે તો પોતાને એ ક્રિયાનો કર્તા માને જ છે. જ્યારે એ ક્રિયાને નથી કરતો અથવા છોડી દે છે અથવા ક્રિયા સમાપ્ત થઈ જાય છે ત્યાર પછી પણ પોતાને જ્યારે ક્રિયા કરતો હોય તેવો જ કર્તા માનતો રહે છે. આ રીતે નિરંતર તેના ઉપર કર્તૃત્વાભિમાન સવાર થઈને બેસી રહે છે, એટલે કર્તૃત્વાભિમાન દૂર થતું નથી. ઊલટાનું કિ્રયાની ગેરહાજરીમાં પણ મનન-નિદિધ્યાસ થઈને દૃઢ થઈ જાય છે. જેમ કોઈ પ્રખર વક્તા-વ્યાખ્યાન કરતી વખતે પોતાને વક્તા માને છે તે ઠીક છે. ત્યારે તો તે વકતા હોય છે પણ બીજા સમયે પણ તે પોતાને વક્તા માનતો રહે છે. વ્યાખ્યાન પૂરું થઈ જવા છતાં તેનું કર્તૃત્વભિમાન દૂર થતું નથી ને પોતાને નિરંતર વ્યાખ્યાનદાતા માનવાથી પોતાના મનમાં અખંડ એવો ભાવ બની રહે છે કે શ્રોતા મારી સેવા કરે, મારો આદર કરે, મારી જરૂરિયાતો પૂરી પાડે. ‘હું સાધારણ આદમી સાથે કેમ બેસી શકું? તથા સાધારણ કામ કેમ કરી શકું?’ આ રીતે તેનો વ્યાખ્યાનરૂપી કર્મની સાથે નિરંતર સંબંધ ચાલુ રહે છે. એનું કારણ એ છે કે વ્યાખ્યાનરૂપી કર્મથી ધન, માન, બડાઈ, આરામ વગેરે કંઈક મેળવવાનો તેને ભાવ હોય છે. જો પોતાને માટે કાંઈ મેળવવાનો ભાવ ન હોય તો કર્તાપણું કેવળ કર્મ થતું હોય ત્યાં સુધી જ સીમિત રહે છે અને કર્મ સમાપ્ત થતાં જ કર્તાપણું પોતાના ઉદ્દેશ્યમાં વિલીન થઈ જાય છે.
જેવી રીતે વ્યક્તિ ભોજન કરતી વખતે જ પોતાને ભોજન કરવાવાળો માને છે અને તેને અંગે જરૂરી વસ્તુ ડીશ-પાણી વગેરેની ચાહના ત્યાર પૂરતી રહે છે. ભોજન કર્યા બાદ સમાપ્ત થઈ જાય છે. તેવી જ રીતે કર્મયોગી કોઈ ક્રિયાને કરતી વેળાએ જ ક્રિયાની હાજરીમાં જ પોતાને ક્રિયા સાથેનો સંબંધ માને છે; પરંતુ ક્રિયાની ગેરહાજરીમાં ક્રિયાનો પોતાની સાથે સંબંધ માનતો નથી. જેમ કોઈ કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગી હોય અને તે વ્યાખ્યાનદાતા હોય. તેની લોકોમાં બહુ પ્રતિષ્ઠા હોય; પરંતુ કદી વ્યાખ્યાન સાંભળવાનો સમય આવી જાય તો તે ગમે ત્યાં સાધારણ માણસોની સાથે બેસીને પણ સુગમતાપૂર્વક બીજાનું વ્યાખ્યાન સાંભળી શકે છે. તે સમયે તેને આદરની કે ઊંચા આસનની જરૂરત પડતી નથી. ત્યારે તે પોતાને શ્રોતા માનતો હોય છે. વ્યાખ્યાનદાતા નહિ. વ્યાખ્યાન દીધા પછી કોઈ ઓરડો સાફ કરવાનું પ્રાપ્ત થઈ જાય તો નિષ્કામભાવે વ્યાખ્યાન જેટલી જ તત્પરતાથી કરવા લાગી જશે. તેને એવો ભાવ નથી થતો કે આવું સરસ વ્યાખ્યાન આપનારો હું આ ઓરડાની સફાઈનું તુચ્છ કામ કેમ કરી શકું? લોકો શું કહેશે? મારી આબરૂ શું? જ્યારે જે કર્તૃત્વાભિમાનની સાથે ચોંટી નથી ગયો એવો નિષ્કામ કર્મયોગી વ્યાખ્યાન કરતી વખતે વ્યાખ્યાનદાતા, સાંભળતી વખતે શ્રોતા અને ઓરડો સાફ કરતી વખતે સાફ કરવાવાળો પોતાને માને છે. આથી તેને કોઈ પણ ક્રિયાનું કર્તૃત્વાભિમાન ચોટી રહેતું નથી. ક્રિયા બદલતાની સાથે બદલાવ થતો હોવાથી પોતાના અંતરમાં કોઈ પણ કર્તૃત્વાભિમાન રૂઢ થતું નથી અને ગમે ત્યારે દૂર કરી શકે છે. આવી જ રીતે વસ્તુ સાથેનો પોતાનો સંબંધ તથા વ્યક્તિ સાથે (દુન્યવી) પોતાનો સંબંધ જે નાશવંત સ્વભાવને લઈને બદલાતો રહે છે. તેને ધ્યાનમાં રાખીને કોઈ એક જગ્યાએ સંસારમાં આસક્તિ જામતી નથી; પરંતુ પરમાત્મા અને તેના ભક્તનો સંબંધ કાયમી જાણે છે અને તેમાં તેને આસક્તિ જામે છે. જે તેના કલ્યાણનું કારણ બને છે. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત પર દૃષ્ટિ જતાં જ સાધકને વાસ્તવિકતાનો અનુભવ થાય છે ને કર્મ કરવા છતાં, સંબંધો જાળવવા છતાં, માલ મિલકતો વસાવવા છતાં કર્તૃત્વાભિમાનથી રહિત, નિર્બંધપણે વર્તાય છે.
કર્મયોગી-નિષ્કામ સેવાયોગી દરેક ક્રિયાઓને તે જ ભાવથી દેખે છે, જે ભાવથી નાટકવાળા પોતાનું પાત્ર ભજવે છે. જેમ નાટકમાં હરિશ્ચંદ્રનું પાત્ર કોઈ નટ ભજવતો હોય તો નાટક પૂરતું જ તે અનુસંધાન હોય. નાટક સમાપ્ત થતાં તે નટને હરિશ્ચંદ્રના પાત્ર સાથેનો સંબંધ પૂરો થઈ જાય છે. છતાં જો પોતે હરિશ્ચંદ્રના સ્વાંગને ચોટી રહે તો વિટંબણા ઊભી થશે. દિવસે તે વ્યવસ્થામાં રજવાડી સગવડ મળવી મુશ્કેલ થશે ને હરિશ્ચંદ્ર વ્યવહારમાં વિશ્વામિત્ર મળ્યા પહેલાં પણ દુઃખી દુઃખી થઈ જશે ! નટને કદી તેવું થતું નથી; પરંતુ માણસને વાસ્તવિક જિંદગીમાં કયારેક તેવું થતું હોય છે. માટે નિષ્કામ કર્મયોગને જે સાધક પામે છે તેનું કર્તાપણું હરિશ્ચંદ્રના સ્વાંગની જેમ ક્રિયા પૂરી થતાં સંબંધ છૂટી જાય છે. જેમ હરિશ્ચંદ્રનું પાત્ર ભજવનારો હરિશ્ચંદ્રની દરેક ક્રિયાઓ-ચેષ્ટાઓ અદલ કરવા છતાં પોતાને હરિશ્ચંદ્ર માનતો નથી. છતાં ક્રિયા-ચેષ્ટામાં રંચમાત્ર ફેર પડવા દેતો નથી. તેવી જ રીતે નિષ્કામ સેવક શાસ્ત્રવિહિત પોતાનું સઘળું કર્તવ્ય કર્મ નિભાવતો હોવા છતાં પોતાને તેનો કર્તા નથી માનતો. નિષ્કામ સેવાયોગી શરીર વગેરે તમામ સામગ્રીને હરિશ્ચંદ્રના સ્વાંગની માફક પોતાની અને પોતાને માટે નહિ માનીને પરમાત્માની સેવાની સામગ્રી સમજી તેની સેવામાં લગાડે છે અથવા તેમના અનન્ય ભક્તની સેવામાં લગાડે છે. તેથી તેવા સાધકને કર્તૃત્વાભિમાનથી બાધ થતો નથી. નિષ્કામ કર્મયોગી જેમ ક્રિયાની સાથેનો પોતાનો અંગત સંબંધ છોડી દે છે, તેવી જ રીતે સંસારમાં સ્ત્રી, પુત્ર, માતાપિતા વગેરે સાથેનો સંબંધ પણ મનથી છોડી દે છે. પોતાની જવાબદારી અદા કરે છે. બીજો જવાબદારી (કર્તવ્ય) બરાબર પાલન કરે છે કે નહિ તે બહુ જોતો નથી. બીજાનું કર્તવ્ય જોવા જતાં માણસ પોતાના કર્તવ્યને મોટે ભાગે ભૂલી જાય છે. માટે બીજાનું કર્તવ્ય જોવું એ પોતાનું કર્તવ્ય નથી. પોતાનું કર્તવ્ય નિભાવવું એ પોતાનું કર્તવ્ય છે. એવી રીતે નિષ્કામ સેવક કર્તૃત્વાભિમાનથી પણ બચી શકે છે.
માર્મિકભાવ એ છે કે જેનામાં કર્તૃત્વાભિમાન નથી તેને જ પરમાત્મા સાથે એકરસતા થાય છે. કારણ કે પરમાત્માને સમગ્ર સૃષ્ટિનું સજર્ન, પાલન કરવા છતાં તેનું અભિમાન અડતું નથી. આમ બે ક્રિયાની વચમાં સક્રિય અવસ્થા અને સાથે સાથે કર્તૃત્વાભિમાન શૂન્યતાની વ્યવસ્થા પરમાત્માએ કરેલી છે પણ માણસ તેની અવગણના કરીને કર્તૃત્વાભિમાનને ચોટી રહે છે.
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि।।२०।।
અર્થઃ જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા છે. તેથી તથા લોકસંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત્તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે.
આસક્તિ રહિત થઈને સેવા કરવાથી અર્થાત્પોતાને માટે કાંઈ ન કરવાથી શું કોઈ પરમાત્માને પામી ગયા છે ? તેનો ઉત્તર ભગવાન આ શ્લોકમાં આપે છે.
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।
‘આદિ’ શબ્દનો અર્થ પ્રવૃત્તિ-આરંભ અને પ્રકાર બન્નેનો વાચક છે. તેમાં અહીં ‘પ્રકાર’ એવા અર્થમાં આદિ શબ્દ વપરાયો છે. જનકાદિ રાજાઓ પણ કર્મયોગ દ્વારા જ પરમ સિદ્ધિને પામી ગયા છે. કારણ કે તેઓએ કેવળ બીજાની સેવા કરવા માટે જ, બીજાને (પ્રજાને) સુખ પહોંચાડવા માટે જ રાજ્ય કર્યું હતું. પોતાના સુખ માટે કર્યું ન હતું. આથી એવું પણ સિદ્ધ થાય છે કે કર્મયોગ-નિષ્કામ સેવાયોગ-મુકિતનું એક સ્વતંત્ર સાધન છે. તે બીજાં સાધનોની અપેક્ષા વિના એકલો પણ મુક્તિ આપવા સમર્થ છે. જનક જેવા રાજાઓ એટલે કે જનકના પહેલાના અને પછીના આજ સુધી થઈ ચૂકેલા રાજાઓ ગૃહસ્થાશ્રમમાં રહીને નિષ્કામભાવથી પ્રજામાં ઈશ્વરબુદ્ધિ રાખીને અથવા ઈશ્વરનો આદેશ છે એમ માનીને સેવા કરવાથી અન્ય સાધનોની અપેક્ષા વિના પણ મુક્તિને પામી ગયા છે.
કર્મયોગ બહુ જ પુરાતન યોગ છે. જેના દ્વારા જનક જેવા અનેક મહાપુરુષો પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂકયા છે. આથી વર્તમાનમાં ને ભવિષ્યમાં પ્રાપ્ત કરવા ઈચ્છે તો તેણે પરમાત્મા તરફથી મળેલ પ્રાકૃતિક વસ્તુઓ શરીર વગેરેને કયારેય પોતાની અને પોતાના માટે ન માનવી જોઈએ. વાસ્તવમાં તે પોતાની અને પોતાને માટે છે જ નહિ. તે પરમાત્માની મિલકત છે. આપણને તેમણે આપી છે અને મુક્તિ મેળવવાની શરતથી આપી છે. માટે તેનો ઉપયોગ તેમાં કરવો જોઈએ. તેમ કરવાથી જગત સંબંધ તૂટીને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આથી નિષ્કામ કર્મયોગ અથવા સેવાયોગ પરમાત્મા પ્રાપ્તિનું સુગમ, શ્રેષ્ઠ અને સ્વતંત્ર સાધન છે, એમાં કોઈ સંદેહ નથી. અહીં कर्मणा एव શબ્દોની ‘असक्तो हि आचरन्कर्म’ પદ સાથે સંબંધ છે. અર્થાત્આસક્તિ રહિત થઈને કર્મ કરવા સાથે છે, નિષ્કામ ભાવથી સેવા કરવા સાથે છે. કારણ કે આસક્તિ રહિત થઈને કર્મ કે સેવા કરવાથી જ મનુષ્ય કર્મ બંધનથી મુક્ત થાય છે, કેવળ કર્મ કરવાથી નહિ. કેવળ કર્મ કરવાથી તો પ્રાણી બંધાય છે. कर्मणा बध्यते जन्तु: (મહા. શાં. ૨૪૧/૭)
અહીં ભગવાન कर्मणा एव ને સ્થાને योगेन एव પણ કહી શકતા હતા અને એ વાક્ય વધારે યોગ્ય ગણાત પણ અહીં અર્જુનનો કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવાનો જબરજસ્ત આગ્રહ ચાલ્યો આવે છે તેને ફટકારવા માટે ભગવાન તેના જવાબમાં कर्मणा एव શબ્દ આપી દે છે. વળી આસક્તિ રહિત થઈને કરવામાં આવનારાં કર્મોનો જ વિષય ચાલતો હોવાને કારણે પણ ભગવાન कर्मणा एव પદોનો પ્રયોગ કરે છે. આથી અહીં એ પદોનો અભિપ્રાય કેવળ કર્મોમાં નહિ પણ આસક્તિ રહિત થઈ નિષ્કામ ભાવથી કરવામાં આવેલ કર્મયોગ સાથે જ છે. વાસ્તવમાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ જડ અને ક્રિયારૂપ એવાં કર્મોથી નથી થતી; પરંતુ પરમાત્માની અનુભૂતિમાં અંતરાયો જે છે તેને નિષ્કામ કર્મયોગ દૂર કરે છે અને પછી પરમાત્માની અનુભૂતિ સ્વયંભું પ્રાપ્ત થાય છે. તેથી કર્મયોગ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કહેવામાં આવી છે.
મનુષ્યો સાંસારિક પદાર્થની પ્રાપ્તિની જેમ પરમાત્માની પ્રાપ્તિને પણ કર્મજન્ય માની લે છે. તેઓ એવો વિચાર કરે છે કે જ્યારે કોઈ મોટા-ઉચ્ચ પદાધિકારી મનુષ્યને મળવા માટે પણ આટલો પરિશ્રમ કરવો પડે છે ત્યારે અનંતકોટિ બ્રહ્માંડનાયક પરમાત્માને મળવા માટે તો બહુ જ પરિશ્રમ (તપ, વ્રત વગેરે) કરવા પડે. વસ્તુતઃ સાધક સમાજની આ મોટી ભૂલ છે. લૌકિક પદાર્થની પ્રાપ્તિ જ દુષ્કર છે પણ પરમાત્માની પ્રાપ્તિમાં એવું ગણિત ગણવાની જરૂર નથી. મનુષ્ય યોનિને કર્મયોનિ ગણવામાં આવી છે. તેને કર્મો સાથે ઘનિષ્ઠ સંબંધ પણ છે. એટલા માટે એને કર્મસંગી અર્થાત્કર્મોમાં આસક્તિવાન કહેવામાં આવે છે. रजसि प्रलयं गत्वा कर्मसङगीषु जायते (ગી. ૧૪/૧૫) આજ કારણથી કર્મોમાં મનુષ્યની વિશેષ પ્રવૃત્તિ રહે છે અને તે કર્મો દ્વારા જ મનગમતી વસ્તુને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તથા પ્રારબ્ધનો સાથ લઈને ઈચ્છિત સાંસારિક પદાર્થોને મેળવી પણ લે છે. તેનાથી તેની ધારણા પુષ્ટ થાય છે કે દરેક વસ્તુ કર્મ કરવાથી જ મળે છે અને મળી શકે છે. પરમાત્માના વિષયમાં પણ તેની આવી જ ધારણા રહે છે અને તે પરમાત્માને પણ તે દ્વારા જ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. પરમાત્માની પ્રાપ્તિ કર્મો દ્વારા જ નથી થતી; ભાવ દ્વારા જરૂર થાય છે. પરમાત્મા બધાને માટે સ્વતઃ પ્રાપ્ત છે. દૂર પણ નથી. તેની અનુભૂતિ પ્રાપ્ત કરવા આપણાં મનનો અભિગમ બદલવો જોઈએ. સાંસારિક પદાર્થો કર્મસાધ્ય છે તેથી તેની પ્રાપ્તિ ચિંતનથી નથી થતી. જ્યારે પરમાત્માની પ્રાપ્તિમાં તો ચિંતન જ મુખ્ય છે. ચિંતનથી તે જ વસ્તુ પ્રાપ્ત થાય છે, અનુભવી શકાય છે જે ખૂબ જ સમીપમાં હોય છે. પરમાત્મા આપણને ખૂબ જ સમીપમાં (અંતર્યામી) છે. તેથી તેની અનુભૂતિ ચિંતનથી જ થાય છે. એથી પણ આગળ કહીએ તો પરમાત્મચિંતન પણ જગતચિંતનને દૂર કરીને સમીપમાં રહેલા પરમાત્માની અનુભૂતિ કરાવે છે. પ્રાપ્તિ તો પ્રથમથી જ થઈને રહેલી છે. તેથી સાંસારિક વસ્તુની પ્રાપ્તિનું ગણિત ત્યાં કાર્ય કરતું નથી. સાંસારિક વસ્તુની પ્રાપ્તિ ઈચ્છવા માત્રથી થઈ જતી નથી; પરંતુ પરમાત્માની પ્રાપ્તિ ઉત્કટ અભિલાષા માત્રથી પણ થઈ જાય છે. આવી તીવ્ર ઈચ્છા ઊભી થતી નથી એ જ સમસ્યા છે. આવી ઉત્કટ અભિલાષા ઉત્પન્ન થવામાં સાંસારિક ભોગ અને સંગ્રહની ઈચ્છા જ બાધક છે બીજું કોઈ બાધક છે જ નહિ. જો હાલમાં જ અતિ ઉત્કૃષ્ટ ઈચ્છા જાગૃત થાય તો તુરત પરમાત્માનો અનુભવ પણ થઈ જાય છે.
મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય માત્ર કર્મ કરવું અને તેને ભોગવવું એટલો જ નથી; પરંતુ સાંસારિક ભોગ અને સંગ્રહની ઈચ્છાનો ત્યાગ કરીને પરમાત્મા પ્રાપ્તિની તીવ્ર અભિલાષા જગાડવી એ છે. એ કયારે શકય બને? તો જ્યારે સાધકનો જીવનભરનો એક જ ઉદ્દેશ્ય રહે કે મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. તેના સિવાય અન્ય કોઈ મહત્ત્વ ન રહે. વાસ્તવમાં પરમાત્મા પ્રાપ્તિથી અતિરિકત મનુષ્ય જીવનનું કોઈ પ્રયોજન છે જ નહિ. જરૂર એટલી જ છે કે તેને ઓળખીને પૂરું કરવું. ઉદ્દેશ્ય અને ફલેચ્છા વચ્ચે ભેદ છે તે પ્રથમ સમજી લેવો જરૂરી છે. પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છાને ‘ઉદ્દેશ્ય’ કહેવાય છે. જે નિત્ય પ્રાપ્ત છે, જેમ કે પરમાત્મા પોતે. સાધક પોતાને તેનો સેવક માને. અક્ષરબ્રહ્મની તુલ્યતા ઈચ્છવી. તેને અનુરૂપ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણો મેળવવા વગેરે. જે પરમાત્મા પ્રાપ્તિની જે તીવ્ર ઈચ્છાઓ થાય તો તે ‘ઉદ્દેશ્ય’ કહેવાય છે. તેને કામના કે ફળની ઈચ્છા ન કહેવાય અને અનિત્ય (સાંસારિક) પદાર્થો પછી ભલે તે માન, બડાઈ, કીર્તિ જેવા ભાવાત્મક પણ હોઈ શકે તો પણ આ લૌકિક ભાવો હોવાથી તેના તરફ જરા પણ લક્ષ્ય હોય તો તે ‘કામના’ અથવા ‘ફલેચ્છા’ ગણાય છે. પછી ભલે તે સાક્ષાત્પરમાત્મા થકી જ ઈચ્છતા હોઈએ તો પણ તે કામના કહેવાય છે.‘ઉદ્દેશ્ય’ પૂરો કરવાનો હોય છે. જ્યારે ફલેચ્છા કયારેય પૂર્ણ થતી જ નથી. નવી નવી ઉદ્ભવતી રહે છે. ઉદ્દેેશ્યની દૃઢતા રાખીને સદાકાળ વળગી રહેવાનું હોય છે. જ્યારે કામના કે ફલેચ્છાનો તો ત્યાગ (તુરત જેટલો બને તેટલો જલદી) કરવાનો હોય છે. ઉદ્દેશની પ્રાપ્તિ માટે જે કાંઈ કર્મ-ક્રિયા થાય તે સકામ નથી ગણાતું. પછી ભલે તીવ્ર અભિલાષાથી કરવામાં આવતું હોય. તો પણ તે સકામ નથી ગણાતું. તે તૃષ્ણાનું સ્વરૂપ બનતું નથી. જ્યારે કામના કે ફલેચ્છા ગમે તેટલી ઉચ્ચ કક્ષાની હોય તો પણ તે સકામ જ રહે છે અને તે વધતી વધતી તૃષ્ણામાં પરિણમી જાય છે. તેથી નિષ્કામ કર્મયોગી કે સેવાયોગીના સંપૂર્ણ કર્મો ‘ઉદ્દેશ્ય’ના અનુસંધાને હોય છે, ફલેચ્છાને કારણે નહિ. ફળનો સંબંધ માયિક પદાર્થો સાથે હોય છે. જ્યારે ‘ઉદ્દેશ્ય’નો સંબંધ પરમાત્મા સાથે હોય છે.
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि લોક શબ્દના ત્રણ અર્થ થાય છે. (૧) મનુષ્ય વગેરે લોક (૨) તે લોકમાં રહેવાવાળાં પ્રાણીઓ અને (૩) શાસ્ત્ર. (વેદો સિવાયના બધાં શાસ્ત્રો) તેથી લોકસંગ્રહનો અર્થ એવો થશે કે મનુષ્યલોકની તેમાં રહેતાં સમગ્ર પ્રાણીઓ તથા શાસ્ત્રોની મર્યાદા અનુસારે સર્વના હિતમાં અને તેમને આચરણ દ્વારા ઉચ્ચ માર્ગે દોરવા-એવું ઉપદ્દેશસ્વરૂપ આચરણ કરવું તેને લોકસંગ્રહ કહેવાય છે. લોકસંગ્રહનું તાત્પર્ય છે લોકમર્યાદા ને સુરક્ષિત રાખવા માટે લોકોને અસત્માર્ગ છોડાવીને સન્માર્ગે દોરવા માટે નિઃસ્વાર્થભાવપૂર્વક કર્મ કરવું. તેને લોકસંગ્રહના નામે કહેવામાં આવ્યું છે. આને જ ગીતામાં ‘યજ્ઞાર્થ કર્મ’ પણ કહેવામાં આવ્યું છે. પોતાના આચરણથી તથા વાણીથી લોકોને અસત્થી વિમુખ કરીને સત્ની સન્મુખ કરવા એ બહુ મોટી સેવા છે. કારણ કે સન્માર્ગે જવાથી તેનામાં જીવન સુધારણા તેમજ ઉદ્ધાર પણ થઈ જાય છે.
લોકોને દેખાડવા માટે પોતાનું કર્તવ્યપાલન કરવું એ લોકસંગ્રહ નથી. કોઈ દેખે કે ન દેખે; પરંતુ લોકમર્યાદા પ્રમાણે (શાસ્ત્ર મર્યાદા પ્રમાણે) પ્રશસ્ત આચરણ કરવું પોતાનું કર્તવ્ય બજાવવું એ લોકસંગ્રહ છે.
કોઈપણ કર્તવ્યકર્મ નાનું મોટું નથી હોતું. દેશ, કાળ વગેરેને લઈને સામે આવેલું (नियतं कर्म) કર્મ હંમેશાં મોટું જ હોય છે. કર્મના સ્વરૂપ અને ફળની દૃષ્ટિથી જ કર્મ નાનું કે મોટું, ઘોર કે સૌમ્ય દેખાય છે પણ કર્તવ્યદૃષ્ટિથી તેમાં નાના-મોટા એવો વિભાગ નથી. જેમ કે કર્મના સ્વરૂપની દૃષ્ટિએ સાવરણીથી વાળવું એ નાનું કર્મ છે અને મંચ પર બેસી વ્યાખ્યાન કરવું એ મોટું કર્મ છે. તેવી રીતે કર્મફળની દૃષ્ટિએ ઓછું દાન કરવાનું ઓછું પુણ્ય અને વધારે દાન કરવાનું વધારે પુણ્ય. જ્યારે કર્તવ્યરૂપે તે સામે આવે ત્યારે બધા જ મહાન અને આત્મોદ્ધાર કરનારાં હોય છે.
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।।२१।।
અર્થઃ શ્રેષ્ઠ પુુરુષો જે જે આચરે છે, અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે; તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે.
લોકસંગ્રહ કેવી રીતે થાય છે? તેનું વિવેચન ભગવાન હવે કરે છે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:। શ્રેષ્ઠ પુરુષો જેવું આચરણ કરે છે તેવું બીજા મનુષ્યો પણ આચરણ કરે છે. અહીં શ્રેષ્ઠ પુરુષ કોણ ગણાય ? એટલું સંદિગ્ધ રહ્યું છે. તે કોને ગણવા? તો જે કલ્યાણના માર્ગમાં અગ્રેસર હોય ને વ્યવહારના માર્ગમાં પણ અગ્રેસર હોય, તેને શ્રેષ્ઠ પુરુષ કહેવાય. જે તે ક્ષેત્રમાં જે વ્યક્તિનો પ્રભાવ સીધો અથવા આડકતરી રીતે બીજા પર પડે છે તેવા અર્થમાં શ્રેષ્ઠતાનો ભાવ લેવાનો છે. જે કોઈ ક્ષેત્રના નેતા છે, લીડર છે, જે તે એકમને દોરવણી આપનાર વ્યક્તિ છે. તેની સારી કે નબળી ક્રિયાઓની સીધી અસર તેના અનુગામીઓ ઉપર પડે છે. અહીં મહાન કે સત્પુરુષ શબ્દ વાપર્યો નથી. છતાં ભગવાનનો કહેવાનો ગર્ભિત ભાવાર્થ એ છે કે કોઈ રીતે કુટુંબ, સંસ્થા, રાજ્ય કે કોઈ ભાગમાં આગળની હરોળમાં કોઈ માપદંડથી વ્યક્તિ આવી જાય તો તેના આચરણની બીજાના માનસમાં સ્વાભાવિક રીતે ઘણી નોંધ લેવાતી હોય છે. માટે તે જગતથી અતિશય અનાસક્ત હોવા જોઈએ. વળી અધ્યાત્મ માર્ગમાં અગ્રેસર હોય, જગતના સ્વાર્થ અને પ્રપચંથી પર હોય, જેના અંતરમાં બીજાના ભલા માટે કંઈક કરવા તાન હોય, જેને પોતાનો અંગત સ્વાર્થ ન હોય એવા પુરુષોને અહીં પ્રકરણને અનુસંધાને શ્રેષ્ઠ ગણ્યા છે. કારણ કે જનક જેવા રાજાઓનો નામ નિદેર્શ કર્યો છે. વળી असक्तो आचरन्कर्म परमाप्नोति पुरुष: વગેરે વાક્યોથી એવો નિર્ધાર આપણે કરી શકીએ છીએ. વળી વિરુદ્ધમાં ‘यो भुंकते स्तेन एव स:’ જે સૃષ્ટિના શ્રેયને સમજતો નથી અને પોતાના અંગત સ્વાર્થને જ આગળ કરીને આચરણ કરે છે તેને તો ભગવાને ચોર કહ્યો છે. માટે જેના અંતરમાં બીજાનું ભલું કરવાની ભાવના છે તેવાને જ ગીતામાં અહીં ‘શ્રેષ્ઠ’ શબ્દથી કહ્યા છે. ‘આપવાના’ ભાવથી સમાજમાં એકતા અને પ્રેમ ઉત્પન્ન થાય છે અને ‘લેવાના’ ભાવથી સઘંર્ષ અને કડવાશ ઊભી થાય છે. ‘આપવાનો’ ભાવ ઉદ્ધાર કરવાવાળો અને ‘લેવાનો’ ભાવ પતન કરવાવાળો થાય છે. શરીરને ‘હું’ મારું અથવા ‘મારા માટે’ માનવાથી જ લેવાનો ભાવ થાય છે. શરીરને ભગવાન અને તેના ભકતોને માટે માનવાથી જ કંઈક દેવાનો ભાવ થાય છે. આથી તેની પ્રત્યેક ક્રિયા બીજાનું હિત કરવાવાળી થાય છે. એવી વ્યકિતઓનાં દર્શન, સ્પર્શ, વાર્તાલાપ, ચિંતન વગેરેથી આપોઆપ લોકોનું હિત થાય છે. એની હાજરીથી વાયુમંડળ પવિત્ર બની જાય છે. એવા શ્રેષ્ઠ પુરુષો બે પ્રકારના હોય છે. (૧) અવધૂત કોટિના દા.ત. જડભરત, (૨) આચાર્ય કોટિના દા.ત. સનકાદિક, નારદ, શુકદેવ વગેરે. તેમાં જે અવધૂત કોટિના શ્રેષ્ઠ પુરુષો છે તે અવધૂતોને માટે જ આદર્શરૂપ હોય પણ સાધારણ જનતાને માટે નહિ. જ્યારે આચાર્ય કોટિના શ્રેષ્ઠ પુરુષો મનુષ્યમાત્રને માટે આદર્શરૂપ હોય છે. અહીં જે શ્રેષ્ઠ શબ્દ વપરાયો છે તે એવા પુરુષો માટે શ્રેષ્ઠ શબ્દ વપરાયો છે કે જેમનું આચરણ સદાને માટે શાસ્ત્ર મર્યાદાને અનુકૂળ જ હોય અને તેની પુષ્ટિ જ કરતું રહેતું હોય છે. કોઈ દેખે કે ન દેખે પણ અહં-મમતા ન રહેવાને કારણે તેઓના દ્વારા સ્વાભાવિક રીતે જ કર્તવ્યનું અદલ પાલન થાય છે. કર્તવ્યચ્યુત તો દેહાભિમાન, સ્વાર્થ જ માણસને કરાવતું હોય છે. જેમ કોઈક જંગલમાં પુષ્પ ખીલ્યું તેને કોઈએ જોયું કે ન જોયું, થોડા સમય બાદ મુરઝાઈને સુકાઈ ગયું ને ખરી ગયું પણ તેણે એટલો ભાગ સુગંધની મહેંકથી આહ્લાદિત કરી જ દીધો છે. તેમ એવા પુરુષોમાં અહં-મમતાના અભાવના કારણે અને પરહિતનો અસીમ ભાવ હોવાને કારણે સ્વાભાવિક રીતે સંસાર ઉપર ઉપકાર થયા કરે છે. પછી તેને કોઈ સમજે અથવા ન પણ સમજે, તેમાં પણ મોટા પુરુષના આચરણ અને વચનોનો પ્રભાવ છે. તે તો સીમિત હોય છે પણ તેના હૃદયમાં રહેલા અતિ ઉચ્ચ ભાવોનો પ્રભાવ અસીમ હોય છે અને તેને કારણે તેનાં આચરણ અને વચનો પોતાનાં વર્ણ, આશ્રમ, સંપ્રદાય ઉપરાંત ઈતર સજ્જન માણસોને પણ ઘણાં જ પ્રભાવિત કરે છે અને તેના વડે આપોઆપ સ્વાભાવિક લોકસંગ્રહ થયા કરે છે. ઘણું કરીને એવું જોવામાં આવે છે કે જે સમાજ, સંસ્થા, સંપ્રદાય, જાતિ કે આશ્રમ વગેરેમાં જે મનુષ્ય શ્રેષ્ઠ કહેવાય છે અને જેમને લોકો શ્રેષ્ઠ માનીને આદરની દૃષ્ટિએ દેખે છે. તેઓ જેવું આચરણ કરે છે તેની દરેક નોંધ લે છે અને તેઓ પણ તેવું આચરણ કરવા લાગી જાય છે.
અંતઃકરણમાં ધન અને પદનું (સત્તાનું) મહત્ત્વ તેમજ લોભ રહેવાને કારણે લોકો અધિક ધનવાળા (કરોડપતિ, અબજોપતિ) તેમજ ઊંચા પદવાળા નેતા, એમ.એલ.એ., એમ.પી. વગેરે પુરુષોને શ્રેષ્ઠ માની લે છે. તેઓને ઘણા જ આદરની દૃષ્ટિએ દેખે છે; પરંતુ જેઓના અંતઃકરણમાં ધન, પદ વગેરેનું માહાત્મ્ય ચોંટી જાય છે તે ન તો પોતે શ્રેષ્ઠ છે ન તો શ્રેષ્ઠ વ્યક્તિને સમજી શકે છે. તેઓ જેને શ્રેષ્ઠ સમજે છે તે પણ વાસ્તવમાં શ્રેષ્ઠ નથી હોતા. જેના હૃદયમાં ધન-પદનો અધિક આદર હોય તેના ઉપર ધનવાળાનો જ પ્રભાવ પડે છે. ચોરો ઉપર ચોરોના સરદારનો જ વધારે પ્રભાવ પડે છે કે તે કેટલો મહાન ચોર છે ! તેઓ ખરેખર શ્રેષ્ઠ ન હોવા છતાં લોકો દ્વારા શ્રેષ્ઠ માની લેવાને કારણે ધનિક તથા ઉચ્ચ પદાધિકારીઓનાં આચરણનો આપોઆપ પ્રચાર થઈ જાય છે. ધનિક જે ઉપાયોથી ધન કમાય છે તે ઉપાયોનો આપોઆપ પ્રચાર થઈ જાય છે. પછી ભલે તે ઉપાયો ગુપ્ત હોય તો પણ પ્રચાર થયા વિના રહેતાં નથી. આ કારણથી જ વર્તમાન કાળમાં જૂઠ, દગો, દંભ, અપ્રામાણિકતા વગેરેની કોઈ પાઠશાળા ન હોવા છતાં સમાજમાં બુરાઈઓનો પ્રચાર થતો રહે છે. કારણ કે આગેવાનો તે બધું શીખવવાની હાલતી ચાલતી પાઠશાળાઓ જ છે ! આપણા સમાજની કરુણા એ છે કે લખપતિને તો શ્રેષ્ઠ પુરુષ માની લે છે પણ પ્રતિદિન ભગવાનનાં નામના લાખ જપ કરવાવાળાને શ્રેષ્ઠ માનતા નથી. ઊલટા કંગાળ માને છે. તેઓ વિચારતા નથી કે લખપતિનું મૃત્યુ થતાં એક કોડી સાથે જતી નથી. જ્યારે ભગવાનનાં નામનો જપ કરનારાનું મૃત્યુ થતાં બધું જ સાથે જશે. એક પણ નામ પાછળ નહિ રહે. તેથી કોઈપણ ક્ષેત્રના- स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।
જેના અંતઃકરણમાં અહં, મમતા, કામના, આસક્તિ, સ્વાર્થ, પક્ષપાત વગેરે દોષો નથી અને નાશવાન પદાર્થોનું મહત્ત્વ કે કશું પણ લેવાની ભાવના નથી. એવા મનુષ્ય દ્વારા કહેવાયેલાં વચનોનો પ્રભાવ બીજાઓ ઉપર આપોઆપ પડે છે અને તેઓ તેનાં વચન અનુસાર જાતે આચરણ કરવા પણ લાગી જાય છે.
અંતઃકરણમાં ધન અને પદનું (સત્તાનું) મહત્ત્વ તેમજ લોભ રહેવાને કારણે લોકો અધિક ધનવાળા (કરોડપતિ, અબજોપતિ) તેમજ ઊંચા પદવાળા નેતા, એમ.એલ.એ., એમ.પી. વગેરે પુરુષોને શ્રેષ્ઠ માની લે છે. તેઓને ઘણા જ આદરની દૃષ્ટિએ દેખે છે; પરંતુ જેઓના અંતઃકરણમાં ધન, પદ વગેરેનું માહાત્મ્ય ચોંટી જાય છે તે ન તો પોતે શ્રેષ્ઠ છે ન તો શ્રેષ્ઠ વ્યક્તિને સમજી શકે છે. તેઓ જેને શ્રેષ્ઠ સમજે છે તે પણ વાસ્તવમાં શ્રેષ્ઠ નથી હોતા. જેના હૃદયમાં ધન-પદનો અધિક આદર હોય તેના ઉપર ધનવાળાનો જ પ્રભાવ પડે છે. ચોરો ઉપર ચોરોના સરદારનો જ વધારે પ્રભાવ પડે છે કે તે કેટલો મહાન ચોર છે ! તેઓ ખરેખર શ્રેષ્ઠ ન હોવા છતાં લોકો દ્વારા શ્રેષ્ઠ માની લેવાને કારણે ધનિક તથા ઉચ્ચ પદાધિકારીઓનાં આચરણનો આપોઆપ પ્રચાર થઈ જાય છે. ધનિક જે ઉપાયોથી ધન કમાય છે તે ઉપાયોનો આપોઆપ પ્રચાર થઈ જાય છે. પછી ભલે તે ઉપાયો ગુપ્ત હોય તો પણ પ્રચાર થયા વિના રહેતાં નથી. આ કારણથી જ વર્તમાન કાળમાં જૂઠ, દગો, દંભ, અપ્રામાણિકતા વગેરેની કોઈ પાઠશાળા ન હોવા છતાં સમાજમાં બુરાઈઓનો પ્રચાર થતો રહે છે. કારણ કે આગેવાનો તે બધું શીખવવાની હાલતી ચાલતી પાઠશાળાઓ જ છે ! આપણા સમાજની કરુણા એ છે કે લખપતિને તો શ્રેષ્ઠ પુરુષ માની લે છે પણ પ્રતિદિન ભગવાનનાં નામના લાખ જપ કરવાવાળાને શ્રેષ્ઠ માનતા નથી. ઊલટા કંગાળ માને છે. તેઓ વિચારતા નથી કે લખપતિનું મૃત્યુ થતાં એક કોડી સાથે જતી નથી. જ્યારે ભગવાનનાં નામનો જપ કરનારાનું મૃત્યુ થતાં બધું જ સાથે જશે. એક પણ નામ પાછળ નહિ રહે. તેથી કોઈપણ ક્ષેત્રના– स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।
જેના અંતઃકરણમાં અહં, મમતા, કામના, આસક્તિ, સ્વાર્થ, પક્ષપાત વગેરે દોષો નથી અને નાશવાન પદાર્થોનું મહત્ત્વ કે કશું પણ લેવાની ભાવના નથી. એવા મનુષ્ય દ્વારા કહેવાયેલાં વચનોનો પ્રભાવ બીજાઓ ઉપર આપોઆપ પડે છે અને તેઓ તેનાં વચન અનુસાર જાતે આચરણ કરવા પણ લાગી જાય છે.
અહીં એક શંકા થઈ શકે છે કે જ્યારે આચરણની વાત કહી દીધી, પછી પ્રમાણને કહેવાની શી આવશ્યકતા છે? જો પ્રમાણની જ વાત કરવી હોત તો પણ આચરણની વાત કહેવાની જરૂર નથી. એનું સમાધાન એ છે કે, આચરણ જ મુખ્ય હોય છે તો પણ એક જ મનુષ્ય દ્વારા બધા જ વર્ગો, આશ્રમો, સંપ્રદાયો વગેરેના ભાવોનું આચરણ કરવું એ સંભવિત નથી. આથી શ્રેષ્ઠ મનુષ્ય પોતે જે વર્ગ, આશ્રમ વગેરેમાં હોય છે તેને અનુસાર તો તે સાંગોપાંગ આચરણ કરે છે અને અન્ય વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેનાં લોકો માટે પણ તે પોતાનાં વચનોથી તટસ્થપણે શાસ્ત્રો, ઈતિહાસનાં વચનો-ઉદાહરણોના પ્રમાણથી એવું શિક્ષણ આપે છે કે પોતાને માટે કાંઈ નહિ કરીને ઈતરના હિતની ભાવનાથી પોતપોતાનાં (વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરે અનુસાર) કર્તવ્યનું પાલન કરવું એ કલ્યાણનું સુગમ અને શ્રેષ્ઠ સાધન છે. (ગી. ૧૮/૪૫) તેનાં વચનોથી પ્રભાવિત થઈને દરેક પોતપોતાનું કર્તવ્ય પાલન કરવા લાગી જાય છે. જો કે આચરણનું ક્ષેત્ર સીમિત અને પ્રમાણનું ક્ષેત્ર વિસ્તૃત હોય છે તો પણ ભગવાન દ્વારા શ્રેષ્ઠ પુરુષોનાં આચરણમાં પાંચ પદ-यत्, यत्, तत्, तत् અને વિશેષ રૂપથી ઊમ આપવાનો અભિપ્રાય એ છે કે આચરણનો પ્રભાવ પાંચગણો સમાજ ઉપર પડે છે અને પ્રમાણમાં બે જ પદ यत्, तत् આપવાનો અભિપ્રાય એ છે કે પ્રમાણનો પ્રભાવ (વચનનો પ્રભાવ) અપેક્ષા કરતાં ઓછો પડે છે.
જો શ્રેષ્ઠ મનુષ્ય પોતાના કર્તવ્ય અનુસાર આચરણ ન કરીને કેવળ વચનથી પ્રમાણ આપે તો તેનો લોકો ઉપર પ્રભાવ પડતો નથી. વર્તમાનમાં પરમાર્થિક ભાવો (ભગવદ્ભક્તિ વગેરે) તથા નૈતિક ભાવોનો પ્રચાર કરવાવાળા અનેક લોકો હોવા છતાં સમાજમાં તેનું પ્રમાણ નીચું કેમ જતું જાય છે અને તેઓનાં વચનોનો પ્રભાવ કેમ પડતો નથી અથવા પડે છે તો બહુ જ થોડો કેમ દેખાય છે ! આનું કારણ એ છે કે પ્રાયઃ વક્તા જેવા મંચ ઉપર સુંદર ભાવો કહે છે પણ મંચ ઊપરથી ઉતરીને તે કંઈક બીજું જ કરતા હોય છે. તેથી લોકોને એવો ભાવ થાય છે કે આ વાતો તો કેવળ કહેવા સાંભળવાની છે. સ્ટેઈજ મનોરંજન છે. કેમ કે કહેવાવાળા પોતે તો તેનું પાલન નથી કરતા. માટે બિન અસરકારક બની જાય છે. ગોળી વિનાની બંદૂક જેવો ધૂબાકો ઘણો થાય છે પણ નિશાન વીંધાતું નથી. જ્યારે આચરણ સહિતની વાત ગોળી ભરેલ બંદૂકની જેમ ધૂબાકો મોટો કરતી નથી પણ નિશાન વીંધે છે; છતાં સારો ઉપદેશ હોય, શ્રોતાના મનમાં શ્રદ્ધા હોય ને તેઓ સાધક હોય તો સ્ટેઈજ પ્રોગ્રામનો પણ થોડો પ્રભાવ પડે છે પણ તે સાધકની શ્રદ્ધા અને સાધન રુચિને કારણે હોય છે. વક્તાના ઉપદ્દેશ-પ્રભાવથી નથી હોતો.
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि।।२२।।
અર્થઃ હે પાર્થ ! મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું.
ભગવાન લોકસંગ્રહની પુષ્ટિમાં પોતાનું ઉદાહરણ આપે છે. . न मे पार्थास्ति… नानवाप्तमवाप्तव्यं…ભગવાનનું કાર્યક્ષેત્ર કોઈ એક લોકમાં સીમિત નથી. તેથી ભગવાન કહે છે, त्रिषु लोकेषु ત્રણેય લોકમાં મારે કોઈ કર્તવ્ય શેષ નથી. કેમ કે મારે કાંઈ મેળવવાનું શેષ નથી. કંઈ ને કંઈ મેળવવા માટે જ બધાં મનુષ્ય, પશુ, પક્ષી વગેરે કર્મ કરતા હોય છે. ભગવાન બહુ જ વિલક્ષણ વાત કરી રહ્યા છે કે મારે કોઈ પણ કરવાનું અને મેળવવાનું શેષ ન હોવા છતાં પણ હું કર્મ કરું છે.
પોતાને માટે કોઈ કર્તવ્ય ન હોવા છતાં પણ ભગવાન કેવળ બીજાઓના હિતને માટે યુગયુગમાં અવતાર લે છે અને સાધુ પુરુષોનો ઉદ્ધાર, પાપીઓનો નાશ અને ધર્મની રક્ષા કરવા માટે કર્મ કરે છે. અવતાર સિવાય ભગવાનની સૃષ્ટિ રચના પણ જીવમાત્રના ઉદ્ધારને માટે જ હોય છે. સ્વર્ગલોક પુણ્યકર્મોનું ફળ ભોગવવા માટે છે. ચોરાશી લાખ યોનિ પાપકર્મોનું ફળ ભોગવવા માટે હોય છે. જ્યારે મનુષ્ય યોનિ પાપ અને પુણ્યથી પર થઈને પોતાનું આત્મકલ્યાણ સાધવા માટે છે. એવું ત્યારે જ સંભવિત બને જ્યારે મનુષ્ય પોતાના સ્વાર્થની ચેષ્ટા (કર્મ) કાંઈ ન કરે; કેવળ અંતરની પ્રામાણિકતાથી ભગવદ્અર્થે, ભગવાનના ભક્તના માટે તથા પરહિત માટે જ સઘળાં કર્મ કરે. સ્થૂળ શરીરથી થવાવાળી ક્રિયા પરમાત્માની ભક્તિ માટે, પરહિત માટે હોય, સૂક્ષ્મ શરીરથી થવાવાળું ચિંતન પરમાત્માનું અને પરહિતનું હોય, કારણ શરીરથી થવાવાળી સ્થિરતા (જડતા કહો કે દૃઢતા) પરમાત્માને વિષે (પરમાત્માની નિષ્ઠા વિષે) હોય અને ભગવાનના ભક્તોની સેવા તથા બીજાનું હિત કરવામાં સ્થિરતા-દૃઢભાવ હોય. આમ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણે શરીરથી પોતાની સ્વાર્થ ચેષ્ટા છોડીને પરહિત કરે ત્યારે તે પુણ્ય પાપથી પર થઈને પરમાત્માની ગતિને પામે છે. જ્યાં સુધી સ્વાર્થ ચેષ્ટા કરે છે ત્યાં સુધી તેને કંઈક કર્તવ્ય શેષ રહે છે. સિદ્ધ કર્મયોગીને ભગવાને આ અધ્યાયના સત્તર-અઢાર શ્લોકમાં કાંઈ કરવાનું બાકી રહેતું નથી એમ કહ્યું છે. એમ હોવા છતાં પણ તે મહાપુરુષો લોકસંગ્રહાર્થે કર્મ કરે છે. એવી જ રીતે ભગવાનને પણ કર્તવ્ય શેષ કશું જ નથી તો પણ કરે છે. લોકસંગ્રહ માટે હું કર્મ કરું છું. કારણ કે, ભગવાન ત્રિલોકના આદર્શ પુરુષ છે. (૩/૨૩) તેવી જ રીતે તત્ત્વજ્ઞ પુરુષો પણ સંસારના આદર્શરૂપ છે (૩/૨૫)
वर्त एव च कर्मणि-‘एव’ પદથી ભગવાનનું તાત્પર્ય એ છે કે હું ઉત્સાહ તેમજ તત્પરતાથી આળસ રહિત થઈને, સાવધાનીપૂર્વક, સાંગોપાંગ રીતે કર્તવ્યકર્મને કરું છું. તેનો ત્યાગ પણ કરતો નથી અને તેની ઉપેક્ષા પણ કરતો નથી. તેનો આદર કરું છું.
જેમ એંજીન ચાલવાથી એંજીન સાથે જોડાયેલા ડબ્બાઓ પણ ચાલતા રહે છે તેમ જ ભગવાન, સંતો અને મહાપુરુષો એંજીનની જેમ કર્તવ્યકર્મ કરે છે. જેથી ઈતર મનુષ્યો પણ તેનું અનુસરણ કરે છે. એંજીનને પેસેન્જરો ભરવા કે ખાલી કરવાની કોઈ અપેક્ષા નથી. જ્યારે ડબ્બાઓને અપેક્ષા છે. નહિ તો ડબ્બા પણ ખાલી ડબ્બા બની રહે. તેમ ઈતર માણસોને કરવાની અને કંઈક મેળવવાની ઈચ્છા રહે છે, તે ઈચ્છાએ નિષ્કામભાવપૂર્વક કર્તવ્યકર્મ કરવાથી જ દૂર થાય છે. હવે જો ભગવાન અને મહાપુરુષો કર્તવ્યકર્મ ન કરે તો તેને જોઈને પેલા પણ કંઈ ના કરે અને કર્મ કર્યા વિના તો રહી શકશે નહિ. પછી અકર્તવ્ય કર્મમાં લાગી જશે. માટે મનુષ્યોના હિતને માટે પણ ભગવાન અને મહાપુરુષો કર્તવ્યકર્મ કરે છે. ભગવાન સદૈવ કર્તવ્યપરાયણ રહે છે. કદી પણ કર્મચ્યુત થતા નથી. તેવી જ રીતે ભગવત્પરાયણ સાધકે પણ કદી કર્તવ્યચ્યુત થવું ન જોઈએ. કર્તવ્યભ્રષ્ટને કયારેય હૃદયમાં ભગવદ્તત્ત્વની અનુભૂતિ થતી નથી અને પોતાનું અધ્યાત્મ જીવન એક વિડંબના બની રહે છે.
यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित:।
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश:।।२३।।
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम्।
सङकरस्य च कर्ता स्यामुपहन्यामिमा: प्रजा:।।२४।।
અર્થઃ કેમ કે હે પાર્થ ! જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય, કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય અને હું સંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું.
આગળના શ્લોકમાં ‘वर्त एव च कर्मणि’ શબ્દોની પુષ્ટિ માટે અહીં ‘વિ’ શબ્દ મૂક્યો છે. ભગવાન કહે છે કે હું સાવધાનીપૂર્વક કર્મ ન કરું એવું થઈ જ નથી શકતું પણ એવું ધારો કે હું કર્મ ન કરું એવા અર્થમાં ભગવાન અહીં यदि, जातु એ શબ્દો વાપર્યા છે.
अतन्द्रित: પદનું તાત્પર્ય એ છે કે કર્તવ્યકર્મ કરવામાં આળસ અને પ્રમાદ ન કરવાં જોઈએ; પરંતુ તેમને બહુ જ સાવધાનીપૂર્વક કરવાં જોઈએ. સાવધાનીપૂર્વક કર્તવ્યકર્મ ન કરવાથી મનુષ્ય આળસ અને પ્રમાદને વશ થઈને પોતાનું અમૂલ્ય જીવન નષ્ટ કરી દે છે. કર્મોમાં શિથિલતા ન લાવીને તેમને સાવધાની તેમજ તત્પરતાપૂર્વક કરવાથી જ કર્મો સાથેનો (પ્રકૃતિ સાથેનો) સંબંધ વિચ્છેદ થાય છે; પરંતુ શિથિલતાપૂર્વક કર્મો કરવાથી નથી થતો. માટે ભગવાને ઓગણીસમા શ્લોકમાં‘समाचर’ અને અહીં ‘अतन्द्रित’ શબ્દો મૂકયા છે.
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश:
ભગવાન અહીં એમ કહે છે કે, હે અર્જુન ! સર્વે મનુષ્યો મારા માર્ગને અનુસરે છે; પરંતુ સમાજમાં બધા માણસો ભગવાનના માર્ગને અનુસરતા હોય એવું જોવામાં તો નથી આવતું. એનું સમાધાન એ છે કે સમાજમાં દરેક સજ્જન માણસો ભગવાનના માર્ગને અનુસરે છે અથવા તો એવો અર્થ કરો કે ભગવાનના આ માર્ગને અનુસરે છે, તે જ મનુષ્યો છે. અર્થાત્મનુષ્ય કહેવરાવવાને યોગ્ય છે. જેઓ મને આદર્શ ન માનીને આળસ, પ્રમાદ વશ થઈને કર્તવ્યકર્મ નથી કરતા અને અધિકાર તથા ફળ કામનાને તો ઈચ્છે છે. તેઓ આકૃતિથી મનુષ્ય હોવા છતાં વાસ્તવમાં મનુષ્ય કહેવડાવવાને યોગ્ય નથી. કારણ કે શ્રેષ્ઠ પુરુષો તો એક મનુષ્ય લોકમાં આદર્શ પુરુષ છે જ્યારે હું તો ત્રણેય લોકમાં આદર્શ પુરુષ પ્રમાણિત છું.
મનુષ્યોએ સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ-આ વાત બતાવવા માટે ભગવાન મનુષ્ય લોકમાં અવતરિત થાય છે. ‘સંસારમાં કોઈ કાયમ રહેતું નથી અને ફેરો સફળ કરવો હોય તો ‘પોતાને માટે રહેવાનું નથી’ આમ માનવું એ જ સંસારમાંથી છૂટવાની જીવનકલા છે અને સંસારમાંથી શીખવાની વિદ્યા છે. સંસાર વસ્તુતઃ એક વિદ્યાલય છે. જ્યાં આપણે આસક્તિ, કામના, મમતા, સ્વાર્થ વિગેરેના ત્યાગપૂર્વક ભગવાન માટે, ભગવાનના ભક્તના હિત માટે તથા બીજાઓના હિતને માટે કર્મ કરતા શીખવાનું છે અને તેમ કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો છે. આપણે બધાએ એક બીજાના અધિકારની રક્ષા અને આપણા કર્તવ્યનું પાલન કરવાનું છે અને એવું શીખવવા જ ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે.
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम्
ત્રેવીસમા શ્લોકમાં ભગવાને જો હું કર્તવ્યમાં સાવધાની ન રાખીને આળસ પ્રમાદથી વર્તું (अतन्द्रित:)તો શું હાનિ થાય એ કહ્યું. હવે જો હું કર્મ ન જ કરું તો કઈ હાનિ થાય તે બતાવે છે. જો કે એવું થઈ જ શકતું નથી કે ‘હું કર્મ ન કરું’ પણ એવી ધારણા કરી લો કે હું કર્મ ન કરું એ બતાવવા ભગવાને ‘चेत्’ શબ્દનો પ્રયોગ કર્યો છે અને આ શ્લોકનું તાત્પર્ય એ છે કે મનુષ્યને કર્મ ન કરવાની આસક્તિ ન હોવી જોઈએ. मा ते सङगोऽस्त्व कर्मणि- (૨/૪૭) કર્તવ્યમાં આળસ-પ્રમાદ કરવા અથવા કર્તવ્ય ન કરવું એ અકર્મમાં આસક્તિ કરી કહેવાય છે. તેથી તો આ બાબતમાં ભગવાન પોતાને ઉદાહરણ તરીકે બતાવે છે કે મારા માટે કાંઈ પણ પ્રાપ્તવ્ય ન હોવા છતાં હું કર્મ કરું છું. જો હું વર્ણ, આશ્રમ વગેરેના અનુસંધાનમાં પ્રાપ્ત થતું કર્તવ્ય કર્મ ન કરું તો પાછળના મનુષ્યો નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય અર્થાત્તેમનું પતન થઈ જાય, જે અત્યારે વર્તમાન કાળે ખાસ કરીને જોવા મળે છે. કારણ કે પોતાના કર્તવ્યનો ત્યાગ કરવાથી મનુષ્યોમાં તામસ ભાવ આવી જાય છે. જેનાથી તેમની અધોગતિ થાય છે. अधोगच्छन्ति तामसा: (૧૪/૧૮)
सङकरस्य च कर्ता स्यामुपहन्यामिमा: प्रजा:। જો હું કર્તવ્યકર્મ ન કરું તો બધા લોકો નષ્ટભ્રષ્ટ થઈ જશે અને તેનું કારણ હું બનીશ. જો કે એવું બનવું સંભવિત નથી. પરસ્પર બે વિરુદ્ધ ધર્મો એકમાં મળી જાય ત્યારે સંકરતા ગણાય.
પ્રથમ અધ્યાયના ચાલીસ અને એકતાલીસમા શ્લોકમાં અર્જુને ભગવાનને કહ્યું હતું કે જો હું યુદ્ધ કરીશ તો કુળનાશ થઈ જશે. કુળનાશ થવાથી વર્ણસંકરતા થશે; પરંતુ અહીં ભગવાન તેનાથી વિપરીત વાત બતાવે છે કે યુદ્ધરૂપી (કોઈપણ પ્રકારનું) કર્તવ્યકર્મ ન કરવાથી સંકરતા ઊભી થાય છે. માટે ભગવાન અર્જુનને પોતાનું ઉદાહરણ દઈને સ્પષ્ટ કરાવતા હોય તેમ જણાય છે કે જો તું યુદ્ધરૂપી કર્તવ્ય નહિ કરે તો જ સંકરતા ઊભી થશે. યુદ્ધ કરીશ, તારો ધર્મ બજાવીશ તો પાછળ રહેલી વિધવાઓ પણ વિચારશે કે અમારા પતિ કર્તવ્ય બજાવતાં બજાવતાં મૃત્યુ પામ્યા છે તો અમે પણ તેની વીરાંગનાઓ છીએ માટે અમારે અમારો ધર્મ ન ચૂકવો. ભગવાન અર્જુનને ખાલી ઉપદેશ આપીને છૂટી જાય છે, એવું નથી. ભગવાન બતાવે છે કે ‘वर्त एव अतन्द्रित:’ હું તારા કરતાં પણ વધારે સાવધાન થઈ મારું કર્તવ્ય બજાવું છું અને પછી જ તને કર્તવ્ય બજાવવાનો ઉપદેશ આપી રહ્યો છું.