ગીતા અધ્યાય-૦૩, શ્લોક ૦૯ થી ૧૬

શ્લોક ૦૯-૧૬

યજ્ઞાદિ કર્મોની આવશ્યકતાનું નિરુપણ

यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धन:।

तदर्थं कर्म कौन्तेय मुक्तसङग: समाचर।।९।।

અર્થઃ યજ્ઞ નિમિત્તે કરવામાં આવતાં કર્મો સિવાયનાં બીજાં કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય-સમુદાય કર્મોથી બંધાય છે, માટે હે અર્જુન ! તું આસક્તિ વિનાનો થઈને તારાં નિયત કર્મો કર, તો તું આસક્તિ વિનાનો થઈને બંધન રહિત થઈશ.

આગળ ભગવાને કહ્યું કે કર્મ કર્યા વિના શરીરનિર્વાહ પણ નહિ થાય. આથી સિદ્ધ થાય છે કે કર્મ કરવું બહુ જ આવશ્યક છે; પરંતુ મુમુક્ષુ સાધકોના મનમાં એક મૂંઝવણ રહે છે કે કર્મ કરવાથી તો મનુષ્ય બંધાય છે-कर्मणा बध्यते जन्तु:। તો પછી સાધકોએ અને મુમુક્ષુઓ બંધનથી છૂટવા માટે શું કરવું જોઈએ. તે વાત ભગવાન આ શ્લોકમાં કહે છે.

यज्ञार्थात्‌कर्मणोऽन्यत्र

ગીતા અનુસાર પરમાત્માની પ્રસન્નતા થાય એવા અનુસંધાનપૂર્વકના કર્તવ્યમાત્રનું નામ ‘યજ્ઞ’ છે. અમસ્તુ પણ યજ્ઞ પ્રક્રિયામાં પરમાત્માને હવિ સમર્પણ કરવું એ યજ્ઞ છે. યજ્ઞમાં સાક્ષાત્‌પરમાત્મા નથી દેખાતા પણ પરમાત્માને હું અર્પણ કરું છું, તે મારા ઈષ્ટદેવને પહોંચે છે, એવી ભાવના, શ્રદ્ધા સેવીને સાક્ષાત્‌અગ્નિમાં હોમ-સમર્પણ કરવાનું હોય છે અને यज्ञो-वै-विष्णु: યજ્ઞને સમર્પિત કર્યું એ અગ્નિમાં સમર્પિત કર્યું એટલે તે વિષ્ણુ પરમાત્માને સમર્પણ થઈ ગયું. એવું આપણે શાસ્ત્ર વિધાનથી માનીએ છીએ. તેવી જ રીતે કર્તવ્યકર્મ પણ એક જાતનો યજ્ઞ છે. તેમાં માત્ર ફળ (બેનીફીટ) પરમાત્માને સમર્પણ કરવાનું છે. યજ્ઞની અંતર્ગત યજ્ઞ, દાન, તપ, હોમ, વ્રત, તીર્થ, વેદાધ્યયન, કથા, ભક્તિ, ભક્તોની સેવા વગેરે સમસ્ત શારીરિક વ્યાવહારિક અને પારમાર્થિક ક્રિયાઓ આવી જાય છે. માટે શાસ્ત્ર વિહિત તમામ કર્તવ્યો યજ્ઞ બની શકે છે. ભગવાનને અર્થે, ભગવાનના ભક્તના હિતને અર્થે અથવા બીજાના હિતને માટે તથા તેઓને સુખ પહોંચાડવા માટે જે કાંઈ કર્મો કરવામાં આવે છે તે બધાં યજ્ઞાર્થે કર્મો છે. યજ્ઞાર્થે કર્મો કરવાથી આસક્તિ ખૂબ જ જલદી દૂર થઈ જાય છે.

यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते। (४/२३)

यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्व किल्बिषै:।

भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्‌(३/१३)

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम्‌। (४/३१)

અર્થાત્‌તે કર્મો બંધનકારક થતાં નથી. સર્વ પાપને મુકાવનારાં થાય છે. પરમાત્માને પમાડનારાં થાય છે.

વાસ્તવમાં મનુષ્યની સ્થિતિ (તેની આંતરિક અધ્યાત્મ સ્થિતિ) તેના ઉદ્દેશ અનુસાર હોય છે, ક્રિયાને અનુસારે નહિ. નબળા ઉદ્દેશ્યવાળા હંમેશ ઊંચી ક્રિયા પકડીને બેસી ગયા હોય છે પણ ઉદ્દેશ ઘણો નીચો હોય છે. જો તેવું ન કરે તો તેનું અસ્તિત્વ ટકવું મુશ્કેલ હોય છે. કારણ કે સમાજમાં ઊંચી ગણાતી ક્રિયાની જ પ્રતિષ્ઠા છે; પરંતુ ઉપરની ઊંચી ક્રિયાથી અંતરની સ્થિતિનું બધી જ જગ્યાએ અનુમાન સાચું હોતું નથી. તેનો ઉદ્દેશ શું છે તે જો જણાઈ આવે તો તેની આંતર સ્થિતિનું અનુમાન સારી રીતે કરી શકાય છે. વેપારીનો પ્રધાન ઉદ્દેશ ધન કમાવાનો છે. અધિકાંશ તેની સ્થિતિ-ચિંતવન ધનમાં જ રહે છે. દુકાન બંધ હોય તો પણ તેની વૃત્તિ ધનમાં હોય છે. તેમ યજ્ઞાર્થે કર્મ કરનારની સ્થિતિ-ચિંતવન-ક્રિયા કરતી વખતે અને ક્રિયા પૂરી થયા પછી પણ પોતાના ઉદ્દેશ એવા પરમાત્મા કે તેના ભક્તની સેવામાં રહે છે અને ચિંતવન પણ પરમાત્માનું રહે છે.

બધાં વર્ણોને માટે અલગ-અલગ કર્મો શાસ્ત્ર દ્વારા વિહિત થયાં છે. એક વર્ણ આશ્રમને માટે કોઈ સ્વધર્મ છે તો એ જ બીજા વર્ણને માટે (વિહિત ન હોવાથી) પરધર્મ અર્થાત્‌અન્યત્ર કર્મ બની રહે છે. (જેને માટે શ્રીજી મહારાજે ‘શોભારૂપ’ અને ‘દૂષણરૂપ’ એવા શબ્દો વાપર્યા છે વચ.સા.૧૦) જેમ કે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરવો બ્રાહ્મણને માટે સ્વધર્મ છે પણ ક્ષત્રિયને માટે પરધર્મ છે. તેવી જ રીતે બધાં જ વર્ણો અને આશ્રમોને માટે નિષ્કામ ભાવથી પોતાનું કર્તવ્યકર્મ બજાવવું તે મનુષ્યનો સ્વધર્મ બની રહે છે અને સકામ ભાવથી કે સ્વાર્થમાં ડૂબાડૂબ થઈને કર્મ કરવું તે કલ્યાણ-વાંછુ સાધકને માટે પરધર્મ છે. અને ગીતામાં આવા જ અનુસંધાનમાં स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: કહ્યું છે. જેટલાં પણ સકામ અને નિષિદ્ધ કર્મો છે તે બધાં જ ‘અન્યત્ર’ની શ્રેણીમાં આવે છે. પોતાનું સુખ, માન, બડાઈ, આરામ કે પોતાનો વ્યક્તિગત હેતુ કેન્દ્રમાં રાખીને જે કાંઈ કરવામાં આવે તે બધાં જ કર્મો ‘અન્યત્ર કર્મ’ મનાય છે. મનુષ્ય કર્મ કરવાથી નહિ, अन्यत्रकर्म કરવાથી અર્થાત્‌પોતાને માટે કર્મ કરવાથી બંધાય છે. પોતાને માટે કર્મ કરવાથી સકામ ભાવ રહે છે અને સકામભાવ (લાલસા) રહેવાથી નિષિદ્ધ કર્મ થવાની પૂર્ણ સંભાવના રહે છે. માટે નાનામાં નાનું અથવા મોટામાં મોટું જે પણ કર્મ કરવામાં આવે તેમાં સાધકે સાવધાન રહેવું જોઈએ, જાગ્રત રહેવું જોઈએ અને નિત્ય પોતાને તપાસતા રહેવું જોઈએ કે કયાંય સ્વાર્થભાવથી તો કર્મ નથી થઈ રહ્યું ને ? સાધક તેને જ કહેવાય જે નિરંતર સાવધાન રહે છે. જેટલી ગાફલાઈ, આરામ હોય તેટલો તે ભોગી છે. એટલા માટે સાધકે પોતાની સાધનાની બાબતમાં સતર્ક અને જાગ્રત રહેવું જોઈએ. સાધકને માટે કર્મનો નિષેધ નથી પણ સકામભાવનો જ નિષેધ છે.

સાધકે ભોગ અને ઐશ્વર્યબુદ્ધિથી કોઈપણ કર્મ નહિ કરવું જોઈએ. કારણ કે એવી બુદ્ધિમાં ભોગાસક્તિ અને કામના વધે છે. જેથી કર્મયોગનું આચરણ થઈ શકતું નથી. નિર્વાહબુદ્ધિથી કર્મ કરવામાં પણ જીવવાની કામના રહી જાય છે. આથી અંતે તો નિર્વાહબુદ્ધિ પણ ત્યાજ્ય છે. તો પછી મનમાં એ શંકા થાય છે કે સાધકને જીવવા માટે આંતરિક આધાર શો રહે, જેને આધારે તે જીવી શકે ? તો સાધકે કેવળ સાધનાબુદ્ધિથી જ કેવળ કર્મ કરવું જોઈએ. બધાથી ઉત્તમ સાધક તો તે છે જે પોતાની મુક્તિને માટે પણ કોઈ કર્મ ન કરે પણ ભગવાનને માટે તથા ભગવાનના ભક્તના હિતને માટે જ કર્મ કરે. કારણ કે બીજાઓનું હિત કરવાથી પોતાનું હિત આપોઆપ સધાઈ જાય છે. પોતાને માટે કર્મો કરવાથી પોતાનું હિત થતું નથી. બીજાઓના હિતમાં જ પોતાનું વધારેમાં વધારે હિત સમાયેલું છે. બીજાઓના હિતથી પોતાનું હિત અલગ માનવું એ જ ભૂલ છે. ભગવાન ખુદ અવતાર ધરે છે તે પણ પરહિત કરવા માટે પૃથ્વી પર આવે છે. માટે લૌકિક કે શાસ્ત્રીય જે કાંઈ કર્મો કરવામાં આવે તે બધાં કેવળ ભગવાનના બીજા ભક્તોના હિત માટે જ થવાં જોઈએ.

પોતાના સુખને માટે કરેલું કર્મ તો બંધનકારક છે જ પણ પોતાના હિતને માટે કરવામાં આવેલું કર્મ પણ ન્યૂન સુખની પ્રાપ્તિને કરાવનારું છે. કેવળ પોતાના હિત તરફ દૃષ્ટિ રાખવાથી પોતાનું વ્યક્તિત્વ બની રહે છે. એટલા માટે બીજું તો શું પણ જપ, તપ, ચિંતન, ધ્યાન, સમાધિ વગેરે પણ ભગવાન અને ભગવાનના ભક્તના હિતમાં થાય તેમ કરવું. તાત્પર્ય એ છે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ-ત્રણેય શરીરોથી થવાવાળાં તમામ કર્મો બીજા ભક્તના હિત માટે જ થાય, પોતાને માટે નહિ. કર્મ બીજાને માટે અને યોગ પોતાને માટે થાય છે. યોગ સંસારથી સંબંધ વિચ્છેદ કરે છે અને તેનું નામ ‘કર્મયોગ’ છે.

કર્તવ્યકર્મ કરવાનો અધિકાર મુખ્યરૂપે મનુષ્યને માટે જ છે. જ્યારે મનુષ્ય બીજાઓના હિતને માટે કર્મ ન કરતાં કેવળ પોતાના સુખને માટે કર્મ કરે છે ત્યારે તે બંધાઈ જાય છે.

तदर्थं कर्म कौन्तेय मुक्तसङग: समाचर

मुक्तसङग: નું તાત્પર્ય એ છે કે આસક્તિ છોડીને કર્મનું આચરણ કરો. અર્થાત્‌કર્મ, પદાર્થ, કર્મના સાધનરૂપ શરીર, મન, બુદ્ધિ તથા બીજી સામગ્રીમાં આસક્તિ, મમતા છોડીને કર્તવ્યકર્મ કરવાનું છે. મમતા-આસક્તિ ન રહેવાથી ભગવાનના ભક્તના હિતમાં આપોઆપ આચરણ થવા લાગે છે અને જ્યારે કર્તવ્યકર્મ ઉપરામ પામે છે, ત્યારે આપોઆપ પરમાત્મામાં નિર્વિકલ્પપણે સ્થિતિ થઈ જાય છે. જેમ લોભી વ્યાપારી આખો દિવસ નફા માટે વ્યાપાર કરે છે અને જ્યારે સાંજે વ્યાપાર પૂરો કરે કે તુરત નગદ નફામાં નિમગ્ન થઈ જાય છે. માટે તેની સાધના નિરંતર ચાલુ રહે છે. વિરામ પામતી નથી.

મનુષ્યનો ઘણું કરીને એવો સ્વભાવ થઈ ગયો છે કે જેમાં તેને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ દેખાઈ આવે તે કર્મને તે ઘણી જ તત્પરતાપૂર્વક કરે છે; પરંતુ તે જ કર્મ તેને માટે બંધનરૂપ બને છે. આથી આ બંધનથી છૂટવા માટે તેણે કર્મયોગ અર્થાત્‌નિષ્કામ સેવાયોગ કરવાની ઘણી આવશ્યકતા છે. નિષ્કામ સેવાયોગમાં બધી જ ક્રિયાઓ બીજાને માટે કરવાની હોય છે, પોતાને માટે નહિ. શરીર, ઈન્દ્રિયો, અંતઃકરણ પણ માનેલું પારકું ઘોડું માનીને તે સારું કાર્યક્ષમ રહે અને પરમાત્મા અને તેના ભક્તની સેવામાં સાધનરૂપ બને એવા અનુસંધાનથી તેની જરૂરિયાતો પૂરી કરવાની છે. શરીરને નિદ્રાળુ, આળસુ, પ્રમાદી, નકામું કે ભોગી ન બનવા દે. ઈન્દ્રિયો ભોગોમાં આસક્ત ન બને. મનને કોઈનું અહિત વિચારવામાં કે ભોગ ચિંતનમાં ન જવા દે. બુદ્ધિથી કલ્યાણના માર્ગનું વરણ કરે. ભગવાનનો નિશ્ચય કરે, એવા બનાવે. ત્યારે જ તે પોતાના કલ્યાણમાં અથવા નિષ્કામ સેવાયોગના સાધન બની શકે; નહિ તો अन्यत्रकर्म બની જશે. જે બંધનનું કારણ બનશે.

सहयज्ञा: प्रजा: सृष्ट्‌वा पुरोवाच प्रजापति:।

अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक्‌।।१०।।

देवान्भावयतानेन ते देवा भावयन्तु व:।

परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ।।११।।

અર્થઃ પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત્‌સૃષ્ટિના આરંભે યજ્ઞસહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ. તમે બધાં આ યજ્ઞ વડે દેવતાઓને રિઝવજો અને તે દેવતાઓ તમને બધાને રિઝવે; આ પ્રમાણે નિઃસ્વાર્થભાવે એક-બીજાને પોષીને તમે બધા પરમ કલ્યાણને પામશો.

બ્રહ્માજી પ્રજાના (સૃષ્ટિ)ના રચયિતા તેમજ સ્વામી છે. આથી પોતાના કર્તવ્ય- પાલનની સાથે તેઓ પ્રજાની રક્ષા તથા પ્રજાના કલ્યાણનો વિચાર કરતા રહે છે. કારણ કે જે જેને ઉત્પન્ન કરે છે, તેની રક્ષા કરવાનું તેનું કર્તવ્ય બની જાય છે. બ્રહ્માજી પરમાત્માની આજ્ઞાથી પ્રજાની રચના કરે છે. તેની રક્ષામાં તત્પર રહે છે તથા સદા તેના હિતની વાત વિચારે છે. એટલા માટે તેઓ પ્રજાપતિ કહેવાય છે. સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ કર્તવ્યકર્મની યોગ્યતા અને વિવેક સહિત મનુષ્યોની રચના કરી છે. અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિનો સદ્‌ઉપયોગ મનુષ્યોના કલ્યાણ કરવાવાળો છે. એટલા માટે જ બ્રહ્માજીએ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિનો સદ્‌ઉપયોગ કરવાનો વિવેક સાથે દઈને જ મનુષ્યોની રચના કરી છે.

સત્‌અસત્‌નો વિચાર કરવામાં અસમર્થ પશુ, વૃક્ષ વગેરે દ્વારા સ્વાભાવિક પરોપકાર થાય છે; પરંતુ મનુષ્યને તો ભગવત્‌કૃપાથી વિશેષ વિવેકશક્તિ મળી છે. આથી જો તે પોતાના વિવેકને મહત્ત્વ આપીને અકર્તવ્ય કર્મ ન કરે તો તેના દ્વારા પણ સ્વભાવિક લોકહિતાર્થે કર્મો થઈ શકે છે.

અહીં प्रजा:પદ વિશેષરૂપે મનુષ્યો માટે જ પ્રયુક્ત થયો છે. કર્મયોગ અનાદિકાળથી ચાલતો આવી રહ્યો છે. ચોથા અધ્યાયના ત્રીજા શ્લોકમાં તેને ‘पुरातन’પદ વડે ભગવાન કહે છે કે આ કર્મયોગ ઘણા વખતથી લુપ્તપ્રાયઃ થઈ ગયો હતો. જે મેં તને કહ્યો છે. તે જ વાતને અહીં પણ पुरा પદ વડે તેઓ બીજી રીતે કહે છે. મેં જ નહિ પણ બ્રહ્માજીએ પણ સર્ગના આદિકાળમાં કર્તવ્ય-કર્મ સહિત પ્રજા રચીને તેને કર્મયોગનું આચરણ કરવાની આજ્ઞા આપી હતી. તાત્પર્ય એ છે કે નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગની પરંપરા અનાદિ કાળથી જ ચાલતી આવી રહી છે. આ કોઈ નવી વાત નથી.

ચોથા અધ્યાયના ચોવીસથી ત્રીસમા શ્લોક સુધી (ब्रह्मार्पणं अपरे नियताहारा:….... સુધી) પરમાત્મા પ્રાપ્તિનાં જેટલાં સાધનો બતાવ્યાં છે તે બધાં યજ્ઞના નામથી ઓળખાવવામાં આવ્યા છે. જેમ કે દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, પ્રાણયજ્ઞ વગેરે. પ્રાયઃ ‘યજ્ઞ’ શબ્દનો અર્થ હવન સાથે સંબંધ રાખવાવાળી ક્રિયાને માટે જ પ્રસિદ્ધ છે; પરંતુ ગીતા ‘યજ્ઞ’ દ્વારા કોઈ પણ સ્થૂળ અથવા સૂક્ષ્મ ‘સમર્પણ’ સાથે સંબંધિત કોઈપણ વિહિત કર્તવ્યકર્મને યજ્ઞ કહે છે. તેથી પોતાના વર્ણ, આશ્રમ, ધર્મ, જાતિ, સ્વભાવ, દેશ, કાળ વગેરેને અનુસાર પ્રાપ્ત કર્તવ્યકર્મ ‘યજ્ઞ’ની અંતર્ગત આવી જાય છે. અન્યના હિતમાં ભાવનાથી કરવામાં આવતા અથવા ભગવાન તથા ભગવાનના ભક્તના લાભને ઉદ્દેશીને કરવામાં આવતી ક્રિયાઓ ‘યજ્ઞ’ જ છે.

अनेन प्रसिविष्यध्वमेष वोऽस्त्विष्ट कामधुक्‌

બ્રહ્માજી મનુષ્યોને કહે છે કે તમે લોકો પોતપોતાનાં કર્તવ્યપાલન દ્વારા બધાની વૃદ્ધિ કરો, ઉન્નતિ કરો. એવું કરવાથી તમને લોકોને કર્તવ્યકર્મ કરવામાં ઉપયોગી સામગ્રી પ્રાપ્ત થતી રહેશે. તેની કદી ઊણપ નહિ રહે.

અહીં ‘इष्टकाम’ પદનો અર્થ કર્તવ્યકર્મ કરવામાં ‘ઉપયોગી સામગ્રી’ એવો લેવાનો છે પણ ‘ઈચ્છિત પદાર્થો’ એવો લેવાનો નથી. ‘इष्ट’ શબ્દ ‘यज्’ ધાતુને કૃદંતનો પ્રત્યય લગાડવાથી બને છે. જે ‘યજ્ઞ’ (કર્તવ્યકર્મનો) વાચક છે અને ‘काम’ શબ્દ कम्‌ ધાતુ પરથી બન્યો છે. જે પદાર્થ (સામગ્રી)નો વાચક છે. પૂર્વના શ્લોકમાં ભગવાન કહે છે કે યજ્ઞથી અન્યત્ર કર્મ અર્થાત્‌જેમાં સમર્પણભાવ નથી પણ સકામભવ છે, એવાં કર્મો કરવામાં લાગેલો મનુષ્ય બંધાઈ જાય છે. આગળ તેરમા શ્લોકમાં પણ કહ્યું છે કે, જેઓ પોતાને માટે અર્થાત્‌સકામભાવથી કર્મ કરે છે તે પાપી લોકો પાપનું ભક્ષણ કરે છે. આ રીતે પાછળના અને આગળના શ્લોકોને જોઈએ તો, બન્ને જગ્યાએ સકામભાવના ત્યાગની વાત આવી છે. આથી વચ્ચેના આ ૧૦, ૧૧, ૧૨મા શ્લોકોમાં પણ સકામભાવના ત્યાગની જ વાત આવવી ઉચિત છે. જો અહીં ‘इष्टकाम’ પદનો અર્થઈચ્છિત પદાર્થો લઈએ તો ચાલુ વિષયની વિરુદ્ધ હોવાને કારણે દોષ આવે છે. કેમ કે ઈચ્છિત પદાર્થો મેળવવા માટે કરવામાં આવેલાં કર્મો ભગવાનના મતે બંધનકારક છે. આથી ‘इष्टकाम’ પદનો અર્થ કર્તવ્ય માટે આવશ્યક સામગ્રી જ છે.

અર્જુનને કર્મ ન કરવામાં રુચિ હતી. તેને દૂર કરવા માટે ભગવાન કહે છે કે, પ્રજાપતિ બ્રહ્માજીનાં વચનોથી પણ તમારે કર્તવ્યકર્મ કરવાનું શિક્ષણ લેવું જોઈએ. બીજાઓનાં હિતને માટે કર્તવ્યકર્મ કરવાથી તમારી લૌકિક અને પારલૌકિક ઉન્નતિ થઈ શકે છે.

નિષ્કામ કર્મયોગી અથવા નિષ્કામભાવથી ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરનારો બીજાની સેવા અથવા હિત કરવા માટે સદા તત્પર રહે છે. તેથી જ પ્રજાપતિ બ્રહ્માજીના વિધાન અનુસાર અથવા તો કહો કે પરમાત્માની ઈચ્છાથી સેવા કરવાની સામગ્રી, સામર્થી અને શરીરનિર્વાહ માટે આવશ્યક વસ્તુઓની તેને કદી કમી પડતી નથી. તેને તે ઉપયોગી વસ્તુઓ સુગમતાપૂર્વક મળતી રહે છે. જે ભગવાન પાપીઓનું અને પોતાનો વિરોધ કરનારાઓનું પણ ભરણ-પોષણ કરે છે એવા વિશ્વંભર છે. તેને રસ્તે ચાલેલાનું તો જરૂર ભરણ-પોષણ કરનારા છે, તેમાં તેને ચિંતા કરવાની નથી. જ્યારે બ્રહ્માજીએ કર્તવ્યપાલન કરવાનું વિધાન કર્યું છે ત્યારે કર્તવ્ય- પાલન થઈ શકે તેટલી સમગ્રી આપવાનું પણ તેમના ઉપર આવી પડે છે.

વાસ્તવમાં મનુષ્ય શરીર ભોગ ભોગવવા માટે છે જ નહિ. ‘एहि तन कर फल विषय न भाई’(માનસ-૭-૪૪-૧) એટલા માટે ‘સાંસારિક સુખોને ભોગવો’. એવી આજ્ઞા કે વિધાન કોઈ પણ સત્‌શાસ્ત્રોમાં નથી. સમાજ પણ સ્વચ્છંદીઓને પ્રમાણ કરતો નથી. તેનાથી ઊલટું બીજાઓને સુખ પહોંચાડવાની આજ્ઞા કે વિધાન શાસ્ત્રો અને સમાજ બંને આપે છે. જેમ કે પિતાને માટે એવું વિધાન તો મળે છે કે તેણે પુત્રનું પાલન કરવું પણ એવું વિધાન કયાંય મળતું નથી કે પિતા પુત્ર પાસેથી ફકત સેવા જ ગ્રહણ કરે. આ જ રીતે પુત્ર, પત્ની વગેરેને બીજાને માટે શું કરવું તેની જ આજ્ઞાઓ છે.

નિષ્કામભાવે સેવા કરનારો સદા આપવાનો જ ભાવ રાખે છે, લેવાનો નહિ. કારણ કે લેવાનો ભાવ જ બાંધવાવાળો છે. કેવળ લેવાનો ભાવ રાખવાથી કલ્યાણ પ્રાપ્તિમાં વિઘ્ન લાગવાની સાથે જ સાંસારિક પદાર્થોની પ્રાપ્તિમાં પણ વિઘ્ન ઉપસ્થિત થાય છે. પ્રાયઃ બધાનો અનુભવ છે કે સંસારમાં લેવાનો ભાવ રાખવાવાળાને કોઈ હૃદયથી આપવા નથી ચાહતું-‘માગે તેનાથી ભાગે અને ત્યાગે તેની આગે’ એ લોકાનુભવ શાસ્ત્ર અને સમાજને અનુરૂપ-મળતો આવે છે. તેથી બ્રહ્માજી કહે છે કે નિસ્વાર્થ ભાવે, કંઈ પણ ઈચ્છયા વિના કર્તવ્યકર્મ કરવાથી જ મનુષ્ય પોતાનું કલ્યાણ (ઉન્નતિ) કરી શકે છે.

देवान्‌भावयतानेन…અહીં ‘देव’શબ્દ મનુષ્ય, દેવતા ઋષિઓ, પિતૃઓ બધાનો ઉપક્ષક છે. નિષ્કામ કર્મયોગીનો ઉદ્દેશ્ય કર્તવ્યકર્મ કરીને પ્રાણીમાત્રને સુખ પમાડવાનો છે તેથી તે બધા એમાં આવી જાય છે; છતાં પણ કર્તવ્યપાલનના ઉપદેશનો પૂર્ણ અધિકારી મનુષ્ય જ છે. મનુષ્યોને જ કર્મ કરવાની સ્વતંત્રતા મળેલી છે. માટે આ સ્વતંત્રતાનો મનુષ્યે સદ્‌ઉપયોગ કરવો જોઈએ.

ते देवा भावयन्तु व:જેવી રીતે વૃક્ષ, લતા વગેરેમાં સ્વાભાવિક રીતે જ ફૂલફળ આવે છે; પરંતુ જો તેમને ખાતર અને પાણી આપવામાં આવે તો તેમાં ફળફૂલ વિશેષતાથી આવે છે. એવી જ રીતે યજનપૂજન કરવાથી દેવતાઓની પુષ્ટિ થાય છે. જેથી દેવતાઓનાં કામ વિશેષ ન્યાયપ્રદ બને છે; પરંતુ જ્યારે મનુષ્યો પોતાનાં કર્તવ્યકર્મ દ્વારા દેવતાઓનું યજન-પૂજન નથી કરતા ત્યારે દેવતાઓને પુષ્ટિ મળતી નથી. જેથી તેઓમાં પોતાનું કર્તવ્યપાલન કરવાની ઊણપ આવી જાય છે અને તેથી જ સંસારમાં અનાવૃષ્ટિ-અતિવૃષ્ટિ વગેરે ઝંઝાવાતો થાય છે.

परस्परं भावयन्त:આ પદોનો એવો અર્થ નથી કરવાનો કે આપણી સેવા કરે તો આપણે તેની સેવા કરીએ; પરંતુ બીજાની અપેક્ષા રાખ્યા સિવાય પોતાનું કર્તવ્ય સમજીને બીજાની સેવા આપણે કરવી. ભગવાનના ભક્તની સેવા આપણે આપણો સ્વધર્મ જાણીને કરવી. બીજા શું કરે છે તેની પ્રતિક્રિયા રૂપે જ આપણે કરીએ તો એ પૂરતું નથી. બીજાઓનંા કર્તવ્યને જ જોનારો પોતાના કર્તવ્યથી ચ્યુત થઈ જાય છે. પરિણામે તેનું પતન થાય છે. બીજાઓને કર્તવ્યપાલન કરાવવું એ આપણા અધિકાર પરત્વેની વાત પણ નથી. આપણે બીજાનું હિત કરવા માટે અને તેમાં જ આપણું વધારે હિત છે, એમ માનીને આપણે નિષ્કામભાવથી ભગવાન તથા ભગવાનના ભક્તની સેવા કરવારૂપ કર્તવ્યપાલન કરવાનું છે. તે દ્વારા બીજાને સુખ પહોંચાડવાનું છે. ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાંથી જીવ ચોરીને આપણી સમજ, સામર્થી, સમય અને સામગ્રીને પોતાને માટે થોડીક પણ બચાવીને નથી રાખવાની. ત્યારે આપણો જગતથી તત્કાળ સંબંધ વિચ્છેદ થઈ જશે. બ્રહ્માજીએ તો દેવતાઓ અને મનુષ્યોને માટે પરસ્પર એકબીજાનાં હિત કરવાની વાત કરી છે. તેવી જ રીતે ચારે વર્ણ-આશ્રમને માટે પણ સમજવાનું છે અને તેમ કરવાથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. એવો ગર્ભિત ભાવ છે.

બ્રહ્માજી વડે સંપૂર્ણ સૃષ્ટિની રચના જ બીજાની સેવાના હેતુથી કરવામાં આવી છે. ‘इदं ब्रह्मणे न मम’જેમ પતિવ્રતા સ્ત્રી પતિને માટે હોય છે. પોતાને માટે નહિ. માનું દૂધ બાળકને માટે સર્જાયું છે, પોતાને માટે નહિ. બાળકની ચેષ્ટા માના સુખ માટે બને છે પોતાને માટે નહિ. માતા-પિતા સંતાન માટે સુખરૂપ સર્જાયાં છે અને સંતાનો માતાપિતાના સુખ માટે સર્જાયાં છે. શ્રોતા વક્તાને માટે છે ને વક્તા શ્રોતાને માટે છે. તાત્પર્ય એ થયું કે પોતાની માનેલી શુભ વસ્તુનું સુખ પોતે જ ન લેવા માંડે; પરંતુ તેને બીજાને માટે ખાસ કરીને ભગવાન અને ભગવાનના ભક્તને માટે સુખરૂપ થાય તેમ કરવું તો તે સૃષ્ટિના હેતુને પણ અનુરૂપ થયા ગણાશે. સૃષ્ટિની રચના પરમાત્માએ ભોગ માટે નહિ પણ ઉદ્ધાર માટે બનાવી છે.

દેવતાઓ પણ સ્વાર્થનો ત્યાગ કરીને બીજાનું હિત કરી શકે છે. તેથી જ તેમાં પણ નારદજી જેવા પરમ પરોપકારી ઋષિ થયા છે. ભગવાન તરફથી કોઈને મના નથી તો પણ કલ્યાણનો મુખ્ય અધિકારી મનુષ્ય છે.

અહીં એક શંકા થઈ શકે છે કે આપણે તો બીજાનું ભલું કરીએ અને ઈચ્છા પણ કરીએ; પરંતુ બીજા આપણું ભલું ન કરે અને આપણું બૂરું જ કરવા પ્રયત્ન કરે, તો परस्परं भावयन्त:કેમ શકય બનશે? તો એનું સમાધાન એવું છે કે બીજાનું ભલું કરનારાનું બીજા બૂરું કરી શકતા નથી અને જો પ્રયત્ન કરે છે તો તે પોતાનું જ બૂરું કરે છે અને ભલું કરનારાનું ભગવાન ભલું જ કરે છે. આપણું બૂરું કરવાની સામર્થી પણ તેમાં નથી રહેતી અને કદાચ માનો કે તેણે આપણું બૂરું કરી પણ દીધું તો પણ આપણું ભલું કરનાર અને સહાનુભૂતિ દેનાર વધારે શક્તિશાળી ભગવાન આપણને આપી દેતા હોય છે. બીજાનું ખરાબ કરવાનું વિધાન શાસ્ત્રમાં કયાંય આવતું નથી; પરંતુ મનુષ્ય દ્વેષ અને રાગને કારણે જ બીજાનું બૂરું કરવા પ્રયત્ન કરે છે. परस्परं भावयन्त:મનુષ્યને માટેની વાત છે. એમ નહિ કરી શકવાથી જ માણસ દુઃખી થાય છે.

કર્તવ્ય અને અધિકારના વિષયમાં વિચારવાનું એ છે કે મનુષ્યે પોતાના કર્તવ્યના પાલન દ્વારા બીજાના અધિકારની રક્ષા કરવાની છે અને ત્યારે જ કર્મયોગ શકય બને છે અને ત્યારે જ તે નિષ્કામભાવથી ભગવાનના ભક્તોની સેવા કરી શકે છે. માતાપિતાની સેવા કરવી એ પુત્રનું કર્તવ્ય છે અને માતાપિતાનો અધિકાર છે. જે બીજાનો અધિકાર હોય છે તે જ આપણું કર્તવ્ય બને છે. આથી દરેકે પોતાના કર્તવ્યપાલન દ્વારા બીજાના અધિકારની રક્ષા કરવાની છે. બીજાનું કર્તવ્ય આપણે નથી જોવાનું. બીજાનું કર્તવ્ય જોવાથી અને તેની જ ચાડ્ય રાખવાથી માણસ પોતાના કર્તવ્યથી જરૂર ચ્યુત થઈ જાય છે. કેમ કે બીજાનું કર્તવ્ય જોવું એ આપણું કર્તવ્ય નથી; પરંતુ પુરુષાર્થહીન અને સ્વાર્થી, લંપટ મનુષ્યો બીજાનાં કર્તવ્ય અને પોતાના અધિકારની જ પ્રાપ્તિમાં નિમગ્ન રહેતા હોય છે. બીજાનું હિત કરવું-ભગવાનના ભક્તની નિષ્કામ સેવા કરવી એ આપણું કર્તવ્ય છે અને તે જ વસ્તુ બીજાનો અધિકાર અથવા યોગ્યતા બની રહે છે. જો કે અધિકાર કર્તવ્યને આધીન છે. સંપૂર્ણ બીજા પ્રત્યે કર્તવ્ય બજાવ્યા વિના અધિકારને યાદ કરવાનો અધિકાર પણ નથી. અધિકાર કર્તવ્યને આધીન છે તો પણ જેને કલ્યાણને માર્ગે ચાલવું છે તેને તો પોતાનો અધિકાર જોવાનો જ નથી, તેને યાદ કરવાનો જ નથી. તેને તો પરમાત્માને રાજી કરવા પોતાનું કર્તવ્ય બજાવવાનું છે. નિષ્કામભાવથી સેવા કરવાની છે અને ભગવાન પણ ન્યાયી છે. તેના અધિકારને કોઈ તોડવા ઈચ્છે તો તોડવા દે તેવા નથી. ગમે તે માધ્યમથી આપે જ છે; છતાં આપણે તેને યાદી દેવરાવવાની જરૂર નથી અને યાદ કરવાનો નથી. ઊલટું જેને ખરેખર કલ્યાણ માત્ર જ જોઈએ છે, તેણે પોતાના અધિકારનો ત્યાગ કરવાનો છે અને તત્પરતાથી કર્તવ્ય બજાવવાનું છે. તેને જ નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કહેવાય છે. આપણે કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત તથા બીજાના અધિકારની રક્ષા માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે. બીજાનું કર્તવ્ય જોવાનું (સુપરવીઝન કરવાનું) અને પોતાનો અધિકાર જમાવવાનું આપણા માટે લોક અને પરલોકમાં પતન કરાવવાવાળું છે. વર્તમાન સમયમાં ઘરોમાં, સંસ્થાઓમાં, રાજકીય પક્ષોમાં અને એકબીજા દેશોમાં જે અશાંતિ, કલહ અને સઘંર્ષ જોવામાં આવી રહ્યાં છે તેનું મૂળ કારણ આ જ છે કે પોતાના અધિકારની માગણી માટે તો મરી ફીટે છે પણ પોતાના કર્તવ્યનું પાલન મારી નાખે તો પણ કરતા નથી. તેથી બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભમાં જ ઉપદેશ આપ્યો છે કે એકબીજાનું પરસ્પર હિત કરવું એ તમારું પરમ કર્તવ્ય છે.

श्रेय: परमवाप्स्यथ-આ એક સિદ્ધાંત છે કે મનુષ્ય જ્યાં સુધી પોતાને માટે કર્મ કરે છે ત્યાં સુધી તેના કર્મની સમાપ્તિ પણ નથી અને તે કર્મોથી બંધાતો જાય છે. કૃતકૃત્યતા તો ત્યારે જ અનુભવાય છે કે જે પોતાને માટે કદી કશું જ નથી કરતો. પોતાને માટે કાંઈ પણ નહિ કરવાથી પાપનું આચરણ પણ નથી થતું. કેમ કે પાપનું આચરણ વ્યક્તિગત કામનાને કારણે જ થાય છે. માટે પોતાનું કલ્યાણ ઈચ્છવાવાળા સાધકે શાસ્ત્રોની આજ્ઞા અનુસાર ફળની ઈચ્છા અને આસક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્યકર્મ કરવામાં તત્પર થઈ જવું જોઈએ. તો સહેલાઈથી આપોઆપ કલ્યાણને પામી જાય છે.

અહીં પરમ કલ્યાણની પ્રાપ્તિ મુખ્યત્વે મનુષ્યોને માટે જ બતાવવામાં આવી છે. દેવતાઓને માટે નહિ. કારણ કે દેવયોનિ પોતાનું કલ્યાણ સાધવા માટે નથી બનાવવામાં આવી પણ ભોગયોનિ છે. વળી મનુષ્યો જે કાંઈ કર્મો કરે છે તેનું ફળ આપવા, કર્મ કરવાની સામગ્રી આપવા અને પોતાનાં શુભ કર્મોનું ફળ ભોગવવા દેવતાઓની રચના કરવામાં આવી છે. તેઓ નિષ્કામભાવે સામગ્રી આપે છે, એવી વાત નથી; પરંતુ તે દેવતાઓમાંથી પણ જો કોઈને કલ્યાણની ઈચ્છા થઈ જાય તો તેમનું કલ્યાણ થવા માટે મનાઈ નથી. જો ઈચ્છા થાય તો કલ્યાણ કરી શકે છે. પાપીમાં પાપી મનુષ્ય હોય તો પણ તેનું કલ્યાણ કરી શકે છે તો દેવતાઓને તો મનાઈ કેમ હોઈ શકે? ન જ હોય. એવું હોવા છતાં પણ દેવતાઓનો ઉદ્દેશ ભોગ ભોગવવાનો જ રહે છે. એટલા માટે તેઓમાં ઘણું કરીને પોતાના કલ્યાણની ઈચ્છા નથી થતી.

इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविता:।

तैर्दत्तानप्रदायैभ्यो यो भुङक्ते स्तेन एव स:।।१२।।

અર્થઃ યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગ આપશે. તેમણે આપેલા ભોગો તેમને સમર્પ્યા વિના જે કોઈ ભોગવે તે અવશ્ય ચોર જ છે.

અહીં પણ ‘इष्टभोग’નો અર્થ યજ્ઞ કરવા માટે આવશ્યક સામગ્રી લેવાનો છે. તેથી આ પદોનો અર્થ-તે દેવતાઓ તમને લોકોને યજ્ઞ (કર્તવ્યકર્મ) કરવાની સામગ્રી દેતા રહેશે. ‘यज्ञभाविता: देवा:’નું તાત્પર્ય એ થાય છે કે દેવતાઓ તો આવશ્યક સામગ્રી આપે જ છે. કેવળ મનુષ્યોએ જ પોતાનું કર્તવ્ય બજાવવાનું છે.

तैर्दत्तानप्रदायैभ्यो यो भुङक्ते બ્રહ્માજીએ દેવતાને માટે આગળના શ્લોકમાં ‘ते देवा:’શબ્દ પ્રયોગ કર્યો છે. કેમ કે તેમની સમક્ષ મનુષ્યો હતા, દેવતાઓ નહિ. જ્યારે આ શ્લોકમાં एभ्यो પદ જે इदम्‌ શબ્દથી બને છે તેનો પ્રયોગ કર્યો છે. જે સમીપતાનું દ્યોતક છે. ભગવાનને માટે બધા સમીપ જ છે. આથી સિદ્ધ થાય છે કે આ શ્લોકમાં બોલાયેલાં વાક્યોથી ભગવાનનાં વચનોનો આરંભ થાય છે.

અહીં ‘भुङक्ते’ એટલે કેવળ ભોજન અર્થમાં જ નથી પણ શરીરનિર્વાહની સમસ્ત સામગ્રી જે ભોજન, વસ્ત્ર, ધન, મકાન વગેરે ને પોતાના સુખને અર્થે કામમાં લાવવા સાથે છે.

આ શરીર માતાપિતા પાસેથી મળ્યું છે અને તેમનું પાલન-પોષણ પણ તેમના દ્વારા થયું છે. વિદ્યા-ગુરુજનો પાસેથી મળી છે. દેવતાઓ બધાને કર્તવ્યકર્મની સામગ્રી આપે છે. ઋષિઓ બધાને જ્ઞાન આપે છે. પશુ, પક્ષી, વૃક્ષ, લત્તા વગેરે બીજાના હિત માટે પોતાને સમર્પિત કરી દે છે. આ રીતે આપણી પાસે જે કાંઈ સામગ્રી, બળ, યોગ્યતા, પદ અધિકાર, ધન, સંપત્તિ વગેરે છે; તે સઘળે સઘળી આપણને બીજા પાસેથી જ મળી છે. એટલા માટે તેને ભગવાન, સત્સંગ અને ભગવાનના ભક્તની જ સેવામાં વાપરવાનાં છે. જેથી તેઓની વસ્તુ સાર્થક બને છે અને તેઓનું પણ શ્રેય થાય. આ દૃષ્ણિકોણ શરીર, ઈન્દ્રિયો, અંતઃકરણ પ્રત્યે પણ રાખવાનો છે. તેમને પણ નિષ્કામભાવે તેઓની સેવામાં વાપરવાનાં છે. આ જ આપણું કર્તવ્ય છે અને તેઓના બંધનથી છૂટવાનો સરળ ઉપાય છે. સાધકોના મનમાં ઘણું કરીને એવી ભાવના સેવાતી હોય છે કે જો આપણે તેની સેવા કરીશું તો પદાર્થો વગેરેમાં આપણી આસક્તિ થઈ જશે અને આપણે ફસાઈ જઈશું; પરંતુ ભગવાનનાં વચનોથી એવું સિદ્ધ થાય છે કે ફસાવાનું કારણ સેવા નથી પણ પોતાને માટે કાંઈક પણ લેવાનો સ્વાર્થભાવ છે. એટલા માટે લેવાનો સ્વાર્થભાવ છોડીને દેવતાઓની જેમ બીજાઓને (ભગવાનના ભક્તોને) સુખ પહોંચાડવાનું જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે.

નિષ્કામ કર્મયોગના સિદ્ધાંતમાં પ્રાપ્ત સામગ્રી, સામર્થ્ય, સમય અને સમજણનો ભગવાન માટે સદ્‌ઉપયોગ કરવાનું વિધાન છે. પ્રાપ્ત સામગ્રી વગેરેથી વધારે વધારે નવી નવી સામગ્રી વગેરેની ઈચ્છા કે કામના કરવી એ કર્મયોગના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. આથી આપણા પાસે જે કાંઈ હાલ પ્રાપ્ત છે, તેને જ ભગવાન અને ભગવદ્‌ભક્તના હિતાર્થે વાપરવાની છે. વધારે કિંચિત્‌માત્ર પણ આવશ્યકતા નથી. યુક્તિસંગત વાત એ છે કે જેનામાં જેટલી શક્તિ હોય છે; તેની પાસેથી તેટલી જ આશા કરવામાં આવી છે અને ભગવાન પણ તેટલી જ અપેક્ષા રાખે છે, વધારે નહિ.

स्तेन एव स:- ‘स: स्तेन’પદોમાં એકવચન વાપરવાનું તાત્પર્ય એ છે કે પોતાના કર્તવ્યનું પાલન ન કરવાવાળો મનુષ્ય બધાને પ્રાપ્ત થવાવાળી સામગ્રી-અન્ન, જળ, વસ્ત્ર વગેરેનો ભોગ બીજાને દીધા વિના એકલો જ પોતે લઈ લે છે, આથી તે ચોર છે.

જે મનુષ્ય બીજાઓને તેમનો ભાગ નહિ આપીને પોતે એકલો જ ભોગવે છે, તે તો ચોર છે જ. પણ જે મનુષ્ય બીજાના હિતમાં સામગ્રી વાપરતાં વાપરતાં પણ પોતાનો વ્યક્તિગત લૌકિક સ્વાર્થ સિદ્ધ કરવાનું ઈચ્છે છે. અર્થાત્‌સામગ્રીને સેવામાં વાપરીને બદલામાં માન, બડાઈ, કીર્તિ, વાહવાહ વગેરે ચાહે છે તે પણ તેટલા અંશમાં તો ચોર જ છે. એવા મનુષ્યોનું અંતઃકરણ કદી શુદ્ધ અને શાંત નથી રહી શકતું.

નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગીના મનમાં એમ ભાવ રહે છે કે હું જે કાંઈ પણ કરી રહ્યો છું તે બધું પોતાને માટે નહિ પણ પરમાત્માને માટે જ કરી રહ્યો છું. પરમાત્માએ આપેલ વસ્તુઓ તથા અવસરને પોતાના સ્વાર્થ માટે વાપરવા તે અંતરની ઈમાનદારી ન કહેવાય. ગીતાનો એક માત્ર ઉદ્દેશ્ય મનુષ્યનું કલ્યાણ કરવાનો છે. આવા ઉદેશ્યથી જ બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભમાં નિષ્કામભાવે પોતપોતાનું કર્તવ્ય બજાવીને બીજાને સુખ પહોંચાડવાની આજ્ઞા કરી છે. લોકમાં ભાઈ-બહેન, માતા-પિતા, પરિવારજનો સઘળાં કર્મો તો કરે જ છે પણ કામના, મમતા, આસક્તિ, સ્વાર્થ વગેરેને વશીભૂત થઈને કર્મ કરે છે. આનાથી લૌકિક અને પારલૌકિક લાભ મળવા જોઈએ તે યથાર્થ તેને મળતા નથી. સ્વાર્થને માટે વશીભૂત થઈને પોતાને માટે કર્મ કરવાથી જ આ લોકમાં લડાઈ-ઝઘડા, ખટપટ, ઈર્ષ્યા અદેખાઈ વગેરે થાય છે અને પરલોકમાં દુર્ગતિ થાય છે. બીજાઓની સેવા કરીને બદલામાં કાંઈક ઈચ્છવાથી, ઈચ્છિત પદાર્થ સાથે સંબંધ જોડાય છે. જે ખરેખર તોડવાનો છે. કોઈપણ કર્મની સાથે સ્વાર્થનો સંબંધ જોડવાથી તે કર્મ તુચ્છ અને બંધનકારક થઈ જાય છે. સ્વાર્થી મનુષ્યને સંસારમાં કોઈ સારો નથી કહેતું. ઈચ્છાઓ રાખવાવાળાને કોઈ વધારે આપવા નથી ઈચ્છતું. ઘણું કરીને એવું જોવામાં આવે છે કે રાગી અને ભોગી વ્યક્તિઓથી વસ્તુને છુપાવવામાં આવે છે. રખેને તે લાલચ કરશે ! તેથી ઊલટું પોતાની વસ્તુ, સામર્થીથી ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરે તો તેનું કલ્યાણ થાય છે. ઉપરાંત માનબડાઈ, આદરસત્કાર, આરામ, વસ્તુઓ ન ઈચ્છવા છતાં જોરાવરીએ તેને પ્રાપ્ત થવા લાગે છે; છતાં પણ નિષ્કામભાવથી સેવા કરનારો સાધક ઈચ્છતો જ નથી.

મને સુખ કેવી રીતે મળે ? આમાં મારું શું ? કેવળ આવી ચાહનાઓથી માણસ કર્તવ્યચ્યુત અને પતિત થઈ જાય છે. આથી પરમાત્મા રાજી કેમ થાય? ભગવાનના ભક્તોને સુખ કેમ મળે? એવી નિષ્કામભાવે સેવા કરનારાએ જાગ્રતિ રાખવી જોઈએ. વળી સેવા કરનાર વ્યક્તિથી એક ભૂલ એવી પણ થઈ જાય છે કે ‘હું સેવા કરું છું, હું બીજા કરતાં સારો છું’ એવું અભિમાન કરી બેસે છે અને તેથી કલ્યાણનો માર્ગ ચૂકી જવાય છે માટે શ્રીજી મહારાજ કહે છે કે એવો અવસર પ્રાપ્ત થાય તો પોતાનાં ભાગ્ય માનીને અને કલ્યાણની ગરજ રાખીને નિષ્કામભાવે સેવા કરવી. ખોટી મમતા અને અભિમાન કરવાથી જ બંધન ઊભું થાય છે. વળી ભગવાનના મત મુજબ આપણે ચોર ઠરીએ છીએ.

દેવતાઓ, પશુ, પક્ષી, વૃક્ષ, લતા વગેરે તો પોતાનું કર્તવ્ય પાલન અને પરોપકાર કરે જ છે. પણ જો મનુષ્ય કર્તવ્યપાલન ન કરે તો પૂરું સર્કલ બ્રેક થઈ જાય. ત્યારે દેવતાઓમાં જ નહિ પણ પૂરી ત્રિલોકીમાં ખળભળાટ મચી જાય અને પરિણામે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ઉત્પાતો વિગેરે પ્રાકૃતિક પ્રકોપ થવા લાગે છે. જેમ દોડતી મોટર ગાડીનું એક પૈડું ખોટવાય તો તેમાં બેઠેલા તમામને ખતરો ઊભો થાય છે. તેમ ગતિશીલ આ સૃષ્ટિચક્રમાં (एवं प्रर्वतीतं चक्रं नानुवर्तयतीह ये...)કોઈ એક ભાગ કર્તવ્યચ્યુત થાય તેનું વિપરીત ફળ બધાને ભોગવવું પડે છે. જેમ શરીરમાં પણ એક અંગમાં પીડા થવાથી તમામ અંગો બેચેન બની જાય છે. આથી ઊલટું શરીરમાં એક અંગમાં જે પીડા હોય તે શાંત થાય તો સંપૂર્ણ શરીરમાં સુખ વ્યાપી જાય છે. તેમ જ નિષ્કામ સેવારૂપ પોતાનું કર્તવ્ય ઠીકઠીક બજાવવાથી સંપૂર્ણ સત્સંગનું આપોઆપ હિત થાય છે.

પ્રજાપતિ બ્રહ્માએ દેવતાઓ અને મનુષ્યો-બન્નેને પોતપોતાનાં કર્તવ્યનું પાલન કરવાની આજ્ઞા આપી છે. દેવતા વગેરે તો મર્યાદાથી ચાલે છે. કેવળ મનુષ્ય જ પોતાની બેસમજથી મર્યાદાનો ભંગ કરે છે. કારણ કે તેને બીજાની સેવા માટે જે સામગ્રી મળી છે તેના ઉપર પોતાનો અધિકાર સમજી બેસે છે. અંનત જન્મનાં કર્મબંધનથી છૂટકારો મેળવવા માટે મનુષ્યને ભગવાને કર્મની સ્વતંત્રતા આપી છે; પરંતુ તે તેનો દુરુપયોગ કરીને કર્મ અને કર્મના ફળમાં મમતા-આસક્તિ કરી બેસે છે. પરિણામે નવું બંધન ઊભું થાય છે ને પોતે ફસાઈ જાય છે અને આગળ અનેક જન્મો સુધી દુઃખ પામવાની તૈયારી કરી લે છે. આથી મનુષ્યને જે કાંઈ સામગ્રી મળી છે, તેને ભગવાન, સત્સંગ અને ભગવાનના ભક્તની સેવામાં જોડી દેવી જોઈએ તો તેનું પરમ કલ્યાણ થાય. બંધન છૂટે અને દુઃખનો પાર આવે.

અહીં એક શંકા ઊઠે છે કે નિષ્કામ કર્મયોગી અથવા નિષ્કામ સેવાભાવી બધી જ સામગ્રી બીજાને માટે વાપરી દે તો પછી જીવન નિર્વાહ કેમ ચાલે? તેનું સમાધાન એ છે કે આવી શંકા વાસ્તવમાં દેહાનુસંધાનમાંથી ઊઠી છે. સાચા ભાવથી નિષ્કામ સેવા કરનારાને એવી પરિસ્થિતિ આવતી નથી અથવા કહો કે ભગવાન આવવા દેતા નથી. ‘‘હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે.’’

જ્યાં સુધી ભોગેચ્છા અને આસક્તિ રહે છે ત્યાં સુધી જીવવાની લાલસા અને મરવાનો ભય રહે છે. નિષ્કામભાવથી સેવા કરનારને તે હોતો નથી. વાસ્તવમાં જેના હૃદયમાં જગતની આવશ્યકતા નથી રહેતી તેની આવશ્યકતા જગતને રહે છે. એટલા માટે જગત તેના નિર્વાહનો આપોઆપ પ્રબંધ કરી આપે છે. જેનું જીવન પરોપકાર માટે છે, એવા પશુ-પક્ષી, વૃક્ષ-લતા વગેરેના જીવનનિર્વાહની વ્યવસ્થા થયેલી છે, ત્યારે ભગવાનને માટે જીવન સમર્પિત કરનાર સાધકનો જીવનનિર્વાહ ન થાય તે કેમ સંભવી શકે? માતાના શરીરમાં સંપૂર્ણ લોહી જ ભર્યું છે. ત્યાં બાળકના જન્મતાની સાથે દૂધની વ્યવસ્થા થઈ જાય છે. વળી બાળક ન જન્મે ત્યાં સુધી નથી થતી. માટે ભગવાનથી માનો, પ્રારબ્ધથી માનો યા કોઈ પણ પ્રકારે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै:।

भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्‌।।१३।।

અર્થઃ યજ્ઞમાંથી વધેલાં અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુકત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે, તેઓ તો પાપને જ ખાય છે.

यज्ञशिष्टाशिन: सन्त:-કર્તવ્યકર્મોનું નિષ્કામભાવથી વિધિપૂર્વક પાલન કરવાથી (યજ્ઞશેષના રૂપમાં) યોગ અથવા સમતા જ શેષ રહે છે અથવા નિષ્કામ ભાવથી ભગવાન અને ભગવાનના ભક્ત અને સત્સંગની સેવા કરવાથી (યજ્ઞશેેષના રૂપમાં) પરમાત્માની મૂર્તિ અથવા મૂર્તિ નિર્વિકલ્પ ભાવ જ શેષરૂપે રહે છે. નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગમાં આ ખાસ વાત છે કે પરમાત્માએ આપેલી સામગ્રી દ્વારા જ કર્મ થાય છે. આથી પરમાત્માની સેવામાં લગાડી દેવાથી જ તે ‘યજ્ઞ’ સિદ્ધ થાય છે. યજ્ઞની સિદ્ધિ પછી આપોઆપ રહેવાવાળો યોગ (નિર્વિકલ્પ યોગ) પોતાને માટે હોય છે. આ યોગ જ (નિર્વિકલ્પ યોગ) યજ્ઞશેષ છે. જેને ભગવાને ચોથા અધ્યાયમાં अमृत यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम्‌ (૪/૩૧) કહ્યું છે.

मुच्यन्ते सर्व किल्बिषै:અહીં किल्बिषै:બહુવચનમાં છે જેનો અર્થ થાય છે સઘળા પાપોથી અર્થાત્‌સઘળાં બંધનોથી. ભગવાને આ પદની સાથે सर्व પદ પણ આપ્યું છે. જેનું વિશેષ તાત્પર્ય એવું થઈ જાય છે કે મનુષ્યને યજ્ઞશેષનો અનુભવ કરવાથી કોઈ પણ પ્રકારનું બંધન રહેતું નથી. તેના તમામ સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાર્ણ કર્મો વિલીન થાય છે. यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते।(૪/૨૩) સઘળાં કર્મો વિલીન થઈ જવાથી તેને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्मसनातनम्‌(૪/૩૧)

આ જ અધ્યાયના નવમા શ્લોકમાં ભગવાને યજ્ઞાર્થ કર્મથી અન્યત્ર કર્મને બંધનકારક બતાવ્યું અને ચોથા અધ્યાયના ત્રેવીસમા શ્લોકમાં યજ્ઞાર્થ કર્મ કરવાવાળા મનુષ્યનાં સઘળાં કર્મો વિલીન થવાની વાત કરી. આ બન્ને શ્લોકો (૩/૯ અને ૪/૨૩)માં જે વાત આવી છે તે જ વાત અહીં सर्व किल्बिषै:પદથી કહેવામાં આવી છે. તાત્પર્ય એ થયું કે યજ્ઞશેષનો અનુભવ કરવાવાળો મનુષ્ય સઘળાં બંધનરૂપ કર્મોથી મુક્ત થઈ જાય છે. પાપકર્મો તો બંધનકારક થાય જ છે પણ સકામ ભાવથી કરવામાં આવેલાં પુણ્યકર્મો પણ (ફળજનક હોવાથી) બંધનકારક થાય છે. યજ્ઞશેષનો (પરમાત્મા અથવા પરમાત્મામાં નિર્વિકલ્પતાનો અનુભવ કરવાથી પાપ અને પુણ્ય બન્ને નથી રહેતાં- बुद्धि युक्तो जहातीह उभे सुकृतदुष्कृते(૨/૫૦)

હવે વિચાર કરો કે બંધનનું વાસ્તવિક કારણ શું છે? આ મને મળવું જોઈએ અને આ ન મળવું જોઈએ. આવી કામનાથી જ બંધન ઊભું થાય છે. આવી કામના સઘળાં પાપોની જડ છે (૩/૩૭) આથી કર્મયોગમાં કે નિષ્કામ સેવાયોગમાં કામનાનો ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે.

પોતાના કહેવડાવવાળા શરીર વગેરે પદાર્થોને કદી પણ પોતાના અને પોતાને માટે ન માનીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં લગાડી દેવાથી આ પદાર્થોની સાથેનો અંતરમાંથી આપોઆપ સંબંધ વિચ્છેદ થઈ જાય છે. જેથી તત્કાળ પોતાના સ્વરૂપનું અને પરમાત્માની મહત્તાનું જ્ઞાન થાય છે. ત્યારે તેના અંતરમાં કોઈ પ્રકારનો અભાવ રહેતો નથી, પૂર્ણકામપણું મનાય છે. કામનાઓ આપોઆપ દૂર થઈ જાય છે અને મનુષ્ય જીવન મુક્ત દશાને પામી જાય છે.

ये पचन्त्यात्मकारणात्‌-પોતાને માટે કાંઈ પણ ઈચ્છવાનો ભાવ અર્થાત્‌સ્વાર્થ, કામના, મમતા, આસક્તિ તેમજ પોતાને સારો કહેવડાવવાનો થોડો પણ ભાવ आत्मकारणात्‌ ની અંતર્ગત આવી જાય છે. મનુષ્યમાં સ્વાર્થબુદ્ધિ અને સ્વઆદર (પોતાને વિષે માનબુદ્ધિ) જેટલા વધારે હોય છે, તેટલું તેનાથી વધારે પાપ થાય છે. અહીં पचन्ति પદથી કેવળ ‘રાંધવું’ એટલો જ અર્થ નથી પણ ખાવું, પીવું, ચાલવું, બેસવું વગેરે સમસ્ત દેહ અને દેહસંબંધી પદાર્થોની સ્વાર્થકામના વગેરેની સિદ્ધિ કરવાના અનુસંધાનમાં વપરાયો છે.

પોતાનો સાંસારિક સ્વાર્થ ઈચ્છવાવાળી વ્યક્તિ પોતાને માટે રાંધે અર્થાત્‌કાર્ય કરે અથવા બીજાઓને માટે રાંધે; પરંતુ વાસ્તવમાં તે પોતાના માટે રાંધે છે. જેમ કે કોઈ હોટલ ચલાવીને બીજાને ખવડાવે છે પણ તે બીજાને માટે નથી. પોતાના માટે જ કાર્ય કરે છે. જ્યારે આનાથી વિપરીત પોતાના અંતરથી લૌકિક સ્વાર્થભાવનો ત્યાગ કરીને કર્તવ્યકર્મ કરવાવાળો સાધક નિષ્કામભાવથી ભગવાનના ભક્તને માટે સેવાની પ્રવૃત્તિ કરનારો સાધક, પોતાના કહેવડાવવાવાળા શરીરને માટે રાંધે અથવા બીજાને માટે રાંધે તો પણ તે બીજાને માટે જ રાંધે છે. પરમાત્મા તરફથી મળેલી જે કાંઈપણ સામગ્રી આપણે પરમાત્માની સેવાને અર્થે અથવા તેમના સાચા ભક્તની સેવાને અર્થે ન વાપરીને પોતાના સુખભોગ, આરામમાં લગાડવી એ જ પોતાને માટે રાંધવું કહેવાય છે. શરીરથી માંડીને નાનામાં નાના પદાર્થને પોતાનું માનવું એ ભૂલ છે. તેને પોતાનું ન માનીને એની જરૂરિયાત પ્રમાણે અન્ન, જળ, વસ્ત્ર, આરામ વગેરે આપવું તેમજ પોષ્યવર્ગને નિભાવવો તથા શરીર આળસુ, પ્રમાદી કે ભોગી ન બની જાય એવા અનુસંધાનથી પોતાને માટે કરે છે તો પણ તે બીજાને માટે રાંધે છે, એમ કહેવાય છે. એમ કરવાથી શરીર અને શરીર સંબંધી પદાર્થોમાંથી મમતા-આસક્તિ દૂર થાય છે.

મનુષ્યે પોતાનાં સારાં નરસાં કર્મોનું ફળ પોતાને જ ભોગવવાનું હોય છે. ભગવાન કદી પણ તેનું ફળ બીજાને આપી દેતા નથી; પરંતુ તેનો અવાંતર પ્રભાવ (સાઈડ ઇફેકટ) સમાજ અને સંસાર ઉપર પડે છે. માટે ‘પોતાને માટે’ કર્મ કરવાવાળો મનુષ્ય કર્તવ્યચ્યુત થઈ જાય છે. તેનાથી તમામ સમાજમાં ગડબડ ઊભી થાય છે. દા.ત. શાસનમાં એક ‘ગોટાળો’ દેશની તમામ વ્યક્તિઓને સીધી અથવા આડકતરી રીતે અસર કરે છે. માટે ભગવાન આજ્ઞા આપે છે કે मा फलेषु कदाचन।(૨/૪૭) अनाश्रित: कर्मफलम्‌ (૬/૧) લૌકિક તથા અલૌકિક ફળોનો ત્યાગ કરવાથી સાધકની પરમાત્મામાં સ્થિતિ બંધાય છે.

भुञ्जते ते त्वघं पापा-આ પદોમાં ભગવાને ‘પોતાના માટે’ કર્મ કરનારાઓની સૌમ્ય ભાષામાં નિંદા કરી છે. પોતાના સ્વાર્થ માટે જીવવાથી અને કર્મો કરવાથી એકલી મનુષ્યની જિંદગીમાં એટલાં પાપોનો અને કર્મોનો સંગ્રહ કરી લે છે કે પછી ચોરાસી લાખ જાતના દેહ ધરીને તથા નરકોના કુંડોને ભોગવે છે તો પણ તે એક જિંદગીમાં કરેલાં કર્મોને ખતમ કરી શકતા નથી અને ભોગવતાં જે બાકી રહી જાય છે તે જથ્થો સંચિતમાં જમા થાય છે. મનુષ્ય જીવન એક એવું અદ્‌ભુત ખેતર છે કે જેમાં જે કાંઈ પાપ કે પુણ્યનું બીજ વાવવામાં આવે છે તે અનેક જન્મો સુધી ફળ આપે છે. વાસ્તવમાં મનુષ્ય જન્મ જ બધા જન્મોનો આદિ અને અંતિમ જન્મ છે. જો મનુષ્ય પરમાત્માની પાસે પહોંચી જાય તો મનુષ્ય જન્મ અંતિમ જન્મ બની જાય છે અને ભગવાન પાસે ન ગયો ને સંસારમાં જ રહ્યો તો પછી આવતા તમામ જન્મોનું કારણરૂપ આદિ જન્મ બને છે. આથી મનુષ્યે જલદી નિશ્ચય કરી લેવો જોઈએ કે હવે હું ‘પોતાને માટે કર્મ’ (પાપકર્મ) નહિ કરું પણ ભગવાન અને ભગવાનના ભક્તની સેવા માટે જીવીશ. આ નિશ્ચયમાં જ ભારે શક્તિ રહી છે. આવો અંતરમાં પ્રામાણિકતાથી નિશ્ચય થવા માત્રથી પણ પાપ થવાનું આપોઆપ બંધ થઈ જાય છે.

अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भव:।

यज्ञाद्भवति पर्जन्यो यज्ञ: कर्म समुद्भव:।।१४।।

कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवम्‌।

तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्‌।।१५।।

અર્થઃ સઘળાં પ્રાણીઓ અન્નથી પોષાય છે. અન્નને વરસાદ ઉત્પન્ન કરે છે. વરસાદ યજ્ઞથી થાય છે. યજ્ઞ નિયત કર્મોથી થાય છે. નિયત કર્મો વેદે નકકી કરેલાં છે, વેદ પરબ્રહ્મ પુરુષોત્તમથી ઉત્પન્ન થયા છે, આવી રીતે સર્વ પરબ્રહ્મથી ઉત્પન્ન થયા છે.

अन्नाद्भवन्ति भूतानि-પ્રાણોને ધારણ કરવા માટે જ ખાવામાં આવે છે, તે અન્ન કહેવાય છે. જે પ્રાણીને માટે જે ખાદ્ય છે, જેને ગ્રહણ કરવાથી તેના શરીરની ઉત્પત્તિ, ભરણ અને પુષ્ટિ થાય છે. તેને જ અહીં અન્નને નામે ઓળખાવ્યું છે. જેમ કે માટીનો કીડો માટી ખાઈને જીવે છે. તો માટી જ તેને માટે અન્ન છે. ચારેય પ્રકારના પ્રાણીઓ અન્નથી જ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થઈને અન્નથી જ જીવિત રહે છે.

पर्जन्यादन्नसंभव: સમસ્ત ખાદ્ય પદાર્થોની ઉત્પત્તિ જળથી થાય છે. ઘાસ, અનાજ વગેરે તો જળથી થાય જ છે પણ માટીને ઉત્પન્ન થવામાં પણ જળ જ કારણભૂત છે. અન્ન, જળ, વસ્ત્ર, મકાન વગેરે શરીરનિર્વાહની બધી સામગ્રી સ્થૂળ કે સૂક્ષ્મરૂપે જળ સાથે સંબંધ રાખે છે અને જળનો આધાર વર્ષા છે.

यज्ञाद्भवति पर्जन्य: ‘यज्ञ’ શબ્દ મુખ્યરૂપે આહુતિ આપવાની ક્રિયાનો વાચક છે. અહીં ગીતાના સિદ્ધાંત અને નિષ્કામ કર્મયોગના ચાલુ પ્રકરણના અનુસંધાનમાં ‘यज्ञ’ શબ્દથી રાષ્ટ્રીય તમામ કર્તવ્યકર્મો આવી જાય છે.‘यज्ञ’ માં ત્યાગની જ પ્રધાનતા હોય છે. આહુતિ આપવામાં અન્ન, ઘી વગેરેનો ત્યાગ છે. દાન કરવામાં વસ્તુનો ત્યાગ છે, તપ કરવામાં પોતાના સુખભોગનો ત્યાગ છે. કર્તવ્યકર્મ કરવામાં પોતાના સ્વાસ્થ્ય આરામનો ત્યાગ કરવાનો છે. આથી યજ્ઞકર્મ શબ્દ આહુતિ, દાન, તપ વગેરે સઘળી શાસ્ત્રવિહિત ક્રિયાઓનો ઉપલક્ષક છે.

बृहदारण्यक ઉપનિષદમાં એક કથા આવે છે. પ્રજાપતિ બ્રહ્માજીએ દેવતા, મનુષ્ય અને અસુર-આ ત્રણેને રચીને તેઓને ‘द’અક્ષરનો ઉપદેશ દીધો. દેવતાઓની પાસે ભોગ સામગ્રીની અધિકતા હોવાને કારણે તેઓ ‘द’નો અર્થ દમન કરો એવો સમજ્યા. મનુષ્યોમાં સગં્રહવૃત્તિ અધિક હોવાને કારણે તેઓ ‘द’નો અર્થ ‘દાન કરો’ એવો સમજયા. અસુરોમાં ક્રૂરતા અધિક હોવાને કારણે અને હિંસા જે બીજાઓને કષ્ટ દેવાના કારણે ‘द’નો અર્થ ‘દયા કરો’ એવો સમજયા. આ રીતે દેવતા, મનુષ્યો અને અસુર ત્રણને આપવામાંં આવેલા ઉપદેશનું તાત્પર્ય બીજાઓનું હિત કરવામાં જ છે. વર્ષાના સમયે મેઘ ગજર્ના કરે છે ત્યારે આજે પણ બ્રહ્માજીના ઉપદેશ (દમન કરો, દાન કરો, દયા કરો)ના રૂપે કર્તવ્યકર્મની યાદ દેવડાવે છે. (બૃ. ૫/૨/૧-૩)

પોતાના કર્તવ્યનું પાલન કરવાની અસર બીજાઓ ઉપર સ્વાભાવિક રીતે વિશેષ પડે છે. તેવી ખાલી ઉપદેશથી નથી પડતી. यद्‌यदाचरति श्रेष्ठ स्तत्‌तदेवेतरो जन: (૩/૨૧) માટે આચરણની અસરો દેવતા ઉપર પણ પડે છે.

यज्ञ: कर्मसमुद्भव:નિષ્કામભાવપૂર્વક કરવામાં આવતા લૌકિક અને શાસ્ત્રીય બધાં જ વિહિત કર્મોનું નામ यज्ञ છે. બ્રહ્મચારીને માટે અગ્નિહોત્ર કરવો એ यज्ञ છે. એવી જ રીતે સ્ત્રીઓને માટે રસોઈ બનાવવી એ પસ છે.

वैवाहिको विधि: स्त्रीणां संस्कारो वैदिक: स्मृत:।

पति सेवा गुरौ वासो गृहार्थोऽग्निपरिक्रिया (મનુ. ૨/૬૭)

સ્ત્રીઓને માટે વૈવાહિક વિધિનું પાલન એ જ વૈદિક સંસ્કાર (ઉપવિત), પતિની સેવા એ જ ગુરુકુલ નિવાસ (વેદાધ્યયન) અને ગૃહકાર્ય એ જ અગ્નિ હોમ (यज्ञ)કહેવામાં આવ્યો છે. તબીબી વિજ્ઞાનનું જ્ઞાન કેવળ લોકોના હિતને માટે કરે તો ડોકટરને માટે એ જ यज्ञ છે. એવી જ રીતે વિદ્યાર્થી પોતાના અધ્યયનને અંગે, વેપારી પોતાના વેપારને કેવળ બીજાઓના હિતને માટે નિષ્કામભાવથી કરે તો यज्ञ બનાવી શકે છે. આ રીતે વર્ણ, આશ્રમ, સ્થળ અને કાળની મર્યાદા રાખીને નિષ્કામભાવે કરવામાં આવેલાં તમામ શાસ્ત્રવિહિત કર્તવ્યકર્મ यज्ञ રૂપ બનાવી શકાય છે. યજ્ઞ કોઈ પણ પ્રકારનો હોય તે ક્રિયાજન્ય જ હોય છે.

ઝેરકોચલા, ભિલામુ વગેરે વિષોને પણ વૈદ્યોલોકો જ્યારે શુદ્ધ કરીને ઔષધરૂપે આપે છે ત્યારે તે વિષ પણ અમૃતની જેમ બની જઈને મોટા મોટા રોગોને દૂર કરવાવાળાં બની જાય છે. એવી જ રીતે કામના, મમતા, આસક્તિ, પક્ષપાત, સ્વાર્થ, અભિમાન વગેરે કર્મોમાં આવતા ઝેર તુલ્ય છે, તે મનુષ્યના મારક છે. કર્મોના આ વિષયુકત ભાગને દૂર કરી દેવાથી તે કર્મો અમૃતમય બની જાય છે અને જન્મ-મરણરૂપી મહાન રોગને દૂર કરવાવાળા બની જાય છે. આવા અમૃતમય કર્મો જ यज्ञ કહેવાય છે.

कर्म ब्रह्मोद्भवं विद्धि અહીં બ્રહ્મપદ વેદોને માટે વપરાયું છે. વેદો કર્તવ્યકર્મ કરવાની વિધિ દર્શાવે છે. મનુષ્યને કર્તવ્યકર્મની વિધિનું જ્ઞાન વેદોથી થવાને કારણે જ કર્મોને વેદોથી ઉત્પન્ન થયા કહેવામાં આવ્યા છે. વેદ શબ્દથી ચાર વેદ, સ્મૃતિ, પુરાણ, ઈતિહાસ તથા મોટા મોટા આચાર્યો તથા સંપ્રદાયના સાચા મહાપુરુષોનાં વચનો જે વેદાનુકુલ હોય તેનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે.

ब्रह्माक्षर समुद्भवम्‌-અને વેદો પરમાત્મા દ્વારા જ પ્રગટ થયા છે, ને પ્રવર્તન પામ્યા છે. માટે પરમાત્મા બધાનું મૂળ છે.

આમ પરમાત્મા દ્વારા વેદો -કર્તવ્યકર્મ… યજ્ઞ… વર્ષા… અન્ન… પ્રાણી… શરીર.. વળી પાછું કર્તવ્યકર્મ… યજ્ઞ… આ રીતે સૃષ્ટિચક્ર ચાલી રહ્યું છે. મનુષ્યથી ઈતર બધા જ સ્થાવર જંગમ પ્રાણીઓ દ્વારા આપમેળે પસ (પરહિત) થતો રહે છે; પરંતુ તેઓ યજ્ઞનું અનુષ્ઠાન બુદ્ધિપૂર્વક નથી કરી શકતા. બુદ્ધિપૂર્વક યજ્ઞનું અનુષ્ઠાન મનુષ્ય જ કરી શકે છે; કેમ કે તે માટેની યોગ્યતા ભગવાને મનુષ્યને જ આપી છે.

तस्मात्‌सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्‌-અહીં ब्रह्म પદ પરમાત્માનું વાચક છે; વેદો માટે નહીં. પરમાત્મા સર્વત્ર પ્રાપ્ય હોવા છતાં यज्ञ (કર્તવ્યપાલન)માં વિશેષરૂપે વિદ્યમાન રહે છે. તાત્પર્ય એ થયું કે, જ્યાં નિષ્કામભાવે પરહિતાર્થે કર્તવ્યપાલન કરવામાં આવે છે એવાં કર્મમાં પરમાત્મા નિવાસ કરીને રહે છે; જેમ મૂર્તિમાં પરમાત્મા પ્રતિષ્ઠિત થાય છે તેમ. નિષ્કામભાવથી પરહિતાર્થે આચરવામાં આવતાં કર્તવ્યકર્મમાં પણ પરમાત્મા પ્રતિષ્ઠિત બને છે. માટે પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છવાવાળા સાધકો-મુમુક્ષુઓ પોતાના કર્તવ્ય દ્વારા તેમને સુગમતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: (ગી.૧૮/૪૬) અહીં એમ શંકા થાય કે પરમાત્મા સર્વગત છે તો પછી યજ્ઞમાં તેને નિત્ય પ્રતિષ્ઠિત કેમ કહેવામાં આવ્યા? શું તે બીજી જગ્યાએ નિત્ય પ્રતિષ્ઠિત નથી? તો તેનું સમાધાન એ છે કે પરમાત્મા તો બધી જગ્યાએ સમાનરૂપે વિદ્યમાન છે; પરંતુ યજ્ઞમાં નિત્ય પ્રતિષ્ઠિત કહેવાનું તાત્પર્ય એ છે કે ‘યજ્ઞ’ તેઓની સરળ ઉપલબ્ધિનું સ્થાન છે. જમીનમાં સર્વત્ર જળ રહેવા છતાં તે કૂવા વગેરેથી જ ઉપલબ્ધ થાય છે. બધી જગ્યાએ નહિ. તેમાં પણ જમીનના ભીતરમાં જળપ્રવાહ (સ્રોત) વહેતા હોય છે. તે જો હાથમાં આવી જાય તો અતિ સરળતાથી પુષ્કળ જળ પ્રાપ્ત થાય છે. તેમ સર્વગત હોવા છતાં નિષ્કામ સેવા એ ભૂગર્ભમાં વહેતા જળપ્રવાહ સમાન છે. જે પ્રાપ્ત થવાથી હૃદયમાં સારી રીતે અનુભૂતિ થઈ જાય છે.

પોતાને માટે કર્મ કરવાથી તથા કર્મનો સંબંધ સંસાર સાથે જોડવાથી સર્વગત પરમાત્માની પ્રાપ્તિમાં વિઘ્ન આવી જાય છે. પોતાનું કર્તવ્યપાલન કરતાં કરતાં નિષ્કામભાવપૂર્વક ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવાથી આ વિઘ્ન હઠી જાય છે અને તેને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ જ કારણથી અર્જુન કે જે પોતાના કર્તવ્યથી હઠી જવા માગતા હતા તેમને અનેક યુક્તિઓ બતાવી કર્તવ્યનું પાલન કરવા માટે વિશેષ ભાર દઈ રહ્યા છે.

एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह य:।

अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति।।१६।।

અર્થઃ હે પાર્થ ! જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો અર્થાત્‌પોતાનાં કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઈન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુુષ્ય ફોગટ જ જીવે છે

पार्थ-સંબોધન કરીને જાણે ભગવાન અર્જુનને એમ કહી રહ્યા છે કે, તમે પૃથા (કુંતી)ના પુત્ર છો. જેણે આજીવન અતિ કષ્ટ સહીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે. તું તેનો પુત્ર છે. તારાથી પણ કર્તવ્યની અવહેલના ન થવી જોઈએ. જે યુદ્ધને તું ઘોર ધર્મ કહી રહ્યો છે, તે તારા માટે ઘોર કર્મ નથી પણ યજ્ઞકર્મ છે. એનું પાલન કરવું એ સૃષ્ટિચક્રનું एवं प्रवर्तितं चक्र नानुवर्तयतीह य:જેમ રથનાં પૈડાંનો નાનો ભાગ પણ જો તૂટી જાય તો રથમાં બેઠેલા રથી, સારથિ અને ઘોડાને પણ નુકસાન કરી બેસે છે. તેમ મનુષ્ય પણ પ્રવર્તિત ચક્ર પ્રમાણે નથી ચાલતો તો સૃષ્ટિ સંચાલનમાં બાધા ઊભી કરે છે.

સંસાર અને વ્યક્તિ બે અલગ નથી. બન્ને એક બીજા સાથે સંબંધિત થયેલા છે. જ્યારે વ્યક્તિ કામના, મમતા, આસક્તિ, સ્વાર્થ, અહંકારનો ત્યાગ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરે, તેનાથી સમસ્ત સૃષ્ટિમાં આપોઆપ સુખ પહોંચે છે.

इन्द्रियाराम:જે મનુષ્ય કામના, સ્વાર્થ, અહંકાર વગેરેથી યુક્ત થઈને ઈન્દ્રિયો દ્વારા ભોગો ભોગવે છે, તેને અહીં ઈન્દ્રિયારામ કહેવામાં આવ્યો છે. એવો મનુષ્ય પશુથી પણ નીચો છે. કારણ કે પશુ નવાં પાપ નથી કરતાં, ઊલટા પૂર્વે કરેલાં પાપોને ભોગવીને ખતમ કરી થોડા હળવા થાય છે. જ્યારે ઈન્દ્રિયારામ મનુષ્ય નવાં નવાં પાપ કરીને પતન તરફ જાય છે ને સૃષ્ટિચક્રમાં વિઘ્નરૂપ બને છે.

अघायु: સૃષ્ટિચક્રને નહિ અનુસરનાર મનુષ્યનું આયુષ્ય કેવળ પાપમય છે. કારણ કે ઈન્દ્રિયોની ભોગબુદ્ધિથી ભોગ ભોગવનાર વ્યક્તિ કદી પણ પાપથી બચી શક્તિ નથી. સ્વાર્થી, અભિમાની અને ભોગ તથા સંગ્રહની ઈચ્છાવાળા મનુષ્યોથી હંમેશાં બીજાઓનું અહિત થાય છે. આથી તેનું જીવન પણ પાપમય થાય છે.

मोघं पार्थ स जीवति-પોતાના કર્તવ્યનું પાલન ન કરવાવાળા અથવા નિષ્કામ ભાવથી ભગવાન કે ભગવાનના ભક્તની સેવા નહિ કરનારને માટે ભગવાન સભ્ય ભાષામાં ટીકા કરતાં કહે છે કે એવો મનુષ્ય સંસારમાં વ્યર્થ જીવે છે. અર્થાત્‌એ મરી જાય તો સારું निष्क्रिय: पुरुष: शोष्य: કારણ કે જો તે પોતાના કર્તવ્યનું પાલન કરીને સુખ ન પહોંચાડે તો કાંઈ નહિ પણ જગ્યા આપી દે તો દુઃખ પહોંચાડતો તો બંધ થાય.

સૃષ્ટિચક્ર પ્રમાણે ન ચાલવાવાળા મનુષ્યને માટે ભગવાને પહેલાંस्तेन एव स: (૩/૧૨) તે ચોર જ છે અને ‘भुञ्जते ते त्वघं पापा’(૩/૧૩) તેઓ પાપને જ ખાય છે એમ કહ્યું. આ શ્લોકમાં अघायु: અને इन्द्रियाराम: અઘાયુ અને ઈન્દ્રિયારામ કહ્યા અને શાસ્ત્રમાં તેનો શોક કરવા કહ્યું છે. निष्क्रिय: पुरुष: शोष्य:।આમ કહીને તેમના સમગ્ર જીવનને વ્યર્થ બતાવે છે.