ગીતા અધ્યાય-૦૩, શ્લોક ૦૧ થી ૦૮

શ્લોક ૧-૮

જ્ઞાનયોગ અને કર્મયોગ અનુસાર અનાસક્તભાવે નિત્યકર્મ કરવાની શ્રેષ્ઠતાનું નિરુપણ

અર્જુન બોલ્યા

ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिजनार्दन।

तत्‌किं कर्मणि घोरे मां नियोजयसि केशव।।१।।

व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहसीव मे।

तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्‌।।२।।

અર્થઃ હે જનાર્દન ! જો તમે કર્મ કરતાં જ્ઞાનને ચઢિયાતું માનો છો, તો પછી હે કેશવ! મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો ? તમે ભળતાં જેવાં વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો, તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો, કે જેનાથી હું કલ્યાણ પામું.

મનુષ્યના અંતઃકરણમાં એક કમજોરી રહે છે. તે પ્રશ્ન કરીને ઉત્તરના રૂપમાં પણ વક્તા પાસેથી પોતાના અંતરમાં ઘૂંટાતી વાતનું અથવા સિદ્ધાંતનું સમર્થન ઈચ્છે છે. વાસ્તવિકતા કે સનાતન તત્ત્વનું સમર્થન ઈચ્છતો નથી. પોતાનો કક્કો સત્ય ઠરાવવા મથે છે. આને કમજોરી એટલા માટે કહેવામાં આવે છે કે વક્તાના નિર્દેશનું પછી ભલે તે અનુકૂળ હોય કે સર્વ રીતે પ્રતિકૂળ હોય તેનું પાલન કરવામાં જ શૂરવીરતા છે. ‘બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શૂરા, તન કરી નાખે રે ગુરુવચને ચૂરેચૂરા.’ બાકી બધું કમજોરી અને કાયરતા કહેવાશે. આ કમજોરીને કારણે જ મનુષ્યને પ્રતિકૂળતા સહન કરવામાં કઠિનતાનો અનુભવ થાય છે. જ્યારે તે પ્રતિકૂળતાને સહન નથી કરી શકતો ત્યારે તે સારાપણાનું મહોરું પહેરી લે છે. અર્થાત્‌ ત્યારે ભલાઈના પછેડા હેઠળ બુરાઈ આવે છે. જે બુરાઈ ભલાઈના બહાના હેઠળ આવે છે તેનો ત્યાગ કરવો ઘણો કઠણ હોય છે. વાસ્તવિકતા તો એ છે કે તે બુરાઈનો ત્યાગ કરવાનો ધારકનો આશય જ હોતો નથી. ઊલટો તેની દૃઢતા બીજાના મુખે કરાવવાની મથામણમાં તે હોય છે. અહીં અર્જુનમાં પણ હિંસાત્યાગ રૂપી ભલાઈના વેશમાં કર્તવ્ય ત્યાગરૂપી બુરાઈ આવી રહી છે. પૂજનીયોના સન્માનના વેશમાં કૌટુંબિક મોહ વિલસી રહ્યો છે. સન્યાસ દ્વારા કલ્યાણના વેશમાં અકર્તવ્યનો પ્રમાદ અને દેહભાવ મૂળ ફેલાવી રહ્યા છે. આથી તેઓ કર્તવ્ય કરતાં જ્ઞાનને (પોતાના મન માનેલ જ્ઞાનને, નહિ કે શ્રીકૃષ્ણે માનેલ જ્ઞાનને) શ્રેષ્ઠ માની રહ્યા છે. આવી મનોદશા હોવાથી જ તેઓ અહીં પ્રશ્ન કરે છે કે જો આપ કર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો પછી મને યુદ્ધરૂપી ઘોર કર્મમાં શા માટે જોડો છો ? જ્યાં સુધી સંસારની સત્તા મનમાં મહત્ત્વ કરી રહી છે ત્યાં સુધી કર્મ ઘોર, રાજસ અથવા સૌમ્ય જણાવાનું જ છે. પરમાત્મા તરફ દૃષ્ટિ જાય તો ‘स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति...એ કર્મ પૂજા-પુષ્પ બની જાય છે. કારણ કે સંસારનું મહત્ત્વ મનમાં રહેવાથી કર્મ તરફ દૃષ્ટિ જાય છે. પોતાના કર્તવ્ય તરફ બિલકુલ નહિ. પોતાના કર્તવ્ય તરફ દૃષ્ટિ જાય અથવા પરમાત્મા તરફ દૃષ્ટિ જાય તો કર્મ ઘોર, રાજસ કે સૌમ્ય નહિ દેખાય. ત્યારે તેને આજ્ઞા, પૂજા કે ઉપાસનાના ઉપકરણરૂપ દેખાશે.

ભગવાને બીજા અધ્યાયના ઓગણચાલીસમા શ્લોકમાં बुद्धिर्योगे પદ વડે કર્મયોગમાં જે સમબુદ્ધિની જ વાત કહી હતી; પરંતુ અર્જુને તેને જ્ઞાન સમજી લીધું. બુદ્ધિયોગ અર્થાત્‌જ્ઞાન કરતાં કર્મ અત્યંત નિકૃષ્ટ છે. (૨/૪૯) જો આપની માન્યતામાં કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ અને ઉત્તમ હોય તો મારે કેવળ જ્ઞાનમાં જ જોડાવું જોઈએ. છતાં આપ મને યુદ્ધ જેવા ઘોર કર્મમાં કેમ જોડો છો? અહીં બુદ્ધિ પદનો અર્થ જ્ઞાન કરવામાં આવે તો જ અર્જુનનો પ્રશ્ન યોગ્ય રહેશે. બુદ્ધિ પદનો અર્થ સમતા કરે તો ભગવાનના બોલવામાં વિરોધ નહિ આવે અને અર્જુનનો પ્રશ્ન સાચો નહિ રહે. માટે અર્જુન બુદ્ધિ પદનો અર્થ ‘જ્ઞાન’ એવો માનીને આગળ ચાલે છે.

व्यामिश्रेणेव वाक्येन… અર્જુનનો ભાવ એ છે કે કયારેક આપ કર્મ કરવાનું કહો છો  कुरु कर्माणि-૨/૪૮ અને કયારેક જ્ઞાનના વખાણ કરો છો. बुद्धौ शरणमन्विच्छ જ્ઞાનને શરણે જવાનું કહો છો. તેથી આપના મિશ્ર વાક્ય જોઈને હું નિર્ણય કરી શકતો નથી. અર્જુનને ભગવાનના વચનમાં પૂરી શ્રદ્ધા છે એટલો જ સામો યુદ્ધ (કર્મ) નહિ કરવાનો આગ્રહ છે. માટે અર્જુનને એવું ભાસે છે ને કોઈ નિર્ણય ઉપર ઊભો રહી શકતો નથી. તેથી વળી કહે છે કે, મારું કલ્યાણ થાય તેમ કહો. ખરેખર તો આગળ ભગવાને તેનું કલ્યાણ થાય તેમ જ કહ્યું છે અને પછી પણ એ જ કહેવાના છે.

શ્રીભગવાન બોલ્યા

लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ।

ज्ञानयोगेन सांख्याना कर्मयोगेन योगिनाम्‌।।३।।

અર્થઃ હે નિષ્પાપ ! આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે; એમાંથી સાંખ્યયોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે.

अनघ-અર્જુન દ્વારા પોતાના શ્રેયની-કલ્યાણની વાત પુછાઈ જવી એ તેમની કલ્યાણની તીવ્ર ઈચ્છા ઉદ્‌ભવવાથી નિષ્પાપતા છે જ.

लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया...અહીં लोके પદનો અર્થ મનુષ્ય શરીર સમજવો. કારણ કે જ્ઞાનયોગ અને કર્મયોગ બન્ને પ્રકારનાં સાધનોને કરવાનો અધિકાર મનુષ્ય શરીરમાં જ છે. રુણશ્વળ-એટલે સ્થિતિ. પરમાત્મામાં સ્થિતિ થવી એને નિષ્ઠા કહેવાય છે. ગતિની નિવૃત્તિ એટલે અચળતા પ્રાપ્ત થવી. પરમાત્મામાં અચળતા પ્રાપ્ત થવી તે નિષ્ઠા કહેવાય છે. તેવી નિષ્ઠા જ્ઞાનયોગથી પણ પ્રાપ્ત થઈ શકે છે અને કર્મયોગથી પણ પ્રાપ્ત થઈ શકે છે. કર્મયોગમાં લૌકિક અને વ્યવહારિક સાધનોની પ્રધાનતા રહે છે. જ્યારે જ્ઞાનયોગમાં આત્માની પ્રધાનતા રહે છે. બન્ને આ લોકના પદાર્થો છે. द्वाविमौ पुरुषौ लोके …. श्चाक्षरमेव च તેથી તે બન્નેને પ્રધાનપણે આધાર લઈને તે બન્ને નિષ્ઠાઓ આગળ વધતી હોવાથી બન્નેને લૌકિક કહી છે.

જીવ અને જગતનું મુખ્યપણું ધ્યાનમાં રાખીને આ બન્ને નિષ્ઠાઓ થઈ છે. તેને મુખ્ય ન રાખીને કેવળ પરમાત્માને જ મુખ્ય રાખે તો અલૌકિક એવી ભગવન્નિષ્ઠા થાય છે. લૌકિક બન્ને નિષ્ઠાઓમાં સાધકનો પુરુષાર્થ મુખ્ય હોય છે; પરંતુ જ્યારે ભગવાનનો અનન્ય આશ્રય કરીને સાધનો કરે છે અને પોતાનો ઉદ્યોગ મુખ્ય નથી માનતો પણ ભગવાનની કૃપા અથવા ભગવાનનો સંબંધ જ મુખ્ય માને છે ત્યારે ભગવાનના સંબંધથી તેની નિષ્ઠા અલૌકિક બની જાય છે અને તેને ભગવદ્‌નિષ્ઠા કહેવાય છે. જેનું પણ ગીતામાં પ્રસંગોપાત વર્ણન કર્યું છે. બીજા અધ્યાયના અગિયારથી ત્રીસ શ્લોક સુધીમાં સાંખ્યનિષ્ઠા કહી છે. જ્યારે ઓગણચાલીસથી ત્રેપન સુધીમાં કર્મયોગની નિષ્ઠા વર્ણવી છે. पुरा શબ્દનો અર્થ આદિકાળમાં પણ થાય છે અને હાલથી થોડો અગાઉ (બીજા અધ્યાયમાં) પણ થાય છે. અહીં એ અર્થ લેવો વધારે યોગ્ય ગણાશે.

વિશેષ વાત એ છે કે, અહીં ભગવાને બે નિષ્ઠાઓ બતાવી છે. સાંખ્યનિષ્ઠા (જ્ઞાનયોગ) અને યોગનિષ્ઠા (કર્મયોગ). નાશવંત સંસારની સિદ્ધિ-અસિદ્ધિ, પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમ રહેવું તે કર્મયોગ છે અને નાશવંત પદાર્થોથી વિમુખ બની આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવા તે જ્ઞાનયોગ છે અને જગતથી વિમુખ બની, આત્માને પણ (અર્થાત્‌આત્માના પુરુષાર્થને પણ) ગૌણ ગણી ભગવાનને શરણે થવું એ ભગવત્‌નિષ્ઠા છે. જેને ભક્તિયોગ કહેવાય છે. ક્ષરપદાર્થોની પ્રધાનતાસભર પુરુષાર્થથી કર્મયોગ આગળ વધે છે. અમર (આત્મા) પદાર્થની પ્રધાનતાસભર પુરુષાર્થથી જ્ઞાનયોગ ચાલે છે અને પરમાત્માની પ્રધાનતાથી ભગવત્‌નિષ્ઠા અર્થાત્‌ભક્તિયોગ ચાલે છે. વાસ્તવમાં ભગવાનનો સંબંધ તો કર્મયોગ અને જ્ઞાનયોગમાં પણ રહે છે. કેમ કે આ બન્ને યોગોના વિધાયક ભગવાન જ છે. કર્મયોગ અને જ્ઞાનયોગ દ્વારા કલ્યાણ થવાનું વિધાન તો ભગવાન દ્વારા જ થયું છે. તેથી બન્ને ભગવાનના ગમતામાં જ છે પણ ભક્તિયોગના જેવી ભગવાનપરાયણતા આ બન્નેમાં નથી. તેમાં સાધકના પુરુષાર્થની પ્રધાનતા રહે છે. છેલ્લે ફળમાં તો બધાનું ધ્યેય એક જ છે અને તે પરમાત્માની પ્રાપ્તિ.

કોઈનું ખરાબ ન ઈચ્છે, કોઈને ખરાબ ન સમજે, કોઈનું બૂરું ન કરે અને ભગવાનના આદેશ પ્રમાણે પોતાનું કર્તવ્ય બજાવે તો કર્મયોગ શરૂ થઈ જાય છે. આ સંસારમાં મારું કોઈ નથી, મારે કાંઈ જોઈતું નથી અને મારે આ સંસારમાં મારા માટે (લૌકિક ભાવમાં) કાંઈ કરવાનું નથી. આ સત્યનો સ્વીકાર કરી લે, તો જ્ઞાનયોગ શરૂ થઈ જાય છે.

આ સંસારમાં જે કાંઈ છે તે પરમાત્માની પોતાની મિલકત છે એમ સમજે. મારા માટે મારે કાંઈ કરવું નથી પણ હું જે કાંઈ કરું છું તે પરમાત્માની (પરમાત્મા અથવા તેના અનન્યભક્તની કે પરમાત્માએ સ્થાપેલા સત્સંગની) સેવા કરવા માટે કરું છું. આ લોકમાં મારે કાંઈ જોઈતું નથી પણ પરમાત્માના લાભમાં અને તેને રાજી કરવા માટે (પરમાત્માના ભક્તના તથા સત્સંગમાં લાભમાં) કરું છું. (એવું મારે જોઈએ છે) એવું આયોજન કરે ત્યારે ભક્તિયોગ શરૂ થાય છે.

સાંખ્યનિષ્ઠા અને યોગનિષ્ઠા આ બન્ને સાધકની પોતાની નિષ્ઠાઓ છે. પોતાના પુરુષાર્થ ઉપર આધારિત નિષ્ઠાઓ છે. જ્યારે ભગવત્‌નિષ્ઠામાં સાધકને પ્રથમ ભગવાનનો અનુભવ થતો નથી; પરંતુ તેનો ઊંડો વિશ્વાસ હોય છે અને કેવળ શ્રદ્ધા વિશ્વાસથી જ પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે છે. એટલા માટે સાંખ્યનિષ્ઠા અને યોગનિષ્ઠામાં જાણવું (વિવેક) મુખ્ય છે. જ્યારે ભગવત્‌નિષ્ઠામાં માનવું (શ્રદ્ધા વિશ્વાસ) મુખ્ય છે.

જાણવું અને માનવું આ બેમાં ઝાઝો ફરક હોતો નથી. જેવી રીતે જાણવું સંદેહ રહિત (દૃઢ) હોય છે તેમ માનવું પણ સંદેહ રહિત હોય છે. અહીં શ્રદ્ધા, વિશ્વાસથી માનેલી વાતમાં વિચારવાની સંભાવના નથી રહેતી. જેવી રીતે ‘અમુક મારી મા છે’ આ કેવળ માનેલું છે પણ એ માનેલામાં કદી સંદેહ થતો નથી, કદી જિજ્ઞાસા થતી નથી, કદી વિચાર કરવો પડતો નથી. એટલા માટે ગીતામાં ભક્તિયોગની બાબતમાં જ્યાં જાણવાની વાત આવી છે તેને માનવાના અર્થમાં જ લેવાની છે. એવી જ રીતે જ્ઞાનયોગ-કર્મયોગની બાબતમાં જ્યાં માનવાની વાત આવે છે ત્યાં તેને જાણવાના અર્થમાં લેવાની છે.

ज्ञानयोगेन सांख्यानाम्‌-સઘળી ક્રિયાઓ ગુણોમાં, ઈન્દ્રિયોમાં થઈ રહી છે. મારો તેમની સાથે (ખાવું, સૂવું, આરામ કરવો વગેરે શારીરિક ક્રિયાઓ સાથે પણ) કોઈ સંબંધ નથી. એવું સમજીને તે તે ક્રિયાઓથી અંતરમાં અલગ પડીને સમસ્ત ક્રિયાઓના કર્તાપણાના અને ભોક્તાપણાના અભિમાનનો ત્યાગ કરી દેવો એ ‘જ્ઞાનયોગ’ છે. જેનું વર્ણન-બીજા અધ્યાયની શરૂઆતમાં કર્યું છે.

कर्मयोगेन योगीनाम्‌-વર્ણ, આશ્રમ, સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર જે શાસ્ત્રવિહિત કર્તવ્યકર્મ સામે આવી જાય તેને (તે કર્મ અને તેના ફળમાં) કામના, મમતા અને આસક્તિનો સર્વથા અભાવ કરીને ભગવત્‌પ્રસન્નતાર્થે કરવું અને કર્મની સિદ્ધિ-અસિદ્ધિમાં સમ રહેવું. તેને કર્મયોગ કહેવાય છે. ભગવાને કર્મયોગનું વર્ણન બીજા અધ્યાયના ૪૭ અને ૪૮મા શ્લોકમાં મુખ્યરૂપથી કર્યું છે. તેમાં પણ ૪૭મા શ્લોકમાં કર્મયોગનું મુખ્ય બંધારણ કહ્યું છે. સ્થૂળ કલેવર કહ્યું છે અને ૪૮મા શ્લોકમાં કર્મયોગને અનુષ્ઠાનમાં લાવવા આનુષંગિક વિધિ કહી છે. આમ કર્મયોગની શરૂઆત પણ ભગવાને બીજા અધ્યાયના ઓગણચાલીસમા શ્લોકથી કરી છે.

આમ મુખ્યરૂપે તો બીજા અધ્યાયમાં જ કર્મયોગનું વર્ણન આવે છે. છતાં ત્રીજા અધ્યાયને કર્મયોગ એટલા માટે કહ્યો છે કે તેના કર્મયોગની આનુષંગિક પણ અતિ રહસ્યની માર્મિક વાતો તથા તુલનાત્મક ફાયદાઓ કહ્યા છે. માટે તેને કર્મયોગ એવું નામ આપ્યું છે.

न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते ।

न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति।।४।।

અર્થઃ કર્મોનો આરંભ ન કરવાથી મનુષ્ય કર્મદોષમાંથી મુક્તિ પામી શકતો નથી. તેમજ માત્ર કર્મનો ત્યાગ કરવાથી પણ તે પૂર્ણ સિદ્ધિ મેળવતો નથી.

કર્મયોગમાં કર્મ કરવું અત્યંત આવશ્યક છે. કારણ કે નિષ્કામ ભાવથી કર્મ કરવાથી જ કર્મયોગની સિદ્ધિ થાય છે. આ સિદ્ધિ મનુષ્યને કર્મ કર્યા વિના મળી શકતી નથી.

મનુષ્યના અંતઃકરણમાં વાસનાનો તીવ્ર વેગ પ્રવર્તે છે. તે વાસના કર્મો કરવાનો વેગ પ્રેરે છે. તેથી જ વાસના પૂરી થવા સંભવ છે. માટે અંતઃકરણમાં લૌકિક કર્મોનો પણ અંતરમાં વેગ ચડી ગયો છે. તેને શાંત કરવા માટે કામનાનો ત્યાગ કરીને કર્તવ્યકર્મ કરવું આવશ્યક છે. કામના રાખીને કર્મ કરવાથી આ વેગ દૂર થતો નથી, ઊલટો વધે છે.

न्नैष्कर्म्यं अश्नुते પદોનો આશય એ છે કે કર્મયોગનું આચરણ કરવાવાળો કર્મોને કરતા રહીને જ નિષ્કર્મતાને પામે છે. જે સ્થિતિમાં મનુષ્યનાં કર્મો અકર્મ બની જાય છે. જે સ્થિતિમાં મનુષ્યનાં કર્મો વિશુદ્ધ ભક્તિ બની જાય છે. બંધનકર્તા નથી થતાં. તે સ્થિતિને નિષ્કર્મતા કહેવાય છે.

કામનાથી રહિત થઈને કરવામાં આવેલાં કર્મોમાં ફળ આપવાની શક્તિનો સર્વથા અભાવ થઈ જાય છે. જેમ બીજને શેકવાથી અથવા બાફવાથી તેમાંથી ફરીથી અંકુર ફૂટવાની શક્તિ સર્વથા નષ્ટ થઈ જાય છે. આથી નિષ્કામ મનુષ્યોના કર્મોમાં ફરીથી જન્મ મરણના ચક્કરમાં ધુમાવાની શક્તિ નથી રહેતી. કામનાનો ત્યાગ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે બધા જ કર્મો પરમાત્માને માટે અથવા તેમના ભક્તની સેવાને માટે કરવામાં આવે. પોતાને માટે કે પોતાનો કોઈપણ જાતનો સ્વાર્થ પૂરો કરવા માટે નહિ. જ્યાં સુધી પોતાને માટે કર્મ કરીશું ત્યાં સુધી કામનાનો ત્યાગ થવો શકય નથી અને જ્યાં સુધી કામનાનો ત્યાગ નહિ થાય ત્યાં સુધી કર્મમાં નિષ્કર્મતાની પ્રાપ્તિ નહીં થાય.

न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति।

આ શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાને કર્મયોગની દૃષ્ટિએ કહ્યું કે, કર્મનો આરંભ કર્યા વિના કર્મયોગીને નિષ્કર્મતાની પ્રાપ્તિ થતી નથી. તે કર્મ કરતાં કરતાં થાય છે. હવે શ્લોકના ઉતરાર્ધમાં સાંખ્યયોગને ધ્યાનમાં રાખીને કહે છે કે, કેવળ કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી દેવાથી સાંખ્યયોગીને પણ સિદ્ધિ અર્થાત્‌નિષ્કર્મતા પ્રાપ્ત થતી નથી. મુમુક્ષુતા ઉદય થવા માત્રથી જ કર્મ છોડી દેવાના હોતા નથી. સિદ્ધિની પ્રાપ્તિ માટે તેણે પણ કર્તાપણાનો (અહંતાનો) ત્યાગ કરવાનો છે. તે કર્મ-કાર્ય દશામાં જ શકય બને છે. કર્મનો સ્વરૂપથી ત્યાગ કર્યા પછી કર્તાપણાના ત્યાગનો પ્રસંગ જ આવતો નથી. આથી સાંખ્યયોગીને માટે પણ કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવો યોગ્ય નથી. ભગવાન સાંખ્યના ઉપદેશ વખતે પણ અર્જુનને तस्माद्‌युद्धस्व भारत (૨/૧૮) યુદ્ધરૂપી કર્મ કરવાની આજ્ઞા આપે છે. માટે તેને પણ પોતાના કર્તવ્યકર્મનો સ્વરૂપથી ત્યાગ નહિ કરીને અહંતાનો જ મુખ્યપણે ત્યાગ કરવાનો છે; છતાં સાંખ્યયોગમાં કર્મો કરી પણ શકાય છે અને અમુક મર્યાદા સુધી કર્મોનો ત્યાગ પણ કરી શકાય છે. જ્યારે કર્મયોગમાં સિદ્ધિની પ્રાપ્તિ માટે કર્મ કરવું આવશ્યક હોય છે.

કર્મયોગ એક એવી વસ્તુ છે જે સાંસારિક વ્યવહારનો નિભાવ કરતાં કરતાં પણ પરમાર્થ તત્ત્વને સિદ્ધ કરાવે છે. તેનો આશય કર્તવ્યકર્મ કરાવવામાં છે, છોડાવવામાં નહિ. તેથી ભગવાન કર્મયોગ અને જ્ઞાનયોગ-બન્ને સાધનોમાં કર્મ કરવાની વાત કહે છે.

આ એક સ્વાભાવિક વાત છે કે જ્યારે સાધક પોતાનું કલ્યાણ ઈચ્છે છે, ત્યારે તે સાંસારિક કર્મોથી આકુળ થવા લાગે છે અને તેમને છોડવા માગે છે. આ કારણથી અર્જુન પણ આકુળ વ્યાકુળ થઈને ભગવાનને પૂછે છે કે, જ્યારે કર્મયોગ કે જ્ઞાનયોગ બન્ને સાધનોનું તાત્પર્ય સમતા સાથે છે, નૈષ્કર્મતા સાથે છે તો પછી કર્મ કરવાની વાત આપ શા માટે મને કહો છો ? મને યુદ્ધ જેવા ઘોર કર્મમાં શા માટે જોડો છો ? પરંતુ ભગવાને બન્ને પ્રકારના સાધનોમાં અર્જુનને કર્મ કરવાની આજ્ઞા આપી છે. જેમ કે કર્મયોગમાં योगस्थ कुरु कर्माणि। (૨/૪૮) અને સાંખ્યયોગમાં तस्माद्युध्यस्व भारत (અ.૨/૧૮) આથી સિદ્ધ થાય છે કે ભગવાનનો આશય વર્ણ અને આશ્રમના શુભ કર્મો છોડાવવાનો નથી. અશુભ કર્મો જરૂર છોડાવવાના છે. તે પણ શુભ કર્મોનું આલંબન લઈને જલદી છૂટે છે. માટે શુભ કર્મો કરાવવાનો આશય છે. શાસ્ત્રોમાં પણ તેને पावनानि मनिषीणाम्‌ કહ્યાં છે. જ્ઞાનીઓને પણ વધારે પવિત્ર કરનારાં છે ને ભક્તિની પાત્રતા અર્પણ કરનારાં બને છે. એટલી વાત જરૂર છે કે અશુભ કર્મો સ્વરૂપથી છોડવાના છે અને શુભ કર્મોમાં પણ ઝેરીલો જે અંશ-કામના, મમતા, આસક્તિ- છે. તેનો મૂળથી ત્યાગ કરીને કર્મ કરવાની આજ્ઞા આપે છે.

સાધકના હૃદયમાં મુમુક્ષુતા ઉદય થતાંની સાથે તેમાં જ્ઞાનયોગની યોગ્યતા આવી જતી નથી. અનાદિ કાળથી રૂઢ મૂળ થયેલાં કામના, રાગ, મમતા ઈચ્છાઓ મુમુક્ષુતા ઉદય થવા માત્રથી દૂર થતાં નથી. માટે પ્રથમ કર્મયોગ-ભગવાન તથા તેમના ભક્ત પ્રત્યે સેવાયોગ કરીને પોતાના અંતઃકરણને શુદ્ધ કરવું પડે છે. જ્યાં સુધી નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગનું આચરણ નથી કરતો ત્યાં સુધી મોક્ષમાર્ગમાં ઉપયોગી એવી પરમાત્માની પ્રીતિ (કૃપા) થતી નથી અને ત્યાં સુધી પાપસંચય શાંત થતો નથી. તેથી મનના રજ, તમ રૂપી મળ નાશ પામતા નથી. રાગદ્વેષાદિ બળિયા રહે છે ત્યાં સુધી ઈન્દ્રિયોની વ્યાકુળતા દૂર થતી નથી અને જ્યાં સુધી વિષયમાં ઈન્દ્રિયો વ્યાકુળ છે ત્યાં સુધી પરમાર્થ માર્ગની નિષ્ઠા સ્થિર રહેતી નથી. તેથી મુમુક્ષુતાના ઉદયમાત્રથી કર્મનો ત્યાગ કરવા ઈચ્છતા મુમુક્ષુમાત્રની સ્થિતિ સાત માળના ગોપુરને જોઈને સાતમે માળે સીધો પગથિયાં છોડીને જવા ઈચ્છે તેવી સ્થિતિ બને છે માટે તેનો ક્રમ આ પ્રમાણે કહ્યો છે.

कर्मप्रीति: पापनाशो रजोहानि विरक्तता।

इन्द्रियो परम: प्रत्यक्‌प्रावण्यमिति संग्रह:।

પ્રથમ કર્મયોગમાં પ્રીતિ, તેથી અનાદિ સંચિત થયેલ પાપોનો નાશ. તેથી રજોગુણની હાનિ, વૈરાગ્યની સ્થિરતા, ઈન્દ્રિયોનો વિષયો થકી ઉપરામ અને કલ્યાણના માર્ગમાં ચાલવાની પ્રવીણતા. (તાત્પ. ચંદ્રિકા) આથી કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવા કરતાં સાધકે તેમની સાથે પોતાનો સંબંધ વિચ્છેદ કરવો જોઈએ. નિષ્કામ ભાવે ભગવાન અને તેના ભક્તોની સેવાયોગ કરતો કરતો કર્મયોગી શરીર, ઈન્દ્રિયો મન, બુદ્ધિના રાગથી પર ઊઠીને જીવતા જ જનકરાજાની જેમ વિદેહમુક્ત સ્થિતિને પામી જાય છે.

ઘણું કરીને બધા સાધકોના અનુભવની વાત છે કે કલ્યાણની તીવ્ર અભિલાષા જાગ્રત થતાં જ કર્મ, પદાર્થ અને વ્યક્તિથી તેઓની અરુચિ થવા લાગે છે; પરંતુ વાસ્તવમાં શરીર સાથેનો ઘનિષ્ટ સંબંધ હોવાથી અને આગળની જવાબદારી દૂર થવાથી તે સંબંધ વધારે ઘાટો થઈને આ એક પ્રકારની આરામ વિશ્રામની ઈચ્છા માત્ર છે. વૈરાગ્યની તો ભ્રમણા છે. વૈરાગ્ય તો માણસની વિશુદ્ધ ચેતનાને જાગૃત કરે છે. જ્યારે આ ઈચ્છા પુરુષાર્થને મંદ પાડે છે. માટે સાધકની ઉન્નતિમાં બાધક બને છે. સાધકોનાં મનમાં એવો ભાવ રહે છે કે કર્મ, પદાર્થ અને વ્યક્તિનો સ્વરૂપથી ત્યાગ કરવાથી જ આપણે ત્યાગી બની શકીએ છીએ.જ્યારે ગીતામાં ભગવાન એમ કહે છે કે, सर्वकर्म फलत्यागं प्राहु: त्यागं विचक्षणा: (૧૮/૨) यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते (૧૮/૧૧) કર્મના ફળનો ત્યાગ કરવાથી સાચો ત્યાગી બની શકાય છે. કર્મમાં રહેલા આસક્તિના અંશો દૂર કરવાથી સાચા ત્યાગી બની શકાય છે. સાંખ્યયોગમાં ઉત્કટ વૈરાગ્ય વિના આસક્તિનો ત્યાગ કરવો કઠિન હોય છે. જ્યારે કર્મયોગમાં કે નિષ્કામ સેવાયોગમાં બીજાને માટે કર્મો કરવાના હોવાથી વૈરાગ્યની ઊણપ હોય તો પણ આસક્તિનો સુગમતાપૂર્વક ત્યાગ થઈ શકે છે.

ગીતાએ એકાંતમાં રહીને સાધના કરવાનો પણ આદર કર્યો છે; પરંતુ એકાંતમાં સાત્ત્વિક પુરુષો તો સુખપૂર્વક સાધના, ભજનમાં પોતાનો સમય વિતાવી શકે છે પણ રાજસ ભાવવાળા સંકલ્પ-વિકલ્પમાં અને તામસ ભાવવાળા નિદ્રા, આળસ અને પ્રમાદમાં જ પોતાનો સમય પસાર કરવા વિવશ થવાના છે. જે તેના જીવનમાં પતનનું કારણ બની રહે છે. માટે સાધકની રુચિ તો ત્યાગમાં અથવા સમર્પણમાં રહેવી જોઈએ. કર્તવ્ય રૂપે અને સેવાના અવકાશ રૂપે જે કર્મો સામે આવી જાય તેને તત્પર થઈને કરવાં જોઈએ અને તે કર્મો કરવામાં વળી રાગ પણ ન હોવો જોઈએ. રાગ ન તો જનસમુદાયમાં (ભક્તસમૂહ સિવાય) હોવો જોઈએ અને ન તો અકર્મણ્યતામાં હોવો જોઈએ. તો સાધકનું બહુ જલદી કલ્યાણ થઈ જાય છે અને જલદી નિર્વાસનિક થઈને મુક્ત દશાને પામી જાય છે. વાસ્તવમાં શરીરને એકાંતમાં લઈ જવું એને એકાંત માની લેવું તે ભૂલ છે. શરીર સાથે સંબંધ વિચ્છેદ થવો, તેમાં અહંમમતા કે રાગ, આસક્તિ ન રહેવાં તે જ સ્વાભાવિક એકાંત છે.

न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्‌।

कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृतिजैर्गुणै:।।५।।

અર્થઃ ખરેખર કોઈપણ માણસ કદીયે ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો; કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે.

કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ-કોઈપણ માર્ગમાં સાધક કર્મ કર્યા વિના રહી શકતો નથી. અહીં શ્લોકમાં कश्चित्‌, क्षणम्‌ અને जातु આ ત્રણે વિલક્ષણ પદો મૂકયાં છે. એમાં कश्चित् પદથી ભગવાન એમ કહેવા માગે છે કે કોઈપણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. પછી ભલે તે જ્ઞાની હોય કે અજ્ઞાની કોઈપણ કેમ ન હોય પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. क्षणम्‌ પદથી ભગવાન કહે છે કે એક ક્ષણ પણ કર્મ વિના રહી શકતો નથી. જો કે લોકો એવું માનતા હોય છે કે, હું સતત કર્મ કરતો નથી. તો પણ જ્યાં સુધી શરીર સાથે સંબંધ છે ત્યાં સુધી એક પણ ક્ષણ કર્મ કર્યા વિના રહેતો નથી. जातु પદનો પ્રયોગ કરીને ભગવાન એમ કહે છે કે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, મૂછર વગેરે કોઈપણ અવસ્થામાં મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. એનું કારણ ભગવાન આ જ શ્લોકના ઉત્તરાર્ધમાં अवश:પદ વડે બતાવે છે કે પ્રકૃતિને પરવશ હોવાને કારણે તેણે કર્મો કરવાં જ પડે છે. પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે, ક્રિયાશીલ છે. પ્રલય અવસ્થામાં પણ પ્રકૃતિ પરિણામશીલ રહે છે. તેનાં સજાતિ પરિણામ હોય છે, માટે સજર્ન દેખાતું નથી. તે પ્રકૃતિમાંથી સજિર્ત થયેલાં મન, બુદ્ધિ, શરીર પ્રકૃતિને પરવશ હોવાથી તે કર્મો કર્યા વિના રહી જ શકતા નથી. તેથી પરમાત્મ પ્રાપ્તિનો ઉદ્દેશ હોવાથી સાધક નિષિદ્ધ કર્મ તો કરી જ શકતો નથી. માટે વિહિત કર્મો જે પોતાની ફરજની અંદર સામે આવી જાય તેને પોતાનો સ્વાર્થ છોડીને સત્સંગ,ભગવાનના ભક્ત કે ભગવાનને રાજી કરવા માટે કરવાનાં છે.

ઘણા મનુષ્યો માત્ર શરીરની સ્થૂળ ક્રિયાને જ કર્મ માને છે પણ શાસ્ત્રો મનની ક્રિયાને પણ કર્મ તરીકે માને છે. ગીતામાં શારીરિક, વાચિક અને માનસિક રૂપમાં કરવામાં આવેલી તમામ ક્રિયાઓને કર્મ માનવામાં આવેલ છે.

शरीर वाङ्गमनोभिर्यत्कर्म प्रारभते नर:। (ગી.અ.૧૮/૧૫) શ્રીજી મહારાજે પણ બતાવ્યું છે કે જ્યાં સુધી ત્રણ દેહને વિષે પોતાપણાની માનીનતા રહી છે ત્યાં સુધી મનના-સૂક્ષ્મદેહનાં કર્મો પણ સ્થૂળ જેવાં જ છે. તેમ જ કારણ દેહના પણ કર્મો છે અને તે દરેક કર્મો તેને બાંધવાવાળાં થાય છે. જો દેહભાવ છૂટી જાય તો નહિ. માટે તેની સાથેનો સંબંધ મનાઈ ગયો છે તે જ બંધનકારક છે.

મનુષ્યોની એક એવી માન્યતા થઈ ગઈ છે. જેના અનુસાર તેઓ બાળકોનું પાલન પોષણ અને આજીવિકા-વેપાર, નોકરી, ધંધો અધ્યાપન વગેરેને જ કર્મ માને છે અને તે ઉપરાંત ખાવું, પીવું, સૂવું, બેસવું, ચિંતન કરવું વગેરેને કર્મ નથી માનતા. આ કારણથી કેટલાક મનુષ્યો વેપાર, નોકરી, ધંધો વગેરેને છોડી દે છે ત્યારે એમ માને છે કે, હું કર્મ નથી કરતો; પરંતુ એ તેની ભૂલ છે. શરીર નિર્વાહ સંબંધી સ્થૂળ શરીરની ક્રિયાઓ, નિદ્રા, ચિંતન, સંકલ્પ, વિકલ્પ વગેરે સૂક્ષ્મ શરીરની ક્રિયાઓ અને રાગ, સ્વભાવ, સમાધિ, ઊઘં વગેરે કારણ શરીરની ક્રિયાઓ આ બધાં જ કર્મો છે અને જ્યાં સુધી શરીરમાં અહંતા-મમતા કે પોતાપણાની માનીનતા છે અને પોતાનો વ્યક્તિગત દુન્યવી સ્વાર્થ છે, ત્યાં સુધી તે દરેક ક્રિયાઓ કર્મ બની રહે છે અને કરનારાને કર્મનું બંધન કરીને સંસારમાં ઢસડીને લઈ જાય છે. માટે જ્યાં સુધી શરીરો સાથે પોતાપણાની માનીનતાનો સંબંધ વિચ્છેદ નથી થયો ત્યાં સુધી કોઈપણ મનુષ્ય કોઈપણ અવસ્થામાં ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ભલે તે અવસ્થા પ્રવૃત્તિની હોય કે નિવૃત્તિની હોય.

कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृतिजैर्गुणै:।

પ્રકૃતિજન્ય ગુણો પ્રકૃતિને પરવશ થયેલાં પ્રાણીઓને જોરાવરીએ કર્મ કરાવે છે. કારણ કે પ્રકૃતિ અને તેના ગુણો નિરંતર ક્રિયાશીલ છે. (ગી. ૩/૨૭, ૧૩/૨૯) જો કે આત્મા સ્વયં અસંગ, અવિનાશી, નિર્વિકાર અને નિર્લિપ્ત છે. તે પ્રકૃતિનાં ઉપકરણો વિના કાંઈ ક્રિયા કરી શકતો નથી. તો પણ જ્યાં સુધી તે પ્રકૃતિ અને તેના કાર્યરૂપ-સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોમાંથી કોઈપણ શરીર સાથે પોતાનો સંબંધ માનીને જ્યારે તેના દ્વારા સુખ ઈચ્છે છે ત્યાં સુધી તે પ્રકૃતિને પરવશ રહે છે. ત્યાં સુધી કોઈ પ્રકારે પ્રકૃતિની પરવશતાને દૂર કરી શકતો જ નથી. (ગી.૧૪/૫) આ પરવશતાને અહીં अवश: શબ્દથી બતાવી છે.

સ્વભાવો બને છે તેની સૂક્ષ્મવૃત્તિઓથી. વૃત્તિઓ બને છે ત્રણ ગુણોથી અને ગુણો પ્રકૃતિથી પેદા થાય છે. આથી ચાહે સ્વભાવને પરવશ કહો, ચાહે ગુણોને પરવશ કહો કે ચાહે પ્રકૃતિને પરવશ કહો અંતે બધી એક જ વાત છે. વાસ્તવમાં પ્રકૃતિજન્ય પદાર્થોથી જ પરવશતા છે અને પ્રકૃતિજન્ય પદાર્થોમાંથી સુખ મેળવવાની ચાહના-જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રકૃતિ પરવશતા દૂર થવી શકય નથી અને પછી આ પરવશતા છે તે બધી પરવશતાઓ પેદા કરે છે. તેથી જ આવી પરવશતાને જે કયાંક કાળની, કયાંક કર્મની, કયાંક સ્વભાવની, પ્રકૃતિના ગુણોની પરવશતા કહી છે. તાત્પર્ય એ છે કે આ જીવ જ્યાં સુધી પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ માને છે ત્યાં સુધી કયારેક કાળને, કયારેક ભોગોને અને કયારેક સ્વભાવને પરવશ થતો જ રહે છે.કારણ કે અજ્ઞાન અવસ્થામાં કે જાણીને તેમાંથી સુખને ઈચ્છે છે અને તેથી જ તે સિવાય પરિસ્થિતિ, વ્યક્તિ, સ્ત્રી, પુત્ર, ધન, મકાન વગેરેને પરવશ થઈને બેહાલપણે વર્તવા મજબૂર થાય છે. જ્યારે એ પરમાત્મા થકી સુખ પામવા ઈચ્છે છે અથવા સત્સંગનું સુખ પામવાની તીવ્ર લાલસા જાગે છે, ત્યારે તે પદાર્થોની પરવશતાથી મુકાતો જાય છે અને પોતાની સ્વતઃ સિદ્ધ સ્વાતંત્રતાને અનુભવતો થાય છે. ભગવાનનો મહિમા સમજીને પોતાને પરમાત્માને શરણે મૂકીને આધીન કરે છે ત્યારે તેના સુખને પામે છે.

ખરેખર તો મનુષ્ય નિષ્ક્રિય અવસ્થામાં પણ સક્રિય હોય છે. જેમ કોઈ સૂતેલા માણસને જાગવાના સમય પહેલાં જગાડીએ તો તે કહેશે મને કાચી ઊઘંમાંથી જગાડયો. આ વાત ઉપરથી એવું સિદ્ધ થાય છે કે નિદ્રા જેવી નિષ્ક્રિય અવસ્થામાં પણ નિદ્રા પાકવાની ક્રિયા થઈ રહી હતી તે અધૂરી રહી. જ્યારે પૂરી નિદ્રા લીધા પછી જાગે તો તેમ નથી કહેતો. ત્યારે નિદ્રા પાકવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોય છે. એવી જ રીતે મૂછર, સમાધિ કે પ્રલય જેવી અવસ્થામાં પણ તે અવસ્થાના પેટાળમાં સૂક્ષ્મ ક્રિયા થઈ રહી હોય છે. તેથી પ્રકૃતિ અને પ્રકૃતિના સજર્નમાં કયારેય નિષ્ક્રિય દશા થતી જ નથી. તે પ્રકૃતિની સાથે જીવે માનીનતાથી સંબંધ બાંધી લીધો હોવાથી તે પોતે પરવશ થઈને પ્રકૃતિની સાથે સક્રિય બની જાય છે. એટલે કે કર્મ અને કર્મના ફળ સાથે પરવશપણે જોડાઈ જાય છે. પ્રકૃતિથી પોતાનો સંબંધ જોડીને કોઈપણ માણસ સંપૂર્ણતાથી કર્મોનો ત્યાગ કરી શકતો નથી. न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत:। (૧૮/૧૧)

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन्‌।

इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचार: स उच्यते।।६।।

અર્થઃ જે મૂઢબુદ્ધિનો મનુષ્ય સઘળી ઈન્દ્રિયોને હઠપૂર્વક ઉપર-ઉપરથી રોકીને મનથી તે ઈન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત્‌દંભી કહેવાય છે.

कर्मेन्द्रिययाणि संयम्य..અહીં કર્મેન્દ્રિયોનો અભિપ્રાય પાંચ કર્મેન્દ્રિયો એટલો જ નહિ પણ તેઓની સાથે પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ ગણવાનાં છે. કેમ કે જ્ઞાનેન્દ્રિયોને છોડીને કેવળ કર્મેન્દ્રિયોથી કર્મ થતું નથી. વળી કર્મેન્દ્રિયો ને રોકવાથી અને જ્ઞાનેન્દ્રિયોને નહિ રોકવાથી મિથ્યાચાર પણ સિદ્ધ થતો નથી. એ તો જ્ઞાનેન્દ્રિયોને પણ રોકો, તો જ મિથ્યાચાર (દંભ) સિદ્ધ થઈ શકશે. માટે ગીતામાં જ્ઞાનેન્દ્રિયોને પણ કર્મેન્દ્રિયોની ભેળી ગણી લીધેલી છે.

संयम्य પદનો અર્થ તો સારી રીતે વશ કરવું એવો થાય છે. અહીં એ પદનો અર્થ ઈન્દ્રિયો વશ કરવાં, એવો નહિ તેમને બળપૂર્વક કેવળ બહારથી રોકવી એવો જ થાય છે. કારણ કે ઈન્દ્રિયો જો વશ થઈ જાય એમ કહીએ તો મિથ્યાચાર (દંભ) કહી ન શકાય.

મૂઢ બુદ્ધિવાળો-મોહથી ભરપૂર બુદ્ધિવાળો અર્થાત્‌સત્‌અસત્‌ના વિવેકહીન મનુષ્ય બહારથી તો ઈન્દ્રિયોની ક્રિયાઓને બળપૂર્વક રોકી દે છે; પરંતુ મનથી એ ઈન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે અને વળી પાછો પોતાને તે તે વિષયની ક્રિયા રહિત માની લે છે. એટલા માટે તે મિથ્યાચાર એટલે દંભ કહેવાય છે.

જો કે તેણે ઈન્દ્રિયોના વિષયોને બહારથી ત્યજી દીધા છે અને એવું સમજે છે કે હું કાંઈ કર્મ કરતો નથી તો પણ તે વસ્તુતાએ કર્મરહિત નથી થયો. કારણ કે બાહ્ય ક્રિયારહિત હોવા છતાં પણ અહંતા, મમતા અને કામનાઓને કારણે રાગપૂર્વક વિષયના ચિંતવનના રૂપમાં વિષયભોગરૂપ કર્મ ચાલુ જ છે. શ્રીજી મહારાજ કહે છે (વચ.ગ.પ્ર.૧૮) કે ઉપાધિમાં (રાગપૂર્વક વિષય ભોગવીને) રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહિ. સાંસારિક ભોગોને બહારથી પણ ભોગવી શકાય છે ને મનથી પણ ભોગવી શકાય છે. બહારથી રાગપૂર્વક ભોગોને ભોગવવાથી અંતઃકરણમાં ભોગોના જેવા સંસ્કારો પડે છે તેવા જ સંસ્કારો મનથી ભોગોને ભોગવવાથી અર્થાત્‌રાગપૂર્વક ભોગોનું ચિંતવન કરવાથી પણ પડે છે. બહારના ભોગોનો ત્યાગ તો મનુષ્યો વિચારથી, ઘણી વખત લોકલજ્જાથી અને કયારેક વ્યવહારમાં ગડબડ થવાના ભયથી પણ કરી શકે છે; પરંતુ મનથી ભોગ ભોગવવામાં બહારની કોઈ અડચણ નડતી નથી. આથી તે મનથી ભોગોને રાગપૂર્વક ભોગવતો રહે છે ને બહારથી પાછું અભિમાન ધરે છે કે હું ભોગોનો ત્યાગી છું. મનથી ભોગો ભોગવવાથી વિશેષ હાનિ થાય છે. તેથી તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ‘મનનો ત્યાગ એ જ મોટો ત્યાગ છે’ અને મનથી વિષય ભોગવવાની વધુ તક મળે છે માટે સાધકે પરમાત્માને સાક્ષી રાખીને અંતરની પ્રામાણિકતાથી અંતરના ભોગોનો ત્યાગ કરવો જોઈએ તો જ મિથ્યાચારથી બચી શકાય.

અર્જુન પણ બાહ્ય કર્મો (ફરજો અને કર્તવ્યો)નો ત્યાગ કરવા ઈચ્છે છે; પરંતુ ભગવાન તેને તેમ કરતા રોકે છે અને અહંતા, મમતા, કામના, રાગ એનો ત્યાગ કરવાનું કહે છે અને બાહ્ય કર્મોને તત્પરતાથી કરવાનું કહે છે.

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन।

कर्मेन्द्रियै: कर्मयोगमसक्त: स विशिष्यते।।७।।

અર્થઃ પરંતુ હે અર્જુન ! જે પુરુષ મન વડે ઈન્દ્રિયોને વશમાં કરી અનાસકત થઈને સઘળી ઈન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી શ્રેષ્ઠ છે.

ચોથા શ્લોકમાં ભગવાને કર્મયોગ અને સાંખ્યયોગ બન્નેની દૃષ્ટિએ સ્થૂળ કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી એમ બતાવ્યું. પછી પાંચમા શ્લોકમાં કહ્યું કે, કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. છઠ્ઠા શ્લોકમાં બળપૂર્વક ઉપરની ક્રિયાઓને રોકી ને પોતાને ક્રિયારહિત માની લેનારનું આચારણ-મિથ્યાચાર દંભ છે એમ કહ્યું. આથી સિદ્ધ થયું કે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી દેવા માત્રથી તે વાસ્તવિક ત્યાગી નથી થતો. માટે આ શ્લોકમાં ભગવાન વાસ્તવિક ત્યાગની ઓળખાણ આપે છે.

પોતાના આત્મકલ્યાણની ઈચ્છા ઉદ્‌ભવ થવાથી, મનની સંકુચિતતા દૂર કરી, સ્વભાવની ઉદારતા રાખવાથી અને ભગવાનના ભક્તના સુખે સુખ અને દુઃખે દુઃખ માનવું. આ ત્રણ વાત હોવાથી મનુષ્ય કર્મયોગનો કે નિષ્કામ સેવાયોગનો અધિકારી બને છે અને તેના જીવનમાં સુગમતાથી કર્મયોગનું આચરણ થવા લાગે છે.

કર્મયોગમાં જે ક્રિયા થાય છે તેમાં ક્રિયાનું ઉપરનું કલેવર ‘કર્મ’ વિભાગ છે. જે શારીરિક ચેષ્ટાઓથી વહન થાય છે. જ્યારે ક્રિયાના પેટાળમાં અંદરનો ભાગ છે તે ‘યોગ’ છે. તે યોગનું માનસિક આયોજન (સેટલમેંટ) પોતે કરવું જોઈએ. તે ખાસ કરીને અંતરના ભાવો અને પ્રતિક્રિયાઓનો સંયમ કરવાથી થાય છે. પોતાને પ્રાપ્ત થયેલ વસ્તુ, સામર્થી, યોગ્યતા, સદ્‌ગુણ, આવડત, સુઅવસર કે કોઈપણ હકારાત્મક બાબતનો સદ્‌ઉપયોગ કરવો અને ભગવાન તથા ભગવાનના ભક્તની સેવા કરવી (તે બધી બાબતોને સેવામાં જોડવા) એને ‘યોગ’ કહેવાય છે અને તે વિશેષ પોતાને મુમુક્ષુ બુદ્ધિથી કરવાનું હોય છે. સ્થૂળ કર્મનો સંબંધ સંસારની સાથે હોય છે. જ્યારે અંતર કર્મ જે ‘યોગ’ એને સંબંધ પરમાત્મા સાથે હોય છે. ‘तु’ અહીં અનાસક્ત બનીને કર્મયોગ કરવાવાળાને, મિથ્યાચારીની અપેક્ષાએ જ નહિ; પરંતુ સાંખ્યાયોગીની અપેક્ષાએ પણ શ્રેષ્ઠ બતાવવાની દૃષ્ટિએ ‘तु’ પદ આપવામાં આવ્યું છે.

‘अर्जुन’- શબ્દનો અર્થ થાય છે સ્વચ્છ, સીધો, સરળ. અહીં આ સંબોધનનો ભાવ એ છે કે અર્જુન ખરેખર ભગવાન પાસે સરળ અને અતિ નિર્મળ અંતઃકરણના છે અને ખરેખર જેને મોક્ષની ઈચ્છા કે પરમાત્માને પામવાની ઈચ્છા હોય તેણે અંતરથી સરળતા રાખવી ઘણી જરૂરી છે. કુટિલતાથી કદાચ આ લોકના કામ સરી જશે પણ મોક્ષનું તો નહિ સરે.

यस्त्विन्द्रियाणि मनसा नियम्य-

અહીં मनसा પદ સંપૂર્ણ અંતઃકરણ માટે કહ્યું અને ‘इन्द्रियाणि’ શબ્દ પણ દસેય ઈન્દ્રિયોને બતાવનારો છે. મનથી ઈન્દ્રિયો વશ કરવાનું તાત્પર્ય અહીં એ છે કે વિવેક દ્વારા ‘મન અને ઈન્દ્રિયો સાથેનો પોતાનો સંબંધ તોડવો. પોતે જે માન્યતારૂપી સંબંધ ધરી રહ્યો છે કે આ મારા છે ને હું આ દેહ છું’ એ દૂર કરવી ને પોતાને તેનાથી અલગ માનવો. એવો અનુભવ કરવાથી પછી ઈન્દ્રિયોનો સ્વતંત્ર આગ્રહ નથી રહેતો. અર્થાત્‌જ્યાં જોડવાનું ઈચ્છો ત્યાં જોડાઈ જાય છે ને જ્યાંથી હઠાવવાને ઈચ્છો ત્યાંથી હઠી જાય છે. ઈન્દ્રિયો વશમાં ત્યારે જ થાય છે કે જ્યારે તેમની સાથે મમતાનો સર્વથા અભાવ થાય અને વશમાં કરેલ ઈન્દ્રિયો દ્વારા જ કર્મયોગનું આચરણ થાય છે, નહિ તો થઈ શકતું નથી.

અગાઉ શ્લોકમાં ભગવાને संयम्य પદ વડે મિથ્યાચારની બાબતમાં ઈન્દ્રિયોને બળપૂર્વક રોકવાની વાત કરી હતી; પરંતુ અહીં ‘नियम्य’ પદથી અકર્તવ્ય, પ્રમાદ અકર્મણ્યતા, ફલાસક્તિ, કામના વગેરેમાંથી હઠાવીને નિષ્કામભાવે કર્તવ્યમાં અને ભગવાન ને ભગવાનના ભક્તની સેવામાં જોડવાની વાત કહે છે. નિયમન કરવાથી સંયમ આપોઆપ થઈ જાય છે. સંયમ કરવાથી નિયમન થઈ જ જાય એવું નથી હોતું.

‘असक्त:’ આસક્તિ બે જગ્યાએ થાય છે. (૧) કર્મોમાં અને (૨) તેમનાં ફળોમાં. સઘળા દોષો આસક્તિમાં જ રહે છે. કર્મો તથા તેમનાં ફળોમાં નહિ. આસક્તિ રહેવાથી કર્મયોગ કે સેવાયોગમાં જે ‘યોગ’ ભાગ છે તે સિદ્ધ નથી થઈ શકતો. આસક્તિનો ત્યાગ કરવાથી જ ‘યોગભાગ’ સિદ્ધ થઈ શકે છે. વળી કર્મોનો સ્થૂળ ત્યાગ (સ્વરૂપથી ત્યાગ) કરવાથી પણ ‘યોગ’ સિદ્ધ નથી થઈ શકતો. માટે સાધકે આસક્તિનો જ ત્યાગ કરવો જોઈએ. આસક્તિ રહિત થઈને સાવધાની અને તત્પરતાપૂર્વક કર્તવ્યકર્મનું આચરણ કર્યા વિના કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ નથી થઈ શકતો.

સાધકની આસક્તિઓ ત્યારે જ દૂર થાય છે જ્યારે ઈન્દ્રિયો અંતઃકરણનું પોતાનું મમત્વ દૂર કરીને કેવળ પરમાત્મા અને તેના ભક્તોની સેવામાં તત્પરતાપૂર્વક લગાડી દે અને સાવધાનીપૂર્વક પોતાનું કર્તવ્ય કરે. બીજાના હિતને માટે સઘળાં કર્મો કરે છે ત્યારે આસક્તિ આપોઆપ નાશ પામતી જાય છે. કર્મયોગીનો વાસ્તવિક મહિમા આસક્તિ રહિત થવામાં જ છે. કર્મોથી થવાવાળા કોઈપણ ફળની (માન, મોટાઈ વગેરેની પણ) ઈચ્છા ન રાખવી એને જ આસક્તિ રહિત થવું કહેવાય છે. સાધારણ મનુષ્યો તો પોતાની કામનાની સિદ્ધિને માટે જ કોઈ પણ કાર્યમાં (કર્મમાં) પ્રવૃત્ત થાય છે. જ્યારે સાધક આસક્તિના ત્યાગનો ઉદ્દેશ રાખીને કર્મ કરે છે. એને જ અહીં ‘અલુઃ’ કહેવામાં આવ્યો છે.

આ રીતે કર્તવ્યકર્મની બન્નેમાં જરૂર છે. બન્નેમાં ફળની ઈચ્છા અને આસક્તિનો ત્યાગ કરવાનો હોય છે. ત્યારે જ્ઞાનયોગની અપેક્ષાએ કર્મયોગ અધિક સુગમ થાય છે. (असक्त: कर्मयोगम्‌आरभते स: विशिष्यते) કારણકે કર્મયોગીને પછી કોઈ અન્ય સાધનની અપેક્ષા રહેતી નથી. જ્યારે જ્ઞાનયોગમાં દેહાભિમાન અને ક્રિયા, પદાર્થની આસક્તિ દૂર કરવા પ્રથમ કર્મયોગની અપેક્ષા રહે છે. સિદ્ધ થયા પછી આળસ, પ્રમાદ, આસક્તિ ન થઈ જાય માટે પણ કર્મયોગની અપેક્ષા રહે છે અને બિલકુલ કર્મનો ત્યાગ, પ્રકૃતિમંડળમાં છે ત્યાં સુધી થઈ શકતો નથી. માટે પણ જ્ઞાનયોગને નિભાવવા કર્મની અપેક્ષા રહે છે અને કર્મયોગમાં કે સેવાયોગમાં પણ ક્રિયાની આસક્તિનો ત્યાગ મુખ્ય છે. જેનાથી સમબુદ્ધિ અથવા નિર્વિકલ્પની સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે જ ભગવાન અહીં કહે છે કે, તમારે કર્મોનો ત્યાગ કરવાની જરૂર નથી પણ આસક્તિનો ત્યાગ કરીને કર્મો કરવાની જ જરૂર છે.

ખરેખર વસ્તુ તો એ છે કે કર્મોનો ત્યાગ કરવો જોઈએ કે નહિ. આ વસ્તુ જોવાનો ગીતાનો સિદ્ધાંત જ નથી. સંપૂર્ણ ગીતા પ્રમાણે કર્મમાં આસક્તિ જ (દોષ હોવાને કારણે) ત્યાજ્ય છે. નિષ્કામ કર્મયોગમાં ‘કર્મ’ સ્થૂળ કર્તવ્યક્રિયા હંમેશાં-અંતરની પ્રામાણિકતાથી બીજા માટે હોય છે. ‘યોગ’ (એટલે કે સમતાની પ્રાપ્તિ અથવા નિર્વિકલ્પ સ્થિતિની પ્રાપ્તિ) પોતાના માટે હોય છે. જ્યારે સાધક ‘યોગ’નું લક્ષ્ય ચૂકીને કર્મના કોઈ ભાગમાં અર્થાત્‌સ્થૂળ ક્રિયામાં અથવા કર્મના કોઈ ઈહલૌકિક ફળ અથવા તેના અંગે મળતી માન મોટાઈમાં તણાય છે ત્યારે કર્મયોગ એટલા પ્રમાણમાં અલ્પ પ્રભાવિત બની જાય છે. વાસ્તવમાં યોગતત્ત્વ લુપ્ત થતુ જાય છે. અર્જુન અહીં કર્મ પોતાને માટે માની રહ્યા છે. તેથી જ તો તેને કર્મ ઘોર દેખાય છે પણ ભગવાનની દૃષ્ટિએ આસક્તિ જ ભયંકર (ઘોર) છે, કર્તવ્ય કર્મ નહિ.

(असक्त:) कर्मेन्द्रियै: कर्मयोगम्आरभते स विशिष्यते

અહીં પણ પ્રથમ ચરણની જેમ कर्मेन्द्रियै: નું તાત્પર્ય સમગ્ર ઈન્દ્રિયો તથા અંતઃકરણને કર્મેન્દ્રિયો માનીને શબ્દપ્રયોગ થયો છે. કેમ કે બધા જ વડે કર્મો થાય છે. જે કર્મો પોતાના વ્યક્તિગત સ્વાર્થનો ત્યાગ કરીને બીજાના હિત માટે અર્થાત્‌ભગવાન (સત્સંગ) અને ભગવાનના ભક્તને માટે કરવામાં આવે છે, તેને જ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કહેવાય છે. અન્યથા તે સામાન્ય કર્મ બની રહે છે પણ યોગ બની શકતો નથી. પોતાને માટે કર્મો કરવાથી પોતાનો સંબંધ કર્મ અને કર્મફળ સાથે થઈ જાય છે અને અંતરની પ્રામાણિકતાથી બીજાને માટે કર્મ કરવાથી-કર્મ અને કર્મફલનો સંબંધ બીજા સાથે થાય છે અને પરમાત્માનો સંબંધ પોતાની સાથે થાય છે. જે સાધકનું ધ્યેય છે અને સનાતન છે. આ રીતે સ્થળ, કાળ, પરિસ્થિતિ વગેરે અનુસાર પ્રાપ્ત થયેલ કર્તવ્યકર્મને નિઃસ્વાર્થભાવે કરવું તે કર્મયોગનો આરંભ છે.

કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગી સાધકો બે જાતના હોય છે. એક તો જેના હૈયામાં કર્મ કરવાનો વેગ, આસક્તિ તો છે; પરંતુ પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા મુખ્ય હોય છે. તેવા સાધકોને વિવિધ કર્મો અથવા વિવિધ સેવાયોગ કરવાની જરૂર નથી રહેતી. તેને ફકત પ્રાપ્ત થયેલ પરિસ્થિતિને અનુસારે કર્તવ્યકર્મ કરીને સામગ્રીનો સદુપયોગ કરવાની જ જરૂર હોય છે. જ્યારે બીજા એવા કર્મયોગના સાધકને ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા રહે છે. કલ્યાણની ઈચ્છા તો જરૂર રહે છે; છતાં તેનાથી મુખ્ય ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા રહે છે. તેથી તેને વિવિધ પ્રકારનો સેવાયોગ કરવાની જરૂર રહે છે. તેથી નવા નવા કર્મો કરી દે તો પણ વાંધો નથી પણ કર્મોમાંથી આસક્તિ તો તેને પણ દૂર કરવાની જ રહી. જે પોતાના વ્યક્તિગત સ્વાર્થનો અને આસક્તિઓનો ત્યાગ કરીને માત્ર પરમાત્માની પ્રસન્નતા ખાતર કર્મ કરે છે તે શ્રેષ્ઠ છે. સાધકને જ્યારે પોતાનું કલ્યાણ કરવાનો તીવ્ર તલસાટ જાગે છે ત્યારે તે કર્મોને સાધનામાં વિઘ્નરૂપ સમજવા લાગે છે સાથોસાથ કર્તવ્યકર્મો અને ભગવાનની પ્રસન્નતાની ક્રિયાઓને પણ સાધનામાં વિઘ્નરૂપ સમજે છે અને તેનાથી ઉપરામ થવા ઈચ્છે છે પણ તે સાચું નથી. પરમાત્માને સાંનિધ્ય થવા કર્મો અંતરાયરૂપ થાય છે પણ કર્મોને અંગે ઉદ્‌ભવતું અભિમાન અને કર્મોનું સીધું અથવા આડકતરી રીતે મળતા ફળમાં આસક્તિ-રાગ અતંરાય રૂપ થાય છે. આથી જ અહીં ભગવાન કહે છે स विशिष्यते તે નિષ્કામ કર્મયોગી શ્રેષ્ઠ છે. ખરેખર મિથ્યાચાર કરતાં તો સ્વર્ગાદિને માટે કર્મ કરે છે તે પણ શ્રેષ્ઠ છે. બીજાને માટે કર્મ કરે છે, તે તો શ્રેષ્ઠ જ છે. પરમાત્માનો ભાવ તો એ છે કે આસક્તિ છોડી કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ આદરે છે તે જ્ઞાનયોગ કરતાં પણ શ્રેષ્ઠ છે. પાંચમા અધ્યાયના બીજા શ્લોકમાં અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે तयोस्तु कर्मसन्यासात्कर्मयोगो विशिष्यते (५/२) ભગવાને તેની સકારણ શ્રેષ્ઠતા બતાવી છે. શાસ્ત્રોનો પણ એ જ સિદ્ધાંત છે કે ‘ब्रह्मविदां क्रियावान्वरीष्ठ:’ કેવળ બ્રહ્મવિદો હોવા કરતાં પરમાત્માને અર્થે સક્રિય હોય તે શ્રેષ્ઠ છે ને પરમાત્માને વહાલો છે. તે પરમાત્માની કૃપાનું પાત્ર છે. માટે અહીં પણ એ જ આશયથી વ્યક્તિગત સ્વાર્થભાવનો ત્યાગ કરીને ભગવાન કે ભગવાનના ભક્તને માટે નિષ્કામ સેવાયોગ કરનાર શ્રેષ્ઠ બતાવ્યો છે.

नियतं कुरु कर्म त्यं कर्म ज्यायो ह्यकर्मण:।

शरीरयात्रापि च ते न प्रसिद्धयेदकर्मण:।।८।।

અર્થઃ આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્યકર્મ કર; કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય.

નિષ્કામ ભાવથી કર્મ કરવાળો કર્મયોગી (સેવક) કેવળ કર્મોને સ્વરૂપથી કરનારા કરતાં (સેવા) શ્રેષ્ઠ છે અથવા સકામ કર્મો કરનારા કરતા શ્રેષ્ઠ છે. એટલું જ નહિ; પરંતુ જ્ઞાનયોગી કરતાં પણ શ્રેષ્ઠ છે तयोस्तु कर्म संन्यासात्कर्मयोगो विशिष्यते (૫/૨) તેથી ભગવાન પ્રસ્તુત પ્રકરણમાં નિષ્કામ ભાવથી કર્મ અથવા સેવા કરવા પર વિશેષ ભાર દે છે. આ શ્લોકમાં તેના ઈતર ફાયદાનો પણ નિર્દેશ કરે છે.

नियतं कुरु कर्म त्वम्‌कर्म ज्यायो ह्यकर्मण:।

શાસ્ત્રમાં વિહિત અને નિયત બે કર્મો કરવાની આજ્ઞા આપવામાં આવી છે. વિહિતનું તાત્પર્ય એ છે કે સામાન્ય સ્વરૂપે શાસ્ત્રમાં બતાવેલા આજ્ઞારૂપી પ્રશસ્ત કર્મો-જેવાં કે વ્રત, ઉપવાસ, દાન, ઉપાસના, ભક્તિ વગેરે. આ બધાં જ વિહિત કર્મોનું સંપૂર્ણ અનુષ્ઠાન એક વ્યક્તિએ એક જ જિંદગીમાં કરવું ઘણું કઠિન છે. તે અશક્ય જેવું થઈ પડે છે; પરંતુ નિષિદ્ધ કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો શકય છે. હિંમત હોય તો પેલા કરતાં સુગમ પણ છે. વિહિત કર્મોનું અનુષ્ઠાન કોઈ તકના અભાવે ન થઈ શક્યું તો દોષ નથી. જેમ કે ગરીબ માણસ પોતાની જિંદગીમાં યજ્ઞ ન કરી શકયો તો વિહિત ન થયું. તેનો તેને દોષ લાગતો નથી; પરંતુ નિષિદ્ધ ત્યાગ સંપૂર્ણ પાળવો જરૂરી છે અને તેમાં જેટલી કસર રહે છે તે શાસ્ત્ર દૃષ્ટિએ દોષરૂપ ગણાશે. જેમ કે અસ્તેય, અપરિગ્રહ, જૂઠું ન બોલવું વગેરે. નિષિદ્ધ કર્મોનો ત્યાગ કરવાથી વિહિત કર્મને આપોઆપ ભૂમિકા મળતી જાય છે. જ્યારે નિયત કર્મનું તાત્પર્ય છે દેશ, કાળ, પરિસ્થિતિ, સદ્‌ગુણ, સંપત્તિ, સ્વભાવ, વર્ણ, આશ્રમ વગેરેને આધારે પ્રાપ્ત થતું કર્તવ્ય કર્મ. જેમ કે ભોજન, આજીવિકા માટે ઉદ્યમ, પોષ્યવર્ગનું પોષણ, માબાપની સેવા, પરોપકાર, જેવાં પ્રશસ્ત કર્મો.

કર્મયોગની દૃષ્ટિએ વર્ણ આશ્રમને અનુકૂળ શાસ્ત્ર વિહિત કર્મ પ્રાપ્ત થઈ જાય તે ભલે ઘોર હોય કે સૌમ્ય હોય, લોકદૃષ્ટિથી ઊંચું ગણાતું હોય કે સામાન્ય ગણાતું હોય પણ તે નિયત કર્મ છે. નિયત કર્મ, દેશ, કાળ ,પરિસ્થિતિ, વ્યક્તિ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે. તે માનવતા સહજ હોય છે. શાસ્ત્રો, સત્ત્પુરુષો, સજ્જનો જેના પરિણામને વખાણતા હોય અને આવકારતા હોય છે અને દરેક મનુષ્યને વિશેષ તકના રૂપમાં ઘણું કરીને પ્રાપ્ત થતાં હોય છે. તેને નિયત કર્મ કહેવાય. અહીં અર્જુન માટે આ યુદ્ધ છે તે ધર્મયુદ્ધ છે. તે જ વાત દુર્યોધન માટે ધર્મયુદ્ધ નથી, અન્યાય યુદ્ધ છે. વળી અર્જુનના ક્ષાત્ર સ્વભાવને અનુરૂપ છે અને તેની શૂરવીરતાના સદુપયોગરૂપ છે ને પરમાત્માની ઈચ્છા અને પ્રસન્નતાના નિમિત્તરૂપ છે. માટે યુદ્ધ એ અર્જુનને માટે નિયત કર્મ બની રહ્યું છે. દરેક યુદ્ધ અથવા દરેકને માટે યુદ્ધ નિયત કર્મ ન બની શકે. એ જ યુદ્ધ દુર્યોધન માટે નિયત કર્મ નથી. કર્મની નિયતતા દરેક માનવીને દેખાતી હોતી નથી અને ઓળખાતી પણ નથી.

અહીં પણ કર્મનિયતતા અજુરનને નથી દેખાતી. કેવળ શ્રીકૃષ્ણ ભગવાનને જ દેખાય છે. માટે ભગવાન અર્જુનને આગ્રહ સાથે સાક્ષાત્‌આજ્ઞા કરે છે ‘नियतं कुरु कर्म त्वं’ ક્ષત્રિય હોવાના સંબંધથી પોતાના વર્ણ, ધર્મ અનુસાર પરિસ્થિતિ ઊભી થયે યુદ્ધ કરવું એ તારું સ્વાભાવિક કર્મ છે. (૧૮/૪૩) ક્ષત્રિયને માટે તે ઘોર નથી. વળી ભગવાન આ કર્મની નિયતતા બતાવવા કહે છે કે स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि અને धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते (૨/૩૧) વળી ભગવાન કહે છે, सुखिन: क्षत्रिया: पार्थ लभन्ते युद्धमीदृशम्‌ (૨/૩૨) આ બધા નિર્દેશો છે. તે અર્જુનને માટે નિયતતા બતાવનારા છે. વાસ્તવમાં તો સ્વધર્મ અને નિયત કર્મ એક જ છે; જુદાં નથી. એ જ વાત દુર્યોધનનો દુષ્ટ આશય હોવાથી કલંકરૂપ બની જાય છે. માટે નિયતતામાં મુખ્યત્વે તે દેશાદિનો પણ વ્યક્તિ પરત્વતા વધારે છે.

તેથી નિયત કર્મના, અનુષ્ઠાનને વિધિ અનુષ્ઠાન પહોંચતું નથી. માટે ભગવાન કહે છે, ‘कर्म ज्यायो ह्यकर्मण:।’ અર્જુનનું ધ્યાન વધારે વિધિ પર છે. ‘હું સન્યાસ લઉં, ભીષ્મ દ્રોણ પૂજ્વા યોગ્ય છે. મને પાપ થશે.’ આ બધું વિધિને લક્ષમાં લઈને એટલે કે સાંભળીને બોલે છે. જ્યારે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનું દૃષ્ટિબિંદુ નિયત કર્મ કરવા પર છે. નિયત કર્મને વિધિની સાથે કોઈ વિરોધ નથી હોતો. મોટા ભાગે પ્રશસ્ત અને વિધેય જ હોય છે. તેનો નિષેધ તો નથી કરાયેલો હોતો કે તારે આવું નથી કરવાનું પણ કર્મની નિયતતા એ તો કલ્યાણની તક હોય છે અને મોટે ભાગે તકરૂપ બનીને સામે આવતું હોય છે પણ તે તક, તકના રૂપમાં દેખાવી એવી વેધક બુદ્ધિ બધામાં હોતી નથી. માટે તો અર્જુન જેવા કુળજાત પાત્રને આ વસ્તુ સમજાવવા ભગવાનને સંપૂર્ણ ગીતા કહેવી પડી છે; છતાં પૂરું ન મનાયું ત્યારે વિશ્વરૂપ બતાવવું પડયું છે. તે પણ આ નિયત માટે નહિ, પણ તમે બહુ મોટા છો તો તમારું આટલું હું રાખીશ. करिष्ये वचनं तव નિયત કર્મ નહીં.

આ જ અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુને પૂછયું છે કે ज्यायसी चेत... જો આપને કર્મની અપેક્ષાએ જ્ઞાન શ્રેષ્ઠ માન્ય છે તો મને ઘોર કર્મમાં શા માટે જોડો છો ? તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે, કર્મ ન કરવાની અપેક્ષાએ કર્મ કરવું એ જ મને શ્રેષ્ઠ માન્ય છે. પ્રથમ શ્લોકમાં ज्यायसी પ્રશ્નનો ઉત્તર અહીં ભગવાન ज्याय: પદથી આપે છે. कर्म ज्यायो ह्यकर्मण: આ રીતે અર્જુનનો વિચાર યુદ્ધરૂપી ઘોર કર્મમાંથી નિવૃત્ત થવાનો છે. જ્યારે ભગવાનનો વિચાર અર્જુનને યુદ્ધરૂપી નિયત કર્મમાં પ્રવૃત્ત કરવાનો છે. એટલા માટે આગળ અઢારમા અધ્યાયમાં ભગવાન કહે છે કે દોષયુક્ત હોવા છતાં પણ સહજ (નિયત) કર્મનો ત્યાગ નહિ કરવો જોઈએ. કારણ કે તેના ત્યાગથી દોષ લાગે છે તેમજ કર્મોની સાથે સંબંધ પણ ચાલુ રહે છે. કારણ કે સંબંધ સૂક્ષ્મ છે. તેથી કર્મનો અપકવ સ્થિતિમાં જોરાવરીએ ત્યાગવાથી માનસિક ભાવ અખંડ રહ્યા કરે છે કે મેં ત્યાગ કર્યો છે. હું ત્યાગી છું, શ્રેષ્ઠ છું. ખરેખર તો કર્મ સહજ છૂટી જાય અથવા કર્મ કરતાં કરતાં પણ લક્ષ્ય-પરમાત્મા જ યાદ રહે ને કર્મ વિસરાઈ જાય, તે જ સાચો ત્યાગ છે. ‘स त्यागी इत्यभिधीयते’ કર્મ મારો ખોરાક નથી. જેમ સિંહને ઘાસ સહજ પ્રાપ્ત છે પણ તે ખાતો નથી. તે પોતાના ધ્યેય માટે ભટકે છે. માટે તેને ઘાસ સાથે સંબંધ નથી. પોતાના આહાર સાથે માનસિક સંબંધ જોડાયેલો રહે છે. તેમ અપકવ પદ્ધતિથી કર્મસંબંધ દૂર થતો નથી. તેની અપેક્ષાએ નિયત કર્મ કરવું અને વેગ પરમાત્માને પામવાનો રાખવો. કર્મને એવા ભાવમાં કરવું કે તે પરમાત્મા પામવાનું સાધન બને તો તેનાથી કર્મ સાથેનો સંબંધ વિચ્છેદ સારો થાય છે. આથી આ શ્લોકમાં ભગવાન અર્જુનને અનાસક્તભાવે નિયત કર્મ કરવાની આજ્ઞા આપે છે.

કર્મયોગની અંદર कर्म ज्यायो ह्यकर्मण:-આ ભગવાનનો અંગત પ્રધાન સિદ્ધાંત છે. જેમ નિષ્કામ સેવાયોગ એ શ્રીજી મહારાજનો અંગત સિદ્ધાંત છે. મહારાજ કહે છે કે, ‘‘અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ તેથી અધિક બીજું કાંઈ જગતમાં સુખદાયી છે નહિ અર્થાત્‌ભગવાનને ભગવાનના ભક્તની સેવાથી અધિક સુખદાયી બીજું કોઈ છે જ નહીં’’ તેમ ગીતામાં ભગવાનનો આ પ્રધાન સિદ્ધાંત છે. તેથી ભગવાને બીજા અધ્યાયમાં અર્જુનને આજ્ઞા આપી છે કે मा ते सङगोऽस्त्वकर्मणि (૨/૪૭) હે અર્જુન ! તારી કર્મ નહિ કરવામાં આસક્તિ નહિ થાઓ. અર્થાત્‌કર્મ નહિ કરવાનો હઠાગ્રહ ન થાઓ. તેનું કારણ એ છે કે કર્તવ્યકર્મોથી જીવ ચોરવાવાળો મનુષ્ય પ્રમાદ, આળસ, નિદ્રા અને છેવટે ભોગમાં પોતાનો અમૂલ્ય સમય નષ્ટ કરી દેશે અથવા નિષિદ્ધ કર્મમાં પણ કયારેક પ્રવેશ કરશે. જેથી તેનું પતન થશે.

સ્વરૂપથી કર્મનો ત્યાગ કરવાની અપેક્ષાએ નિષ્કામ સેવાના રૂપમાં કર્મો કરતા રહીને જ કર્મોથી સંબંધ વિચ્છેદ કરવો શ્રેષ્ઠ છે. કારણ કે કામના, વાસના, સ્વભાવ, ફલાસક્તિ, પક્ષપાત આ બધા જીવના હૃદયમાં દૃઢ થયેલા દોષો છે. તે સ્થૂળ કર્મની હાજરી ન હોય તો પણ કર્મની સાથે અખંડ સંબંધ જોડી દે છે. પછી મનુષ્ય સ્વરૂપથી કર્મ કરે, ચાહે ન કરે તેની અપેક્ષાએ કામના વગેરેના ત્યાગનો દૃઢ ઉદ્દેશ રાખીને નિષ્કામ સેવાયોગનું (નિષ્કામ ક્રિયાયોગ) આચરણ કરવાથી કામના વગેરે દોષોનો ત્યાગ કરવો સુગમ થાય છે. કર્મ કરતી વખતે કામના વગેરે દોષો સહજ રીતે ઊભરી આવે છે. ત્યારે દિલથી ત્યાગ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુને પોતાના દોષનું અને બૂરાઈનું સાચું ભાન થાય છે ને પછી પરમાત્માની તથા નિષ્કામ કર્મયોગની સહાય લઈને ત્યાગ કરવા પ્રયત્ન કરે તો ત્યાગ થઈ જાય છે. જ્યારે સ્વરૂપથી કર્મનો ત્યાગ કરવાથી આ બધા દોષો કર્મનું આલંબન દૂર થતાં સુષુપ્ત થઈ હૃદયમાં છુપાયેલા રહે છે. જેથી સાધકને ભ્રાંતિ સજરે છે કે હું બીજા કરતાં ઘણો નિદરેષ છું; પરંતુ જ્યારે તક મળતાં દોષો સાધક પર ઓચિંતું આક્રમણ કરી દે છે. માટે શ્રીજી મહારાજે પણ સાધકોને ચેતવણી રૂપે કહ્યું છે કે નિષ્કામ સેવા કરનારે પણ સાવધાન થઈને જોડાવું. નિયમમાં રહીને નિષ્કામ સેવાયોગ કરવો તો ભગવાન સહાય કરે છે ને દોષ જીતવાની શક્તિ પ્રેરે છે.

शरीर यात्रापि च ते न प्रसिद्धयेकर्मण:।

ભગવાન પોતાના સિદ્ધાંતની તરફેણમાં એક વધુ યુક્તિ અને સકારણતા બતાવે છે કે તારા શરીરનિર્વાહ માટે પણ આ વધારે ઉપયોગી થશે. જેવી રીતે જ્ઞાનયોગમાં વિવેક દ્વારા સંસારથી સંબંધ વિચ્છેદ થાય છે, તેવી જ રીતે કર્મયોગમાં કર્તવ્યકર્મનું ઠીકઠીક અનુષ્ઠાન કરવાથી સંસારથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. આથી જ્ઞાનયોગની અપેક્ષાએ કર્મયોગને કોઈ પણ પ્રકારે ઓછો માનવો જોઈએ નહિ.

મર્મની વાત એ છે કે અર્જુનને કર્મની અરુચિ છે. અર્થાત્‌તેના મનમાં કર્મ નહિ કરવાનો આગ્રહ છે. અહીં કેવળ અર્જુનની જ વાત નથી; પરંતુ પારમાર્થિક માર્ગમાં અન્ય સાધકો પણ ઘણું કરીને આ વિષયમાં એવી જ મોટી ભૂલ કરે છે. જો કે તેઓની ઈચ્છા સાધના કરવાની હોય જ છે. તો પણ તેઓ પોતાની મનવાંછિત પરિસ્થિતિ, અનુકૂળતા, સુખબુદ્ધિ વગેરેની ઈચ્છા પણ સાથે રાખે છે. જે તેમની સાધનાના માર્ગમાં મહાન બાધક થાય છે. જે સાધક પરમાત્માની પ્રાપ્તિમાં સુગમતા ચારે બાજુ ખોળતા ફરે છે અને તેને શીઘ્ર પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તે વાસ્તવમાં સુખનો પ્રેમી છે, નહિ કે સાધનાનો પ્રેમી. સુગમતા અને શીઘ્રતાની ઈચ્છા કરવાથી સાધકની દૃષ્ટિ ‘સાધન’ પર નહિ પણ ‘ફળ’ પર ચાલી જાય છે. જેથી સાધન તેને કંટાળારૂપ અને બોજારૂપ લાગવા લાગે છે.

જેનો એ દૃઢ નિશ્ચય કે ઉદ્દેશ્ય હોય છે કે,‘‘ ચાહે ગમે તે થાય પણ મારે પરમાત્મા પાસે પહોંચવું છે’’ તેની દૃષ્ટિ સુગમતા અને શીઘ્રતા ઉપર જતી નથી પણ તેની દૃષ્ટિ પ્રાપ્તિની નિશ્ચિંતતા ઉપર જાય છે. તત્પરતાની સાથે કાર્યમાં લાગેલ માનવી જ્યારે પોતાના ઉદેશ્યની પૂર્તિને માટે કમર કસીને લાગી જાય છે ત્યારે તે સુખ કે દુઃખ તરફ નથી જોતો. કેવળ ધ્યેય તરફ જ તેની દૃષ્ટિ હોય છે. તે મને મળવું જ જોઈએ તે પ્રાપ્તિ કરીને જ હું રહીશ એવો તેનો નિર્ણય હોય છે. मनस्वी कायार्थी न गणयति दु:खं न च सुखम्‌ સાધકની તો વાત જ કયાં છે ! એક સાધારણ લોભી માણસ પણ દુઃખ તરફ કયારેય નથી જોતો. પ્રાયઃ જોવામાં આવે છે કે પરસેવાથી રેબઝેબ હોય, ભૂખ, તરસ લાગી હોય, શૌચ જવાની આવશ્યકતા જણાતી હોય તો પણ જો માલનું વિશેષ વેચાણ થઈ રહ્યું હોય તથા પૈસા આવી રહ્યા હોય તો તે પૈસાના લોભ ખાતર તમામ કષ્ટો હસતે મોઢે સહન કરી લે છે ને મનમાં સુખ લાગે છે. કષ્ટનું દુઃખ તેને કયારેય અનુભવાતું જ નથી. બરાબર એવી જ રીતે લોભી વ્યક્તિની જેમ સાધકને સાધ્યમાં નિષ્ઠા હોવી જોઈએ. સાધ્યમાં ત્યારે જ નિષ્ઠા થઈ ગણાય કે જ્યારે તેને સાધ્યની પ્રાપ્તિ અથવા રાજીપાના સાધનોમાં પૂર્ણ શ્રદ્ધા, ઉત્સાહ અને આદર, ખંત હોવા જોઈએ તેમાં તેને ચેન પડવું જોઈએ. ભોગ-આરામ અંતરથી સારા ન લાગવા જોઈએ. તેની તમામ શક્તિ સાધનામાં લાગી જવી જોઈએ. ત્યારે તેને સાધ્યમાં નિષ્ઠા બંધાણી ગણાય. જેમ માતા પાર્વતી કહે છે કે जन्म कोटि लगि रगर हमारी, बरहु शंभु न तो रहउ कुमारी । ભગવાન શંકર એનું સાધ્ય છે. નારદનો ઉપદેશ અને તે પ્રમાણે તપ તેનું સાધન છે. કહે કે ભગવાન શંકર આવીને ખુદ સો વાર તેની પ્રાપ્તિના સાધનની મના કરે, તો પણ હું નારદે પ્રાપ્તિનો જે માર્ગ બતાવ્યો છે, તેનો ત્યાગ નહીં કરું. તે વચનમાં સાધન ને સાધ્ય કરતાં પણ અધિક આદર આપવામાં આવ્યો છે. તે જ સાચો કલ્યાણ પ્રાપ્તિનો માર્ગ છે. બાકી બીજે તો રાગ, ભોગ, આરામ વગેરે દુન્યવી ભાવોની પ્રતિક્રિયા જ છે, બીજું કશું નથી.

આ શ્લોકમાં ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને મુમુક્ષુ એવા સાધકોને સાવધાન કરતાં કહે છે કે, તેઓએ પોતાની અનુકૂળતા તથા સુખબુદ્ધિનો ત્યાગ કરીને સાવધાન થઈને કર્તવ્યકર્મ કરવા તત્પરતાથી લાગી જવું જોઈએ.