ગીતા અધ્યાય-૦૨, શ્લોક ૫૪ થી ૭૨

શ્લોક ૫૪-૭૨

સ્થિરબુદ્ધિના પુરુષનાં લક્ષણો અને એનો મહિમા

અર્જુન બોલ્યા

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव।

स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम्‌।।५४।।

અર્થઃ હે કેશવ ! સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે ? તે સ્થિરબુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત્‌તેનાં આચરણ કેવાં હોય છે ?

હવે આગળ વર્ણવેલ સાંસારિક મોહરૂપી કાદવ અને અસત્‌શાસ્ત્રો અને પુરુષોની જાળથી થયેલી શ્રુતિ વિપ્રપતિ (સાંભળવાથી ઊંધું થયેલું જ્ઞાન) જેને દૂર થઈ ગયું હોય તે પુરુષના કેવાં લક્ષણો હોય તે વિષે અર્જુન પ્રશ્ન કરે છે.

અહીં અર્જુને સ્થિતપ્રજ્ઞના વિષયમાં જે પ્રશ્નો કર્યા છે. તે પ્રશ્નોની પહેલાં અર્જુનના મનમાં ‘કર્મ’ અને ‘બુદ્ધિ’ (અ. ૨/૪૭-૫૦) અંગે પ્રશ્ન ઊઠયો હતો, શંકા ઊઠી હતી. કારણ કે ભગવાને તેમાં કર્મયોગનો મહિમા ઘણો કહ્યો છે અને જ્યારે પોતાની બુદ્ધિમાં ન બેઠો હોય તેવો ઝાઝો મહિમા સાંભળે, એટલે બુદ્ધિમાં સળવળાટ થયા વિના રહેતો નથી; પરંતુ ભગવાને ૫૨-૫૩માં શ્લોકમાં કહ્યું કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવ અને શ્રુતિવિપ્રતિપત્તિને પાર કરી જશે, ત્યારે તું યોગને પ્રાપ્ત થઈ જશે. અર્થાત્‌સ્થિતપ્રજ્ઞ થઈ જશે. આ સાંભળીને અર્જુનને બીજી શંકા થઈ કે જ્યારે હું યોગને પ્રાપ્ત થઈશ અર્થાત્‌મારે કર્મયોગ સિદ્ધ થઈ જશે. હું સ્થિતપ્રજ્ઞ બની જઈશ ત્યારે હું કેવો હોઈશ ? મારાં લક્ષણો કેવાં હશે ? આથી અર્જુને પોતાની વ્યક્તિગત શંકાને પહેલાં પૂછી લીધું અને ‘કર્મ’ તથા ‘બુદ્ધિ’ અર્થાત્‌‘કર્મયોગ’ના સિદ્ધાંત વિષે જે અગાઉ શંકા થઈ હતી એને પછી (અ. ૩/૧-૨) પૂછી છે. જો અર્જુન સિદ્ધાંતની શંકા અહીં જ પૂછી લેત તો સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વિષે પૂછવાની બહુ મોડી તક મળત. માટે ચાલુ કર્મયોગની અધૂરી ચર્ચા મૂકીને અર્જુને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો પૂછી લીધાં છે. समाधिस्थस्य જે મનુષ્યને નિષ્કામ કર્મયોગ સિદ્ધ થઈ ચૂકયો છે અને જેની પૂર્ણ સ્થિતિ પરમાત્મામાં સ્થિર થઈ ચૂકી છે તેને માટે અહીં આ પદ વપરાયું છે.

स्थितप्रज्ञस्य-આ પદ સાધક અને સિદ્ધ બન્નેને માટે વપરાયું છે. જે સાધક છે પણ સાધનામાં જેનો વિચાર દૃઢ છે. જે સાધનાથી કદી વિચલિત થનાર નથી. એવી સ્થિતિને પામેલા સાધક પણ સ્થિતપ્રજ્ઞ (સ્થિર બુદ્ધિવાળા) છે અને કર્મયોગ સિદ્ધ થવાથી જેને પરમાત્માનો અનુભવ સિદ્ધ થઈ ગયો છે, તેથી જેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ ગઈ છે, તેવા સિદ્ધ પુરુષને પણ સ્થિતપ્રજ્ઞ કહ્યા છે. અગાઉ ૪૧ થી ૪૫ અને ૪૭ થી ૫૩ સુધીમાં સાધકોનું વર્ણન થયું છે. પછી આગળના શ્લોકોમાં સિદ્ધ અને સાધકો બન્નેનું ભેળું વર્ણન થયું છે.

અહીં અર્જુને તો समाधिस्थस्य પદ દ્વારા સ્થિતપ્રજ્ઞની વાત જ પૂછી હતી તો પછી સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં સાધકોની વાત શા માટે કહી ? આનું સમાધાન એ છે કે જ્ઞાનયોગી સાધકની તો ઘણું કરીને સાધન અવસ્થામાં જ કર્મોથી ઉપરતિ થાય છે. સિદ્ધ અવસ્થામાં તો કર્મોથી વિશેષ ઉપરામ પામી જાય છે અને ભક્તિયોગી સાધકની પણ સાધન અવસ્થામાં જપ વગેરે ભગવાન સંબંધી જ કર્મો કરવાની રુચિ હોય છે અને અધિકતા પણ હોય છે. સિદ્ધ અવસ્થામાં તો તે પણ મોટા ભાગે ભગવાનના સ્વરૂપમાં-મૂર્તિમાં નિમગ્નતા વધી જાય છે તેથી બાહ્ય ક્રિયાઓ ઓછી થઈ જાય છે. આમ જ્ઞાનયોગી અને ભક્તિયોગી બન્નેમાં સાધન દશામાં અને સિદ્ધાવસ્થામાં તફાવત જોવા મળે છે. બનેમાં અંતર પડી જાય છે; પરંતુ કર્મયોગીને સાધન અને સિદ્ધ અવસ્થામાં અંતર પડતું નથી. તેને બન્ને અવસ્થામાં કર્મ કરવાનો પ્રવાહ જેમનો તેમ જ રહે છે. તેને યોગારૂઢ થવામાં પણ કર્મો જ કારણ કહ્યાં છે. આથી અહીં કર્મયોગનું પ્રકરણ હોવાથી ભગવાને સિદ્ધનાં લક્ષણો બતાવવામાં સાધક પણ સિદ્ધ કઈ રીતે થઈ શકે તેનાં સાધનો પણ બતાવી દીધાં છે. જેઓ સિદ્ધ થઈ ગયા છે તેઓનાં પણ લક્ષણો બતાવી દીધા છે; પરંતુ કર્મયોગમાં સિદ્ધ પુરુષ અને સાધકોમાં ઉપરથી બાહ્ય તફાવત ઝાઝો જોવામાં આવતો નથી. આંતરચિહ્‌નોમાં જ ફેર રહેશે. स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम्‌।। का भाषा અર્થાત્‌ कया भाषया भाष्यते वर्ण्यते इति… તેને કયા શબ્દોથી વર્ણવી શકાય અર્થાત્‌તેનાં લક્ષણો શું છે ? તેમાં પણ किं प्रभाषेत અર્થાત્‌વાચિક લક્ષણો, किं व्रजेत કાયિક લક્ષણો તથા किमासीत તે ધ્યાનમાં કેમ બેસે છે અર્થાત્‌માનસ લક્ષણો કેવાં હોય છે,વગેરે પ્રશ્ન છે.

શ્રી ભગવાન બોલ્યા

योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।

सिद्धयसिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते।।४८।।

અર્થઃ હે પાર્થ ! જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક્‌રીતે ત્યજી દે છે અને આત્મસ્વરૂપમાં જ શુદ્ધભાવથી જોડાયેલા મનથી સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.

અહીં એક વિશેષતા એ છે કે સાધક જે સાધના દ્વારા સિદ્ધ થાય છે, તે સાધનાના માધ્યમથી જ તેની સિદ્ધ દશાનું વર્ણન કરાય છે. અહીં સાધક કર્મયોગથી સિદ્ધ થાય છે તો કર્મના માધ્યમથી તેની સિદ્ધ દશા ભગવાને વર્ણવી છે. કર્મયોગમાં કામના ત્યાગની વાત મુખ્ય કહેવામાં આવી છે. કર્મ આદર્શ રીતે કરીને પણ ફળની સ્પૃહા કે કામના ન કરવી ત્યાંથી કર્મયોગ શરૂ થાય છે તો તેની સિદ્ધિ પણ કામનાના ત્યાગ દ્વારા જ બતાવવામાં આવી છે. તે આ શ્લોકમાં બતાવ્યું प्रजहाति यदा कामान्‌सर्वान्‌पार्थ मनोगतान्‌।

મનમાં ઉદ્‌ભવતી સર્વ કામનાઓનો સારી રીતે ત્યાગ કરે છે. प्रजहातिમાં प्र ઉપસર્ગ મૂકવાનું એ તાત્પર્ય છે કે अपुनरांकुरम्‌-ફરી પાછો તે કામનાનો અંકુર ન ઊઠે, ઉદ્‌ભવ ન થાય, તેવી રીતે મૂળમાંથી તેનો ત્યાગ કરે છે. કોઈપણ જાતનો તેનો અંશ રહેતો નથી. ખરેખર તો कामान्‌ બહુવચન કહેવાથી પણ સર્વ કામનાઓનો અર્થ આવી જાય છે તો પણ सर्वान्‌कामान्‌ એમ કહ્યું છે તેનું તાત્પર્ય કામનાનો કોઈ પણ અંશ બાકી ન રહેવો જોઈએ. તદ્‌ ઉપરાંત ભવિષ્યમાં પણ તે થવી ન જોઈએ.

કામના ચીજ ન તો આત્માના સ્વરૂપમાં છે અને ન તો મનમાં છે. મન તો તેને ઉદ્‌ભવ થવાનું ક્ષેત્ર છે, ઠેકાણું છે; પરંતુ મન અને કામના તો અલગ છે. કામના તો આવવા જવાવાળી છે. આત્મા તો ઉત્પન્ન-નાશ થાય તેવો નથી. માટે બન્ને સાથે કેમ રહી શકે ? મન પણ એક કરણ છે. તેમાં એક પ્રકારની કામના કાયમ રહી શકતી નથી પણ મનમાં આવે છે અને વળી જાય પણ છે. માટે मनोगतान्‌ એવું વિશેષણ બતાવ્યું છે પણ શરીર, ઈન્દ્રિયો, મનબુદ્ધિ સાથે તદાત્મકતા માની લેવાથી પોતાનામાં મનાય છે. કોઈ સાધકથી પોતાના સ્વરૂપનો ત્યાગ કરી શકાતો નથી. તેમ જે પોતાનું ન હોય તેનો પણ ત્યાગ થતો નથી. આપણું ન હોય તેને આપણે કેમ કહી શકીએ કે મેં આ વસ્તુનો ત્યાગ કર્યો ? તે તો મૂળથી જ તમારી નથી. ત્યાગ તે જ વસ્તુનો થઈ શકે જે પોતાનું ન હોય અને તેને પોતાનું માની લીધું હોય. તેથી જગત-કામનાઓ પોતાની નથી છતાં પોતાની માની લીધી છે. માટે તેને માટે ‘प्रजहाति’ શબ્દથી ત્યાગ કહ્યો છે.

आत्मन्येवात्मना तुष्ट:। જે સમયે બધી જ કામનાઓનો ત્યાગ કરી દે છે અને પોતે પોતાનાથી પોતાનામાં જ સંતુષ્ટ રહે છે. અહીં आत्मनि શબ્દને परमात्मानि પણ અર્થ લઈ શકાય અને ખરેખર ભક્ત-સાધકને માટે આત્મા કરતાં પણ પરમાત્મા જ વધારે તુષ્ટિનું કેન્દ્ર કહ્યું છે. છતાં આત્મ પ્રકરણ અને આત્મસ્વરૂપને પામવા માટે નિષ્કામ કર્મયોગનું અનુસંધાન છે. તેથી ગ્રંથમાં તો આત્મસ્વરૂપમાં જ સંતોષ કહ્યો છે પણ ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કામ સેવા (યોગ)માં તો આત્મતુષ્ટિ એટલે પરમાત્માના સ્વરૂપમાં જ સંતોષ પામવો એવો અર્થ વધારે સુસંગત બેસશે.

કામનાઓને ભોગવવાથી કયારેય અંતરમાં સંતોષ થતો નથી न हि काम: कामानामुपभोगेन शाम्यति । भूयो एवाभिवर्धते हविषा कृष्णवर्त्मेव। કામનાઓને ત્યાગ કરવાથી સાચો સંતોષ પ્રાપ્ત થાય છે. ઈચ્છા કર્યા વિના મળે અને પછી વધારે ઈચ્છા ન કરે તો સંતોષનું સુખ આવે છે. અર્થાત્‌તેને એક પ્રકારનો સંતોષ કહેવાય છે. તેના કરતાં પણ પોતાનો સ્વાર્થ ત્યાગ કરીને બીજાને કંઈક આપવાથી અંતરમાં પેલા કરતાં વધારે સંતોષની અનુભૂતિ થાય છે. આ સંતોષ પેલા કરતાં વિલક્ષણ પ્રકારનો અનુભવાય છે. તેના કરતાં પણ પરમાત્મા અને પરમાત્માને અખંડધારી રહેલા વિશુદ્ધ આશયવાળા સંત પ્રત્યે કરેલા સર્મપણથી જે જીવનમાં સંતોષ પ્રગટે છે તે અતિ વિલક્ષણ પ્રકારનો હોય છે. તે સંતોષ અને આત્મસ્વરૂપ અલગ નથી હોતાં. તે પોતાના સ્વરૂપગત સંતોષ ગણાય છે. કારણ કે જેમ જેમ કામનાનો ત્યાગ કરે છે, તેમ તેમ તે ત્યાગ તેને પોતાના સ્વરૂપથી નજીક લઈ જાય છે. જ્યારે તમામ કામનાઓ ત્યાગી દેવામાં આવે છે ત્યારે આત્મસ્વરૂપ તરફની યાત્રાના છેલ્લા સ્ટેશન પર તે આવીને ઊભો રહી જાય છે. માટે आत्मन्येव आत्मना तुष्ट: એમ બતાવ્યું છે.

स्थितप्रज्ञस्तदोच्यते સાધક પોતે જ્યારે બહુ શાખાઓવાળી અનંત કામનાઓને પોતાનામાં ધારી રહ્યો હતો તે સમયે પણ વાસ્તવમાં કામનાઓ પોતાના સ્વરૂપથી અલગ હતી. પોતે સ્વરૂપથી સ્થિતપ્રજ્ઞ જ હતો; પરંતુ તે સમયે કામનાઓને પોતાનામાં માનવાથી તેની બુદ્ધિ સ્થિર ન હતી અને કામના સંપાદન કરવામાં દોડંદોડ કરતી હતી. તેથી કામનાઓના આચ્છાદન તળે પોતાના સાચા સ્વરૂપનો અનુભવ થતો ન હતો. હવે प्रजहाति यदा… પોતાનામાંથી સઘળી કામનાઓનો ત્યાગ કરી દીધો, ત્યારે આપોઆપ આવરણ દૂર થતાં પોતાના સ્વરૂપનો અને જેમાં અતિ સંતોષ સુખની અનુભૂતિ કરાવવાની ક્ષમતા છે તેનો  અનુભવ થાય છે. તેથી તેની બુદ્ધિ એક માત્ર પરમાત્માની કામનાવાળી થતાં એક જગ્યાએ સ્થિર થાય છે. અર્થાત્‌જ્યાં સુધી કામનાઓનો અંશ પોતાનામાં રહ્યો છે અને તેને હઠાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યાં સુધી તે સાધક કહેવાય છે અને જ્યારે તમામ કામનાઓ હઠી જાય છે, ત્યારે તેને કર્મયોગની સિદ્ધિ થઈ જાય છે અને તે સિદ્ધ કહેવાય છે.

અહીં વિશેષ એ વાત છે કે એક વિભાગ અસ્થિર બુદ્ધિવાળાઓનો છે અને એક વિભાગ સ્થિર બુદ્ધિવાળાઓનો છે. અસ્થિર બુદ્ધિવાળાની વાત આ અધ્યાયના ૪૧ થી ૪૪ સુધીના શ્લોકમાં કહી. હવે સ્થિર બુદ્ધિવાળાની વાત કહે છે. જેનો ઉદ્દેશ પરમાત્મા જ છે. તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે અને સ્થિર હોય છે; પરંતુ જેને સંસારનો ઉદ્દેશ હોય છે, તેની બુદ્ધિ અસંખ્ય કામનાવાળી હોય છે. તેથી અસ્થિર હોય છે. પરમાત્માને નજીક થવા માટે અર્થાત્‌યોગને સિદ્ધ કરવા માટે સ્થિર બુદ્ધિની ખૂબ જરૂર છે. પાતંજલ યોગમાં મનની સ્થિરતા પર ખૂબ મહત્ત્વ દીધું છે પણ ગીતા બુદ્ધિની સ્થિરતા (ઉદ્દેશની દૃઢતા) પર જ વધારે મહત્ત્વ આપે છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કાશીદાસજી, દામોદર, હેમરાજ શાહ વગેરેનાં દૃષ્ટાંત દઈને જેમના અતિ દૃઢ ઉદ્દેશ-બુદ્ધિની સ્થિરતાને સંપ્રદાયમાં નિષ્ઠા શબ્દથી કહીને વખાણ્યા છે. કારણ કે કલ્યાણની પ્રાપ્તિમાં મનની સ્થિરતા કરતાં પણ બુદ્ધિની સ્થિરતાનું વધારે મહત્ત્વ છે. ઉદ્દેશની સ્થિરતાનું અને દૃઢતાનું વધારે મહત્ત્વ છે. મનની સ્થિરતાથી લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જ્યારે બુદ્ધિની સ્થિરતાથી અર્થાત્‌ધ્યેયની સ્થિરતાથી પારમાર્થિક સિદ્ધિની-આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે. કર્મયોગમાં અથવા-સેવાયોગમાં બુદ્ધિની સ્થિરતા એટલે ધ્યેયની સ્થિરતા જ મુખ્ય છે. કદાચ તે વધારે મનની સ્થિરતા પર પક્કડ જમાવી લે ત્યારે કર્મયોગી કે સેવાયોગી નિષ્કામ કર્મયોગ કે સેવાયોગ કેમ કરશે ? કારણ કે મન રોકાવાથી બહારની ક્રિયાઓ રોકાઈ જશે. તેથી જ ગીતામાં ભગવાન નિષ્કામ કર્મયોગમાં સ્થિત થઈને કર્મ કરવાની આજ્ઞા આપે છે. योगस्थ कुरु कर्माणि (૨/૪૮) કામનાનો પૂરો ત્યાગ કરો. તે જ પરમાત્માની પ્રાપ્તિમાં વિશેષ બાધક છે.

અહીં प्रजहाति यदा… એ આદિ ચાર શ્લોકોથી જે સ્થિતપ્રજ્ઞનું વર્ણન કર્યું છે. તેના દ્વારા પાતંજલ યોગદર્શનમાં બતાવેલી વૈરાગ્યની ચાર અવસ્થાઓનું વર્ણન કરનારી છે. એવું કેટલાક ટીકાકારો માને છે. તેના અનુસારે આ શ્લોકમાં વૈરાગ્યની છેલ્લી ભૂમિકા-એટલે કે અતિ ઉત્કૃષ્ટ ભૂમિનું વર્ણન થયું છે. તે યોગસૂત્રમાં કહ્યું છે કે ‘‘दृष्टानुश्रविक विषय वितृष्णस्य वशीकार संज्ञा वैराग्यम्’’(૧-૧૬) તેનો અર્થ એ છે કે કલ્યાણને માર્ગે પ્રવર્તેલો સાધક આ લોકની તથા પારલૌકિક ભોગથી વિમુખ થયેલો બનીને રાગ અને તે રાગની પડેલી વાસનાઓ તેનો પણ ત્યાગ કરે છે. તેને વશીકાર સંજ્ઞા વૈરાગ્યની સ્થિતિ કહે છે. જેને અહીં प्रजहाति શબ્દથી વર્ણવી છે.

दु:खेष्वनुद्विग्नमना: सुखेषु विगतस्पृह:।

वीतरागभयक्रोध: स्थितधीर्मुनिरुच्यते।।५६।।

અર્થઃ દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે સંપૂર્ણપણે નિઃસ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે.

વસ્તુતાએ અર્જુને ભગવાનને એવો પ્રશ્ન પૂછયો છે કે સ્થિતપ્રજ્ઞ કેમ બોલે છે, કેમ ચાલે છે, કેમ બેસે છે ? એવી બાહ્ય ક્રિયાઓ અંગે પ્રશ્ન પૂછયો છે. છતાં ભગવાને ઉત્તર ભાવપ્રધાન આપ્યો છે. ભગવાન કહે છે, જેને ક્રિયાઓ વગેરેમાં આવો ભાવ રહેતો હોય, તેને સ્થિતપ્રજ્ઞ જાણવો. ક્રિયાઓમાં ખરેખર ભાવ જ મુખ્ય છે. એટલે કે બંધન અને મુક્તિનું કારણ છે, ક્રિયા નહિ. ભાવ બદલાતા તેની ક્રિયા બદલાઈ જાય છે. અર્થાત્‌વ્યવહારમાં ક્રિયા તેવીને તેવી જ દેખાવા છતાં ક્રિયા તેવી રહેતી નથી.

दु:खेष्वनुद्विग्नमना:દુઃખો આવવાની સંભાવનામાં અને તેના આવવામાં પણ જેના મનમાં ઉદ્વેગ નથી આવતો અર્થાત્‌કર્તવ્યકર્મ કરતી વખતે અથવા ભગવાન કે ભગવાનના ભક્તની સેવા કરવામાં વિઘ્ન આવે, નિંદા-અપમાન થાય, કાર્યનું ફળ પ્રતિકૂળ આવે, વગેરે વગેરે. પ્રતિકૂળતા આવવા છતાં પણ તેનામાં ઉદ્વેગ આવતો નથી. તે કર્તવ્યમાં તેને ઉત્સાહ ઓછો થતો નથી.

નિષ્કામ ભાવે કર્મયોગ કે સેવાયોગ કરનારામાં ઉદ્વેગ અને ખળભળાટ થતો નથી. તેનું કારણ એ છે કે તેઓનું જીવન ધ્યેય અથવા કર્મો કરવા પાછળનો અંતરનો આશય એ હોય છે કે, એ કર્તવ્યકર્મો દ્વારા ભગવાન અને ભગવાનના ભક્તોની, સત્સંગની કે અન્યની સેવા કરવી. તેને કોઈ પ્રકારે મદદરૂપ થવું. બીજાના ભલા માટે કર્મ કરવું. તે કર્મો સાંગોપાંગ પૂરાં કરવાં. કર્મોના ફળમાં કયાંય આસક્તિ, મમતા, કામના કે સ્વાર્થનો અંશ ન રહી જાય તેનાથી સાવધાન રહેવું. આવો આશય અને ધ્યેય હોવાથી તે તે કાર્યોમાં વિઘ્નો કે પ્રતિકૂળતા આવવા છતાં ઉદ્વેગ નથી આવતો. ઊલટું નિષ્કામભાવે કાર્ય કર્યાનો સંતોષ અને પ્રસન્નતા રહે છે.

सुखेषु विगतस्पृह: ભવિષ્યમાં સુખો આવવાની રાહ જોવામાં અને વર્તમાનમાં આવી મળેલાં સુખો પ્રત્યે જેના હૈયામાં સ્પૃહા થતી નથી. અર્થાત‌ વર્તમાનમાં કાર્યો સાંગોપાંગ પૂરા થઈ જવા, તાત્કાલિક આદર મળવો કે પ્રશંસા થવી, અનુકૂળ ફળ અથવા પરિસ્થિતિ પ્રાપ્ત થવી વગેરે પોતાને અનુકૂળતાઓ આવવા છતાં તેના મનમાં ‘આ પરિસ્થિતિ આવી જ કાયમ પ્રાપ્ત થતી રહે’ એવી પ્રબળ ઈચ્છા ને સ્પૃહા થતી નથી. એવી ઈચ્છા જરૂર રહે છે તે જીવનભર નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ ભાવે સેવા કરતો રહું અથવા આમ કરતાં કરતાં મારા દેહનો અંત આવે આવી સ્પૃહા જરૂર રહે છે. આમ તે સેવાના ફળરૂપે અનુકૂળતા, માન, પ્રશંસા કે કોઈ દુન્યવી સ્વાર્થની પ્રત્યે કોઈ સ્પૃહા તેનામાં હોતી નથી.

वीतरागभयक्रोध: સંસારના પદાર્થો, વ્યક્તિ કે અનુકૂળતાનો મન ઉપર જે રંગ લાગી જાય છે, તેને રાગ કહે છે. કોઈ પ્રત્યે રાગ થયા પછી જો કોઈ સબળ વ્યક્તિ પદાર્થનો નાશ કરે, ઈચ્છિત વ્યક્તિ સાથે સંબંધ વિચ્છેદ કરાવે, પ્રાપ્તિમાં વિઘ્ન નાખે, ત્યારે મનમાં ભય થાય છે. જો વિઘ્ન કરનારી વ્યક્તિ નિર્બળ હોય તો તેના પ્રત્યે ‘ક્રોધ’ થાય છે; પરંતુ જેના અંતરમાં શુદ્ધ નિષ્કામ ભાવે બીજાનું હિત કરવાની, અન્યને સુખ પહોંચાડવાની અને તેઓની સેવા કરવાનો ભાવ જાગે છે. તેનો પોતાનો રાગ સ્વાભાવિક જ દૂર થઈ જાય છે. તેનો વ્યક્તિગત સ્વાર્થ દૂર થઈ જાય છે. રાગ દૂર થવાથી ભય અને ક્રોધ પણ રહેતા નથી. આ નિષ્કામ ભાવે સેવા કરનાર વ્યક્તિ રાગ, ભય અને ક્રોધથી રહિત થઈ જાય છે.

જ્યાં સુધી આંશિક રૂપથી પણ ઉદ્વેગ, સ્પૃહા, દુન્યવી સ્વાદ, રાગ, ભય, ક્રોધ રહે છે ત્યાં સુધી તે સાધક હોય છે. તેને ત્યાગવાની અંતરથી ઈચ્છાવાળો હોવો જોઈએ. તે સર્વથા દૂર થવાથી તે સિદ્ધ થયો ગણાય છે અને તેનું સાધન નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામભાવે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી તે છે.

વાસના, કામના વગેરે એક રાગના જ સ્વરૂપો છે. કેવળ તેનું તારતમ્ય-ઓછા-વત્તાપણું હોવાથી તેના અલગ અલગ નામ પડે છે. જેમ કે અંતઃકરણમાં છુપાયેલો રાગ રહે છે. તેનું નામ વાસના છે. તે જ વાસના જગત પદાર્થોના સાંનિધ્યમાં પ્રદર્શિત થાય તેને આસક્તિ કહેવાય છે. પછી મને અમુક વસ્તુ કે આ વસ્તુ મળી જાય, એવી ઈચ્છાને કામના કહેવાય છે. ભવિષ્યમાં કામના પૂરી થશે એવો જે અંતરમાં તંતુ ચોટયો હોય છે તેને આશા કહેવાય છે. કામના પૂરી થયા પછી પણ હજુ વધારે વધી જવાથી તેને તૃષ્ણા કહેવાય છે. દુન્યવી પદાર્થોના યોગે પોતાને નાનો મોટો માપે છે, તેને માન કહેવાય છે. ટૂંકમાં દુન્યવી, ઉત્પત્તિ, વિનાશશીલ પદાર્થોમાં જે ખેંચાણ છે, શ્રેષ્ઠતા અને મહત્ત્વ બુદ્ધિ છે તેને જ વાસના, કામના વગેરે નામોથી બતાવવામાં આવે છે.

स्थितधीर्मुनिरुच्यते આવા મનનશીલ કર્મયોગીની બુદ્ધિ સ્થિર બની જાય છે. મુનિ શબ્દ વાણીને લાગુ પડે છે. તેથી ભગવાને किं प्रभाषेत ના ઉત્તરમાં મુનિ શબ્દ વાપર્યો છે; પરંતુ ‘મુનિ’ શબ્દ કેવળ વાણીના નિયમન પૂરતો જ નથી. ભગવાને સત્તરમા અધ્યાયમાં ‘‘મૌન’ શબ્દનો પ્રયોગ માનસિક તપમાં કર્યો છે. વાચિક તપમાં નહિ. કર્મયોગનો વિષય હોવાથી અહીં મનનશીલ કર્મયોગીને મુનિ કહ્યો છે. મનનશીલતાનું તાત્પર્ય છે, સાવધાની પૂર્વક મનન. જેથી મનમાં કોઈ કામના, આસક્તિ ન આવી જાય. નિરંતર કોઈપણ પરિસ્થિતિમાં અનાસક્ત રહેવું એ જ કર્મયોગી કે નિષ્કામ સેવાયોગીની સાવધાની છે. સાધક અવસ્થામાં પણ સાવધાનીપૂર્વક જ કર્મ કરવાનાં હોય છે.

આ શ્લોકમાં યોગશાસ્ત્રની દૃષ્ટિએ વૈરાગ્યની એકેન્દ્રિય નામની ત્રીજી અવસ્થા બતાવી છે. આ અવસ્થામાં ઉદ્વેગ, સ્પૃહાદિકથી રહિતપણું હોવા છતાં રાગના આલંબન પ્રત્યે ઔત્સુકયતા માત્ર બચેલી છે. એવી મૃતપ્રાય વાસના આ અવસ્થામાં બચેલી હોય છે. રાખથી ઢંકાયેલા અંગારા જેવી આ અવસ્થામાં દશા હોય છે. જ્યારે ચોથી અવસ્થામાં તો રાગનાં કેન્દ્રો પ્રત્યે ઉત્સુકતા પણ હોતી નથી. એટલો બન્ને અવસ્થા વચ્ચે તફાવત છે.

य: सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम्‌।

नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता।।५७।।

અર્થઃ જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો તે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે.

આગળના શ્લોકમાં ભગવાને કર્તવ્યકર્મો અદલ રીતે બજાવતા રહીને નિર્વિકાર રહેવાની વાત બતાવી. આ કર્મોથી પ્રાપ્ત થયેલા ફળરૂપે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમ અને નિર્વિકાર રહેવાની વાત બતાવે છે.

य: सर्वत्रानभिस्नेह: જે સઘળી જગ્યાએ સ્નેહ રહિત છે. અર્થાત્‌સ્નેહ ઉદ્‌ભવવાની શકયતાનાં-મોહનાં-જે સ્થાનો છે ,તેવા બધામાં સ્નેહ રહિત છે. પોતાના કહેવાતા શરીર, ઈન્દ્રિય, મન, બુદ્ધિ તેમ જ સ્ત્રી, પુત્ર, ધન, સંબંધી વગેરેમાં કોઈ જગ્યાએ આસક્તિ રહી નથી. વસ્તુ વગેરે મળવાથી ચેતનાનો પ્રવાહ છલકવા લાગે અને તેનો નાશ થવાથી હું મરી ગયો, ધન આવવાથી હું મોટો થઈ ગયો અને જવાથી મરી ગયો. આમ જગત પદાર્થોમાં એકાત્મભાવ થઈ જાય છે, તેને અહીં અભિસ્નેહ કહ્યો છે. સ્થિતપ્રજ્ઞ કર્મયોગીને કોઈ વસ્તુ વગેરેમાં અભિસ્નેહ બિલકુલ રહેતો નથી. બહારથી વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેનો સંયોગ હોવા છતાં યોગી અંતરમાં સર્વથા નિર્લિપ્ત રહે છે.

तत्‌प्राप्य शुभाशुभम्‌। नाभिनन्दति न द्वेष्टि

જ્યારે તે કર્મયોગી કે નિષ્કામ સેવાયોગીની સામે પ્રારબ્ધવશાત્‌શુભ-અશુભ, અનુકૂળ-પ્રતિકૂળ, પરિસ્થિતિઓ આવે છે, ત્યારે તે અનુકૂળતામાં અભિનંદિત નથી થતો અને પ્રતિકૂળતામાં દ્વેષ નથી કરતો. અનુકૂળ પરિસ્થિતિને લીધે જે મનમાં પ્રસન્નતા આવે છે અથવા વાણી દ્વારા પ્રસન્નતા પ્રગટ કરવામાં આવે છે કે બહારથી પણ હર્ષનો ઉછાળો દેખાડવામાં આવે છે. તેને પરિસ્થિતિનું અભિનંદન કર્યું કહેવાય. તેમ જ પ્રતિકૂળતાને માટે મનમાં દુઃખ માની લેવું, ખિન્નતા થાય કે આવું આવું કેમ થયા કરે છે, આવું ન થયું હોત તો સારું હતું. હવે આ જલ્દી દૂર થાય તો સારું છે. આને પરિસ્થિતિ પ્રત્યે દ્વેષ કર્યો કહેવાય. સર્વત્ર સ્નેહ રહિત અને નિર્લિપ્ત તથા આત્મકલ્યાણના ધ્યેય ને વરેલો સાધક અનુકૂળતાને અભિનંદન કરતો નથી ને પ્રતિકૂળતાનો દ્વેષ કરતો નથી. સદા-બન્ને પરિસ્થિતિમાં ધ્યેયની સાધના કરતો રહે છે. ધ્યેય સિવાયના બાકીના પદાર્થો પ્રત્યે તેના અંતરમાં નિર્લિપ્તતા રહે છે. तत्‌तत्‌प्राप्य...કહેવાનું તાત્પર્ય એ છે કે જે જે અનુકૂળ-પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ ઘટના, પરિસ્થિતિ વગેરેથી વિકાર થવાની સંભાવના છે. સાધારણ લોકો તેમાં વિકાર પામે છે. તેમાં આવા સાધકને કયાંય હર્ષ કે દ્વેષ થતો નથી.

तस्य प्रज्ञा प्रतिष्ठिता તેની બુદ્ધિ પ્રતિષ્ઠાને પામી છે. એટલે કે સ્થિરતાને પામી છે. એમ જાણવું. સાધનાની શરૂઆતમાં જે તેણે વ્યવસાયાત્મિકા બુદ્ધિ-નિર્ણય લીધેલો હતો, તે હવે રૂઢ મૂળ થઈને અચળ થયો છે, એમ જાણવું. તેની બુદ્ધિમાં આગળ કરેલો નિર્ણય હવે ઠરીને સ્થિર થયો છે, એમ માનવું.

અહીં સિદ્ધ દશા અને પામર દશા વચ્ચે ફરક જોવામાં આવે તો પોતાના સ્વરૂપમાં પરિવર્તન આવતું નથી. ન તો શરીર, ઈન્દ્રિયો, મન વગેરેમાં ફરક પડે છે. કારણ કે પ્રકૃતિનાં કાર્ય એવાં આ બધાં તો સ્વાભાવિક જ બદલાતા રહે છે. માટે તેમાં ફરક પડવાનો સવાલ જ ઊભો થતો નથી. તો પછી બન્ને અવસ્થા વચ્ચે ફરક કયાં પડે છે ? તો શરીર વગેરે સાથે એકાત્મપણું થવાને કારણે બુદ્ધિમાં ફરક પડે છે. એ એકાત્મપણું દૂર થતાં બુદ્ધિમાં જે ફરક પડતો હતો તે દૂર થાય છે. બુદ્ધિ પ્રતિષ્ઠિત થાય છે. એટલે કે આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપની અનુભૂતિ કરાવનારી થાય છે. કર્મયોગી-ક્રિયાશીલ હોય છે. આથી ભગવાને ૫૬મા શ્લોકમાં કર્મની સિદ્ધિ-અસિદ્ધિમાં નિસ્પૃહ અને ઉદ્વેગ રહિત થવાનું કહ્યું. અહીં પણ કર્મ કરતાં પ્રારબ્ધ પ્રમાણે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ કે ફળમાં રાગ-દ્વેષ રહિત થવાની વાત કરી છે.

આ શ્લોકમાં વૈરાગ્યની બીજી અવસ્થા બતાવી છે. અપ્રિયમાં તો સ્નેહ થવાનો પ્રસંગ જ નથી. તેથી य: सर्वत्र अनभिस्नेह: માં સર્વત્ર મૂકવાનો એ આશય છે કે પ્રિયમાત્ર વિષયમાં સર્વત્ર શબ્દથી સર્વ પ્રિયમાત્ર લેવાનું છે. સ્નેહને બદલે અભિસ્નેહ કહેવાથી સ્નેહ માત્ર જ નહિ પણ જે સ્નેહ પોતાને અનુરૂપ ચેષ્ટા અને પ્રવૃત્તિ સજરે, તેને અભિસ્નેહ કહેવાય. તેનાથી રહિત એટલે અનભિસ્નેહ કહેવાય. અર્થાત્‌અતિપ્રિય પદાર્થોમાં પણ તે પદાર્થો સંબંધી પ્રવૃત્તિ-ચેષ્ટાથી રહિત હોય, ઉદાસીન હોય. આનાથી અહીં વૈરાગ્યની વ્યતિરેક સંજ્ઞાનું નિરૂપણ થયું છે. તેમાં પોતે તો પ્રિય પદાર્થો તથા વિષયોની પ્રવૃત્તિ રહિત છે પણ ભગવાનની ઈચ્છાથી જો આવી પડે અથવા તેનો વિયોગ થાય તો પણ અભિનંદન કે દ્વેષ રહિતપણું રહે છે. આથી આવું કહેવાથી જે રાગ પક્વ થયા છે તે તો નિવારણ થઈ ગયા છે પણ જે અપક્વ રાગો ચિત્તમાં પડ્યા છે તેને પણ પકવવા માટે અને નિવારણ કરવા માટે તે રાગને અભિલિપ્સિત ચેષ્ટાઓ કે પ્રવૃત્તિથી રહિત થયો છે એવો આ સાધક બની ગયો છે. એ વૈરાગ્યની વ્યતિરેક અવસ્થા છે.

यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वश:।

इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता।।५८।।

અર્થઃ કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે, તેમજ જ્યારે આ પુરુષ ઈન્દ્રિયોના વિષયોથી ઈન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે.

यदा संहरते…. અહીં કાચબાનું દૃષ્ટાંત આપ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જ્યારે કાચબો ચાલે છે ત્યારે તેનાં છયે અંગો દેખાય છે. ચાર પગ, મસ્તક અને પૂછડી. પરંતુ જ્યારે પોતાનાં અંગોને સમેટી લે છે ત્યારે કેવળ તેની પીઠ જ દેખાય છે. તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન આ છયેને પોતપોતાના વિષયોમાંથી હઠાવી લે છે. જો તેનો ઈન્દ્રિયો વગેરે સાથે કિંચિત્‌માત્ર પણ માનસિક સંબંધ પણ ચાલુ રહે તો તે સ્થિતપ્રજ્ઞ નથી બની શકતો. તેની બુદ્ધિ આત્માના શ્રેયમાં કે પરમાત્માના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એટલે કે સ્થિર થતી નથી. અચળ થતી નથી. આથી એવું તાત્પર્ય થયું કે સ્થિતપ્રજ્ઞ વિષયોથી ઈન્દ્રિયોનો ઉપસંહાર કરી લે છે અને મનથી પણ વિષયોનું ચિંતન કરતો નથી.

આ શ્લોક દ્વારા વૈરાગ્યની યતમાનસંજ્ઞા નામની અવસ્થાનું વર્ણન કરાયું છે. જે સાધક માટે સર્વથી પ્રથમ દશાનો વૈરાગ્ય ગણાય છે, શરૂઆતનું પગથિયું ગણાય છે. અહીં ઈન્દ્રિયો વિષયમાં જવા બરાબર તૈયાર થયા હોય, ત્યારે પણ સાધક કાચબાની જેમ મન ઈન્દ્રિયને ખેંચીને નિયમન કરી શકતો હોય તેની વાત છે. નહીં તો વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિયો અશકત થઈ જાય અથવા રોગાવસ્થામાં વિષયથી પાછા વળે. એ વખતે સ્થિતપ્રજ્ઞતા આવતી નથી અથવા સુષુપ્તિમાં વિષયથી પાછા ખેંચાવાથી સ્થિતપ્રજ્ઞતા આવતી નથી અથવા ભોગથી તૃપ્ત થયા હોય ત્યારે વિષયથી વિરામ પામે તેને આ સ્થિતિ ગણાતી નથી. એ તો વિષયો પકડવા તૈયાર થયેલ ઈન્દ્રિયો-મનને કાચબાનાં અંગોની પેઠે પોતાના સ્વતંત્ર સંકલ્પમાત્રથી પાછા ખેંચી શકતો હોય ત્યારે સાધકને આ અવસ્થા આવી ગણાય. વિષયનું આલોચન, ભાષણ, વિલાસ, રમણાદિકથી જે વિમુખતા તે પણ આત્મા અને પરમાત્મામાં પડેલા રસપ્રેરિત હોવી જોઈએ. ત્યારે જ તે વિમુખતા સાધકને સ્થિતપ્રજ્ઞ બનાવી શકે. આગળ બતાવેલ વિષય વિમુખતાના અન્ય કારણો સ્થિતપ્રજ્ઞ ન બનાવી શકે. આથી સુષુપ્તિ, રોગાવસ્થા આદિક થતી વિષય વ્યવહારની ઉપરતિથી વિલક્ષણ ઈન્દ્રિયવ્યાપાર ઉપરતિથી દર્શાવાતી આ અવસ્થા છે.

આ અવસ્થાની ચાર કક્ષાઓ કયા વિભાગીકરણથી પાડવામાં આવે છે ? તો તેના ઉત્તરમાં કહે છે કે પ્રથમ અવસ્થામાં બાહ્ય ઈન્દ્રિય વિષયથી પાછા વાળીને મનને આત્મસ્વરૂપ અથવા પરમાત્માના સ્વરૂપમાં (મૂર્તિમાં) સ્થાપવાનો પ્રયત્ન થાય તેને યતમાન સંજ્ઞા નામનો વૈરાગ્ય કહેવાય છે. સાધકની આ પ્રથમ ભૂમિકા છે.

બળપૂર્વક પાછાં વાળેલાં ઈન્દ્રિયો હોવા છતાં પણ મનમાં રાગ દ્વેષ પડેલા હોવાથી સમય મળતાં મન ફરી ફરીને વિષયમાં જવા પ્રેરાય છે. આત્મા કે પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થઈ શકતું નથી. માટે તેનો કંટ્રોલ કરવા પ્રયત્નથી કાઢી નાખેલા રાગમાં બાકી રહી ગયેલા રાગ-દ્વેષને ઉદાસીનતા-અનભિનંદનાદિકથી ઊખેડવાનો પ્રયત્ન આ અવસ્થામાં થાય છે. આને વ્યતિરેકસંજ્ઞક વૈરાગ્યની અવસ્થા કહેવાય છે.

ત્યાર પછી બાકીના રાગદ્વેષ પક્વ થઈ ગયા પછી પણ, અનાદિકાળથી વિષયાનુભવની વાસના માત્રને ભોગવવા ઈચ્છતી જે બુદ્ધિ તેને ભેદવા માટે આત્માનો અથવા પરમાત્માનો નિરતિશય આનંદ, તેનો સ્વાદ બુદ્ધિને સમયે સમયે ચખાડીને અનાદિ વાસનાનું કવચ જે આત્મસ્વરૂપને રૂંધી રહ્યું છે. તેને મૂળથી ઊખેડી નાખવા પુરુષાર્થ કરે છે ત્યારે તેને એકેન્દ્રીય સંજ્ઞક વૈરાગ્યની અવસ્થા કહે છે.

જ્યારે સમસ્ત વાસનાના સંસ્કારોનો પણ વિલય થઈ જાય અને અંતરમાં વિષય પ્રત્યેની ઉત્સુકતા પણ ન ઊઠે, ત્યારે તેને પરમ વૈરાગ્યની ચોથી ભૂમિકા વશીકાર સંજ્ઞક ગણાઈ છે. એ વૈરાગ્યની પરાકાષ્ઠા ગણાય છે. એ દશા પૂર્ણ આત્માનુભૂતિને સાધી આપે છે અને એક પછી એક એવી અવસ્થાઓ ક્રમપૂર્વક પરમાત્માની અનુભૂતિ સુધી સાધકને પહોંચાડી આપે છે.

કામના કે રાગનું સર્વથા સંપૂર્ણ અદર્શન અને દેખાય તો પણ તેમાં અતિ નિસંગતા, નિર્સંગપણે ભોગવે તો પણ તેમાં અતિ સ્નેહ નહિ અને પુષ્કળ રાગ હોય તો પણ તેના મૂળ ઊખેડી નાખવા કમર કસવી, દૃઢ સંકલ્પ બળથી તૈયાર થવું. આટલું એ ચારે અવસ્થાઓમાં એકબીજાથી વૈષમ્ય છે, તફાવત છે.

તેથી અર્જુને પૂછેલા ચાર પ્રશ્નોના ઉત્તર પણ આ પ્રમાણે થયા. જે ‘આત્મારતિપણું’ એ સ્થિતપ્રજ્ઞનું સ્વરૂપ થયું. મુખ્ય લક્ષણ થયું. आश्चर्यवत्‌वदति (૨/૨૯) એ રૂપ ભાષણ એના અનુસંધાન કરવારૂપ યોગીનું આસન છે અને તેને પ્રાપ્ત કરવા માટેની જે પ્રવૃત્તિ છે, તે તેનું ‘व्रजन’ છે આમ ચારે પ્રશ્નના ઉત્તર ચાર શ્લોકથી અપાયા છે.

विषया विनिवर्तन्ते निराहारस्य देहिन:।

रसवर्जं रसोऽप्यस्य परं दृष्टवा निवर्तते।।५९।।

અર્થઃ ઈન્દ્રિયોથી ભોગો ન માણનાર દેહધારી પુરુષના વિષયો છૂટે છે; પરંતુ તેમને વિશે રહેલો રસ જતો નથી પણ ઉચ્ચ કોટિનો રસ લાગ્યા પછી વિષયોનો રસ પણ જતો રહે છે.

विषया विनिवर्तन्ते निराहारस्य देहिन:। અહીં આહારનું તાત્પર્ય સર્વ ઈન્દ્રિયોના વિષયો છે. કેવળ અન્નનો ત્યાગ, એટલો જ અર્થ લેવાનો નથી. મનુષ્ય નિરાહાર બે રીતે બની શકે છે. એક તો વૃદ્ધાવસ્થા, બીમારી, ઈન્દ્રિયોની અશક્તિ, સુષુપ્તિ અવસ્થા અને ભોગમાં પ્રર્વતેલાં ઈન્દ્રિયો ક્ષણિક તૃપ્તિ અનુભવે ત્યારે ઈન્દ્રિયો આહારને છોડીને પાછાં વળે છે. બીજી રીત એ છે કે ઉપર વર્ણવેલી મજબૂરી કોઈ પણ ન હોય, છતાં વૈરાગ્યવૃત્તિથી, પરમાત્મામાં ચિત્ત લોભાવાથી અથવા કર્મયોગ કે સેવાયોગનો વ્યવસાયાત્મક નિર્ણય-કરીને પછી ધ્યેયમાં પ્રર્વતવાથી પણ ઈન્દ્રિયો પોતાના આહાર વિષયો છોડીને નિવૃત્તિ પામીને પાછાં વળે છે. માટે અહીં ‘નિરાહાર’ શબ્દ બીજા પ્રકારના સાધકના અનુસંધાનમાં વપરાયો છે પણ પહેલાં પ્રકારની મજબૂરીથી જેના ઈન્દ્રિયોના આહાર છૂટયા હોય તેની અહીં વાત કરેલ નથી. કારણ કે માંદા માણસને તો મનમાં એવી ભૂખ રહે છે કે શું કરું ? પણ મંદવાડ દૂર થવા દો. સાજો થઈશ ત્યારે સારી રીતે ભોગવીશ અને ખરેખર મજબૂરીનું કારણ જો દૂર થઈ જાય તો વચ્ચે પડેલ ખાલી જગ્યાનો ખાંગોવાળીને વિષય ભોગવાતા હોય છે તેની અહીં વાત કરેલ નથી. અહીં તો અંતરની પ્રામાણિકતાથી સાધના કરનારા સાધકના વિષયમાં ભગવાન કહે છે અને તેમાં પણ તીવ્ર વૈરાગ્યવાનને તો વિષયમાં રાગ રહેતો નથી. તેને તો વિષયમાં રસબુદ્ધિ સાધના અવસ્થામાં જ નિવૃત્તિ પામી જાય છે. જેઓ તીવ્ર વૈરાગ્યવાળા નથી; પરંતુ મુમુક્ષુતા કે કોઈ સંસ્કાર યોગે પરમાત્મામાં સામાન્ય પ્રીતિ થવાથી ભગવાનને માર્ગે ચાલવાનો નિર્ણય લીધો હોય અથવા તો પ્રકરણાનુસાર ખાસ કરીને નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગનો વ્યવસાય (નિર્ણય) કર્યો હોય, તેને આ શ્લોકમાં કહેલ પરિસ્થિતિ આડી આવે છે. ભગવાનને પામવાનો માર્ગ લેવાના નિર્ણયથી જ વિષયો તેના માર્ગથી જરૂર હઠી જાય છે પણ અંતરમાં પડેલા રાગ જે વિષયમાં રસબુદ્ધિ હોય તે નિર્ણયની સાથે જ તુરત દૂર થઈ જતી નથી. તેનું સાધકને મનમાં દુઃખ હોવું જોઈએ. તેને દૂર કરવાનો ભગવાન અહીં ઉપાય બતાવે છે કે

रसोऽप्यस्य परं दृष्ट्‌वा निवर्तते- એ જે વિષયરસ છે તે परं दृष्ट्‌वा એટલે પરમાત્માની ઉપાસના કરીને દૂર થાય છે. અર્થાત્‌પરમાત્માની અનુભૂતિ થવાથી તુરત દૂર થાય છે. સાધકને જ્યારે મહિમાએ સહિત પરમાત્મા પ્રત્યે અથવા તો પરમાત્માના અંગરૂપ એવા સત્સંગ, સાચા સત્પુરુષો અને તેના સાચા ભક્તો-તેના પ્રત્યે સેવકભાવ જાગે ત્યારે તેને પરમાત્માની અનુભૂતિ થવા લાગે છે (કારણ કે કાયમી સેવક ભાવ એ જ ઉપાસના છે અને પરમાત્માની હૃદયમાં અનુભૂતિનું સાધન પણ છે) ત્યારે તેને વિષયનો રસ નિવૃત્તિ પામે છે. ખરેખર તો આ જે વિષયરસ જડ, ચિદ્‌સ્વરૂપ એવી જીવની અહં ગ્રંથિમાં રહે છે. જ્યાં સુધી એ રહે, ત્યાં સુધી સર્વથા વિષય રસ દૂર થતો નથી. જ્યારે તેમાં બદલાવ થાય ત્યારે તે હઠે છે અને તેમાં બદલાવ કરવો એટલે શું ? તો પોતાને ભગવાનનો સેવક માનવો, એવી અહંગ્રંથિ કરવી. તો ભગવાનની કૃપાથી માયિક અહં ગ્રંથિ દૂર થાય અને વિષય રસ દૂર થાય માટે તેનો એક માત્ર બળવાન ઉપાય ગીતાની દૃષ્ટિએ નિષ્કામ કર્મયોગ છે અથવા વિશુદ્ધ ભાવથી કરાયેલો ભગવાન અને ભગવાનના ભક્તનો સેવાયોગ છે. આ સિદ્ધાંતમાં શ્રીજી મહારાજની પણ સંમતિ છે.

આ શ્લોકનો વિશેષ ભાવ એ છે કે ભોગોની સત્તા (કાયમી) અને મહત્તા માનવાથી અંતઃકરણમાં ભોગો પ્રત્યે એક જાતનું સૂક્ષ્મ ખેંચાણ અને ભોગોની મીઠાશ પેદા થાય છે. તેથી તેમાં રાગ ઊભો થાય છે. તેથી વ્યક્તિ ભોગોને માટે ભોગ દેવા તૈયાર થઈ જાય છે. આનુ નામ ‘રસ’ કહેવાય છે. કોઈ લોભી વ્યક્તિને રૂપિયા મળી જાય અને કામી વ્યક્તિને મનગમતી સ્ત્રી મળી જાય તો અંતરમાં ખુશી ખુશી થઈ જાય છે. આ ‘રસ’ કહેવાય છે. કોઈપણ વિષય ભોગવ્યા પછી માણસ કહે છે કે ‘આજે તો ખૂબ મજા આવી’ તો તે તેને રસની સ્મૃતિ છે. વિષય ચિંતવન મોટા ભાગે ‘રસ’નું જ હોય છે. ‘આવું સારું હતું… આવું સારું હતું’ એવું એવું સંભારીને વ્યક્તિ ખુશ થતો હોય છે. એનું સ્થૂળ રૂપ રાગ છે. આસક્તિ છે. જ્યાં સુધી માયિક-પ્રાકૃતિક સુખમાં રસબુદ્ધિ રહે છે, ત્યાં સુધી માયિક પદાર્થોની પરાધીનતા અને ભોગોની ગુલામી પણ મટતી નથી. જેને લીધે એને પરમાત્મામાં રસબુદ્ધિ આવતી નથી. એટલું જ નહિ પણ ભગવાન તો ત્યાં સુધી કહે છે કે એવી વ્યક્તિ ‘મારે ભગવાન પાસે આને આ દેહે પહોંચવું છે’ એવો નિર્ણય પણ લઈ શકતો નથી. (ગી.અ. ૨/૪૪) માટે એ વિષય રસને સુકવવાનો છે. તેને જીવમાંથી દૂર કરવાનો છે. તે કેમ થાય ? તો પરમાત્માની અનુભૂતિ થયા પહેલાં પણ વિષયોની ઉપેક્ષાથી, વિચારથી, સત્સંગથી અને જેને વિષયમાં રસબુદ્ધિ નિવૃત્તિ થયેલી છે, એવા સંતની કૃપાથી પણ વિષયરસની નિવૃત્તિ થાય છે.

કર્મયોગ (નિષ્કામ સેવાયોગ), જ્ઞાનયોગ અને ભક્તિયોગથી માયિક રસની નિવૃત્તિ થાય છે. જેમ જેમ કર્મયોગમાં સેવા કરવાનો રસ, જ્ઞાનયોગમાં તત્ત્વવિવેકની અનુભૂતિનો રસ તથા ભક્તિયોગમાં સીધો પરમાત્મામાં રસનો સ્વાદ આવતો જાય તેમ તેમ માયિક રસની નિવૃત્તિ થતી જાય છે. જેમ બાળપણામાં રમકડાંમાંથી રસ આવતો હતો પણ જ્યારે મોટા થયા ને પૈસામાં રસ આવ્યો. એટલે રમકડાંમાંથી રસ નિવૃત્ત થઈ જાય છે. તેવી જ રીતે ભગવાનને પામવાના સાધનોમાં રસ પડે છે એટલે વિષય રસ ઓછો થઈ જાય છે અને એથી પણ આગળ ધ્યેયસ્વરૂપ એવા પરમાત્મામાં જ્યારે રસ પડે ત્યારે વિષય રસ સમૂળો સુકાઈ જાય છે. માટે કહ્યું છે કે परं दृष्टवा निवर्तते।

જ્યાં સુધી રસબુદ્ધિ જીવમાં પડી છે ત્યાં સુધી, જ્યારે ભોગ સામે આવે ત્યારે ચિત્ત પીગળી જાય છે ને ભોગ સાથે એકરસ બની જાય છે અને તે વિષયને વશ થઈ જાય છે. જ્યારે વિષયથી ઊંચા ઊઠેલા મહાપુરુષોને તેમાં કોઈપણ વિકાર થતો નથી. (૨/૭૦) તેને ભોગ પોતાના તરફ ખેંચી શકતા નથી. જેમ પશુની આગળ રૂપિયાનો થેલો મૂકો તો તેને લોભ વિકાર ઊભો થતો નથી. માણસ તો પીગળીને તરબતર થઈ જાય છે. પશુ તો અજ્ઞાન છે, તેથી તેને તે અંગેનો વિકાર થતો નથી. જ્યારે પરમાત્મામાં સ્થિતિ થયેલા મહાપુરુષો તો ધનને જાણે છે તોય તેમાં તેને લોભવૃત્તિ થતી નથી. રસબુદ્ધિ નિવૃત્તિ થઈ ગયા પછી કયારેય પોતાના સુખને માટે કોઈ વિષયમાં પ્રવૃત્ત થતા નથી. તેમની દરેક પ્રવૃત્તિ ભગવાન કે ભગવાનના ભક્તના હિત અને સુખ માટે હોય છે. (વચ.ગ.પ્ર.૮) પોતાના સુખને માટે કરાયેલું વિષયનું ચિંતન પણ (ભોગની તો વાત પણ દૂર રહી) પતન કરનારું બને છે (ગીતા ૨/૬૨-૬૩) અને પોતાના સુખને માટે નહિ એવા કરાયેલા વિષયોનું પ્રત્યક્ષ સેવન પણ બંધનકારક થતું નથી. (ગી.૨/૬૪-૬૫)

નાશવાન રસ છે, તે તાત્કાલિક ખૂબ સુખ આપે છે. પછી ધીરે ધીરે તેમાં કડવાશ આવતી જાય છે પણ મોહને લઈને તે સમય દરમિયાન જીવે બીજો નવો રસ પકડી લીધો હોય છે. એટલે તેનું કડવું પરિણામ ધ્યાનમાં નથી આવતું. જ્યારે પરમાત્માનો રસ અવિનાશી છે પણ તે ધીરી ગતિથી થોડો અભ્યાસ અને સમય માગી લે છે. માટે તેની વાટ જોવાની જીવને ધીરજ નથી રહેતી. તે આવ્યા પછી અખંડ રહે છે. માયિક રસ ભોગવ્યા પછી પરિણામમાં જડતા, શોક, રોગ, ભય, ઉદ્વેગ, આદિક અનેક વિકારો અવશ્યંભાવી આવે છે. કોઈ પણ ભોગી કોઈ પણ ઉપાયે આ વિકારોથી બચી શકતો નથી. માટે કામ, ક્રોધાદિ વિકારો છોડ્યા પછી જ પોતાના આત્મકલ્યાણના માર્ગનું આચરણ કરી શકે છે.

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चित:।

इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मन:।।६०।।

અર્થઃ હે કુંતીપુત્ર! આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઈન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે.

માયિક રસ જો નિવૃત્ત ન થાય તો શું આપત્તિ આવે છે, તે હવે કહે છે. પરમાત્માની ઉપાસના સિવાય ઈન્દ્રિયોના રાગ નિવૃત્તિ પામતા નથી. પરમાત્મામાં નિષ્ઠા વિના વિષયરસ પ્રયત્ન કરવા છતાં દૂર થતો નથી.

यततो ह्यपि… प्रसभं मन:

પોતે વિપશ્ચિત હોય અર્થાત્‌ડાહ્યો છે અને શાસ્ત્રમાં કહેલા વિવેકને સમજે છે. શાસ્તરમાં બતાવેલા પોતાના હિત અને અહિતને બરાબર જાણે છે અને ઈન્દ્રિયોનો વિષયરસ નિવારણ કરવા યત્ન પણ કરે છે તો પણ તે વાસના દૂર થતી નથી. इन्द्रियाणि प्रमाथीनि-ઈન્દ્રિયો પ્રમાથી છે. વિવેકનું જોર ચાલવા દેતા નથી. बलवानिन्द्रियग्रामो विद्वांसमपि कर्षति। (મનુ સ્મૃતિ ૨/૨૧૫)છઠ્ઠા અધ્યાયના ચોત્રીસમા શ્લોકમાં અર્જુને મનને પ્રમાથી કહ્યું છે. बलवानिन्द्रियग्रामो विद्वांसमपि कर्षति। અને મન બુદ્ધિને હરી લે છે, એવું બતાવ્યું છે. સમાધાન એ થયું કે ઈન્દ્રિયો અને મન બન્ને પ્રમથનશીલ છે. તે જીવ સહિત બુદ્ધિને જબરજસ્તીથી ઢસડીને વાસનાના વિષયમાં લઈ જાય છે. તેમાં શાસ્ત્રમાં બતાવેલો વિવેક કામ આવતો નથી. એવા અનેક ઋષિઓ તથા સાધકોનાં ઉદાહરણો શાસ્ત્રમાં વર્ણવ્યાં છે. જેઓ વિષયો સામે આવતાં વિચલિત થઈ ગયા હોય. આથી સાધકે પોતાના મન ઈન્દ્રિયો ઉપર કયારેય વિશ્વાસ કરવો ન જોઈએ કે ‘મારાં ઈન્દ્રિયો વશમાં છે કે મારું મન મને વશમાં છે અને હું જીતેન્દ્રિય બની ગયો છું,’ એવું કયારેય અભિમાન કરવું ન જોઈએ.

આ પ્રમાણે અહીં આત્મદર્શન થાય ત્યારે ઈન્દ્રિય જીતાય છે અને ઈન્દ્રિયો જીતાયા પછી આત્મદર્શન થાય છે, એવો વિરોધાભાસ આવ્યો. ત્યારે મુમુક્ષુ સાધકે શું કરવું તે આગળના શ્લોકમાં કહે છે.

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्पर:।

वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।६१।

અર્થઃ માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઈન્દ્રિયોને વશમાં કરી સમાહિતચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે; કેમ કે જે પુરુષની ઈન્દ્રિયો વશમાં હોય છે, તેની જ બુદ્ધિ સ્થિર થાય છે.

વિષયોમાં રસબુદ્ધિને દૂર કરવાનો ઉપાય આ શ્લોકમાં બતાવે છે.

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्पर:। આગળના શ્લોકમાં બતાવેલો પરસ્પર વિરોધનો પરિહાર કેમ કરવો ? તો તેનો ઉપાય બતાવે છે કે જે બળપૂર્વક મનનું હરણ કરવાવાળી ઈન્દ્રિયો છે. તેને વશ કરીને મારા પરાયણ થા; પરંતુ આગળના શ્લોકમાં ઈન્દ્રિયોને વશ કરવાના વિષયમાં પરસ્પર વિરોધ આવ્યો છે કે જ્યાં સુધી આત્મદર્શન ન થાય ત્યાં સુધી ઈન્દ્રિયો વશ થતાં નથી અને ઈન્દ્રિયો વશ થયા વિના આત્મદર્શન દુર્લભ છે. તો તેનું સમાધાન ભગવાન અહીં मत्पर શબ્દથી આપે છે. સાધકને પ્રથમ મારા પરાયણ થવું. એટલે કે પરમાત્માનો દૃઢ આશ્રય કરવો. મારો આશ્રય કરીને મને પામવાના સાધનરૂપ એવો નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ કરવો. એમ કરવાથી ભગવાને કહ્યું છે કે ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते તેને હું એવો માર્ગ બતાવું છું કે તેઓ જલ્દી મારી પાસે પહોંચી શકે. ઈન્દ્રિયો આદિ અવરોધોને સહેલાઈથી પાર ઊતરી શકે. માટે કહે છે કે પ્રથમ મારો દૃઢ આશ્રય, પછી ભગવાન તથા તેના ભક્તોની વિશુદ્ધ ભાવે નિષ્કામ સેવા કરવી અને ઈન્દ્રિયોનો સંયમ કરવો, તો તેનાં ઈન્દ્રિયો તેને વશ થઈ જશે. मत्पर પ્રક્રિયા ખરેખર તો ભક્તિયોગની છે; છતાં કર્મયોગના અધિકારીને પણ ભગવાન આજ્ઞા આપે છે. કારણ કે ભક્તિની એ જ વિશેષતા છે. કર્મયોગમાં અત્યંત વૈરાગ્ય હોય તો ઈન્દ્રિયો જરૂર વશ થઈ જાય છે પણ ભક્તિમાં ભગવાનપરાયણતા હોવાથી થોડો વૈરાગ્ય હોય તો પણ ઈન્દ્રિયો સુગમતાથી વશમાં થઈ જાય છે. જો ભગવાનનું શરણું પ્રથમ ન લે અને ઈન્દ્રિયોને પોતાના બળથી વશ કરવા જાય તો આગળના શ્લોકમાં કહ્યા મુજબ ઈન્દ્રિયો પ્રમાથી છે. તે સાધકને જબરજસ્તીથી વિષયને માર્ગે દોરી જાય છે. જ્યારે ભગવાનને શરણે થયેલા ભક્તને એ વિશેષતા છે કે તેનો સાચો આશય હોય તો યોગ્ય સાધનો કરવાથી ઈન્દ્રિયો તેને વશ થાય છે.

वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता।

પ્રથમ ઓગણસાઠમા શ્લોકમાં ભગવાન કહે કે ઈન્દ્રિયોનો વિષયોથી સંબંધ વિચ્છેદ થવા છતાં પણ સ્થિતપ્રજ્ઞતા આવતી નથી (રાગ રહી જાય છે) અને આ શ્લોકમાં ભગવાન કહે છે કે જેને ઈન્દ્રિયો વશમાં હોય તે સ્થિતપ્રજ્ઞ છે. તો તેનું તાત્પર્ય એ છે કે ત્યાં (૨/૫૯માં) ઈન્દ્રિયોનો વિષયોથી સંબંધ વિચ્છેદ થવા છતાં તેમાંથી રસબુદ્ધિ ગઈ નથી. માટે ઈન્દ્રિયો વશમાં નથી. તેથી એટલો નિષ્કર્ષ થાય છે કે ઈન્દ્રિયોનો વિષય સાથે સંબંધ વિચ્છેદ થવાથી તે સ્થતપ્રજ્ઞ થઈ જાય, એવું નથી પણ સ્થિતપ્રજ્ઞ થવાથી તેનાં બધાં જ ઈન્દ્રિયો વશમાં થઈ જાય, એ વાત નક્કી બને છે.

ध्यायतो विषयान्पुंस: सङगस्तेषूपजायते।

सङगात्सञ्जायते काम: कामात्क्रोधोऽभिजायते।।६२।।

क्रोधाद्भवति संमोह: संमोहात्स्मृतिविभ्रम:।

स्मृतिभ्रंशद्‌बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति।।६३।।

અર્થઃ વિષયોનું રટણ(ધ્યાન)કરનારા પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ થાય છે, આસક્તિમાંથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે. ક્રોધમાંથી મૂઢતા ઉત્પન્ન થાય છે. મૂઢતામાંથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિના નાશમાંથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી તે પોતે જ નાશ પામે છે.

ભગવાનનો આશ્રય કરીને ઈન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કરે તો ઈન્દ્રિયો વશ થઈ જાય છે પણ ભગવાનને શરણે થયા વિના પોતાના બળે ઈન્દ્રિયો જીતવા માટે પ્રવર્તે તો શું થાય છે તે આ શ્લોકમાં કહે છે.

ध्यायतो विषयान्पुंस: सङगस्तेषूपजायते-

ભગવાનનો દૃઢપણે આશ્રય કર્યા સિવાય જ્યારે ઈન્દ્રિયો વશ કરવા સાધક પ્રવર્તે છે ત્યારે તેને ભગવાનનું ચિંતન ન હોવાથી વિષયોનું જ ચિંતન થાય છે. કારણ કે સંસાર સિવાય તેની પાસે ચિંતનનો બીજો કોઈ વિષય રહેતો નથી. વિષયોનું વધારે ચિંતન કરવાથી મનુષ્યોની તે વિષયમાં આસક્તિ, રાગ અને પ્રીતિ ઉત્પન્ન થાય છે. ઘાટું ચિંતન એ જ ધ્યાન છે. ખરેખર તો ભગવાનનું ધ્યાન કરવા બેસે તેમ વિષયનું ધ્યાન કરવા બેસતા નથી તો પણ તેને હાલતાં ચાલતાં-સહજપણે ધ્યાન કરવા બેસનારા કરતાં તીવ્ર અને ઘાટું ચિંતન થતું હોય છે. જ્યારે આંખો મીચીને સ્પેશિયલ ધ્યાનને માટે બેસવા છતાં પેલાના જેવું તેને તીવ્ર અને ઘાટું ચિંતન ભાગ્યે જ થતું હશે. માટે ભગવાન કહે છે કે ध्यायतो विषयान्‌पुंस: ‘વિષયનું ધ્યાન કરતાં કરતાં’ सङगस्तेषूपजायते તેમાં તેને આસક્તિ ઉત્પન્ન થાય છે. ખરેખર તો રાગ નવો ઉત્પન્ન થાય છે, એવું નથી. એ તો અનાદિ વાસનારૂપે પડયો જ છે પણ વિષયનું રાગપૂર્વક ચિંતન કરવાથી નિષ્ક્રિય દશામાં પડેલો રાગ ભભૂકી ઊઠે છે. માટે ‘उपजायते’ એવો ઉપસર્ગ બતાવીને કહ્યું છે. તે સાધકને જે રાગનો વિષય હોય અથવા નિશાન હોય તેને માટે વિહ્‌વળ બનાવી દે છે. ફરીવાર વિવેકહીન થઈને વિષયનું સેવન કરે છે. ખરેખર તો પછી વિષયનું સેવન ચાહે માનસિક હોય કે ચાહે શારીરિક હોય પણ તેનાથી જે સુખની ભાવના થાય છે, તેનાથી તેમાં રાગ થાય છે. सुखानुशयी राग: (योगसूत्र) તે રાગથી તેને વિષયનું તીવ્ર ચિંતન થવા લાગે છે પછી તે શારીરિક વિષયનું સેવન કરે કે ન કરે તો પણ તેને રાગ થઈ જાય છે. એવો નિયમ છે.

संगात्संजायते काम: આગળ બતાવ્યું તેમ આગળનો રાગ સુષુપ્ત દશામાં પડ્યો છે. તે ભભૂકીને ભડકો થાય છે અને સાધકને રાગના આલંબનમાં વિહ્‌વળ બનાવે છે. પછી તે તેનું શારીરિક સેવન કર્યા વિના રહી શકતો જ નથી. આવી દશાને અહીં ‘ઇંળન’ શબ્દથી કહ્યો છે. ત્યારે આ પદાર્થો, વ્યક્તિ અથવા વિષયો મને જલ્દી મળો એવી અધીરાઈ ઉત્પન્ન થાય છે.

कामात्क्रोधोऽभिजायते…

અને તે કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ખરેખર તો કામમાંથી હંમેશા ક્રોધ જ ઉત્પન્ન થાય એવો નિયમ નથી; પરંતુ ક્રોધ ઉત્પન્ન થયો હોય તો તે કામનાનું જ પરિણામ હોય એવો નિયમ બની રહે છે. વસ્તુતાએ કામના અનુકૂળ પદાર્થો મળી જાય તો તેમાંથી લોભ ઉત્પન્ન થાય છે ‘लाभात्लोभो प्रवर्तते’ અને કામનામાં પ્રવર્તે અને ધારેલા વિષય પોતાના હાથમાં ન આવે અને થોડા દૂર રહી જાય ત્યારે આજુબાજુના માણસો ઉપર તેને ક્રોધ થઈ આવે છે. આ લોકોએ મને મળતું હતું ને તેમાં અંતરાય ઊભો કર્યો, માટે કોઈ પણ આડો આવે તેના પર ક્રોધ થાય છે. કામનાનો ટાર્ગેટ વિફળ જતાં તેના મગજની સમતુલા જતી રહે છે. (કમાન છટકી જાય છે) પછી પોતે મેળવવામાં અધૂરો પડ્યો છે કે કોઈએ અંતરાય કર્યો છે વગેરે કૃત્યાકૃત્યનો વિવેક ખોવાઈ ગયો હોય છે. આંધી આવી ગઈ હોય છે. તેથી મગજમાં જે આવે તેના પર ક્રોધ થાય છે. કામના (રાગ) એક એવી ચીજ છે કે જેમાં વિઘ્ન પડવાથી ક્રોધ ઉત્પન્ન થયા વિના રહેતો જ નથી અને ક્રોધને ઉદ્‌ભવવાનું બીજું કોઈ સ્થાન પણ હોતું નથી. ગુણ, યોગ્યતાસ્થાન, વર્ણ, આશ્રમ વગેરેને યોગે કરીને પોતાનામાં જે સારાપણાનું અથવા ઊંચાપણાનું (ક્વોલીટીનું) અભિમાન રહે છે અને તે અભિમાનના યોગે પોતાનો આદર, પૂજા, માન, સન્માન વગેરેની જે કામના રહે છે, તે કામનામાં પણ કોઈ વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિની આડખીલી જણાય તો તેના ઉપર પણ ક્રોધ થાય છે. પદાર્થ, પરિસ્થિતિને તો ખબર નથી કે મહાશયશ્રી મારા ઉપર ક્રોધ કરે છે તો પણ ક્રોધ કરનાર તો તેના ઉપર પણ ક્રોધ કરે છે. તેથી જ સંતો કહે છે કે ‘ક્રોધ મૂર્ખતામાંથી શરૂ થાય છે અને પસ્તાવો અથવા શોકમાં પૂરો થાય છે’ ઘણી વખત એવું દેખાય છે કે ઘણા ક્રોધ કરતા હોય પણ તેને પ્રશ્ચાતાપ જેવું તો કાંઈ થતું હોતું નથી. ત્યાં કેમ સમજવું ? તો તેનો ક્રોધ કોઈ વ્યક્તિ ઉપર અથવા કાયમી (પરમેનન્ટ) છે તેથી ક્રોધનો વેગ શાંત થાય પછી પસ્તાવો શરૂ થાય છે. માટે હજુ પૂરો થઈ રહ્યો નથી. જ્યારે પૂરો થઈ રહેશે, ત્યારે પસ્તાવો પણ ઘણો લાંબો હોય છે. કયાંય પણ કોઈપણ વાતને લીધે ક્રોધ આવે તો તેના મૂળમાં કંઈને કંઈ રાગ અવશ્ય હોય છે. કામના રજોગુણની વૃત્તિ છે. સંમોહ તમોગુણની વૃત્તિ છે અને ક્રોધ રજોગુણ અને તમોગુણ બન્નેની મિશ્રવૃત્તિ છે. ઉત્પત્તિનું મૂળ રજોગુણમાં પ્રવર્તે છે, ત્યારે પૂર્ણ તામસરૂપે હોય છે. અપમાન, તિરસ્કાર કરવાવાળા ઉપર ક્રોધ થાય તો માન સત્કારનો રાગ છે એમ જાણવું. નિંદા કરવાવાળા ઉપર ક્રોધ થાય તો પોતાની પ્રશંસામાં રાગ છે. દોષારોપણ કરવાવાળા ઉપર ક્રોધ થાય તો સમાજમાં પોતાને નિદરેષ દેખાવાનો (થવાનો નહિ) રાગ છે, એમ જાણવું. આવા ઉપાયોથી પોતાનું નિરીક્ષણ કરી શકાય છે.

क्रोधाद्भवति सम्मोह:ક્રોધથી સંમોહ થાય છે. અર્થાત્‌મૂઢતા છવાઈ જાય છે; કૃત્યાકૃત્યનો વિવેક ચાલ્યો જાય છે. ખરેખર તો કામ, ક્રોધ, લોભ અને મમતા આ ચારેયથી સંમોહ થાય છે. જેમ કે (૧) કામથી જે સંમોહ થાય તેમાં વિવેક શક્તિ ઢંકાઈ જાય છે. તેથી કામને વશીભૂત થઈને નહિ કરવા યોગ્ય કાર્ય પણ કરી બેસે છે.

(૨) ક્રોધથી જે સંમોહ થાય છે તેમાં મનુષ્ય પોતાના વડીલો, ગુરુઓ, હિતેચ્છુઓ સાથે પણ ઊલટો વ્યવહાર કરી બેસે છે. क्रुद्ध: पापं न कुर्यात्‌क:, क्रुद्धो हत्याद्‌गुरू नपि ક્રોધી માણસ કયું પાપ નથી કરતો? અર્થાત્‌કોઈપણ પાપથી અટકતો નથી. ક્રોધિત થયેલ મનુષ્ય ગુરુને પણ હણી નાખે છે.

(૩) લોભથી જે સંમોહ થાય છે. તેમાં મનુષ્યને ન્યાય-અન્યાય, ધર્મ-અધર્મ વગેરેનો વિચાર રહેતો નથી અને કપટ વગેરેથી માણસોને છેતરે છે.

(૪) મમતા-થી જે સંમોહ થાય છે તેમાં વિશેષે પક્ષપાત ઘણો થાય છે. સંગ્રહ વગેરેથી કર્તવ્યભ્રષ્ટતા ઉભી થાય છે.

જો આમ ચારેયથી સંમોહ થાય છે તો પછી ભગવાને અહીં કેવળ ક્રોધથી જ સંમોહ થાય છે. એમ શા માટે લીધું ? તો અહીં ઊંડાણથી જોવામાં આવે તો કામ, લોભ અને મમતામાં પોતાના સુખ ભોગ અને સ્વાર્થની વૃત્તિ જાગૃત રહે છે; પરંતુ ક્રોધમાં બીજાનું અનિષ્ટ કરવું તથા વિનાશ કરવો તે વૃતિ જ જાગૃત હોય છે. આથી ક્રોધથી થનારો સંમોહ છે તે કામ, લોભ, મમતાથી થનારા સંમોહ કરતાં વધારે ભયંકર અને વિનાશક હોય છે. આ દૃષ્ટિએ ભગવાને અહીં કેવળ ક્રોધથી જ સંમોહ થાય એમ જણાવ્યું છે.

सम्मोहात्‌स्मृतिविभ्रम: મૂઢતા અને વિવેકશૂન્યતા આવવાથી સ્મૃતિ નષ્ટ થઈ જાય છે. અર્થાત્‌સત્સંગથી કે સત્‌શાસ્ત્રો થકી સદ્‌વિચાર કરીને જે નિશ્ચય કરવામાં આવ્યો હતો કે ‘આપણે આપણા જીવનું કલ્યાણ કરવું છે. જન્મ મરણથી છૂટવું છે. ભગવાન તથા સંતને રાજી કરવા છે.’ જે કાંઈ શુભ નિર્ણય લીધા હોય તેનું અનુસંધાન ચુકાઈ જાય છે અને તેનાથી વિરુદ્ધ રસ્તે ચાલ્યું જવાય છે.

स्मृतिभ्रंशाद्‌बुद्धिनाश: સ્મૃતિનો નાશ થવાથી બુદ્ધિનો નાશ થઈ જાય છે. સ્મૃતિ અર્થાત્‌અનુસંધાન ભૂલી જવાથી બુદ્ધિનો નાશ થઈ જાય છે. બુદ્ધિનો નાશ થયો એટલે સંપૂર્ણ જ્ઞાનનો નાશ થઈ જાય છે, એવું નથી પણ વિવેકશૂન્યતા આવતાં ‘‘પરમાત્માને પામવા માટે અથવા ભગવાન ને ભગવાનના ભક્તોને રાજી કરવા અથવા મારા આત્મકલ્યાણ માટે મારે આવું અનુષ્ઠાન કે ઉપાય કરવો’’ એવો જીવનમાં નિર્ણય લીધો હતો, તેનો નાશ થઈ જાય છે. બાકી શાસ્ત્રજ્ઞાન, વ્યવહાર જ્ઞાન તો જેમનાં તેમ જ હોય છે. તે કાંઈ નાશ થઈ જતાં નથી. જે પોતાને માટે પોતાના કલ્યાણનું અનુષ્ઠાન કરવાનો નિર્ણય હતો તે નાશ થઈ જાય છે. બુદ્ધિ કરી હતી તેનો નાશ થઈ જાય છે. પૂર્વ વ્યવસાયાત્મિકા बुद्धिनाशात्प्रणश्यति અને જીવનમાંથી પોતાના કલ્યાણનું અનુસંધાન નાશ થવાથી પાછો જન્મમરણ અને ચોરાસીમાં નિમગ્ન બની જાય છે. એટલે કે તેમાં જવાના ઉપાયોમાં નિમગ્ન બની જાય છે. તેથી આ પતનથી બચવા માટે બધા મુમુક્ષુઓએ તથા સાધકોએ સાવધાની રાખવાની ઘણી જ જરૂર છે.

અહીં વિષયોનું ચિંતનમાત્ર કરવાથી રાગ, રાગથી કામ, કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિનાશ, સ્મૃતિનાશથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી પતન. આ ક્રમ બતાવ્યો છે. તેનું વિવેચન કરવામાં તો ઘણો સમય લાગે છે; પરંતુ આ બધી વૃત્તિઓ પેદા થવામાં અને તેનાથી મનુષ્યનું પતન થવામાં સમય લાગતો નથી. વીજળીના ચમકારાની જેમ તત્કાળ આ બધી વૃત્તિઓ એક સાથે પેદા થાય છે ને સાધક ઉપર હુમલો કરે છે. તે સાધકને સદ્‌વિચાર કરવાનો સમય રહેવા દેતા નથી અને પતન કરે છે.

रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्वरन्‌।

आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति।।६४।।

प्रसादे सर्वदु:खानां हानिरस्योपजायते।

प्रसन्नचेतसो ह्याशु बुद्धि: पर्यवतिष्ठते।।६५।।

અર્થઃ જે પુરુષ આત્મનિગ્રહ વડે પોતાની ઈન્દ્રિયોને વશ રાખી શકે છે તે ભગવાનની પૂર્ણ કૃપા પામે છે અને તેથી રાગદ્વેષ રહિત થઈ શકે છે. દિવ્ય ભાવનામાં રહેલા મનુષ્યોના ભૌતિક જીવનના ત્રિવિધ તાપ ટળે છે અને ચિત્ત પ્રસન્ન હોવાથી તેની બુદ્ધિ સ્થિર થાય છે.

‘तु’ શબ્દ ભિન્ન વિષય બતાવવા વપરાયો છે. અગાઉના શ્લોકોમાં ભગવાને કહ્યું કે, આસક્તિ હોય, ને વિષયોને સાક્ષાત્‌ભોગવે નહીં પણ ચિંતન જ કરવા માત્રથી પતન થાય છે. જ્યારે અહીં આ શ્લોકમાં કહે છે કે આસક્તિ નહીં રહેવાથી વિષયોનું સાક્ષાત્‌સેવન થાય તો પણ ઉત્થાન થાય છે, ત્યાં બુદ્ધિનો નાશ બતાવ્યો છે. જ્યારે અહીં બુદ્ધિની પરમાત્મામાં સ્થિતિ બતાવી છે. તે તફાવત બતાવવા માટે ‘ટૂ’ શબ્દ બતાવ્યો છે.

विधेयात्मा-વશ કરેલું છે મન જેનું એવો સાધક અંતઃકરણને વશીભૂત કર્યા વિના કર્મયોગની સિદ્ધિ થતી નથી. માટે સાધકે પોતાનું અંતઃકરણ વશમાં કરવું જોઈએ. અંતઃકરણને વશીભૂત ન કર્યું હોય તો કર્મયોગીને પણ પતન થવાની સંભાવના છે. માટે કર્મયોગીને વિશેષ કરીને તેની જરૂર પડે છે.

आत्मवश्यै: रागद्वेषवियुक्तै: इन्द्रियै:

જેમ ‘विधेयात्मा’ શબ્દ અંતઃકરણને વશ કરવાના અર્થમાં વપરાયો છે. તેમ आत्मवश्यै: શબ્દ ઈન્દ્રિયોને વશ કરવાના અર્થમાં વપરાયો છે. તાત્પર્ય એ છે કે વ્યવહાર કરતી વખતે ઈન્દ્રિયો પોતાના વશમાં હોવી જરૂરી છે અને તેને માટે ઈન્દ્રિયોનું રાગદ્વેષ રહિતપણું હોવું જરૂરી છે. તેથી ઈન્દ્રિયો દ્વારા કોઈ વિષયનો સ્વીકાર રાગપૂર્વક નહિ થવો જોઈએ અને કોઈ વિષયનો ત્યાગ દ્વેષપૂર્વક નહિ થવો જોઈએ. તે બન્નેથી પર થઈને દેહ ગુજરાનના અનુસંધાનપૂર્વક વ્યવહાર થવો જોઈએ. કારણ કે વિષયોના સ્વીકાર અને ત્યાગનું કલ્યાણ થવા માટે એટલું મહત્ત્વ નથી. જેટલું મહત્ત્વ ઈન્દ્રિયોમાં રાગ અને દ્વેષ નહિ થવા દેવાનું છે. માટે ભગવાને ત્રીજા અધ્યાયમાં રાગદ્વેેષને સાધકના શત્રુ છે એમ કહ્યું છે. જે સાધક રાગ અને દ્વેષથી રહિત થઈ જાય છે તે સુખપૂર્વક મુક્ત થઈ જાય છે; પરંતુ ત્યાગ અને સ્વીકારને દેહના અસ્તિત્વ સુધી સર્વથા કોઈ રોકી શકતું નથી.विषयान्‌चरन्‌ વશ ઈન્દ્રિય અંતઃકરણવાળો સાધક વિષયોનું સેવન કરતા થકા પણ અર્થાત્‌બધી જાતના વ્યવહાર કરવા છતાં પણ વિષયોને ભોગવતો નથી પણ વિષયોનો અભાવ કરવાનો અભ્યાસ શીખે છે. અંતરથી વિષયમાં દોષોનું સંશોધન કરીને દોષાનુસંધાનનો અભ્યાસ કરે છે. જેથી અંદરના રાગ હોય તો પણ તેને કાઢવા સહેલા પડે. ભોગબુદ્ધિથી ભરેલું વિષય સેવન જ સાધકને પતનનું કારણ બને છે.

प्रसादमधिगच्छति-ત્યારે સાધક અંતઃકરણની નિર્મળતાને પામે છે અર્થાત્‌તેનુ અંતઃકરણ અતિ વિશુદ્ધ બને છે. આ વસ્તુને ગીતા અ.૧૭/૧૬માં માનસ તપ કહ્યું છે. જે તપ શારીરિક અને વાચિક તપથી વધારે ઊંચુ છે. માટે સાધકે ન તો રાગપૂર્વક વિષયનું સેવન કરવું જોઈએ ન તો દ્વેષપૂર્વક વિષયોનો ત્યાગ કરવો જોઈએ; પરંતુ દેહ ગુજરાનના અનુસંધાનપૂર્વક વિષય-વ્યવહાર કરવો જોઈએ. રાગ અને દ્વેષ બન્ને સંસારમાં જોડનારાં પરિબળો છે. માટે તેને વશ ન થવા માટે ભગવાને આજ્ઞા આપી છે. (ગી. ૩/૩૪) રાગ અને દ્વેષ એ અંતઃકરણના રોગ છે. એ દૂર થાય ત્યારે તેનું મન તંદુરસ્તીને પ્રાપ્ત થાય છે અને એવું મન જ પરમાત્મામાં સ્થિર થઈ શકે છે. પરમાત્માના સ્વરૂપને પકડી શકે છે. રાગદ્વેષથી સડબડતું-રોગી મન કદાપિ પરમાત્માને પકડી શકતું નથી.

प्रसादे सर्वदु:खानां हानिरस्योपजायते-આવી રીતે થયેલી ચિત્તની નિર્મળતા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે સઘળાં દુઃખો નાશ થઈ જાય છે. કોઈપણ દુઃખ રહેતું નથી. કારણ કે રાગ હોવાથી જ ખેદ થાય છે. ખેદ પામવાથી જ કામના થાય છે. કામનાથી સઘળા દુઃખો પેદા થાય છે; પરંતુ જ્યારે રાગ જાય ત્યારે ચિત્તમાં પ્રસન્નતા થાય છે. પ્રસન્નતા થતાં આધ્યાત્મિક તાકાત પેદા થાય છે. તેથી પરમાત્માને પ્રસન્ન કરવાનું અનુષ્ઠાન કરી શકાય છે. (नायं आत्मा बलहीनेन लभ्य:) જેથી પરમાત્મા રાજી થાય છે. તેનાં સઘળાં દુઃખો દૂર થાય છે ને તેની મુક્તિ થાય છે.

જેટલાં પણ દુઃખો છે તે તમામ પ્રકૃતિનું કાર્ય એવા, શરીર અને સંસારના સંબંધથી જ થાય છે. શરીર સંબંધી સુખની લાલસા પેદા થાય છે. સુખ લાલસાથી ખિન્નતા પેદા થાય છે; પરંતુ પ્રસન્નાથી ખિન્નતા દૂર થાય છે. તેથી સુખલાલસા પણ નથી રહેતી અને સુખલાલસા ન રહેવાથી શરીર અને સંસાર સાથે પણ સંબંધ વિચ્છેદ થાય છે અને તેની સાથે સંબંધ વિચ્છેદ થતાં સઘળાં દુઃખોનો નાશ થાય છે. सर्वदु:खानां हानि: તાત્પર્ય એ થયું કે પ્રસન્નતાથી બે બાબતો બને છે. એક તો સંસારથી સંબંધ વિચ્છેદ અને પરમાત્મામાં સ્થિર બુદ્ધિ.

અહીં सर्वदु:खानां हानि: નું તાત્પર્ય એવું નથી કે તેની સામે દુઃખદાયી પરિસ્થિતિ આવતી જ નથી અથવા પ્રતિકૂળતા આવતી જ નથી. તેનું તાત્પર્ય એમ છે કે, દુઃખદાયી પરિસ્થિતિ, ઘટના વગેરે આવે છે; પરંતુ તેના અંતઃકરણમાં દુઃખ, ખિન્નતા કે ક્ષોભ અથવા ચલાયમાનપણું આવતું નથી. અંતઃકરણમાં કોઈ વિકૃતિ ઊભી થતી નથી.

प्रसन्न चेतसो ह्याशु बुद्धि: पर्यवतिष्ठते

નિર્મળ અંતઃકરણવાળાની બુદ્ધિ ખૂબ જ જલદી પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. પરમાત્માને તો બન્ને જુએ છે, સમીક્ષા કરે છે પણ શુદ્ધ અંતઃકરણવાળાને તુરત તેમાં ચિત્ત ચોંટી જાય છે. જ્યારે પેલો પણ તેની જેમ જ પરમાત્માને જુએ છે પણ તેના અંતઃકરણમાં અશુદ્ધિ-સંસારની લાલસાઓ ભરી હોવાથી તે લાલસાઓ તેને પરમાત્મારૂપી કેન્દ્રમાં સ્થિર થવા દેતી નથી ને ચલિત કર્યા કરે છે ને સંસારમાં ઢસડી જાય છે. માટે નિર્મળ ચિત્ત જ્યારે થાય છે ત્યારે તત્કાળ તેની બુદ્ધિ પરમાત્માના માર્ગમાં અચળ બની જાય છે.

અહીં વિશેષ મર્મ એ છે કે એક તો ભગવાનમાં બુદ્ધિની સ્થિરતા હોય છે અથવા ચિત્તમાં ભગવાન માટે વ્યાકુળતા હોય છે. આ બેમાંથી કોઈ એક પણ ખૂબ વધી જાય તો તેને પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે. જેવી રીતે પ્રહ્‌લાદજીને પરમાત્મામાં સ્થિર બુદ્ધિ, અચળ બુદ્ધિ હતી તો તે પરમાત્માને રાજી કરી શક્યા અને ગોપીઓને પરમાત્મા માટે વ્યાકુળતા હતી. ભગવાન પાસે જઈ રહેલી ગોપીઓને માતાપિતા, ભાઈ, પતિ વગેરેએ રોકી લીધી, મકાનમાં પૂરી દીધી ત્યારે તે ગોપીઓમાં ભગવાનને મળવાની જે વ્યાકુળતા થઈ, તેનાથી એમનાં પાપો નષ્ટ થઈ ગયાં અને ભગવાનનું ચિંતવન કરવાથી જે પ્રસન્નતા થઈ, એમનાં પુણ્ય પણ નાશ પામ્યાં. આ રીતે પુણ્ય પાપથી રહિત થઈને તેઓ શરીરનો તત્કાળ ત્યાગ કરીને બધાથી પહેલાં ભગવાનને જઈને મળી. (ભાગ. ૧૦-૨૯-૯, ૧૦, ૧૧)

સાંસારિક વિષયોને લીધે જે પ્રસન્નતા થાય અથવા વ્યાકુળતા થાય છે, તે બન્નેમાં વિષયભોગના સંસ્કાર દૃઢ થાય છે અને તેથી જન્મ-મરણરૂપ સંસાર વધારે દૃઢ બને છે. તેનાં ઉદાહરણ સંસારનાં તમામ પ્રાણીઓ છે. તેઓ સાંસારિક વિષયોથી જ પ્રસન્નતા અને વ્યાકુળતા (ખિન્નતા) ને લીધે સંસારમાં સદા ફસાયેલાં રહે છે.

પ્રસન્નતા અને વ્યાકુળતામાં અંતઃકરણ દ્રવીને આકર્ષણના કેન્દ્ર તરફ પ્રવાહિત થાય છે. તે સમયે ભગવાન પ્રત્યે અથવા સાંસારિક ભાવો હોય છે, તે જીવમાં ચોટી જાય છે. જીવમાં સ્થાયી બની જાય છે. પછી તે ભગવાન તરફ અથવા સંસાર તરફ જીવને ઢસડી જાય છે. (वायुर्नावमिवाम्भसि... (ગી. ૨-૬૭) માટે મુમુક્ષુ અને સાધકને માટે યોગ્ય તો એ છે કે સંસારની પ્રિયમાં પ્રિય વસ્તુ મળતાં પણ પ્રસન્ન થઈને પીગળી ન જવું અને તે દૂર થાય તો આતુર ન થવું. અપ્રિય વસ્તુ મળે તો ખેદ ન પામવું.

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना।

न चाभावयत: शान्तिरशान्तस्य कुत: सुखम्‌।।६६।।

અર્થઃ જે પુરુષે મન અને ઈન્દ્રિયો જીત્યાં નથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ કયાંથી મળે ?

અહીં કર્મયોગનો વિષય છે. સામાન્ય કર્મ અને કર્મયોગમાં ભાવના માત્રનો જ ફર્ક પડે છે. કર્મ તો બન્નેમાં સામાન્ય છે. કર્મયોગમાં મન અને ઈન્દ્રિયોનો સંયમ કરવો મુખ્ય છે. વિવેકપૂર્વક સંયમ કર્યા વિના કામના નષ્ટ થતી નથી. કામના નષ્ટ થયા વિના બુદ્ધિ સ્થિર થતી નથી. આથી કર્મયોગી સાધકે પહેલાં મન અને ઈન્દ્રિયોનો સંયમ કરવો જોઈએ; પરંતુ જેનાં મન અને ઈન્દ્રિયો સંયમિત નથી, તેની વાત આ શ્લોકમાં કહી છે.

नास्तिबुद्धिरयुक्तस्य આગળ એકસઠમા શ્લોકમાં કહ્યું છે કે तानि सर्वाणि संयम्य युक्त आसीत्‌मत्पर:। તે બધી ઈન્દ્રિયોનો સંયમ કરીને, કર્મયોગમાં જોડાઈને (ખરેખર તો પરમાત્માની પ્રાપ્તિનાં કોઈપણ સાધનમાં જોડાઈને) मत्पर: મારા પરાયણ થાય તેને સ્થિતપ્રજ્ઞની સ્થિતિ પાપ્ત થાય છે. તેના બરાબર વિરુદ્ધમાં અહીં अयुक्त શબ્દ વપરાયો છે. જેના મન અને ઈન્દ્રિયો સંયમિત નથી, એવા અસંયમી અને તેથી ભગવાનમાં સ્થિર નહિ થયેલા, ભગવાનમાં નહિ જોડાયેલા પુરુષને ‘મારે કેવળ પરમાત્માની પ્રાપ્તિ જ કરવી’ એવા એક નિશ્ચયવાળી બુદ્ધિ નથી હોતી. ઈન્દ્રિયો વશ કરવામાં અહં પરિવર્તન પણ કારણ બની રહે છે. તેથી જ આ અધ્યાયના એકસઠમા શ્લોકમાં ઈન્દ્રિયો જીતવાના વિષયમાં ભગવાને ‘मत्पर:’ શબ્દ મૂકયો છે. જ્યારે અહંમાં હું ભગવાનનો સેવક છું. એવી દૃઢ માન્યતા નથી આવતી, ત્યાં સુધી ઈન્દ્રિયો તેને ઝૂકતા નથી. મહારાજે તો તેથી પણ આગળ કહ્યું છે કે ‘દાસના દાસ થઈને રહે…’ એવું જ્યારે એના અહંમાં પરિવર્તન આવે ને પછી ઈન્દ્રિય સંયમનાં સાધનો કરે ત્યારે ઈન્દ્રિયો પોતાની જાતે વશમાં થઈ જાય છે. ત્યાં સુધી તેને એક નિશ્ચયવાળી બુદ્ધિ હોતી નથી. તે સાંસારિક ભોગો અને સંગ્રહમાં જ નિમગ્ન રહે છે. તેને કયારેક માન, કયારેક સુખ આરામ, કયારેક ધન તો કયારેક ભોગની પ્રબળ ઈચ્છાઓ થયા કરે છે. માટે એક નિશ્ચયવાળી ‘મારે તો પરમાત્માની જ પ્રાપ્તિ કરવી છે’ એવી બુદ્ધિ થતી નથી.

न चायुक्तस्य भावना-જે ‘અયુક્ત’ છે તેને ભાવના થતી નથી. અર્થાત્‌જે નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગમાં જોડાયો નથી ત્યાં સુધી તેને પરમાત્મા પ્રત્યે કે તેના ભક્તો પ્રત્યે સમર્પણ ભાવના આવતી નથી. ‘પરમાત્મા પ્રત્યે અથવા તેના સાચા ભક્તો પ્રત્યે હું કાંઈક કરી છૂટું’ એવો ભાવ તેના હૃદયમાં કયારેય આવતો નથી. જ્યાં સ્વાર્થની જ ભરમાર છે ત્યાં ફળની ઈચ્છા, કામના, આસક્તિ વિગેરે અવશ્ય રહે છે અને તે એ બતાવે છે કે તેના જીવનમાં પોતાના આત્મકલ્યાણનું કોઈ ધ્યેય હોતું નથી. તેઓ ધ્યેયશૂન્ય હોય છે. જો ધ્યેય હોય તો પણ સાંસારિક ધ્યેય જ હોય છે.

न चाभावयत: शान्ति: જેને પરમાત્મા પ્રત્યે અથવા તેના અનન્ય ભક્ત પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના નથી અથવા સમર્પણ ભાવ નથી તેના અંતરમાં કયારેય શાંતિ આવી ન શકે. સંસારનાં ગમે તેટલાં કાર્યો કરે તો પણ તે અશાંતિને વધારનારાં જ બને છે. ભગવાને બારમા અધ્યાયના બારમાં શ્લોકમાં કહ્યું છે કે त्यागात्शांतिरनन्तरम्‌ (ગી. ૧૨-૧૨) અહીં કર્મફળનો ત્યાગ અથવા સમર્પણરૂપ ત્યાગ એ અર્થમાં ‘ત્યાગ’ શબ્દ વપરાયો છે. જે પોતાના કર્તવ્યમાં સ્થિર નથી અને જે પરમાત્મા અથવા તેના અનન્ય ભક્ત પ્રત્યે કશી ભાવના રાખી શકતો નથી તેને શાંતિ થતી નથી. ભાવના એટલે સમર્પણ અને સ્મરણ આ બન્ને વસ્તુને આવરી લે છે. જ્યારે ભાવના આવે છે ત્યારે સમર્પણ પણ સહજ થાય છે અને તેની કાયમી સ્મૃતિ પણ બની રહે છે. તેથી એ માર્ગે ચાલવાથી પરમાત્માની સ્મૃતિ પણ બની રહેવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે.

अशान्तस्य कुत:सुखम्‌-જે અશાંત છે તે સુખી કેવી રીતે થઈ શકે? જેનું હૃદય સાંસારિક કામનાઓ પ્રાપ્ત ન થવાથી રાત્રિદિવસ ખિન્નતા, ઉદ્વેગ, ક્ષોભ અને ધૂંધવાટથી ભરપૂર હોય તે માણસ સુખી કેમ બની શકે ? તે તો સુખી ન જ બની શકે પણ તેની હાજરીથી આસપાસના મનુષ્યો પણ સુખી રહી શકતા નથી. કદાચ તેને જગતના ભોગો મળી જાય તો તે સગવડતા યુક્ત બની જાય છે પણ સુખી તો થઈ જ શકતો નથી.

इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते।

तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ।।६७।।

અર્થઃ કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે, તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઈન્દ્રિયોમાંથી જે ઈન્દ્રિયની સાથે મન રહે છે, તે એકલી ઈન્દ્રિય આ અયુકત પુરુષની બુદ્ધિને હરી લે છે.

મનુષ્યનો આ જન્મ કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે અને પરમાત્માની સેવા કરીને નિત્ય સેવક બનવા માટે મળ્યો છે. આ જીવે અનેક જન્મો ધરીને સંસારની, શરીરની અને શરીરનાં સંબંધી-પરિવારની સેવા તો અનેક વાર કરી છે અને સંસારની શ્રેષ્ઠ વસ્તુઓની પ્રાપ્તિ અનેકવાર કરી છે. તેણે કયારેય કોઈ જન્મમાં પરમાત્માની કે તેના ભક્તોની સેવા કરી નથી. તેથી તે સંસારમાં ભટકી રહ્યો છે. હવે આ જન્મમાં મારે તો કેવળ ભગવાનની પ્રાપ્તિ જ કરવી છે. ભલે ગમે તેમ થાય પણ મારે અક્ષરધામમાં મહારાજ પાસે પહોચવું છે. એવું ધ્યેય દૃઢ કરવું જોઈએ. ધ્યેયની દૃઢતાથી સાધકની અહંતામાંથી ભોગોનું મહત્ત્વ ચાલ્યું જાય છે અને ધ્યેયનું મહત્ત્વ સમજાય છે. તેથી તેની વ્યવસાયિત્મકા બુદ્ધિ દૃઢ થાય છે. જ્યાં સુધી વ્યવસાયાત્મિકતા બુદ્ધિ દૃઢ નથી બનતી ત્યાં સુધી કેવી દશા થાય છે ! તેનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે.

इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते-જ્યારે સાધક કાર્યક્ષેત્રમાં બધી જાતનો વ્યવહાર કરે છે ત્યારે ઈન્દ્રિયોની સામે પોતપોતાના વિષયો આવે છે. તેઓમાંથી જે ઈન્દ્રિયનો પોતાના વિષયમાં રાગ થઈ જાય છે તે ઈન્દ્રિય મનને પોતાનું અનુગામી બનાવી લે છે. મનને પોતાની પાછળ ઢસડી લે છે. આથી મન પણ તે વિષયનો રસ લેવા લાગી જાય છે. અર્થાત્‌મનને તેમાં સુખબુદ્ધિ અને ભોગબુદ્ધિ પેદા થઈ જાય છે. મનને તે વિષયનો રંગ લાગી જાય છે. તે વિષય પ્રત્યેનું મહત્ત્વ જામી જાય છે. જેવી રીતે ભોજન કરતી વખતે કોઈ પદાર્થનો સ્વાદ આવે તો જીભ તેમાં આસક્ત થઈ જાય છે. તેથી જીભ મનને પણ જબરસ્તીથી ખેંચી લાવે છે. ત્યારે મન પણ તેમાં રાજી થઈ જાય છે ને રંગાઈ જાય છે.

तदस्य हरति प्रज्ञाम्‌ જ્યારે મનમાં પણ વિષયનું મહત્ત્વ ઠસાઈ જાય છે ત્યારે એકલું મન જ સાધકની બુદ્ધિને હરી લે છે. અર્થાત્‌સાધકમાં કર્તવ્યપરાયણતા રહેવા દેતું નથી. સર્મપણબુદ્ધિનો નાશ કરી નાખે છે અને ભોગબુદ્ધિ પેદા થઈ જાય છે. ત્યારે સાધકમાં મારે પરમાત્માની જ પ્રાપ્તિ કરવી છે. મારે અક્ષરધામમાં આને આ જન્મે પહોંચવું છે. વચમાં કયાંય રોકાવું નથી એવી વ્યવસાયાત્મિકા બુદ્ધિનો નાશ કરે છે. આ બધું વિવેચન કરતાં તો ઘણી વાર લાગે છે પણ અંતઃકરણમાં આ બધી પ્રક્રિયા વીજળીવેગે થઈને એક સેકન્ડમાં બુદ્ધિ પોતાના માર્ગથી ભ્રષ્ટ થઈને વિચલિત થઈ જાય છે અને વ્યક્તિ વિવેકશુન્ય બની જાય છે અને ગમે તેવો જ્ઞાની હોય તો પણ પશુ જેવો બની જાય છે. તેમાં પશુબુદ્ધિ આવી જાય છે.

वायुर्नावमिवाम्भसि ઉપરની હકીકતને દૃષ્ટાંતથી સમજાવે છે કે પાણીમાં ચાલતી નૌકાને જેમ વાયુ હરી લે છે તેમ મન બુદ્ધિને હરી લે છે. જેમ નદી કે સમુદ્રમાં કોઈ મનુષ્ય નાવ લઈને પોતાના ગંતવ્ય સ્થાન પ્રત્યે જતો હોય અને તે વખતે જો વિરુદ્ધ દિશામાંથી વાયુ ફૂંકાવા લાગે તો તે વાયુ નૌકાને ગંતવ્ય સ્થાનની વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. તેવી જ રીતે સાધક વ્યવસાયાત્મિકા બુદ્ધિરૂપી નૌકા ઉપર આરૂઢ થઈને સંસાર સાગરને પાર કરતો કરતો ભગવાન તરફ ગતિ કરતો હોય અને વચ્ચે કોઈ ઈન્દ્રિય એક વિષયમાં આસક્ત થઈ તો તે ઈન્દ્રિય મનને તુરત પોતાનું અનુગામી બનાવી લે છે. પછી મન એકલું જ બુદ્ધિરૂપી નૌકાને હરી લે છે. અર્થાત્‌તેને સંસારની તરફ લઈ જાય છે. આનાથી સાધકને વિષયોમાં સુખબુદ્ધિ અને તેને ઉપયોગી પદાર્થોમાં મહત્ત્વબુદ્ધિ થઈ જાય છે અને તેની વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે કલ્યાણને માર્ગે ચાલવાના નિશ્ચયરૂપી બુદ્ધિનો નાશ થઈ જાય છે અને નાવની દિશા બદલાઈને ઊલટી ચાલવા લાગે છે. તેમ ઊલટી સંસારની આરાધના કરવા લાગી જાય છે. વાયુ નૌકાને બે રીતે વિચલિત કરે છે એક તો ગન્તવ્ય સ્થાનથી ઊલટી દિશામાં ઢસડી જાય છે અથવા પાણીમાં નાવને ઊલટાવીને ડુબાડી દે છે તેવી જ રીતે ઈન્દ્રિયોને અનુગામી બનેલું મન બુદ્ધિને બે રીતે વિચલિત કરે છે-પરમાત્માની પ્રાપ્તિ કરવાના નિશ્ચયને ઊલટાવી નાખે છે અથવા ભોગમાં ડુબાડી દે છે અને પતન કરાવે છે માટે જેના મન અને ઈન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિને મન વિચલિત કરતું નથી. ઊલટું ભગવાન પાસે લઈ જવામાં મદદ કરે છે.

तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वश:।

इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता।।६८।।

અર્થઃ તેથી હે મહાબાહો ! જે પુરુષની ઈન્દ્રિયો ઈન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહીત કરાયેલી છે, એની બુદ્ધિ સ્થિર છે.

तस्मात्‌..સાઠમા શ્લોકથી જે મન અને ઈન્દ્રિયોને વશ કરવાનો વિષય ચાલ્યો આવતો હતો, તેનો ઉપસંહાર કરતાં કહે છે કે જેનાં મન અને ઈન્દ્રિયો નિગૃહીત છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. અહીં सर्वश: પદ આપવાનું તાત્પર્ય એ છે કે સંસારની સાથે વ્યવહાર કરતી વખતે અથવા એકાંતમાં ચિંતન કરતી વખતે કોઈપણ અવસ્થામાં તેની ઈન્દ્રિયો ભોગોમાં કે વિષયોમાં પ્રવૃત્ત થતાં નથી. અનુલોમ દશામાં ગમે તેટલા વિષયો તેના સંપર્કમાં આવે તો પણ તે વિષયો તેને વિચલિત-કર્તવ્યભ્રષ્ટ કે ભોગલિપ્ત કરી શકતા નથી. તેનું મન પણ બુદ્ધિને વિચલિત કરી શકતું નથી. કારણ કે તેના મનમાં વિષયોનું મહત્ત્વ રહ્યું નથી.

निगृहीतानि-નું તાત્પર્ય છે ઈન્દ્રિયો વિષયોથી પૂરેપૂરી રીતે વશમાં કરેલ છે. વિષયોમાં તેનું લેશમાત્ર પણ રાગ, આસક્તિ કે ખેંચાણ રહ્યું નથી. જેમ સર્પના દાંત કાઢી લીધા પછી તેનું ઝેર કોઈને ચડતું નથી તેમ ઈન્દ્રિયોના રાગરૂપી દાંત દૂર કર્યા પછી તેની પતનને માર્ગે ઢસડી જવાની તાકાત દૂર થાય છે. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે સાધકે દઢતાથી એવો નિશ્ચય કરી લેવો જોઈએ કે મારું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ કરવાનું છે. ભોગો ભોગવવાનું અને સંગ્રહ કરવાનું મારું લક્ષ્ય નથી અને પછી જો એવી સાવધાની સાધકમાં જળવાઈ રહે તો તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે.

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।

यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुने:।।६९।।

અર્થઃ સર્વ પ્રાણીની જે રાત્રિ છે તેમાં સંયમી પુરુષ જાગે છે; અને જ્યાં લોકો જાગતા રહે છે ત્યાં આત્મનિરીક્ષણ કરનાર જ્ઞાની મુનિની રાત્રિ છે.

या निशा सर्वभूतानाम्‌ જેનાં ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વિષયો મેળવવામાં, ભોગો ભોગવવામાં અને સંગ્રહ કરવામાં તત્પર છે. તે બધા પરમાત્માની દૃષ્ટિએ સૂતેલા છે. તેને સદાકાળ રાત્રી ચાલે છે. પરમાત્માનું સ્વરૂપ શું છે ? આત્મતત્ત્વ શું છે ? અમે શા માટે દુઃખી થઈ રહ્યા છીએ? અમે અત્યારે જે કાંઈ કરી રહ્યા છીએ તેનું શું પરિણામ આવશે? આ તરફ બિલકુલ ધ્યાન ન આપવું એ જ તેની રાત્રી છે અને તેના જીવનમાં ઘોર અંધારું છે.

અહીં भूतानाम्‌ કહેવાનું તાત્પર્ય એ છે કે જેવી રીતે પશુ-પક્ષી વગેરે સર્વે દેહધારીઓ આખો દિવસ ખાવાપીવામાં જ લાગેલા રહે છે તેવી જ રીતે જે મનુષ્યો રાતદિવસ ખાવાપીવામાં, સુખ-આરામમાં, ભોગ અને સંગ્રહમાં તેમજ ધન કમાવા પાછળ જ મંડ્યા રહે છે. તેવા મનુષ્યોની ગણતરી પણ ધુટળણળન્ર માં કરેલી છે. તેઓ પણ પશુ જ છે. પરમાત્માથી વિમુખ રહેવાની બાબતમાં આવા માણસો અને પશુ પક્ષીઓમાં કાંઈ અંતર નથી. પરમાત્માથી વિમુખ રહેવામાં બન્ને સરખા છે. બન્ને સૂતેલાં છે ને બન્નેને રાત્રી છે. હા, જો કાંઈ અંતર હોય તે એટલું જ છે કે પશુ-પક્ષીમાં વિવેકશક્તિ નથી. માટે તે ખાવા પીવામાં જ વળગ્યા રહે છે. મનુષ્યોમાં વિવેકશક્તિ જાગ્રત રહે છે. જેના વડે પોતાના કલ્યાણનો વિચાર કરી શકે છે. બીજાની સેવા કરી શકે છે અને પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે; પરંતુ એ વિવેકશક્તિનો દુરુપયોગ કરીને મનુષ્યો પદાર્થોનો સંગ્રહ કરવામાં અને ભોગ ભોગવવામાં લાગ્યા રહે છે. જેથી સંસારને માટે તેઓ પશુઓથી પણ વધારે દુઃખદાયી બની જાય છે. કારણ કે પશુપક્ષી તો બિચારાં પેટ ભરાઈ જાય એટલું જ ખાય છે, સંગ્રહ નથી કરતાં. જ્યારે મનુષ્ય તો જે કાંઈ મળે તેનો ઉપયોગ પોતાને હોય અથવા ન હોય પણ તેનો સંગ્રહ કરવામાં જ સમજે છે.

तस्यां जागर्ति संयमी મનુષ્યની જે રાત્રી છે અર્થાત્‌પોતાના આત્મકલ્યાણથી જે વિમુખતા છે, તેમાં સંયમી પુરુષ જાગ્યા છે. એટલે સાવધાન થકા વર્તે છે. જેણે ઈન્દ્રિયો અને મનને વશ કર્યાં છે, જે ભોગ અને સંગ્રહમાં આસક્ત નથી, જેનું ધ્યેય કેવળ પરમાત્માને પામવાનું છે તેઓ સંયમી છે. તેઓ પરમાત્માને, જગતને અને પોતાના સ્વરૂપને યથાર્થ જાણે છે. એ તેઓનું જાગવું છે. જગતથી વિમુખતા અને પરમાત્માને સન્મુખ રહેવું એ તેઓનું જાગવું છે.

यस्यां जाग्रति भूतानि-જે પંચવિષય ભોગવવામાં તથા ભોગપદાર્થોનો સંગ્રહ કરવામાં સાવધાન રહે છે. એકેએક પૈસાનો હિસાબ રાખે છે, પોતાના અધિકારમાં આવી જાય પછી તે ન્યાયપૂર્વકના હોય અથવા તો અન્યાયપૂર્વકના હોય પણ તેમાં ઘણા ખુશ થાય છે. એમ નાશવંત ભોગોને સંગ્રહ કરવામાં તથા આદર-સત્કાર, માનમોટાઈ વગેરે પ્રાપ્ત કરવામાં સાવધાન થઈને લાગ્યા રહે છે. એ તેઓનું જાગવું છે.

सा निशा पश्यतो मुने: જે પંચવિષય અને ભોગો ભોગવવામાં સંસારી મનુષ્યો પોતાને મહાન અને ચતુર જાણે છે અને તેમાં રાજી થાય છે. તે બધું પરમાત્માને માર્ગે ચાલેલા સંયમી પુરુષોને માટે રાત્રી સમાન છે. બિલકુલ અંધારા સમાન છે અર્થાત્‌તે માર્ગે કયારેય ચાલતા નથી.

સંયમી પુરુષો પરમાત્માને અને સંસારના પરિણામને સારી રીતે જાણે છે. જેમ નેત્રમાં ખામી હોય ને આપણે આકાશને જોઈએ છીએ ત્યારે તેમાં જાળાં જેવું દેખાય ને આંખો મીચી લેવા છતાંય પણ જાળાં જેવું દેખાય છે; પરંતુ તે દેખાવા છતાંય આપણી બુદ્ધિમાં એવો દૃઢ વિશ્વાસ છે કે આકાશમાં એવા કોઈ જાળાં નથી. તેવી જ રીતે ક્ષણભંગુર ભોગ દેખાવા છતાં મનનશીલ સંયમી પુરુષોની બુદ્ધિમાં અટલ વિશ્વાસ છે કે આ ભોગ સાચા નથી. आब्रह्मभुवनाल्लोका: पुनरावर्तिनोऽर्जुन (૮/૧૬) જે લોકો સંસારમાં રચ્યા પચ્યા રહે છે, તેની દૃષ્ટિ તેમાં જતી નથી; તેને તો એક સંસાર જ દેખાય છે. જે જગતને તિલાંજલી આપીને સાધક ભગવાનને માર્ગે ચાલે છે તેને જગત અને પરમાત્મા બન્ને દેખાય છે માટે તેને ‘पश्यतो मुने:’કહ્યા છે. ભોગી માણસોએ કેવળ રાત જ ભાળી છે પણ યોગીઓ તો દિવસને પણ દેખે છે ને રાતને પણ દેખે છે. જેમ બાળક હોય તેણે કેવળ બાળપણું જ જોયું છે જુવાની નથી દેખી. જ્યારે વૃદ્ધ હોય તેણે બાળપણ, યુવાની અને વૃદ્ધપણું બધું દેખ્યું છે. તેથી તેની પાસે ત્રણેનું સાચું માપ હોય છે. તેમ રૂપિયા રાખવાવાળી વ્યક્તિ રૂપિયાના ત્યાગને નથી જાણતો પણ રૂપિયાના ત્યાગ કરનાર વ્યક્તિ રૂપિયાના ત્યાગને પણ જાણે છે ને સંગ્રહને પણ જાણે છે. માટે એવો સિદ્ધાંત છે કે સંસારમાં ચોટેલી વ્યક્તિ, ભોગમાં ડૂબેલી વ્યક્તિ-સંસારને અને ભોગને પણ યથાર્થ જાણતી નથી. જ્યારે તેનો ત્યાગ કરનાર વ્યક્તિ પરમાત્માને જાણી શકે છે ને સંસારને પણ યથાર્થ જાણે છે. એટલો એ બે જણામાં તફાવત છે.

જેની વાસ્તવિકતામાં (અધ્યાત્મમાં) સ્થિતિ છે તે અધ્યાત્મ અને સંસાર બન્નેને સારી રીતે જાણે છે. જ્યારે અવાસ્તવિક એવા સંસારમાં જેની સ્થિતિ છે, તે પરમાત્માને તો નથી જ જાણી શકતો પણ સંસારને પણ યથાર્થપણે નથી જાણી શકતો. સંસારમાં ચોટવા માત્રથી તેની યથાર્થપણે જાણવાની શક્તિ કુંઠિત થઈ જાય છે પણ જ્યાં મોહથી ચોટયો છે તેને પણ આ શું પદાર્થ છે ? આની યથાર્થતા કેટલી છે તે જાણી શકતો નથી. જ્યારે પરમાત્મામાં વળગેલ વ્યક્તિ પરમાત્માનો અનંત મહિમાવાળા હોવાથી તેને યથાર્થ જાણે છે એમ ન કહી શકાય. પણ સંસારને તો યથાર્થ જાણી જ લે છે. તેથી જાગ્રત યોગીને ‘पश्यतो मुने:’કહ્યું છે.

आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमाप: प्रविशन्ति यद्वत्‌।

तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी।।७०।।

અર્થઃ જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર, અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યાં વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યાં વિના જ સમાઈ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઈચ્છનારો નહીં.

મનનશીલ સંયમી પુરુષને સંસાર પ્રત્યે ઘોર અંધારું હોય છે. તો શું તે સંસારિક પદાર્થોના સંપર્કમાં આવતો જ નથી? તો તેનો જીવનનિર્વાહ કેવી રીતે થાય છે અને જો આવે છે તો તેની સ્થિતિ કેવી રીતે રહે છે? તેનું સમાધાન કરતા આ શ્લોકમાં ભગવાન ઉદાહરણથી સમજાવે છે.

आपूर्यमाणमचल प्रतिष्ठं समुद्रमाप: प्रविशन्ति यद्वत्‌

સમુદ્ર ચારે બાજુથી જળથી પરિપૂર્ણ ભરાયેલો હોય છે. જ્યારે વર્ષાકાળમાં કાંઠાઓની મર્યાદા તોડી રેલમછેલ કરતી નદીઓ અફાટ પાણી સમુદ્રમાં ઠાલવે છે; છતાં પણ સમુદ્ર ઊભરાઈ જતો નથી. તે પોતાના જળથી જ પરિપૂર્ણ છે અને સદાને માટે પોતાની મર્યાદામાં રહે છે અને જ્યારે ઉનાળામાં નદીઓના પાણી બિલકુલ ઓછાં થઈ જવાથી અને ઉનાળાના ધોમ ધોમ અગ્નિ વરસાવતા સૂર્યથી પણ સમુદ્રનું પાણી ઓછું થઈ જતું નથી. તે ચોમાસામાં વધતો નથી કે ઉનાળામાં ઘટતો નથી. તે પોતાના જળથી પરિપૂર્ણ છે. તેને નદીઓના જળની અપેક્ષા નથી તેમજ સૂર્યતાપ કે વડવાનળ પણ તેની પૂર્ણતા ઓછી કરી શકતા નથી. તે તો સદા સર્વદા જેમ છે તેમ જ પરિપૂર્ણ રહે છે અને પોતાની મર્યાદાનો કદાપિ ત્યાગ કરતો નથી.

तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शांतिमाप्नोति-

कामा શબ્દ અહીં કામના અર્થમાં નહિ પણ ભોગવાચક પદાર્થો માટે વપરાયો છે. સંસારના સઘળા ભોગો તે પરમાત્મતત્ત્વને જાણવાવાળા સંયમી મનુષ્યને પ્રાપ્ત થાય અને તેની સામે આવે છે તો પણ તેના અંતઃકરણમાં સુખ-દુઃખરૂપી વિકારો પેદા કરી શકતા નથી. તેથી તે પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. તેને તે શાંતિ પરમાત્મ તત્ત્વને કારણે છે. ભોગ પદાર્થોને કારણે નથી.

न काम कामी-જેઓના મનમાં ભોગ પદાર્થોની કામના છે. જેઓ પદાર્થોને જ મહત્ત્વ આપે છે. જેઓની દૃષ્ટિ સાંસારિક પદાર્થો તરફ જ છે. તેઓને ગમે તેટલા પદાર્થો મળી જાય તો પણ તેઓને તૃપ્તિ થઈ શકતી નથી. તેઓની કામના, બળતરા અને સંતાપ દૂર થઈ શકતાં નથી. તો પછી તેઓને શાંતિ કેવી રીતે મળી શકે? કારણ કે ચેતન સ્વરૂપની તૃપ્તિ જડ પદાર્થો વડે થઈ શકતી જ નથી.

विहाय कामान्य: सर्वान्पुमांश्चरति निस्पृह:।

निर्ममो निरहंकार: स शान्तिमधिगच्छति।।७१।।

અર્થઃ જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે, તે જ શાંતિને પામે છે.

અપ્રાપ્ત વસ્તુની ઈચ્છાને ‘કામના’ કહેવાય છે. સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ સઘળી કામનાઓનો ત્યાગ કરી દે છે. કામનાઓનો ત્યાગ કરી દીધા પછી પણ શરીરના નિર્વાહને માટે સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેની જે જરૂરિયાત દેખાય છે અર્થાત્‌જીવનનિર્વાહ વગેરેની જે જરૂરિયાત દેખાય છે અર્થાત્‌જીવનનિર્વાહને માટે જરૂરી જણાતી વસ્તુની જે જરૂરિયાત રહે છે, ઈચ્છા રહે છે તેને ‘स्पृहा’ કહે છે. સ્થિતપ્રજ્ઞ પુરુષ આ ‘स्पृहा’ નો પણ ત્યાગ કરી દે છે. કારણ કે જેના માટે શરીર મળ્યુ હતું અને જેની આવશ્યકતા હતી તે તત્ત્વની પ્રાપ્તિ તો તેને થઈ ગઈ. તે આવશ્યકતા હવે પૂરી થઈ ગઈ. હવે શરીર રહે અથવા ન રહે, શરીર નિર્વાહ કેદીક ભલે થાય અથવા ન થાય તે બાબતની ઝાઝી ફિકર તેઓ કરતા નથી. એ તેનું નિસ્પૃહીપણું છે.

નિઃસ્પૃહ થવાનો અર્થ એ નથી કે તે નિર્વાહની વસ્તુઓનું સેવન કરતો જ નથી. તે નિર્વાહની વસ્તુઓનું સેવન પણ કરે છે. પથ્યાપથ્યનું પણ ધ્યાન રાખે છે અર્થાત્‌અગાઉ સાધનાઅવસ્થામાં શરીર વગેરેની સાથે જેવો વ્યવહાર કરતો હતો, તેવો જ વ્યવહાર હાલ પણ કરે છે; પરંતુ શરીર પ્રત્યેનો અભિનિવેશ નીકળી જાય છે. વ્યવહારમાં જેટલું રાખ્યું ઘટે તેટલું રાખે છે.

આ અધ્યાયના પંચાવનમાં શ્લોકમાંप्रजहाति यदा सर्वान्‌कामान्‌ પદો વડે કામનાના ત્યાગની વાત કરી હતી. અહીં પણ તે જ વાત विहाय कामान्य: सर्वान्‌ શબ્દો વડે કહે છે. આએનું તાત્પર્ય એ થાય છે કે કર્મયોગમાં સઘળી કામનાઓનો ત્યાગ કર્યા વિના કોઈ સ્થિતપ્રજ્ઞ થઈ શકતો નથી. કારણ કે કામનાઓ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી સંસાર સાથે સંબંધ જોડાયેલો રહે છે, તૂટતો નથી. કામનાઓનો સર્વથા ત્યાગ કરવાથી સંસાર સાથે સંબંધ રહી શકતો નથી.

निर्मम: સ્થિતપ્રજ્ઞ મહાપુરુષો મમતાનો પણ ત્યાગ કરી દે છે. ‘મમતા દુઃખ કેરું મૂળ છે. મમતા માંહિ સહસ્ર શૂળ છે.’ માટે તેમને જો મમતા હોય તો તે પરમાત્મા પ્રત્યેની મમતા હોય અને ત્યાં મમતા થવાથી સાંસારિક મમતા નિવૃત્તિ પામી જાય છે.

निरहंकार: ‘આ શરીર જ હું છું’ આવું શરીર સાથે તાદાત્મ્ય માનવું તે અહંકાર છે. સ્થિતપ્રજ્ઞમાં આ અહંકાર નથી રહેતો. શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેથી પર એવું ‘બ્રહ્મ’ પોતાનું સ્વરૂપ માને છે અને એ બધાનો દૃષ્ટા એવું પોતાનું સ્વરૂપ માને છે.

स शांतिमधिगच्छति-એવો સ્થિતપ્રજ્ઞ શાંતિને પામે છે. અર્થાત્‌સાધક કામના, સ્પૃહા, મમતા અને અહંકારથી રહિત થાય છે ત્યારે તેને સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. વસ્તુતાએ તો કેવળ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળી વસ્તુઓથી સુખ ભોગવવાની કામના કરવાથી અને તેમની સાથે મમતાનો સંબંધ રાખવાથી જ અશાંતિ થાય છે. જ્યારે સંસારની કામના, સ્પૃહા, મમતા, અહંતા છૂટી જાય છે ત્યારે સ્વતઃસિદ્ધ શાંતિનો તેને અનુભવ થાય છે.

તેમાં પણ કામના, સ્પૃહા, મમતા અને અહંતામાં અહંતા જ સર્વેનું મૂળ છે. એક અહંતા નષ્ટ થવાથી બધાં જ નિર્મૂળ થઈ જાય છે. દેહાભિમાન દૂર થતાં સર્વે દોષ દૂર થાય છે અને સર્વે દોષ દૂર થતાં સર્વે દુઃખો પણ દૂર થાય છે.

જો આવી હકીકત હોય તો ભગવાને જે કામનાનો ત્યાગ કરવા ઉપર જે ભાર દીધો છે તે અહંકાર ત્યાગ કરવા ઉપર ભાર દેવાની જરૂર હતી. તો તેમ શા માટે ન કર્યું ? તેનું સમાધાન એ છે કે ચારેયમાં કામના સર્વ કરતાં સ્થૂળ છે. સ્પૃહા તેનાથી સૂક્ષ્મ છે. તેનાથી મમતા અને તેનાથી અહંકાર સૂક્ષ્મ છે. જ્યારે કામનાનો ત્યાગ કરવામાં આવે ત્યારે પાંગરવાનો આધાર દૂર થતાં પ્રગતિ કરવામાં નિરાધાર થઈ જાય છે. માટે તેને ત્યાગ કરવા સુગમ થઈ જાય છે.

ખરેખર કામના કરવાથી કામના કરેલી વસ્તુ મળી જાય છે, એવું નથી. એ તો જે વસ્તુ મળનારી છે, તે જ વસ્તુ મળવાની છે. જે વસ્તુ મળવાની છે તેની કામના જો નહિ કરે તો પણ તેને મળવાની જ છે. તેમાં કામના કરવાની પણ જરૂર નથી. માટે કામનાનો ત્યાગ કરવો જોઈએ. કામના કરવી વ્યર્થ છે. કામનાનો ત્યાગ કર્યા પછી સ્પૃહા રહે છે. શરીરનિર્વાહની આવશ્યકતારૂપ સ્પૃહા પૂરી થવી એ પણ માનવીના પોતાના હાથની વાત નથી. ન કરવાથી પ્રારબ્ધાનુસાર મળવાની વસ્તુ બીજાને મળી જનાર નથી. માટે સ્પૃહાનો પણ ત્યાગ કરવો જોઈએ. તેવું જ મમતાનું છે. પ્રાપ્ત થયેલા પદાર્થોમાં મમતા હોય તો જ સુરક્ષિત રહે અને મમતા ન હોય તો નષ્ટ થઈ જાય એવું નથી. જે વસ્તુઓ મળી છે તેમાં મમતાનો ત્યાગ કરી તેનો પોતાના જીવના કલ્યાણમાં યથાયોગ્ય વિનમય કરવાની જરૂર છે. મમતાનો ત્યાગ કર્યા પછી અહંતાનો ત્યાગ કરવો સુગમ રહે છે; પરંતુ પેલા ત્રણ જેમના તેમ હોય તો અહંતાનો ત્યાગ કરવો ઘણો જ કઠિન બને છે. આથી સાધક ક્રમશઃ ધ્યાન આપે તો તેનો ત્યાગ સુગમ બને છે.

આ અધ્યાયમાં પ્રથમ ‘सोऽमृतत्वाय कल्पते’(૨-૧૫) કહીને જ્ઞાનયોગની સિદ્ધિ બતાવી હતી. હવે ‘स शान्तिमधिगच्छति’ કહીને કર્મયોગની સિદ્ધિ બતાવે છે. અર્થાત્‌જડતા (અહંતા)નો ત્યાગ કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. આ અહંતા આપણે શરીર વગેરેમાં માની લીધેલી છે. વાસ્તવિક નથી અને જો વાસ્તવિક હોય તો આપણે કયારેય પણ નિરહંકાર ન થઈ શકીએ અને તો ભગવાન નિરહંકાર થવાની આજ્ઞા આપે નહીં પણ ભગવાન નિરહંકાર થવા કહે છે. માટે અહંકાર રહિત થઈ શકાય છે. જીવાત્માનું સ્વરૂપ ચૈતન્ય છે, તે અહંકાર રહિત છે. ચૈતન્ય સ્વરૂપમાં ફકત અહં પ્રત્યય જરૂર છે. જે ‘अहं अस्मि, ‘अहं अस्मि’ ના સ્વરૂપમાં છે; પરંતુ જગતના જડ પદાર્થો સાથે સંબંધ થવાથી પોતાના ચૈતન્ય અને નિર્મળ અસ્તિત્વની યાદી ભુલાઈ જાય છે. કોઈક જગતમાં દેખાતું માયિક સ્વરૂપ ‘હું ફલાણો છું’ ‘હું મહાન અથવા પામર છું’ એવી છબી પકડીને નિર્મળ અહં પ્રત્યય હતો તે અહંકારના રૂપમાં આપણી સામે આવે છે. અહંકાર શબ્દની વ્યુત્પતિ પણ એવા જ અર્થને સૂચવે છે अन्‌अहिम अहं करोमि इति अहंकार જે વાસ્તવિક अहं પ્રત્યયનું કેન્દ્ર નથી (શરીર) તેમાં અહંને સ્થાપિત કરે છે, તેને અહંકાર કહેવાય. અહં પ્રત્યય ચૈતન્યમાંથી ઊઠે છે, જ્યારે અહંકાર કોઈ ને કોઈ માયિક પદાર્થનું અવલંબન લઈને ઊઠે છે. જેમ કે હું બળવાન છું. તો શરીરનું અવલંબ છે. ધનવાન છું, તો ધનનો આધાર છે.

જ્યારે આપણે ગાઢ સુષુપ્તિમાં જઈએ છીએ ત્યારે અહંકારનો અભાવ અને અહં પ્રત્યયનો પોતાની સત્તાનો અનુભવ થાય છે. જેનું સ્પષ્ટ જ્ઞાન, જાગ્યા પછી થાય છે. સુષુપ્તિમાં અહંકાર અવિદ્યામાં લીન થઈ જાય છે. મહારાજે પણ બતાવ્યું છે કે જ્યારે આ જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે હું સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ-શૂદ્ર કે કોઈ પ્રકારનો છું, એવું ભાન રહેતું નથી. ત્યારે અહંકારની વૃત્તિ, વિષયવાસના, કર્તાપણું, જ્ઞાતાપણું એ બધું કારણ દેહમાં લીન થઈ જાય છે; છતાં પણ ત્યારે અહં પ્રત્યય રહે છે. જેની પ્રતીતિ જાગ્યા પછી થાય છે. ‘હું ખૂબ જ સુખપૂર્વક સૂતો હતો મને બીજી કોઈ વસ્તુનું ભાન ન હતું’ આવી જાગ્યા પછી સ્મૃતિ થાય છે. ત્યારે પ્રાકૃતિક અહંકાર તો સગુણ બ્રહ્મના સુખલેશમાં લીન થઈ ગયો હોય છે તો પછી કોને તે અનુભવ થયો? તો પોતાના ચૈતન્ય સ્વરૂપમાં થયો. તે અહં પ્રત્યયરૂપ છે, અહંકાર રૂપ નથી. હું સૂતો હતો, ત્યારે મને કંઈ ભાન ન હતું. એવી જે સ્મૃતિ થાય છે તે ત્યારે અહંકારનો અભાવ સૂચવે છે, ગેરહાજરી સૂચવે છે. જ્યારે સુષુપ્તિમાં ખૂબ મજા આવી, ‘હું સુખપૂર્વક સૂતો હતો એવી સ્મૃતિ છે તે અહં પ્રત્યય-જે ચૈતન્યમાંથી ઊઠે છે તેની છે. ત્યારે તે હાજર હતો પણ અભિવ્યક્તિનાં સાધનો બધાં જ સુષુપ્તિમાં લીન હોવાથી ત્યારે ખાલી અનુભવ જ કરી શકતો હતો પણ અભિવ્યક્તિ શકય નહતી. તેથી સ્મૃતિ દ્વારા વ્યકત થાય છે. આમ ગાઢ સુષુપ્તિમાં અહંકારના અભાવનો તો સર્વને અનુભવ થાય છે પણ પોતાના સ્વરૂપનો એટલે કે પ્રકૃતિના અંશથી રહિત એવા અહં પ્રત્યયનો અભાવનો અનુભવ કોઈને થતો નથી. સુષુપ્તિમાં ‘હું ન હતો’ એવો કયારેય અનુભવ થતો નથી તેથી એવું સાબિત થાય છે કે અહંકાર વિના આપણે (ચૈતન્ય સ્વરૂપ) રહી શકીએ છીએ પણ આપણા વિના અહંકાર રહી શકતો નથી. માટે આપણું સ્વરૂપ સત્તા માત્ર, ચૈતન્યરૂપ છે અને તે નિદરેષ ‘अहंप्रत्यय’ થી અભિવ્યક્ત થાય છે. પ્રકૃતિના પદાર્થોથી સંબંધિત થયેલ અહંકાર તો આપણા ચૈતન્ય સ્વરૂપને ઢાંકી દેનારો છે. તેની અભિવ્યક્તિ કરનારો નથી. તેમાં જે કાંઈ અભિવ્યક્તિ થાય છે તે કેવળ માયાના અંશોની જ થાય છે.

જો આપણે અહંકારથી અલગ ન હોઈએ અને અહંકારરૂપ જ હોઈએ તો સુષુપ્તિમાં અહંકાર જ્યારે લીન થાય છે ત્યારે આપણે પણ અસ્તિત્વ રહિત થઈ જવા જોઈએ પણ તેમ તો થતું નથી. જાગ્યા પછી ‘હું હતો’ એવી સ્મૃતિ થાય છે પણ અહંકારના કોઈ કાર્યની સ્મૃતિ થતી નથી. ઊલટું એવી સ્મૃતિ થાય છે કે ‘મને કોઈ ભાન ન હતું.’ માટે આપણું સ્વરૂપ ચૈતન્ય, અહં પ્રત્યયયુક્ત, અહંકારથી રહિત છે; પરંતુ અજ્ઞાનથી આપણા જીવનમાં અહંકાર મુખ્ય બની ગયો છે અને આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે, તે ગૌણ બની ગયું છે. તે અહંતાથી રહિત થવા માટે શાસ્ત્રમાં ઉપાયો સૂચવ્યા છે. કર્મયોગ અથવા ભગવાન અને ભગવાનના ભક્તોની વિશુદ્ધ ભાવે સેવા કરવી તે રૂપ જે સેવાયોગ તે ઉત્તમ સાધન છે. પરમાત્માએ મને જે કાંઈ અનુકૂળ શરીર, બુદ્ધિ, ગુણ કે કોઈ પ્રકારની આવડત આપી છે અને અનુકૂળ વસ્તુ, વ્યક્તિઓ, પરિસ્થિતિ, ઘટના કે અવસ્થાઓ આપી છે તે હવે મારે ભગવાન અને તેના ભક્તોની સેવામાં વાપરવાં છે, બીજે નથી વાપરવાં. વ્યક્તિગત સ્વાર્થ માટે તેનો ઉપયોગ નથી કરવો. આવી પવિત્ર ભાવનાનું જીવનમાં અનુષ્ઠાન કરવાથી અનાદિ કાળથી કારણ શરીરના રૂપમાં જામેલો અહંકાર દૂર થઈને શુદ્ધ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થવાય છે.

एषा ब्राह्मी स्थिति: पार्थ नैनां प्राप्य विमह्यति।

स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्म निर्वाणमृच्छति।।७२।।

અર્થઃ હે પાર્થ ! આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે; આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે.

एषा ब्राह्मी स्थिति पार्थ-હે અર્જુન, આ બ્રાહ્મી સ્થિતિ છે. અર્થાત્‌પરમાત્માને પમાડનારી સ્થિતિ છે. બ્રહ્મ સંબંધી એટલે બ્રાહ્મી સ્થિતિ છે. વ્યક્તિ જ્યારે અહંકાર અને મમત્વથી રહિત થાય છે અને પરમાત્માની અને તેના પરિશુદ્ધ ભક્તોની સેવામાં જોડાય છે ત્યારે તેને આપોઆપ આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સંસારનો સંબંધ જોડનારા મુખ્ય બે તંતુઓ અહંતા અને મમતા તૂટી જતાં આપોઆપ પરમાત્મા સંબંધી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે. જેને બ્રાહ્મી સ્થિતિ કહેવામાં આવે છે.

नैनां प्राप्य विमुह्यति-જ્યાં સુધી શરીરમાં અહંકાર અને તે સંબંધી પદાર્થોમાં મમતા રહે છે ત્યાં સુધી મોહ કોઈ રીતે દૂર થતો નથી. નવીન નવીન રૂપ ધારણ કરીને જીવના હૃદયમાં નિવાસ કરીને રહે છે; પરંતુ જ્યારે વ્યક્તિગત અહંકાર અને મમત્વ દૂર થાય છે ત્યારે તેનો મોહ પણ આપોઆપ દૂર થાય છે. સત્‌નો અનાદર કરીને અસત્‌માં ચોટવું તેને જ મોહ કહેવાય છે. અસત્‌ને અસત્સ્વરૂપે જાણવાથી જ અસત્‌ની નિવૃત્તિ થાય છે. કારણ કે અસત્‌ની સ્વતંત્ર સત્તા છે જ નહિ. તે જે કાંઈ પાંગરે છે તે સત્‌ની સત્તા ઉપર પાંગરે છે. જો અસત્‌ને જાણવાથી પણ અસત્‌ની નિવૃત્તિ ન થાય તો વાસ્તવમાં અસત્‌ની તેની પાસે ઓળખાણ જ નથી. તે શીખ્યું છે અને શીખેલા જ્ઞાનથી અસત્‌ની નિવૃત્તિ થતી નથી. (संदृशं चेष्टते स्वस्या: प्रकृर्ते ज्ञानवानपि। प्रकृतिं यांति भूतानि निग्रहं: किं करिष्यति। મોહની નિવૃત્તિ થતી નથી. શીખવાથી કે જ્ઞાનનો સંગ્રહ કરવાથી માણસ વિદ્વાન અથવા પંડિત બની જાય છે તો પણ અસત્‌ની નિવૃત્તિ એટલે કે મોહની નિવૃત્તિ થતી નથી. જ્યારે પરમાત્માને માર્ગે ચાલવાથી એટલે કે શાસ્ત્રીય જ્ઞાનનું જીવનમાં અનુષ્ઠાન કરવાથી માણસ અનુભવી થાય છે અને તેના મોહની નિવૃત્તિ થાય છે. स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्म निर्वाणमृच्छनि।

આ મનુષ્ય શરીર કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યું છે. એટલા માટે ભગવાન જીવને આ તક આપે છે કે અંતકાળે પણ જો આ સ્થિતિ આવી જાય તો બ્રહ્મ નિર્વાણ-બ્રહ્મના સુખને-એટલે કે આત્મા અને પરમાત્માના સુખને પામી જાય છે. જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. આઠમા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહ્યું છે કે અંતકાળમાં મારું સ્મરણ કરતાં કરતાં કોઈ પ્રાણ છોડે તો તે મને જ પ્રાપ્ત થાય છે, તેમાં સંદેહ નથી.

અહીં એક શંકા થઈ શકે છે કે જે અનુભવ આખી જિંદગીમાં નથી થયો તે અંતકાળના સમયમાં કેવી રીતે થશે? અર્થાત્‌સ્વસ્થ અવસ્થામાં તો સાધકની બુદ્ધિ સ્વસ્થ હશે. એનામાં વિચાર-વિવેક શક્તિ હોય, સાવધાની હોય ત્યારે કદાચ બ્રાહ્મી સ્થિતિમાં અનુભવ કરી લે; પરંતુ અંતકાળમાં પ્રાણ નીકળતી વખતે બુદ્ધિ અસમર્થ બની જાય છે, મૂછિર્ત બની જાય છે, સાવધાની શકય નથી. એવી અવસ્થામાં બ્રાહ્મી સ્થિતિનો અનુભવ કેવી રીતે શક્ય છે? તેનું સમાધાન એ છે કે મૃત્યુ સમયે જ્યારે પ્રાણ નીકળે છે ત્યારે આ લોકના શરીર વગેરેનો આપોઆપ સંબંધ વિચ્છેદ થાય છે. જીવ વાસ્તવિક સ્થિતિથી નજીક ઘણો નજીક હોય છે. જો સાધક મુમુક્ષુએ સાચા આશયથી જીવન દરમિયાન પ્રયત્ન કર્યો હોય તો અંતકાળે પણ ભગવાન તેને મદદ પણ કરે છે. માટે ત્યારે વિકટ પરિસ્થિતિ પણ વાસ્તવિક પરિસ્થિતિ પર જીવનું જો ધ્યાન કેન્દ્રિત થઈ જાય તો પરમાત્મા સંબંધી સ્થિતિનો સુગમતાથી અનુભવ થઈ જાય છે. એક તો નિર્વિકલ્પ સમાધિ છે અને બીજી તો પરમાત્મામાં નિર્વિકલ્પ સ્થિતિ છે. નિર્વિકલ્પ સમાધિ અષ્ટાંગ યોગને આધારે પામી શકાય છે. જ્યારે નિર્વિકલ્પ સ્થિતિ પરમાત્માની ઓળખાણ અને આત્મ-પરમાત્મતત્ત્વની જીવનમાં ઉઘાડી આંખે અનુભવથી પામી શકાય છે. પેલામાં અષ્ટાંગ યોગના અભ્યાસની જરૂર પડે છે, જ્યારે અહીં અષ્ટાંગ યોગની જરૂર પડતી નથી પણ વ્યવસાયાત્મિકા બુદ્ધિની જરૂર પડે છે. તેની જેટલી દૃઢતા વધારે તેટલી વહેલી તે સ્થિતિને પામી શકાય છે. તે લક્ષ્યરૂપ વ્યવસાયાત્મિકા બુદ્ધિ ચાહે પહેલાના અભ્યાસથી અથવા ભગવાન અને સંત નિર્વ્યાજ સેવાથી રાજી થયા હોય અને અહૈતુકી કૃપાથી પણ દૃઢતા થાય છે. જો તે અંત સમયે પણ સ્થિતિ આવી જાય છે તો તે અવસ્થાતીત થઈને ભગવાન પાસે જાય છે અને પરમાત્માના સુખને પામે છે. (ब्रह्म निर्वाण मृच्छति) જેને શ્રીજી મહારાજના શબ્દોમાં ‘જ્ઞાને કરીને સ્થિતિ’ કહી છે. જ્યારે ગીતાનુસાર તેને ‘તત્ત્વબોધ’ની સ્થિતિ કહી શકાય છે. તેમાં લક્ષ્યની ઓળખાણ અને દૃઢતાનું જ મહત્ત્વ છે અને તે અંતકાળે સ્પષ્ટ થવાની પણ શક્યતા છે.

આ અધ્યાયમાં કહેલા કર્મયોગમાં વિશેષ જાણવાનું એ છે કે સૃષ્ટિમાં જડ અને ચેતન બે પદાર્થો છે. જીવનું સ્વરૂપ ચેતન છે પણ તેણે જડનો સંગ અતિશય કર્યો છે માટે તેને જડની તરફ અતિ આકર્ષણ વધારે છે. જડની તરફ આકર્ષણ થવું એટલે પતન થવું. ચૈતન્ય તરફ અર્થાત્‌આત્મપરમાત્મા તરફ ખેંચાવું એટલે ઊર્ધ્વગતિ તરફ જવાનું છે અને તેને પોતાનું કલ્યાણ કરવું એમ કહેવાય. જડની તરફ જવામાં મોહ, અહંકારની અને વિષયભોગ પદાર્થોની પ્રધાનતા રહે છે. જ્યારે પરમાત્મા તરફ જવામાં વિવેકની, નિષ્કામ ભાવે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા-ભક્તિની પ્રધાનતા રહે છે.

સમજવાની દૃષ્ટિએ મોહ અને વિવેક બે જ છે. તેના બે-બે વિભાગ કરી શકય છે. (૧) અહંતા-મમતા યુક્ત મોહ અને કામના યુક્ત મોહ અથવા ભોગ પદાર્થોનો મોહ (૨) આત્મા-અનાત્માનો વિવેક અને કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક

પ્રાપ્ત શરીર, સદ્‌ગુણ, આવડત, વસ્તુ વગેરે બાબતની અહંતા મમતા કરવી તે અહંતા-મમતા યુક્ત મોહ છે અને અપ્રાપ્ત વસ્તુ વગેરેની કામના કરવી તેને કામના યુક્ત મોહ કહેવાય. જ્યારે શરીરી અને શરીરને અલગ સમજવા એ આત્મા અનાત્માનો વિવેક છે અને કર્તવ્ય-અકર્તવ્ય શું છે? હું આ દેહે શું કરું ત્યારે મારું આત્મકલ્યાણ અને પરમાત્માની મને પ્રાપ્તિ થાય તથા ધર્મ શું કહેવાય અને અધર્મ શું કહેવાય? આને સારી રીતે સમજીને કર્તવ્ય પ્રમાણે કરવું તથા અકર્તવ્યનો ત્યાગ કરવો, એ કર્તવ્ય અકર્તવ્યનો વિવેક છે.

પ્રથમ અધ્યાયમાં અર્જુનને બે પ્રકારનો મોહ થયો હતો. અહંતાને લીધે ‘અમે ધર્મને જાણનારા છીએ,’ ને મમતાને લીધે ‘આ કુટુંબીઓ મરી જશે.’ આવો મોહ થયો હતો તેને દૂર કરવા ભગવાને બે પ્રકારનો વિવેક બતાવ્યો. એક તો શરીર શરીરીનો તથા કર્તવ્ય-અકર્તવ્યનો અને કહ્યું કે જ્યારે તું તારા કર્તવ્યનું પાલન કરીશ ત્યારે મોહ દૂર થશે અને તું યોગને પામીશ અને જો યોગને પામીશ તો તારી પરમાત્મામાં સ્થિતિ થશે.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો સાંખ્યયોગ નામે બીજો અધ્યાય સંપૂર્ણ.