શ્લોક ૩૯-૫૩
કર્મયોગનો વિષય
एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योर्गे त्विमां श्रृणु।
बुद्धया युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि।।३९।।
અર્થઃ હે પાર્થ ! આ બુદ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ, જે બુદ્ધિથી યુકત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મબંધનમાંથી છૂટી જઈશ.
આ બે શ્લોકમાં ભગવાન કર્મયોગનો મહિમા કહે છે. શ્લોકમાં ‘તું’ પદ ભિન્નાભિક્રમ બતાવવા વપરાયો છે. અત્યાર સુધી સાંખ્યનો વિષય કહી હવે કર્મયોગનો વિષય કહેવાની શરૂઆત કરે છે. ભગવાન કહે છે કે હે અર્જુન ! આ સમબુદ્ધિ પહેલાં સાંખ્યયોગમાં મેં તને કહી. અર્થાત્આત્મા-અનાત્માના વિવેકમાં (સાંખ્યમાં) જે સમજણ (બુદ્ધિ) રાખવી જોઈએ તે મેં તને કહી. હવે યોગમાં (કર્મયોગ કરવામાં) જે સમજણ રાખવી જોઈએ તે કહું છું, તે સાંભળ. જે સમજણથી યુક્ત થયેલો તું કર્મબંધનનો ત્યાગ કરીશ અર્થાત્કર્મ કરીને પણ કર્મના બંધન થકી મુકાઈ જઈશ. હવે અહીંથી કર્મયોગની ખરેખર શરૂઆત થાય છે.
અહીં एषा તથા इमाम् એ બુદ્ધિનાં વિશેષણો છે. સમજણનાં વિશેષણો છે. एषा શબ્દ પૂર્વ શ્લોકમાં વર્ણવાયેલ સમબુદ્ધિને માટે કહ્યું છે. આ સમબુદ્ધિનું વર્ણન પહેલાં સાંખ્યયોગમાં (૧૧ થી ૩૦ શ્લોક સુધી) સારી રીતે કરવામાં આવ્યું છે. દેહ-દેહીનો ઠીક ઠીક વિવેક થયા પછી સમતામાં પોતાની સ્વતઃસિદ્ધ સ્થિતિનો અનુભવ થાય છે. કારણ કે દેહમાં રાગ રહેવાથી જ વિષમતા આવે છે. આ રીતે સાંખ્યયોગમાં તો સમબુદ્ધિનું વર્ણન થઈ ચૂક્યું છે. હવે આ જ સમબુદ્ધિને તું કર્મયોગના વિષયમાં સાંભળ.‘इमाम्’ કહેવાનું તાત્પર્ય એ છે કે હવે આ સમબુદ્ધિને કર્મયોગના વિષયમાં કહેવાની છે. અર્થાત્કેવી રીતે કર્મયોગ કરવામાં આવે તો સમબુદ્ધિ પ્રાપ્ત થાય ? એનું સ્વરૂપ કેવું છે ? એનો મહિમા કેટલો છે ? આ વાતોને માટે ભગવાને આ બુદ્ધિને યોગના વિષયમાં સાંભળવા માટે કહ્યું છે.बुद्धया युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि।
અર્જુનના મનમાં યુદ્ધ કરવાથી પાપ લાગવાની સંભાવના હતી; (અ. ૧/૩૬, ૪૫) પરંતુ ભગવાનને મતે કર્મોમાં વિષમબુદ્ધિ (રાગ દ્વેષ) હોવાથી જ પાપ લાગે છે. સમબુદ્ધિ આવે તો પાપ લાગતું જ નથી. જેવી રીતે સંસારમાં બીજી વ્યક્તિઓ દ્વારા પાપ અને પુણ્યની અનેક ક્રિયાઓ થતી રહે છે પણ તેનાથી આપણને પુણ્ય પાપ નથી લાગતાં. કારણ કે તેઓમાં આપણને સમબુદ્ધિ છે. અર્થાત્તેઓમાં આપણા કોઈ પક્ષપાત, આગ્રહ કે રાગદ્વેષ નથી રહેતા. એવી જ રીતે જાતે કરેલાં કર્મોમાં પણ સમબુદ્ધિ (રાગદ્વેષ રહિતપણું) રહેશે તો તને આ કર્મો પણ બંધન કરનાર નહિ થાય.
આ જ અધ્યાયના સાતમા શ્લોકમાં અર્જુને પોતાના કલ્યાણની વાત પૂછી હતી. એટલા માટે ભગવાન કલ્યાણનાં મુખ્ય સાધનોનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ ભગવાને સાંખ્યયોગનું સાધન બતાવ્યું ને તેમાં પણ કર્તવ્ય કર્મ કરવા પર ઘણો ભાર આપ્યો કે ક્ષત્રિયો માટે ધર્મરૂપી યુદ્ધથી મોટું શ્રેયનું સાધન બીજું કોઈ નથી. (અ. ૨/૩૧) પછી કહ્યું કે સમબુદ્ધિથી યુદ્ધ કરવામાં આવે તો પાપ નથી લાગતું. (અ. ૨/૩૮) હવે તે જ સમબુદ્ધિને કર્મયોગના વિષયમાં કહે છે.
કર્મયોગી કર્મબંધનથી મુકાવા માટે બધાં કર્મો કરે છે. જ્યારે સિદ્ધ કર્મયોગી લોકસંગ્રહને માટે કર્મો કરે છે. (અ. ૩/૨૦) લોકસંગ્રહને માટે કર્મ કરવાથી અર્થાત્નિઃસ્વાર્થ ભાવથી લોકમર્યાદા સુરક્ષિત રાખવાને માટે, લોકોને કુમાર્ગથી પાછા વાળીને સન્માર્ગમાં લગાડવાને માટે કર્મ કરવાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાની પ્રાપ્તિ થવાથી કર્મયોગી કર્મબંધનથી સુગમતાપૂર્વક છૂટી જાય છે.
આ (૩૯મો) શ્લોક ત્રીસમા શ્લોક પછી તુરત આવવો જોઈતો હતો. ત્યાં ઠીક બંધ બેસે છે. કારણ એ છે કે આ શ્લોકમાં બે નિષ્ઠાઓનું વર્ણન છે. પ્રથમ-અગિયારથી ત્રીસ શ્લોક સુધી સાંખ્યયોગથી નિષ્ઠા બતાવી અને હવે કર્મયોગથી નિષ્ઠા (સમતા) બતાવવા માગે છે. તેથી આ શ્લોક બન્ને વચ્ચે કડીરૂપ બની જાય અને એકત્રીસથી આડત્રીસ સુધીના આઠ શ્લોકને વચ્ચે આપવા એટલા બધા સુસંગત બેસતાં નથી. છતાં આઠ શ્લોકો અહીં આપ્યા છે. તેનું કારણ એ છે કે કર્મયોગમાં સમતા કહેતાં પહેલાં કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે ? તે વિષયનું વર્ણન થવું આવશ્યક છે. અર્જુનને માટે યુદ્ધ કરવું એ કર્તવ્ય છે અને યુદ્ધ નહિ કરવું એ અકર્તવ્ય છે. આથી ભગવાને કર્તવ્ય-અકર્તવ્યનું વર્ણન કરવા માટે જ વચ્ચેના આઠ શ્લોકો કહ્યા છે અને પછી સમતાની વાત કહી છે. તાત્પર્ય એ છે કે અકર્તવ્યનો ત્યાગ અને ફળની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સમતા રાખવાની છે માટે તેનું વર્ણન હવે કરે છે.
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्।।४०।।
અર્થઃ આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત્અવળા ફળરૂપી દોષ પણ નથી; બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે.
આ કર્મયોગનો મહિમા એટલે કે કર્તવ્ય પાલન કરતાં કરતાં સમતા રાખવાનો મહિમા આ બન્ને શ્લોકમાં ચાર પ્રકારે વર્ણવ્યો છે.
(१) कर्मबन्धं प्रहास्यसि-એના દ્વારા મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈ જાય છે.
(२) नेहाभिक्रम नाशोऽस्ति-એના આરંભનો નાથ થતો નથી.
(३) प्रत्यवायो न विद्यते- એનું ઊલટુ ફળ થતું નથી.
(४) स्वल्प… त्रायते महतो भयात् એનું થોડુક પણ અનુષ્ઠાન મોટા ભયથી રક્ષણ કરવાવાળું થાય છે.
नेहाभिक्रमनाशोऽस्ति આ કર્મયોગનો કેવળ આરંભ જ થઈ જાય તો તે આરંભનો કદી નાશ થતો નથી. મનમાં કર્તવ્યપાલન કરતાં કરતાં જે સમતા પ્રાપ્ત કરવાની લાલસા અને ઉત્કંઠા જાગે છે, એ જ કર્મયોગનો આરંભ છે. આ આરંભનો કયારેય નાશ થતો નથી. કારણ કે કર્મયોગ પરમાત્માને પામવાનું સનાતન સાધન છે. (ગી.અ. ૪/૧ થી ૩) અને સનાતન વસ્તુની લાલસા પણ સનાતન જ હોય છે. તેનો એકવાર સાચી રીતે આરંભ થઈ ગયા પછી તેનો કોઈ નાશ કરી શકતું નથી. અહીં ‘इह’ કહેવાનું તાત્પર્ય એ છે કે આ મનુષ્યલોકમાં મનુષ્ય જ કર્મ યોગને પ્રાપ્ત કરવાનો અધિકારી છે. મનુષ્ય સીવાય બીજી બધી યોનિઓ ભોગયોનિઓ છે. આથી જ્યાં ભોગપ્રધાનતા હોય ત્યાં વિષમતા (रागद्वेष) નો નાશ શકય જ નથી. મારું-તારું અને રાગદ્વેષથી ભોગની શરૂઆત થાય છે.
प्रत्यवायो न विद्यते-સકામભાવપૂર્વક કરવામાં આવેલાં કર્મોમાં જો મંત્ર ઉચ્ચારણ, વિધિ-વિધાન વગેરેમાં કોઈ ખામી રહી જાય તો તેનું ઊલટું ફળ આવે છે. જેમ કે કોઈ પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરતો હોય ને તેમાં વિધિની ત્રુટિ થાય તો ઊલટો પુત્ર થવાને બદલે કોઈનું મૃત્યુ પણ થાય અથવા પુત્ર થાય તો પૂર્ણ અંગવાળો ન થાય ને ખોડ-ખાપણવાળો થાય. જ્યારે સમતા બુદ્ધિએ યુક્ત કર્મયોગને અનુષ્ઠાનમાં લાવવાનો જે પ્રયત્ન કરે છે ને કદાચ તેમાં કોઈ ત્રુટિ રહી ગઈ તો પણ તેનું કોઈ વિપરીત-ઊલટું ફળ-નુકસાન થતું નથી. જે કાંઈ થાય છે તે લાભકારક થાય છે. કારણ કે તેમાં ફળની ઈચ્છા રાખવામાં આવતી નથી. ફળની ઈચ્છા રહે, ત્યાં સુધી કર્મયોગ બની શકતો નથી. માત્ર તે ‘કર્મ’ બની રહે છે. યોગ ન બની શકે.
स्वल्प… त्रायते महतो भयात्।
આ કર્મયોગ જે કર્મમાં સમતાનું આચરણ કરવું તે રૂપી ધર્મનું થોડુંક પણ અનુષ્ઠાન થઈ જાય થોડી પણ સમતા જીવનમાં કે આચરણમાં આવી જાય, જન્મમરણરૂપ મોટા ભય થકી તેનું રક્ષણ થાય છે. જેમ સકામ કર્મ, ફળ આપીને નષ્ટ થઈ જાય છે. એવી રીતે સમતાએ યુક્ત એવો આ કર્મયોગ ધનસંપત્તિ વગેરે કોઈ ફળ આપીને નષ્ટ નથી થતો. અર્થાત્એનું ફળ નાશવંત એવી ધનસંપત્તિ વગેરેની પ્રાપ્તિ કરાવવા માટે નથી હોતું. સાધકના અંતઃકરણમાં અનુકૂળ-પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેમાં જેટલી સમતા આવી જાય છે તેટલી સમતા અટલ બની જાય છે. એટલો કર્મયોગ સિદ્ધ થાય છે. પછી કોઈપણ કાળમાં આ સમતાનો નાશ થતો નથી. જેવી રીતે યોગભ્રષ્ટ આત્માને સાધન અવસ્થામાં જેટલી સમતા આવી જાય છે, પછી તે યોગભ્રષ્ટ સ્વર્ગલોક કે મૃત્યુલોકના ઊંચા સુખભોગ ભોગવવા છતાં તેના હૃદયમાં સ્થિર થયેલ સમતાનો નાશ થતો નથી. તે સમતાની સામગ્રી ખર્ચાઈ જતી નથી પણ જેમ છે તેમની તેમ જળવાઈ રહે છે. કારણ કે તે સત્છે અને સદા રહેવાવાળી સનાતન છે.
‘धर्म’ શબ્દ મોટે ભાગે બે બાબતો માટે વપરાય છે. (૧) દાન કરવું, પરબ માંડવી વગેરે પરોપકારના કાર્યો કરવા તથા (૨) વર્ણાશ્રમ પ્રમાણે શાસ્ત્રોમાં જણાવેલા પોતાનાં કર્તવ્યોનું પાલન કરવું. આ બન્ને વસ્તુનું નિષ્કામભાવથી પાલન કરવાથી સમતા ધર્મ આપોઆપ તે સાધકના હૃદયમાં આવી જાય છે. કારણ કે આ સમતા રૂપી ધર્મ પોતાનો ધર્મ છે અને સ્વરૂપ સાથે જોડાયેલો છે. આ વિશેષ-લોકોના હૈયામાં ઘણું કરીને આ વાત બેઠેલી છે કે, મન લાગવાથી જ ભજન સ્મરણ થાય છે અને મન ન લાગે તો રામ રામ કરવાથી શું લાભ ? પરંતુ ગીતાની દૃષ્ટિ કંઈક તેનાથી અલગ છે. ગીતાની દૃષ્ટિએ જીવનમાં સમતા-આવવી એ ખૂબ ઊંચી વસ્તુ છે. અર્થાત્‘યોગ’ આવવો તે જ શ્રેષ્ઠ વસ્તુ છે. ‘समत्वं योग उच्यते’ ‘योग: कर्मसु कौशलम्’ કોઈપણ ક્રિયાની અંદર યોગ તત્ત્વ આવતાં તે ક્રિયા નથી રહેતી પણ પોતાના કલ્યાણનું સાધન બની જાય છે. માટે ગીતાની દૃષ્ટિએ ઊંચી ચીજ છે, સમતા અથવા યોગ. આ વસ્તુ જેમાં આવી જાય તેને ગીતા સિદ્ધપુરુષ કહી દે છે. જેનામાં બીજાં ઘણાં લક્ષણો આવી જાય પણ એક સમતા તત્ત્વ ન આવે તો તેને ગીતા સિદ્ધ નથી કહેતી.
સમતા બે પ્રકારની છે. એક અંતઃકરણની સમતા અને બીજી સ્વરૂપની સમતા. સ્વરૂપની સમતા એ પરમાત્માનું સ્વરૂપ છે.
‘समोऽहं सर्व…’’ (ગી.અ. ૯/૨૯) निर्दोषं ही समं ब्रह्म… (ગી.અ. ૫/૧૯) પરમાત્મામાં બિલકુલ વિષમતા નથી. માટે પરમાત્મામાં જે સાધક સ્થિર થાય છે તેણે સમગ્ર સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. તે જીવનમુક્ત થઈ ચૂકયો છે; પરંતુ તેની ઓળખાણ અંતઃકરણની સમતાથી થાય છે. અંતઃકરણની સમતા છે સિદ્ધિ-અસિદ્ધિમાં સમ રહેવું. (ગી.અ.૨/૪૮) પ્રશંસા થાય અથવા નિંદા થાય, કાર્ય સફળ થાય અથવા અસફળ થાય. લાખો રૂપિયા આવી જાય અથવા ચાલ્યા જાય; પરંતુ જે કદાપિ પોતાના નિશ્ચિત ધ્યેયથી વિચલિત થતો નથી. એના અંતઃકરણમાં કોઈ હલચલ થતી નથી. સુખદુઃખ, હર્ષશોક વગેરે ન થાય. એક પોતાના ધ્યેય એવા પરમાત્માની આરાધનારૂપ કર્મયોગ કરતો રહે. એ છે અંતઃકરણની સમતા. આવી સમતાનો કદી નાશ થતો નથી. આત્મકલ્યાણ સિવાય આ સમતાનું બીજું કોઈ ફળ હોતું નથી.
મનુષ્ય તપ, દાન, તીર્થ, વ્રત વગેરે કોઈ પણ પુણ્ય કર્મ કરે, તે કર્મ ફળ આપીને નાશ પામે છે; પરંતુ તે જ સાધનો કરતાં કરતાં થોડી પણ સમતા (નિર્વિકારતા) સંપાદિત કરી લે તો તે નષ્ટ થતી નથી. ઊલટાનું થોડી પણ સમતા કલ્યાણ કરી દે છે. માટે સાધનમાં સમતા જેટલી ઊંચી ચીજ છે, મનની એકાગ્રતા પણ એટલી ઊંચી ચીજ નથી. મન એકાગ્ર થવાથી સિદ્ધિઓ તો પ્રાપ્ત થાય છે; પરંતુ કલ્યાણ પ્રાપ્ત નથી થતું. કર્મયોગની સમતા આવવાથી મનુષ્ય સંસાર બંધનથી મુકાઈ જાય છે.
व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन।
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम्।।४१।।
અર્થઃ હે અર્જુન ! આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે; જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણાં પ્રકારની અને અપાર હોય છે.
ઓગણ ચાલીસમા શ્લોકમાં જે સમબુદ્ધિ સાંભળવા માટે કહી અથવા ૩૮માં શ્લોકમાં કર્મયોગની વાત કહી તેને પ્રાપ્ત કરવાનું પ્રથમ સોપાન આ શ્લોકમાં બતાવે છે.
व्यवसायात्मिक्रा बुद्धिरेकेह कुरुनन्दन
કર્મયોગી સાધકનું ધ્યેય(લક્ષ્ય) જે સમતાને પ્રાપ્ત કરવાનું કહે છે તે સમતા સાધ્ય-સાધનના વિભાગથી બે પ્રકારની છે. તેમાં સાધ્ય સમતા એ પરમાત્માનું સ્વરૂપ છે. ‘समोऽहं सर्व भूतेषु’… ૯/૨૯) અને બીજી સમતા છે અંતઃકરણની સમતા. પરમાત્મ સ્વરૂપ સમતાને પામવા માટે અંતઃકરણની સમતા સાધન રૂપ છે; પરંતુ અંતઃકરણની સમતા માટે સંસારનો રાગ બાધક છે. તે અંતઃકરણમાં સમતાનું સંતુલન(બેલેન્સ) રહેવા દેતો નથી. એ રાગને દૂર કરીને પરમાત્મ તત્ત્વ પ્રાપ્ત કરવાનો જે માર્ગ (કર્મયોગ) અને તે માર્ગે ચાલવાનો જે અચળ નિર્ણય કરવો તેનું નામ છે, ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ.’ ‘વ્યવસાયો-નિશ્ચયઃ અને વ્યવસાયાત્મિકા બુદ્ધિ, એટલે જેમાં કલ્યાણનો સાચો રસ્તો ઓળખીને તે માર્ગે ચાલવાનો નિર્ણય કરવો તે કહેવાય. અહીં કહ્યું કે व्यवसायात्मिक्रा बुद्धिरेकेह વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક કેમ હોય છે ? કારણ કે તેમાં સાંસારિક વસ્તુ, પદાર્થ વગેરેની કામનાનો ત્યાગ કરવાનો હોય છે અને રાગ કે કામનાનો ત્યાગ એક જ હોય છે. ચાહે ધનની કામના ત્યાગ કરો, ચાહે માનની કામના ત્યાગ કરો. તેવી જ રીતે દુન્યવી કોઈપણ કામના ત્યાગ કરો. આવી રીતે કર્મયોગ કરતાં કરતાં તમામ કામના ત્યાગ કરનારી એક પ્રકારની બુદ્ધિ હોય છે. જ્યારે કામના ગ્રહણ કરનાર બુદ્ધિ અનેક પ્રકારની હોય છે અને જુદી જુદી સ્વતંત્ર હોય છે. માટે કામાત્મિકા બુદ્ધિ અનેક હોય છે તે કયારેય એક બુદ્ધિ હોતી નથી. કારણ કે કામના ગ્રહણ કરવા બુદ્ધિને તે તે આકારે અવશ્ય થવું પડે છે. તેવું ત્યાગ કરવામાં થવું પડતું નથી. તેમાં કોઈ લક્ષ્યના આકારે નથી થવાનું.
ગીતામાં કર્મયોગ (પ્રસ્તુત શ્લોક ૨/૪૧) અને ભક્તિયોગ (અ. ૯/૩૦ अपि चेत्… सम्यक्व्यवसितो हि स:) ના વિષયમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિનું વર્ણન આવ્યું છે; પરંતુ જ્ઞાનયોગના વિષયમાં તેવું વર્ણન નથી આવ્યું એનું કારણ એ છે કે જ્ઞાનમાર્ગમાં પ્રથમ પોતાના આત્મસ્વરૂપની અને પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થતી જાય છે.પછી એના પરિણામસ્વરૂપ બુદ્ધિ આપોઆપ એક નિશ્ચયવાળી બનતી જાય છે. જ્યારે કર્મયોગ અને ભક્તિયોગમાં બુદ્ધિમાં પ્રથમ એક નિશ્ચય કરવો જરૂરી છે. કર્મયોગમાં મારે દુન્યવી વસ્તુઓનો ત્યાગ કરીને ભગવાન પાસે જવું છે. (વચ. મ.૨૨) એવો નિશ્ચય હોય છે. જ્યારે ભક્તિયોગમાં હું જગતનો નથી પણ પરમાત્માનો છું. એવો બુદ્ધિમાં નિશ્ચય થાય છે અને જરૂરી છે. માટે જ્ઞાનમાર્ગમાં સ્વરૂપની ઓળખાણ મુખ્ય જરૂરી છે અને કર્મયોગ અને ભક્તિયોગમાં પ્રથમ દૃઢ નિશ્ચય થવો જરૂરી છે.
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम्
અવ્યવસાયીઓ તેઓ હોય છે જેના અંતરમાં ઝાઝી કામનાઓ અને લૌકિક એષણાઓ ભરી હોય છે અને જેઓ ભોગ અને સંગ્રહ તથા સત્તામાં આસક્ત હોય છે. કામનાને કારણે એવાઓની બુદ્ધિઓ અંનત હોય છે અને તે બુદ્ધિઓ પણ અનંત શાખાઓવાળી હોય છે. અર્થાત્પ્રત્યેક બુદ્ધિની પણ અનંત શાખાઓ હોય છે. જેમ કે પુત્રની પ્રાપ્ત કરવી છે. આ એક બુદ્ધિ થઈ. હવે પુત્ર પ્રાપ્તિ માટે કોઈ ઔષધીનું સેવન કરે, કોઈ મંત્રનો જપ કરે, કોઈ અનુષ્ઠાન કરે, કોઈ સંતના આશીર્વાદ લે વગેરે ઉપાયો એ બુદ્ધિની અનંત શાખાઓ થઈ. એવી જ રીતે ધનપ્રાપ્તિ કરવી છે. આ એક બુદ્ધિ થઈ અને ધન પ્રાપ્તિ માટે વેપાર કરે, નોકરી કરે, ચોરી કરે, લૂંટ કરે, દગો દે વગેરે એ બુદ્ધિની અનંત શાખાઓ થઈ. એવા મનુષ્યોની બુદ્ધિમાં પરમાત્મ પ્રાપ્તિનો નિશ્ચય નથી હોતો.
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चित:।
वेदवादरता: पार्थ नान्यदस्तीति वादिन:।।४२।।
कामात्मान: स्वर्गपरा जन्मकर्मफलप्रदाम्।
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति।।४३।।
भोगैश्वर्य प्रसक्तानां तयापहृतचेतसाम्।
व्यवसायात्मिका बुद्धि: समाधौव न विधीयते।।४४।।
અર્થઃ હે અર્જુન ! જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મફળનાં પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયાતું બીજું કશું જ નથી- એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી-બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે; તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલૂ છે, જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસકત છે, એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી.
અવ્યવસાયી મનુષ્યોની બુદ્ધિ અનંત શા માટે હોય છે તેનું કારણ આ ત્રણ શ્લોકમાં કહે છે.
અવ્યવસાયી મનુષ્યોની બુદ્ધિ અનંત શા માટે હોય છે તેનું કારણ આ ત્રણ શ્લોકમાં કહે છે.
कामात्मान: તેઓ કામનામાં એટલા બધા રચ્યા પચ્યા રહે છે કે તેઓ સ્વયં કામનારૂપ બની જાય છે. તેઓને પોતાનામાં અને કામનામાં ભેદ જ નથી દેખાતો. તેઓનાં હૃદયમાં આ જ ભાવ રહે છે કે કામના વિના આદમી જીવી નથી શકતો. કામના વિના નિષ્કામ થઈને કોઈ પણ કાર્ય થવું શકય નથી. કામના વિના આદમી પથ્થરની જેમ જડ થઈ જાય છે. તેનામાં ચેતના પણ રહેતી નથી. કામના જ ચેતના લાવે છે. એવા માણસોને कामात्मान: કહ્યા છે.
ખરેખર પોતે કામનાથી અલગ છે. પોતે નિત્ય નિરંતર જેમ છે તેમ રહે છે. તેમાં વધઘટ થતી નથી; પરંતુ કામના આવતી જતી રહે છે. એક પૂરી થાય, તે જાય ત્યાં બીજી આવે છે. સતત બદલાયા કરે છે ને વધઘટ થયા કરે છે. પોતે પરમાત્માનો અંશ છે ને કામના સંસારનો ભાગ છે. માટે પોતે અને કામના એ બન્ને અલગ અલગ છે; પરંતુ કામનામાં રચ્યાપચ્યા લોકોને પોતાના સ્વરૂપનું અલગ ભાન જ નથી થતું.
स्वर्गपरा: સ્વર્ગમાં ત્રિલોકીના શ્રેષ્ઠ ભોગો રહેલા છે. અર્થાત્ભોગ જ તેઓના લક્ષમાં હોય છે અને તેને અર્થે જ રાત્રિ દિવસ તેઓનો ઉદ્યમ હોય છે. અહીં એવા માણસો માટે સ્વર્ગપરા કહ્યું છે. જેઓને શાસ્ત્રોમાંથી પણ ભોગ ને ભોગના સાધનોની વાત જ હાથમાં આવે છે. મોક્ષની વાત આવી હોય તો પણ તેના ધ્યાનમાં આવતી નથી. તેની સંપૂર્ણ આસ્થા ભોગમાં જ છે.
वेदवादरता: पार्थ नान्य:…
તેઓને વેદોમાં કહેલા સકામ કર્મોમાં જ પ્રીતિ છેઅને વેદોનું તાત્પર્ય કેવળ ભોગોમાં અને સ્વર્ગની પ્રાપ્તિમાં માને છે. આ કારણથી તેઓને वेदवादरता કહ્યા છે. તેઓની માન્યતામાં અહીંના અને સ્વર્ગના ભોગ સિવાય બીજું કશું છે જ નહિ. તેઓની દૃષ્ટિમાં ભોગ સિવાય, પરમાત્મા, તેની ભક્તિ, મુક્તિ, ભગવત્પ્રેમ કે સમર્પણ જેવી કોઈ વસ્તુ નથી. આથી ભોગોને ભોગવવાનું તેઓનું મુખ્ય લક્ષ્ય રહે છે.
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चित:।
अविपश्चित: એટલે અવિવેકી કે જેઓને સત્અસત્, નિત્ય-અનિત્ય, અવિનાશી-વિનાશી વગેરે વિવેક નથી. એવા અવિવેકી મનુષ્યો છે. તે વેદોની જે વાણીમાં સંસાર અને ભોગોનું વર્ણન છે તે વાણીને પકડીને બોલ્યા કરે છે. અહીં ‘पुष्पितां કહેવાનું તાત્પર્ય એ છે કે ભોગ, સત્તા અને ઐશ્વર્યનું વર્ણન કરવાવાળી કેવળ ફૂલ અને પાંદડાં જેવી શોભાવાળી જ છે. તેમાં ફળ નથી. ફળથી જ માણસને તૃપ્તિ થાય છે. ફૂલ-પાંદડાં કેવળ શોભા છે તેમ ભોગો કોઈ સ્થાયી નથી, બદલ્યા કરે છે.
जन्म कर्म फलप्रदाम्-વળી આ વાણી જન્મમરણરૂપ ફળને આપનારી છે. કારણ કે ભોગોનો રાગ જ આગળ જન્મ અને સંસૃતિ થવામાં કારણરૂપ છે. (कारणं गुणसङगोऽस्य सद्सद्योनि जन्मसु १३/२१)
क्रिया विशेष बहुलां भोगैर्श्वयगतिं प्रति
જે પુષ્પિત વાણી ભોગ અને ઐશ્વર્યોનું વર્ણન કરે છે, તેમાં સકામ કર્મોનાં અનુષ્ઠાનોનું વર્ણન વધારે છે. તેથી તેઓમાં વિધિ વિધાનરૂપ કર્મોનું બાહુલ્ય રહે છે અને પરિશ્રમ પણ તેમાં વધુ રહે છે પણ ભોગ પ્રત્યેની આસક્તિથી તે જણાતું નથી.
तयापहृत चेतसाम्
આવી રોચક વાણીએ જેનું ચિત્ત હરી લીધું છે, અર્થાત્ભોગોમાં જેનું ચિત્ત ખેંચાઈ ગયું છે.
भोगैश्वर्य प्रसक्तानाम् શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ વિષયો, શરીરનો આરામ, માન, સત્તા અને નામની મોટાઈ. આના દ્વારા સુખ લેવાનું નામ ‘ભોગ’ છે. એ ભોગમાં મદદરૂપ થાય તેવા પદાર્થ, રૂપિયા, પૈસા, મકાન, વાહન વગેરેનો સંગ્રહ કરી રાખવો તે ઐશ્વર્ય કહેવાય. આ ભોગ અને ઐશ્વર્યમાં જેમની આસક્તિ છે, પ્રીતિ છે, ખેંચાણ છે ને તેની પાછળ લટ્ટુ બની ગયા છે. તેથી તેઓને એમાં જ મહત્ત્વબુદ્ધિ છે. તેને માટે આ શબ્દો વાપરેલા છે.
આવા જે મનુષ્યો છે તે ભોગ, ઐશ્વર્યમાં જ ચોટ્યા રહે છે અને તેને મેળવવા માટે જે કાંઈ કરવું ઘટે તે બધું જ કરે છે. તેને અસુર કહ્યા છે ‘અસુ’ એટલે પ્રાણ (ઈન્દ્રિયો સહિત) અને કેવળ તેનું પોષણ અને તેને લાડ લડાવવા માગનારાને ‘અસુર’ કહેવાય છે. તેઓમાં શરીરની પ્રધાનતા હોવાથી ભોગ તેમનું મુખ્ય લક્ષ્ય અને ઊંચાઈનું માપદંડ બની રહે છે. ભગવાન સોળમા અધ્યાયમાં દૈવી-આસુરી લોકોનું વર્ણન કરતાં કહે છે કે कामोपभोगपरमा एतावदिति निश्चिता: (१६/११) प्रसक्ता कामभोगेषु (१६/१६) માટે જેઓ કેવળ ભોગ, દૈહિક પદાર્થો અને આ લોકના મહત્ત્વમાં ચોટી રહ્યા છે. તેઓ આસુરી સંપત્તિવાળા જ છે.
व्यवसायात्मिका बुद्धि: समाधौ न विधीयते
જે મનુષ્ય જન્મનું મૂળ ધ્યેય છે, જેને માટે પરમાત્માએ મનુષ્ય શરીર આપ્યું છે, તે છે પરમાત્માને પ્રાપ્ત કરવા. એ વ્યવસાયાત્મિકા બુદ્ધિ તે લોકોમાં હોતી નથી. ટૂંકમાં જે ભોગો ભોગવ્યા છે અને ભવિષ્યમાં જે ભોગો ભોગવવાની તીવ્ર તમન્ના છે વળી જે ભોગો સાંભળવામાં આવ્યા છે, તેના વિપરીત સંસ્કાર બુદ્ધિમાં પડયા છે. તેથી બુદ્ધિમાં મલિનતા રહે છે. તે મલિનતાને કારણે સંસારથી રાગ તોડીને પરમાત્મા તરફ ચાલવું છે. એવો દૃઢ નિર્ણય પણ તેની બુદ્ધિ લઈ શકતી નથી. તેનાથી પણ વધારે ભયંકર અભિમાનજન્ય સુખનો ભોગ છે. કોઈ ગુણ અથવા વિશેષતાના યોગે જે સર્વથી હું કંઈક વધારે છું, એવો અભિમાનજન્ય ભોગ અને તેને વધારવામાં આસક્ત મનુષ્ય પણ પરમાત્માના માર્ગનો નિર્ણય લઈ શકતો નથી. તો માર્ગે ચાલવામાં સ્થિરતા તો આવે જ કયાંથી ?
વિશેષ વાત એ છે કે પરમકૃપાળુ પરમાત્માએ કૃપા કરીને મનુષ્યોને એકને જ વિવેક શક્તિ આપી છે. જેનો સદ્ઉપયોગ કરીને તે સુખદુઃખથી પર થઈ શકે છે અને પોતાનો ઉદ્ધાર કરીને ભગવાન તથા તેના ભક્તોની તથા બીજાની સેવા કરી શકે છે. ભગવાનને પણ વશમાં કરી શકે છે. એમાં જ પ્રભુએ આપેલ મનુષ્ય શરીર અને વિવેકશક્તિની સાર્થકતા છે; પરંતુ પ્રભુએ આપેલી આ વિવેકશક્તિનો અનાદર કરીને ભોગ અને સંગ્રહમાં આસક્ત બની જવું, એ વિવેક શક્તિનો અનાદર છે. પરમાત્માએ આપેલ બક્ષિસનો અનાદર છે અને પશુબુદ્ધિ છે. કારણ કે પશુ પક્ષીઓને ભોગ સિવાય બીજું કશું ધ્યેય હોતું નથી. પશુયોનિ તો ભોગયોનિ છે. તેને કર્તવ્યકર્મનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો; પરંતુ મનુષ્ય જન્મ તો કેવળ પોતાનું કર્તવ્યપાલન કરીને ભગવાનની આરાધના કરીને પોતાનો ઉદ્ધાર કરવા માટે જ મળ્યો છે, ભોગો ભોગવવા માટે નહિ. એટલા માટે મનુષ્યની સામે જે કોઈ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે તે બધી મોક્ષની સામગ્રી છે. ભોગની સામગ્રી નથી. જેઓ તેને ભોગની સામગ્રી માની લે છે અને તેના તરફ ભોગદૃષ્ટિથી જુએ છે તેને વ્યવસાયાત્મિકા બુદ્ધિ થતી નથી. તે કયારેય કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કરી શકતો નથી. વાસ્તવમાં ત્યાગથી જ અસલી સેવા થઈ શકે છે. અર્થાત્ભોગ અને તેના સંગ્રહની ઈચ્છાનો મૂળમાંથી ત્યાગ કરવાથી જ ભગવાન તથા તેમના ભક્તો અને બીજાની સેવા થાય છે. જ્યાં સુધી ભોગ-સંગ્રહની ઊંડી ઈચ્છા હોય ને સેવા કરવા જાય તો પણ ભગવાન કે તેના ભક્તની સેવા કરતાં ખુદની જ સેવા-વ્યવસ્થા થઈ જાય છે. સેવા-પરોપકારનો ખાલી ઉપલો દેખાવ જ રહે છે. તે નકલી સેવા બની જાય છે; પરંતુ તેમાં જ્યારે અસલી ઉદ્દેશ્ય આવી જાય તો નકલી સેવા પણ અસલી બની જાય છે. તેમાં સાધકની રુચિ અને દાનત ઉપર આધાર રહે છે. પ્રામાણિકતાથી શુદ્ધ આશય હોય તો જ સાચો માર્ગ હાથમાં આવે છે. વાસ્તવમાં સાંસારિક પદાર્થો પરમાત્મા તરફ ચાલવામાં એટલી બધી બાધા ઊભી નથી કરતા, જેટલી બાધા અંતઃકરણમાં પડેલું ભોગોનું મહત્ત્વ તે કરે છે. માટે સાધકની રુચિ અને દાનતની પ્રામાણિકતા ઉપર આધાર રહે છે. કોઈ સાધક ભોગ અને સંગ્રહની રુચિ અને અંતરની દાનત રાખીને પરમાત્માને પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે તો ગીતા કહે છે કે પરમાત્માની પ્રાપ્તિ તો દૂર રહી પણ તેની પ્રાપ્તિનો નિશ્ચય પણ કરી શકતા નથી. તે નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગના માર્ગે ચાલવાનો નિશ્ચય પણ કરી શકતો નથી. કારણ કે જે કેન્દ્રમાં પરમાત્મા તરફ ચાલવાની રુચિ કરવાની હોય ત્યાં પ્રથમથી જ ભોગ અને સંગ્રહની રુચિ આવીને બેસી ગઈ છે. માટે જ્યાં સુધી ભોગ અને સંગ્રહમાં, માન, બડાઈ, સત્તા અને દેહના આરામમાં રુચિ છે, ત્યાં સુધી કોઈપણ સાધક એક નિશ્ચય કરીને પરમાત્મામાં લાગી શકતો નથી. કારણ ભોગોએ એનું સત્ત્વ હરી લીધું છે. તેણે સાધકને ખોખલો બનાવી દીધો છે. અંદરથી સત્ત્વહીન બનાવી દીધો છે. શ્રીજી મહારાજે વચ.ગ.પ્ર.પ્ર.૧૮માં કહ્યું છે જે ઉપાધિમાં રહીને (ભોગ ભોગવી તથા તેનો સંગ્રહ કરી તેમાં આસક્તિ રાખી) શુદ્ધ રહીશું. તે તો નારદ સનકાદિક જેવો હોય તો પણ ન રહી શકે. તો બીજાની વાત શી કહેવી ?
त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्।।४५।।
અર્થઃ હે અર્જુન ! ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો વેદોનો વિષય છે. તું ત્રિગુણાતીત થઈ જા. સુખદુઃખાદિ દ્વન્દ્વોથી મુકત થઈ જા. નિત્ય સત્ત્વગુણમાં સ્થિર રહે. કોઈ વસ્તુ મેળવવા-સાચવવાની ચિંતાથી પર રહે અને આત્મપરાયણ થા.
त्रैगुण्य विषया वेदा-અહીં આવું કહેવાનું તાત્પર્ય વેદોના એ ભાગ સાથે છે જેમાં ત્રણે ગુણો ને તેના ફળરૂપ સ્વર્ગાદિક ભોગભૂમિનું વર્ણન છે. આ શબ્દોનું તાત્પર્ય વેદોની નિંદા કરવાનું નથી; પરંતુ નિષ્કામ ભાવનો મહિમા બતાવવામાં છે. જેમ હીરાનું વર્ણન કરતાં સાથે કાચને પણ સંભારવામાં આવે છે, વર્ણન કરવામાં આવે છે. તો એનું તાત્પર્ય કાચની નિંદા કરવાનું નથી; પરંતુ હીરાનો મહિમા બતાવવાનું છે. તેવી જ રીતે નિષ્કામ ભાવનો મહિમા બતાવવા માટે સકામ ભાવનું વર્ણન કરવામાં આવ્યું છે, નિંદા માટે નહિ. વેદો કેવળ ત્રણે ગુણોનાં કાર્ય-સંસારનું જ વર્ણન કરવાવાળા છે એવું નથી. વેદોમાં પરમાત્માનો મહિમા તથા તેમની પ્રાપ્તિનાં સાધનોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ટૂંકમાં તમામ જ્ઞાનરાશિ બીજરૂપે વેદોમાં જ સમાયેલો છે. જે કાંઈ છે તે વેદોમાંથી આવેલું છે. છતાં એમ કહેવાનું તાત્પર્ય તે તે ભાગોના વર્ણનને બતાવવાનું છે.
निस्त्रैगुण्यो भवार्जुन-હે અર્જુન ! તું તે ત્રિગુણથી પર થઈ જા. અર્થાત્ત્રિગુણના પરિણામરૂપ સંસારની ઈચ્છાથી રહિત થઈ જા.
निर्द्वन्द्वो-સંસારથી પર થવા માટે રાગ દ્વેષથી રહિત થવું પડે છે. કારણ કે સંસારમાં ફસાવનારા એ જ મુખ્ય શત્રુઓ છે, (ગી.અ.૩/૩૪) માટે તું સઘળા દ્વન્દ્વોથી રહિત થઈ જા. એક જ વિષયમાં કે એક જ વસ્તુમાં બે ભાવો કરી લેવા તે દ્વન્દ્વ કહેવાય છે. જ્યાં વિષય અને વસ્તુ ભિન્ન હોય, ત્યાં અલગ-અલગ ભાવનાઓ દ્વન્દ્વ ગણાતા નથી. જેમ કે પ્રકૃતિ અને પુરુષ, જડ અને ચેતન આ બન્નેને ભિન્ન સમજવા એ દ્વન્દ્વ નથી. એવી જ રીતે સંસારથી વિમુખ થવું ને ભગવાનને સન્મુખ થવું એ દ્વન્દ્વ નથી પણ કેવળ સંસારમાં જ રાગ-દ્વેષ, હર્ષ-શોક, સુખ-દુઃખ વગેરે ભિન્ન ભિન્ન ભાવો થાય તે દ્વન્દ્વ કહેવાય અને એવા દ્વન્દ્વથી મનુષ્ય સંસારમાં ફસાય છે. અહીં ભગવાન અર્જુનને નિર્દ્વન્દ્વ બનવાની શા માટે આજ્ઞા આપી રહ્યા છે ? કારણ કે દ્વન્દ્વોથી સંમોહ થાય છે. (ગી.અ. ૭/૨૭) માટે જ્યારે સાધક દ્વન્દ્વોથી રહિત બને છે, પર બને છે, ત્યારે જ તે દૃઢ બનીને ભગવાનનું ભજન કરી શકે છે. (૭/૨૮) નિર્દ્વન્દ્વ થવાથી સાધક સુખપૂર્વક સંસારના બંધનથી મુક્ત બની જાય છે. (ગી.૫/૩) નિર્દ્વન્દ્વ બનવાથી મૂઢતા દૂર થાય છે. (ગી. ૧૫/૫) નિર્દ્વન્દ્વ બનવાથી સાધક કર્મ કરતો હોવા છતાં પણ બંધાતો નથી. (ગી. ૪/૨૨) આ બધાનું તાત્પર્ય એ છે કે નિર્દ્વન્દ્વ થવાથી. સંસારમાં રહેવા છતાં અને કર્મયોગ કરવા છતાં સાધકની સાધના દૃઢ થતી જાય છે. માટે આ કારણથી ભગવાન અર્જુનને નિર્દ્વન્દ્વ બનવાની આજ્ઞા આપે છે.
બીજી વાત જો સંસારમાં કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે ક્રિયામાં રાગ હશે તો બીજી વસ્તુ, વ્યક્તિ કે ક્રિયામાં દ્વેષ થવાનો જ છે. આ નિયમ છે. અહીં આવી કંઈક પ્રક્રિયા બને છે. સંસારમાં રાગ-દ્વેષ થાય ત્યારે ભગવાનની ઉપેક્ષા થશે. આ પણ એક પ્રકારનો દ્વેષ જ છે; પરંતુ સાધકને જ્યારે ભગવાનમાં પ્રેમ થાય છે કે રાગ થાય છે, ત્યારે તેને સંસાર પ્રત્યે દ્વેષ નહિ થાય. સંસારથી ઉપરતિ થશે. તેથી સાધકને પ્રતિકૂળતામાં દ્વેષ નહિ થાય; પરંતુ તેની ઉપેક્ષા રહેશે. ઉપેક્ષા પછી તેના પરિપાકરૂપે ઉદાસીનતા થશે અને ઉદાસીનતા પછી તેના પરિપાકરૂપે ઉપરતિ થશે. જ્યારે ઉપરતિમાં રાગદ્વેષ સર્વથા નાશ પામે છે. આ ક્રમમાં જો સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે તો ઉપેક્ષામાં રાગદ્વેષના સંસ્કારો જીવિત રહે છે. ઉદાસીનતામાં રાગદ્વેષની સત્તા રહે છે અને જ્યારે ઉપરતિમાં તો રાગદ્વેષના સંસ્કારો કે સત્તા કાંઈ રહેતું નથી. રાગદ્વેષનો સર્વથા અભાવ થઈ જાય છે. માટે રાગ-દ્વેષ રહિતપણું એ પરમાત્માને માર્ગે સાચી રીતે ચાલ્યાની ખરી નિશાની બની રહે છે.
नित्यसत्त्वस्थ: નિત્ય સત્ત્વમાં સ્થિર થનારો થા. અર્થાત્નિત્ય પરમાત્મામાં સ્થિતિવાળો એવો અર્થ લેવો જોઈએ. અન્યથા निस्त्रैगुण्यो અને नित्यसत्त्वस्थो બંધ બેસે નહિ. માટે नित्यसत्त्वस्थो એટલે હમેશાં પરમાત્મામાં સ્થિતિવાળો તું થા.
निर्योग क्षेम: तु । યોગ અને ક્ષેમ ચિંતાથી પણ રહિત થઈને ધ્યેયનું ચિંતન કરવાવાળો થા. કારણ કે ભક્તના યોગ ક્ષેમની ચિંતા તો ભગવાન કરે છે. (ગી. ૯/૨૨) જો કે નિર્યોગક્ષેમ પદ ભક્તિયોગમાં વધારે બંધ બેસે છે તો પણ કર્મયોગ અને ભક્તિયોગમાં ઘણી જ સામ્યતા છે અને ભગવાનને અર્જુન પાસે (કોઈપણ સાધક પાસે) કર્મયોગ કરાવીને ભક્તિયોગમાં અંતે પહોંચાડવાનું તાત્પર્ય છે. માટે અહીં પણ તે પદનો પ્રયોગ કર્યો છે.
आत्मवान्-આમ તો દરેક મનુષ્ય આત્મવાન્હોય છે પણ આત્મભાનવાળા હોતા નથી.માટે આત્મવાન્નો અભિપ્રાય આત્મભાનપરાયણ થવાનો છે. આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપની મિમાંસાપરાયણ તું થા.
यावानर्थ उदपाने सर्वत: संप्लुतोदके।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत:।।४६।।
અર્થઃ બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્ત્વથી જાણનાર બ્રાહ્મણોનું સઘળાં વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે.
यावानर्थ उदपाने सर्वत: संप्लुतोदके…જળથી સર્વથા પરિપૂર્ણ, સ્વચ્છ, નિર્મળ અને મહાન સરોવર પ્રાપ્ત થાય ત્યારે તેનાથી સર્વ મનુષ્યોની જરૂરિયાતો પૂરી થાય છે. નાનું જળાશય હોય ત્યારે હાથ પગ ધોઈએ ત્યાં ડહોળું થઈ જાય તે સ્નાનને લાયક રહેતું નથી. જો સ્નાન કરીએ તો કપડાં ધોવાલાયક રહેતું નથી. જો કપડાં ધોઈએ તો પીવાલાયક રહેતું નથી. જો મહાન સરોવર મળે અને તેમાં બધું કરવા છતાં કોઈ ફેર પડતો નથી. તેની સ્વચ્છતા, નિર્મળતા વગેરે જેમની તેમ જળવાય રહે છે.
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत: એવી રીતે તે મહાન સરોવર પાસે જે માણસ જે જરૂરિયાત લઈને જાય તે પૂરી થાય છે. બીજી જરૂરિયાતોનું તેને પ્રયોજન નથી. તેમ પરમાત્માને પામવા ઈચ્છતા મુમુક્ષુને વેદોમાંથી પણ મોક્ષપ્રદ ઉપાયો ગ્રહણ કરી લેવા. તેમાં બીજું ઘણું છે પણ તે બીજા અધિકારીઓને માટે છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङगोऽस्त्वकर्मणि।।४७।।
અર્થઃ તારો કર્મ કરવાનો જ અધિકાર છે, એનાં ફળોમાં કદીયે નહીં; માટે તું કર્મોના ફળનો હેતુ થા મા; અર્થાત્ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્યબુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ.
कर्मण्येवाधिकारस्ते પ્રાપ્ત કર્તવ્યકર્મનું પાલન કરવામાં જ તારો અધિકાર છે. એમાં તું સ્વતંત્ર છે. કારણ કે મનુષ્યની કર્મ યોનિ છે. મનુષ્ય સિવાયની બીજી કોઈપણ યોનિ નવું કર્મ કરવાને માટે નથી. ઝાડને દાનનું ફળ, પરોપકારનું ફળ, બળદને નિષ્કામ કર્મયોગનું ફળ કે સર્પને મનુષ્યઘાતનું પાપ ન થાય. કારણ કે કર્મયોનિ નથી માટે પશુપક્ષી વગેરે જંગમ, વૃક્ષલત્તા વગેરે સ્થાવર પ્રાણીઓ નવાં કર્મો કરી શકતાં નથી. દેવતાઓમાં નવું કર્મ કરવાની સામર્થી તો છે પણ પોતાના પૂર્વનાં પુણ્યોનાં ફળથી મળેલા ભોગમાં લિપ્ત રહેતાં હોવાથી નવું કર્મ તેઓ નથી કરી શકતા. નારકી જીવો તો પોતાનાં દુષ્કર્મોનું ફળ ભોગવે છે, માટે તે પણ નવું કર્મ કરી શકતા નથી. નવું કર્મ કરવાનો તો કેવળ મનુષ્યનો જ અધિકાર છે. ભગવાન અને તેના ભક્તોની સેવા કરીને તથા બીજાની સેવા કરીને, આ સેવારૂપી નવું કર્મ કરીને, કેવળ પોતાનો ઉદ્ધાર કરવા માટે જ આ સર્વ યોનિમાં અંતિમ મનુષ્ય જન્મ આપ્યો છે. જો એ કર્મોને પોતાના દુન્યવી સ્વાર્થ માટે કરશે તો બંધનમાં પડી જશે. જો કર્મોને નહિ કરીને આળસ પ્રમાદમાં પડયો રહેશે તો પણ વારંવાર જન્મ-મરણને પામતો રહેશે. આથી ભગવાન અર્જુનને કહે છે કે તારે કેવળ પરમાત્માની સેવા કરવી. તે સેવારૂપ કર્તવ્યકર્મમાં જ અધિકાર છે.
મનુષ્ય શરીરમાં બે બાબતો છે-જૂનાં કર્મોનો ફળ ભોગ અને નવો પુરુષાર્થ. બીજી યોનિઓમાં કેવળ જૂનાં કર્મોનાં ફળ જ ભોગવવાનાં હોય છે. અર્થાત્કીટ પતંગ પશુપક્ષી, દેવતા અને બ્રહ્મલોક સુધીની યોનિઓ, ભોગ યોનિઓ છે. આથી તેઓને માટે વિધિ નિષેધ નથી. આમ કરો અને આમ ન કરો, એવાં વિધાન નથી. તેઓને અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ તથા જે કર્મ કરે છે તેવું જૂના કર્મના ભોગરૂપે હોય છે. મનુષ્ય શરીરમાં તેવું નથી. મનુષ્ય શરીરમાં બે વિભાગો છે. એક તો તેની સમક્ષ જૂનાં કર્મોના ફળરૂપે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે. બીજું તે નવો પુરુષાર્થ (નવાં કર્મો) કરે છે અને તે નવાં કર્મોને અનુસારે તેનું ભવિષ્ય નિર્માણ થાય છે. માટે જ શાસ્ત્રો, મહાપુરુષોના વિધિ-નિષેધ તથા રાજ્યનું શાસન માણસો માટે જ હોય છે. કારણ કે મનુષ્ય યોનિમાં પુરુષાર્થની પ્રધાનતા છે. નવો પુરુષાર્થ-નવાં કર્મો કરવાની સ્વતંત્રતા છે. પ્રારબ્ધની આધીનતા નથી; પરંતુ અગાઉનાં કર્મોનાં ફળરૂપે મળતી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિને બદલવામાં તે પરતંત્ર છે. તેથી તાત્પર્ય એ થયું કે મનુષ્ય કર્મો કરવામાં કે પોતાનું ભવિષ્ય ઘડવામાં સ્વતંત્ર અને ફળ પ્રાપ્તિમાં પરતંત્ર છે. મનુષ્ય અનુકૂળ-પ્રતિકૂળ સ્વરૂપથી પ્રાપ્ત થયેલી પરિસ્થિતિનો સદુપયોગ કરીને તેને પોતાના કલ્યાણની, ઉદ્ધારની સામગ્રી બનાવી શકે છે. મનુષ્ય શરીર ભગવાને એટલા માટે જ આપ્યું છે. માટે નવો પુરુષાર્થ પણ ઉદ્ધાર માટે છે અને જૂનાં કર્મોના ફળરૂપે પ્રાપ્ત પરિસ્થિતિ પણ પોતાના ઉદ્ધાર માટે છે.
આમાં વિશેષ સમજવાની વાત એ છે કે મનુષ્ય જીવનમાં પ્રારબ્ધાનુસાર જે કાંઈ શુભ અથવા અશુભ પરિસ્થિતિ આવે છે, તેને અનુકૂળ અને પ્રતિકૂળ તો માની શકે છે. સુખદાયક અને દુઃખદાયક માની શકે છે; પરંતુ તેનાથી પોતાને સુખી અથવા દુઃખી થઈ જવું ફરજિયાત નથી. પૂર્વકર્મો અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જીને ત્યાં અટકી જાય છે. એ પરિસ્થિતિથી સુખી અથવા દુઃખી થવું એ પ્રારબ્ધનું ફળ નથી; પરંતુ એ આપણી મૂર્ખતાનું ફળ છે. જેટલી તે વધારે, તેટલા આપણે વધારે સુખી-દુઃખી થઈ શકીએ છીએ. કારણ કે પરિસ્થિતિ તો બહારથી બને છે અને સુખી દુઃખી થવું એ જીવનો પોતાનો સ્વતંત્ર દૃષ્ટિકોણ છે. પરિસ્થિતિની સાથે તાદાત્મ્ય કરીને જ એ સુખ-દુઃખનો ભોક્તા બની શકે છે. જો મનુષ્ય એ પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય નહિ કરીને, તેનો સદ્ઉપયોગ કરે તો તે જ પરિસ્થિતિ તેનો ઉદ્ધાર કરવા માટેની સામગ્રી બની જશે. સુખદાયી પરિસ્થિતિનો સદ્ઉપયોગ છે. તે સામગ્રીને પરમાત્મામાં જોડવી. કહેતાં તેને ભગવાન તથા તેના ભક્ત અને બીજાની સેવામાં વિનિયોગ કરવો. દુઃખદાયી પરિસ્થિતિનો સદ્ઉપયોગ એ છે કે વિકટ પરિસ્થિતિમાં પરમાત્મામાં પોતે વિશેષ જોડાવું-પરમાત્માની નજીક થવું અને જે સામગ્રી છે તેમાંથી મમત્વ તોડી, તે સંબંધી ઈચ્છાઓનો ત્યાગ કરવો. ટૂંકમાં પશુપક્ષી, કીટ પતંગ વગેરે યોનિ માટે જૂનાં કર્મોનું ફળ અને નવાં કર્મો એ બન્ને ભોગ છે. મનુષ્યો માટે જૂનાં કર્મોનું ફળ અને નવું કર્મ (પુરુષાર્થ) એ બન્ને જો બનાવી શકાય તો પોતાના કલ્યાણનાં સાધનો છે.
मा फलेषु कदाचन ફળમાં તારો કિંચિત્માત્ર પણ અધિકાર નથી. અર્થાત્ફળ પ્રાપ્તિમાં તારી સ્વતંત્રતા નથી. ફળનું વિધાન તો પરમાત્માને આધીન છે. માટે ફળની ઈચ્છા નહિ રાખીને કર્તવ્ય કર્મ કર. અર્થાત્અનુકૂળતા-પ્રતિકૂળતાની ઈચ્છા-દ્વેષ નહિ રાખીને ધ્યેય માટે પ્રયત્ન કર. જો તું ફળની ઈચ્છા રાખીશ તો ધ્યેય ચુકાઈ જશે અને તું સંસારમાં ભટકી પડીશ. જો તું ફળની ઈચ્છા રાખીને કર્મ કરીશ તો બંધાઈ જઈશ. फले सक्तो निबध्यते (૫/૧૨) ફળમાં આસક્તિ થવાથી ધ્યેય ચુકાઈ જવાય છે. કારણ કે ફલેચ્છા એ ભોગવવાની ઈચ્છા છે અને ભોકતૃત્વના મૂળ ઉપર જ કર્તૃત્વ ટકેલું છે. અર્થાત્ભોકતૃત્વની ઈચ્છાથી જ કર્તૃત્વ આવે છે. ફલેચ્છા, ભોકતૃત્વ સર્વથા નાશ પામવાથી કર્તૃત્વ નાશ પામે છે અને જ્યારે હૃદયમાં કર્તૃત્વભાવ નાશ પામે પછી કર્મ કરતો હોવા છતાં પણ બંધાતો નથી. તાત્પર્ય એ થયું કે મનુષ્ય વાસ્તવમાં કર્તૃત્વભાવમાં એટલો ફસાયેલો નથી જેટલો ભોકતૃત્વભાવમાં એટલે કે ફલેચ્છામાં ફસાયેલો છે. અંતઃકરણમાં ભોકતૃત્વભાવ અર્થાત્ફલેચ્છા કે ફલાસક્તિ વધારે રહેવાને કારણે જ મનુષ્યની ભગવદ્ભક્તિ કે ભગવત્પ્રાપ્તિ પોતાના આત્મકલ્યાણમાં નિષ્ફળ જાય છે. પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે પણ ઉપરના ભાવોથી આવરિત રહેવાથી વચ્ચે પડી જાય છે અને દૂર પડી જાય છે.
ફળમાં તારો અધિકાર નથી. આનાથી એ વાત પણ સિદ્ધ થાય છે કે ફળની સાથે સંબંધ જોડવામાં અથવા નહિ જોડવામાં વિવેકશક્તિને લઈને માત્ર મનુષ્ય જ સ્વતંત્ર અને સબળ છે. એમાં તે પરાધીન અને નિર્બળ નથી. તો જ પરમાત્મા જીવને એવી આજ્ઞા કરે.
વળી કર્મોમાં નિષ્કામ બનવા માટે સાધકમાં તીવ્ર વિવેકની સાથે સેવાભાવ પણ હોવો જોઈએ. કારણ કે આ બન્નેના સહયોગથી જ કર્મયોગ અથવા ભગવાન તથા તેના ભક્તોનો સેવાયોગ સારી રીતે આચરણમાં આવશે. નહિ તો તે ‘કર્મ’ થઈ જશે, પણ ‘યોગ’ નહિ થાય. યોગ જ બંધન તોડનાર બને છે. યોગ વિના કેવળ કર્મ તો બંધન પણ ઊભું કરનારું થાય છે. તાત્પર્ય એ છે કે પોતાના સુખ આરામનો ત્યાગ કરવામાં વિવેકનું પ્રાધાન્ય હોવું જોઈએ અને ઈતરને સુખ-આરામ પહોંચાડવા માટે સેવાભાવનું પ્રાધાન્ય હોવું જોઈએ.
मा कर्मफल हेतुर्भू: તું કર્મ ફળની ઈચ્છાવાળો પણ ન થા. અહીં हेतु શબ્દ વપરાયો છે તે અભિમાની-અભિમાનના ભાવમાં વપરાયો છે. જ્યારે સાધક કર્મયોગનું અનુષ્ઠાન કરે છે અથવા ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરે છે, ત્યારે તે કર્મ અને તેનું ફળ શ્રેષ્ઠ જ થવાનાં. સમાજમાં તેનો આદર વગેરે થવાના. ત્યારે ભગવાન યાદી આપે છે કે એ પ્રશસ્ત કર્મ અને તેના શ્રેષ્ઠ ફળનું કારણ ‘હું પોતે છું’ એવું ન માની લઈશ. मा कर्मफल हेतुर्भू: એવું અભિમાન ના કરીશ; પરંતુ તેનો પરમાત્મામાં ન્યાસ કરજે. એટલે કે ‘મહારાજે કરાવ્યું’ એવું માનીને અહંકારી ન થતાં કર્તૃત્વનો ભાર ભગવાન પર છોડી દેજે. કોઈ પણ શુભ કાર્યના કર્તૃત્વનો જે અહં છે, તે ફળમાં આસક્તિ તુલ્ય જ છે.ઊલટું આસક્તિ કરતાં પણ આત્મકલ્યાણના માર્ગમાં અહમ વધારે વિરોધી છે. વાસ્તવમાં અંતઃકરણ, બહિઃકરણ અને ક્રિયાઓની સાથે અસંગ થઈને ગીતાના પાંચમા અધ્યાયના અગિયારમા શ્લોકમાં કહ્યા મુજબ केवलै: એટલે સર્વ સાથેની મમતા છોડીને કર્મયોગ કરવાનો છે.
मा ते सङगोऽस्त्वकर्मणि કર્મ નહિ કરવામાં તારી આસક્તિ નહિ થવી જોઈએ. કારણ કે કર્મ નહિ કરવામાં-अकर्मणि આસક્તિ થવાથી આળસ, પ્રમાદ વગેરે થશે. કર્મફળમાં આસક્તિ રહેવાથી જેવું બંધન થાય છે, તેના કરતાં પણ વધારે બંધન આળસ અને પ્રમાદ એટલે કે કેર્મ નહિ કરવામાં –अकर्मणि છે. કેમ કે આળસ, પ્રમાદનો પણ એક ભોગ હોય છે. જેમ કર્મમાં કે ફળમાં આસક્તિ સંસારમાં લિપ્ત કરીને સંસારમાં રૂંધી રાખે છે. તેથી પણ વધારે આળસ-પ્રમાદ સંસારમાં લીન કરી રાખે છે. તેથી આળસ પ્રમાદ પણ સંસારનો એક ભાગ છે. અર્થાત્એ પણ એક પ્રાકૃતિક સુખ છે. જે તામસી કહ્યું છે.निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम्(અ.૧૮/૩૯) અને જેનું ફળ સતત અધોગતિ છે.अधो गच्छन्ति तामसा: (અ. ૧૪/૧૮) તાત્પર્ય એ થયું કે રાગ-આસક્તિ કયાંય પણ હશે,પછી ભલે આળસ-પ્રમાદ હોય કે,તે ફળમાં હોય તો પણ બાંધનારી જ બને છે.
કર્મ નહિ કરવાથી (કર્તવ્યકર્મ છોડી દેવાથી) સંસારમાં પ્રસિદ્ધિ થશે. (હું મોટો ત્યાગી ગણાઈશ) એવું સમજીને કર્તવ્ય કર્મનો ત્યાગ કરવો-સેવાયોગનો ત્યાગ કરવો. એ પણ એક જાતની અકર્મમાં આસક્તિ છે.
આ શ્લોકના ચાર ચરણોમાં ચાર વાતો આવી છે. (૧) કર્મ કરવામાં જ તારો અધિકાર છે. (૨) ફળમાં કદી તારો અધિકાર નથી. (૩) કર્મ કરવાનું (કર્યા પછી-કર્મયોગ કર્યા પછી પણ) અભિમાન કરીશ નહિ. (૪) કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાઓ. આ શ્લોકથી ભગવાનનું એવું તાત્પર્ય જણાય છે કે સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, ક્રિયા ઘટના, પરિસ્થિતિ, અવસ્થા અને ત્રણ દેહથી સર્વથા નિર્લિપ્ત થઈને સાધકે કર્મયોગ અથવા સેવાયોગ કરવાનો છે.
આ જીવની કર્મયોગ કરવામાં જે નબળાઈઓ વિશેષ ઊભરી આવે તેને ભગવાને અહીં દૂર કરવા કહ્યું છે. જીવ જો કોઈ કર્મ કરે તો પ્રથમ તેનું ફળ મને મળવું જ જોઈએ. એવા ભાવથી જ કરતો હોય છે. ભગવાન કહે, ‘તું કર્મ કરે અને ફળ તારે ઈચ્છવાનું નથી.’ કદાચ ફળ છોડીને કર્મ કરે ત્યારે લોકમાં વખાણ થશે અને ફળ પણ સારું મળશે. ત્યારે જીવને અભિમાન-અહંકાર આવ્યા વિના રહેશે નહિ અને તે ફુલાયા વિના રહેશે નહિ. ભગવાન કહે, તારે તેનું પણ લેશમાત્ર અભિમાન કરવાનું નથી. ત્યારે અહંશૂન્યથી તો કોઈ કાર્ય થતું નથી. ત્યારે ભગવાન કહે, તારે કર્મશૂન્ય થવાનું નથી. ખરેખર તો ભગવાને કરેલા નિષેધો તમામ સાંસારિક આસક્તિઓનો જ નિષેધ છે. કોઈ બાહ્ય છે અને કોઈ અંતરના ઊંડાણમાં પડેલી આસક્તિનો નિષેધ છે.
અકર્મણ્યતા એટલે પ્રમાદ, આળસમાં રુચિ એ તામસ આસક્તિ છે. કર્મ અને કર્મફળમાં રુચિ એ રાજસ આસક્તિ છે. જ્યારે પ્રમાદ, આળસ, કર્મ અને કર્મફળની આસક્તિ છોડવાથી જે સુખ થાય તેમાં રુચિ એ સાત્ત્વિક આસક્તિ છે. માટે તેની સાથે સંબંધ થવો એ જ જન્મમરણનું કારણ છે. માટે સાધકે આળસ, પ્રમાદ, કર્મ, કર્મફળ અને તેના ત્યાગનું સુખ, આ કોઈની સાથે પોતાનો સંબંધ-રાગ જોડવો ન જોઈએ. તો પછી હવે શું કરવું ? તો કર્મયોગ કે સેવાયોગ કરવો. આળસ, પ્રમાદ સર્વથા ત્યાગ, કર્મ અને ફળમાં આસક્તિનો ત્યાગ કરીને નિર્લેપભાવે ભગવત્પ્રસન્નતા માટે તે કરવા એ જ કર્મયોગ બને છે, સેવાયોગ બને છે. નહિ તો તે કેવળ કર્મ બની રહે છે.
કર્મયોગમાં મુખ્ય વાત છે, પોતાના કર્તવ્યપાલન દ્વારા બીજાના અધિકારની રક્ષા કરવી. ફળત્યાગ અર્થાત્પોતાના અધિકારનો ત્યાગ કરવો. બીજાના અધિકારની ભગવાન અને તેના ભક્તોના સ્વાર્થની રક્ષા કરવાથી આપણો જૂનો રાગ દૂર થાય છે. પોતાનો અધિકાર-સ્વાર્થ ત્યાગ કરવાથી નવો રાગ પણ દૂર થાય છે-પેદા થતો નથી. આવી રીતે કર્મયોગી-વિતરાગી અને શુદ્ધ અંતઃકરણવાળો બની જાય છે, તેથી તેમાં વિવેક જાગે છે. પોતાના આત્મકલ્યાણ અને પરમાત્માની પ્રાપ્તિમાં અસત્વસ્તુઓનો રાગ જ બાધક છે.
रागो लिङ्गमबोधस्य चित्तव्यायामभूमिषु
कुत: शाद्वलता तस्य यस्याग्नि: कोटरे तरो:।
रागो लिङगम्अबोधस्य-રાગ એ અજ્ઞાનની ખાસ પરિણતિ છે અને તેની હાજરીની ખાસ નિશાની છે. જેમ વૃક્ષની કોટરમાં અગ્નિ લાગ્યો હોય તો વૃક્ષ લીલું ન રહી શકે. તેમ અંતરમાં પડેલો સંસારનો રાગ શાંતિ પણ આવવા દેતો નથી અને ભક્તિ પણ આવવા દેતો નથી.
योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
सिद्धयसिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते।।४८।।
અર્થઃ હે ધનંજય ! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્યકર્મો કર; સમત્વ એ જ યોગ કહેવાય છે.
सङ्गं त्यक्त्वा-આસક્તિ છોડીને કોઈ પણ કર્મમાં, કર્મના ફળમાં, સ્થળ, કાળ, ઘટના, પરિસ્થિતિ, અંતઃકરણ, બહિઃકરણ વગેરે પ્રાકૃત વસ્તુમાં તારી આસક્તિ ન થવી જોઈએ. તો જ તું નિર્લિપ્તતાપૂર્વક કર્મયોગ કે સેવા કરી શકીશ. જો તું કર્મના કોઈ પણ ભાગમાં લપટાઈ જઈશ, તો તું કર્મયોગ કે સેવા કરી નહિ શકે. નિર્લિપ્ત રહ્યા વિના કોઈપણ કર્મને મુક્તિનું સાધન નહિ બનાવી શકે. કોઈપણ કર્મને યોગનો ભાગ નહિ બનાવી શકે. તે કેવળ કર્મ જ બની રહેશે. કર્મયોગ નહિ થઈ શકે.
सिद्धयसिद्धयो: समो भूत्वा-આસક્તિના ત્યાગનું પરિણામ શું હશે ? તો સિદ્ધિ અને અસિદ્ધિમાં સમતા થઈ જશે. સિદ્ધિ અને અસિદ્ધિમાં પણ પોતાનું સંતુલન બરાબર જાળવી શકશે. કર્મ પૂરું થાય અથવા ન પણ થાય, સાંસારિક દૃષ્ટિએ તેનું ફળ અનુકૂળ આવે અથવા પ્રતિકૂળ પણ આવે. આ કર્મ કરવાથી આદર પણ થાય ને અનાદર પણ થાય. પ્રશંસા કે નિંદા પણ થાય આ બધા સિદ્ધિઓ અને અસિદ્ધિઓ છે. ત્યારે પણ આત્મકલ્યાણને લક્ષ્યમાં રાખીને, શ્રીજીમહારાજ અને તેના સાચા આરાધકો રાજી થાય તેને વળગી રહીને સિદ્ધિ અસિદ્ધિમાં સમતા રાખી-સંતુલન જાળવી શકે, તે કર્મયોગને માર્ગે અથવા સેવાના સાચા-ભગવાનને-માર્ગે આગળ વધી શકે. તે વિના બીજા સાચા માર્ગ પર આગળ વધી શકતા નથી.
योगस्थ: कुरु कर्माणि-સિદ્ધિ-અસિદ્ધિમાં સમતા આવી એટલે તે યોગસ્થ થયો કહેવાય અને એવી સ્થિતિમાં દૃઢતાપૂર્વક રહીને કર્તવ્ય કર્મ બજાવવાનું છે. કર્મયોગ કે સેવાયોગ સાવધાનીપૂર્વક કરવાનો છે. શ્રીજી મહારાજે પણ યાદી આપી છે કે પોતાના નિયમમાં રહીને, સાવધાન થઈને, સંતની અને સત્સંગની સેવામાં જોડાવું. એ નિવૃત્તિવાળા કરતાં શ્રેષ્ઠ છે. ભગવાનની કૃપાનું પાત્ર છે અને તેને જ ભક્તિવાળો કહીએ.
समत्वं योग उच्यते-સમતા જ યોગ છે. અર્થાત્સમતા એ પરમાત્માની સાથે સંબંધ થયો છે, તેની નિશાની છે. પરમાત્માનો સંબંધ તો જીવમાં અંદર થાય છે. તેનો ખ્યાલ પોતાને અને પરને કેમ આવે ? તો રાગ-દ્વેષાદિ દ્વન્દ્વો દૂર થઈને ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં સ્થિરતા દૃઢ થાય. મન આઘું-પાછું ન ખસે, ત્યારે જાણવું હવે પરમાત્માનો સંબંધ થયો છે. સમતા એ પરમાત્માનું સ્વરૂપ છે અને તેની સાથે સંબંધ થતાં અંતઃકરણની સમતા આપોઆપ આવે છે. ગીતાના પાંચમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં ભગવાન કહે છે કે ‘‘इहैव तैर्जित: सर्गो येषां साम्ये स्थितं मन:। निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिता: જેઓનું મન કર્મયોગપૂર્વક સમતામાં સ્થિર થયું છે તેણે જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે અને તે નિત્ય પરમાત્માં જ રહ્યો છે.
समत्वं योग उच्यते-સમતા જ યોગ છે. અર્થાત્સમતા એ પરમાત્માની સાથે સંબંધ થયો છે, તેની નિશાની છે. પરમાત્માનો સંબંધ તો જીવમાં અંદર થાય છે. તેનો ખ્યાલ પોતાને અને પરને કેમ આવે ? તો રાગ-દ્વેષાદિ દ્વન્દ્વો દૂર થઈને ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં સ્થિરતા દૃઢ થાય. મન આઘું-પાછું ન ખસે, ત્યારે જાણવું હવે પરમાત્માનો સંબંધ થયો છે. સમતા એ પરમાત્માનું સ્વરૂપ છે અને તેની સાથે સંબંધ થતાં અંતઃકરણની સમતા આપોઆપ આવે છે. ગીતાના પાંચમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં ભગવાન કહે છે કે ‘‘इहैव तैर्जित: सर्गो येषां साम्ये स्थितं मन:। निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिता: જેઓનું મન કર્મયોગપૂર્વક સમતામાં સ્થિર થયું છે તેણે જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે અને તે નિત્ય પરમાત્માં જ રહ્યો છે.
‘સમતા’નું જ નામ યોગ છે. આ ગીતાના યોગની વ્યાખ્યા છે. આ જ વસ્તુને આગળ અ.૬/૨૩માં કહે છે કે तं विद्याद्दु:खसंयोगवियोगं योगसंज्ञितम्। દુઃખોના સંયોગનો જેમ વિયોગ છે અર્થાત્એ સમત્વભાવ સિદ્ધ થયા પછી ગમે તેવાં ભારે દુઃખો પણ સાધકને વિચલિત કરી શકતાં નથી. બન્ને વ્યાખ્યાઓ વાસ્તવમાં એક જ છે. એક સાધનરૂપમાં છે બીજી પરિણામ રૂપમાં છે. ખરેખર તો જેમ ધાધરનો રોગ થાય ત્યારે ખંજવાળવાનું સુખ આવે છે. જેટલું તીવ્રતાથી ખંજવાળીએ તેમ સારું લાગે છે અને સાથે સાથે બળતરાની પીડા પણ ઊઠતી જાય છે; પરંતુ આ બન્ને બીમારી હોવાથી દુઃખરૂપ છે. તેવી જ રીતે સંસારના સંબંધથી થનારું સુખ અને દુઃખ બન્ને દુઃખરૂપ જ છે. તેનો વિચ્છેદ કરાવનારો યોગ છે. તેથી સુખ-દુઃખથી રહિત થવાનું કહો કે પછી સિદ્ધિ-અસિદ્ધિમાં સમ રહેવાનું કહો કે પછી પરમાત્માનો સાચો સંબંધ કહો, તે એક જ વાત આવે છે. શ્લોકનું તાત્પર્ય એ થાય છે કે કોઈપણ પ્રકારે સંસારના ભાવોથી સંબંધ તોડીને પરમાત્મામાં સ્થિર થઈને જોડાવું.
બુદ્ધિ અને સમતાની વિશેષ વાત એ છે કે બુદ્ધિ પણ બે પ્રકારની હોય છે. એ અવ્યવસાયાત્મિકા અને વ્યવસાયાત્મિકા. જેમાં સાંસારિક સુખ, ભોગ, આરામ, સત્તા, માન, બડાઈ વિગેરે પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય છે, તે બુદ્ધિ અવ્યવસાત્મિકા હોય છે. (૨/૪૪) જેને સમતાને પામવાનો હેતુ અર્થાત્સમતા એ પરમાત્માનું સ્વરૂપ છે તેથી પરમાત્માને પામવાનો હેતુ હોય, પોતાના આત્મકલ્યાણનો ઉદ્દેશ્ય હોય તે બુદ્ધિ વ્યવસાયાત્મિકા કહેવાય છે. (૨/૪૧) અવ્યવસાયાત્મિકા બુદ્ધિ અનંત હોય છે અને વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક હોય છે. જેને અવ્યવસાયાત્મિક બુદ્ધિ હોય તે પોતે અવ્યવસાયી કહેવાય बुद्धयोऽव्यवसायिनाम्(૨/૪૧) અને તે સંસારી હોય છે અને જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા હોય છે તે વ્યવસાયી (વ્યવસિત) કહેવાય છે. सम्यक्व्यवसितो हि स: (૯/૩૦) અને તે સાધક હોય છે. ભગવાનનો સેવક હોય છે.
એવી જ રીતે સમતા પણ બે પ્રકારની છે. સાધનરૂપી સમતા અને સાધ્યરૂપી સમતા. સાધનરૂપી સમતા જીવના અંતઃકરણની હોય છે અને સાધ્યરૂપી સમતા પરમાત્માનું સ્વરૂપ છે-પરમાત્માની મૂર્તિ છે. સિદ્ધિ-અસિદ્ધિ, અનુકૂળતા-પ્રતિકૂળતા, સ્તુતિ નિંદા વગેરેમાં સમતુલા જાળવી રાખવી તે અંતઃકરણની સમતા છે. અંતઃકરણમાં રાગ-દ્વેષ ન આવવા દેવા, તે અંતઃકરણની સમતા છે. એ સાધનરૂપી સમતા છે. જેનું વર્ણન ગીતામાં બહુ જ થયું છે. પરમાત્માએ તેના પર અત્યંત ભાર મૂક્યો છે. આ સાધનથી સાધ્ય સમતાની પ્રાપ્તિ થાય છે. માટે કર્મયોગ અથવા સેવાયોગ એ પરમાત્મા પ્રાપ્તિનું સહજ અને સર્વથી સહેલું સાધન ગીતા તથા બીજા શાસ્ત્રોમાં માન્યું છે.
હવે તેમાંથી એક સંસારી હોય છે, એક સાધક હોય છે. એક સાધન છે અને એક સાધ્ય છે. ભોગ ભોગવવા અને તેને માટે ઉદ્યમ કરવો, સંગ્રહ કરવો એ જ જેનો ઉદ્દેશ્ય હોય છે તે સંસારી છે. એને કયારેય વ્યવસાયાત્મિકા બુદ્ધિ થતી નથી. તે અનંત ઈચ્છાઓ-કામનાઓથી સંસારમાં ફસાય છે.
મારે તો આ મનુષ્ય દેહે-શ્રીજી મહારાજ પાસે જ પહોંચવું છે. પરમાત્માને પામવું છે. ગમે તેમ અનુકૂળતા-પ્રતિકૂળતા, સ્તુતિ-નિંદા, સુખદુઃખ જે કંઈ થાવું હોય તે થાવ. આવા નિશ્ચયવાળાની બુદ્ધિ વ્યવસાયાત્મિકા કહેવાય છે. આવો સાધક જ્યારે વ્યવહાર ક્ષેત્રમાં આવે છે ત્યારે તેની સામે સિદ્ધિ-અસિદ્ધિ, લાભ-હાનિ, અનુકૂળ-પ્રતિકૂળ, સ્તુતિ, નિંદા વગેરે આવે છે. ત્યારે તેમાં અંતઃકરણની સમતુલા (સમતા) જાળવીને તે (કર્મયોગ-સેવાયોગ) પરમાત્માને પામવાના માર્ગે આગળ વધે છે. રાગદ્વેષ નથી કરતો. તે સંસારથી પર થાય છે.इहैव तैर्जित: सर्गो: येषां साम्ये स्थितं मन: (૫/૧૯) સાચા સાધનથી સાધ્ય એવા પરમાત્માની પ્રાપ્તિ થાય છે.
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय।
बुद्धौ शरणमन्विच्छ कृपणा: फलहेतव:।।४९।।
અર્થઃ આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે હે ધનંજય ! તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત્બુદ્ધિયોગનો જ આશરો લે; કેમ કે ફળનો હેતુ બનનારા અર્થાત્ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે.
दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् બુદ્ધિ યોગાત્શબ્દ અહીં સમતા બુદ્ધિપૂર્વક જે નિષ્કામ કર્મયોગ કરવામાં આવે છે તેને માટે કહેવાયો છે. એવા નિષ્કામ કર્મયોગથી જે સામાન્ય કર્મો છે. જે સકામ ભાવથી કરાય છે તે અતિશય નીચા છે. કારણ કે તે કર્મો પણ ઉત્પન્ન અને નષ્ટ થાય છે અને તેના ફળનો પણ સંયોગ-વિયોગ થાય છે; પરંતુ આ જે નિષ્કામ કર્મયોગ છે અથવા ભગવાન અને તેના ભક્તો પ્રત્યે નિષ્કામ સેવાયોગ છે, તે નિત્ય છે. આ યોગને ભગવાને अव्ययम् અને (૪/૧) पुरातन: (૪/૩) કહ્યો છે. તેમાં કોઈ વિકૃતિ આવતી નથી. આથી તેની અપેક્ષાએ સકામ કર્મો કરવાં એ તો અત્યંત નીચી કોટિનાં ગણાય.
સઘળાં કર્મોમાં યોગ શ્રેષ્ઠ છે. સમતા જાળવી રાખવી તે શ્રેષ્ઠ છે. તેનાથી રહિત તો તમામ જીવો કર્મ કરતા જ રહે છે. તે કર્મોનાં પરિણામમાં જન્મતાં મરતાં રહે છે અને દુઃખ ભોગવતા રહે છે. કારણ કે કર્મોમાં જ્યાં સુધી યોગ ન ભળે, ત્યાં સુધી તેના જીવનો ઉદ્ધાર કરવાની તાકાત આવતી નથી. કર્મોમાં યોગનું આચરણ કરવું એ જ કુશળતા છે (૨/૫૦) એ જ એની ઉદ્ધારક તાકાત છે. જો કર્મોમાં સમતા (યોગ) નહિ રહે તો શરીરમાં અહંતા મમતા થઈ જશે અને શરીરમાં અહંતા મમતા બુદ્ધિ તેને પશુ બનાવે છે. તે પશુબુદ્ધિ છે. त्वं तु राजन्मरिष्येति पशुबुद्धिमिमां जहि (ભાગવત ૧૨/૫/૨) અને યોગબુદ્ધિ મનુષ્યને મુક્ત કરે છે. મુક્ત બનાવે છે એટલો બન્નેમાં તફાવત છે. ‘ડુફજ્ઞઞ’ કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ પ્રકાશ અને અંધકાર સમકક્ષ હોઈ શકતા નથી. તેવી જ રીતે બુદ્ધિયોગ (નિષ્કામ કર્મયોગ-નિષ્કામ સેવાયોગ) અને સકામ કર્મો કદી સમકક્ષ હોઈ શકે નહિ. બન્નેમાં રાતદિવસ જેટલું અંતર છે. કારણ કે યોગ પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. જ્યારે સકામ કર્મ જન્મમરણ આપવાવાળું છે.
बुद्धौ शरणमन्विच्छ તું બુદ્ધિનું શરણું લે. બુદ્ધિ શબ્દ અહીં પ્રકરણમાં નિષ્કામ કર્મયોગ માટે વપરાયો છે. એ યોગનું શરણ એટલે તેનું પૂર્ણ આચરણ કર. શ્રીજી મહારાજે પણ વચ.ગ.મ.૪૮ અને ૫૯માં ભગવાનના સંતની નિષ્કામ ભાવે સેવા એ જ પરમ કલ્યાણ તરીકે બતાવી છે અને નિષ્કામ સેવાયોગનો અતિ મહિમા કહ્યો છે.
कृपणा: फलहेतव: કર્મોના ફળની ઈચ્છાવાળા બનવું તે અતિ કૃપણતા છે, અતિ નીચું છે. કર્મ, કર્મફળ, કર્મસામગ્રી અને શરીર વગેરે કરણોની સાથે પોતાનો સંબંધ જોડીને રાખવો તે કર્મફળ હેતુ બન્યા કહેવાઈએ. मा कर्म फलहेतुर्भू:કર્મ કરવાનું અભિમાન ન કર. એટલે કર્મના કોઈ ભાગ સાથે સંબંધ જોડવો, આસક્તિ કરવી અથવા અભિમાન કરવું તે કર્મહેતુપણું થયું કહેવાય અને એમ થવું એને ભગવાને તુચ્છતા કહી છે. કૃપણ કહ્યા છે. અતિ કંજૂસને કૃપણ કહેવાય. તેને ‘પેટ્ટૂ’ ‘કદર્થ’ વગેરે શબ્દોથી કહેવામાં આવ્યા છે. તે તો આર્થિક કૃપણતા છે પણ અંતરની કૃપણતા એનું કારણ છે. જે બીજા પ્રત્યે સહાય કે ઉદારતાનો મનમાં પણ વિચાર ન કરી શકે તે માનસિક કૃપણ છે. ભગવાને તેના જેવા સકામ કર્મોવાળાને અહીં કહ્યા છે.
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते।
तस्माद्योगाय युज्यस्व योग: कर्मसु कौशलम्।।५०।।
અર્થઃ સમબુદ્ધિયુકત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે-તેમનાથી મુકત થઈ જાય છે; માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા, આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે.
ગીતામાં કર્મયોગને માટે ત્રણ શબ્દો વપરાયા છે. બુદ્ધિ, યોગ અને બુદ્ધિયોગ. કર્મયોગમાં કર્મની પ્રધાનતા નથી પણ યોગની પ્રધાનતા છે. યોગ, બુદ્ધિ અને બુદ્ધિયોગ આ ત્રણેનો એક જ અર્થ છે. કર્મયોગમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિની પ્રધાનતા હોવાથી તેને ‘બુદ્ધિ’ કહેવાયો છે અને વિવેકપૂર્વક ત્યાગની પ્રધાનતા હોવાથી તેને યોગ અને બુદ્ધિયોગ કહેવાયો છે.
ધ્યાનયોગમાં મનની પ્રધાનતા અને કર્મયોગમાં બુદ્ધિની પ્રધાનતા રહે છે. મનનો નિરોધ કરવામાં ઘડીક મનની સ્થિરતા અને ઘડીક ચંચળતા એવું સમાધિ સુધી ચાલ્યા જ કરે છે. મનને સંસારથી હટાવ્યા પછી પણ સંસારની સત્તાના સંસ્કારો રહે છે. તેથી તેમાં સમાધિ અને વ્યુત્થાન એવી બે અવસ્થાઓ છેક સુધી રહ્યા કરે છે. જ્યારે કર્મયોગમાં બુદ્ધિની(વ્યવસાયાત્મિકા) નિર્ણયની પ્રધાનતા રહે છે. તેમાં સાધ્ય અને સાધ્યેતર એવા બે વિભાગ રહે છે. કર્મયોગી સાધ્યતેર સામગ્રીને પણ સાધ્યની સેવામાં ઉપયોગી બનાવીને સંસારથી સહજતાથી છૂટી શકે છે. તેથી એ સુગમ છે.
વસ્તુતાએ કર્મયોગમાં ‘કર્મ’ કરણ સાપેક્ષ છે પણ ‘યોગ’ કરણ નિરપેક્ષ છે. યોગની પ્રાપ્તિ કેવળ કર્મથી નથી થતી; પરંતુ કર્મના અંતરાળમાં નિષ્કામ સેવા અને વિશુદ્ધ ત્યાગથી થાય છે. તેથી કર્મયોગ કર્મ નથી. કર્મયોગ કરણ નિરપેક્ષ વિવેકપ્રધાન સાધન છે. જો તેમાં સેવા અને ત્યાગની હાજરી ન હોય એટલું જ નહિ પણ પ્રધાનતા ન હોય તો કર્મ કયારેય કર્મયોગ બની શકશે નહિ. કેવળ કર્મ જ બની રહેશે. જે કલ્યાણના માર્ગમાં નિરર્થક અને બાધક છે. कर्मणा बध्यते जन्तु:।
અહીં વિશેષ વાત એ છે કે યોગ વિના જ્ઞાન અને કર્મ નિરર્થક બને છે પણ ભક્તિ નિરર્થક બનતી નથી. કારણ ભક્તિમાં પ્રથમથી જ ભગવાન સાથે સંબંધ રહે છે. તેથી ભગવાન સ્વયં ભક્તિને યોગ પ્રદાન કરે છે. ‘ददामि बुद्धियोगं तम्’(૧૦/૧૦)
बुद्धि युक्तो जहातीह उभे सुकृतदुष्कृते
નિષ્કામ કર્મયોગયુક્ત સાધક જીવિત અવસ્થામાં જ પુણ્ય પાપનો ત્યાગ કરી દે છે. પુણ્યપાપ રહિત થઈ જાય છે, અર્થાત્મુક્ત ભાવને પામી જાય છે. સંસારથી પર થઈ જાય છે. નિષ્કામ કર્મયોગ અથવા ભગવાનના ભક્તોનો નિષ્કામ સેવાયોગ એ એક એવી વિદ્યા છે, જેનાથી મનુષ્ય સંસારમાં રહેવા છતાં સંસારથી સર્વથા નિર્લિપ્ત રહી શકે છે. જેમ કમલપત્રને જળ અડતું નથી તેમ તે પુણ્ય – પાપથી અસંગ બની જાય છે. વાસ્તવમાં તો જીવાત્માનું સ્વરૂપ અસંગ જ છે;असङगो हि अयं पुरुष: (સાંખ્યસૂત્ર) પરંતુ શરીર વગેરે અસત્પદાર્થો સાથે ઘાટો સંબંધ જોડાઈ જવાથી પુણ્ય પાપયુક્ત બનતો રહે છે. માટે અસત્પદાર્થોમાં સંબંધ ન જોડે તો તે નિર્લિપ્ત બની જાય છે. તે આસક્તિને તોડવા એકદમ સહેલા છતાં અતિ બળવાન ઉપાય તે કર્મયોગ-સેવાયોગ છે. तस्मात्योगाय युज्यस्व-એટલા માટે તમો યોગમાં જોડાઈ જાઓ. અર્થાત્નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગમાં જોડાઈ જાઓ. આ જીવની સાચી ઓળખાણ પરમાત્માનો સેવક હોવું તે છે. અછેદ્ય, અભેદ્યાદિ સામાન્ય લક્ષણો છે. જ્યારે પરમાત્માનું સેવકપણું એ નિકૃષ્ટ(અતિ સચોટ) લક્ષણ છે. એમ શ્રી રામાનુજાચાર્યજીને છે; પરંતુ સંસારના મોહમાં સાચા સંબંધની તેમને વિસ્મૃતિ થઈ ગઈ છે, માટે ભગવાન આજ્ઞા આપે છે કે તું ફરીવાર તારું સ્વરૂપ યાદ કરીને ભગવાનની સેવામાં જોડાઈ જા. योगाय युज्यस्व
योग: कर्मसु कौशलम्-કર્મોમાં યોગ એ જ કુશળતા છે. અર્થાત્નિષ્કામ કર્મયોગમાં જોડાયા પછી અથવા ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કામ સેવામાં જોડાયા પછી સિદ્ધિ-અસિદ્ધિમાં, માન-અપમાન, રાગદ્વેષ કે સ્તુતિ-નિંદામાં અંતઃકરણનું સમતુલન રાખીને શુદ્ધ ભાવથી સેવામાં જોડાઈ રહેવું. એ જ કર્મમાં કુશળતા છે. એ જ સાધકની કુશળતા એટલે સામર્થી છે. પૂર્વ પદમાં કહ્યા જે સુકૃત-દુષ્કૃતને તોડવાની તાકાત રૂપ સામર્થી એ જ બીજો કર્મો કરતાં વિશેષતા છે. પોતાના સહજ સ્વરૂપથી સંસારમાં ખેંચી જનારાં કર્મોમાં જો સારતત્ત્વ હોય તો યોગ જ સાર છે અને જે પૂર્વનાં કર્મોને ભસ્મીભૂત કરવાની જો તાકાત હોય તો કર્માંતરગત યોગમાં જ છે.
આ પદમાં યોગની વ્યાખ્યા નથી કરી પણ યોગનો મહિમા કહ્યો છે. વ્યાખ્યા તો समत्वं योग उच्यते પદમાં બતાવી છે. અહીં તો યોગનો મહિમા બતાવ્યો છે. તેથી આ પદનો कर्मसु योग: कौशलम्। કરવો પડશે. કર્મ કરતાં કરતાં કર્માંતરગત યોગનું આચરણ કરી દેવું એ જ સાચી કુશળતા છે અને કર્મમાં કુશળતા એ જ યોગ છે. એવો અર્થ પણ નીકળી શકે પણ તે સાચો નથી. એવો અર્થ લેવામાં આવે તો, એ આપત્તિ આવશે કે અતિ કુશળતાપૂર્વક ચોરીનું કામ કરે તેને પણ યોગ કહેવો પડશે. તો તો યોગ બહુ સોઘંો બની જશે. માટે એવો અર્થ લેવો ઉચિત નથી. ત્યારે કોઈ કહેશે કે અમે તો વિહિત કર્મોમાં કુશળતાનું કહીએ છીએ. ત્યારે પણ એ આપત્તિ આવશે કે સકામ ભાવથી અથવા ફળમાં અતિ આસક્તિથી પણ કર્મ કુશળતાપૂર્વક થઈ શકે છે. ત્યારે તો કોઈપણ સારી રીતે કર્મ થયું પછી તે આસક્તિ કે વાસનાથી પ્રેરાઈને કરાયું હશે તો પણ યોગ કહેવાશે. માટે તે પણ ઉચિત નથી. કારણ કે फले सक्तो निबध्यते (૫/૧૨) એ યોગ તો બાંધનારો થશે. જ્યારે ભગવાન તો કહે છે कर्म बन्धं प्रहास्यसि તું કર્મના બંધનથી મુક્ત થઈશ. માટે ‘કર્મોમાં યોગ એ જ કુશળતા છે’ એવો અર્થ લેવો તે જ ઉચિત છે. કારણ કે કર્મો કરવા છતાં જેના અંતરમાં સમતાનું સમતુલન બની રહે છે. કર્મો કરવા છતાં અંતરમાં સેવા અને ત્યાગની ભાવના વધતી રહે છે. માટે તે કર્મના ફળમાં બંધાશે નહિ અને કર્મ કરતાં કરતાં નિર્લિપ્ત રહેવું એટલું જ નહિ જીવન છતાં મુક્ત દશાને પામી જવું એ જ તેની કુશળતા છે. એ જ યોગની સામર્થી છે અને એ જ મહિમા છે. મુક્તિ-યોગથી થાય છે, કર્મોની કુશળતાથી નહિ. યોગનો ઉત્પત્તિ વિનાશ થતો નથી. કર્મ ગમે તેટલું ઉત્તમ હશે, તેનો આરંભ અને અંત હોય છે. તેથી સેવાયોગમાં પણ કર્મનું એટલું બધું મહત્ત્વ નથી; પરંતુ કર્મ કરતાં કરતાં અંતર્ગત નિષ્કામ સેવાની જે ઉચ્ચ ભાવના અને વિશુદ્ધ ત્યાગની ઝલક એ જ મહત્ત્વનાં છે અને એ જ તેના ઉદ્ધારક બને છે.
कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिण:।
जन्मबन्धविनिर्मुक्ता: पदं गच्छन्त्यनामयम्।।५१।।
અર્થઃ કેમ કે સમબુદ્ધિથી યુકત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુકત થઈ નિર્વિકાર પરમ પદને પામે છે.
मनीषिण: बुद्धियुक्ता: कर्मजं फलं त्यक्त्वा हि-જે મનુષ્યો સમતા (યોગ) યુકત છે તે જ ખરેખર મનીષી છે અર્થાત્બુદ્ધિશાળી છે. અઢારમા અધ્યાયના દસમા શ્લોકમાં કહ્યું છે કે न द्वेष्टयकुशलं कर्म कुशले नानुषज्जते.. જે મનુષ્ય અકુશળ કર્મોનો ત્યાગ દ્વેષપૂર્વક નથી કરતો તે મનુષ્ય કુશળ કર્મોનું આચરણ રાગપૂર્વક નથી કરતો. તે મનુષ્ય મેધાવી છે-અર્થાત્ બુદ્ધિશાળી છે તેમાં બુદ્ધિમત્તા એ છે કે કર્મો કરવા છતાં બંધાતો નથી. અકુશળ કર્મોનો ત્યાગ દ્વેષપૂર્વક નથી કરતો. એટલા માટે કે અકુશલનો ત્યાગ કરીને તેની સાથે તો સંબંધ તોડે છે પણ દ્વેષની સાથે જો સંબંધ થઈ જાય, તો તેથી પણ વધારે ખરાબી છે. કુશળ કર્મો કરે છે પણ રાગપૂર્વક નહિ. કુશળ કર્મો સારાં છે, પુણ્યદાયક છે તો પણ રાગનો સંબંધ હોય છે. માટે તેથી ઉપર ઊઠીને કર્મ કરે તે બુદ્ધિમાન જ છે. स बुद्धिमान्मनुष्येषु….(૪/૧૮)
कर्मर्जं फलं त्यक्त्वा એટલે કર્મના ફળનો ત્યાગ કરીને, ખરેખર કર્મ તો ફળના રૂપમાં પરિણમે જ છે. એના ફળનો ત્યાગ કોઈ કરી શકતું નથી. જેમ કોઈ ખેતીમાં નિષ્કામ ભાવથી બીજની વાવણી કરે તો શું અનાજનું ફળ નહિ આવે ? નિષ્કામ બુદ્ધિ તેને રોકી શકશે? જે વાવ્યું છે તે અવશ્ય પેદા થશે જ. એવી જ રીતે કોઈ નિષ્કામભાવે કર્મયોગ કરે છે અથવા નિષ્કામભાવે ભગવાન અને સંતની સેવા કરીને સેવાયોગનું આચરણ કરે છે તો કર્મનું શુભફળતો એને મળશે જ. આથી અહીં कर्मर्जं फलं त्यक्त्वा નો અર્થ છે-કર્મજન્ય ફળમાં આસક્તિ-વાસના-મમતા માટેનો ત્યાગ કરવો ને માનસિક સંતુલન જાળવી રાખવું. એ मा फलेषु વગેરે વાક્યોનો અભિપ્રાય છે.
जन्मबन्धविर्निमुक्ता: એવા સાધકો જન્મમરણરૂપ બંધનથી મુક્ત થાય છે. સાધક જ્યારે કર્મયોગમાં વિશેષ સ્થિરતા અને દૃઢતા પામે છે ત્યારે તેના રાગદ્વેષ, સાંસારિક મમતા, કામનાઓ, વાસના વગેરે દોષો દૂર થાય છે. આ દોષો જ જન્મમરણનું મૂળ કારણ છે. તે દૂર થતાં જન્મમરણનું કોઈ કારણ ન રહેતું હોવાથી સદાને માટે મુક્ત થાય છે.
पदं गच्छन्त्यनामयम् આમય એટલે રોગ. રોગ એ શરીરની વિકૃતિ છે. અનામય અર્થાત્નિર્વિકાર-પરમાત્માનું ધામ તથા પરમાત્માનું સ્વરૂપ એ નિર્વિકાર અને અનામય છે માટે તેને પામે છે. જેને શાશ્વતપદ, અવ્યયપદ વગેરે શબ્દોથી બતાવવામાં આવે છે.
જો કે ગીતામાં સત્ત્વગુણને પણ અનામય કહ્યો છે; (૧૪/૬) પરંતુ વાસ્તવમાં નિર્વિકાર તો પરમાત્માનું સ્વરૂપ જ છે. તેનું ધામ છે તે ગુણાતીત છે પણ સત્ત્વ ગુણ ભગવાનની પ્રાપ્તિમાં હેતુ હોવાથી ભગવાને સત્ત્વ ગુણને પણ અનામય કહ્યો છે. શરીરની સાથે માની લીધેલો સંબંધ છે, તેનો ત્યાગ કરીને સાચા આત્મસ્વરૂપને પામીને પરમાત્માના ધામમાં પહોંચી જવું તે અનામયપદને પામવું ગણાય.
અહીં बुद्धियुक्ता: અને मनीषिण: બન્ને શબ્દો બહુવચનમાં વાપર્યા છે. તેનું તાત્પર્ય એ છે કે જે કોઈ આ યોગમાં સ્થિર થઈ જાય તે જેટલા હોય તેટલા બધા જ ભગવત્ધામને પામે છે. તેમાં કોઈ બાકી રહેતો નથી. આ અચૂક ઉપાય છે.
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च।।५२।।
અર્થઃ જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે, તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ.
यदा ते मोह… तरिष्यति-શરીરમાં અહંતા અને મમતા કરવી તથા શરીરના સંબંધી વ્યક્તિઓ-માતાપિતા, પત્નીપુત્ર, ભાઈબહેન વગેરેમાં તથા વસ્તુ પદાર્થમાં મમતા કરવી, એ મોહ છે. કારણ કે આ બધામાં કોઈ જીવની સાથે કાયમ રહેનારા છે જ નહિ. કેવળ જીવે મૂર્ખતાથી માની લીધેલું છે. વચનામૃત ગ.પ્ર.પ્ર.૪૪માં શ્રીજી મહારાજ કહે છે કે કોઈએ દરજીને ઘેર ડગલો સિવડાવ્યો પછી પહેરીને કહે હવે દરજી મારો બાપ ને દરજણ મારી મા. એ નરી મૂર્ખતા છે. વ્યવહારમાં તેવું કોઈ કરતું નથી પણ અધ્યાત્મમાં તો એવું જ આપણે કરીએ છીએ. અનુકૂળ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી પ્રસન્ન થવું, તેમાં મમત્વ થવું. પછી મોહ બાંધવો, તેને માટે વિષમતા, પક્ષપાત ઈતરનો દ્વેષ, મત્સર, વેર-વિરોધ કરવો તથા પ્રતિકૂળ પદાર્થ વગેરેમાં દ્વેષ, કલહ, વેર-વિરોધ ઊભાં કરવાં. આ બધી પ્રતિક્રિયાઓને ભગવાને કલિલ કહ્યો છે. સડેલો કાદવ કહ્યો છે અને આ જાળમાં જ્યારે બુદ્ધિ ફસાઈ જાય છે ત્યારે તેને તે વસ્તુ સિવાય કાંઈ બીજી સારી વસ્તુ સૂઝતી નથી અને પોતે કિંકર્તવ્યવિમૂઢ બની જાય છે.
આ દેહધારી પોતે ચેતન હોવા છતાં શરીર વગેરે જડ પદાર્થો સાથે અહંતા-મમતા કરીને પોતાનો સંબંધ બાંધે છે. વાસ્તવમાં તે કોઈ પણ વસ્તુ તેની સાથે સદા રહેવાની નથી; પરંતુ મોહને કારણે તેના ધ્યાનમાં એ વસ્તુ આવતી નથી. ઊલટાનો એક વસ્તુ નાશ પામે તો બીજા નવા નવા સંબંધો બાંધતો રહે છે અને સંસારમાં વધારે ફસાતો રહે છે. જેમ કોઈ મુસાફર રસ્તામાં ધર્મશાળાને જ પોતાનું ઘર માનીને ત્યાં કાયમી પડાવ નાખી દે પણ ધર્મશાળાનો માલિક તેમ પડાવ નાખવા ન દે. તેમ કાળ કોઈને કાયમી પડાવ નાખવા દેતો નથી પણ તેને ધ્યાનમાં નહિ રાખીને કાયમી રહી જાય. તે કાદવમાં ફસાયો ગણાય છે.
આપણે આ શરીરમાં કે આ પરિવાર સાથે કાયમ રહી શકવાના નથી. માટે તેમાંથી મમત્વ છોડીને આત્મકલ્યાણ સાધવું છે. આવો અંતરમાંથી વિચાર આવવો અને તેને જીવનમાં મૂકવો તેને બુદ્ધિથી મોહરૂપી કાદવમાંથી તરી ગયા જાણવા. કારણ કે આવો વિચાર થવાથી બુદ્ધિ, સંસારમાં ફસાશે નહિ.
મોહ રૂપી કાદવથી તરવાના બે ઉપાય છે. એક વિવેક અને બીજો સેવા. તેમાં વિવેક (અ.૨/૧૧-૩૦માં જેનું વર્ણન કરાયું છે) તેજ હોય તો તે અસત્વિષયોથી છોડાવે છે અને જેને ભગવાન ને તેમના ભક્ત અથવા બીજાની સેવાની ધૂન લાગી જાય તો પોતાના સુખ-આરામ-ભોગ ત્યાગ કરવાની શક્તિ આવી જાય છે. ભગવાન ને ભગવાનના ભક્તોની તથા બીજાની સાફ દિલથી સેવા કરવાનો ભાવ જેટલો તેજ થશે તેટલો સામે પોતાના સુખ-આરામ-ભોગ છોડવાનું બળ પ્રાપ્ત થાય છે. શ્રીજી મહારાજ કહે છે જે ‘‘…ભગવાન અને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે.’’ વચ.ગ.મ.૬૩. વળી મહારાજ કહે છે શાસ્ત્રમાંથી અથવા મોટા સંતના મુખેથી સાંભળીને જાણે હું આત્મા-અનાત્માની વિક્તિ કરી લઉં. તો તેમ થતી નથી. એ તો જ્યારે તેને ભગવાનને ભગવાનના ભક્તને વિષે જેટલી નિષ્ઠા (સેવાનો દૃઢ સંકલ્પ અને વિશ્વાસ) થાય છે તેટલો અંતરમાં આત્મા અનાત્માને વિવેક થાય છે.
જ્યારે એવા સેવાયોગની ધૂન લાગી જાય ત્યારે પોતાના ભોગ સુખ આપોઆપ દૂર થઈ જાય છે. જેમ ગુરુની સેવામાટે શિષ્યને ધૂન લાગે છે. માબાપની સેવામાં પુત્રને, માલિકની સેવામાં નોકરને, દેશની સેવામાં દેશભક્તને જ્યારે ધૂન લાગે છે ત્યારે ભોગ-આરામ ત્યાગ કરવામાં વૈરાગ્યની જરૂર નથી પડતી. આપોઆપ જેટલી જરૂર પડે તેટલો વૈરાગ્ય તેમને આવી જાય છે અને અંતરની પીડા વિના ભોગ-આરામનો સરળતાથી ત્યાગ થઈ શકે છે. જરૂર માત્ર વ્યવસાયાત્મિકા બુદ્ધિ-દૃઢ નિર્ણયની પડે છે. આ બાજુ જ્યારે વિવેક વિચારથી ભોગ-આરામનો ત્યાગ કરવામાં થોડી મુશ્કેલી પડે છે. કારણ કે વિવેક વિચાર જો અતિ દૃઢપણે ન હોય તો તે ત્યાં સુધી જ કામ આવે છે, જ્યાં સુધી ભોગ સામે ન આવે. જ્યારે ભોગ સામે આવે ત્યારે સાધક ઘણું કરીને વિચલિત થઈ જાય છે. જેનામાં ઊંચી સેવાભાવના છે અને કદાચ વૈરાગ્યની ન્યૂનતા છે તો પણ સેવા ભાવનાના આલંબનથી ઊંચામાં ઊંચા ભોગોમાં લિપ્ત થયા વિના પાર ઊતરી જાય છે અને તે ભોગ સામગ્રીને ભગવાન અને તેના ભક્તોની સેવામાં લગાડી દે છે. પોતે તેનાથી ઊંચો ઊઠી શકે છે. માટે જ ભગવાને સાંખ્યયોગની અપેક્ષાએ કર્મયોગને શ્રેષ્ઠ, સુગમ અને જલ્દી સિદ્ધિ આપનારો કહ્યો છે.
संन्यास: कर्मयोगश्च निश्रेयसकरावुभौ। तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ૫/૨ એમ શ્રેષ્ઠ છે. सुखं बन्धात्प्रमुच्यते ૫/૩ સુગમ છે. અને संन्यासस्तु महाबाहो दु:खमाप्तुमयोगत:। योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ૫/૬
આમ જલ્દી સિદ્ધિ આપનારો બને છે.
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च
મનુષ્યે જેટલા ભોગો ભોગવી લીધા છે, સાંભળી લીધા છે અને સારી રીતે અનુભવી લીધા છે તે બધા અહીં શ્રુતસ્ય શબ્દથી આવી જાય છે. સ્વર્ગાદિક જેટલા સાંભળવામાં આવે છે તે શ્રોતવ્ય શબ્દથી આવી જાય છે. ‘હે પાર્થ, જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને તરી જશે ત્યારે શ્રુત-ઇહલૌકિકભોગ અને श्रोतव्यस्य એટલે પારલૌકિક ભોગોથી અને વિષયોથી તને વૈરાગ્ય થઈ જશે.’ આથી એમ નક્કી થાય છે કે મોહ છે તે વૈરાગ્યનો પ્રતિબંધક છે. મોહ અને વૈરાગ્ય બન્ને એક સ્થાનમાં એક સાથે સક્રિય રીતે કાર્ય ન કરી શકે. તેમાં પણ બન્ને સરખી માત્રામાં હોય તો પણ મોહ વૈરાગ્યને ઢાંકી દે છે. તેટલો વૈરાગ્ય મોહને ઉખેડી શકતો નથી. જ્યારે નિષ્કામ કર્મ અને મોહ સરખી માત્રામાં હોય તો પણ નિષ્કામ સેવાથી મોહનાં મૂળ ઊખડી જાય છે એટલું જ નહિ, વધારે માત્રામાં મોહ હોય તો પણ નિષ્કામ સેવાયોગ કાળે કરીને તેના મૂળ ઉખેડી નાખે છે. કારણ કે તે કલ્યાણનું સનાતન અને સબળ સાધન છે. જ્યારે મોહ બળવાન, છતાં માયાનું સજર્ન છે તેટલો તફાવત છે.
અહીં ભોગનો નિર્દેશ હોવાથી શ્લોકમાં श्रुतને બદલે भुक्त અને श्रोतव्यस्य ને બદલે ધળજ્ઞુવ્પ કહેવાની જરૂર હતી તે વધારે યોગ્ય ગણાય પણ એમ નહિ કહેવાનું ભગવાનનું તાત્પર્ય છે કે સંસારમાં પરોક્ષ અને પ્રત્યક્ષ ભોગનું જીવના હૃદયમાં આકર્ષણ થાય છે. તે સાંભળવાથી જ પ્રથમ થાય છે. તેનો પ્રવેશ પ્રથમ કાન દ્વારા જ થાય છે. તેવું જ ભગવાનનું પણ છે. માટે તેમાં પણ શ્રવણ ભક્તિ બધામાં મુખ્ય છે. માટે સંસારમાં ચાંેટવાનું કે ભગવાનમાં ચોંટવા માટે સાંભળવું એ જ મુખ્ય સાધન બની રહે છે માટે તેમ બતાવ્યું છે.
જ્યારે શ્લોકમાં यदा અને तदा નો ભાવ એ છે કે વિષયોથી આટલા મહિને, વર્ષે કે દિવસે વૈરાગ્ય થશે એવું નથી પણ જ્યારે મોહ ગયો કે વૈરાગ્ય તો હાજર જ છે. તેમાં વિલંબની કોઈ વાત જ નથી. જીવની પોતાની સંપત્તિ છે. મોહ તો આગંતુક છે, છતાં ઘરધણી થઈ બેઠો છે.
श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि।।५३।।
અર્થઃ જાત-જાતનાં વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિરભાવે સ્થાયી થઈ જશે, ત્યારે તું યોગને પામીશ, અર્થાત્તારો પરમાત્મા સાથે નિત્યસંયોગ થઈ જશે.
લૌકિક-વિષય-ભોગ મોહરૂપી કાદવને પાર કર્યા પછી પણ વિવિધ પ્રકારના શાસ્ત્રીય મતભેદોને લીધે જે મોહ થાય છે. તેને તરી જવા માટે ભગવાન આ શ્લોકમાં પ્રેરણા આપે છે. श्रुति विप्रतिपन्ना… योगमवाप्स्यसि।
અર્જુનના હૃદયમાં શ્રુતિવિપ્રતિપત્તિ છે. બહુ સાંભળવાથી અને અલગ અલગ બહુ જગ્યાએથી સાંભળવાથી આ સાચું હશે કે પેલુ સાચું હશે ! એવો અનિર્ણિત ભાવ તે વિપ્રતિપન્નતા છે, અનિર્ણિત દશા છે. અર્જુનને પણ આ જ વધારે મૂંઝવણ છે. પોતાના ગુરુજનોનો અને પોતાના કુટુંબનો નાશ કરવો તે યોગ્ય નથી અને પોતાના ક્ષાત્રધર્મનો ત્યાગ કરવો પણ યોગ્ય નથી. न चैतद्विद्मं कतरन्नो गरीयो… એક તરફ કુલરક્ષા અને બીજી બાજુ ક્ષાત્રધર્મ. જો કુટુંબનું રક્ષણ કરે તો યુદ્ધ નહિ થાય અને યુદ્ધ થાય તો કુટુંબ બચી નહિ શકે. આ બન્નેમાં અર્જુનને શ્રુતિવિપ્રતિપત્તિ છે. જેનાથી તેની બુદ્ધિ વિચલિત થઈ ગઈ છે. અર્જુન બહુશ્રુત છે. તેણે મોટા મોટાને (ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, વ્યાસ અને ખુદ કૃષ્ણને પણ) ખૂબ સાંભળ્યા છે અને તેથી જ શ્રીકૃષ્ણ ભગવાનને અર્જુનને ઠેકાણે લાવતાં કઠણ પડી ગયું છે. જો રાજ્યનો જ કે ભોગનો જ એકલો મોહ અર્જુનને હોત તો તે છોડાવવો ભગવાનને એટલો કઠણ ન પડત. જેટલો સાંભળવામાંથી મોહ પકડાયો છે તે કઠિન પડયો છે. માટે ભગવાન શાસ્ત્રીય મતભેદોમાં અને મહાપુરુષો (પોતાના મનથી માનેલા) પાસેથી સાંભળેલા અભિપ્રાયોના ભેદોમાં બુદ્ધિને નિશ્ચલ અને ભગવાનને પામવાના વિષયમાં અચલ કરવાની પ્રેરણા ભગવાન આપે છે.
જાળ બે પ્રકારની છે-સંસારની અને શાસ્ત્રીય મતભેદોની. સંસારના ભોગ અને આરામના મોહરૂપી કાદવમાં ફસાઈ જવું તે સંસારની જાળમાં ફસાવા સરખું છે. શાસ્ત્રોના અલગ અલગ સિદ્ધાંત, મહાપુરુષોના મત મતાંતરો અને હઠાગ્રહોમાં પકડાઈ રહેવું તે શાસ્ત્રીય જાળમાં ફસાવા સરખું છે. સંસારની જાળમાંથી નીકળવું સરળ છે. ગમે તેવો કઠિન તોય સીધો માર્ગ છે. ગૂંચવાયેલા છૂટક સૂતર જેવું છે. જ્યારે શાસ્ત્રની જાળ તથા મહાપુરુષોના મતભેદ તથા મહાત્માઓએ પાથરેલી જાળમાંથી નીકળવું મહા મુશ્કેલ છે. ગૂંચવાયેલા ૧૦૦ મણ સૂતર જેવું છે. અહીં ભગવાન એના તરફ સંકેત કરે છે કે તે જાળ તો રહેવાની જ છે પણ મુમુક્ષુએ ભગવાનને પામવાનું લક્ષ્ય રાખીને તે જાળમાંથી સરળ ભાવે બહાર નીકળવાનું છે. સારું એટલું મારું, એ સરળભાવે બહાર નીકળવાનો રસ્તો છે. મારું એટલું જ સારું, બીજાનું નહિ. એ મહાત્માઓએ પથારેલી જાળ છે. તેમાં મુમુક્ષુને પણ શ્રુતિવિપ્રતિપન્નતા થઈ જાય છે. માટે તેમાંથી જ્યારે પાર થાય ત્યારે તે પરમાત્માને પામે છે. એને માટે લાલચનો ત્યાગ, ભગવાનને પામવાનો તીવ્ર તલસાટ અને વિવેક જરૂરી છે.
પ્રથમ તો સાધકને આ બાબતને લીધે સંદેહ થાય છે કે મારે સાંસારિક વ્યવહાર બરાબર કરવો જોઈએ કે ભગવાનનો માર્ગ મારે બરાબર સાચવવો જોઈએ ? પછી મુમુક્ષુને અંતરમાં એવો નિર્ણય થાય છે કે મારે તો આ દેહે ભગવાનને પામવું છે અને તેનો સાચો ને સરળ માર્ગ ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કામભાવે સેવા (નિષ્કામ કર્મયોગ) છે. આવો હૃદયના ઊંડાણથી સરળભાવે દૃઢ નિર્ણય થતાં ભોગો તેની દૃષ્ટિમાંથી ખસવા લાગશે અને શાસ્ત્રીય જાળમાંથી પણ સાચો અને નિષ્કામ માર્ગ દેખાવા લાગશે તથા મહાત્માઓએ બિછાવેલી જાળમાં પણ વાસ્તવિકતા અને નિરર્થકતા દેખાવા લાગશે. આવું થયા પછી જ્યારે સાધક ભગવાનનું શરણું, પ્રાર્થના અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતાં એને ભગવાનની કૃપાથી સાચો નિર્ણય થઈને બુદ્ધિ નિશ્ચલ થાય છે. ભગવાનને પામવાનો માર્ગ બુદ્ધિની વિશાળતાથી નહિ પણ ભગવાન પાસે પહોંચવાના તીવ્ર તલસાટથી ઓળખાય છે. પછી સાધક ભૂલો નથી પડતો. પોતાના નિશ્ચયમાં જેટલી ઊણપ રહે છે તેટલો તેને ઉપરની બન્ને પ્રકારની જાળમાં ફસાવાનો સંભવ વધારે રહે છે. જ્યારે નિશ્ચય અતિ દૃઢ થાય છે ત્યારે તેને પરમાત્મા સાથેના નિત્યયોગનો અનુભવ થવા લાગે છે.
સંસારથી સંબંધ વિચ્છેદ કરવા માટે બુદ્ધિ નિશ્ચલ હોવી જોઈએ. ‘મારે સંસારનાં સુખો ભોગવવાં નથી’ એવી ત્યાગની દૃઢતા હોવી જોઈએ. જેને ગીતામાં અ. ૬/૨૩માં दु:खसंयोग वियोगं શબ્દોથી બતાવવામાં આવ્યું છે.‘મારે તો પરમાત્મા પાસે જ પહોંચવું છે. બીજે વચમાં કયાંય રોકાવું નથી.’ એવી પરમાત્મા સાથે જોડાવા માટેની બુદ્ધિ અથવા નિર્ણય ‘અચલ’ હોવો જોઈએ જેને ગીતા અ. ૨/૪૮માં શ્લોકમાં समत्वं योग उच्यते શબ્દોથી કહ્યું છે.
અહીં ‘तदा योगमवाप्स्यसि’ શબ્દોથી જે યોગની પ્રાપ્તિ બતાવી છે, તેથી એવું નથી કે પહેલાં ‘યોગ’ ન હતો અને હવે થશે; પરંતુ સાંસારિક અસત્પદાર્થો, અસત્શાસ્ત્રો (ભગવાન પાસે ઠેઠ ન પહોંચાડી શકે તેવા) અને અસત્પુરુષોની સાથે જે ભૂલથી સંબંધ જોડાઈ ગયો છે. તેથી પરમાત્મા સાથેનો યોગ આવરિત થઈ ગયો છે. તે અસત્સંબંધનો સર્વથા વિયોગ થઈ જવો તેને જ અહીં ‘યોગ’ શબ્દથી કહ્યો છે. શ્લોકમાં પણ ટડળ શબ્દથી એ ભાવ બતાવ્યો છે. જીવની વાસ્તવિક સ્થિતિથી, પરમાત્માથી તેનો કોઈ વિયોગ થવો શકય નથી. તે અનાદિ છે. ‘द्वा सुपर्णा सयुजा…’ વગેરે શબ્દોથી ઉપનિષદમાં બતાવ્યો છે. માટે ત્યાં સંયોગ, વિયોગ, યોગ કોઈ શબ્દ લાગુ પડી શકતો નથી. તેથી અસત્પદાર્થોથી છૂટવું તેને ગીતામાં ‘યોગ’ સંજ્ઞા આપી દીધી છે. (૬/૨૩) અને તેમ થવાથી પેલો વાસ્તવિક નિત્યયોગ છે તેની અનુભૂતિ સાધકને થાય છે. આ અનુભૂતિ જો નિષ્કામ કર્મો દ્વારા કરવામાં આવે તો તેને ‘નિષ્કામ કર્મયોગ’ કહેવાય છે ભગવાન અને ભગવાનના ભક્તોની નિષ્કામ ભાવે સેવા કરવામાં આવે તો તેને ‘સેવાયોગ’ કહેવાય. આત્મા-અનાત્માના વિવેક વિચાર દ્વારા કરવામાં આવે તો તેને ‘જ્ઞાનયોગ’, પરમાત્મામાં વિશુદ્ધ ‘પ્રેમ’ દ્વારા કરાય તો ‘ભક્તિયોગ’, પ્રાણાયામ દ્વારા કરવામાં આવે તો ‘હઠયોગ’ અને યમ, નિયમ વગેરે અંગો દ્વારા કરવામાં આવે તો તેને અષ્ટાંગયોગ કહેવાય છે.