શ્લોક ૩૧-૩૮
ક્ષાત્રધર્મ અનુસાર યુદ્ધ કરવાની આવશ્યકતાનું નિરુપણ
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते।।३१।।
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम्।
सुखिन: क्षत्रिया: पार्थ लभन्ते युद्धमीदृशम्।।३२।।
અર્થઃ વળી, સ્વધર્મને જોતાં પણ તારે ભય પામવો ન જોઈએ; કેમ કે ક્ષત્રિય માટે ધર્મર્યુકત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. હે પાર્થ ! આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઊઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે.
स्वधर्मम्…ખરેખર તો જીવાત્મા એ પરમાત્માના અંશ છે; પરંતુ જ્યારે એ શરીર સાથે એકતા સાધી લે છે ત્યારે તેનો ‘સ્વ’ બદલી જાય છે અર્થાત્એ પોતાને જે કાંઈ માનતો હોય તે અનુસાર તેનું કર્તવ્ય તેને અહીં ‘સ્વધર્મ’ શબ્દથી કહ્યો છે. જેમ કે કોઈ પોતાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર માને તો વર્ણોચિત પોતાના કર્તવ્યનું પાલન કરવું તે તેનો સ્વધર્મ થશે. કોઈ પોતાને શિક્ષક કે નોકર માને તો તેના ભાગમાં આવતું કર્તવ્ય બજાવવું તે સ્વધર્મ કહેવાય. કોઈ પોતાને પિતા, પુત્ર, નેતા, સાધુ, ભગવાનનો સેવક માનતો હોય તો તેના અનુસંધાનમાં હાલના સમયે મારું કર્તવ્ય શું હોઈ શકે,(‘‘नियतं कुरु कर्मत्वम्…’’) તે તેનો સ્વધર્મ કહેવાય.
અહીં ક્ષત્રિયના કર્તવ્યકર્મને ધર્મ તરીકે ઓળખાવ્યો છે. અઢારમાં અધ્યાયમાં (અ. ૧૮/૪૨-૪૮માં) ચારેય વર્ણોનાં કર્તવ્યકર્મનું વર્ણન આવે છે. ત્યાં પણ વચમાં ‘ધર્મ’ શબ્દ આવ્યો છે श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात्। (१८/४७) આનાથી કર્તવ્યકર્મ અને ધર્મ પર્યાય તરીકે ભગવાને વાપર્યો છે. ક્ષત્રિયનું ખાસ કર્તવ્ય છે કે યુદ્ધથી વિમુખ થવું નહિ. (युद्धे चाप्यपलायनम्।) અર્જુન ક્ષત્રિય છે, વળી વીર ક્ષત્રિય છે તેને તો પ્રસિદ્ધ પ્રતિજ્ઞા છે. (अर्जुनस्य प्रतिज्ञे द्वे न दैन्यं न पलायनम्।) માટે યુદ્ધ કરવું એ અર્જુનનો સ્વધર્મ છે, કર્તવ્ય છે. એ જ વસ્તુ ભગવાન અર્જુનને કહે છે કે જો સ્વધર્મની દૃષ્ટિથી જોવામાં આવે તો પણ ક્ષાત્રધર્મ અનુસાર તારા માટે યુદ્ધ કરવું એ જ કર્તવ્ય છે. પોતાના કર્તવ્યથી તારે કદી વિમુખ થવું ન જોઈએ.
દેહ-દેહીના વિવેકનું વર્ણન કર્યા પછી હવે ભગવાન અહીંથી ૩૮ શ્લોક સુધી દેહીના સ્વધર્મ પાલન(કર્તવ્ય પાલન)ની વાત કરે છે. કારણ કે દેહ-દેહીના વિવેકથી (આત્મા-અનાત્માના વિવેકથી) જે તત્ત્વ મળે છે, તે જ તત્ત્વ દેહનો સદ્ઉપયોગ કરવાથી પણ મળે છે. અર્થાત્ખંતથી કરેલા સ્વકર્તવ્ય પાલનથી પણ મળે છે. આત્મા અનાત્માના વિવેકમાં ‘જાણવું’ (સ્વમાન્યતા) મુખ્ય હોય છે. જ્યારે સ્વધર્મ પાલનમાં ‘કરવાનું’ મુખ્ય છે. જો કે મનુષ્યને માટે વિવેક મુખ્ય છે. જે વ્યવહાર અને પરમાર્થમાં લોક અને પરલોકમાં બધી જગ્યાએ કામ આવે છે; પરંતુ તે વિવેક કરવો, ઘાટા દેહ અભ્યાસને લઈને કરવો કઠિન છે માટે તેને માટે ભગવાન સ્વકર્તવ્યની વાત કરે છે. જેનાથી જ્ઞાની નહિ બનીને પણ વાસ્તવિક તત્ત્વની અનુભૂતિ કરી શકે. તાત્પર્ય એ છે કે જે મનુષ્ય પરમતત્ત્વ-પરમાત્માને જાણવા ઈચ્છે છે; પરંતુ તીક્ષ્ણબુદ્ધિ અને તીવ્ર વૈરાગ્ય તો નથી તો જ્ઞાનયોગમાં સફળ નહિ થઈ શકે. તો તે કર્મયોગથી ભગવાનને જાણી શકે છે. કારણ કે જ્ઞાનયોગથી જે અનુભવ થાય છે તે જ કર્મયોગથી પણ થાય છે. (અ. ૫/૪-૫)
यदृच्छया चोपपन्नम्...પાંડવો સાથે જુગાર રમવામાં દુર્યોધને આ શરત રાખી હતી કે જો આમાં આપ હારી જશો તો આપને બાર વરસનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાત વાસ ભોગવવો પડશે તેરમાં વર્ષ પછી આપને આપનું રાજ્ય પાછું મળી જશે; પરંતુ અજ્ઞાતવાસમાં જો અમે લોકો આપ લોકોને ખોળી કાઢીએ તો આપ લોકોને બીજીવાર બાર વરસનો વનવાસ ભોગવવો પડશે. જુગારમાં હારી જવાથી શરત પ્રમાણે પાંડવોએ બાર વરસનો વનવાસ ને એક વર્ષનો અજ્ઞાતવાસ ભોગવી લીધો. ત્યાર પછી જ્યારે એમણે પોતાનું રાજ્ય માગ્યું, ત્યારે દુર્યોધને કહ્યું કે હું યુદ્ધ કર્યા વિના સોયની અણી જેટલી જમીન પણ નહિ આપું. દુર્યોધનના એમ કહેવા છતાં પણ પાંડવો તરફથી વારંવાર સંધિનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો; પરંતુ દુર્યોધને પાંડવો સાથે સંધિ સ્વીકારી નહિ.એટલા માટે ભગવાન અર્જુનને કહે છે કે આ યુદ્ધ તમને લોકોને પોતાની મેળે પ્રાપ્ત થયું છે. પોતાની મેળે પ્રાપ્ત થયેલા ધર્મમય યુદ્ધમાં જે ક્ષત્રિય લડતાં લડતાં મરે છે, તેને સ્વર્ગનો દરવાજો ખુલ્લો રહે છે. सुखिन: क्षत्रिया पार्थ…આવો ધર્મમય સંગ્રામ (સઘંર્ષ) જેમને પ્રાપ્ત થાય તે ક્ષત્રિયો ઘણા સુખી છે. અહીં સુખી કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાનું કર્તવ્યપાલન કરવામાં જે સુખ છે, તે સુખ સાંસારિક ભોગને ભોગવામાં નથી. સાંસારિક ભોગોનું સુખ તો પશુપક્ષીઓમાં પણ મળે છે પણ જેમને કર્તવ્યપાલનનો અવસર પ્રાપ્ત થયો છે, એમાં પણ નિષ્કામ કર્મયોગનો અવસર પ્રાપ્ત થયો છે એમાં પણ નિષ્કામપણે ભક્તોની કે ભગવાનની (સત્સંગની) સેવા કરવાનો યોગ પ્રાપ્ત થયો છે. તેમનાથી વધારે મોટા ભાગ્યશાળી કોણ હોઈ શકે ? તેમને મોટા ભાગ્યશાળી માનવા જોઈએ.
અહીં આ બન્ને શ્લોકમાં વિશેષ એ જાણવાનું છે કે ભગવાન કહે છે કે धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते अमै सुखिन: क्षत्रिया पार्थ लभन्ते युद्धमीदृशम्।
ભગવાન અર્જુન પ્રત્યે એ જણાવવા માગે છે કે અમસ્તુ ક્ષત્રિયોએ આજીવિકા માટે પણ-પેટને માટે પણ યુદ્ધની જ ફરજ બજાવવાની હોય છે તો તારે ધર્મને માટે અહીં ફરજ બજાવવાની છે. વળી પ્રેરણા કરનાર ભગવાન છે (અર્જુન શ્રીકૃષ્ણને ભગવાન પણ માને છે) વળી અર્જુન જેવા વિશિષ્ટ ગુણો-શૂરવીરતા ધરાવનાર ક્ષત્રિય માટે-તારે માટે તો આ દુર્લભ અવસર ગણાય. સામાન્ય રીતે દરેક વ્યક્તિના પરિપ્રેક્ષ્યમાં પેટને માટે મહેનત કરવાનું તો તમામને પ્રાપ્ત થાય જ છે ને કરવું જ પડે છે ને કરતા જ હોય છે પણ ભગવાનનો એક વિશેષ ઈશારો એ છે કે કયારેક સામાન્ય સમાજથી વિશેષ ગુણ કે આવડત સમાજમાં વિરલ મનુષ્યોને પ્રાપ્ત થાય છે. જે તમામ પાસે હોતી નથી. એવી યોગ્યતા-આવડતવાળા પણ ઘણા હોય; પરંતુ પોતાના ગુણને કે આવડતને અનુરૂપ-ક્ષેત્ર-કર્તવ્યપાલનનું ક્ષેત્ર મળવું એ ભાગ્યની વાત ગણાય. માટે ભગવાન અર્જુનને પડકારે છે. એટલું જ નહિ, ભગવાનના માર્ગના તમામ સાધકોને આ બહાને પડકારે છે. પોતાના વિશિષ્ટ ગુણ, આવડત કે જીવનને અનુરૂપ નિષ્કામ કર્મયોગનું, નિષ્કામ સેવાયોગનું, ભગવાન કે ભગવાનના ભક્તની સેવાનું ક્ષેત્ર જ્યારે મળે છે, તેનાથી ભાગ્યશાળી બીજા કોણ ગણાય ? ભાગ્ય વિના એવું પ્રાપ્ત થતું નથી.
ભાગ્ય વિના સવળું સમજાતું નથી અને એવી વિરલ તકમાં ભાગ્ય વિના પોતાને ભગવાન તરફથી મળેલ વિશિષ્ટ યોગ્યતાને ચરિતાર્થ કરી શકતો નથી. એ धर्म्यात् અને सुखिन: क्षत्रियानां ગર્ભિત ભાવ છે.
अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि।
तत: स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि।।३३।।
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम्।
सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते।।३४।।
भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथा:।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम्।३५।।
अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिता:।
निन्दन्तस्तव सामर्थ्यं ततो दु:खतरं नु किम्।।३६।।
અર્થઃ આમ છતાં પણ જો તું આ ધર્મયુકત યુદ્ધ નહીં કરે, તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. એટલું જ નહીં, બધા લોકો ઘણાં લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીયે અધિક છે. આ બધા મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે, એમ થવાથી જેમની આગળ તારું બહુ માન છે તેમની આગળ તારી બહુ જ તુચ્છતા થશે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતાં તને ઘણાં બધાં ન કહેવા જેવાં વચનો પણ કહેશે; એનાથી વધારે દુઃખ બીજું શું હશે ?
હવેના આ ચાર શ્લાકોમાં યુદ્ધ ન કરવાથી કઈ હાનિ થાય છે તેનું વર્ણન કરે છે.
अथ चेत त्वं… આ શ્લોકમાં अथ શબ્દ પક્ષાંતરમાં આવ્યો છે અને चेत શબ્દ સંભાવનાના અર્થમાં આવ્યો છે. એનું તાત્પર્ય એ છે કે-જો કે તું યુદ્ધ કર્યા વિના રહી નહિ શકે; પોતાના ક્ષાત્ર સ્વભાવને વશ થઈને તું યુદ્ધ નક્કી કરશે જ. (ગી.અ. ૧૮/૬૦) છતાં પણ જો તું માની લે કે યુદ્ધ નહિ કરે તો તારા ક્ષત્રિય ધર્મનો ત્યાગ થશે. તેથી તને પાપ લાગશે, અને તારી કીર્તિનો પણ નાશ થશે.
अकीर्तिं चापि भूतानि… મનુષ્ય, દેવતા, યક્ષ, રાક્ષસ વગેરે જેનો તારા સાથે કોઈ સંબંધ નથી એવા भूतानि સાધારણ પ્રાણધારીઓ પણ તારી અપકીર્તિ અને અપયશનું ગાન કરશે. ते-तव કહેવાનો ભાવ એ છે કે ત્રિલોક પ્રસિદ્ધ એવો તું કે જેની ત્રિલોકીમાં ધાક જામેલી છે, એવા તારી અપકીર્તિ ગવાશે. अव्ययाम् નો એ ભાવ છે કે માણસ પોતાની શ્રેષ્ઠતાને લીધે જેટલો પ્રસિદ્ધ હોય છે, તેની કીર્તિ અને અપકીર્તિ પણ એટલી જ લાંબો સમય સ્થિર રહેવાવાળી હોય છે.
સર્વસામાન્ય વાત એ છે કે સંસારની દૃષ્ટિએ એકવાર ઊંચે ચડી ગયા, શ્રેષ્ઠ મનાઈ ગયા પછી એવા મનુષ્યની જ્યારે અપકીર્તિ થાય છે, ત્યારે એ અપકીર્તિ એને માટે મરણથી પણ વધારે દુઃખદાયી થાય છે. એકવાર શ્રેષ્ઠ થયા પછી પોતાના કર્તવ્યથી ચ્યુત થાય તો તેનો ઘણો ભયંકર અપયશ થાય છે. भयाद्रणादुपरतम्…
તું એમ માને છે કે દયાથી કે ધર્મને સાચવવા માટે હું યુદ્ધ છોડી રહ્યો છું પણ યુદ્ધના મહારથીઓ એવું માનવાના નથી. એ તો એમ માનશે કે અમારા ભયથી અર્જુન બહાનું કાઢીને ભાગી ગયો. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, શલ્ય વગેરેની દૃષ્ટિમાં તારી શૂરવીરતા પ્રત્યે માન છે ને તેની દૃષ્ટિમાં તું બહુ માન્ય થઈ ચૂકયો છે. તેઓ માને છે કે અર્જુને અનેક યુદ્ધમાં દૈત્યો, દેવતાઓ, ગંધર્વો વગેરેને હરાવ્યા છે; પરંતુ અત્યારે તું યુદ્ધથી નિવૃત્ત થઈશ તો તું તેની દૃષ્ટિમાંથી નીચે ઊતરી જઈશ. હલકો પડી જઈશ.
अवाच्यवार्दांश्च..
અહિત એટલે શત્રુ-અહિત કરવાવાળા એવા દુર્યોધન, દુશાસન, કર્ણ વગેરે શત્રુઓ પ્રત્યે તું મનમાં વેર નથી રાખતો તો પણ તેઓ મનમાં તારી સાથે વેર રાખીને તારું અહિત કરવાવાળા છે. તેઓ જાણે છે કે અર્જુન ત્રિલોક પ્રસિદ્ધ શૂરવીર છે. તારી સામર્થીને તેઓ જાણે છે, છતાં તારી સામર્થીની નિંદા કરશે. નહિ સંભાળી શકાય તેવા શબ્દો તારા વિષે કહેશે. એનાથી વધારે દુઃખ કયું હોઈ શકે ?
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय: ।।३७।।
અર્થઃ કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ; માટે હે અર્જુન ! તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા.
હવેના બે શ્લોકમાં ભગવાન કહે છે કે યુદ્ધ કરવાથી તને પાપ નહિ થાય.
हतो वा प्राप्स्यसि स्वर्ग… આ જ અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં અર્જુને કહ્યું હતું કે यद्वा जयेम यदि वा नो जयेयु:। કોણ જીતશે એની મને ખબર નથી. અર્જુનના આ સંદેહને લીધે ભગવાન સ્પષ્ટતા કરે છે કે યુદ્ધમાં તું કર્ણ વગેરે દ્વારા માર્યો જઈશ, તો સ્વર્ગમાં જઈશ અને તેને જીતીશ તો પૃથ્વીનુ રાજ્ય ભોગવીશ. તાત્પર્ય એ છે કે યુદ્ધ કરવાથી તારે લાભ જ લાભ છે અને યુદ્ધ નહિ કરવાથી બન્ને બાજુ હાનિ જ હાનિ છે. માટે તારે યુદ્ધમાં પ્રવૃત્ત થવું જોઈએ.
तस्मादुत्तिष्ठ कौन्तेय…
કૌન્તેય સંબોધન આપવાનું તાત્પર્ય એ છે કે વીર જનની કુંતી માતાની આજ્ઞાથી તમો પાંડવો યુદ્ધ માટે તૈયાર થયા છો. માટે તમારે યુદ્ધથી નિવૃત્ત ન થવું જોઈએ. ઊલટાનું યુદ્ધને માટે નિશ્ચય કરીને ઊભા થવું જોઈએ.
અર્જુનનો નિર્ણય હતો કે મારે યુદ્ધ નથી કરવું. ભગવાને કહ્યું કે (ગી.અ. ૨/૩) તારે યુદ્ધ કરવાનું છે. તેનાથી અર્જુનનો નિશ્ચય ડગમગી ગયો. તેને સંશય થયો કે મારે યુદ્ધ કરવું સારું કે ન કરવું સારું ? ત્યારે ભગવાન તે સંશય દૂર કરતાં કહે છે કે તારે માટે યુદ્ધ કરવું એજ સારું. એમાં સંદેહ રાખવાની જરૂર નથી. અહીં અર્જુનને આપેલી આજ્ઞાના માધ્યમથી ભગવાનનું તાત્પર્ય એવું જણાય છે કે મનુષ્યે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રાપ્ત કર્તવ્યનો ત્યાગ ન કરવો જોઈએ. પછી તે યુદ્ધ જેવું ભયંકર કેમ ન હોય ? અને તેમાં પણ જે કર્તવ્યની સાથે પોતાનું આત્યંતિક કલ્યાણ સંકળાયેલું છે. તેનો ત્યાગ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ કરવો ન જોઈએ. ઊલટાનું ઉત્સાહ અને તત્પરતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવામાં જ પોતાનું કલ્યાણ છે ને મનુષ્યની મનુષ્યતા છે.
सुखदु:खे समे कृत्वा लाभालाभौ जयाजयौ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि।।३८।।
અર્થઃ જય-પરાજ્ય, લાભ-હાનિ અને સુખ-દુઃખને સમાન સમજીને યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા; આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં.
અર્જુનને મનમાં એવી શંકા હતી કે કુટુંબીઓને તથા કુલવૃદ્ધોને યુદ્ધમાં મારે મારવા પડશે અને મને પાપ લાગશે; પરંતુ ભગવાન અહીં સમજાવે છે કે પાપનું પ્રેરક તત્ત્વ (હેતુ) યુદ્ધ નથી; (પોતાની ફરજ બજાવવી તે નથી, ઊલટાનું ફરજ ન બજાવવી તે છે.) પરંતુ પોતાની કામના છે. આથી કામનાનો ત્યાગ કરીને તું યુદ્ધ માટે ઊભો થઈજા.
सुखदु:खे समे कृत्वा… યુદ્ધમાં સૌ પ્રથમ જય અને પરાજય છે. જય પરાજયનું પરિણામ હોય છે લાભ-ગેરલાભ. લાભ-ગેરલાભનું પરિણામ હોય છે સુખ-દુઃખ, જય-પરાજય. લાભહાનિમાં સુખીદુઃખી થઈ જવું એ તારો ઉદ્દેશ્ય નથી અને હોવો પણ ન જોઈએ. તારો ઉદ્દેશ્ય તો આ ત્રણે દ્વન્દ્વોમાં સમતા રાખીને અદલપણે કર્તવ્ય પાલન કરવાનો હોવો જોઈએ અને પરમાત્માને પ્રસન્ન કરી પરમાત્માને સાચા અર્થમાં પામી જવાનો હોવો જોઈએ.
યુદ્ધમાં જયપરાજય, લાભહાનિ અને સુખદુઃખ એમાંથી કોઈ એક બાજુ તો હોવાની જ. માટે પ્રથમથી જ તું વિચારી લે કે મારે તો કેવળ મારા કર્તવ્યનું પાલન કરવાનું છે. જય પરાજયમાં આસક્તિ કે દ્વેષ નથી કરવાના. તો પછી તને યુદ્ધ કરવાથી પણ પાપ નહિ લાગે. અર્થાત્સંસારનું કે કર્મોનું બંધન તને નહિ થાય.
સકામ અને નિષ્કામ બન્ને ભાવોથી પોતાના કર્તવ્યનું પાલન કરવું આવશ્યક છે. તેમાં આળસ, પ્રમાદ ન કરવાં જોઈએ; પરંતુ તત્પરતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ.
સુખ આવે ત્યારે સારું લાગે છે, જાય ત્યારે દુઃખ થાય છે. જ્યારે દુઃખ આવે ત્યારે ખરાબ લાગે છે ને જાય ત્યારે સારું લાગે છે. માટે બન્નેમાં બન્ને વસ્તુ રહેલી છે. માટે કયું સારું ને કયું ખરાબ ? બન્ને સમાન પાસાંવાળાં-સુખ-દુઃખ, હરખશોકથી ભરેલાં છે માટે બેય સરખાં છે. આ રીતે સુખદુઃખમાં સમબુદ્ધિ રાખીને તારે પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. તારી કોઈ પણ કર્મમાં સુખના લોભથી પ્રવૃત્તિ ન હોવી જોઈએ અને દુઃખના ભયથી નિવૃત્તિ ન હોવી જોઈએ. કર્મમાં તમારી પ્રવૃત્તિ, નિવૃત્તિ શાસ્ત્રના આદેશ અનુસાર (ગીતા ૧૬/૨૪) હોવી જોઇએ. તો પાપ નહિ થાય અર્થાત્કર્મ બંધન કરનારું નહિ થાય. ગીતામાં કર્મયોગ-ત્રીજો અધ્યાય છે; છતાં પણ કર્મયોગના બીજની શરૂઆત ભગવાનને અહીંથી જ કરી છે અને એકત્રીસમા શ્લોકથી આડત્રીસમા શ્લોક સુધી આઠ શ્લોકમાં કેટલાક અલગ-અલગ ભાવો પ્રગટ કર્યા છે. જેમ કે,
(૧) કોઈએ વ્યાખ્યાન આપવાનું હોય અને કોઈ વિષયને સમજાવવો હોય તો ભગવાન આઠ શ્લોકમાં એની કળા બતાવે છે. જેમ કે કર્તવ્ય કર્મ કરવું અને અકર્તવ્ય કર્મ નહિ કરવું. એવા વિધિનિષેધના વ્યાખ્યાન આપવા હોય તો એમાં પહેલાં વિધિનું, વચમાં નિષેધનું અને અંતે ફરી પાછુ વિધિનું વર્ણન કરીને વ્યાખ્યાન પૂરું કરવું જોઈએ. જેમ અહીં ૩૧-૩૨ બે શ્લોકમાં કર્તવ્ય કર્મ કરવાના લાભનું વર્ણન કર્યું. પછી ૩૩ થી ૩૬મા શ્લોક સુધી. ચાર શ્લોકમાં કર્તવ્ય કર્મ નહિ કરવાથી થતા નુકસાનનું વર્ણન કર્યું અને અંતમાં ૩૭-૩૮મા શ્લોકમાં કર્તવ્ય કર્મ કરવાથી થતા લાભનું વર્ણન કરીને કર્તવ્ય કર્મ કરવાની આજ્ઞા આપી.
(૨) પ્રથમ અધ્યાયમાં અર્જુને પોતાની દૃષ્ટિથી જે દલીલો કરી હતી તેનું ભગવાને આ આઠ શ્લોકમાં સમાધાન કર્યું છે. જેમ કે અર્જુન કહે છે-હું યુદ્ધ કરવામાં કલ્યાણ નથી જોતો (અ. ૧/૩૧) તો ભગવાન કહે છે, ક્ષત્રિયને માટે યુદ્ધથી મોટું કોઈ કલ્યાણનું સાધન નથી. (અ. ૨/૩૧) અર્જુન કહે છે, યુદ્ધ કરીને અમે સુખી કેવી રીતે થઈશું ? (અ. ૧/૩૭) તો ભગવાન કહે છે, જે ક્ષત્રિયોને આવું યુદ્ધ મળી જાય છે તે જ ક્ષત્રિયો સુખી છે. (૨/૩૨) અર્જુન કહે છે, યુદ્ધના પરિણામે નરકની પ્રાપ્તિ થશે. (અ. ૧/૪૪) ભગવાન કહે છે, યુદ્ધ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થશે. અર્જુન કહે છે યુદ્ધ કરવાથી પાપ લાગશે (અ. ૧/૩૬) ભગવાન કહે છે, યુદ્ધ નહિ કરવાથી પાપ લાગશે. (અ. ૨/૩૩) અર્જુન કહે છે, યુદ્ધ કરવાથી ધર્મનો નાશ થશે (અ. ૧/૪૦) ભગવાન કહે છે, યુદ્ધ નહિ કરવાથી ધર્મનો નાશ થશે. (૨/૩૩)
(૩) અર્જુનનો એવો આગ્રહ હતો કે યુદ્ધ રૂપી ઘોર કર્મ છોડીને ભિક્ષાથી નિર્વાહ કરવો મારા માટે શ્રેયસ્કર છે. (અ. ૨/૫) તો તેને ભગવાને યુદ્ધ કરવાની આજ્ઞા આપી (અ. ૨/૩૮) ઉદ્ધવજીના મનમાં ભગવાન સાથે રહેવાની ઈચ્છા હતી. તો એમને ભગવાને ઉતરાખંડમાં જઈને તપ કરવાની આજ્ઞા આપી. (શ્રીમદ્ભાગ. ૧૧/૨૯/૪૧) ગોપીઓ ભગવાન વિના રહી નહોતી શકતી તો ભગવાને તેને અલગ કરી. આનું તાત્પર્ય એ થયું કે પોતાના મનનો આગ્રહ છોડયા વિના કલ્યાણ થતું નથી. તે આગ્રહ ગમે તે રીતિનો હોય (આપણને ઉત્તમ લાગતો હોય) તો પણ તે ઉદ્ધાર નથી થવા દેતો.