ગી.અ-07, શ્લોક 13 to 19

આસુરી સ્વભાવનાં માણસોની નિંદા અને ભગવદ્ભક્તોની પ્રશંસા

त्रिभिर्गुणमयैर्भावैरेभि: सर्वमिदं जगत्‌।
मोहितं नाभिजानाति मामेभ्य: परमव्ययम्‌।।१३।।

અર્થ : આ કહ્યા એવા સાત્ત્વિક, રાજસ અને તામસ એ ત્રણ ગુણમય ભાવોથી-પદાર્થોથી મોહ પામેલું આ સઘળું જગત્‌, એ માયાના કાર્યથી પર રહેલા અવિનાશી સ્વરૂપ એવા મને જાણતું-ઓળખતું નથી. ।।૧૩।।

त्रिभिर्गुणमयै: જે મનુષ્ય, કારણ સ્વરૂપમાં ભગવાન રહ્યા છે, તેને નથી દેખતો અને સાત્ત્વિક, રાજસ અને તામસ ભાવોને જ દેખે છે અર્થાત્‌ભોગવે છે, એનાથી સુખ લે છે તે ભાવોથી મોહિત થઈ જાય છે, અર્થાત્‌માયામાં બંધાઈ જાય છે. કોઈને એવી શંકા થાય કે સત્ત્વગુણને મોહનો હેતુ કેમ ગણાય? તો તેનું સમાધાન એ છે કે કોઈ વિષ મિશ્રિત અન્નમાં મધની માત્રા વધારે નાખીને અન્નને મીઠું બનાવે, તો મંદબુદ્ધિવાળાને તે મીઠાશ વધારે આકર્ષણ કરનારી બને પણ તે મીઠાશ તેને મૃત્યુના હાથમાં સોંપનારી થાય છે. તેમ વિવેક વૈરાગ્યાદિ સત્ત્વગુણનું કાર્ય હોવા છતાં અસાવધ સાધકોને પણ તે રજોગુણ, તમોગુણને હવાલે કરીને સત્ત્વગુણ અદૃશ્ય થઈ જાય છે. કારણ ત્રણે મિથુનવૃત્તિ રહેનારા છે. અલગ અસ્તિત્વ ધરાવી શકતા નથી. જેને મધનો સ્વાદ લલચાવે, ત્યારે વિષનો લાભ અવશ્ય લેવો પડતો હોય છે. માટે ત્રણે ગુણો હેય છે. શક્ય હોય તેટલો તેનો સદુઉપયોગ ઈષ્ટ છે પણ તેમાં પૂરી સતર્કતાની જરૂર રહે છે.

સામાન્યપણે ત્રણે ગુણ મોહને વધારનારા છે અને વારંવાર જન્મમરણને લેવરાવનારા છે. એ બધા ભાવો અનિત્ય છે. જ્યારે પરમાત્મા નિત્ય છે. જે અનિત્ય સાથે ભોગબુદ્ધિથી જોડાય છે તે બંધાય છે અને જો અનિત્યનો ત્યાગ કરીને નિત્ય સ્વરૂપ એવા પરમાત્માનો આશ્રય લે છે, તે મુક્ત થઈ જાય છે અને મુક્તિમાં પણ તેને રસ ન રહે અને એક પરમાત્માના સ્વરૂપમાં જ રહે તો ભક્ત થઈ જાય છે.

આ શ્લોકમાં जगत्‌ શબ્દ જીવાત્માને માટે પ્રયોગ થયો છે. કારણ કે મોહ પામવાનું પ્રકૃતિને છે જ નહિ. મોહ પામવાનો વિષય કેવળ ચેતનને જ છે. માટે मोहितं नाभिजानाति’ શબ્દોથી મોહિત ચેતનને જગત શબ્દથી નિર્દેશ કર્યો છે. એનું તાત્પર્ય એમ છે કે, શરીરના જન્મવામાં પોતાનું જન્મવાનું, શરીરના મરવામાં પોતાનું મરવું, શરીરના બીમાર થવામાં પોતાનું બીમાર થવું, શરીરના સ્વસ્થ થવામાં પોતાનું સ્વસ્થ થવું, તે માની લે છે. તેનાથી ચેતનને પણ जगत्‌ શબ્દથી બતાવ્યો છે. જ્યાં સુધી એને શરીરની સાથે તદાત્મકપણું રહેશે ત્યાં સુધી તે જગત મટી શકવાનો નથી, અર્થાત્‌જન્મતો મરતો રહેશે ને ચારેય ખાણમાં ફરતો રહેશે. કયાંય સ્થિર નહિ થઈ શકે.

ત્રણે ગુણોનું કાર્ય એવું શરીર છે. તેને ચાહે પોતાનું માને અથવા પોતાને શરીર માને-બન્ને માન્યતાથી મોહ પેદા થાય છે. શરીરને પોતાનું માનવથી ‘મમતા’ થશે અને પોતાને શરીર માનવાથી ‘અહંતા’ થશે અને બન્ને એક બીજાનું પોષણ-પુષ્ટિ કરનારા થશે. માટે શરીરમાં અહંતા-મમતા ગોઠવાઈ જવી એ જ મોહિત થવું છે અને મોહ તે પડદો છે. મોહિત થવાથી ગુણોથી અતીત એવા પરમાત્મા તત્ત્વને તે જાણી શકતો નથી. એ શરીરથી અહંતા-મમતા દૂર થાય અને પરમાત્માને જાણવા પ્રયત્ન કરે ત્યારે પરમાત્માને જાણી શકાય છે. મનુષ્ય સંસારથી સર્વથા અલગ થાય ત્યારે જ સંસારને સાચારૂપમાં જાણી શકે છે, સાચારૂપમાં સંસારને ઓળખી શકે છે. જ્યારે પરમાત્મા સાથે તાદાત્મ્ય થાય ત્યારે પરમાત્માને સાચી રીતે ઓળખી શકે છે. સંસારની સાથે એકતા થાય અથવા પરમાત્માથી અલગ થઈને દૂર પડે એટલે મોહ-માયા ફરી વળે છે.

જીવ જગતની સત્તાને સાચી માની તેને મહત્ત્વ દેવાથી અને સંબંધ જોડવાથી પોતાની સત્તા ભૂલી જવાથી તે ‘જગત’ રૂપે બની ગયો. જો તે પરમાત્માની સત્તાને મહત્ત્વ આપે અને પરમાત્મા સાથે સંબંધ જોડે તે પરમાત્મા તુલ્ય, ‘‘मम साधर्म्यमागता:’ (૧૪/૨) થઈ જાય છે. ચેતનને માટે जगत्‌ કહેવાનું તાત્પર્ય એ છે કે તેને પોતાના ચેતન તરફ ખ્યાલ જ નથી રહ્યો. સંપૂર્ણ વિસારી દીધો છે અને સંપૂર્ણપણે શરીર અને તે સંબંધી જડ પદાર્થોમાં ચોટી રહ્યો છે. વાસ્તવમાં તો ત્રિગુણથી પર હોવા છતાં ‘अहंकार विमूढात्मा’ માનીને જગતરૂપે બની ગયો છે.જેને ત્રિગુણમાં આસક્તિ રહે છે, તેની સાથે એકતા રહે છે. તેની દૃષ્ટિમાં કયારેય ભગવાન દેખાતા જ નથી. તેને તો ભગવાન ખુદમાં પણ સંસારીપણું દેખાય છે. શિશુપાલ આદિક તેનાં ઉદાહરણ છે. જ્યારે ગુણોમાં આસક્ત ન થતાં તેને સંસારમાં પણ ભગવદ્‌દર્શન થવા લાગે છે, ‘वासुदेव: सर्वम्‌’ (૭/૧૯) દેખાય છે. ઉદ્ધવજીને ભગવાન શ્રીકૃષ્ણ કુબ્જાને ઘેર રાત્રી રહે તો પણ દિવ્યતા દેખાય છે. કારણ કે પોતે માયાના ગુણોથી પરાભવ પામતા નહોતા પોતે ગુણોથી ઉપર ઊઠેલા હતા.

જીવ પહેલાં પરમાત્માથી વિમુખ થયો કે પહેલા સંસારને સન્મુખ (ગુણોથી મોહિત) થયો? આવો કોઈને પ્રશ્ન થઈ શકે છે. તો તેના સમાધાનમાં દાર્શનિકો એમ કહે છે કે પરમાત્માથી વિમુખતા અને સંસાર સાથે સંબંધ જોડવો એ બન્ને આ જીવમાં અનાદિ છે તેનો આદિ નથી. તેની શરૂઆત કયારે અને કયા પોઈન્ટ (બિંદુ)થી થઈ તેનું નક્કી નથી થઈ શકાતું. આથી તેમાં કોણ પહેલા ને કોણ પછી તે નિર્ણય નથી આપી શકાતો; પરંતુ તે દુર્દશામાંથી જેને છૂટવું છે તેનું સમાધાન શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે. મનુષ્યને મળેલી સ્વતંત્રતાનો અને મળેલી સામગ્રીનો દુરુપયોગ ન કરે, તેને કેવળ ભગવાન અને તેના અનન્ય ભક્તની સેવામાં જ વિનિયોગ કરે તો તે તુરત જ સંસારથી પર થઈ જાય છે. અર્થાત્‌અનાદિ કારણ શરીરથી છૂટી જાય છે અને તેને માથેથી જન્મ-મરણ દૂર થઈ જાય છે.

આથી એટલું તો સ્પષ્ટ થાય છે કે જન્મ-મરણના કષ્ટોમાં સડબડવાનું કારણ અનાદિ કારણ શરીર નથી પણ જીવને ભગવાને જે સામગ્રી આપી છે, તેનો દુરુપયોગ કર્યો છે તે જ છે. જો સદ્‌ઉપયોગ યોજે તો અનાદિ કારણ શરીર હોવા છતાં, તેનાથી મુક્ત થઈને પરમાત્મા પાસે પહોંચી શકે છે. માટે પરમાત્માને પામવા કારણ શરીર ગઢ નથી. પોતાની અવળી મતિ કે દુરુપયોગ કારણરૂપ છે.

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।१४।।

અર્થ : કારણ કે-દેવ-સર્વસૃષ્ટા એવો જે હું તે મારી આ ગુણમયી માયા તે દુરત્યય છે. માટે જેઓ મને જ અનન્ય ભાવથી આશરે છે. તે જ એ માયાને તરી શકે છે. ।।૧૪।।

दैवी ह्येषा गुणमयी સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોવાળી દૈવી અર્થાત્‌પરમાત્માની માયા ઘણી જ દુસ્તર છે. ભોગ અને સંગ્રહની ઈચ્છા રાખવાવાળા મનુષ્યો આ માયાથી સંબંધ વિચ્છેદ કરી શકતા નથી. ભગવાને પ્રથમ બારમાં શ્લોકમાં સાત્ત્વિક, રાજસ અને તામસ ભાવો મારાથી ઉત્પન્ન થાય છે, એમ કહ્યું. તેથી અહીં ગુણમયી માયાને પોતાની (દેવ સંબંધી-પરમાત્મા સંબંધી) કહી છે. તેરમાં શ્લોકમાં ત્રણ ગુણના ભાવોથી જગત મોહિત થયેલું છે, તેમ બતાવ્યું હતું. તેને જ અહીં ‘एषा’ કહીને કહે છે. માયાને ગુણમયી કહેવાનું તાત્પર્ય એ છે કે આ માયા કાર્ય રૂપ છે. ગુણો પ્રકૃતિના છે. અને તે ગુણો જ જીવને બાંધે છે. પ્રકૃતિના કાર્યમાં જ જીવ ફસાય છે, સ્વયં પ્રકૃતિમાં નહિ.

‘दुरत्यया’કહેવાનું એ તાત્પર્ય છે કે આ મનુષ્યો માયાને આધીન થકા કયારેક પોતાને સુખી, કયારેક દુઃખી, કયારેક નિર્બળ ને કયારેક બળવાન, કયારેક સમજદારને કયારેક બેસમજદાર માનીને માયામાં સદા તલ્લીન રહે છે. આવી રીતે આવવા જવાવાળા (आगमापायिन:) પ્રાકૃત ભાવો અને પદાર્થોમાં જ એકાત્મપણું, મમતા, કામના કરીને તેમાં પોતાની મેળે જ ખૂંતેલો, બંધાયેલો રહે છે. તેથી તેમનાથી રહિત હોવાનો અનુભવ કરી નથી શકતો. આ જ તેનું દુસ્તરપણું છે.

જે મનુષ્યો આથી કેવળ મારે જ શરણે આવે છે. તેઓ આ માયાને તરી જાય છે. તેઓ પ્રકૃતિના કાર્ય એવા મન, બુદ્ધિ આદિકનો સહારો લેતા નથી. માયાના કાર્યથી જ્યારે મુકાય છે ત્યારે જ મુક્ત થવાય છે. मामेव કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ અનન્યભાવે કેવળ મારે જ શરણે આવે છે. મારા સિવાય બીજા કોઈનો આધાર રાખતો નથી. કેટલાક સાધકો મારે શરણે આવી જાય છે; પરંતુ ‘કેવળ મારે જ’ શરણે થતા નથી. સાથે સાથે થોડો બીજો પણ આધાર રાખતા હોય છે. તેથી કહ્યું છે કે मामेव મારે જ શરણે આવી જાય છે. તેઓ માયા તરી જાય છે. માયાનું શરણું ન લે અર્થાત્‌માયિક પદાર્થો કે ભાવોનો આધાર ન રાખે. અર્થાત્‌અમારી પાસે રૂપિયા, પૈસા, ચીજવસ્તુ, બુદ્ધિ, સત્તા વગેરે બધું છે; પરંતુ તેમને પોતાનો આધાર ન માનીએ. તેમનો જ સંપૂર્ણ ભરોસો ન કરીએ અને તેમને અધિક મહત્ત્વ ન આપીએ. તેમનો સદ્‌ઉપયોગ કરવાનો આપણને અધિકાર છે. પરંતુ તેમનો કબજો કરી લેવાનો આપણને અધિકાર નથી. અંદર જીવથી એમનો કબ્જો કરી લેવો તેજ તેમના આશ્રિત બનવું એ છે. એવું કર્યા પછી તેમનાથી અલગ થવું કઠિન માલૂમ પડે છે. આ જ વસ્તુ માયાનું દુસ્તરપણું છે. આવા દુસ્તરપણાથી છૂટવાનો ઉપાય બતાવે છે કે ‘मामेव ये प्रपद्यन्ते’

શરીર, ઈન્દ્રિયો, અંતઃકરણ તથા સદ્‌ગુણો, સત્તા વગેરે સામગ્રીને પોતાની જ અને પોતાને માટેની જ ન માની ને ભગવાનની અને ભગવાન તથા તેમના સાચા ભક્ત માટે માનીને ભગવાનના ભજનમાં, તેમની આજ્ઞા પાલનમાં, તેઓની સેવામાં યોજી દેવામાં આવે, ત્યારે માયાને તરી જવાય છે. પોતાને તેનાથી કાંઈ (પોતાનો સ્વાર્થિક બેનિફીટ) લઈ લેવાનું નથી. તેમને ભગવાન કે ભગવાનના સાચા ભક્તના તરફેણમાં યોજી દેવાના છે. આ બધી સામગ્રી ભગવાનની સેવા માટે મળેલી છે. નહિ કે પોતાની કરી લેવા માટે કે પોતાની કરીને, રીઝર્વ કરીને સઘંરી રાખવા માટે. તેથી તેમને એમની સેવામાં યોજી દેવાનું આપણું કર્તવ્ય છે. આપણી ઈમાનદારી છે. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી તે જીવ માયાને તરી જાય છે.

આપણી પાસે (જીવની પાસે) પોતાની કરીને કોઈ વસ્તુ પ્રથમથી છે જ નહિ. ‘बुद्धीन्द्रिय मन:प्राणान्‌…’ તમામ ભગવાને આપેલું છે. જીવે પોતાની માનીને પોતાનામાં અભિમાન કરી લીધું, તે ભૂલ કરી છે. ભગવાનનો તો ઘણો ઉદાર અને પ્રેમભર્યોં સ્વભાવ છે કે તેઓ જેને કોઈને કશું આપે છે, તેને પણ તે વાતની ખબર પડવા દેતા નથી કે આ વસ્તુ ભગવાન આપી ગયા છે; પરંતુ જીવને એટલી ઈમાનદારી કે પ્રામાણિકતા નથી કે તે ભગવાનની આપેલી છે, તો પણ ભગવાનની જાહેર કરતો નથી. પોતાની જ છે એવું જ જાહેર કરે છે. આવો ભગવાનને આપવાનો એક વિલક્ષણ ઢંગ છે. જ્યારે બીજાનું પચાવી પાડવાની જીવની કઢંગાઈ છે. વિલક્ષણપણે આપવાની રીત તે ભગવાનની કૃપા છે, તેને સાચા ભક્તો જાણે છે અથવા તેમ જાણે છે તેઓ સાચા ભક્તો બની જાય છે પણ ભગવાનનો આશ્રય જીવમાં નથી, તે એવું વિચારી જ શકતા નથી.

આથી આ શ્લોકનો ભાવ એવો થયો કે જેઓ દૈવી સંપત્તિવાળા છે ને ભગવાનને શરણે થાય છે, તેઓ ભગવાનની ગુણમયી માયાને તરીને ભગવાનને પામી જાય છે. જ્યારે તેઓ કેવળ પ્રાણપિંડ પોષણપરાયણ અને સુખ ભોગપરાયણ છે, આસુરી સંપત્તિવાળા છે તેઓ ભગવાનને શરણે જતા નથી. કારણ કે ભગવાનને શરણે જવામાં અહંકારને જીવિત રાખીને કે તેનું પોષણ કરીને થઈ ન શકે. દેવતાઓ સ્વાર્થ સાધીને બીજાના અહંકારને હાનિ નથી કરતા. જ્યારે ભગવાનને તો કોઈ સ્વાર્થ છે જ નહિ પણ તેઓ અહંકારનો પ્રથમ જ ઉચ્છેદ કરે છે. માટે તેવા જીવો પરમાત્માને શરણે જતા નથી. કદાચ ખોટો આત્મસંતોષ પોષવા બીજા દેવતાને શરણે જાય પણ ખરા અને ન પણ જાય. એવા આસુરી સંપત્તિવાળા માયાને તરી શકતા નથી. પછી ભલે તે બ્રહ્મલોક સુધી જાય પણ ત્યાંથી તેમને પાછા પડવાનું છે. ફરી જન્મવું-મરવું પડે છે.

न मां दुष्कृतिनो मूढा: प्रपद्यन्ते नराधमा:।
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिता:।।१५।।

અર્થ : માયાના બળથી જેઓનું જ્ઞાન હરાઈ ગયેલું છે અને તેથી જ આસુર ભાવને આશરેલા એવા દુષ્કર્મી મૂઢ નરાધમો મારો આશ્રય-શરણ લઈ શકતા જ નથી. ।।૧૫।।

ભગવાનની પ્રપત્તિથી માયા તરી શકાય છે, તો તમામ મનુષ્યો ભગવાનને શરણે કેમ થતા નથી? તો તે અંગે ૧૪માં શ્લોકમાં ચર્ચા કરી કે પરમાત્માની પ્રપત્તિ અને દેવતાંતર પ્રપત્તિમાં મુખ્ય તફાવત એ આવે છે કે પરમાત્માની પ્રપત્તિમાં સંપૂર્ણપણે અભિમાન શૂન્ય થવું પડે છે. જ્યારે દેવાંતર પ્રપત્તિમાં સંપૂર્ણપણે અભિમાન શૂન્ય થવાની જરૂર રહેતી નથી. કેવળ તે તે દેવતા આગળ અભિયાન ઓછું થાય તો પણ ચાલે છે અને વળી અહંકારના સંબંધથી માયાનો સંબંધ રહે તો જ દેવતાની આજીવિકા છે. માયા સંબંધ રહિત થયા પછી દેવતાના કામનો તે જીવ રહેતો નથી. માટે તે ખૂબ રાજી હોતા નથી. તેથી પરમાત્માને શરણે ન થઈ શકવું તે મોટું પાપ છે. તેમાં મુખ્ય કારણ અભિમાન છે. પરમાત્મા બીજા તો ગમે તેવા પાપીને પણ શરણે લે છે. એક અભિમાની જ પરમાત્માને શરણે થઈ શકતો નથી. પછી અભિમાનથી પ્રેરાઈને પરમાત્માનો કેવળ વિરોધ કરવા માટે બીજા દેવતાઓનું શરણું લે છે. હિરણ્યકશિપુ, રાવણ, ભસ્માસુર વગેરે ઈતિહાસ પાત્રોથી એવું વિચારી શકાય છે.

ભગવાન અહીં બતાવે છે કે न मां दुष्कृतिनो प्रपद्यन्ते પાપીઓ મારે શરણે થતા નથી. ૧૬માં શ્લોકમાં चतुर्विधां भजन्ते         માં એમ કહ્યું છે તે ચર્તુવિધ પદમાં આ શ્લોકમાં પણ આકર્ષણ કરીને પાપીઓ અને શરણ ન થનારા એવા ચાર પ્રકાર અહીં બતાવી રહ્યા છે તે ચાર પ્રકારમાં मूढा:, नराधमा:, मायया अपहृतज्ञाना:, आसुरा: ‘તારતમ્યતા’ અને ‘પકવતા’ એ કરીને ચાર પ્રકારના દુષ્કૃતિઓ છે. તેમાં

मूढा:- विपरितज्ञाना: … અંતરમાં ભોગવાદ પ્રધાન થવાથી મોહ વધારે વૃદ્ધિ પામે છે. મોહમાં સત્ય જ્ઞાનનો તિરસ્કાર થતો જ હોય છે, નહિ તો તે મોહ ન કહેવાય પણ તે અજ્ઞાન કક્ષામાં આવી જશે. અજ્ઞાની અને મૂઢની સત્યસ્વરૂપ અને પ્રશસ્તતા પ્રત્યે ઉપરની પ્રતિક્રિયા સમાન જેવી હોય છે. બન્ને તેને અપનાવી શકતા નથી પણ આંતર પ્રતિક્રિયા જુદી હોય છે. ન અપનાવી શકવાનું કારણ જુદું હોય છે. મૂઢને આસક્તિ દુરાગ્રહ કે અહંકારને લઈને પ્રશસ્ત પ્રત્યે છૂપો દ્વેષ હોય છે. અજ્ઞાનીને તેવું હોતું નથી. હકીકતનું જ્ઞાન થાય તો તે આપનાવી લે છે. જ્યારે પેલાને જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ द्वेषाय एव દ્વેષ વધારનારું જ બને છે. માટે કોઈપણ માયિક ભાવમાં મોહિત થયેલો પરમાત્માની મહત્તામાં ચોંટતો નથી.

સર્વલોક પ્રસિદ્ધ અથવા ઈતિહાસ પુરાણાદિથી પરમાત્માનું જ્ઞાન થાય છે, તે સામાન્ય જ્ઞાન કહ્યું છે. ભગવાનનો મહિમા જાણવા છતાં ભગવાન સન્મુખ થઈ શકતા નથી. પરમાત્મા અતિ દુર્લભ હોવા છતાં સ્વ-ઈચ્છાથી સુલભ થયા છે, એવી મતિનો અભાવ હોવાથી સન્મુખ થઈ શકતા નથી. સન્મુખ થવાના બીજા સંજોગો પૂરતા હોવા છતાં આવી મતિના અભાવે જ રહી જવાથી મનુષ્યોમાં અધમ કોટિમાં ગણ્યા છે.

मायया अपहृतज्ञाना:- मद्विषयं मदैश्चर्यविषयं च ज्ञानं येषां तदसंभावना आपादिनीभि: कूटयुक्तिभि: अपहृतम्‌ ज्ञानं येषां ते तथोक्ता:। આ પ્રકારમાં ઉત્પન્ન થયેલ બુદ્ધિનો અપહાર થયેલો હોય છે. વિચિત્ર મોહને કારણે મનઃ કલ્પિત કુયુક્તિઓથી સામાન્ય માણસ જેવા સમજવા. તે આવા પ્રકારના ગણાય છે.

आसुरं भावमाश्रिता: (आसुरा:) मद्विपयं मदैश्चर्यविषयं ज्ञानं सुदृढं उपपन्नं येषां द्वेषायैव भवति। ते आसुरं भावमाश्रिता: उतरोतरा: पापिष्ठतमा:। આસુરીઓ ભગવાનને અતિ માનુષીશક્તિવાળા જાણીને પણ દ્વેષ કરે છે. ‘विष्णुभक्तिपरो देवो विपरीतस्तथाऽसुर:’ એ ન્યાયથી વિષ્ણુદ્રોહપરાયણને અસુર કહેવામાં આવે છે અને તે દ્રોહ પણ વિષ્ણુની શ્રેષ્ઠતા મૂલકનો છે.

એવી રીતે પ્રથમથી જ કોઈ પ્રાચીન પાપો ને લઈને ઊંધી મતિ થઈ ગયેલી છે માટે ભગવાનનું જ્ઞાન પ્રકર્ષ જ પાપિષ્ટતમમાં કારણભૂત બની રહે છે. જ્ઞાન હોવા છતાં વિમુખતાના કારણ કોઈ ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કે ભગવાનનો પૂર્વે થયેલ કોપ કે કોચવણ કારણભૂત બને છે.

જેઓ વિશેષ કરીને ભોગવાદી છે, તેથી જ શાસ્ત્રો તથા મહાપુરુષો આ જગતને ભગવાનનું શેષ માને છે. ભગવાન તેના માલિક છે, એવું માને છે. ત્યારે ભોગવાદી વિચારધારા તેની કટ્ટર વિરોધી છે. તેઓ પોતાના ભોગ માટે માને છે તેથી તેઓ પ્રથમથી જ ભગવત્‌વિરોધી બની જાય છે. જેઓ પ્રાપ્ત પદાર્થમાં ‘મમતા’ રાખે છે અને ‘અપ્રાપ્ત’ પદાર્થોની કામના રાખે છે. તેને છોડી જ શકતા નથી. તેને અર્થે ગમે તેવાં પાપ કર્મો કરવા તૈયાર થાય છે. આ મમતા અને કામના જ માણસને મોહિત અને વિવેકહીન અંધ બનાવે છે. તેઓમાં એવી પ્રબળ વૃત્તિ રહે છે કે અમે સદાકાળ જીવતા રહીએ અને ભોગ ભોગવતા રહીએ તેથી ભગવાનને શરણે થતા નથી. વિનાશી પદાર્થને શરણે જ રહે છે. આ ભાવના જેટલી પ્રબળ થતી રહે છે તેટલો આસુરભાવ દૃઢ થતો રહે છે. असुसु रमन्ते इति आसुरा:- असु એટલે પ્રાણ અને असु એટલે ઈન્દ્રિયો. તેમાં જ જેમનું રમણ છે તે અસુરો કહેવાય છે. તેઓ કેવળ પ્રાણપોષણપરાયણ જ રહે છે. જીવનનિર્વાહના કામમાં આવવાવાળી નાશવંત સાંસારિક વસ્તુઓને જ તે મહત્ત્વ આપે છે. તેનાથી આગળ વધીને તે રૂપિયા પૈસાને તેથી પણ વધારે મહત્ત્વ આપે છે જે વસ્તુની જેમ પણ કામમાં નથી આવતા; પરંતુ વસ્તુઓ દ્વારા કામમાં આવે છે. તેઓ કેવળ રૂપિયા પૈસાને જ આદર નથી આપતા; પરંતુ તેમના સંગ્રહને જ, સંખ્યાને જ બહુ આદર આપે છે. રૂપિયાની સંખ્યા અને સંગ્રહ કેવળ અભિમાન વધારવામાં કામ આવે છે. અભિમાન તમામ આસુરી સંપત્તિનો આધાર તેમ જ સઘળાં દુઃખો અને પાપોનું કારણ છે. ‘संसृत मूल सूलप्रद नाना। सकल शोकदायक अभिमाना’ (માનસ ૭/૭૪/૩)

અહીં ભગવાન કહે છે કે, દુષ્કૃત-પાપી મનુષ્યો મારે શરણે નથી થઈ શકતા અને નવમાં અધ્યાયના ત્રીસમાં શ્લોકમાં ‘अपि चेत्‌ सुदुराचारो…’ કહ્યું છે કે સુદુરાચારી મનુષ્ય પણ જો અનન્યભાવે મારું ભજન કરે છે, તો તે જલ્દી ધર્માત્મા બની જાય છે. એવો વિરોધ કેમ છે? તો તેનું સમાધાન એ છે કે ત્યાં (ગી. ૯/૩૦)માં ‘अपि चेत्‌’ શબ્દો આપ્યા છે. જેનો અર્થ થાય છે,સુદુરાચારીની પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે પરમાત્માની તરફ નથી થતી; પરંતુ વર્તમાનકાલિક અથવા પૂર્વના કોઈક પુણ્યના પ્રતાપે તે જો ભગવાનને શરણે થઈ જાય તો ભગવાન તરફથી તેને કોઈ મનાઈ નથી. કેમ કે ભગવાન પ્રાણીમાત્રને માટે સમાન છે. તેઓને કોઈ પણ પ્રાણી પ્રત્યે રાગ દ્વેષ નથી હોતો (ગી. ૯/૨૯) ‘समोऽहं सर्वभूतानां…’ દુરાચારીમાં દુરાચારી મનુષ્ય પણ ભગવાનના દ્વેષનો વિષય બનતો નથી. બધા જ પ્રાણીઓ ઉપર ભગવાનની દયા અને કૃપા જ રહેલી છે. દૈવી તેને ઝીલે છે. આસુરી તેને ઝીલતા નથી.

દુરાચારીને કોઈ કારણવશાત્‌કોઈ આફત આવી જાય (ઉદા. વાલેરો વરૂ), મોટું ભારે સંકટ આવી જાય, તેને કોઈ સહારો ન રહે અને તો તે ભગવાનને શરણે જાય. એવી જ રીતે કોઈ સંતને તેણે દુઃખ દીધું હોય (ઉદા. જીવણો ખુમાણ) અને સંતના હૃદયમાં કૃપા આવી જાય તો તે સંતની કૃપાથી ભગવાનમાં લાગી જાય અથવા તો કોઈ એવા સ્થાનમાં ચાલ્યા જાય (ઉદા. અભયસિંહ દરબાર) જ્યાં સારા મોટા વિલક્ષણ દયાળુ મહાત્મા રહી ચૂકયા હોય કે રહેતા હોય તેના પ્રભાવથી તેનો ભાવ બદલાઈ જાય અથવા પોતે કોઈ વસ્તુમાં અતિશય હારી જાય (ઉદા. જોબનપગી) ને ભગવાનને શરણે થઈ જાય અથવા પોતાનું કોઈ પુણ્યનો થર ઉદય થાય ને પાપી હોય તે (ઉદા. વાલિયો લૂંટારો, અજામેળ આદિ) ભગવાન તરફ વળે તો તે ભગવાનને શરણે, એવા સંજોગોમાં થઈ શકે છે. એવા પાપી પુરુષ કે સ્ત્રી (જેતલપુરની વેશ્યા) જો ભગવાનમાં લાગી જાય, તો તે બહુ જ દૃઢતાથી પરમાત્મામાં જોડાય છે. તેનું કારણ કે તેના અંતરમાં અભિમાન ધરવા જેવી કોઈ સારપ્ય હોતી નથી. તેથી તેનામાં સારાપણાનું અભિમાન બિલકુલ હોઈ શકતું નથી. તેથી શરણાગતિ અતિ દૃઢ બને છે. પુણ્યાત્માને શરણાગતિમાં તેવી દૃઢતા આવતી નથી.

ભગવાનની કૃપા તમામ ઉપર સમાન છે. સદાચાર અને દુરાચાર પ્રાણીઓનાં કરેલાં કાર્યો છે. કેવળ દુરાચારને કારણે તેઓની ભગવાનમાં રુચિ થતી નથી. કારણ કે ભગવાનને દુરાચાર સાથે વિરોધ છે, દુરાચારી સાથે નથી. તેના ઉપર તો દયા છે. જો કોઈ કારણવશાત્‌તેને ભગવાનમાં રુચિ થઈ જાય તો ભગવાન તેઓનાં કરેલાં કાર્યોને ન દેખીને તેઓનો સ્વીકાર કરી લે છે. કારણ કે તે અતિ દયાળુ છે. શરણાગતના દોષ ભગવાન દેખતા નથી. ભગવાન તો શરણાગતના દોષ નિવારક છે.

માનમદ મારવેકી, કર્મનકું જારવેકી, અધમ ઉધારવેકી, ટેક જીને ઠાન હૈ. ભગવાન તો એવા છે વળી

जो नर होई चराचर द्रोहि, आवै सभय शरन तकि मोहि।
तजि मद मोह कपटछल नाना, करउ सद्य तेहि साधु समाना। (५-४८-१-२)

તેનું તાત્પર્ય એ છે કે તેને સંજોગવશાત્‌કોઈ જોગ ન ખાધોને તે ભગવાનને શરણે ભયભીત થઈને આવે તો તેનામાં પૂર્વે થયેલા મદ, કપટ, મોહ, વિવિધ છળ વગેરે દોષો તેના તરફ ન જોઈને કેવળ તેની ભાવના તરફ જોઈને હું તેને જલદી સાધુ બનાવી દઉં છું, અર્થાત્‌તેના દોષ માત્રનું નિવારણ કરી દઉ છું ને મારે શરણે લઈ લઉં છું.

જ્યારે ધર્મનો આશ્રય રહેવાથી ધર્માત્મા પુરુષના અંતરમાં ભગવાનની શરણાગતિમાં તેવી અનન્યતા આવતી નથી. અનન્યભાવ થવામાં થોડી કઠિનતા રહે છે; પરંતુ દુરાત્મા પુરુષ કોઈ કારણથી ભગવાનને સન્મુખ થાય છે, ત્યારે તેનામાં કોઈ પ્રકારના શુભ કર્મનો આશ્રય ન હોવાથી, જેવું તેને અભિમાનશૂન્ય થવાય છે અને કેવળ ભગવાનના બળનો આધાર રહે છે તેવો ધર્માત્માને રહી શકતો નથી. આવું બળ દુરાત્માને પણ જલદી પવિત્ર કરી આપે છે. તેના અંતરમાંથી આર્તનાદ જલદી પ્રગટે છે અને તેનાથી પરમાત્મા જલદી પીગળી જાય છે. એવો આર્ત પોકાર થવામાં પોતાની હીનતા તેને મદદગાર બને છે અને આવી રીતે સન્મુખ થવા બરોબર યજ્ઞ, દાન, તપ વગેરે સુકૃત્યો પણ આવતાં નથી. શુભ કર્મો કરનારા પણ એવા આર્તભાવથી ભગવાનમાં જોડાય તો તે પણ ભગવાનને તેવા જ વહાલા બને છે, તેમાં ભગવાનને પક્ષપાત નથી.

એક કૃતિ હોય છે અને એક ભાવ હોય છે. કૃતિમાં બહારની ક્રિયાઓ હોય છે અને ભાવ હૈયામાં હોય છે. ભાવની પાછળ ઉદેશ રાખવો જોઈએ અને તે ઉદ્દેશ પૂરો કરવા માટે ભગવાનની અનન્યતા જલ્દી પ્રાપ્ત થાય છે. એ અનન્યતા કૃતિઓ અને ભાવોથી પણ વિલક્ષણ અને આગળ છે. વધારે કિંમતી છે. કારણ કે તેમાં પોતાનો જીવ ભળે તો જ શકય બને છે. તે જીવમાં વાસ કરીને રહે છે. પરમાત્મા પ્રત્યે આવી અનન્યતા આવતાં તેમાં દુરાચાર કોઈ પ્રકારે ટકી શકતો નથી. પરમાત્મા પ્રત્યેની અનન્યતા દુરાચારી પુરુષને પણ તત્કાળ પવિત્ર બનાવી દે છે.

चतुर्विद्या भजन्ते मां जना: सुकृतिनोऽर्जुन।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ।।१६।।

અર્થ : ભરતવંશમાં શ્રેષ્ઠ એવા હે અર્જુન ! મને આર્ત, જીજ્ઞાસુ, અર્થની ઈચ્છાવાળો અને ચોથો જ્ઞાની, એમ ચાર પ્રકારના સુકૃતશાલી જનો ભજે છે. ।।૧૬।।

सुकृतिन: मां भजन्ते (प्रपद्यन्ते)પંદરમાં શ્લોકમાં જેમ બતાવ્યું કે दुष्कृतिन: मां न प्रपद्यन्ते। દુષ્કૃતિઓ મારે શરણે આવતા નથી. તેની અપેક્ષાએ સુકૃતિજનો-પુણ્યશાળી જનો મારે શરણે આવે છે, રહે છે. તેના ચાર પ્રકાર આ શ્લોકમાં બતાવ્યા છે. તેથી પંદરમા શ્લોકમાં પણ ભાષ્યકારે પાપ તારતમ્યતાથી ચાર પ્રકાર બતાવ્યા છે. પ્રપત્તિ પ્રકરણ ચાલતું હોવાથી ‘भजन्ते’ નો અર્થ ‘प्रपद्यन्ते’ લેવો બરાબર છે. શરણાગત તમામ ભક્તોમાં વિશ્વાસ આદિક તો સાધારણ-સરખા જ હોવા છતાં પ્રપત્તિમાં ફરક રહે છે. કારણ કે અનન્યતામાં ફરક રહે છે તથા ઉત્તરકાલીન ઈચ્છા, રુચિમાં ફરક રહેવાથી ચાર ભેદ પડે છે. આર્ત દશામાં તો જીવ જ્ઞાની કરતાં પણ વિશેષપણે ભગવાનમાં ચોટ્યો હોય છે પણ આર્ત કાળ પછી ઉત્તરકાલીન ઈચ્છાઓ, રૂચિઓ જ્ઞાની કરતાં અલગ પડે છે, તેથી જ્ઞાની અને આર્તાદિમાં ભેદ રેખા ઊભી થાય છે. પ્રપત્તિ સમયે તો ફરક દેખાતો નથી.

दुष्कृतिन: અને सुकृतिन: શબ્દોનું તાત્પર્ય અહીં કેવળ પાપકર્મ કરનારા અને કેવળ પુણ્યકર્મ કરનારા એવું નથી પણ ભગવાનમાં ચોટનારા, ભગવાનને શરણે અચળપણે રહેનારા તથા ભગવાનમાં નહિ જ ચોટનારા, ભગવાનથી વિરોધ કરનારા આવું છે. સુકૃતી મનુષ્યો બે પ્રકારના હોય છે. એક તો યજ્ઞ, દાન, તપ વગેરે અને વર્ણાશ્રમના શાસ્ત્રીય કર્મો ભગવાનને માટે કરે છે અથવા તે કરીને ભગવાનને અર્પણ કરે છે. જ્યારે બીજા સીધા જ ભગવાનમાં ચોટીને ભગવાનના નામનો જપ, કીર્તન કરવું, ભગવાનની લીલા સાંભળવી-કહેવી વગેરે કેવળ ભગવત્‌સંબંધી કર્મો કરે છે. બન્ને સારા છે. જેઓની ભગવાનમાં રુચિ, વિશ્વાસ કે અનન્યતા (નિષ્ઠા) થઈ ગઈ છે તેઓ જ ભાગ્યશાળી છે. તેઓ જ શ્રેષ્ઠ છે ને તેઓ જ મનુષ્ય કહેવડાવવાને યોગ્ય છે. તે ચાહે કોઈ પૂર્વના પુણ્યથી થઈ ગઈ હોય, ચાહે આફતને સમયે બીજાઓનો સહારો છૂટી જવાથી થઈ હોય, ચાહે કોઈ વિશ્વાસનીય મનુષ્ય દ્વારા સમય આવ્યે દગો દેવાથી થઈ ગઈ હોય, કોઈ પણ કારણથી તે ભગવાનમાં વળગવાથી તે બધા सुकृतिन: મનુષ્યો છે. સાચા અર્થમાં તે જ મનુષ્ય છે. જે તક બીજી યોનિમાં નથી હોતી. માનવ શરીર કર્મયોનિ છે, બીજાં શરીર ભોગયોનિ છે. વાસ્તવમાં માનવ શરીર તો કેવળ ભગવત્પ્રાપ્તિને માટે હોવાથી માનવ શરીરને કર્મયોનિ કરતાં પણ સાધનયોનિ માનવું વધારે યોગ્ય છે.

आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ।

આ ચાર પ્રકારના ભક્તો ભગવાનનું ભજન કરે છે, ભગવાનને શરણે જાય છે, શરણે રહે છે.

(૧) અર્થાથી-ભક્ત-अप्राप्तैश्वर्यतया ऐश्वर्यकाम:।

‘અર્થ’ શબ્દ અહીં અર્થનીય ભોગવિશેષ પરક કહેવાયો છે. જે ભક્તને પોતાને માટે ન્યાયયુક્ત સુખસુવિધા ભોગની ઈચ્છા થઈ જાય છે. અર્થાત્‌ધન, સંપતિ, વૈભવ વગેરેની ઈચ્છા થઈ આવે છે પરંતુ તેને તેઓ કેવલ ભગવાન પાસેથી જ ઈચ્છે છે. બીજાઓ પાસેથી નહિ. એવા ભક્તો અર્થાર્થી ભક્તો કહેવાય છે. ચાર પ્રકારના ભક્તોમાં અર્થાર્થી સર્વ કરતાં આરંભિક ભક્ત હોય છે. પૂર્વના સંસ્કારોથી ભક્ત થવા છતાં પણ તેને ધનની ઈચ્છા રહે છે અને તે ધનને માટે ચેષ્ટા પણ કરે છે; પરંતુ તે સમજે છે કે ભગવાનની સમાન ધનની ઈચ્છા પૂરી કરવાવાળો કોઈ નથી. એવું સમજીને તે ધન પ્રાપ્તિ માટે તત્પરતાપૂર્વક ભગવાન નામના જપ, કીર્તન, ભગવત્‌સ્વરૂપનું ધ્યાન વગેરે કરવા લાગી જાય છે. ધન પ્રાપ્તિ કરવા માટે પણ તેને ભગવાન ઉપર જ વિશ્વાસ અને નિષ્ઠા હોય છે.

કોઈકને ધનની પ્રાપ્તિની ઈચ્છા તો છે જ; પરંતુ તેની પ્રાપ્તિને માટે સાંસારિક ઉપાયોનો સહારો લે છે. કયારેક ધનને માટે ભગવાનને પણ યાદ કરી લે છે. તે કેવળ અર્થાર્થી અર્થાત્‌અર્થનો ભક્ત છે, ભગવાનનો ભક્ત નથી. કારણ કે તેનામાં ધનની ઈચ્છા જ મુખ્ય છે; પરંતુ જેનામાં ભગવાનના સંબંધનું જ પ્રાધાન્ય છે અને તે ક્રમશઃ ભગવાનની તરફ જ વધતો ચાલ્યો જાય છે. ધન મળ્યા પછી પણ ભગવાનમાં સતત લાગ્યા રહેવાથી તેની ધનની ઈચ્છા બહુ ઓછી થઈ જાય છે અને સમય આવ્યે દૂર પણ થઈ જાય છે. એવાને જ ભગવાનનો અર્થાર્થી ભક્ત કહેવાય છે. આમાં મુખ્યત્વે ધ્રુવજીનું નામ લેવામાં આવે છે. માનતાઓ ફળ્યા પછી જો મહારાજનો અનન્ય ભક્ત તેઓ બની જાય, તો તેઓ પણ મહારાજના અર્થાર્થી ભક્ત કહેવાય. દા.ત. વાલેરો વરૂ.

એક દિવસે બાળક ધ્રુવના મનમાં રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા થઈ; પરંતુ સાવકી માતાએ બેસવા ન દીધો. તેણે ધ્રુવને કહ્યું કે, ‘તે ભજન નથી કર્યું, તું અભાગિયો છે અને અભાગણીને પેટે તે જન્મ લીધો છે.આથી તું રાજાની ગોદમાં બેસવાનો અધિકારી નથી.’ ધ્રુવે સાવકી માંએ કહેલી બધી વાત પોતાની માને કહી દીધી. તેની માતાને પણ ધન્યવાદ કે તેણીએ એમ કહ્યું કે, ‘બેટા તારી સાવકીમાંએ બરાબર જ કહ્યું છે. કેમ કે તેં પણ ભજન કર્યું નથી અને મેં પણ ભજન કર્યું નથી. ત્યારે ધ્રુવજીએ માને કહ્યું કે, ‘માં તો હવે હું ભજન જ કરીશ’. એમ કહીને ભગવદ્‌ભજન કરવા માટે ઘેરથી પાંચ વર્ષની વયે ચાલી નીકળ્યા. ત્યારે ભક્ત અને વીરાંગના માતાએ ભારે હિંમત કરીને પોતાના એકના એક કુમાર ધ્રુવને જંગલમાં જવા માટેની રજા આપી. રસ્તામાં નારદજી મળ્યા. તેણે ધ્રુવની પરીક્ષા કરી લીધી. જંગલની બીક બતાવીને કહ્યું તું ચાલ મારી સાથે. તારા પિતા ઉત્તાનપાદ મારા શિષ્ય છે. મારી વાત જરૂર માનશે. હું તારી અને તારી માતાની જરૂર સુવ્યવસ્થા કરાવી દઈશ. ધ્રુવજીને નારદજીની વાત સાંભળીને ઊલટાની વધુ દૃઢતા થઈ કે જુઓ હજુ ભગવાનની તરફ ચાલવાનો સંકલ્પ કર્યો અને થોડા પગલાં માંડયા ત્યાં આવો લાભ થયો. માટે મારે હવે આ માર્ગ પૂરો જ કરવો. ધ્રવજીની દૃઢતા જોઈને નારદજીએ માર્ગદર્શન આપ્યું ને મધુવનમાં જવા બતાવ્યું. ધ્રુવજીને છ મહિનામાં ભગવાન પ્રગટ થયા. ધ્રુવજીને રાજગાદીનું વરદાન આપ્યું; પરંતુ અત્યારે તે વરદાનથી ધ્રુવજી વિશેષ રાજી ન થયા. ભજન કરવાથી અંતઃકરણ શુદ્ધ થઈ જવાને કારણે તેમને ધન (રાજ્ય)ને માટે ભગવાનની તરફ ચાલવામાં ભારે લજ્જા થઈ કે મેં સંકલ્પ કરવામાં ભારે ભૂલ કરી છે.

તાત્પર્ય એ થયું કે ધ્રુવજીને તો પહેલા રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા થઈ; પરંતુ તેમણે એ ઈચ્છાની પૂર્તિનો ઉપાય ભગવાનનું ભજન જ માન્યું. ભજન કરવાથી તેમને રાજ્ય મળી ગયું અને ઈચ્છા દૂર થઈ અને ધ્રુવજી જ્ઞાની ભક્તની સ્થિતિને પામી ગયા. આ રીતે અર્થાથી ભક્ત અંતે ભગવાન તરફ જ લાગે છે.

આજકાલ જે ધન પ્રાપ્તિ માટે જૂઠ, કપટ, બેઈમાની વગેરે કરે છે તેઓ પણ ધનને માટે વખતો વખત ભગવાનને પોકારે છે. તેઓ અથાર્થી તો છે; પરંતુ સંપૂર્ણ અર્થાર્થી છે. ભગવાનના ભક્ત નથી. તેઓ જૂઠ, કપટ, બેઈમાનીનો આશ્રય લે છે, માટે તેના ભગત છે. કારણ કે તેઓને પાપ વિના, જૂઠ કપટ વિના કામ નથી ચાલતું. તેને જૂઠ કપટ ઉપર જેટલો વિશ્વાસ છે, એટલો ભગવાન ઉપર નથી.

જેઓ કેવળ ભગવાનને જ પરાયણ છે અને જેઓ ભગવાનની સાથે આત્મીયતા રાખીને ભગવાનનું જ ભજન કરે છે;પરંતુ કયારેક કયારેક પૂર્વ સંસ્કારોથી અથવા કોઈ કારણોથી જેઓનામાં પોતાના શરીર વગેરેને માટે અનુકુળ પરિસ્થિતિની ઈચ્છા થઈ જાય છે. તેઓ બધા જ અર્થાથી ભક્ત કહેવાય એમની અનુકૂળતાની ઈચ્છા જ અર્થાર્થીપણું છે.

आर्तभक्त-प्रतिष्ठाहीन: भ्रष्टैश्वर्य: पुनस्तत्प्राप्तिकाम:।

આર્ત ભકત કહેવાનું તાત્પર્ય છે કે આર્ત-પીડા-ના કારણે ભગવાનમાં જે સ્થિતિ હોય અથવા હોવી જોઈએ, તેમાંથી થોડું ઢીલું પડી જવું અને તે અતિ પીડા નિવૃત્તિને અર્થે લાગી જવું. જો કે તેઓ ભજનમાં જ એકરસ બની રહે છે, છતાં પ્રયોજન ફેર આવી જાય છે. અર્થાર્થી જિજ્ઞાસુનું પણ તેવું જ છે. સ્થિતિ ફેર થોડો આવી જાય છે. ઉત્તરકાલીન ફળની ઈચ્છાના ચાર પ્રકારના ભકતોના ભેદ રહે છે. અન્યથા સામાન્ય પરિસ્થિતિમાં તો ચારેય એક સરખા ભગવાનમાં જોડાયેલા દેખાય છે.

‘पाठक्रमात्‌ अपि अर्थक्रमस्य प्रबलत्वात्‌ जिज्ञासो: प्रागेव अर्थार्थिन: उपादानम्‌’ ગીતાના મૂળ શ્લોકમાં ‘આર્ત, જિજ્ઞાસુ ને અર્થાથી’ આવો ક્રમ આપ્યો છે પણ પાઠક્રમ કરતાં અર્થક્રમ (વાસ્તવિક અથવા જરૂરિયાતની તીવ્રતાના ભેદથી થતો ક્રમ) બળવાન ગણાય છે. માટે ભાષ્યકારે જિજ્ઞાસુને ત્રીજો ક્રમ આપી દીધો છે. ભાષ્યકારનું તાત્પર્ય એ થાય છે કે, આ ત્રણે ભક્તને સમાન રેખામાં ગોઠવો તો ભજનની વધારે તીવ્રતા કે વધારે જલદીની ચટપટી આર્તને રહે છે. તે તેની પરિસ્થિતિને કારણે, જરૂરિયાતની તીવ્રતાને કારણે છે. માટે આર્ત પ્રથમ ક્રમે, અર્થાર્થી બીજા ને જિજ્ઞાસુ ત્રીજા ક્રમે ગોઠવ્યા છે. જ્યારે રામસુખ સ્વામીના વિવેચનમાં અર્થાર્થીને પ્રથમક્રમે લીધો છે. તેનું પ્રયોજન એ છે કે તમામ ભક્તોને સંકલિત કરો તો ઝાઝા અર્થાર્થી મળશે. કારણ કે તે બધામાં સામાન્ય છે. જ્યારે આર્ત પરિસ્થિતિને લઈને વિશેષ બધાને આર્તી પ્રાપ્તિ હોતી નથી પણ અર્થાથીપણું ઘણા ખરાને હોય છે. તેથી તેની પ્રથમતા ગણી છે. જિજ્ઞાસા તેની સરખામણીએ ઘણી ઓછી હોય છે, તેના કરતાં જ્ઞાનીની સ્થિતિ વિરલ હોય છે.

પ્રાણસંકટ આવતાં, આફત આવતાં, મનને પ્રતિકૂળ ઘટના થતાં, જેઓ દુઃખી થઈને પોતાનું દુઃખ દૂર કરવા માટે આર્ત અને અનન્યભાવથી ભગવાનને પોકારે છે અને દુઃખને દૂર કરવાનું કેવળ ભગવાન દ્વારા જ ચાહે છે તેમજ બીજા કોઈનો આધાર-આશ્રય નથી લેતા, તેઓ આર્ત ભક્ત કહેવાય છે. આર્ત ભક્તોમાં ઉત્તરા-દેવીનું દૃષ્ટાંત લેવું એ યોગ્ય જણાય છે. કારણ કે જ્યારે તેના ઉપર આફત આવી ત્યારે તેણે ભગવાનના સિવાય અન્ય કોઈ ઉપાયનો સહારો ન લીધો. અન્ય ઉપાયોની તરફ તેની દૃષ્ટિ જ ન ગઈ. તેણે કેવળ ભગવાનનો જ સહારો લીધો. તાત્પર્ય એ થયું કે સકામભાવ રહેવા છતાં પણ આર્ત ભક્ત તેની પૂર્તિ કેવળ ભગવાનથી જ ઈચ્છે છે.

આર્તભક્તમાં દ્રૌપદી અને ગજેન્દ્રનું દૃષ્ટાંત પણ લેવામાં આવે છે. જો કે તેમણે પોતાની રક્ષા માટે શરૂઆતમાં અન્ય ઉપાયોનો સહારો લીધો હતો પણ આખરે અન્ય ઉપાયો છોડીને એક ભગવાનની જ શરણાગતિમાં ખરા ઊતર્યા હતા. જ્યાં સુધી પોતાનું દુઃખ દૂર કરવા માટે અન્ય ઉપાયોનો સહારો લેવામાં આવે છે, અન્ય ઉપાયોની તરફ વૃત્તિ રહે છે, ત્યાં સુધી તેઓ અનન્ય ભક્ત ગણાતા નથી. ભગવાન પણ કદાચ તેને સહાય કરતા નથી. ભક્ત પોતે ઓળખીને તે ખામી દૂર કરી દે તો ભગવાન સહાય કરે છે.

જેઓ ભગવાનની સાથે આત્મીયતા રાખીને ભગવાનને પરાયણ રહે છે અને અનુકૂળતાની ઝાઝી ઈચ્છા કરતા નથી; પરંતુ પ્રતિકૂળતા જો આવી જાય તો તેને ટાળવાની ઈચ્છા થઈ આવે છે કે ભગવાન મારી આ પ્રતિકૂળતા દૂર કરી આપે તો સારું. આવો ભાવ જે ભક્તના હૃદયમાં પેદા થાય ને તે ભગવાનમાં અનન્યભાવથી જોડાય તેને આર્ત ભક્ત કહેવાય છે.

(३) जिज्ञासुभक्त-प्रकृतिविमुक्त आत्मस्वरुप अवाप्तीच्छु:

પ્રકૃતિથી વિલક્ષણ એવું પોતાનું આત્મસ્વરૂપ તેને પામવાની જોરદાર ઈચ્છાવાળો, તેમાં વળી પ્રકૃતિથી પર થઈને અક્ષરબ્રહ્મની ભાવના કરીને ભગવાનના સેવકરૂપે પોતાને જોનારો તો જ્ઞાની કક્ષામાં આવશે. આ ફકત પ્રકૃતિ विमुक्त આત્મસ્વરૂપની ઈચ્છા રાખનારો છે.

જેનામાં પોતાના સ્વરૂપને ભગવત્‌તત્ત્વને જાણવાની (કેવળ જાણવાની પણ ભક્તિ કે સેવક ભાવની ઝલક રહિત) જોરદાર ઈચ્છા થઈ આવે તેમાં બીજાં સાધનો શ્રવણ, મનન, નિદિધ્યાસ વગેરે સાધનો પર ભરોસો ત્યાગ કરીને કેવળ ભગવાનથી જ એ તત્ત્વને જાણવાને જે ઈચ્છે છે. તેઓ જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે. તેની જિજ્ઞાસામાં કેવળ આત્મતત્ત્વ કે ભગવતતત્ત્વ જ હોય, તેને જ અહીં જિજ્ઞાસુ બતાવ્યો છે. જો કે આર્ત, અર્થાથી અને જિજ્ઞાસુ પરિપક્વ થતાં જ્ઞાની ભક્તમાં પરિણમતા હોય છે. એટલે તે કૈવલ્યાર્થી જ નથી પણ ભક્ત છે. જિજ્ઞાસુ ભક્તોમાં નચિકેતા ગણાવી શકાય છે. તેમજ ઉદ્ધવજીની જિજ્ઞાસા તથા ગીતામાં પ્રગટ થતી અર્જુનની જિજ્ઞાસાઓ આ પ્રકારની ગણાય. જેઓ ભગવાનમાં આત્મીયતા રાખીને સદા ભગવાનના સેવક અથવા ભક્ત બનીને રહેલા હોય છે; છતાં પણ કયારેક કયારેક સંગ સંસ્કારથી મનમાં એવા જિજ્ઞાસાના ભાવો જાગ્રત થાય છે કે મારું સ્વરૂપ કેવું છે? પરમાત્માનું સ્વરૂપ કેવું હશે? અને તેને સંતોષવા ભગવાનના આશ્રયનો જ આધાર લે, તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે.

(४) ज्ञानीभक्त-भगवत्‌ शेषतैकरस आत्मस्वरुपवित्‌। प्रकृति वियुक्त केवल आत्मनि अपर्यवसन्‌ भगवन्तं प्रेप्सु: भगवन्तम्‌ एव परमप्राप्य मन्वान:।

વિશુદ્ધ બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છાવાળો જ્ઞાની ભક્ત કહેવાય છે. જેઓ આત્માનુભવનો વિલંબ સહન કરવાની ક્ષમતા પણ ગુમાવી બેઠા હોય છે. તેવા ભગવાનના સાચા વિરહી ભક્તોને જ્ઞાની ભક્ત કહેવાયા છે. આગળના ત્રણે ભક્તથી જ્ઞાની ભક્તની ભક્તિ વિલક્ષણ અને પ્રબળ અવસ્થાવાળી હોય છે. તેને કોઈ અનુકૂળ પ્રતિકૂળતા જેવી ભાવના કે બુદ્ધિ હોતી નથી. સર્વ પરિસ્થિતિઓનું અતિલઘંન કરીને તેઓ પરમાત્માને વળગેલા હોય છે. તેને અનુકૂળતા પ્રાપ્ત કરવી, પ્રતિકૂળતા દૂર કરવી, પ્રથમ ભગવાનની બરાબર જાણકારી મેળવી લેવી વગેરે ભાવનાથી પર થયેલા હોય છે. તેને તે તે સાધનોમાં થતો વિલંબ સહન કરવાની ધીરજ કે ક્ષમતા રાખી શકતા નથી. તેવા ભગવાનના વિરહી હોય છે. તેઓ પરમાત્માના સ્વરૂપમાં મસ્ત રહેનારા હોય છે. પ્રહ્‌લાદ એવા ભક્તમાં ગણી શકાય છે. શુકદેવજી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે તેનાં ઉદાહરણો છે.

અર્થાર્થી ભક્ત ભગવાન પાસે અનુકૂળતા માગે છે. આર્ત ભક્ત ભગવાન પાસે પ્રતિકૂળતા દૂર કરાવવા ઈચ્છે છે. જિજ્ઞાસુ ભક્ત ભગવાનને જાણવાને ઈચ્છે છે. જ્યારે જ્ઞાની ભક્ત ભગવાન પાસેથી કાંઈ પણ ઈચ્છતો નથી, ઊલટો ભગવાનને પોતાની સેવા સ્વીકારવા પ્રાર્થના કરે છે.

અર્થાથી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની-આ ચારેય ભક્તોને યોગભ્રષ્ટ પુરુષોમાં નથી લઈ શકાતા. કારણ કે આ ભક્તો તો ભગવત્‌નિષ્ઠ છે. આર્ત અર્થાર્થી અને સકામમાં કેવળ અનન્યતાની મુખ્ય ખામી રહે છે. જ્યારે આર્ત અને અર્થાર્થીમાં કામના છે પણ ભગવાનની અનન્યતા તે તેનું જમા પાસું છે. ભગવાનના આશ્રયની કે અનન્યતાની તેનામાં અધિકતા છે. જ્યારે કેવળ યોગભ્રષ્ટમાં અનન્યતાની ખામી વિશેષ છે. તેમજ આર્ત, આર્થાર્થી તેઓ બન્ને પણ સકામ પુરુષોથી અલગ છે. અર્થાત્‌તેમને સકામ મનુષ્યોની કક્ષામાં ગણી શકાતા નથી. કારણ કે સકામ પુરુષોના અંતરમાં કામનાપૂર્તિ જ પૂર્ણરૂપે મુખ્ય હોય છે. જોઈએ તેવી ભગવાન પ્રત્યે અનન્યતા નથી હોતી. જ્યારે આ બે ભક્તોને પ્રધાનતા તો ભગવાનની જ રહેશે. જો કે અર્થાર્થી આર્ત ભક્તોમાં જે કાંઈ ઓછાપણું છે તે કામનાને કારણે જ હોય છે; છતાં પણ આર્ત, અર્થાર્થીને કામના થવી તે મજબૂરી છે. તેનો તેને ખેદ અનુભવાય છે ને તેઓ જાણે છે કે આ આપણી ખામી છે ને તેની પોતાના અંતરમાં ન્યૂનતા કે લજ્જા અનુભવ કરે છે. તેથી ભગવાને તેઓને सृकृतिन: અને उदारा: (ગી. ૭/૧૮) કહ્યા છે. જ્યારે કામના પૂર્તિમાં વળગી રહેલા સકામોને અંતરમાં ખેદ કે લજ્જા નથી. તે કામના પૂર્તિ કરવાને પોતાનું ગૌરવ અને સિદ્ધિ (એચિવમેંટ) માને છે. તેને ખામી મહેસૂસ થતી નથી માટે ભગવાને તેઓને હૃતજ્ઞાનાઃ (૭/૨૦) કહ્યા છે અને તેઓને ભગવાને આસુરી સંપત્તિવાળા પુરુષોમાં ગણ્યા છે.

જેઓ ભગવાનને શરણે થાય છે, તેઓમાં સકામભાવ પણ હોઈ શકે છે; પરંતુ તેઓમાં પ્રાધાન્ય અથવા પોતાનું ધ્યેય (ગોલ) પૂર્ણ ભગવન્નિષ્ઠ કે જ્ઞાની (આ શ્લોકમાં બતાવ્યા મુજબના) બનવાનું હોય છે. તેઓની ભગવાનની સાથે જેમ જેમ ઘનિષ્ઠતા થતી જાય છે તેમ તેમ તેઓમાં સકામ ભાવ દૂર થતો જાય છે. વિલક્ષણતા અને વિશુદ્ધતા આવતી જાય છે. જ્યારે સકામ પુરુષોને જેમ જેમ કામના પૂર્તિ થાય તેમ તેમ કામના વધતી જાય છે ને વિશાળ કામનાવાળા થઈને આસુરીભાવમાં પરિણમે છે. તેથી ભગવાનના આશ્રયપ્રધાન ભક્તોને કામના હોવા છતાં उदारा: કહ્યા છે અને જ્ઞાનીને બિલકુલ કામના ન હોવાથી ભગવાને પોતાનો આત્મા કહ્યા છે.

ભગવાનની સાથે અથવા ભગવાનના ભક્ત સાથે પૂર્ણ આત્મીયતા કેળવી છે તેવા વિશુદ્ધ ભક્તો સાથે આત્મીયતા માનવા સમાન અને આત્મીયતા કેળવવા સમાન કલ્યાણના માર્ગનું બીજું કોઈ સાધન નથી. તેવી બીજી કોઈ યોગ્યતા નથી. તેવું બીજું કોઈ બળ નથી. તેવો બીજો કોઈ મોટો અધિકાર નથી. ભગવાનને તો પ્રાણીમાત્ર પર આત્મીયતા રહેલી જ છે અને સદાય રહેશે. એ આત્મીયતાને કેવળ પ્રાણી જ ભૂલી ગયો છે. તેણે સંસારની સાથે અથવા સાંસારિક વ્યક્તિ, પદાર્થો સાથે આત્મીયતા કેળવી લીધી છે. તેને હઠાવવાની છે. ભગવાનની સાથે આત્મીયતા થતાં અર્થાત્‌‘હું કેવળ ભગવાનનો જ દાસ (સેવક) છું અને કેવળ ભગવાન જ મારા છે પણ બીજા કોઈ (જગતમાં માનેલા કે ગોઠવાય ગયેલા) મારા નથી. એવું દૃઢતાથી માની લેવાથી સાધકને પોતાના કહેવડાવવાવાળા અંતઃકરણના ભાવોની અને ગુણોની કે વ્યક્તિઓની ખામીઓનું દર્શન થવા લાગશે. જો ભગવાનમાં દૃઢ આત્મીયતા હશે તો કાં તો તે ખામી દૂર થઈ જશે અથવા તો તે તમારા માર્ગથી દૂર હટી જશે પણ લાંબો કાળ ટકશે નહીં. બીજી વાત એ છે કે સાધક ભક્તમાં કાંઈક ગુણોની કમી રહેવા છતાં પણ ભગવાનની દૃષ્ટિ કેવળ આત્મીયતા ઉપર જ રહે છે. તેને મારામાં અથવા મારા વિશુદ્ધ ભક્તમાં આત્મીયતા કેટલી છે? બસ ભગવાનની દૃષ્ટિમાં ફકત એટલું જ રહે છે. ગુણોની કમી ઉપર ભગવાનની વિશેષ દૃષ્ટિ રહેતી નથી. કારણ કે ભગવાનની સાથે આપણી જે આત્મીયતા (સંબંધ) છે તે વાસ્તવિક છે. ગુણો આવવા જવાના સ્વભાવવાળા છે. ભગવાનની આત્મીયતા તો દુષ્ટમાં દુષ્ટ મનુષ્ય ઉપર પણ તેવી જ હોય છે. તેથી ભગવાન તેને દંડ દઈને પણ શુદ્ધ કરે છે. જેમ માતા નાના બાળકને સ્નાન કરાવે છે તો તેની સંમતિ નથી લેતી. કારણ કે તેણીને તેનામાં આત્મીયતા છે.

જીવને ભગવાનની સાથે આત્મીયતાનો સંબંધ પહેલેથી જ છે; પરંતુ જ્યારે તેના હૃદયમાં કયારેક જગતની કામના ઉદય થાય છે ત્યારે પેલી આત્મીયતા ધૂંધળી બની જાય છે, ઝાંખી પડી જાય છે. છતાં પણ ભક્ત પ્રયત્નપૂર્વક આત્મીયતાને મુખ્ય રાખે ને કામનાને પ્રયત્નપૂર્વક ગૌણ કરી દે, તો તે ભક્ત પહેલી શ્રેણીનો ભક્ત કહેવાય.

કયારેક સાધકના હૃદયમાં જગત કામના ઉદય થાય અને તેની પૂર્તિ બીજા પાસેથી ઈચ્છે. જ્યારે ત્યાંથી બરાબર પૂર્તિ થતી નથી ત્યારે અંતે ભગવાન પાસે આવે છે. આ રીતે તેનામાં અનન્યતાની ખામી હોવાને કારણે એવા ભક્ત બીજી શ્રેણીના ગણાય.

જ્યાં કેવળ કામના પૂર્તિ માટે જ ભગવાનનો સંબંધ કરવામાં આવે (માનતા કરવામાં આવે) ત્યાં કામના મુખ્ય હોય છે અને ભગવાનનો સંબંધ ગૌણ હોય છે. આ દૃષ્ટિએ એવા સાધક ત્રીજી શ્રેણીના કહેવાય.

કામના બે પ્રકારની હોય છે. પારમાર્થિક અને લૌકિક. તેમાં પારમાર્થિક કામના પણ બે જાતની હોય છે. એક મુક્તિની અને બીજી ભક્તિની. જે મુક્તિની કામના છે તે કૈવલ્યાર્થીમાં ગણાય છે અને પરમાત્માની સેવામાં પૂર્ણ રૂપથી સમર્પિત થઈ જવાની કામનાને ભક્તિ કહેવાય છે. તેમાં કેવળ પરમાત્માને પ્રસન્ન કરવાની, તેની સેવા કરવાની કામના હોય છે. વાસ્તવમાં તેને કામના કહેવાતી નથી. તેને આવશ્યકતા કહેવાય છે. આવશ્યકતા તેને કહેવાય છે, જે પૂરી થઈ શકતી હોય છે. કામના તે હોય છે. જે કદી પૂરી થતી નથી. એક કામના પૂરી થતાં તેનાથી વધારે પ્રબળ અને ઝાઝી કામના પેદા થઈ જાય છે. ‘એક મીલે દશ વીશકુ ઈચ્છત…’ એવા હોય છે. ધનની જેમ માન મોટાઈની, જીવવાની, ભોગની, નિરોગીતાની, યશકીર્તિની, સ્ત્રીપુત્રની વગેરે વગેરે નાશવંત વસ્તુઓની હોય છે. અસત્‌વિષયોની હોય છે. આવશ્યકતા સત્‌વિષયની અને વાસ્તવિક વસ્તુની હોય છે. પરમાત્માની પ્રસન્નતા મેળવવી, પરમાત્માની તથા તેના ભક્તોની સેવા કરવી, પોતાના આત્માનું કલ્યાણ કરવું, વગેરે કામના જેવી લાગતી હોવા છતાં કામના નથી. કારણ કે તે સત્‌વિષયની છે,માટે તેને પ્રાપ્તિ કહેવાય છે. પરમાત્મામાં અસાધારણ પ્રેમ-ભક્તિ કરવા તે પ્રાપ્તિ છે. પરમાત્મા અને તેના વિશુદ્ધ ભક્તોની સેવા કરવી તે પ્રાપ્તિ છે. પરમાત્મામાં અને તેના સાચા ભક્તોમાં આત્મબુદ્ધિ કરવાની ઈચ્છા કરવી તે કામના નથી, પ્રાપ્તિની ઈચ્છા છે. પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છા કે તેમના ભક્તોની સેવા કરવાની ઈચ્છા તે પોતાના સુખ માટે હોતું નથી પણ પરમાત્મા અને તેના ભક્તોના સુખ સંતોષ માટે કરવાની હોય છે. માટે તે કામના ગણાતી નથી પણ પ્રાપ્તિ ગણાય છે. તેથી જ મુક્તિની અપેક્ષાએ પણ ભક્તિની કામના શ્રેષ્ઠ છે ને દુર્લભ છે. મુક્તિમાં સુખી થવાની કામના રહે છે. જ્યારે ભક્તિ, સર્મપણ કે સેવામાં સામાને સુખી કરવાની પ્રબળ કામના-ઈચ્છા રહે છે.

ત્યાર પછી લૌકિક કામનાઓ તો અનેક પ્રકારની હોય છે. તે કયારેય પૂરી થતી નથી, થવાની પણ નથી, કોઈની કામનાઓ આજ સુધીમાં પૂરી થઈ પણ નથી.

तेषां ज्ञानी नित्ययुक्त एक भक्तिर्विशिष्यते।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रिय:।।१७।।

અર્થ : તે ચારમાંથી જ્ઞાની ભક્ત નિરંતર મારામાં જ જોડાઈ રહેનારો અને એ મારામાં જ અનન્ય ભક્તિમાન હોવાથી સર્વથી શ્રેષ્ઠ છે અને જ્ઞાની ભક્તને હું અત્યંત વ્હાલો છું અને તે મને અત્યંત વ્હાલો છે. ।।૧૭।।

तेषां ज्ञानी नित्ययुक्त एक भक्तिर्विशिष्यते-તે ભક્તોમાં (અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાનીમાં) જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે, કેમ કે તે નિત્યયુક્ત છે. જ્ઞાનીને પ્રાપ્ય વસ્તુ તરીકે હું એક જ હોવાથી તેને મારો માનસિક યોગ નિત્ય છે. જ્યારે બીજા ત્રણેને સંસ્કારવશાત્‌જ્યારે બીજી કાંઈ ઈચ્છા થાય, ત્યારે માનસયોગ વિચ્છિન્ન થાય છે. તેથી તેઓ નિત્યયુક્ત રહી શકતા નથી. જ્ઞાનીની એ વિશેષતા છે કે, તે સદાસર્વદા કેવળ ભગવાનમાં જ જોડાયેલો રહે છે. ભગવાન સિવાય બીજા કોઈમાં તે કિંચિત્માત્ર પણ નથી લાગતો. પ્રહ્‌લાદ્‌ જ્ઞાની ભક્તમાં ગણાશે. શુકદેવજી જ્ઞાની ભક્તમાં ગણાય છે. મીરાંબાઈ (પ્રેમી હોવા છતાં) આમાં કહ્યા તેવા જ્ઞાની ભક્ત ગણાશે. ગોપીઓ (પ્રેમી હોવા છતાં) અહીં બતાવ્યા તેવા જ્ઞાનીભક્ત ગણાશે જેવી રીતે-

या दोहनेऽवहनने मथनोपलेपप्रेफनार्भक दितोक्षणमार्जनादौ।

गायन्ति चैनमनुरक्तधियोऽश्रुकण्ठ्‌यो धन्या व्रजस्त्रिय उरुक्‌म चित्तयाना: (भाग १०/४४/१५) ગોપીઓ ગાય દોહતાં, દહીં વલોવતાં, ડાંગર ખાંડતાં વગેરે બધાં લૌકિક કાર્યો કરવા છતાં પણ ભગવાન શ્રીકૃષ્ણમાં ચિત્તવાળી રહે છે. પર્વતભાઈ સાંતી હાંકતાં, બળદોની સંભાળ રાખતાં કે કોઈ પણ ખેતીનું કે દૈહિક કાર્ય કરતાં મહારાજને અખંડ તૈલધારાવત્‌સંભારીને મહારાજમાં વળગી રહે છે. તેવી જ રીતે ગોવર્ધનભાઈ, જીવુબા, લાડુબા, રાજબાઈ વગેરે બાઈઓ ભક્તો તથા ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે પરમહંસો પોતપોતાનાં કાર્યો કરતાં મહારાજની મૂર્તિમાં વળગ્યા રહે છે, તે જ્ઞાની ભક્તો છે. આવી રીતે જ્ઞાનીભક્ત લૌકિક અને પારમાર્થિક બધી ક્રિયા કરતી વખતે સદા સર્વદા ભગવાન સાથે નિત્ય માનસયોગ જોડીને જોડાયેલા રહે છે. ભગવાન સાથે અખંડ સંબંધ જાળવીને જ તેની બધી ક્રિયાઓ થાય છે. एकभक्तिर्विशिष्यते અર્થાત્ एकस्मिन्‌ परमात्मनि एव भक्ति: यस्य स:। તેને એક પરમાત્માને વિષે જ પ્રાપ્ય બુદ્ધિ છે. જ્ઞાનીને સાધનદશામાં કે સાધ્યદશામાં એક પરમાત્મા જ અભિલષિત હોય છે. જ્યારે આર્તાદિકને સાધન દશા અને સિદ્ધ દશામાં પ્રાપ્યતામાં થોડો ફેરફાર થઈ જાય છે. કારણ કે તેના અંતરમાં ભગવાન સિવાય પણ બીજી થોડી ઈચ્છાઓ રહે છે ખરી. જ્યારે જ્ઞાનીને સાધનદશામાં કે સિદ્ધ દશામાં કેવળ ભગવાનનું જ આકર્ષણ રહે છે. તેની પોતાની વ્યક્તિગત ભગવાન સિવાય ઈતર કોઈ ઈચ્છા નથી રહેતી માટે તે શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજ પણ બતાવે છે (વચ.ગ.મ.૫૬) કે ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને એ ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે? અને તેનો ઉત્તર પણ પોતે જ કર્યો કે ‘જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો (આશ્રય તો) છે તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી, તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી.’

આર્ત વગેરે ભક્તોમાં પૂર્વ સંસ્કારોને કારણે જ્યાં સુધી વ્યક્તિગત ઈચ્છાઓ ઉત્પન્ન થતી રહે છે ત્યાં સુધી તેમની એક ભક્તિ થતી નથી, અર્થાત્‌કેવળ ભગવાનમાં ભક્તિ રહેતી નથી; પરંતુ તે ભક્તોમાં એ ઈચ્છાઓ પુરી કરવાનો તથા કયારેક તેને નષ્ટ કરવાનો ભાવ થતો રહે છે. જ્યારે તે ઈચ્છાઓ પૂર્ણપણે નષ્ટ થઈ જાય છે, ત્યારે તે ભક્તો પણ જ્ઞાની બરોબર થઈ જાય છે.

સામાન્યપણે તો ચારેય ભક્તો ભગવાનમાં નિત્ય નિરંતર લાગેલા રહે છે; પરંતુ જ્ઞાની સિવાય બીજા ત્રણ ભક્તોના અંતરમાં કંઈને કંઈ વ્યક્તિગત ઈચ્છાઓ રહે છે. જેમ કે અર્થાથી ભક્તોને અનુકૂળતાની ઈચ્છા રહે છે. આર્ત ભક્તોને પ્રતિકૂળતાને દૂર કરવાની ઈચ્છા રહે છે. જિજ્ઞાસુને પોતાનું અને ભગવાનનું સ્વરૂપ જાણવાની પ્રધાનતા રહે છે. જ્યારે જ્ઞાની ભક્તોને કોઈ પ્રકારની પોતાની ઈચ્છા રહેતી નથી. તે બ્રહ્મ સ્વરૂપ થઈને ભગવાનના સ્વરૂપમાં અખંડ જોડાયેલો રહે છે. માટે તેને એક ભક્તિ કહે છે.

प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च प्रिय: જ્ઞાની ભક્તને હું અત્યંત પ્રિય છું. ‘अत्यर्थम्‌’ વચનની અંદર ‘अर्थ’ શબ્દ अभिधेय અર્થમાંઆવ્યો છે અર્થાત્‌ ‘अत्यभिधेयम्‌’ અર્થાત્‌જ્ઞાની ભક્તને હું જેટલો વહાલો છું, પ્રિય છું, તેની અભિવ્યક્તિ કરવા હું સર્વજ્ઞ છું તો પણ સમર્થ નથી. તેનું વર્ણન કરવું તે મારી સામર્થી બહારની વસ્તુ છે. તેને પોતાના સ્વરૂપમાં પણ તેટલી પ્રીતિ નથી; જેટલી તેને મારા સ્વરૂપમાં છે. કેવળ મારા સ્વરૂપમાં જ તેને પ્રીતિ છે, તેથી તે પણ મને અત્યંત વહાલો છે.

સર્વે જીવ ભગવાનને સ્વાભાવિક જ પ્રિય છે. જેમ માતા બાળકનું પાલન કરે છે તેમ ભગવાન પણ અકારણ (નિઃસ્વાર્થ) બધાનું પાલનપોષણ અને પ્રબંધ કરે છે. જે મનુષ્યો કોઈ કારણસર ભગવાનની સન્મુખ થઈ જાય છે, ભગવાનને આશ્રયે થઈ જાય છે, તેને કારણે ભગવાનને તેના પ્રત્યે એક વિશેષ પ્રીતિ થઈ જાય છે. જ્યારે તે ભક્ત સર્વથા નિષ્કામ બની જાય છે, ત્યારે તેને પરમાત્મામાં સ્વતઃસિદ્ધ પૂર્ણ પ્રેમ જાગ્રત થઈ જાય છે. તેમાં કોઈ કમી રહેતી નથી અને કદી સમાપ્ત ન થાય તેવો પ્રેમ થાય છે. સાચો પ્રેમ કદી સમાપ્ત થતો જ નથી. કારણ કે તેનું સ્વરૂપ અનંત અને પ્રતિક્ષણે વર્ધમાન છે. પૂર્ણ હોવું ને પ્રતિક્ષણે વર્ધમાન હોવું તેનું તાત્પર્ય એ છે કે આલંબનમાં પ્રતિક્ષણે અલૌકિકતાનો વિલક્ષણ અનુભવ કરાવવો. અર્થાત્‌આ વસ્તુ આવી છે, એ બાજુ કયારેય દૃષ્ટિ ગઈ જ નહતી. આજે જ આ વાત દૃષ્ટિમાં આવી. આવો પ્રતિક્ષણે નવીન ભાવ અને અનુભવ થતો રહે છે, માટે પ્રેમને અનંત બતાવવામાં આવ્યો છે.

उदारा: सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम्‌।
आस्थित: स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम्‌।।१८।।

અર્થ : એ બધા મારા ભક્તો ઉદાર છે, પણ તેમાં જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે, એમ મારું માનવું છે. કારણ કે તે મારામાં મન રાખીને સર્વોત્તમ અત્યન્તિક ગતિ પ્રાપ્યસ્વરૂપ એવા મને જ અનન્ય ભાવથી આશરેલો છે. ।।૧૮।।

ભગવાને જ્ઞાની ભક્તને અત્યંત પોતાને પ્રિય બતાવ્યો તો તેનાથી એ અસર પડે છે કે બીજા ભક્તોનો ભગવાનને આદર નથી. એવું ન માની લેવાય તેની ભગવાન સ્પષ્ટતા કરે છે.

उदारा: सर्व एवैते ભગવાન કહે છે, આ તમામ ભક્તો ઉદાર છે, શ્રેષ્ઠ ભાવવાળા છે. ભક્તોમાં ઉદારતા શું છે ! તો ચોથા અધ્યાયના અગિયારમાં શ્લોકમાં ભગવાને કહ્યું છે કે ‘ये यथा मां प्रपद्यन्ते तां तथैव भजाम्यहम्‌’ તેઓ જે પ્રકારે મારે શરણે થાય છે, હું પણ તેવી જ રીતે તેમનું ભજન કરું છું. ભક્ત ભગવાનને ચાહે છે અને ભગવાન ભક્તને ચાહે છે; પરંતુ આ બન્નેમાં પહેલા ભક્તે સંબંધ જોડયો છે અને જે પ્રથમ સંબંધ જોડે છે તે ઉદાર કહેવાય છે. અર્થાત્‌ભગવાન સંબંધ જોડે ન જોડે, ઈચ્છા પૂરી કરે ન કરે,ભક્ત તેની પરવા કરતો નથી. તે તો કેવળ પોતાના તરફથી સમર્પિત થઈ જાય છે. માટે તે ઉદાર છે અને ભગવાન પણ તેને અમાપ આપી દે છે, માટે તેને પણ અનુદાર તો ન જ કહેવાય. બીજા દેવતાઓ કામના પૂરી કરે છે. ત્યારે તેઓના ભક્તોની દૃઢતા થતી રહે છે. જ્યારે ભગવાનના સાચા ભક્તને તેવું નથી હોતું. ભગવાન કામના પૂરી ન કરે તો પણ ભક્ત ભગવાનમાં વળગી રહે છે, તે તેની ઉદારતા છે.

સંસારના ભોગ પ્રત્યક્ષ અને તત્કાળ ફળ આપનારાં હોય છે. ભગવાનનું ભજન એવું તત્કાળ ફળ આપતું નથી તો પણ ભક્ત તે તત્કાળ પ્રત્યક્ષ ફળનો ત્યાગ કરીને ભગવાનને ભજે છે,માટે ઉદાર છે.

ભગવાનના દરબારમાં દીનજનને વધુ આદર આપવામાં આવે છે એવી પરમાત્માની રીત છે. માટે ભક્ત કાંઈક માગે છે તો પણ ભગવાન તેમને ઉદાર કહે છે. તે પરમાત્માની વિશેષ ઉદારતા છે.

વળી ભક્તોનો લોકિક, પારલૌકિક કામનાપૂર્તિ માટે અન્ય દેવોની તરફ કિંચિત્‌માત્ર ભાવ જતો નથી. તેઓ કામના હોય તોે કેવળ ભગવાનથી જ કામના પૂર્તિ ઈચ્છે છે. ભક્તોનો આવો અનન્ય ભાવ છે, તેને ભગવાન ઉદારતા કહે છે.

ज्ञानी त्वात्मैव मे मतम्‌-‘तु’ શબ્દથી તમામ ભક્તો કરતાં જ્ઞાની (મહિમાવાન) ભક્તોની વિશેષતા બતાવી છે. બીજા ભક્તો તો ઉદાર છે જ પણ જ્ઞાનીને તો શું કહેવું? એ તો મારો આત્મા છે. પોતાના આત્મામાં, સ્વરૂપમાં પ્રીતિ થવામાં કોઈ નિમિત્તની કે કોઈ કારણ વિશેષની જરૂર પડતી નથી. તેમાં સ્વતઃ સ્વાભાવિક પ્રીતિ હોય છે.

જ્ઞાની (મહિમાવાળો) ભક્ત પોતાની જાતને પરમાત્માના સ્વરૂપ ઉપર વાળી-ઘોળી નાખે છે. પોતાની સત્તા(વ્યક્તિત્વ) ભગવાનથી કોઈ પ્રકારે અલગ માનતો નથી. જ્યારે ભગવાન પણ તેના ઉપર વારી ફેરી જાય છે. આવી રીતે બન્ને વચ્ચેની અનન્યતાનું એક અદ્વૈત ઊભું થાય છે. અનુભૂતિ થાય છે. તે બન્નેના અલગપણામાં (દ્વૈતમાં) પણ ઐકય(અદ્વૈય) ઊળું થાય છે અને તે નિત્ય વર્ધમાન રહે છે. તે કયારેય શાંત પામતું નથી. જ્યારે શુષ્ક જ્ઞાનીઓનું અદ્વૈત અંત પામીને શાંત થઈ જાય છે. શ્રીજી મહારાજ કહે છે તેમ તેઓ કોઈ ભગવાન પાસેથી ભગવાનના સ્વરૂપનું સુખ નથી પામતા. જ્યારે આ પ્રકારના અનન્ય અદ્વૈતમાં ભક્ત ભગવાનના સ્વરૂપની નિત્ય અનુભૂતિ કરે છે. ભગવાન તરફથી અમાપ ઐશ્વર્યને પામે છે અને તો પણ નિત્ય ભગવાનનો દાસ થઈને રહે છે. તેમનો અનન્યભાવ અને દાસભાવ નિત્ય વર્ધમાન રહે છે. માટે આવો જે જ્ઞાનીભક્તોનો ભાવ (પ્રેમ) અનિર્વચનીય કહેવાય છે. જેનું કોઈ ‘ઈદમ્‌’ પણે વર્ણન કરી શકતું નથી. એવું આ પદોનું તાત્પર્ય છે.

आस्थित: स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम्‌।

જેનાથી કોઈ ઊંચી ગતિ-પ્રાપ્તિ છે જ નહિ, એવી સર્વોપરી પ્રાપ્તિને મારા સ્વરૂપને તે જ્ઞાની ભક્ત પામી જાય છે. અર્થાત્‌આવા જ્ઞાની ભક્તની વૃત્તિ મારા સ્વરૂપમાંથી ગમે તેવી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિથી પાછી હઠતી નથી. એક પરમાત્મામાં જ અનન્ય ભાવે લાગેલી રહે છે.

‘કેવળ, ભગવાન જ મારા છે બીજું કોઈ (ભગવાનના ભક્ત સિવાય) મારું નથી’ એવી તેના હૃદયમાં અખંડ આત્મીયતા બંધાય છે અને તે ગમે તેવી પ્રચંડ અનુકૂળતા-પ્રતિકૂળતામાં ઝાંખી પડતી નથી પણ નિત્ય પ્રત્યે દૃઢ થતી અને વધતી જ રહે છે. તે ભક્ત કોઈ કાળે મારાથી અલગપણાનો અનુભવ કરતો નથી, સદા મારી સાથે (युक्तात्मा) હોવાનો અનુભવ કરે છે.

बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते।
वासुदेव: सर्वमिति स महात्मा सुदुर्लभ:।।१९।।

અર્થ : બહુ જન્મને અંતે પણ ‘‘મારે સર્વ વાસુદેવ જ છે.’’ એવા જ્ઞાનવાળો થઈને અનન્ય ભાવથી મનેજ આશરે છે. તેવો મહાત્મા આ લોકમાં અતિ દુર્લભ છે. ।।૧૯।।

बहूनां जन्मनामन्ते… મનુષ્ય જન્મ, તમામ જન્મોમાં અંતિમ જન્મ છે. ભગવાને જીવને મનુષ્ય શરીર આપીને તેને જન્મ-મરણના પ્રવાહથી અલગ થઈને પોતાની પ્રાપ્તિનો પૂરો અધિકાર આપ્યો છે; પરંતુ તે મનુષ્ય રાગને કારણે ફરી ફરીને જન્મ-મરણના ચક્કરમાં ચાલ્યો જાય છે. अप्राप्य मां निर्वतन्ते मृत्युसंसारवर्त्मनि (ગી. ૯/૩) તથા मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम्‌’ (૧૬/૨૦) મને પ્રાપ્ત કર્યા વિના જ પ્રાણીઓ અધમગતિને પામી જાય છે. મનુષ્ય જન્મ કેવળ પોતાનું કલ્યાણ કરવા માટે મળ્યો છે. વિષયોનું સુખ કે અનુકૂળતા ભોગવવા કે સ્વર્ગની પ્રાપ્તિ માટે નથી મળ્યો. તેથી ગીતામાં સ્વર્ગની પ્રાપ્તિની ઈચ્છાવાળાઓને મૂઢ અને તુચ્છ બુદ્ધિવાળા કહ્યા છે. अविपश्चित: (२/४२) अल्पमेधसाम्‌ (७/२३)

મનુષ્ય જન્મ તમામ જન્મોનો આદિ જન્મ પણ છે ને અંતિમ જન્મ પણ છે. તમામ જન્મો લેવાનું કારણ પણ મનુષ્ય જન્મ જ છે. અર્થાત્‌મનુષ્ય જન્મમાં કરેલાં કર્મો જ છે. મનુષ્ય જન્મ તમામ જન્મો મિટાવવાને માટે પણ છે. પરમાત્માની અનન્ય શરણાગતિ થતાં અનેક (મનુષ્ય) જન્મોનાં કર્મો મટીને ભગવાનને પામવા માટે પણ છે.

ભગવાને આઠમાં અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં કહ્યું છે કે, ‘यं यं भावं स्मरन्‌ वापि…’ જે મનુષ્ય અંત સમયે જે જે ભાવનું સ્મરણ કરીને શરીર છોડીને જાય છે તે તે ભાવને જ તે પ્રાપ્ત કરે છે. તેનો અર્થ એ થયો કે મનુષ્યને કોઈપણ ભાવનું સ્મરણ કરવાની છૂટ્ટી આપવામાં આવી છે. તેનાથી માલૂમ પડે છે કે મનુષ્યના ઉદ્ધારને માટે ભગવાને પૂરો અધિકાર આપ્યો છે. તેથી અંતિમ જન્મ આપ્યો છે. હવે પોતાનો આ જન્મથી જ ઉદ્ધાર કરી લે અથવા આગળ ધરવાનાં નવાં જન્મોની તૈયારી કરી લે-એમાં એ જીવ સર્વથા સ્વતંત્ર છે. આ વાત અંગે સર્વે શાસ્ત્રો મનુષ્યમાત્રને પરમાત્મા પ્રાપ્તિનો અધિકારી માને છે. ‘अपि चेत्‌ सुदुराचारो… साधुरेव… હા, પશુપક્ષી, વૃક્ષલતા વગેરેમાં ભગવાન તરફ ચાલવાની યોગ્યતા નથી પણ પરમાત્મા તરફથી તો તેને પણ બંધી નથી. જ્યારે દેવતા વિષયોમાંથી નવરા થતા નથી.

અહીં ભગવાનનો સંકલ્પ એવો નથી કે સાધકની ઈચ્છા વિના કલ્યાણ થઈ જાય. અર્થાત્‌જેવી રીતે શાપ કે વરદાન આપવામાં આવે છે, ત્યારે પેલાની ઈચ્છા ન હોય તો પણ જોરાવરીયે ફળ ભોગવવું પડે છે. તેવો સંકલ્પ નથી. તો પછી કેવો સંકલ્પ છે? તો તેનું સમાધાન એ છે કે ભગવાને જીવના કલ્યાણનો શુભ સંકલ્પ કરીને પછી તેને તે વિષયમાં નિર્ણય લેવા માટે અને ચાલવામાટે સ્વતંત્રતા આપી છે. જો એ પ્રાણી ભગવાને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરે અર્થાત્‌ભગવાન અને શાસ્ત્રો તથા ભગવાનના ભક્તથી વિરુદ્ધ ન ચાલે, તો તેનું કલ્યાણ થવાની શકયતા ઘણી વધી જાય છે. તેની પાસે यत्‌किंचित्‌ શક્તિ છે. તેને પરમાત્માની કે પરમાત્માના ભક્તની સેવામાં જોડવાની પણ સ્વતંત્રતા આપી છે. જો તે દૃઢતાપૂર્વક જોડે તો તેનું કલ્યાણ સરળતાથી થઈ જાય છે. ‘तत्स्वयं योगसंसिद्ध: कालेनात्मनि विन्दति’ (४/३२) સરળતાથી અંતિમ જન્મ થઈ જાય છે.

મનુષ્ય જન્મમાં સત્સંગ મળી જાય, મોક્ષમૂલક શાસ્ત્રોમાં રુચિ થઈ જાય અને ભગવાનની શરણાગતિ થઈ જાય ત્યારે સાધકે ભગવાનની પોતાના ઉપર મોટી કૃપા થઈ છે. એમ દૃઢપણે સમજવું જોઈએ. તેથી ભગવાન બતાવે છે કે ‘बहूनां जन्मनाम्‌ अन्ते ज्ञानवान्‌ मां प्रपद्यते’ ભગવાનની પ્રપત્તિ-શરણે થવું તે અનેક જન્મોનું પુણ્ય ફળ છે. શ્રીજી મહારાજે પણ ગોપીઓના જેવી ભક્તિ (વચ.ગ.મ.૧૦) અને ભગવાનના સંતની સેવા (વચ.ગ.મ.૫૯) એ અનેક જન્મના પુણ્ય-સુકૃતનું ફળ બતાવ્યું છે. ખાલી અનેક જન્મનું નહિ. અનેક જન્મ તો દરેક લઈને જ આવે છે, તો બધાને તે પ્રાપ્ત સહજ થઈ જાય પણ અનેક પુણ્ય જન્મો ગુજર્યાનું ફળ છે. પુણ્યનું ફળ છે. અને તે પુણ્ય પણ ભગવાન કે ભગવાનના ભકતની કૃપારૂપે થવા જોઈએ, નહિ તો પુણ્યનું (સાથે પાપનું પણ) ફળ પણ તમામ જીવો ભોગવે છે તે માટે પુણ્ય પામીને પણ સાધકે કૃપાકાંક્ષી થવાનો પ્રયત્ન કરવો તો કામ થશે. અનેક જન્મ ધર્યા ને કસરત કરી તેનું ફળ આ નથી અને તે ભક્તોની સેવા તો ભગવાનની પ્રાપ્તિમાં કારણરૂપ બતાવી છે. (વચ.વ.૫) તેથી અહીં વિશેષ એ પણ સમજવાનું છે કે ભગવાનની પ્રપત્તિ કરવા અનેક જન્મ લેવા પડે. એવું ન માની લેવું. અનેક જન્મ લેવાથી થઈ જાય છે એવું નથી. અનેક જન્મના પુણ્યના ફળરૂપે જીવાત્મા ભગવાનને શરણે થવાનો નિર્ણય લે છે અને એવો નિર્ણય લેવાની સ્વતંત્રતા-સ્વતંત્ર શક્તિ ભગવાને પાપી જીવને પણ બધાને મૂળભૂત અધિકારરૂપે આપી દીધી જ છે. ‘अपि चेत्‌ सुदुराचारो… सम्यक्‌ व्यवसितो हि स:’ અતિ પાપી પણ ભગવાનની શરણાગતિનો સાચા સંતની શરણાગતિનો કે ભગવાનની ભક્તિનો નિર્ણય લઈ શકે છે અને તે રસ્તે ચાલી શકે છે. ‘बहुनां जन्मनां’ કહેવાનું તાત્પર્ય નિર્ણયની દુર્લભતા કે વિરલતા છે પણ સમયની પુષ્કળતા કહેવામાં નથી. કોઈ પણ નવો મુમુક્ષુ પણ એને અનુરૂપ નિર્ણય લઈને દુર્લભતાને પામી શકે છે અને અનેક જન્મનો મુમુક્ષુ ઢીલોપોચો રહીને વિલંબ કરી શકે છે.

वासुदेव: सर्वम्‌ એ ભક્તની એક પ્રકારની દૃષ્ટિ છે. તદાકાર બુદ્ધિ છે. આવી દૃષ્ટિ કે આવી બુદ્ધિવાળા ભક્ત દુર્લભ હોય છે, એવો શ્લોકનો આશય છે. અહીં ‘વાસુદેવઃ’ પુલિંગમાં અને ‘સર્વમ્‌’ શબ્દ નપુસલિંગમાં આવ્યો છે. અહીં ‘વાસુદેવઃ સર્વ’ પણ કહી શકાતું હતું; પરંતુ એમ ન કહીને ‘વાસુદેવઃ સર્વમ્‌’ કહ્યું છે એનું તાત્પર્ય એ છે કે ‘સર્વમ્‌’ શબ્દમાં સ્ત્રી, પુરુષ, નપુંસકલિંગ, સ્થાવરજંગમ વગેરે બધાનો સમાહાર થઈ જાય છે તેવો ‘સર્વઃ’માં થઈ શકતો નથી.

वासुदेव: सर्वम्‌’ એટલે શું અહીં ‘सर्वम्‌’ શબ્દનો અર્થ સર્વત્ર લેવો કે ‘सर्वस्व.’ ‘सर्वम्‌’ શબ્દ સ્થાનવાચી લેવો કે ‘સર્વમ્‌’ શબ્દ ધનવાચી લેવો? (स्वं=धनम्‌) सर्वग-સર્વસ્થાનમાં, આ સૃષ્ટિના કણ કણમાં મારા પરમાત્મા રહ્યા છે, એમ માનવું તે દૃષ્ટિ કે પછી મારું સર્વસ્વ જે કાંઈ છે તે એક મારા મહારાજ છે,એમ માનવું તે ગણાય? અથવા બન્ને દૃષ્ટિનું સંકલન? અથવા એક મુખ્ય અને બીજી ગૌણ અર્થમાં? તેની સ્પષ્ટતા થવા માટે અને તેના દ્વારા ભક્તનો મહિમા બતાવવા માટે ભગવાન આ શ્લોકનું અવતરણ કરે છે.

હવે એક દૃષ્ટિ છે. વાસુદેવ-સર્વમ્‌અર્થાત્‌સર્વત્ર મારા પરમાતમા આ સૃષ્ટિના અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે તે પણ શાસ્ત્રદૃષ્ટિ જ છે. કોઈ બાધ નથી. જે ચીજ આદિમાં હોય છે ને અંતમાં હોય છે, તે મધ્યમાં પણ હોય છે. તેનાથી બીજું ન હોઈ શકે. પણ તે એક પ્રકારની ભક્તની સ્થિતિ છે અને તેને અનુરૂપ દૃષ્ટિ છે. વાસ્તવિકતા ન લઈ શકાય કે બીજું કોઈ પદાર્થ નથી. વાસુદેવ સર્વમ્‌સર્વત્ર એ વાત સાચી છે પણ અન્યનો નિષેધ એ વાસ્તવિકતા ન હોઈ શકે. મહારાજે તેને વચનામૃતમાં ભક્તની સ્થિતિ કહીને નિરૂપણ કર્યું છે. વાસ્તવિકતા તો અનાદિ પાંચ તત્ત્વો છે. છતાં સર્વથી મહાન તત્ત્વ વાસુદેવ છે ને સર્વત્ર વ્યાપી રહ્યું છે. તેના વિના કોઈ અણુમાત્ર ખાલી નથી એ વાસ્તવિકતા છે પણ તેને જોવાની દૃષ્ટિ બધા પાસે હોવી તે વાસ્તવિકતા નથી. વિરલ સ્થિતિના પરિણામે કોઈકમાં જ તે દૃષ્ટિ આવે છે. માટે ભગવાન કહે છે કે ‘बहुनां जन्मनाम्‌ अन्ते’ અને ‘स महात्मा सुदुर्लभ:’ ‘વાસુદેવઃ સર્વમ્‌’ માં બે પ્રકારના સાધકો છે. જે ભક્તિમાર્ગ પર ચાલે છે તે ‘આ સત્‌છે ને આ અસત્‌છે’ એ વિવેકને લઈને નથી ચાલતો. તેનામાં વિવેકજ્ઞાનનું પ્રાધાન્ય નથી રહેતું. તેનામાં ભગવદ્‌ભાવનું જ પ્રાધાન્ય રહે છે. કેવળ ભગવદ્‌ભાવનું પ્રાધાન્ય રહેવાને કારણે તેને માટે આ બધો સંસાર દિવ્ય થઈ જાય છે અને પોતે પણ દિવ્ય થઈ જાય છે. જેમ મીરાબાઈનું શરીર (ચિન્મય બની જઈને) ભગવાનના વિગ્રહમાં લીન થઈ ગયું; પરંતુ તેને માટે વાસુદેવઃ સર્વમ્‌અર્થાત્‌સર્વત્ર છે એમ નહિ પણ વાસુદેવ જ મારું સર્વસ્વ છે, તેની પ્રાધાન્યતા હતી. તેથી જ તેણે ગાયું છે કે ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ’ ‘ગોવિંદો પ્રાણ હમારો મને જગ લાગ્યો ખારો’ પ્રેમાનંદ સ્વામી પણ કહે છે કે ‘હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે, પ્રેમાનંદ સાર સર્વસ્વ. સહજાનંદ આવે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. એ ભક્તિનો માર્ગ છે, પ્રેમનો છે, મહિમાનો છે. એ વાસુદેવ સર્વસ્વમ્‌છે , એવું માને છે.

જ્યારે જ્ઞાનમર્ગના સાધકને સત્‌અસત્‌નો વિવેક થાય છે. તેને સૃષ્ટિના તમામ તત્વમાં પરમાત્મતત્ત્વની મોટાઈ અને હાજરી દેખાય છે. તેને સદ્‌. મુક્તાનંદ સ્વામી એ કિર્તનમાં બતાવ્યા મુજબ. ‘જ્યાં જુએ ત્યાં રામજી બીજુ ન ભાસે રે, ભાત્ય દેખી ભૂલે નહિ અનુભવ ઉજાસે રે’ અનુભવી આનંદમાં. તે શાંત માર્ગ છે. જ્યારે ભક્તનો માર્ગ ઉછળતો માર્ગ છે. તેમાં આનંદનો અતિરેક હોય છે. પ્રતિક્ષણ વર્ધમાનપણું હોય છે. જ્ઞાનમાર્ગના દર્શનમાં અખંડતા અને અતૂટપણું તો હોય છે.

એક વૈરાગી મહાત્મા હતા તેઓ ગણેશજીનું પૂજન કર્યા કરતા હતા. તેની પાસે સોનાની બનેલી એક ગણેશજીની અને એક ઉંદરની મૂર્તિ હતી. તે બન્ને મૂર્તિઓ વજનમાં સરખી હતી સમય જતાં કોઈ કારણસર તે મૂર્તિને વેચી દેવાનો વિચાર થયો ને તે સોની પાસે વેચવા ગયા. ત્યારે સોનીએ બન્નેનું વજન કરીને બન્નેની સરખી કિંમત જે થતી હતી તે બતાવી દીધી. ત્યારે તે મહાત્મા સોની ઉપર ખુબ ગુસ્સે થયા. યાર તમે તો કેવા વિવેકહીન છો. ગણેશજી અને ઊંદરની સરખી કિંમત? ગણેશ તો મારા દેવતા છે ને ઉંદર તો તેનું વાહન છે. તેની તમે સરખી ગણના કરો છો? એ કેમ બની શકે? ત્યારે સોની બોલ્યો કે મહાત્માજી હું ગણેશજીની કે ઉંદરની કિંમત નથી બતાવી રહ્યો હું તો સોનાની કિંમત બતાવું છું. તમારે મન ગણેશ અને ઉંદરનો ભેદ છે મારે મન તો બન્ને સોનું છે, સરખું જ છે. માટે જેનું વજન જેટલું થશે તેટલી જ તેની કિંમત થઈ શકશે વધારે નહિ. જો સોની ગણેશ અને ઉંદરને દેખાવા લાગી જશે તો સોનું નહિ દેખાય. જેમ મહાત્માને દેખાતું હતું. જો સોની સોનું જોશે તો ગણેશ-ઉંદર નહિ દેખાય. જેમ સોનીની દૃષ્ટિ હતી. તેમ બન્નેની દૃષ્ટિ યોગ્ય છે.

वासुदेव: सर्वम्‌ અર્થાત્‌સર્વત્ર એ જ્ઞાનીની દૃષ્ટિ છે અને સારું સર્વસ્વ છે તે ભક્તની દૃષ્ટિ છે. સર્વત્ર કરતાં પણ સર્વસ્વ દૃષ્ટિ થવી વધારે સ્થિતિની કે ગહન ભક્તિની વાત છે. એવા મહાત્મા દુર્લભ હોય છે. ભગવાન એવા પ્રકારના જીવને માટે પણ ‘મહાત્મા’ શબ્દ વાપરે છે, માટે તે ખરેખર મહાન છે.