વિજ્ઞાન સહિત જ્ઞાનનો વિષય
શ્રી ભગવાન બોલ્યા
मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय:।
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु।।१।।
અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પૃથાના પુત્ર અર્જુન ! મારામાં પૂરે પૂરું મન રાખીને અને મારોજ દૃઢ આશ્રય કરીને મારો યોગ સાધતાં મને સમગ્રપણે નિઃસંશય જેમ તું જાણું તેમ હું કહું છું તે સાંભળ ! ।।૧।।
ભગવાને છઠ્ઠા અધ્યાયના છેતાલીસમાં શ્લોકમાં યોગીનો મહિમા કહ્યો. સુડતાલીશમાં શ્લોકમાં કહ્યું કે યોગીઓમાં પણ જે મારામાં શ્રદ્ધા પ્રેમ રાખીને મારું ભજન કરે છે તે ભક્તો સર્વશ્રેષ્ઠ છે. ભક્તોને જેવી રીતે ભગવાનની કાંઇક વાત આવે તો તેઓ તેમાં તલ્લીન થઇ જાય છે, મસ્ત થઇ જાય છે. તેવી જ રીતે ભગવાનની સમક્ષ ભક્તોનો વિશેષ પ્રસંગ આવે તો ભગવાન પણ તેમાં મસ્ત બની જાય છે. આવી મસ્તીમાં તરબોળ થઇને ભગવાન અર્જુનના કાંઇ પણ પૂછયા વિના જ સાતમાં અધ્યાયના વિષયનો પોતાના તરફથી પ્રારંભ કરી દે છે
मय्यासक्तमना: પ્રથમ ષટ્કમાં આત્મજ્ઞાન અને તેની પ્રાપ્તિનું સાધન એવો કર્મયોગ કહ્યો. હવે આ બીજા ષટ્કમાં ભગવાનની ઉપાસનારૂપ ભક્તિ અને તેના સાધનોનું નિરૂપણ કરે છે. તેમાં સાતમાં અધ્યાયમાં પરમાત્માના મહિમાનું જ્ઞાન કહેવામાં આવે છે.
મારામાં જ જેનું મન આસક્ત થયું છે. અર્થાત્અધિક આસક્તિને કારણે જેનું મન સ્વાભાવિકપણે મારામાં લાગી ગયું છે અને ચોટી રહ્યું છે, તેને મારી સ્મૃતિ કરવી નથી પડતી; પરંતુ સ્વાભાવિક મારી યાદી આવે છે અને વિસ્મૃતિ ક્યારેય થતી નથી. એવો તું મારામાં મનવાળો થા.
જેનું નાશવાન પદાર્થો અને શબ્દાદિક પંચ વિષયમાંથી આકર્ષણ દૂર થયું છે અને જેને આલોકના આરામ, આદરસત્કાર અને મોટાઇમાં તથા સ્વર્ગ વગેરે પરલોકના ભોગોમાં લેશમાત્ર ખેંચાણ, આસક્તિ કે પ્રીતિ નથી; પરંતુ કેવળ મારામાં જ ખેંચાણ છે એવા સાધકને અહીં मय्यासक्तमना: કહ્યો છે.
સાધકને मय्यासक्तमना: બનવા માટે મહારાજે વચ.ગ.પ્ર.૩૦, ગ.મ.૨૯ વગેરેમાં અનેક રીતે ઉપાયો બતાવ્યા છે. જેથી વળી બીજો રસ્તો એ પણ છે કે સાધક જ્યારે સાચી દાનતથી ભગવાનને માટે જ જ્યારે ધ્યાન કરવા બેસે છે, ત્યારે ભગવાન તેને પોતાનું ભજન માની લે છે. જેમ કોઇ ધનિક માણસ કોઇ નોકરને કહી દે કે તમો અહીં બેસો, કોઇ કામ હશે તો તમને બતાવી દઇશું. આખો દિવસ માલિકે તે નોકરને કોઇ કામ ન બતાવ્યું. તે નોકર આખો દિવસ ખાલી બેસી રહ્યો. સાંજે માલિકને કહે છે – શેઠ મને પૈસા આપો. માલિક કહે છે ‘તમે આખો દિવસ બેસી રહ્યા તો પૈસા કઇ વાતના’ તે નોકર કહે છે ‘શેઠજી, આખો દિવસ બેસી રહ્યો એ વાતના.’ અને શેઠે તેને વેતન આપ્યું. આ રીતે જ્યારે એક મનુષ્યને માટે બેસવાવાળાને પણ પૈસા મળે છે, તો જે કેવળ ભગવાનમાં મન લગાવવાને માટે પ્રયત્ન કરનારને અને સાચી લગનીથી પુરુષાર્થ કરનારને ભગવાન શું નિરર્થક માનશે? તાત્પર્ય એ થયું કે ભગવાનમાં મન લગાડવાને માટે ભગવાનનો આશ્રય લઇને આદર કરે છે, તે ભગવાનની કૃપાથી ભગવાનમાં મનવાળો થઇ જાય છે.
मदाश्रय: જેને કેવળ મારી જ આશા છે, મારો જ ભરોસો છે, મારો જ વિશ્વાસ છે, મારો જ સહારો છે અને જે સર્વથા મારો જ આશ્રિત થઇને રહે છે તે અહીં मदाश्रय: થી કહ્યો છે. જગતમાં એવું હોય છે કે મારા હોય છે તે મોટે ભાગે મહાન હોતા નથી ને મહાન હોય ત્યાં મારાપણું હોતું નથી. બંને વસ્તુ એક જ પાત્રમાં જોઈતી હોય તો ભગવાનમાં પણ મારાપણું કરવું ત્યાં બંને એકમાં મળી જાય છે. આશ્રયનું કારણ સામાની મોટાઈ છે, મહિમા છે. પ્રેમનું કારણ સામામાં મારાપણું છે. સામાની મોટાઈથી સાધકને તેને પામ્યાનું પૂર્ણ કામપણું મનાય છે, તેવું મહિમા રહિત હેતથી આવી શક્તું નથી. (પરમાત્મા કે સાચા સંતમાં) હેતથી શાંતિ ભલે થાય પણ પૂર્ણકામપણું તો મહિમા સિવાય ન જ થાય. ક્યારેક નબળી જગ્યાએ હેત હોય તો ઉપાધિરૂપ પણ બની રહે છે. હેત મારાપણા વિના થતું નથી.
કોઇ ને કોઇનો આશ્રય લેવો એવો આ જીવનો સ્વભાવ છે. પરમાત્માનો અંશ હોવાથી આ જીવ પોતાના અંશીને શોધે છે; પરંતુ જ્યાં સુધી તેના લક્ષ્યમાં, ઉદ્દેશ્યમાં પરમાત્મા નથી હોતા, ત્યાં સુધી તેને કોઇ પણનો આશ્રય લઇને તૃપ્તિ થતી નથી, તેની ઝંખના શાંત થતી નથી. તેને વારંવાર ખત્તા ખાવા પડે છે ને પસ્તાવું પડે છે. તે દેહભાવને પ્રધાન કરીને માબાપનો, પત્નીનો, પુત્રો, પૌત્રો ને પરિવાર, સમાજનો આશ્રય લઇને અનેક વાર હારીને પસ્તાય છે. આંમાંથી મને કશુંક મળી જશે, આમાંથી મને કશુંક મળી જશે તેમ અનેકવાર ભટકાય છે પણ પરમાત્મા તથા તેના સાચા સંત સિવાય તેનો આશ્રય કરવાથી પરિણામમાં જોડા સિવાય કાંઇ મળતુ નથી. તે ઘણી વખત ધન, સંપત્તિ, વિદ્યા, બુદ્ધિ, સદ્ગુણ વગેરેનો પણ આશ્રય લે છે પણ તમામ એક સમયે ટૂંકા પડે છે તેથી એકને છોડીને બીજાનો અને બીજાને છોડીને ત્રીજાનો આશ્રય લીધા જ કરે છે પણ આજ દિવસ સુધી ક્યાંય ઠર્યા નથી. જ્યારે એ પરમાત્માને આશ્રયનું કેન્દ્ર બનાવશે ત્યારે ઠરીને ઠેકાણે આવી શકશે. ત્યારે તે તૃપ્ત અને પૂર્ણ બની જાય છે.
ભગવાન કહે છે કે, મન પણ મારામાં આસક્ત થાય અને આશ્રય પણ મારો થાય. મન આસક્ત થાય છે પ્રેમ થવાથી અને પ્રેમ થાય છે પોતાપણાથી. પરમાત્માને પોતાના અંગત માને અને આશ્રય લેવામાં આવે છે મોટાનો-કે સર્વસમર્થનો. સર્વસમર્થ તો એક પરમાત્માજ છે, મહારાજ જ છે. એટલા માટે એમનો જ આશ્રય લેવો યોગ્ય છે. એમના પ્રત્યેક વિધાનમાં પ્રસન્ન થવાનું છે, તેને मदाश्रय: કહ્યો છે.
योगं युञ्जन्- યોગનું તાત્પર્ય-ભગવાનની સાથે જે સ્વતઃસિદ્ધ નિત્ય સંબંધ છે તે છે. તે પરમાત્માના મહિમાના જ્ઞાનથી સિદ્ધ અને સ્થિર થાય છે. તે વિના થતો નથી. એટલે યોગ શબ્દથી ભજનીય પરમાત્મા તત્ત્વનું મહિમા જ્ઞાન છે પણ અનુષ્ઠાન નહીં. તેથી તે જ્ઞાનમાં પ્રવૃત થયેલો મને પૂર્ણપણે જે રીતથી મને જાણી લેશે તેને માટે તત્પર થયેલો એવો એટલે કે તે મહામહિમ એવા પરમાત્મા તેમાં સ્થિર સંબંધ સ્થાપિત કરવા ઉદ્યત થયેલો એવો જે સાર્થક તે योगं युञ्जन् શબ્દથી વર્ણવાયો છે.
असंशयं समग्रं माम्- – જેનું મન ભગવાનમાં અતિ આસક્ત થયું છે અને જે સર્વથા ભગવાનનો આશ્રિત થઇ રહ્યો છે અને જેણે પરમાત્માનો નિત્ય આત્મીય સંબંધ સ્વીકારી લીધો છે. અર્થાત્સ્વીકારવા પૂર્ણ તત્પર થઇ ગયો છે, એવો સાધક ભગવાનને સમગ્રપણે કઇ રીતે જાણી લેશે ! અર્થાત્ ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, નિર્ગુણતા, સગુણતા, અવતાર બધાને યથાર્થપણે જેમ જાણવાનો છે. તે વાત હું તને કહું છું તે તું સાંભળ. આમ કહેેવા પાછળ ભગવાનનું તાત્પર્ય શ્રોતાને સાવધાન કરવાનું છે કે તું સાવધાન થઇને સાંભળ. આ જ્ઞાન તારા તમામ સંશય નિવૃત્તિ કરનારું છે. આપાત્જ્ઞાનથી એટલે કે સામાન્ય જ્ઞાનથી જિજ્ઞાસા જાગૃત થાય છે અને વિશેષ જ્ઞાનથી (તેના અનંત મહિમા જ્ઞાનથી)સંશય નિવૃત્તિ થાય છે. માટે ભગવાન કહે છે કે, એ વિજ્ઞાન સહિત જ્ઞાન તને હું કહેવાનો છું. વિજ્ઞાન એટલે જ મહિમા. એ મહિમાએ સહિત જ્ઞાન તનેે હું કહેવાનો છું જેનાથી તારા સમગ્ર સંશયો દૂર થશે. નિરાકરણ થઈ જશે.
ભગવાન પોતાની વાત કહેતાં કહેતાં ધરાતા નથી અને કહે છે કે જ્ઞાન માર્ગે ચાલવાવાળો તો મને જાણી શકે છે અને પ્રાપ્ત કરી શકે છે; પરંતુ ભક્તિ વડે તો મારો ભક્ત સમગ્રરૂપને જાણી શકે છે અને ઇષ્ટનું અર્થાત્જે ઇષ્ટદેવરૂપે મારી ઉપાસના કરે છે, તે રૂપનું દર્શન પણ કરી શકે છે.
यथा ज्ञास्यसि तत् श्रृणु-તું જે પ્રકારે જાણી શકીશ તે કહીશ. અર્થાત્કાર્યસ્વરૂપ છે તે કહીશ અને तत् પદથી જે કારણ રૂપે પરમાત્મા રહ્યા છે તે પણ કહીશ. આ શ્લોકમાં એક જ જગ્યાએ समग्रं શબ્દ ભગવાનના વિશેષણ તરીકે આવ્યો છે. ભગવાનની બાબતમાં સમગ્રતા કહેવી એ ઘણું સાહસ કે અતિરેક કહેવાય પણ ભક્તિની વાત આવી છે, માટે ભગવાન તેનો પ્રયોગ કરી રહ્યા છે.
આ શ્લોકમાં ‘આસક્તિ કેવળ મારામાં જ હોય અને આશ્રય પણ કેવળ મારો જ હોય પછી યોગનો (નિષ્કામ કર્મયોગ, કે નિષ્કામ સેવાયોગનો) અભ્યાસ કરવામાં આવે તો મારા સમગ્રરૂપને જાણી લેશે’ એવું ભગવાન બતાવે છે. એમ કહેવામાં તાત્પર્ય એ છે કે જો મનુષ્યની આસક્તિ ભોગોમાં હોય અને આશ્રય, રૂપિયા પૈસા કુટુંબ વગેરેનો હોય તો કોઇપણ જાતના યોગનો અભ્યાસ કરતો હોય તો પણ મને નથી જાણી શકતો. મને સમગ્રપણે જાણવા માટે તો મારામાં જ પ્રેમ હોય અને મારો જ આશ્રય હોય, મારા દ્વારા કોઇ પણ કાર્ય પૂર્તિની ઇચ્છા ન હોય – આમ થવું જોઇએ અને આમ ન થવું જોઇએ-એ બધી કામનાને છોડીને ભગવાન જે કરે છે તે જ થવું જોઇએ અને ભગવાન જે નથી કરવા ઇચ્છતા તે નહિ જ થવું જોઇએ-એવા ભાવથી કેવળ મારો આશ્રય લે છે તે મારા સમગ્ર રૂપને જાણી લે છે. બીજા તેવું જાણી શકતો નથી.
વળી પરમાત્મા સાથે વાસ્તવિક સંબંધનું નામ યોગ છે અને તે નિષ્કામ સેવાયોગ દ્વારા જેટલો સહેલાઈથી કેળવી શકાય છે, તેવો બીજા માધ્યમથી જલ્દી નથી કેળવી શકાતો. નિષ્કામ સેવાયોગથી પરમાત્મામાં જલદી અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિ થઇ જાય છે. જે અન્ય સાધનોની જેમ પીડા પામ્યા વિના સહજપણે થાય છે અને પરમાત્મા સાથે તાદાત્મ્ય સંબંધ (વચ.ગ.મ.૧૪) અનુભવ થાય છે. તેને માટે સંસારની જે આસક્તિ અને આશ્રય રહે છે, તે છોડવાની જરૂર રહે છે. તાત્પર્ય એ થાય છે કે, જેનું સંસારની તરફ ખેંચાણ છે અને જેના અંતઃકરણમાં ઉત્પત્તિ વિનાશશીલ વસ્તુઓનું મહત્ત્વ કોતરાઈ ગયું છે માટે તે પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને નથી જાણી શકતો. કારણકે તેની આસક્તિ, કામના અને મહત્તા સંસારમાં છે. જેથી સંસારમાં પરમાત્મા પરિપૂર્ણ રહેલા હોવા છતાં પણ તેનું લક્ષ્ય નાશવંત પદાર્થો, ભોગો અને વ્યક્તિઓ તરફ હોવાથી પરમાત્મા તેને લક્ષિત થતા નથી.
મનુષ્યને જ્યારે સમાજની કોઇ પણ મોટી વ્યક્તિની સાથે પોતાપણું થઇ જાય છે કે આત્મીયપણું થઇ જાય છે ત્યારે અતિ પ્રસન્નતા થાય છે. એવી રીતે અતિ મહત્ત્વ ધરાવતા પરમાત્મા સાથે નિષ્કામ સેવાયોગથી આત્મીયતા જાગ્રત થઇ જાય છે ત્યારે હરદમ પ્રસન્નતા રહેવા લાગે છે અને તેના અંતરમાં અલૌકિક અને વિલક્ષણ પ્રેમ પ્રગટ થઇ જાય છે. પછી સાધકને સ્વાભાવિક જ ભગવાનમાં મન રહેવા લાગે છે અને ભગવાનનો અખંડ આશ્રય રહે છે.
ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषत:।
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते।।२।।
અર્થ : હું તને વિજ્ઞાને સહિત આ જ્ઞાન બાકી ન રહે એમ સંપૂર્ણ ખૂલાસાવાર કહેવાનો છું કે જે જાણ્યા-સમજ્યા પછી ફરીથી આ લોકમાં બીજું કાંઈ જાણવા જેવું બાકી રહેતું જ નથી. ।।૨।।
ज्ञानं तेऽहं सविज्ञानमिदं ભગવાન કહે છે કે, ભાઇ અર્જુન ! હવે હું તને વિજ્ઞાનસહિત જ્ઞાન કહીશ. ‘વિજ્ઞાન સહિત જ્ઞાન’ એમાં વિજ્ઞાન એ જ્ઞાનનું વિશેષણ છે. વિશેષણ વિશેષ્યની વિશેષતા બતાવવા માટે હોય છે. એ દૃષ્ટિએ વિશેષ્ય વ્યાપક (મોટું) થયું અને વિશેષણ વ્યાપ્ય (નાનું)થયું. અર્થાત્જ્ઞાન મોટું થયું અને વિજ્ઞાન નાનું થયું. છતાં પણ વિજ્ઞાને જ્ઞાનની વિશેષતા બતાવી દીધી – વિશેષતા વધારી દીધી. એ દૃષ્ટિએ વિજ્ઞાન જ મોટું અર્થાત્શ્રેષ્ઠ થયું. જ્ઞાનથી મુક્તિ થાય છે. એટલે કે જ્ઞાનનું ફળ મુક્તિ છે. જ્યારે વિજ્ઞાનનું ફળ ભક્તિ છે. પ્રેમરસનો અનંત આનંદ ત્યારે જ મળે જ્યારે જ્ઞાનની સાથે વિજ્ઞાન ભળે. ‘જ્ઞાન’ ધનને સ્થાને છે અને ‘વિજ્ઞાન’ તેના આકર્ષણને સ્થાને છે. જેમ કે ધનના આકર્ષણમાં જે સુખ છે, તે ધનમાં નથી. તેવી જ રીતે ‘વિજ્ઞાન’માં (ભક્તિમાં, પરમાત્મ પ્રેમમાં) જે આનંદ છે તે ‘જ્ઞાન’માં (મુક્તિમાં) નથી. જ્ઞાનમાં તો અખંડ રસ છે પણ વિજ્ઞાનમાં તો પ્રતિક્ષણ અનંત રસ છે. તેથી ‘વિજ્ઞાન’ સહિત ‘જ્ઞાન’ કહેવામાં ભગવાનનું લક્ષ્ય મુખ્ય રૂપે ‘વિજ્ઞાન’ (મહિમા) તરફ જ છે ને તેને ભગવાન શ્રેષ્ઠ બતાવવા માગે છે. કારણ કે ‘વિજ્ઞાન’ સમગ્રતાનું વાચક છે. અર્થાત્વિજ્ઞાનમાં જ્ઞાનનો અંતર ભાવ થઈ જાય છે. કારણ કે જ્ઞાન વિના વિજ્ઞાન સંભવ નથી. તેથી વિજ્ઞાનનું મહત્ત્વ વધી જાય છે તો પણ પરમાત્માનો અનંત રસ લેવા માટે બન્નેની હાજરી જરૂરી છે. ભગવાનને જાણવામાં ‘ભગવાનનું જ્ઞાન’, વિજ્ઞાને સહિત જ્ઞાન અને તત્ત્વતઃ અર્થાત્તત્ત્વે કરીને ભગવાનને જાણવા. અર્થાત્‘તત્ત્વે કરીને જ્ઞાન’ એવા ત્રણ પ્રકારના વાક્ય પ્રયોગ શાસ્ત્રોથી સંભળાય છે. શ્રીજી મહારાજે વચ.ગ.પ્ર.પ્ર.૬૩માં તત્ત્વે કરીને ભગવાનને જાણવા થકી ભગવાનનો અડગ નિશ્ચય થાય છે અને તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા પછી ભગવાનને વિશે કાંઇ જાણવાનું બાકી રહેતું નથી. એમ કહીને મહારાજે તત્ત્વે કરીને ભગવાનને કેમ જાણવા તેની વિસ્તારથી વાત કરી છે. જ્યારે અહીં ભગવાન એવું બતાવે છે કે વિજ્ઞાને સહિત એવું જ્ઞાન હું તને કહીશ જેણે કરીને ‘असंशयं समग्रं माम्’ નિઃસંશય થઇને મને સમગ્રપણે જાણી લઇશ. પછી તારે જાણવાનું કાંઇ બાકી રહેશે નહિ અને પછી ભગવાન સાતમાં અધ્યાયને વિસ્તારે કરીને કહે છે. આવો જ પ્રસંગ છાંદોગ્ય ઉપનિષદમાં છઠ્ઠા અધ્યાયમાં આવે છે. શ્વેતકેતુને તેના પિતા પૂછે છે કે તું એ વસ્તુને જાણે છે કે येन विज्ञातं सर्व विज्ञातं भवति। અને પછી તે જ્ઞાનને વિસ્તારીને કહે છે. જે ઉપનિષદમાં કહેલું. મહારાજે વચ.ગ.પ્ર.૬૩ અને વચ.ગ.પ્ર.પ્ર.૨૭માં કહેલું અને ભગવાને અહીં સાતમાં અધ્યાયમાં કહેલો વિસ્તાર સરખાવવા જેવો છે. તેમાં ભગવાનનું તત્ત્વ પડ્યું છે. તેનું સંકલન કરવાથી સંશયોની નિવૃત્તિ થાય છે ને ભગવાનનો અડગ નિશ્ચય થાય છે. ભગવાન સર્વ પ્રકારે હૃદયમાં નિવાસ કરીને રહે છે, સર્વત્ર વાસુદેવનાં દર્શન થાય છે – એવું આ જ્ઞાનનું પરિણામ કહ્યું છે. મહિમા કહ્યો છે.
તાત્પર્ય ચંદ્રિકાની ભાષામાં-આ બધા પ્રકરણોમાં સ્વરૂપ નિરુપક ધર્મોથી કારણ તત્ત્વ નિર્દેશ કર્યો છે. અર્થાત્જેને તત્ત્વે કરીને મહારાજે વચ.ગ.પ્ર.૬૩ કહ્યું છે. ગીતામાં તેને ‘જ્ઞાન’ બતાવ્યુ છે અને બીજું પરમાત્મનું જ્ઞાન છે તે નિરુપિત સ્વરૂપ ‘ધર્મક’ વિષયવાળું છે. જેને મહારાજે-વચ.ગ.પ્ર.વ.૨૭માં તથા વચ.ગ.અં.પ્ર.૩૯માં મહિમા જ્ઞાનથી બતાવ્યું છે. જ્યારે અહીં તેને ‘વિજ્ઞાન’ શબ્દથી બતાવ્યું છે અથવા ‘વિભૂતિ’ શબ્દથી બતાવ્યું છે. ‘વિજ્ઞાન’ શબ્દથી નિદિધ્યાસન વિષય લક્ષિત કરવાનું તાત્પર્ય નથી પણ વસ્તુ સ્થિતિ લક્ષિત કરવા માટે છે. તેથી પરમાત્માના કારણ વિષયનું જ્ઞાન છે તેને ‘જ્ઞાન’ શબ્દથી અને મહિમા વિષયક જ્ઞાનને ‘વિજ્ઞાન’ શબ્દથી કહ્યું છે. સ્વરૂપ નિરૂપક જ્ઞાન તે ‘જ્ઞાન’ છે અને નિરૂપિત સ્વરૂપ ધર્મ વિષયક જ્ઞાન તે ‘વિજ્ઞાન’ છે. પરા અને અપરા પ્રકૃતિના કારણ રૂપે પરમાત્માને જોવા તે ‘જ્ઞાન’ છે અને સ્થાવર જંગમ સર્વમાં ઇષ્ટદેવ મહારાજને જોવા કે દર્શન કરવા તે ‘વિજ્ઞાન’ છે.
શ્લોકમાં કહે છે કે જે મને અજ અને અનાદિ જાણે છે, તે મનુષ્યોમાં અસંમૂઢ (અતિ તીવ્રબુદ્ધિશાળી) છે. અને તે સઘળાં પાપોથી મુક્ત થઇ જાય છે. તો જેને દેવતા ને મહર્ષિ નથી જાણતા તેને મનુષ્ય જાણી લે છે-એ કેવી રીતે શક્ય બને? તેનું સમાધાન એ છે કે ભગવાન અજ અને અનાદિ છે-એવું અતિદૃઢપણે માનવું એ જ જાણવું છે. મનુષ્ય ભગવાનને અજ અને અનાદિ અથવા ભગવાનનો અનંત મહિમા તેને માની જ શકે છે, તે પરિદર્શન કરી શકતો નથી. જેમ બાળક પોતાના માતા-પિતાની જાનના દર્શન કરી શકતો નથી પણ ઠોસ પ્રકારથી માની જરૂર શકે છે અને એ પણ વાસ્તવિકતાને માનવાની છે. જૂઠી પરિકલ્પના નથી. તેમ પરમાત્મામાં મનુષ્ય આ બધું દૃઢતાથી ‘આ આંબો તે આંબો જ છે કે લીમડો તે લીમડો જ છે’. તેમ પરમાત્માને માની લે છે. ત્યારે તેને જાણી લીધા કહેવાય છે. અન્યથા ભગવાનને દેવતા, ઋષિ, મહર્ષિ, તત્ત્વજ્ઞ કે જીવનમુક્તો વગેરે યથાર્થ જાણી શકતા નથી તેમજ માપી શકતા નથી પણ એવું બધા દૃઢતાથી ભગવાનને માની લે છે, સ્વીકારી લે છે. પરમાત્મતત્ત્વને જાણવા માંટે જ્ઞાનયોગમાં જાણકારીનું પ્રાધાન્ય રહે છે અને ભક્તિયોગમાં માન્યતાનું પ્રાધાન્ય રહે છે. જે વાસ્તવિક માન્યતા હોય છે તે ઘણી નક્કર અને તદુુંરસ્ત હોય છે. તેનો પ્રભાવ પણ ઘણો જ અલૌકિક હોય છે. તેની દૃઢતાને કોઇ અસ્તવ્યસ્ત નથી કરી શકતું. અર્થાત્માનવાવાળો જ્યાં સુધી માન્યતાને ન છોડે ત્યાં સુધી તેની માન્યતાને કોઇ છોડાવી નથી શકતું. આ સંસારના પાણા પકડાવ્યા જેવી આ સત્ય માન્યતા ને પણ પોતે જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી બીજા કોઇ છોડાવી શક્તું નથી તો સાચી માન્યતા કોનાથી છોડાવી શકાય? માટે યથાર્થ માન્યતા સાક્ષાત્જ્ઞાનથી જરાય ઓછી નથી હોતી. તે જ્ઞાન જેવી જ દૃઢ હોય છે. તેથી જ ભકિતમાર્ગમાં માનવું જ મુખ્ય હોય છે. ભકત પ્રથમ માની લે છે. ભગવાન તેને પછી તેનું સાક્ષાત્જ્ઞાન કરાવી આપે છે. જયારે જ્ઞાનીઓ પ્રથમ જાણે છે ને પછી માને છે.
ભગવાન-શ્રીજી મહારાજ-આ જગતનું કારણ છે. એવું જાણવું તેને તત્ત્વે કરીને જાણ્યું (વચ.ગ.પ્ર.૬૩) ગણાય અને સ્થાવરજંગમ સર્વ સૃષ્ટિમાં મહારાજની છબી દેખાવી તે વિજ્ઞાન કહેવાય છે. (વાસુદેવસર્વમિતિ…૭/૧૯) મહારાજે વચ.ગ.પ્ર.૬૩ માં જ્ઞાન બતાવ્યું છે ને વચ. ગ.પ્ર.પ્ર.ર૯ અને વચ.ગ.અં.૩૯માં તથા તેનાં જેવાં બીજા વચનામૃતોમાં વિજ્ઞાન બતાવ્યું છે.
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत:।।३।।
અર્થ : હજારો-હજાર મનુષ્યોમાં સિદ્ધિને માટે કોઈકજ પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનારા સિદ્ધોમાંથી પણ મને ખરી રીતે તો કોઈક જ જાણે છે. ।।૩।।
मनुष्याणां सहस्रेषु कश्चित् यतति सिद्धये। હજારો મનુષ્યોમાં કોઇ એક જ મારી પ્રાપ્તિને માટે પ્રયત્ન કરે છે. અહીં વાકયનો સરળ અર્થ આવો થશે જે मनुष्याणां सहस्राणि भगवति रुचिं कुर्वन्ति। सहस्रेषु कश्वित् सिद्धये यतति च। यतताम् अपि (सहस्रेषु) कश्वित् मां तत्त्वत: वेत्ति अर्थात् प्राप्यस्य एव प्रापकत्वादिकम् इह तत्त्वम्। तत्त्वतो इति विशिष्टं वेदनं सामान्यत: अपि वेदनमात्रे सति एव हि भवति अत: मद्वेदिषु कश्चित् मां तत्त्वतो वेत्ति इति वाक्यद्वयं विवक्षति।
હજારો મનુષ્યો ભગવાનમાં રુચિ રાખે છે; પરંતુ એવા રુચિવાળા હજારોમાંથી કોઇ એકાદ સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે અને એવા હજારોમાંથી કોઇ એક મને તત્ત્વવિત્જાણે છે અર્થાત્ प्राप्यो नारायण: प्रापको अपि नारायण: एव-પ્રાપ્ય પરમાત્મા છે અને પ્રાપક પણ પરમાત્મા છે અથવા સર્વ સૃષ્ટિનું કારણ પરમાત્મા છે અને દરેક પરમાણુમાં તેને પરમાત્માની મૂર્તિનું દર્શન થાય, એ તત્ત્વથી જાણ્યા ગણાય. મનુષ્યો તો હજારો છે પણ બધામાં મનુષ્યપણું હોતું નથી. અર્થાત્ખાલી મનુષ્ય શરીર-આકૃતિ મળી જવાથી મનુષ્યતા આવી જતી નથી. જેઓમાં પશુઓની જેમ ખાવુંપીવું, એશઆરામ માત્ર નથી. તેઓ જ વાસ્તવમાં મનુષ્ય છે. તે મનુષ્યોમાં પણ જે નીતિ અને ધર્મ ઉપર ચાલવાવાળા છે, એવા મનુષ્યો હજારો છે. એ હજારો મનુષ્યોમાં પણ કોઇ એક જ સિદ્ધિને અર્થે પ્રયત્ન કરે છે. અર્થાત્પરમાત્મતત્ત્વની પ્રાપ્તિને માટે યત્ન કરે છે. સ્વર્ગ વગેરે લોકની અને અણિમા આદિ સિદ્ધિઓની પ્રાપ્તિ વાસ્તવમાં સિદ્ધિ છે જ નહિ, તે તો કેવળ અસિદ્ધિ જ છે. કારણ કે તે પતન કરવાવાળી અને વારંવાર જન્મ-મરણ આપવાવાળી છે. એટલા માટે અહીં પરમાત્મપ્રાપ્તિ ને જ સાચા અર્થમાં સિદ્ધિ કહેવામાં આવી છે.
જે પરલોકમાં સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ નથી ઇચ્છતો અને આ લોકમાં ધન, માન, ભોગ, બડાઇ, કીર્તિ વગેરે નથી ઇચ્છતો અર્થાત્નાશવંત પદાર્થોમાં નથી અટકતો અને ભોગવેલા ભોગો, માન-બડાઇ, આદર સત્કાર વગેરેના સંસ્કારો રહેવાથી તે વિષયોનો સંગ થતાં, તે વિષયોમાં રુચિ થતી હોવા છતાં પણ જે પોતાનો ઉદ્દેશ્ય, પવિત્ર વિચારો અને સિદ્ધાંત વગેરેથી વિચલિત નથી થતો એવો કોઇક પુરુષ સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે એમ ગણાશે. આનાથી સિદ્ધ થાય છે કે પરમાત્મા પ્રાપ્તિની સિદ્ધિને માટે યત્ન કરવાવાળા અર્થાત્દૃઢતાથી એ તરફ લાગી રહેવાવાળા બહુ જ થોડા મનુષ્યો હોય છે.
પરમાત્મા પ્રાપ્તિમાં લાગવાની તો ઘણાને રુચિ થાય છે; છતાં પણ તેમાં ન લાગી શકવામાં કારણ છે-ભોગમાં રુચિ હોવી તથા ગમતા ભોગોના ઉપકરણોના સંગ્રહમાં રુચિ હોવી. સાંસારિક ભોગોમાં કેવળ આરંભમાં જ સુખ દેખાય છે અને મનુષ્યો બહુધા આરંભનો જ વિચાર કરતા હોય છે. અંતના પરિણામોનો વિચાર કરનારા ઘણા જ ઓછા હોય છે. જો ભોગ અને સંગ્રહના પરિણામનો વિચાર કરવા લાગી જાય તો તેનાં પરિણામ જોઇને જરૂર પાછો વળી જાય અને તે પરમાત્મામાં લાગી જાય છે. ઇતિહાસમાં પણ જોઇએ છીએ તો સકામ ભાવે તપસ્યા વગેરે સાધના કરવાવાળાનો પાર નથી. તેનાં જ ચરિત્રો વિશેષ આવે છે. કલ્યાણને માટે તત્પરતાથી લાગી જવાવાળાનાં ચરિત્રો બહુ જ ઓછા આવે છે.
વાસ્તવમાં પરમાત્માની પ્રાપ્તિ કઠિન કે દુર્લભ નથી; પરંતુ તે માર્ગે સાચી લગનથી તત્પરતા પૂર્વક લાગવાવાળા બહુ જ ઓછા હોય છે.
यततामपि सिद्धानाम्-આ શબ્દોથી અહીં સાધકને જ સિદ્ધ કહેવામાં આવ્યા છે. અહીં ‘શાટી-સૂત્ર ન્યાય’થી સાધકને સિદ્ધ કહેવામાં આવ્યા છે. જે સૂતરમાંથી સાડી બનવાની હોય તેને શાટી-સૂત્ર અર્થાત્સાડીનું સૂતર કહે છે. વળી ઘઉંને જમીનમાં વાવ્યા હોય ત્યારથી તે ‘ઘઉં’ જ કહેવાય; પરંતુ તેની રોટલી ત્યારે શક્ય નથી. તેમ જે સાધક સિદ્ધ બનવાનો છે તેને અહીં સિદ્ધ કહ્યા છે. જેઓનું અંતઃકરણ શુદ્ધ થઇ ગયું છે અને જેઓ કેવળ એક ભગવાનમાં જ લાગી ગયા છે એમને ગીતામાં ‘મહાત્મા’ કહેવામાં આવ્યા છે. જો કે સર્વત્ર પરમાત્મદર્શન કરવાવાળા તત્ત્વજ્ઞ પુરુષને પણ (૭/૧૯) મહાત્મા કહેવામાં આવેલા છે. તો પણ અહીં તો તે જ મહાત્મા સાધકો લેવા જોઇએ. જેઓ આસુરી સંપત્તિથી રહિત થઇને કેવળ દૈવી સંપત્તિનો આશ્રય લઇને અનન્યભાવે ભગવાનનું ભજન કરે છે. (૯/૧૩) એનું કારણ એ છે કે તેઓ યત્ન કરે છે.-यतताम् એટલા માટે અહીં ગી.અ.૭/૧૯માં વર્ણવેલા તત્ત્વજ્ઞ સિદ્ધ મહાત્માને નહિ લેવા જોઈએ.
અહીં यतताम् પદનું તાત્પર્ય કેવળ બાહ્ય ચેષ્ટાઓ માત્ર સાથે નથી. એનું તાત્પર્ય છે-અંતરથી કેવળ પરમાત્મા પ્રાપ્તિની ઉત્કટ ઈચ્છા જાગવી, સ્વાભાવિક જ લગની લાગવી અને સ્વાભાવિક જ આદરપૂર્વક પરમાત્માનું ચિંતન કરવું.
कश्चिन्मां वेत्ति तत्त्वत:। એવા યત્ન કરવાવાળાઓમાં કોઈ જ મને તત્ત્વથી જાણે છે. આ શ્લોકમાં कश्चित् શબ્દ કહીને ભગવાનને તત્ત્વથી જાણવાનું ઘણું કઠિન છે. એવું બતાવવાનું તાત્પર્ય નથી પણ ભગવાનને તત્ત્વથી જાણવા માટેની ઉત્કટ ઈચ્છા ખૂબ જ ઓછાને જાગે છે. તેની દુર્લભતા કહેવાનું તાત્પર્ય છે. કારણ કે પરમાત્માની પ્રાપ્તિ કઠિન નથી; પરંતુ તત્ત્વ પ્રાપ્તિની ઉત્કટ અભિલાષા ઊઠવી દુર્લભ છે અને અભિલાષાની પૂર્તિ માટે તત્ત્વજ્ઞ મહાપુરુષોનું મળવું દુર્લભ છે. પરમાત્માને જાણવાવાળા પણ મળી રહે છે. તેમાં પણ તત્ત્વથી વિવેચન કરી સમજાવવાવાળા મળવા કઠિન છે. એવું કહેવાનું તાત્પર્ય છે. જાણવાવાળા પોતે તો જાણે છે પણ તેનું વિવેચન કરવા કે બીજાને સમજાવવા સમર્થ નથી હોતા માટે એવા મહાપુરુષનું મળવું કઠિન છે એવું જરૂર લઈ શકાય છે. જો કે ઉત્કટ અભિલાષા જાગવી જ વસ્તુતાએ દુર્લભ છે. જો ખરેખર તેવી અભિલાષા ઊભી થાય તો તેને પૂરી કરવાની જવાબદારી ભગવાન ઉપર આવી જાય છે.
तत्त्वत: કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્માની સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર વગેરે તમામ બાબતોમાં કિચિંત્માત્ર સંદેહ ન રહેવો તે તત્ત્વથી જાણવા ગણાશે.
भूमिरापोऽनलो वायु: खं मनो बुद्धिरेव च।
अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टघा।।४।।
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्।।५।।
અર્થ : ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, એમ આઠ પ્રકારે વહેંચાયેલી આ મારી પ્રકૃતિ-માયા છે.
भूमिरापोऽनलो वायु: પરમાત્મા બધાનું કારણ છે. ભગવાનનો મહિમા પણ બે દૃષ્ટિથી છે. એક કારણ દૃષ્ટિથી છે. બીજું ભગવાનના કાર્યની અલૌકિકતા કે અદ્ભુતતાથી છે. તેમાં પ્રથમ ભગવાન આ અધ્યાયમાં કારણ દૃષ્ટિ બતાવે છે. પછી ‘रसोऽहं अप्सु कौन्तेय’ થી પોતાના અદ્ભુત કાર્યની દૃષ્ટિથી મહિમા બતાવી રહ્યા છે. કાર્ય અને કારણ બન્ને મળીને આ જગતની રચના થઈ છે. કાર્ય ને કારણમાં પરમાત્મા ઓતપ્રોત રહ્યા છે. માટે જગતમાં પણ પરમાત્મા ઓતપ્રોત રહ્યા છે. માટે સર્વત્ર પરમાત્માનું દર્શન થવું અથવા કરવું એ ભગવાનનો સિદ્ધાંત છે.અથવા વાસ્તવિકતા છે. ગીતામાં કોઈ પક્ષાપક્ષીનો સિદ્ધાંત નથી નિરૂપાયો, અદ્વૈત, દ્વૈત વગેરે તો આચાર્યોની દૃષ્ટિ છે. સિદ્ધાંત છે કે ભગવાનને સમજવાનો દૃષ્ટિકોણ છે; પરંતુ સર્વત્ર પરમાત્માનું દર્શન થવું એ ભગવાનનો સિદ્ધાંત છે, વાસ્તવિકતા અને મહિમાનું સાચું દર્શન છે. માટે એ માર્ગે લઈ જવા ભગવાન પ્રથમ કારણ દૃષ્ટિથી વર્ણન કરી રહ્યા છે. આ દૃશ્યમાન જગતનું સૌથી મોટું કારણ પરમાત્મા છે અને આ દૃશ્યમાન જગતમાં સૌથી વિલક્ષણતા જ્યાં જ્યાં દેખાય છે
यद् यद् विभूतिमत् सत्त्वं श्रीमद् उर्जितमेव वा।
तद् तद् एव अवगच्छ त्वं मम तेजोंऽशसम्भवम्।। (૧૦/૪૧)
તે તે વિલક્ષણતા પરમાત્મા સિવાય કોઈની હોઈ શકતી નથી. (વચ. ગ.પ્ર. ૨૭)
પરમાત્મા પરિદૃશ્યમાન સમગ્ર જગતનું કારણ છે. તેઓ પ્રકૃતિને લઈને સૃષ્ટિનું સજર્ન કરે છે. કયાંક તો પ્રકૃતિને લઈને ભગવાન રચના કરે છે (ગીતા ૯/૮) અને કયાંકતો ભગવાનની અધ્યક્ષતામાં પ્રકૃતિ પોતે જગત રચના કરે છે. (ગીતા ૯/૧૦) બન્ને રીતિઓથી સંસાર રચનાનું વર્ણન આવે છે. જે પ્રકૃતિને લઈને (भूमिरापो) રચના કરે છે તેનું નામ ‘અપરા પ્રકૃતિ’ છે અને પોતાનો અંશ જે જીવ છે તેને ‘પરા પ્રકૃતિ’ કહેવામાં આવે છે. અપરા પ્રકૃતિ-નિકૃષ્ટ, જડ અને પરિવર્તનશીલ છે. જ્યારે પરા પ્રકૃતિ-ચેતન, શ્રેષ્ઠ અને અપરિવર્તનશીલ છે.
પ્રત્યેક મનુષ્યની ભિન્ન ભિન્ન પ્રકૃતિ, સ્વભાવ હોય છે. જેવી રીતે તે પ્રકૃતિને મનુષ્યથી અલગ સિદ્ધ નથી કરી શકાતી. તેવી જ રીતે પરમાત્માને તેની આ બન્ને પ્રકૃતિથી અલગ પણ સિદ્ધ નથી કરી શકાતા. આ પ્રકૃતિ પરમાત્માનો એક ભાગ છે. પરમાત્માનું શરીર છે. એવી જ રીતે જીવ પણ પરમાત્માનો અંશ હોવાથી તદ્દન સ્વતંત્રપણે સિદ્ધ નથી. પરમાત્માના જાણપણા સિવાય જીવનું જાણવાનું (ચેતના) શકય નથી રહી શકતું. માટે જીવ પણ ભગવાનથી અલગ નથી પણ ભગવાનની ‘પરા’ પ્રકૃતિ છે. ભગવાનનું શરીર છે. ચૈતન્ય એવો જીવ તે ભગવાનને બાજુએ મૂકીને સ્વતંત્રપણે પ્રકૃતિ સાથે સંબંધ માની લેવાથી તેને બંધન ઊભું થાય છે.
અહીં અપરા પ્રકતિમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ આઠ મળીને કહી છે. ખરેખર તો આ આઠેય તત્ત્વો પ્રકૃતિનું કાર્ય છે અને પ્રકૃતિ તેનાથી અલગ છે ને તે આઠેયની જન્મદાત્રી છે; પરંતુ ભગવાનની દૃષ્ટિ અહીં જગત્રૂપી કાર્યમાં ચેતન અને જડ વિભાગનો જ નિર્દેશ કરવાનો હેતુ જણાય છે. પ્રકૃતિ અને તેનું કાર્ય શું છે? એ બતાવવાનો ઉદ્દેશ નથી જણાતો અને વિશેષે કરીનેચૈતન્ય જીવને જે બંધન ઊભું થાય છે, તે આ કાર્યરૂપ પ્રકૃતિથી ઊભું થાય છે પણ મૂળ કારણરૂપ પ્રકૃતિથી થતું નથી. કારણ પ્રકૃતિ તો નિત્ય છે અને મુક્ત દશામાં પણ તેનું અસ્તિત્વ નાશ થઈ જતું નથી; પરંતુ કાર્ય પ્રકૃતિથી અલગ થવું તેમાં જ જીવનું મુક્તપણું સમાયેલું છે. એટલું તો જરૂર કે કારણ પ્રકૃતિ અને પરમાત્માનો ભેદ સમજ્યા વિના તે શક્ય બનતું નથી.
અહીં એટલું જાણવું જરૂરી છે કે, પ્રકૃતિના કાર્યરૂપ આઠ તત્ત્વોમાં છેલ્લું તત્ત્વ અહંકાર છે તે જડ તત્ત્વ છે પૃથ્વી આદિની અપેક્ષાએ સર્વથી વધારે સૂક્ષ્મ તત્ત્વ છે પણ આખરે તે ચેતનાહીન પ્રકૃતિનો એક ભાગ છે. જ્યારે બીજી બાજુ ચૈતન્ય જીવ તેની ચેતના अहम् अस्मि, अहम् अस्मि.. એવા સ્પંદનરૂપે સ્ફુરિત થતી રહે છે. તેથી તેમાં પણ अहं तत्त्व છે પણ તે ચૈતન્ય સ્વરૂપે છે. જીવની અજ્ઞાન દશામાં સૃષ્ટિ સમયે ભગવાન તેને પૂર્વ કર્માનુસાર ‘‘बुद्धीन्द्रिय मन:…। સર્જી આપે છે ત્યારે તેમાં અહંકાર પણ આવે છે. તે પેલા બન્ને તત્ત્વો ભેળા થઈને એક નવું તત્ત્વ ઊભું થાય છે અને તે છે જીવનું ‘હું પણું’ અને તેને માટે ભગવાને કહ્યું કે यायेदं धार्यते जगत। તેનાથી આ સંસાર ધારણ કરાયેલો છે.
જો આ પરા પ્રકૃતિ એવો જીવ અપરા પ્રકૃતિના અહંકાર આદિ તત્ત્વોથી અલગ થઈને પરમાત્માની સન્મુખ થઈ જાય અને પરમાત્માને જ પોતાના માને ને પ્રકૃતિને પોતાની ન માને તો જીવ મુક્ત થઈ જાય. ‘આપણે તો ભગવાનના છીએ પણ માયાના નથી.’ (સદ્. ગુણાતીતાનંદ સ્વામી) એવી રીતે પરમાત્મામાં જોડાયેલો રહે તો ભક્ત પણ બની જાય છે અને તેને અત્યારે પ્રકૃતિમાં જેવો મોહ છે તેવો પરમાત્મામાં અનન્ય પ્રેમ પણ પ્રગટ થઈ જાય. મનુષ્યને ઉપર વર્ણવી તે ‘વ્યષ્ટિ પ્રકૃતિ’થી જ બંધન થાય છે. સમષ્ટિ પ્રકૃતિથી બંધન થતું નથી. કારણ મનુષ્ય વ્યષ્ટિ શરીરમાં પોતાપણું કરી લે છે, સમષ્ટિમાં નહિ અને બંધન વ્યષ્ટિનું જ છે. છતાં વ્યષ્ટિ એ સમષ્ટિથી અલગ નથી. તેનો એક અંશ જ છે. વાસ્તવમાં મૂળ પ્રકૃતિ કદી કોઈની બાધક કે સાધક થઈ શકતી નથી. જ્યારે મુમુક્ષુ વ્યષ્ટિની સાથે પોતાનો સંબંધ નથી માનતો તો તે તેને મુક્તિ દશા મેળવવામાં સહાયક થાય છે પણ જો જીવ એની સાથે પોતાનો સંબંધ માની લે તો તેને બાધક બને છે, બંધન કરનારી થાય છે. અહીં ‘इतीयं मे’ શબ્દોથી ભગવાન, ચેતવી પણ રહ્યા છે કે એ પ્રકૃતિ મારી છે. એની સાથે ભૂલથી પણ પોતાપણું કરી લેવું એ જ ભૂલ છે અને વારંવાર જન્મ-મરણનું કારણ છે. જે ભૂલ કરે છે તેના ઉપર જ ભૂલ દૂર કરવાની જવાબદારી હોય છે.
અહંતામાં ભોગેચ્છા અને જિજ્ઞાસા-આ બે વાતની ભૂખ હોય છે. એ પૈકી ભોગેચ્છાને નિષ્કામ સેવાયોગ દ્વારા ને નિષ્કામ કર્મયોગ દ્વારા દૂર કરી શકાય છે અને જિજ્ઞાસાને ભગવાનતત્વને જાણવા દ્વારા પૂરી શકાય છે. કોઈપણ એક વસ્તુનું સમ્યક આચરણ થતાં બન્ને સધાઈ જાય છે. ભોગેચ્છાની જો સારી રીતે નિવૃત્તિ થઈ જાય તો જિજ્ઞાસા પણ આપોઆપ મટી જાય છે અને પરમાત્માનું સમ્યક્જ્ઞાન થઈ જાય તો ભોગેચ્છા પણ આપોઆપ દૂર થઈ જાય છે.
ययेदं धार्यते जगत्-નું તાત્પર્ય શું છે? તો જીવે તેને ‘હું અને મારા’ રૂપે પકડી રાખ્યું છે નહિ તો જીવાત્મા આ જગતથી તદ્દન નિર્લિપ્ત જ છે. જેને ભોગો અને પદાર્થોમાં જેટલી આસક્તિ છે અને આકર્ષણ છે, તેને એટલો જ સંસાર અને શરીર બંને સ્થાયી, સુંદર અને સુખદાયી માલૂમ પડે છે. પદાર્થોનો સંગ્રહ અને તેમનો ઉપભોગ કરવાની લાલસા જ જીવને ખાસ બંધન કરનારી છે. સંગ્રહથી અભિમાનજન્ય સુખ થાય છે. જેની પાસે જરૂરી કરતાં જેટલો વધારે સંગ્રહ તેટલો તેને પોતાનો અહં ઊંચો અને અતિ સ્વાદિષ્ટ અનુભવાય છે, અને ભોગોથી સંયોગજન્ય સુખ થાય છે. અર્થાત્ઘાટો મોહ પેદા થાય છે આ સુખાસક્તિથી જ જીવે જગતને જગત્રૂપથી ધારણ કરી રાખ્યું છે. સુખાસક્તિને કારણે જ તે આ જગતને ભગવત્સ્વરૂપે નથી જોઈ શકતો. ભગવાને તો કહ્યું છે કે ‘सदसच्चाहमर्जुन’ (૯/૧૯) અને મહાત્માઓ પણ वासुदेव:सर्वम् (૭/૧૯) કહે છે પણ આસક્તિ તેને દેખાવા દેતી નથી. જેમ કે સ્ત્રી વાસ્તવમાં જનનશક્તિ છે. માતૃશક્તિ છે; પણ સ્ત્રીમાં આસક્તિવાળો પુરુષ તેને માતૃશક્તિરૂપે જોઈ શકતો નથી. તેની દૃષ્ટિ સ્ત્રી ઉપર પડતાં વિકૃત થઈ જાય છે ને ભોગના સાધનરૂપે જોવા લાગી જાય છે. તેમ સંસાર ભગવાનનું સ્વરૂપ છે; પરંતુ સંસારને પોતાને ભોગ્ય અને સંગ્રહની ચીજ માનનારો ભોગાસક્ત પુરુષ સંસારને ભગવત્સ્વરૂપે નથી માની શકતો. આ ભોગાસક્તિ જ જીવ પાસે જગત્ધારણ કરાવે છે. વાસનિક પુરુષોને સંસારનું વૈતરૂં પણ સ્વાદિષ્ટ લાગે છે. તે જ વસ્તુ વૈરાગી પુરુષને વૈભવ પણ ઝેર જેવા લાગે છે. આ શરીર મળથી ભંડારાયેલ કોથળો છે પણ આસક્તિથી તે નખશિખ સુંદર ભાસે છે. ભગવાન સાથે સંબંધ જોડી જગતથી અલગ પડે તો તેનું બંધન દૂર થાય છે.
જેવી રીતે ગુરુશિષ્યનો સંબંધ હોય છે. તેમાં ગુરુની સત્તા અલગ છે અને અને શિષ્યની સત્તા અલગ છે; પરંતુ બન્નેના સંબંધથી એક ત્રીજી સત્તા-અનુવાય છે અને તે છે ‘સંબંધની સત્તા’ મા-બાપને પુત્રનો જન્મ થતાં પિતા-પુત્રનો સંબંધ પણ જન્મ પામે છે. એવી જ રીતે પરમાત્માના અંશ એવા જીવે સંસારની સાથે પોતાનો સંબંધ માની લીધો. આ સંબંધના કારણે એક ત્રીજી સત્તા પ્રતીત થાય છે, તે છે ‘હું પણું’. આ ભૌતિક ‘હું પણું’ કેવળ માની લીધેલી સત્તા છે અને એમાં અહમ્ભાવ કરી લીધેલો છે અને તેથી બંધન ઊભું થયું છે. ગુરુ શિષ્યમાં તો બન્નેએ સંબંધ માન્યો છે ને સ્વીકાર્યો છે. જ્યારે અહીં તો અપરા પ્રકૃતિ તો જડ છે તેને ખબર નથી કે આ મહાશયે મને ‘મારી’ માની છે અને તેમાં તેવી ચેતના પણ નથી અને જીવની માન્યતા પાછળ તેનો કોઈ પ્રતિભાવ પણ નથી. અહીં તો કેવળ જીવે એક સાથે જ માન્યતા કરી લીધી છે ને પ્રતિભાવ પણ પોતે જ માની લીધો છે કે હા, આ હવે મારું થઈ ગયું છે; પણ તેવું વાસ્તવમાં છે નહિ. છતાં જ્યાં સુધી તેને સંસારમાંથી સુખની આશા છે, ત્યાં સુધી તે સંસાર તેને સ્થાયી ભાસે છે અને હમણાં પ્રાપ્ત થઈ જશે એવું ભાસે છે. જ્યારે પરમાત્મા અપ્રાપ્ય ભાસે છે. માટે માની લીધેલી સુખાસક્તિ ઉપર સમગ્ર સંસાર ટકેલો છે. જેથી ભગવાન ययेदं धार्यते जगत् બતાવી રહ્યા છે.
અપરા પ્રકૃતિ ત્રણ સ્વરૂપે જીવની સામે આવે છે. એક તો મૂળ રૂપે રહે છે. જે સમગ્ર સૃષ્ટિરચવામાં પરમાત્માનું મુખ્ય સાધન બનીને રહી છે. બીજું સ્વરૂપ છે-પૃથ્વી, જળ, તેજ, વાયુ , આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. તે આઠેય એક કરતાં એક સૂક્ષ્મ છે. અહંકાર પ્રકૃતિનું સૌથી સૂક્ષ્મ રૂપ છે છતાં તે પ્રાકૃતિક તત્ત્વ જ છે. પૃથ્વીની જેમ एतत्-શબ્દથી નિદેર્શ્ય છે. પૃથવ્યાદિ જેવું જ જડ તત્ત્વ છે. તેમાં ભ્રમિત થયેલો ચેતનભળે છે, તેથી અહંકાર કે અહંભાવ પેદા થાય છે અને ત્રીજું પ્રકૃતિનું રૂપ છે, ક્રિયા અને પદાર્થ. ક્રિયા અને પદાર્થ પણ પ્રકૃતિનું સજર્ન જ છે. તે પરાપ્રકૃતિ એવા જીવાત્મામાં પણ નથી કે પરમાત્મામાં પણ નથી. જીવ તેમાં મમત્વ બાંધીને પ્રથમ બંધાય છે. પછી પૃથવ્યાદિ તત્ત્વોને સજાતીય એવા ઈન્દ્રિયો અંતઃકરણથી બંધાય છે. આ બધા તત્ત્વો તો નિર્જીવ છે. તે કોઈ જીવ સાથે સંબંધ બાંધતા નથી કે જીવને સામો પ્રતિસાદ પણ દેતા નથી તો પણ જીવ કેવળ એક તરફી સંબંધ બાંધીને વળગી રહીને પોતાની મેળે જ બંધનમાં આવે છે. આ બધી વસ્તુઓથી તથા ક્રિયાઓથી ભગવાનની સેવામાં લાગી જાય અને લગાડી દે તો તેનું પૂર્વનું બંધન પણ નાશ થઈ તે મુક્ત બની જાય ને પરમાત્મામાં પ્રેમ થાય તો ભક્ત બની જાય.
વાસ્તવમાં પૃથવ્યાદિ અષ્ટધા પ્રકૃતિ, ક્રિયા અને પદાર્થ એ બધાની સ્વતંત્ર કોઈ મહત્તા છે નહિ પણ જીવને આસક્તિને લઈને તેની ખૂબ જ મહત્તા ભાસે છે. જેમ રૂપિયાની પોતાની કોઈ મહત્તા નથી પણ લોભને લઈને આપણે તેને ઘણી જ મહત્તા આપીએ છીએ કે આપવી પડે છે. જેને આપણે મહત્તા આપીએ છીએ તેમાં આપણું આકર્ષણ વધી જાય છે. આપણે માયિક પદાર્થો અને ક્રિયાઓને મહત્ત્વ ત્યારે જ આપીએ છીએ કે જ્યારે આપણે પ્રકૃતિના વિકૃતિરૂપ દોષોને સ્વીકારી લઈએ છીએ. સંસારમાં જેટલા સુખ ભાસિત થાય છે, તે દોષને સ્વીકાર્યા પછી જ ભાસિત થાય છે. જો દોષને સ્વીકારવામાં ન આવે ને દોષનો ત્યાગ કરવામાં આવે તો તે બધા જ સુખ વેઠ્ય જેવા ભારરૂપ થઈ પડે. કામ દોષને સ્વીકાર્યા પછી જ મનુષ્ય સ્ત્રી વિના રહી નથી શકતો. સ્ત્રીમાં તેને આકર્ષણ રહે છે અને સ્ત્રીમાં સૌંદર્ય ભાસે છે. લોભને કારણે જ મનુષ્ય ધન વિના ઘેલો ફરે છે અને ધનમાં તેને અતિ આકર્ષણ થાય છે. જે ધન તેને ખૂબ જ સુખરૂપ ભાસે છે. મોહને કારણે જ મનુષ્ય પરિવારના મનુષ્યો વિના રહી નથી શકતો અને મોહને કારણે જ તેને કુટુંબ પરિવારમાં આકર્ષણ રહે છે. નહિ તો બીજા મનુષ્યો તો ઘણા જ છે. તેમના કરતાં કદાચને સારા પણ મળી રહે પણ માણસ મોહને કારણે પેલા વિના જ ઘેલો ફરે છે. દોષોની સાથે તદાત્મકપણું કરી લેવાથી દોષો તેને દોષરૂપ નથી દેખાતા અને દોષોને કારણે જ તેને ત્યાગનું મહત્ત્વ નથી દેખાતું. જો દોષોનો સ્વીકાર કરવામાં ન આવે તો સ્ત્રી-ધન-પરિવાર તેને પીડારૂપ અનુભવાય છે અને તેનું આકર્ષણ મટી જાય છે.
एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय।
अहं कृत्स्नस्य जगत: प्रभव: प्रलयस्तथा।।६।।
અર્થ : સર્વ ભૂત-પ્રાણીમાત્ર આ બેમાંથી જ ઉત્પન્ન થાય છે એમ તું ધ્યાનમાં રાખ ! અને તે બન્ને પ્રકૃતિ મારી હોવાથી હું જ સમગ્ર જગત્નો કારણ છું અને પ્રલય-નાશ કરનાર પણ હું જ છું. ।।૬।।
एतद्योनीनि भूतानि… एते परा अपरे योनी कारणे येषां तानि(भूतानि) પરા અને અપરા આ બે પ્રકૃતિઓ જેનું કારણ છે, એવા સઘળાં પ્રાણીઓ છે એવું તમે ધારો. અર્થાત્માની લો. બ્રહ્માના ભૂવન પર્યંત તમામ પ્રાણીઓ છે તે બધા આ બે પ્રકૃતિથી થયા છે.
અને હું તે તમામનો ઉત્પન્ન કરવાવાળો અને પ્રલય કરવાવાળો છું. અર્થાત્આ જગતનું નિમિત્ત કારણ હું છું. કારણ કે મારા સંકલ્પથી સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. स:ऐक्षत, बहुस्यां प्रजायेयेति (છાંદોગ્ય ઉપ.) જેવી રીતે ઘડો બનાવવામાં કુંભાર અને સોનાનાં આભૂષણો બનાવવામાં સોની જ નિમિત્ત કારણ છે. એવી રીતે સંસાર માત્રની ઉત્પતિમાં ભગવાન જ નિમિત્ત કારણ છે.
प्रलय: કહેવાનું તાત્પર્ય એ છે કે આ જગતનું ઉપાદાન કારણ પણ હું જ છું. જેમ કે કાર્ય માત્ર ઉપાદાન કારણમાંથી ઉત્પન્ન થાય છે અને ઉપાદાન કારણરૂપમાં રહે છે અને અંતમાં ઉપાદાન કરવામાં કારણ જ લીન થઈ જાય છે.
જેવી રીતે ઘડો બનાવવામાં માટી ઉપાદાન કારણ છે. એવી જ રીતે સૃષ્ટિની રચના કરવામાં ભગવાન જ ઉપાદન કારણ છે. જેમ ઘડો માટીથી પેદા થાય છે, માટી રૂપે જ રહે છે ને અંતે ઘસાતાં ઘસાતાં માટીરૂપ બની જઈને નાશ થાય છે. તેમ આ સંસાર પણ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે તો પણ ભગવાનમાં વિકૃતિ નથી આવતી. ભગવાન તેને પોતાના સ્વરૂપથી ધારી રાખે છે, તો પણ તેમાં ઘસારો (થાક) નથી લાગતો અને અંતે નાશ થઈને ભગવાનમાં લીન થઈ જાય છે. તો પણ ભગવાનનો નાશ નથી થતો. મહારાજ કહે છે, જેમ કાષ્ટમાં અગ્નિ રહ્યો છે. કાષ્ટના વધવાથી અગ્નિ પણ વધે છે પણ કાષ્ઠને બાળી દેતા અગ્નિ બળી જતો નથી જેમનો તેમ જ રહે છે. આ કારણની અલૌકિકતા છે. ઘરેણાંનો નાશ થતાં સોનું નાશ નથી પામી જતું. ઘડાનો નાશ થતાં માટી નાશ નથી પામતી. તેમ સૃષ્ટિનો નાશ થતા પરમાત્માનો નાશ નથી થઈ જતો. માટે સર્વ કાંઈ જે દેખાય છે, તેમાં ભગવાન ઓતપ્રોત રહ્યા છે. તે ‘જ્ઞાન’ છે પણ તેનો નાશ થતાં ભગવાનના સ્વરૂપને કાંઈ ક્ષતિ આવતી નથી. એવું ભગવાનનું સ્વરૂપ છે. તે જાણવું કે અનુભવવું એ ‘વિજ્ઞાન’ છે. ભગવાનનો મહિમા છે.
અહીં ભગવાને जगत: શબ્દથી જડ-ચેતનનું મિશ્રણ કહ્યું છે. તેમાં ચેતન પણ આવી જાય છે અને તેની ઉત્પત્તિ શરીરોની ઉત્પત્તિ-નાશથી સંભવે છે, અન્યથા નહિ. અન્યથા તો ચેતન અવિનાશી તત્ત્વ છે.
मत्त: परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय।
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव।।७।।
અર્થ : હે ધનંજય ! મારાથી પર તત્ત્વ બીજુ કોઈ છેજ નહિ અને આ સઘળું વિશ્વ મારામાં દોરામાં મણિકાઓની પેઠે પરોવેલું છે. (પણ મારાથી પૃથક્નથી.)।।૭।।
मत्त: परतरं नान्यद्…..હે અર્જુન ! મારાથી આ જગતનું વધારે શ્રેષ્ઠ કારણ કોઈ છે જ નહિ. હું જ આ સમગ્ર સંસારનું મહાકારણ છું. અહીં परतरं કહીને બધાનું મૂળ કારણ બતાવવામાં આવ્યું છે. મૂળ કારણથી આગળ કોઈ કારણ નથી. અર્થાત્મૂળ કારણના કોઈ ઉત્પાદક નથી. ભગવાન બધાનું મૂળ કારણ છે. જેના હોવાપણાથી સંસારનું હોવાપણું છે અને જેની સત્તાથી આ સંસારનું અસ્તિત્વ છે. એવો પદાર્થ એ પરમાત્મા છે. વળી એ પરમાત્મા સમગ્ર સંસારમાં પરિપૂર્ણ છે.
ભગવાને આ અધ્યાયના બીજા શ્લોકમાં કહ્યું છે કે, હું તને વિજ્ઞાન સહિત જ્ઞાન કહીશ. જેને જાણ્યા પછી કાંઈ જાણવાનું બાકી નહિ રહે यज्ज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। અને અહીં કહે છે કે આ જગતનું મારા સિવાય કોઈ બીજું કારણ નથી. मत्त: परतरं नान्यत्किञ्चिदस्ति બંને જગ્યાએ न अन्यत् કહેવાનું તાત્પર્ય એ છે, જ્યારે મારા સિવાય કોઈ છે જ નહિ ત્યારે મને જાણ્યા પછી કાંઈ જાણવાનું પણ બાકી નહિ રહે. આથી ભગવાને ‘मयि सर्वमिदं प्रोतम्’ અને આગળ ‘वासुदेव: सर्वम्’ (૭/૧૯) તથા सदसच्चाहम् કહ્યું છે. આથી આ અધ્યાય અને આગળના શ્લોક દ્વારા ભગવાન સર્વત્ર પરમાત્માના દર્શન તરફ લઈ જઈ રહ્યા છે. જે ગીતામાંથી સિદ્ધાંત પ્રતીત થઈ રહ્યો છે, એ જ વસ્તુને શ્રીજી મહારાજ કે વચનામૃતની દૃષ્ટિએ જોઈશું તો સર્વત્ર પરમાત્માનું દર્શન કરતાં ‘અખંડ પરમાત્માનું દર્શન’ પર મહારાજે વધારે મહત્ત્વ બતાવ્યું છે. સર્વત્ર પરમાત્મા દર્શનમાં સાર્વજનિક થવું ઘણું કઠણ છે. સર્વત્ર પરમાત્મા દર્શનમાં સાર્વજનિકતા પર વધારે વજન ચાલ્યું જાય છે. જ્યારે અખંડ પરમાત્માના દર્શનમાં વ્યક્તિગતતા પર થોડો વધારે ભાર આવે છે અને ખરેખર સર્વત્ર પરમાત્મા હોવા છતાં બધાને તે શક્ય ઓછું બને છે. માટે તો આ અધ્યાયમાં જ બતાવી દીધું છે કે ‘मनुष्याणां सहस्रेषु…’ અને ‘स महात्मा सुदुर्लभ:…’ માટે મહારાજે અખંડ દર્શનનું પ્રતિપાદન વધારે કર્યું છે અને અખંડદર્શન સાર્વજનિક નથી. જેને રસ છે તેને માટે છે અને ઉપાસનાનો માર્ગ પણ ‘व्यक्ति तन्त्रम् उपासनम्’ વધારે છે. મહારાજ સર્વોપરી છે કે સર્વત્ર છે તે વાસ્તવિકતા તો છે પણ એના કરતાં વધારે મહત્ત્વનું તો એ છે કે કઈ વ્યક્તિને તે ગળે ઊતરે છે ને કેટલું ઊતરે છે ! માટે તે વસ્તુને સંપ્રદાયમાં ‘ઉપાસના’ શબ્દથી ગણાવાયું છે. શ્રીજી મહારાજ કેવડા છે કે જગતકારણ છે, અવતારોનું કારણ છે કે તમામ મૂર્તિઓનું પરમ કારણ છે, તે કાંઈ એક બે વ્યક્તિ ન માને તો મહારાજ મટી જવાના એવું નથી. કદાચને માને તો ન હોય તો બની જવાના એવું પણ નથી તે તો પોતાનું કાર્ય પાથરીને પોતાના ચરિત્રો દ્વારા સંકેત આપીને ધામમાં ચાલ્યા ગયા છે. હવે એ કોણ છે તે નિર્ણય આપણા વ્યક્તિત્વ પૂરતો અર્થાત્આપણા આત્મકલ્યાણ માટે આપણે કરવાનો છે. માટે ‘व्यक्ति तन्त्रम् उपासनम्’ વધારે ઘટે છે. એનો અર્થ એવો પણ ન કરવો જોઈએ. એવું માનવાથી મહારાજનું સાર્વભૌમ અસ્તિત્વ કે કારણપણું સીમિત છે કે થઈ જશે. એ તો જેમનું તેમ જ રહેશે; પરંતુ જેને પરમાત્મતત્ત્વમાં રસ જેટલો છે તે વ્યક્તિ પોતાને માટે સર્વત્ર પરમાત્મદર્શન સિદ્ધ કરી શકશે. અખંડ દર્શન સિદ્ધ કરશે પણ બીજો પડખે બેઠો હશે તેનાથી વાસ્તવિકતા હોવા છતાં પણ તેને નહિ થાય. એ દિશા તરફ આ વિષય આગળ લઈ જાય છે.
જે કાંઈ કાર્ય થાય છે તે કારણને બાદ કરીને પોતાની કોઈ સ્વતંત્ર સત્તા નથી રાખતું. વાસ્તવમાં કારણ જ (ઉપાદાન) કાર્યરૂપે દેખાય છે. આ રીતે જ્યારે પરમાત્મા આ જગતનું અતિ મોટું કારણ છે, તેવું સમ્યક્જ્ઞાન થઈ જશે, ત્યારે કાર્યની અલગ સ્વતંત્ર સત્તા પ્રતીત નહિ થાય અને એક પરમાત્મા છે, એવો અનુભવ કે દર્શન થઈ જશે.
આ સમગ્ર સંસાર દોરામાં માળાના મણકાની જેમ મારામાં રહ્યું છે. અર્થાત્હું બધામાં કારણ રૂપે વ્યાપી રહ્યો છું. આધાર રૂપે ધારી રહ્યો છું અને તમામ મણકાઓ મારા આશ્રયે પોતાનું અસ્તિત્વ ધરાવી રહ્યા છે. જો હું ન હોઉં તો તેનું માળાના મણકા તરીકે અસ્તિત્વ જ ન હોય તેમ મારા વિના જગતની સ્થિતિ છે.