કર્મયોગનો વિષય અને યોગારૂઢ પુરુષનાં લક્ષણો
શ્રીભગવાન બોલ્યા
अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य:।
स संन्यासी च योगी च निरग्निर्न चाक्रिय:।।१।।
અર્થઃ કર્મફળનો આશ્રય લીધા વિના જે શાસ્ત્રમાં કહેલા કર્તવ્યકર્મો કરે છે તે સંન્યાસી છે, યોગી છે; જે યજ્ઞનો કે કર્મમાત્રનો ત્યાગ કરે છે તે સંન્યાસી કે યોગી નથી.
अनाश्रित: कर्मफलम्-આ અધ્યાયનો મુખ્ય વિષય છે, યોગાભ્યાસ વિધિ કહેવાનો. છતાં ભગવાને નિષ્કામ કર્મયોગને જ શરૂઆતથી છેડ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે એવો યોગાભ્યાસ છે જે કર્મયોગને અતિ મદદરૂપ થનારો છે. એટલું જ નહિ પણ તેમાં જરૂરી પણ ઘણો જ છે. તેના આવશ્યક અંગરૂપ છે. શરૂઆતમાં ભગવાન વિશેષપણે કર્મયોગના આંતર્ગત તત્ત્વની ચર્ચા કરે છે.
ઉપરના પદોનો આશય એવો પ્રતીત થાય છે કે સાધકે નાશવંત વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ, ક્રિયા વગેરેનો આશ્રય નહિ રાખવો જોઈએ. મનુષ્યે જે સનાતન વસ્તુ છે એ અવિનાશી, ચૈતન્ય તત્ત્વનો આશ્રય રાખવો જોઈએ. કારણ કે પોતે તેવો છે. જો નાશવંત વસ્તુનો આશ્રય લે તો પણ વસ્તુ નાશવંત હોવાથી તે ચાલી જાય ને પોતે આશ્રય વિનાનો નિરાધાર થઈ જાય છે. ખાલી થઈ જાય છે. પછી કેવળ ખાલી નથી થઈ જતો પણ તેનો રાગ રહી જાય છે. તેને પકડી રાખે છે અને જ્યાં સુધી એ નાશવંત વસ્તુ વગેરેના રાગને પકડી રાખે છે, ત્યાં સુધી તે સાધુ પણ થઈ શકતો નથી. ભલે કપડાં બદલી લે પણ તેનું કલ્યાણ થતું નથી. એ રાગ તેના ઊંચનીચ યોનિમાં જન્મ લેવાનું કારણ બની જાય છે. (कारणं गुणसङ्गोऽस्य द्सद्सयोनि जन्मसु- ૧૩/૨૧) જો તે રાગ-આસક્તિ-નો ત્યાગ કરી દે તો તે આપોઆપ મુક્ત થઈ જશે. રાગને કારણે જ તેને મુક્તિની અનુભૂતિ થતી નથી. તેથી ભગવાન કહે છે કે, કર્મફળનો આશ્રય નહિ રાખીને કર્તવ્યકર્મ કરે. કર્મફળના આશ્રયનો ત્યાગ કરીને કર્મ કરવાવાળો નૈષ્ઠિક શાંતિને પ્રાપ્ત કરે છે; પરંતુ કર્મફળનો આશ્રય રાખવાવાળો બંધાઈ રહે છે.
युक्त: कर्मफलं त्यक्तवा शान्तिमाप्नोति नैष्ठिकीम्
अयुक्त: कामकारेण फले सक्तो निबध्यते। (૫/૧૨)
સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ-આ ત્રણે શરીરો ‘કર્મફળ’ છે. એમના લાભનું અનુસંધાન રાખવું એ કર્મફળનો આશ્રય કર્યો ગણાય. તેને ભગવાનની સેવામાં યોજવાં જોઈએ અથવા ભગવાનના ભક્તની સેવામાં યોજવાં જોઈએ. સ્થૂળ શરીર દ્વારા થતી ક્રિયાઓ અને પદાર્થોને પરમાત્માના માની તેમનો ઉપયોગ ભગવાન તથા તેમના સાચા ભક્તની સેવામાં કરવો, સૂક્ષ્મ શરીર દ્વારા બીજાઓનું-ભગવાનના ભક્તનું હિત કેવી રીતે થાય ? બીજા સુખી કેવી રીતે થાય અને બીજાનું કલ્યાણ કેવી રીતે થાય? એવું ચિંતન કરવું અને એવું ચિંતન કરવાથી પોતે અવશ્ય સુખી થાય છે. પોતાનું કલ્યાણ પણ અવશ્ય થાય છે અને કારણ શરીર દ્વારા થવાવાળી સમાધિ, સ્થિરતા, નિષ્ઠા એ પરમાત્મા કે તેના અનન્ય ભકતોમાં કરવાની છે, નહિ કે પોતાના વ્યકિતત્વમાં. મારું વ્યક્તિત્વ જ બરાબર છે. જે કાંઈ છું તે હું જ બરાબર છું. એવું જડતાથી પકડવું તે કારણ શરીરનું કાર્ય છે અને ભગવાનમાં દૃઢતા કરવી તે પણ કારણ શરીરનું જ કાર્ય છે. આ ત્રણે શરીરો પરમાત્માએ આપણને સદુપયોગ કરવા આપેલાં છે. માટે પોતાનાં નથી અને પોતાને માટેના પણ નથી. એ ભગવાનની માલિકીનાં હોવાથી તેને માટે અથવા તેમના અનન્ય ભક્તને માટે ઉપયોગ કરવાના છે. ત્યારે જ ‘કર્મફલનો આશ્રય ન લીધો’ ગણાય. ત્યારે જ તે ‘સાધુ’ એવા શબ્દને યોગ્ય બને છે અથવા ‘ભક્ત’ એવા શબ્દને યોગ્ય બને છે. માટે આશ્રય ન લેવો એનું તાત્પર્ય એ થયું કે સાધનરૂપે તો ભગવાન કે ભગવાનના ભક્તને માટે કામમાં લેવાનાં છે; પરંતુ તેમને પોતાનાં નથી માનવાના અને પોતાના માટે છે એમ નથી માનવાના. કારણ કે મનુષ્ય જન્મમાં શરીરનું મહત્ત્વ નથી પણ શરીર દ્વારા કરવામાં આવતા સાધનોનું જ મહત્ત્વ છે. આથી પરમાત્મા દ્વારા મળેલી ચીજ આપણે પરમાત્માની સેવામાં સારી રીતે યોજી દઈએ, એટલે આપણે ‘સંન્યાસી’ થઈ ગયા અને મળેલી ચીજમાં પોતાપણું છોડી દઈએ એટલું ‘ત્યાગી’ થઈ ગયા.
કર્મફળનો આશ્રય ન લઈને કર્તવ્યકર્મ કરવાથી શું થશે ? તો પોતાને માટે કર્મ ન કરવાથી નવી આસક્તિ થશે નહિ અને બીજાઓને માટે-ભગવાનના ભક્તના હિતને અર્થે કર્મ કરવાથી જૂની આસક્તિ પણ દૂર થશે. કર્મ કરવાનો લૌકિક વેગ અથવા વાસના પણ દૂર થશે અને તેને સહજમાં મુક્તિદશા અનુભવાશે. નાશવંત વસ્તુઓ અને ભાવનાને પકડી રાખવી તેને બંધન કહેવાય છે. તેમનાથી છૂટવાને મુક્તિ કહે છે. માટે તેમનો ઉપાય એક જ છે. જે ઉપર બતાવ્યો છે.
कार्यं कर्मम करोति य:
कार्यं એટલે કર્તવ્ય कर्तुं योग्य: इति कार्यम्–કાર્ય અને કર્તવ્ય-બન્ને શબ્દો પર્યાયવાચક છે. કર્તવ્યકર્મ તેને કહેવાય છે, જેને આપણે સુખપૂર્વક કરી શકીએ છીએ. જેને જરૂર કરવું જોઈએ અને જેનો કયારેય ત્યાગ ન કરવો જોઈએ. कार्यं करम् અર્થાત્ કર્તવ્યકર્મ અસંભવિત હોતું નથી, કઠિન પણ હોતું નથી. સિવાય કે તેને દેહાદિકની આસક્તિ હોય તો કર્તવ્યકર્મ કઠિન પ્રતીત થાય છે, નહિ તો નહિ. જેને ન કરવું જોઈએ એવું કર્તવ્યકર્મ હોતું નથી તે તો અકર્તવ્યકર્મ હોય છે. તે અકર્તવ્ય પણ બે પ્રકારનું હોય છે. (૧) જેને આપણે નથી કરી શકતા અર્થાત્ આપણી શક્તિ બહારનું છે. (૨) અને જેને આપણે નહિ કરવું જોઈએ અર્થાત્ જે શાસ્ત્ર અને મહાપુરુષોની મર્યાદાથી વિરુદ્ધ છે. એવા અકર્તવ્યકર્મને કદી પણ ન કરવું જોઈએ.
કર્તવ્ય બે હેતુથી કરવામાં આવે છે-એક તો કર્મફલની પ્રાપ્તિને માટે અને કર્મ તથા કર્મફળની આસક્તિ દૂર કરવા માટે. અહીં ભગવાન કર્મ અને તેના ફળની આસક્તિ દૂર કરવાને માટે પ્રેરણા આપી રહ્યા છે.
स संन्यासी च योगी यं च -આ કર્મ કરવાવાળો જ-સેવા કરવાવાળો જ-ભગવાનને મતે સાચો સંન્યાસી (સાધુ) છે અને યોગી છે. તે કર્તવ્યકર્મો કરતો રહીને નિર્લિપ્ત રહે છે. એટલા માટે તે ‘સંન્યાસી’ છે. સંન્યાસીની પારાશીશી કે તાકાત તેની નિર્લિપ્તતામાં છે. બીજું તે કર્તવ્યકર્મોને કરતો રહીને તે સુખી દુઃખી નથી થતો અર્થાત્ કર્મોની સિદ્ધિ-અસિદ્ધિમાં સમ રહે છે. એટલા માટે તે ‘યોગી’ છે. યોગની કુશળતા પરમાત્મદર્શનથી છે. યોગની તાકાત પરમાત્મદર્શનથી છે. પ્રાણાયામ-આસનથી નથી. જે સિદ્ધિ-અસિદ્ધિને જીરવી શકે છે, સમતુલા રાખી શકે છે. તે જ ભગવાનના દર્શન કરવામાં આગળ વધી શકે છે. સિદ્ધિ-અસિદ્ધિથી કોચવાઈ કે હરખાઈ જાય છે, તેને ભગવાનને જોવાનો જિંદગીભર સમય જ મળતો નથી.
તાત્પર્ય એ થયું કે કર્મફળનો આશ્રય ન લઈને કર્મ કરવાથી તેના કર્તૃત્વ અને ભોકતૃત્વનો નાશ થઈ જાય છે. ન તો તેનો કર્મ સાથે સંબંધ રહે છે, ન તો ફળની સાથે. એટલા માટે તે ‘સંન્યાસી’ છે. બંધનનો ત્યાગ કરે છે, તે સાચો સંન્યાસી છે, સાધુ છે પણ પદાર્થ કે ક્રિયા છોડવાથી સાચા સાધુ થવાતું નથી. એવું અહીં ભગવાન કહે છે. તે કર્મો કરવામાં અને કર્મફલની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમ રહે છે એટલા માટે તે ‘યોગી’ છે. નહિ કે તે નિયમિત પ્રાણાયામ, આસન, ધ્યાન કરે છે માટે યોગી છે.
અહીં પહેલાં ‘સંન્યાસી’ પદ કહેવા પાછળ ભગવાનનો એવો ભાવ માલૂમ પડે છે કે, અર્જુન સ્વરૂપથી કર્મોના ત્યાગને શ્રેષ્ઠ માનતા હતા એટલે જ અર્જુને (૨/૫માં) કહ્યું હતું કે યુદ્ધ કરવા કરતાં ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરવો મને શ્રેષ્ઠ લાગે છે. તેના ઉત્તરમાં ભગવાન અહીં ‘સંન્યાસી’ પદ આપીને કહી રહ્યા છે કે, હે અર્જુન ! તું જેને સંન્યાસ માને છે તે વાસ્તવમાં સંન્યાસ નથી; પરંતુ જે કર્મફળનો આશ્રય ત્યજીને પોતાના કર્તવ્યકર્મને સુચારુરૂપે કરી શકે, તે જ સાચો સંન્યાસી છે. વેશથી જીવનમાં સંન્યાસ આવી જતો નથી.
न निरग्नि:-કેવળ અગ્નિ રહિત થવાથી-અગ્નિ સ્પર્શનો સર્વે ત્યાગ કરી દેવાથી અને પદાર્થોનો ત્યાગ કરી દેવા પછી પણ હૈયામાં ક્રિયાઓ અને પદાર્થોનો રાગ છે, મહત્વ છે, પ્રીતિ છે તે કદી સાચો સંન્યાસી-સાચો સાધુ નથી થઈ શકતો. न च अक्रिय લોકોની બહુધા એ ધારણા રહે છે કે જે મનુષ્ય કોઈપણ ક્રિયા નથી કરતો, સ્વરૂપથી ક્રિયાઓ અને પદાર્થોનો ત્યાગ કરી દે છે ને તદ્દન નિષ્ક્રિય બની જાય છે, તે યોગી છે. વનમાં ચાલ્યો જાય છે તે યોગી છે, આંખો બંધ કરીને બેસી રહે છે તે યોગી છે; પરંતુ ભગવાનનું કહેવું એવું છે કે જ્યાં સુધી મનુષ્યને નાશવંત વસ્તુઓનો જ આધાર છે અને તેની સાથે પોતાનો આધાર જોડી રાખે છે ત્યાં સુધી ગમે તેટલો નિષ્ક્રિય થઈ જાય, ચિત્તની વૃત્તિઓનો સર્વથા નિષેધ કરી લે; પરંતુ તે યોગી થઈ શકતો નથી. હા, ચિત્તની વૃત્તિઓનો નિરોધ થવાથી તેને જાત જાતની સિદ્ધિઓ પ્રાપ્ત થશે; પરંતુ કલ્યાણ કે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ એવું નહિ માની લેવાય. શ્રીજી મહારાજ પણ કહે છે કે ઉઘાડા ફર્યે નિર્ગુણ થઈ જવાતું હોય તો કૂતરા ગધેડા કયાં વસ્ત્રો પહેરે છે? તો શું નિર્ગુણ થયા ? ના. એ તો પરમાત્માને સમર્પિત થવાય તો જ નિર્ગુણ થવાય છે. કલ્યાણની પ્રાપ્તિ પણ તો જ થાય છે. તાત્પર્ય એ થયું કે બહારથી નિષ્ક્રિય થવાથી અર્થાત્ સત્ક્રિયા અથવા પરમાત્માને અર્થે કે તેના સાચા ભક્તની નિષ્કામ સેવારૂપ ક્રિયાનો ત્યાગ કરી દેવાથી કોઈ યોગી નથી થતો. યોગી તો તે થાય છે, જે નાશવંત પદાર્થો કે ભાવો છોડીને એક માત્ર ભગવાન ને ભગવાનના ભક્તના હિતને માટે પ્રવૃત્તિ-કર્તવ્ય-કર્મ કરે, તે યોગી બને છે. તે સાચા સ્વરૂપમાં સંન્યાસી-સાધુ બને છે.
મનુષ્યમાં પંચવિષયનો હૃદયમાં રાગ રહે છે અને તે રાગ તેને કર્મ કરવા દોડાવે છે. તેથી તે વસ્તુને મેળવવા છતાં ખૂબ જ અશાંત રહે છે. પછી તો તે કેવળ કર્મના વેગે ચડી જાય છે, તેમ તેમ અશાંતિ વધતી જાય છે. જ્યારે જગત પ્રત્યેની ઈચ્છાઓ સકામ ભાવનાઓ છોડીને નિષ્કામ ભાવે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા થાય, તો તે રાગ અને કર્મના વેગ પણ શાંત થઈ જાય છે. નિષ્કામ કર્મયોગ તેને મિટાવવાનું સાધન છે અને ભગવાનના દિવ્ય સ્વરૂપની અનુભૂતિ કરવાનું જબરજસ્ત સાધન છે.
શરીરને સંસારમાં અહંતા, મમતા કરવી એ કર્મનું ફળ નથી. શરીર, સંસાર અનુકૂળ-પ્રતિકૂળ મળવા એ કર્મનું ફળ છે પણ તેમાં અહંતા, મમતા કરવી એ પોતાની અણસમજણ છે, મૂર્ખતા છે. કારણ કે તે મનુષ્યે પોતે માનેલી છે. તે ભગવાનના ઘરની દેન નથી. વળી તે અહંતા, મમતા બદલાતી રહે છે. જેમ કે જો મનુષ્ય ગૃહસ્થ હોય તો તે માને છે ‘હું ગૃહસ્થ છું’ અને તે જ જ્યારે સાધુ બની જાય ત્યારે પોતાને માને છે કે ‘હું સાધુ છું’ અર્થાત્ તેની ‘હું ગૃહસ્થ છું’ તે અહંતા દૂર થાય છે ને પેલી આવે છે. જો અહંતા કર્મનું ફળ હોય તો તે શક્ય ન બને. માટે તે મનુષ્યની માન્યતાનું ફળ છે. તેવી જ રીતે ‘આ વસ્તુ મારી છે’ એવી રીતે મનુષ્યની તે વસ્તુમાં મમતા રહે છે અને તે જ વસ્તુ જ્યારે બીજા પાસે જાય છે, બીજાના અધિકારમાં જાય છે ત્યારે તે મમતા રહેતી નથી. આનાથી એવું સિદ્ધ થયું કે અહંતા મમતા માનેલી છે, વાસ્તવિક નથી. જો તે વાસ્તવિક હોત તો કદી દૂર થાત નહિ અને જો તે દૂર થાય છે તો તે વાસ્તવિક નથી. नासतो विद्यते भावो नाभावो विद्यते सत: (૨/૧૬)
અહંતા, મમતાનો જે આધાર છે, અધિકરણ છે તે તો શુદ્ધ ચૈતન્ય છે; પરંતુ તેનું આલંબન માયિક અને જડ એવા શરીર અને નાશવંત વસ્તુઓ છે. તે આલંબન સાથે તાદાત્મ્ય કેળવી લેવાથી, માયિક પદાર્થો સાથે તાદાત્મ્ય કેળવી લેવાથી, નાશવંત અને દુઃખદાયક અહં મમતા ઊભી થાય છે. સંસૃતિમાં સંચરણ થાય છે. તે જ અહં મમતાનું આલંબન સનાતન પરમાત્માનું સ્વરૂપ અને તેના સાચા સંત કે ભક્તને વિશે કરવામાં આવે તો તે અહંતા, મમતા દિવ્ય અને સનાતન બની જાય છે. મુક્તિનું અને પરમાત્મ પ્રાપ્તિનું કારણ બની જાય છે. કયા આલંબન સાથે તાદાત્મ્યભાવ કેળવવો ! તેમાં મનુષ્ય સ્વતંત્ર છે. જેમ કે ‘હું સાધુ છું’, ‘હું ગૃહસ્થ છું’, એવું માનવામાં અને આ ‘વસ્તુ મારી છે’ ‘આ વસ્તુ મારી નથી’ એવું માનવામાં અર્થાત્ અહંમમતાનો આલંબન સાથે સંબંધ જોડવામાં અને આલંબન સાથે સંબંધ છોડવામાં મનુષ્ય સ્વતંત્ર અને સમર્થ છે. એમાં પ્રારબ્ધનું કારણ પણ નથી તેમાં પ્રારબ્ધાધીન અને અસમર્થ નથી. કારણ કે શરીર વગેરે જડ અને નાશવંત પદાર્થો સાથે ચેતને સંબંધ જોડ્યો છે. જડ પદાર્થોએ, શરીર અને સંસારે સંબંધ જોડ્યો નથી. આથી જેણે જોડ્યો છે તે જ તોડી શકે. બીજો ન તોડી શકે. વળી જડ પદાર્થો સાથે સંબંધ જોડવાની અપેક્ષાએ તોડવાનું સુગમ છે. જોડવામાં પ્રયત્ન કરવો પડે છે. જ્યારે તૂટી આપોઆપ જાય છે. જેમ કે કોઈ એમ માને છે કે ‘હું બાળક છું’ તો તે બાળકપણું આપોઆપ વિસજર્ન થતું રહે છે, કરવું પડતું નથી; પરંતુ તકલીફ ત્યાં છે કે એ સમય દરમિયાન જીવે બીજી અહંતા નવી પકડી લીધી હોય છે. પેલામાં પણ આસક્તિ ચોટાડી દીધી હોય છે. તાત્પર્ય એ છે કે બાલ્યાવસ્થા વગેરેની અહંતા શરીરના રહેવા અથવા ન રહેવા ઉપર આધારિત નથી પણ પોતાની માન્યતા ઉપર નિર્ભર છે. એવી જ રીતે કર્મફળરૂપે શરીર આદિની હાજરી ભલેને હોય તો પણ તેના આશ્રયથી છૂટી શકાય.
यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव।
न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन।।२।।
અર્થઃ હે પાંડવ ! જેને સંન્યાસ કહેવાય છે એને તું યોગ જ જાણ; કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈપણ માણસ યોગી થતો નથી.
यं संन्यासम्… મનમાં જે પૂર્વકર્માનુંસારિણી સ્ફુરણાઓ થાય છે, જાત જાતની વાતો યાદ આવે છે તેઓ પૈકી જે સ્ફુરણામાં જીવને રાગ ઊભો થાય છે અથવા દ્વેષ ઊભો થાય છે. તેથી તેમાં મન વળગી જાય છે. તેમાં પ્રીતિ-અપ્રીતિ ઊભી થાય છે પછી તેમાંથી કામના ઊભી થાય તેવી સ્ફુરણાને અહીં સંકલ્પ કહ્યો છે. એટલે કે દેહાનુસંધાનપૂર્વકની કોઈપણ સ્ફુરણાને અહીં સંકલ્પ કહ્યો છે. તાત્પર્ય ચંદ્રિકામાં બતાવ્યું છે કે ‘હવે હું આ સાધન કરીશ.’ ‘હવે હું પરમાત્માને પ્રસન્ન કરવા નિષ્કામ ભાવથી ભગવાનના ભક્તની સેવા કરીશ’ આવા સંકલ્પને છોડવાની વાત અહીં ભગવાન કરી રહ્યા નથી. કારણ કે તેવો સંકલ્પ છોડવાનો હોય તો કર્મયોગ કે નિષ્કામ સેવા જ શક્ય નહિ બને. વળી ફલાનુસંધાન એટલે કે ફળ સંબંધી સંકલ્પ છોડવાની વાત અહીં કરી રહ્યા છે, એવું પણ નથી. કારણ કે તે તો આગળ કહી જ ગયા છે તો અહીં न हि असंन्यस्त समल्पो શબ્દથી કહેવાનો શો આશય છે? તો સંકલ્પથી દેહ-આત્મા, આત્મા-અનાત્માનું ઐકય અનુસંધાનને અહીં સંકલ્પ શબ્દથી કહે છે; જ્યાં સુધી ઐકય અનુસંધાનથી વિચારે છે, ત્યાં સુધી તે યોગી પરમાત્મદર્શન કરવાવાળો બની શકતો નથી. દેહભાવનો ત્યાગ કરે ત્યારે જ તેના વડે નિષ્કામ સેવા શક્ય બને છે. જ્યાં સુધી ઉપર બતાવેલ સંકલ્પનો ત્યાગ નથી કરતો ત્યાં સુધી તે યોગી બની શકતો નથી પણ તે ભોગી બની જાય છે. દેહાનુસંધાન તેને ભોગથી અલગ પડવા દેતું જ નથી, તેને સાચો સાધુ બનવા નથી દેતું. પરમાત્મા સાથેના સંબંધને ‘યોગ’ કહેવાય છે પણ જેના હૈયામાં પ્રાકૃતિક પદાર્થોનું જ મહત્ત્વ, સૌંદર્ય અને સુખબુદ્ધિ છે તે ભોગી જ થશે, યોગી થઈ નહિ શકે. યોગી તો ત્યારે જ થઈ શકશે, જ્યારે સાચી સાધુતા આવશે. તાત્પર્ય એ થયું કે જ્યાં સુધી અસત્ પદાર્થોની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ રહે છે, ત્યાં સુધી યોગી થઈ શકતો નથી. પછી ભલે તે ગમે તેટલો અભ્યાસ કરી લે, સમાધિ લગાવી દે, ગિરિકંદરાઓમાં ચાલ્યો જાય તો પણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે તે ભોગી રહે છે, યોગી નથી બનતો.
આમ તો સન્યાસ અને યોગની સાધના અલગ અલગ હોય છે પણ સંકલ્પનો ત્યાગ-દેહાનુસંધાનનો ત્યાગ કરીને નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કરે તો બન્નેનો સાધક બની જાય છે. માટે ભગવાન વારંવાર સંન્યાસ અને યોગ, સાંખ્યયોગ ને કર્મયોગને એવા ભાવમાં એક બતાવે છે.
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारण मुच्यते।
योगारुढस्य तस्यैव शम: कारणमुच्यते।।३।।
અર્થઃ યોગારૂઢ મનનશીલ માણસ માટે નિષ્કામભાવે કર્મ કરવું એ જ યોગ પ્રાપ્તિનો હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ જે સમસ્ત સંકલ્પનો અભાવ છે એ જ કલ્યાણનો હેતુ છે.
જે યોગમાં આરૂઢ થવા માગે છે, એવા મનનશીલ યોગીને માટે યોગમાં આરૂઢ થવા માટે નિષ્કામભાવથી કર્તવ્યકર્મ કરવું-નિષ્કામભાવથી ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી એ સાધન છે. હૃદયમાં નિષ્કામભાવ આવ્યા વિના સાધક સાચો કલ્યાણનો માર્ગ પકડી શકતો નથી. સંસારના ભાવોમાં અટવાયા અને અથડાયા કરે છે પણ આરૂઢ -સવાર નથી થઈ શકતો. કોઈપણ વ્યક્તિ જન્મી હોય, પોષાતી હોય અને જીવિત હોય તો તેનું જીવન બીજાઓની સહાય વિના ચાલી શકતું નથી. તેની પાસે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહં એમાંથી કોઈ એવી ચીજ નથી, જે પ્રકૃતિમાંથી બની ન હોય અને ભગવાનની માલિકીની ન હોય. માટે પરમાત્માની માલિકીની વસ્તુ પરમાત્માની સેવામાં અને પરમાત્માના કાર્ય એવા સત્સંગની સેવામાં નથી યોજતો ત્યાં સુધી તે યોગમાં સ્થિર-યોગારૂઢ થઈ શકતો નથી. સમતામાં સ્થિર થઈ શકતો નથી. અર્થાત્ પરમાત્મા સાથે સાચી આત્મીયતા કેળવી શકતો નથી.
પ્રાકૃત પદાર્થમાં જે પોતાપણું દેખાય છે, તેનું તાત્પર્ય એ છે કે તેમને ભગવાન અને તેના કાર્યની સેવામાં યોજવાનું દાયિત્વ આપણું છે. આથી એ બધાને ભગવાન અને ભગવાનના સાચા ભક્તની સેવામાં યોજવાના છે. જ્યારે તેની સેવામાં આ બધા સ્થિર થઈ જશે, ત્યારે પોતે પણ યોગારૂઢ થઈ જશે અર્થાત્ યોગમાં સ્થિર થઈ જશે.
યોગારૂઢ થવા માટે ‘કર્મને’ કારણ કહ્યું અર્થાત્ અતિ જરૂરી કહ્યું છે. કારણ કે ફળની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં આપણને સમતા છે કે નહિ, તેની આપણા ઉપર શું અસર પડે છે તેની ખબર ત્યારે જ પડશે, જ્યારે આપણે કર્મ કરીશું. સમતાની પિછાણ કર્મો કરવાથી જ થાય છે. એટલે જ પરમાત્મા સાથે આપણે કેટલી આત્મીયતા કેળવાણી છે, તેની પિછાણ પણ ભગવાને બતાવેલ નિષ્કામ કર્મ-નિષ્કામ સેવા કરવાથી જ થઈ શકશે. તાત્પર્ય એ થયું કે જો આપણે નિષ્કામ ભાવથી સેવા કરતા રહીએ અને આપણને પરમાત્માને પામવાના સાધન તરીકે તેમાં રસ જળવાઈ રહે તો ભગવાન સાથે આત્મીયતા કેળવાણી છે,એમ નક્કી થશે. આપણે સમતા ન જાળવી શકીએ, રાગદ્વેષ, ઈર્ષ્યા આપણામાં આવી જાય, તો આપણે પ્રકૃતિ સાથે જોડાઈ ગયા છીએ, જડતા સાથે જોડાઈ ગયા છીએ પરમાત્મા સાથે જોડાણ નથી. તેની સાથે આત્મીયતા થઈ નથી. માટે કર્મ એ યોગનું સાધન ન બન્યું કહેવાય. ભોગનું સાધન બની ગયું કહેવાય.
વિવેકપૂર્વક કર્મ કરવાથી જ ફળની આસક્તિ અને કર્મોનો વેગ મટી જાય છે. રાગ મિટાવવાની શક્તિ કર્મોમાં નથી. કર્મો તો આખું જગત કરે છે. રાગ મિટાવવાની શક્તિ વિવેકમાં છે. જેને યોગમાં સ્થિર (યોગારૂઢ) થવું છે, તેને કર્મ કરતાં કરતાં વિવેકનો ઉપયોગ કરવાનો છે તો રાગ જલદી મટી જશે અને ભગવાનમાં સ્થિર થવાશે.
योगारुढस्य तस्यैव शम: कारणमुच्यते-જ્યારે સાધક યોગારૂઢ બની જાય છે. યોગમાં સ્થિરતા અર્થાત્ પરમાત્મામાં સ્થિરતા કેળવી લે છે. ત્યારે તેને શમની જરૂરત પડે છે. અર્થાત્ ત્યારે કર્મ નિવૃત્તિ લે તો કોઈ હરકત નથી. ખરેખર તો ભગવાને આગળ કહ્યું કે મારે કોઈ પ્રાપ્તવ્ય-અપ્રાપ્તવ્ય નથી તો પણ હું કર્મમાં સાવધાન થઈને વર્તુ છું. સિદ્ધ મહાપુરુષો પણ આસક્ત માણસો જેમ કર્મમાં વળગ્યા છે તેમ જ અનાસક્ત થઈને સાવધાનીપૂર્વક લોકસંગ્રહને માટે કર્મ કરે છે તો અહીં કર્મ નિવૃત્તિ તેને જરૂરી છે, એવું શા માટે કહ્યું ? તો તેનું સમાધાન એ છે કે યોગારૂઢ થતાં તેની ‘સાધક’ એવી સંજ્ઞા પૂરી થાય છે. પછી તેને સાધના આગળ વધારવા કર્મની જરૂર નથી; પરંતુ સિદ્ધ મહાપુરુષ થઈને તેની નિષ્કામ કર્મથી કે નિષ્કામ સેવાયોગી તરીકે યાત્રા આગળ ચાલે છે. હવે સાધન તરીકે તે કર્મ નહિ ગણાય પણ લોકસંગ્રહ તરીકે તે કર્મો ગણાય. તેથી પોતા માટે હવે નથી તેથી પોતા માટે કર્મ નિવૃત્તિ છે, છતાં પરમાત્માની પ્રસન્નતાના સાધન તરીકે તે રહી શકે છે.
आरुरुक्षोर्मुनेर्योगं कर्म…અર્થાત્ યોગમાં સ્થિર થવા નિષ્કામ કર્મ કરે છે ત્યારે યોગની સ્થિરતા પ્રાપ્ત થાય છે. જગત સાથે સંબંધ વિચ્છેદ થાય છે. તેથી તેના અંતરમાં અપાર શાંતિ પ્રાપ્ત થાય છે. જીવના હૃદયમાં જે અશાંતિ ઊભી થાય છે, તે જગતના સંબંધથી જ છે. જેમ જેમ ઘાટો સંબંધ તેમ તેમ અપાર અશાંતિ ઊભી થાય છે. તે સંબંધ વિચ્છેદ થતાં જ અપાર શાંતિ પ્રાપ્ત થાય છે;પરંતુ તે જગત છૂટયું તેની શાંતિનું આસ્વાદનું કરવા લાગી જાય તો તે આગળ વધતો અટકી જાય છે. શ્રીજી મહારાજે તેને કૈવલ્યાર્થી કહ્યો છે. પરમાત્માનો સાચો સેવક તે શાંતિથી પણ બહાર નીકળી પરમાત્માની સેવામાં વિરામ લે છે. ત્યાં જ તે સાચો યોગારૂઢ ગણાય છે. પરમાત્મામાં સ્થિરતા કેળવી ગણાય. આસ્વાદન લેવા લાગી જાય તો કૈવલ્યાર્થી થઈને ભગવાનથી થોડા દૂર રહી જાય છે. કર્મી (ભોગી) પણ કર્મ કરે છે અને નિષ્કામ કર્મયોગી પણ કર્મ કરે છે. બન્નેના ઉદ્દેશ્યમાં મોટું અંતર છે, તફાવત છે. એક આસક્તિ પૂર્તિ માટે કર્મ કરે છે અને એક આસક્તિ મિટાવવા માટે કર્મ કરે છે. ભોગી પોતાના વ્યક્તિત્વને પુષ્ટ કરવા કર્મ આદરે છે. જ્યારે નિષ્કામ સેવક બીજાના વ્યક્તિત્વને ખિલવવા કે મદદ કરવા કર્મ કરે છે. તેથી કર્મ કરવામાં સમાન હોવા છતાં જે આસક્તિ-ત્યાગ કરવાના ઉદ્દેશ્યથી બીજા ભક્તની સેવા કરવા માટે કર્મ કરે છે તે સાધક-યોગારૂઢ યોગમાં પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. તેથી કર્મ કરતાં જ યોગીની સાચી કસોટી છે; નહીં તો બધું સંકેલીને બેઠો છે, તો સારો જ દેખાય છે. જેમ વૃદ્ધા નારી પ્રતિવ્રતા.
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते।
सर्वसंकल्पसंन्यासी योगारू ढस्तदोच्यते।।४।।
અર્થઃ જે નથી તો ઈન્દ્રિયોના ભોગોમાં આસકત થતો; કે નથી કર્મોમાંય આસકત થતો, ત્યારેજ તે સઘળા સંકલ્પોનો ત્યાગી સાધક યોગારૂઢ કહેવાય છે.
यदा हि नेन्द्रियार्थेषु… अनुषज्जते યોગારૂઢ કોને કહેવાય તેનાં લક્ષણો હવે બતાવે છે. ઈન્દ્રિયોના વિષયોમાં અર્થાત્ પ્રારબ્ધાનુસાર પ્રાપ્ત થયેલ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ-આ પાંચેય વિષયોમાં અનુકૂળ પદાર્થ, પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિ વગેરેમાં અને શરીરને આરામ, માન, મોટાઈ વગેરેમાં આસક્તિ ન કરે. એમનો ભોગબુદ્ધિથી ભોગ ન કરે પણ તેનો ભગવાન અને ભગવાનની સેવામાં સદુપયોગ કરે. એ અનુકૂળ મળે તો રાજી થઈને તેમાં નિમગ્ન ન થઈ રહે પણ તેને ભગવાનની સેવામાં યોજના કરે. એમના નાશવંત સ્વરૂપને જોઈને તેનાથી નિર્લેપ થાય.
ઈન્દ્રિયોના ભોગોમાં આસક્ત નથી થયા એ કેમ જણાય? તો તેની અનુકૂળતાનું સુખ પોતે ન લેવું પણ અન્યને-ભગવાનના ભક્તને આપવું. તેમના સુખ માટે આપણી અનુકૂળતાને યોજવી. જ્યારે કોઈ મનગમતી વાત થઈ જાય, મનગમતી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના વગેરે મળી જાય અને નથી ઈચ્છતા એ ન થાય, ત્યારે માણસ રાજી થઈ જાય છે અને તેમાં સુખ લે છે. એવી રીતે કરવાથી ઈન્દ્રિયોના ભોગોમાં આસક્તિ વધે છે. આથી સાધકે અનુકૂળ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ વગેરે મળવાની ઈચ્છા ન કરવી અને વિના ઈચ્છાએ મળી જાય તો તેમાં રાજી ન થાવું પણ તેનો વિવેકપૂર્વક ભગવાનના અને તેના ભક્તોની સેવામાં વિનિયોગ કરવો. આમ કરવાથી ઈન્દ્રિયોના ભોગોમાં આસક્તિ નહિ થાય અને આગળની હશે તો પણ નાશ પામશે. અન્યથા અનુકૂળતાને ભોગવવા લાગે તો તેનું જીવન ભોગોને આધીન, પરતંત્ર બની જાય છે. ભોગો ભોગવતાં ભોગાવતાં તેનો સ્વભાવ બગડી જાય છે અને વારંવાર નવા નવા સુખ ભોગવવાની કામનાઓ થવા લાગે છે. આ સુખ ભોગવવાની કામના એ જ જન્મ-મરણનું કારણ બની જાય છે. તાત્પર્ય એ થયું કે અનુકૂળતાની ઈચ્છા કરવી, આશા કરવી અને અનુકૂળ વિષય વગેરેમાં રાજી થવું એ સઘળા અનર્થોનું મૂળ છે. એનાથી કોઈપણ જાતનાં પાપ બાકી નથી રહેતાં. જો તેનો ત્યાગ કરી દેવામાં આવે તો સાધક યોગારૂઢ બની જાય છે.
અહીં એક શંકા થાય છે કે અનુકૂળતા કે સુખની ઈચ્છા ન કરવી તો શું દુઃખની ઈચ્છા કરવી? મને દુઃખ પડો, દુઃખ પડો એવી પ્રાર્થના કરવી? સૂતેલા સર્પો જગાડવા? તો એવું નથી. એનું સમાધાન એમ છે કે, માણસે નિચોવાઈ જઈને ઈચ્છવું નહિ અને ઈચ્છવા માત્રથી મળી જાય એવું પણ છે નહિ. શાસ્ત્રાનુસાર પોતાનું ધ્યેય નક્કી કરીને તેનો પ્રારબ્ધ યોગે મળી ગયું તો તેનો સદુપયોગ પોતાનું કલ્યાણ થાય તેમ કરવો. પોતાના ઉદ્દેશ્યમાં અથવા ધ્યેયમાં સંકલ્પ કરવો. તેમાં પુરુષાર્થ કરવો અને તેમાં નિમગ્ન થવું.
આ ઉપરાંત નિર્વાહ ઉપરાંતની જે સામગ્રી આપણી પાસે હોય, તેનો બીજાના ઉપયોગમાં આવે તેમ વિનિયોજના કરીને સદુપયોગ કરવાથી પણ મનુષ્યને ભોગોની આસક્તિ દૂર થાય છે.
न कर्मस्वनुषज्जते જેવી રીતે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નહિ થવી જોઈએ, તેવી જ રીતે કર્મોમાં આપણાથી થતી ક્રિયાઓમાં પણ આસક્તિ ન થવી જોઈએ. કોઈને એમ થાય કે પદાર્થમાં માણસ આસક્ત થાય છે, તેમ ક્રિયાઓમાં આસક્તિ હોઈ શકે? તો હા, જરૂર હોઈ શકે. ક્રિયા પદાર્થની જેમ એકલી નથી. તેની પાછળ ફળનું લફરૂં વળગેલ છે. તે ફળ બે પ્રકારના છે. (૧) દૂરગામી ફળ (૨) તાત્કાલિક ફળ. દૂરગામી ફળ લાંબાસમયે અથવા પરલોકમાં મળતું હોય છે. જ્યારે તાત્કાલિક ફળ અહીં આ લોકમાં અને કયારેક ચાલુ ક્રિયાએ પણ મળતું હોય છે. દા.ત. એક સંત કથા કરે છે. બીજા એક સંત ઠાકોરજીનો થાળ કરે છે. બન્ને પોતપોતાના કાર્યમાં સિદ્ધહસ્ત છે. દૂરગામી ફળ તેની ભાવના હોય તો સરખું જ મળશે. જ્યારે તાત્કાલિક ફળ જે સ્ટેઈજવાળાને મળે, વખાણ થાય, માન-સન્માન થાય, હાર બહુમાન થાય તે રસોડાવાળાને લાભ ન મળે. ફળ ભેદ છે. તેથી જેટલી ફળમાં આસક્તિ એટલી ક્રિયામાં આસક્તિ થશે. બીજું સારી કે સફળ ક્રિયા થતાં અહંકાર ઊભો થાય તે આસક્તિનું જ આડકતરું ફળ છે. જો ક્રિયામાં આસક્તિ નહિ તો સફળતાનું પણ અભિમાન ન થાય. માણસને દૂરગામી ફળમાં આસક્તિ જલદી નથી થતી. તાત્કાલિક ફળને લઈને આસક્તિ થાય છે, ઈર્ષ્યા, દ્વેષ, ખેંચતાણ વગેરેનો આખો સંસાર ઊભો થઈ જાય છે. તેથી ઘણી વખત ગુરુજનો ને બીજા કોઈ ક્રિયાને મુકાવે તો પણ મૂકે નહિ અને અમુક ક્રિયા કોઈની પ્રેરણા વિના પણ હાથે ગમે ત્યાંથી પકડી લે. એ બધું વિના આસક્તિએ શક્ય કેમ બને?
વળી કર્મ સારી રીતે સફળ થાય તો એક પ્રકારનું સુખ થાય છે. જો કર્મ સારી રીતે સફળ ન થાય તો દુઃખ થાય છે. આ જે સુખ-દુઃખ થવું તે કર્મનું ફળ નથી. તે આસક્તિનું ફળ છે. આથી સાધકે…. કર્મને વિધિપૂર્વક અને તત્પરતાથી કરવું જોઈએ પણ તેમાં આસક્તિ ન કરીને ખાસ કરીને તત્કાળ મળતા ફળથી નિર્લિપ્ત રહેવું જોઈએ. દૂરગામી ફળ તો ભગવાન બીજાને કયારેય આપતા નથી પણ તત્કાળ ફળ છે, તેનો બીજાના ફાયદામાં વિનિયોગ કરી શકાય છે. જેમ કે કોઈ સારી ક્રિયા કરીને યશ બીજાને અપાવી શકાય છે. માન સન્માન બીજાને ફાળે અપાવી શકાય છે અને તે વસ્તુ નિર્લિપ્તતા વિના શક્ય નથી બનતું. કર્મમાં આસક્તિ હોવાની પિછાણ શું છે ? તો વર્તમાનમાં કરવામાં આવતા કર્મોની પૂર્તિ-અપૂર્તિમાં અને તેનાથી મળવાવાળા તાત્કાલિક ફળની યશ-પ્રસંશા કે તે અંગે મળતી વિશેષ સગવડતાઓની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં મનુષ્ય નિર્વિકાર નથી રહી શકતો; પરંતુ તેનો અંતઃકરણમાં હર્ષ-શોક થયા વિના રહેતો નથી. ત્યારે એમ સમજવું કે તેને કર્મમાં આસક્તિ છે. કર્મના તાત્કાલિક ફળમાં આસક્તિ છે.
યોગમાં સાધક સ્થિર થયો છે. ભગવાનમાં સ્થિર થયાની ઓળખાણ માટે ત્રણ વાત બતાવી છે-પદાર્થો, કોઈપણ વસ્તુ કે વ્યક્તિમાં આસક્ત ન થવું, ક્રિયાઓની આસક્તિ ન હોવી અને સંપૂર્ણ સંકલ્પોનો ત્યાગ અર્થાત્ મનની ગમતી ધારણાઓનો ત્યાગ. તાત્પર્ય એ થયું કે જેને ન તો પદાર્થોમાં આસક્તિ છે અને ન તો પદાર્થના અભાવમાં આસક્તિ છે. જેનાં અંતરમાં પદાર્થની મહત્તા કંડારાઈ જાય છે, ત્યારે કયારેક તેની પ્રતિક્રિયા રૂપે તેના અભાવની પણ મહત્તા સમજાઈ જાય છે. આખરે તે યોગારૂઢ નથી પણ એક પ્રકારનો ભોગારૂઢ બની જાય છે. તેવું જ ક્રિયાના સદ્ભાવ તથા અભાવનું છે. યોગારૂઢ-પરમાત્મામાં સ્થિર થયેલા સાધકને ક્રિયાની આસક્તિ પણ નથી અને ક્રિયાઓના અભાવની આસક્તિ પણ નથી. જેવી રીતે જીવનમાં કર્મ કરવાની આસક્તિ હોય છે તેવી જ રીતે કર્મ ન કરવાની પણ આસક્તિ હોય છે અર્થાત્ કર્મ ન જ કરવાનો હઠાગ્રહ હોય છે. કર્તવ્યકર્મ પણ ન કરવાનો પૂર્વગ્રહ હોય છે. શા માટે કર્મ કરવું અથવા ન કરવું ? અથવા કર્મ કરવાથી અંતઃકરણ અને જીવ ઉપર શું અસર કે બદલાવ થાય છે અને ન કરવાથી શું થાય છે. તેનો કોઈ તર્ક કે અનુભવ તેની પાસે હોતો નથી. ખાલી પ્રકૃતિ-સ્વભાવને વશ થઈને કર્મ કરે છે અથવા દેહાભિમાન કે આળસ પ્રમાદને વશ થઈને નિવૃત્ત થાય છે, ત્યારે તે સાધક કર્મ કરવાથી પણ ભગવાનમાં સ્થિતિ (યોગારૂઢપણું) પામતો નથી અને નિવૃત્તિથી પણ પામતો નથી. માટે ભગવાનનું તાત્પર્ય છે કે કર્મની આસક્તિ છોડીને કર્મ સાવધાન થઈને કરવાથી યોગારૂઢ સ્થિતિને પમાય છે. કર્મ ન કરવાની આસક્તિ, આળસ-પ્રમાદને પેદા કરે છે અને કર્મ કરવાની આસક્તિ વ્યર્થ ચેષ્ટા પ્રવૃત્તિમાં યોજે છે.
યોગારૂઢ અર્થાત્ ભગવાનમાં સ્થિતિ કેટલા સમયમાં થાય તેના માટે ભગવાન यदा અને तदा પદો આપીને બતાવે છે કે જ્યારે સાધક ઈન્દ્રિયોના વિષયમાં અને ક્રિયાઓના ઈહલૌક્કિ ફળમાં આસકત રહિત થઈ જાય છે અને પારલૌકિક ધ્યેય-ઉદ્દેશ્યમાં દૃઢ બની જાય છે ત્યારે તે યોગારૂઢ થઈ જાય છે. જેમ કે કોઈ સાધકે એમ નિર્ણય કરી લીધો કે શિક્ષા. ૧૨૧માં શ્રીજી મહારાજે કહ્યા મુજબ तत्र ब्रह्मात्मा कृष्णसेवा मुक्तिश्च गम्यताम् મારે ભગવાનની અને ભગવાનના સાચા સેવક ભક્તોની જીવતા સુધી અને મરીને પછી પણ નિષ્કામભાવે સેવા જ કરવી છે. મારી આ લોકની કોઈપણ જાતની ઈચ્છાપૂર્તિનું સુખ હું નહિ લઉં આવો નિર્ણય કરી લે અને પછી પાર્વતીની જેમ પોતાના નિર્ણય પર દૃઢ રહે તો આજથી જ યોગારૂઢ-ભગવાનમાં સ્થિતિવાળો થઈ ગયો છે. તેવું બતાવવા જ ભગવાન यदा-तदा શબ્દોથી બતાવે છે. પદાર્થો-વ્યક્તિ અને ક્રિયાઓમાં આસક્તિ કરવી અને ન કરવી તેમાં ભગવાને મનુષ્યમાત્રને સ્વતંત્રતા આપી છે. એમાં આસક્તિ કરવાથી કેવળ દુઃખ, બંધન અને અશાંતિ સિવાય કશું જ હાથમાં આવતું નથી. માટે ભગવાન બતાવે છે કે તમે આજે જ વિચાર કરી લો કે આજથી જ પરમાત્માને રાજી કરવા પદાર્થો, લૌકિક વ્યક્તિઓ કે ક્રિયાઓનું સુખ નહિ લઈએ તો ભગવાન કહે છે, તમે અત્યારથી જ ભગવાનમાં સ્થિતિને પામ્યા છો ને આજે જ જીવતા છતાં મુક્તિને પામ્યા છો ને યોગારૂઢ થઈ ગયા છો અને તમને તેની અનુભૂતિ પણ જરૂર થવા લાગશે.
सर्वसमल्पसंन्यासी-આપણા મનમાં પૂર્વ કર્માનુસાર એટલી બધી સ્ફુરણાઓ થાય છે જેની કોઈ ગણતરી નથી (વચ.ગ.પ્ર. ૩૦); પરંતુ જે સ્ફુરણામાં સુખ થાય છે ત્યારે તે સ્ફુરણામાં જીવની વૃત્તિ કેન્દ્રિત થાય છે અને તે સ્ફુરણા પ્રત્યે જીવમાં લિપ્તતા થાય છે. (ઘાટનો ડંસ બેસે છે વચ.ગ.પ્ર.૩૦) કે અમને આવું મળી જાય, કે આવો હું બની જાઉં… વગેરે આવી લિપ્તતાયુક્ત સ્ફુરણાને અહીં સંકલ્પ તરીકે બતાવ્યા છે. આવો સંકલ્પ જ અનુકૂળતા-પ્રતિકૂળતાની પ્રતીતિ કરાવીને સુખ-દુઃખનો ડંખ બેસારે છે, સુખદાયી દુઃખદાયી બને છે. જેવી રીતે સુખદાયી સંકલ્પ લિપ્તતા (રાગ) કરાવે છે તેવી જ રીતે દુઃખદાયી સંકલ્પ દ્વેષ કરાવે છે તેથી બન્ને, જીવની મુક્તતાને હરી લે છે. જે બંધનમાં નાખવાવાળા છે. આવા જે સંકલ્પ છે તેનાથી કેવળ નુકસાની જ છે. કોઈ પ્રકારનો લાભ નથી. કારણ કે (૧) આવા સંકલ્પો પોતાના સ્વરૂપનો બોધ થવા દેતા નથી. (૨) ભગવાનનો નિશ્ચય (ઓળખાણ) કે સાચી ભક્તિ થવા દેતા નથી. (૩) ભગવાનના ભક્તોની સેવા કરવા દેતા નથી.. (૪) ભગવાનમાં મન લાગવા દેતા નથી. (૫) કુટુંબીને કે સંસ્થાને અનુકૂળ બનવા દેતા નથી. (૬) પોતાનું કે બીજાનું હિત કરી શકતા નથી.. (૭) ભગવાનની પ્રાપ્તિ થવા દેતા નથી. (૮) સત્સંગમાં સૃહૃદભાવ થવા દેતા નથી. માટે કેવળ હાનિ જ હાનિ થાય છે. એવું સમજીને સાધકે સંકલ્પોથી-મન ગમતાથી રહિત થવું જોઈએ.
મનમાં થવાવાળી સ્ફુરણાઓ જો સંકલ્પનું રૂપ ધારણ ન કરે તો આપોઆપ નષ્ટ થઈ જાય છે. સ્ફુરણા થવા માત્રથી સાધકને એટલી હાનિ નથી થતી અને પતન પણ નથી થતું; પરંતુ સમય તો નષ્ટ અને વ્યર્થ થાય જ છે. માટે તે પણ ત્યાજ્ય છે પણ સંકલ્પનો તો સાધકે ત્યાગ કરવો જ જોઈએ.તેનો ત્યાગ કર્યા વિના યોગારૂઢ નથી થવાતું. ભગવાનમાં સ્થિત નથી થવાતું અને મનુષ્ય જન્મ સાર્થક નથી થતો.
બીજા શ્લાકમાં કહ્યું કે જ્યાં સુધી મનુષ્ય સંકલ્પનો ત્યાગ નથી કરતો ત્યાં સુધી યોગી નથી થઈ શકતો. અહીં સર્વ સંકલ્પનો ત્યાગ કરનારો યોગારૂઢ થાય છે. આથી અન્વય-વ્યતિરેક બન્ને રીતે ભગવાને બતાવ્યું કે સંકલ્પનો ત્યાગ કરવો. સંકલ્પ ત્યાગના ઉપાયો નીચે મુજબ કરી શકાય. (૧) વચ.ગ.પ્ર.૩૦ મુજબ ભગવાનની કથાવાર્તાને ધાર્યા વિચાર્યા કરે તો સંકલ્પનો નાશ થઈ જાય છે. (૨) ભગવાનનાં ચરિત્રમાં મનને ગૂંચવી મૂકવું (૩) પોતાના કર્તવ્યનું પ્રામાણિકપણે પાલન (નિષ્કામ કર્મયોગ) કરવું. કર્તવ્યને વર્તમાન સાથે સંબંધ છે. જ્યારે સંકલ્પને ભૂત-ભવિષ્ય સાથે સંબંધ છે. માટે સેવાયોગ કે નિષ્કામ કર્મયોગનો આધાર લઈને મનને તેમાં રાખી નિરર્થક સંકલ્પોનો ત્યાગ કરવો. (૪) ભગવાનની ભક્તિ અથવા સત્ક્રિયા કર્યા વિના વ્યર્થકાળ જવા ન દેવો. (શિક્ષાપત્રી) સત્સંગ કરવો.
योगारूढस्तदोच्यते-સાંસારિક સિદ્ધિ-અસિદ્ધિમાં સમતા રાખવાનું નામ યોગ કહેવામાં આવ્યું છે. સંસારના ભાવોમાં સમતા-હર્ષશોકરહિતપણું અને પરમાત્મામાં મમતા, એ પર્યાય ક્રિયાઓ છે .જો પરમાત્મામાં આત્મીયતા કેળવાય તો જ સંસારમાં સમતાની સમતુલા રહે છે અને સાંસારિક ભાવોમાં સમતુલા રાખ્યા સિવાય પરમાત્મામાં આત્મીયતા-મમતા શક્ય નથી. માટે એક સિક્કાની બે બાજુ જેવી બન્ને બાબતો છે. તેથી ઉપરની બાબતોનું ધ્યાન રાખતા યોગારૂઢ થવાય છે અર્થાત્ તેની પરમાત્મામાં સ્થિતિ થાય છે અને સંસાર પ્રત્યે મુક્ત દશા આવે છે.