ભક્તિસહિત ધ્યાનયોગનું વર્ણન
स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवो:।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ।।२७।।
यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण:।
विगतेच्छाभयक्रोधो य: सदा मुक्त एव स:।।२८।।
અર્થઃ બહારના વિષયભોગોને બહાર જ રાખીને, દૃષ્ટિને બે ભવાં વચ્ચે સ્થિર કરીને, નાક વાટે આવતા જતા પ્રાણ અને અપાન વાયુની ગતિ સમાન કરીને જેણે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યાં છે, જે ઈચ્છા, ભય અને ક્રોધથી રહિત થયો છે અને જે મોક્ષપરાયણ છે તે મુનિ સદા મુકત જ છે.
स्पर्शान्कृत्वा बहिर्बाह्यान्-પ્રથમ ચોવીસમા શ્લોકમાં ‘अन्त:’ શબ્દ આવ્યો હતો અને તે પરમાત્માના અર્થના અનુસંધાનમાં આવ્યો હતો. અહીં તેનાથી ઊલટા અર્થમાં બાહ્ય શબ્દ પ્રયોગ છે बाह्यान् स्पर्शान् बहि: कृत्वा પરમાત્મા સિવાય બધા જ પદાર્થો બાહ્ય છે. બાહ્ય પદાર્થોને બહાર જ છોડી દેવાનું તાત્પર્ય એ છે કે મનથી બાહ્ય વિષયોનું ચિંતતન ન કરવું. વાસ્તવમાં બાહ્ય કે આંતર કોઈ વસ્તુ નથી. કેવળ વૃત્તિ જ બાહ્ય છે અને વૃત્તિ જ આંતર છે. આંખો બંધ કરીને સાંસારિક વિષયનું ચિંતવન કરો છો તો તે બાહ્ય છે. ઊઘાડી આંખ રાખીને ભગવાનની મૂર્તિમાં દૃષ્ટિ સ્થિર કરો છો, તો આંતરદૃષ્ટિ છે. માટે વાક્યનું તાત્પર્ય એટલું જ છે કે પરમાત્મા સિવાય ઈતર વિષયોનું ચિંતન દૂર કરો. બાહ્ય પદાર્થોના સંબંધનો ત્યાગ કર્મયોગમાં નિષ્કામ સેવા દ્વારા અને સાંખ્યયોગમાં વિવેક દ્વારા કરવામાં આવે છે. અહીં ભગવાન ધ્યાનયોગ દ્વારા બાહ્યપદાર્થો સાથે સંબંધ વિચ્છેદ કરવાનું બતાવી રહ્યા છે. ધ્યાનમાં, યોગમાં એક માત્ર પરમાત્માનું જ ચિંતન કરવાનું હોવાથી બાહ્ય પદાર્થોથી વિમુખતા તુરત થઈ જાય છે. ધ્યાનયોગ સાધકને સ્વતંત્ર રીતે પરમાત્માની પ્રાપ્તિ પણ કરારાવનારો છે અને કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગમાં સહાયક બનીને પણ મદદ કરનારો છે. કારણ કે જપ, ધ્યાન, સત્સંગ અને સ્વાધ્યાય ‘ए पावनानि मनीषिणाम्’ પ્રત્યેક માર્ગના સાધકને પાવન કરનારાં છે, મદદ કરનારાં છે. જરૂરી પણ ઘણાં જ છે. વાસ્તવમાં સાધકને વિઘ્નકર્તા બનતા નથી. વિઘ્ન કરનારાં એ ત્યારે જ બને છે કે જ્યારે સાધક તેઓની સાથે રાગપૂર્વક સંબંધ બાંધી લે છે. તેથી આ આપણો માનેલો સંબંધ દૂર કરવો, એવું આ પંક્તિનું તાત્પર્ય છે.चक्षुश्चैवान्तरे भ्रुवो: ધ્યાનકાળમાં દૃષ્ટિને બે ભ્રમરોની વચમાં રાખવી અથવા નાસિકાના અગ્રભાગ ઉપર રાખવી. એવું ધ્યાન શાસ્ત્રો બતાવે છે. ધ્યાનકાળમાં નેત્રોને સર્વથા બંધ કરવાથી લયદોષ અર્થાત્નિદ્રા આવવાની સંભાવના રહે છે અને નેત્રોને સર્વથા ખુલ્લા રાખવાથી સામે દૃશ્ય રહેવાથી વિક્ષેપદોષ આવવાની સંભાવના રહે છે. આ બન્ને દોષનું નિવારણ કરવા સારુ શાસ્ત્રકારોએ અને યોગના નિષ્ણાતોએ અર્ધમીચેલાં નેત્રોની દૃષ્ટિને બન્ને ભમરની વચમાં અથવા નાસિકાના અગ્રભાગ ઉપર સ્થાપિત કરવાનું કહેવામાં આવ્યું છે.
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ-નાસિકાની બહાર નીકળવાવાળા વાયુને ‘પ્રાણ’ અને અંદર જવાવાળા વાયુને ‘અપાન’ કહેવામાં આવે છે. પ્રાણવાયુની ગતિ દીર્ધ અને અપાન વાયુની ગતિ લઘુ હોય છે. યોગ્ય રીતે પ્રાણાયામ કરવાથી તેમની ગતિ સમ બની જાય છે અને શાંત અને સૂક્ષ્મ બની જાય છે. જ્યારે નાસિકાની બહાર અને અંદર તથા કંઠ વગેરે ભાગમાં વાયુના સ્પર્શનું જ્ઞાન ન રહે ત્યારે બન્નેની ગતિ સમ થઈ ગણાય છે. પરમાત્માનું લક્ષ્ય રાખીને આ બન્નેને સમગતિ કરવામાં આવે ત્યારે પરમાત્માનું ચિંતન થવા લાગે છે. ધ્યાનયોગમાં પ્રાણાયામ અવશ્યનું અંગ હોવાથી અહીં તેનો ઉલ્લેખ કરાયો છે.
यतेन्द्रियमनोबुद्धि: પરમાત્માના અવલોકન, ચિંતન સિવાય ઈતર વિષયથી મન,બુદ્ધિ વગેરેનું નિયમન જેણે કર્યું છે એવો સાધક થઈને રહેનારો છે પ્રત્યેક મનુષ્યમાં એક તો ઈન્દ્રિયોનું જ્ઞાન છે અને એક બુદ્ધિનું જ્ઞાન. ઈન્દ્રિયો અને બુદ્ધિ-બન્નેની વચમાં મનનો નિવાસ છે. મનુષ્યે જોવાનું એ છે કે પોતાના મન ઉપર વિશેષ કરીને ઈન્દ્રિયોના જ્ઞાનનો પ્રભાવ (પ્રભુત્વ) છે, બુદ્ધિના જ્ઞાનનો પ્રભાવ (પ્રભુત્વ) છે કે આંશિકરૂપે બન્નેના જ્ઞાનનો પ્રભાવ છે? ઈન્દ્રિયોના જ્ઞાનમાં વિષય રસનું (ટેસ્ટ) પ્રભુત્વ વધારે હોય છે. બુદ્ધિના જ્ઞાનમાં ‘પરિણામ’નો પ્રભાવ વધારે હોય છે. તેથી ઈન્દ્રિય જ્ઞાન વિષય આસ્વાદમાં થોડું વધારે ખેંચાયેલું છે, રહે છે. જે મનુષ્યના મન ઉપર કેવળ ઈન્દ્રિયોના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ સંયોગજન્ય સુખભોગમાં જ સદાને માટે તણાયેલા રહે છે. જેમના મન ઉપર બુદ્ધિના જ્ઞાનનો વિશેષ પ્રભાવ રહે છે તેઓ સુખભોગનો ત્યાગ કરવામાં જ હંમેશાં તત્પર રહે છે. તેથી જ આગળ કહ્યું કે ‘न तेषु रमते बुध:’ (૫/૨૨)
ઘણું કરીને સાધકોના મન ઉપર આંશિક રૂપે ઈન્દ્રિયો ને બુદ્ધિ-વિષય ભોગ અને વિવેક-બન્નેના જ્ઞાનનો પ્રભાવ રહે છે. તેમના મનમાં આ બન્નેનો દ્વન્દ્વ ચાલતો રહે છે. એટલા માટે તેઓ વિવેકને સંપૂર્ણ મહત્ત્વ નથી આપી શકતા. તેથી જે કરવા ઈચ્છે છે તે પણ કરી નથી શકતા. આ દ્વન્દ્વ જ સીધી કે આડકતરી રીતે તેને ધ્યાનમાં સ્થિર થવા દેતો નથી. આથી ઈન્દ્રિયો, મન, બુદ્ધિનું નિયમન કરવાનું તાત્પર્ય એ છે કે મન ઉપર કેવળ વિવેક-જ્ઞાનનો-બુદ્ધિનો પ્રભાવ રહે અને ઈન્દ્રિયોનો-ભોગાનંદનો પ્રભાવ સર્વથા દૂર થઈ જાય તો તે મુક્ત જ બની ગયો છે ,એવું છે.
मुनिर्मोक्षपरायण: પરમાત્માની પ્રાપ્તિ-પ્રસન્નતા કરવી, એ જ જેના જીવનનું લક્ષ્ય બની ગયું છે એવા પરમાત્માના સ્વરૂપનું મનન કરવાવાળા સાધકને અહીં ‘મોક્ષ પરાયણ’ અને ‘મુનિ’ કહેવામાં આવ્યો છે. પરમાત્માને પામવાની તમામની યોગ્યતા છે. તેમાં કોઈ અયોગ્ય નથી; પરંતુ દૃઢ ઉદ્દેશ્ય ન હોવાથી વિલંબ થઈ રહ્યો છે. જો પરમાત્માને પામવાનો જીવનમાં દૃઢ ઉદ્દેશ્ય બની જાય તો વિલંબ નથી. જ્યારે દૃઢ ઉદ્દેશ્ય નક્કી થાય છે ત્યારે તેના હૃદયમાં ભગવાનને જલદી મળવાની લાલસા ઉત્પન્ન થાય છે અને એ લાલસા જેમ જેમ મજબૂત અને સક્રિય થતી હોય છે, તેમ તેમ સંસારની તમામ કામનાઓનો નાશ કરી નાખે, બંધ કરી દે છે. ભગવાનનો અનુભવ જલદી કરાવી દે છે. આથી એ ઉદ્દેશ્યની દૃઢતા બતાવવા માટે જ मोक्षपरायण: શબ્દ પ્રયોગ કર્યો છે. ભગવાનને પામવામાં ઉદ્દેશ્ય નક્કી થવો તે જ્ઞાન-વૈરાગ્ય જેટલો જ મહત્ત્વનો છે અને જરૂરી છે.विगतेच्छाभयक्रोधो य: પોતાની ઈચ્છાની પૂર્તિમાં વિઘ્ન નાખવાવાળા વ્યક્તિઓ પોતાનાથી પ્રબળ હોય તો તેનાથી ભય થાય છે અને પોતાનાથી નિર્બળ હોય તો ક્રોધ (નાશ કરી નાખવાનો વેગ) થાય છે. એવું ને એવું જ, જીવવાની પ્રબળ ઈચ્છા રહેવાથી મૃત્યુનો ભય લાગે છે. બીજાઓ દ્વારા પોતાની ઈચ્છાપૂર્તિ કરવાની ઈચ્છાથી તથા બીજાઓ ઉપર અધિકાર જમાવવાની ઈચ્છાથી ક્રોધ થાય છે. આથી ભય અને ક્રોધ થવામાં ઈચ્છા જ મુખ્ય કારણ છે. જો મનુષ્યને ઈચ્છાપૂર્તિનો ઉદ્દેશ્ય ન રહે અને એક માત્ર પરમાત્મા પ્રાપ્તિનો અથવા પરમાત્માને પ્રસન્ન કરવાનો ઉદ્દેશ્ય રહે તો ભય, ક્રોધ સહિત ઈચ્છાનો સર્વથા નાશ થઈ જાય અને ઈચ્છાઓનો સર્વથા અભાવ થઈ જતાં મનુષ્ય મુક્ત બની જાય છે. કારણ કે વસ્તુઓની ઈચ્છાથી અને જીવવાની ઈચ્છાથી જ મનુષ્ય જન્મ-મરણરૂપી બંધનમાં પડે છે. સાધકે ગંભીરતાપૂર્વક અને તટસ્થ થઈને વિચાર કરવો જોઈએ કે વસ્તુ-પદાર્થની ઈચ્છા કરવાથી વસ્તુ-પદાર્થ મળી જ જાય છે ખરા? અને શું વધારે જીવવાની ઈચ્છા કરવાથી વધારે જીવી જવાય છે ખરું? મૃત્યુથી બચી જવાય ખરું? વાસ્તવિકતા તો એ છે કે ન તો વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે કે ન તો મૃત્યુથી બચી જવાય છે. માટે સાધકને જીવતા જ દૃઢપણે એવું પકડાઈ જાય (નિશ્ચય થઈ જાય) કે પરમાત્માને રાજી કરવા સિવાય અને ભગવાન ને ભગવાનના ભક્તની સેવા સિવાય કોઈપણ વસ્તુ નથી જોઈતી તો તે સાધક વર્તમાનમાં જ મુક્ત થઈ જાય છે. જો વસ્તુ-પદાર્થની ઈચ્છાઓ રહેશે તથા જીવવાની ઈચ્છા રહેશે તો ન તો તે ઈચ્છાઓ પૂરી થશે અને ન તો મૃત્યુથી બચી શકાશે, ન તો ક્રોધમાંથી છૂટી શકાશે. માટે મુક્ત થવા માટે ઈચ્છારહિત થવું અતિ આવશ્યક છે, રાગરહિત થવું અતિ આવશ્યક છે. જો વસ્તુઓની ઈચ્છા ન રહે તો જીવન આનંદમય બની જાય અને જો ઝાઝું જીવવાની ઈચ્છા ન રહે, તો મૃત્યુ પણ આનંદમય બની રહે છે. જીવન ત્યારે જ કષ્ટમય બની રહે છે, જ્યારે વસ્તુઓની ઈચ્છાઓનો અંત નથી રહેતો અને મૃત્યુ પણ ત્યારે જ કષ્ટમય બની રહે છે કે જ્યાં સુધી જીવવાની ઈચ્છા પૂરી જ નથી થાતી.स: सदा मुक्त एव-જેણે વસ્તુઓની ઈચ્છાઓનો અને ‘હું સદા કાળ જીવતો જ રહું કયારેય મરું જ નહિ’ એવી (ઘેલછાપૂર્ણ) ઈચ્છાનો ત્યાગ કરી દીધો છે, તો તે જીવતે જીવતા પણ મુક્ત છે. તે જીવનમુક્ત કહેવાય છે. एव નું તાત્પર્ય એ છે કે વાસ્તવિક મુક્તિ તો દેહ પડ્યા પછી મળે છે તો પણ તે દેહ છતાં જ મુક્તિનો અનુભવ, મુક્તિનું સુખ અનુભવે છે ને મૃત્યુ પછી મુક્તિને પામે છે.
भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम्।
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति।।२९।।
અર્થઃ મને યજ્ઞો અને વ્રતતપના ભોકતા તરીકે, સ્વર્ગાદિ સર્વ લોક અને દેવતાઓના પરમ ઈશ્વર તરીકે અને ભૂતમાત્રના હિતકર્તા મિત્ર તરીકે જાણીને સંતો સંસારના ત્રિવિધ તાપમાંથી શાંતિ પામે છે.
ભગવાને યોગનિષ્ઠા અને સાંખ્યનિષ્ઠાનું વર્ણન કરીને પછી બન્નેમાં ઉપયોગી અને ઉપકારક ધ્યાનનિષ્ઠા (ધ્યાનયોગ)નું વર્ણન કર્યું. હવે એ ત્રણે પર ઉપકારક અને ત્રણેને અત્યંત આવશ્યક એવી પરમાત્મનિષ્ઠાનું વર્ણન એક શ્લોકથી કરે છે.
भोक्तारं… જ્યારે મનુષ્ય કોઈ શુભ કર્મ કરે છે, ત્યારે તે જેમના વડે શુભ કર્મ કરે છે તે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, સમજણ, સદ્ગુણ કે અનુકૂળ બીજી સામગ્રીઆને પોતાની માને છે. જેના માટે શુભ કર્મો કરે છે, તેને તે કર્મોના ભોક્તા માને છે. જેમ કે કોઈ દેવતાની પૂજા કરી, તો એ દેવતાને પૂજારૂપી કર્મના ભોક્તા માને છે અને પૂજાની સામગ્રી-શરીરને પોતાના માને છે. ભગવાન ને ભગવાનના ભક્તની સેવા કરી તો તેને ભોક્તા માને છે ને સામગ્રીને પોતાની માને છે. પોતાને સેવક માને છે. કોઈ ભૂખી વ્યક્તિને જમાડી અથવા પૂજ્ય ભાવથી ભગવાનના ભક્તને ભોજન સામગ્રી તૈયાર કરીને જમાડ્યા તો ભોક્તા તે થયા અને સામગ્રી અથવા સેવા તે પોતાની માને છે. પોતાને સેવક માને છે. આ માન્યતાથી પણ એક ડગલું ભગવાન આગળ લઈ જવા માગે છે. તે છે પરમાત્મનિષ્ઠા. તે એ છે કે ભગવાનના ભક્તની સેવા કરવાની છે તે પણ ભગવદ્નિષ્ઠા અને ભગવદ્બુદ્ધિથી. ભગવાન કહે છે, તમે સેવા ભગવાનના ભક્તની કરો છો ત્યારે પણ તે ભક્તને ભોક્તા ન માનો અને મને ભોક્તા માનો. તેના માધ્મયથી હું જ ગ્રહણ કરું છું. જેમ યજ્ઞનું હુતદ્રવ્ય અગ્નિમાં હોમાય છે અને તે અગ્નિના માધ્યમથી ભગવાન વિષ્ણુને પહોંચે છે. તેમ અહીં નિષ્કામ સેવા કરતાં કરતાં પણ વચલા માધ્યમથી પર જઈને તે સેવાના ભોક્તા ભગવાનને બનાવો. તે મારી સેવા ભગવાનમાં પહોંચે છે, એવી દૃઢ ભાવના કરો અર્થાત્વિવેકપૂર્વક ભગવાન પાસે પહોંચે તેવા ઉપાય સહિત ભાવના કરો. તો भोक्तारं यज्ञ तपसां मां ज्ञात्वा એવો અર્થ થયો ગણાય. વસ્તુતાએ ભગવાન સર્વના હૃદયમાં રહ્યા છે. हृदि सर्वस्य विष्ठितम् (૧૩/૧૭) सर्वस्य चाहं हृदि संनिविष्ट: (૧૫/૧૫) ईश्वर: सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति (૧૮/૬૧) તો સાચા ભક્તના હૃદયમાં તો વિશેષ રહ્યા હોય.માટે નિષ્કામ સેવા કરીને પૂરું નથી કરી દેવાનું. તે સેવાને નિષ્ઠાની શુદ્ધિ દ્વારા ઠેઠ મહારાજ પાસે પહોંચાડવાની છે અને તે વાત આ શ્લોકમાં બતાવી રહ્યા છે.
सर्वलोक महेश्वरम्- લોકના માલિક ભિન્ન ભિન્ન હોઈ શકે છે; પરંતુ તેઓ પણ ભગવાનને આધીન છે. ભગવાન સર્વલોકના ઈશ્વરોના પણ ઈશ્વર છે. શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણી, સ્ત્રી, પુત્ર, ધન, જમીન, મકાન, ગાડી વગેરેને પોતાના માનીને ઘણું કરીને લોકો કહ્યા કરે છે કે ભગવાન જ સમસ્ત સંસારના માલિક છે. એવું કહેવું એ સમજદારી નથી. કેમ કે પોતાના વર્તુળમાં આવતું હતું તેટલું તો તેણે પોતાની શક્તિ પ્રમાણે તો પોતાનું કરીને માની લીધું. પોતાની પહોંચ બહારનું હતું તેને કહે છે કે એના માલિક ભગવાન છે. તેને વળી પાછો બીજો કહે છે કે મારું છે. એમ કરતાં કરતાં સમગ્ર સંસારમાં મનુષ્યે એવી માલિકી વિનાની વસ્તુ કઈ રહેવા દીધી છે કે હવે ભગવાનની માલિકીની ગણાય ? તેમાં પણ જે બાકી હોય તે સ્ટેટ ગવર્નમેન્ટ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને દુનિયાની મહાસત્તાના કબજામાં ધીરેધીરે લઈ લીધી છે. હવે ભગવાનની માલિકીની કોઈ જગ્યા જ રહી નથી. એમ કહેવું તે ભગવાનને ફોસલાવવા કે પોતાની જાતને દગો દેવા જેવું કહેવાય. કારણ કે જો બધા જ લોકો પોતપોતાનું માનતા રહે તો બાકી શું બચે કે આ દુનિયામાં જેના માલિક ભગવાનને ગણવા ? અર્થાત્ભગવાનના માલિકી હિસ્સામાં તો કશું આવ્યું જ નહિ. તેથી ‘સહુ કોઈ ભગવાનનું છે’ એવું તે જ પ્રામાણિકતાથી કહી શકે અથવા કહેવાનો અધિકારી છે કે જે ‘કોઈ પણ વસ્તુ મારી નથી’ એમ અંતરના પ્રામાણિકપણાથી અને ભગવાનની સાક્ષીએ માનતો હોય. જે કોઈ પોતાના આધિપત્યમાં શક્તિ પ્રમાણે કરતો જ જાય છે અને પોતાની શક્તિની લિમીટ આવી જાય ત્યાર પછી બાકી વધે ત્યારે જાહેર કરે છે. આ બધું ભગવાનનું છે. તે વાસ્તવમાં ભગવાનને યથાર્થ રૂપથી સર્વલોક મહેશ્વર માનતો જ નથી. કમસે કમ તે જેટલી વસ્તુ પોતાની માને છે તેટલી વસ્તુ તો ભગવાનની માલિકીમાંથી બાદ થશે.માટે ભગવાન સર્વલોક મહેશ્વર કેમ રહેશે?મનુષ્યને શરીર વગેરે પદાર્થોનો સદુપયોગ કરવાનો જ અધિકાર છે. પોતાના માનવાનો કે દુરુપયોગ કરવાનો બિલકુલ નહિ. એ પદાર્થોને પોતાના નહિ માનીને કેવળ ભગવાનના જ માનતા રહીને તેમની જ સેવામાં લગાડી દેવાથી પરમ શાંતિ, કહો કે પરમ મુક્તિ કહો તેની પ્રાપ્તિ થઈ જાય છે.
सुहृदं सर्वभूतानाम्… ऋच्छति ભગવાન સર્વ ભૂત પ્રાણીમાત્રના સુહૃદ છે. સર્વનું હિત કરવાવાળા છે. शोभनं हृद् यस्य स: सुहृद: સુંદર હૃદય છે જેનું અર્થાત્હૃદય તો જેવું હોય તેવું જ હોય પણ હૃદયથી અહીં ભાવનાનું તાત્પર્ય છે. બીજાની સાથે સારો સંબંધ-નિઃસ્વાર્થ, નિર્વ્યાજ અને સામાની ઉપર ઉપકારનો કાયમ સંબંધ જાળવી રાખનારા અથવા નિભાવનારા છે. તેને સુહૃદ કહેવાય. બીજાની સાથે સારો સંબંધ ત્યાં સુધી જ જળવાય કે જ્યાં સુધી તમે તેની પાસેથી કાંઈ આશા ન રાખો. તમે તેની પાસેથી કોઈપણ ભાગમાં તમારો સ્વાર્થ પૂરો કરનારા ન હોવા જોઈએ. ત્યારે સારો સંબંધ નિભાવી શકાય. ભગવાન સર્વના સૃહૃદ છે .તેને બીજાની પાસેથી કાંઈ લેવું નથી. તેને બીજાને કંઈક ને કંઈક દેવું જ છે. તેનું પરમ હિત જ કરવું છે. એવા કારુણિક છે, માટે તેના જેવા જીવના કોઈ હિતેચ્છુ, સુહૃદ નથી. અહીં ભગવાન કહે છે ज्ञात्वा मां शांतिं ऋच्छति મને આવો જાણીને પરમશાંતિ-પરમ મુક્તિ કે પરમ પ્રાપ્તિને પામે છે. જાણીને અર્થાત્એવો મને હૃદયપૂર્વક માનીને તેવા સુખને ભગવાનના સુખને પામે છે. કલ્યાણના માર્ગમાં જાણવાનો ભાવ છે-દૃઢતાપૂર્વક માનવું. અધ્યાત્મ ક્ષેત્રમાં ભૌતિક વસ્તુની જેમ નરી આંખે બધું દેખાવાનો વિષય નથી. માટે તેમાં દૃઢતાપૂર્વક માનવું એ જાણવાથી જરા પણ નબળું નથી. દૃઢતાથી માની લેવું એ પણ જાણવું જ છે. જીવ માત્રનું વિના કારણ હિત કરવાવાળા બે જ છે. એક ભગવાન અને તેના સાચા ભક્ત. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહે છે કે ‘તમે ને તમારા રે જન પ્રભુ પરમારથી રે… અંતકાળે આવી રે…’ ભક્ત પણ પોતાને માટે કોઈની પાસેથી કાંઈ ઈચ્છતો નથી અને બધાનું હિત ઈચ્છે છે. બધાનું હિત કરે છે. એટલા માટે એ પણ સર્વનો સુહૃદ છે અને ભક્તોમાં જ સુહૃદતા આવી છે તે પણ ભગવાનના સંબંધથી ભગવાન પાસેથી જ આવી છે.
આ શ્લોકમાં भोक्तारं यज्ञतपसाम्, सर्वलोक महेश्वरम् अमै सुहृदं सर्वभूतानाम् આ ત્રણ વસ્તુ ભગવાનને વિષે માનવાની, અર્થાત્ભગવાનને તેવા જાણવા-માનવાના છે. भोक्तारं થી તમામ ફળ ભગવાનને અર્પણ કરવાનું છે. અર્થાત્ ભગવાનને માટે પુરુષાર્થ કરવાનો છે અને ભગવાનને માટે ત્યાગ-ફળ ત્યાગ-કરવાનો છે. સર્વના માલિક ભગવાનને માનવાના છે ને પોતાની મમતાનો ત્યાગ કરવાનો છે. સુહૃદપણાથી એક માત્ર ભગવાન સાથે સંબંધ રાખવાનો છે. બીજા સંબંધ તોડવાના છે. આવી પરમાત્મનિષ્ઠા સ્વતંત્રપણે પણ કલ્યાણનું સાધન બને છે અને કર્મયોગમાં પણ અતિ ઉપયોગી છે. એમના વિના કર્મયોગ કે નિષ્કામસેવા અધૂરી રહે છે. વસ્તુતાએ તો નિષ્ઠાના બળથી જ કર્મયોગ સુગમ બને છે અને તે ન હોય તો તેની યથાર્થ સફળતા રહેતી નથી.
આ અધ્યાયનું નામ કર્મસંન્યાસયોગ છે.અર્થાત્અનુષ્ઠાન કરવા માટે જે કર્મયોગ છે અથવા નિષ્કામ સેવાયોગ છે તેની અંતર્ગત અકર્તૃત્વાનુસંધાનરૂપ સંન્યાસ છે. આ અધ્યાયની દૃષ્ટિએ સાધક પોતાનું કર્તૃત્વાનુસંધાન-અહંકાર કાર્ય કરવા છતાં ન આવવા દેવું તેનું માર્ગદર્શન આ અધ્યાયમાં અપાયેલું છે.
શ્રીમદ્ભગવદ્ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો કર્મસંન્યાસયોગ નામે પાંચમો અધ્યાય સંપૂર્ણ.