ગીતા અધ્યય-૦૫, શ્લોક ૧૩ થી ૨૬

જ્ઞાનયોગનો વિષય

सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन्‌।।१३।।

અર્થઃ જે દેહધારી પુરુષ પોતાના સ્વભાવને વશ કરે છે અને બધાં કર્મોનો મન વડે ત્યાગ કરે છે તે કંઈ કર્યા વિના નવદ્વારવાળા આ દેહમાં સુખેથી રહે છે.

वशी देही-ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેમાં મમતા-આસક્તિ હોવાથી જ તેઓ સાધક ઉપર પોતાનો અધિકાર જમાવે છે ને પોતાને આધીન રાખે છે. મમતા-આસક્તિ ન રહેતાં એ આપમેળે સાધકના વશમાં આવી જાય છે. તેથી તેને અહીં મયિ શબ્દથી કહ્યો છે. કર્મયોગ કરનારે અથવા ભગવાન કે ભગવાનના ભક્તની નિષ્કામ સેવા કરનારે પોતાના ઈન્દ્રિયો મન વગેરે પોતાના વશમાં કરવાં જરૂરી છે. શ્રીજી મહારાજે વચ.ગ.અં.૮માં સદા સુખી થવા માટે તેને વશ કરવા બહુ જરૂરી બતાવ્યાં છે.

જ્યાં સુધી સાધકને પ્રકૃતિનાં કાર્ય એવા શરીર, ઈન્દ્રિયો વગેરે સાથે કાંઈક પ્રયોજન (સ્વાર્થ કે આસક્તિ) રહે છે, ત્યાં સુધી તે સાધક પ્રકૃતિને વશીભૂત રહે છે. ‘कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृतिजैर्गुर्णै (३/५) અમયઃ પરાધીન રહે છે. મજબૂરીથી કર્મ કરે છે ત્યાં સુધી કર્મરહિત થઈ શકતો નથી. માટે કર્મયોગી અથવા નિષ્કામ સેવા કરનારે પ્રકૃતિના કાર્યરૂપ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણે શરીરો સાથે મમતા-આસક્તિ રહિત થવું પડે છે. ત્યારે જ ત્રણે દેહનો સંબંધ ચોખ્ખો દૂર થાય છે. છતાં દેહ તો હોય જ છે. તેથી તેને અહીં देही શબ્દથી કહ્યો છે.

नवद्वारे पुरे શબ્દ વગેરે વિષયોનું સેવન કરવાને માટે બે કાન, બે નેત્ર, બે નાસિકાછિદ્રો તથા એક મુખ-આ સાત દ્વારો શરીરના ઉપરના ભાગમાં છે અને મળમૂત્રનો ત્યાગ કરવા માટે ગુદા અને ઉપસ્થ-એ બે દ્વારો શરીરના નીચેના ભાગોમાં છે. આ નવ દ્વારોવાળા શરીરને पुर અર્થાત્ નગર કહેવાનું તાત્પર્ય એ છે કે જેવી રીતે નગર અને તેમાં રહેવાવાળો મનુષ્ય-બન્ને અલગ અલગ છે. જેવી રીતે નગરમાં રહેવાવાળો મનુષ્ય નગરમાં થવાવાળી ક્રિયાઓને પોતાની ક્રિયાઓ નથી માનતો. એવી જ રીતે સાધક શરીરમાં થવાવાળી ક્રિયાઓને પોતાની ક્રિયાઓ નથી માનતો.

सर्वकर्माणि मनसा संन्यस्य-આ જ અધ્યાયના આઠમા, નવમા શ્લોકોમાં શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ અને પ્રાણો દ્વારા થવાવાળી જે તેર ક્રિયાઓનું જે વર્ણન થયું છે તે બધી ક્રિયાઓનું બોધક અહીં ‘सर्वकर्माणि’ પદ છે. અહીં ‘मनसा संन्यस्य’ પદોનો અભિપ્રાય છે- વિવેકજ્ઞાનથી ત્યાગ કરી, વિવેકપૂર્વક મનની ક્રિયાઓના પણ કર્તાપણાનો ત્યાગ કરીને પોતાનામાંથી કર્તાપણાનો ત્યાગ કરે છે.

नैवकुर्वन्नकारयन्‌ સાધકને કર્તૃત્વ અને कारयितृत्व બન્નેનો ત્યાગ કરવાનો છે. અહીં એવી શંકા થઈ શકે છે કે સાધક પોતે કોઈ કર્મ ન કરે પણ પોતે પ્રેરક બનીને બીજા દ્વારા કર્મ તો કરાવી શકે ને? એનું સમાધાન એ છે કે સૂર્યનારાયણનો ઉદય થતાં સંપૂર્ણ જગતમાં પ્રકાશ થઈ જાય છે. લોકો પોતપોતાનાં કામોમાં લાગી જાય છે પણ સૂર્ય વિહિત કે નિષિદ્ધ કર્મ કોઈ પણના પ્રેરક નથી. તેમની પાસેથી બધાને પ્રકાશ મળે છે. એ પ્રકાશનો કોઈ સદુપયોગ કરે કે દુરુપયોગ એ સૂર્યનારાયણની કોઈ પ્રેરણા નથી.જો તેની પ્રેરણા હોત તો પાપ કે પુણ્ય કર્મના ભાગીદાર થાવું પડત.

आस्ते सुखम्‌ સંપૂર્ણ કર્મો કરીને પણ તેમાં નિર્લેપ રહે છે. તેથી જ સ્વાભાવિક સુખમાં તેની સ્થિતિ થાય છે. જો નિર્લેપ ન રહી શકે, તે સુખી સ્થિતિમાં પણ ન રહી શકે. અવશ્ય તેને જગતના દ્વન્દ્વો સ્પર્શ કરી જાય છે.

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभु:।।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते।।१४।।

અર્થઃ પરમેશ્વર માણસોના ન તો કર્તાપણાને, ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સજરે છે; પણ સ્વભાવ અર્થાત્ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે.

ભગવાન સર્વ સમર્થ છે, બધાના શાસક અને નિયામક છે. સૃષ્ટિ રચનાનું કાર્ય કરવા છતાં પણ તેઓ અકર્તા છે. तस्यकर्तारमपि मां विद्धयकर्तारमव्ययम्‌ (४/१३) કોઈ પણ કર્મ અને કર્તા વચ્ચેનો સંબંધ ભગવાન સજર્તા નથી. મનુષ્ય પોતે જ આપમેળે જ હું જ આ કર્મનો કર્તા છું, એવું પકડી બેસે છે. પોતાને દેહરૂપ માનીને ફળમાં આસક્ત થઈને એવું માની લે છે. તો પછી ભગવાન તે માન્યતાની અનુમતિ આપી દે છે કે ભલે, તને તેનું ફળ મળશે જ. બીજા કોઈને તેનું ફળ નહિ મળે. સાધક અજ્ઞાનવશ પ્રકૃતિ સાથે એકતા માનીને પ્રકૃતિના ઉપકરણો દ્વારા સિદ્ધ થતી ક્રિયાને પોતાનું કર્મ માની લે છે. જો ભગવાનની ઈચ્છાથી જ જીવ કર્તા બનતો હોત તો પછી તે અકર્તા કોઈ રીતે બની ન શકે. ભગવાન તેને કર્તાપણાના ત્યાગની વાત પણ ન કરત. માટે ક્રિયા કરીને તેનો કર્તા પોતાને માનવામાં ભગવાન કારણ નથી. ગીતા કહે છે स्वभावस्तु प्रवर्तते અર્થાત્ કર્તા બનાવવામાં રાગ જ કારણ છે. તાત્પર્ય એ થયું, કર્તાપણાનું નિર્માણ ભગવાને કર્યું નથી; પરંતુ જીવનું પોતાનું માનેલું છે. આથી જીવ તેનો ત્યાગ કરવામાં સ્વતંત્ર છે. ત્યાગ કરવો હોય તો કરી શકે છે.

न कर्मफलसंयोगम्‌ જીવ જેવું કર્મ કરે છે; તેવું ફળ તેને ભોગવવું પડે છે. अवश्यमेव भोक्तव्यं कोटि कल्पशतैरपि આવું આપણાં શાસ્ત્રોનું વિધાન છે; પરંતુ તેમાં ઊંડાણથી વિચારવાની જરૂર છે. ભગવાન કહે છે કે, ‘હું તેને ભોગવાવતો નથી.’ હું તો ઊલટો તેને કર્મફળથી, તેના ભોગવટાથી અર્થાત્જન્મમરણના ચક્કરથી બચાવવા માગું છું. તેનાથી વિખૂટો કરવા માગું છું પણ જીવ એવો છે કે कोटि कल्पशतैरपि તેનાથી છૂટો પડવા માગતો નથી. એવી ઝક્કડથી પકડી રાખ્યું છે. ભગવાન તો ત્યાં સુધી તૈયાર છે કે તે જીવે જ પૂર્વે નબળાં કર્મો કર્યાં હોય અને તેના ખાતામાં સંચિત, જમા થયા હોય, તેને પણ ભગવાન છોડાવવા માગે છે. ભગવાન કહે, તે પણ તારે ભોગવવાના નહિ. ભગવાન તો એવી કરુણા બતાવવા તત્પર છે-પણ જીવ નબળા અને પોતાને દુઃખરૂપ કર્મોનું ફળ પણ છોડવા તૈયાર નથી.

न कर्मफल संयोगम्‌ लोकस्य सृजति प्रभु:। ભગવાન આ જીવને પૂર્વે કરેલાં કર્મના ફળને જીવ પ્રત્યે પમાડતા નથી. તો સવાલ એ થાય છે કે, તો કોણ જીવને દુઃખદાયક કર્મફળને પમાડે છે? તો ભગવાન કહે છે કે, वभावस्तु प्रवर्तते अफहि रागस्तु प्रवर्तते। ભગવાન સારા બૂરાં કર્મોનું ફળ તો આપે છે પણ તે કર્મોના ફળની સાથેનો સંબંધ ભગવાન નથી જોડતા. તે જીવાત્મા-સાધક પોતે જ જોડી દે છે. આ જીવ અજ્ઞાનવશ, રાગવશ થઈને કર્મોનો કર્તા પોતાને માને છે અને ક્રિયાના આરંભ પહેલાં જ કર્મફળમાં આસક્તિ રાખીને કર્મનો પ્રારંભ કરે છે. કર્મ કરે છે. એવી રીતે પોતાનો સંબંધ કર્મફળ સાથે જોડી દે છે. પછી તેનાથી સુખી દુઃખી થાય છે. ભગવાન વારે છે તો પણ જીવ રહી શકતો નથી. જો તે કર્મફળની સાથે પોતાનો સંબંધ ન જોડે તો તે કર્મફળના સંબંધથી મુક્ત રહી શકે છે. એ પણ ત્યાં સુધી, ભગવાન ઈચ્છે તો પણ અને તે જીવે કર્યું હોય તો પણ તે કર્મફળ ભગવાન તેને ભોગવાવી ન શકે એવું ભગવાન કહે છે. એવા કર્મફળ સાથે સંબંધ ન જોડવાવાળા પુરુષોને માટે અઢારમા અધ્યાયના બારમા શ્લોકમાં संन्यासिनां પદ વાપર્યું છે. સાચો સાધુ તો તે છે કે પુરુષાર્થ પૂર્ણ કરે ને ફળ પરમાત્માને અર્પે. (अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मण: फलम्‌ भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित्‌ (१८/१२) વળી अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य:। स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रिय: (६/१) એવા સાધકને (સાધુને) કર્મનું ફળ આ લોકમાં કે પરલોકમાં ક્યાંય નથી ભોગવવું પડતું. જો કર્મફળનો સંબંધ ભગવાને જોડ્યો હોત તો જીવ કદી કર્મફળથી મુક્ત ન થાત.

બીજા અધ્યાયના સુડતાલીસમા શ્લોકમાં ભગવાન કહે છે કે, નળ कर्मफल हेतुर्भू (૨/૪૭) અર્થાત્કર્મફળના હેતુ પણ તું ન બન. તાત્પર્ય એ થયું કે સુખી દુઃખી થવું અથવા ન થવું અને કર્મફળની ઈચ્છાવાળા બનવું અથવા ન બનવું એ સાધકના હાથમાં છે પણ કર્મ કરવું કે ન કરવું એ સાધકના હાથમાં નથી. એ તો પ્રકૃતિ તેને પરાણે કર્મ કરાવે છે. તે કર્મરહિત કયારેય રહી શકતો નથી પણ જીવની વિચારધારા ભગવાનની વિચારધારા કરતાં ઊંધી છે. ભગવાન કહે છે કે જીવ નિષ્ક્રિય રહી શકતો નથી તો અર્જુન કહે છે મહારાજ હું તે છોડી દઉં. ભગવાન કહે છે, તારે તે કર્મફળ છોડવાનું છે. તેની ઈચ્છા નથી રાખવાની તો તે છોડી શકતો નથી. જો કર્મફળનો સંબંધ ભગવાનનો બનાવેલો હોત તો સાધક કદી સુખ-દુઃખમાં સમાન ન થઈ શકત અને નિષ્કામભાવથી કર્મ કે સેવા પણ ન કરી શકત. જે નિષ્કામ કર્મ કે નિષ્કામ સેવાનો ભગવાન અતિ આગ્રહ રાખે છે.

અહીં એક શંકા થાય છે કે શ્રુતિમાં આવે છે કે ‘एष ह्येव साधु कर्म कारयति तं यमेभ्यो लोकेभ्यो अन्निनीषत। एष ह्येवासाधुकर्म कारयति तं यमधो निनीषते (कौषीतकि ३/८)’ ભગવાન જેની ઊર્ધ્વગતિ કરવા ઈચ્છે છે તેના દ્વારા શુભ કર્મો કરાવે છે અને જેની અધોગતિ કરવા ઈચ્છે છે તેના દ્વારા અશુભ કર્મો કરાવે છે. જ્યારે ભગવાન જ શુભાશુભ કર્મો કરાવે છે તો પછી ભગવાન કોઈના કર્તૃત્વ, કર્મ અને કર્મફળ-સંયોગની રચના નથી કરતા-એમ કહેવું એ તો શ્રુતિ સાથે વિરોધ થયો. તેનું સમાધાન એમ છે કે વાસ્તવમાં શ્રુતિના ઉપર્યુક્ત કથનનું તાત્પર્ય એમ છે કે શુભાશુભ કર્મો કરાવીને જીવની ઊર્ધ્વગતિ કે અધોગતિ કરવાનું નથી. ઊલટાનું પ્રારબ્ધ અનુસાર કર્મફળ ભોગવાવીને તેને શુદ્ધ કરવાનું છે. તેને ફળથી મુક્ત કરવાનું છે. મૂળમાં શુભ (પુણ્ય) અને અશુભ (પાપ) કર્મ કામનાને વશ થઈને જ કરે છે. (૩/૩૭) જેમનું ફળ ક્રમશઃ ઊર્ધ્વગતિ (સ્વરગાદિ) અને અધોગતિ (નરક પ્રાપ્તિ) થાય છે. અર્થાત્મનુષ્ય શુભ કર્મોનું ફળ જેવી રીતે ભોગવીને તેમાંથી મુકાય ભગવાન કૃપા કરીને તેવી પરિસ્થિતિ સર્જી આપે છે ને એવી બુદ્ધિ પણ આપે છે. જે તેના પ્રારબ્ધને જોઈને ભગવાન સજરે છે. આમાં પણ ભગવાનનો આશય તેનાં કર્મનો બોજ ઓછો કરવાનો છે. એની અંદર ફસાવવાનો નથી.

જો શ્રુતિનો એવો જ અર્થ લેવામાં આવે કે ભગવાન જેની ઊર્ધ્વગતિ અને અધોગતિ કરવાને ઈચ્છે છે, તેના દ્વારા તેને અનુસારે શુભ અને અશુભ કર્મ કરાવે છે. તો તો પછી મનુષ્યો કર્મો કરવામાં સર્વથા પરાધીન થઈ જશે અને શાસ્ત્રો, ગુરુઓ વગેરેનો વિધિનિષેધ વગેરે વ્યર્થ થઈ જશે પણ તે તો શકય નથી. આથી શ્રુતિનું તાત્પર્ય કર્મોનું ફળ ભોગવાવી મનુષ્યને શુદ્ધ કરીને તેનાથી મુક્ત કરવાનું જ યોગ્ય પ્રતીત થાય છે.

स्वभावस्तु प्रवर्तते-કર્તાપણું, કર્મ અને કર્મફળનો સંબંધ આ ત્રણેને મનુષ્ય પોતાના સ્વભાવને વશ થઈને આચરે છે. અર્થાત્રાગને વશ થઈને આચરે છે.स्वभावस्तु प्रवर्तते અર્થાત્ राग एव प्रवर्तते  તેમાં રાગ જ કારણ છે. ભગવાનની ગણતરી છે કે ક્રિયા તો પ્રકૃતિમાં પ્રર્વતે છે. સ્વભાવ પદ વ્યષ્ટિ પ્રકૃતિ (આદત-એ પણ રાગના પરિપાકરૂપે બનેલી ટેવ)નું વાચક છે જેને જીવે ખુદ ઘડેલો છે. જ્યાં સુધી સ્વભાવમાં રાગદ્વેષ રહે છે ત્યાં સુધી તે શુદ્ધ નથી થતો. તે જીવ સ્વભાવાધીન રહે છે. ત્રીજા અધ્યાયના તેત્રીસમા શ્લોકમાં सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि।

प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति।।

એ જ વાત ભગવાને અહીં स्वभावस्तु प्रवर्तते શબ્દોથી કહી છે. જ્યાં સુધી સ્વભાવ સાથે એટલે કે સાંસારિક રાગ સાથે જીવે સંબંધ માની લીધો છે, ત્યાં સુધી કર્તાપણું, ક્રિયા અને કર્મફળની સાથેનો સંબંધ-તેનાથી જીવ અલગ થઈ શકતો નથી. તેના બંધન કે નિયંત્રણથી છૂટી શકતો નથી. આ પદો કહેવા પાછળ ભગવાનનો આશય એ છે કે કર્તૃત્વ, કર્મ અને કર્મફળસંયોગ (ભોકતૃત્વ) એ ત્રણે જીવના પોતાનાં ઘડેલાં છે. એટલા માટે તે પોતે તેનો ત્યાગ કરવામાં સ્વતંત્ર છે. એટલું જ નહિ પણ પોતે જો ધારે તો જ શકય બને. બીજા ગમે તેટલું સમજાવે કે ઉપદેશ દે તો પણ અથવા ખુદ ભગવાનની ઈચ્છા હોય તો પણ તેનાથી જુદો ન પડે અને એ ભાવમાં જ ભગવાને उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्‌ (६/५) જ્યાં સુધી પોતાને બંધનની ગ્લાનિ નથી થતી, પોતાને બંધનનો કંટાળો નથી આવતો અને પોતાને બર્નિંગ ડીઝાયર નથી જાગતી ત્યાં સુધી એ દૂર થવું શક્ય નથી.

नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु:।
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तव:।।१५।।

અર્થઃ સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપકર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભકર્મને; પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે.

प्रभु શ્લોકમાં જેને પ્ધૂઃ પદથી કહેવામાં આવ્યાં છે, તેને જ અહીં विभु પદથી કહ્યાં છે.

કર્મફળના ભાગીદાર બનવાનું બે રીતે થાય છે. જે કર્મ કરે છે તે પણ કર્મફળનો ભાગીદાર થાય છે અને જે બીજા દ્વારા કર્મ કરાવે છે, તે પણ કર્મફળનો ભાગીદાર થાય છે. પરમાત્મા ન તો કોઈના કર્મને કરવાવાળા છે અને ન કર્મ કરાવવાવાળા છે. આથી તે કોઈના પણ કર્મફળના ભાગીદાર નથી થઈ શકતા.

સૂર્ય સમગ્ર જગતને પ્રકાશ આપે છે અને એ પ્રકાશની અંતર્ગત મનુષ્યો પાપ અને પુણ્ય કર્મો કરે છે. સૂર્ય તમામ કાર્યના પ્રેરણાદાતા બને છે તો પણ તે કાર્યો સાથે સૂર્યને કિચિંત્માત્ર પણ સંબંધ નથી. જ્યારે ચક્રવર્તી રાજાના રાજ્યમાં રાજા અનુસારે પ્રજા પ્રેરણા પામીને પાપ અથવા પુણ્ય વધારે કરે છે તો તે તે કર્મોનાં ફળનો ભાગ રાજાને મળે છે શા માટે? તો સૂર્યને મમતા નથી પણ રાજાને પોતાની પ્રજામાં મમતા કે સ્વાર્થ અથવા મારાપણાનો સંબંધ છે. સૂર્ય પરમ કર્મયોગી છે. તેમ પરમાત્મતત્ત્વ પાસેથી તમામ સંસાર સત્તાને પામે છે. અર્થાત્પ્રકૃતિ તેમાંથી જ સત્તા મેળવે છે અને પ્રાણીમાત્ર તેને આધારે જ ક્રિયામાત્ર કરે છે. તો પણ પરમાત્માને તેના પુણ્ય પાપ સાથે લેશ માત્ર સંબંધ નથી. કારણ કે ભગવાને મનુષ્યને સ્વતંત્ર સત્તા આપી છે. આથી મનુષ્ય તે કર્મના ફળનો ભાગીદાર પોતાને પણ માની શકે છે. ભગવાનને પણ તેના કર્તા માની શકે છે. કદાચ જો મનુષ્ય ભગવાનને કર્તા હર્તા માને તો પણ તેનો સંબંધ ભગવાનને સ્પર્શતો નથી. હા જરૂર, તે સાધક તેના શુભાશુભ ફળથી તરી શકે અને ક્રિયાનો સંબંધ તો પ્રકૃતિમાં ચાલ્યો જાય છે. માટે સાધક તમામ કર્મો અને કર્મોનાં ફળો ભગવાનને અર્પણ કરી શકે છે. સંસારનાં કર્મોથી છૂટવાનો શ્રેષ્ઠતમ ઉપાય પણ એ જ છે કે, તમામ કર્મો તથા કર્મોનાં ફળ ભગવાનના ચરણમાં અર્પિત કરવાં. ભગવાને આપેલી કર્મોની સ્વતંત્રતાનો જે મનુષ્ય દુરુપયોગ કરીને તે કર્મોનો કર્તા-ભોક્તા પોતાને માની લે છે, તે બંધનમાં પડી જાય છે. તેનાં કર્મો અને કર્મફળને ભગવાન ગ્રહણ નથી કરતા; પરંતુ જે મનુષ્ય કે સાધક પરમાત્માએ આપેલી કર્મની તે સ્વતંત્રતાનો સદુપયોગ કરીને કર્મ અને કર્મફળ ભગવાનને અર્પણ કરે છે, તે કર્મના બંધનથી મુક્ત થઈ જાય છે. પરમાત્માના ચરણને પામે છે. અહીં कस्यचित्‌ શબ્દનો પ્રયોગ કરીને ભગવાન એ બતાવે છે, કે પોતાને કર્તા અને ભોક્તા માનીને કર્મો કરવાવાળા સામાન્ય મનુષ્યોની વાત ભગવાન અહીં કહે છે પણ ભગવાન તો ભાવગ્રાહી છે. માટે અનન્ય ભક્ત સાધક જ્યારે ભાવથી ભગવાનનને પત્ર,પુષ્પ કોઈ પણ પદાર્થ ભાવથી અર્પણ કરે છે, ત્યારે તો ભગવાન આદરપૂર્વક તે પદાર્થને સંપૂણપણે સ્વીકારે છે, ગ્રહણ કરે છે. (૯-૨૬/૨૭)

अज्ञानेनावृतम्‌ ज्ञानम्‌-સ્વરૂપનું જ્ઞાન બધા મનુષ્યોમાં સ્વતઃસિદ્ધ છે; પરંતુ અજ્ઞાન દ્વારા આ જ્ઞાન ઢંકાયેલું છે. એ અજ્ઞાનને કારણે જીવો મૂઢતાને પ્રાપ્ત થઈ રહ્યા છે. પોતાને કર્મોનો કર્તા માનવા એ મૂઢતા છે. अहंकार विमूढात्मा कर्ताऽहं इति मन्यते (३/२७) અહંકાર એ અતિ વિમૂઢતા છે. ભગવાન દ્વારા દરેક મનુષ્યોને વિવેક આાપવામાં આવ્યો છે. જેના દ્વારા આ મૂઢતાનો નાશ કરી શકાય છે. તેથી જ તો આ અધ્યાયમાં नैव किञ्चित्‌ करोमीति युक्तो मन्येत तत्त्ववित्‌ (५/८) अमै सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी વિવેકથી અહંકારનો ત્યાગ કરવો.

अज्ञान શબ્દમાં જે नञ्‌ સમાસ તે જ્ઞાનના અભાવનો વાચક નથી; પરંતુ અલ્પજ્ઞાન અર્થાત્અધૂરા જ્ઞાનનો વાચક છે. વિપરીત જ્ઞાન-ઊંધા જ્ઞાનનો વાચક છે. કારણ કે આજ શ્લોકમાં અજ્ઞાનથી મોહ થવાનું બતાવ્યું છે. મોહ એટલે આત્મકલ્યાણથી વિપરીત જ્ઞાન. (मुह्‌ वैचित्ये) કારણ કે જ્ઞાનનો કદી અભાવ થતો જ નથી. તે સ્વરૂપાનુબંધી ધર્મ છે. તેથી તેનો અભાવ થવો શકય નથી. વળી એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે અજ્ઞાન છે તે તેને સક્રિય માનવું કે નિષ્ક્રિય માનવું ? તો તેનું સમાધાન એ છે કે, આપાતતઃ અજ્ઞાન ક્રિયા રહિત દેખાય છે, તે સાચું નથી. કારણ કે અજ્ઞાનમાંથી થયેલા મોહ, સ્વભાવ, રાગ વગેરે પ્રબળ ક્રિયાઓ લઈને ઊઠે છે. દબાવ્યા પણ દબાતા નથી. તેથી જ તો ભગવાન તેને બળાત્કારથી સ્વભાવાનુસાર ચેષ્ટા કરાવે છે. તેથી અજ્ઞાન પણ સક્રિય છે, ચેષ્ટા કરાવનારું છે.ઊલટું તે જ્ઞાન કરતાં વધારે વેગથી પ્રવૃત્તિ કરાવનારું છે પણ એ બધી પોતાના કલ્યાણથી ઊંધી પ્રવૃત્તિ કરાવનારા છે પણ શાંત બેસનારા છે એવું નથી.

તેથી તાત્પર્ય એ થયું કે જ્ઞાનનો કદી અભાવ થતો જ નથી. ચાહે તેનો અનુભવ થાય અથવા ન થાય. તેથી અધૂરું જ્ઞાન અથવા ઊંધું જ્ઞાન એ જ અજ્ઞાન છે. ઈન્દ્રિયો અને મનનું જ્ઞાન અધૂરું છે અથવા કલ્યાણના માર્ગથી ઊંધી પ્રેરણા આપનારું છે. તેને જ વધારે મહત્ત્વ આપવાથી અથવા તેના પ્રભાવથી પ્રભાવિત થવાથી વાસ્તવિક જ્ઞાન તરફ અર્થાત્સ્વરૂપાનુબંધી જ્ઞાન તરફ દૃષ્ટિ જતી નથી. આને જ અજ્ઞાન દ્વારા જ્ઞાનનું ઢંકાયેલું હોવું કહેવામાં આવ્યું છે.

ઈન્દ્રિયોનું જ્ઞાન સીમિત છે. ઈન્દ્રિયોના જ્ઞાનની અપેક્ષાએ બુદ્ધિનું જ્ઞાન અસીમ છે; પરંતુ બુદ્ધિનું જ્ઞાન મન અને ઈન્દ્રિયોના જ્ઞાનને જ પ્રકાશિત કરે છે અર્થાત્બુદ્ધિ પોતે પોતાના વિષય પદાર્થોને જ પ્રકાશિત કરે છે. બુદ્ધિ જે પ્રકૃતિનું કાર્ય છે,તે બુદ્ધિનું કારણ પ્રકૃતિ છે. તેને બુદ્ધિ પ્રકાશિત કરી શકતી નથી. ત્યારે પ્રકૃતિથી પર એવા જે પરમાત્મા તેને તો બુદ્ધિ પ્રકાશિત કેવી રીતે કરી શકે? માટે બુદ્ધિનું જ્ઞાન અધૂરું છે. તે પરમાત્મતત્ત્વનું જ્ઞાન તો શાસ્ત્રને આધારે સાચા મહાપુરુષો પાસેથી મળે છે પણ તેને આપણી બુદ્ધિ કયારેક કબૂલ નથી કરતી.

तेन मुह्यन्ति जन्तव: ભગવાને जन्तव: પદ વાપરીને મનુષ્યોને ફટકાર્યા છે કે જે મનુષ્યો વિવેકને, મહાપુરુષોને પણ મહત્ત્વ નહિ આપીને કેવળ પોતાની જ અધૂરી બુદ્ધિને મહત્ત્વ આપે છે, તે જંતુ માત્ર છે અર્થાત્પશુ જ છે.

ज्ञानं हि तेषां अधिको विशेषो ज्ञानेन हीना: पशुभि: समाना: (चाणक्य नीति ૧૭/૧૭) કારણ કે તેમના જ્ઞાનમાં અને પશુઓના જ્ઞાનમાં કોઈ ફેર નથી. આકૃતિ માત્રથી કોઈ મનુષ્ય બની જતો નથી અને કષાયામ્બર વેશ માત્રથી કોઈ સાધુ બની જતો નથી. એ તો એની વિચારધારા પશુઓથી બદલાય, તો એ મનુષ્ય બને છે. સાધુ પુરુષોની (ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરેની) વિચારધારામાં જીવતો થાય ત્યારે તે સાધુ ગણાય છે. ઈન્દ્રિયો દ્વારા ભોગો તો પશુઓ પણ ભોગવે છે. એ તો ભોગોની વિચારધારા છે. કેવળ ભોગો જ ભોગવવા એ મનુષ્ય જીવનનું લક્ષ્ય નથી. એ મનુષ્યત્વની વિચારધારા નથી. નિષ્કામભાવ વધારીને પરમાત્માને રાજી કરવા, સત્સંગની અને ભગવાનના ભક્તની સેવા કરવી એ સાધક-ભક્તની વિચારધારા છે. સુખ-દુઃખથી રહિત થઈને પરમાત્માને પામવા એ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. જેને પોતાના કર્તવ્યનું અને અકર્તવ્યનું ભાન છે તેને સાધક કહેવાય છે.

પોતાને કર્મોનો કર્તા માનીને, કર્મફળની ઈચ્છાવાળા બનીને સુખીદુઃખી થઈ જવું. તેને અજ્ઞાનથી મોહિત થવું કહેવાય છે. અમારાથી આમ જ થઈ શકે, તેનાથી વધારે કંઈ ન કરી શકીએ. એ અજ્ઞાનથી મોહિત થવું કહેવાય.

જીવ સ્વરૂપથી સુખદુઃખથી રહિત છે. કેવળ પોતાની મૂર્ખતાને કારણે જ તેણે મમતા અને રાગ નિર્માણ કરીને, કર્તાભાવ લાવી કર્મફળની સાથે સંબંધ જોડીને સુખી દુઃખી થાય છે. આ મૂઢતાથી જ तेन मुह्यन्ति તેનાથી ફસાય છે. પોતાના વિવેકને વધારીને મૂઢતાને મિટાવી શકાય છે.

ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मन:।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम्‌।।१६।।

અર્થઃ પણ જેમનું એ અજ્ઞાન જ્ઞાન વડે નાશ પામ્યું છે તેમનુ તે જ્ઞાન જેમ સૂર્ય દિવસે સઘળું પ્રકાશિત કરી દે છે તેમ પરમતત્ત્વને પ્રગટ કરી દે છે.

આગળના શ્લોકથી ઊલટું બતાવવા અહીં तु શબ્દનો પ્રયોગ કર્યો છે.

પોતાની સત્તાને અને શરીરને અલગ-અલગ માનવા એ જ્ઞાન છે અને એક માનવા એ અજ્ઞાન છે. એટલે કે દેહભાવની સાથે એકતા સાધી લેવી એ મોટું અજ્ઞાન છે. (વચ.ગ.પ્ર.૨૦) મહારાજે કહ્યું કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે? તો પોતે પોતાને જોતો નથી અર્થાત્દેહથી પોતાને અલગ સ્વરૂપે જોતો નથી અને દેહરૂપે જ પોતાને જોયા કરે છે તે અતિશય અજ્ઞાનીમાં પણ મોટો અજ્ઞાની છે.

આ ઉત્પત્તિ વિનાશશીલ સંસારના કોઈભાગમાં આપણને ફીટ કરી દેવા અર્થાત્હું પુરુષ છું, ગૌર છું, હોશિયાર છું, ધનવાન છું વગેરે ભાગમાં અહં જે ફીટ કરી દેવું ને ‘હું’ પણું કરી લેવું તે અહંતા છે. જગતના કોઈ ભાગને પોતામાં ફીટ કરી દીધો અર્થાત્મારું રૂપ, મારી હોશિયારી, મારી આવડત, મારા ગુણ, મારું ધન, કુટુંબ, માન વગેરેને મમતા કહેવાય છે. ભગવાન કહે છે કે તેનાથી પોતાને અલગ માનવું. અહં અને મમતાના કેન્દ્રો જે છે, તેનાથી પોતાના સ્વરૂપને અલગ ભાવિત કરીને બ્રહ્મરૂપ અને પરમાત્માનો સેવક તરીકે પોતાને માનવો. તે જ્ઞાનથી અજ્ઞાનને નાશ કર્યું કહેવાય. અથવા વિવેકથી અજ્ઞાનનો નાશ કર્યો કહેવાય એ વિવેક છે. તેને પોતાના અંતર્યામી પરમાત્માનો પણ અનુભવ કરાવી દે છે.

तेषामादित्यवज्ज्ञानम्‌… વિવેક જાગ્રત થતાં તેનું અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાન તો જીવાત્માનો સ્વતઃસિદ્ધ ધર્મ છે, તેનો પ્રકાશ થાય છે. प्रकाशयतिનું તાત્પર્ય છે કે સૂર્યનો ઉદય થતાં નવી વસ્તુઓનું નિર્માણ નથી થતું-પણ અંધકારના ઢંકાઈ જવાને કારણે જે વસ્તુ દેખાતી ન હતી, તે દેખાવા લાગી જાય છે. એ જ રીતે અજ્ઞાનથી આવરિત થયેલો અંતર્યામીનો સાક્ષાત્કાર આવરણ દૂર થતાં સિદ્ધ થાય છે. તેને પરમાત્માનો અનુભવ થાય છે.

तद्‌बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणा:।
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषा:।।१७।।

અર્થઃ જેમનાં મન, બુદ્ધિ, નિષ્ઠા અને આશ્રય ભગવાનને વિશે સ્થિર થયાં છે તેમના બધાં પાપ પૂર્ણ જ્ઞાન વડે ધોવાઈ જાય છે અને મોક્ષ પામે છે.

तद्‌बुद्धयस्तदात्मान… પરમાત્માનો અનુભવ કરવા માટે બે પ્રકારનાં સાધનો છે-એક તો વિવેક દ્વારા અસત્નો ત્યાગ કરીને સત્માં સ્થિતિ થાય છે. બીજું સત્નું ચિંતન કરતાં કરતાં સત્ની પ્રાપ્તિ થાય છે. અર્થાત્પરમાત્માથી ઈતરનો ત્યાગ કરવાથી પરમાત્મામાં સ્થિતિ થાય છે અને પરમાત્માનું જ ચિંતન કરતાં કરતાં પરમાત્મામાં સ્થિતિ થઈ જાય છે. ચિંતન કરવા માત્રથી સત્ની જ પ્રાપ્તિ થાય છે. ચિંતન કરવા માત્રથી અસત્ની પ્રાપ્તિ થઈ જતી નથી. અર્થાત્પરમાત્માનું ચિંતન કરતાં કરતાં પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે પણ જગતનું ચિંતન કરવાથી જે જોઈતું હોય તે જગત સંબંધી પદાર્થ પ્રાપ્ત થઈ જાય એવું નથી. જગત સંબંધી પદાર્થ તો કર્મે કરીને પ્રાપ્ત થાય. માત્ર ચિંતન કર્યે રાખવાથી નહીં. ઉત્પત્તિ વિનાશશીલ વસ્તુ કર્મથી મળે છે. જે નિત્ય અને પરિપૂર્ણ વસ્તુ છે અર્થાત્પરમાત્માનું સ્વરૂપ છે તથા આત્મસ્વરૂપ છે. તેનું ચિંતન કરતા રહેવાથી તેની પ્રાપ્તિ થઈ જાય છે. તે કેવી રીતે થાય છે, તે આ શ્લોકમાં બતાવે છે.

तद्‌बुद्धय: तद्‌ શબ્દથી પૂર્વમાં પરામર્શિત થયેલ પરમાત્મતત્ત્વ કહેવામાં આવે છે અથવા જ્ઞાનનું સ્વરૂપ तद्‌ શબ્દથી કહેવામાં આવે છે. પરમાત્માના અનુભવમાં અધ્યવસાય સૌ પ્રથમ જરૂરી છે, મહત્ત્વનો છે. તેથી પ્રથમ પરમાત્માને પામવાને અધ્યવસાય-નિશ્ચય થવો જોઈએ કે મારે એ પરમાત્મતત્ત્વને પામવું જ છે. સાક્ષાત્કાર કરવો જ છે. એવો દૃઢ નિશ્ચય થવો જોઈએ. ત્યાર પછી तदात्मान: અર્થાત્તેમાં મન લાગી જવું જોઈએ. આત્મ શબ્દ અહીં મનને માટે વપરાયો છે. જો સાચે જ અધ્યવસાય થયો હોય તો મન પરમાત્માના સ્વરૂપમાં લગાડવું કે તેનો રસ લેવો કઠિન પડતો નથી. ત્યારે સંસાર આપોઆપ તેના અંતરમાંથી હઠવા લાગે છે. ત્યાર પછી તન્નિષ્ઠ થવાય છે. स्था ધાતુ ગતિનિવૃત્તિનો વાચક છે અર્થાત્ निष्‌ ઉપસર્ગપૂર્વક स्था ધાતુ છે. અર્થાત્પરમાત્માના સ્વરૂપથી ચલિત થઈને તેની તમામ ગતિઓ નિવૃત્ત થઈ જાય. નિષેધ થઈ જાય ત્યારે તન્નિષ્ઠપણું આવે છે. મનમાં વારંવાર તીવ્ર વેગથી ચિંતન થવાથી એવી સ્થિતિ આવે છે. ત્યાર પછી तत्परायणा:। अयन-શબ્દ અહીં પ્રાપ્ય અર્થમાં વપરાયો છે તેને પ્રાપ્ત કરવા માટેનું એક માત્ર સ્થાન જ પરમાત્મા છે. એવો તે બને છે ત્યારે તેના તમામ કલ્મષ દૂર થાય છે. તેના તમામ દોષો, ખામીઓ દૂર થઈને પરમશુદ્ધ સ્વરૂપ બને છે અને તે અપુનરાવૃતિ-ગતિને પામે છે. અસત્ની સાથેનો સંગ જ પુનરાવૃતિનું કારણ બને છે. તેની નિવૃત્તિ થવાથી પુનરાવૃત્તિપણું દૂર થાય છે.

विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि।
शुनि चैव श्वपाके च पण्डिता: समदर्शिन:।।१८।।

અર્થઃ એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાંયે સમાન દૃષ્ટિવાળા જ હોય છે.

विद्याविनयसंपन्ने… અહીં ઘણાનું માનવું છે કે વિદ્યાવિનયસંપન્ન એ બ્રાહ્મણ શબ્દનું વિશેષણ નથી પર વિદ્યાવિનયસંપન્ન એવી એક સ્વતંત્ર વ્યક્તિ એવો અર્થ લેવામાં આવે છે. (રા.ભા.) તેમાં કારણ એ આપવામાં આવે છે કે सप्तम्यर्थક્સ દરેક શબ્દો સ્વતંત્ર વ્યક્તિત્વવાળા છે. જો સમાનાધિકરણ કરવું હોય તો તે વિશેષણ દરેકમાં ચાલ્યું જશે પણ તે શકય નથી. માટે સ્વતંત્ર લેવું. ઘણા માને છે કે બ્રાહ્મણનું વિશેષણ લેવું. છતાં શ્લોકમાં વધારે સમત્વ પર જ મહત્ત્વ અપાયું છે. તેને વિશેષણ તરીકે લેવાય અથવા ન લેવાય તેનો ઝાઝો મહિમા નથી.

અહીં જે બ્રાહ્મણના બે વિશેષણ-વિદ્યા અને વિનય આપ્યાં છે. વિદ્વાન હોવા છતાં વિનમ્રતા ખૂબ જ દુર્લભ બની જાય છે. વિદ્વતાના અભિમાનથી રહિત છે. વળી બ્રાહ્મણ છે,માટે તેનું પૂર્ણ વ્યક્તિત્વ છે. જ્યાં પૂર્ણતા હોય છે ત્યાં અભિમાન નથી હોતું. જ્યાં અધુરાઈ હોય છે ત્યાં અભિમાન વિશેષ હોય છે.

અહીં ભગવાન બતાવે છે બ્રાહ્મણ અને ચંડાળ, ગાય અને કૂતરો, હાથી અને કીડી વગેરે વિભિન્ન ભાવોવાળા, આકારવાળા, વૃત્તિવાળા જીવોમાં પણ પૂર્ણતાને પામેલો સાધક સમદૃષ્ટિ રાખે છે અર્થાત્દરેકમાં પરમાત્માને દેખે છે. સમતાનું તાત્પર્ય પરમાત્મામાં આત્મીયતા થાય તો તેના રાગ દ્વેષ, મારું તારું દૂર થાય છે. સંસારમાં સમતા આવે છે. પરમાત્મામાં સાચી મમતા અને તેની પ્રતિક્રિયાના રૂપમાં સંસારમાં સમતા આવે છે. ઉપરના દરેકમાં વ્યવહારની વિષમતા તો જરૂર રહેવાની જ છે. તેઓમાં સમાન વ્યવહાર શાસ્ત્ર પણ નથી બતાવતું. તેમ કરવું તે ઉચિત પણ નથી અને કરવું શક્ય પણ નથી. જેમ કે પૂજન બ્રાહ્મણનું જ થઈ શકે, નહિ કે ચંડાળનું. દૂધ ગાયનું જ પીવાય, નહિ કે કૂતરીનું. સવારી હાથીની જ શોભે. આ બધાં ઉદાહરણો આપીને ભગવાન એ કહી રહ્યા છે કે એમના પ્રત્યેના વ્યવહારમાં સમતા સંભવિત નથી પણ તત્ત્વતઃ પરમાત્મા બધામાં પૂર્ણતઃ રહ્યા છે. આ પરમાત્માના છે, જે પરમાત્મા મારા છે. એવી આત્મીયતા શકય છે. મહાપુરુષોની દૃષ્ટિ એ પરમાત્મતત્ત્વને જ સદાસર્વદા દેખે છે. જેમ દરજી કે મોચીના વ્યવસાયવાળી વ્યક્તિ બજારમાં જાય ને ત્યાં અનેક વ્યક્તિઓને જુએ છે પણ દરજીનું તેના કપડાની બ્રાંડ, ફેશન કે કઈ કટના છે તે જ જોયા કરશે. કોણ કોણ વ્યક્તિ છે તેની તરફ તેનું ધ્યાન જ જતું નથી. તેવું જ મોચીનું પણ બનશે. તેમ મહાપુરુષનું ધ્યાન તેમાં રહેલા પૂર્ણતઃ પરમાત્મતત્ત્વ ઉપર જ રહે છે. વૃત્તિભેદ, આકારભેદ વગેરે ભેદો ઉપર જતું નથી.

અહીં એક શંકા થઈ શકે છે કે દૃષ્ટિ વિષમ થયા વિના વ્યવહારની વિષમતા કેવી રીતે શકય બને? તો એનું સમાધાન એ છે કે પોતાના શરીરનાં બધાં અંગો-મસ્તક, પગ, હાથ વગેરેમાં આપણી દૃષ્ટિ પોતાપણામાં અને હિતની ભાવનામાં સમાન રહે છે; છતાં પણ વ્યવહાર ભેદ છે. કોઈને પગ અડકી જાય તો ક્ષમા માગીએ છીએ, હાથ અડકી જાય તો નહિ. પ્રણામ મસ્તક અને હાથ વડે જ કરીએ છીએ. પગ વડે નહિ. અપવિત્ર અંગનો સ્પર્શ કરીને હાથ ધોઈએ છીએ. મસ્તક નહિ. આમ વ્યવહાર ભેદ છે પણ આત્મીયતામાં ભેદ નથી. એટલા માટે શરીરનું કોઈ પણ અંગ પીડિત હોય તો તેની સમાન જ સંભાળ લઈએ છીએ. ત્યાં ભેદ બુદ્ધિ નથી રાખતા. બધાં અંગોનાં દુઃખ દૂર કરવામાં સમાનતાનો ભાવ રહે છે. મહાપુરુષોને બીજા જીવોનાં દુઃખ દૂર કરવામાં બધા જ પ્રત્યે આત્મીયતા રહે છે. મમતા શબ્દ આત્મીયતાના પર્યાયમાં અહીં વપરાયો છે. પરમાત્મામાં આત્મીયતા આવે ત્યારે તેના સજર્નમાં પણ આત્મીયતા થાય છે. તેથી સમતા આવે છે. બધામાં પરમાત્માનો ભાવ રહે છે. બધા જ પરમાત્માના અંગરૂપ છે. એવી ભાવના રહે છે. એના અંતરમાં રાગ, દ્વેષ, મમતા, આસક્તિ, અભિમાન, પક્ષપાત, વિષમતા વગેરેનો સર્વથા અભાવ રહે છે. તેથી તેને સમદર્શી કહ્યા છે પણ સમવર્તી તેઓ નથી હોતા. યથાયોગ્ય વ્યવહાર ભેદ તો તેઓ કરે છે.

ગીતાની દૃષ્ટિએ સમતા એ પરમાત્માનું સ્વરૂપ છે समोऽहं सर्वभूतेषु… (૯/૨૯) જેનું મન સમતામાં સ્થિર થઈ જાય છે. તેઓ અહીં જીવતે જીવતે જ સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે ‘इहैव तैर्जित: सर्ग: येषां साम्ये स्थितं मन:’ (૫/૧૯) અને તે પરમાત્માનો પણ અનુભવ કરી લે છે. આવી સમતા ત્યારે આવે છે કે જ્યારે બીજાનું દુઃખ હોય તેને પોતાના દુઃખ તરીકે અનુભવે અને પોતાનું સુખ હોય તેને બીજાનું સુખ છે એમ અનુભવે, ત્યારે સમતા આવી ગણાય. અત્રે એ જ આત્મીયતાનું લક્ષણ છે. જેવી રીતે શરીરના કોઈપણ અંગમાં પીડા થતાં તેને દૂર કરવાની લગની લાગે છે, તેમ બીજાનું દુઃખ જાણીને તે પોતાના દુઃખ જેટલું કષ્ટદાયક અનુભવાય અને તેને દૂર કરવા લગની લાગી જાય ત્યારે સમતાનો અનુભવ કર્યો કહેવાય. આત્મીયતાનો અનુભવ કર્યો કહેવાય. સંતના લક્ષણમાં પણ એવો સ્વભાવ બતાવ્યો છે કે ‘વળી પરદુઃખ હરે હમેશ, એવા સંતને નામું હું શીશ’ ‘પરમકૃપાલુ સકલ જીવન પર હરિ સમ સબદુઃખ હારી’ જ્યાં સુધી પોતાના વ્યક્તિગત સુખની લાલસા હોય, ત્યાં સુધી સમતા (આત્મીયતા) પણ આવતી નથી અને સાધુતા પણ આવતી નથી. જ્યારે એવી લગની લાગી જાય કે બીજાઓને સુખ કેવી રીતે પહોંચે ? એમને આરામ કેમ થાય? એમને લાભ કેમ કરીને થાય? એમનું કલ્યાણ કેવી રીતે થાય? ત્યારે સમતા આપમેળે આવી જાય છે. સાધુતા પણ જલદી આવી જાય છે. જ્યાં સાંસારિક ભાવવાળી મમતા ન હોય ત્યાં આપણે સુખ પહોંચાડીએ અથવા જ્યાં સુખ પહોંચાડીએ છીએ ત્યાંથી મમતા ઊઠાવી લઈએ ત્યારે કર્મયોગ શકય બને છે. સાધુતા આવવી શકય બને છે. સ્વઆરાધનામાં તો અસાધુઓ પણ પાવરધા હોય છે. પોતાના શરીરની સેવા કરવી, તેને સુખ પહોંચાડવું એ કોઈ સમજદારી કે સાધુતા નથી. એ તો પશુઓ પણ કરે છે. વાંદરી પોતાના બચ્ચા પર એટલી મમતા રાખે છે કે તેને મરી ગયા પછી પણ છોડતી નથી ને છાતીમાં લઈ ફરે છે પણ જો જીવતું બચ્ચું જ્યારે પોતાને કોઈક ખાવાનું મળે ત્યારે આડેથી ખાવા આવે તો ઘૂરકે છે ને બચ્ચું ચીંચીં કરતું ભાગી જાય છે. જેની પાસે આપણો કોઈ સ્વાર્થ નથી, તેની સાથે પણ સારો વર્તાવ કરવો, તેનું હિત થાય તેમ કરવું. ત્યારે સમતા આવી ગણાય છે. તે प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रत: (૧૨/૪) ભગવાન કહે છે, જે બીજાના હિતનું જતન કરે છે અને પોતાની ફરજનું પાલન કરે છે, તે જ કર્મયોગને પામે છે. સાધુતાને પામે છે અને ભગવાન કહે મને પણ પામે છે. જે પોતાનું જ હિત જોતા શીખે છે ને બીજા બધાને કર્તવ્યપાલનમાં જ રાખવા ઈચ્છે છે તે કર્મયોગી, સાધુતા કે ભગવાન તેમાંથી કોઈને પામતો નથી, માત્ર ક્લેશ જ પામે છે.

સમતાનો અર્થ આચારમાં સમતા એવો નથી પણ પરમાત્મભાવમાં સમતા અથવા આત્મીયતા એવો અર્થ છે. આચારશુદ્ધિમાં તો સમતા પતન કરવાવાળી છે. એવો પશુઓમાં સમાન વર્તાવ જોવા મળે છે. કૂતરું રસોડામાં જાય તો હાથ-પગ ધોઈને નથી જતું. તેને બ્રાહ્મણ કે શુદ્રની રસોઈ બેય સમાન જ છે; પરંતુ મનુષ્યનો એવો વર્તાવ સમતા ન ગણાય. એ તો પશુતા ગણાય. સમતા તો એ છે કે બીજાનું દુઃખ દૂર કરવું, બીજાનું હિત કરવું, બીજાને સુખ પહોંચાડવું. તેમાં સમતા રાખવાની છે. આત્મીયતા રાખવાની છે. વર્તાવમાં તો સમતા નહિ, પવિત્રતા રાખવાની છે.જો આચારશુદ્ધિ હોય તો જ અંતઃકરણની શુદ્ધિ થાય, અંતઃકરણ પવિત્ર થાય.

इहैव तैर्जित: सर्गो येषां साम्ये स्थितं मन:।
निर्दोषं हि समं ब्रह्म तस्माद्‌ ब्रह्मणि ते स्थिता:।।१९।।

અર્થઃ જેમનું મન સમભાવમાં સ્થિર થયું છે, તેમણે આ દેહે જ સર્ગરૂપી સંસાર જીત્યો છે. તે બ્રહ્મની જેમ દોષમુકત છે અને બધી રીતે સમ છે તેથી તે બ્રહ્મમાં જ રહેલા છે.

‘‘इहैव तैजित:… येषां मन: साम्ये स्थितं (भवति) तै:’’ इह एव सर्ग: जित:। જેનું મન સમત્વભાવને પામી ગયું છે, સમ સ્થિતિમાં રહેવા સક્ષમ થયું છે, તેઓને મૃત્યુ પછી મુક્ત થવું એમ નથી. તે તો મૃત્યુ પહેલાં જીવતે સતે જ મુક્ત દશાને પામ્યો છે, એમ જાણવું. શ્રીજી મહારાજે આવી જ વાત વચ.ગ.મ.પ્ર. ૨૩મા કહી છે કે ‘મન કેવું છે તો, વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લુક જેવું થાય અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે …. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહિ અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહિ એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. સંસારના દ્વન્દ્વ ત્યારે જ છૂટી શકે છે જ્યારે તેની બુદ્ધિમાં પરમાત્માને પામવાનો કે પરમાત્માને પ્રસન્ન કરવાનો ઉદ્દેશ્ય જાગે. પરમાત્માને પામવાનું ધ્યેય સાકારિત થાય પરમાત્મામાં સાચી આત્મીયતા બંધાય. તે સિવાય શક્ય એ નથી. એના મનમાં પરમાત્માનો સંબંધ થયો છે એ કેમ જાણી શકાય? તો જેનું મન પરમાત્માને પામવાનો કે તેને પ્રસન્ન કરવાનો ઉદ્દેશ્ય રહે અને રાગદ્વેષમાં વ્યસ્ત થવાનો જેની પાસે સમય ન રહે ત્યારે જાણવું કે તેનું મન ભગવાનમાં નિમગ્ન થયું છે. ભગવાન સાથે આત્મીયતા આવી છે. પછી તેને સ્વભાવિક જ સમતા આવી જાય છે. સમતા લાવ્યે આવતી નથી. પરમાત્મામાં મન ચોટવાથી આપોઆપ આવી જાય છે. પરમાત્મામાં આત્મીયતા થવાથી આપોઆપ આવે છે. જેનાં મન, બુદ્ધિ ઉપર માન-અપમાન, નિંદાસ્તુતિ, સુખદુ;ખની અસર નથી પડતી અને રાગદ્વેષ, હર્ષશોક સવાર થતા નથી તેનું મન સમતામાં સ્થિત થયું કહેવાય છે. કારણ કે ઉદ્દેશ્યમાં ભગવાન તત્ત્વ આવ્યા સિવાય તેવું થવું અશક્ય છે. इह एव પદોનું તાત્પર્ય છે કે મૃત્યુ પછી તેને મુક્તિનો અનુભવ થાય છે એવું નથી પણ દેહ છતાં જ તેને મુક્ત સ્થિતિ અનુભવાય છે.

જેના મનમાં સાંસારિક પદાર્થોની કે માન-બડાઈની કામના છે તે મનુષ્ય બીજા પ્રાણી, રાજ્ય વગેરે ઉપર વિજય પ્રાપ્ત કરી લે તો પણ તે વાસ્તવમાં પરાજિત જ છે તેને શાંતિ થતી નથી. કારણ કે તેને સાંસારિક પદાર્થોની જ મહત્ત્વબુદ્ધિ છે. તેથી તેના અંતરમાં તે પદાર્થોની આધીનતા રહેવાની. શરીરથી વિજય તો પશુઓ પણ પ્રાપ્ત કરી લે છે પણ હૃદયમાંથી પદાર્થોની પરાધીનતા દૂર થાય ત્યારે જ તેણે सर्ग:जित: કહેવાય. કામના કે રાગ ઉત્પન્ન થતાં જ વ્યક્તિ રાગના કેન્દ્રને પરાધીન બની જાય છે. નિષ્કામ સાધકમાં કામનાનો અભાવ હોવાથી તેને સંસાર પરાધીન કરી શકતો નથી. તેથી તે સ્વાધીન થાય છે. સ્વાધીન પુરુષો જ વિજયી ગણાય છે. એવા પુરુષોના મનમાં કોઈ દિવસ બીજાને પરાધીન કરવાનો ભાવ થતો નથી. તેઓ સંસારની કિચિંત્માત્ર પણ આવશ્યકતાનો અનુભવ કરતા નથી. ઊલટાનો સંસારને તેની આવશ્યકતા અનુભવાય છે. જેણે સંસારને જીતી લીધો છે એવા સમદર્શી સાધકોને આ જગતનું મોટામાં મોટું સુખ (પ્રલોભન) પણ આકૃષ્ટ નથી કરી શકતું અને મોટામાં મોટું દુઃખ પણ ભગવાનના માર્ગથી વિચલિત નથી કરી શકતું. અનુકૂળતા પ્રતિકૂળતાની તેના અંતઃકરણ પર કોઈ અસર પડતી નથી.

જેટલા દોષો, વિકારો કે વિષમતાઓ છે તે બધા પ્રકૃતિ (સંસાર) સાથે રાગપૂર્વક સંબંધ બાંધવાથી જ આવે છે. પરમાત્મા સાથે સંબંધ બાંધવાથી તે દોષો, વિકારો કે વિષમતાઓ દૂર થઈ જાય છે. તેથી બતાવે છે કે निर्दोषं हि समं ब्रह्म પરમાત્મતત્ત્વ નિદરેષ છે. તેથી સમ પણ છે અને મહાપુરુષો તેની સાથે સંબંધવાળા છે. માટે તેનું અંતઃકરણ પણ નિદરેષ અને સમભાવવાળું બની જાય છે. અસત્ના સંગથી જ (રાગથી જ) તમામ દોષો અને વિષમતાઓની ઉત્પત્તિ થાય છે. સંસાર સાથે સંબંધ કે રાગ રાખીને દોષો અને વિષમતાઓથી બચવું અસંભવિત છે. વિકારોથી રહિત અંતઃકરણ છે, એ જ ભગવદ્સંબંધની ઓળખાણ છે. તેનાથી એમ પરિચય થાય છે કે તેને પરમાત્મામાં સ્થિતિ છે. ગીતામાં આવી સમતાને ‘યોગ’ કહ્યો છે ‘समत्वं योग उच्यते’ (૨/૪૮)

न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम्‌।
स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद्‌ ब्रह्मणि स्थित:।।२०।।

અર્થઃ જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિરબુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેત્તા મનુષ્ય પરમેશ્વરને જાણે છે અને બ્રહ્મરૂપ છે.

न प्रहृष्येत्प्रियं प्राप्य…શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેને અનુકૂળ પ્રાણી, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ વગેરેની પ્રાપ્તિ થવા ને ‘પ્રિય’ પામવું કહે છે. તે બધા પ્રતિકૂળની પ્રાપ્તિ થવી તેને ‘અપ્રિય’ પામવું કહે છે. આવા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થવા છતાં સાધકના અંતઃકરણમાં હર્ષ અને શોક નહિ થવા જોઈએ. અહીં પ્રિય અને અપ્રિયનો અર્થ એવો નથી કે તેને પ્રિય અને અપ્રિયનું જ્ઞાન કે ભાન જ નથી કે પ્રિય કે અપ્રિયની સંવેદના જ નથી. પ્રિય અને અપ્રિયનું જ્ઞાન થવામાં કોઈ દોષ નથી પણ અંતઃકરણમાં તેની અસર પડવી અર્થાત્પ્રિયને પામીને હર્ષ થવો અને અપ્રિયને પામીને શોક થવો તે દોષરૂપ છે. અનુકૂળ કે પ્રતિકૂળ પ્રાણી પદાર્થ પ્રત્યે રાગ કે દ્વેષ છે તે દોષરૂપ છે, માટે પ્રિય કે અપ્રિયને પામીને કે જાણીને પણ રાગ કે દ્વેષ પોતાના હૃદયમાં ઉદય થવા દેતો નથી ત્યારે જ નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાનો નિભાવ થઈ શકે છે.

પ્રીતિ અને અપ્રીતિનું જ્ઞાન તો અંતઃકરણમાં થાય છે. એટલે કે અનુકૂળ પ્રતિકૂળતાનું જ્ઞાન તો અંતઃકરણમાં થાય છે; પરંતુ હર્ષિત અને ઉદ્વિગ્ન તો કર્તા થાય છે. અર્થાત્હર્ષ ઉદ્વેગનું અધિષ્ઠાન તો કર્તા છે. રાગ અને અહંકારથી મોહિત થયેલ અને મમતાથી લિપ્ત થયેલો પુરુષ કરણવ્યાપારને અને તેના દ્વારા નિષ્પન્ન થતી ક્રિયાને પોતાના ઉપર ઓઢી લે છે પણ ક્રિયા કરતી વેળા તે કરણસમુદાયથી અલિપ્ત અને નોખો રહી શકતો નથી. કર્મયોગનું આચરણ એ અભ્યાસની પ્રયોગશાળા છે. તેમાં તેણે કરણસમુદાય અને ક્રિયાથી નોખો પડવાનો અભ્યાસ કરવાનો છે.

स्थिरबुद्धि-અહીં કર્મયોગનું પ્રકરણ ચાલી રહ્યું છે તેથી સ્થિરબુદ્ધિનો અર્થ છે સ્થિર નિશ્ચયવાળો કે સ્થિર નિર્ણયવાળો. સાંખ્યયોગમાં જેટલું તત્ત્વાનુભૂતિ કે તત્ત્વોના સાક્ષાત્કારનું મહત્ત્વ છે તેટલું મહત્ત્વ કર્મયોગમાં નિર્ણય ને નિશ્ચયનું છે. કર્મયોગીને આરંભ દશામાં સાક્ષાત્કાર નથી હોતો પણ રાગ, દ્વેષ, અહંતા, મમતામાં ઘસડાયા વિના પોતાના ધ્યેય કે ઉદ્દેશ્યનો નિર્ણય લેવાઈ જાય તો તે જરૂર પરમાત્મા પાસે પહોંચી જાય છે. પરમાત્માને પામવામાં જેટલું મહત્ત્વ જ્ઞાન-વૈરાગ્યનું છે, તેટલું જ મહત્ત્વ યોગ્ય રીતે લેવાયેલા નિર્ણય અને ઉદ્દેશ્યનું છે. તેથી પરમાત્મા પાસે પહોંચાડે તેવો અથવા પરમાત્મા પાસે પહોંચવાના સ્થિર નિર્ણયવાળાનો પર્યાર્ય અહીં. ब्रह्मणि स्थित: એવો આપ્યો છે. તેથી સ્થિર કે અચળ નિર્ણયવાળા કર્મયોગી કે નિષ્કામ સેવકને અહીં ‘સ્થિર બુદ્ધિ’ કહ્યો છે. જ્ઞાન વૈરાગ્ય વધારે બહેતર નિર્ણયના ઉપકરણો છે. જો તે પામીને પણ તે ન કરી શકે તો તેના જ્ઞાન વૈરાગ્ય નિરર્થક બની જશે. એના કરતાં તો જ્ઞાન-વૈરાગ્યની કદાચ ખામીવાળો હશે પણ સ્થિર નિર્ણયવાળો નિષ્કામ સેવક આગળ નીકળી જશે અને ભગવાન પાસે વહેલો પહોંચી જશે.

असम्मूढ: મોહ જેને પૂર્ણ વ્યાપી ગયો હોય તેને મૂઢ કહેવાય અને સમ્યક્સારી રીતે અર્થાત્કોઈ રીતે ઉખેડ્યો ઉખડે નહિ તેવી સ્થિતિમાં પહોંચી ગયો હોય, તેને અહીં સંમૂઢ શબ્દથી કહ્યો છે. તેનાથી ઊલટું असम्मूढ: એટલે કે તેનામાં મોહ કોઈ પ્રકારે પ્રવેશ કરી શકે તેમ ન હોય અર્થાત્મોહનો સારી રીતે નાશ કરી નાખ્યો હોય, તેને અહીં असम्मूढ: શબ્દથી કહ્યો છે. હવે मुह-वैचित्ये-ધાતુ પરથી મોહ શબ્દ બન્યો છે. वैचित्य એટલે મિથો (વિરુદ્ધ ચિંતન) પોતાનો ને પોતાના ચિંતનનો એક ભાગ હોય તે પોતાના જ ચિંતનનો ઘાત કરતું હોય કે પોતાના ચિંતનને નુકસાન કરી નાખતું હોય. અર્થાત્પોતાને કોઈ જાતના હકારાત્મક કે સારા નિર્ણય પર આવવા ન દે, તેવી પરિસ્થિતિ ઊભી થાય (અર્થાત્મોહ અવસ્થા કે મોહ પદાર્થ કે તત્ત્વ નથી) તેને મોહ કહેવાય છે. ખાસ કરીને તે ભગવાન. તત્ત્વ, વ્યક્તિ કે ભાગવત્તત્ત્વને પામવાના સાધનામાર્ગના નિર્ણયેનો ઘાતક છે તે નિર્ણયો થવા જ ન દે. તેથી જીવ તે માર્ગે ચાલી જ ન શકે.એ મોહની મજબૂરી છે. શ્રીજી મહારાજે પણ વચ.ગ.મ.પ્ર. ૧માં કહ્યું કે જેને મોહ વ્યાપે તેને ભ્રાંતિ વિશેષ થાય છે… અને તે પાછી જ્યારે ભગવાનના માર્ગમાં આવે છે ત્યારે ખૂબ મુશ્કેલીઓ સજરે છે તેથી અહીં કર્મયોગના અનુસંધાનમાં જ असम्मूढ: એટલે મોહરહિત અર્થાત્સ્પષ્ટ નિર્ણયવાળો છે કે મારે ભગવાન પાસે જવાનું છે અને ભગવાનના ભક્તની સેવા જ કરવી છે. એવો નિર્ણય સ્પષ્ટ હોય તેને અહીં असम्मूढ: શબ્દથી બતાવ્યો છે.

ब्रह्मवित्‌… પરમાત્માથી અલગ પડીને પરમાત્માની સાચી અનુભૂતિ થતી નથી. અર્થાત્ પરમાત્મા સાથે તાદાત્મ્ય સંબંધ કેળવ્યા સિવાય પરમાત્માને યથાર્ય જાણી શકાતા નથી (પરંતુ અનુમાન કરી શકે છે અથવા અનુમાનિત નિર્ણય-નિશ્ચય કરી શકે છે) જ્યારે માયાતત્ત્વ ભગવાનથી અલગ સ્વભાવવાળું છે. તેનાથી નોખા પડ્યા સિવાય તેનો યથાર્થ નિર્ણય લઈ શકાતો નથી. અર્થાત્જો લેવામાં આવે તો તે સાચો હોતો નથી. માટે તેનાથી સંપૂર્ણ અલગ થવાની જરૂર છે. જ્યારે પરમાત્માને જાણવા માટે તેની સાથે તાદાત્મ્ય કેળવવું પડે છે. એનું તાત્પર્ય એ છે કે અનુકૂળતામાં न प्रहृष्येत्‌ અને પ્રતિકૂળમાં न उद्विजेत्‌ એમ અભ્યાસ કરતાં કરતાં કર્મયોગ કરવો. જેથી પરમાત્મતત્ત્વનો જલદી અનુભવ થશે અને તે બ્રહ્મવિત્થશે. ત્યારે બ્રહ્મમાં સ્થિતિવાળો પણ થશે. અર્થાત્પરમાત્મામાં રહેવાવાળો, પરમાત્મામાં નિવાસ કરવાવાળો થશે. પરમાત્મામાં રહેવાવાળાનું તાત્પર્ય છે, પરમાત્મામાં મન રાખવાવાળો થશે. પરમાત્માની અંદર સ્થિતિ એ માનસિક છે, મનને રાખવું તે છે. પરમાત્મા કોઈ એવો સાંસારિક પદાર્થ નથી કે તેમાં ઘરની જેમ નિવાસ થઈ શકે. માટે તેમાં જેટલું મન રહી શકે તેટલો તે ब्रह्मणि स्थित: થયો કહેવાય. જ્યારે સ્વાભાવિકપણે જ મન ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગે અને પરમાત્માને છોડીને બીજું ચિંતન કરે નહિ, ત્યારે બ્રહ્મમાં સ્થિતિ થઈ જાણવી.

बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्‌सुखम्‌।
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते।।२१।।

અર્થઃ બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્ત્વિક આનંદ છે, એને પામે છે. એ પછી એ પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનરૂપ યોગમાં અભિન્નભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે.

बाह्यस्पर्शेष्वसक्तात्मा… પરમાત્મા સિવાય શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ તથા પંચવિષયજન્ય સુખ તે બધું જ બાહ્ય સ્પર્શમાં ગણવામાં આવ્યું છે. એ પદાર્થો તથા વિષય સંયોગજન્ય સુખમાં જેને આસક્તિ દૂર થઈ ગઈ છે એને માટે बाह्यस्पर्शेष्वसक्तात्मा શબ્દ વપરાયો છે. જે સાધકોની આસક્તિ હજી પૂરેપૂરી દૂર થઈ નથી; પરંતુ જે સાધકનો ઉદ્દેશ્ય આસક્તિને દૂર કરવાનો અને પરમાત્માના સ્વરૂપને અનુભવ કરવાનો કે પરમાત્માને પ્રસન્ન કરવાનો પાકો થઈ ગયો છે, એ સાધકોને પણ અહીં સમાવી લેવામાં આવે છે. કારણ કે ઉદ્દેશ્યની દૃઢતાને કારણે તેઓ પણ ટૂંક સમયમાં જ આસક્તિથી મુક્ત થઈ જાય છે.

પૂર્વના શ્લોકમાં વર્ણવેલી ‘પ્રિયને પ્રાપ્ત થઈને હર્ષિત અને અપ્રિયને પ્રાપ્ત થઈને ઉદ્વિગ્ન ન થનારી અને એટલે જ બ્રહ્મ સ્થિતિ’ને પ્રાપ્ત કરવા માટે બાહ્ય સ્પર્શોમાં આસક્તિ રહિત થયા વિના છૂટકો જ નથી. માટે એવી સ્થિતિની પ્રાપ્તિના ઉપાયરૂપે આ વાત બતાવી છે. ઉત્પત્તિ વિનાશશીલ, સાંસારિક વસ્તુમાત્ર ‘બાહ્યસ્પર્શ’ છે. ચાહે તેનો સંબંધ બાહેરથી હોય કે પછી અંતઃકરણથી હોય. જ્યાં સુધી બાહ્યસ્પર્શમાં અર્થાત્બાહ્ય બાબતોમાં આસક્તિ કે મહત્ત્વ રહે છે ત્યાં સુધી તેને પોતાના આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી. તેને બ્રહ્મમાં સ્થિતિ અર્થાત્બ્રહ્મસ્વરૂપ સ્થિતિ પણ થતી નથી. ભગવાનની અનુભૂતિ પણ થતી નથી. બાહ્યવિષયો, પદાર્થો અને પરિસ્થિતિઓ નિરંતર બદલાતી જ રહે છે; પરંતુ અતિ આસક્તિ અને વાસનાના વેગને કારણે તેના ધ્યાનમાં તે આવતું નથી અને તેને તાકીને તેમાં ટગમગે છે. તેની પાછળ દોડે છે. તેમાંથી મને સુખ મળશે, એવી ભ્રમણાથી દોડધામ કરે છે પણ એમાં સુખ નથી. સુખ તો જેની પાછળ આપણે દોડીએ છીએ, તેની સાથેથી પોતાના અંતરમાંથી સંબંધ વિચ્છેદ કરવાથી થાય છે. તેથી જ તો જ્યારે જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે બાહ્યજગતનો (બાહ્ય સ્પર્શનો) સંબંધ વિચ્છેદ થાય છે તો જીવ મહા સુખિયો થઈ જાય છે. તમામ ટેન્શનો, તમામ વેદનાઓ ભૂલીને અતિ સુખનો અનુભવ કરે છે; પરંતુ એને બાહ્યપદાર્થની આસક્તિના મોહમાં એવો વહેમ પકડાઈ ગયો છે કે બાહ્યપદાર્થો વિના મનુષ્ય જીવી ન શકે. જો વસ્તુસ્થિતિનું પૃથ્થકરણ કરવામાં આવે તો તે બાહ્ય પદાર્થોના વિયોગ વિના (તેનાથી કોઈ રીતે પણ અલગ પડયા વિના) મનુષ્ય જીવી જ નથી શકતો. એટલા માટે તે નિદ્રા લે છે. મનુષ્ય અતિ આસક્ત હોય, બાહ્ય જગતમાં તેને ખૂબ રસ હોય અને કદાચને કર્મયોગે તેને મળી પણ ગયું હોય ને તે પામર થઈને તેમાં ભોગવવામાં નિમગ્ન બની ગયો હોય તો ય તેને નિદ્રામાં તો છૂટા પડવા માટે અને જીવવાની ઊર્જા મેળવવા માટે, જવું જ પડે છે. બ્રાહ્ય પદાર્થો ભોગવતા તો ઊલટી જીવનઊર્જા ખલાસ થાય છે. જ્યારે થોડો કાળ અજ્ઞાન દશામાં તેનાથી અલગ પડે છે, વિયોગમાં રહે છે; તો વળી તેમાં જીવનશક્તિ ભરાઈ જાય છે. જાગીને પાછો ભોગવવા લાગી જાય છે. તો ય પાછો નિર્ણય એવો પકડીને બેઠો છે કે મારે બાહ્યસ્પર્શો વિના ન ચાલે. નિદ્રામાં બાહ્યસ્પર્શો અજ્ઞાન દશામાં થોડા દૂર થાય છે ને ભુલાઈ જાય છે અને તેથી જે સુખ, તાજગી, બળ, નિરોગીપણું, નિશ્ચિંતતા (ટેન્શનલેસનેસ) વગેરે મળે છે, તે જાગ્રતમાં ઈચ્છિત પદાર્થો સાથે જીવ જોડીને બેઠો હોય ત્યારે નથી મળતા. એટલા માટે તે બાહ્ય જગત ભોગવીને થાકે છે, ત્યારે તેને વિશ્રામ લેવાની ને પ્રાણી પદાર્થોથી અલગ થવાની ઈચ્છા થાય છે. તેથી તે નિદ્રાને આવશ્યક જાણે છે. પદાર્થના વિયોગથી જ વાસ્તવમાં મનુષ્યને સાચું જીવન મળે છે પણ સંયોગથી એટલું નથી મળતું.

નિદ્રા લેતી વખતે બે વાતો થાય છે-એક તો મનુષ્ય બાહ્ય સ્પર્શો સાથે સંબંધ વિચ્છેદ કરવા ઈચ્છે છે. સાથે સાથે એવો પાછો ભાવ રહે છે કે નિદ્રા લીધા પછી મારે અમુક કામો કરવાના છે અને એ પણ આટલા ભોગ, ધન પામવા માટે. આવી પામવાની ઈચ્છા સાથે તે નિદ્રામાં જાય છે. તેમાં પણ ફરી પામવાનો રાગ જીવમાં પ્રબળ રહે છે. તેથી તે પદાર્થોના સંબંધ વિચ્છેદથી જે સુખ અને શાંતિ મળે છે, તેની તરફ તેનું બિલકુલ ધ્યાન જતું નથી અને તે પામવાની ઈચ્છા તો એક ને પામે તો પણ એક પછી એક પ્રબળ રીતે નવી નવી થતી જ રહે છે. તેથી નિદ્રામાં ઉપરથી સંબંધ ટળતો નથી. તેમાં પણ આશ્ચર્યની વાત એ છે કે સંબંધ હંમેશાં દ્વિષ્ઠ હોય છે. અર્થાત્બે પાત્રો હોય તો જ સંબંધ નિભાવી શકાય છે, સંબંધનું અસ્તિત્વ રહી શકે. જેમ કે પતિ પત્ની સંબંધ છે તેમાં પત્નીનું કે પતિનું મૃત્યુ થયું પછી જે એક બાકી રહે તો તે પતિ કોનો રહ્યો? પત્નીના અનુસંધાનમાં તે પતિ છે ત્યારે. જ્યારે પત્નીનું અસ્તિત્વ જ નથી તો પત્ની કેવી રીતે અને એ સંબંધ કેમ રહે? ન રહે. તો પણ અહીં રહે છે. એ આશ્ચર્યની વાત છે. કારણ કે અવિનાશી ચેતન એ સંબંધને અને સંબંધીને સૂક્ષ્મરૂપે પોતાના જીવમાં સ્થાપિત કરી દે છે. તે રાગની સાથે સાથે સ્થાપિત કરી દે છે. તેથી જગત પદાર્થના નાશવંત સ્વભાવ પ્રમાણે તે તો નાશ થઈ જાય પણ સાધક પોતાના હૃદયમાં રાગની સાથે હૃદયમાં ઉતારે છે. પત્નીનો રાગ અને તેની પત્ની બન્ને સૂક્ષ્મરૂપે જીવતા જ રહે છે. સંબંધને નષ્ટ થવા દેતા નથી. કારણ કે પોતાના ચેતનમાં પોતાની સ્વતંત્ર ઈચ્છાથી માનેલો છે. જીવમાં ઉતાર્યો છે. બીજાનો કાઢ્યો પણ નીકળી શકે તેમ નથી. કારણ કે ચેતને પોતે ગાંઠવાળીને પકડ્યો છે. એ તો ભગવાન આવે તોય ન નીકળે. સિવાય કે પોતાને દૂર કરવાની ઈચ્છા થાય તો તે તમામ બાહ્ય સ્પર્શો જે આ શ્લોકમાં બતાવ્યા તેનો સંબંધ તૂટી શકે. જે સંબંધ વાસ્તવિક નથી, તાત્ત્વિક નથી પણ ફકત માનીનતાનો છે. તે તો માનીનતા બદલવાથી દૂર થાય છે. તેથી સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જ્યાં સુધી પોતાને પુરુષ માનશે ત્યાં સુધી તેને સ્ત્રી જોશે જોશે ને જોશે. જ્યાં સ્ત્રી પોતાને સ્ત્રી માનશે ત્યાં સુધી તેને પુરુષ જોશે. માટે શ્રીજી મહારાજે તથા મોટા સંતોએ કહ્યું છે કે પોતાને દેહાદિકથી અલગ માનીને અક્ષરબ્રહ્મરૂપ માનવું ત્યારે તેનો સંબંધ ચોખ્ખો દૂર જાય છે અને તે જરૂર દૂર થઈ શકે છે. કારણ કે આપણો જ ઊભો કરેલો છે માનેલો છે, જે માનેલો છે તેને ન માને તો તે દૂર થઈ જાય છે.

બીજી બાજુ પરમાત્મા સાથે અને તેના ભક્તો સાથે આપણો સંબંધ માનેલો નથી પણ તાત્ત્વિક છે, વાસ્તવિક છે અને સનાતન છે પણ તેને આપણે ભૂલી ગયા છીએ. અત્યારે અમારે તેની સાથે કોઈ સંબંધ છે, એવું લગભગ માનતા નથી. ન માનવાથી જો કે તેનો નાશ તો થતો જ નથી, વિલંબ થાય છે પણ જો જીવ અંદરથી જાગી જાય અને શ્રીજી મહારાજ કહે મનન દ્વારા તેનો સંગ કરે તો તેના ધર્મો સાધકમાં જરૂર ઉદય થાય છે. તેથી તેને ફરી પાછો જાગ્રત કરવાની જરૂર છે. તો જીવ ब्रह्मणि स्थित: ની સ્થિતિમાં તુરત આવી જાય છે.

विन्दत्यात्मनि यत्‌ सुखम्‌ અર્થાત્ ब्राह्य स्पर्शेष्वसक्तात्मा બાહ્ય પદાર્થોની આસક્તિ જ્યારે કાપી નાખે છે ત્યારે તેના હૃદયમાં સાત્ત્વિક સુખનો અનુભવ થાય છે. આ સુખ ઉપદેશજન્ય છે; છતાં પણ તે રાજસી સુખથી વિલક્ષણ છે. તે સાત્ત્વિક સુખનો સાધકને અનુભવ થાય છે. તે ખાલી મહાપુરુષોના ઉપદેશમાં વિશ્વાસ રાખી અભ્યાસનો આદર કરે છે. એટલી જ વાતમાં તેને એવો અનુભવ થાય છે. જ્યારે એ અભ્યાસમાં સ્થિર થતાં स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते રાગ દૂર કરીને મહાપુરુષના વચનમાં વિશ્વાસ રાખીને સાધક કર્મયોગ કે નિષ્કામ સેવા ને અભ્યાસ શરૂ કરે છે. એ અભ્યાસમાં સ્થિતિ થતાં જ એને બ્રહ્મતત્ત્વની ઝાંખી અંતરમાં થવા લાગે છે. જેથી તેને આ માર્ગમાં શ્રદ્ધા અચળ થતી જાય છે ને દૃઢ બનતાં તેને ब्रह्मणि स्थित: ની સ્થિતિ પ્રાપ્ત થાય છે તેને અહીં ब्रह्मयोगयुक्तात्मा શબ્દથી કહ્યું છે. જેમ પ્રકાશ થતાં અંધકાર દૂર થાય છે તેમ બાહ્યરાગ દૂર-નિષ્કામ સેવા અભ્યાસ-બ્રહ્મમાં સ્થિતિ-ઘણું ખરું એક સાથે આગળ ચાલે છે. તેમાં પણ ભોગોથી નિવૃત્ત થતાં સાધનાજન્ય સાત્ત્વિક સુખ આવવા લાગે છે. જે સહજ રીતે સંસારીઓ કે ભોગીત્યાગીઓ કરતાં વિલક્ષણ હોય છે પણ તે પામીને તેમાં જો રોકાઈ ન રહે અર્થાત્આપણે ઘણું પામી ગયા અથવા બીજા કરતાં આગળ છીએ. એવા અંતરમાં ઊઠાવ ન આવે તો सुखम्‌ अक्षयम्‌ अश्नुते- પરમાત્મતત્ત્વની પોતાના અંતરમાં સાક્ષાત્અનુભૂતિ કરે છે.

જ્યાં સુધી સાત્ત્વિક સુખનો અનુભવ સાધક કરતો રહે છે અર્થાત્તેને ભોગવતો રહે છે ત્યાં સુધી તેના અંતરમાં પરમાત્માની અનુભૂતિની પરિશુદ્ધતા આવતી નથી. તેથી સાધનોની બાબતમાં થોડી થોડી ભ્રમણાઓ રહ્યા કરે છે પણ જ્યારે સાધનાજન્ય સુખનો પણ અંતરમાં તિરસ્કાર ઊભો થાય, અભાવ ઊભો થાય ત્યારે શુદ્ધ પરમાત્મતત્ત્વનું કે પરમાત્માના સ્વરૂપનું સુખ આવે છે. જે અહીં ‘अक्षयम्‌’ શબ્દથી બતાવ્યું છે. જેને કોઈક જગ્યાએ આત્યંતિક સુખ (૬/૨૧) અત્યંત સુખ (૬/૨૮) એકાંતિક સુખ (૧૪/૨૭) વગેરે નામોથી બતાવ્યું છે. જેને સંપ્રદાયમાં મૂર્તિનું સુખ બતાવ્યું છે. આ સુખ એકવાર આવ્યા પછી ઉત્તરોત્તર વધતું જ રહે છે. એનો પ્રસંગ ચાલતાં, તેની ચર્ચાઓ કરતાં, તેના ઉપર વિચાર કરતાં તેમાં પહેલાં કરતાં કાંઈક નવીન નવીન દેખાયા કરે છે. આ વસ્તુને જ પ્રતિક્ષણ વર્ધમાન કહે છે. એમાં પણ એક વાત સમજવાની એ છે કે એને સુખ કહો કે પછી તે ભગવાનમાં પ્રેમનું સ્વરૂપ ધારણ કરી લે છે. જેથી તે સુખ કહો કે ભગવાનમાં પ્રેમ કહો, પ્રતિક્ષણ વધવા છતાં પણ જો ‘પહેલાં ઊણપ હતી ને હવે પૂર્તિ થઈ ગઈ’ એવું પ્રતીત થાય તો એ સાધક અવસ્થા છે એમ જાણવું. જો નવાપણું દેખાવા છતાં પણ પહેલાં ઊણપ હતી ને હવે પૂર્તિ થઈ ગઈ એવી પ્રતીતિ ન થાય ને તેની મસ્તી આઠો પહોર ચડેલી રહે તો એમ માનવું કે તે સિદ્ધ અવસ્થા છે. ભગવાનનું સુખ ‘क्षणे क्षणे यत्‌ नवतामुपैति तदेव रू पं रमणीयताया:। ન્યાયથી સદા નવીનતાવાળું છે. છતાં નવીનતાથી પ્રથમ કાંઈક ન્યૂન હતું એવી અનુભૂતિ થતી નથી. નાવીન્ય તો સદા રહે પણ ન્યૂનતા ન અનુભવાય. ત્યારે એમ જાણવું કે હવે સાચું સુખ અનુભવાય છે. જો નાવીન્ય જ આવતું બંધ થઈ જાય તો તે માર્ગમાં જ કયાંક રોકાઈ ગયો છે એમ જાણવું. તેની ગાડી જ ખોટવાઈ ગઈ છે, નહિ તો એવું ન થાય. જૂનું ને જૂનું લાગે, કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કરતાં કરતાં કંટાળી જાય. એનું એ જ કેટલા ટાઈમ સુધી? એવા ઉદ્ગારો કર્મયોગની સાધના અટકી ગયાના એંધાણ છે, સિદ્ધિના નથી. મહારાજ વચનામૃતમાં જણાવે છે કે ભગવાન જેવા ઐશ્વર્ય આવ્યા હોય તોય ભગવાનના ભક્તની સેવામાં નવો હોય ને ત્યારે જે શ્રદ્ધા હોય તેવીને તેવી રહે. વધે, પણ ઘટે નહિ. માટે આ વસ્તુ સાધકોએ પોતાના અંતરમાં મેળવવાની છે.

ये हि संस्पर्शजा भोगा दु:खयोनय एव ते।
आद्यन्तवन्त: कौन्तेय न तेषु रमते बुध:।।२२।।

અર્થઃ બુદ્ધિમાન મનુષ્ય ઈન્દ્રિયો અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થયેલાં સુખોમાં પડતો નથી કારણ કે તે સુખો અવશ્ય બધાં દુઃખોનું કારણ છે. હે કૌન્તેય ! આ સુખો આદિ અને અંતવાળાં છે અને તેથી સમજુ પુરુષ તેમાં રાચતો નથી.

ये हि संस्पर्शजा भोगा… શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ-આ વિષયો સાથે ઈન્દ્રિયોનો રાગપૂર્વક સંબંધ થતાં જે સુખ પ્રતીત થાય છે તેને ભોગ કહે છે. માન મોટાઈ કે સુખસુવિધા મળતા અંતરમાં જે ખુશ થવાય છે તે ભોગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે પરમાત્મા પામવાના ઉદ્દેશ્ય સિવાય કે તેને પ્રસન્ન કરવાના ઉદ્દેશ્ય સિવાય જેટલા પણ પ્રકૃતિજન્ય પ્રાણી, પદાર્થ, પરિસ્થિતિઓ, અવસ્થાઓ વગેરે માટે ખુશ થવું તે ભોગમાં ગણાશે. શાસ્ત્રનિષિદ્ધ ભોગ તો પાપ છે. જે ત્યાજ્ય છે જ; પરંતુ શાસ્ત્રવિહિત ભોગ પણ પરમાત્માની પાપ્તિમાં બાધક બને છે. તે ઈન્દ્રિયોની ધારાને તેજ બનાવે છે અને પરમાત્માત્માને માર્ગે ચાલવાની વૃત્તિને મંદ કરી નાખે છે. કારણ કે જડતામાં સંબંધ વિના ભોગ સિદ્ધ થતો નથી. દેહભાવ કે દેહબુદ્ધિ વિના ભોગ સિદ્ધ નથી થતો. જ્યારે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જડતાને તથા દેહબુદ્ધિને દૂર કરવી આવશ્યક છે.

તમામ ભોગો आद्यन्तवन्त: અર્થાત્ અનિત્ય છે, આવવા જવાવાળા છે. (૨/૧૪) એ તરફ ધ્યાન જતાં જ તેનાથી ઉત્પન્ન થતા સુખ-દુઃખનો પ્રભાવ ઓછો થઈ જાય છે. વળી તેને દુઃખયોનિ કહ્યા છે. જેટલા પણ ઈન્દ્રિય વિષયક સ્પર્શજન્ય કે બીજા અંતઃકરણજન્ય સાંસારિક સુખો, દુઃખના ઉત્પત્તિ સ્થાનો છે. જેદી તેદી અને સીધા અથવા આડકતરી રીતે તેમાંથી જ દુઃખો ઉત્પન્ન થાય છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે કાંઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું કદી હોય જ નહિ એ વાત નક્કી છે. ભોગોને ભોગવનારો દુઃખથી કદાપિ બચી શકતો નથી. ભોગભાવના દેહભાવના વિનાની કયારેય હોતી જ નથી. અર્થાત્દેહભાવપૂર્વકની જ ભોગભાવના હોય છે અને જ્યાં સુધી દેહભાવનામાં જીવાય છે ત્યાં સુધી હરખ-શોક, સુખ-દુઃખ, હાર જીત બધા જ દ્વન્દ્વો કોઈ કાળે ખસવાના નથી. એ બધા ભાવો દેહાનુબંધી છે. દેહભાવના જતાની સાથે જ જાય છે અને દેહભાવની સાથે પાછા આવી જાય છે. વિષય સંબંધજન્ય સુખ દુઃખમાંથી જ ઉત્પન્ન થાય છે. કેમ કે પ્રથમ અભાવજન્ય દુઃખ હોવાનું પછી તે વસ્તુ મળવાનું સુખ થાય છે અને પાછું તે દુઃખમાં જ પરિણમી જાય છે. વિષય સંસ્પર્શજન્ય ભોગમાં આ પાંચ દુઃખ દોષ અનિવાર્યપણે આવે જ છે. (ગીતા ૫/૨૨, તાત્પ.ચં.પે. ૧૯૬)

(१) सागरतरण राजसेवादिषु शरीर नाशपर्यन्त: अर्जनदोषा:

(२) सहस्त्रप्राकारपरिवृतगर्भगृहे निवेशितस्यापि रक्ष्यवस्तुनो राज दहन-चोर-मूषकादय: तन्निवारणक्लेशादयश्च रक्षणदोषा:

(३) स्वर्गेऽपि पातभीतस्य क्षयिष्णोर्नास्ति निवृत्ति: (વિ.પુ. ૬-૫-૫) इत्यादय: क्षयदोषा:

(४) न जातु काम: कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते।। (વિ.પુ. ૪-૧૦-૨૨) अलाभेमत्तकाशिन्या दृष्टा तिर्यक्षु कामिता-इत्यादिवत्‌ उत्तरोत्तरराग-प्रबाला (न्धा)नर्थहेत्व योग्य विषय प्रवृत्यादयो भोगदोषा:।

(५) सर्वस्य चास्य प्रायश: परहिंसागर्भत्वात्‌ तदधीना ऐहिक आमुष्मिक दु:खसंततयो हिंसादोषा:। पंचविधाश्चैते दोषा: प्रत्यक्षसिद्धा: इति तद्‌भावनावतां प्राकृतस्य अनादि कालशीली तस्यापि सुत्यजत्वं सिद्धिं इतिभाव: …….

टिपण्णी-ते च दोषा: अर्जन श्रम: रक्षणश्रम: क्षयिष्णुत्व भोगकालिकदु:ख-परहिंसाकारणत्वरू पा:।। (सा.का. ५०)

પાતંજલ યોગદર્શનમાં પણ બતાવ્યું છે કે परिणामतापसंस्कारदु:खैर्गुणवृत्ति विरोधाच्च दु:खमेव सर्वं विवेकिन: (२/१५)

પરિણામદુઃખ, તાપદુઃખ અને સંસ્કારદુઃખ એવા ત્રણ પ્રકારનાં દુઃખો, તમામ વિષય ભોગસિદ્ધિમાં રહેવાના કારણે તથા ત્રણ ગુણોની વૃત્તિઓમાં પરસ્પર વિરોધ હોવાને કારણે વિવેકી પુરુષને માટે સઘળે સઘળા ભોગો (સુખરૂપ ભોગો પણ) દુઃખરૂપ જ છે.

તમામ ભોગો આરંભમાં સુખરૂપ પ્રતીત થવા છતાં પણ પરિણામમાં દુઃખ જ આપવાવાળા છે. (૧૮/૩૮) કેમ કે ભોગોના પરિણામમાં આપણી શક્તિનો અને ભોગ્ય પદાર્થનો નાશ થાય છે. આ પરિણામ દુઃખ કહેવાય.

બીજી વ્યક્તિઓ પાસે આપણાથી અધિક ભોગો જોઈએ ત્યારે, પોતાની ઈચ્છાનુસાર પૂરતા ભોગો ન મળે ત્યારે, હૈયામાં ભોગોની આસક્તિ હોવા છતાં પણ ભોગો ભોગવવાનું સામર્થ્ય ન રહે ત્યારે તથા પ્રાપ્ત ભોગોથી વિખૂટા થઈ જવાની આશંકા હૃદયમાં થાય ત્યારે ભોગો પાસે રહેતા હોવા છતાં પણ હૃદયમાં સંતાપ રહે છે. આને તાપદુઃખ કહેવાય છે.

કોઈ કારણવશ ભોગોથી વિખૂટા પડી જવા પર મનુષ્ય એ ભોગોને યાદ કરી કરીને કે તે આવું હતું, આવું સુખરૂપ હતું. એમ સંભારી સંભારીને દુઃખી થાય છે. આ સંસ્કારદુઃખ કહેવાય.

સત્સંગ અથવા મુમુક્ષુતા કે વિવેકબુદ્ધિથી વિષયનો નિષેધ કરીએ ત્યારે પણ ભોગોમાં રુચિ હોવાને કારણે મન તો તેમાં ખેંચાય છે. ત્યારે મુમુક્ષુ કે સાધકના હૃદયમાં દુઃખ થાય છે. સત્સંગ કરતી વખતે પણ તામસવૃત્તિથી નિદ્રા આવવા લાગે અર્થાત્તામસવૃત્તિ નિદ્રામાં મનને ખેંચી જાય. જ્યારે સાત્ત્વિક મુમુક્ષુવૃત્તિ સત્સંગ કરવા કે ભક્તિની ક્રિયા કરવા ખેંચે. ત્યારે પણ સાધકના હૃદયમાં ખેદ થાય છે, દુઃખ થાય છે. આ ગુણવૃત્તિ વિરોધ છે. જેનાથી પણ શુદ્ધ મુમુક્ષુ અને સાધકોના હૃદયમાં દુઃખ થાય છે.

ભોગોને પ્રાપ્ત કરવા, એ પોતાના વશની વાત નથી. કારણ કે તેમાં પ્રારબ્ધનું પ્રાધાન્ય અને પોતાની પરતંત્રતા છે. જ્યારે ભગવાનની પ્રાપ્તિ કરવામાં દરેક મનુષ્યને સ્વતંત્રતા છે તેમાં પ્રારબ્ધની પરતંત્રતા નથી. મનુષ્ય શરીર ભગવાનની પ્રાપ્તિ માટે જ મળ્યું છે. ભોગ બે ભાઈઓને પણ સમાનરૂપે પ્રાપ્ત નથી થતા. જ્યારે ભગવાન મનુષ્ય માત્રને સમાનરૂપે પ્રાપ્ત થાય છે. સત્યુગ વગેરેમાં મોટા મોટા ઋષિઓ કે સાધકોને જે ભગવાન પ્રાપ્ત થયા હતા એ જ ભગવાન આજે કલિયુગમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. જે ભગવાન ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતો ભક્તોને મળ્યા હતા. તે જ ભગવાન આપણને મળ્યા છે. જ્યારે ભોગોની પ્રાપ્તિ સદાને માટે નથી થતી અને બધા જ મનુષ્યોને પણ નથી થતી. જ્યારે ભગવાનની પ્રાપ્તિ બધા જ ને થાય છે ને સદાને માટે થાય છે. તાત્પર્ય એ થયું કે ભોગો (જડતા)ની પ્રાપ્તિમાં તો વિભિન્નતા છે; પરંતુ તેનો ત્યાગ કરવાથી જે પ્રાપ્તિ થાય છે, ભગવાન મળે છે તે એક જ છે. વૈભવશાળી-શ્રીમંતો તેના વિશાળ ભોગોનો ત્યાગ કરીને પરમાત્મા પામે છે તે જ પરમાત્માને ગરીબ પોતાના સામાન્ય ભોગોનો ત્યાગ કરીને પામે છે. एव શબ્દથી એવું બતાવ્યું છે કે સાંસારિક ભોગો નિઃસંદેહ અને નિશ્ચિતરૂપથી દુઃખનું કારણ છે. તેમાં સુખ પ્રતીત થતું હોવા છતાં પણ તેમાં સુખનો અંશ પણ નથી. એ બતાવવા एव પ્રયોગ કરવો પડ્યો છે.

न तेषु रमते बुध: સામાન્ય મનુષ્યને જે ભોગોમાં સુખ પ્રતીત થાય છે તે જ ભોગોને વિવેકશીલ જરા લાંબુ વિચારીને દુઃખરૂપ જ દેખે છે. એટલા માટે તે એ ભોગોમાં રમણ નથી કરતો, એમને આધીન નથી થતો. વિવેકી મનુષ્ય એવું વિચારે છે અને માને છે કે સંસારના સમસ્ત દુઃખ, સંતાપ, તાપ, નરક વગેરે કેવલ વિષયસુખની ઈચ્છા કે ભોગ ઉપર જ આધારિત છે. પોતાના આવા વિવેકને મહત્ત્વ આપવાથી જ તે બુદ્ધિમાન ગણાય છે. જેણે એ જાણી લીધું કે ભોગો દુઃખપ્રદ છે; છતાં ભોગોની કામના કરે છે, તેમાં જ રમણ કરે છે તે બુદ્ધિમાન કહેવડાવવાનો અધિકારી નથી.

शक्नोतीहैव य: सोढुं प्राक्शरीरविमोक्षणात्‌।
काम क्रोधोद्भवं वेगं स युक्त: स सुखी नर:।।२३।।

અર્થઃ દેહ છૂટે તે પહેલાં જે મનુષ્ય કામ અને ક્રોધથી જન્મેલા આવેગોને આ ભવે જ જીરવવા શક્તિમાન છે તે યોગી છે, તે જ આ દુનિયામાં સુખી નર છે.

शक्नोतीहैव य:…

ભોગોનો સંયોગ અનિત્ય છે અને વિયોગ નિત્ય છે. મનુષ્યો અનિત્યને મહત્ત્વ દઈને જ દુઃખી થાય છે. શું સુખની ઈચ્છા-કામના કરવાથી સુખ મળી જવાનું છે અને દુઃખ દૂર થઈ જવાનું છે? ઊલટું દુઃખ દૂર કરવા સુખની ઈચ્છા કરવી એ જ દુઃખનું કારણ બની રહે છે. દુઃખને ભોગવવું એ અલગ વસ્તુ છે અને દુઃખને ઓળખવું એ અલગ વસ્તુ છે. જો દુઃખને ઓળખી લેવામાં આવે તો માણસ કદાચ,બચી શકે. કારણ કે જો દુઃખને અને તેના મૂળને ઓળખી લેશે, ભાવિ દુઃખને અત્યારથી ઓળખી લેશે તો તે દુઃખની ઝપટમાં નહિ આવે. દુઃખ ભોગવે છે સમગ્ર સંસાર પણ દુઃખને ઓળખે છે કોઈ વિરલા જ. જે ઓળખી લે છે તે દુઃખથી બચી જાય છે. આપણા ઋષિમુનિઓ સંત મહાત્માઓ દુઃખને સારી રીતે ઓળખી શકયા તો તેઓ દુઃખી ન હતા. સુખી થઈ ગયા. દુઃખને ઓળખવા તેના કારણ પર વિચાર કરવો પડે છે. તેના મૂળમાં જવું પડે છે. મને દુઃખ આવ્યું શા કારણથી? પોતાના રાગ સિવાય દુઃખનું બીજું કોઈ કારણ નથી. હોઈ પણ શકતું નથી. ભવિષ્યમાં પણ નહિ હોય. પરિસ્થિતિ દુઃખનું કારણ નથી. કારણ કે પરિસ્થિતિ સદા બદલતી જ રહે છે.તે એક ક્ષણ પણ એકધારી રહેતી નથી. કોઈ અન્ય પ્રાણી આપણા દુઃખનું કારણ ન હોઈ શકે. કારણ કે જો એમ ઈચ્છા કરવાથી આપણને દુઃખ મટી જતું હોય તો જગતમાં ઘણી જ મુશ્કેલી સર્જાઈ જાય પણ એવું નથી હોતું. બીજા પ્રાણી તો ઊલટા આપણા પુરાણા કર્મોને ખપાડવા ભગવાનની ઈચ્છાથી મદદરૂપ કે નિમિત્ત રૂપ થાય છે. આ સંસાર પણ દુઃખનું કારણ નથી. આ સંસારમાં તો ઘણા સાધકો, સિદ્ધો સુખી પણ થઈ ગયા છે. જો તે જ દુઃખનું કારણ હોય તો તે લોકો સુખી ન થવા જોઈએ અને તેઓની જે મુક્તિ થઈ છે તે આ સંસાર વિના શક્ય પણ નથી. માટે તેને કેમ દુઃખનું કારણ બતાવી શકીએ? ભગવાન પણ દુઃખનું કારણ ન બતાવી શકાય. એ તો સુખનિધાન છે. માટે પોતાનો રાગ આસકિત જ દુઃખનું કારણ છે. તે કેવી રીતે દુઃખ દે છે, તે પૃથ્થકરણ કરે તો દુઃખને જાણ્યું કહેવાય અને તે દૂર પણ થાય છે.

પ્રાણીમાત્ર (ચેતનમાત્ર)માં એક અલૌકિક વિવેક પ્રાપ્ત થયેલો છે. જેમ કે દરેક સજીવ પ્રાણીઓમાં સંવેદના (ફીલીંગ્સ) રહે છે. આ ઠંડું છે, આ દેખાવડું છે, આ મધુર છે, સ્વાદિષ્ટ છે વગેરે સંવેદનાઓ છે. ચેતન પ્રાણીઓમાં વિષય, ઈન્દ્રિય સાંનિધ્યમાં આવી સંવેદનાઓ ઊઠે છે. તદુપરાંત એનાથી પણ ઊંડેથી એક અવાજ ઊઠે છે કે આ સ્પર્શ, રૂપ, સંગીત કે વાનગી મારા હિતમાં નથી, અહિતમાં છે .એવો પણ અવાજ ઊઠે છે તે સંવેદનાઓનું હિતાહિત વિભાગીકરણ સંવેદના છે તેને વિવેક કહેવાય છે. આ વિવેક પશુપક્ષી વગેરે યોનિઓમાં સુષુપ્ત રહે છે. તેઓમાં માત્ર શરીરનિર્વાહ પૂરતો જ રહે છે. દેવતાઓમાં આ વિવેક હોય છે પણ ભોગાતિરેકથી ઢંકાયેલો રહે છે. મનુષ્ય યોનિમાં પણ ભોગાતિરેક કરનારાઓ અને સંગ્રહ કરનારાઓનો આ વિવેક ઢંકાયેલો રહે છે. વળી ભોગાતિરેક કે સંગ્રહ ન હોય પણ તેમાં ઝડપું નાખનારા અને તેને જ સર્વસ્વ મહત્ત્વ દેનારાનો વિવેક પણ ઢંકાયેલો રહે છે. આ વિવેક ઢંકાયેલો રહેવા છતાં પણ મનુષ્યને સમયે સમયે ભોગ અને સંગ્રહમાં દુઃખનું દર્શન કરાવતો રહે છે. રાગની આંધીને કારણે તે દુઃખ તેના ધ્યાનમાં આવતું નથી અને ભોગ-સંગ્રહ જ તેનું લક્ષ્ય બની રહે છે. તેથી ભોગમાં ફસાયેલો રહે છે. આથી મનુષ્યે એ વિવેકને મહત્ત્વ આપીને અંતઃકરણમાં સ્થિત-સ્થાયી બનાવવો જોઈએ. એ વસ્તુની ભગવાને તેને પૂર્ણ સ્વતંત્રતા આપી છે. વિવેકને પ્રદીપ્ત અને સ્થાયી બનાવીને તે રાગદ્વેષ, કામક્રોધ વગેરે વિકારોને સર્વથા સમાપ્ત કરી શકે છે. અહીં इहैव सोढुं પદનો પણ એ જ ભાવ છે, કામક્રોધના વેગનો નિગ્રહ કરવા શક્તિમાન થાય. સહન કરવા શક્તિમાન થાય એટલું જ નહિ પણ તેને દબાવે. પોતે તેના પ્રભાવમાં ન આવી જાય. સદાને માટે પોતાના અંકુશમાં તેને રાખે. ભગવાન इह પદથી મનુષ્યને સાવધાન કરે છે કે, અત્યારે જ એને દબાવવાનો સમય છે. મૃત્યુ પછી થશે એવી આશામાં વ્યર્થ બેસવાની જરૂર નથી. જે કોઈ મુક્તિ માટેનું કાર્ય થવાનું છે, તે જીવતે જીવતે જ થવાનું છે મર્યા પછી કોઈ પ્રગતિ થવાની છે, એવું ન ધારવું. છેલ્લા શ્વાસે તો બધું સીલ થઈ જાય છે.પછી તો-‘जैसे थे’ જ રહે છે. માટે ‘प्राक्शरीरविमोक्षणात्‌’ જેટલું થાય છે તે જ સાચું છે.

મનુષ્ય શરીર, મુક્ત થવાને માટે જ ભગવાને આપ્યું છે. તેથી જ મનુષ્યમાત્ર કામક્રોધના વેગને દબાવવા યોગ્ય અધિકારી અને સમર્થ છે. શાસ્ત્ર તેને કેમ દબાવવા તે શિખવાડે છે. તેમાં કોઈ વર્ણ-આશ્રમ કે સ્ત્રી પુરુષ વિગેરે મર્યાદા બાધિત કરતી નથી.

મૃત્યુનો કોઈ નિશ્ચિત સમય નથી કે કયારે આવી જાય. આથી સૌ પ્રથમ કામ, ક્રોધ આદિ અંતઃશત્રુનો નિગ્રહ કરવો જોઈએ પણ શત્રુને વશ થઈને કોઈ ચેષ્ટા ન કરવી જોઈએ. આવી સાવધાની સાધકોને જીવનભર રાખવાની છે. આ કાર્ય મનુષ્યે પોતે જ કરવાનું છે. તેમાં બીજો કોઈ કશું કરી દે એવી અપેક્ષા ન રખાય. બીજા માર્ગદર્શન જરૂર આપી શકે પણ કરવાનું સાધકે પોતે જ રહે છે. વળી કાર્ય કરવાનો અવસર એક મનુષ્ય શરીરમાં જ છે, બીજા શરીરોમાં નથી.જેથી શરીર છૂટતા પહેલાં જ प्राक्शरीरविमोक्षणात्‌ આ કાર્ય જરૂરી કરી લેવું જોઈએ. તેમાં પણ કોઈ પણ સાધના યુવાની ઉંમરમાં જ થાય છે ત્યારે જ શરીર સાધના કરવા કે કોઈપણ કારસો ખમવા સક્ષમ હોય છે. વૃદ્ધાવસ્થામાં ઓછી શક્યતાઓ છે.

વળી શ્લોકના પદોમાં એક ઘણી જ મર્મની વાત ભગવાન એ કરે છે કે कामक्रोधोद्भवं वेगं કામક્રોધાદિ અંતઃશત્રુઓ હૃદયમાં ઉત્પન્ન થઈને કોઈ શાંત નથી બેસી જતા. કેટલાય ઉપરથી જોતાં કારણ ન સમજી શકાય કે કોઈ મૂળ હાથમાં ન આવે એવા ઉત્પાતો મચાવે છે. માટે નાથવા જેવો તો તેનો વેગ છે. જ્યાં સુધી દેહનું અસ્તિત્વ છે, ત્યાં સુધી કામ-સમૂળ નાશ થવો અશક્ય નહિ, તો કઠિન તો છે જ. છતાં પણ શ્રીજી મહારાજે તેનું બીજ નાશ પામી જાય છે, એમ કહીને વચ.વર.૨૦માં ઉપાય સહિત બતાવ્યું છે; છતાં પણ આતંક અને ઉત્પાત મચાવનાર વિશેષે કરીને તેનો વેગ છે.

પ્રથમ તો અંતઃકરણમાં તે અંતઃશત્રુના આલંબન કેન્દ્રની સ્ફુરણા થાય છે. તેથી તેની સત્તા અનુભવાય છે. પછી તેમાં અનાદિકાળની અને અત્યારની પણ આસક્તિ ભળે છે. પછી તેને કોઈપણ રીતે પૂરી કરવાનો જીવમાં છૂપો આગ્રહ ભળે છે, ત્યારે તે મૂર્ત સંકલ્પ બની જાય છે ને તેમાં વેગ આવી જાય છે. છેવટે તે સામાન્ય માણસો ન સમજી શકે તેવા કારણ રહિત ઉત્પાતો મચાવે છે. ભગવાન કે મહાપુરુષો તેને સમજી શકે છે. જેમ કે અર્જુનનો મોહ તેને બીજે રસ્તે લઈ જાય છે, તે દલીલો જુદી કરે છે પણ પરમાત્મા તેને અને તેની દલીલોને સમજી જાય છે. માટે સાધકોને માટે પ્રથમ નંબરની વાત તો એ છે કે જ્યારે એ સંબંધી ઊઠતી સ્ફુરણાને જ જો પકડી પાડે અને તેમાં મદદ કરનારા બીજા પરિબળોને નિવારી નાખે તો વેગ નિયમન થઈ જાય છે. કામ, ક્રોધના વેગને સહન કરવાનું તાત્પર્ય એ છે,તે વેગને ઉત્પન્ન જ ન થવા દેવો. તેને શ્રીજી મહારાજે સાધુઓના ધર્મોમાં ઉત્થાન ઓળખીને ક્રિયા કરવાનું કહ્યું છે. ઉત્થાનનું મૂળ અંતઃશત્રુમાં પડ્યું હોય ને પછી બહારથી રંગીલા બહાના બનાવીને તેને મદદની પ્રવૃત્તિ હું કરતો નથી ને ! એવું સાધક અંતરની પ્રામાણિકતાથી વિચારે તો તે શત્રુઓની પ્રવૃત્તિ નિર્વેગ બની જાય છે. જો એમ ન કરે અને કામક્રોધાદિ અંતઃશત્રુના આશયને મદદ મળે એવી પેરવીમાં લાગી જાય તો પછી તે શત્રુને રોકવા કઠિન બની જાય. તેથી કામક્રોધના સંકલ્પને જ ઊઠવા ન દેવો એવો આ શ્લોકનો આશય છે. એ પણ જીવતે જીવતે જ શકય છે. કામાદિ કે રાગનો સંકલ્પ ઊઠતાં જ અંતઃકરણમાં અશાંતિ, ઉત્તેજના, હવે કોની સાથે સઘંર્ષ કરવો, તેનો ઉપાય વગેરે થવા લાગી જાય છે. આ બધું જ્યારે અંતઃકરણમાં ભરાય ત્યારે સાધક સુખી નથી રહી શકતો. તેથી જ આ શ્લોકમાં એ અંતઃશત્રુના વેગનું નિવારણ કરનારા સાધકને માટે ‘स: सुखी नर:’ ભગવાન શબ્દો લખ્યા છે.

બીજી વાત એ છે કે કામ-રાગાદિકના વેગને મનુષ્ય પોતાનાથી શક્તિશાળી કે સમર્થ વ્યક્તિ પાસે ભયથી રોકી શકે છે અને રોકે પણ છે. વેપારના લોભથી ક્રોધને રોકે છે, પણ તેનાથી તે સુખી નથી થતો. કારણ કે જે પ્રથમ કામ અને ક્રોધમાં ફસાયો હતો તે જ હવે ભય અને લોભમાં ફસાયો છે; માટે સુખી ન થઈ શકે. વળી આ શ્લોકમાં ‘युक्त:’ શબ્દથી કામ, ક્રોધના વેગને દબાવવાવાળી વ્યક્તિને યોગી કહેવામાં આવી છે; પરંતુ સંકલ્પનો (વિષય સંબંધ કે ભોગ સંબંધી) ત્યાગ કર્યા વિના કોઈપણ સાધક યોગી બની જ શકતો નથી. (न ह्यसंन्यस्तसङल्पो योगी भवति कश्चन ૬/૨) તેથી કામ ક્રોધના વેગને રોકવો તો સારો જ છે પણ સાધકે તો કામક્રોધના સંકલ્પને ઉત્પન્ન જ ન થવા દેવો એવું તેમનું તાત્પર્ય છે.

તેમાં પણ જીવતે જીવતાં જ, મૃત્યુ પહેલાં તેને છોડવાથી શો લાભ છે ! તેને ભર્તૃહરિજીએ પોતાના પદમાં ખૂબ સુંદર વાત કહી છે.

अवश्यं यातारश्चिरतरमुषित्वापि विषया।
वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून्‌।।
व्रजन्त: स्वातन्त्र्यादतुलपरितापाय मनस:।
स्वयं त्यक्ता: ह्येते शमसुखमनन्तं विदधति।। વૈરા. શ. ૧૨

ભર્તૃહરિજી કહે છે કે વિષયો કે પદાર્થો અવશ્ય જાનારા છે, તેને તમે છોડી દો તો પણ જનારા છે. તમે નહિ છોડો તો પણ જનારા છે. કોઈ લાંબો કાળ રહીને પણ જનારા છે. કોઈક ટૂંક સમય રહીને જનારા છે. જનારા છે તે અવશ્ય વાત છે પણ વિષયોનો વિયોગ સમય છે એટલે કે પ્રારબ્ધ કે ભગવાને જે વિયોગ સમય નક્કી કર્યો છે, તેના પહેલાં સાધક મનથી તેનો ત્યાગ કરી દે. તે ઉપરનો રાગ છોડી દે અથવા સાધક રાગ ચાલુ રાખે છતાં વિષય નક્કી સમયે ચાલ્યા જાય. એ બે વસ્તુમાં શો તફાવત થશે? તેના ઉત્તરમાં કહે છે કે જો વિષયને જવાનો સમય આવ્યો અને સાધક તેને મનથી છોડી ન શક્યો, તેનો રાગ દૂર કરી ન શક્યો તો मनस: अतुल परितापाय (भवति) મનને અતુલ (માપી ન શકાય તેટલું ) દુઃખ દેનારા થાય છે. જ્યારે વિષયોને દૂર થવાના સમય પહેલાં સાધક તેનો ત્યાગ કરી દે, તેનો રાગ બિલકુલ છોડી દે अनन्तं शमसुखम्‌ विदधति તો પણ અમાપ સુખને અર્થાત્મુક્તિને આપનારા-શાશ્વત સુખને આપનારા બને છે. જો તે મૃત્યુ પહેલાં જીવતે જીવતાં જ કરી શકે તો. મૃત્યુ પછી તે શક્ય બનતું નથી.

જેઓ વિવેકનો ઉપયોગ નહિ કરીને દેહભાવથી વર્તનારા છે, અજ્ઞાની છે, તેને આ અધ્યાયના પંદરમા શ્લોકમાં जन्तव: જંતુ કહ્યા છે. શ્રીજી મહારાજે એવા પુરુષોને વચ.ગ.અં. ૧૯માં પશુ જેવા કહ્યા છે. જ્યારે કામક્રોધના વેગનું નિયમન કરનારાને અહીં संयुक्त: स सुखी नर:- મનુષ્ય કહેવરાવાને યોગ્ય છે, એટલું જ નહિ તે યોગી છે. કામ, ક્રોધ, રાગ, અહંકારના વેગને જે ઊઠવા દેતા નથી તે જ સમતામાં રહી શકે અને તેથી તે જ યોગી કહેવાય છે અને તે જ સુખી થાય છે. શ્રીજી મહારાજે વચ.ગ.અં.૩૮માં કહ્યું કે આવા અંતઃશત્રુના વેગમાં આવનારા જીવતે કે મરીને કયારેય સુખી થતા નથી અને તેથી ઊલટું તે વેગને નાશ કરનારાને વચ.ગ.અં.૮માં સદા સુખિયા થવાનું બતાવ્યું છે. કામક્રોધાદિ અંતઃશત્રુઓ અંતરમાં ઉત્પન્ન થતાં પશુપક્ષીઓ પણ સુખશાંતિથી નથી રહી શકતા તો મનુષ્યો સુખી કેમ રહી શકે? કામ, ક્રોધ કે રાગ અહંકારનો સંકલ્પ ઉત્પન્ન થતાં જ મનુષ્યના અંતરમાં અશાંતિ, ચંચળતા, સઘંર્ષ વગેરે દોષો ઉત્પન્ન થઈ જાય છે ત્યારે તે દુઃખી થઈ જાય છે-એ નિયમ છે.

योऽन्त:सुखोऽन्तरारामस्तथान्तर्ज्योतिरेव य:।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति।।२४।।

અર્થઃ જે અંતરમાં સુખી છે, જેને અંતરની શાંતિ મળી છે અને જે અંતરનાં અજવાળાં પામ્યો છે તે જ પૂર્ણ યોગી છે. તે બ્રહ્મરૂપ બની અંતે બ્રહ્મનિર્વાણ પામે છે.

योऽन्त: सुखो… અહીં ‘अन्त:’ પદનો અર્થ ‘પરમાત્મા’ લેવો જોઈએ, નહિ કે ‘અંતઃકરણ’ કારણ કે અંતઃકરણમાં સુખવાળા અથવા અંતઃકરણમાં રમણ કરવાવાળા મનુષ્યને જ બ્રહ્મની પ્રાપ્તિ નથી થઈ શકતી. બ્રહ્મની પ્રાપ્તિ તો મન, બુદ્ધિ, અહંકારથી સંબંધ વિચ્છેદ થાય ત્યારે થાય છે માટે અહીં ‘अन्त:’ શબ્દનો અર્થ પરમાત્મા લેવો એ વધારે ઉચિત છે.

જેને પ્રકૃતિજન્ય સાંસારિક બાહ્ય પદાર્થ કે વિષયમાં સુખ પ્રતીત નથી થતું. અર્થાત્ તેમાં કયાંય રસ નથી જણાતો પણ એક માત્ર પરમાત્મામાં જ સુખ અનુભવાય છે, એવા સાધકને માટે અહીં ‘अन्त:सुख:’ પદ વાપર્યું છે. જે સદાને માટે ન મળતું હોય અને જે બધાને ન મળે તે ‘બાહ્ય’ સુખ છે; પરંતુ જે સદાને માટે અને બધાને માટે મળવું શક્ય હોય તે ‘આંતર’ સુખ છે. પરમાત્મતત્ત્વ અને તેનું સુખ તે ‘આંતર’ સુખ છે.

‘આરામ’ એટલે બગીચો, રમણ કરવાનું સ્થાન. જે સાધક ભોગોમાં રમણ નથી કરતો અર્થાત્રસપૂર્વક મન નથી પરોવતો કેવળ પરમાત્મામાં જ રસપૂર્વક મન પરોવે છે. એટલું જ નહિ, પણ પરમાત્માને યાદ કરતાં તેના મનનો થાક ઊતરી જાય છે, એવા સાધકને અહીં अन्तराराम: શબ્દથી કહ્યા છે.

अन्तर्ज्योति શબ્દમાં ज्योति શબ્દ જ્ઞાનના અર્થમાં વપરાયો છે. જેને પરમાત્મતત્ત્વના અનુભવનું જ્ઞાન છે, એવા સાધકને अन्तर्ज्योति શબ્દથી કહ્યો છે. આવો યોગી-અર્થાત્કર્મયોગી કે સેવાયોગી છે. તે ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति- તે બ્રહ્મભાવને પામી જઈને પરબ્રહ્મના સુખને પામી જાય છે.

लभन्ते ब्रह्मनिर्वाणमृषय: क्षीणकल्मषा:।

छिन्नद्वैधा यतात्मान: सर्वभूतहिते रता:।।२५।।

અર્થઃ જેઓ પાપરહિત છે, જેઓ દ્વૈતભાવ અને શંકાથી પર છે, જેમનું મન અંતરાત્મામાં પરોવાયેલું છે અને જેઓ પ્રાણીમાત્રના ભલામાં રત રહે છે એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણ પામે છે.

यतात्मान: શરીર, ઈન્દ્રિયાદિ જેમણે વશ કર્યાં છે એવોે. જેને પરમાત્માને પામવાનું કે તેમને પ્રસન્ન કરવાનું દૃઢ લક્ષ્ય હોય તેને શરીર, ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કરવા પડતા નથી. તેઓ સ્વાભાવિક રીતે જ સુગમતાપૂર્વક તેમને વશ થઈ જાય છે. વશ થવાને કારણે તેમનામાં રાગદ્વેષ વગેરે દોષોનો અભાવ થઈ જાય છે અને તેમના દ્વારા થવાવાળી દરેક ક્રિયા બીજાઓનું હિત કરવાવાળી થઈ જાય છે.

શરીર, ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને પોતાના અને પોતાને માટે જ માનવાથી તેમાં રાગ અને દેહાભિમાન ઊભું થવાથી તેઓ વશ નથી વર્તતા અને તેમનામાં કામ, ક્રોધ, રાગદ્વેષ વગેરે દોષો વિદ્યમાન રહે છે. તેથી જેમને શરીર, ઈન્દ્રિયો, મન અને બુદ્ધિમાં પોતાપણાનો ભાવ નથી તથા જેઓ આ શરીરને પોતાનું સ્વરૂપ નથી માનતા અને સાવધાનીપૂર્વક નિષ્કામભાવે ભગવાન ને ભગવાનના ભક્તની સેવામાં કે નિષ્કામ કર્મયોગમાં લાગેલા છે, તેને માટે અહીં यतात्मान: શબ્દ વપરાયો છે.

सर्वभूतहिते रता: નિષ્કામ સેવામાં કે નિષ્કામ કર્મયોગમાં વ્યક્તિગત અભિમાન મુખ્યબાધક છે. આ વ્યક્તિગત અભિમાન અને સ્વાર્થને દૂર કરીને પરમાત્મતત્ત્વનો અનુભવ કરવા પ્રથમ આસ્તિકતા બુદ્ધિમાં રાખીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં સમર્પિત થવાની ઘણી જ આવશ્યકતા છે. ઈતર ભક્તોના હિતમાં પ્રીતિ અને પુરુષાર્થ જ પોતાનો પરિછિન્ન અહં અને ક્ષુદ્ર સ્વાર્થને નાબૂદ કરવાનું સુગમ સાધન છે.

જેઓ મહારાજના તત્ત્વની અનુભૂતિ કરવા માગે છે તેમણે સત્સંગમાં ભગવાનના ભક્તોના દાસના દાસ થઈને રહેવું ઘણું જ જરૂરી છે. શ્રીજી મહારાજ કહે છે કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે પણ ભગવાનની ઉપાસના વિના અર્થાત્ભગવાન કે ભગવાનના અર્થે સમર્પિત થયા વિના તો કોઈ સિદ્ધિ થતી નથી. માટે જેમ શરીરમાં આકૃતિ, અવયવ, કાર્ય, નામ વગેરે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ વ્યક્તિને એવો ભાવ સદા રહે છે કે બધા જ અંગોને આરામ મળે. કોઈ પણ અંગને કષ્ટ ન થાય. એવી જ રીતે સમગ્ર સત્સંગ અલગ અલગ વ્યક્તિરૂપે હોવા છતાં તેને માટે આપણું સમર્પણ શું? બીજાના હિત માટે હું શું કરી શકું? બીજાના હિતમાં આપણને રતિ થવી જોઈએ. તો જ મહારાજની સાથે એકતા સાધી શકાય ને મહારાજના તત્ત્વની અનુભૂતિ અનુભવી શકાય. સ્વાર્થભાવ નષ્ટ થઈને અહં દૂર થાય. એટલા માટે सर्वभूतहिते रता: ઘણું જ જરૂરી છે.

छिन्नद्वैधा-જ્યાં સુધી સાધક પોતાને મળેલી સામગ્રીને પરમાત્માના માટે અને તેના સાચા સેવકને માટે નિધડક સમર્પિત કરી નથી શકતો કે તેના લાભાર્થે નિધડક વાપરી શકતો નથી, ત્યાં સુધી સાધક હોવા છતાં પણ દ્વિધામાં જીવે છે. તેના અંતઃકરણની દ્વિધા દૂર નથી થતી. જ્યારે નિષ્કામ સેવામાં જેને કોઈ સંકોચ નથી રહેતો ત્યારે તેેને જીવનની દ્વિધા દૂર થાય છે અને તે પરમાત્મામાં જોડાય છે.

क्षीणकल्मषा: પ્રકૃતિ સાથે કે પ્રકૃતિના કોઈ સજર્ન સાથે માનેલો પોતાનો સંબંધ તે કલ્મષ છે. કારણ કે તે સંબંધ સમગ્ર પાપો, દોષો કે વિકારોનું મૂળ છે. નિષ્કામ કર્મયોગના માર્ગમાં ચાલતા સાધકના તે દોષો દૂર થતાં તે क्षीणकल्मष બને છે.

ऋषय: ઋષિનો અર્થ થાય છે क्रान्तदृष्टा અર્થાત્ આરપાર જોનારા અથવા ત્રિકાળ દૃષ્ટા. ઋષ ધાતુ જ્ઞાનના અર્થમાં રહેલો છે. તે પણ વિવેકના સ્વરૂપમાં જે જ્ઞાન રહેલું છે તેને ઋષિ કહેવાય છે. તેથી વિવેકજ્ઞાનને પ્રદીપ્ત કરનારા, સિદ્ધ કરનારા અને તેને મહત્ત્વ દેનારા સાધકોને પણ ઋષિ કહેવાય. અહીં એવા જ સાધકો કે સિદ્ધોને માટે ऋषय: શબ્દ પ્રયોગ કર્યો છે. પ્રવૃત્તિમાર્ગમાં પણ વિવેકજ્ઞાનને જ વધારે મહત્ત્વ આપીને નિષ્કામ કર્મયોગ કે સેવાયોગ કરનારા. કારણ કે પૂર્વે ઋષિઓ પણ ઘણું કરીને પ્રવૃત્તિમાર્ગમાં રહીને સાધના કરનારા હતા. તેથી તેવી સાધના કરનારાઓમાં આ શ્લોકમાં બતાવેલ તમામ લક્ષણો ચરિતાર્થ થતાં હતાં. તેથી અત્યારે પણ ભગવાનનો કહેવાનો અભિપ્રાય એ છે કે એ પ્રમાણે જ નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કરે તો તે સાધક પણ ઋષિ પદવીને યોગ્ય જ છે ને તે ઋષિ જ છે.

ब्रह्मनिर्वाणं लभन्ते-ભગવાન અહીં અર્જુનના ધ્યાનમાં એ લાવવા માગે છે કે નિષ્કામ કર્મયોગથી જે સિદ્ધિ થાય છે તે સાંખ્યયોગ કરતાં જરા પણ ઓછી નથી. ઊલટી સહજમાં થાય છે અને જલદી પણ થાય છે.પરમાત્માનું સુખ નિવૃત્તિવાળા જ પામે અને પ્રવૃત્તિવાળા નહિ એવો દાવો નિવૃત્તિવાળાનો છે. ગીતાનો કે પરમાત્માનો નહિ. (આનું કલ્યાણ થશે અને આનું કલ્યાણ નહિ થાય એવો નિર્ણય સાધકોનો છે, મહારાજનો કે વચનામૃતનો નથી) આ શ્લોકમાં જે સાધકનું વર્ણન ભગવાને કર્યું છે કે सर्वभूतहिते रता: વગેરે નિષ્કામ કર્મયોગી કે નિષ્કામભાવે સેવા કરનારાનાં લક્ષણો છે. નિવૃત્તિ માર્ગના નથી. છતાં તેના ફળમાં ભગવાન કહી દે છે કે તે પણ ब्रह्मनिर्वाण लभन्ते પરમાત્માના સુખને પામે છે. તેમાં પણ ભગવાન અહીં ‘लभन्ते’ પદનો પ્રયોગ કરે છે. એ સૂચવે છે કે તે વિના પ્રયત્ને પામી જશે. તેને પછી પરમાત્માનું સુખ મેળવવા અલગ પ્રયત્ન નથી કરવો પડતો.

कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम्‌।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम्‌ ।।२६।।

અર્થઃ જેઓ કામ અને ક્રોધથી મુકત છે, જેમણે મનને વશ કર્યું છે, જેઓ આત્મજ્ઞાની છે અને જેઓ પૂર્ણતા પામવા સતત પ્રયત્નશીલ રહે છે એવા માટે બ્રહ્મનિર્વાણ નિશ્ચિત છે.

अभित: ब्रह्मनिर्वाणं वर्तते અર્થાત્સાચી રીતે કરાયેલા નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાથી સિદ્ધ થયેલ સાધકને ચારે બાજુથી, તમામ દિશામાંથી પરમાત્માના સુખના પ્રવાહો આવે છે. એટલું પણ ઓછું છે ! એમ કહો કે તે પરમાત્માના આનંદના સાગરમાં આઠે પહોર ઝીલતો રહે છે. अभित: ब्रह्मनिर्वाणं-તેને માટે કોઈ એવી ક્રિયા નથી કે જેમાંથી તેને ભગવાનનું સુખ ન નીકળતું હોય. તેને ધ્યાન કરવા બેસે અથવા માળા ફેરવવા બેસે તો જ ભગવાનનું સુખ અનુભવાય અને તે બંધ કરે એટલે બંધ થઈ જાય એવું નથી. એને જ્યાં હાથ નાખે ત્યાં પરમાત્માનું સુખ આવે છે. શરત માત્ર એટલી છે કે આ શ્લોકમાં બતાવ્યું એવું થવાનું છે અથવા એવી રીતે સેવા કરવાની છે. તે કહે છે કે कामक्रोध वियुक्तानाम्‌ ભગવાન બતાવે છે કે ક્રિયાઓ કરતાં કરતાં પણ તમારે ભગવાનનું સુખ જોઈએ છે ? તો આ વસ્તુ તમારા જીવનમાં ન આવવા દો. તેને હૃદયમાંથી સાફ કરો. રાગમાંથી કામ થાય છે અને કામમાંથી ક્રોધ અને લોભ થાય છે. માટે મૂળ તો રાગ જ છે. તેનો નાશ કરીને સેવા કે કર્મયોગ કરો અને આનંદના સમુદ્રમાં ઝીલતા રહો. જોે ભગવાનના સુખની અંતરમાં ઝાંખી કરવી છે તો પ્રથમ હૃદયમાંથી એને સાફ કરો. કામ, ક્રોધ વગેરે દોષો નાશવંત પદાર્થો, વ્યક્તિ-પરિસ્થિતિમાં રાગ રાખવાથી અંતરમાં ઊભા થાય છે. માટે અંતરમાંથી તેની સાથેનો સંબંધ વિચ્છેદ કરો. જ્યાં સુધી સૂક્ષ્મરૂપે પણ હૃદયમાં પડ્યા છે ને પોતાને મુક્ત માની લેવા, તે ભ્રમણા છે. यतीनाम्‌-यतचेतसाम्‌-विजितात्मनाम्‌ યતનશીલ એટલે જેઓ હંમેશાં આ અંતઃશત્રુનો નિગ્રહ કરવામાં પ્રયત્નવાળા છે અર્થાત્અતિસાવધાન છે. यतचेतसाम्‌ ચેતના લાગણીઓનો નિગ્રહ કરનારા છે. શરીર, ઈન્દ્રિયાદિનો સહજ સ્વભાવ છે. પરિસ્થિતિથી પ્રભાવિત થઈને લાગણીમાં તણાઈ જવું અને જ્યારે લૌકિક લાગણીમાં તણાયો ત્યારે તે નિદરેષ રહેવો ઘણું દુર્લભ છે. માટે તે લાગણીઓને વિવેકપૂર્વક નિગ્રહ કરે તો જ કામાદિક નિવારી શકે. મન જીતનારા હોવા જોઈએ. એવા પુરુષો છે. એવા સાધકોને માટે अभितो ब्रह्मनिर्वाणं वर्तते પરમાત્માના સુખ આવવાના તમામ રસ્તાઓ ખુલ્લા થઈ જાય છે.

સાધક થઈને રહેનારો છે પ્રત્યેક મનુષ્યમાં એક તો ઈન્દ્રિયોનું જ્ઞાન છે અને એક બુદ્ધિનું જ્ઞાન. ઈન્દ્રિયો અને બુદ્ધિ-બન્નેની વચમાં મનનો નિવાસ છે. મનુષ્યે જોવાનું એ છે કે પોતાના મન ઉપર વિશેષ કરીને ઈન્દ્રિયોના જ્ઞાનનો પ્રભાવ (પ્રભુત્વ) છે, બુદ્ધિના જ્ઞાનનો પ્રભાવ (પ્રભુત્વ) છે કે આંશિકરૂપે બન્નેના જ્ઞાનનો પ્રભાવ છે? ઈન્દ્રિયોના જ્ઞાનમાં વિષય રસનું (ટેસ્ટ) પ્રભુત્વ વધારે હોય છે. બુદ્ધિના જ્ઞાનમાં ‘પરિણામ’નો પ્રભાવ વધારે હોય છે. તેથી ઈન્દ્રિય જ્ઞાન વિષય આસ્વાદમાં થોડું વધારે ખેંચાયેલું છે, રહે છે. જે મનુષ્યના મન ઉપર કેવળ ઈન્દ્રિયોના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ સંયોગજન્ય સુખભોગમાં જ સદાને માટે તણાયેલા રહે છે. જેમના મન ઉપર બુદ્ધિના જ્ઞાનનો વિશેષ પ્રભાવ રહે છે તેઓ સુખભોગનો ત્યાગ કરવામાં જ હંમેશાં તત્પર રહે છે. તેથી જ આગળ કહ્યું કે ‘न तेषु रमते बुध:’ (૫/૨૨)

ઘણું કરીને સાધકોના મન ઉપર આંશિક રૂપે ઈન્દ્રિયો ને બુદ્ધિ-વિષય ભોગ અને વિવેક-બન્નેના જ્ઞાનનો પ્રભાવ રહે છે. તેમના મનમાં આ બન્નેનો દ્વન્દ્વ ચાલતો રહે છે. એટલા માટે તેઓ વિવેકને સંપૂર્ણ મહત્ત્વ નથી આપી શકતા. તેથી જે કરવા ઈચ્છે છે તે પણ કરી નથી શકતા. આ દ્વન્દ્વ જ સીધી કે આડકતરી રીતે તેને ધ્યાનમાં સ્થિર થવા દેતો નથી. આથી ઈન્દ્રિયો, મન, બુદ્ધિનું નિયમન કરવાનું તાત્પર્ય એ છે કે મન ઉપર કેવળ વિવેક-જ્ઞાનનો-બુદ્ધિનો પ્રભાવ રહે અને ઈન્દ્રિયોનો-ભોગાનંદનો પ્રભાવ સર્વથા દૂર થઈ જાય તો તે મુક્ત જ બની ગયો છે ,એવું છે.

मुनिर्मोक्षपरायण: પરમાત્માની પ્રાપ્તિ-પ્રસન્નતા કરવી, એ જ જેના જીવનનું લક્ષ્ય બની ગયું છે એવા પરમાત્માના સ્વરૂપનું મનન કરવાવાળા સાધકને અહીં ‘મોક્ષ પરાયણ’ અને ‘મુનિ’ કહેવામાં આવ્યો છે. પરમાત્માને પામવાની તમામની યોગ્યતા છે. તેમાં કોઈ અયોગ્ય નથી; પરંતુ દૃઢ ઉદ્દેશ્ય ન હોવાથી વિલંબ થઈ રહ્યો છે. જો પરમાત્માને પામવાનો જીવનમાં દૃઢ ઉદ્દેશ્ય બની જાય તો વિલંબ નથી. જ્યારે દૃઢ ઉદ્દેશ્ય નક્કી થાય છે ત્યારે તેના હૃદયમાં ભગવાનને જલદી મળવાની લાલસા ઉત્પન્ન થાય છે અને એ લાલસા જેમ જેમ મજબૂત અને સક્રિય થતી હોય છે, તેમ તેમ સંસારની તમામ કામનાઓનો નાશ કરી નાખે, બંધ કરી દે છે. ભગવાનનો અનુભવ જલદી કરાવી દે છે. આથી એ ઉદ્દેશ્યની દૃઢતા બતાવવા માટે જ मोक्षपरायण: શબ્દ પ્રયોગ કર્યો છે. ભગવાનને પામવામાં ઉદ્દેશ્ય નક્કી થવો તે જ્ઞાન-વૈરાગ્ય જેટલો જ મહત્ત્વનો છે અને જરૂરી છે.

विगतेच्छाभयक्रोधो य: પોતાની ઈચ્છાની પૂર્તિમાં વિઘ્ન નાખવાવાળા વ્યક્તિઓ પોતાનાથી પ્રબળ હોય તો તેનાથી ભય થાય છે અને પોતાનાથી નિર્બળ હોય તો ક્રોધ (નાશ કરી નાખવાનો વેગ) થાય છે. એવું ને એવું જ, જીવવાની પ્રબળ ઈચ્છા રહેવાથી મૃત્યુનો ભય લાગે છે. બીજાઓ દ્વારા પોતાની ઈચ્છાપૂર્તિ કરવાની ઈચ્છાથી તથા બીજાઓ ઉપર અધિકાર જમાવવાની ઈચ્છાથી ક્રોધ થાય છે. આથી ભય અને ક્રોધ થવામાં ઈચ્છા જ મુખ્ય કારણ છે. જો મનુષ્યને ઈચ્છાપૂર્તિનો ઉદ્દેશ્ય ન રહે અને એક માત્ર પરમાત્મા પ્રાપ્તિનો અથવા પરમાત્માને પ્રસન્ન કરવાનો ઉદ્દેશ્ય રહે તો ભય, ક્રોધ સહિત ઈચ્છાનો સર્વથા નાશ થઈ જાય અને ઈચ્છાઓનો સર્વથા અભાવ થઈ જતાં મનુષ્ય મુક્ત બની જાય છે. કારણ કે વસ્તુઓની ઈચ્છાથી અને જીવવાની ઈચ્છાથી જ મનુષ્ય જન્મ-મરણરૂપી બંધનમાં પડે છે. સાધકે ગંભીરતાપૂર્વક અને તટસ્થ થઈને વિચાર કરવો જોઈએ કે વસ્તુ-પદાર્થની ઈચ્છા કરવાથી વસ્તુ-પદાર્થ મળી જ જાય છે ખરા? અને શું વધારે જીવવાની ઈચ્છા કરવાથી વધારે જીવી જવાય છે ખરું? મૃત્યુથી બચી જવાય ખરું? વાસ્તવિકતા તો એ છે કે ન તો વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે કે ન તો મૃત્યુથી બચી જવાય છે. માટે સાધકને જીવતા જ દૃઢપણે એવું પકડાઈ જાય (નિશ્ચય થઈ જાય) કે પરમાત્માને રાજી કરવા સિવાય અને ભગવાન ને ભગવાનના ભક્તની સેવા સિવાય કોઈપણ વસ્તુ નથી જોઈતી તો તે સાધક વર્તમાનમાં જ મુક્ત થઈ જાય છે. જો વસ્તુ-પદાર્થની ઈચ્છાઓ રહેશે તથા જીવવાની ઈચ્છા રહેશે તો ન તો તે ઈચ્છાઓ પૂરી થશે અને ન તો મૃત્યુથી બચી શકાશે, ન તો ક્રોધમાંથી છૂટી શકાશે. માટે મુક્ત થવા માટે ઈચ્છારહિત થવું અતિ આવશ્યક છે, રાગરહિત થવું અતિ આવશ્યક છે. જો વસ્તુઓની ઈચ્છા ન રહે તો જીવન આનંદમય બની જાય અને જો ઝાઝું જીવવાની ઈચ્છા ન રહે, તો મૃત્યુ પણ આનંદમય બની રહે છે. જીવન ત્યારે જ કષ્ટમય બની રહે છે, જ્યારે વસ્તુઓની ઈચ્છાઓનો અંત નથી રહેતો અને મૃત્યુ પણ ત્યારે જ કષ્ટમય બની રહે છે કે જ્યાં સુધી જીવવાની ઈચ્છા પૂરી જ નથી થાતી.

स: सदा मुक्त एव-જેણે વસ્તુઓની ઈચ્છાઓનો અને ‘હું સદા કાળ જીવતો જ રહું કયારેય મરું જ નહિ’ એવી (ઘેલછાપૂર્ણ) ઈચ્છાનો ત્યાગ કરી દીધો છે, તો તે જીવતે જીવતા પણ મુક્ત છે. તે જીવનમુક્ત કહેવાય છે. एव નું તાત્પર્ય એ છે કે વાસ્તવિક મુક્તિ તો દેહ પડ્યા પછી મળે છે તો પણ તે દેહ છતાં જ મુક્તિનો અનુભવ, મુક્તિનું સુખ અનુભવે છે ને મૃત્યુ પછી મુક્તિને પામે છે.