જ્ઞાનનો મહિમા
श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञ: परंतप।
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ।।३३।।
અર્થઃ હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ ! સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે.
અત્યાર સુધી ભગવાને સર્વ કર્મોને જ્ઞાનાકારતા બતાવી, कर्मणि अकर्म य: पश्येत् વગેરે વાક્યોથી હવે અધ્યાય સમાપ્તિ સુધી જ્ઞાનની પ્રશંસા કરતાં કહે છે કે દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કર્મની જ્ઞાનમાં સમાપ્તિ થઈ જાય છે. ઉપરના શ્લોકમાં પ્રથમ દૃષ્ટિએ હવે ભગવાન જ્ઞાનયોગની પ્રશંસા કરતા હોય એવું દેખાય છે. વળી આગળના આ જ અધ્યાયના શ્લોકો
अपि चेदसि पापेभ्य: सर्वेभ्य: पापकृत्तम:।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि।। (४/३६)
ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते (४/३७)
योग संन्यस्त कर्माणं ज्ञानसंछिन्नसंशयम् (४/४१)
ઈત્યાદિ પછીના શ્લોકો કર્મયોગથી વિરોધ બતાવનારા છે. ‘न हि ज्ञानेन सद्रुशं पवित्रमिह विद्यते (४/३८) એ શ્લોક પણ કર્મયોગથી જ્ઞાનયોગ વધારે પાવનકારી છે એવો નિર્દેશ કરે છે. ‘ज्ञानं लब्ध्वा परां शान्तिम्’(४/३९) શ્લોકથી જ્ઞાનયોગ શીઘ્રકારી અને કર્મયોગ વિલંબકારી છે. એવી અભિવ્યક્તિ થાય છે. વળી કોઈ કહે કે, કર્મયોગની અંર્તગત જ બધા યોગો છે, એમ નહિ બતાવી શકાય. કારણ કે અહીં બધાનો નિર્દેશ કરીને પછી બધાની સરખામણીએ જ્ઞાનયજ્ઞને શ્રેષ્ઠ બતાવ્યો છે. તેથી આ પ્રકરણ જ્ઞાનયોગની પ્રશંસાનું પ્રકરણ એવું માનવું જોઈએ.
તેનું સમાધાન એ છે (તા.ચં.) કે श्रेयान् द्रव्यमयात् यज्ञात्–અહીં જ્ઞાનની પ્રધાનતા કહેવા માત્રથી જ્ઞાનયોગની પ્રધાનતા માની લેવી યોગ્ય નથી. આગળ ભગવાને कर्म ज्यायो ह्यकर्मण: (३/८) ઈત્યાદિમાં બધી જ જગ્યાએ એનાથી વિપરીત કર્મયોગની જ પ્રધાનતા વિસ્તારીને કહી છે. પછીના (પાંચમા) અધ્યાયમાં પણ ‘तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते (५/२) સ્પષ્ટ તુલના કરીને ભગવાન કહેવાના છે. આ બન્ને તથ્યોની મધ્યમાં તે બન્નેથી વિરુદ્ધ અર્થ પ્રતિપાદન યોગ્ય નથી. ભગવાન એવું કદી કરે નહિ પણ એમાં ઘટક અર્થોનું સંશોધન કરવાની જરૂર છે. તેથી અહીં ‘જ્ઞાનયજ્ઞ’ શબ્દ કર્મયોગના અંગરૂપ-ભાગરૂપના વિષયને કરનારો છે. આ શ્લોકના આધારે કર્મયોગની ક્રિયાનું વિશ્લેષણ કરીએ તો દ્રવ્ય, કર્મ અને જ્ઞાન આ ત્રણ શબ્દો આવ્યા છે. એક જ કર્મયોગની ક્રિયામાં આ ત્રણ ભાગો અન્વિત થાય છે. પ્રથમ દ્રવ્ય-પદાર્થ સ્થૂળ ભાગ છે, પછી ક્રિયા છે અને તેના આંતરભાગમાં જ્ઞાન છે. જેને ભાવના-દુર્ભાવના પણ કહેવાય છે. પરમાત્માના અનુસંધાને ભક્તિ મહિમા પણ કહેવાય છે. આ કર્મના આંતરભાગને અહીં ભગવાને જ્ઞાનયજ્ઞ અથવા જ્ઞાન શબ્દથી નિર્દેશ કર્યો છે અને એવું માનીશું તો ગીતાના પૂર્વાપર અર્થોમાં ભગવાનનાં વચનોમાં કોઈ બાધ નહિ આવે. ‘तस्मादज्ञानं सम्भूतम्’ (४/४२) આ અધ્યાયના ઉપસંહારના શ્લોકમાં પણ જ્ઞાનરૂપી તલવારથી અજ્ઞાનનો નાશ કરીને योगमातिष्ठोतिष्ठ શબ્દો કહીને કર્મયોગને માટે ઊભો થઈ જા એમ કહીને કર્મયોગની જ હિંમત આપી છે. પ્રશંસા જ્ઞાનયોગની કરે ને કર્મયોગને માટે ઊભો થઈજા એવું ભગવાન કેમ કહે ? ન જ કહે. માટે તેથી પણ આગળ પ્રશંસા કર્મયોગ-અંતર્ગત જ્ઞાનની પ્રશંસા છે. સ્વતંત્ર જ્ઞાનયોગનું અહીં પ્રકરણ નથી. ‘सर्वकर्म ज्ञाने परिसमाप्यते’ એમાં પણ કર્મયોગ-અંતર્ગત જ્ઞાનાંશનું જ પ્રાધાન્ય બતાવનારું વચન છે, એમ માનવાનું છે. બાકીના શ્લોકમાં પણ કર્મયોગની અંતર્ગત પણ જ્ઞાનાંશ જ પાપનિવર્તક છે, કેવળ ક્રિયા નહિ. એટલું જ નહિ પણ કર્મયોગમાં દ્રવ્યભાગ (પદાર્થભાગ) અને ક્રિયાંશ (ચેષ્ટા) ભાગ ગૌણ છે. તેમાં રહેલો જ્ઞાનાંશભાગ જ સર્વદોષ નિવર્તક છે તેને આપણે કર્મયોગ કરવામાં ધ્યેય અથવા આંતર ઈરાદો પણ કહી શકીશું અથવા ‘મૌન ઈરાદો’ એ બધા શબ્દો તેને માટે યોજી શકાય છે. જો આ બધા કર્મયોગ કરવા પાછળ પવિત્ર દિશા તરફ લઈ જનારા હશે તો ભગવાને આ અધ્યાયમાં જે જ્ઞાનપ્રશંસા કરી છે, તે ચરિતાર્થ થશે અને તેમાં જ જો ખરાબી પેસી ગઈ હોય તો એક પણ પરિણામ આવી નહિ શકે. કર્મયોગમાં ઈરાદાની પ્રાધાનતા છે. જ્યારે જ્ઞાનયોગમાં સ્પષ્ટ વિવેકની પ્રધાનતા છે.
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन:।।३४।।
અર્થઃ એ જ્ઞાનને તું તત્ત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે; એમને યોગ્ય રીતે દંડવત્પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મતત્ત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે.
तद्विद्धि प्रणिपातेन આ અધ્યાયમાં પ્રથમ પોતાના જન્મ સંબંધી જ્ઞાન કહ્યું અને કહ્યું કે મારા જન્મ કર્મને જે દિવ્ય માનશે તે મને પામશે. પછી ભગવાને પોતાનાં કર્મો દિવ્ય શા માટે છે તે બતાવ્યું. પછી તે કર્મને દિવ્ય બનાવવા માટે કર્મમાં જાણવાનું બતાવ્યું કે જેથી કર્મ, કર્મ મટી જઈને કલ્યાણનું, મુક્તિનું સાધન બની જાય. હવે તે કર્મ જ્ઞાનરૂપ કે ભક્તિરૂપ બનાવવા માટે અથવા તેનો ભક્તિમાં પરિપાક લેવા માટે અને તે કર્મોમાં પ્રતિક્ષણ વિશુદ્ધતા લાવવા માટે વારંવાર તે વાતને જ્ઞાની પુરુષો પાસેથી સાંભળવી જોઈએ અને અવધારણ કરવી જોઈએ. तद्विद्धि–તદ્ શબ્દથી ભગવાન જે વિશુદ્ધ આશયરૂપ કર્માન્તર્ગત જ્ઞાન કહેવા માગે છે તેનો નિર્દેશ કરે છે. તે વિશુદ્ધતાનો પરિપાક લાવવા માટે. गुरुमेवाभिगच्छेत् श्रोत्रियं ब्रह्मनिष्ठम् (મુ.ઉ. ૧-૨-૧૨) અહીં એ જ ભાવને બતાવવા ज्ञानिन: तत्त्वदर्शिन: શબ્દનો પ્રયોગ કર્યો છે. તે ગુરુ શ્રોત્રિય અથવા જ્ઞાની, શાસ્ત્રના સિદ્ધાંતોને સારી રીતે જાણનારા-પારંગત હોવા જોઈએ અને ब्रह्मनिष्ठ અથવા तत्त्वदर्शिन: એટલે શાસ્ત્રના ઉચ્ચ સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારનાર હોવા જોઈએ. કેવળ શાસ્ત્રના ઉચ્ચ સિદ્ધાંતોનો દેખાવ કરનારાથી શિષ્યના જીવનમાં તે લાવી શકાતા નથી. જો તત્ત્વદર્શિતા અર્થાત્બ્રહ્મનિષ્ઠા હશે પણ શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન નહિ હોય તો શિષ્યોના સંશયોનું નિવારણ નહીં કરી શકે. પોતે તો શુદ્ધ જીવન જીવી શકશે પણ બીજા જીવોને માર્ગદર્શક નહિ બની શકે.
प्रणिपातेन જ્ઞાન પ્રાપ્તિને માટે શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુની પાસે જઈને એમને સાષ્ટાંગ દંડવત્પ્રણામ કરવા. દંડવતનું તાત્પર્ય એ છે કે नीचवत् सेवेत सद्गुरुम् અહીં હલકામાં હલકો થઈને ગુરુની પાસે રહેવું. જેથી પોતાના દેહભાવથી ગુરુનો કદી અનાદર કે તિરસ્કાર ન થઈ જાય. નમ્રતા, સરળતા અને જિજ્ઞાસુભાવથી એમની પાસે રહેવું અને એમની સેવા કરવી. પોતાની જાતને ગુરુને સમર્પિત કરી દેવી. પોતે તેને આધીન થઈ જવું.
सेवया-सेवा तु भक्ति:-चिरानुवर्तनं वा મળ મહાપુરુષોની સૌથી મોટી સેવા છે, એમના સિદ્ધાંતોનુસાર પોતાનું જીવન બનાવવું. એમને જેટલા સિદ્ધાંતો પ્રિય હોય છે તેટલું પોતાનું શરીર પણ પ્રિય હોતું નથી.
સિદ્ધાંતોની રક્ષા માટે અને ફેલાવા માટે તેઓ પોતાના શરીરને ઘસી નાખે છે અથવા ત્યાગ પણ કરી દે છે. એટલે સાચો સેવક તે જ છે જે તેના સિદ્ધાંતોનું પાલન કરે અને સિદ્ધાંતોની રક્ષા કરે.
શરીર અને વસ્તુઓ વડે પણ ગુરુની સેવા કરવી. સેવાને ‘શ્વવૃતિઃ’ કહેવામાં આવે છે. સાચો સેવક થવા માટે ખૂબ હલકું થવું પડે છે. કોઈ પણ પ્રકારના માનને ધારણ કરવાથી સાચી સેવા થતી નથી. સેવકે જેનાથી ગુરુ પ્રસન્ન થાય તેવું જ કામ કરવું. તેની અપ્રસન્નતા થાય એવી ચેષ્ટાઓથી સદા દૂર રહેવું. કરણત્રયથી અનુવૃત્તિ રાખવી એ જ સાચી સેવા ગણાય છે.
मौनान् मूक: प्रवचनपटुर्वातुलो जल्पको वा।
धृष्ट: पार्श्वे वसति च सदा दुरतश्वाप्रगल्भ:।।
क्षान्त्या भीरुर्यदि न सहते प्रायशो नाभिजात:।
सेवाधर्म: परमगहनो योगिनामप्यगम्य:।। (નીતિ શતક-૫૮)
परिप्रश्नेन-કેવળ ભગવદ્તત્વને જાણવા માટે કે તેને પોતાના હૃદયમાં અનુભૂતિ કરવા માટે પવિત્ર જિજ્ઞાસાથી સરળભાવે અને વિનમ્રભાવે ગુરુને પ્રશ્ન પૂછવો. પોતાની વિદ્વતા બતાવવા માટે અથવા તેની પરીક્ષા કરવા માટે પ્રશ્ન ન કરવો.
उपदेक्ष्यन्ति ते ज्ञानम् મહાપુરુષોને દંડવત્પ્રણામ કરવાથી તેમની સેવા કરવાથી અને તેમને સરળતાપૂર્વક પ્રશ્નો પૂછવાથી તેઓ તને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે-એનું એવું તાત્પર્ય નથી કે તે મહાપુરુષોને આ બધી વાતની અપેક્ષા રહે છે. આ બધી વાતની ભૂખ હોય છે. વાસ્તવમાં તેમને પ્રણામ, સેવા વગેરેની કિંચિત્માત્ર પણ ભૂખ નથી હોતી આ બધું કહેવાનો ભાવ એ છે કે જ્યારે સાધક આ રીતે જિજ્ઞાસા કરે છે અને સરળતાપૂર્વક મહાપુરુષની પાસે જઈને રહે છે ત્યારે એ મહાપુરુષના અંતઃકરણમાં તેના પ્રત્યે વિશેષ ભાવ પેદા થાય છે. જેનાથી સાધકને સાધનામાં ખૂબ જ લાભ થાય છે. વળી મહાપુરુષો પણ શાસ્ત્રોનું અનુસરણ કરે છે. ‘नासंवत्सरवासिने प्रब्रूयात्, न विनयादि रहिताय च वक्तव्यम्’ ઈત્યાદિ શાસ્ત્રવચનોનું પરિપાલન કરીને યોગ્યાયોગ્ય પરીક્ષા કરીને તેને ઉપદેશે છે પણ આજની જેમ ગમે ત્યાં ભાળ્યો તો જોયા વિના ભૂખ્યા વરુની જેમ ઉપદેશ દેવા તૂટી પડતા નથી. જો સાધક ઉપર કહ્યા પ્રમાણે ન રહે તો કદાચ જ્ઞાન મળે તો પણ ગ્રહણ નહિ કરી શકે.
यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव।
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि।।३५।।
અર્થઃ જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે, તેમજ હે પાંડુપુત્ર! જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિઃશેષભાવે પહેલાં પોતાનામાં અને તે સૌ મારામાં છે, મારા અંશ છે. એમ જોઇશ.
આગળના શ્લોકમાં तद्विद्धि–માં तद् શબ્દથી જે જ્ઞાન પામવાની ભગવાન વાત કરે છે, તે જ્ઞાનને પામીને ફરી વખત તને આવો મોહ ઉત્પન્ન નહિ થાય. ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુનને મોહ પ્રગટ થયો છે કે, યુદ્ધમાં બધા કુટુંબી અને સગાંસંબંધી લોકો મરી જશે તો એમને પિંડ અને જળ દેવાવાળા કોઈ નહિ રહે. તેથી પિંડ અને જળ ન દેવાથી તેઓ નરકમાં જશે. જે જીવિત રહેશે તે સ્ત્રીઓ અને બાળકોનો નિર્વાહ કેમ થશે? વણસંકરતા આવી જશે વગેરે વગેરે. તત્ત્વજ્ઞાન થયા બાદ આવો મોહ નથી રહેતો. આવી રીતે મોહ દૂર થશે પછી મોહ થવાનો પ્રશ્ન જ નહિ રહે.
જ્યારે મોહ દૂર થાય છે, ત્યારે વિવેક જાગૃત થઈ જાય છે અને વિવેકને મહત્ત્વ આપવાથી તે સ્થિર થાય છે. ત્યારે સંસાર સાથેનો સંબંધ છૂટી જાય છે અને પોતાના આત્માનું યથાર્થ દર્શન અને પરમાત્માના સ્વરૂપનું પણ જ્ઞાન થાય છે.
येन भूतान्यशेषेण दृक्ष्यस्यात्मन्यथो मयि જ્યારે એને પોતાના આત્માનું અક્ષરબ્રહ્મરૂપે અને પરમાત્માનું પોતાના આધારરૂપે દર્શન થાય છે ત્યારે आत्मवत् सर्वभूतानि ન્યાયથી, स्थालि पुलाक ન્યાયથી એને અન્ય આત્માઓનું પણ યથાર્થ જ્ઞાન થઈ જાય છે. દેહાદિક ભાવનું આવરણ ન રહેવાથી પોતાના આત્માના આધારનું પણ જ્ઞાન થાય છે; ત્યારે જેમ પોતાના આધાર પરમાત્મા છે તેમ સર્વના આધારરૂપે પણ પરમાત્માનું દર્શન થાય છે. તેથી मयि अशेषेण भूतानि अपि द्रक्ष्यसि-સાર્થક થશે.
अपि चेदसि पापेभ्य: सर्वेभ्य: पापकृत्तम:।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि।।३६।।
અર્થઃ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય, તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિઃસંદેહ આખા પાપ-સાગરને સારી રીતે પાર કરી જઈશ.
પાપ કરવાવાળાઓની ત્રણ કક્ષા હોય છે. (૧) पापकृत् અર્થાત્પાપ કરવા વાળો (૨) पापकृतर અર્થાત્ બે પાપીઓમાં વધારે પાપ કરનારો બેમાંથી એક (૩) पापकृत्तम અર્થાત્તમામ પાપ કરવાવાળામાં સૌથી વધુ પાપ કરવાવાળો. અહીં पापकृत्तम શબ્દનો પ્રયોગ કરીને ભગવાન કહે છે કે જો તું સઘળાં પાપીઓમાં પણ અત્યંત પાપ કરવાવાળો હોઈશ તો પણ તું સઘળાં પાપોને તરી જઈશ.
અહીં કર્મયોગ પ્રકરણમાં જે ज्ञानप्लव ની વાત કરી છે તે કર્મયોગ કરતાં કરતાં કેન્દ્રમાં પરમાત્મા હોવા, સાધકનો અંતર ઈરાદો કેવળ પરમાત્માને પ્રસન્ન કરવાનો જ હોવો, કેવળ ભગવાનના અનન્ય ભક્તોની સેવા કરવાનો ઈરાદો હોવો, બીજા જીવોનું હિત કરીને તેને અધ્યાત્મિક લાભ પહોંચાડવો એ છે. કર્મયોગ કરતાં કરતાં પરમાત્માની મૂર્તિમાં એકાગ્ર થવું. એ આદિક તેત્રીસમા શ્લોકમાં બતાવ્યા મુજબ કર્મયોગના આંતર ભાગમાં રહેલા જ્ઞાનના પ્રભાવને હવે ભગવાન કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પાપોનો ત્યાગ કરીને કેવળ સાધનામાં લાગે તો છે તેનું કહેવું જ શું ? પરંતુ જેણે પહેલાં બહુ જ પાપો કર્યાં હોય તેને પણ પોતાના આત્મકલ્યાણની તાલાવેલી જાગે, અંતરમાં ગરજ જાગે તો પોતાના ઉદ્ધાર માટે નિરાશ થવાની જરૂર નથી. પોતાના અંતરનો ઈરાદો જાગે તો આ જન્મમાં જ પોતાનું કલ્યાણ કરી શકે છે. પુરાણાં પાપો જીવને એટલા બધા બાધક નથી થતાં જેટલાં વર્તમાન પાપો અને વર્તમાનમાં પાપ કરવાની વૃત્તિ બાધક થાય છે. જો મનુષ્ય વર્તમાનમાં પાપ કરવાનું છોડીને નિશ્ચય કરી લે અને ભગવાનના અનન્ય નિષ્પાપ ભક્તોની નિષ્કામ સેવામાં લાગી જાય તો वृजिनं संतरिष्यसि-પાપોના સમૂહને પણ તરી જશે. જો કોઈ જગ્યાએ સો વર્ષોથી લગાતાર ગાઢ અંધકાર છવાયો હોય અને ત્યાં દીવો પેટાવી દેવામાં આવે તો તે અંધકારને દૂર કરીને પ્રકાશ કરવામાં દીવાને સો વર્ષ નથી લાગતા. દીવો પેટાવતાની સાથે જ સો એ સો વર્ષનું અંધારું એક સાથે દૂર થઈ જાય છે. તેમ જીવને કર્મયોગ કે નિષ્કામ સેવાયોગના માર્ગથી ‘મારે પરમાત્મા પાસે પહોંચવું છે.’ એવો અંતરમાં નિર્ણય કરતાં કે ધ્યેય નિશ્ચિત કરતાં જ તેના માર્ગમાંથી પાપો દૂર ખસી જાય છે; પરંતુ જો માર્ગે ચાલે નહિ તો તે પાછા ફરી વળગે છે. अपि चेत् પદો લખવાનું તાત્પર્ય પણ એ જ છે કે ઘણું કરીને એવા માણસો પરમાત્માને માર્ગે ચાલતા જ નથી પણ તેઓ પરમાત્મામાં લાગી નથી શકતા, એવું નથી તેને જ્ઞાનરૂપી નાવ કહો કે કર્મયોગ અંતરર્ગત ધ્યેયકેન્દ્રિત ઈરાદારૂપી નાવ કહો કે નિષ્કામ સેવા કરવાના નિર્ણયરૂપી નાવ કહો તે નાવથી સમગ્ર પાપ સમૂહને તે સાધક તરી જશે. ભગવાનનું આ વચન સર્વે સાચા સાધકોને અતિ આશ્વાસન આપવાવાળું છે.
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात् कुरुतेऽर्जुन।
ज्ञानाग्नि: सर्वकर्माणि भस्मसात् कुरुते तथा।।३७।।
અર્થઃ કેમ કે હે અર્જુન ! જે રીતે ભડભડતો અગ્નિ ઘણાં બધાં ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે.
પાછળના શ્લોકમાં ભગવાને કહ્યું કે જ્ઞાનથી પાપોનો આખો સમૂહ તરી જાય છે. ત્યારે કોઈને રખેને શંકા થાય કે અનંતકાળથી પ્રવર્તેલા અનંત પાપો કેમ નાશ પામે ? અથવા કહ્યું કે પાપોના સમૂહને તરી જાય છે. ત્યારે સમૂહ તો જેમનો તેમ બચીને રહે છે તેનું શું ? એવી શંકાઓનું નિવારણ કરતાં ભગવાન આ શ્લોક કહે છે. લાકડાંના મોટા ઢગલામાં જ્યારે અગ્નિ લાગે તો સમગ્ર લાકડાંને ભસ્મીભૂત કરી નાખે. પાછળ કાંઈપણ અવશેષ ન રહેવા દે. તેમ પરમાત્માને પામવાના ધ્યેયરૂપી જ્ઞાનાગ્નિ એવો છે. તાત્પર્ય એ છે કે પરમાત્માને પ્રસન્ન કરવાના ધ્યેયથી જે કર્મો કરવામાં આવે છે, જે ભગવાનના ભક્તોની નિષ્કામ સેવા કરવામાં આવે છે, તેના અંગે પ્રવર્તતી સમગ્ર ક્રિયાને લીન કરી નાખે છે, નાશ કરી નાખે છે. તેની સાથેનો સંબંધ વિચ્છેદ કરી નાખે છે. માત્ર એટલી જ જરૂર રહે છે કે ક્રિયાની અંતર્ગત જે નિષ્કામ સેવાનો ભાવ રહે છે તે પ્રબળ હોવો જોઈએ. એટલા માટે समिद्धोऽग्नि બતાવ્યું છે. પ્રજ્વલિત થયેલો અગ્નિ કોઈ પણ નાના-મોટા, ઝાઝા-થોડા તેની કોઈને બીક નથી. ઊલટો મોટા અને ઝાઝા લાકડામાં લાગેલો પ્રજ્વલિત અગ્નિ વધારે તાંડવ રચે છે. તેમ નિષ્કામસેવા પાછળ શાસ્ત્રમાં બતાવેલો ભાવ, ધ્યેય બરાબર ગોઠવાઈ જાય તો પછી તેના સર્વ પાપો ફરી બેઠા ન થાય. એવી રીતે પ્રલય કરી નાખે છે. નાવનું દૃષ્ટાંત આપીને અગ્નિનું દૃષ્ટાંત આપવાનું પ્રયોજન એ જ છે. અગ્નિને એવો ડર નથી રહેતો કે એકલો અગ્નિ હજારો ઈંધણને કેમ બાળે ? અથવા નાની ચિનગારી મોટા લાકડાને કેમ બાળે? જગત પ્રસિદ્ધ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. सर्वकर्माणि કહેવાનો ભગવાનનો એવો આશય છે કે ભગવાનના માર્ગમાં નડતા પુણ્યનો પણ અંતરાય ટાળીને ભગવાન પાસે પહોંચાડે છે. સઘળાં કર્મો અકર્મ થઈ જાય છે.
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते।
तत्स्वयं योगसंसिद्ध: कालेनात्मनि विन्दति।।३८।।
અર્થઃ માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી; એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાન્તઃકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે.
અહીં इह પદ મનુષ્યલોકનું વાચક છે. કેમ કે તમામ પવિત્રતા આ મનુષ્યલોકમાં જ પ્રાપ્ત કરવામાં આવે છે. પવિત્રતા પ્રાપ્ત કરવાનો અધિકાર અને અવસર મનુષ્ય શરીરમાં જ છે, એવો અધિકાર કોઈ અન્ય શરીરમાં નથી. આગળ તેત્રીસમા શ્લોકમાં બતાવ્યા મુજબ ભગવાને આ કર્મયોગના પ્રકરણમાં જ્ઞાનની જે પ્રશંસા કરી છે તે કર્મયોગ કે નિષ્કામ સેવાના અંતર્ગત જ્ઞાનની પ્રશંસા કરી છે અને તેનું અંતિમ પરિણામ તો કર્મયોગ કે નિષ્કામભાવની સેવાનો જ મહિમા કહેવાયો છે. અહીં જે પવિત્રતા દ્વારા જ્ઞાનની પ્રશંસા ભગવાન કરી રહ્યા છે, તે પણ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગની અંતર્ગત જ્ઞાન અર્થાત્ભગવાનને પામવાનો કે પ્રસન્ન કરવાનો તે ક્રિયાના અંતરમાં રહ્યો છે જે ઇરાદો તેની જ પ્રશંસા છે. ભગવાન કહે છે કે, તેના જેવું કોઈ આ મનુષ્યલોકમાં પવિત્ર નથી. આ સંસારમાં યજ્ઞ, દાન, તપ, પૂજા, વ્રત, ઉપવાસ, જપ, ધ્યાન, પ્રાણાયામ વગેરે જેટલા પવિત્રતા સંપાદન કરનારાં કે વિશુદ્ધિ કરનારાં સાધનો છે તથા ગંગા, યમુના, ગોદાવરી વગેરે તીર્થો તે બધા ઉપરથી પવિત્રતા કરનારા જરૂર છે પણ તે આની સાથે આવી શકતા નથી. જેનો આંતર આશય નબળો છે તેને ‘न पुनन्ति चतुरो वेदा:’ તેને ચારે વેદો એકઠા થાય તો પણ પવિત્ર કરી શકતા નથી. એ બધાં સાધનો આંતરશુદ્ધિના સાધનો છે. क्षेत्रज्ञस्य ईश्वरज्ञानात् विशुद्धि:। (યાજ્ઞ.સ્મૃ. ૩૯) જીવની શુદ્ધિ તો તેના અંતર ઈરાદાનું કેન્દ્ર જ્યારે પરમાત્માની મૂર્તિ, પ્રસન્નતા તેના અનન્ય ભક્તોની નિષ્કામ સેવા થાય ત્યારે તેની આત્મશુદ્ધિ થાય છે. ત્યારે તે પરમ પવિત્ર બની જાય છે. परमात्मा पवित्राणाम् पवित्रम् (વિ.ના.) છે. આવો પવિત્ર ઈરાદો પરમાત્માને પ્રાપ્ત કરાવનારો હોવાથી તેના તુલ્ય બીજું કોઈ પવિત્ર નથી.
तत्स्वयं योगसंसिद्ध: कालेनात्मनि विन्दति
तत શબ્દથી જે જ્ઞાનની વાત કરો છો અથવા કહો કે જ્ઞાનયોગથી જે તત્ત્વની પ્રાપ્તિ થાય છે, તે પરમાત્માતત્ત્વ અથવા આત્મતત્ત્વ અથવા પરમાત્માની મૂર્તિની અખંડ અનુભૂતિ તેને સ્વયં પ્રાપ્ત થશે. કયારે થશે ?
योगसंसिद्ध: એટલે कर्मयोगसंसिद्ध-નિષ્કામ સેવાયોગ સાંગોપાંગ સિદ્ધ થતાં ભગવાનની અનુભૂતિ-સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ અર્થાત્જગતથી તદ્દન નિર્વાસનિક ભાવ. તે નિષ્કામ સેવાયોગ પક્વ થતાં આપોઆપ તેને અનુભવાશે.
કર્મયોગ કે નિષ્કામ સેવાયોગની મુખ્ય વાત છે-તમામ મળેલી સામગ્રીથી પોતાને અલગ માનીને તમામ કર્મો-ક્રિયાઓ ભગવાનને રાજી કરવા તથા ભગવાનના ભક્તોને સુખ પહોંચાડવા માટે કરવાં; પરંતુ પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવા કાંઈ ન કરવું. તેનું દેહ ગુજરાન તો કર્મયોગમાં આપોઆપ થશે જ. તેમાં કોઈ દોષ નથી. તેનો અહં પણ સ્વતંત્ર અહં નહિ રહે પણ પરમાત્માના સંબંધિત ‘હું પરમાત્માનો સેવક છું’ એવો રહેશે. જે તેને મુક્તિ અપાવનારો બની રહેશે. બંધન કરનારો નહિ બને. અમસ્તોયે અહં સવિષયક જ હોય છે દા.ત. હું ધનવાન-વિદ્યાધાન-ગુણવાન વગેરે વગેરે વિષયના અનુસંધાનવાળો જ હોય છે. તેને બદલાવવાનો છે. હું પરમાત્માનો સેવક છું અથવા તેના અનન્ય સેવકનો સેવક છું. આવા અનુસંધાનથી નિષ્કામ સેવા કરવાથી તે યથાર્થ સિદ્ધ થાય છે. કર્મ અને ફળની આસક્તિથી જ યોગનો અથવા કહો કે પરમાત્માનો અનુભવ નથી થતો અને સંસારના દુઃખોનો જ અનુભવ થયા કરે છે. તેઓ દ્વારા ‘શ્રવણ’ તો શાસ્ત્રોનું થાય છે (સ્વાર્થ સિદ્ધ કરવાના રસ્તા શોધવા માટે) ‘મનન’ થાય છે વિષયોનું, ‘નિદિધ્યાસ’ થાય છે રૂપિયાનું, મિલકતનું અને ‘સાક્ષાત્કાર’ થાય છે દુઃખોનો.
तत्स्वयं कालेनात्मनि विन्दति જેનાથી તમામ કર્મો ભસ્મીભૂત થઈ જાય છે, જેના સમાન પવિત્ર કરવાવાળું આ જગતમાં બીજું કોઈ સાધન નથી. તે વસ્તુને કર્મયોગી કે નિષ્કામ સેવાયોગી યોગસંસિદ્ધ થતાં બીજા કોઈ સાધન વિના, પોતાની મેળે, પોતાના હૃદયમાં જ તત્કાળ અનુભૂતિ કરે છે. પ્રાપ્ત કરી લે છે. ચોત્રીસમા શ્લોકમાં ભગવાને બતાવ્યું હતું કે પ્રચલિત પ્રણાલી મુજબ કર્મોનો ત્યાગ કરીને ગુરુની પાસે જઈશ ત્યારે તે ઉપદેશ આપશે-उपदेश्यन्ति ते ज्ञानम् ત્યારે ગુરુ તો ઉપદેશ દઈ દેશે પણ તેનાથી શિષ્યને અનુભૂતિ થઈ જશે એનું નક્કી નથી. જ્યારે ભગવાન અહીં બતાવે છે કે કર્મયોગ કે નિષ્કામ સેવાયોગની પ્રણાલીથી મનુષ્યને સ્વયં અનુભૂતિ થઈ જશે. તેને ગુરુ પાસે પણ જવું નહિ પડે. વળી ‘कालेन’ કહેવાનું’ તાત્પર્ય છે કે અલ્પકાળમાં તે જ્ઞાન તેને હૃદયમાં પ્રાપ્ત થાય છે कालेन શબ્દનો અર્થ દીર્ધ कालेन પણ થઈશકે છે અને अल्प कालेन પણ થઈ શકે છે. પણ અહીં अल्प कालेन લેવાનો છે કારણકે પછીનો શ્લોક આની પૂર્તિનો અને સ્પષ્ટીકરણનો છે તેના अचिरेणाधिगच्छति તે कालेनात्मनि विन्दति નું વધુ સ્પષ્ટીકરણ જ છે.
ઉપર્યુક્ત વાક્યમાં ‘कालेन’પદ વિશેષ ધ્યાન દેવા યોગ્ય છે. ભગવાને વ્યાકરણની દૃષ્ટિએ ‘कालेन’ પદ તૃતીયામાં પ્રયોજીને એ બતાવ્યું છે કે કર્મયોગથી અવશ્ય તત્ત્વજ્ઞાન અથવા પરમાત્મતત્ત્વનો અનુભવ થઈ જાય છે. ‘कालेन’ શબ્દમાં कालाध्वनोरत्यन्तसंयोगे (પા.૨/૩/૫) એનાથી પ્રાપ્ત દ્વિતીયા વિભક્તિનો નિષેધ કરીને अपवर्गे तृतीया (પા.૨/૩/૬) સૂત્રથી તૃતીયા વિભક્તિ બની છે. તૃતીયા વિભક્તિ ત્યાં થાય છે જ્યાં અવશ્ય ફળ પ્રાપ્તિ બતાવવી હોય. કાર્ય અવશ્ય સિદ્ધ થવાનું હોય તે બતાવવા તૃતીયાનો ઉપયોગ કરાય છે. જ્યાં દ્વિતીયા વિભક્તિ હોય છે ત્યાં અવશ્ય ફળપ્રાપ્તિ કે પૂર્ણ ફળપ્રાપ્તિ દ્યોત થતી નથી. જેમ કે मासम् अधीते પદ દ્વિતીયામાં વપરાયતો તેનો અર્થ એમ થાય છે. એક મહિનો ભણ્યો-સમય પસાર કર્યો પણ પૂર્ણ ભણી શક્યો નહી; પરંતુ એજ પદને मासेन अधिते એ રીતે તૃતીયા વિભક્તિથી કહેવાય તો તેનો અર્થ એમ થાય કે એક મહિનામાં જે ભણવાનું હતું તે સંપૂર્ણ કરી દીધું. જરા પણ બાકી ન રહ્યું. એવી જ રીતે ભગવાને અહીં દ્વિતીયામાં कालम् પદ ન આપીને कालेन પદનો તૃતીયામાં પ્રયોગ કર્યો છે, જેનાથી એ અર્થ નીકળે છે કે કર્મયોગથી અવશ્ય ફળપ્રાપ્તિ થાય છે, અવશ્ય સિદ્ધિ થાય છે. વળી તે પણ कालाध्वनो: अन्त्यतसंयोगे કહેતાં નજીકના અંતરમાં કે નજીકના સમયમાં તેને સિદ્ધિ થાય છે. જે સિદ્ધિ જ્ઞાનયોગથી પણ એટલા અંતરમાં કે સમયમાં થતી નથી.
સ્વયં પદ આપવાનું તાત્પર્ય એ છે કે કર્મયોગનું જે અંતિમ ફળ પ્રાપ્ત કરવા માટે તેને કોઈ ગુરુની કે ઈતર સાધનની અપેક્ષા નથી. નિષ્કામભાવથી સેવા કરતા રહેવાથી જ અથવા કર્તવ્યકર્મ કરતા રહેવાથી જ તેને આપોઆપ ભગવાનના મહિમાની અનુભૂતિ કે પરમાત્માના સાક્ષાત્કારનો અનુભવ થઈ જશે.
आत्मनि विन्दति પદોનું તાત્પર્ય એ છે કે તેને કોઈ પવિત્ર તીર્થ કે આશ્રમમાં જવાની જરૂર નહિ પડે. પોતાના આત્મામાં જ તેને તેની અનુભૂતિ થઈ જશે. કર્મયોગનું કે નિષ્કામ સેવાયોગનું સારી રીતે અનુષ્ઠાન કરવાથી જગતથી સર્વથા નિર્વાસનિકપણું અને પરમાત્મામાં અનન્ય પ્રેમ આપોઆપ આવી જાય છે. જો કે પરમાત્મામાં પ્રેમ તો જલદી થઈ જાય એવી વસ્તુ પરમાત્મા છે; (इत्थम्भूतगुणो हरि: भाग.) પરંતુ સંસારની વાસનાઓ, આસક્તિ, મમતા વગેરે તે પરમાત્માથી અંતરાય કરીને તે સિદ્ધ થવા દેતા નથી. કર્મયોગનું સારી રીતે અનુષ્ઠાન કરવાથી સંસાર સાથે સંબંધ વિચ્છેદ થતાં તે નિર્વાસનિક બને છે અને પરમાત્મામાં જલદી ભક્તિ ઉદય થાય છે.
પરમાત્મતત્ત્વનું અનુભૂતિકરણ નિરપેક્ષ છે. તે આત્મતત્ત્વમાં જ ઝીલી શકાય છે. ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કરણોથી નહિ. શ્રવણ, મનન વગેરે સાધનો વિપરીત ભાવના વગેરે બાધાઓને દૂર કરવામાં ચરિતાર્થ થાય છે. જ્યારે સાક્ષાત્અનુભૂતિ તો આત્મતત્ત્વમાં જ થાય છે. ઈન્દ્રિયો, મન વગેરે જે મદદરૂપ થાય છે એ પણ ભાવાત્મક રૂપે તેની સાથે એક્તા સંધાઈ ગઈ છે. તેને દૂર કરીને તેનાથી પોતાની અલગ સત્તાની ભાવના કરે ત્યારે તે મદદરૂપ બને છે અને એકતા માનીને જે સાધન થાય ત્યારે તે અંતરાય રૂપ બનતા રહે છે. માટે ભગવાનને પામવાનાં સાધનો જે ઈન્દ્રિય, અંતઃકરણ તેથી પણ સંબંધ વિચ્છેદ કર્યા વિના પરમાત્માની યથાર્થ અનુભૂતિ થતી નથી. થાય તો પણ સીમિત અનુભૂતિ જ રહે છે.
આવી રીતે આ અધ્યાયના બત્રીસથી સાડત્રીસમા શ્લોક સુધી ભગવાને જે જ્ઞાનની પ્રશંસા કરી છે, તેનાથી જ્ઞાનયોગનો મહિમા ઝળકે છે પણ વાસ્તવમાં તેમ માનવું ઉચિત પ્રતીત થતું નથી. પૂર્વાપરનો વિચાર કરવામાં આવે તો એમાં અર્જુનના પ્રત્યે ભગવાનનો અભિપ્રાપ્ય એવો પ્રતીત થાય છે કે જે તત્ત્વજ્ઞાનનો મહિમા બતાવ્યો છે, તે જ્ઞાન તું કર્મયોગ દ્વારા અવશ્ય પ્રાપ્ત કરી શકીશ-तत्स्वयं… योगसंसिद्ध कालेनात्मनि विन्दति। આ રીતે જ્ઞાનની પ્રશંસા કરી છે. તે વાસ્તવમાં પ્રકારાન્તરથી કર્મયોગની જ વિશેષતા અને મહિમા બતાવવા માટે છે. ભગવાનનો અભિપ્રાય એવો નથી કે તે જ્ઞાનીઓની પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરે; પરંતુ ભગવાનનો અભિપ્રાય એવો છે કે એ જ્ઞાન તને કર્મયોગની વિધિથી-પ્રાપ્તકર્તવ્ય (યુદ્ધ)નું પાલન કરવાથી જ પ્રાપ્ત થઈ જશે અને તત્ત્વદર્શી પાસે જતાં જ્ઞાન પ્રાપ્ત થઈ જ જશે એવી ખાત્રી નથી. જ્યારે કર્મયોગની તો એક ખાત્રી બતાવે છે કે તને અવશ્ય પ્રાપ્ત થઈ જ જશે. આ અધ્યાયના અંતમાં ભગવાન તેને કર્મયોગ માટે ઊભો થવાની આજ્ઞા પણ આપે છે.
श्रद्धार्वांल्लभते ज्ञानं तत्पर: संयतेन्द्रिय:।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति।।३९।।
અર્થઃ જિતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન છે તે પુરુષ જ્ઞાન પામે છે અને તરત જ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ શાંતિ પામે છે.
આ શ્લોકમાં આગળના શ્લોકના અર્થનું વધારે સ્પષ્ટીકરણ કર્યું છે. પ્રથમ તો આગળ કહ્યું તે ખૂબ જ उपदेक्ष्यन्ति ते ज्ञानम् મુજબ ઉપદેશથી જે જ્ઞાન મળે છે તેને વધારવા માટે શ્રદ્ધાવાળો થઈને તત્પર થાય છે ત્યારે તે અનુભવજ્ઞાનને પામે છે અને પરમ મોક્ષને પામે છે. ચાલીસમાં શ્લોકમાં अज्ञश्चाश्रद्धानश्च ભગવાન એમ કહેવાના છે એમને આધારે અહીં ज्ञ: श्च श्रद्धावान् એવો શબ્દ લેવો જોઈએ. ज्ञ: એટલે જ્ઞાનને પ્રાપ્ત થયેલો એટલે કે ઉપદેશ માત્રથી જ્ઞાનને પ્રાપ્ત થયેલો છે. તેને પોતાના અંતરમાં અનુભૂતિ કરવા માટે અને અતિ પક્વ દશા પમાડવા માટે અને વધારવા માટે श्रद्धावान् થવાની જરૂર છે. જો स: પદ અધ્યાહાર ન લઈએ તો શ્રદ્ધા આવી કયાંથી ? માટે આપાતતઃ જ્ઞાન ઉપદેશથી પામીને તેમાં કહેવાયેલ જ્ઞાનના મહિમાથી શ્રદ્ધાવાન થાય છે અને ત્યાર પછી તત્પરઃ तत्पर तदेव परम् यस्य स: અર્થાત્ तदेव परम् उपादेयतयाऽभिसंध्यास्पदं-यस्य स:। ઉપદેશથી પરમાત્માનો અથવા તેના જ્ઞાનનો મહિમા સાંભળીને श्रद्धावान् થાય છે; त्वरमाण: થાય છે. પ્રબળ આકાંક્ષા, જ્ઞાન અથવા પરમાત્માને મેળવવાની પ્રબળ ઈચ્છા જ ત્વરામાં પરિણમે છે. માટે એવો થકો संयतेन्द्रिय:-तत्र एव નિયતમના પરમાત્મામાં અથવા તેની પ્રાપ્તિના ઉપાયભૂત નિષ્કામ સેવાયોગ કે કર્મયોગમાં જેમણે મન પરોવ્યું છે એવો થકો પરમાત્માના પરિપાક જ્ઞાન (પરંભક્તિ)ને પામીને પરમ પદને પામે છે.
श्रद्धावान्…આ શ્લોકમાં જ્ઞાનને અથવા તો કહો કે પરમાત્માના સ્વરૂપને અથવા તેના ઉપાયભૂત સેવાયોગને પામવા માટે श्रद्धावान् બનવાની વાત બતાવી છે. ઘણું કરીને મનુષ્યોમાં શ્રદ્ધા ઓછી હોવા છતાં પોતાને વધારે શ્રદ્ધાવાળો માની લે છે. એટલા માટે સાચી શ્રદ્ધાના ઓળખાણ માટે શ્રદ્ધાના બે વિશેષણો આપ્યાં છે. तत्पर: અને संयतेन्द्रिय: જેનાં ઈન્દ્રિયો પૂર્ણપણે વશમાં હોય તેને संयतेन्द्रिय: કહેવાય. જે પોતાના આત્મકલ્યાણના સાધનમાં જ સંપૂર્ણ નિમગ્ન હોય તેને तत्पर: કહેવાય. અહીં श्रद्धावान् तत्पर: અને संयतेन्द्रिय ત્રણે શબ્દો સાધના કેડીમાં એક બીજાની અપેક્ષા રાખે છે. શ્રદ્ધાવાન એટલે त्वरावान्-त्वरा એટલે આગળ બતાવ્યું તેનું ધ્યેય વસ્તુને પામવાની અતિ ઉત્કૃષ્ટ ઈચ્છા-આકાંક્ષા. એવી પ્રબળ આકાંક્ષા જ્યારે જાગે છે, ત્યારે તુરત વ્યક્તિ તે ધ્યેયને જલદી કેવી રીતે પમાય છે, તેનો રસ્તો શોધવા લાગી જાય છે. રસ્તો મળતાં તેમાં નિમગ્ન બની જાય છે. ત્યારે જ તે ઈન્દ્રિયોનો સંયમ લાંબો સમય નિભાવી શકે છે. જેની પાસે દીર્ધકાલિનધ્યેય પામવા માટે નથી, તેના ઈન્દ્રિયોનો સંયમ ઘણો જ મુશ્કેલ બની જાય છે.
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति।
परां शान्ति ને પામે છે તેનું તાત્પર્ય છે પરમ નિર્વાણને પામે છે. આત્યંતિક મુક્તિને પામે છે. કારણ કે બીજા અધ્યાયના છેલ્લા ત્રણ શ્લોકમાં શાંતિ શબ્દ અને નિર્વાણ શબ્દ સાધનના અંતિમ ફળ તરીકે મુક્તિના અર્થમાં વપરાયા છે. જેમ કે ‘स शान्तिमाप्नोति न कामकामी (२/७०) स शान्तिमधिगच्छति (२/७१) अमै ब्रह्मनिर्वाणमृच्छति (२/७२)) આ પ્રમાણે સાધનના અંતિમ ફળના અર્થમાં શાંતિ અથવા નિર્વાણ શબ્દ વપરાયા છે. એ જ પ્રત્યભિજ્ઞા અહીં થઈ રહી છે. માટે शान्तिम् अधिगच्छति નો અર્થ આત્યંતિક મુક્તિને પામે છે. પરમ નિર્વાણને પામે છે. એવો થાય છે.
સાધકને પરમ શાંતિનો અનુભવ ન થવાનું કારણ છે, ‘જે વસ્તુ જ્યાં નથી તેમાંથી તે મળવાની આશા રાખવી અને જે વસ્તુ સાંભળીએ છીએ તેમાં ત્વરા નથી જાગતી’. એટલે જ આ શ્લોકનો અર્થ ज्ञ: (અધ્યાહાર) શ્રદ્ધાવાન तत्पर: संयतेन्द्रिय: એવો લીધો છે. (ભાષ્ય અને તા.ચં.શ્લો. ૩૯-૪૦) કારણ કે આનાથી પછીના શ્લોકથી આ શ્લોક તદ્દન વિરુદ્ધ અર્થનો છે. જ્યારે ज्ञ: श्रद्धावान् આવ્યું ત્યારે મુખ્ય વાત એ થઈ કે ઉપદેશ કે શાસ્ત્રથી જાણી તો લીધું (ज्ञ:) પણ તેને સાકાર કરવાની શ્રદ્ધા આપણામાં નથી. તેથી શ્રદ્ધાનો અર્થ ત્વરાવાન કર્યો છે. ત્વરા એટલે પ્રબળ આકાંક્ષા. સાંભળ્યા પછી પણ પ્રાપ્તિ માટે પ્રબળ ઈચ્છા નથી જાગતી તેમાં અંતરાયરૂપ આ સંસારના કોઈ રાગ કે પોતાનું દેહાભિમાન કારણભૂત થાય છે. કાં તો પોતાનો અહં કારણભૂત બને છે. માણસ (સાધકો) એવું માને છે કે આત્યંતિક મુક્તિનું સાધન તો જાણે કેવુંયે હશે ! એમ જાણીને પોતાની આજુબાજુના નિયત કર્તવ્યને ચૂકી જાય છે અને કદાચ નિયત કર્તવ્ય સારી રીતે કરે તો તેમાં રાખવાની નિષ્કામ સેવાભાવના ચૂકીને સંસારના રસ્તે ચડી જાય છે અને પછી આશા કરે કે મને કેમ શાંતિ થતી નથી ? ન થાય. આ શ્લોકનો સીધો અર્થ એ થયો કે સાચા સત્પુરુષને મુખે શાસ્ત્રનું શ્રવણ થાય અને તેમાંથી તેને ધ્યેય વસ્તુનું સામાન્ય જ્ઞાન થાય. અર્થાત્આપાતતઃ ધ્યેયનું સ્પષ્ટીકરણ થાય અને તેમાં શ્રદ્ધાવાન થાય અર્થાત્તેને પામવાની પ્રબળ ઈચ્છા જાગે-એક જાતનું હૃદયમાં ઝનૂન પેદા થાય અને તેને વિષે તત્પર થાય તો આપોઆપ સંત્યેન્દ્રિય પણ થઈ જવાશે અને તે આત્યંતિક મુક્તિ-પરમ શાંતિને પામી જશે.
अज्ञश्चाश्रद्धानश्च संशयात्मा विनश्यति।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मन:।।४०।।
અર્થઃ પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે; આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોક કે ન સુખ.
अज्ञश्चाश्रद्धानश्च-જે પુરુષમાં વિવેક જાગ્રત નથી થયો તથા જે કાંઈ વિવેક છે તેને જીવનમાં બિલકુલ મહત્ત્વ નથી આપતો ઊલટો અવિવેકને જ મહત્ત્વ આપે છે, તેને અહીં अज्ञ-અજ્ઞાની કહ્યો છે. અજ્ઞાનનો અર્થ ‘જ્ઞાનનો સર્વથા અભાવ’ અથવા તદ્દન જ્ઞાનશૂન્યતા એવો કરવાનો નથી; પરંતુ પોતાના અધૂરા જ્ઞાનને પૂરું માની લેવું અથવા બીજાનું યથાવસ્થિત વ્યવહારગુણ જ્ઞાન હોય તેને પણ બિલકુલ ન માનવું તેને જ અહીં અજ્ઞાની કહ્યો છે. બીજાનું જ્ઞાન ભલે વાસ્તવિક અનુભવમાંથી પસાર થયેલું હોય તો પણ મને સ્વીકાર્ય નથી. એવું માનવું તે જ તદ્દન અજ્ઞાન છે. અન્યથા જીવ પરમાત્માનો અંશ છે, ચૈતન્યરૂપ છે. તેના જ્ઞાનનો સર્વથા તદ્દન અભાવ સંભવી શકતો નથી. તો અજ્ઞ કેમ કહી શકાશે ? તે ભગવાનનું વાક્ય વ્યર્થ પ્રયોગ બને માટે કોઈ પણ જીવમાં જ્ઞાનના તદ્દન અભાવની શકયતા જ નથી. હા, સારાસારગ્રાહી વિવેકનો તદ્દન અભાવ હોઈ શકે ખરો. એટલું જ નહિ તેની શકયતાઓ ઘણી જ વધી જાય છે. જીવ જ્યારે નાશવાન વસ્તુઓની સત્તા માનીને તેને મહત્ત્વ આપી દે છે. ધ્યેય કક્ષામાં ગોઠવી દે છે અથવા તો અસત્ને સત્માનીને પણ તે અસત્થી પોતાનો આંતરસંબંધ વિચ્છેદ કરતો નથી અને તેનાથી વિમુખ થતો નથી. એ જ અજ્ઞાન છે. ભક્તિમાર્ગના આચાર્યોએ (ખાસ કરીને રામાનુજીચાર્યજીએ) આ બન્ને શ્લોકોનો સત્સંગપદ્ધતિને ધ્યાનમાં રાખીને તેનો અર્થ કર્યો છે. કારણ કે શ્રવણથી (સત્સંગ દ્વારા) પ્રથમ જાણવું (सः-૩૯) અને જાણીને પણ ન માનવું (अज्ञः-૪૦) પછી શ્રદ્ધાવાન આપાતતઃ સાંભળી તેમાંથી ધ્યેય નક્કી કરવું અને તેમાં અતિ પ્રબળ आकांक्षा સેવવી-અર્થાત્ત્વરાવાન થવું (૩૯) સાંભળીને પણ વિવેકને અવગણના કરીને કોઈ ફેરફાર ન કરવો. (अश्रद्धधान्-४०) स: शांतिमधि गच्छति- (३९) विनश्यति
મનુષ્યોને ભગવાને એટલા માટે સામાન્ય વિવેકબુદ્ધિ (કોમનસેંસ) આપી છે. તેનો ઉપયોગ કરી પોતાના અંતરમાં પૂછે કે, મહારાજ પાસે જવા માટે મારે શું કરવું જોઈએ. તો જરૂર વિવેકબુદ્ધિ અવાજ આપશે. મહારાજે વચ.ગ.પ્ર.પ્ર.૨૦માં પણ આ વસ્તુ જ બતાવી છે કે અજ્ઞાની કોણ? પોતાના વિવેકનો ઉપયોગ નથી કરતો. (પોતે પોતાને નથી જોતો) જો સત્સંગનો પ્રતાપ વિચારીને વિવેકસહિત અંતર્દૃષ્ટિ કરે તો ભગવાનનું પણ દર્શન તેને થાય છે. માટે अज्ञः-અજ્ઞાની એ છે કે સાંભળીને-સત્સંગ શ્રવણ કરીને પણ જે अश्रद्धान् રહે છે. અહીં શ્રદ્ધારહિતનો અર્થ વિશ્વાસરહિત એવો નથી. વિશ્વાસ તો છે. પણ અત્વરાવાન એટલે કે સત્સંગમાં જે તત્ત્વનું સ્પષ્ટીકરણ થાય છે તેને મેળવવાની તેને પ્રબળ ઈચ્છા થતી નથી. બિલકુલ ઈચ્છા થતી નથી. કેવળ સત્સંગમાં પશુની જેમ પડયા રહીને દિવસો પસાર કરવા ગમે છે તેને અહીં अश्रद्धान् કહેવામાં આવ્યો છે.
संशयात्मा विनश्यति જે મનુષ્ય પરમાત્માએ આપેલ વિવેકનો ઉપયોગ નથી કરતો. શાસ્ત્રો સાંભળે છે, ભણે છે, સત્સંગ કરે છે, વાંચે છે તો પણ પરમાત્મતત્ત્વમાં શ્રદ્ધા જાગતી નથી. ત્વરા જાગતી નથી તેથી ભેળા થયેલા બેકાર જ્ઞાનમાંથી તેને સંશય પેદા થાય છે કે, આમાં જે બતાવાયું છે, એમ હશે કે નહિ હોય ? નિરૂપયોગી વસ્તુ વિકૃતિ જન્માવે છે. ઊભયકોટિ સંશયઃ ભાવાભાવને સ્પર્શ કરતું જ્ઞાન તેને સંશય કહેવાય છે અને તેનું મૂળ કારણ છે સાંભળ્યા પછી પુરુષાર્થનો અભાવ. એવા સંશયયુક્ત પુરુષનું પારમાર્થિક માર્ગથી પતન થઈ જાય છે. કારણ કે સંશયયુક્ત પુરુષની પોતાની બુદ્ધિ તો પ્રાકૃત-શિક્ષારહિત છે-અનુભવરહિત છે અને બીજાની વાતનો તેના હૃદયમાં કયાંય આદર નથી. પછી એવા પુરુષના સંશયો કેવી રીતે નષ્ટ પામે ? અને સંશય નષ્ટ થયા વિના તેની ઉન્નતિ કે પ્રગતિ કેવી રીતે થાય ?
અલગ-અલગ વાતોને સાંભળવાથી ‘આ ઠીક છે અથવા તે ઠીક છે’ તે બેમાંથી એકનો વિવેકબુદ્ધિથી નિર્ણય ન કરી શકે તેવા નિર્ણયશૂન્ય પુરુષને સંશયાત્મા કહેવાય છે. પારમાર્થિક માર્ગ પર ચાલવાવાળા સાધકમાં સંશય પેદા થવો એ સ્વાભાવિક છે. કારણ કે તે જે કાંઈ સાંભળશે કે વાંચશે તો થોડું સમજાશે અને કદાચ થોડું ન પણ સમજાય. જે વિષયને કાંઈ નથી સમજતા તેને વિષયમાં સંશય પેદા નથી થતો અને જે વિષય પૂરો સમજાઈ જાય છે તેમાં પણ સંશય નથી થતો. આથી સંશય સદાને માટે અધૂરા જ્ઞાનમાં જ થાય છે. સંશયનું ઉત્પન્ન થવું એટલા માત્રથી તે विनश्यति એવું નથી; પરંતુ સંશયને ચાલુ રાખવો કે પકડી રાખવો અને દૂર કરવાની ચેષ્ટા જ ન કરવી તે જ હાનિકારક છે, વિઘાતક છે. સંશયને દૂર કરવાની ચેષ્ટા ન કરવાથી તે જ સંશય (અજ્ઞાન) સિદ્ધાંત બની જાય છે. કારણ કે સંશય દૂર ન થતાં તે મનુષ્ય વિચારે છે કે કલ્યાણના માર્ગમાં બધાય આવા જ આડંબરી હોય છે. એમ જાણીને પોતે જ આડંબર કરવા લાગી જાય છે અથવા તેને છોડીને પાકો નાસ્તિક બની જાય છે. એ જ તેનું વિનાશ થવું છે. કોઈ સંશયાત્માનો સંશય થવાની સાથે જ પ્રાણવિયોગ થઈ જાય છે, એવું નથી પણ કલ્યાણના માર્ગ થકી ચૂકી જવાથી તેનો આત્મનાશ થયો એમ માનવાનું છે. તેથી પોતાના અંતરમાં સંશયની પીડા થાય ત્યારે તેને જિજ્ઞાસા જાગ્રત થાય છે તેની બુદ્ધિ ઊહાપોહ કરતા શીખે છે. જેથી સંશયનો વિનાશ કરનારું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સાધકનું લક્ષણ છે-ખોજ કરવી. સત્ય સિદ્ધાંતને પામવાની મથામણ કરવી. જો તે મન અને ઈન્દ્રિયો વડે જોયેલી વાતને જ સત્ય માની લે તો ત્યાં જ અટકી જાય છે. આગળ નથી વધી શકતો. (દા.ત. વિરોચન) સાધકે નિરંતર બુદ્ધિમાં ઊહાપોહ કરીને, વિવેકનો ઉપયોગ કરીને આગળ વધતા રહેવું જોઈએ. જેમ રસ્તે ચાલતી વખતે મોટેભાગે માણસોને તેની જ વધુ આતુરતા રહે છે કે હવે ગન્તવ્ય સ્થાન કેટલું બાકી રહ્યું ? તો તે જલદી લક્ષ્ય સુધી પહોંચી જાય છે પણ જે એમ વિચારે કે આપણે ઘણું બધું આગળ આવી ગયા તો તે વચ્ચે જ રોકાઈ જશે અને ગન્તવ્ય સ્થાન પર જલદી નહીં પહોંચે. તેમ સાધકે સદાને માટે એમ જ વિચારવાનું હોય છે કે મારામાં કેટલી ક્ષતિ કે ઊણપ છે ? તે જાણવાની અને ટાળવાની ચેષ્ટા કરતો રહે તો સંશયની હાજરીમાં પણ કદી સંતોષ નથી માનતો ઊલટાની જિજ્ઞાસા પ્રબળ બનતી જાય તો તેનો સંશય જરૂર દૂર થાય ને તે સાચા સિદ્ધાંતને પામે. જો તેમ ન કરે તો સંશયયુક્ત અધૂરું જ્ઞાન જ તેના જીવનમાં સિદ્ધાંતની જગ્યા લઈને કલ્યાણના માર્ગમાં પુરુષાર્થથી વિહીન બનાવીને તેનો સર્વનાશ કરે છે. માટે संशयात्मा विनश्यति એમ કહ્યું છે.
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मन: જે મનુષ્યો દ્વિધામાં જીવે છે તેને આ લોકના ધર્મ, અર્થ અને કામ (ભોગ) પુરુષાર્થ પણ સિદ્ધ થતા નથી તો મોક્ષ તો કયાંથી પ્રાપ્ત થાય ? એમ ભગવાન અહીં કહે છે अयं लोक र्फी इहलौकिक ધર્મ અર્થ અને ભોગ આ ત્રણ પુરુષાર્થો કહેવા માગે છે. કારણ કે અહીં મોક્ષ પ્રકરણ ચાલતું હોવાથી આ લોક-પરલોક શબ્દથી પૃથ્વી લોક-દિવ્ય લોક લેવા ઉચિત નથી પણ ધર્માદિ પુરુષાર્થ તથા મોક્ષ પુરુષાર્થમાં સાધકને સંશય રહ્યો તો તેના આ લોકના પુરુષાર્થ શા માટે સિદ્ધ ન થાય ? તે તો થવા જોઈએ. તો તેનું સમાધાન એ છે કે ચારે પુરુષાર્થો શાસ્ત્રીય છે. કહેતાં શાસ્ત્રમાં કહેવા પ્રમાણે કરવાથી જ સિદ્ધ થનારા છે. જ્યારે સાધકને મોક્ષ પુરુષાર્થમાં સંશય છે. એનો અર્થ એ થયો કે શાસ્ત્રોની સચ્ચાઈમાં પણ તેને સંશય છે. જ્યારે શાસ્ત્રોનાં વચનની સચ્ચાઈમાં સંશય થયો તો જેમ મોક્ષને બગાડે છે તેમ આ લોકના ધર્મ, અર્થ અને ભોગને પણ તે સંશય બગાડે છે. ધર્માદિ પુરુષાર્થ પણ દેહાતિરિક્ત આત્મા છે એવી દૃઢ માન્યતાપૂર્વક જ થાય છે. જે શાસ્ત્રને આધીન છે. માટે ત્યાં જેને સંશય થયો તેના બધા જ પુરુષાર્થો ખરાબ કરી નાખે છે. તેને અનંત દુઃખો ભોગવવાં પડતા હોવાથી સુખ ક્યાં રહ્યું છે? માટે તેને સુખ પણ કયારેય થતું નથી.
સંશયાત્મા મનુષ્ય શાસ્ત્ર ભણી અથવા સાંભળી પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતો નથી. તેનો પુરુષાર્થમાં વિનિયોગ કરતો નથી અને બીજા કોઈ કહે તો તેનું તેને મનાતું નથી માટે તેને કયાંય સુખ થતું નથી. જેથી સંશયને અવશ્ય દૂર કરવો જોઈએ. તે સંશય-વિવેકબુદ્ધિથી અથવા સત્પુરુષોને શ્રદ્ધાપૂર્વક માનવાથી દૂર થાય છે.
योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम्।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय।।४१।।
અર્થઃ હે ધનંજય ! જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધાં છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા.
योगसंन्यस्तकर्माणं યોગના તત્ત્વથી જેણે કર્મયોગ કરવા છતાં કર્મોનો સન્યાસ સિદ્ધ કર્યો છે, તેને અહીં યોગ संन्यस्तकर्माणं કહ્યો છે. જેણે કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ કરીને કર્મોની સાથે અતિ નિર્લેપતા સિદ્ધ કરીને કર્મોનો પોતા સાથેનો સર્વથા સંબંધ વિચ્છેદ સિદ્ધ કરી લીધો છે, એવો સાધક બની ગયો છે. યોગનું તત્ત્વ છે-શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, સદ્ગુણ, સામગ્રી વગેરે. જે કાંઈ વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે અને આપણી દેખાય છે તે બધી માનસિક ભાવથી પોતાના ચૈતન્યને અલગ ભાવિત કરીને (દૃઢપણે માનીને) તે બધી સામગ્રીથી પરમાત્માની પ્રસન્નતા, ભગવાનના અનન્ય ભક્તોની સેવા અને બીજા જીવનું હિત કરવામાં જોડી દેવા તેને નિષ્કામ સેવાયોગ કહેવાય છે. તેવા યોગના તત્ત્વથી કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ કરીને અર્થાત્અત્યંત નિર્વાસનિક બનીને જ્યારે પરમાત્મામાં જોડાય છે, ત્યારે તે योगसंन्यस्तकर्मा બને છે એવો બનીને-ज्ञानसंछिन्नसंशयम्-आत्मनो देहातिरिक्तत्वादिसंशयो ह्यत्र निषिध्यते અહીં હું શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે સામગ્રીથી અલગ એવો પરમાત્માનો સેવક છું. એવી દૃઢતાથી સંશયનો ઉચ્છેદ કરવાનો છે. કારણ કે સાધક ગમે તેટલી સાવધાની રાખે છતાં દેહાનુસંધાન દૂર થતું નથી. માટે તેનો જ અહીં નિષેધ કરવામાં આવ્યો છે. દૂર કરવાનું કહેવામાં આવ્યું છે. માટે આત્મભાવનાથી દેહભાવનો સંશય દૂર કરીને એવા થવું.
आत्मवन्तं न कर्माणि निब्ध्नन्ति धनञ्जय।
અહીં आत्मवन्तं આત્મવાનને કર્મો બાંધી શકતા નથી. ત્યારે આત્મવાન એટલે શું ? કોણ આત્મવાન નથી ? ત્યારે આત્મવાન શબ્દ કોને લગાડવો ? आत्मा अस्ति अस्य તે તો બધા જ છે. માટે તેનો અર્થ કરવાનો છે, જેણે આત્મકલ્યાણની પ્રાપ્તિ અથવા પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ જ એક માત્ર ધ્યેય બનાવ્યું છે અથવા તેની જ લગની લાગી રહી છે એવા મનસ્વી પુરુષોને માટે आत्मवन्तम् પ્રયોગ કર્યો છે. उपदिष्टार्थे दृढावस्थितमनसम्-इत्यत्र केनापि अविचाल्य मनसम्-आत्मवन्तम् આત્મકલ્યાણના માર્ગમાંથી અથવા પરમાત્માને પામવાના માર્ગમાં મરી મટનારા અથવા કટકા થઈને કુરબાન થઈ જનારા-મનસ્વી પુરુષોને માટે आत्मवन्तम्-શબ્દ પ્રયોગ કર્યો છે. એક વસ્તુ અહીં સ્પષ્ટ કરી લેવી યોગ્ય ગણાશે કે મનસ્વી અને મનમુખી એ બન્ને અલગ છે. મનમુખી એટલે કે પોતાને મનમાં જે કાંઈ સાચું ખોટું ગમ્યું તે પોતાનો કકકો મરી જાય તો ય નહિ મૂકનારા મૂર્ખ પુરુષો મનમુખી કહેવાય છે. જ્યારે સત્ય ધ્યેયને વરેલા મહામના-ઉદાર મનવાળા પુરુષો મનસ્વી પુરુષો ગણાય છે. તે મનસ્વી પુરુષોનાં લક્ષણ ભર્તૃહરિજી બતાવતાં કહે છે કે
क्वचित् पृथ्वीशय्य: क्वचिदपि च पर्यमशयन:
क्वचिच्छाकाहार: क्वचिदपि च शाल्योदनरुचि:।
क्वचित् कन्थाधारी क्वचिदपि च दिव्याम्बरधरो
मनस्वी कार्यार्थी न गणयति दु:खं न च सुखम्।। (નીતિશતક. ૮૨)
અહીં મનસ્વીનું વિશેષણ कार्यार्थी આપીને શુદ્ધ નિષ્કામ કર્મયોગી કે નિષ્કામ સેવાયોગીની પ્રત્યભિજ્ઞા કરાવી છે-यदृच्छालाभसन्तुष्टो
द्वन्द्वातीतो विमत्सर:। सम: सिद्धावसिद्धौ च कृत्वाऽपि न निबध्यते (४/२२)
सुखदु:खे समे कृत्वा लाभालाभौ जया जयौ।…. नैवं पापमवाप्सयसि। (२/३८)
कार्यार्थी અર્થાત્ कार्यनिष्पति अभिलाषी ધ્યેય પામવાને મથી રહેલો મનસ્વી સુખ કે દુઃખની અપેક્ષા કરતો નથી. કેવળ ધ્યેયની અપેક્ષા રાખનારો મનસ્વી છે. જ્યારે મનમુખી છે તે પોતાના લૌકિક લાભની જ ખેવના કરનારો છે. તે પારકાના સુખદુઃખને ગણતો નથી એટલો તેમાં તફાવત છે. એવા મનસ્વી પુરુષોને કર્મો બાંધતા નથી.
ભગવાને અહીં સંબોધન પણ અનુરૂપ આપ્યું છે કે ‘ધનંજય’. અર્જુન પુષ્કળ ધન લાવ્યા હતા પણ યજ્ઞને માટે. તેને તેની અંગત ભોગની અણુ માત્ર સ્પૃહા ન હતી. તેની જાણે યાદી અપાવતા હોય તેમ બતાવે છે.
तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मन:।
छित्त्वैनं संशयं योगमात्तिष्ठोत्तिष्ठ भारत।।४२।।
અર્થઃ માટે હે ભરતવંશી ! તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકજ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા.
तस्मादज्ञानसम्भूतं….આગળના શ્લોકમાં ભગવાને બતાવ્યું કે योगसंन्यस्तकर्माणं ફલત્યાગ અને કતૃત્વત્યાગરૂપી યોગથી કર્મનો ત્યાગ કરવાનો છે. કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાનો નથી. શાસ્ત્ર અને સત્સંગ પરિશુદ્ધ ધ્યેયથી સંશયોનો પરિહાર કરીને જે મનસ્વી કાર્યાર્થી છે, તેને કર્મો બાંધી શકતા નથી. સામાન્યપણે જે કહ્યું હતું તે હવે સ્પષ્ટપણે અર્જુનને કહે છે કે તારે એ પ્રમાણે કરવાનું છે માટે तस्मात् શબ્દનો પ્રયોગ કર્યો છે.
અર્જુનના હૃદયમાં સંશય હતો યુદ્ધરૂપી ઘોર કર્મથી મારું કલ્યાણ કેવી રીતે થશે? અને કલ્યાણને માટે હું કર્મયોગનું અનુષ્ઠાન કરું કે જ્ઞાનયોગનું? આ શ્લોકમાં ભગવાન એ સંશયને દૂર કરવાની પ્રેરણા કરે છે. કેમ કે જ્યાં સુધી હૃદયમાં સંશય હોય કે હિચકીચાટ હોય ત્યાં સુધી મન દઈને કોઈ પણ કાર્ય થતું નથી અને તે સંશય અજ્ઞાનમાંથી ઉદય થયો છે. એમ ભગવાનનું કહેવું છે. અર્જુન પોતે એમ સમજે છે કે હું શાસ્ત્રને જાણું છું અને યથાર્થ સમજું છું. કોઈ પણ સાધક એવું નથી માનતો કે હું જરા પણ ઓછું સમજું છું. હું જે સમજું છું તે પૂર્ણ છે. ઓછામાં ઓછું મારા માટે તો પૂરતું જ છે. અર્જુન કહે કે દુર્યોધનાદિ નથી સમજતા માટે યુદ્ધ માટે તૈયાર થયા છે; પરંતુ અમે તેવું કેમ કરી શકીએ? (કારણ કે અમારી સમજણ પૂર્ણ છે) इति अनुश्रुम અમે શાસ્ત્રો પણ (બધાં જ) સાંભળી લીધાં છે. ત્યારે તેના પ્રત્યુત્તરમાં ભગવાને અર્જુનને ખૂબ જ ફટકાર્યા છે. તાત્પર્ય એ છે કે પોતને પૂર્ણ માની લેવું અને ભગવાન જેવું પાત્ર આગળ હોય તો પણ તેની સમજણને પોતાની સમજણથી નીચી માનવી તેનાથી મોટું અજ્ઞાન કયું ગણાવી શકાય ? માટે અધૂરા જ્ઞાનને જ અજ્ઞાન કહેવામાં આવે છે અથવા પોતાને પૂર્ણ માનવાને જ અજ્ઞાન કહેવામાં આવે છે. તે જ અંતે તો સાધકને હૃદયશૂળની પેઠે પીડા બનીને શાંતિ લેવા દેતું નથી. ભગવાન કહે છે તેને ज्ञानासिना छित्त्वा જ્ઞાનરૂપી ખડગથી છેદીને, એટલે કે આગળ કહ્યું જે, કર્મમાં અકર્મતત્ત્વ-નિષ્કામ કર્મયોગમાં ધ્યેયની પ્રાપ્તિરૂપ જ્ઞાનથી સંશયોનો નાશ કરી નાખ. ઘણું કરીને (ભટકેલા) દૈવી જીવો કે સાધકોના હૃદયમાં જ્યાં સુધી પરમાત્માને પામવાની ઉત્કટ ઈચ્છા કે ધ્યેય બંધાતું નથી, ત્યાં સુધી તેનું હૃદય સંશયરહિત થઈ શકતું નથી. સંશય છે તે શૈતાન છે. તે ધ્યેય વિનાના ખાલી હૃદયની પેદાશ છે. પછી તે આજુબાજુના બીજા સાધકોને પણ કષ્ટદાયક થઈ રહે છે. માટે ભગવાન કહે છે ज्ञानासिना संशयं छित्त्वा સંશયને કાપીને योगमात्तिष्ठोत्तिष्ठ भारत-मयोपदिष्टम् योगम् आतिष्ठ तदर्थ उत्तिष्ठ हे भारत, અર્જુન પોતાના ગાંડીવનો ત્યાગ કરીને રથના મધ્યભાગમાં બેસી ગયા છે (૧/૪૭) અને ભગવાનને સાફ સાફ કહી દીધું છે કે ‘હું યુદ્ધ નહિ કરું’. ‘न योत्स्ये’ (૨/૯) અહીં ભગવાન અર્જુનને નિષ્કામ કર્મયોગ સમજીને યુદ્ધને માટે ઊભા થઈ જવાની આજ્ઞા આપે છે. આ જ વાત ભગવાને બીજા અધ્યાયના અડતાલીસમા શ્લોકમાં योगस्थ: कुरु कर्माणि-‘યોગમાં મનને સ્થિર કરીને કર્મ કર’ શબ્દો વડે કહી હતી.
અર્જુન યુદ્ધને (પોતાના નિયત કર્મને) પાપ સમજે છે. સાધકો પણ મોટા ભાગે પોતાના નિયત કર્તવ્યને ગદ્ધામજૂરી સમજતા હોય છે. દૂર બેઠેલાની ચેષ્ટાઓને દિવ્ય ને પ્રેમલક્ષણા ભક્તિ સમજતા હોય છે. ત્યારે તેના જવાબમાં ભગવાને અર્જુનને યોગમાં સ્થિર થઈને યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે. કારણ કે નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાભાવથી કરાયેલા કર્મથી (યુદ્ધ જેવા કર્મથી પણ) પાપ નથી લાગતું (ततो युद्धाय युज्यस्व नैवं पापं अवाप्स्यसि। ૨/૩૮) તેથી ભગવાનને યાદ કરતાં કરતાં (યોગસ્થ) કર્તવ્ય બજાવવું તે કર્મબંધનથી છૂટવાનો ઉપાય છે.
સંસારમાં રાત-દિવસ આપણી આજુબાજુ અને બધે જ અનેક ચેષ્ટાઓ અને કર્મો થતાં રહે છે; પરંતુ તે કર્મોમાં આપણને મમતા નથી, રાગદ્વેષ નથી. તેથી આપણે સંસારના તે કર્મોથી બંધાતા નથી. નિર્લિપ્ત રહીએ છીએ. જે કર્મોમાં આપણને મમતા, આસક્તિ રાગદ્વેષ થઈ જાય છે, તેમાં આપણે બંધાઈ જઈએ છીએ. કારણ કે કર્મોમાં રાગદ્વેષને લઈને જ આપણે બંધાઈએ છીએ, નહિ કે કર્મના કરવા માત્રથી. રાગદ્વેષથી આપણે કર્મોની સાથે આપણો વૈયક્તિક સંબંધ સ્થાપિત કરી દઈએ છીએ. જ્યારે રાગદ્વેષ નથી રહેતા તો કર્મો સાથેનો સંબંધ ઉચ્છેદ થઈ જાય છે .એટલું જ નહિ પણ કર્મો કરવાનાં કરણો શરીર, ઈન્દ્રિયોમાંથી મમતા, આસક્તિ રાગદ્વેષ છૂટી જાય તો તે જ કરણોથી પૂર્વે કરેલાં કર્મો પણ અત્યારે તેને બાંધી ન શકે. તે જીવનમુક્ત બની જાય. માટે ભગવાન અર્જુનને યુદ્ધ નહિ; પણ તે અંગેની મમતા, આસક્તિ, રાગ, દ્વેષ છોડી સમત્વબુદ્ધિથી યુદ્ધરૂપ કર્મયોગ કરવાની આજ્ઞા આપે છે.
શ્રીમદ્ભગવદ્ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો જ્ઞાનકર્મસંન્યાસયોગ નામે ચોથો અધ્યાય સંપૂર્ણ.