ગી.અ-13, શ્લોક 1 to 18

જ્ઞાનસહિત ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો વિષય

ભગવાન બોલ્યા

इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते।
एतद्यो वेत्ति तं प्राहु: क्षेत्रज्ञ इति तद्विद:।।१।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! આ શરીરને ક્ષેત્ર એવા નામે કહેવામાં આવે છે અને તે ક્ષેત્ર-શરીરને જે જાણે છે. તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ એવા નામે તે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાનીજનો કહે છે. ।।૧।।

પ્રથમ ષટ્‌કમાં દેહભિન્ન એવો આત્મા તેનું સ્વરૂપ અને તેના સાધનો બતાવ્યા. બીજા ષટ્‌કમાં પરમાત્માનો મહિમા અને તેની ભક્તિનું વિશુદ્ધ સ્વરૂપ કહ્યું છે. હવે આ ત્રીજા ષટ્‌કમાં પરિશેષરૂપે આત્માઅનાત્માનો વિવેક તથા પરમાત્મા અને તેની ભક્તિનું વિશુદ્ધ સ્વરૂપ કહ્યું છે. હવે આ ત્રીજા ષટ્‌કમાં પરિશેષરૂપે આત્મા અનાત્માનો વિવેક તથા પરમાત્મા અને તેની ભક્તિનું સ્વરૂપ બતાવશે. અર્થાત્‌તેની વિશેષ સ્પષ્ટતા બાકી રહી જણાય હોઈ, તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરશે. તેમાં પણ તેર, ચૌદમાં અધ્યાયમાં દેહાત્માવિવેક તેમ જ પંદરમાં અધ્યાયમાં પરમાત્માના સ્વરૂપનો વિવેક બતાવી રહ્યા છે. તેમાં શેષ અર્થોને ભગવાન સ્વયં શરૂ કરી રહ્યા છે.

इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते…

અહીં इदम्‌ અને अहम् બે શબ્દો છે તે पराक्‌त्व અને प्रत्यक्‌त्व ને બતાવનારા છે पराक्‌त्व એટલે પરસ્મૈ भासमानत्वम અને प्रत्यक्‌त्व એટલે स्वस्मै मासमानत्वम्‌। परस्मै भासमानत्वम्‌ એટલે જડ પદાર્થો. જેનો इदम શબ્દથી નિર્દેશ થાય છે. તે ચેતનથી ઈત્તર પદાર્થો અને સ્વસ્મૈ ભાસ માનત્વ એટલે ચેતન પદાર્થ જેનો નિર્દેશ ‘अहम्‌’ શબ્દથી થાય છે, જે આત્મા અને પરમાત્મા ભગવાન અહીં બતાવી રહ્યા છે કે, આ શરીર ‘अहम्‌’ શબ્દથી ગ્રહિત થાય છે. અર્થાત્ ‘अहम्‌’ શબ્દ વાચ્ય છે માટે તે જડ છે, ચેતન નથી. આત્માનું પોતાનું સ્વરૂપ નથી. ત્યારે કોઈ શંકા કરે કે देवोऽहं जानामि ‘मनुष्योऽहं जानामि’ ત્યારે તે શરીર સામાનાધિકરણ્ય પ્રયોગ થયો છે. તો તેનું સમાધાન એ છે કે તે ભ્રાંતિદશા છે. જેનો પાછળથી બાધ થાય છે, તે ભ્રમ કહેવાય છે માટે તે પ્રતીતિ ભ્રાંતિરૂપ છે. આ જીવને ભોક્તાભાવમાં જ વિશેષ કરીને દેહ-આત્માની એકતા થઈ જાય છે અને તે ભ્રાંતિરૂપ છે.

મનુષ્ય-‘આ પશુ છે, આ પક્ષી છે, આ વૃક્ષ છે’ વગેરે ભૌતિક ચીજોને ‘ઈદંતાથી’ અર્થાત્‌ ‘આ’ શબ્દથી કહે છે. શરીરને ‘મારા’ મારારૂપથી કહે છે. તે પણ એક પ્રકારે इदं શબ્દ ગ્રાહ્ય જ છે પણ કયારેક ‘હું’ અથાત્‌ ‘अहं’ શબ્દથી કહે છે ત્યારે તે તેની ભ્રાંતિદશા છે અને એ ભ્રાંતિ ભોક્તા-દશામાં ભોક્તાભાવમાં વિશેષપણે થાય છે, શરીરમાં ‘अहं’ ની ભ્રાંતિ સર્જાય છે. એને લઈને ‘इदं’ પદાર્થો ‘मम’ ‘મારા’ છે, એવું ભાસે છે, તે ભ્રાંતિ છે. ‘अहं’થી ત્રણે શરીરોનો નિર્દેશ થઈ જાય છે. તે બધા જ इदं શબ્દથી જ વાચ્ય છે. ‘मम’ શબ્દને યોગ્ય પણ નથી. કારણ કે સદાકાળ તે ‘मम’ શબ્દવાચ્ય રહેતા નથી. અંતે તો વિખૂટા પડીને इदं ની લાઈનમાં આવી જાય છે. માત-પિતાના રજવીર્યથી સ્થૂળ શરીર ઉત્પન્ન થયું છે. તે પણ ઈન્દ્રિયોનો વિષય હોવાથી ‘इदम़्‌’(આ) કહેવાય છે. જેને અન્નમય કોષ કહ્યું છે કારણ તે અન્નને આધારે ટકી રહ્યું છે. જ્યારે ઓગણીસ તત્ત્વોનું સૂક્ષ્મ શરીર છે. દશ ઈન્દ્રિયો પંચ પ્રાણ અથવા તન્માત્રા ચાર અંતઃકરણ. એ પણ અંતઃકરણનો વિષય હોવાથી ‘इदं’ વાચ્ય કહેવાય છે. તેમાં મનને મનોમય કોશ અને પ્રાણને પ્રાણમય કોશના કહેવાય છે. અજ્ઞાનને કારણ શરીર કહેવાય છે. મનુષ્યને બુદ્ધિ તત્ત્વ સુધી અનુલોમ પણે સહેલાઈથી જ્ઞાન થાય છે; પરંતુ બુદ્ધિથી આગળનું જ્ઞાન સહજપણે-અનુલોમપણે થતું નથી. તેનું જ્ઞાન થવા માટે પ્રતિલોમ દૃષ્ટિ કરવી પડે છે. બુદ્ધિથી આગળનું જ્ઞાન નથી હોતું, તેથી તેને અજ્ઞાન કહે છે. આ અજ્ઞાન તમામ શરીરો-જન્મોનું અર્થાત્‌ જન્મ-મરણરૂપ સંસારનું કારણ હોવાથી કારણ શરીર કહેવાય છે. આ કારણ શરીરને સ્વભાવ-પ્રકૃતિ પણ કહેવાય છે. જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે ‘अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुष:। अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित: ત્યારે તેના ઉત્તરમાં ભગવાન કહે છે ‘काम ह्येष:…’ કામ, ક્રોધાદિધાદિ એ પ્રકૃતિમાં-સ્વભાવરૂપે પડયા છે. ‘बुद्धे: परतस्तु स:’ (૩/૪૨) તે બધા અજ્ઞાન-કારણ શરીરના પરિણામો છે. છતાં તે પણ ‘इदं’ શબ્દ ગ્રાહ્ય જ છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીરની પ્રધાનતા હોય છે. ત્યારે સૂક્ષ્મ અને કારણ શરીર પણ સાથે રહે છે. સ્વપ્નાવસ્થામાં સૂક્ષ્મ શરીરની પ્રધાનતા રહે છે અને તેમાં કારણ શરીર પણ સાથે રહે છે. સુષુપ્તિ અવસ્થામાં સ્થૂળ-સુક્ષ્મ શરીરનું ભાન રહેતું નથી. ત્યારે બુદ્ધિ અવિદ્યામાં લીન થઈ જાય છે. આથી સુષુપ્તિ અવસ્થા કારણ શરીરની હોય છે. કારણ શરીર પણ પોતામાં ચેતન- ‘अहम’નો વિષય હોવાથી ‘इदम्‌’ શબ્દ વાચ્ય જ છે. આ ત્રણેને શરીર કહેવાનું તાત્પર્ય એ છે કે તેમનો પ્રતિક્ષણે નાશ થાય છે. પરિવર્તન થયા કરે છે. આ શરીરને ‘क्षेत्र’ પણ કહેવામાં આવે છે. એનો ભાવ એમ છે કે જેવી રીતે ખેતરમાં જાત જાતનાં બી વાવીને ખેતી કરવામાં આવે છે. તે બીજ વાવવાથી ફરી પાછા બીજા છોડ-શરીર થાય છે. તેમ જ આ મનુષ્ય શરીરમાં અહંતા, મમતા કરીને જે જે કર્મો કરવામાં આવે છે તે બીજ સ્વરૂપે તૈયાર થાય છે. તે પાછા અનંત શરીરો-દેવતા-પશુપક્ષી-કીટ પતંગમાં ઉત્પન્ન કરે છે તેથી શરીરને ક્ષેત્ર(ખેતર) કહેવામાં આવે છે. વાસ્તવિકપણે ‘इदम्‌’ શબ્દથી અલગ માનવા યોગ્ય હોવા છતાં તેને ભૂલથી જીવે ‘अहम्‌’ માની લીધું છે અને પોતે ફસાઈ ગયો છે. તે દૃશ્ય(જડ) એવા પદાર્થોથી પોતાની મહત્તા સમજવા લાગ્યો છે. જેમ કે, હું ધની છું, વિદ્વાન છું, ડાહ્યો છું વગેરે વગેરે માને છે. ત્યારે વાસ્તવમાં પોતાની મહત્તા ઘટાડે છે. તેનો વાસ્તવિક અર્થ એવો થયો કે ધન, વિદ્યા વગેરે પોતાથી મોટા છે ત્યારે પોતાનું મહત્ત્વ તો કાંઈ રહ્યું જ નહિ પણ જીવે પોતાની મૂર્ખાઈથી એવું ગોઠવી લીધું છે. માટે ભગવાન ‘इदम्‌ शरीरम्‌ क्षेत्रम्‌’ કહીને તેનાથી અલગ પડવા માટે ઈશારો કરી રહ્યા છે. ‘एतत्‌ यो वेत्ति’ જીવાત્મા-ચેતન એને જાણે છે જીવ શરીર સાથે કયારેક ‘આ શરીર છે’ ‘इदं शरीरम्‌’ કયારેક મારું શરીર છે. કયારેક હું (શરીર) છું’. એવો વ્યવહાર કરે છે. इदम्‌ અને एतत्‌ બન્ને અત્યંત નજીકના વાચક છે. તેમાં પણ इदम्‌ અત્યંત નજીક પણ સ્પર્શ થઈ ન શકે તેવું નજીકનું વાચક છે અહીં શરીરને જાણવાવાળાને અર્થાત્‌પોતાનાથી અલગ એની વાસ્તવિકતા જાણવાવાળાને ‘तद्विद:’ બતાવ્યા છે. ‘क्षेत्रज्ञ’ બતાવ્યા છે. તાત્પર્ય એ છે કે, ક્ષેત્રની તરફ દૃષ્ટિ રહેવાથી અને ક્ષેત્રની સાથે સંબંધ રહેવાથી જ આ જીવાત્માને તે જ્ઞાની મહાપુરુષો ‘क्षेत्रज्ञ’ કહે છે જો આ જીવાત્મા ક્ષેત્રની સાથે સંબંધ ના રાખે તો પછી તેની ‘क्षेत्रज्ञ’ સંજ્ઞા નહિ રહે; પરંતુ એ ‘ब्रह्म’ કક્ષાને પામી જશે.

એવો નિયમ છે કે જ્યાંથી બંધન થાય છે ત્યાંથી ખોલવાથી જ બંધનથી છુટકારો થાય છે. આથી મનુષ્ય શરીરથી જ બંધન થાય છે અને મનુષ્ય શરીરના દ્વારા જ બંધનથી મુક્તિ થઈ શકે છે. જો મનુષ્યને પોતાના શરીરની સાથે કોઈ પણ પ્રકારનો અહંમમતારૂપી સંબંધ ન રહે, તો તે સંસાર માત્રથી મુક્ત થઈ જાય છે. આથી ભગવાન શરીરની સાથે માનેલા અહંમમતારૂપી સંબંધનો વિચ્છેદ કરવા માટે શરીરને ક્ષેત્ર બતાવીને તેને ઈદંતા(પૃથકતા) થી દેખવાનું કહી રહ્યા છે કે જે વાસ્તવમાં પૃથક છે જ. ‘इदम्‌’ નો અર્થ ‘આ’ અર્થાત્‌પોતાનાથી અલગ. સૌથી પહેલા દેખવામાં આવે છે, પંચભૂતનું સ્થુળ શરીર. જે દૃશ્ય છે ને પરિવર્તનશીલ છે. આને દેખવાવાળા છે નેત્રો. જેવી રીતે દૃશ્યમાં રંગ, આકૃતિ, અવસ્થા, ઉપયોગ વગેરે બદલાતા રહે છે, તો પણ તેને દેખવાવાળા નેત્રો એક સ્વરૂપે જ રહે છે. તેવી જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધરૂપી વિષયો બદલાતા રહે છે પરંતુ તેમને જાણવાવાળા ઈન્દ્રિયો કાન વગેરે એક રહે છે. તેમાં પણ નેત્રોથી બરાબર દેખાવું, ઓછું દેખાવું, બિલકુલ ન દેખાવું વગેરે પરિવર્તન થાય છે. તે મન દ્વારા જાણી શકાય છે. તેવી જ રીતે કાન, નાક વગેરે ઈન્દ્રિયોનાં પરિવર્તન મન દ્વારા જાણી શકાય છે. તેથી પાંચેય ઈન્દ્રિયો દૃશ્ય છે, મન તેનું દૃષ્ટા થશે. મન પણ કયારેક ક્ષુબ્ધ, કયારેક શાંત, કયારેક સ્થિર અને કયારેક ચંચળ હોય છે. આ મનમાં થતાં પરિવર્તનો બુદ્ધિ દ્વારા જાણી શકાય છે. આથી મન દૃશ્ય થશે. બુદ્ધિમાં પણ કયારેક બરાબર સમજાય છે. કયારેક ઓછું સમજાય છે. કયારેક બિલકુલ નથી સમજાતું-આવા પરિવર્તનો થાય છે. તે પોતાના જીવાત્મા દ્વારા જાણી શકાય છે. આથી બુદ્ધિ પણ દૃશ્ય છે પણ દૃષ્ટા જીવમાં કયારેય પરિવર્તન આવતું નથી. તેથી તે કોઈનું દૃશ્ય થતો નથી. ‘रूपं दृश्यं लोचनं दृक्‌ तद्‌दृश्यं दृक्तु मानसम्‌। दृश्या धी: वृत्तय: साक्षी द्दगेव न तु दृश्यते(દ્‌ગદશ્ય વિવેક-૨)(અર્થ ઉપર આવી ગયો છે.)

ઈન્દ્રિયો પોતાના વિષયને તો જાણી શકે છે; પરંતુ વિષયો પોતાનાથી પર(સૂક્ષ્મ, શ્રેષ્ઠ અને પ્રકાશક) ઈન્દ્રિયોને નથી જાણી શકતા. એ જ રીતે ઈન્દ્રિયો અને વિષયો મનને નથી જાણી શકતા. મન, ઈન્દ્રિયો, બુદ્ધિને નથી જાણી શકતા તથા બુદ્ધિ, મન, ઈન્દ્રિયો અને વિષયો પોતાને(ચૈતન્યને) નથી જાણી શકતા. ન જાણવામાં મુખ્ય કારણ એ છે કે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ તો સાપેક્ષ દૃષ્ટા છે. અર્થાત્‌એકબીજાની સહાયથી કેવળ પોતાનાથી સ્થૂળ વિષયને દેખવાવાળા છે;  પરંતુ પોતે(જીવાત્મા) શરીર ઈન્દ્રિયો મન અને બુદ્ધિથી અત્યંત સૂક્ષ્મ અને શ્રેષ્ઠ હોવાને કારણે નિરપેક્ષ દૃષ્ટા છે અને બીજા કોઈની સહાય વિના પણ પોતે જ દેખવાવાળો છે.

ઉપર્યુક્ત વિવેચનમાં જો કે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને પણ દૃષ્ટા કહેવામાં આવ્યા છે તો પણ ત્યાં એમ સમજી લેવું જોઈએ કે, તે(ઈન્દ્રિયાદિક) જીવાત્માની સાથે રહેવાથી જ તેમના દ્વારા દેખવાનું(દૃષ્ટાપણું) સંભવિત છે. તેઓ સ્વતંત્ર દૃષ્ટા નથી. કારણ કે તેઓ તો જડ પ્રકૃતિનું કાર્ય છે. અહીં એક શંકા થાય છે કે, પોતે જીવાત્મા તો ચેતન છે. તો પણ જેમની સાથે પોતાની તાત્ત્વિક એક્તા નથી, એવા જડ બુદ્ધિ વગેરે સાથે એકતા કેવી રીતે સાધી શકે? તો તેનું સમાધાન એ છે કે પોતે ભ્રાંતિએ કરીને જડ સાથે તાદાત્મ્ય કરીને જડ સહિત પોતાને ‘હું’ માની લે છે. જડ પદાર્થોનું પોતાના કરતાં વધારે માહાત્મ્ય જાણીને, તેમાં વધારે વિશેષતા સમજીને તે જડની સાથે એક થઈને કહે છે કે ‘હું ધનવાન છું, હું બુદ્ધિમાન છું, હું ડાહ્યો છું, હું રૂપવાન છું’ વગેરે જો તેને ચેતનમાં વિશેષતા દેખીને ચેતન સાથે એકતા થઈ જાય તો ‘હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષરરૂપ છું’ વગેરે પણ થઈ શકે છે. જે જડની સાથે એકત્વ પામીને માન્યતા દૃઢપણે પકડી લેવી તે જ પ્રકૃતિસ્થ પુરુષ છે. જે પ્રકૃતિજન્ય ગુણોના(તત્ત્વોના) સંગથી ઊંંચ નીચ યોનિમાં વારંવાર જન્મ લેતો રહે છે.(ગી. ૧૩/૨૧) તાત્પર્ય એ થયું કે જીવની પ્રાકૃતિક દશામાં જડ અને ચેતન બન્ને અંશ વિદ્યમાન રહે છે. ચેતનની સ્વાભાવિકતા પરમાત્મા તરફ જવાની છે; પરંતુ ભૂલથી(ભ્રાંતિથી) તેણે જડની સાથે પોતાની એકતા (તાદાત્મ્ય) માની લીધી છે. તેથી તે જડ પદાર્થો તરફ આકર્ષિત થઈ જાય છે અને જડ એવા બુદ્ધિ વગેરે સાથે જોડાઈને તેનો દૃષ્ટા બની રહે છે. જો તેનાથી પોતાને વિજાતીય મનાઈ જાય તો તેનો દૃષ્ટાપણાનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય. આ રીતે જીવાત્માએ ભ્રાંતિ પૂર્વક માનેલો સંબંધ જ બધા અનર્થોનું મૂળ છે.

क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम।।२।।

અર્થ : હે ભારત ! સર્વ ક્ષેત્ર-શરીરોમાં રહેલા ક્ષેત્રજ્ઞ-જીવાત્માને પણ ક્ષેત્રની પેઠેજ મનેજ-મદાત્મકજ જાણ ! અને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, એ બન્નેના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન તેજ જ્ઞાન છે. એમ મેં માનેલું છે. ।।૨।।

क्षेत्रज्ञं चापि मां विद्धि…

મનુષ્ય કોઈ વિષયને જાણે તો તે જાણવામાં આવવાવાળો વિષય ‘ज्ञेय’ કહેવાય છે. એ જ્ઞેયને તે કોઈ કરણ(સાધન)ના દ્વારા જ જાણે છે. કરણ બે જાતના હોય છે. બહિઃકરણ અને અંતઃકરણ. મનુષ્ય વિષયોને બહિઃકરણ(શ્રોત્ર, નેત્ર વગેરે)થી જાણે છે અને બહિઃકરણને અંતઃકરણથી જાણે છે. એ અંતઃકરણની ચાર વૃત્તિઓ છે-મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ બધામાં પણ અહંકાર બધાથી સૂક્ષ્મ અને તે એકદેશી છે અને આ અહંકાર પણ જેનાથી દેખી શકાય છે અને તેનું સ્વરૂપ જાણી શકાય છે. તે જાણવાવાળો ચેતન સ્વરૂપ છે. તે જ ચોવીસ તત્ત્વનો જાણનારો છે. તેને જ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. તે ક્ષેત્રજ્ઞ-ચેતન પણ ‘અહં’ પ્રત્યય જે ‘अहं अस्मि, अहं अस्मि’ પ્રત્યય દ્વારા પોતે પણ પ્રકાશિત થાય છે. એટલે પોતા વડે પોતાને પણ જાણે છે ને શરીર વિષયાદિને પણ જાણે છે. અહીં क्षेत्र ज्ञं चापि मां विद्धि ની સંકલિત વિવક્ષા એવી છે કે, હે અર્જુન ! તું પોતાને શરીર માને છે અને શરીરને પોતાનું માને છે. એવી જ રીતે મને તારો(તારા આત્માનો) શરીરી જાણ અને તારા આત્માને મારું શરીર જાણ. મને તારા આત્માનો અને સર્વના આત્માનો પણ (सर्वक्षेत्रेषु) અંતર્યામી જાણ. જેમ તમે(આત્માઓએ) શરીર સાથે એકતા કરી રાખી છે વચ્ચે ચેતન આત્મા છે. તેનો પણ અંતર્યામી-પ્રકાશક હું(પરમાત્મા) છું. તો મધ્યમણિ ન્યાયથી જેમ શરીર સાથે એકતા કરી રાખી છે, તેમ અંર્તયામી એવા મારી સાથે પણ એકતા જાણ, માની લે અને કર. શરીર પ્રત્યે જે એકતા માની રાખી છે, તેને છોડવા માટે તારો અંતર્યામી ને ક્ષેત્રજ્ઞ એવો હું તે મારી સાથે એકતા માનવી તે બહુ જ આવશ્યક છે. અહીં જેમ ભગવાને ક્ષેત્રજ્ઞની સાથે ભગવાને પોતાની એકતા બતાવી છે, (ક્ષેત્રજ્ઞનું ક્ષેત્રજ્ઞપણું બતાવ્યું છે) તેમ ગીતામાં અન્ય જગ્યાએ તથા ઉપનિષદોમાં પણ અનેકવાર બતાવ્યું છે.(એકત્વ કે અંર્તયામી તે સૈદ્ધાંતિક વિસ્તાર રામાનુજ ભાષ્ય તેમ જ તા.ચં.માં વિસ્તારથી જોવું) શરીરની પ્રકૃતિની સાથે અર્થાત્‌સંસારની સાથે એકતા છે; પરંતુ આ જીવ શરીરની સાથે પોતાની એકતા માની બેઠો છે. પોતાની એકતા કાયમ ટકાવી રાખવા મથી રહ્યો છે. ખરેખર સાચી સંબંધિક એકતા જીવને પરમાત્મા સાથે છે; પરંતુ તેણે શરીર સાથે એકતા માની રાખી અને શરીર સાથે તાદાત્મ્ય ગોઠવી રાખ્યું છે. તેથી પરમાત્માથી અલગ પડી ગયો છે જેથી પોતે પણ પરમાત્માથી તદ્દન અલગ અને દૂર માનવા લાગ્યો છે. શરીરને પ્રકૃતિથી-સંસારથી અલગ માનવું અને પોતાને પરમાત્માથી અલગ(સંબંધ રહિત) માનવો-આ બન્ને ખોટી માન્યતાઓ છે. આથી ભગવાન અહીં विद्धि પદથી આજ્ઞા આપે છે કે, શરીરને તારાથી જુદું માન અને તેની સાથે સંબંધ વિચ્છેદ કરી નાખ. મારી સાથે તાદાત્મ્ય કર. મારી સાથે જ કાયમી સંબંધ માન જે વાસ્તવિક હકીકત છે.

પોતે પ્રકૃતિથી-સંસારથી ભિન્ન(વિજાતીય) છે અને પરમાત્માથી અભિન્ન(સજાતીય) છે. એવો નિયમ છે કે સસારનું સાચું જ્ઞાન ત્યારે જ થાય છે કે, જ્યારે તેનાથી સર્વથા પોતાની જાતને ભિન્નતાનો અનુભવ કરવામાં આવે. તાત્પર્ય એ છે કે સંસારથી સંસારના રાગ રહિત થઈને જ સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણી શકાય છે; પરંતુ પરમાત્માનું જ્ઞાન તેની સાથે સાચું તાદાત્મ્ય સંબંધ (ગાઢ એકતા) સાધવાથી જ થાય છે. તેથી ભગવાન પોતાનું સાચું જ્ઞાન થવા માટે પોતાની સાથે જીવને ગાઢ સંબંધ સ્થાપિત કરવા અને જગતથી છૂટવા તેનાથી સંબંધ વિચ્છેદ કરવા કહી રહ્યા છે.

क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानंयत्तज्ज्ञानं मतं मम।

અહીં જ્ઞાન શબ્દની બે વાર આવૃત્તિ આવી છે. તેનું તાત્પર્ય એ છે કે અતિ જાણવા લાયક તત્ત્વ છે. તે હું જણાવું છું અને તેની અભિવ્યક્તિ કરવા ભગવાન કહે છે કે, ‘मतं मम’ મારો મત છે. સંસારમાં અનેક વિદ્યાઓનું, ભાષાઓનું, અનેક કલાઓનું તથા ત્રણે લોક અને ચૌદ ભુવનનું જ્ઞાન થાય તે વાસ્તવિક જ્ઞાન નથી. કારણ કે એ જ્ઞાન સાંસારિક વ્યવહારમાં કામમાં આવવાવાળું હોવા છતાં સંસારમાં ફસાવવાવાળું હોવાથી અજ્ઞાન જ છે. વાસ્તવિક જ્ઞાન તો એ કહેવાય જેનાથી પોતાનો શરીરથી સંબંધ વિચ્છેદ થઈ જાય. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો વિવેક થાય તથા ચેતન અને પરમાત્માનો વિવેક થાય. તેમાં પણ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો વિવેક સર્વ પ્રથમ જરૂર પડે છે. તેના વિના અધ્યાત્મ માર્ગે આગળ ચલાતું નથી. જે જ્ઞાન થાય ત્યારે ફરી સંસારમાં જન્મવાનું થતું નથી. સંસારની પરતંત્રતા રહેતી નથી. ‘सा विद्या या विमुक्त ये’ એ જ સાચી વિદ્યા છે, જે સંસારથી મુકાવે. ભગવાન કહે છે, મારે મતે તે જ સાચું જ્ઞાન છે.

तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत्‌।
स च यो यत्प्रभावश्च तत्समासेन मे श्रृणु।।३।।

અર્થ : તે ક્ષેત્ર શરીર, જે છે. જેવું છે. જેવા વિકારવાળું છે તથા જેના થકી જે થયેલું છે તથા ક્ષેત્રજ્ઞ-જીવાત્મા જે છે અને જેવા પ્રભાવવાળો છે. તે સઘળું સંક્ષેપથી મારા થકી સાંભળ ! ।।૩।।”

“तत्क्षेत्रम्‌-આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જેને इदम्‌ શબ્દથી કહેવામાં આવ્યું છે, તેને અહીં तत्‌ શબ્દથી બતાવી રહ્યા છે. તે ક્ષેત્ર બધા સ્થળમાં, બધા કાળમાં નથી. અત્યારે પણ પ્રતિક્ષણ અભાવમાં જઈ રહ્યું છે. તેથી આ ક્ષેત્રનું પોતાનાથી (ચેતનાથી) દૂરપણું છે. માટે तत्‌ શબ્દ દૂરને પણ બતાવનારો છે.

यत्‌ च એ ક્ષેત્રનું જે સ્વરૂપ છે. यादृक्‌च એ ક્ષેત્રનો જે સ્વભાવ છે. यद्‌विकारि જો કે પ્રકૃતિનું કાર્ય હોવાથી તે વિકારરહિત હોઈ જ ન શકે. તો પણ આ અધ્યાયમાં ઈચ્છા, દ્વેષ વગેરેમાં થતા વિકારો બતાવ્યા છે. यतश्च यत्‌ આ ક્ષેત્રની જેનાથી ઉત્પતિ થઈ છે-થાય છે.

स च-પ્રથમ શ્લોકના ઉતરાર્ધમાં જે ક્ષેત્રજ્ઞનું વર્ણન થયું છે. એ જ ક્ષેત્રજ્ઞનું વાચક અહીં स પદ છે અને તેના જ વિષયમાં અહીં સંભળાવવા માટે કહેવામાં આવ્યું છે ‘य:’ આ ક્ષેત્રજ્ઞનું જે સ્વરૂપ છે-જેનું આ અધ્યાયમાં વર્ણન કરાશે. यत्‌ प्रभावश्च એ ક્ષેત્રજ્ઞનો જે પ્રભાવ છે તેને કહેવામાં આવશે.

तत्‌ समासेन मे श्रृणु અહીં ‘तत्‌’ શબ્દથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ-બન્ને લેવા જોઈએ. આખા શ્લોકનો સંકલિત અર્થ એ છે કે, એ ક્ષેત્ર જે છે, જેવું છે, જે વિકારોવાળું છે અને જેનાથી ઉત્પન્ન થયું છે-આ રીતે ક્ષેત્રના વિષયમાં ચાર બાબતો અને તે ક્ષેત્રજ્ઞ જે છે અને જેવા પ્રભાવવાળો છે-એ રીતે ક્ષેત્રજ્ઞના વિષયમાં બે બાબતો તું મારી પાસેથી(આ અધ્યાયમાં) સાંભળ.

જો કે આ અધ્યાયમાં આરંભમાં પહેલા બે શ્લોકથી ક્ષેત્રક્ષેત્રજ્ઞનું સૂત્રરૂપે વર્ણન થયું છે. જેને ભગવાને ‘જ્ઞાન’ પણ કહ્યું છે. તો પણ ક્ષેત્રક્ષેત્રજ્ઞનું સ્પષ્ટપણે વિવેચન-વિકાર સહિત ક્ષેત્ર અને નિર્વિકાર ક્ષેત્રજ્ઞના સ્વરૂપનું પ્રભાવ સહિત વર્ણન-આ ત્રીજા શ્લોકથી આરંભ કરવામાં આવ્યું છે. તેથી સાવધાન થઈને સાંભળવાની આજ્ઞા કરી રહ્યા છે.

આ શ્લોકમાં ભગવાને ક્ષેત્રના વિષયમાં તો ચાર બાબતો સાંભળવાની આજ્ઞા કરી છે; પરંતુ ક્ષેત્રજ્ઞના વિષયમાં કેવળ બે બાબતો-સ્વરૂપ અને પ્રભાવ જ સાંભળવાની આજ્ઞા કરી છે. આનાથી એવી શંકા થાય કે, ક્ષેત્રનો પ્રભાવ પણ કેમ ન કહેવામાં આવ્યો અને સાથે જ ક્ષેત્રજ્ઞનો સ્વભાવ, વિકાર અને જેનાથી એ ઉત્પન્ન થયો-આ વિષયો પર પણ કાંઈ કેમ ન કહેવામાં આવ્યું? આનું સમાધાન એ છે કે, એક ક્ષણ પણ જેનું અસ્તિત્વ સ્થિર નથી એવા ક્ષેત્રનો પ્રભાવ શું હોઈ શકે? તેમાં તો સ્વભાવ જ હોઈ શકે-પ્રકૃતિસ્થ(સંસારી) પુરુષના અંતઃકરણમાં ધન વગેરે જડ પદાર્થોનું મહત્ત્વ રહે છે.એટલા માટે જ તેને ધન વગેરે જડ પદાર્થોનો પ્રભાવ દેખાય છે. વાસ્તવમાં સ્વતંત્રપણે ક્ષેત્રનો કાંઈ પ્રભાવ નથી. તેથી તેના પ્રભાવનું વર્ણન અહીં કોઈ કરવામાં આવ્યું નથી.

જ્યારે ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ ઉત્પત્તિ વિનાશ રહિત છે. અવિનાશી છે એટલા માટે તેનો સ્વભાવ ઉત્પત્તિ વિનાશ રહિત છે, અવિનાશી છે. આથી ભગવાને તેના સ્વભાવનું અલગતાથી વર્ણન ન કરીને સ્વરૂપની અંતર્ગત જ બતાવી દીધું. ક્ષેત્રની સાથે પોતાનો સંબંધ માનવાને કારણે જ ક્ષેત્રજ્ઞમાં-ઈચ્છા, દ્વેષ વગેરે વિકારોની પ્રતીતિ થાય છે. અન્યથા ક્ષેત્રજ્ઞ સર્વથા નિર્વિકાર જ છે. આથી નિર્વિકારી એવા ક્ષેત્રજ્ઞના વિકારોનું વર્ણન સંભવિત નથી. ક્ષેત્રજ્ઞ અવિકારી, અનાદિ અને નિત્ય છે. આથી એના વિષયમાં કોણ કોનાથી ઉત્પન્ન થયું-એવો પ્રશ્ન જ અસ્થાને ગણાશે.

ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधै:पृथक्‌।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्‌भिर्विनिश्चितै:।।४।।

અર્થ : આ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ સ્વભાવ વિગેરે ઋષિઓએ બહુ પ્રકારે નાના પ્રકારના વેદમંત્રોથી જુદું જુદું કહેવામાં આવ્યું છે તેમજ-હેતુવાદપૂર્વકના નિશ્ચિત અર્થવાળા બ્રહ્મસૂત્રોના વાક્યોથી પણ કહેવામાં આવ્યું છે. ।।૪।।

આ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું તત્ત્વ ઋષિઓ દ્વારા-સ્મૃતિ, પુરાણ ગ્રંથોમાં સત્‌અસત્‌, દેહ-દેહી, નિત્ય-અનિત્ય વગેરે શબ્દોથી વિસ્તારથી વર્ણન કર્યું છે. તમામ વેદો-ઉપનિષદો તથા બ્રહ્મસૂત્રમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આવું કહેવા પાછળ ભગવાનનું તાત્પર્ય એ છે કે, હું તમને શાસ્ત્રની વાત કહી રહ્યો છું પણ કલ્પિત વાત કહેતો નથી. વળી બીજું તાત્પર્ય એવું પણ કહી શકાય કે હું અહીં સંક્ષિપ્તથી કહી રહ્યો છું. તેનો વિસ્તાર જાણવો હોય તો ઉપર્યુકત ગ્રંથોમાં જોઈ શકાશે.

महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च।।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचरा:।।५।।

અર્થ : પંચ મહાભૂત, અહંકાર અને અભ્યક્ત-પ્રકૃતિ, મહત્તત્ત્વ તથા દશ ઈન્દ્રિયો, એક મન અને શબ્દાદિક પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો.।।૫।।

महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च।। એ બધા ક્ષેત્રના આરંભક દ્રવ્યો છે. તેમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આ પાંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ અર્થાત્‌મહત્તત્વ અને અવ્યાકૃત એટલે પ્રકૃતિ આ બધા ક્ષેત્રારંભક દ્રવ્યો છે.

इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचरा:।। આ બધાં ક્ષેત્રને આશ્રયે રહેલાં તત્ત્વો છે તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, એક મન અને પંચ વિષય આ બધા તત્ત્વો ક્ષેત્રનો આશ્રય કરીને રહેનારા છે. આ રીતે ચોવીસ તત્ત્વોનો સમુદાય તેનું ક્ષેત્ર એવું નામ આપ્યું છે. આનો જ એક તુચ્છ અંશ આ મનુષ્ય શરીર છે. જે જીવને માટે ક્ષેત્ર છે. પેલું સમષ્ટિ ક્ષેત્ર છે. અહીં ભગવાનને પહેલા શ્લોકમાં ‘इदं शरीरम्‌’ અને ત્રીજા શ્લોકમાં ‘तत्क्षेत्रम्‌’ પદથી બતાવ્યું છે.

इच्छा द्वेष: सुखं दुखं संघातश्चेतना धृति:।
एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम्‌।।६।।

અર્થ : તેમજ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, પંચભૂતના સમૂહરૂપ સ્થૂળ પિંડ, ચેતન જીવાત્માને ધારણ કરવું અથવા ચેતના-બુદ્ધિ અને ધૃતિ-ધારણ અથવા ધૈર્ય, આ સંક્ષેપથી વિકારોએ યુક્ત ક્ષેત્રનું સ્વરૂપ કહેલું છે. ।।૬।।

इच्छा-અમુક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરે મળે-એવી જે મનમાં ચાહના રહે છે. તેને ઈચ્છા કહે છે. ક્ષેત્રના વિકારોમાં ભગવાન સહુથી પહેલા ઈચ્છારૂપી વિકારનું નામ લે છે. આનું તાત્પર્ય એ છે કે ઈચ્છા મૂળ વિકાર છે. કેમ કે એવું કોઈ પાપ અને દુઃખ નથી જે સાંસારિક ઈચ્છાઓથી ઉત્પન્ન ન થતું હોય. અર્થાત્‌તમામ પાપો અને દુઃખો સાંસારિક ઈચ્છાઓથી જ પેદા થાય છે.

द्वेष:-કામના(ઈચ્છા) અને અભિમાનમાં વિઘ્ન(ચોટ) લાગતા ક્રોધ પેદા થાય છે. અંતઃકરણમાં એ ક્રોધનું જે સૂક્ષ્મરૂપ રહે છે તેને દ્વેષ કહે છે. અહીં દ્વેષ પદની અંતર્ગત ક્રોધને પણ સમજી લેવો જોઈએ.

सुखम्‌-અનુકૂળતા આવતાં મનમાં જે પ્રસન્નતાની લહેરો આવે છે, તેને સુખ કહે છે.

दु:खम्‌-પ્રતિકૂળતા આવતાં મનમાં જે ખળભળાટ થાય છે. અર્થાત્‌પ્રતિકૂળ પરિસ્થિતિ જે મનને ગમતી નથી, તેને દુઃખ કહે છે.

संघात:-ચોવીસ તત્ત્વોથી બનેલા શરીરરૂપી સમૂહનું નામ સઘાંત છે. શરીરનું ઉત્પન્ન થઈને સત્તારૂપે દેખાવું એ પણ વિકાર છે. તથા તેમાં પ્રતિક્ષણે પરિવર્તન થતું રહે એ પણ વિકાર છે.

चेतना-ચેતના અહીં પ્રાણશક્તિને કહી છે. અર્થાત્‌શરીરમાં જે પ્રાણ ચાલી રહ્યા છે તેને ચેતના કહી છે. આ ચેતનામાં પણ પરિવર્તન થતું રહે છે. જેમ કે-સાત્ત્વિક વૃત્તિ આવતાં પ્રાણશક્તિ શાંત રહે છે અને રાજસવૃત્તિ તથા ચિંતા, શોક, ભય, ઉદ્વેગ વગેરે થતાં પ્રાણશક્તિ તેવી શાંત નથી રહેતી પણ ક્ષોભિત થઈ જાય છે. આ પ્રાણશક્તિ નિરંતર નષ્ટ થતી રહે છે. આથી તે પણ વિકારરૂપ જ છે.

સાધારણ લોકો પ્રાણવાળાને ચેતન અને પ્રાણરહિતને અચેતન કહે છે. આ દૃષ્ટિએ અહીં પ્રાણશક્તિને ચેતના કહેવામાં આવી છે.

धृति-ધારણા શક્તિને ધૃતિ કહેવાય છે. આ ધૃતિ પણ બદલાતી રહે છે. કયારેક ધીરજ ખૂટી જાય છે અને કયારેક ધીરજ સારી પેઠે રહે છે. મનુષ્ય કયારેક સારી વાતને ધારણ કરે છે અને કયારેક વિપરીત વાતને પણ ધારણ કરી લે છે. અઢારમા અધ્યાયનાં ત્રણ પ્રકારની ધૃત્તિ બતાવી છે. પરમાત્માની તરફ ચાલવામાં સાત્ત્વિકી ધૃતિની મોટી આવશ્યકતા છે. આ ધૃતિ પણ ક્ષેત્રનો વિકાર છે.

एतत्‌ क्षेत्रं समासेन सविकारमुदाहृतम्‌।

જેવી રીતે પહેલા શ્લોકમાં ‘इदं शरीरम्‌’ કહીને વ્યષ્ટિથી આ શરીરને અલગ દેખાડયું. તેમ આ શ્લોક દ્વારા ‘एतत्‌’ પદથી દૃશ્યથી-ક્ષેત્ર અને તેમાં થવાવાળા વિકારોથી દૃષ્ટાને અલગ બતાવવા માટે કહ્યું છે.

પાંચમાં શ્લોકમાં ભગવાને સમષ્ટિ વર્ણન કર્યું અને છઠ્ઠાં શ્લોકમાં અહીં વ્યષ્ટિ શરીરના વિકારોનું વર્ણન કર્યું. તે બન્નેમાં પણ તફાવત બતાવ્યો. સમષ્ટિ-સંસારમાં ઈચ્છા દ્વેષ વિગેરે વિકારો હોતા જ નથી. ફકત પરિવર્તનશીલતા, વિનાશી સ્વભાવ વગેરે રહે છે. જ્યારે વ્યષ્ટિમાં બન્ને પ્રકારના વિકારો હોય છે. છતાં પણ વ્યષ્ટિ અને સમષ્ટિ બને એક છે. પ્રકૃતિ નિર્મિત છે વ્યષ્ટિ શરીર સમષ્ટિથી અલગ નથી. આ અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને ક્ષેત્રજ્ઞ(આત્મા)ની પોતાની સાથે એકતા બતાવી છે. એવી જ રીતે અહીં વ્યષ્ટિ શરીર અને તેમાં થવાવાળા વિકારોને સમષ્ટિ સંસાર(પ્રકૃતિ)ની સાથે એકતા બતાવી રહ્યા છે. આગળ એકવીસમાં શ્લોકમાં ભગવાને પુરુષની સ્થિતિ શરીરમાં ન બતાવીને પ્રકૃતિમાં બતાવી છે. ‘पुरुष: प्रकृतिस्थो हि’- આનાથી પણ એ સિદ્ધ થઈ જાય છે કે, પુરુષની સ્થિતિ(સંબંધ) વ્યષ્ટિ શરીરમાં થઈ જવાથી તેની સ્થિતિ સમષ્ટિ પ્રકૃતિમાં થઈ જાય છે. કેમ કે વ્યષ્ટિ શરીર અને સમષ્ટિ પ્રકૃતિ-બન્ને એક જ છે.

ક્ષેત્રજ્ઞ જ્યારે અવિવેકથી ક્ષેત્રની સાથે પોતાનો સંબંધ માની લે છે, ત્યારે ક્ષેત્રમાં ઈચ્છા, દ્વેષ વગેરે વિકારો પેદા થાય છે. ખરેખર ઈચ્છા વગેરે વિકારો ધર્મભૂત જ્ઞાનમાં છે તો પણ ક્ષેત્રને અવલંબીને ક્ષેત્રને આધારિત હોવાથી ક્ષેત્રના વિકારો બતાવ્યા છે. ક્ષેત્રજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ તો સદા નિર્વિકાર જ છે. ક્ષેત્રક્ષેત્રજ્ઞના સંયોગથી પેદા થવાવાળા વિકારો સર્વથા દૂર કરી શકાય છે. કારણ કે ક્ષેત્રજ્ઞનો ક્ષેત્ર સાથે સંબંધ કેવળ માની લીધેલો છે. આ માની લીધેલા સંયોગને દૂર કરવા માટે ભગવાન આ અધ્યાય પ્રથમ શરીરને પોતાનાથી અલગ અને પછી પરમાત્માને પોતાનો નિત્ય સંયોગ અનુભવવા માટે કહે છે. એવો નિત્ય સંયોગ પરમાત્મા સાથે અનુભવાતાની સાથે ક્ષેત્રની(શરીરની) સાથે માની લીધેલી એકતાનો સર્વથા અભાવ થઈ જશે. ત્યારે અહીં બતાવેલા વિકારો ઉત્પન્ન નહિ થઈ શકે.

બન્નેની અલગતાની અનુભૂતિ થતા અર્થાત્‌ક્ષેત્ર(શરીર) સાથે સંબંધ વિચ્છેદ થતાં ઈચ્છા અને દ્વેષ સદાને માટે સર્વથા દૂર થઈ જાય છે. સુખ અને દુઃખ અર્થાત્‌અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિનું જ્ઞાન તો થાય છે; પરંતુ તેનાથી અંતઃકરણમાં કોઈ વિકાર તો પેદા થતો નથી. અર્થાત્‌અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં જીવનમુક્ત મહાપુરુષ સુખીદુઃખી થતા નથી. સુખ-દુઃખનું જ્ઞાન થવું તે ખામી છે. જેમકે ભોજન કરતી વેળાએ જીભમાં સ્વાદનું જ્ઞાન થવું એ દોષ નથી પરંતુ ભોજનના પદાર્થોમાં રાગ કે દ્વેષ થવો તેમાં ખેંચાઈ જવું કે તિરસ્કાર-ઘૃણા કરવી તે દોષ છે-ખામી છે.

જીવન મુક્ત મહાપુરુષની ‘સઘાંત’ અર્થાત્‌શરીરમાં કિંચિત્‌માત્ર પણ હું-મારાપણાનો સંબંધ ન રહેવાને કારણે તેમનું શરીર જો કે પવિત્ર થઈ જાય છે-ગણાય છે, તો પણ તેમને તેમાં રાગ રહેતો નથી. તે પ્રારબ્ધ અનુસાર જીવિત રહે છે, ત્યાં સુધી ‘ચેતના’(પ્રાણશક્તિ) પણ રહે છે. પરિશ્રમ થતાં તેમાં ચંચળતા પણ આવે છે. નહિ તો તે શાંત રહે છે; પરંતુ અતિ વિહ્વળતા કયારેય આવતી નથી; કારણ કે તેની સાથે પણ એમણે સંબંધ વિચ્છેદ કરેલો છે. સાધના અવસ્થામાં જે સાત્ત્વિકી ધૃતિ હોય છે, તે કાયમ શરીર સુધી રહે છે; પરંતુ અંતઃકરણ સાથે તાદાત્મ્ય ન રહેવાથી તત્વજ્ઞ પુરુષોને ચેતના અને ધૃતિરૂપી વિકારો સાથે કોઈ સંબંધ રહેતો નથી.

તાત્પર્ય એ થયું કે શરીરની સાથે તાદાત્મ્ય થવાથી જ વિકારો થાય છે. તે વિકારો અલગપણાની અનુભૂતિ થયા પછી નથી થતા. સઘાંત, ચેતના, અને ધૃતિ આ ત્રણ રહેવા છતાં પણ તેમની પોતાના ઉપર કોઈ અસર થતી નથી.

अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम्‌।
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रह:।।७।।

અર્થ : હવે પાંચ શ્લોકથી જ્ઞાનનું લક્ષણ કહે છે-નિર્માન ભાવે વર્તવું, દંભે રહિત વર્તન રાખવું, અહિંસા, ક્ષમા રાખવી, મન અને વાણીથી સરલ વર્તવું, શ્રદ્ધાપૂર્વક ગુરુની સેવા કરવી, અંદર અને બહારની શુદ્ધિ રાખવી, સ્વધર્માદિક આચરવામાં મનની સ્થિરતા રાખવી અને મન-ઈન્દ્રિયોનો વિશેષપણે નિગ્રહ કરવો. ।।૭।।

શરીરની સાથે તાદાત્મ્ય કરી લેવાથી જ ઈચ્છા, દ્વેષ વગેરે વિકારો પેદા થાય છે અને તે વિકારોની પોતાની ઉપર અસર પડે છે તથા તેમનું ફળ ભોગવવું પડે છે. એટલા માટે ભગવાન શરીરની સાથે કરેલા તાદાત્મ્યને દૂર કરવાને માટે અને ભગવાનમાં તાદાત્મ્ય થઈ શકે, માટે આવશ્યક વીસ સાધનોનું ‘જ્ઞાન’ના નામથી આગળના પાંચ શ્લોકોમાં વર્ણન કરે છે.

अमानित्वम्‌ પ્રથમ ક્ષેત્રના વિકારો બતાવીને હજુ પણ ક્ષેત્રના જ કાર્યો કહે છે પણ તે આત્મજ્ઞાનના સાધનરૂપ ઉપાદેય ગુણો છે. આ ગુણો પણ ઈચ્છાદિની જેમ ક્ષેત્રના કાર્યરૂપ જ છે.

उत्कृष्टजनेषु अवधीरणा रहितम्‌-अमानित्वम्‌।

विद्याभिजनधनादिसंपतिमूल: उत्कृष्टजनावमानहेतु: गर्वो अत्रमान: तद्‌वत्‌ मानी-तद्‌न्योऽमानी-तस्यभाव: तत्वम्‌ પોતાને વિષે પૂજ્ય બુદ્ધિ(ગર્વ) માન કહેવાય છે. વર્ણ-આશ્રમ, યોગ્યતા, વિદ્યા, ગુણ, પદ વગેરેને લીધે પોતાનામાં શ્રેષ્ઠતાનો ભાવ થાય છે. પૂજ્ય બુદ્ધિ થાય અને બીજા અન્ય રીતે આપણાથી મહાન હોય, શ્રેષ્ઠ હોય તો પણ તેનો તિરસ્કાર-અનાદર રહે. તે પોતાના અંતરમાં કે બાહ્ય મન, કર્મ, વચને રહે તે માનીપણું છે. તેનાથી રહિતપણું તે અમાનીત્વ છે. માનીને સદાને માટે અંતરમાં પોતાને વિષે ‘હું પૂજ્ય છું, હું આદરણીય છું, હું માનનીય છું. એવી બુદ્ધિ સદાય રહ્યા કરે છે. તેને ગમે તેટલું માન, આદર, પૂજા મળે તોય તૃપ્તિ થતી નથી શ્રીજી મહારાજ કહે છે કે, કોઈ પણ પ્રકારનું વાસ્તવિક માન પણ દેહાભિમાનમાંથી જ પેદા થયેલું હોય છે. દેહાભિમાનને જ વધારનારું હોય છે ને જડતાને જ વધારનારું બને છે. તેથી સાધકને વાસ્તવિક જ્ઞાનથી દૂર રાખે છે. માટે માનનો ત્યાગ કર્યા સિવાય બીજા ગમે તેટલા સાચા સાધનો સાધક કરે તો પણ આત્મસ્વરૂપ કે બ્રહ્મરૂપ થતો નથી. જેમ જેમ સાધના વધતી જાય છે ત્યારે જો સાધકમાં અસાવધાની હોય તો માન વધી જશે. માટે જાગૃત રહેવું જોઈએ અને સાથે જ નિર્માનીપણાની પરીક્ષા તેને મહત્‌પુરુષોની અનુવૃત્તિમાં વર્તવાથી થાય છે. મહત્‌પુરુષોની અનુવૃત્તિ જેટલી મન, કર્મ, વચને રહે છે, તેટલું જ અમાનીત્વ તેમાં આવ્યું ગણાય છે. અન્યથા ઘણી વખત બીજાને માન આપતાં આપતાં પણ પોતાનું માન વધતું જાય છે. મારા જેવો બીજાને માન આપનારો બીજો કોઈ નથી ! માટે બીજાને માન આપવામાં પણ સાધકનો ઉદ્દેશ્ય પોતાને માનથી બચવાનો હોવો જોઈએ. હું તેને માન આપું તો તે પણ મને માન આપશે અને માણસે આપવું જ પડતું હોય છે માટે તેવો ઉદ્દેશ્ય ન રાખવો જોઈએ.

ગીતામાં ભગવાને ભક્તિમાર્ગના સાધકમાં સહુથી પહેલા ભયનો અભાવ બતાવ્યો છે. अभयं सत्त्वसंशुद्धि:(અ.૧૬/૧) અને અંતમાં માનીપણાનો અભાવ બતાવ્યો છે; ‘नातिमानीता’(અ.૧૬/૩) પરંતુ જ્ઞાનમાર્ગની સાધનામાં માનીપણાનો અભાવ સર્વથી પ્રથમ જરૂરી બતાવ્યો છે. अमानीत्वम्‌(અ.૧૩/૭) જ્યારે ભયનો અભાવ બધો અંતે બતાવ્યો છે-तत्त्वज्ञानार्थदर्शनम्‌(અ.૧૩/૧૧) અમસ્તુય જ્ઞાનમાર્ગમાં માન વધી જવાની શકયતા વધારે છે, માટે તેનો નિષેધ પ્રથમ જરૂરી છે. જેના હૃદયમાં સાચે જ ભક્તિ વરેલી છે તેમને પ્રહ્‌લાદજીની જેમ સ્વાભાવિક નિર્માન ભાવ આવતો હોય છે. સાચી ભક્તિ જ તેમાં નિર્માની ભાવ લાવવા મદદ કરે છે. તેવું જ્ઞાન સાધના કરતું નથી. તેનો સ્વભાવ માન વધારવાનો છે, માટે ભગવાને અહીં માનનો નિષેધ પ્રથમ બતાવ્યો છે.

अदम्भीत्वम्‌-धार्मिकत्वयश: प्रयोजनतया धर्मानुष्ठानं दम्भ: धार्मिकत्वम्‌-श्रेष्ठत्वं अपि… (न पुन: चोदित कर्तव्यता बुद्धया-इति भाव:)

દેખાડાપણાને(ધર્મધ્વજીપણાને) દંભ કહે છે. જે પોતામાં શ્રેષ્ઠ ગુણો ન હોય તેને નાટકીય ઢબથી બતાવવાને દંભ કહેવાય છે. પોતાની નબળાઈને નાટકીય ઢબથી ઢાંકવાને કપટ કહેવાય છે. બન્ને એક સિક્કાની બે બાજુ જેવા છે. જ્યાં એકનો જ નિર્દેશ હોય ત્યાં બન્ને અર્થો એકમાં જ સમજી લેવા. જ્યાં અલગ નિર્દેશ કર્યો હોય ત્યાં અલગ વિવેક સમજવો. તેનાથી રહિતપણું તે અદંભીત્વ કહેવાય છે. દંભાનુષ્ઠાનમાં ક્રિયા તો સરખી જ અને સારી જ દેખાવામાં હોય છે પણ હેતુમાં-મૌન ઈરાદામાં સચ્ચાઈ હોતી નથી. ઈરાદો અલગ પડી જાય છે અને તે દંભમાં પવિત્ર રહી શકતો નથી. કયારેક પોતાનું માન(સમાજમાં) જાળવવા પોતે હરીફથી નીચા ન લેખાય તેને માટે મજબૂરીથી દંભાનુષ્ઠાન કરવું પડતું હોય છે. સમાજમાં પ્રથમ શ્રેણીમાં જે રહે છે કે દેખાડો કરે છે તેને જ સમાજની શ્રદ્ધાનો ફાયદો થઈ જાય છે. હવે કયારેક આપણે બીજી કક્ષાના હોઈએ ત્યારે ઓછામાં ઓછું આપણા અનુયાયીઓ બીજે ન ચાલ્યા જાય તે માટે આપણે પ્રથમ કક્ષાના છીએ એવું નાટક કે દંભ કરવો ફરજિયાત થઈ જાય છે. કારણ કે તેને આધારે આજીવિકા ગોઠવાય છે. માણસ પોતાની વાસ્તવિકતા સમાજમાં કબૂલ કરી શકતો નથી.

કોઈ વ્યક્તિ-સાધક એકાંતમાં બંધ ઓરડામાં બેસીને-જપ-ધ્યાન-ચિંતન કરી રહ્યો હોય અને સાથે આળસ નિદ્રા પણ લઈ રહ્યો હોય; પરંતુ જ્યારે તેના ઉપર શ્રદ્ધા, પૂજ્ય ભાવ રાખવાવાળા આદમીનો અવાજ આવે. ત્યારે તે અવાજને સાંભળતાં જ તે સાવધાન થઈને જપ ધ્યાન કરવા લાગી જાય છે અને તેના નિદ્રા-આળસ ભાગી જાય છે. એ પણ એક સૂક્ષ્મ દંભ છે. એમાં પણ ઊંડું જોવામાં આવે તો બે વસ્તુ કામ કરતી જણાશે. અવાજ સાંભળીને સાવધાન થઈ જવું એ કોઈ દોષ નથી; પરંતુ એમાં જે દેખાડાપણાનો ભાવ હોય તો દંભ ગણાશે અને પ્રકૃતિગત દોષને દૂર કરીને સારા આશયથી સાવધાન થઈ પાછો સાધનામાં લાગી જતો હોય તો તે ‘લજ્જા’ ગણાશે. તે સાધકની ખાનદાની કે કુળવાનપણું ગણાશે પણ તેમાં ખોટો લાભ પામવાની ઈચ્છા ન હોવી જોઈએ. ત્યારે જ તે લજ્જામાં લેખાશે અને લજ્જા એ સાધકનો ગુણ ગણાશે. દંભ એ દોષ ગણાશે. તેનાથી રહિત થવું તે અદંભીત્વ કહેવાય. દંભ ને લજ્જાભાવમાં લઈ જવો એ પછી તે ખામી પણ દૂર કરવાથી સાધક નિર્દંભ બને છે.

अहिंसा -वाङ्गमन: कायै: परपीडा रहितत्वम्‌-
अनर्थैकफलपीडारू पो व्यवहारो हिंसा। तद्‌रहितम्‌

મન વાણી અને શરીરથી(કાર્યથી) કયારેય કોઈને કિંચિત્‌માત્ર પણ દુઃખ ન દેવાને ‘અહિંસા’ કહેવાય છે.

કૃત, કારિત અને અનુમોદિત એમ કર્તાભેદથી ત્રણ પ્રકારે હિંસા હોય છે.

ઉપર્યુક્ત ત્રણ પ્રકારની હિંસા ક્રોધ, લોભ અને મોહ એમ ત્રણ ભાવોથી થાય છે. આમ અહિંસા નવ પ્રકારની થઈ.

ઉપર નવ પ્રકારની હિંસા ત્રણ માત્રાથી-મૃદુ, મધ્ય અને અધિમાત્રાથી થાય છે. કોઈને થોડું દુઃખ દેવું એ મૃદુમાત્રામાં હિંસા છે અધિક દુઃખ દેવું તે મધ્યમાત્રાની હિંસા છે અને બહુ જ વધારે દુઃખ દેવું-ઘાયલ કરી દેવું અથવા ખતમ કરી દેવું એ અધિમાત્રામાં હિંસા છે. આમ સત્યાવીસ પ્રકાર થયા.

ઉપર્યુક્ત સત્યાવીસ પ્રકારની હિંસા ત્રણ કારણો (ઉપકરણો)થી થાય છે. શરીરથી, વાણીથી અને મનથી તેમાં શરીરથી હિંસા તો સર્વ વિદિત છે. કોઈ શાપ દઈને અનર્થ કરવો તે વાણીની હિંસા છે અને દ્રોહાચરણ એ માનસિક હિંસા છે.

આમ એક્યાસી પ્રકારની હિંસા થઈ એમાંથી કોઈ પણ પ્રકારની હિંસા ન થાય તેનું નામ અહિંસા કહેવાય.

અહિંસા પણ સ્થળગત, કાળગત, સમયગત(નિમિત્તગત) અને વ્યક્તિગત-આમ ચાર સ્થાનોથી બચીને સાર્વભૌમ મહા વ્રત બને છે. તેમાં સ્થળગત જેમ કે તીર્થમાં, મંદિરમાં કે પવિત્ર સ્થાનમાં ન કરવી તે. કાળગત-અમાવસ્યા પૂર્ણિમા, એકાદશી કે પવિત્ર ર્પણીકાળમાં ન કરવી તે. સમયગત (નિમિત્ત) જેમ કે-પુત્રના જન્મ દિવસે-પિતાના નિધન દિવસે હિંસા ન કરવી તે. વ્યક્તિગત જેમ કે ગાય, હરણ, બાળકની હિંસા ન કરવી તે.

क्षान्ति:-परै: पीडयमानस्यापि तान्‌ प्रति अविकृतचित्तत्वम्‌ क्षान्ति એટલે સહનશીલતા, ક્ષમાને કહેવાય છે. પોતાની સામર્થી હોવા છતાં અપરાધ કરવાવાળાને કદી કોઈ પ્રકારે કિંચિત્‌માત્ર પણ શિક્ષા ન થાય-એવો ભાવ રાખવો તથા તેની સામે બદલો લેવાની અથવા બીજા કોઈ દ્વારા શિક્ષા કરાવવાનો ભાવ ન રાખવો તેને ક્ષાન્તિ કહે છે.

आर्जवम्‌-परान्‌ प्रति वाङ्‌ मन: कायप्रवृत्तिनां एकरू पता
‘मनसि अन्यत्‌ वचसि अन्यत्‌’ इति एवं रू पं हि कौटिल्यम्‌।

तन्निवृत्ति: आर्जवम्‌। સરળ સ્વભાવ હોવાને આજર્વ કહેવાય છે. કુટિલતા ન હોવી જોઈએ.

आचार्योपासनम्‌-आत्मज्ञान-परमात्मज्ञानप्रदायिनि आचार्ये उपकारबुध्या प्रणिपात परिप्रश्नसेवादि निरतत्वम्‌। આધ્યાત્મિક વિદ્યા અને સદુપદેશ આપવાવાળા ગુરુને અહીં આચાર્ય કહ્યા છે. ખાસ કરીને પરમાત્મતત્ત્વમાં સ્થિતિ પામેલા જીવનમુક્ત મહાપુરુષને અહીં આચાર્ય બતાવ્યા છે. ‘तद्‌ विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया’ ગીતામાં કહ્યા પ્રમાણે આચાર્યની ઉપાસન કરી ગણાય છે. એમને દંડવત્‌પ્રણામ કરવાં(વિનય કરવો) એમનો આદર સત્કાર કરવો.(હૃદયપૂર્વક) એમના શરીરને સુખ પહોંચાડવાની શાસ્ત્રવિદિત ચેષ્ટા કરવી. એ એમની ઉપાસના કરી કહેવાય. વસ્તુતાએ એમના સિદ્ધાંતો અને ભાવોને પોતાના જીવનમાં-અનુષ્ઠાનમાં લાવવા અને પોતાનું જીવન ઘડવું એ જ સાચા મહાપુરુષોની સેવા હોય છે. કારણ કે દેહાભિમાનીની સેવા તો તેમના દેહની સેવા કરવાથી જ થઈ જાય છે; પરંતુ દેહાતીત-ગુણાતીત મહાપુરુષોની કેવળ દેહની સેવા કરવી એ તેમની સંપૂર્ણ સેવા નહિ ગણાય.

ભગવાને દૈવી સંપત્તિના લક્ષણોમાં(અ.૧૬) आचार्योपासनम् ન આપીને અહીં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના જ્ઞાનના સાધનોમાં તેને બતાવ્યું છે. તેનો અભિપ્રાય એ હોઈ શકે કે આ માર્ગમાં દેહથી અલગ થવાના માર્ગમાં-જ્ઞાન માર્ગમાં ગુરુની જેટલી આવશ્યકતા છે, એટલી નવધા ભક્તિ કરવામાં નથી પડતી. તે સરળ માર્ગ છે, સીધો માર્ગ છે. જો કે ભક્તિમાં પણ ગુરુની જરૂર છે જ. તો પણ તેમાં સત્સંગની(વાતાવરણ-માહોલની) જરૂર વધારે છે. જ્યારે અહીં ગુરુ ઉપાસનની વધારે જરૂર છે. ભક્તિમાર્ગમાં સાધક ભગવાનને આશ્રિત થઈને સાધના કરતો હોવાથી ભગવાન તેની ઊણપોને-વિઘ્ન બાધાઓને દૂર કરી દે છે. યોગક્ષેમ વહન કરે છે ને જરૂરી જ્ઞાન પણ આપી દે છે. જ્યારે જ્ઞાનમાર્ગ કઠિન છે. ભક્તિમાર્ગ જેટલો સહેલો નથી. જ્ઞાનસાધનામાં સાધકસહજ(માનવ સહજ) ખામીઓ રહી જવાની શકયતાઓ ઘણી છે. તેથી ગુરુ ઉપાસન જરૂરી છે. તે ગુરુ ‘श्रोत्रियं ब्रह्मनिष्ठ’ હોવા જોઈએ. તે ગુરુ શાસ્ત્રના અર્થમાં પારંગત અને વિશુદ્ધ જીવન જીવતા હોવા જોઈએ. પરમાત્મામાં સ્થિતિવાળા હોવા જોઈએ.

ગુરુનું કર્તવ્ય છે શિષ્યનું શ્રેય કરવું. જો ગુરુ પોતાના કર્તવ્યનું પાલન ન કરે તો તેમનું નામ તો ગુરુ રહેશે જ; પરંતુ તેમનામાં ગુરુત્વ નહિ રહે. ઊલટું તેનામાં શિષ્યનું દાસત્વ આવી જશે. જ્યાં સુધી ગુરુ શિષ્ય પાસેથી કાંઈ-ધન, માન મોટાઈ વગેરે ઈચ્છે છે ત્યાં સુધી તેમનામાં ગુરુત્વ નહિ રહેતા શિષ્યનું દાસત્વ રહે છે. જો શિષ્ય પોતાનું કર્તવ્ય ન બજાવે તો તેનું નામ શિષ્ય તો રહેશે પણ તેના જન્મ-મૃત્યુ દૂર નહિ થાય. તેનામાં જે ગુરુત્વ આવવું જોઈએ તે નહિ આવે, તે પણ સંસારનો દાસ મટશે નહિ.

शौचम-आत्मज्ञान तत्साधनयोग्यता मनोवाक्‌कायगता शास्त्रसिद्धा। अशुचित्वं हि उतरकर्मादि अयोग्यत्व रूपम्‌। शुचित्वम्‌ तद्‌ योग्यत्वम्‌। रागादय: अनृतादय: निषिद्ध भक्षणादय: मनोवाक्‌कायानाम्‌ अशुद्धय: ।

બાહ્યાભ્યંતરની શુદ્ધિ ને શૌચ કહેવાય છે. જળ માટી વગેરેથી શરીરની શુદ્ધિ થાય છે. અસત્ય ભાષણથી વાણી મલિન થાય છે. તેનો ત્યાગ કરવાથી વાણીની શુદ્ધિ થાય છે રાગથી અંતઃકરણ મલિન થાય છે. તેનો ત્યાગ કરવાથી અંતઃકરણની પવિત્રતા થાય છે. તેમાં પણ પ્રકરણ વિશેષથી અહીં આત્મસ્વરૂપ પ્રાપ્તિમાં વિરોધી એવી ઉપર બતાવેલ અપવિત્રતા દૂર કરવાથી શુચિતા આવે છે. શૌચપૂર્ણ તથા પ્રત્યક્ષ ગોચર ન હોય ને તેથી શાસ્ત્રસિદ્ધ એમ કહ્યું છે. અર્થાત્‌શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે શુદ્ધિ કરવી જોઈએ. બાહ્ય દૃષ્ટિથી પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત થઈ રહેતી નથી.

स्थैर्यम्‌-अध्यात्मशास्त्रोदितेऽर्थे स्थैर्यम्‌-અધ્યાત્મશાસ્ત્રમાં બતાવેલા માર્ગમાં સ્થિરતાને સ્થૈર્ય બતાવ્યું છે. અર્થાત્‌તે અર્થમાં નિસંદેહપણું હોવું જોઈએ. નિસંદેહતા હોય ત્યારે જ એક જ ધ્યેય વસ્તુમાં સ્થિરતા રાખી શકાય છે. ગમે તેટલા વિઘ્ન આવવા છતાં તેમાં અચળ રહેવું તેને સ્થૈર્ય કહેવાય છે.

आत्मविनिग्रह: અહીં આત્મશબ્દનો અર્થ ‘मन’ છે અને તેને વશમાં કરવું તેને આત્મવિનિગ્રહ કહેવાય છે. મન સ્વાભાવિકપણે સર્વત્ર ભટકતું હોય છે. તેને પરમાત્મા સિવાયના વિષયોમાંથી નિવર્તન કરવાને આત્મવિનિગ્રહ કહેવાય છે. મનમાં બે જાતની ચીજો પેદા થાય છે-સ્ફુરણા અને સંકલ્પ. સ્ફુરણા અનેક પ્રકારની હોય છે અને તે સતત આવતી જતી રહે છે. જે સ્ફુરણામાં મન ચોટી જાય છે, જેને મન પકડી લે છે તે સંકલ્પ બની જાય છે. સંકલ્પમાં બે ચીજો છે-રાગ અને દ્વેષ. આ બન્નેને લીધે મનમાં ચિંતન થાય છે. સ્ફુરણા દર્પણની જેમ હોય છે. દર્પણમાં દૃશ્ય દેખાય તો છે; પરંતુ કોઈ પણ દૃશ્ય ચોટતું નથી અર્થાત્‌દર્પણ કોઈપણ દૃશ્યને પકડતું નથી. પકડીને સંગ્રહ કરી લેતું નથી. જ્યારે સંકલ્પ કેમેરાની ફિલમ જેવો હોય છે. જે દૃશ્યને પકડી લે છે. દૃશ્યને પોતાનામાં ઉતારી લે છે, સંગ્રહ કરી લે છે. अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। એવા મનને અભ્યાસથી વારંવાર ધ્યેયમાં લગાડવાથી અન્ય સ્ફુરણાઓ નષ્ટ થઈ જાય છે અને વૈરાગ્યથી અર્થાત્‌કોઈ વસ્તુ, વ્યક્તિ પદાર્થ વગેરેમાં રાગ અને મહત્ત્વ ન કરવાથી સંકલ્પો પણ નષ્ટ થઈ જાય છે. સંકલ્પો રાગ-દ્વેષના છે, સ્ફુરણા અનભ્યાસની છે. માટે તેનો અભ્યાસ અને વૈરાગ્યથી વિનિગ્રહ થાય છે.

इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च।
जन्ममृत्युजराव्याधिदु:खदोषानुदर्शनम्‌।।८।।

અર્થ : ઈન્દ્રિયોથી ભોગવાતા શબ્દાદિક વિષયોમાં રાગે રહિત વર્તવું, કોઈ પ્રકારનો અહંકાર ન રાખવો, આ સંસારમાં અનુભવાતા જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ વિગેરે વિકારોમાં રહેલા દુઃખ અને દોષોનું વારંવાર આલોચન રાખવું. ।।૮।।”

“ફેરવી જાય છે. માન આદર મળતા નથી. ત્યારે પ્રથમની બધી પરિસ્થિતિ યાદ આવે છે, ત્યારે અસહ્ય વેદના અનુભવાય છે.

આ શરીર રોગનું ઘર છે. ‘शरीरं व्याधिमन्दिरम्‌’ એક એક રૂંવાડે બે બે રોગો રહ્યા છે-સાત કરોડ રોગ આ શરીરમાં રહ્યા છે. કયારે કયો ઊભો થાય તેની કોઈ ખાત્રી નથી. એક રોગ થાય તો પણ નરક જેવી યાતના ભોગવવી પડે છે, ત્યારે ઝાઝા ઊભા થાય ત્યારે શું થાય? આમ વારંવાર જોવું. વારંવાર જોવાનું તાત્પર્ય એમ નથી કે તેનું અખંડ ચિંતવન કરવું-અખંડ વિચાર કરવો. તાત્પર્ય એમ છે કે અંતરમાં દૃઢ નિરધાર કરવો કે આ તે શરીરને લગતા આટલાં દુઃખો કોઈ ઉપાયથી શરીરનો સંબંધ રહેતાં છૂટે તેમ નથી, એવો નિરધાર કરવો ને તેનાથી બચવાનું અનુસંધાન રાખવું. ત્યારે શરીરનો રાગ કે આસક્તિ ઓછી થઈ જશે. શરીર સંબંધી ભોગોથી વૈરાગ્ય થશે. જો સાચો વિચાર કરશે તો છૂટવાની ઈચ્છા થશે. કેમ કે ભોગો શરીર માટે જ છે. તેના રાગથી જ જન્મ-મરણ ચક્કર ઊળું થાય છે. શરીરને ‘दु:खालयम्‌ अशाश्वतम्‌’ (૮/૧૫) બતાવ્યો છે. देहाभिमानिनि सर्वे दोषा: प्रादुर्भवन्ति। તમામ દોષો અને તમામ દુખોનું મૂળ કારણ દેહાભિમાન છે. એક તેમનો ત્યાગ કરવાથી સર્વે દોષોનો ત્યાગ થઈ જાય છે, એમ મહારાજે બતાવ્યું છે.

असक्तिरनभिष्वङ्ग: पुत्रदारगृहादिषु।
नित्यंच समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु।।९।।

અર્થ : પુત્ર, દારા અને દેહ-ગેહાદિક વસ્તુઓમાં આસક્તિ ન રાખવી તેમજ તેમાં અતિ મમતાથી બંધાઈ જવું નહિ, સારા-નરસા સંજોગો પ્રાપ્ત થાય ત્યારે તેમાં સદાય સમચિત્તપણું રાખવું. ।।૯।।

असक्ति: આગળના શ્લોકમાં ‘इन्द्रियार्थेषु वैराग्यम्‌’ એમ કહીને સંસાર સંબંધી પંચ વિષયમાં વૈરાગ્યની વાત કરી. હવે આ શ્લોકમાં આભિમાનિક વિષયોમાંથી વૈરાગ્ય અર્થાત્‌સંગરહિતપણું બતાવે છે. ખરેખર તો વૈરાગ્ય શબ્દની અનુવૃત્તિથી જ અસક્તિ, अनभिष्वङ्ग અને समचित्तत्वमक्व જાય છે. અહીં પુનરુક્તિ દોષ નિવારવા માટે થોડા ઊંડા અર્થ લીધા છે કે વિષયમાં વૈરાગ્ય, આત્મવ્યતિરિક્ત, પરિગ્રહ વિષે(અર્થાત્‌પોતાની કરીને માનેલ વસ્તુ-પદાર્થને વિષે) સંગ રહિતપણું, (આને સાંસારિક વિષય કરતાં આભિમાનિક વિષય કહેવા, તે વધારે સ્પષ્ટીકરણ કરનારો ગણાશે) ત્યારે કોઈને શંકા થાય કે મુમુક્ષુ ગૃહસ્થને આભિમાનિક એવા ધર્મોપકરણોનો ત્યાગ કરીને આશ્રમ ધર્મનું નિર્વહન કેમ કરવું? તો તેનું સમાધાન એ છે કે ઉપર્યુક્ત સાધનોનો સ્વરૂપથી ત્યાગ કરવાનો કહ્યો નથી, પણ તેમાં સંગ રહિતતા અર્થાત્‌આસક્તિ રહિતતા કરવાની છે. ધર્મના સાધન તરીકે ઉપયોગ થાય તે બાધરૂપ નહિ બને. તેને માટે તો સન્યાસીઓને પણ ધર્મસાધન ઉપયોગી વસ્તુ રાખીને તેમાં આસક્તિ ન રાખવી એમ નિષેધ કર્યો છે. જેમ કે न कुडयां नोदके सङ्गो न चेले न च विष्टरे। नागारे नाऽसने नान्ये यस्य वै मोक्षवित्तु स: માટે ધર્મ નિર્વાહ માટે તેનો સંગ્રહ રાખવો પણ આસક્તિ ન રાખવી. તે સાચો વૈરાગ્ય છે. સાંસારિક પદાર્થોથી સુખ લેવાની ઈચ્છાથી, સુખની આશાથી, સુખના ભોગથી જ મનુષ્યને તેમાં આસક્તિ અને પ્રીતિ થાય છે. તેને ધર્મનિર્વહન માટે કે પરમાત્માને પ્રસન્ન કરવા માટે કે ભગવાનના સાચા એકાંતિક સંત-ભક્તની સેવા પ્રસન્નતા માટે ઉપયોગમાં લેવાથી આસક્તિનો નાશ થઈ જાય છે ને તેમાંથી વૈરાગ્ય થાય છે.

अनभिष्वङ्ग: पुत्रदारगृहादिषु-पूर्वगृहीतं अनति आवश्यकविषये इषत्‌ सङ्गस्य अपि अभाव:।”

“દેહાભિમાનને દૂર કરનારો થાય છે. માટે તે વિવિક્ત સેવનની ગરજ સારે છે.

अरतिर्जनसंसदि-નું તાત્પર્ય છે કે ઉત્તરોત્તર વધતા સત્ત્વગુણ સિવાય રાજસ, તામસ વ્યક્તિ કે તેમના સમૂહમાં પ્રીતિ રહિતપણું હોવું. સાધારણ જનસમુદાયમાં કયાં કયાં શું શું ચાલી રહ્યું છે, ક્યારે ક્યારે શું શું થવાનું છે, તે જાણવા તલપાપડ થઈ રહેવું, તે જન સંસદીરતિ કહેવાય. જૂના સમયમાં સમય પસાર કરવા રાજસભાઓનું સેવન, મનોરંજન કાર્યક્રમો હતા. અત્યારે તે સમાચાર માધ્યમોનું સેવન, જેમ કે છાપામાં કલાક ક્ષણની જેમ ચાલ્યો જાય. ત્યાં જ કોઈ વચનામૃત શરૂ કરે તો કીડીઓ ચડે ને ભૂસેટીને ભાગે. તેમ જ ટી.વી. ઈન્ટરનેટમાં કેટલો સમય જાય તે બધો આજના અનુસંધાને જન સંસદીરતિ કહેવાય; પરંતુ તત્ત્વ જિજ્ઞાસાથી એકઠા થયા હોય, સત્સંગ સભા હોય, ભજન થતું હોય તેમાં પ્રીતિ તે જન સંસદીરતિ નથી ગણાતી અને ત્યાં તો જરૂર રતિ રાખવી. તે રતિ જ જગત રતિને ઉખેડનારી બને છે.

अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम्‌।
एतत्‌ ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा।।११।।

અર્થ : આત્મસ્વરૂપના અનુસંધાનપૂર્વક પરમાત્મ સ્વરૂપમાં નિત્ય-નિરંતર સ્થિતિ રાખવી અને તત્ત્વજ્ઞાનરૂપ અર્થનું દર્શન-સાક્ષાત્કાર કરવો. આ સઘળું જ્ઞાન એમ કહેવું છે અને આનાથી જે વિપરીત તે અજ્ઞાન જાણવું. ।।૧૧।।”

आत्मनि अधि इति अध्यात्मम्‌ દેહ તથા આત્માની અલગ વિક્તિને અધ્યાત્મ કહેવાય છે. હું ત્રણ દેહથી અલગ એવો ચૈતન્ય આત્મા છું. દેહ જડ, મિથ્યા અને નાશ પામવાના સ્વભાવવાળો છે. આત્મા અવિનાશી, ચેતન અને સદાકાળ રહેનારો નિત્ય છે. એવી દૃઢ માન્યતા કરીને સાધક જેટલો દેહભાવથી અલગ વર્તી શકે, તેટલો તે આધ્યાત્મિક બન્યો કહેવાય છે.

तत्त्वज्ञानार्थ दर्शनम्‌ આત્મા, પરમાત્મા, માયા અને તેના એક બીજા સાથેના સંબંધો-તે તત્ત્વોનું યથાર્થ જ્ઞાન થાય તેને માટે તેનું શ્રવણ, મનન અને રાત્રિ દિવસ નિદિધ્યાસ કરવો તેને તત્ત્વજ્ઞાનાર્થ ચિંતન કહેવાય છે. તત્ત્વજ્ઞાનનો અર્થ શું ? એમ નહિ; પણ તત્ત્વ શું? તેની તાકાત, સ્વરૂપ શું છે તેના ચિંતનરત બની જવું. બીજું કાંઈ પણ ચિંતન ભૂલી જવું, તેને તત્ત્વજ્ઞાનાર્થ ચિંતન કહેવાય છે.

અમાનીત્વથી લઈને તત્ત્વજ્ઞાનાર્થ ચિંતન સુધી જે વર્ણવ્યા તે જ્ઞાન કહેવાય છે.ज्ञायते अनेने आत्मा इति ज्ञानम्‌ એવા અર્થમાં કરણ વ્યુત્પત્તિ અર્થમાં જ્ઞાન શબ્દ અહીં વપરાયો છે. જેનો અર્થ અમાનીત્વ આદિક સાધનો બતાવ્યા તે આત્મજ્ઞાન પ્રાપ્તિના સાધનો છે. આપાતઃ તો પ્રતીતિ સર્વ સુલભ હોવાથી તેમના અપરોક્ષ અનુભૂતિના આ સાધનો છે એમ માનવું. આનાથી બીજું અર્થાત્‌ક્ષેત્ર સંબંધી તમામ જ્ઞાન પણ અજ્ઞાન છે. કારણ તે આત્મજ્ઞાન વિરોધી છે. જે જે આત્મજ્ઞાન વિરોધી છે અને છતાં પણ ગુણ જેવું દેખાતું હોય, તો પણ તે અજ્ઞાન છે એમ જાણવું.

જો સાધકમાં એવો તીવ્ર વિવેક જાગ્રત થઈ જાય કે હું ત્રણ દેહથી અલગ પરમાત્માનો દાસ છું, તો આગળ વર્ણવેલા સાધન સમુદાય આપોઆપ પ્રગટ થવા લાગે છે. સાધકનો ઉદ્દેશ્ય કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાનો દૃઢપણે થઈ જાય, તો પણ સાધન સમુદાય સાધકના જીવનમાં સુગમતાથી પ્રગટ થઈ આવે છે. દેહ આત્માનો અંતરમાં વિભાગ થતાની સાથે જ આ બધા સાધનોનો જીવનમાં આરંભ થઈ જાય છે. પરમાત્માને પામનવાનો ઉદ્દેશ્ય દૃઢ થતાં જ વિવેક પણ આપોઆપ પૂર્ણ કક્ષાએ વિકસિત થવા લાગે છે. વૈરાગ્ય આદિક સાધનોે જીવનમાં આવી જાય છે. દુર્ગુણ-દુરાચારની જડ મૂળથી જ કપાઈ જાય છે. જો કે સાધકને પોતાને આરંભમાં એવો અનુભવ નથી થતો અને પોતાનામાં દોષની હાજરી દેખાતી રહે છે પણ જો ઉદ્દેશ્ય દૃઢ હશે, તો થોડા સમયમાં દોષોનો અભાવ તેને અનુભવાવા લાગશે. સાધનમાં સતત લાગ્યા રહેવાથી અને ઉદ્દેશ્યને દૃઢપણે વળગ્યા રહેવાથી એવી અનુભૂતિ અવશ્ય થાય છે.

ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते।
अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते।।१२।।

અર્થ : જે જાણવા યોગ્ય છે. અને જેને જાણીને અમૃતરૂપ-મુક્તિને પામે છે. તે હું તને સારી રીતે કહીશ-કહું છું. તે અનાદિ-આદિરહિત છે. હું જ જેને પર-પ્રધાન છું એવું બ્રહ્મ છે અને તે બ્રહ્મ સત્‌એમ પણ નથી કહેવાતું, તેમ અસત્‌એમ પણ નથી કહેવાતું. ।।૧૨।।

રામાનુજાચાર્યજીના મતે હવે જ્ઞેય આત્માના લક્ષણનું પરિશોધન કહેવામાં આવે છે. છતાં બધા શબ્દો એવા વપરાયા છે કે જે ભગવાનનું વર્ણન કરનારા હોય. ઊલટો આત્મપરક અર્થ કરવો કઠિન માલૂમ પડે છે. તો પણ પ્રકરણવશાત્‌એ આત્મતત્ત્વનું વિશદ વર્ણન થયું છે. છતાં આત્મા અને પરમાત્મા બન્નેને લાગુ પાડી શકાય છે. તેમાં પરમાત્માપરક અર્થ એકદમ સહેલો છે. તેથી મોટા ભાગના વ્યાખ્યાકારો પરમાત્માપરક અર્થ લઈ લે છે. યર્થાથ અર્થ રામાનુજાચાર્ય ભાષ્ય અને તાત્પર્ય ચંદ્રિકામાં વિશેષ જિજ્ઞાસુએ જોવો. ભગવાન અહીં જ્ઞેય તત્ત્વના વર્ણનનો ઉપક્રમ કરતા પ્રતિજ્ઞા કરે છે કે જેની પ્રાપ્તિને માટે જ મનુષ્ય શરીર મળ્યું છે, જેનું વર્ણન ઉપનિષદો, શાસ્ત્રો અને ગ્રંથોમાં કરવામાં આવ્યું છે, તે પ્રાપ્ત કરવા યોગ્ય જ્ઞેય તત્ત્વનું હું સારી રીતે વર્ણન કરીશ.

આ શ્લોકમાં ભગવાને ‘प्रवक्ष्यामि’ પદથી જ્ઞેય, તત્ત્વનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરી છે. ‘अमृतमश्नुते’ પદથી તેને જાણવાનું ફળ બતાવ્યું છે. ‘अनादिमत्‌’ પદથી તેનું લક્ષણ બતાવ્યું છે. ‘परं ब्रह्म’ પદોથી નામાભિધાન બતાવ્યું છે અને ‘न सत्‌ तत्‌ न असत्‌ उच्यते’ પદોથી તેનું વર્ણન કર્યું છે.

सर्वत: पाणिपादं तत्‌ सर्वतोऽक्षिशिरोमुखम्‌।
सर्वत: श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति।।१३।।

અર્થ : તે બ્રહ્મ સર્વ બાજુએ હાથ-પગવાળું છે. સર્વ બાજુએ નેત્ર, નમસ્કાર અને મુકવાળું છે. સર્વ બાજુએ કાનવાળું છે. કેમકે-લોકમાં સર્વને આવરીને-વ્યાપીને રહે છે. ।।૧૩।।

આ શ્લોકમાં શુદ્ધ આત્મસ્વરૂપનું વર્ણન છે તો પણ શ્રુતિઓ પરમાત્માનું જેવી રીતે વર્ણન કરે છે, તે જ શબ્દોથી વર્ણન કર્યું છે. કારણ કે શુદ્ધ આત્મસ્વરૂપ પરમાત્માને સામ્યતા પામી જાય છે, માટે આત્મામાં પણ તે રીતે ઘટે છે.

ભગવાનને બધી જગ્યાએ હાથ છે. તેથી ભક્ત ભક્તિથી કોઈ પણ જગ્યાએથી અર્પણ કરે છે તે ભગવાન સાક્ષાત્‌લઈ લે છે. ભક્ત ભગવાનને ગમે ત્યાં પોકારે તો ભગવાન સર્વતઃ પાદ હોવાથી રક્ષા કરવા ત્યાં જ હાજર હોય છે. ભક્ત ચંદન લગાડવા ઈચ્છે, પુષ્પ ચડાવવા ઈચ્છે, નમસ્કાર કરવા ઈચ્છે તો ભગવાન ત્યાં હાજર રહે છે.

ભક્ત ભાવથી આરતી કરે છે તો ભગવાન ત્યાં આવી જાય છે. ભોગ ધરાવે છે તો ત્યાં આવીને જમી લે છે. કારણ કે સર્વતઃ પાણી, પાદ, મુખ, નેત્રવાળા ભગવાન છે. જીવાત્મા પણ પરમાત્માની ઉપાસનાથી એવો થાય છે. ભગવાન સર્વ સ્થળે પ્રાર્થના સાંભળે છે.

सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम्‌।
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च।।१४।।

અર્થ : સર્વની ઈન્દ્રિયોના વિષયોનો પ્રકાશ કરનારું છે અને પોતે સર્વ ઈન્દ્રિયોથી રહિત છે. પોતે અસક્ત-નિર્લેપ છે અને સર્વનું ધારણ-પોષણ કરનારું છે. પોતે માયિક ગુણોથી રહિત માટે નિર્ગુણ છે અને નિયન્તાપણે ગુણનું ભોગવનારું પણ છે. ।।૧૪।।

बहिरन्तश्च भूतानामचरं चरमेव च।
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत्‌।।१५।।

અર્થ : ભૂત-પ્રાણી માત્રની બહાર અને અંદર પણ પૂર્ણરૂપે છે. ચર-અચરરૂપે પણ એજ છે. અતિ સૂક્ષ્મ હોવાથી તે દુર્વિજ્ઞેય છે અને દૂર રહેવું પણ એ છે અને સમીપમાં પણ એજ છે. ।।૧૫।।

अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम्‌।

भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ।।१६।।

અર્થ : સ્વયં અવિભક્ત-વિભાગશૂન્ય હોવા છતાં પણ સર્વ ભૂતોમાં વિભક્ત જેવું જ રહેલું છે. પ્રાણીઓનું ભરણ-પોષણ કરનારું, ઉત્પન્ન કરીને વૃદ્ધિ પમાડનારું અને વળી પ્રલય વખતે સર્વને ગળી લેનારું છે અર્થાત્‌સંહાર કરનારું છે. એવું તે જાણવું. ।।૧૬।।

ज्योतिषामपि तज्जयोतिस्तमस: परमुच्यते।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम्‌।।१७।।

અર્થ : સર્વ પ્રકાશ કરનારાં તેજોને પણ તે પ્રકાશ આપનારું છે. માયાના તમ-અંધકારથી પર કહેલું છે. જ્ઞાનરૂપ છે. જાણવા યોગ્ય છે. જ્ઞાનથીજ ગમ્ય-પ્રાપ્ય છે અને સર્વના હૃદયમાં વસી રહ્યું છે. ।।૧૭।।

इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासत:।

मद्‌भक्त एतद्‌विज्ञाय मद्‌भावायोपपद्यते।।१८।।

અર્થ : આ પ્રમાણે ક્ષેત્ર તથા જ્ઞાન અને જ્ઞેય-શુદ્ધ આત્મતત્ત્વરૂપ સંક્ષેપથી કહી બતાવ્યું, મારો ભક્ત આ બરોબર સમજીને મારા ભાવને-સાધર્મ્યરૂપ પરમ પદને પામે છે. ।।૧૮।।

सर्वेन्द्रियगुणाभासम्‌-ઈન્દ્રિયોની જે વૃત્તિ છે તે જ તેના ગુણો છે અને તેના વડે આત્મા સર્વેને જાણનારો છે.

સ્વભાવથી સર્વેન્દ્રિયથી રહિત ચૈતન્ય માત્ર જ તેમનું સ્વરૂપ છે.

પોતા સ્વરૂપ સ્વભાવથી કોઈપણ શરીરમાં આસક્ત નહિ થનારો.

દેવાદિક સર્વદેહને ભરણ કરવામાં સમર્થ છે

સ્વાભાવથી સત્ત્વાદિ ગુણ રહિત હોવાથી તેને નિર્ગુણ કહ્યો છે.

સત્ત્વાદિ ગુણોને ભોગવવામાં સમર્થ છે.

પૃથ્વી આદિ ભૂતોનો ત્યાગ કરીને પણ શરીર વિના પણ અને દેવાદિના શરીરની અંદર પણ રહી શકનારો.

સ્વાભાવથી અચર છે અને દેહાદિના આધારે ચર બને છે.

અતિ સૂક્ષ્મ હોવાથી દેહમાં હોવા છતાં પણ બાહ્ય સાધનોથી જાણી શકાતો નથી.

અમાની વગેરે ગુણો જેનામાં આવ્યા નથી એવા પુરુષોને દેહની અંદર હોવા છતાં પણ અતિ દૂર છે. જ્યારે તેવા ગુણોવાળાને અતિ અનુભૂતિ કરવા અતિ નજીક છે.

દેવતા આદિક તમામ દેહોમાં રહેલ આત્મા-વેદિતાકારે એક પણે અવિભક્તપણે રહ્યો છે. છતાં અજ્ઞાનીની દૃષ્ટિએ અલગ અલગ આ દેવ છે. આ મનુષ્ય છે. એમ દેખાય છે. દેહરૂપે પંચભૂતને ધારી રહેતો હોવાથી भूतभर्तृ-ભૂતોને ધારનાર છે.

અન્નાદિકને ગ્રહણ કરનારો-ग्रसिष्णु છે અને દેહથી બીજા દેહને ઉત્પન્ન કરનારો હોવાથી प्रभविष्णु છે. દેહમાંથી આત્મા અલગ થાય તો તેમ થતું નથી. માટે તે કરનારો આત્મા છે. એમ બતાવ્યું છે.

દિવા આદિ તમામને પ્રકાશ કરનારો છે. જ્યોતિઓનો જ્યોતિ છે. ટનલઃ ક્ષફન્ર પ્રકૃતિથી પર છે. તમસથી પ્રકૃતિ-અંધકાર રૂપા કહેવાણી છે.

એ જીવ જ્ઞાન સ્વરૂપ છે, જાણવા યોગ્ય છે, અમાની આદિ સાધનોથી પ્રાપ્ત કરવા યોગ્ય છે.

વિશેષે કરીને હૃદયમાં રહેલો છે. આ પ્રમાણે પાંચમાં અને છઠ્ઠાં શ્લોકથી ક્ષેત્રતત્ત્વ સંક્ષિપ્તમાં કહ્યું છે अमानित्वम्‌ સાતમા શ્લોકથી ૧૧ શ્લોક સુધી જ્ઞાતવ્ય આત્મતત્ત્વના જ્ઞાનના સાધનો કહ્યા અર્થાત્‌જ્ઞાન કહ્યું. અનાદિ તત્પરં-ઈત્યાદિ બારમાં શ્લોકથી સત્તરમાં શ્લોક સુધીમાં જ્ઞેય એવા ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ બતાવ્યું છે.”

મારો ભક્ત ક્ષેત્રને યથાર્થ જાણીને ક્ષેત્રથી વિલક્ષણ આત્માની પ્રાપ્તિના યથાર્થ ઉપાયને તથા ક્ષેત્રજ્ઞની યથાર્થતાને જાણીને મારા ભાવને પામી જાય છે. સંસારી ભાવથી વિમુક્ત થઈ જાય છે.